Archive for June 2013

વિશ્વનું સર્વાધિક લોકપ્રિય સોંગ : 'હેપી બર્થ ડે ટુ યુ'


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગના કોપીરાઇટ માટે અત્યારે બરાબરની લડત ચાલી રહી છે. આ સોંગના કોપીરાઇટ ધરાવતી કંપની સામે એક ફિલ્મમેકરે બાંયો ચડાવી છે. તેમનો દાવો છે કે આ પબ્લિક સોંગ છે. દાવામાં દમ છે કે પછી ખરેખર પેલી કંપની પાસે કોપીરાઇટ છે એ તો કોર્ટના નિર્ણય પછી જ ખબર પડશે, પરંતુ આ સોંગના કોપીરાઇટનો મામલો પહેલાંથી વિવાદિત રહ્યો છે. સોંગ લોકપ્રિય પણ રહ્યું છે અને વિવાદિત પણ રહ્યું છે

વેરાવળથી લઈને વ્હાઇટહાઉસ સુધી કોઈનો બર્થ ડે મનાવાતો હોય અને એમાં 'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગની ગેરહાજરી હોય તો કદાચ બર્થ ડે ફિક્કો લાગે! પણ આ સોંગ ગાતી વખતે આપણે ભાગ્યે જ સોંગ કોણે લખ્યું હશે? અને કોણે કંપોઝ કર્યું હશે? એનો વિચાર કરતા હોઈએ છીએ. આ બર્થ ડે સોંગ પર છેલ્લાં ૧૨૦ વર્ષથી એક કંપનીનું આધિપત્ય છે અને એ કંપની વર્ષે કરોડો ડોલરની કમાણી આ એકમાત્ર સોંગના બલબૂતા પર કરે છે એની પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. અત્યારે આ સોંગ એક નોખા કારણથી વિશ્વભરનાં સમાચાર માધ્યમોમાં ચમક્યું છે. હેપી બર્થ ડે સોંગ પર કોઈ એક કંપનીનો એકહથ્થુ અધિકાર હોઈ ન શકે એવી એક અરજી કોર્ટ પાસે નિર્ણય માટે પેન્ડિંગ પડી છે. આ દાવાને ચોમેરથી સમર્થન પણ મળી રહ્યું છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે 'હેપી બર્થ ડે સોંગ' પર અને શબ્દો પર કોઈનો અધિકાર ન હોવો જોઈએ, કેમ કે તે વિશ્વનું સૌથી લોકપ્રિય બર્થ ડે સોંગ છે. ગીતની અન્ય રસપ્રદ બાબતો જાણતા પહેલાં તેના લેટેસ્ટ વિવાદ તરફ એક નજર કરવા જેવી છે.

લેટેસ્ટ વિવાદ : મહિલા ફિલ્મમેકર કંપની પર ભારે પડી રહી છે
ડોક્યુમેન્ટરી ફિલ્મમેકિંગમાં સારી એવી ખ્યાતિ ધરાવતાં અમેરિકન મહિલા ફિલ્મમેકર જેનિફર નેલ્શને 'હેપી બર્થ ડે' નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ત્યારથી આ વિવાદનો મધપૂડો છેડાયો છે. જેનિફરની કંપનીએ કોપીરાઇટ ધરાવતી કંપની વાર્નર-ચેપલને આ નામ વાપરવા માટે વળતર પેટે આશરે ૮૭ હજાર રૂપિયા ચૂકવ્યા છે. જોકે, ફિલ્મમેકરે ન્યૂ યોર્કની કોર્ટમાં એવો દાવો કર્યો છે કે કંપનીને રોયલ્ટીની રકમ આપી હોવા છતાં તેના પર માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેનિફરના કહેવા પ્રમાણે સોંગના સર્જનને ૧૨૦ વર્ષનો સમય વીતી ગયો છે એટલે નિયમ મુજબ એમાં કોપીરાઇટ શક્ય નથી. બીજી તરફ બચાવમાં એવી દલીલ થઈ રહી છે કે સોંગની સર્જક બે બહેનો પૈકી એક પેટ્ટી હિલનું નિધન ૧૯૪૬માં થયું છે એટલે અમેરિકન કાયદા પ્રમાણે સર્જકના નિધન પછી ૭૦ વર્ષ સુધી કોપીરાઇટ જીવંત રહે છે એ રીતે આ સોંગના હકો ૨૦૧૬માં મુક્ત થશે.

બે બહેનોએ બાળકો માટે સોંગનું સર્જન કર્યું હતું!
બે અમેરિકન બહેનો પેટ્ટી હિલ અને મિલ્ડ્રેડ હિલ કેન્ટુકીની એક બાળવાડીમાં શિક્ષકની નોકરી કરી રહ્યાં હતાં ત્યારે બાળકો માટે તેમણે એક ગીત લખ્યું હતું - 'ગુડ મોર્નિંગ ટુ યુ'. મિલ્ડ્રેડ હિલ સંગીતની શોખીન હતી અને તેણે આ ચાર લીટીના સોંગને સંગીતબદ્ધ પણ કર્યું. આ બંને બહેનો સવારે શાળામાં જાય ત્યારે ભૂલકાંને આ હૂંફાળું ગૂડ મોર્નિંગ સોંગ ગાઈ સંભળાવે. શાળામાં અને શહેરમાં આ સોંગ ખૂબ લોકપ્રિય બની ગયું. ત્યાર પછી એ જ અરસામાં ગૂડ મોર્નિંગની જ સ્ટાઇલથી તેમણે વધુ એક સોંગ લખ્યું - 'હેપી બર્થ ડે ટુ યુ...'. ચાર લીટીનું સોંગ આ બંને બહેનોએ પછી પોતાની સોંગ બુક 'સોંગ સ્ટોરીઝ ફોર ધ કિન્ડરગાર્ટન'માં સમાવ્યું હતું. બર્થ ડે સોંગની લોકપ્રિયતાની શરૂઆત ૧૯૨૦ આસપાસ થઈ. કાર્ટૂન શ્રેણીઓથી લઈને રેડિયો સુધી આ સોંગ લોકપ્રિય બન્યું. આ દરમિયાન પેલી સર્જક બહેનોમાંથી એકનું નિધન થઈ ચૂક્યું હતું અને એના તરફથી કોપીરાઇટનો દાવો કરાયો નહોતો એટલે બધાને લોકપ્રિય સોંગની લોકપ્રિયતા અંકે કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. દરમિયાન આ બંનેની બહેન જેસિકા હિલે પોતાની બહેનો વતી કોર્ટમાં ઘા નાખી અને પૂરતા પુરાવાઓ રજૂ કરીને લડત ચલાવી. અંતે ૧૯૩૪માં તેમને સોંગના તમામ હકો મળ્યા. અત્યારની લડતનાં મૂળિયાં છેક અહીં રોપાયાં હતાં. એક્ચુઅલી હિલ સિસ્ટર્સે જેમને આ સોંગના રાઇટ્સ આપ્યા હતા તે કંપની બીર્ચ ટ્રી લિમિટેડને ૧૯૯૮માં અમેરિકાની જાણીતી મ્યુઝિક કંપની વાર્નર-ચેપલે ખરીદી લીધી. ખરેખર તો બીર્ચને ખરીદવા પાછળ વાર્નર-ચેપલની ગણતરી આ સોંગની લોકપ્રિયતાની રોકડી કરવાની જ હતી. આ કંપની હેપી બર્થ ડે સોંગ દ્વારા વર્ષેદહાડે બે મિલિયન ડોલર એટલે કે આશરે ૧૨ કરોડ રૂપિયાનો ધીકતો ધંધો કરે છે અને એટલે જ તેના હકો પોતાની પાસે રાખવાની સતત કોશિશ કરે છે.

મૂળ સોંગ પણ અન્ય લોકપ્રિય ગીતોની ઉઠાંતરી છે?
ઘણાં અમેરિકન માને છે કે મૂળ સોંગ પર ૧૯મી સદીનાં લોકપ્રિય ગીતોની ગાઢ અસર છે. તે સમયે અમેરિકામાં હોરાસ વોટર નામના સંગીતકારની એક ધૂન 'હેપી ગ્રીટિંગ્સ ટુ ઓલ' ખૂબ લોકપ્રિય થઈ હતી. આ ગીતની અસર હેપી બર્થ ડે ગીતના શબ્દો પર અને ધૂન પર પડી હતી. આ સિવાય 'ગૂડ નાઇટ ટુ ઓલ', 'હેપી ન્યૂ યર ટુ ઓલ' વગેરે ગીતોથી આ બંને પ્રભાવિત હોય એવું બની શકે છે!

વિવાદ ગમે તેવો મોટો હોય પ્રચંડ લોકપ્રિયતા સામે બધું ફિક્કું!
ગીત સામે વિવાદ ભલે ગમે એટલો મોટો હોય, પણ તેની પ્રચંડ પોપ્યુલારિટી સામે બધું જ શમી જાય છે. 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૧૯૮૯માં સૌથી લોકપ્રિય ગીતોમાં આ ગીતને પહેલા નંબરે મૂક્યું હતું. તો વળી, બીબીસીએ ડિસેમ્બર, ૨૦૧૨માં વિશ્વના સંગીત ઇતિહાસનું સૌથી વધુ કમાણી કરનારા ગીત અને ટ્રેક તરીકે તેને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. આ એકમાત્ર ગીત છે કે જે સ્પેસમાં પણ ગુંજ્યું છે. ૮ માર્ચ, ૧૯૬૯માં નાસાના વિજ્ઞાની ક્રિસ્ટોફર ક્રાફ્ટનો બર્થ ડે તેમના સાથીઓએ આ ગીત ગાઈને મનાવ્યો હતો. હોલિવૂડની ઓલટાઇમ પોપ્યુલર અભિનેત્રી મેરેલિન મનરોએ ૧૯૬૨માં અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના બર્થ ડે પર આ બર્થ ડે ગીત રજૂ કર્યું હતું. એક અમેરિકન પિયાનિસ્ટ વિક્ટર બોર્ગ આ ગીત રજૂ કરીને સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. એમ તો આપણે ત્યાં પણ આ સોંગનો ક્યાં ઓછો ઉપયોગ થયો છે! રફી સાહેબનું 'હેપી બર્થ ડે ટુ યુ' સોંગ આજેય બર્થ ડે પર ખાસ પેશ થતું હોય છે. આ સિવાય ઉદિત નારાયણનું હેપી બર્થ ડે મિ. પેડ્રો, હેપી હેપી બર્થ ડે ટુ યુ...જેવાં ગીતો ભારતીય ફિલ્મી સંગીતમાં લોકપ્રિય ગીતોની શ્રેણીમાં સ્થાન પામે છે. જોકે, બર્થ ડે સોંગની કમાણી કરવા ભલે જંગ જામતો, આપણે એમાં એક રૂપિયો પણ નહીં આપવો પડે, કેમ કે તમે તમારા દોસ્તોની બર્થ ડે પાર્ટીમાં આ ગીત ગાતાં હશો તો કોઈ જ કોપીરાઇટ નહીં બને. ડોન્ટ વરી!     

Wednesday 26 June 2013
Posted by Harsh Meswania

મોરચંગ : વિસરાતા સૂર અને ભૂંસાતો વારસો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા.

૨૧મી જૂને 'વર્લ્ડ મ્યુઝિક ડે' છે. સંગીતને અને માણસને અતૂટ નાતો છે. એમાં પણ લોકસંગીત જે તે સમાજ કે સંસ્કૃતિની ઓળખ વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. ગુજરાત લોકસંગીત અને લોકવાદ્યોની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે, પણ હવે દિવસે દિવસે લોકસંગીત-લોકવાદ્યો તરફની લોકોની રુચિ ઘટી રહી છે. અહીં આપણે કચ્છના વિસરાતાં જતાં સુરીલાં લોકવાદ્ય મોરચંગ વિશે થોડી વાતો કરીએ

લોકવાદ્યો અને લોકસંગીતની બાબતમાં આપણે ત્યાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. અમુક લોકવાદ્યો જે તે પ્રદેશની ઓળખ સમા હોય છે. કચ્છની ઓળખ આપતું આવું જ એક વિસરાતું લોકવાદ્ય એટલે મોરચંગ. મોર જેવો આકાર હોવાથી તેને મોરચંગ કહેવામાં આવે છે. કચ્છના માલધારીઓ તેને ટૂંકમાં ચંગ કહે છે.

ગુજરાતમાં તેને મોરચંદ પણ કહે છે. છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં વાંસમાંથી બનતા મોરચંગને ઘોઘરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાં મોરશીંગ કે મુરઝાંગ કહેવામાં આવે છે. કચ્છનું આ લોકવાદ્ય વિશ્વભરમાં લોકપ્રિય છે. ભલે નામ બદલાઈ જતું હશે, થોડો આકાર અને દેખાવ પણ બદલાઈ જતો હશે, પરંતુ સૂર તો એ જ રહે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં મોરચંગનાં એક હજાર જેટલાં નામો મળે છે. એક સમયે મોરચંગ કચ્છના માલધારીઓનું પ્રિય વાદ્ય ગણાતું હતું. મોરચંગને એકાંત સાથે સંબંધ છે અને એટલે જ તેને એકલતાના વાદ્ય તરીકે વધુ ઓળખવામાં આવે છે. વગડો, એકલતા અને મોરચંગ એકબીજાના પૂરક બની જતા હતા. લોકસાહિત્યકાર મંગલ રાઠોડના માનવા પ્રમાણે મોરચંગ બે કામ સરસ રીતે કરે છે. એક વાતાવરણને સૂરમય બનાવી દે છે અને બીજું લોકસંગીતમાં જેને ખાલીજગ્યા (લોકગીતોમાં બે કડી વચ્ચે આવતી જગ્યા) કહે છે એને એ ભરી દે છે. જોકે, ગુજરાતમાં હવે મોરચંગની સુરાવલી રેલાવનારા કલાકારો ગણ્યાગાંઠયા જ રહ્યાં છે.

આંગળીના વેઢા પણ વધી પડે એટલા જ બચ્યા છે મોરચંગના કલાકારો
મોરચંગમાંથી સૂર રેલાવી શકતા કલાકારોની વાત કરવાની હોય તો માંડ પાંચ-છ નામ લઈ શકાય એવી સ્થિતિ છે. ભારતભરમાં મોરચંગના કાર્યક્રમો આપતા કલાકાર ઉમેશ જડિયાના જણાવવા પ્રમાણે મોરચંગ સારી રીતે વગાડી શકતા છએક કલાકારો છે. જેમાં ઉમેશભાઈ ઉપરાંત સામતભાઈ સાજણ પઠાણ, મુસા ગુલામ જત, મકબ હાસન જત, ભગુભાઈ ભીલ અને ઈસ્માઇલ જતને મુખ્ય ગણાવી શકાય. બાકીના થોડા એવા લોકો પણ છે જે અત્યારે શીખી રહ્યાં હોય. લોકો મોરચંગ શીખવામાં ઉમળકો દાખવતા ન હોવાનાં ઘણાં કારણો છે. એક તો આ વાદ્ય સરળતાથી શીખી શકાતું નથી. શીખવામાં અને વગાડવામાં જોખમ છે. મોરચંગ વગાડવાનું કઠિન એટલા માટે છે કે તેનાથી શ્વાસની બીમારી થઈ શકે છે. આ ઉપરાંત ફેફસાં અને ગળામાં પણ તેનાથી અસર થાય છે. ક્યારેક હોઠ, દાંત અને જીભમાં ઈજા થઈ શકે છે તો ક્યારેક મૂછો કપાઈ જાય છે. બીજું કે પહેલાં માલધારીઓ પશુધન લઈને વગડામાં જતા ત્યારે સાથે મોરચંગ રાખતા અને એ તેનું મનોરંજનનું સાધન બની રહેતું. એની સામે અત્યારે એવી નવરાશ જ મળવી મુશ્કેલ છે. જોકે, જેમ વગાડનારા ઘટયા છે એમ બનાવનારા પણ ઘટયા છે.

કચ્છમાં મોરચંગ બનાવનારા માત્ર બે કારીગરો
કચ્છમાં વલીમામદ અને અંજિયાના જુમા લુહાર નામના બે કારીગરો અત્યારે મોરચંગ બનાવવામાં માહેર ગણાય છે. સામાન્ય રીતે આ વાદ્ય ૫૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીનું મળી રહે છે. માલધારીઓ પોતાના શોખ માટે એમાં કંઈક નવું ઉમેરે તો એ મુજબ તેની કિંમત વધતી રહે છે. મોરચંગ લોખંડ, સ્ટીલ અને પિત્તળમાંથી પણ બને છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જે મોરચંગ વગાડે છે તે વાંસમાંથી બને છે. બે-ત્રણ ઈંચથી લઈને એક મીટર સુધીનાં મોરચંગ બને છે. મોરચંગમાં જિહ્વા બેસાડતી વખતે કારીગરની કુશળતાનો ક્યાસ નીકળી જાય છે. ચોક્કસ માપ લીધા પછી જિહ્વાને ભઠ્ઠીમાં ગરમ કર્યા બાદ ટીપીને મોરચંગમાં બેસાડવાની હોય છે. મોરચંગ બની જાય ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવે છે. જેમાં કારીગરના દાંતની મજબૂતીની પરીક્ષા થાય છે. તેના પરીક્ષણ વખતે કંકુ-ચોખાનો ચાંલ્લો કરવાનો રિવાજ છે.

ઘાટ ઘડયા પછી નામરૂપ જૂજવાં, પણ છે તો બધે મોરચંગનો જ જાદુ
ગુજરાતમાં મોરચંગની ઓળખ કચ્છી લોકવાદ્ય તરીકેની રહી છે, પણ આમ તો આ વાદ્ય આખા ભારતમાં લોકપ્રિય રહ્યું છે. કચ્છથી લઈને છેક પાકિસ્તાનના સિંધ સુધીના રણ પ્રદેશમાં આ વાદ્યમાંથી સૂરો રેલાતા રહ્યા છે. આ ઉપરાંત પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળ સુધી અલગ અલગ નામે આ વાદ્ય લોકસંગીતમાં ભાગીદાર બન્યું છે. જાણીતા સંગીતકાર અને કચ્છના કલાકારો સાથે લાંબો વખત કામ કરનારા દેવલભાઈ મહેતાના જણાવવા પ્રમાણે આ માત્ર કચ્છનું જ લોકવાદ્ય નથી, પણ જુદા જુદા દેશોના સંગીતમાં તે મહત્ત્વનું રહ્યું છે. તેમના માનવા પ્રમાણે આ વાદ્ય કચ્છમાંથી કે ઈવન સિંધ પ્રદેશમાંથી ઉદ્ભવ્યું છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. યુરોપ અને અમેરિકન દેશોમાં મોરચંગ લોકસંગીતનું અગત્યનું વાદ્ય છે. અલબત્ત, ત્યાં તે 'જો હાર્પ'ના નામે ઓળખાય છે. મોંગોલિયા, ચીન, જાપાન, ઈરાન, થાઈલેન્ડ જેવા દેશોના લોકસંગીતમાં તેનો વિશિષ્ટ વાદ્ય તરીકે ઉપયોગ થાય છે. મોંગોલિયાની મોંગ જાતિમાં મૃત્યુ વખતે મોરચંગવાદન થાય છે. તો ઈન્ડોનેશિયા, બાલી, જાવા અને સુમાત્રાના આદિવાસીઓ કબ્રસ્તાન બનાવવા ફાળો એકત્ર કરવા માટે મોરચંગમાંથી સુરાવલીઓ રેલાવે છે. એટલું જ નહીં પોતાના વિશેષ ઉત્સવો વખતે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ મોરચંગના તાલે આ આદિવાસીઓ નૃત્ય કરે છે. મોંગોલિયાની આદિવાસી મહિલાઓ તો વાદ્યની મદદ વગર મોં અને આંગળીઓની કરામત કરીને મોરચંગ જેવો અવાજ કાઢી શકે છે. આ રીતે અવાજ કાઢવાનું કામ ખૂબ જ કષ્ટદાયક હોય છે. કહેવાય છે કે કચ્છના ઈશાકભાઈ નામના એક કલાકાર આવી જ રીતે વાદ્ય વિના ગળામાંથી અદ્લ આવો જ અવાજ કાઢી શકતા હતા.

નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મોરચંગ મહોત્સવ દર ત્રણ વર્ષે યોજાય છે. જેમાં દુનિયાના ગણનાપાત્ર મોરચંગ કલાકારો સૂર રેલાવે છે તો 'તુવા'માં આ વાદ્ય રાષ્ટ્રીય વાદ્ય તરીકેનો માન-મોભો ધરાવે છે. આપણે ત્યાં ભલે આ કલા, કલાકારો અને વાદ્ય બધું લુપ્ત થઈ રહ્યું છે, પણ દુનિયા આખીમાં આ વિશિષ્ટ વાદ્ય મોરચંગની કળા હજુ જીવે છે.
 કલાકાર ઉમેશ જડિયા

Wednesday 19 June 2013
Posted by Harsh Meswania

ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ

ગોરખનાથજીની ગુફા

તીર્થાટન - હર્ષ મેસવાણિયા

આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે. કામરુ દેશમાં જઈ ચડેલા પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને આ પ્રતાપી શિષ્ય પાછા લાવ્યા હોવાની કથા તેમની સાથે જોડાયેલી છે અને 'જાગ મછન્દર ગોરખ આયા' એ બહુ જાણીતી ઉક્તિ તેમની સાથે જોડાયેલી છે. ગોરખનાથે આખા ભારતમાં અલગ-અલગ જગ્યાએ તપસ્યા કરી હતી અને ધર્મોપદેશ આપ્યો હતો. આજે પણ તેમની યાદમાં જુદાં જુદાં સ્થળે ગોરખધૂણો, ગોરખગુફા વગેરે મોજૂદ છે, પણ તેમના નામથી આખા ગામનું નામ પડયું હોય એવું કદાચ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાને બાદ કરતાં આખા ભારતમાં એકમાત્ર ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં જ બન્યું છે. ગોરખનાથે મઢી બનાવીને વર્ષો સુધી જ્યાં તપસ્યા કરી હતી તે સ્થળ આજે ગોરખમઢીના નામે જાણીતું છે. સોમનાથથી કોડિનાર તરફ જતાં બારેક કિલોમીટરના અંતરે ગોરખમઢી ગામ આવેલું છે. સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ એક સમયે નિર્જન જગ્યા હતી. એક કથા પ્રમાણે ૧૦મી કે ૧૧મી સદી આસપાસ થઈ ગયેલા ગુરુ ગોરખનાથ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ગિરનારની ગોદમાં આવેલા આ સ્થળને તેમણે પોતાની તપોભૂમિ બનાવવાનું વિચાર્યું. તપસ્યા માટે જગ્યાની શોધ કરી રહ્યાં હતા ત્યારે તેમને સોમનાથથી થોડે દૂર આવેલા આ સ્થળનું વાતાવરણ મનભાવન લાગ્યું. તેમણે અહીં પોતાની મઢી સ્થાપી હતી. એમ કહેવાય છે કે ગોરખનાથે અલગ-અલગ સ્થળોએ લગભગ ૩૧ જેટલી મઢીઓ બનાવી હતી, પણ આ એકમાત્ર મઢી પોતાની પાસે તપસ્યા કરવા રાખી હતી. બાકીની તમામ પોતાના શિષ્યોને આપી દીધી હતી. પછીથી ગોરખમઢી નાથ સંપ્રદાયનું મુખ્ય મથક જ બની ગયું હતું. અહીં નાથ સંપ્રદાયોના સંતો-મહંતોએ વર્ષો સુધી તપસ્યા કરી હતી.

કેવી છે ગુરુ ગોરખનાથની તપોભૂમિ?
ગોરખમઢી ગામની વચ્ચે ગુરુ ગોરખનાથે બનાવેલી જગ્યા છે. જેમાં આશરે એક હજાર વર્ષ પહેલાં બનેલું ભોયરું છે. જમીનથી ૨૦ પગથિયાં ઊતરીએ એટલે નીચે ૨.૭૦ મીટર લાંબી અને ૨.૬૦ મીટર પહોળી એક ગુફા આવેલી છે. ગુફામાં એક ઊંચું આસન છે જેના પર ગોરખનાથ બેસીને તપ કરતા હતા. અત્યારે આ ગુફામાં ગોરખનાથની પ્રતિમા ઉપરાંત ગણેશ ભગવાન, અન્નપૂર્ણાદેવી અને નાગાર્જુનની પ્રતિમા રાખવામાં આવી છે. ગુફાની ઉપર ગુરુ ગોરખનાથનો ધૂણો છે, જ્યાં યજ્ઞાદિ કાર્યો થતા હતા. ધૂણાની એકદમ પાછળ ગોરખનાથના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું નાનકડું મંદિર આવેલું છે, જેમાં મત્સ્યેન્દ્રનાથની મુર્તિ છે. ગોરખનાથની ગુફાની ડાબી તરફ આ જગ્યાના મહંતોનાં સમાધિસ્થાન છે. આ ઉપરાંત મહંત, તેમનો પરિવાર તેમજ શિષ્ય સંપ્રદાયને રહેવા માટે એક મોટી હવેલી છે. એક સમયે અહીંના મહંતોને એક રજવાડાના રાજવી જેવું સન્માન મળતું હતું. આ આખી જગ્યાને સરકારે પુરાતત્ત્વ વિભાગમાં આવરી લઈને તેને રક્ષિત સ્મારકો ઘોષિત કર્યાં છે.

ગોરખનાથની ગુફાનું પ્રવેશદ્વાર
મહંતોનું રજવાડું: ૧૨ ગામનો ગરાસ
ગોરખમઢી નાથ સંપ્રદાયના સાધુ-સંતોનું મુખ્ય મથક બન્યું હતું અને અહીં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહેતી હતી, જેને ધ્યાનમાં રાખીને ગોરખમઢીના મહંતને જૂનાગઢ નવાબના તાબા હેઠળ આવતા ગોરખમઢી સહિતનાં ૧૨ ગામડાંઓ આપવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર થતી અવનવી ધાર્મિક પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા માટે આ ગામડાંઓની આવક ગોરખમઢીની આ જગ્યાને મળતી હતી.

મંદિરના પરિસરમાં આવેલી વિશાળ હવેલીમાં સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ૨૦૦ વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં 'કરણઘેલો' સહિતની નવલકથાઓ ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને બંગાળી ભાષાનાં પુસ્તકોનો પણ સંગ્રહ થયેલો જોવા મળે છે. અહીં આવતા ભાવિકો માટે અન્ય એક આકર્ષણ 'પાડાઘંટી'નું હોય છે. એક જમાનામાં જ્યારે અહીં ધર્મોત્સવ થતો ત્યારે પાડાઘંટી બધાનું અનાજ દળવાનું કામ કરતી હતી. ૧.૨૦ મીટર વ્યાસ ધરાવતું પડ અને ૧.૬૦ મીટર થાળાવાળી આ ઘંટીની ગોઠવણ એવી છે કે ધૂંસરી સાથે પાડાને જોડવામાં આવે છે. એ પાડો ૨.૨૫ મીટર વ્યાસ ધરાવતા ચક્રને ફેરવે અને આ ચક્ર ઘંટીની ધરીને ફેરવે છે. આ મોટી પાડાઘંટી આજેય હવેલીમાં જોઈ શકાય છે.

લગભગ એકાદ સૈકા પહેલાં થયેલા મહંત સુંદરનાથજી બાપુ આસપાસના વિસ્તારમાં સવિશેષ લોકપ્રિય હતા અને તેમણે આ જગ્યાનો વિકાસ કર્યો હતો. આ મહંતની યાદમાં ગોરખમઢીની સાવ નજીકમાં આવેલા એક ગામને સુંદરપરા નામ આપવામાં આવ્યું છે. આજેય ગુરુ ગોરખનાથની ગુફા, ધૂણો, હવેલી, મહંતોનાં સમાધિસ્થાનો અને મહંતોનાં ચિત્રો યાત્રાળુઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યાં છે.


મહંતોનો મહેલ

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania
Tag :

ત્રણ પેઢી નહીં, ત્રણ સદી જોઈ ચૂકેલા માનવીઓ!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રેકોર્ડ બુક્સમાં નોંધ ટપકાવનારા લોકોની નજર અત્યારે જિરોમોન કિમૂરાના શ્વાસ તરફ મંડાઈ છે. ગત સપ્તાહે ૧૯મી સદીમાં જન્મેલા જેમ્સ સિસ્નેટ્ટનું ૧૧૩ વર્ષની વયે નિધન થયા બાદ જિરોમોન દુનિયામાં એકમાત્ર એવા પુરુષ છે કે જેનો જન્મ ૧૯મી સદીમાં થયો હતો. તેમણે દુનિયામાં સૌથી વધુ દિવાળીઓ જોઈ છે!

"મેં ચાર રાજાઓનું શાસન જોયું છે. ૬૦ વડાપ્રધાનોની તાજપોશી થતી જોઈ છે. અમેરિકાએ જાપાન પર કરેલા પરમાણુ હુમલાનો હું સાક્ષી છું, તો જાપાને ફિનિક્સ પક્ષીની જેમ ખાખમાંથી ઊભા થઈને ટેક્નોલોજી ક્ષેત્રે કરેલી ક્રાંતિને મેં નજરે નિહાળી છે. જાપાન પર અવારનવાર ત્રાટકતા કેટકેટલા સુનામીઓ અને ધરતીકંપનો કહેર મેં જોયો છે અને આ સિવાય આ દુનિયાએ ત્રણ સદીમાં જે રીતે કરવટ બદલી છે તેનો હું ગવાહ છું. હું ૧૯મી સદીમાં જન્મેલો વિશ્વનો છેલ્લો પુરુષ છું અને મારી ઉંમર ૧૧૬ વર્ષ છે."

જાપાનમાં જન્મેલા જિરોમોન કિમૂરા જો અત્યારે પોતાની આત્મકથા લખવાનું નક્કી કરે તો કદાચ આ તેમની આત્મકથાના શરૂઆતના શબ્દો હોઈ શકે. ૧૯ એપ્રિલ, ૧૮૯૭માં ખેડૂત ફુઝા મિયાકેનાં ત્રીજા સંતાન તરીકે તેમનો જન્મ થયો હતો. જન્મ સમયે તેમનું નામ હતું કિન્જિરો મિયાકે. તેમણે ૧૯૨૦માં યે કિમૂરા સાથે લગ્ન કર્યાં. કિમૂરા પરિવારમાં વંશને આગળ ચલાવી શકે એવો એક પણ પુરુષ બચ્યો ન હતો એટલે કિન્જિરોએ તેમની પત્નીની સરનેમ સ્વીકારી અને એ પછી તેમનું નામ થયું જિરોમોન કિમૂરા. આ વાત અહીં માંડવાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલાં ૧૯મી સદીમાં જન્મેલા બાર્બાડોસના જેમ્સ સિસ્નેટ્ટનું ૧૧૩ વર્ષની ઉંમરે નિધન થયું હતું અને એ કિમૂરા પછી બીજા એવા પુરુષ હતા જેનો જન્મ ૧૯મી સદીમાં થયો હતો અને તેમણે ત્રણ સદી જોઈ હતી. જેમ્સના અવસાન પછી તેમના તરફ સ્પોટલાઇટ રાખવાનું એક કારણ એ છે કે તે અત્યારે સૌથી વયસ્ક જીવિત ઇન્સાન છે અને જો તેઓ વધુ પાંચ વર્ષ જીવશે તો આ પૃથ્વી પર સૌથી વધુ વર્ષ જીવેલા માનવી બની જશે.

દુનિયામાં વધુ વર્ષ જીવિત રહેનારા માનવીઓ
કિમૂરાએ પોતાના નામે રેકોર્ડ દર્જ કરવા માટે હજુ આઠ પગથિયાં ચડવાં પડશે. પૃથ્વી પર વધુ સમય જીવિત રહેનારા માનવી તરીકે જીન્ની કેલ્મેટ નામની મહિલાનો રેકોર્ડ છે. ફ્રાન્સમાં ૧૯૭૫માં જન્મેલી આ મહિલાનું નિધન ૪ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ થયું ત્યારે તેની ઉંમર હતી ૧૨૨ વર્ષ અને ૧૬૪ દિવસ. ત્યાર પછી અમેરિકન મહિલા સારાહ નૌસ ૧૧૯ વર્ષ સાથે બીજા ક્રમાંકે છે. તેનું અવસાન ૧૯૯૯માં થયું હતું. અન્ય એક અમેરિકન મહિલા લ્યુસી હન્નાના નામે ૧૧૭ વર્ષ લાંબા આયુષ્યનો રેકોર્ડ છે. આ ક્રમમાં કેનેડાના મેરી લુઈસ મિલર ૧૧૭ વર્ષ, મારિયા કેપોવિલા ૧૧૬ વર્ષ ૨૩૦ દિવસ, જાપાનની ટેને ઈકાય ૧૧૬ વર્ષ ૧૭૫ દિવસ,અમેરિકાની મહિલા એલિઝાબેથ બોલ્ડન અને અમેરિકાની જ બેસ્સી કૂપર નામની મહિલા ૧૧૬ વર્ષ જીવિત રહી છે. કિમૂરા આ વિક્રમ તોડી શકે એવી શક્યતા એટલા માટે છે કે તેમનાથી આગળ રહેલા બાકીનાં તમામ લોકોનાં નિધન થઈ ચૂક્યાં છે.

બીજું કે કિમૂરા અત્યારે એકદમ હેલ્ધી છે. જોકે, આમાં અનેક દાવાઓ થતા રહે છે. થોડા સમય પહેલાં ચીનની એક મહિલા લુઓએ પોતે ૧૨૬ વર્ષની હોવાનો દાવો કર્યો હતો, પણ તેની પાસેથી જન્મના પૂરતા પુરાવા મળ્યા નથી.

૧૬૮ વર્ષનો એક અજીબ દાવો!
ઈરાનની બોર્ડર પાસે આવેલી પર્વતીય તળેટી અઝરબૈજાનીમાં જન્મેલા શિરાલી મુસ્લીમોવની નોંધ પ્રતિષ્ઠિત 'ટાઇમ' અને 'નેશનલ જિયોગ્રાફિક' મેગેઝિને લીધી હતી. ૧૯૭૩માં જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમની ઉંમર ૧૬૮ વર્ષ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શિરાલી પાસે એક પાસપોર્ટ હતો જેમાં તેમનો જન્મ ૧૮૦૫માં થયો હોવાનું લખવામાં આવ્યું હતું. આ સિવાય તેમની પાસે જન્મનું ઓથેન્ટિક પ્રમાણ ન હોવાથી તેને સૌથી વધુ સમય જીવિત રહેનારા માનવીનું સન્માન આપવામાં આવ્યું નથી. જોકે,આજેય ઘણા લોકો તેમને પૃથ્વી પર વધુ સમય વિતાવનારા માનવી માને છે.

અત્યારે વિશ્વમાં ૧૧ માનવીઓ છે જેમણે ૩ સદી જોઈ છે
સાયન્સનાં વિવિધ સંશોધનો પછી એમ કહેવાય છે કે પુરુષો કરતાં સ્ત્રી લાંબું આયુષ્ય ભોગવે છે. આ વાત અહીં સાચી ઠરતી જણાય છે. વિશ્વમાં અત્યારે ૧૯મી સદીમાં જન્મેલા ૧૧ લોકો છે. જિરોમોન કિમૂરાને બાદ કરીએ તો બાકીની તમામ ૧૦ મહિલાઓ છે. બીજા નંબરે જાપાનની જ મહિલા મિસાઓ ઓકાવા છે. પછીની ૬ મોટી ઉંમરની મહિલાઓ અમેરિકન છે. જેરેલિયન ટેલ્લી,સુસાન્હ મુશેટ્ટ જોન્સ, બેર્નિસ મેડિગન, સોલેડેન મેક્સિઆ, એવિલ્યન કોઝેક અને નાઓમી કોર્નર. નવમાં ક્રમે ફરી એક જાપાની મહિલા મિટ્સે મેગાસ્કી છે. ૧૦મા ક્રમે ઇટાલીની મહિલા ઇમ્મા મોરાનો માર્ટીનુઝી અને છેલ્લા નંબરે બ્રિટનની ગ્રેસ જોન્સ છે. તમામમાં એક સમાનતા એ છે કે આ બધાનો જન્મ ૧૮૯૯માં થયો હતો.

આ ઉપરાંત ત્રણ સદી જોયેલા પણ અત્યારે જીવિત ન હોય તેવા ૧૦ લોકોનાં નામ ઇતિહાસમાં દર્જ થયાં છે. જેમાં ત્રણ મહિલાઓ અને સાત પુરુષો છે. સૌથી વધુ જીવિત રહેલા લોકોની યાદીમાં જે ત્રણ નામો છે તેમાંથી મારિયા કેપોવિલા (૧૮૮૯-૨૦૦૬),એલિઝાબેથ બોલ્ડન (૧૮૯૦-૨૦૦૬) અને બેસ્સી કુપર (૧૮૯૬-૨૦૧૨)નો અહીં સમાવેશ થાય છે. આ સિવાય સાત પુરુષો એટલે એમિલિનો ટોરો (૧૮૯૧-૨૦૦૭), વોલ્ટર બ્રેઉનિંગ (૧૮૯૬-૨૦૧૧), યુકિંચી ચુગાન્જી (૧૮૮૯-૨૦૦૩), જોન રિડાવેટ્સ (૧૮૮૯-૨૦૦૪),ફ્રેડ એચ. હેલ (૧૮૯૦-૨૦૦૪), ટોમોજી ટેનેબી (૧૮૯૫-૨૦૦૯) અને જ્હોન મેક્મેરન (૧૮૮૯-૨૦૦૩). આ યાદીમાં ક્યાંય પણ એકેય ભારતીય નથી. આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઈએ છીએ કે પેલા દાદાની ઉંમર બહુ છે કે પેલી દાદીની ઉંમર તો કોઈને ખબર નથી, તેમણે તો પાંચ પેઢી જોઈ છે. એ વાત કદાચ સાચી પણ હોઈ શકે, પણ આપણે ત્યાં એ સમયે જન્મનાં પ્રમાણપત્રોની બાબતમાં ઉદાસીનતા હતી એ પણ કદાચ આ પાછળ કારણભૂત હોઈ શકે. ગમે ત્યારે ગમે તે રોગોમાં સપડાઈ જતી માનવજાતિમાં ત્રણ પેઢી પણ જોવી મુશ્કેલ છે ત્યારે ત્રણ-ત્રણ સદી જોઈ લેવી એ બહુ મોટી વાત છે.

જિરોમોન કિમૂરાના લાંબા આયુષ્યનું રહસ્ય
જિરોમોન કિમૂરાની દેખભાળ તેના મોટા પુત્રની ૮૩ વર્ષીય વિધવા અને તેના પૌત્રની ૫૯ વર્ષની વિધવા કરી રહી છે. તેઓ અત્યારે જાપાનના ક્યોટો સ્ટેટના ક્યોટેંગો નામના કસબામાં રહે છે. તેઓ ૯૦ વર્ષ સુધી એકદમ એક્ટિવ હતા. ૧૯૬૨માં ૬૫ વર્ષની વયે પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ખેતી કરતા હતા. એક વખત લાંબા આયુષ્યનું રહસ્ય છતું કરતાં તેમણે જણાવ્યું હતું તે મુજબ તેમણે ક્યારેય આલ્કોહોલનું સેવન નથી કર્યું. ખોરાક ઓછો આરોગવો અને પેટ ભરાઈ જાય એટલું ક્યારેય ન ખાવું. આ ઉપરાંત ફળો પર તેઓ વધુ આધાર રાખે છે. બિસ્તર પર સમય વિતાવવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. તેમણે ૬૦ સભ્યોનો પરિવાર જોયો છે. જેમાં તેમના ૭ સંતાનો, ૧૪ પૌત્ર-પૌત્રીઓ, ૨૫ પ્રપોત્ર અને ૧૪ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનનો સમાવેશ થાય છે.
Wednesday 12 June 2013
Posted by Harsh Meswania

ટપકેશ્વર મહાદેવ : જ્યાં પાણીને બદલે પહેલાં દૂધ ટપકતું હતું


તીર્થાટન - હર્ષ મેસવાણિયા

ભારતમાં ટપકેશ્વર મહાદેવ નામ હોય એવાં ઘણાં મંદિરો છે અને એમાંથી મોટાભાગનાં મંદિરોનાં શિવલિંગ પર સ્વયંભૂ જલાભિષેક થતો હોવાથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ બન્યાં હશે, પરંતુ કુદરતી સૌંદર્ય વચ્ચે દહેરાદૂનમાં આવેલું

ટપકેશ્વર મહાદેવ મંદિર થોડું અલગ છે. ઉત્તરાખંડની અને એમાંય દહેરાદૂનની મુલાકાત કરતા પ્રવાસીઓ ભાગ્યે જ ટપકેશ્વર જવાનું ચૂકે છે. ગુફામાં આવેલા શિવલિંગ પર ટપકતું દૂધ જેવું દેખાતું પાણી અહીંનું ખાસ આકર્ષણ છે. ટૌંસ નદીના (જેને પુરાતનકાળમાં તમસા નદીના નામથી ઓળખવામાં આવતી હતી. એક માન્યતા પ્રમાણે આ નદી દેવધારાના નામથી પણ જાણીતી હતી) કિનારે આવેલા આ મંદિર સાથે જોડાયેલી પ્રાચીન કથાઓ પણ એટલી જ રોચક છે અને શિવલિંગ પર ટપકતી ધારા વિશે પણ રસપ્રદ લોકકથાઓ પ્રવર્તે છે.

મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
આ મંદિર સાથે બે કથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણ આ સ્થળ પર ૧૨ વર્ષ રહ્યા હતા અને ભગવાન શિવની તપસ્યા કરી હતી. ધનુવિદ્યામાં મહારત હાંસલ કરવા તેમજ ભગવાન શંકરનો સાક્ષાત્કાર કરવાની ખેવના સાથે ગુરુ દ્રોણાચાર્યે આ સ્થળ પસંદ કર્યું હતું. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરીને આકરી આરાધના કરી હતી. અંતે ભગવાન શંકરે દ્રોણની ઇચ્છા પૂર્ણ કરી હતી. પછીથી દ્રોણ આ ગુફાની આસપાસમાં જ કુટિર બાંધીને વર્ષો સુધી તેમની પત્ની કૃપી સાથે રહ્યા હતા અને અહીં જ તેમના પુત્ર અશ્વત્થામાનો જન્મ થયો હતો.

બીજી એક કથા મુજબ દ્રોણ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ઋષિ મળ્યા. ઋષિએ તેમને હિમાલયની તળેટીમાં તમસા નદીના કિનારે જઈને તપ કરવાનું સૂચવ્યું. ઋષિએ એમ પણ કહ્યું કે તમસાના કિનારે એક ગુફામાં સ્વયં સ્ફુરિત શિવલિંગ પાસે જઈને આરાધના કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે. ગુરુ દ્રોણે પછીથી તમસા નદીના કાંઠે આ સ્થળની શોધ ચલાવી અને શિવલિંગની ખોજના અંતે તેમને જે સ્થળ મળ્યું એ આજની ટપકેશ્વર મહાદેવની ગુફા. ટપકેશ્વર શિવલિંગની સ્થાપનાની કથા જેટલી રસપ્રદ પૌરાણિક કથા શિવલિંગ પર ટપકતી ધારાની પણ છે. એ કથા દ્રોણ અને તેના પુત્ર અશ્વત્થામાની સાથે જોડાયેલી છે.

બાળક અશ્વત્થામાના તપથી શિવલિંગ પર ફૂટી દૂધની ધારા
દ્રોણના નાના પુત્ર અશ્વત્થામાને દૂધ મળી રહે તે માટે ગુરુ દ્રોણે તેમના મિત્ર અને ગુરુભાઈ રાજા દ્રુપદ (આ બંને ભગવાન પરશુરામના શિષ્ય હતા) પાસે એક ગાયની યાચના કરી. દ્રુપદે ગાય આપવાની ના પાડી અને દ્રોણને અપમાનિત કર્યા. અશ્વત્થામા માટે દૂધની વ્યવસ્થા ન થતાં માતા કૃપી ભાતમાં પાણી નાખીને દૂધ જેવું પ્રવાહી તૈયાર કરતાં અને અશ્વત્થામાને પીવડાવતાં. એક વાર અશ્વત્થામા દ્રોણ સાથે હસ્તિનાપુર ગયો અને ત્યાં તેણે ગાયનું દૂધ પીધું. ઘરે આવીને એવું જ દૂધ પીવાની તેણે હઠ પકડી. ગુરુ દ્રોણે નાનકડા પુત્રને ખૂબ સમજાવ્યો પણ તે ન માન્યો. અંતે દ્રોણે પુત્રને એમ જ સમજાવવાના આશયથી કહી દીધું કે જો તું ભગવાન શિવની આરાધના કરીશ તો તને એવું દૂધ જરૂર મળશે. અશ્વત્થામાએ તે દિવસથી જ આ ગુફામાં જઈને શિવલિંગ સામે બેસીને ભગવાન શિવની તપસ્યા શરૂ કરી દીધી. નાનકડા બાળકના તપથી ભગવાન શંકર એક ઋષિના વેશમાં આ ગુફામાં આવ્યા અને બાળકને તપ કરતો જોઈને તપ કરવાનું કારણ પૂછયું. અશ્વત્થામાએ દૂધ માટે તપ કરતો હોવાનું જણાવ્યું એટલે ઋષિએ બાળકને કહ્યું કે થોડા દિવસમાં આ શિવલિંગ પર દૂધ ટપકશે. શિવલિંગ પર ટપકતા દૂધમાંથી જે શેષ રહે તે તું પીજે એમ કહીને ઋષિ તો જતા રહ્યા. બાળકને પણ આશ્વાસન મળ્યું એટલે તેણે તપ પૂર્ણ કર્યું. બીજા દિવસે જ્યારે દ્રોણ શિવલિંગની પૂજા કરવા ગુફામાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે શિવલિંગ ઉપર ખડકમાંથી દૂધ ટપકી રહ્યું હતું એટલે દ્રોણે આ શિવલિંગને દુગ્ધેશ્વર મહાદેવ એવું નામ આપ્યું હતું. જોકે, ત્યાર પછી સમયાંતરે આ શિવલિંગનું નામ ટપકેશ્વર મહાદેવ પડી ગયું.

લોકમાન્યતા પ્રમાણે કળિયુગમાં હવે દૂધને બદલે દૂધ જેવું શ્વેત પ્રવાહી ટપકી રહ્યું છે. આ પૌરાણિક કથાઓના કારણે ભાવિકોમાં ઓટપકેશ્વર મહાદેવ મંદિરનું માહાત્મ્ય વધી જાય છે. મહાશિવરાત્રિના સમયગાળા દરમિયાન અહીં પાંચ દિવસનો મેળો ભરાય છે. વિશેષ પૂજા, રુદ્રાભિષેક તેમજ મહામૃત્યુંજયના જાપ પણ થાય છે. પ્રતિ માસ તેરસના દિવસે દૂર-દૂરથી ભાવિકો ટપકેશ્વર મહાદેવ આવીને વિશેષ પૂજા કરે છે. વળી, શ્રાવણ માસમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર સદીઓથી શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે.

ટપકેશ્વર મહાદેવની આસપાસનાં અન્ય મંદિરો
ટપકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ અન્ય મહત્ત્વનાં મંદિરો પણ છે. ટપકેશ્વર મંદિર પાસે પહોંચતાં પહેલાં પરિસરમાં રાધાકૃષ્ણ મંદિર છે. આ મંદિરની સામેના રસ્તા પર જ હરસિદ્ધ દુર્ગામાતાનું મંદિર આવેલું છે. બાજુમાં જ એક ટેકરી પર શનિદેવનું મંદિર છે. અહીં નિઃસંતાન દંપતીઓ ખાસ પૂજન કરવા આવે છે. આ ઉપરાંત નજીકમાં ગણેશ ભગવાનનું મંદિર છે. પુલની પેલી તરફ સંતોષીમાતાનું મંદિર પણ આવેલું છે. સંતોષીમાતાના મંદિરની પાસે સપ્તમુખી હનુમાનજીનું મંદિર છે. ટપકેશ્વર મહાદેવ સૌથી પૌરાણિક મંદિર છે, પણ એ સિવાયનાં મંદિરોનું પણ અનેરું માહાત્મ્ય છે.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
Thursday 6 June 2013
Posted by Harsh Meswania
Tag :

ગીધઃ માંસ આરોગનારા આ સજીવો લાશ બની રહ્યા છે!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સફાઈ કામદાર તરીકે ઓળખાતાં ગીધ પ્રકૃતિની ખરેખરી સફાઈ કરી જાણે છે. જોકે, છેલ્લા બે દાયકામાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગુજરાત આ સજીવો માટે થોડાં વર્ષોથી સેફ ઝોન તરીકે ઉભર્યું છે

રામાયણમાં એક પ્રસંગ છે. સીતાજીનું હરણ કરીને રાવણ તેમને લંકા તરફ લઈ જતો હતો ત્યારે એક ગીધે સીતાજીને બચાવવા માટે બળવાન રાવણ સામે ઝીંક ઝીલી હતી. વૃદ્ધ થઈ ગયેલા એ ગીધનું નામ હતું જટાયુ. પછી તો રાવણ જટાયુની પાંખો કાપીને લંકા તરફ જતો રહ્યો હતો, પણ ભગવાન રામ જ્યારે અરણ્યમાં આવ્યા ત્યારે જટાયુએ સીતાજીની ભાળ આપી હતી અને પછી પ્રાણ છોડી દીધા હતા. ભગવાન રામે જટાયુની અંતિમવિધિ કરીને તેને સન્માન આપ્યું હતું. ભગવાન રામની કૃપાપાત્ર બનેલા આ ગીધના વંશજોનું છેલ્લા થોડા દશકાઓમાં મોટી સંખ્યામાં ક્રિયાકર્મ કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મૃત પશુઓનું માંસ આરોગીને વાતાવરણને દૂષિત થતું અટકાવનારાં ગીધોની ઘટતી જતી સંખ્યા આપણે અટકાવી નથી શક્યા! ૧૯૮૦ પછી ભારતમાં જ નહીં આખા એશિયામાં ગીધો ઘટવા લાગ્યાં છે. થોડા વધુ પ્રયાસો કરવામાં નહીં આવે તો કદાચ આ સજીવ માત્ર વાર્તાઓમાં અને તસવીરો જ જોવા મળશે!

ગીધ શું કામ ઘટી ગયાં, એની વાત કરતા પહેલાં ગીધની હાલની સ્થિતિ અંગે થોડું જાણી લઈએ. રોયલ સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ બર્ડ્સના એક અંદાજ મુજબ ૧૯૮૦માં ભારતમાં ૬ પ્રજાતિના મળીને ગીધની કુલ સંખ્યા આઠ કરોડ કરતાં પણ વધારે હતી. આજે આ સંખ્યા હજારોમાં આવીને પણ અટકી નથી, સતત ને સતત ઘટી રહી છે. માત્ર ત્રણ દશકામાં ગીધની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ૯૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. વિશ્વમાં કદાચ આ પ્રથમ એવું સજીવ હશે કે જે આટલી ઝડપથી લુપ્ત થવાની કગાર પર ઊભું છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં અત્યારે માત્ર ચાર હજાર ગીધ જ શેષ રહ્યાં છે. અલબત્ત, પાકિસ્તાન, ચીન સહિતના અન્ય એશિયન દેશોમાંથી થોડા માસ માટે ભારતનો પ્રવાસ ખેડતા ગીધની આમાં ગણતરી કરવામાં આવતી નથી.

ગીધ અચાનક ઘટી ગયાંનું કારણ?
૧૯૮૦ સુધી બધું બરાબર હતું એટલે એ તરફ તરત ધ્યાન ન પડયું, પણ '૯૦ના દશકમાં થયેલી ગણતરીઓ પરથી જાણવા મળ્યું કે એક જ દશકમાં આ સજીવોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. જંગલ વિસ્તારોમાંથી ગીધના થોડા મૃતદેહ મળવા લાગ્યા. સંશોધનને અંતે ખબર પડી કે જીવન માટે જરૃરી એવો આહાર જ અહીં મોતનું કારણ બની રહ્યો છે. આ સિવાય ગીધની પ્રકૃતિ પણ કંઈક અંશે એમાં જવાબદાર ઠરે છે.

• ખોરાકમાં અનાયાસે ઝેર ખાઈ બેસે છે : ૧૮ વર્ષ પહેલાં પક્ષીવિજ્ઞાનીઓએ જાણ્યું કે પાલતુ પશુઓને શરીરમાં સોજા આવી જાય ત્યારે અપાતી ડાઇક્લોફેનિક નામની દવામાં C22H3805નું રાસાયણિક બંધારણ હોય છે. આ રસાયણ પ્રાણી મરી જાય પછી પણ તેના શરીરમાં રહી જાય છે. ગીધ માટે આ ઝેરનું કામ કરે છે. આ દવાથી જે પ્રાણીની સારવાર કરવામાં આવી હોય અને તેનું માંસ ગીધ આરોગે એટલે તેનું મોત નિશ્ચિત થઈ જાય છે. જોવાની વાત એ છે કે ગીધના મોતનું મુખ્ય કારણ આશરે અઢારેક વર્ષ અગાઉ જ જાણવા મળી ગયું હોવા છતાં આ દવા પર સરકારે પ્રતિબંધ છેક પાંચેક વર્ષ પહેલાં જ મૂક્યો છે અને એમાંય આપણે ત્યાં જેમ બધી બાબતોમાં બને છે તેમ પ્રતિબંધ મૂકીને સરકાર રાહતનો શ્વાસ લઈ લે છે, અમલીકરણનો અભાવ આ બાબતેય ઊડીને આંખે વળગે છે.

• ગીધની પ્રજનનક્ષમતા : પક્ષીવિદેનું નિરીક્ષણ એવું છે કે જે સજીવની પ્રજનનક્ષમતા સ્ટ્રોંગ હોય અને એના પર આવી આફત આવી હોય તો એને ખૂબ ઝડપથી બચાવી શકાય છે, પણ ગીધની સંખ્યામાં તુરંત વધારો શક્ય નથી, એમાં ગીધની પ્રજનનક્ષમતા પણ કારણભૂત છે. નર અને માદાની એક જોડી વર્ષમાં સરેરાશ એક જ બચ્ચાને જન્મ આપવા સક્ષમ છે. એટલે ધારો કે ભારતમાં ચાર હજાર ગીધ હોય અને દરેક જોડી એક એક બચ્ચાને જન્મ આપે તો પણ વધારો તો માંડ બે હજારનો જ થઈ શકે. એમાં વળી સામાન્ય મૃત્યુદરને પણ ગણતરીમાં લેવો પડે. બીજું, કે ટોળામાં રહેવાનું પસંદ કરતા ગીધનું ખોરાક આરોગવાની આડઅસરથી મૃત્યુ નીપજે ત્યારે પણ સંખ્યા ટોળાંમાં જ હોય છે.

• ટોળામાં જવાનો સ્વભાવ : આપણે ત્યાં કહેવત છે કે 'એક કરતાં બે ભલા.' ગીધને આ કહેવત વધુ લાગુ પડે છે, કેમ કે ખોરાક માટે કે સ્થળાંતર માટે એકલા સફર ખેડવાને બદલે તે એકસામટાં નીકળી પડે છે. આ કારણે તેના પર ખતરો પણ એક સાથે આવે છે. જેમ કે, ડાઇક્લોફેનિક દવાથી સારવાર પામેલા કોઈ મૃત પ્રાણીનું માંસ સફરમાં નીકળેલાં બધાં ગીધ આરોગે છે એટલે બધાં પર સામૂહિક અસર થાય છે. ભારતમાં એવા તો કેટલાંય કિસ્સા નોંધાયેલા છે કે જેમાં ગીધના મૃતદેહ કોઈ એક જગ્યાએથી એકસામટા મળ્યા હોય.

મોડા પણ મક્કમ પ્રયાસો
૨૦૦૬માં કેન્દ્ર સરકારે વલ્ચર એક્શન પ્લાન અમલી બનાવ્યો હતો. જેમાં મુખ્યત્વે પાલતુ પ્રાણીઓની સારવારમાં ડાઈક્લોફેનિક દવાઓ વાપરવા પર પ્રતિબંધ મૂકવાનું મુખ્ય આયોજન હતું. આ દવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા પણ સૂચવવામાં આવી હતી. જોકે, પક્ષી નિષ્ણાતોએ એ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે પ્રતિબંધ બાદ પ્રાણીઓ માટે ડાઇક્લોફેનિક દવાનું ઉત્પાદન બંધ જરૃર કરવામાં આવ્યું છે, પરંતુ હ્યુમન મેડિસિનમાં પણ તેનો સમાવેશ થાય છે. એટલે થાય છે એવું કે માણસના રોગોમાં કામ આવતી દવા આજેય પશુઓ માટે વાપરવામાં આવે છે અને સરવાળે ભોગવવાનું ગીધના ભાગે આવે છે! સારી વાત એ છે કે ભારતભરમાં અલગ અલગ સંસ્થાઓની ઝુંબેશના કારણે લોકો જાગૃત થયા છે. છેલ્લાં વર્ષોમાં ગીધને બચાવી લેવા ઘણાં બધા લોકોએ કમર કસી છે. એના પરિણામ સ્વરૃપ ગીધને માન-મરતબો અને સુરક્ષા બંને મળતાં થયાં છે. ગીધની છેલ્લી ગણતરીઓએ નવી આશા જન્માવી છે. મધ્યપ્રદેશના પન્ના અભયારણ્યમાં જ ૧૧૦૦ જેટલાં ગીધ હોવાનું નોંધાયું છે. વર્ષોથી થતો ઘટાડો કાબૂમાં આવ્યો છે અને ધીમી છતાં સંગીન ગતિએ વધારો થઈ રહ્યો છે. જો આ સ્થિતિમાં ઓટ આવશે તો કદાચ ભગવાન રામે તો એક ગીધની અંતિમક્રિયા કરી હતી, પણ આપણે તો આખી પ્રજાતિની કરવાનો વખત આવશે! આશા રાખીએ કે એવી સ્થિતિ ન આવે અને પ્રકૃતિના આ સુંદર પક્ષીનું અસ્તિત્વ નામશેષ નહીં થાય.

ગુજરાત : ગીધ માટે ઉભરી રહેલો નવો સેફ ઝોન
ગુજરાતમાં થોડીક સંસ્થાઓ આ માટે નક્કર પ્રયાસો કરી રહી છે, પણ મજાની વાત એ છે કે લોકો સ્વયંભૂ ગીધ બચાવવાના અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. ભાવનગર-અમરેલી જિલ્લામાં ગીધ બચાવો અભિયાનમાં કાર્યરત ઓનરરી વાઇલ્ડ લાઇફ વોર્ડન રુચિ દવેના જણાવ્યા પ્રમાણે તેઓ અને તેમની સાથે જોડાયેલા લોકોએ મળીને રાજુલા નજીકના આસરાણા ગામની પાસે એક વલ્ચર ફીડિંગ સાઇટ બનાવી છે જેમાં પશુપાલકો પોતાનાં મૃત પ્રાણીઓને ગીધના ખોરાક માટે દાનમાં આપી દે છે. એટલું જ નહીં પ્રાણીઓની સારવારમાં ડાઇક્લોફેનિક દવા ન વપરાય તેનું ધ્યાન પણ લોકો જ રાખવા લાગ્યા છે. આ સિવાય ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ગીધ વસવાટ કરે છે એ બધે અલગ અલગ સંસ્થાઓ આ માટે કાર્યરત થઈ છે. જેનું પરિણામ ૨૦૧૨ની ગણતરીમાં દેખાયું હતું. ૨૦૧૦ની ગણતરી વખતે ૧૦૬૫ જેટલાં ગીધ

ગુજરાતમાં હતાં. જે બે વર્ષમાં ૩૬૧ જેટલાં વધીને કુલ સંખ્યા ૧૪૦૦ આસપાસ થવા જાય છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ગીધની સંખ્યામાં વધારો નોંધાયો છે. એક પણ સાઇટ પર ઘટાડો નોંધાયો નથી. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં બે વર્ષમાં ગીધની સંખ્યા આટલી વધી છે.
Wednesday 5 June 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -