Archive for March 2014

મારી ભિક્ષુક થવાની કહાની કોણ માનશે?



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
 
સાઉદી અરબમાં ઈશા નામની ભિક્ષાવૃત્તિ કરતી ૧૦૦ વર્ષની મહિલા ૬ કરોડની સંપત્તિ છોડીને મૃત્યુ પામી. તેણે બધી સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એક માણસ એવો ય છે જેની સંપત્તિ ૨૫ કરોડ રૃપિયા છે. ૯૯ વર્ષની વયે પણ તે ભિક્ષાવૃત્તિ કરે છે. કારણ કે...
ન્યુયોર્કના  અનાથાલયમાં રહેતો એક બાળક બીજા બધા બાળકોનું અને અનાથાલયના સ્ટાફનું ભારે મનોરંજન કરી જાણે. બીજા લોકોના ચાળા પાડવાથી લઈને પોતાનું કશુંક નવું બનાવેલું તે રજૂ કરીને વાહ વાહી લૂંટતો રહે. તેની મનોરંજનની આ આવડતના કારણે તે અનાથાલયમાં બધાનો વ્હાલો થઈ ગયો. પછી તો તેને આ આવડતના જોરે થોડી ઘણી કમાણી કરતા ય આવડી ગયું. અનાથાલયની આસપાસના વિસ્તારમાં ફરીને પોતાની કળા રજૂ કરે અને એમાંથી બે પૈસાની કમાણી રળીને નાના મોટા મોજ-શોખ પૂરા કરે. ભાઈબંધોેને પણ ખાવા-પીવાની લહેજત માણવાનું આમંત્રણ આપે અને એ રીતે જીવનનો આનંદ માણે. પરંતુ તેણે પોતાની એક વાત કોઈને વર્ષો સુધી ન જણાવી કે તે અનાથ નથી. તેના માતા-પિતા બુ્રકલિનમાં દારૃણ ગરીબીમાં સબડતા હતા એટલે તેને અહીં મૂકી દેવામાં આવ્યો હતો. થોડો વધુ સમજણો થયો એટલે તેણે અનાથાલયને અલવિદા કહી દીધું અને લોસ એન્જલસમાં આવી ચડયો. એ સમય હતો ૧૯૩૦ આસપાસનો. ત્યારે અમેરિકા 'ધ ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખાતી આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યું હતું. તેણે જાતે લોસ એન્જલસની શાળામાં પ્રવેશ મેળવ્યો. સાથે સાથે નાના મોટા મજૂરી કામ કરીને ગુજારો કર્યો. વળી, પોતાની મનોરંજનની આવડતનો ઉપયોગ પણ કરતો રહેતો.
૮-૧૦ વર્ષ લોસ એન્જલસમાં ગાળ્યા પછી તે ફરીથી ન્યુયોર્ક પાછો ફર્યો. મ્યુઝિકલ કોમેડી શો બનાવતા એક થિયેટરમાં તેણે લેખનની નોકરી મેળવી લીધી. નાટકો ઉપરાંત ટેલિવિઝન શ્રેણી અને ત્યાર બાદ ફિલ્મનું ક્ષેત્ર પણ સર કર્યું. માત્ર લેખનમાં જ નહીં, કોમેડી એક્ટર તરીકે ય ખ્યાતિ મેળવી. પાંચ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા જ્યોર્જ કાર્લિનથી લઈને લિજેન્ડરી ડિરેક્ટર વૂડી એલન સાથે તેણે કામ કર્યું. તેણે ક્રિએટ કરેલા પાત્રો ય ચિર સ્મરણીય બન્યા. કોમેડીમાં તેમનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે- ડબલ ટોક કોમેડી. એક જ શબ્દ કે વાક્યના બે મતલબ કાઢીને દર્શકોને ગૂંચવી દેવાની જે તરકીબ ફિલ્મમાં હવે બહુ અખત્યાર થાય છે તેના વાહક આ લેખક-કોમેડિયન છે. અનાથાલયમાં રહેતો એ છોકરો અને પછી એક્ટર-ફિલ્મ લેખક બનીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનારો કલાકાર એટલે ઈરવિન કરી. આજે આ ઈરવિન કરી શું કરે છે? જવાબમાં કોઈ એમ કહે કે ભિક્ષાવૃત્તિ તો? તો તરત જ વિચાર આવે કે ઘણા બધા કલાકાર-કસબીઓ સાથે બને છે એવું ઈરવિન સાથે પણ બન્યું હશે. જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા આ કલાકાર પાસે કદાચ મુફલિસીમાં ભિક્ષાવૃત્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચ્યો હોય એવી અટકળ પણ સ્હેજે બંધાય જાય. લેકિન, કિંતુ, પરંતુ... ઈરવિનના કિસ્સામાં વાત થોડી નોખી છે. એ ભિક્ષાવૃત્તિ કરે છે કારણ કે.....
***
મેનહટનના પૂર્વ ભાગમાં એક ભિક્ષુક ખોડંગાતા પગલે વાહન ચાલકો પાસે આવીને મામૂલી રોકડ રકમ માટે કાકલૂદી કરે છે. અમુક વાહન ચાલકો તેની સામુ જોવાનું સુદ્ધા ટાળે છે. અમુકને તેના ચહેરા પર વર્તાતી વયના કારણે કરૃણા ઉપજે છે એટલે જે હાથ લાગે એ રકમ આપી દે છે. બદલામાં ભિક્ષુક તેની તરફ અખબાર લંબાવે છે. કોઈક વાહન ચાલક તેની પાસેથી અખબાર લઈ લે છે. કોઈ એમ જ હાથ ઊંચો કરીને જતા રહે છે. ભિક્ષુક 'થેન્ક યુ', 'ગોડ બ્લેસ યુ' કહીને આભારની લાગણી જતાવે છે. અહીંથી દરરોજ પસાર થતાં લોકો તેને બરાબર ઓળખે છે. કેમ કે, તે આ જ વિસ્તારમાં છેલ્લા સત્તરેક વર્ષથી આ કામ કરે છે. ભિક્ષાવૃત્તિથી તેને દિવસના લગભગ ૧૦૦ ડોલર તો મળી જ રહે છે. ક્યારેક દિવસ બહુ સારો જાય તો ૨૫૦ ડોલર પણ એકઠાં થઈ જાય છે. ઘણી વખત અજાણ્યા રાહદારીઓને ય તેનો ચહેરો જાણીતો લાગે છે. પણ રાહદારીઓ એવું ધારી લે છે કે કદાચ બીજે ક્યાંક તેને જોયો હશે. એવું તો કોણ માને કે તે સ્ટેજ પરના કાર્યક્રમને જીવંત કરી શકતો ખૂબ જ સારો કલાકાર, એક જમાનાનો ગણનાપાત્ર અભિનેતા અને કોેમેડીના લેખનમાં અનોખી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારો લેખક ઉપરાંત સામાજિક કાર્યકર અને ડાબેરી વિચારધારાને વરેલો સંનિષ્ઠ રાજકીય કાર્યકર પણ રહી ચૂક્યો છે!
ઉંમરના ૯૯ વર્ષના પડાવે પહોંચેલા ઈરવિન કરીને આમ જોઈએ તો આ રીતે ભિક્ષુકની જિંદગી જીવવાની કોઈ જ જરૃરીયાત નથી. તેમની પાસે ૨૧ કરોડની કિંમતનું પોતાનું એક ભવ્ય મકાન છે. એ સિવાયની તેમની પાસે ત્રણ-ચાર કરોડની સંપત્તિ પણ છે. નોકર-ચાકર રાખીને ઘરમાં આરામ ફરમાવે એટલો ખર્ચ તેમને પરવડી શકે તેમ છે. છતાં તેમને આ રીતે હવે માફક આવી ગયું છે. એની પાછળ ઈરવિનનો એક હેતુ છે. જે તેમને સતત ભિક્ષાવૃત્તિ કરવા પ્રેરે છે. તેમની નેમ છે કે દવાના અભાવે બાળકોના અપમૃત્યુ થાય છે એ સ્થિતિમાં જો થોડો ઘણો ફરક પોતાના કારણે પડે તો જીવનનો છેલ્લો પડાવ સાર્થક થયો લેખાશે. દિવસ દરમિયાન મળેલી ભિક્ષાનો ઈરવિનના ચોપડે પાક્કો હિસાબ હોય છે. સાંજે ઘરે પહોંચે કે પહેલું કામ રોકડ ગણીને તેની નોંધ ટપકાવવાનું કરે છે. ઈરવિને એવી વ્યવસ્થા ગોઠવી રાખી છે કે દરરોજ એકત્ર થયેલી રકમ મોડી રાત સુધીમાં બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરતી સંસ્થા સુધી પહોંચી જાય છે. ઈરવિન ભિક્ષાવૃત્તિ કરી રહ્યાં છે એ વાતની જાણ તેમણે જાતે કરી ત્યાં સુધી કોઈને ય ખબર નહોતી કે એક જમાનાનો એક્ટર-પોલિટિશ્યન અને લેખક મેનહટનના રસ્તા પર ફરીને ભિખ માંગી રહ્યો છે. ન્યુયોર્કના અગ્રણી અખબાર ન્યુયોર્ક ટાઇમ્સને ઈરવિને તેમના ઘરે બોલાવીને પોતાના જીવન અંગે જાણકારી આપી ત્યારે દુનિયાને ખબર પડી કે ઈરવિન અત્યારે શું કરી રહ્યાં છે અને શું કામ કરી રહ્યાં છે!

ઈરવિન કરીએ ન્યુયોર્ક ટાઇમ્સને મુલાકાતમાં જણાવ્યું તે પ્રમાણે તેમણે ઘણા કારણોથી આ કામ પસંદ કર્યું હતું. તેમનું બાળપણ દારૃણ ગરીબીમાં વિત્યું હતું એનો રંજ દૌલત-શોહરત કમાવા છતાં દિલમાંથી જતો નહોતો. ઈરવિનના માતા-પિતા પાસે પોતાના સંતાનને ખવડાવવાના પૈસા ય નહોતા, તો પછી દવાના તો ક્યાંથી હોય! બિમારી વખતે કોઈ જ ઈલાજ વગર બેસી રહેવું પડતું અને તબિયત એની જાતે સારી ન થાય ત્યાં સુધી એ જ રીતે દર્દમાં કણસતા રહીને દિવસો પસાર કરવા પડતા. પોતાની જેમ આ સ્થિતિ અન્ય ગરીબ બાળકોને ન ભોગવવી પડે એવા આશયથી તેમણે પોતાના છેલ્લા વર્ષો બાળકોના સ્વાસ્થ્ય માટે ખર્ચી દીધા. બીજુ એક કારણ તેમણે આપ્યું કે તેમની પત્નીના અવસાન પછી તેમને એકલતા સાલતી હતી. એકલતામાંથી ઉભરવા માટે આ રસ્તો વધુ યોગ્ય લાગ્યો. દિવસભર રઝળપાટ રહે એટલે ઘરે જવાનો તો સવાલ રહેતો નહોતો. વળી, દિવસભરના થાકના કારણે રાત પણ સારી ઊંઘમાં વીતી જતી હતી. તેમને એવું પૂછાયુ કે તમે તો પૈસાપાત્ર માણસ હોવા ઉપરાંત એક કલાકાર છો એટલે ભિક્ષાવૃત્તિ સિવાય પણ પૈસા એકઠાં કરીને બાળકોના આરોગ્ય માટે કેમ કામ ન કર્યું? ઉત્તરમાં ૯૯ વર્ષેય ભિખ માંગવાનું ખરૃ કારણ છતું કરતા ઈરવિન કરીએ કહ્યું કે 'દુનિયાના દૌલતમંદ લોકો અઢળક રકમ દાનમાં આપતા હોય છે. એમાં ય ગરીબીમાંથી ધનવાન બનેલા લોકો દાનની સરવાણી વહેતી કરતા પણ ખચકાતા નથી હોતા. પરંતુ મારા માટે આ વિકલ્પ ખૂબ જ મહત્ત્વનો હતો. કારણ કે, હું મારા બાળપણના ગરીબીના દિવસો ક્યારેય ભૂલી નથી શક્યો... કારણ કે, હું અન્ય ઘણાં ગરીબ બાળકોની જેમ બાળપણમાં ભિખારી બનતા બનતા રહી ગયો હતો... કારણ કે, હું ભિખ માંગીને જરૃરતમંદ બાળકોમાંથી કોઈ એકને પણ ભિક્ષુક બનતો અટકાવીશ તો મારું આયખું સફળ થયું માનીશ!'
૩૧મી માર્ચ, ૧૯૧૪માં જન્મેલા ઈરવિન કરી આવતી કાલે શતાયુ થશે...

Sunday 30 March 2014
Posted by Harsh Meswania
Tag :

આજે પણ ૨૧ લાખ ગુલામોનું અસ્તિત્વ છે?



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

છેક ૨૦મી સદીની શરૃઆતના દશકાઓ સુધી ગુલામી પ્રથા પૂરજોશમાં ચાલતી હતી. હમણાં થયેલા અભ્યાસના તારણો તો એમ પણ કહે છે કે આજેય દુનિયામાં ૨૧ લાખ ગુલામો વેઠ કરી રહ્યાં છે.

ખુશહાલજીવન જીવતા એક અશ્વેતને પકડીને ગુલામ બનાવી દેવાય છે. તે કંઈ સમજે વિચારે એ પહેલા તો તેના પર ગુલામ હોવાનું લેબલ લાગી જાય છે. તે એ વાતથી પણ અજાણ છે કે તેને કઈ રીતે અને શું કામ ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યો છે. અત્યારે તે કઈ જગ્યાએ છે એ વાતની પણ તેને કંઈ જ ખબર નથી. તેને તો બસ માલિકનું સોંપાયેલું કામ થાક્યા વગર કરી આપવાનું છે. દિવસે જ નહીં, જો માલિકનો હુકમ છૂટે તો મધરાતે પણ કામ માટે તૈયાર રહેવાનું છે. પોતાના પર અન્યાય થાય તો મૂંગા મોઢે સહેવાનો છે, પરંતુ જો બીજા ગુલામોની તરફેણ ભૂલથી પણ થાય તો તેને મરણતોલ માર પડશે એની યે તેને ધીરે ધીરે ખબર પડી જાય છે. તેને પોતાના કોઈ જ વિચારો વ્યક્ત કરવાની પરવાનગી નથી. તેને માલિક સામે એક પણ પ્રકારની દલીલ કરવાની છૂટ નથી. જે મળે એ ખાવાનું છે અને જ્યાં-જેવી જગ્યા મળે એમાં રહેવાનું છે. આવી યાતનામાં તે બાર બાર વર્ષ કાઢે છે. વર્ષોની ગુલામી ભોગવ્યા પછી એક દિવસ તે મૂક્ત થઈને તેના પરિવારને મળે છે. ઇન શોર્ટ, અન્ય કમભાગી ગુલામો કરતા તે થોડો નસીબદાર છે. તેના જીવનમાં ફિલ્મમાં હોય એવો હેપ્પી એન્ડ આવે છે.

મૂક્ત થયા પછી જેણે આ યાતના ભોગવી છે એ માણસ સોલોમન નોર્થપે '૧૨ યર્સ અ સ્લેવ' નામે પોતાના સંસ્મરણો  લખ્યા હતા. દોઢેક સૈકા પછી ૨૦૧૩માં આ સત્યઘટના આધારિત '૧૨ યર્સ અ સ્લેવ' નામથી ફિલ્મ બને છે અને તેને આ વર્ષનો શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ પણ એનાયત કરાયો છે. એવોર્ડ સ્વીકારતી વખતે ફિલ્મના દિગ્દર્શક સ્ટીવ મેક્કેઇને પોતાના ભાવનાત્મક વકતવ્યમાં કહ્યું કે '....દુનિયાભરમાં આજેય ગુલામીમાં સબડતા ૨૧ લાખ લોકોને હું આ એવોર્ડ અર્પણ કરું છું.' સ્ટીવનું આ વાક્ય સાંભળતાની સાથે જ આપણને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આજેય ૨૧ લાખ લોકો ગુલામ છે? શું ખરેખર સ્ટીવની વાત સાચી છે? ૨૧મી સદીમાં પણ ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે ખરી?
* * *
૧૯૪૮માં વિશ્વ માનવ અધિકાર સમિતિએ ગુલામીપ્રથાને માનવ જાતિ સામે થતો અમાનવીય અત્યાચાર ગણાવીને તેના પર વિશ્વભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ જ રીતે ૧૯૫૬માં યુએન(યુનાઇટેડ નેશન્સ) દ્વારા ગુલામીપ્રથા જગતભરમાં સંપૂર્ણપણે નાબુદ કર્યા પછી પણ આફ્રિકાના મોરિટેનિયામાં છેક ૨૦મી સદીના અંત ભાગ સુધી ગુલામોનું ખરીદ-વેંચાણ થતું હતું. ૧૯૮૧માં મોરિટેનિયાએ ગુલામીપ્રથા પર પ્રતિબંધ મૂક્યો. જોકે, ગુલામી કરાવનારા વિરુદ્ધ ત્યાં કોઈ મજબૂત કાનૂન વર્ષો સુધી નહોતો લાગુ કરાયો. ગુલામીપ્રથા સામે મોરિટેનિયામાં કાયદો તો છેક ૨૦૦૭માં પસાર થયો હતો. એ રીતે જોઈએ તો ૩૩ વર્ષ પહેલા સત્તાવાર રીતે જગતભરમાંથી ગુલામીપ્રથા નાબુદ થઈ કહેવાય.
તેમ છતાં ઓક્ટોબર, ૨૦૧૩માં લંડનમાં રહેતા આઝમ ખાન નામના માણસને ૨૦ વર્ષની યુવતી પાસે ગુલામી કરાવવાના ગુના માટે ૧૨ વર્ષની કેદ થઈ. વેઠ કરાવવા ઉપરાંત આઝમ ખાને તે યુવતીનું જાતીય શોષણ પણ કર્યું હતું. પાકિસ્તાનથી ખરીદવામાં આવેલી આ યુવતી ઈંગ્લીશ ભાષા જાણતી ન હોવાથી વર્ષો સુધી તેણે ગુલામી વેઠવી પડી હતી. અંતે આઝમ ખાનનો ભાંડો ફૂટયો હતો. કારણ કે, લંડન પોલીસે 'ઓપરેશન નેટવિંગ' શરૃ કર્યું હતું. જેમાં ગુલામો રાખતા આઝમ ખાન જેવા માલિકોને ભીંસમાં લેવાના હતા. પોલીસે લગભગ દોઢેક વર્ષમાં ૨,૨૫૫ કેસ શોધી કાઢ્યા. જેમાંથી ૭૭૮ સામે તો ગુલામી કરાવવાના પુરતા પૂરાવાઓ પણ મળ્યા હતા. આ વાત તો માત્ર એક લંડન શહેરની જ છે. જો એક માત્ર શહેરમાંથી ગુલામોની આટલી મોટી સંખ્યા મળી આવતી હોય તો વિશ્વમાં એ આંકડો કેટલો મોટો હોઈ શકે?
* * *
'૧૨ યર્સ અ સ્લેવ'ના દિગ્દર્શક સ્ટીવ મેક્કેઇને ઓસ્કરની આભારવિધિમાં જે વાક્ય ઉચ્ચાર્યું હતું તે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના છેલ્લા દસ વર્ષના આંકડાને ધ્યાનમાં રાખીને બોલવામાં આવ્યું હતું. દુનિયાભરમાં કેટલા ગુલામો છે એની વાત કરતા પહેલા અત્યારે ગુલામીની વ્યાખ્યા કેવી છે એ વિશે પણ થોડું જાણવું જરૃરી છે. ગુલામીની સદીઓ પહેલાની વ્યાખ્યા જેવી જ આજે પણ સ્થિતિ છે કે પછી તેમાં કશો ફરક પડયો છે? જવાબ છે- આંશિક ફરક પડયો છે. એકાદ સદી પહેલા ગુલામોની હરાજી થતી હતી કે જાહેરમાં શરીર પર કોરડા ફટકારવામાં આવતા હતા સાવ એવી સ્થિતિ આજે નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે ગુલામીપ્રથા નથી! હવે ગુલામીની વ્યાખ્યા થોડી બદલાઈ ગઈ છે, પણ ગુલામી તો ગુલામી જ છે. આજે ગુલામીની નવી પરિભાષા એટલે માલિકો દ્વારા ઓછા વળતરથી લેવાતું વધુ કામ. માત્ર કોરડા ફટકારવાની યાતનાને બાદ કરતા લગભગ ઘણી ખરી સ્થિતિ એક સરખી છે. જેમ ગુલામોની દલીલો સાંભળવાનો ધારો એ સમયે નહોતો એમ આજેય નથી. એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યા વગર જો મુંગા મોઢે માલિકનું કામ ન થાય તો સજા સ્વીકારવા તૈયાર રહેવું પડે છે. ક્યારેક દિવસો સુધી ખોરાક ન મળે, તો ક્યારેક રાતની કડકડતી ઠંડીમાં ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સુવાની જફરજ પાડવામાં આવે! ક્યારેક યુવાન મહિલા ગુલામનું માલિક દ્વારા જાતીય શોષણ પણ થાય. તો કોઈક વખત સખત કામનો બોજ તેના શિરે નાખી દેવામાં આવતો હોય છે.
હવે ગુલામોને જીવનભર માટે ખરીદવામાં નથી આવતા, પરંતુ કરારના નામે વર્ષો સુધી તેના કાંડા કાપી લેવાય છે. અમુક નક્કી કરેલી રકમ આપ્યા બાદ લાંબાં ગાળા સુધી તેની પાસે બેહિસાબ કામ લેવામાં આવે છે. ક્યારેક આખો પરિવાર પારાવાર ગરીબીના કારણે પૈસાની લાલચમાં આવીને આવા જોખમી કરાર કરી નાખે છે, તો ક્યારેક નજીવી રકમ માટે ઘરના સભ્યો દ્વારા જ બાળકોને વેંચી દેવામાં આવે છે. પહેલા ગુલામોના દસ્તાવેજો સાચવીને તેને પૂરાવા રૃપે રજૂ કરવામાં આવતા હતા. એના બદલે હવે આ આખું તંત્ર જ એવી રીતે ચાલે છે કે કોઈ જ પૂરાવાની જરૃર નથી હોતી! 'ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ'ના કહેવા પ્રમાણે તો આજે વિશ્વમાં ૨૯ લાખ લોકો ગુલામી વેઠી રહ્યાં છે અને એમાંથી અડધો અડધ તો એકલા એશિયામાં છે. આ સંસ્થાના દાવા પ્રમાણે તો એશિયામાં સૌથી વધુ ગુલામો ભારતમાં છે. આપણા દેશમાં ૨૦મી સદીના અંત ભાગમાં ૧૫ લાખ લોકો ગુલામો હતા. જેમાં દેહ વ્યાપારમાં ધકેલાતી યુવતીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. ભારતમાં ગુલામી અંગેની વિદેશી એજન્સીઓની દ્રષ્ટિ પ્રમાણે ખેત મજૂરી માટે ૧૦ વર્ષ કે ૧૫ વર્ષ માટે રખાતા મજૂરોનો પણ સમાવેશ થાય છે. આવા મજૂરોને ફરજીયાત નક્કી કરેલા સમય માટે તેના માલિકનું કામ કરવું પડતું હોય છે. એક વખત કરાર થયા પછી મજૂરો પાસે કોઈ જ વિકલ્પ બચતો હોતો નથી.
યુનિવર્સિટી ઓફ હૂલમાં કન્ટેમ્પરરી સ્લેવરી વિષયના પ્રોફેસર કેવિન બેલ્સના અભ્યાસ મુજબ દેહ વ્યાપાર ઉપરાંત માછીમારી ક્ષેત્રે અને કોલસાની ખાણોમાં કામ કરવા માટે સૌથી વધુ ગુલામોને કામે લગાડાય છે. અલગ અલગ અભ્યાસમાં ૧૬૨ દેશોમાં ગુલામીપ્રથા આજેય જોવા મળી છે. ચીન, પાકિસ્તાન, નાઇજેરિયા અને ભારતમાં સૌથી વધુ ગુલામો હોવાનું કહેવાય છે. હૈયાતી અને મોરિટેનિયામાં તો કુલ વસ્તી જેટલા જ બીજા ગુલામો છે એવો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. વિકસિત કહેવાતા દેશો- અમેરિકામાં ૬૦,૦૦૦, બ્રિટનમાં ૫,૦૦૦  ગુલામો નોંધાયા છે. અચ્છા, અહીં કદાચ એવો પ્રશ્ન થાય કે અત્યારે વિશ્વમાં ગુલામોના ભાવ શું ચાલે છે? જવાબમાં ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સનું માનીએ તો એક ગુલામ ૫૦થી ૬૦ હજાર ડોલર ખર્ચીને ખરીદી શકાય છે! એટલે કે એક માણસના આખા આયખાની કિંમત ૩૦થી ૩૫ લાખ રૃપિયા..

Sunday 23 March 2014
Posted by Harsh Meswania
Tag :

હેપી બર્થ ડે બાર્બી : મૈં હી મૈં હૂઁ, દૂસરા કોઈ કહાઁ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સદા યૌવનનું વરદાન ધરાવતી ડોલ બાર્બી બાલ-વૃદ્ધ, યુવક-યુવતીઓ.. એમ સૌ કોઈમાં લોકપ્રિય છે. આખા જગતની લાડલી બાર્બી ડોલ આજે ૫૫મો બર્થ ડે ઉજવી રહી છે.

એ આજે જોતજાતામાં ૫૫ વર્ષની થઈ ગઈ છે. આટલા વર્ષોમાં તે ઘણી બધી બદલાઈ ગઈ હોવા છતાં તેણે લોકપ્રિયતા અકબંધ રાખી છે. તેનું નામ પડતા ઉંમરના વાનપ્રસ્થાશ્રમમાં  પહોંચેલા વડીલના ચશ્માધારી ચહેરા પર માયાળુ સ્મિત ફરકી જાય છે, તો પાંચ-સાત વર્ષના થયેલા બાળકો તેનું નામ લેતાની સાથે જ ગેલમાં આવી જાય છે. તેનો મરતબો સેલિબ્રિટીથી જરાય ઉતરતો નથી. અથવા કહો કે તેણે છેલ્લા ૫૫ વર્ષથી સેલિબ્રિટી જેવો દરજ્જો ભોગવ્યો છે. તે ઉંમરથી ભલે વનમાં પ્રવેશી હોય, પરંતુ તેના દેખાવમાં હંમેશા તાજગી રહી છે. ક્યાંય ઉંમર જરા પણ કળાતી નથી. ઉલ્ટાનું તેના દેખાવમાં વધુ નિખાર આવ્યો છે. કોઈ સદાબહાર કહેવાતી અભિનેત્રીને પણ શરમાવે એવી લોકચાહના તેણે પાંચેક દાયકાથી જાળવી જ નથી રાખી, પણ એમાં સતત વધારો ય કર્યો છે. હવે તો એ ઓનલાઇન ગેઇમ્સમાં પણ છવાયેલી રહે છે. તે જ્યારે પ્રથમ વખત જાહેરમાં દેખાઈ ત્યારે તેણે વ્હાઇટ-બ્લેક રંગના ઝિબ્રાપટ્ટા ધરાવતું સ્વિમસૂટ પહેર્યું હતું એટલે તેની સામે ઘણાં લોકોએ વાંધો ય ઉઠાવ્યો હતો. અવારનવાર તેના પર આરોપ લાગતા રહે છે કે તે યુવતીઓને ગેરમાર્ગે દોરે એવા વસ્ત્રો પહેરે છે. જોકે, તેની લોકચાહના સામે આ વાંધો લાંબો સમય ટકી નથી શકતો. તે છેલ્લા સાડા ચાર દાયકાથી કેન કાર્સન સાથે રિલેશનશીપમાં છે. ૨૦૦૪માં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાય જશે એવી સંભાવના વ્યક્ત થઈ હતી, પણ તમામ અટકળોને ફગાવી દઈને અદ્લ સેલિબ્રિટી અદામાં બંનેએ ફરીથી પેચ-અપ કરી લીધું હતું. તેના પર અલગ અલગ સમયે વાર્તાઓ પણ લખાઈ છે. આટલા વર્ષેય તે હાઇસ્કૂલમાં જ ભણી રહી છે! તેની પાસે જુદી જુદી કંપનીઓની પાંચ-છ કાર છે, જે તે મરજી મુજબ ગમે ત્યાં હંકારી જાય છે. વળી, વધુ એક મજાની વાત એ છે કે તેની પાસે એરલાઇન્સનું લાયસન્સ પણ છે. ૨૧ ડોગ, ૬ કેટ અને એક ઘોડા સહિત ૫૦ પેટ્સ ધરાવતી ૫૫ વર્ષની આ હાઇસ્કૂલ ગર્લનું નામ છે-બાર્બરા મિલિસેન્ટ રોબર્ટ્સ ઉર્ફે બાર્બી.
***
અમેરિકાની મેટલ ટોય કંપનીના સહસ્થાપક ઇલિયટ નામના બિઝનેસમેનની પત્ની રૃથ હેન્ડલર તેના બે બાળકો સાથે ૧૯૫૬ના વર્ષમાં વિશ્વ પ્રવાસ કરી રહી હતી. એ દરમિયાન જર્મનીમાં તેણે એક થોડી નવા દેખાવની ઢીંગલી જોઈ. જર્મનીમાં તે બાઇલ્ડ લિલિના નામે ઓળખાતી હતી. તેના બાળકોને એ ખૂબ જ પસંદ આવી ગઈ હતી. રૃથને પણ તેમાં રસ પડયો. વળી, એ હંમેશા જોતી રહેતી કે તેની પુત્રી બાર્બરા જાડા કાગળમાંથી બનેલી ઢીંગલીઓ સાથે જ્યારે પણ રમતી ત્યારે તેને આધૂનિક કપડા પહેરાવીને શણગારવાનો પ્રયાસ કરતી હતી. બાર્બરાના નાનાભાઈ કેનેથને પણ આધૂનિક કપડાથી શણગારેલી ઢીંગલી બહુ ગમતી. બાર્બરાની ઢીંગલી માટે બંને ભાઈ-બહેનમાં રીતસરની લડાઈ જામી પડતી. જર્મનીમાં લિલિ ડોલને જોઈને રૃથ હેન્ડલરને વિચાર આવ્યો કે અમેરિકામાં એક એવી ડોલ હોવી જોઈએ જે પરંપરાગત ઢીંગલીઓ કરતા બહુ જ મોર્ડન હોય અને તેનો દેખાવ એટલો બધો મોહક હોવો જોઈએ કે ખરીદ્યે જ છૂટકો થાય! તેણે પોતાને આવેલો વિચાર બિઝનેસમેન પતિ ઇલિયટને કરી. ઇલિયટને રૃથના આઇડિયામાં દમ લાગ્યો એટલે એ કામ તેણે રૃથ પર છોડવાનું નક્કી કર્યું. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સહમતિ જતાવી એટલે કામ આગળ વધ્યું. ડોલનો દેખાવ કેવો હશે? તેના કેવા પ્રકારના કપડા પહેરાવવામાં આવશે? તેના વાળ કેવા રંગના હશે? વગેરે બાબતોમાં બે વર્ષ જેટલો સમય લાગ્યો. રૃથ હેન્ડલરની બે વર્ષની મહેનત બાદ અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેસ્ટિવલમાં ૯મી માર્ચ, ૧૯૫૯ના રોજ તેને પ્રથમ વખત પ્રદર્શનમાં મૂકવામાં આવી. એ સાથે જ રમકડાંના ક્ષેત્રમાં એક નવું પ્રકરણ આલેખાયું. જેનું નામ હતુંઃ બાર્બી ડોલ. રૃથની પુત્રી બાર્બરાના નામ પરથી તેને બાર્બી એવું ટચૂંકડુ નામ આપવામાં આવ્યું હતું. ડોલના થોડાં એડલ્ટ દેખાવને કારણે ધીમા સૂરે વિરોધ પણ ઉઠયો હતો. જોકે, ઝડપથી વધતી જતી લોકપ્રિયતા સામે વિરોધ બહુ ટક્યો નહીં. અમેરિકામાં ચોમેર બાર્બી ડોલ બાર્બી ડોલ થવા લાગ્યું હતું. બાર્બીની લોકપ્રિયતામાં પેલી જર્મન ડોલ બાઇલ્ડ લિલિએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વાત જાણે એમ હતી કે મેટલ ટોય કંપનીએ ૧૯૬૪માં જર્મન ડોલ બાઇલ્ડ લિલિના હકો મેળવી લીધા  અને પછી તેનું ઉત્પાદન સદંતર બંધ કરી દીધુ. કારણ કે કંપની ઈચ્છતી હતી કે બાર્બી સામે મજબૂત સ્પર્ધા પૂરી પાડે એવી એક પણ ડોલ માર્કેટમાં હોવી ન જોઈએ!
***
બાર્બી અમેરિકન માર્કેટમાં ઉપલબ્ધ બની ત્યારથી જ તેણે એક હથ્થું શાસન ભોગવવાનું શરૃ કરી દીધું હતું. તેને ટિનએજ ફેશન મોડેલ માનવામાં આવવા લાગી હતી. અમેરિકાની આ ડોલનું પ્રથમ વખત ઉત્પાદન જાપાનમાં થયું હતું. ડોલને પ્રદર્શનમાં મૂકાઈ એ જ વર્ષે કંપનીના દાવા પ્રમાણે ૩,૫૦,૦૦૦ બાર્બીનું વેંચાણ થયું હતું. બાર્બીને વ્યૂહ રચના મુજબ માર્કેટ સર કરવા મૂકાઈ હતી. રમકડાં ક્ષેત્રમાં આ એક માત્ર એવી ડોલ હતી કે તેની કમર્શિયલ જાહેરાત પણ કરવામાં આવી હતી. બાળકો માટેની કોઈ પ્રોડક્ટની ટેલિવિઝન જાહેરાત થઈ હોય એવી પણ બાર્બી પ્રથમ પ્રોડક્ટ હતી.

બાર્બીના ડ્રેસિંગ માટે આજે કંપની પાસે ૭૦ ફેશન ડિઝાઇનર છે અને દરેક પાસે પોતાની ટીમ છે, જે આગામી સમયમાં માર્કેટમાં આવી રહેલી બાર્બી માટે વર્તમાન ટ્રેન્ડ મુજબ કપડાની પસંદગી કરે છે. બાર્બી અત્યાર સુધીમાં સ્કૂલ ટિચરથી લઈને ડોક્ટર, બિઝનેસ એક્ઝિક્યુટિવ, અવકાશયાત્રી જેવા કેટ-કેટલા લિબાસમાં આવી ચૂકી છે. સીધું જોતી અને લાંબાં વાળ ધરાવતી બાર્બી ૧૯૯૨માં માર્કેટમાં મૂકાઈ હતી, જે આજ સુધીમાં બાર્બીનું સૌથી વધુ વેંચાયેલું મોડેલ છે. કંપનીએ એક વખત માર્કેટ રિસર્ચ કર્યું હતું ત્યારે સામે આવ્યું હતું કે વિશ્વભરમાં એક લાખ ગ્રાહકો એવા છે કે જે બાર્બીનું દરેક મોડેલ ખરીદી લે છે અને તેની પાસે છેક ૧૯૫૯થી લઈને ૫૫ વર્ષમાં આવેલા બાર્બીના બધા જ રૃપ રંગ, કદ-કાઠીના મોડેલ ઉપલબ્ધ છે. અમેરિકામાં ૪૫ ટકા લોકો વર્ષે બાર્બી પાછળ ૬૦ હજાર રૃપિયાનો ખર્ચ કરે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં પ્રતિ સેકન્ડ ૩ બાર્બી વેંચાય જાય છે. આવી લોકપ્રિયતાની કોને ઈર્ષા ન આવે?!

બાર્બીની કિંમત બરાબર એક ભારતીયનો પગાર!

અમેરિકન અને યુરોપિયન માર્કેટ સર કર્યા પછી કંપનીની નજર એશિયાઈ દેશો પર ઠરી. ખાસ કરીને ભારત-ચીન અને જાપાન. ૧૯૮૦માં ભારતીય માર્કેટમાં બાર્બી ડોલનું આગમન થયું ત્યારે તેની કિંમત હતી ૨૩૬ રૃપિયા. એ સમયે નોકરી કરતા સરેરાશ ભારતીયનો એક માસનો પગાર માંડ ૨૦૦ રૃપિયા થવા જતો હતો. ત્યારે આ ડોલ લેવા માટે તેને આખો પગાર ખર્ચવો પડે એવી સ્થિતિ હતી. એટલે કે શરૃઆતમાં આ ઢિંગલીનો સંગાથ માત્ર ધનવાનોના સંતાનો જ માણી શકે એવી સ્થિતિ હતી. પશ્ચિમી પોશાકમાં જ સજ્જ બાર્બી ભારતમાં ખાસ ન સ્વીકારાતાં સમય જતાં બાર્બીએ ભારતીય પોશાકમાં ઢિંગલીઓ પણ માર્કેટમાં મુકવાનું શરૃ કર્યુ (બાજુની તસવીર). પ્રારંભના વર્ષોમાં બાર્બીની સૌથી વધુ ખપત સ્વિડનમાં થતી હતી. આજેય એમ મનાય છે કે સ્વિડનની કુલ જનસંખ્યા કરતા પણ વધારે બાર્બી ત્યાં વેંચાઈ ગઈ છે. જોકે, બાર્બીનું વિશાળ માર્કેટ તો આજેય અમેરિકા અને યુરોપમાં જ છે. ૨૦૦૭માં થયેલા એક સર્વે મુજબ અમેરિકાની ૩થી ૧૦ વર્ષની છોકરી પાસે એવરેજ ૮ બાર્બી ડોલ હોય છે.


Sunday 9 March 2014
Posted by Harsh Meswania
Tag :

સેલિબ્રિટીના દેખાવની નકલઃ અહો રૃપમ, અહો ક્રેઝમ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

સેલિબ્રિટીના ફેન્સ પહેરવેશથી લઈને હેર સ્ટાઇલ સુધી નકલ કરતા હોય છે, પણ થોડાંક વધુ ક્રેઝી ફેન્સ એથીય આગળ વધીને પ્લાસ્ટિક સર્જરી જેવો જોખમી અને ખર્ચાળ માર્ગ અપનાવતા પણ ખચકાતા નથી. ઘેલછા ઓગળ્યા પછી પસ્તાવો વ્યક્ત કરનારા ફેન્સની પણ કમી નથી.

'મને એનો બેબી ફેસ બહુ ગમ્યો હતો અને એટલે જ કદાચ હું તેના જેવા દેખાવની મથામણ કરી રહ્યો હતો. પણ હવે મને લાગે છે કે મેં જે ઘેલછા પાછળ પાંચ વર્ષ જેવો અમૂલ્ય સમય અને એક લાખ ડોલર (૬૨ લાખ રૃપિયા) જેવી માતબર રકમ ખર્ચી નાખી એ બધું જ વ્યર્થ છે. આજે મને મારા એ વર્તન પર પારાવાર પસ્તાવો થાય છે. ઈશ્વરે આપેલા મારા દેખાવની મેં કદર ન કરી જેનો આજે મને અગણિત અફસોસ છે. ઈશ્વરે બધાને પોતાનો આગવો દેખાવ અને સ્વભાવ આપ્યા છે એની સાચી કદર કદાચ મને હવે થઈ રહી છે. હું લાખ પ્રયાસો કરીશ છતાં હું તેના જેવો નહીં જ દેખાઈ શકીશ એ વાત છેક હવે મને સમજાઈ ગઈ છે, પરંતુ મારી કમનસીબી એ છે કે હવે મારી આ સમજણનો કશો જ અર્થ રહ્યો પણ નથી'
આ શબ્દો છે જસ્ટિન બિબરના ક્રેઝી ફેન ટોબી શેલ્ડનના. જર્મનીમાં જન્મેલો અને અમેરિકામાં રહેતો ટોબી શેલ્ડન અત્યારે ૩૩ વર્ષનો છે અને વ્યવસાયે ગીતકાર છે. ૨૦૦૮ના વર્ષમાં જ્યારે જસ્ટિન બિબર અચાનક લાઇમલાઇટમાં આવ્યો ત્યારે થોડા જસ્ટિન જેવા દેખાતા ટોબીને તેના મિત્રોએ પાનો ચડાવ્યો કે તેનો દેખાવ ઝડપથી લોકપ્રિય થઈ રહેલા કેનેડિયન પોપસ્ટાર જસ્ટિન બિબરને ઘણો ખરો મળતો આવે છે, જો તે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાના દેખાવને વધુ નિખારે તો અદ્લ બિબર જેવો દેખાશે. ટોબીના મનમાં આ વાત ઊંડે સુધી ઘર કરી ગઈ. તેણે ધીમે ધીમે પૈસા એકઠાં કર્યા અને પાંચ વર્ષમાં એક પછી એક એવી ૧૦૦ જેટલી સર્જરી કરાવી નાખી. ગત ઓક્ટોબર માસમાં પ્રથમ વખત તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા પછીનો પોતાનો ચહેરો મીડિયા સામે રજૂ કર્યો હતો. જોકે, આટલી સર્જરી છતાં ટોબીને બિબર જેવો દેખાવ તો મળ્યો, પણ તેની ઘેલછાના કારણે સમાચાર માધ્યમોમાં સ્થાન જરૃર મળ્યું! તેની આ ઘેલછાની ચોમેર ટીકા થઈ. ખૂદ બિબરે ય તેના પર મજાક કરી. ટોબીને આટલા મહિના પછી ખરેખર અહેસાસ થયો એટલે હમણાં એક અમેરિકન ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પોતાની ઘેલછા માટે અફસોસ જતાવ્યો. કોઈ સ્ટાર પાછળ ક્રેઝી થઈને પ્લાસ્ટિક સર્જરીનો જોખમી માર્ગ પસંદ કરનારો ટોબી પ્રથમ ફેન નથી. અગાઉ પણ ઘણા લોકો પોતાના મનભાવન સેલિબ્રિટી માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂક્યા છે અને ટોબીની માફક જ પસ્તાવો પણ વ્યક્ત કરી ચૂક્યાં છે.
***
માઇકલ જેક્સન જેવા લુક માટે એક જમાનામાં યંગસ્ટર્સ બધુ જ કરી છૂટવા તૈયાર થઈ જતાં હતા. જ્યારે તેનો સિતારો બૂલંદ હતો ત્યારે તેના જેવી હેર સ્ટાઇલ અને પહેરવેશની આંધળી નકલ આખા વિશ્વના યુવાનો કરતા હતા. પછી તો માઇકલ જેક્સને જ એટલી બધી સર્જરી કરાવી કે તેનાથી તેનો દેખાવ સમૂળગો બદલાઈ ગયો. છેલ્લા વર્ષોમાં માઇકલ જેક્સનનો દેખાવ એકદમ વિચિત્ર થઈ ગયો હતો, પણ તેના જેવો દેખાવ ધરાવતી એક મહિલાનું માનીએ તો તે આજે લાખો રૃપિયા રળે છે. કારણ કે, તે માઇકલ જેક્સન જેવો દેખાવ ધરાવે છે અને એ પણ પ્લાસ્ટિક સર્જરીની મદદથી! મિકી જે નામની એક મહિલાએ વીસેક લાખ રૃપિયાનો ખર્ચ કરીને પોતાને માઇકલ જેક્સન જેવો દેખાવ આપ્યો હતો. મિકીનો દાવો છે કે તેને માઇકલ જેવો દેખાવ ફળ્યો છે. તેણે અત્યાર સુધીમાં માઇકલના હમશકલ તરીકે એકાદ કરોડ રૃપિયાની કમાણી કરી લીધી છે. જોકે, મિકી પર એવી રમૂજ થાય છે કે વાળ વધારી દેવાથી અને જેક્સન જેવો પહેરવેશ ધારણ કરી લેવા માત્રથી માઇકલ જેક્સન દેખાવું શક્ય નથી. માઇકલ જેક્સનનો દેખાવ મિકીને પૈસા રળી આપતો હોવા છતાં એક કાર્યક્રમમાં તેણે પ્લાસ્ટિક સર્જરીના પોતાના નિર્ણય અંગે ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું 'મારા અગાઉના દેખાવને પાછો લાવવા માંગુ છું, પણ હવે એ મારા હાથમાં નથી રહ્યું!'

કેનેડિયન એક્ટર, ડિરેક્ટર, રાઇટર રેયન ગોસ્લિંગ જેવા દેખાવ માટે એક ક્રેઝી ફેન નામે નિકોલસ રેયને ચહેરા પર પ્લાસ્ટિક સર્જરીનો માર્ગ લીધો હતો. ગાલ, નાક, કપાળ અને હોઠની સર્જરી કરાવ્યા પછી નિકોલસની તત્કાલ પ્રતિક્રિયા હતી કે 'મારી પ્લાસ્ટિક સર્જરીના પરિણામથી હું ખુશ છું. મને લાગે છે કે કદાચ હું હવે અભિનેતા રેયન ગોસ્લિંગ જેવો લાગું છું' પણ થોડા વખતમાં રેયન ગોસ્લિંગ જેવા દેખાવનો નશો ઉતર્યો પછી નિકોલસે પોતાની પ્લાસ્ટિક સર્જરીના નિર્ણય માટે ટોબી શેલ્ડનની જેમ જ પારાવાર પસ્તાવો વ્યક્ત કર્યો હતો. આવા જ બીજા ક્રેઝી ફેન્સની યાદીમાં ચીનની ૨૧ વર્ષની યુવતી ઝિઓકિંગનો સમાવેશ પણ થાય છે. તેણે જેસિકા આલ્બા જેવા દેખાવ માટે સતત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. ઝિઓકિંગને જેસિકા જેવું દેખાવું ગમતું હતું એટલા માટે તેણે પ્લાસ્ટિક સર્જરીનું જોખમ નહોતું ઉઠાવ્યું, પણ પોતાના બોયફ્રેન્ડને જેસિકા ગમતી હતી એટલે આ પગલું ભર્યું હતું! નાડિયા સુલેમાન નામની એક મોડેલ પોતાને એન્જેલિના જોલી માને છે! તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને હોઠને ખાસ જોલીના હોઠ જેવો આકાર અપાવ્યો છે. આવો જ પ્રયાસ લિજન્ડે લોહાન જેવા દેખાવ માટે તેની જ સાવકી બહેન એસ્લે હોર્ન કરી ચૂકી છે. જોકે, હોર્નના મતે તે લોહાન કરતા વધુ સુંદર છે એટલે તેને એવા કોઈ જ પ્રયત્નની જરૃર નથી!
***
'મને આશા છે કે હું લીસા કોનેલનો સંપર્ક કરી શકીશ. તે મારા જેવા દેખાવ માટે પ્રયાસ કરી રહી છે તે મેં જાણ્યું. મારે લીસાને માત્ર એટલું જ કહેવું છે કે તે ખૂબ જ સુંદર છે અને તેણે મારા જેવા બનવાની જરાય જરૃર નથી' કેન્સરથી પીડિત ચાહક લીસા કોનેલે પોતાની અંતિમ ઈચ્છા એવી વ્યક્ત કરી હતી કે તેને મરતા પહેલા ડેમી મૂરે જેવું સુંદર દેખાવું છે અને એ વાતની જાણ જ્યારે ડેમીને થઈ ત્યારે ઉપરોક્ત શબ્દો લીસા માટે કહ્યાં હતા. છતાં, ૨૯ વર્ષની લીસાએ ડેમી મૂરે જેવા દેખાવ માટેની હઠ પૂરી કરી હતી અને પ્લાસ્ટિક સર્જરી પાછળ લગભગ ૪૨ લાખ રૃપિયાનો ખર્ચ કર્યો હતો. લીસાએ તેના હોઠ, નાક અને કપાળની સર્જરી કરાવી હતી. કેન્સર પીડિત હોવા છતાં લીસાએ પ્લાસ્ટિક સર્જરી સહન કરી હતી અને છતાં તેને ડેમી મૂરે જેવા દેખાવનું પ્રમાણપત્ર મળ્યું નહોતું. જેનો તેને હંમેશા વસવસો રહ્યો.

કોમિક પાત્ર જેવા દેખાવ માટે પણ  ઘેલછા

સામાન્ય રીતે મનપસંદ સેલિબ્રિટી જેવા દેખાવ માટે યંગસ્ટર્સ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતા હોય છે, પરંતુ કોમિક પાત્ર જેવા લુક માટે એક દાદીએ ૧૧ લાખ રૃપિયા ખર્ચીને પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો હતો. એનિટી એડવર્ડ નામના ૫૭ વર્ષના બ્રિટિશ મહિલાએ જેસિકા રોબિટ કોમિક કેરેક્ટર જેવા વાળ, હોઠ અને નાક બનાવવા માટે આટલી મોટી વયે પણ પ્રયાસ કર્યો હતો. કોમિક કેરેક્ટર સુપરમેન જેવા દેખાવ માટે હર્બટ ચિવેઝ નામના યુવકે ૧૩ સર્જરી કરાવી હતી. જોકે, હર્બટની સુપરમેન જેવા બનવાની મુરાદ પૂરી થઈ ન હોવાનું તેણે પછીથી સ્વીકાર્યું હતું અને એવા ભેજાગેપ ખયાલ માટે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

Sunday 2 March 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -