Archive for April 2014

રૂબિક્સ ક્યુબ : શોધકની જાણ બહાર સર્જાયેલી પઝલ!


વિશ્વભરમાં વિખ્યાત થયેલી રૂબિક્સ ક્યુબ પઝલની શોધને આ મહિને ૪૦ વર્ષ થયા. ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ ગણાયેલી રૂબિક્સ ક્યુબની શોધ અને તેના વ્યાપની કહાની પણ પઝલ જેટલી જ રોચક છે...

આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનનું ભણાવતો ૩૦ વર્ષનો પ્રોફેસર આર્નો રૃબિક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને ઘરેડથી ચીલો ચાતરીને નવી રીતે વાતને સમજાવવાની કોશિશ કરતો. હંગેરિયન ઈજનેર પિતા અને ચિત્રકાર-કવયિત્રી માતાના સંતાન એવા આર્નોને માતા-પિતાના કોમ્બો જેવું આર્ટિસ્ટિક અને પ્રાયોગિક દિમાગ મળ્યું હતું. જેનો ઉપયોગ તે પોતાના પ્રોફેશનમાં બરાબર કરતો હતો. એ એવું માનતો કે સિલેબસનો અભ્યાસ તો પરીક્ષા પૂરતો જ ખપમાં આવશે, પરંતુ સિલેબલ ઉપરાંતની બાબતો જો વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે દિમાગમાં ઉતારાશે તો અભ્યાસ પછી પણ જીવનભર કોઈ પણ ક્ષેત્રમાં ગૂંચવણ વખતે તરત જ તેમાંથી કંઈક રસ્તો મેળવી શકાશે.
થોડા દિવસોથી તે વિદ્યાર્થીઓને થર્ડ ડાઇમેન્શનનો ખયાલ સમજાવતો હતો. અલગ અલગ ઉદાહરણો આપીને આર્કિટેકમાં તેનું શું મહત્ત્વ છે તે સ્પષ્ટ કરવા મથતો હતો. એમાં તેણે પોતાના આર્કિટેક-આર્ટિસ્ટિક દિમાગને કામે લગાડયું. પોતાના અભ્યાસકાળ દરમિયાન તે શીખ્યો હતો કે ઓબ્જેક્ટ અને સ્પેસ એકમેકના પૂરક છે અને તેનું સંયોજન કશુંક નવુ આપી શકવા સક્ષમ છે. થોડા દિવસો સતત એ વિચાર તેના દિમાગમાં ધૂમરાયા કર્યો. અંતે એક દિવસ થર્ડ ડાઇમેન્શનને બરાબર સમજાવી શકાય એવું એક સાધન બનાવવાનો તેને વિચાર આવ્યો. કોલેજના પિરિયડને બાદ કરતા તે દિવસ અને રાત એ સાધન બનાવવા મચી પડયો. તેને એવું સમતોલ સપાટ ચોકઠું બનાવવું હતું જે બધી બાજુથી ફેરવી શકાય. આર્કિટેક હોવાના નાતે રૃબિકનો બીજો એક આશય એ હતો કે સ્થાપત્યના નિર્માણ વખતે જો કશી ગરબડ થાય તો ઈમારતને પાયામાંથી બદલવા કરતા જે ભાગ ખામીયૂક્ત છે એને હટાવીને બાકીની ઈમારતનું નિર્માણ વ્યવસ્થિત રીતે કરી શકાય છે એ વાત પણ પોતાના આ હલનચલન થઈ શકતા નાનકડા સાધનથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય. એને ધીરે ધીરે એ પણ સમજાયુ કે વિચારને મૂર્તિમંત સ્વરૃપ આપવાનું કામ ખરેખર બહુ મુશ્કેલ છે.
તેને પોતાના વિચાર મુજબનું લાકડાનું ચોકઠું બનાવવામાં બીજા એક મિત્રની મદદ મળી. થોડા દિવસ પછી એક એવું ચોકઠું તૈયાર કરવામાં તેને સફળતા મળી જે જાદૂઈ અસર કરતું હતું. ઉપરના કે નીચેના ભાગને ફેરવ્યા પછી ઊભી ગમે તે એક હરોળને ફેરવવી હોય તો ફેરવી શકાતી હતી. વિદ્યાર્થીઓ સામે લાકડાના રંગ વગરના એ ચોકઠાંને રજૂ કરવામાં આવ્યું. રૃબિકને જેમાં થર્ડ ડાઇમેન્શન અને ઈમારતના ક્ષતિગ્રસ્ત ભાગને અલગ કરવાની વાત દેખાતી હતી એ બાજુ પર રહી ગઈ! તેના સ્ટૂડન્ટ્સને એમાં આવું કશું જ નહોતું દેખાતું. એ બધા માટે તો આ એક જાદૂઈ પઝલ હતી, કલાકો સુધી થાક ન લાગે એવી ભરપૂર મનોરંજક ગેઇમ!
રૃબિકે સપનામાં પણ કલ્પના નહોતી કરી કે તેણે એવી પઝલ બનાવી નાખી છે જે ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ બનવાની છે. પેઢીઓ સુધી તેની લોકપ્રિયતા અકબંધ રહેવાની છે. એટલું જ નહી, આ એક માત્ર પઝલના કારણે દુનિયા તેને અલગ માન-પાન આપશે. ત્યારે તેના વિદ્યાર્થીઓએ ભેગા મળીને એ પઝલને નામ આપ્યુંઃ મેજિક ક્યુબ.
                                                                           * * *
ક્યુબની બનાવટ પછી જ્યારે વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેને પઝલ્સ ગણાવી ત્યારે રૃબિકને એ વાતનો અહેસાસ થયો કે થર્ડ ડાઇમેન્શનને સમજાવવા માટે જે સાધન બનાવ્યું છે એ ખરેખર તો એક પઝલ છે. પછી તેમણે ફરી વખત ક્યુબમાં થોડા ફેરફારો કર્યા અને તેને અલગ અલગ છ રંગોમાં વહેંચવાનું વિચાર્યું. એ પ્રમાણે તેમણે સફેદ, વાદળી, લીલો, લાલ, પીળો અને કેસરી રંગની મદદથી મેજિક ક્યુબની ૧૮ પટ્ટીઓ બનાવી. મેજિક ક્યુબમાં કુલ ૨૬ ચોકઠાં વાપરીને તેને પઝલ તરીકે રજૂ કરતા પહેલા રૃબિકે આ પઝલ ઉકેલવાનું કામ કરવાનું હતું. જેને પઝલ સ્વરૃપે રજૂ કરવા જઈ રહ્યા હોય અને તેનો ઉકેલ ન હોય તો એ પઝલ સફળ ન થઈ શકે એવું વિચારીને તેમણે એક મહિનાની સખત મહેનત પછી અઘરી પઝલ ઉકેલી કાઢી. હકારાત્મક પ્રતિભાવો પછી રૃબિકે ૧૯૭૫માં મેજિક ક્યુબના નામે તેની પેટર્ન રજીસ્ટર કરાવી લીધી હતી. રમકડાં બનાવતી હંગેરિયન કંપની પોલિટેકનિકા સાથે રૃબિકે કરાર કર્યા. ૧૯૭૭ના વર્ષમાં બુડાપેસ્ટની રમકડાંની દુકાનોમાં મેજિક ક્યુબને વેંચાણ માટે મૂકવામાં આવી. ધાર્યા કરતા વધુ હૂંફાળો પ્રતિસાદ મળ્યો એટલે કંપનીનો અને રૃબિકનો ઉત્સાહ બેવડાયો. ત્રણેક વર્ષમાં તો હંગેરીનું રમકડાં બજાર મેજિક ક્યુબથી ઉભરાઈ ગયું. ચોમેર મેજિક ક્યુબની બોલબાલા થવા માંડી. ત્યારે હંગેરીની વ્યાપાર નીતિ સામ્યવાદી હતી એટલે દેશની પ્રોડક્ટ બહાર મોકલી શકાય નહીં, પણ રૃબિકની આ મેજિક ક્યુબને વિદેશી માર્કેટ સર કરવાનો પરવાનો મળ્યો. ૧૯૭૯માં આઈડિયલ ટોય કંપની સાથે કરાર થયો. કંપનીએ વિદેશમાં સારો પ્રતિસાદ મેેળવવા માટે નામ બદલવાનું નક્કી કર્યું. કેમ કે, મેજિક ક્યુબ નામ જાદુ સાથે સંકળાઈ જાય તો બની શકે કે ધાર્યુ નિશાન પાર ન પણ પડે એવી એક દહેશત હતી. અંતે ઘણા બધા નામો વિચાર્યા પછી શોધકનું નામ પણ આવી જતું હોય એ રીતે 'રૃબિક્સ ક્યુબ' નામ અપાયું. રૃબિક્સ ક્યુબને વિશ્વભરમાં ફેલાવવાનો શ્રેય વળી એક બીજા ઉદ્યોગ સાહસિક ટોમ ક્રિમરને જાય છે. ટોમના મતે આ ક્યુબ ૨૦મી સદીનું ક્લાસિક રમકડું હતું અને એને સફળતા ન મળવાનો કોઈ સવાલ જ ઉઠતો નહોતો. ટોમની વાત ખરેખર સાચી પણ હતી. ૧૯૮૨નું વર્ષ પૂરુ થયું ત્યારે વિદેશી માર્કેટના વેંચાણનું રિઝલ્ટ હતું-૧૦ કરોડ નકલ. કોઈ પઝલ વિશ્વ વ્યાપી બને એના બે જ વર્ષમાં તેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે ખરી? રૃબિક્સ ક્યુબની વાત થતી હોય તો આ સવાલનો જવાબ 'હા'માં આપવો રહ્યો. ૧૯૮૨માં પ્રથમ વખત રૃબિક્સ ક્યુબની વાર્ષિક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને રૃબિક્સ ક્યુબના વેચાણ જેટલી જ ધારી સફળતા મળી હતી. 
                                                                        * * *
'જો તમે જીજ્ઞાાસુ હશો તો તમારી આસપાસ ઘણી બધી પઝલ્સને શોધી શકશો, પણ જો તમે અદમ્ય ઈચ્છા શક્તિ ધરાવતા હશો તો પઝલ્સ શોધવાની સાથે સાથે તેના ઉકેલ સુધી પણ પહોંચી શકશો. પઝલ્સ અને તેના ઉકેલ સુધી પહોંચવાની જીજ્ઞાાસા જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલી વખતે નિર્ણયો લેવામાં અવશ્ય કામ આવે છે' પઝલ્સ સાથે જીવનની સરખામણી કરતા આ શબ્દો છે મેજિક ક્યુબના શોધક અને એક સમયે આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનિંગના પ્રોફેસર રહેલા આર્નો રૃબિકના. ૭૦ વર્ષના થવા આવેલા આર્નો હવે પ્રોફેસર નથી. તેમની આજની ઓળખ પઝલ્સ ડિઝાઇનર તરીકેની છે. જોકે, એને માત્ર પઝલ્સ ડિઝાઇનર કહેવા એ પણ આમ તો તેમની અધુરી ઓળખ લેખાશે. તેઓ બ્રિટનના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેસ્ટિવલના એડવાઇઝર છે. તેમણે હંગેરિયન એન્જિનિયરિંગ એકેડમીનું પ્રમુખ પદ પણ શોભાવ્યુ છે. ગેઇમ્સ અને પઝલ્સના એક સામયિકના એડિટરની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યા છે. વીડિયો ગેઇમ્સ ક્રિએટ કરવાનું કામ તેઓ હવે વધુ કરે છે, પરંતુ આજેય તેમને રૃબિક્સ ક્યુબના શોધક તરીકે જ ઓળખવામાં આવે છે. રૃબિક્સ ક્યુબ એ આજ પર્યન્ત રૃબિકનું શ્રેષ્ઠ સર્જન બની રહ્યું છે.
રોબિક્સ ક્યુબના રેકોર્ડ્સ ૧૯ સેકન્ડથી ૫.૫૫!
૧૯૮૨માં યોજાયેલી ચેમ્પિયનશીપમાં જર્મનીના રોનાલ્ડ બ્રિકમેને માત્ર ૧૯ સેકન્ડમાં રોબિક્સ ક્યુબને ઉકેલીને નવો કિર્તીમાન સ્થાપિત કરી દીધો હતો. જોકે, એ જ વર્ષે બીજા એક ખેલાડી રોબર્ટ પેર્ગલે ૧૭ સેકન્ડમાં ઉકેલ લાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ રેકોર્ડ પછી ૨૦મી સદીના અંત સુધી અકબંધ રહ્યો હતો. ૨૦૦૩માં ફરીથી રોબિક્સ ક્યુબની પઝલ ઓછામાં ઓછી ચાલ અને ઓછી ઝડપે તોડવાના વિક્રમો સતત તૂટતા ગયા. અત્યારે આ વિક્રમ નેધરલેન્ડના મેલ્ટ્સ વોલ્કના નામે નોંધાયેલો છે. પણ ક્રિકેટમાં જે સ્થાન સચિનનું એવું જ સ્થાન રોબિક્સ ક્યુબની સ્પર્ધાઓમાં ઓસ્ટ્રેલિયાના ફેલિક્સ ઝેમ્બડેગ્સનું છે. ફેલિક્સે પોતાના જ વિક્રમો સતત છ વાર તોડયા છે. તેનો છેલ્લો વિક્રમ ૫.૬૬ સેકન્ડનો છે. એ રેકોર્ડ તેમણે ૨૦૧૧ના મેલબોર્ન વિન્ટર ઓપન વખતે કર્યો હતો. ૨૪ કલાકમાં રૃબિક્સ ક્યુબની કેટલી પઝલ્સ ઉકેલી શકાય? આનો જવાબ છે ૪૭૮૬. હંગેરીનો મિલાન બેટિક્સ ૨૦૦૮માં ૨૪ કલાક સુધી સતત ક્યુબ ઉકેલતો રહ્યો હતો અને છેલ્લે ગણતરી કરી ત્યારે આ આંકડો બહુ વિશાળ હતો.

ફિલ્મ સ્ટાર્સ અને રોબિક્સ ક્યુબ
હોલિવૂડ-બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં રોબિક્સ ક્યુબ પઝલ બતાવવામાં આવી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા ય છે જે ફિલ્મમાં જ નહીં પણ પોતાના અંગત જીવનમાં પણ રોબિક્સ ક્યુબના ફેન હોય. આવું જ એક નામ એટલે આમિર ખાન. આમિરે એક વખત દાવો કર્યો હતો કે તે માત્ર ૨૮ સેકન્ડમાં જ પઝલ ઉકેલી શકે છે. એ પણ ક્યુબ સામે જોયા વગર જ! આમિરે ૧૬ વર્ષની વયે રોબિક્સ ક્યુબના વિશ્વ ચેમ્પિયન બનવાનું શમણું પણ જોયું હતું. આવા જ બીજા કલાકારો એટલે વિલ સ્મિથ અને જેક બ્લેક. તો યંગસ્ટર્સમાં લોકપ્રિય થયેલા સિંગર-ડાન્સર અને એક્ટર જસ્ટિન બીબર પણ નવરાસના સમયમાં ક્યુબ પર હાથ અજમાવે છે. નોટબૂક ફેમ કેનેડિયન એક્ટર રેયન ગોસ્લિંગે એક લાઇવ કાર્યક્રમમાં રોબિક્સ ક્યુબ પઝલ ઉકેલી આપી હતી.

Sunday 27 April 2014
Posted by Harsh Meswania
Tag :

હરિફ અખબારને મળ્યાં છે સૌથી વધુ પુલિત્ઝર પ્રાઈઝ



આ વર્ષે ૯૮મા એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ. એક સમયે પુલિત્ઝરે જે અખબાર સામે બરાબરની સ્પર્ધા કરી હતી તે અખબારના નામે વધુ બે એવોર્ડ નોંધાયા. પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં સૌથી વધુ પ્રાઇઝ પુલિત્ઝરના હરિફ અખબારના નામે નોંધાયેલા છે.

એપ્રિલ ૧૯૯૫ની આ વાત છે. ન્યુ યોર્કની એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ઓફિસમાં જોસેફ પુલિત્ઝર પોતાનો સામાન પેક કરી રહ્યાં છે. લેપટોપ, જરૃરી દસ્તાવેજ સહિતની બધી વસ્તુઓ બેગમાં મૂકીને તે ફરી એક વાર આખી ઓફિસને નિહાળે છે. ખાસ તો સામેની દિવાલમાં રાખવામાં આવેલી જોસેફ પુલિત્ઝરની આદમ કદની તસવીરને તે કેટલીય વાર સુધી તાકી રહે છે.  તેઓ ધીમે પગલે ઓફિસમાંથી બહાર નીકળે છે. પાછળ દરવાજો બંધ થયાનો અવાજ તેમને સંભળાય છે. એ સાથે જ તેમને એ વાત સમજાય ગઈ હતી કે હવે પત્રકારત્વમાં હંમેશા માટે તેમનો દરવાજો બંધ થઈ રહ્યો છે.

નીચે ઉતરીને તેઓ બિલ્ડિંગને થોડી વાર માટે જોઈ રહે છે. ત્યાર બાદ કારને ઘર તરફ હંકારી મૂકે છે. આ સાથે જ કારની ઝડપ કરતા અનેક ગણી ઝડપે તેમના દિમાગમાં વિચોરો ઘૂમરાવા લાગે છે. જાણે ૧૨૫ વર્ષનો ઈતિહાસ ફિલ્મની રીલની જેમ સામેથી પસાર થતો હોય એવું ય તેમને લાગે છે. પરિવારના અન્ય સભ્યો પાસેથી સાંભળેલી પરિવાર વિશેની એકાદ સૈકા પહેલાની વાતો તેમને યાદ આવવા લાગે છે. મીડિયામાં પુલિત્ઝરનો કેવો દબદબો હતો એના તો કેટલાય કિસ્સા તેમણે સાંભળ્યા હતા. હરિફોને હંફાવવા માટે જોસેફ પુલિત્ઝરે પત્રકારત્વમાં ઘણા બધા નવા નવા પ્રયોગો કર્યા હતા. સંશોધનાત્મક પત્રકારત્વ, કોમિકથી લઈને કલર પ્રિન્ટિંગ સુધીનું કેટલું બધુ પુલિત્ઝરની પહેલને કારણે થયું હતું. તેમને એકાએક પુલિત્ઝરે ૧૮૭૨માં કરેલી 'સેન્ટ લુઇસ પોસ્ટ'ની ડિલ યાદ આવી ગઈ. એ જ સેન્ટ લુઇસ પોસ્ટનેે પોતે બચાવી ન શક્યો એની ઉદાસી ફરી તેમના ચહેરા પર છવાઈ ગઈ. પરિવારની ૧૨૫ વર્ષની ઉજ્જવળ સિદ્ધિ પોતાનાથી અટકી જવાની છે એ વિચાર માત્ર તેમને અકળાવી જતો હતો. જોસેફ પુલિત્ઝરથી શરૃ થયેલી પરંપરા જોસેફ પુલિત્ઝર સુધી આવીને અટકી ગઈ એનો તેમને ભારોભાર ખેદ હતો.
                                                                     * * *
પોતાના પરિવારની મિલ્કત એવા અખબારી હકો ન સાચવી શકવાનો વસવસો વ્યક્ત કરનારા જોસેફ પુલિત્ઝર (તેઓ જોય પુલિત્ઝર તરીકે વધુ જાણીતા છે) એટલે પુલિત્ઝર પ્રાઇઝ જેમના નામે ચાલે છે એ જોસેફ પુલિત્ઝરના પ્રપૌત્ર. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી 'સેન્ટ લુઇસ પોસ્ટ'ને ખરીદ્યાના એક દશકા બાદ તેમણે 'ન્યુ યોર્ક વર્લ્ડ' ખરીદ્યું હતું. જેના દ્વારા જોસેફ પુલિત્ઝરે અમેરિકી અખબાર જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. વાર્ષિક ૪૦,૦૦૦ ડોલરની ખોટમાં ચાલી રહેલા અખબારને ખરીદીને તેનું સરક્યુલેશન ૧૫,૦૦૦થી વધારીને ૬ લાખ સુધી લઈ જવાનું મુશ્કેલ કામ પુલિત્ઝરની આગવી અખબારી કુનેહને કારણે શક્ય બન્યું હતું. જેને ખરીદીને જોસેફ પુલિત્ઝરે અખબારી આલમમાં પગપેસારો કર્યો હતો તે અખબાર 'સેન્ટ લુઇસ પોસ્ટ'ના માલિકી હકો ૧૯૯૫માં પુલિત્ઝર પરિવાર પાસેથી વેંચાઈ ગયા ત્યારે પુલિત્ઝરના પ્રપૌત્ર જોસેફ પુલિત્ઝર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. તેમની અનિચ્છા છતાં અન્ય ડિરેક્ટર્સે કંપની લી એન્ટરપ્રાઇઝને વેંચી દીધી અને જોસેફ મૂક પ્રેક્ષક બની રહ્યા. આ ઘટનાનેે બે દશકા જેટલો સમય પસાર થયો હોવા છતાં આજે પણ જોયને એ વાતનું દુઃખ છે કે તે પોતાના પરિવારનો ઉજ્જળ ઈતિહાસ પોતાની પાસે ન રાખી શક્યા.
                                                                     * * *
જોસેફ પુલિત્ઝર- પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો માટે આ નામ જરા પણ અજાણ્યુ નથી. અમેરિકાના પત્રકારત્વ ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી નામ એટલે જોસેફ પુલિત્ઝર. જેમના પ્રયત્નો થકી પત્રકારત્વના અભ્યાસની શરૃઆત થઈ હતી એ જોસેફ પુલિત્ઝરની પત્રકારત્વમાં આગવી શાખ છે. પ્રકાશક-પત્રકાર અને વકીલ ઉપરાંત તેઓ એક ગણનાપાત્ર રાજનેતા પણ હતા. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી અને ઉજ્જળ હતી, પરંતુ તેમની ઓળખ તો ત્યારેય એક જર્નલિસ્ટ તરીકેની હતી અને આજેય તેમને પત્રકારત્વ ક્ષેત્રે આપેલા પ્રદાનના કારણે જ વધુ યાદ કરાય છે.
જોસેફ પુલિત્ઝરે કોલંબિયા યુનિવર્સિટીને ૧૮૯૨માં અનુદાન આપીને પત્રકારત્વની એક કોલેજ શરૃ કરવા જણાવ્યું હતું. વળી, પત્રકારત્વ ક્ષેત્રે અમિટ છાપ છોડતા અખબારો-પત્રકારો-કટાર લેખકો અને તંત્રીઓનું સન્માન થાય એ માટે એક પ્રાઇઝ આપવું જોઈએ અને એ માટે ય પૈસા તેમણે આપવાની તૈયારી બતાવી હતી. જોકે, કોલંબિયા યુનિવર્સિટીએ બે દશકા સુધી એ કામ ન કર્યું. જોસેફ પુલિત્ઝરે પોતાના વિલમાં યુનિવર્સિટીને ૨૦ લાખ ડોલરનું અનુદાન આપ્યું હતું. અંતે પુલિત્ઝરના નિધન પછી છેક ૧૯૧૨માં કોલંબિયા યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ જર્નલિઝમની શરૃઆત કરી હતી. પાંચ વર્ષ પછી ૧૯૧૭માં પત્રકારત્વ ક્ષેત્રે આગવી ભાત પાડતા કામની કદરરૃપે પુલિત્ઝર પ્રાઇઝ આપવાનું શરૃ થયું.
આજે આ એવોર્ડ ૨૧ કેટેગરીમાં એનાયત થાય છે. વિશ્વભરમાંથી ત્રણેક હજાર એન્ટ્રી મળે છે એમાંથી શોર્ટ લિસ્ટ થયા પછી અંતે જ્યુરી મેમ્બર્સ દરેક કેટેગરીમાં ત્રણ-ત્રણ ફાઇનાલિસ્ટ જાહેર કરે છે. જેમાંથી બોર્ડના ૨૦ સભ્યો વોટિંગ પદ્ધતિથી વિજેતા જાહેર કરે છે. એકદ-દોકલ વિવાદોને બાદ કરતા પત્રકારત્વ ક્ષેત્રે મળતા આ એવોર્ડને આજેય સર્વોપરી માનવામાં આવે છે. પબ્લિક સર્વિસ માટેનો એવોર્ડ અખબારને આપવામાં આવે છે અને એના માટે સૌથી મોટા પુરસ્કાર સ્વરૃપે ગોલ્ડ મેડલ એનાયત થાય છે. એ સિવાય ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ, નેશનલ રિપોર્ટિંગ, ઈન્ટરનેશનલ રિપોર્ટિંગ, એડિટોરિયલ રાઇટિંગ, લોકલ રિપોર્ટિંગ, બ્રેકિંગ ન્યૂઝ ફોટોગ્રાફી, ફિચર ફોટોગ્રાફી જેવું સન્માન મેળવવું એ અખબાર જગતમાં કામ કરતા દરેક માટે એક ગૌરવ ગણાય છે.
વિશ્વમાં ક્યાંય પણ કોઈ મોટા અખબારની ઓળખ તેના ફેલાવા ઉપરાંત પુલિત્ઝર પ્રાઇઝની સંખ્યાના આધારે થાય છે એ બાબત જ તેનું મહત્ત્વ પ્રસ્થાપિત કરી દે છે. પુલિત્ઝરનું એ સમયે સૌથી વધુ ફેલાવો અને લોકપ્રિયતા ધરાવતું અખબાર 'ન્યુ યોર્ક વર્લ્ડ'ને જેની સાથે સૌથી વધારે કટ્ટર સ્પર્ધા હતી એ 'ધ ન્યુ યોર્ક ટાઇમ્સ'ને પુલિત્ઝર પ્રાઇઝના ઈતિહાસમાં અલગ અલગ કેટેગરીના સૌથી વધુ ૧૧૨ પુલિત્ઝર મળ્યા છે. ત્યાર પછીના ક્રમે વોશિંગ્ટન પોસ્ટનું નામ આવે છે. વોશિગ્ટન પોસ્ટને ૪૭ પુલિત્ઝર પ્રાઇઝ મળ્યા છે. હરિફ અખબાર માટે પણ પૂર્વગ્રહ ન રાખે એ પુરસ્કાર વિશ્વમાં પ્રતિષ્ઠિત ન ગણાતો હોય તો જ નવાઈ!

ભારત અને પુલિત્ઝર પ્રાઇઝ
આ વખતે પુલિત્ઝર પ્રાઇઝ વિજેતાના લિસ્ટમાં એક નામ છે- વિજય સેષાદ્રી. બેંગ્લુરુમાં જન્મેલા અને અમેરિકામાં ઉછરેલા વિજય સેષાદ્રીને તેમના કાવ્યસંગ્રહ માટે પોએટ્રી કેટેગરીમાં વિજેતા જાહેર કરાયા છે. આ અગાઉ ચાર ભારતીયોના નામે પુલિત્ઝર નોંધાયેલા છે. સૌથી પહેલા ભારતીય એટલે ગોવિંદ બિહારીલાલ. અમેરિકા અભ્યાસ માટે ગયેલા ગોવિંદ સેનફ્રાન્સિસકો એક્ઝામિનરમાં સાયન્સ એડિટર બન્યા હતા. અમેરિકામાં સ્થાઈ થયેલા ગોવિંગ બિહારીલાલને ૧૯૩૭માં જર્નલિઝમ માટે પુલિત્ઝર અપાયો હતો. ઈન્ડિયન-અમેરિકન ઝુંપા લહેરીને ૨૦૦૦માં ફિક્શન કેટેગરીનો પુલિત્ઝર મળ્યો હતો. ભારતીય મૂળની જર્નલિસ્ટ ગીતા આનંદને ૨૦૦૩માં તેમના કામ માટે પુલિત્ઝર મળ્યું હતું. છેલ્લે ભારતીય મૂળના કેન્સર ફિજિશ્યન અને સંશોધક સિદ્ધાર્થ મુખર્જીને કેન્સર પરના તેમના એક પુસ્તક માટે ૨૦૧૧માં નોન ફિક્શન કેટેગરીમાં પુલિત્ઝર મળ્યો હતો.
Sunday 20 April 2014
Posted by Harsh Meswania
Tag :

ગ્લેન ફોર્ડઃ મને કોઈ કહેશે, મેં શા માટે ૩૦ વર્ષ જેલમાં કાઢ્યા?


ક્યારેય ન કરેલા ગુના માટે આરોપીએ સજા ભોગવી લીધા પછી રિઓપન થયેલા કેસમાં કોર્ટે તેનો નિર્દોષ છૂટકારો કર્યો. આરોપીને આજીવન કારાવાસ થયો ત્યારે તેની ઉંમર ૩૪ વર્ષ હતી. થોડા દિવસ પહેલા નિર્દોષ છૂટયો ત્યારે તે જીવનના ઉતરાર્ધમાં પહોંચી ચૂક્યો હતો...

તેમાની નહોતો શકતો કે આજે તે ખરેખર મૂક્ત થઈ ગયો છે. હાઈ વે પરની એક રેસ્ટોરન્ટના પાર્કિગ ઝોનમાં તેની કાર આવીને ઊભી રહી. સાથે એક બે દોસ્તો ઉપરાંત તેનો વકીલ પણ હતો. આમ તો તેને ખૂલ્લી હવાની લહેરખીનો આનંદ માણવાની બહુ ઈચ્છા થતી હતી પણ અત્યારે તો સખત ભૂખ લાગી હોવાથી પહેલા કંઈક ખાવું છે એવું તેણે ત્યાંથી નીકળતી વખતે જ મિત્રોને કહી રાખ્યું હતું. કારમાંથી બાકીના બધા બહાર નીકળ્યા, પરંતુ તે ક્યાંય સુધી એમ જ બેસી રહ્યો. તેના બહાર નીકળવાની રાહ જોતા મિત્રોમાંથી એક જણે આવીને તેને ઢંઢોળ્યો ત્યારે તેને ભાન થયું કે તે મૂક્ત છે અને કોઈના ય હુકમ વગર પોતાની મેળે જીંદગી જીવી શકે છે. તેના કાન છેલ્લા ૩૦-૩૦ વર્ષથી સતત હુકમ સાંભળવા એવા તો ટેવાઈ ગયા હતા કે હવે તેને પોતાની મેળે કશું કરી શકાય એની કલ્પના પણ વધારે પડતી લાગતી હતી. તેનું શરીર આજ્ઞાા અને સૂચના મુજબ જ કામ કરી શકે છે એવું તેને લાગ્યું.
તે કારનો દરવાજો ખોલીને બહાર આવ્યો. જમવાનું આવ્યું ત્યાં સુધી બધાએ તેનું મન હળવું કરવા દેશ-દુનિયાની આડાઅવળી વાતો કરી. ડિસમાં મૂકાયેલા ફૂડમાંથી મેટલની ચમચી વડે તેણે પ્રથમ કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેને યાદ આવ્યું કે તેણે છેલ્લે મેટલની ચમચીથી લગભગ ૩૦ વર્ષ પહેલા ખાધું હતું. એ સાથે જ ફરીથી તેના માનસપટ પર ભૂતકાળ તાજો થઈ ગયો. અત્યારે તે હોટેલમાં બેઠો હોવા છતાં તેનું ૬૪ વર્ષનું શરીર કૂદકો લગાવીને જાણે ૫ નવેમ્બર, ૧૯૮૩ના એ દિવસમાં પહોંચી ગયું. તેને લાગ્યું કે તેની સાથે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકોનો અવાજ એકાએક ધીમો થઈ ગયો છે અને પેલા પોલીસ અધિકારીનો કરડાકીભર્યો અવાજ તેના કાનમાં મોટેથી ગૂંજવા લાગ્યો છે...'અમને તો શંકા છે કે તેં જ એમને.....'
                                                                      * * *
'...પણ એવું તો બની જ કેવી રીતે શકે?' તેણે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો હોય એમ ધીમેકથી બબડયો. ઉતાવળા ડગલા ભરતો આવીને તે સીધો જ પોલીસ સ્ટેશનમાં અંદર ધસી ગયો. 'એક્સક્યુઝ મી સર! એમની સાથે આવું શી રીતે બન્યું અને કોણે કર્યું? આ બાબતે મને શું કામ બોલાવાયો છે?' તેણે હાજર પોલીસ અધિકારી સામે આશાભરી નજરે પ્રશ્ન કર્યો
'તું આટલા દિવસથી ક્યાં હતો? અમે તને જ શોધતા હતા' હાજર પોલીસ અધિકારીએ તેના તરફ સંદેહભરી નજરે જોયું.
'હું...હું... કેટલાક દિવસથી દૂરના વિસ્તારમાં કામ કરું છું અને રહેવાનું પણ ત્યાં જ રાખ્યું છે' તેણે થોથવાતા અવાજમાં જવાબ વાળ્યો. તેના ચહેરા પરની રેખાઓ અકારણ તંગ બની ગયેલી પોલીસ અધિકારીએ અનુભવી.
'કેટલા દિવસથી બહાર કામ કરે છે? તને આ ઘટનાની જાણ કઈ રીતે થઈ? તું એમને કેવી રીતે ઓળખતો હતો?' પોલીસ અધિકારીએ એક સામટા સવાલો કરીને તેને ગૂંચવી નાખ્યો.
'હું તેમને ત્યાં ક્યારેક ક્યારેક કામ કરતો હતો. એમને કામદારની જરૃર હોય અને મારી પાસે કામ ન હોય તો હું ઘણા દિવસો સુધી એમને ત્યાં કામ કરતો હતો' તેને સમજાતું નહોતું કે પોલીસ અધિકારીના કયા સવાલનો જવાબ કેવી રીતે આપવો. જે યાદ આવ્યું એ ઉત્તર વાળી દીધો.
'તું છેલ્લે એમને ક્યારે મળ્યો હતો?' પોલીસ અધિકારીએ નવો સવાલ કર્યો.
'છેલ્લે મેં એમને જોયા એને તો ઘણા દિવસો થઈ ગયા. હું એમને ક્યારે મળ્યો હતો એ મને ચોક્કસ યાદ નથી આવતું' જવાબ આપતી વખતે ય તેના મનમાં વિચાર ચાલતા હતા કે આ આખા મામલામાં પોલીસે તેને અહીં શું કામ બોલાવ્યો હશે?
'તો તારે યાદ કરવું પડશે? યાદ નથી એમ કહીને તું છટકી નહીં શકે' પોલીસ અધિકારીનો અવાજ થોડો મોટો અને સત્તાવાહી થયો.
'સર મારો વિશ્વાસ કરો! મને ખરેખર એ યાદ નથી કે હું એમને કેટલા દિવસ પહેલા મળ્યો હતો.' તેણે નરમાશથી પોલીસ ઓફિસરને ભરોસો અપાવવાની કોશિશ કરી.
'અમને તો શંકા છે કે તેં જ એમને.....' પોલીસ અધિકારી વાક્યને અધૂરું મૂકીને તેના ચહેરાને તાકી રહ્યાં.
'સ....ર...હું....એમને..કેવી...રીતે...' એ ફાટી આંખે પોલીસ અધિકારી સામે જોઈને તૂટક તૂટક શબ્દોમાં માંડ આટલું બોલી શક્યો.
'આમને આપણા મહેમાન બનાવો અને સારી રીતે ખાતિરદારી કરો' પોલીસ અધિકારીનો હુકમ છૂટયો અને એ સાથે જ બે પોલીસમેન તેને બાવડેથી ઝાલીને અંદર લઈ ગયા.
                                                                        * * *
૧૯૮૩માં લ્યુસિયાનાના શ્રેવપોર્ટમાં ઈસાડોર રોઝમેન નામના એક જ્વેલરીની હત્યા થઈ હતી. મહિનાઓ પછી હત્યાના ત્રણ કહેવાતા સાક્ષીઓ જેક અને હેનરી રોબિન્સન નામના બે ભાઈઓ અને જેકની ગર્લફ્રેન્ડ માર્વેલા બ્રાઉનના બયાનના આધારે પોલીસે ગ્લેન ફોર્ડને પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન જારી કર્યું હતું. હત્યા સમયે ઘટના સ્થળેથી જોજનો દૂર કામ કરી રહેલો ગ્લેન ફોર્ડ પહેલા ઈસાડોરને ત્યાં કામ કરતો હતો. પોલીસનું તેડું આવ્યા પછી હાજર થયેલા ફોર્ડને પોલીસે એ જ સમયે અંદર કરી દીધો હતો. શંકા અને સાક્ષીઓના આધારે ૧૯૮૪માં લ્યુસિયાની કોર્ટે તેને મૃત્યુદંડની સજા આપી હતી. પછી ફોર્ડના વકીલની અરજી ગ્રાહ્ય રાખીને તેની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવી હતી. જોકે, આરોપી ફોર્ડે ક્યારેય પોતાનો ગુનો કબૂલ કર્યો નહોતો.
છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકામાં આવા શંકાસ્પદ કેસને રિઓપન કરવાની ઝુંબેશ ચાલે છે એના ભાગરૃપે જ ફોર્ડની ફાઇલ પણ રિઓપન થઈ હતી. ૨૦૦૯માં ફરીથી આખા કેસનું બારિકાઈથી નિરિક્ષણ કરતા વકીલો પણ ચૌંકી ગયા હતા કે સાવ સ્પષ્ટ વાત હોવા છતાં ફોર્ડને સજા જ કેવી રીતે થઈ! સાક્ષીઓ પોતે જ શંકાના દાયરામાં હતા. એક પણ રીતે ફોર્ડે ગુનો કબૂલ નહોતો કર્યો. જે તે વખતે આ ઘટના માટે વપરાયેલા હથિયારો અને એ સમયે શંકાસ્પદ રીતે ઘટના સ્થળે કહેવાતી ફોર્ડની હાજરી વિશેના એક્સપર્ટના રિપોર્ટ્સ પણ એક તરફી હતા. પોલીસે ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ સુદ્ધાં આરોપનામામાં જોડયો નહોતો. રિઓપન થયેલા કેસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે શ્વેત ન્યાયધીશોએ અશ્વેત ફોર્ડને પૂર્વગ્રહ રાખીને તેમ જ રોબિન્સન બ્રધર્સ સાથે સાંઠગાંઠ કરીને અપૂરતા પૂરાવાઓ હોવા છતાં તે સમયે મૃત્યુદંડ આપ્યો હતો. આ વાત સાબિત થયા પછી સફાયા જાગેલા ન્યાયતંત્રએ ફોર્ટને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો.
ફોર્ડ છેલ્લા ૩૦ વર્ષથી અંગોલા જેલમાં હતો. એમાં ય સાતેક વર્ષથી તો તે એકાંતવાસમાં જ રહેતો હતો. તેને નાનકડી કોટડી ફાળવી દેવામાં આવી હતી. તે દિવસ અને રાત એમાં જ પડયો રહેતો. એકલા રહેવાની આદત કેળવી ચૂકેલા ફોર્ડને આશા નહોતી કે તેને આમ અચાનક મૂક્ત કરી દેવામાં આવશે અને એ પણ નિર્દોષ. ફોર્ડ શરૃઆતમાં નિર્દોષ હોવાનું રટણ કર્યા રાખ્યું હતું, પરંતુ ત્યારે તેને સાંભળનારું કોઈ નહોતું. આજે હવે તેને આઝાદીનો શ્વાસ પણ અકળાવે છે. અચાનક આવી પડેલી મૂક્તિથી તે ચિંતિત છે. કેમ કે, હવે તેનું પહેલું કામ નોકરી મેળવવાનું અને રહેવા માટે ઘર શોધવાનું છે. ઘર તો કદાચ મળી ય જશે. પણ તેને અકળાવી જતો વિચાર એ છે કે જ્યાં કામ કરતો હતો એ માલિકની હત્યાના ગુનામાં ૩૦ વર્ષ જેલમાં કાપ્યા હોય એ માણસને નોકરીએ રાખશે કોણ? ફોર્ડના વકીલે 'અકારણ સજા કાપી હોવાના વળતર' માટે અરજી કરી છે. અમેરિકાના કાયદા પ્રમાણે સામાન્ય રીતે આવા ઓરોપીઓને વાર્ષિક ૨૫,૦૦૦ ડોલર (૧૫ લાખ રૃપિયા જેટલી રકમ)મળતા હોય છે. એ મળશે તો ફોર્ડ ઉંમરના છેલ્લા પડાવે કરોડપતિ બની જશે, પણ તેણે જેલમાં ગાળેલા મૂલ્યવાન ૩૦ વર્ષનું વળતર એ પૈસાથી ચૂકવી શકાશે ખરું?
Sunday 13 April 2014
Posted by Harsh Meswania
Tag :

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં...




સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં ગેટ પર ગેસ્ટને વેલકમ કરવાથી લઈને ટેબલ પર ખાવાનું પીરસવા કે બારમાં ડ્રિન્ક બનાવવા સુધીનું બધુ જ કામ જોડિયા ભાઈ-બહેનો કરે છે. દુનિયામાં એવી ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ છે જે તેની આવી એકાદ વિશેષતાના કારણે વિશ્વ વિખ્યાત બની હોય

ટ્વિન્સ રેસ્ટોરન્ટઃ ઉમ્મીદ સે દુગુના

૧૯૬૪માં બનેલી એક ફિલ્મ 'કિંગ્ડમ ઓફ ક્રુક્ડ મિરર' પરથી પ્રેરણા લઈને મોસ્કોના એલેક્સી ખોડોર્કોવસ્કીએ ટ્વિન્સ રેસ્ટોરન્ટનું નિર્માણ કર્યું છે. જેમાં બધું જ કામ ટ્વિન્સને સોંપવામાં આવે છે. ટેબલ દીઠ એક જોડીને ફાળવી દેવામાં આવે છે. રેસ્ટોરન્ટનું એક પણ કામ કોઈ એકને સોંપવામાં નથી આવતું અને આ જ તેની વિશેષતા બની ગઈ છે. તેના માલિકના કહેવા પ્રમાણે ટ્વિન્સને શોધવાનું કામ ખૂબ મુશ્કેલ હતું, પણ દેશભરમાંથી સરખા દેખાતા ટ્વિન્સને સારું વળતર આપીને પણ નોકરીએ રાખી લેવામાં આવે છે. મુલાકાતીઓ રેસ્ટોરન્ટમાં ખાવાની લિજ્જત માણવા કરતા ટ્વિન્સની અનોખી સર્વિસ જોવા-માણવા માટે વધુ આવતા હોય છે. જોકે, ટ્વિન્સની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. અમેરિકાની લીસા ગેન્ઝ અને ડેબ્બી ગેન્ઝ નામની બે જોડિયા બહેનોએ અમેરિકન અભિનેતા ટોમ બેરેન્જર સાથે મળીને ૧૯૯૪માં ન્યૂયોર્કમાં ટ્વિનર્લી નામની રેસ્ટોરન્ટ શરૃ કરી હતી. જેમાં ૩૭ ટ્વિન્સ આજેય કામ કરી રહ્યાં છે.
 પાણીની વચ્ચે ખાણીની લહેજત
હિંદ મહાસાગરમાં આવેલા દ્વિપ માલદીવના રંગાલીમાં ઈથા (જેનો મતલબ થાય છે મોતીની માળા) નામની એક અંડરવોટર રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં પાણીની વચ્ચે અને સમૃદ્રી સજીવો ઉપરથી-આજુબાજુમાંથી પસાર થતાં હોય ત્યારે ખાણીનો લુફ્ત ઉઠાવી શકાય છે. આ રેસ્ટોરન્ટ સમુદ્રની સપાટીથી ૧૬ ફીટ નીચે બનાવવામાં આવી છે. ૨૦૦૫માં નિર્માણ પામેલી આ રેસ્ટોરન્ટ ૧૬ ફીટ પહોળી અને ૩૦ ફીટ લાંબી છે.તેમાં એક સમયે ૧૪ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. તેને દુનિયાની સૌ પ્રથમ અંડરવોટર રેસ્ટોરન્ટનું સન્માન મળ્યું છે. ઈથાની સફળતાથી પોરસાઈને પછી તો ફિજી, ઈઝરાયેલ, દૂબઈ, સ્વિડન અને સ્ટોકહોમમાં પણ પાણીની અંદર ખાણીની લહેજત માણી શકાય એવી અંડરવોટર રેસ્ટોરન્ટ બની છે.
બાર્બી ડોલ ખાણું પીરસે છે!

છેલ્લા સાડા પાંચ દાયકાથી ત્રણ-ચાર પેઢીમાં સતત લોકપ્રિય રહેલી ડોલ બાર્બીની લોકપ્રિયતા અંકે કરવા હવે તો સૌ કોઈ મેદાને પડયા છે. તાઈવાનમાં આવેલી એક રેસ્ટોરન્ટ પણ આ યાદીમાં સમાવી શકાય. હોટેલ કમ રેસ્ટોરન્ટનો અંદર અને બહારનો ગુલાબી રંગ તેને આસપાસની તમામ ઈમારતોથી અલગ તારવી દે છે. અંદર પ્રવેશ્યા પછી તેમાં વધુ એક ગુલાબી રંગ ઉમેરાય છે. બાર્બીના કટ આઉટ સાથેનું મેનુ કાર્ડ અને તે આપવા આવનારી ગર્લ પણ એ જ રંગના બાર્બીના લિબાસમાં સજ્જ હોય છે. તાઇવાનના આ બાર્બી કેફેનો આ હંમેશનો દેખાવ છે. ઊંચા દામ આપીને યુવતીઓને રેસ્ટોરન્ટમાં કામ આપવામાં આવે ત્યારે બાર્બી બનીને કામ કરવું એ તેની પ્રથમ શરત હોય છે.
સદ્ધર લોકો માટેની અદ્ધર રેસ્ટોરન્ટ
૧૬૦ ફીટ હવામાં અદ્ધર રહીને ભોજન લેવાનું સાહસ અને સગવડ હોય તો અમેરિકાની ડિનર વિથ સ્કાય એે સ્વપ્ન પૂરું કરે છે. ૨૨ લોકો એક સાથે બેસીને ભોજન લઈ શકે એ માટે ૨૦ ફીટ લાંબું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. અમેરિકાના અવકાશમાં આ પ્લેટફોર્મને ઉપર પહોંચાડયા પછી ભોજન પીરસવામાં આવે છે. ૨૨ મહેમાનો માટે ૮ સભ્યો બધી વ્યવસ્થાનો ઈંતઝામ કરે છે. જોકે, અવકાશમાં ભોજનનો આસ્વાદ માણવા નીકળેલા મોટાભાગના લોકો એટલી ઊંચાઈ પર ગયા પછી ખૂલ્લા પ્લેટફોર્મના કારણે ડરથી ભોજન લેવાનું જ માંડી વાળતા હોય છે. ભોજન માટે ૧૬૦ ફીટની ઊંચાઈએ ગયા પછી લગભગ ૮૦ ટકા લોકો જમ્યા વગર જ પાછા આવે છે!
સિક્રેટ એજન્ટ જ ભોજન મેળવી શકે!

અમેરિકન શહેર મિલવૌકીમાં સેફ હાઉસ નામે થોડી અલગ રેસ્ટોરન્ટ છે. એ એવી રેસ્ટોરન્ટ છે કે જેમાં પૂરતા નાણા ચૂકવ્યા હોવા છતાં પણ જો સિક્રેટ એજન્ટની જેમ કુશળતા બતાવીએ તો ભૂખ્યા પેટે પાછા ઘરે આવવું પડે. રેસ્ટોરન્ટનો દરવાજો ઓપન કરવાથી લઈને ટેબલ સુધી પહોંચવા માટે આખું સિક્રેટ મિશન પાર પાડવું પડે છે. દિમાગ પર જોર લગાવીને જાત-ભાતની પહેલી ઉકેલવી પડે છે. ઘણા લોકો મગજને કસવા માટે નિયમિત આ રેસ્ટોરન્ટની મુલાકાત કરતા રહે છે. અગાઉથી બુકિંગ કરાવ્યા પછી જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટના દરવાજા પાસે પહોંચે કે તરત તેના દિમાગની કસરત શરૃ થઈ જાય છે. ટેબલ સુધી પહોંચી જાય તો તેને ખાવાનું મળે છે. જો ન પહોંચે તો તેની પાસે ભૂખ્યા પેટે ઘરે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી હોતો.
જાદુગરો ખાવાનું પીરસે તો?
ન્યુયોર્કની ટ્રિબેકા રેસ્ટોરન્ટમાં ભોજન સાથે મેજિકનો આનંદ પણ ઉઠાવી શકાય છે. પીરસનારા બધાને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ગ્રાહકને આશ્વર્ય થાય એવા મેજિકની સાથે ઓર્ડર મુજબનું ખાવા-પીવાનું મળે છે. ઘણી વખત ભયનું લખલખું પસાર થઈ જાય એવા જાદૂના ખેલ પણ ટેબલ પર ક્રિએટ કરવામાં આવે છે. ભોજનની ઉપર આગના ગોળા દેખાવા લાગે કે પાણીના ગ્લાસમાં અચાનક ઉપરથી પાણી ટપકે એ વાતની અહીં કોઈ નવાઈ નથી. જમવાનું પૂરું થાય એ પહેલા તો કંઈ કેટલું બધુ અણધાર્યું બની ચૂક્યું હોય છે એ જ આ રેસ્ટોરન્ટની ખાસિયત છે.
મંગળ ગ્રહ ઉપર ભોજન લેવું હોય તો....
મંગળ મિશનની થિમ પર ન્યુયોર્કમાં રેસ્ટોરન્ટ બનાવાઈ છે. મંગળ પર રહેતા માનવીઓની કલ્પના પરથી વેઇટર્સનો લિબાસ તૈયાર કરવામાં આવ્યો છે. બેઠક વ્યવસ્થાથી લઈને પ્લેટ સુધીનું બધુ જ મંગળ ગ્રહ પર હોય એની કલ્પનામાંથી વિકસાવાયું છે. મંગળ ગ્રહ પર ગયેલો માણસ જો ભૂખ્યો થયો હોય તો તેને મંગળવાસી કેવી રીતે માર્ગદર્શન આપે એ બાબતને નાટયાત્મક રીતે વણી લેવામાં આવી છે. સામાન્ય કરતા અલગ રીતે ઉચ્ચારો કરતા વેઇટર્સ મંગળ ગ્રહનું વાતાવરણ ક્રિએટ કરે છે.
થોડી વધુ વિચિત્ર રેસ્ટોરન્ટ!
નરભક્ષી રેસ્ટોરન્ટ. ન માનવામાં આવે એવા નામની જાપાન સ્થિત આ રેસ્ટોરન્ટમાં સ્ત્રીના શરીરના આકારમાં જાપાની ફૂડ પીરસવામાં આવે છે. એક પછી એક ભાગને ખાવાનું શરૃ થાય એટલે હ્યુમન બોડીમાંથી જે રીતે લોહી નીકળે એ રીતે જ સ્ત્રીના આકારની ફૂડ પ્લેટમાંથી રક્ત વહેવા લાગે છે. આવી જ બીજી વિચિત્ર રેસ્ટોરન્ટ તાઇવાનમાં આવેલી છે. હોસ્પિટલની થિમમાં બનેલી ડિનર ઈન અ હોસ્પિટલ નામની રેસ્ટોરન્ટમાં સુંદર યુવતીઓ નર્સના વેશમાં જમવાનું પીરસી જાય છે. હોસ્પિટલમાં હોય એવા સાધનોનો ઉપયોગ પીરસતી વખતે કરવામાં આવે છે. તાઇવાનમાં જ ટોઇલેટ રેસ્ટોરન્ટ પણ બની છે. બેસવા માટે ટોઇલેટસીટ જેવા આકારની બેઠક વ્યવસ્થા છે. એટલું જ નહીં, ખાવાનું પણ ટોઇલેટસીટ જેવા આકારની પ્લેટમાં જ આપવામાં આવે છે. વિશાળ બાથરૃમ જેવા આકારની આ રેસ્ટોરન્ટ તાઇવાનમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. એમ તો આ યાદીમાં ચીનની ડાર્ક રેસ્ટોરન્ટને પણ સમાવી શકાય. રેસ્ટોરન્ટના મુલાકાતીને અંધારિયા ઓરડામાં આંગળી પકડીને દોરી જવામાં આવે છે. ઘડિયાળ, મોબાઇલ ફોન વગેરે તો અગાઉથી લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ સરપ્રાઇઝ ફૂડ પીરસાય છે. ફૂડની સોડમ અને સ્વાદથી જ તેની ઓળખ કરવી પડે છે. એ રીતે ફૂડને ન ઓળખી શકનારા ઘણા મુલાકાતીઓને એ જ ખબર નથી હોતી કે તેને શું પીરસવામાં આવ્યું હતું!
Sunday 6 April 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -