Archive for October 2017

હેરોલ્ડ ગ્રેહામ : દુનિયાના પ્રથમ રોકેટમેન

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
ટ્રમ્પે કિમ જોંગની રોકેટમેન કહીને મશ્કરી કરી, ત્યારથી 'રોકેટમેન' શબ્દ વિશ્વભરના મીડિયામાં ચમકી રહ્યો છે. એ મશ્કરી વચ્ચે અસલી રોકેટમેન વિશે પણ થોડું જાણી લઈએ...

૧૯૬૫માં જેમ્સ બૉન્ડની 'થંડરબોલ' ફિલ્મ આવી હતી. એમાં જેમ્સ બૉન્ડે રોકેટબેલ્ટ યાને જેટ પેક બાંધીને જે ઉડાન ભરી હતી તે ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બૉન્ડ સીરિઝના ચાહકોએ ઉડતા જેમ્સ બૉન્ડને જોવાનો ઉમળકો દાખવ્યો હતો. એ દૃશ્ય 'થંડરબોલ' ફિલ્મની ઓળખ જેવું બની ગયું હતું. જેમ્સ બૉન્ડને ઉડવાની આડકતરી પ્રેરણા જે માણસે આપી હતી તેને હવે દુનિયા રોકેટમેન તરીકે ઓળખે છે : રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ.

અમેરિકાના આક્રમક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના માથા ફરેલા શાસક કિમ જોંગ ઉનની 'રોકેટમેન' કહીને મશ્કરી કરી છે ત્યારથી વિશ્વભરના મીડિયામાં કિમ જોંગ ઉન માટે 'રોકેટમેન' શબ્દપ્રયોગ થઈ રહ્યો છે. આ મશ્કરીના કારણે આજે રોકેટમેન એટલે જાણે કિમ જોંગ ઉન એવી વ્યાખ્યા થઈ ગઈ છે!

પણ એ પહેલાં રોકેટમેન શબ્દનો પ્રયોગ થતો એટલે હેરોલ્ડ ગ્રેહામ નામના સાહસિકને યાદ કરાતા. 'હલ'ના ટૂંકા નામે ઓળખાતા હેરોલ્ડ ગ્રેહામને ઈતિહાસ કેમ રોકેટમેન તરીકે યાદ કરે છે?
                                                                             *** 
૧૧મી ઓક્ટોબર, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હાજરીમાં અમેરિકન કંપની બેલ એરક્રાફ્ટે નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ મિલિટરી બેઝ પર રોકેટબેલ્ટની મદદથી માણસ ઉડી શકે છે એનું પ્રદર્શન યોજ્યું હતું.

પ્રેસિડેન્ટ સામે માણસની ફ્રી ફ્લાઈંગની સફળતાનું પ્રદર્શન કરતાં પહેલાં ઘણાં પરીક્ષણો થયા હતા, પણ પ્રમુખ ઉપરાંત અમેરિકી મીડિયા અને અમેરિકાના ચુનંદા મહાનુભાવોની હાજરીમાં થઈ રહેલું એ પ્રદર્શન સફળ રહે એ બહુ જરૂરી હતું. એમાં જરાય ગરબડ થાય તો નામોશી થાય તેમ હતી.

સફળતાનો બધો જ ભાર એકલાં હેરોલ્ડ ગ્રેહામ પર હતો. ખુદ પ્રમુખ હાજર હોય અને એ ઘટનાના સાક્ષી બનવા અમેરિકાના જાણીતા ચહેરા સામે હોય ત્યારે સફળ થવાનું દબાણ વધી જાય એ સ્વાભાવિક છે. પણ ગ્રેહામે એવા કોઈ જ દબાવમાં આવ્યા વગર એકદમ સ્વસ્થતાથી રોકેટબેલ્ટ પહેરીને સરળતાથી ઉડાન ભરી લીધી. નક્કી કરેલા સ્થળેથી ગ્રેહામે ઉડાન ભરી અને જેટ પેકને કંટ્રોલમાં લઈને પ્રમુખ કેનેડી જ્યાં બેઠા હતા તેમની સાવ સામે લેન્ડિંગ કર્યું. તેની કાબિલેદાદ સ્વસ્થતાની ત્યાં હાજર મીડિયાએ ભરપેર પ્રશંસા કરી.

બીજા દિવસે અમેરિકન મીડિયામાં પ્રમુખ કેનેડીની હાજરીમાં રોકેટબેલ્ટની મદદથી માણસે પ્રથમ વખત સફળતાપૂર્વક ફ્રી ફ્લાઈંગ કર્યું તેના અહેવાલો છપાયા અને હેરોલ્ડ ગ્રેહામ માટે પહેલી વાર 'રોકેટમેન' શબ્દ પ્રયોજાયો. એ શબ્દ ભલે તે દિવસે પ્રથમ વખત પ્રયોજાયો હતો, પણ ખરેખર તો હેરોલ્ડ ગ્રેહામ નામનો ૨૭ વર્ષનો એ યુવાન તે પહેલાં જ આ બિરૂદ મેળવી ચૂક્યો હતો.
                                                                       ***
રોકેટબેલ્ટની મદદથી માણસ ઉડી શકે કે કેમ તેના પ્રયોગો આમ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ શરૂ થઈ ચૂક્યા હતાં. લશ્કરી ક્ષમતા વધારવાની સ્પર્ધાના એ દિવસોમાં દરેક દેશમાં લશ્કરને અને સૈનિકોને નવી નવી ટેકનોલોજી વિકસાવવાની મોકળાશ મળી રહી હતી. અમેરિકામાં પણ ફ્લાઈંગ બેલ્ટના પ્રયોગો શરૂ થયા હતા. જો સૈનિકો પાસે ઉડી શકાય એવું જેટ પેક હોય તો વ્યૂહાત્મક રીતે એ ઘણું મહત્વનું સાબિત થઈ શકે તેમ હતું. પ્રયોગો દરમિયાન જ વિશ્વયુદ્ધ પૂરું થયું, પણ વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરનો પ્રારંભ થયો એટલે આવા પ્રયોગોને બળ મળતું રહ્યું.

એમાં ય અમેરિકા-રશિયા વચ્ચે અવકાશી હોડ જામી હતી એટલે એરોસ્પેસના પ્રયોગો પૂર જોશમાં ચાલતા હતા. એના ભાગરૂપે વેન્ડેલ મૂરે નામના સંશોધક અને સાહસિકે ૧૯૫૩ આસપાસ રોકેટ પેક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એમાં બેલ એરક્રાફ્ટ કંપનીનો પૂરો સહકાર મળ્યો. છ-સાત વર્ષના પ્રયોગો પછી વેન્ડેલ મૂરેની લીડરશિપમાં બેલ એરક્રાફ્ટને રોકેટ પેક બનાવવામાં પ્રારંભિક સફળતા મળી. પણ રોકેટ પેકની મદદથી ધારી ઉડાન ભરી શકાતી ન હતી. ઘણાં અવરોધો વચ્ચે રોકેટ પેકથી ઉડવાનું ટેસ્ટિંગ ખુદ સંશોધક મૂરેએ કરી જોયું. ઘણાં પ્રયાસો તેમણે કર્યા. બે-અઢી મીટરની ઊંચાઈ સુધી ઉડવામાં તો તેમને લગભગ વીસેક પ્રયાસો પછી સફળતા મળી, પણ લેન્ડિંગમાં મૂરેનો કંટ્રોલ રહેતો ન હતો. ધારી ઝડપ પણ મેળવી શકાતી ન હતી. ટેસ્ટિંગ વખતે વચ્ચે રાખેલા અવરોધો પાર પાડવાના થતા, એમાં ય નિષ્ફળતા મળતી હતી.

આખરે કંપનીએ ૪૨-૪૪ વર્ષના મૂરેને બદલે ટેસ્ટિંગ માટે તરવરિયા યુવાનને પસંદ કરવાનું વિચાર્યું. કંપનીમાં કામ કરતા થોડા યુવાનોના નામ વિશે વિચાર્યા પછી અંતે સાયન્સ ગ્રેજ્યુએટ હેરોલ્ડ ગ્રેહામ નામના ૨૬-૨૭ વર્ષના જુવાનને પસંદ કરાયો. તે પહેલાં ગ્રેહામે માત્ર કાર ચલાવી હતી. એવિએશનનો તેને કોઈ જ અનુભવ ન હતો છતાં પ્રાથમિક તાલીમના અંતે ૧લી માર્ચ, ૧૯૬૧ના દિવસે તેણે રોકેટબેલ્ટની મદદથી સફળ ઉડાન ભરી લીધી. રોકેટબેલ્ટ ઉપર તેનું પૂરતું નિયંત્રણ હતું એ જોઈને આગળના બધા જ પ્રયોગો ગ્રેહામ ઉપર જ થવા લાગ્યાં. પછી તો તેણે દોઢ જ મહિનામાં ૩૬ વખત ઉડાન ભરીને આંતરિક વર્તુળોમાં રોકેટમેન તરીકેની ઓળખ બનાવી લીધી.

રશિયન અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિન અવકાશમાં પહોંચનારા પ્રથમ ઈન્સાન છે, પણ ગ્રેહામ નામનો અમેરિકી યુવાન એ પહેલાં જ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. ગ્રેહામે શરૂઆતમાં રોકેટબેલ્ટથી ઉડવાના અને લેન્ડિંગ કરવાના સફળ પ્રયોગો કર્યા પછી ઝડપથી ઉડવાના પ્રયોગોમાં પણ એટલી જ સફળતા મેળવી. ગ્રેહામે ૧૯૬૧ના માર્ચ-એપ્રિલમાં પાંચ ફૂટની ઊંચાઈએ ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લગભગ ૧૦૮ ફૂટનું અંતર માત્ર ૧૩ સેકન્ડમાં પૂરું કર્યું હતું. પછીના મહિનામાં બીજી ૨૮ ઉડાન ભરી. દરેક વખતે તેમણે ઝડપ અને ઊંચાઈ વધારી. એક વખત તેમણે લગભગ ૩૨ ફૂટની ઊંચાઈ મેળવીને ૪૦૦ ફૂટનું અંતર ૫૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પૂરું કર્યું હતું.
 
આ ઝડપ, આ ઊંચાઈ અને આ સાતત્ય પછી અમેરિકામાં ૨૭ વર્ષનો યુવાન ગ્રેહામ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. રશિયાના પ્રથમ અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિનના જવાબમાં અમેરિકાને પોતાના રોકેટમેનની તલાશ હતી અને એ તલાશ એ વખત પૂરતી હેરોલ્ડ ગ્રેહામે પૂરી કરી દીધી હતી!
                                                                         *** 
પછી તો ગ્રેહામે અમેરિકાના તમામ રાજ્યો ઉપરાંત કેનેડા, મેક્સિકો, જર્મની, આર્જેન્ટિના, ફ્રાન્સ સહિતના ડઝનેક દેશોમાં ભરચક મેદની સામે રોકેટબેલ્ટથી રોકેટની ઝડપે ઉડી બતાવ્યું! ગ્રેહામના આ કરતબથી લોકોની આંખમાં અચરજ અંજાતું! રોકેટબેલ્ટથી ગ્રેહામ તળાવો પાર કરી શકતો. લોકોનું મનોરંજન અને રોકેટબેલ્ટનું પ્રદર્શન કરવા મોટા મેદાનો પાર કરતો. વૃક્ષોની હારમાળા પાર કરી શકતો અને હેલિકોપ્ટર્સ કે વિમાનો અવરોધ માટે વચ્ચે રખાયા હોય એ પાર કરીને હવામાં સર્કલ રચી શકતો. ગ્રેહામના આ કરતબોના જવાબમાં અસંખ્ય લોકો 'રોકેટમેન..' 'રોકેટમેન...'ની ચિચિયારીઓ પાડીને તેમના કૌવતની પ્રશંસા કરતા.

જોકે, ૪૦૦ ફૂટની ફ્લાઈટમાં ૧૯-૨૦ લીટર બળતણ ખર્ચ થતું એટલે વિમાની મુસાફરીની તુલનાએ રોકેટબેલ્ટની મુસાફરી ખર્ચાળ સાબિત થતી. એેક વખત ૪૦૦ ફૂટનું અંતર તય કર્યા પછી નવેસરથી ફ્યુઅલ પુરાવવું પડતું. રોકેટબેલ્ટમાં મોટી ટાંકી શક્ય ન હતી. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને તેનો લાંબાંગાળાનો લશ્કરી ઉપયોગ શક્ય ન હતો, પણ રોકેટની ઝડપે આપબળે ઉડવા માટે રોકેટબેલ્ટ યાને જેટ પેક ઉપયોગી હતું. એ વખતે જેટ પેક સાહસિકોને ઝડપથી ઉડવામાં સ્વાવલંબી બનાવતું હતું અને સાહસનું પ્રદર્શન કરવામાં ય ઉપયોગી હતું. રોકેટબેલ્ટનો બહોળો ઉપયોગ અવકાશયાત્રીઓને કરવાનો થતો હોય છે.

હવે તો એવા અન્ય વિકલ્પો પણ અવેલેબલ છે, પરંતુ સાડા પાંચ-છ દશકા પહેલાં તેનું આકર્ષણ અનેરું હતું. દુનિયાના એ આકર્ષણના કારણે જ હેરોલ્ડ ગ્રેહામને દુનિયાના પ્રથમ રોકેટમેનનું સન્માન મળ્યું હતું.
                                                                              ***
રોકેટબેલ્ટની મદદથી ઉડવાનું શરૂ કર્યું એના દશકાઓ પહેલાં જ માણસે વિમાનની મદદથી ઉડવાનું શરૂ કરી દીધું હતું. પેરાશૂટ જેવા સાધનો પણ ઉડાન માટે મદદે આવ્યા હતા, પણ રોકેટબેલ્ટ કે જેટ પેકથી ઉડવાનું કામ ઘણું અલગ હતું. રોકેટબેલ્ટમાં મોસ્ટલી હાઈડ્રોજન પેરોક્સાઈડનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. રોકેટબેલ્ટમાં કુશળતાની કસોટી તેને કાબુમાં લેતી વખતે થાય છે. રોકેટબેલ્ટ બનાવવાની ટેકનિકમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનારા વેન્ડેલ મૂરેને પણ એમાં સફળતા મળી ન હતી. એ કામ હેરોલ્ડ ગ્રેહામે કરી બતાવ્યું હતું.

હેરોલ્ડ ગ્રેહામે એ પહેલાં ઉડ્ડયનની કોઈ જ તાલીમ લીધી ન હતી. માત્ર કાર ચલાવવાનો અનુભવ ધરાવતા ગ્રેહામે રોકેટબેલ્ટની ઉડાનમાં એવી તો ગ્રિપ મેળવી લીધી હતી કે તેને રોકેટમેન કહ્યા વગર છૂટકો ન હતો. એ જ કારણે પછી તો અમેરિકન એવિએશન વિભાગે તેમને પાયલટનું લાઈસન્સ આપ્યું હતું.

વિશ્વના પ્રથમ રોકેટમેને ઉડ્ડયનની કુશળતાથી ચાર્ટર પાયલટનું લાઈસન્સ મેળવ્યું હતું. એ પછી ગ્રેહામે આ દિશામાં ઘણું કામ કર્યું હતું. રોકેટબેલ્ટના બહોળા અનુભવ પછી તેમણે રોકેટબેલ્ટની નવી ડિઝાઈન તૈયાર કરી હતી. જે સાહસિક માટે વધુ અનુકૂળ હતી. આજે માર્કેટમાં ઉપલબ્ધ રોકેટબેલ્ટનો ઘણો ખરો આધાર ગ્રેહામની ડિઝાઈન આધારિત હોય છે.

વિશ્વમાં અંતરિક્ષ યુગનો આરંભ થયો ત્યારે જે કેટલાક હીરોઝ હતા એમાં એક નામ હતું - રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ. આજે એ નામ એટલું જાણીતું નથી, પણ જ્યારે જ્યારે ઉડ્ડયનના ઈતિહાસની ટાઈમલાઇન નોંધવાની થશે ત્યારે ત્યારે રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામનું નામ અચૂક લેવાશે.
Sunday 8 October 2017
Posted by Harsh Meswania
Tag :

લઘુ ઉદ્યોગો અને હેલ્થ લાઈસન્સ : અવળા હાથની અડબોથ!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વિશ્વમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આપણે ત્યાં ઉલટી ધારા વહી રહી છે. હેલ્થ લાઈસન્સ જેવા કેટલાંય જરૂરી કાયદાનો અમલ બિનજરૂરી રીતે થઈ રહ્યો છે

કાયદાનું મુખ્ય કામ નાગરિકોનું હિત જળવાય એ જોવાનું છે. એ માટે જરૂર પડયે નવા નવા કાયદા પસાર થતાં હોય છે અને જરૂર પડયે જૂના કાયદાને તિલાંજલિ અપાતી હોય છે. કાયદાના ઘડતરમાં કે કાયદાના પાલનમાં જડતા ન આવે એની તકેદારી રાખવી પડતી હોય છે. જો એમાં જડતા આવી જાય તો વ્યવસ્થાને બદલે અરાજકતા સર્જાતી હોય છે. એ અરાજકતાને પરિણામે નાગરિકોને ફાયદાને બદલે ઘણી વખત મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

કોઈ બિલ સંસદમાં પસાર થાય ત્યારે એનો ફાયદો ધ્યાનમાં લેવાતો હોય છે. એ ખરડો કાયદો બનીને અમલી થાય ત્યાં સુધી તેની આડઅસરની જાણ થતી નથી. એટલે જ કાયદો કેટલો વ્યવહારુ છે તેનું પણ સમયાંતરે મૂલ્યાંકન થતું હોય છે. મૂલ્યાંકન પછી કે નાગરિકોની મુશ્કેલી પારખ્યા પછી ઘણાં સરકારી એક્ટમાં સમયાંતરે જરૂરી ફેરફાર થાય છે. પણ કેટલાક કાયદાઓ પસાર થઈ ગયા પછી તેની વ્યવહારુતા જોવાતી નથી અને જડતાથી તેનું પાલન કરવાના સરકારી ફરમાનને વળગી રહેવાનું વલણ ઉપરથી નીચે સુધીના તમામ સ્તરે દાખવવામાં આવતું હોય છે. ભારતના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગને કનડતો એવો જ એક નિયમ છે - હેલ્થ લાઇસન્સ.
                                                                      ***
કેન્દ્ર સરકારે ૨૦૦૬માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પસાર કર્યો હતો. એ કાયદો ખાદ્ય પદાર્થો બનાવતા નાના-મોટા ઉદ્યોગ-ધંધાઓએ સીધો અસરકર્તા બન્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો સીધો મુદ્દો હોવાથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ટાળવા એ કાયદો જરૂરી છે. આ કાયદો દવા બનાવતી કંપનીઓથી લઈને પાણીપૂરીની લારી સુધી વ્યવસ્થિત લાગુ પડે એ અનિવાર્ય છે.

આડેધડ ખાદ્ય સામગ્રીનું વેંચાણ થતું હોય અને એ માટે સરકારી લાઈસન્સ ન હોય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા વધી જાય છે. એના કારણે આખરે નિર્દોષ લોકો રોગચાળાના ખપ્પરમાં હોમાય જાય છે. સરકારી ધારાધોરણ પ્રમાણેની ચીજવસ્તુઓ ખાદ્યપદાર્થોની બનાવટમાં ન વપરાતી હોય તો કિડનીની બિમારી, કેન્સર, આંતરડા ડેમેજ થવા ઉપરાંત ચેતાતંત્રની ગંભીર બીમારી નોતરી શકે છે.

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થતી હોય તો આકરી શિક્ષા ય થવી જોઈએ. પૂરું વળતર ચૂકવ્યાં પછી ય નબળાં ખાદ્યપદાર્થો લોકોને પધરાવતા હોય તો એવાં મોટા ઉદ્યોગપતિ સામે કે નાનકડાં લારીધારક સામે એક સરખી રીતે લાલા આંખ કરવી જોઈએ. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તો સખ્તાઈથી તેનું પાલન આવકાર્ય છે.

પણ ફૂટ સેફ્ટીનો એ કાયદો આપણે ત્યાં બીજી બધી બાબતોમાં બને છે એમ સરકારી અધિકારીઓ માટે તોડનું મોટું કારણ બની ગયો. હેલ્થ લાઈસન્સ ન હોય એવા કિસ્સામાં વહીવટ પતાવવા સુધી જ આ કાયદો મર્યાદિત બનવા લાગ્યો છે. એ મુશ્કેલી તો જાણે ખરી જ, પરંતુ એ સિવાયની બીજી એક મુશ્કેલી એ પણ છે કે જેને જરૂરી ન હોય એવા નાના કે મધ્યમકદના ઉદ્યોગ એકમોએ પણ ફરજિયાત હેલ્થ લાઈસન્સ લેવું પડે છે. જેને હેલ્થની પ્રોડક્ટ સાથે સીધી કોઈ જ લેવા-દેવા નથી એવા લઘુ ઉદ્યોગ એકમો પાસે જો હેલ્થ લાઈસન્સ ન હોય તો અધિકારીઓને તોડનું મજબૂત કારણ મળી જાય છે.

સ્પષ્ટ રીતે અખાદ્ય ન હોય એવા બિઝનેસને બાદ કરતા તમામ નાના-મોટા ઉદ્યોગ એકમો અને ધંધાર્થીઓને આ કાયદો લાગુ પડે છે. સ્વાસ્થ્ય સાથે કે આરોગ્ય સાથે સીધી કશી નિસ્બત ન હોય એ ઉદ્યોગ એકમો પણ આ કાયદો પાળવા બંધાયેલા છે. કાયદાનો વ્યાપ જ એટલો વિશાળ બનાવાયો છે કે તેમાં જે ખાદ્ય સુરક્ષાનો મૂળ હેતુ રખાયો હતો એ પૂરો થતો નથી.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદાનું પાલન થતું ન હોય તો જે તે સ્થાનિક તંત્ર એ ઉદ્યોગ એકમને કે ધંધાર્થીને દંડ કરી શકે છે. તેનો વેંચાણનો પરવાનો જોખમમાં આવી જાય એવો આકરો દંડ પણ ફટકારી શકે એવી સત્તા તેમને આપવામાં આવી છે. એ સત્તાના કારણે ઘણી વખત સ્થાનિક તંત્ર બહુ આકરું વલણ પણ દાખવે છે. ક્યારેક ખાદ્યપદાર્થના નિમ્નસ્તરની એકાદ ઘટના સામે આવી હોય તો તમામ લઘુ-મધ્યમ ઉદ્યોગએકમોને એક લાકડીએ દંડ કરાતો હોય છે.

બીજી તરફ સ્થિતિ એ છે કે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ટાળવા અને ઉચ્ચ ગુણવત્તાની ખાદ્યસામગ્રી માર્કેટમાં ઉપલબ્ધ રહે એ માટે કાયદાનું સખ્તાઈથી પાલન કરવવા માટે હેલ્થ ખાતા પાસે પૂરતા અધિકારીઓ કે સ્ટાફનો અભાવ છે. ફૂડ સિક્યુરિટીનો વ્યાપ ઘણો વધારે હોવાના કારણે જે ઉદ્યોગસાહસિકો કે ધંધાર્થીઓમાત્ર ખાવા-પીવાની પ્રોડક્ટનું જ ઉત્પાદન કરે છે તેમના પર તંત્રનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત થતું નથી. ફૂડ સિક્યુરિટીનો હેતુ અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હેતુ એમ બંને સાધી શકાય એવો કાયમી ઉપાય શું?
                                                                       ***
 વેલ, તો હવે સવાલ એ છે કે શું હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવી શકાય?
કદાચ થોડો ફેરફાર કરવાથી ફૂડ સેફ્ટી એક્ટ અસરકારક બની શકે. ફૂડ સાથે જેને સીધી લેવાદેવા છે એને લાઈસન્સ ફરજિયાત કરવું જોઈએ. એમાં કોઈ જ બાંધછોડ સુદ્ધાં ન કરવી જોઈએ. જરૂર પડયે આકરો દંડ કરીને લાઈસન્સ રદ્ કરવા સુધીના પગલાં ભરવા જોઈએ. પણ સામે જે લઘુ ઉદ્યોગોને સીધી નિસ્બત નથી એને એક વખત પરવાનગી આપીને મુક્ત કરવા જોઈએ. એનાથી અછતમાં કામ કરતા સરકારી તંત્રનું ધ્યાન માત્ર આરોગ્ય પ્રોડક્ટ સાથે જેને સીધી લેવા-દેવા છે એવા લઘુ કે મધ્યમકદના ઉદ્યોગો ઉપર કેન્દ્રિત થશે.

વળી, સીધી આરોગ્ય પ્રોડક્ટ સાથે નિસ્બત નથી તેવા ઉદ્યોગએકમોને તેમાંથી બાકાત રહેશે તો તંત્ર આડેધડ દંડ વસૂલી નહીં શકે, પણ જ્યાં ખરેખર ચેડાં થાય છે એની નિયમિત તપાસ થઈ શકશે. સામાન્ય ઉદ્યોગ માટે અપાતા ગુમાસ્તાધાર વખતે જ સરકાર અલગથી ટોકન હેલ્થ ટેક્સ વસૂલી લે તો સરકારની કરની આવકમાં સીધો ફરક પણ પડે એમ નથી. આ કર સત્તાવાર હશે એટલે દંડમાં થતો ભ્રષ્ટાચાર બાદ થઈ જશે.

હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવવા માટે આ કવાયત જરૂરી છે એ વાત તો જાણે સમજાઈ ગઈ, પણ એ મુદ્દો ય સમજવો જરૂરી છે કે લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો માટે આટલું મહેરબાન થવું કેમ જરૂરી છે?!
                                                                     ***
 આ વર્ષે યુનાઈટેડ નેશન્સે માઈક્રો-સ્મોલ એન્ડ મીડિયમ સાઈઝ્ડ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ડેની ઉજવણી શરૂ કરી છે. આપણે ત્યાં જે સમયગાળામાં નાના ઉદ્યોગએકમો જીએસટીની પળોજણમાં પડયાં હતા બરાબર એ જ સમયગાળામાં ૨૭મી જૂને પ્રથમ એમએસએમઈ ડે ઉજવાઈ ગયો.

યુનાઈડેટ નેશન્સનો ઉદેશ્ય બહુ સ્પષ્ટ છે કે જે સન્માન મોટા ઉદ્યોગોને મળે છે એવું જ સન્માન નાનકડા અને મધ્યમ કદના ઉદ્યોગોને ય મળવું જોઈએ. યુએનના અહેવાલમાં કહેવાયું હતું કે વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં મોટી કંપનીઓ જેટલી અસરકારક નથી નીવડી એનાથી અનેકગણી નાના અને મધ્યમ ઉદ્યોગોએ અસર છોડી છે. યુએન અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સ્મોલ બિઝનેસ તો ત્યાં સુધી કહે છે કે ભારત જેવા વિકાસશીલ દેશોએ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે મોટા ઉદ્યોગોને બદલે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.

એ પાછળનો બીજો ય એક હેતું રહી રહીને યુએનને દેખાયો છે. એ હેતુ છે કાર્યકુશળ ઉદ્યોગપતિઓની ફૌજ તૈયાર કરવાનો! નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક સંસ્થાઓ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવાનો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ એવું દૃઢપણે માને છે કે છેલ્લાં ૫-૭ દશકાથી વિશ્વભરના ઉદ્યોગો ઉપર ચોક્કસ ઉદ્યોગપતિઓનું જ પ્રભુત્વ છે. કોઈ પણ દેશના લાંબાંગાળાના આર્થિક વિકાસ માટે ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિ અને તેમના પરિવારનું આધિપત્ય અત્યંત ગંભીર હોવાનું નવી પેઢીના અર્થશાસ્ત્રીઓ અનેક વખત કહી ચૂક્યા છે.

ગણ્યા-ગાંઠયા ૧૦૦ ધનવાનો ભેગા મળીને દુનિયાભરની સરકારો ઉપર પ્રભાવ પાથરી શકતા હોય તો એ વિશ્વની શાંતિ અને સલામતિ માટે જોખમી છે. એનો અર્થ એવો થયો કે દુનિયાના ૨૦૦ જેટલાં દેશો ૧૦૦ જેટલા સાધન-સંપન્ન ઉદ્યોગપતિઓના ઈશારે પોતાના મહત્વના નિર્ણયો કરે છે. જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આર્થિક ક્ષેત્રે પહોળી થતી આ ખાઈ સંતુલિત થાય તે માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એવી નીતિ વિશ્વભરમાં અપનાવાઈ રહી છે. તેનાથી બે-ત્રણ દશકામાં આર્થિક સંતુલન જળવાશે અને લઘુ-મધ્યમ કદના ઉદ્યોગોની આર્થિક શક્તિ પણ એટલી વિશાળ હશે કે તેનાથી ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિઓની પ્રભાવી રાજનીતિ ખાળી શકાશે.

એશિયા કે આફ્રિકામાં આવા ઉદ્યોગોની કુલ કમાણી કેટલી છે અને તેની કુલ ઈકોનોમીમાં શું અસર છે એવા બહુ સંશોધનો નથી થતા, પણ યુરોપ આ બાબતે વિશેષ ધ્યાન આપે છે. એ અહેવાલોનો આધાર લઈએ તો યુરોપમાં મીડિયમ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૫ કરોડ યુરો છે. લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૧ કરોડ યુરો અને અતિ લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખ યુરોનું છે. આ બધા મળીને યુરોપિયન સંઘની ઈકોનોમીમાં પ્રભાવી હિસ્સો ધરાવે છે.

વિશ્વમાં સૌથી વધુ સ્મોલ સ્કેલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકામાં છે. બીજી રીતે કહીએ તો અમેરિકા લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાંથી પણ નોંધપાત્ર કમાણી રળે છે. અમેરિકાના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો વર્ષે ૧૦ કરોડ ડોલરનો નફો રળે છે. તો ઓસ્ટ્રેલિયામાં ૪૦ લાખ લોકોને લઘુ અને મધ્યમ ઉદ્યોગો રોજગારી આપે છે.

પરંતુ આપણે ત્યાં ઉલટી ધારા વહે છે. નોટબંધીનો માર ખમીને હજુ તો માંડ માંડ બેઠી થઈ રહેલી આ ઈન્ડસ્ટ્રી પર જ સૌથી વધુ માર જીએસટીનો ય પડયો છે. એમાં વળી ફૂડ સેફ્ટી જેવા જરૂરી કાયદા બિનજરૂરી ઉદ્યોગ એકમો પર પણ ફરજિયાત બનાવાયા છે. એનાથી થાય છે એવું કે વિશ્વ આપી રહ્યું છે એવું પ્રોત્સાહન પણ લઘુ ઉદ્યોગોને આપી નથી શકાતું કે નથી નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલાં ચેડાં રોકી શકાતા.
જરૂરી કાયદાનું બિનજરૂરી અમલીકરણ કઈ રીતે થાય તેનું આ બંધબેસતું ઉદાહરણ છે!
Sunday 1 October 2017
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -