Archive for July 2016

કેટલાં વર્ષનાં બાળકને ફરજિયાત હેલ્મેટ પહેરાવવું જોઈએ?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બબ્બે વર્ષમાં બધા જ સંસદીય સત્રનો વાયદો તૂટયા પછી ફરીથી ચોમાસુ સત્રમાં એનડીએ સરકારે રોડ સેફ્ટી બિલ પસાર કરવાનો નવો વાયદો આપ્યો છે. ભારતના રોડ સેફ્ટી બિલમાં બાઈકની પાછળની સીટમાં બેસતા ચાર વર્ષના બાળકને પણ હેલ્મેટ ફરજિયાત પહેરાવવાનો કાયદો બનાવવાનું ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે. પરંતુ શું એ કાયદો વ્યવહારુ નીવડશે?--

પોતાને પ્રગતિશીલ ગણાવતાં બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી જેવા યુરોપના ૧૭ દેશોમાં આશ્વર્યજનક રીતે બાળકને મોટરસાઈકલ પાછળ બેસાડવાની નિર્ધારિત ઉંમરનો કોઈ કાયદો જ નથી!


મોટરસાઈકલની પાછળની સીટ ઉપર બેસતા બાળકને કઈ ઉંમરે હેલ્મેટ પહેરાવી શકાય? ચાર વર્ષના બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો ઘડવાનું સરકાર વિચારી રહી છે ત્યારે આ સવાલ ચર્ચાઈ રહ્યો છે; ચર્ચાવો જોઈએ. ઈનફેક્ટ સવાલ તો એવો ય ચર્ચાવો જોઈએ કે મોટરસાઈકલની પાછળની સીટમાં બેસાડવા માટે બાળકની કઈ ઉંમર યોગ્ય છે? વિશ્વના મોટાભાગના દેશોમાં આ કાયદામાં ભારે વિસંગતતા છે, પણ અમેરિકા-બ્રિટન સહિતના એકેય દેશને હજુ સુધી તેનો વ્યવહારું ઉકેલ જડયો નથી.
ક્યાંક બાઈકની પાછળની સીટમાં બેસતા ચાઈલ્ડ પેસેન્જર્સની ઉંમરનો કાયદો આઠ વર્ષ છે તો ક્યાંક એ ઉંમર એનાથી ય ઓછી છે. બધે એક બાબત લગભગ કોમન છે- બાળકને મોટરસાઈકલની પાછલી સીટમાં બેસાડવાના કાયદાનું પાલન ક્યાંય થતું નથી. એ પાછળનું કારણ પણ સાવ સ્પષ્ટ છે કે એ કાયદા વ્યવહારુ નથી એટલે પેરેન્ટ્સ કે પરિવારજનો અકસ્માતનું જોખમ હોવા છતાં કાયદાનું પાલન કરવાનો ઉમળકો દાખવતા નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબલ્યુએચઓ) વિશ્વભરમાં થતાં અકસ્માતોનો અહેવાલ તૈયાર કરાવે છે અને તેના આધારે જે તે દેશના કાયદાનું મૂલ્યાંકન કરીને જરૃરી હોય તો કાયદામાં ફેરફાર કરવાનું અને નવા કાયદા બનાવવાનું સૂચવે છે. બાળકોની સેફ્ટી અંગેનું આવું જ સૂચન ડબલ્યુએચઓ ભારતને કરતું આવ્યું છે. ચાર વર્ષથી ઉપરની વયના બાળકોને મોટરસાઈકલની પાછળ બેસાડતી વખતે હેલ્મેટ પહેરાવવાનો જે કાયદો બનાવવાનું વિચારાઈ રહ્યું છે એ પાછળ ઘણેખરે અંશે ડબલ્યુએચઓનું એ સૂચન પણ જવાબદાર છે. સંસદના ચોમાસુ સત્રમાં રોડ સેફ્ટી બિલ પાસ કરાવવાનું સરકારનું આયોજન છે. એ બિલમાં અકસ્માતો અને મૃત્યુ દર ઘટાડવા માટે વિવિધ કાયદા બનાવવાનું સૂચન થયું છે, જેમાં એક સૂચન બાઈકની પાછળની સીટમાં બેસાડાતા ૪ વર્ષ કે તેથી વધુ વયના બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો બનાવવા અંગેનું પણ છે.
ડબલ્યુએચઓ ભારતને એવું સૂચન કેમ ભારપૂર્વક કરે છે? ભારતમાં એ કાયદો કેમ જરૃરી છે? આપણે ત્યાં આ કાયદો વ્યવહારુ સાબિત થશે?
વેલ, આ સવાલોની ભીતરમાં જતાં પહેલાં બાઈકની પાછળ બેસવા માટે બાળકની કઈ ઉંમર યોગ્ય છે અને વિશ્વમાં શી સ્થિતિ છે તેનો ચિતાર પણ મેળવી લઈએ.
                                                                         ***
૨૦૧૫માં એક વૈશ્વિક અહેવાલ તૈયાર કરાવીને ડબલ્યુએચઓએ જાણ્યું કે દુનિયામાં મોટરસાઈકલ પાછળ બેસાડવાની બાબતે શું સ્થિતિ છે અને કેવા કાયદાનું અસ્તિત્વ છે? કાયદા છે તો તેનો અમલ થાય છે કે નહીં? ડબલ્યુએચઓ માટે આ બધા જ સવાલોના ઉત્તર આશ્વર્યજનક રહ્યાં હતાં. પોતાને પ્રગતિશીલ અને સુધારાવાદી ગણાવતા ફ્રાંસ, જર્મની, બ્રિટન, ઈટાલી, ડેન્માર્ક, સ્વિડન સહિતના યુરોપના ૧૭ દેશોમાં બાળકને મોટરસાઈકલની પાછળની સીટમાં બેસાડવા માટેની ઉંમરનો કોઈ જ કાયદો નથી. હા, એમાંના ઘણાંખરાં દેશોમાં સેફ્ટી માટે બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો છે, પણ તેનો અમલ કહેવા પૂરતો થાય છે.
ફ્રાંસ, નોર્વે, આયર્લેન્ડ, ઈટાલીમાં પાંચ વર્ષથી નીચેના બાળકને બાઈકમાં બેસાડવા માટે પ્રૉપર સીટ અને ટોપી જેવડાં નાનકડાં હેલ્મેટ પહેરાવવાનો કાયદો બનાવાયો છે. તો ડેન્માર્ક, જર્મની, ઈટાલી, સ્વિડનમાં હેલ્મેટ પહેરવાની સરકારી સૂચના ખરી, પરંતુ સરકાર માન્ય હેલ્મેટ જ પહેરવાં એવો કોઈ આગ્રહ નથી.
બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, લક્ઝમબર્ગમાં ૭થી ૧૧ વર્ષની વયના બાળકને બાઈક ઉપર બેસાડવા પર પ્રતિબંધ છે, પણ નિર્ધારિત વય પૂરી થાય પછી બાળક બાઈક પર બેસવાનું શરૃ કરે ત્યારથી છેક ૧૮ વર્ષ સુધી હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી! અમેરિકાના મોટાભાગના સ્ટેટ્સમાં ૫ વર્ષથી નીચેના બાળકને બાઈક ઉપર બેસાડવા પર પ્રતિબંધ છે અને એ પછી હેલ્મેટ ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૯માં કાયદો બન્યો છે એ પ્રમાણે બાઈકમાં બેસવા માટે બાળકની વય ૮ વર્ષ નક્કી કરવામાં આવી છે, એ પછી હેલ્મેટ પહેરવાનો કાયદો તો ખરો જ. ન્યૂઝિલેન્ડમાં પણ ૮ વર્ષથી નીચેના બાળકને બાઈકમાં બેસાડવા પર પ્રતિબંધ છે અને એ પછી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત થયું છે.
આટલા દેશોમાં કાયદો હોવા છતાં દ્વિચક્રી વાહનોના ગ્લોબલ રોડ સેફ્ટી એડવોકેટ્સના અહેવાલમાં ૪૪ દેશોનો અભ્યાસ કરીને કહેવાયું હતું કે મોટાભાગના દેશો દ્વિચક્રી વાહનમાં પાછળ બેસતા બાળકની વય અને સેફ્ટી બાબતે ચિંતાજનક રીતે બેદરકાર છે.
                                                                           ***   
ભારતમાં વર્ષે પાંચેક લાખ અકસ્માતો થાય છે અને તેમાં દોઢેક લાખ લોકોનાં મૃત્યુ થાય છે. કમનસીબે એમાંથી ૬૦ ટકા મૃતકોની વય ૧૫થી ૪૦ વર્ષની હોય છે. આઘાતજનક બાબત એ છે કે ભારતમાં દર વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામનારા ૪થી ૧૨ વર્ષના બાળકોની સંખ્યા ૧૫ હજાર (કુલ મૃત્યુ આંકના ૧૦ ટકા કરતાં પણ વધારે) કરતા વધુ છે. અકસ્માતોમાં ઈજા પામતા બાળકોનો આંકડો પણ ભારતમાં સ્હેજેય એક લાખે પહોંચે છે.
માર્ગ અકસ્માતોના મૃત્યુ દરમાં ભારત કમનસીબે સૌથી આગળ છે. માર્ગ અકસ્માતોમાં બાળકોના મૃત્યુ દરની બાબતે પણ દુર્ભાગ્યે આપણે મોખરે છીએ. અમેરિકામાં વર્ષે ૩૦ હજાર લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને એમાં ૨થી ૧૨ વર્ષની વયના બે-અઢી હજાર બાળકો હોય છે. ભારત પછી માર્ગ અકસ્માતમાં બીજા નંબરે આવતા ચીનમાં વર્ષે ૮૦ હજાર લોકો મૃત્યુ પામે છે અને તેમાં ૨થી ૧૨ વર્ષના બાળકોની સંખ્યા ૬ હજારથી વધારે નથી.
આમ પણ આપણે ત્યાં પાછળની સીટમાં બેસતા મુસાફરોનો મૃત્યુ દર ઘણો ઊંચો છે. બાઈક અકસ્માતના ૩૦ ટકા બનાવોમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત બને છે અને હેલ્મેટ પહેરવાના કારણે બચી જાય છે. જ્યારે પાછળ બેસેલા મુસાફરનું મૃત્યુ થાય છે. બાઈક ઉપર એક બાળક આગળ, એક પાછળ અને ચાલક સહિત બીજાં બે મુસાફરો જોવા મળતા હોય એવા દૃશ્યો તો આપણે ત્યાં કોઈ પણ રાજ્યમાં કોમન છે! ભારતના પરિવારોની આ વિચિત્ર માનસિકતાનો અભ્યાસ કરીને જ રોડ સેફ્ટીના વૈશ્વિક નિષ્ણાતો એકીસૂરે બાળકો માટે વિશેષ સેફ્ટીરૃપે હેલ્મેટનો કાયદો બનાવવાની હિમાયત કરે છે.
ભારતમાં અત્યારે ૧૨ વર્ષના બાળકે હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં છે. કેટલાં વર્ષે બાળક બાઈકની પાછળ બેસી શકે તેનો કોઈ કાયદો નથી, પરિણામે ઓછામાં ઓછી વય નક્કી કરવાનો અને એ વયે હેલ્મેટ પહેરવાનો કાયદો બનાવવાના પ્રયાસો શરૃ થયા છે. બાળકને ૪ વર્ષની ઉંમરથી જ હેલ્મેટ પહેરાવવું જોઈએ એવો મત પ્રબળ બન્યો પછી એવો કાયદો લઈ આવવાની હિલચાલ શરૃ થઈ છે. ૪ વર્ષે હેલ્મેટ પહેરવું એ કાયદો બને તેની સાથે જ બાઈકમાં બેસવાની ઓછામાં ઓછી ઉંમર ૪ તો નક્કી થઈ જ જશે. સુપ્રીમ કોર્ટે પણ મોટરસાઈકલમાં પાછળની સીટ ઉપર બેસીને મુસાફરી કરતાં બાળકો-મહિલાઓ સહિતના તમામ મુસાફરો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો હોવો જોઈએ એવી ભલામણ કરી છે.
માત્ર ૪ વર્ષના બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો સેફ્ટી માટે યોગ્ય હોવા છતાં વ્યવહારુ નથી. દરેક પેરેન્ટ્સ ટેક્સી કે ઑટોરિક્ષામાં જ બાળકને બેસાડીને લઈ જાય એવું ય શક્ય નથી. એ પાછળ ભારતના વિશાળ મધ્યમવર્ગ, લોઅર-મધ્યમવર્ગનું આર્થિક ફેક્ટર કારણભૂત છે. એટલે ૪થી ૮ વર્ષના બાળકને હેલ્મેટ પહેરાવી રાખવાના આગ્રહનું પાલન કરાવવું એ પેરેન્ટ્સ માટે પણ ટફ છે.
વિશ્વમાં બધે જ આ કાયદાનું પાલન કરાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભારતની સિસ્ટમ જોતાં બાળક માટેનો હેલ્મેટનો કાયદો બનાવીને તેનું પાલન કરાવી રાખવાનો આગ્રહ કારગત નીવડશે કે કેમ તે મોટો સવાલ છે. એને બદલે નિષ્ણાતોની મદદ લઈને સેફ હોય એવો વ્યવહારુ ઉકેલ શોધવાનો વિકલ્પ વધુ સચોટ પરિણામ આપી શકશે. 
-----

ભારતના ૬ ટકા પિલ્યન પેસેન્જર્સ જ હેલ્મેટ પહેરે છે!
બાઈકની પાછળની સીટમાં બેસતા મુસાફર માટે પિલ્યન પેસેન્જર શબ્દ જાણીતો છે. પિલ્યન પેસેન્જર્સ માટે વિશ્વભરમાં વિવિધ કાયદા બનાવાયા છે. સતત વધતાં અકસ્માતો અને તેમાં મૃત્યુ દરનું વધતું પ્રમાણ ઘટાડવા માટેના જે કાયદાઓ છે એ બાઈકની પાછળ બેસતા બાળ મુસાફરને લગતા કાયદાની જેમ જ પાલન કરવામાં થોડા અઘરા છે. બાઈકમાં પાછળ બેસતા મુસાફરની સ્ત્રી-પુરુષની જાતિ પ્રમાણે કાયદા બનાવાયા છે! ઈવન ભારતમાં પણ એવો કાયદો છે કે બાઈકની પાછળ મહિલા બેસે તો તેને હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી અને પુરુષ બેસે તો તેણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે! સેફ્ટીના હેતુથી બનાવાતા કાયદામાં આવો ભેદ જે તે દેશની સ્થાનિક માન્યતાઓ અને સમાજજીવનના કારણે ઘણા દેશોમાં પડયો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ મહિલાઓ હેલ્મેટ ન પહેરે એવો જ કાયદો અમલી બનાવાયો છે.

ભારતમાં ૧૯૮૮માં મોટર વ્હિકલ એક્ટ પસાર થયો એ પહેલાં પાછળની સીટમાં બેસનારા માત્ર ૦.૬ ટકા મુસાફરો હેલ્મેટ પહેરતા હતા. હવે એ આંકડો વધીને આટલા વર્ષે ય માંડ ૬ ટકાએ પહોંચ્યો છે. પિલ્યન પેસેન્જર્સની સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે ભલામણો કરી છે એટલે ટૂંક સમયમાં દેશભરમાં બાઈકની પાછળની સીટ ઉપર બેસતા મહિલા અને બાળ મુસાફરો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવશે.
Sunday 24 July 2016
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -