Archive for April 2013

Ardha-Saptahik Column by Harsh Meswania


Sunday 28 April 2013
Posted by Harsh Meswania
Tag :

આ પોસ્ટઓફિસ થોડી અલગ છે!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગત સપ્તાહે મુંબઈ સર્કલની પોસ્ટઓફિસે 'મહિલા પોસ્ટઓફિસ'ની નવી પહેલ કરી. જોકે, આવી પહેલ કરનારું મુંબઈ એક માત્ર શહેર નથી. અગાઉ દિલ્હીએ પણ ભારતના પોસ્ટઓફિસના ઇતિહાસમાં એક તવારીખી પ્રકરણ આલેખ્યું હતું

ગત સપ્તાહમાં ગુજરાતના સિંહને મધ્યપ્રદેશમાં મોકલવાની ચર્ચા, સંજયદત્તને જેલમાં જવાની મુદતમાં વધુ એક માસની રાહત, અમેરિકા અને બેંગલુરુમાં થયેલા બ્લાસ્ટ, પરવેઝ મુશર્રફની ધરપકડ અને ધરતીકંપના આંચકા જેવી ઘટનાઓની સાથે સાથે મુંબઈમાં એક નવી પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. દેશમાં અવારનવાર જરૂરિયાત પ્રમાણે કંઈ કેટલીય નવી પોસ્ટઓફિસ બનતી હોય છે એટલે એમાં કશું નવું નથી, પણ આ પોસ્ટઓફિસની પહેલ દેશમાં નવી શરૂઆત છે અને એટલે તેની નોંધ લેવાઈ રહી છે. ગત ૧૨મી એપ્રિલે પોસ્ટલ સેક્રેટરી અને પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પી.ગોપીનાથે દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મહારાષ્ટ્ર અને ગોવા પોસ્ટલ ઝોનની પ્રથમ મહિલા પોસ્ટઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહારાષ્ટ્ર ઝોનની અને મેગા સિટી મુંબઈની પ્રથમ મહિલા પોસ્ટઓફિસ છે. જોકે, દેશમાં તો એક મહિના પહેલાં જ દેશની સૌપ્રથમ મહિલા પોસ્ટઓફિસ ખૂલી ગઈ હતી.

મહિલા સંચાલિત ડાકઘરોની સંખ્યા
કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન અને આઇટી મિનિસ્ટર કપિલ સિબ્બલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮મી માર્ચે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત પોસ્ટઓફિસ શરૂ કરી હતી. આ પોસ્ટઓફિસને દેશની પ્રથમ મહિલા સંચાલિત પોસ્ટઓફિસનું સન્માન મળી ગયું. સિબ્બલે ત્યારે એવું કહ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારને પણ આમાં આવરી લેવાશે. પોસ્ટની તવારીખમાં આ દિવસ ઐતિહાસિક હતો, કારણ કે વિશ્વમાં ક્યાંય આવી મહિલા સંચાલિત પોસ્ટઓફિસ નથી એવો પણ સરકારે દાવો કર્યો છે.

કેવી છે મુંબઈની મહિલા પોસ્ટઓફિસ?
મહારાષ્ટ્રના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ કે સી. મિશ્રાના જણાવ્યા પ્રમાણે સાઉથ મુંબઈમાં આવેલા શહીદ ભગતસિંહ માર્ગ પર નવી ખૂલેલી પોસ્ટઓફિસમાં હાલ પૂરતી ૧૨ મહિલા કર્મચારીઓ સિનિયર સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટની નિગરાની હેઠળ ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંને પ્રકારની સર્વિસ આપશે. જેમાં પોસ્ટ, સ્પીડ પોસ્ટ, ઈ-મનીઓર્ડર, અલગ અલગ બિલનાં ઈ-પેમેન્ટ અને બચત એકાઉન્ટ્સ ખોલી આપવા જેવાં કામો થઈ શકે તેવી સવલત પૂરી પાડવામાં આવી છે. સામાન્ય રીતે મુંબઈ ઝોનમાં ૨૦૧૨ પ્રમાણે ૨૬,૪૬૮ પોસ્ટલ કર્મચારીઓ છે અને એમાંથી ૫,૦૦૮ મહિલા કર્મચારીઓ છે. થોડા સમયમાં મહારાષ્ટ્ર ઝોનમાં હજુ પણ વધુ મહિલા સંચાલિત પોસ્ટઓફિસ ખૂલશે અને વર્તમાન મહિલા કર્મચારીઓને એની જવાબદારી સોંપવામાં આવશે.

શા માટે મહિલા સંચાલિત પોસ્ટઓફિસ શરૂ થશે?
લોકોને સરળતા રહે તે માટે ડાકઘરોની સંખ્યા વધારી શકાય પણ મહિલા સંચાલિત ડાકઘરો શરૂ કરવા પાછળનો શો હેતુ છે? એના જવાબમાં પોસ્ટલ સેક્રેટરી અને પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પી.ગોપીનાથે જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે મહાનગરોમાં સફળતા મળશે એ પછી આગામી એક વર્ષમાં દેશના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ડાકઘરો ઓપન કરવામાં આવશે. એ પાછળનો તર્ક રજૂ કરતાં તેમણે ઉમેર્યું હતું કે દેશમાં પહેલાં આવાં બધાં કામો પુરુષો કરતા હતા, પરંતુ હવે મોટાં શહેરોની જ નહીં ગ્રામીણ મહિલાઓ પણ બેન્કિંગ અને પોસ્ટલને લગતાં કામો કરતી થઈ છે. વળી, ગ્રામીણ મહિલાઓને આવા વહીવટમાં મહિલાઓ જોડે જ કામ કરવાનું થાય તો પોતાની મુશ્કેલી વધારે સરળતાથી મહિલાઓ પાસે રજૂ કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

દેશમાં પોસ્ટની સ્થિતિ
આઝાદી વખતે દેશમાં માત્ર ૨૩,૩૪૪ ડાકઘરો હતાં, અત્યારે આ આંકડો ૧,૫૫,૦૧૫ સુધી પહોંચી ગયો છે. દેશમાં સરેરાશ ૭,૧૭૫ લોકોએ એક પોસ્ટઓફિસ છે અને આપણું પોસ્ટલ નેટવર્ક વિશ્વમાં અવલ દરજ્જાનું સ્થાન ધરાવે છે. આ તમામ પોસ્ટઓફિસીસમાં આશરે ૪,૭૪,૫૭૪ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમાં ૩૪,૯૯૪ મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ ઉપરાંત જે ક્ષેત્રોમાં મહિલાઓ વધુ કામ કરવાનું પસંદ કરે છે એમાં પોસ્ટલ વિભાગનો સમાવેશ પણ થાય છે. આગામી દિવસોમાં જ્યારે દેશમાં મહિલા સંચાલિત ડાકઘરોની સંખ્યા વધારાશે ત્યારે યુવતીઓ માટે આમાં વધુ તકની શક્યતા છે!

Wednesday 24 April 2013
Posted by Harsh Meswania

દમદાર ગુનેગાર, વગદાર માફી



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સામાન્ય માણસ જેવો જ ગુનો કોઈ સેલિબ્રિટી કરે, ભૂલેચૂકે ગુનો સાબિત થાય અને તેને સજા થાય તો માફી અપાવવા માટે એક આખી લોબી કાર્યરત થઈ જતી હોય છે. આવું જ અત્યારે સંજય દત્તની બાબતમાં થઈ રહ્યું હોવાનું લાગે એ સ્વાભાવિક છે. સેલિબ્રિટી હોય અને સજા મેળવી હોય એવો કંઈ સંજય દત્ત પહેલો કિસ્સો નથી. વિશ્વમાં આ પહેલાં પણ આવા તો કેટલાય કિસ્સા બન્યા છે કે જે મોટા ગજાનાં નામો હોવા છતાં કોઈક ગુનામાં સંડોવાયા હોય. ગુનો સાબિત થયો હોય, સજા મળી હોય અને પછી સજા શરૂ થાય તે પહેલા કે અધવચ્ચે જ તેને માફી બક્ષી દેવામાં આવી હોય.

રિચાર્ડ નિક્સનઃ સૌથી વગદાર વ્યક્તિને તેના અનુગામી દ્વારા માફી

ભારતમાં જે પક્ષની સરકાર આવે તેના નેતાઓ પર ચાલતા કેસમાં તેને રાહત મળી જતી હોય છે. જોકે, આવું માત્ર ભારતમાં જ નથી થતું, કાગડા બધે કાળા એ ન્યાયે અમેરિકામાં પણ આ રીતે પોતાના પક્ષના નેતાને માફી આપવામાં આવી હોય તેવા બનાવો બન્યા છે. આવું જ એક નામ એટલે - રિચાર્ડ નિક્સન. રિચાર્ડ નિક્સન એટલે રિપબ્લિક પાર્ટીમાંથી ચૂંટાયેલા અમેરિકાના ૩૭મા પ્રમુખ.

વોટરગેટ સ્કેમમાં તેમની સંડોવણી ખૂલ્યા બાદ રિપબ્લિક પાર્ટી અને નિક્સન માટે મુશ્કેલ સ્થિતિ ખડી થઈ હતી. નિક્સનના અનુગામી અને રિપબ્લિક પાર્ટી વતી ચૂંટાઈને અમેરિકાના ૩૮મા પ્રમુખ બનેલા ગેરાલ્ડ ફોર્ડે પોતાના પુરોગામીને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી. આ ઘટનાના તે સમયે અમેરિકામાં ઘેરા પ્રત્યાઘાતો ઊઠયા હતા અને પછીથી ફોર્ડે નેશનલ ટેલિવિઝનમાં આ માફી અંગે ખુલાસો પણ આપવો પડયો હતો. આજેય એમ મનાય છે કે ૧૯૭૬ની ચૂંટણીમાં ફોર્ડને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જિમ્મી કાર્ટર સામે હારનો સામનો કરવો પડયો એ પાછળ આ નિક્સનનું માફી પ્રકરણ જવાબદાર હતું.

પીટર યેરોવઃ આ સિંગરને જિમ્મી કાર્ટેરે માફી બક્ષી
૧૯૬૦-૭૦ના દશકમાં અમેરિકામાં સિંગર પીટર યેરોવ ખૂબ લોકપ્રિય હતા. અત્યારે તો આ સિંગરની વય ૭૪ વર્ષની છે, પણ જ્યારે તેનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે યુવાનીમાં તેમના પર ૧૪ વર્ષની અને ૧૭ વર્ષની વયની બે બહેનો (જે તેની ફેન હતી અને તેના રૂમમાં ઓટોગ્રાફ લેવા ગઈ હતી) પાસે અણછાજતી માંગણી કરવાનો ગુનો સાબિત થયો હતો. એમ કહેવાય છે કે આ સિંગરની વગ અમેરિકાના મોટા ગજાના નેતાઓ સાથે હતી. તેણે પોતાની વગનો ઉપયોગ કરીને માફી મેળવી હતી એમ પણ કહેવાય છે. જિમ્મી કાર્ટરે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે પીટરને પ્રેસિડેન્સિયલ માફી આપી દીધી હતી.

જ્યોર્જ સ્ટેઇનબ્રેન્નરઃ આ બિઝનેસમેનને રોનાલ્ડ રેગનની કૃપા મળી
અમેરિકન બિઝનેસમેન અને બેઝબોલની ન્યૂ યોર્ક યેન્કિસ ટીમના માલિક જ્યોર્જ સ્ટેઇનબ્રેન્નરે રિપબ્લિક પાર્ટીના રિચાર્ડ નિક્સનની ચૂંટણી ઝુંબેશમાં સંદિગ્ધ ભૂમિકા ભજવી હોવાથી તે કાનૂની સકંજામાં સપડાયા હતા. તેમના પર અલગ અલગ ૧૪ ગુનાઓ દર્જ થયા હતા. તેઓ આ મામલે દંડાયા હતા અને પછી રિપબ્લિક પાર્ટીના જ અન્ય પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને પોતાની ટર્મના છેલ્લા દિવસે આ બિઝનેસમેનના બધા ગુનાઓ માફ કરી દીધા હતા.

જુનિયર જોન્સનઃ કાર રેસિંગનો સુપરસ્ટાર બન્યો માફી પાત્ર
૧૯૫૦-૬૦ના દશકામાં જેનો કાર રેસિંગ ક્ષેત્રે દશકો હતો તેવા રોબર્ટ ગ્લેન જ્હોન્સન (કે જે જુનિયર જ્હોન્સન તરીકે ઓળખાતા હતા) પર જૂના ગુનાઓનો ઓછાયો પડયો હતો. આરોપો સાબિત થયા અને તેને ૧૧ માસની જેલની સજા કરવામાં આવી હતી. ૧૯૭૦ સુધીમાં તો આ સુપરસ્ટાર રેસર ધનવાન ટીમ ઓનર પણ બની ગયો હતો અને તેની ગણના એ સમયે અમેરિકાના વગદાર લોકોમાં થતી હતી. કહેવાય છે કે વગનો ઉપયોગ કરીને તેણે અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પાસેથી માફી મેળવી લીધી હતી.ળ

રોજર ક્લિન્ટનઃ સાવકા ભાઈને બિલ ક્લિન્ટને ઉગાર્યો
અમેરિકાના ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટને તેના સાવકા ભાઈને છેલ્લે છેલ્લે માફી આપીને વિવાદ ઊભો કર્યો હતો. બિલનો સાવકો ભાઈ રોજર ક્લિન્ટન કોકેઇનનું વેચાણ કરતો હોવાનો આરોપ ૧૯૮૪મા મુકાયો હતો. તેને જેલની સજા કરવામાં આવી હતી. ક્લિન્ટને તેમની ટર્મ પૂર્ણ કરતી વખતે અન્ય લોકોની સાથે પોતાના નાના ભાઈને પણ માફી બક્ષી દીધી હતી. આ ઘટનાથી ત્યારે અમેરિકામાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. વિરોધીઓએ આ મામલે બિલ ક્લિન્ટનની ટીકા કરી હતી.

જોકે, બિલ ક્લિન્ટને એકસાથે ૧૪૦ લોકોને માફી આપી દીધી હતી. જેમાં ધનવાન વ્યક્તિ માર્ક રિકનો પણ સમાવેશ થયો હતો. અમેરિકાના પ્રમુખો પોતાની ટર્મ પૂરી થાય ત્યારે છેલ્લે ગુનેગારોને માફી આપતા હોય છે. આ ક્રમ ઘણાં વર્ષોથી જળવાય છે. અબ્રાહમ લિંકને ૧૮૬૫માં આર્થર ઓબ્રાયનને ફાંસી આપી હતી. ત્યાર પછી લગભગ તમામ પ્રમુખોએ આ સિલસિલો જાળવી રાખ્યો હતો. સિનિયર બુશે એસ્લામ પી. આદમને માફી આપી ત્યારે પણ વિવાદ થયો હતો. એટલે કે કોર્ટે ગુનેગાર ઠેરવેલાને માફી આપવી કે કેમ એ મુદ્દે હંમેશાં વિવાદ થતો રહ્યો છે. જે તે દેશના સર્વસત્તાધિશ પાસે ગુનેગારને માફી આપવાની સત્તા હોય છે અને વગદાર લોકો આ પાવરનો ઉપયોગ પોતાની તરફેણમાં કેમ કરવો તે સારી રીતે જાણતા હોય છે. કાયદો તો બધા માટે સમાન જ છે, પણ વગ થોડી સમાન હોય! જે વગદાર છે એ આ રીતે માફી મેળવતા રહે છે, જોઈએ સંજુબાબાનું શું થાય છે!

આપણા દેશમાં છેલ્લે માફી મેળવનારા ભાગ્યશાળીઓ
આપણા રાષ્ટ્રપતિઓ અમેરિકન પ્રમુખો જેટલા દયાળુ નથી હોતા! આપણે ત્યાં ગુનેગારોને ભાગ્યે જ માફી મળે છે. એમાંય અમેરિકામાં જેમ ૧૪૦ને એક સાથે માફી આપી દેવાય છે એવું તો ક્યારેય બન્યું નથી, પણ આ મામલે પ્રતિભા પાટિલ થોડાં વધુ ઉદાર સાબિત થયાં છે. પ્રતિભા પાટિલે ફાંસીના ફંદામાં લગભગ આવી જ ગયેલા ચાર ગુનેગારોને છેલ્લે છેલ્લે માફ કરી દીધા હતા. ઉત્તર પ્રદેશના બન્ટુ પર પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યાનો ગુનો સાબિત થયો હતો. પ્રતિભા પાટિલે જૂન ૨૦૧૨માં તેની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. ઉત્તર પ્રદેશના જ અન્ય એક ગુનેગાર સતીશ પર છ વર્ષની બાળકીનો રેપ કર્યા પછી તેનું ખૂન કરી નાખ્યું હોવાનો આરોપ સાબિત થયો હતો. મે, ૨૦૧૨માં પાટિલે તેને માફી આપી હતી. આ સિવાય કર્ણાટકના બન્ડુ બાબુરાવ તિકડે અને રાજસ્થાનના લાલચંદ ઉર્ફે લાલિયો ધૂમને પણ આવા જ ગુના બદલ ફાંસીની સજા કરાઈ હતી. પ્રતિભા પાટિલે આ બંનેની ફાંસીની સજા પણ આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. એક રિપોર્ટ પ્રમાણે તો પ્રતિભા પાટિલે અલગ અલગ ગુનામાં ફસાયેલા કુલ ૩૫ જેટલા ગુનેગારોને માફી આપી હતી.
Wednesday 10 April 2013
Posted by Harsh Meswania

મત્સ્યોદ્યોગઃ કીડી સંઘરે ને તેતર ખાય



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાતને ૧૬૬૦ કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો મળ્યો અને ફળ્યો પણ છે. બે દિવસ પછી ૫ચમી એપ્રિલે નેશનલ મેરિટાઇમ ડે ઊજવાશે ત્યારે આપણે ગુજરાતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો ધરાવતા માછીમારી વ્યવસાયની અને માછીમારોના જીવનની ખારી-મીઠી વાતો જાણીએ

૫ એપ્રિલ, ૧૯૧૯ના રોજ સિંધિયા સ્ટીમ નેવિગેશનના પ્રથમ વહાણ 'લોયલ્ટી'એ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો તેની યાદમાં આ દિવસને ૧૯૬૪થી નેશનલ મેરિટાઇમ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતના માછીમાર ઉદ્યોગની વાત કરવામાં આવે તો આજે એક સૈકા જેટલા સમયગાળામાં આ ક્ષેત્રે આપણે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતને એશિયાના અન્ય દેશો હંફાવી શકે તેમ નથી. વિશ્વના કુલ મત્સ્ય ઉત્પાદનમાં ભારત સન્માનનીય સ્થાન ધરાવે છે. ભારતમાંથી મળી આવતી માછલીઓની ડિમાન્ડ વિદેશમાં પણ રહે છે. ભારતની ઈકોનોમીમાં માછીમારી ઉદ્યોગનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, આ ક્ષેત્રે હજુ વધુ અવકાશ છે અને આટઆટલી યોજનાઓ પછી પણ સમસ્યાનો મહાસાગર એટલી જ તીવ્રતાથી ઘુઘવાટા મારે છે.

ગુજરાત અને માછીમારીઃ સંબંધ જૂનો, સમસ્યાઓ નવી
ગુજરાતના સાગરખેડૂતો વર્ષે આશરે બે લાખ ટન માછલીનું ઉત્પાદન કરે છે અને અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. ગુજરાતમાં પાંચેક સ્થળોએ મત્સ્ય ઉત્પાદન થાય છે. વેરાવળ, પોરબંદર, માંગરોળ ઉપરાંત અન્ય બે-ત્રણ નાના એકમોની મળીને બધી નિકાસ પીપાવાવ પોર્ટ પરથી કરવામાં આવે છે. આ તમામમાં વેરાવળ બંદર એકલાનું ૮૦ ટકા ઉત્પાદન છે. વેરાવળમાં ૬૦ ફેક્ટરીઝ છે કે જેમાં માછલીનું પ્રોસેસિંગ થાય છે. પોરબંદરમાં ૮ અને માંગરોળમાં ૪ પ્રોસેસિંગ ફેક્ટરીઝ છે. એટલે કે મત્સ્ય ઉત્પાદનમાં વેરાવળ સૌથી મોખરે છે. વેરાવળ અને આસપાસના વિસ્તારના ૬૦ હજાર લોકો સીધી અથવા આડકતરી રીતે માછીમારી પર નભે છે. વેરાવળસ્થિત મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં નોંધાયેલા આંકડા પ્રમાણે ૧૦૭૮૩ લોકો માછીમારી કરવા દરિયાની ખેપ કરે છે. વેરાવળના યુનિટથી જ ૮થી ૯ હજાર કન્ટેનર માછલીની નિકાસ કરવામાં આવે છે.

માછીમારીને લગતી સમસ્યાઓની વાત કરવામાં આવે તો એમાં પ્રથમ વિલનનું નામ છે - પાકિસ્તાન. પાકિસ્તાનના હાથમાં આપણા માછીમારો પકડાઈ જાય છે. પછી થોડા સમયના જેલવાસ બાદ છૂટી તો જાય છે, પણ બોટ પરત આપવાની કોઈ જ વિધિ થતી નથી એટલે ભારત આવ્યા પછી ફરીથી આજીવિકા માટે નવા પ્રયાસો કરવા પડે છે. પાકિસ્તાનમાં જઈ ચડવાના ડરને કારણે હવે માછીમારો સ્થાનિક માછીમારી જ કરે છે, પરિણામે તેની અસર મત્સ્ય ઉત્પાદનમાં પણ પડે છે. આ અંગે વાત કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર જિજ્ઞોશભાઈ વિસાવાડિયાએ જણાવ્યું હતું કે અત્યારે પાકિસ્તાનના કબજામાં ૭૫૦ જેટલી બોટ છે. એક બોટની કિંમત ત્રીસેક લાખ રૂપિયા ગણીએ તો આ રકમ બે અબજ રૂપિયા જેટલી થવા જાય છે. આ પછીનું મોટું પરિબળ એટલે ગંદકી અને પ્રદૂષણ. દરિયાકાંઠાનાં કારખાનાંઓનું દૂષિત પાણી સીધું જ દરિયામાં ભળે છે એટલે દરિયાઈ સજીવો પર જોખમ વધી જાય છે. દૂષિત પાણીના કારણે દરિયાઈ સપાટીના ૨૦-૩૦ કિલોમીટરના વિસ્તારમાં તો માછલીઓ મળતી જ નથી એટલે માછીમારોને દૂરના અંતરની સફર ખેડવી પડે છે.

માછીમારીમાં ઉપલબ્ધ બની રહી છે નવી ટેક્નિક
પહેલાં માછીમારો માછલી પકડવા માટે ડાયમંડ કણની જાળનો ઉપયોગ કરતા હતા. જેમાં નાની-મોટી બધી જ માછલીઓ જાળમાં ફસાઈ જતી હતી. પરિણામે એવું થતું હતું કે માછલીની સંખ્યા સતત ઘટી જતી હતી. એને બદલે હવે ૪૦ એમ.એમ.ની ચોરસ કણની જાળનો ઉપયોગ થાય તેવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ જાળમાંથી નાનકડી માછલીઓ મુક્ત થઈ જાય છે અને એ રીતે માછલીઓની સંખ્યા બેલેન્સ રહી શકે છે. આ સિવાય જો બોટ દરિયામાં જ થોડા દિવસો વધુ રહે તો ત્યાં માછલીઓ વધારે સમય સુધી સચવાય તેવાં અત્યાધુનિક બોક્સ ઉપલબ્ધ થયાં છે. પ્રોસેસિંગ કરતાં કારખાનાંઓમાં પણ નવી ટેક્નિક્સ આવી ગઈ છે. થોડાં વર્ષો પહેલાં માછલીને માઇનસ ૧૮ ડિગ્રી તાપમાનમાં ફ્રીઝ કરવા માટે ૬-૮ કલાક લાગતા હતા, એના બદલે હવે માત્ર ૨૦ જ મિનિટ્સમાં આ પ્રોસેસ થઈ જાય છે.


માછીમારોની લાઇફ સ્ટાઇલઃ જોખમ વધુ, વળતર ઓછું!
મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉમેશ ગોહેલે માછીમારોની લાઇફ સ્ટાઇલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અન્ય નોકરી-ધંધા કરતાં માછીમારની જિંદગી ઘણી બધી રીતે પડકારજનક છે. પાકિસ્તાન જેવા દુશ્મન દેશની જેલમાં જવા સિવાય પણ ઘણા પડકારોનો સામનો માછીમારો કરે છે. દરિયાની એક સફર માટે ઓછામાં ઓછા મહિનામાં વીસેક દિવસ તો પરિવારથી દૂર રહેવું જ પડે છે. વળી, બધા લોકો પાસે પોતાના પરિવારની બોટ હોતી નથી એટલે બીજાની બોટ પર રોજમદાર તરીકે જ મોટાભાગે કામ કરવાનું આવે છે. એટલે નવી સફર ક્યારે શરૂ થાય એનું કશું જ નક્કી હોતું નથી. ઘણી વખત માત્ર થોડા કલાકોમાં જ નવી સફરે ઊપડવું પડતું હોય છે. ધારો કે એક પરિવારના ત્રણેક સભ્યો આ રીતે અલગ અલગ બોટમાં કામ કરતા હોય તો શક્ય છે કે એ ત્રણેય એક વર્ષ સુધી મળી ન પણ શકે! નવેક માસ દરિયામાં રહ્યા બાદ ચોમાસાના ત્રણેક માસ દરમિયાન ઘરે રહેવાનું બનતું હોય છે. આ વિશે વાત કરતા એક માછીમારે કહ્યું કે જે જહાજ અમને નવ-દસ મહિના સાચવે એને એ ત્રણ માસ દરમિયાન સાચવવાની અમારી પણ ફરજ છે એટલે એ ગાળામાં જહાજની મરામત કરાવવાની જિમ્મેદારી પણ આ માછીમારો નિભાવે છે. સરકારના દાવા પ્રમાણે માછીમારી ઉદ્યોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એટલે આપણને સહેજેય થાય કે જેના ખભા પર આ આખો ઉદ્યોગ નભે છે એવા માછીમારોને તો સારું એવું વળતર મળતું હશે, પણ ખરેખર એવું નથી! પોતાના જીવના જોખમે દરિયામાં જતા માછીમારોને વળતર પેટે મહિનાના ચાર-પાંચ હજાર રૂપિયા મળે છે. અનિલ જુંગી નામના માછીમારે આ અંગે કહ્યું હતું કે, સૌથી વધુ પગાર જહાજના ટંડેલને અને સહટંડેલને મળે છે. ટંડેલને ૧૫ હજાર અને સહટંડેલને ૧૦ હજાર જેવી રકમ મળે છે. વર્ષોના અનુભવ પછી ટંડેલને મળતી આ રકમ ખૂબ જ ઓછી કહી શકાય. અન્ય ઉદ્યોગોની જેમ આ વિશાળ મત્સ્ય ઉદ્યોગ પણ ધીરે ધીરે સ્થાપિત હિતોના સકંજામાં આવી ગયો હોવાની લાગણી માછીમારોએ વ્યક્ત કરી હતી.

લુપ્ત થતી મોંઘેરી માછલીઓને બચાવવી જરૂરી
રત્નાકરના પેટાળમાંથી અવનવી માછલીઓની અસંખ્ય પ્રજાતિઓ મળી આવે છે. માછલીઓની ખાસિયતો પ્રમાણે તેનું વળતર પણ મળે છે. ગુજરાતમાં આશરે અલગ અલગ ૭૦થી ૮૦ જાતની માછલીઓ મળી આવે છે. જેમાંથી અમુક માછલીઓની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે. દરિયામાં વધતી જતી ગંદકીને કારણે માછલીઓ લાંબું જીવતી નથી. વળી, મોંઘેરી માછલીઓના ભાવ વધુ મળતા હોવાથી માછીમારો તેને પકડવાની લાલચ રોકી શકતા નથી અને એ રીતે લોબસ્ટર, કોમ્પ્રેસ, રાણી ફિશ જેવી પ્રજાતિની માછલીઓની સંખ્યા ખૂબ જ ઘટવા લાગી છે. લોબસ્ટર માછલીના એક કિલોનો ભાવ એક હજાર રૂપિયા જેટલો હોય છે, તો કોમ્પ્રેસ ૭૦૦ રૂપિયે કિલો ખપે છે. ટોંટણ, જિંગા અને રાણી ફિશનું પણ સારું એવું વળતર મળી રહે છે. એટલે જો આવી થોડી માછલીઓ પણ મળી જાય તો દરિયાનો ફેરો સફળ થઈ જાય છે. આ મોંઘેરી માછલીઓ જે વિસ્તારમાંથી વધારે માત્રામાં મળતી હોય ત્યાંથી વધુ ને વધુ તેને પકડી લેવામાં આવે છે. પરિણામે તેની સંખ્યામાં વધારો થઈ શકતો નથી. એટલે હવે આમાંની અમુક માછલીઓ તો ક્યારેક જ જાળમાં આવે છે!


Wednesday 3 April 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -