Archive for October 2012

ભારતનાં બે લોખંડી નેતાઓઃ સરદાર, ઈન્દિરા



મધ્યાંતર : હર્ષ મેસવાણિયા

૩૧મી ઓક્ટોબર એટલે ભારતના બે લોખંડી મિજાજના નેતાઓને યાદ કરવાનો સંયોગ. આ દિવસે ભારતના ઐક્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૭મી જન્મજયંતી છે, તો આક્રમક મિજાજ માટે જાણીતા અને પાકિસ્તાનનાં બે ફાડિયાં કરનારાં ઈન્દિરા ગાંધીનો ૨૮મો નિર્વાણદિન પણ છે. બંનેએ પાકિસ્તાનની ખોરી નીતિને સમયસર પારખી લીધી હતી.

સરદારઃ ભારતના ઐક્યવિધાતા
ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું ત્યારથી છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે ભારતના હિતમાં જરૂર પડયે કડવા નિર્ણયો પણ લીધા છે. છેક સુંધી ગાંધીજીની પડખે તેના અંગત વિશ્વાસુ તરીકે રહેનારા સરદાર પટેલે અમુક વખતે ગાંધીજીના નિર્ણયોનો પણ મક્કમ અને તટસ્થ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ ભારતને હંમેશાં મહેફૂઝ જોવા માંગતા હતા.

અખંડ ભારતઃ રજવાડાઓનું વિલીનીકરણ
ભારતને આઝાદી મળવાનું તો લગભગ પાકું થઈ ગયું હતું, પણ ત્યારે ભારતનો મોટો હિસ્સો નાનકડાં રજવાડાંઓમાં વહેંચાયેલો હતો એટલે રજવાડાંઓને ભારતમાં જોડવા જરૂરી હતાં. આ કામ સરદારને સોંપવામાં આવ્યું હતું. સરદાર પટેલે રજવાડાંઓના એકીકરણનું કામ પૂરી કુશળતા અને કુનેહથી પાર પાડયું. રજવાડાંઓને ભારત સાથે જોડીને ભારતનો આજનો નકશો બનાવવામાં સરદાર પટેલની મહામૂલી ભૂમિકા સુવિદિત છે.

બારડોલી સત્યાગ્રહઃ સબળ નેતૃત્વનું પ્રથમ સોપાન
૧૯૨૮ના વર્ષમાં ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ દુષ્કાળની લપેટમાં આવી ગયો હતો છતાં બ્રિટિશ સરકારે કરમાં વધારો કર્યો. સરકારે ખેડૂતો પાસે કર વસૂલવા માટે આકરાં પગલાં ભરવાનું શરૂ કર્યું અને માલ-મિલકતનો કબજો મેળવવા માંડયો. આ સ્થિતિમાં ખેડૂતોની પડખે ઊભા રહીને વલ્લભભાઈ પટેલે અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ છેડયો. વલ્લભભાઈના અડગ વલણ સામે અંતે સરકારે નમતું જોખવું પડયું. આ સત્યાગ્રહ પછી વલ્લભભાઈ ભારતમાં લોકપ્રિય નેતા બની ગયા. આ લડતથી ભારતને લોખંડી મનોબળ ધરાવતા નેતા 'સરદાર' મળ્યા.

કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદઃ પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી!
જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર ભારતમાં જોડાશે કે કેમ તે હજુ ચોક્ક્સ નહોતું. આ માટે સરદારે પોતાની આગવી કુનેહ કામે લગાડી. જૂનાગઢની આઝાદી માટે ૨૫ સપ્ટેમ્બરે 'આરઝી હકૂમત'ની સ્થાપના થઈ. બીજી તરફ કશ્મીર તરફ ધસી આવતા પાકિસ્તાનના સૈન્ય સામે ભારતીય લશ્કર ઉતાર્યું અને સમયસર કાશ્મીરને બચાવી લીધું. હૈદરાબાદના નિઝામ પણ આડા ફંટાયા એટલે સરદારે લાલ આંખ કરીને તેમની સાન પણ ઠેકાણે લાવી હતી.

ચીનની ખોરી નીતિનો અંદેશો પહેલાંથી જ આવી ગયો હોય એમ તેમણે પંડિત નહેરુને તિબેટ અંગે ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. ગૃહપ્રધાન હોવાથી ઘર ઉપર બહારના કેટલાનો ડોળો ફરે છે એ વાતથી પણ વાકેફ રહેનારા સરદાર જેવા બીજા ગૃહપ્રધાન પછી આજ સુધી ભારતને નથી મળ્યા!

ઈન્દિરા ગાંધીઃ લોખંડી મિજાજ અને ચુંબકીય નેતૃત્વનો સમન્વય
રામમોહન લોહિયાએ એક વાર ઈન્દિરા ગાંધી માટે 'ગૂંગી ગૂડિયા' એવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ 'ગૂંગી ગૂડિયા'ને પછીથી આક્રમક રીતે સભાઓ ગજવતા જોઈને ભલભલા રાજકીય નિષ્ણાતોને આશ્વર્ય થતું હતું. શરૂઆતમાં ભાગ્યે જ કશું બોલતાં ઈન્દિરા ગાંધીએ મક્કમ મિજાજની અને પોતાની રાજકીય સૂઝની વિશ્વભરમાં નોંધ લેવડાવી હતી.

ફાડિયાં: પહેલાં કોગ્રેસનાં અને પછી પાકિસ્તાનનાં!
લાલબહાદુર શાસ્ત્રીના નિધન પછી કોંગ્રેસીઓએ એમ માનીને ઈન્દિરા ગાંધીને વડાંપ્રધાન પદ સોંપ્યું હતું કે પોતાનાં ધાર્યાં કામો પાર પડાવી શકાશે, પણ વડાંપ્રધાન બનતાં જ ઈન્દિરા ગાંધીએ પોતાની તાકાતનો પરિચય કરાવવા માંડયો. આ કારણે રૂઢિચુસ્ત કોંગ્રેસી નેતાઓને ઈન્દિરા સાથે વાંકું પડયું અને છેવટે મોરારજી દેસાઈની આગેવાનીમાં કોંગ્રેસનો એક ભાગ અલગ પડયો. ૧૯૭૧માં મુક્તિવાહિની સેનાએ પાકિસ્તાન સૈન્યના દમન સાથે મોરચો માંડયો. જેના પરિણામ સ્વરૂપ પૂર્વ પાકિસ્તાનમાંથી શરણાર્થીઓએ ભારતની વાટ પકડી. આ કારણે ભારતની સ્થિરતા પણ જોખમમાં મુકાઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું. ઈન્દિરા ગાંધીએ વિશ્વભરના મહત્ત્વના દેશોને આ અંગેની જાણ કરી અને જરૂર પડે તો રશિયાને મદદ માટે તૈયાર રાખીને પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું. યુદ્ધના અંતે પાકિસ્તાનને બે ભાગમાં વિભાજિત કરીને જ રહ્યાં.

ઓપરેશન બ્લૂસ્ટારઃ જીવ દઈને મિશન પાર પાડયું
પંજાબમાં જરનૈલસિંહ ભીંદરાનવાલેએ અલગ ખાલિસ્તાનની માંગણી કરી હતી. ભીંદરાનવાલેને પાકિસ્તાન મદદ કરે છે એવી ઈન્ટેલિજન્સ બ્યુરોની માહિતી પછી અને તે સુવર્ણ મંદિરમાં છુપાયો હોવાની બાતમીના આધારે ઈન્દિરા ગાંધીએ આર્મી બટાલિયનને સુવર્ણ મંદિરમાં ઉતારી. શીખ સમાજમાં આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડયા. અમુક ઉગ્રવાદીઓના નિશાના પર ઈન્દિરા ગાંધી આવી ગયાં. અંતે તેમના જ બે શીખ બોડીગાર્ડ્સે ૩૧ ગોળીઓથી ઈન્દિરા ગાંધીને વીંધી નાખ્યાં. ઓપરેશન બ્લૂસ્ટાર તેમણે જીવ દઈને પાર પાડયું.

કટોકટીઃ જોખમી પગલું
ચૂંટણીમાં સરકારી સાધનોનો ઉપયોગ કરવાના આરોપસર કેસ ચાલતો હતો તે દરમિયાન જ તેઓએ વિપરીત પરિસ્થિતિમાં ભારત પર કટોકટી લાદી. તેમના આ પગલાના પડઘા સમગ્ર વિશ્વમાં પડયા. પછીથી ચૂંટણીઓ આવી ત્યારે તેઓને હારનો સામનો કરવો પડયો, પણ પછીની ચૂંટણીઓમાં ફરીથી સત્તા મેળવીને લોકપ્રિયતા પાછી મેળવી લીધી.  
Wednesday 31 October 2012
Posted by Harsh Meswania

દશેરા : ખામીઓનું દહન, ખૂબીઓનું પૂજન


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

દશેરાના દિવસે ભારતમાં રાવણદહન કરીને પ્રતીકરૂપે રાવણવૃત્તિનું દહન કરવામાં આવે છે. આનાથી ઊલટું ભારતમાં એવા લોકો પણ છે જે દશેરાના દિવસે રાવણદહન કરતા નથી બલકે રાવણની પૂજા કરે છે. તો અમુક સ્થળોએ રાવણદહનને અપશુકનિયાળ માનવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે રાવણનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પણ તેનાં કર્મોને કારણે તેની ગણના રાક્ષસોમાં થઈ છે. શાસ્ત્રોમાં અસંખ્ય ખલનાયકોનો ઉલ્લેખ આપણે સાંભળ્યો-વાંચ્યો હોય છે, પણ રાવણ મોટાભાગના ખલનાયકોથી થોડો ભિન્ન છે. કારણ એટલું જ કે રાવણમાં ખરાબીઓ હોવા છતાં અમુક ખૂબીઓ હતી કે જે તેને અન્ય વિલનોથી અલગ પાડી દે છે. પરાક્રમી યોદ્ધો હોવા ઉપરાંત તે ખૂબ સારો તપસ્વી હતો. કઠિન તપસ્યાઓ કરીને ધાર્યાં વચનો મેળવી લેતો હતો. વેદોના જાણકાર રાવણે શિવતાંડવ સ્તોત્રની રચના કરીને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન રચયિતાઓમાં પોતાનું નામ અમર કર્યું છે. સંગીત અને ગાયનમાં પણ રાવણનું નોંધપાત્ર પ્રદાન કહી શકાય. રાવણહથ્થો તો આજેય સંગીતનો હિસ્સો રહ્યું છે. રાવણહથ્થાની મદદથી જ રાવણે શિવતાંડવ સ્તોત્રનું ગાયન કરીને ભગવાન શિવને રિઝવ્યા હોવાનું મનાય છે. તો વળી, રાવણસંહિતાથી જ્યોતિષશાસ્ત્રને સમૃદ્ધ કર્યું છે. આ અને આવી અન્ય ખૂબીઓને કારણે જ કદાચ સદીઓ વીતવા છતાં લોકોમાં રાવણ જેટલો યાદ રહ્યો છે એવો કદાચ એકેય વિલન લોકમાનસમાં યાદ રહ્યો નથી. આટલા શક્તિશાળી વિલન પર ભગવાન શ્રીરામે વિજય મેળવ્યો હોવાથી તેની ઉજવણી ત્યારે પણ દેવતાઓ અને મનુષ્યોએ ઉત્સાહપૂર્વક કરી હતી અને આજેય લોકો વિજયા દશમીએ રાવણદહન કરે છે, પણ જે લોકો રાવણને ઈષ્ટદેવતા માનીને પૂજે છે એ પાછળ પણ રાવણની આટ-આટલી ખૂબીઓ જ જવાબદાર હશે!

ક્યાં થાય છે રાવણની પૂજા?
મધ્યપ્રદેશના દમોહનગરમાં રહેતો નાગદેવ પરિવાર વર્ષોથી લંકાનરેશ રાવણને ઈષ્ટદેવતા માનીને પૂજા કરે છે. આ પરિવારના સદસ્ય હરીશ નાગદેવ આખા દમોહનગર વિસ્તારમાં લંકેશના હુલામણા નામથી જાણીતા છે. દશેરાના દિવસે આ પરિવાર રાવણના સ્વરૂપની આરતી કરીને મંગળ કામના કરે છે. એટલું જ નહીં આ પરિવારે સરકાર પાસે દશાનન રાવણનું ભવ્ય મંદિર બનાવવા માટે શહેરમાં જગ્યા ફાળવવાની માંગણી પણ કરી છે. મધ્યપ્રદેશમાં જ વિદિશાના અમુક કાન્યકુબ્જ બ્રાહ્મણો રાવણ મંદિરમાં રાવણની આરતી કરે છે. તો વળી, આ વિસ્તારમાં અમુક લોકો દશેરાએ રાવણનું શ્રાદ્ધ પણ કરે છે. આ સિવાય ઉત્તરપ્રદેશમાં કાનપુરની નજીક એક રાવણ મંદિર આવેલું છે જે વર્ષમાં એક વખત દશેરાના દિવસે ખોલવામાં આવે છે અને અહીં રાવણની પૂજનવિધિ થાય છે.

ઈન્દૌરના પરદેશીપુરામાં રહેતો વાલ્મીકિ સમાજ રાવણની પૂજા તો કરે જ છે, સાથોસાથ દશેરાના દિવસે થતા રાવણદહનને જોવાનું પણ ટાળે છે. આ ઉપરાંત ઈન્દૌરનું લંકેશ મિત્રમંડળ છેલ્લાં ચાલીસ વર્ષથી શહેરમાં વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાની પૂજા કરવાની સાથે રાવણદહનનો વિરોધ પણ કરે છે. મહારાષ્ટ્રના અમુક ભાગોમાં રાવણની વિદ્વત્તાને સન્માન આપવામાં આવે છે. અમરાવતી જિલ્લાના મેલઘાટ અને ગઢચિરૌલ જિલ્લાના ધરોરામાં રહેતા કોર્કૂ અને ગોંડ આદિવાસીઓ પેઢીઓથી દશેરાના દિવસે રાવણ ઉપરાંત તેના પુત્ર મેઘનાદની આરતી કરે છે.

મહાન શિવભક્ત હોવાથી થાય છે પૂજા!
કર્ણાટકના કોનાર જિલ્લામાં લંકેશ્વર મહોત્સવ ઊજવાય છે. આ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળે છે અને આ દરમિયાન લંકાનરેશ રાવણની પૂજા કરવામાં આવે છે. રાવણની ગણના મહાન શિવભક્તોમાં થાય છે એટલે ભગવાન શંકરનો ભક્ત હોવાથી જ અહીં શિવજીની સાથે સાથે રાવણની પણ આરતી ઉતારવામાં આવે છે. આંધ્રપ્રદેશના કાકિનાડમાં રાવણે શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. આ જ શિવલિંગની નજીક રાવણની પ્રતિમા છે. અહીં આવેલા શિવલિંગ અને રાવણની પ્રતિમાની પૂજા સ્થાનિક માછીમાર સમાજ વર્ષોથી કરે છે.

અહીં રાવણદહન કરવું એટલે મોતને નોતરવું!
હિમાચલપ્રદેશના કાંગડા જિલ્લામાં બૈજનાથ નામનું નાનકડું શહેર આવેલું છે. આમ તો આ શહેરને શિવનગરીના નામે જ વધુ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં રાવણના પૂતળાનું દહન કરવું એટલે જાણે મોતને નોતરવું! એક માન્યતા પ્રમાણે રાવણે આ સ્થળે આવીને ભગવાન શિવની કઠિન તપસ્યા કરી હતી એટલે શિવજીની સામે તેના ભક્તના પૂતળાનું દહન કરવું પાપ માનવામાં આવે છે. ૧૯૬૭માં પ્રથમ વખત અહીં આ ક્રમ તૂટયો અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જાણે લોકોની માન્યતા સાચી હોય એમ સૌપ્રથમ વાર રાવણના પૂતળાને આગ લગાવનારી વ્યક્તિનું થોડા સમયમાં જ મોત થયું. એટલું જ નહીં આ ઉજવણીમાં ભાગીદાર બનનારા પૈકી થોડા લોકો મોતને ભેટયા તો થોડાને કંઈક ને કંઈક નુકસાની વેઠવી પડી એટલે અંતે ૧૯૭૩ પછી અહીં રાવણદહન બંધ કરવામાં આવ્યું. બૈજનાથના બિનવા પુલ પાસે જ રાવણે દસ વખત કમળ પૂજા કરી હોવાની પણ લોકોક્તિ છે. આ માન્યતા માન્યામાં આવે કે ન આવે પણ અહીંના લોકોએ વર્ષો અગાઉ એક વખત રાવણદહન કરવાનો પ્રયાસ કર્યો છે અને એનાં પરિણામ સામે આવ્યા પછી શિવભક્ત રાવણનું દહન કરવું પાપ છે એવી માન્યતા વધુ દૃઢ બની છે.

દસ માથાં કે દસ બુરાઈઓ?
પૌરાણિક વર્ણનોમાં રાવણને દસ મસ્તક હોવાનું કહેવાયું છે. સામાન્ય તર્ક લગાવીએ તો કોઈને દસ મસ્તકો હોય એવું માન્યામાં ન આવે! એક મત પ્રમાણે રાવણનાં દસ મસ્તકો એ માનવમનની દસ બુરાઈઓનું પ્રતીક છે.

ઘમંડઃ રાવણમાં મોટી ખરાબી તેનું અભિમાન હતું. રાવણના પતનમાં અભિમાનનો મુખ્ય ફાળો છે.

ક્રોધઃ અતિશય ક્રોધી હોવાથી રાવણે અનેક દુશ્મનો બનાવ્યા હતા.
અત્યાચારઃ દેવો, માનવો અને પૃથ્વી પરનાં પશુઓ પર રાવણે કાળો કેર વર્તાવ્યો હતો.

અવિવેકઃ રાવણમાં વિવેકના ગુણનો અભાવ હતો. કુંભકર્ણ, મેઘનાદ હણાયા પછી તેના નાના માલ્યવંતે તેને સમજાવવાના પ્રયાસો કર્યા, પણ અવિવેકી રાવણે તેમને રાજદરબારમાંથી કાઢી મૂક્યા.

સ્વાર્થઃ અંગત દુશ્મની માટે તેણે પોતાના ભાઈ કુંભકર્ણ અને બે મહાપરાક્રમી પુત્રો મેઘનાદ-અક્ષયને યુદ્ધભૂમિમાં હોમી દીધા.

દુરાગ્રહઃ રાવણની પત્ની મંદોદરી રાવણને સમજાવતી રહી કે રામ બ્રહ્મ છે અને તેની માફી માંગી લો તો ભગવાન માફ કરી દેશે, પણ દુરાગ્રહી રાવણે તેની અવગણના કરી.

વૈરાગ્યવિહિનતાઃ રાવણમાં તમામ ગુણો હોવા છતાં તેની ગણના ખલનાયકોમાં થઈ, કારણ કે તેનામાં જરા સરખો પણ વૈરાગ્યનો ગુણ ન હતો.

કપટઃ કપટ કરવામાં રાવણ માહેર હતો. સોનાનાં શિંગડાં ધરાવતા મૃગનું તરકટ રચીને રાવણે સાધુવેશે સીતાજીનું હરણ કર્યું હતું.

બળનો દૂરુપયોગઃ રાવણને મળેલાં વરદાનોનો ઉપયોગ જો તેણે સારા કામમાં કર્યો હોત તો વિશ્વ તેની મહાનતાને આજે પણ યાદ કરતું હોત.

વ્યભિચારઃ રાવણ અપ્સરાઓથી લઈ તપસ્વિનીઓને પોતાના બાનમાં રાખતો હતો.
Wednesday 24 October 2012
Posted by Harsh Meswania

તમને જેટલું ખાવા નથી મળતું એટલું તો અમે થાળીમાં છોડી દઈએ છીએ!




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પ્રતિવર્ષે ૧૬મી ઓક્ટોબરને યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) વિશ્વ ખોરાક દિન તરીકે ઊજવે છે. વિશ્વમાં અસંખ્ય ભૂખ્યા લોકોને બે ટંકનું પૂરતુ ભોજન મળી જાય તે માટેના પ્રયાસો છેલ્લા ચારેક દશકાથી એફએઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે તો બીજી તરફ અમુક દેશોમાં ખોરાકનો વિપુલ જથ્થો મિસમેનેજમેન્ટના કારણે વેડફાઈ જાય છે. આ બે છેડાને જોડવા સતત મથામણ કરવામાં આવી રહી છે

વિશ્વ અત્યારે અમીરો અને ગરીબોના બે ભાગમાં એવી રીતે વહેંચાઈ ગયું છે કે તેના વચ્ચે વ્યવસ્થિત સેતુ બાંધવામાં આવે તો મોટાભાગની સમસ્યા હલ થઈ શકે છે. અલ્પાહાર અને અત્યાહાર વચ્ચે પણ આવી જ મોટી ખાઈને પૂરવાના પ્રયાસો વર્ષોથી કરવામાં આવી રહ્યા છે, પણ આ સામસામાના ધ્રુવને ભેગા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ વિશ્વમાં કરોડો લોકો એવા છે જેની થાળીમાં એક દાણો અન્ન નથી, તો એનાથી પણ વધુ લોકો એવા છે જેની થાળીમાં બમણો ખોરાક છે અને જરૂરિયાત ન હોવા છતાં આ ખાઉધરા લોકો એ ખોરાક આરોગી શકાય એટલો આરોગે છે બાકીનો પડતો મૂકી દે છે જે કચરામાં ભળી જાય છે.

કુપોષણ અને અલ્પાહારથી પીડાતા કરોડો લોકો
વિશ્વમાં ૧૦૦ કરોડ જેટલા લોકોને પૂરતું ભોજન મળતું નથી. જેમાંથી ૫૭ કરોડ લોકો તો ભારત સહિતના એશિયન દેશોમાં રહે છે. આ સિવાય સાડા પાંચ કરોડ લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં વસવાટ કરે છે. ૨૭ કરોડ લોકો આફ્રિકન દેશોમાં રહે છે અને બાકીના વિકસિત દેશોના ૨ કરોડ લોકોને પૂરતો ખોરાક મળતો નથી. ૨૧મી સદીમાં જો વિશ્વની કુલ વસ્તીને પૂરતો ખોરાક ન મળી શકતો હોય તો એ સૌથી મોટી કમનસીબી કહેવાય, પણ એથીય મોટી કમનસીબી એ છે કે એક તરફ આવા ગરીબ લોકો છે કે જે કુપોષણનો ભોગ બની રહ્યા છે, તો એક તરફ એવો મોટો વર્ગ છે જે જરૂરિયાત કરતાં વધારે ખોરાક આરોગીને મોતને નોતરે છે. આ ઉપરાંત એવા લોકોની પણ કમી નથી કે જે પોતાની જરૂરિયાત કરતાં વધુ ખોરાક મેળવી લે છે અને પછી આ વાસી ખોરાક કશા જ કામનો રહેતો નથી. ખોરાકનો બગાડ તો થાય છે, ઉપરથી પ્રદૂષણ પણ વધે જ છે.

વિશ્વમાં કેટલો ખોરાક વેડફાય છે?
વિશ્વમાં કરોડો લોકો કુપોષણથી પીડાય છે. સામે ૪ કરોડ ટન ખોરાક દર વર્ષે વેડફાઈ જાય છે. એમાં પણ દોઢ કરોડ ટન ખોરાકનો વ્યય થાળીમાં જ થાય છે. એટલે કે પીરસેલું ધાન થાળીમાંથી સીધું કચરાટોપલીને નસીબ થાય છે. જો કે આ કશા જ કામમાં ન આવતા ખોરાકનો બગાડ રોકવામાં આવે તો કુપોષણની મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. અમેરિકા અને યુરોપિયન દેશો ખોરાકના વેડફાટના મામલે હંમેશાંથી અવ્વલ રહેતા આવ્યા છે. યુરોપિયન દેશો તેની જરૂરિયાત કરતાં ત્રણ ગણો ખોરાક બનાવે છે જ્યારે અમેરિકનો તેમના જોઈતા ખોરાક કરતાં ચાર ગણો વધુ ખોરાક બનાવે છે. જરૂરિયાત કરતાં વધુ તો આરોગે જ છે, પણ પછી વધેલો ખોરાક વાસી થયો હોવાથી કચરામાં પધરાવી દેવામાં આવે છે. બ્રિટનમાં ૪૦ ટકા ફળો બજારમાં પહોંચતા પહેલાં જ ખાવાલાયક રહેતાં નથી, કેમ કે સુપર માર્કેટનાં ગુણવત્તાનાં ધોરણો એટલાં ઊંચાં રાખવામાં આવે છે કે અમુક ફળો આ ગુણવત્તાના માપદંડોમાં ઉણા ઊતરે છે. એટલે આ તમામ ફળોને વાસી જાહેર કરીને કચરાટોપલીઓમાં પધરાવી દેવાય છે.

અન્નના બગાડથી પર્યાવરણ પર પડતી વિપરીત અસર
ખોરાકના બગાડથી અમુક ગરીબ લોકો ભૂખ્યા તો રહે જ છે પણ આ ઉપરાંતની અસર પર્યાવરણ પર પડે છે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાનાં વિવિધ કારણોમાં એક કારણ વાસી ખોરાક છે. જેને આપણે એંઠવાડ કહીએ છીએ એ વધેલો વાસી ખોરાક પર્યાવરણમાં ૧૦ ટકા પ્રદૂષણ ફેલાવે છે. જમીન પ્રદૂષિત કરવાની સાથોસાથ હવાનું પ્રદૂષણ પણ વાસી ખોરાકના કારણે વધી રહ્યું છે. ધુમાડાને કારણે સૌથી વધુ હવા પ્રદૂષિત થાય છે જ્યારે હવા પ્રદૂષણમાં ૧૫ ટકા હિસ્સો વાસી ખોરાકનો હોય છે! આ સિવાય વાસી ખોરાકનો અમુક હિસ્સો પાણીમાં વહાવી દેવાય છે એટલે પાણી પ્રદૂષિત થાય એ અલગ!

અત્યાહારથી પીડિત લોકો!
અલ્પાહારથી પીડિત લોકોની સંખ્યા જેમ ખૂબ વધુ છે તેમ અત્યાહારથી પીડિત લોકોની સંખ્યા પણ એટલી જ મોટી છે. વિશ્વમાં ૧૫ કરોડ બાળકો પર્યાપ્ત ખોરાકના અભાવે પર્યાપ્ત વજન ધરાવતાં નથી જ્યારે બીજી તરફ ૪ કરોડ બાળકો ઓવરવેઇટથી પરેશાન છે. જોવાની વાત એ છે કે જેમ ૧૦૦ કરોડ જેટલા લોકો કુપોષણથી પીડાય છે એ જ રીતે આશરે ૧૩૦ કરોડ લોકો મોટાપાની મુશ્કેલી ધરાવે છે. મોટાપાને કારણે વર્ષે ૩ લાખ લોકો મોતને ભેટે છે. એટલે કે વધુ ખોરાક ખાવાથી થતી બીમારીઓના કારણે વિશ્વમાં પ્રતિદિન ૯૦૦ લોકો કાળનો કોળિયો બની જાય છે.

શું હોય શકે આ સમસ્યાનો ઉકેલ?
ખોરાકનો સૌથી વધુ બગાડ વિકસિત દેશોમાં થાય છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશો આ બાબતે મોખરે છે. આ દેશોમાં બિનજરૂરી ખોરાક રાંધવામાં કે ખરીદવામાં આવે છે તેમાં થોડું નિયંત્રણ લાવવામાં સફળતા મળે તો એશિયન અને આફ્રિકન દેશોના ભૂખ્યા લોકોને પેટ ભરાય એટલો ખોરાક તો ચોક્કસ મળી જાય. પૂરતો ખોરાક બંને પક્ષે લેવામાં નથી આવતો. થોડા લોકો અપૂરતો ખોરાક લે છે તો બીજા કેટલાંક અતિશય વધુ પડતો ખોરાક આરોગે છે. વધારે ખોરાક લઈને મોતને નોતરતા લોકો પોતાનો ભાગ કુપોષિતોને આપે તો બંનેની જિંદગી ખુશહાલ રહી શકે તેમ છે.

જેવો અમારો દેખાવ એવું જ અમારું કામ!
અમુક ફળોના દેખાવ ઉપરથી તે તેના જેવા દેખાતા શરીરના કયા અંગ માટે ફાયદાકારક થઈ શકે છે તે નક્કી કરી શકાય છે. ફૂડ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે કે જે ફ્રૂટ કે વનસ્પતિ માનવશરીરના જે અંગ જેવી દેખાય છે તેના પોષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.


* અખરોટને બ્રેઇન ફૂડ કહેવામાં આવે છે. અખરોટનો દેખાવ મનુષ્યના મસ્તિષ્કને મળતો આવે છે.

* આદું અને જઠરનો દેખાવ ઘણા ખરા અંશે સરખો જણાશે. આદુંનું સેવન ઉદર માટે ફાયદાકારક છે.

* હાર્ટને સુરક્ષિત રાખવા માટે ટામેટાંનો આહાર લેવાથી ફાયદો થતો હોવાનું ફૂડ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે. ટામેટાંને સમાર્યા પછી તેના અને હાર્ટના આકારમાં કંઈ સામ્યતા ન જણાઈ આવે તો જ નવાઈ!

* ગાજર અને આંખ વચ્ચે દેખાવનું અજબ સામ્ય છે. ગાજરને સમાર્યા પછી તેનો દેખાવ આંખની કીકીને મળતો આવે છે. ગાજરમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ હોવાથી આંખને સતેજ રાખવ માટે ગાજરનું સેવન હિતાવહ છે.
Wednesday 17 October 2012
Posted by Harsh Meswania

ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે અને આઝાદી બાદ ભારત માટે કટોકટીની પળોએ મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ઈન્ડિયન એરફોર્સે જરૂર પડયે સંયુક્ત રાષ્ટ્રનાં અભિયાનોમાં પણ ભાગ લીધો છે. ભારતીય વાયુસેનાની ગણના અત્યારે વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી હવાઈ તાકાત તરીકે થાય છે ત્યારે ઈન્ડિયન એરફોર્સની અહીં સુધીની સફર પર વિહંગાવલોકન.

આઝાદી પૂર્વેની રોયલ ભારતીય વાયુસેના

૧૯૩૨ 
૮મી ઓક્ટોબરે બ્રિટનના શાસનમાં બ્રિટિશની રોયલ એરફોર્સની સહાયક ટુકડી તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. રોયલ એરફોર્સની પેટા સંસ્થા તરીકે ભારતીય એરફોર્સે તેમનો ડ્રેસ અને પ્રતીક અપનાવી લીધાં. ભારતીય વાયુસેનાની પહેલી સ્કવોર્ડનમાં ચાર વેસ્ટલેન્ડ વાપિટી લડાકુ વિમાન અને પાંચ પાઇલટ હતાં. આ ટીમને ફાઈટ લેફ્ટનન્ટ સેસિલ બાઉશરે નેતૃત્વ પૂરું પાડયું હતું. ૧૯૪૧ સુધી વાયુસેના પાસે આ એકમાત્ર સ્કવોર્ડન હતી અને એમાં જ બે વિમાનો વધુ ફાળવી દેવાયાં હતાં.

૧૯૪૩
ભારતીય વાયુસેનાએ આ વર્ષે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. હવે વાયુસેના પાસે સ્કવોર્ડનની સંખ્યા વધીને સાત થઈ ગઈ હતી. ૧૯૪૫નું વર્ષ આવતાં આવતાં તો વધુ બેનો ઉમેરો થઈને કુલ સંખ્યા નવની થઈ ગઈ, જેમાં ઉપરથી બોમ્બમારો કરી શકવા સક્ષમ વલ્ટી વેન્જેન્સ અને હરિકેન સહિત એટલાન્ટ અને ઓડક્ષ જેવાં તે સમયનાં પાવરફુલ વિમાનોનો પણ સમાવેશ થતો હતો.

૧૯૪૫
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાએ રોયલ એરફોર્સની સહાયક ટીમ તરીકે મહત્ત્વની કામગીરી નિભાવી, ભારતીય વાયુસેનાએ બર્મા (મ્યાનમાર) તરફ આગળ વધી રહેલી જાપાનની સેનાને આગળ વધતી અટકાવવામાં સારી એવી કામગીરી કરી હતી. જેની નોંધ લઈને રાજા જ્યોર્જ છઠ્ઠાએ ભારતીય વાયુસેનાને 'રોયલ'ની ઉપાધિ આપીને સન્માનિત કરી.

૧૯૪૭ 
બ્રિટનના તાબા હેઠળથી ભારતને આઝાદી મળી પણ અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે દેશની અન્ય સંપત્તિની જેમ વાયુ સેનાને પણ બે ભાગમાં વહેંચવામાં આવી. કુલ ૧૦ ઓપરેશન સ્કવોર્ડનમાંથી ૩ સ્કવોર્ડન અને રોયલ ભારતીય વાયુસેનાનાં પાકિસ્તાનસ્થિત મથકો પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રોયલ ભારતીય વાયુસેનાના બીજા ભાગને રોયલ પાકિસ્તાન એરફોર્સ એવું નામ આપવામાં આવ્યું. રોયલ ભારતીય એરફોર્સમાં એક ફેરફાર એ કરવામાં આવ્યો કે બ્રિટન એરફોર્સમાં વપરાતા ચક્રને બદલે એ સ્થાન અશોકચક્રને આપવામાં આવ્યું.

૧૯૪૮
ભાગલા પછી તરત જ બંને દેશ વચ્ચે સરહદને લઈને અને ખાસ કરીને જમ્મુ-કશ્મીરના અમુક ભાગને લઈને ઘર્ષણ થયું. કશ્મીરના મહારાજાએ ભારતમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો એટલે પાકિસ્તાનની સેના કશ્મીરની સરહદ તરફ આગળ વધવા લાગી. મહારાજાએ ભારતીય સૈન્યની મદદ મેળવી. ભારતીય સૈન્યને સરહદ પર ઉતારવાનું કામ ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક કર્યું. ભારત-પાકિસ્તાનના આ ઘર્ષણમાં બંને દેશની વાયુસેનાએ સામસામે લડાઈ કરવાની ન હતી, છતાં ભારતીય સેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સનો મહત્ત્વનો સહકાર સાંપડયો હતો.

૧૯૫૦
ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટનની ઓળખ એવો 'રોયલ' શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એ સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજને સ્થાન આપવામાં આવ્યું. વળી, ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાંથી 'નભઃ સ્પૃશં દિપ્તમ્' વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો.

૧૯૬૧
ભારતીય સરકારે પોર્ટુગીઝોને દીવ, દમણ અને ગોવાથી ખદેડવાનો નિર્ણય કરીને લાલ આંખ કરી. ઓપરેશન વિજય અંતર્ગત વાયુસેનાને ભારતીય લશ્કરને સહાય કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે કૈનબરા બોમ્બર્સે ડાબોલિમ હવાઈપટ્ટી પર બોમ્બમારો કર્યો. બીજી તરફ મૈસ્ટર્સ વિમાનોએ દમણમાં પોર્ટુગીઝ સૈન્ય પર હુમલો કરીને તેની કમર તોડી નાંખી. બાકીનું કામ તુફાનીઝ વિમાને દીવના રનવે પર હુમલો કરીને પૂરૂં કર્યું.

૧૯૬૨
ઓક્ટોબર માસમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભારત તરફથી યુદ્ધની યોગ્ય રણનીતિ ઘડી ન શકાઈ એટલે ધારી સફળતા મળી શકી નહીં. જોકે, ૨૦ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ભારતીય વાયુ સેનાએ દબાણ હેઠળ વિષમ પર્વતીય પ્રદેશોમાં પહોંચીને ભારતીય લશ્કરને પુરવઠો પૂરો પાડયો હતો. તેમ છતાં વાયુસેનાનો ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરવામાં ભારતને સફળતા ન મળી પરિણામે ચીનના સૈન્ય સામે ભારતની પીછેહઠ થઈ.

૧૯૬૫
ચીન સામેના યુદ્ધમાંથી ધડો લઈને આ વખતે પાકિસ્તાન સામે કશ્મીરના મુદ્દે છેડાયેલા જંગમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરીને ભારતે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરી દીધો. વાયુસેનાએ મૈસ્ટર્સ, કૈનબરા, હંટર, નૈટ અને એફ.બી.એમ.કે-૫૨ની મદદથી પાકિસ્તાનની છાવણીમાં સોપો પાડી દીધો. ભારત પાસે અમુક યુદ્ધ વિમાનો બીજા વિશ્વયુદ્ધ પહેલાંનાં હોવા છતાં પાકિસ્તાનનાં અત્યાધુનિક ફાઈટર વિમાનો પર ભારત ભારે પડયું. વાયુસેનાએ પહેલી વખત દુશ્મનોનાં ફાઈટર વિમાનો સાથે સીધી લડત કરી અને ધારી સફળતા પણ મેળવી.

૧૯૭૧
૨૨ નવેમ્બર, ૧૯૭૧ના દિવસે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને ફરીથી ભારતીય વાયુસેનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૬૫ના યુદ્ધ પછી ભારતીય વાયુસેના વધુ સજ્જ અને સમૃદ્ધ બનાવાઈ હોવાનો ફાયદો પણ મળ્યો. હવે એરફોર્સ પાસે રશિયન બનાવટના મિગ-૨૧ અને સુખોઈ સૂ-૭ જેવાં તેજ રફતારવાળાં યુદ્ધ વિમાનો પણ હતાં જે આ યુદ્ધમાં મહત્ત્વનાં સાબિત થયાં. આ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં ૫૪ યુદ્ધવિમાનો સહિત કુલ ૯૪ વિમાનોનો ખાતમો બોલાવ્યો હતો.

૧૯૮૪
૧૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સિયાચીન માટે ભારતે ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ ઓપરેશનમાં વાયુસેનાએ સિયાચીનના મુશ્કેલ પ્રદેશમાં સૈનિકોને ઉતારવાની જવાબદારી ઉપાડી હતી. મીગ-૮, ચેતક અને ચિત્તા હેલિકોપ્ટર્સની મદદથી વાયુસેનાએ ઊંચા, વિષમ અને ઠંડા પ્રદેશમાં ગણના પામતા સિયાચીનમાં સૈનિકોને તેમના જરૂરી શસ્ત્રસરંજામ સાથે પહોંચાડયાં હતાં. આ અભિયાનથી સિયાચીનના ભાગો પર ભારતે ફરીથી પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું અને આ કામમાં એરફોર્સની ભૂમિકા યશસ્વી રહી હતી.

૧૯૯૯
૧૧ મે, ૧૯૯૯માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધનાં મંડાણ થયાં. ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ભારતીય વાયુ સેનાએ મીગ-૨૭, મીગ-૨૧, મીગ-૨૯ જેવાં શક્તિશાળી લડાકુ વિમાનોની મદદથી પાકિસ્તાનની સેના પર ભીંસ વધારી દીધી. વાયુ સેનાની પ્રશંસનીય કામગીરીથી ભારતીય સૈન્યએ પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલી ચોકીઓ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર વિશ્વને શક્તિશાળી ભારતનો પરચો આ યુદ્ધથી મળ્યો.

૨૦૧૨
૧૯૩૨થી અત્યાર સુધીનાં ૮૦ વર્ષના સમયગાળામાં ભારતીય વાયુ સેનાએ વિવિધ દેશો દ્વારા બનાવાયેલાં ૭૩ પ્રકારનાં વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવી છે. ઈન્ડિયન એરફોર્સે પ્લેટિનમ જયંતી વખતે ૨૦૦૬માં જાહેર કરેલા આંકડા પ્રમાણે વાયુસેના પાસે આશરે ૧૩૬૦ લડાકુ વિમાનો છે અને દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે. ૫૦૦ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારો કરી રહ્યાં છે. આટલી તાકાત જ વાયુ સેનાને વિશ્વના ચોથા નંબરની સૌથી શક્તિશાળી વાયુસેના હોવાનું ગૌરવ અપાવે છે.    
Wednesday 10 October 2012
Posted by Harsh Meswania

ગૂગલ એક, ડૂડલ્સ હજાર!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગૂગલે ગઈ ૨૭મી સપ્ટેમ્બરે હોમપેજ પર ચોકલેટ કેક અને ૧૪ મીણબત્તીના લોગાવાળું ડૂડલ મૂકીને પોતાની ૧૪મી વર્ષગાંઠ મનાવી હતી. અલગ અલગ ડૂડલ્સ હોમ પેજ પર સેટ કરવાની ગૂગલની આગવી ઓળખ છે. મોટાભાગની કંપનીઓ પોતાની કંપનીના લોગોની ડિઝાઈન ન બદલીને સાતત્ય જાળવી રાખે છે જ્યારે એનાથી ઊલટું ગૂગલે પોતાનો લોગો સતત બદલવાનું સાતત્ય છેલ્લાં ૧૨ વર્ષથી જાળવી રાખ્યું છે!

શરૂઆતથી આજ સુધીનાં ૧૪ વર્ષોમાં ગૂગલે ખાસ પ્રસંગોએ પોતાના લોગોમાં અસંખ્ય વખત ફેરફાર કર્યો છે અને યુઝર્સે તેને સ્વીકાર્યો પણ છે. કોઈ મહાન હસ્તીના જન્મદિન કે નિર્વાણદિન વખતે અથવા તો કોઈ તહેવાર વખતે જાણીતું સર્ચ એન્જિન ગૂગલ એને અનુરૂપ લોગો એટલે કે ડૂડલ બનાવે છે. આવા ડૂડલ્સ હવે તો એટલા લોકપ્રિય બન્યા છે કે મોટાભાગના યૂઝર્સ ગૂગલના નવા ડૂડલ્સની રાહ જોતા હોય છે. ગૂગલ પણ દરેક વખતે કશુંક નવું લઈ આવીને અપેક્ષા પૂરી કરે છે. ગૂગલના ડૂડલ્સ જેટલા રસપ્રદ હોય છે એટલી જ રસપ્રદ ગૂગલ ડૂડલ્સની અન્ય બાબતો પણ છે. ગૂગલના મોટા ભાગના ડૂડલ્સ લોકોને ખૂબ જ પસંદ પડી જાય છે. તો અમુક વાર એવું પણ બન્યું છે કે ગૂગલના ડૂડલર્સ ડૂડલ્સમાં જે તે ઈવેન્ટને અસરકારક રીતે રજૂ કરી શક્યા ન હોવાની યૂઝર્સની ફરિયાદ પણ ઊઠી છે.

કઈ રીતે થઈ ગૂગલ ડૂડલ્સની શરૂઆત?
વાત ૧૯૯૮ની છે, જ્યારે ગૂગલનો લિબાસ હજુ કોર્પોરેટ નહોતો થયો. કંપનીના સ્થાપકો લેરી પેજ અને સેર્ગી બ્રીન ગૂગલને કોર્પોરેટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ અરસામાં બંનેને એક ફેસ્ટિવલમાં નેવેડા ડેઝર્ટ ખાતે જવાનું થયું. ત્યાંના એક કાર્યક્રમમાં 'Word'ના સ્પેલિંગમાં ‘o’ની ડિઝાઈને બંનેનું ધ્યાન ખેંચ્યું. બંનેએ આવો પ્રયોગ 'Google'ના ‘o’માં કરવાનું વિચાર્યું. એ જ સમયમાં કંપનીએ કોર્પોરેટ વાઘા પહેર્યા અને આ બંનેએ ગૂગલના લોગોમાં પોતાને ગમતો પ્રયોગ કર્યો. ગૂગલે પોતાના પરંપરાગત લોગોને બદલે ર્બિંનગ મેન ફેસ્ટિવલનો લોગો ગૂગલના હોમપેજ પર મૂકીને સૌ પ્રથમ વખત પ્રયોગ કર્યો હતો. જોકે, ગૂગલના લોગોમાં માત્ર બીજા 'ર્'માં જ ફેરફાર કરવામાં આવ્યો હતો. બાકીનું બધું જ જેમનું તેમ રહેવા દેવાયું હતું. ગૂગલે કરેલો આ ફેરફાર બહુ ઓછા લોકોના ધ્યાને ચડયો, પણ કંપનીના સ્થાપકોએ થોડા થોડા સમયે આવા પ્રયોગો શરૂ રાખ્યા. ધીરે ધીરે નવા ડૂડલ્સને સફળતા મળવા લાગી. પહેલી વાર ગૂગલ ડૂડલની નોંધ ૨૦૦૦ના વર્ષમાં લેવાઈ હતી. બસ્ટિલ ડેની ઉજવણી વખતે ગૂગલે ક્રિએટ કરેલું ડૂડલ ખૂબ જ લોકપ્રિય થયું હતું. ત્યાર પછી કંપનીએ નિયમિત રીતે હોમ પેજ પર ડૂડલ્સ મૂકવાનું શરૂ કર્યું. બસ્ટિલ ડેનું ડૂડલ બનાવનારા વેબમાસ્ટરને પછીથી ગૂગલે ડૂડલ્સ ક્રિએટ કરવા માટે રોકી લીધા.

કોણ ક્રિએટ કરે છે ડૂડલ્સ?
૨૦૦૦ના વર્ષ સુધી ડૂડલ્સ ઓછા બનાવવા પડતા હોવાથી મોટા ભાગે અલગ અલગ ડિઝાઈનર્સ પાસેથી ફ્રિલાન્સ કામ લેવામાં આવતું હતું. મોટા ભાગે બસ્ટિલ ડેના સેલિબ્રેશન વખતે જેમણે ડિઝાઈન બનાવી હતી તે વેબમાસ્ટર ડેનિસ હવાંગના ભાગે જ ડૂડલ્સ ક્રિએટ કરવાનું કામ આવવા લાગ્યું. કંપનીએ તેની વધુ સંગીન સેવા લેવાનું વિચાર્યું અને એ જ વર્ષે તેઓને ગૂગલના સત્તાવાર ચીફ ડૂડલર તરીકે નિમણૂક આપવામાં આવી. આજે પણ ડેનિસ ડૂડલ્સ ક્રિએટ કરનારી ટીમના ચીફ ઓફિસર તરીકેની જવાબદારી નીભાવી રહ્યા છે. જોકે, ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં ફરક એ આવ્યો છે કે હવે ડેનિસ પાસે ડૂડલર્સની આખી ટીમ હાજર છે. આ સિવાય અવારનવાર ગેસ્ટ આર્ટિસ્ટની સેવાઓ પણ ડૂડલ્સ માટે લેવામાં આવે છે. દુનિયાભરના આર્ટિસ્ટ પાસેથી ડૂડલ્સનું કામ કરાવી શકવાની મોકળાશ પણ ડેનિસને આપવામાં આવી છે અને એના પરિણામ સ્વરૂપે આપણને ગૂગલના હોમપેજ પર અવનવા ક્રિએટિવ ડૂડલ્સ જોવા મળી રહ્યા છે.

વિષય કઈ રીતે પસંદ થાય છે?
આપણે ક્યારેય વિચારી શકતા નથી કે આગામી ડૂડલ્સ કેવું હશે, કેમ કે વિષય પસંદ કરવાનું કામ ડૂડલ્સ ટીમ કરે છે. આ માટે મહત્ત્વના સેલિબ્રેશનને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ગ્રેટ સાયન્ટિસ્ટ, આર્ટિસ્ટ, મ્યુઝિશ્યન, ફિલોસોફર વગેરેના જન્મદિન વખતે તેમના પ્રદાનને એક લોગોમાં સમાવીને સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. વિશ્વમાં કોઈ મહત્ત્વની ઘટના બની રહી હોય તો પણ તેનું ડૂડલ્સ બનાવવામાં આવે છે. જેમ કે, લંડન ઑલિમ્પિક્સ ગેઇમ્સ વેળાએ વિવિધ રમતોના આધારે ગૂગલે ક્રિએટિવ ડૂડલ્સ બનાવ્યા હતા. આ માટે ડૂડલ્સની ટીમ દિવસો અગાઉ તૈયારી કરતી હોય છે. ટીમ મહત્ત્વની ઘટનાઓ પર ચર્ચા કર્યા પછી નક્કી કરે છે કે કઈ ઈવેન્ટને ડૂડલ સાથે સેલિબ્રેટ કરવાથી સારો પ્રતિસાદ મેળવી શકાશે. ડૂડલ્સ આર્ટિસ્ટ સામે ડૂડલ્સ ચીફ ઓફિસર ડેનિસ હવાંગની પ્રથમ શરત એ હોય છે કે જે તે ઈવેન્ટને લગતો લોગો યૂઝર્સને તરત જ ક્લિક થઈ શકે એવો સરળ બની શકવો જોઈએ. કઈ મોટી ઈવેન્ટ કયા માસમાં આવે છે તેના આગોતરા આયોજનના આધારે ટીમને લોગો ક્રિએટ કરવાનું કામ સોંપવામાં આવે છે. ગૂગલને યૂઝર્સ તરફથી વર્ષે અસંખ્ય સૂચનો પણ મળે છે. ગૂગલ આ સૂચનો પરથી પણ ક્યારેક વિષય નક્કી કરે છે. વિષય મળ્યા પછી તેની રજૂઆતની કળા પર જ ડૂડલ્સની સફળતાનો આધાર રહેલો હોય છે.

અત્યાર સુધીમાં કેટલા ડૂડલ્સે ગૂગલના હોમપેજ પર સ્થાન મેળવ્યું છે?
ગૂગલના હોમપેજ પર અત્યાર સુધીમાં આશરે ૧૦૦૦ જેટલા વૈવિધ્યસભર ડૂડલ્સે સ્થાન મેળવ્યું છે. આમાંથી અમુક ડૂડલ્સ વિશ્વભરમાં ગૂગલના હોમપેજ પર દેખાયા છે તો અમુક માત્ર જે તે દેશ પૂરતા જોવા મળ્યા છે. જે તે દેશની મોટી ઈવેન્ટ વખતે જો એ ઈવેન્ટ સમગ્ર દુનિયાના યૂઝર્સને રસ પડે એવી હોય તો ગૂગલ તેના ડૂડલ્સને એ રીતે આખા વિશ્વમાં હોમપેજ પર સ્થાન આપે છે. નહીંતર જે તે દેશના હોમપેજ પર જ ગૂગલનો લોગો બદલવામાં આવે છે. શરૂઆતમાં ડૂડલ્સ લાંબા ગાળે બદલાતા હતા જ્યારે છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેની સંખ્યામાં વધારો થયો છે. જેમ કે, ૨૦૧૦માં ગૂગલે ૨૫૮ ડૂડલ્સ હોમપેજ પર સેટ કર્યા હતા. તો ૨૦૧૧માં આ આંકડો ૨૬૦ સુધી પહોંચ્યો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૧ ડૂડલ્સે ગૂગલના હોમપેજ પર સ્થાન મેળવ્યું છે.

લોકપ્રિય ગૂગલ ડૂડલ્સ
જર્મન ફિઝિશ્યન હેન્રિક રૂડોલ્ફ હેટ્સના ૧૫૫મા જન્મદિવસે ઈલેક્ટ્રિક મેગ્નેટિક વેવ્સનું ડૂડલ્સ બનાવ્યું હતું, જે ખૂબ લોકપ્રિય થયું હતું. ગૂગલના લોગોમાં વપરાતા કલર્સનો ઉપયોગ કરીને સરસ ડૂડલ ક્રિએટ કરાયું હતું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલન ટયુરિંગના ૧૦૦મા જન્મદિને આકર્ષક ટયુરિંગ મશીનનું ડૂડલ બનાવાયું હતું અને ડૂડલમાં ક્લિક કરતાંની સાથે જ યૂઝર્સ પઝલ પણ રમી શકે એવી વ્યવસ્થા કરી હતી. આ ડૂડલને વિશ્વભરના ગૂગલ યૂઝર્સે વખાણ્યું હતું. ઝીપના શોધક ગણાતા જિડીઓન સન્ડબેકના ૧૩૨મા જન્મદિવસે ઝીપ ડૂડલ ક્રિએટ કરાયું હતું. સેન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટનાં ૭૫ વર્ષ પૂરાં થયાં ત્યારે ગૂગલે હોમપેજ પર સસ્પેન્શન બ્રિજને ડૂડલમાં આવરી લેવાયો હતો. આ ઉપરાંત બ્રિટનની પાંચ અજાયબીઓ, એપોલો ૧૧ યાન, બીગ બેન, ચીનની દીવાલ વગેરેને ડૂડલ્સમાં સ્થાન મળી ચૂક્યું છે. એટલે કે વિશ્વની મહત્ત્વની ઘટના અને એને લગતું ગૂગલનું ક્રિએશન જ્યારે એક સાથે ભેગા થાય છે ત્યારે યૂઝર્સને અલગ અલગ ડૂડલ્સ જોવા મળે છે.

લોકોને તરત ક્લિક ન થયેલા ડૂડલ્સ
ઘણી વખત એવું પણ બન્યું છે કે ગૂગલના ડૂડલ્સ લોકોની સમજ બહારના રહ્યા છે. અમુક વખત એવી ફરિયાદ ઊઠી છે કે આમાં ક્યાં ગૂગલ દેખાય છે?!

આવું જ એક ડૂડલ એટલે ૨૦૦૭ના વેલેન્ટાઈન ડેના દિવસે ગૂગલના હોમપેજ પર જોવા મળેલું ડૂડલ. આ ડૂડલમાં લોકોને ક્યાંય 'L' ન દેખાયો! વ્યાપક ફરિયાદ ઊઠયા પછી ગૂગલે સત્તાવાર ખુલાસો કર્યો કે 'G'ની સાથે જ 'L' જોડાયેલો હતો.
                                                      
 બ્રેઈલ ડૂડલ


આ જ રીતે બ્રેઈલ લીપીના શોધક લુઈસ બ્રેઈનની જન્મજયંતી વખતે ૨૦૦૬માં ગૂગલે બ્રેઈલ ડૂડલ ક્રિએટ કર્યું હતું. જેમાં ક્યાંય ગૂગલનો લોગો હતો જ નહીં એવી ફરિયાદ વિશ્વભરના યૂઝર્સે કરી હતી.

તમે ડિઝાઇનર છો? તો તમે પણ ગૂગલ માટે તૈયાર કરી શકો છો ડૂડલ્સ!
ઉભરતા ડિઝાઇનર્સ અને આર્ટિસ્ટને પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી ગૂગલે 'ડૂડલ ફોર ગૂગલ' હરીફાઈનો પ્રારંભ કર્યો છે. શરૂઆત બ્રિટન અને અમેરિકાથી કરવામાં આવી હતી. ત્યાર પછી ભારત સહિતના દેશોમાં પણ ગૂગલ માટે ડૂડલ બનાવવાની હોડ જામે છે. ભારતમાં આ સ્પર્ધા ૨૦૦૯માં શરૂ કરવામાં આવી હતી. પ્રથમ સ્પર્ધામાં વિજેતા થનારા પુરુ પ્રતાપસિંહનું ડૂડલ ભારતમાં ૧૪મી નવેમ્બર, ૨૦૦૯ના દિવસે ગૂગલે હોમપેજ પર સેટ કર્યું હતું. 'ડૂડલ ફોર ગૂગલ'ની સ્પર્ધામાં વિજેતા થનારા આર્ટિસ્ટનું ડૂડલ ૨૪ કલાક માટે જે તે દેશના ગૂગલના હોમપેજ પર મૂકવામાં આવે છે. તો વળી ઘણી વખત અમુક ડૂડલ એટલું સરસ હોય તો તેને ગૂગલ પોતાના દુનિયાભરના હોમપેજ પર સ્થાન આપે છે. જેમ કે, બ્રિટનમાં ૨૦૦૬માં યોજાયેલી સ્પર્ધામાં કેથરિન ક્રિશ્નલ નામની ૧૩ વર્ષની છોકરીએ માય બ્રિટન નામનું ડૂડલ ક્રિએટ કર્યું હતું. જેમાં બ્રિટનની પાંચ અજાયબીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ડૂડલને વિશ્વભરમાં ગૂગલના પોતાના હોમપેજ પર સ્થાન મળ્યું હતું. આજ સુધીમાં મોસ્ટ પોપ્યુલર ડૂડલ્સમાં પણ માય બ્રિટન ડૂડલને સ્થાન મળે છે.

 પુરુ પ્રતાપસિંહનું ડૂડલ 
Wednesday 3 October 2012
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -