Archive for March 2020

હેન્ડ સેનિટાઈઝરથી વાયરસનો ચેપ કેટલો રોકી શકાય છે?

 

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેન્ડ સેનિટાઈઝર અને હેન્ડવોશ - આ વિષયમાં થોડાંક વર્ષોથી સંશોધકોને રસ પડયો છે. કેટલાંય સંશોધનો થયા છે અને હજુય થતાં રહે છે, જેમાં અલગ અલગ દાવા થઈ રહ્યાં છે. સાચું શું છે?

'માણસ સરેરાશ એક કલાકમાં ૨૩થી ૨૫ વખત ચહેરાને હાથ અડાડે છે'.

બિહેવિયર સાયન્સના એકથી વધુ અહેવાલોમાં આ દાવો થયો છે. આ પ્રકારનું પહેલું રીસર્ચપેપર ૨૦૦૮માં જર્નલ ઓફ ઑક્યુપેશનલ એન્ડ એન્વાયર્મેન્ટલ હાઈજીનમાં પબ્લિશ થયું હતું. એ અહેવાલ પ્રમાણે માણસ એક કલાકમાં ૨૦થી ૨૩ વખત ચહેરાને સ્પર્શે છે. પુરુષો કરતા સ્ત્રીઓ સરેરાશ ચારથી પાંચ વખત વધારે ચહેરો સ્પર્શે છે.

ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૧૬માં આવો જ અહેવાલ રજૂ કર્યો હતો, એમાં દાવો થયો હતો કે પુરુષો એક કલાકમાં સરેરાશ ૨૩ વખત ચહેરાને અડે છે, જ્યારે સ્ત્રીઓ એક કલાકમાં ૨૬ વખત મોં સ્પર્શે છે. એમાંથી ૩૬ ટકા હોંઠ, ૩૧ ટકા નાક, ૨૭ ટકા આંખનો સ્પર્શ થાય છે. કુલ સ્પર્શમાંથી છ ટકામાં મોંનો અન્ય હિસ્સો હોય છે. ૯૪ ટકા ટચ મોંના સેન્સિટિવ એરિયામાં થાય છે.

બિહેવિયર સાયન્સના ભાગરૂપે આવાં તો અનેક સંશોધનો એકાદ દશકામાં થયા છે. બધા રીસર્ચનું સરેરાશ પરિણામ કહે છે એમ આપણે એક કલાકમાં ૨૦થી ૨૫ મોં સાથે હાથનો સંપર્ક કરાવીએ છીએ.

માણસ શું કામ વારંવાર ચહેરા અને હાથનો સંપર્ક કરાવે છે? એ વિશેય સંશોધનો થયા છે. સંશોધકો કહે છે એમ એ માણસની જન્મજાત ટેવ છે અને તેનો સંબંધ ઈમોશન સાથે છે. એમાં પરિવર્તન લાવી શકાય તેમ નથી. તાલીમ આપીને ચોક્કસ કિસ્સામાં આદત છોડવી શકાય ખરી, પરંતુ જનસામાન્યમાં પરિવર્તન લાવવાનું કામ લગભગ અશક્ય છે. અમેરિકન મનોવિજ્ઞાની ડેચર કેલ્ટનર તો ત્યાં સુધી કહે છે કે મોં સ્પર્શ કરવાથી માણસને વારંવાર સુખદ અનુભવ થાય છે. શરીરમાં વહેતો હોર્મોનનો જથ્થો માણસને સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ માટે મજબૂર કરે છે!

માણસની આ આદત 'વાયરસ'ને એકદમ અનુકૂળ આવે છે. કોરોના જેવો વાયરસ માણસની આ સહજ ટેવનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને એટલે જ જ્યારે જ્યારે વાયરસ ફેલાય ત્યારે ત્યારે ચેપથી બચવા મોંનો સ્પર્શ ન કરવાની સલાહ અપાય છે. હાથ વારંવાર ધોવાની અને સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં રહેવાની ભલામણ આ કોરોના વાયરસ વખતેય થઈ છે.

હેન્ડ સેનિટાઈઝરથી વાયરસ ફેલાતો અટકે છે એવી એક વ્યાપક માન્યતા છે, તો બીજી તરફ હેન્ડ સેનિટાઈઝર હેન્ડવોશનો વિકલ્પ નથી એવોય દાવો રજૂ થતો રહે છે. હાથ ધોઈ શકાય તેમ ન હોય તો જ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો- એવી નસીહત પણ ઘણાં સંશોધકો આપે છે.

એવાં સંશોધનો વિશે જાણતા પહેલાં હેન્ડ સેનિટાઈઝર અંગે થોડું જાણવું જ્ઞાનવર્ધક થઈ પડશે!

***

સેનિટાઈઝરનો છૂટો-છવાયો ઉપયોગ થતો હોવાના પુરાવા આપણે છેક ૧૪મી સદી સુધી દોરી જાય છે. આલ્કોહોલનો હાથ સાફ કરવામાં ઉપયોગ થઈ શકે છે એ ૧૪મી સદીના લોકોય જાણતા હતા, પરંતુ આલ્કોહોલ બેઝ્ડ હોમમેઈડ સેનિટાઈઝરનો ઉપયોગ ૧૮મી સદીમાં થતો હોવાનું વિજ્ઞાનિકો માને છે.

દેખીતો વપરાશ ૧૯૭૦ના દશકાથી શરૂ થયો, જ્યારે કેલિફોર્નિયાની એક નર્સ નામે લુપ હર્નાન્ડિઝે આલ્કોહોલમાંથી જેલ બનાવીને પહેલી વખત આજના મોર્ડન હેન્ડ સેનિટાઈઝરના પૂર્વજનો પરિચય દુનિયાને કરાવ્યો હતો. તેની શોધ એ વખતે ખાસ નોંધપાત્ર બની નહીં. માર્કેટમાં વેલ્યૂ ન થઈ. લુપ હર્નાન્ડિઝ કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડની હોસ્પિટલમાં કામ કરતી હતી. એ હોસ્પિટલમાં દર્દીઓને તપાસતા પહેલાં ડોક્ટર્સ અને નર્સ લુપ હર્નાન્ડિઝે બનાવેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હતા. બીજી હોસ્પિટલોમાં પણ તેનો ઉપયોગ થોડો થોડો શરૂ થયો હતો.

૧૯૪૬માં સ્થપાયેલી સાબુ બનાવતી કંપની ગોજોએ ૧૯૮૮માં લુપ હર્નાન્ડિઝના હેન્ડ સેનિટાઈઝરમાં જરૂરી કમર્શિયલ સુધારા કરીને પહેલી વખત આ હાઈજિન પ્રોડક્ટ દમદાર માર્કેટિંગ સાથે માર્કેટમાં મૂકી. હેન્ડ સેનિટાઈઝરની આ પહેલી કમર્શિયલ સક્સેસ હતી. પ્યોરેલ નામથી રજૂ થયેલી પ્રોડક્ટ પછી તો ગોજો કંપનીની ઓળખ બની ગઈ. ફ્રેન્ડશિપ સાથે કનેક્ટ કરીને કંપનીએ આ પ્રોડક્ટમાંથી ખૂબ કમાણી કરી.

એ હેન્ડ સેનિટાઈઝરમાં ૭૦ ટકા ભાગ આલ્કોહોલનો હતો અને પાણી સહિતના અન્ય પદાર્થો ૩૦ ટકા હતાં. હાથમાં પ્યોરેલ લગાવવાથી નુકસાનકારક કીટાણુ ૭૦-૭૫ ટકા સુધી નાશ પામે છે એવી કંપનીની જાહેરાતો ખૂબ જ અસરકારક સાબિત થઈ. લુપ હર્નાન્ડિઝનું હેન્ડ સેનિટાઈઝર હોસ્પિટલો સુધી પહોંચ્યું હતું, પરંતુ પ્યોરેલે અમેરિકાના ઘર-ઘરમાં સ્થાન મેળવી લીધું. અમેરિકાની અસર હેઠળ પછી તો દુનિયાના ખૂણે ખૂણે તેની હાજરી દર્જ થઈ.

સમયાંતરે અઢળક કંપનીઓ હેન્ડ સેનિટાઈઝર લઈને આવી. થોડાં ઘણાં ફેરફાર સાથે માર્કેટમાં અપાર વૈવિધ્ય મળવા લાગ્યું, પરંતુ એ બધાનો મૂળ બેઝ આલ્કોહોલ હતો. છેલ્લાં એકાદ દશકાથી આલ્કોહોલ વગરના હેન્ડ સેનિટાઈઝર્સ માર્કેટમાં અવેલેબલ છે, પણ એની અસરકારકતા આલ્કોહોલિક એજન્ટ્સ ધરાવતા સેનિટાઈઝરની તુલનાએ ઘણી ઓછી છે. ફાર્મસી કંપનીઓની અનિવાર્ય પ્રોડક્ટ્સમાં સામેલ થઈને છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં હેન્ડ સેનિટાઈઝરે ગ્લોબલ માર્કેટ સર કરી લીધું છે.

હેન્ડ સેનિટાઈઝરનું ગ્લોબલ માર્કેટ ૨૦૧૭-૧૮માં ૨.૪ અબજ ડોલરનું હતું, જે વધીને ૨૦૨૦માં ૪.૬ અબજ ડોલર યાને ૪૬૦ કરોડ ડોલર થવાનો અંદાજ છે અને ૨૦૨૪-૨૫ આવતાં આવતાં તો એનો કુલ બિઝનેસ ૭.૭ અબજ ડોલર થઈ જશે. ૨૦૧૦માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈનમાં હેન્ડ સેનિટાઈઝરને જીવન જરૂરી મેડિકલ પ્રોડક્ટમાં સ્થાન મળ્યું પછીથી તેનો ફેલાવો વિકાસશીલ દેશોમાં પણ વધી ગયો હતો.

***

જે હેન્ડ સેનિટાઈઝરમાં ૬૦-૭૦ ટકા આલ્કોહોલિક એજન્ટ્સની હાજરી હોય એ કીટાણુ નાશ કરવા સક્ષમ હોય છે એવું સંશોધનો કહે છે. ૮૦-૯૦ ટકા સુધી આલ્કોહોલ હોય તો એની અસરકારકતા ઘણી વધી જાય છે. ૬૦-૭૦ ટકા આલ્કોહોલની હાજરી હોય એ હેન્ડ સેનિટાઈઝરનું પરિણામ એક તરફ અને બીજી તરફ સાબુથી હાથ ધોયા પછીના રીઝલ્ટની સરખામણી વારંવાર થાય છે.

જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ થોડાંક મહિના અગાઉ હેન્ડ સેનિટાઈઝર સામે હેન્ડ વોશિંગનું સંશોધન રજૂ કર્યું હતું. એ સંશોધન પ્રમાણે જે હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલની માત્રા ૭૦ ટકા હતી એ હાથમાં લગાવીને કેટલા ટકા જીવાણું નાશ પામે એ નોંધાયું હતું. બીજી તરફ સાધારણ સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોયા પછી હાથમાંથી કેટલાં કીટાણું નાશ પામ્યા એ તપાસાયું હતું. એના રીઝલ્ટમાં દાવો કરાયો હતો કે હાથમાં સેનિટાઈઝર લગાવાયા પછી પણ વાયરસ ચાર મિનિટ સુધી એક્ટિવ રહ્યો હતો. હાથ ધોયા પછી વાયરસ ૩૦ સેકન્ડમાં નાશ પામ્યો હતો.

આ પ્રોજેક્ટ હેઠળ શ્રેણીબદ્ધ સંશોધનો થયા હતા. હેન્ડ સેનિટાઈઝર લગાવ્યા પછી કેટલી માત્રામાં કીટાણું નાશ પામે છે તે મપાયું હતું. ૧૦ સેકન્ડ હાથ ધોયા પછી કેટલાં જીવાણું નાશ પામ્યા એ તપાસાયું હતું. એ વખતે હેન્ડ સેનિટાઈઝરનો હાથ ઉપર રહ્યો હતો!

સંશોધકોએ નોંધ્યું કે ઓછામાં ઓછા ૨૦થી ૩૦ સેકન્ડ સાબુથી હાથ ધોવામાં આવે તો તેનું પરિણામ સેનિટાઈઝરની સરખામણીએ વધારે અસરકારક આવે છે. ૨૦-૩૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધોવાથી ૮૦-૮૫ ટકા સુધી કીટાણું નાશ પામ્યાં હતાં.

હેન્ડ સેનિટાઈઝર સામે હેન્ડ વોશને લગતાં સંશોધનોમાં જાપાનની યુનિવર્સિટીનું સંશોધન છેલ્લું મહત્વનું સંશોધન હતું. એ અગાઉ પણ અસંખ્ય સંશોધનો થાય છે. ન્યૂયોર્કના વિજ્ઞાની નિકેત સોનપલ કહે છે કે પાણી અને સાબુ અવેલેબલ ન હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોઈને કીટાણુંનો નાશ કરવાનો વિકલ્પ વધારે સારો.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ પણ ૨૦૧૭માં કહ્યું હતું કે સેનિટાઈઝર હાથમાં લગાવવાને બદલે હાથ ધોવાનો ઓપ્શન વધારે અસરકારક છે. ૭૦ ટકા આલ્કોહોલ હોય એવા સેનિટાઈઝરથી ૭૦ ટકા જીવાણું નાશ પામ્યા હતા, જ્યારે ૩૦ સેકન્ડ સાબુથી હાથ ધોયા પછી ૮૭ ટકા કીટાણુનો ખાતમો બોલ્યો હતો. 

ઈનશોર્ટ, સાબુમાં જે પદાર્થો હાજર હોય છે તે કીટાણું માટે વધારે ઘાતક સાબિત થાય છે. પાણી-સાબુની જોડી સેનિટાઈઝરની સરખામણીએ વધારે મજબૂત બનીને વાયરસનો સામનો કરે છે. સાયન્સ કહે છે કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ બિલકુલ અયોગ્ય નથી, પરંતુ જો સાબુથી હાથ ધોવાની સગવડ હોય તો પહેલો વિકલ્પ એ જ પસંદ કરવો જોઈએ. પાની કા કામ પાની હી કરતા હૈ!

-----------

હાથ ધોવામાં મહિલાઓ આગળ

થોમસ જેફરસન યુનિવર્સિટીના હેલ્થ વિભાગે હાથ ધોવાને લગતું એક સર્વેક્ષણ કર્યું હતું. એ સર્વેક્ષણ પ્રમાણે પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હાથ વધુ સ્વચ્છ રાખે છે. સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું કે ઘરની સફાઈ, રસોઈ બનાવવી, બાળકને સાચવવું.. જેવાં કામ મહિલાઓ વધુ કરે છે. એટલે તેમને હાથ ધોવાની આદત પડી જાય છે. સર્વેક્ષણમાં સામે આવ્યું હતું કે ચેપ ન લાગે એ અંગે મહિલાઓ વધારે જાગૃત હોય છે.

પાલતુ સજીવો સાથે સમય વીતાવ્યા પછી, શાકભાજી સમાર્યા પછી, કિચન સાફ કર્યા પછી, ઉધરસ કે છીંક પછી પુરુષો હાથ ધોવાનું ભૂલી જાય છે. તેની સામે મહિલાઓમાં આ બધી એક્ટ પછી હાથ ધોવાનું પ્રમાણે ૮૦ ટકા જેટલું ઊંચું નોંધાયું હતું.

પેરિસમાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ માર્કેટ રીસર્ચ એજન્સી આઈપીએસઓએસના અભ્યાસમાં પણ આવું જ કૈંક પરિણામ જોવા મળ્યું હતું. બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી ૧૦૦માંથી ૯૧ મહિલાઓ હેન્ડવૉશ કરતી હતી, એની સામે ૮૪ પુરુષો બાથરૂમમાંથી બહાર નીકળીને હાથ ધોવાનું યાદ રાખતા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ઘરે પહોંચ્યા પછી ૭૪ ટકા સ્ત્રીઓ પહેલું કામ હાથ ધોવાનું કરતી હતી. માત્ર ૬૫ ટકા પુરુષો જ બહારથી આવ્યા પછી હાથ સ્વચ્છ રાખતા હતા.

ચેપી રોગથી બચવા ચેતવણી વહેતી થઈ હોય ત્યારે હાથ ધોવાનો નિયમ પાળવામાં અને ચહેરાને ટચ ન કરવાની બાબતમાંં મહિલાઓ વધારે અવેર છે. સ્વીડિશ યુનિવર્સિટીના ત્રણેક વર્ષ જૂના સ્ટડીમાં આ દાવો થયો હતો. સ્ટડી પ્રમાણે ચેપી વાયરસનો ભય હોય ત્યારે ૧૦૦માંથી ૭૬ મહિલાઓ હેન્ડવૉશ અને મોં-નાક-આંખને સ્પર્શ ન કરવાની ગાઈડલાઈનનું પાલન કરે છે. સામે ૧૦૦માંથી માત્ર ૪૭ પુરુષો જ ચેપી વાયરસથી બચવાની ગાઈડલાઈન ફોલો કરે છે. બીજી રીતે કહીએ તો અત્યારે કોરોનાથી બચવા જે સૂચના અપાઈ છે એનું ૭૬ ટકા સ્ત્રીઓ અને ૪૭ ટકા પુરુષો પાલન કરે છે!

Saturday 21 March 2020
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -