Archive for 2014

ડિમાન્ડ, ડોમેન્સ અને ડીલ : ડોટની દુનિયાનો દિલકશ વ્યવસાય!


ડોમેન્સની ડિમાન્ડ પારખીને જેણે શરૃઆતી ડીલ કરી એ આ બિઝનેસમાંથી કરોડો કમાયા. હવે મનગમતા ડોમેન્સ મેળવવાનું અઘરું બન્યું છે એટલે આજે ય પસંદીદા ડોમેન્સનો સરખો દામ લગાવતા આવડે તો કરોડોમાં આળોટી શકાય છે. ઈન્ટરનેટના વ્યાપની સાથે સાથે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફો જેવા જાણીતા ટોપ લેવલ ડોમેનની (વેબ એડ્રેસના નામની પાછળ ઉમેરાતું પૂછડું!) જગ્યાએ નવા ટોપ લેવલ ડોમેન્સની જરૃરીયાત ઉભી થઈ છે, પરિણામે આવતા વર્ષના અંત સુધીમાં બીજા ૬૦૦ ટોપ લેવલ ડોમેન્સ લોંચ થઈ જશે
આજે આપણે આંગળીના ટેરવા કી-બોર્ડ ઉપર ટેકવીને જોઈતી માહિતી સર્ચ કરવા માટે વિભિન્ન વેબ એડ્રેસ ટાઇપ કરી નાખીએ છીએ ત્યારે ક્યારેક વિચાર ઝબકી નથી જતો કે વિશ્વનું સૌ પ્રથમ નોંધાયેલું વેબ એડ્રેસ કયુ હતું? ઈન્ટરનેટની વ્યાપક ગૂંથણી હજુ તેના પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે ૧૫ માર્ચ, ૧૯૮૫ના એક દિવસે વિશ્વનું સૌ પ્રથમ ડોમેન મફતમાં નોંધાઈ ગયું હતું. જે પછીથી ડોમેનની દુનિયામાં સિમ્બોલિક રહેવાનું હતું અને કદાચ એટલે જ તેનું નામ પણ હતું-સિમ્બોલિક ડોટ કોમ. સિમ્બોલિક ડોટ કોમથી શરૃ થયેલી સફર આજે ૧૫ કરોડ ડોમેન્સ સુધી પહોંચી છે અને હજુયે એ સતત આગળ વધે છે.
જોકે, શરૃઆતના એક દશકા સુધી ઈન્ટરનેટ ડોમેન્સ ઉપર સીધો કોઈનો અંકુશ નહોતો અને વળી એ આવતા વર્ષોનું સૌથી મહત્વનું પરિબળ બનશે એવી સમજ પણ વિકસી નહોતી એટલે ડોમેનની નોંધણી મફત થતી હતી. જેમ ઈમેઇલ આઈડી મફત ક્રિએટ કરી શકાય છે એમ જ સ્તો! એટલે ત્યારે જે ફાવી ગયા એ બધા રોકડી કરી શક્યા.
સતત એક દશકાથી આ આખી પ્રક્રિયા ઉપર નજર રાખતી ૧૯૭૯માં સ્થપાયેલી અમેરિકન કંપની નેટવર્ક સોલ્યુશન્સને એમાં રસ પડયો. કંપનીને ડોમેન્સમાં કરોડોનો બિઝનેસ દેખાતો હતો જ્યારે બાકીના લોકોને કંપનીના અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગયાનું જણાતું હતું. ડોમેનના નામમાં તો વળી શું બિઝનેસ કરવાનો? બિઝનેસ કરવો હોય તો હાર્ડવેર અને સોફ્ટવેરનો કરવો જોઈએ એવી સલાહ પણ ઘણાએ કંપનીને આપી. પરંતુ નેટવર્ક સોલ્યુશન્સે દીર્ધ દૃષ્ટિ વાપરીને ડોમેન પર નજર રાખવા નવી નવી બનેલી સંસ્થા ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) સામે ડોમેન વેંચવાનો પરવાનો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો. સંસ્થાએ કશું ગુમાવવાનું હતું નહીં અને વળી આ તો લક્ષ્મી સામેથી ચાલ્લો કરવા આવી હતી. પ્રસ્તાવને તરત મંજુરી મળી ગઈ. કંપનીએ શરૃઆતમાં એક રૃપિયાનો બિઝનેસ પણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું ન હતું. જેટલા બને એટલા નવા નવા નામના ડોમેન્સ નોંધીને કમ્પ્યુટરના પટારામાં પૂરી દીધા!
કંપનીએ બિઝનેસ કરી લીધો હતો અને નફો રળવાનો જ ખાલી બાકી હતો. બહુ જ ઓછા સમયમાં નફાની તક પણ મળી ગઈ. ૧૯૯૮ પછી જ્યારે વેબસાઇટ્સ માટે ડોમેનની જરૃરીયાત મોટા પાયે ઉદ્ભવી ત્યારે એ એક માત્ર કંપની હતી કે જેની પાસે આઈસીએએનએન દ્વારા ડોમેન ફાળવણી અને નોંધણીના હકો હતા. મોનોપોલીના એ સમયમાં કંપનીએ બરાબર નફો રળ્યો. નફો નામની નોંધણીમાં નહોતો, પણ અગાઉ નોંધી રાખેલા નામો બે વર્ષથી લઈને પાંચ વર્ષના પટ્ટે ભાડે આપવામાં હતો. મજબૂત પોલિસીના ગઠનનો હજુ અભાવ હતો ત્યારે નેટવર્ક સોલ્યુશન્સે બરાબર નેટવર્ક બિછાવી દીધુ હતું. આઈસીએએનએન દ્વારા ૧૯૯૯માં બીજી પાંચ કંપનીઓને માન્યતા આપીને નેટવર્ક સોલ્યુશન્સની મોનોપોલી તોડી નાખવામાં આવી અને એ સાથે ડોમેન્સનું માર્કેટ ઓપન થઈ ગયું, પણ પેલી કંપનીએ પટારામાં પૂરી રાખેલો ખજાનો એટલો બધો મોટો હતો કે આવનારા દોઢ દશકા સુધી એને હંફાવી શકાય એવી ક્ષમતા ખૂદ આઈસીએએનએન પાસે પણ નહોતી. શું કામ? કારણ કે, એ કંપની પાસે ૬૪ લાખ ડોમેન્સનો જથ્થો હતો. આજેય એ કંપની સૌથી વધુ ડોમેન્સ ધરાવતી વિશ્વની એક માત્ર કંપની છે.
ડોમેન્સ નામ અને તેની ડિમાન્ડના કારણે આ એક જ કંપની કરોડો કમાઈ છે એવું ય નથી. માઇક મેન જેવા ડોમેન કિંગથી લઈને મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન જોન શુલ્ટ્સ સુધી ઘણાએ નામ અને દામ બંને મેળવ્યા છે. ડોટથી જોડાતી આ દુનિયા ઘણી રીતે અલગ છે અને રોચક પણ છે. મોનોપોલી તૂટી હોવા છતાં ઘણી રીતે મોનોપોલી હજુય બરકરાર પણ છે. એક તરફ સાવ પાણીના ભાવે વેબ ડોમેન્સ નોંધાવી શકાય છે તો બીજી તરફ કરોડો રૃપિયા ચૂકવીને પણ અમુક ડોમેન્સ ખરીદી શકાય તેમ નથી. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ, લોકલહોસ્ટ ડોટ કોમ, ઈનવેલિડ ડોટ કોમ, એક્ઝામપલ ડોટ કોમ... યુઝર્સ ટેસ્ટ માટે એનો ઉપયોગ કરી શકે એટલે આઈસીએએનએન દ્વારા વિશેષ કાયદો બનાવીને તેને રિઝર્વ કરવામાં આવ્યા છે.
વળી, ત્રણ કેરેક્ટર ડોટ ડોમેન (જેમ કે xyz ડોટ કોમ પ્રકારના) ૧૯૯૭માં જ બધા રજિસ્ટર થઈ ચૂક્યાં હતાં. અત્યારે ૫૦,૦૦૦ ડોમેન ત્રણ કેરેક્ટર્સથી નોંધાયેલા છે, પરંતુ હવે જો આવું ડોમેન મેળવવું હોય તો જેને વેંચવું છે એની પાસેથી ખરીદીને જ મેળવી શકાય છે. એ જ રીતે A ડોટ કોમ એટલું બધુ લોકપ્રિય બન્યું હતું કે એની છેક ૬૩ A સુધીની સીરિઝ નોંધાઈ ગઈ છે. ૬૩થી વધુ કેરેક્ટર્સ યુઆરએલની મર્યાદાના શક્ય નથી, નહીંતર તો આ આંકડો ક્યાં જઈને અટક્યો હોત! આ બધા મોનોપોલીની કેટેગરીમાં આવે છે. આમાંથી કોઈ એક પણ ડોમેન જોઈતું હોય તો એ માટે વર્ષો સુધી હરાજીઓમાં નજર રાખવી પડે અને એ પછી પણ કરોડો રૃપિયા ચૂકવ્યા વગર તેના ઉપર માલિકી હક ભોગવી શકાય તેમ નથી.
વિભિન્ન દેશોના ટોપ લેવલ ડોમેન્સ (ભારતમાં જેમ ડોટ ઈન અથવા તો ડોટ કો ડોટ ઈન છે એમ દરેક દેશને પોતાના અલાયદા ડોમેન બે દાયકા પહેલા જ ફાળવાયા છે)ની બાબત પણ એટલી જ રસપ્રદ છે. સોવિયેટ યુનિયન ૧૯૯૧ પહેલાના નકશા સિવાય માત્ર વેબ ડોમેનમાં ઉપલબ્ધ છે. સોવિયેટ યુનિયનું ડોમેન (.su) રશિયાના વિઘટન પછી આજે ય એટલું જ લોકપ્રિય છે. એક લાખ વીસ હજાર વેબસાઇટ અત્યારે ડોટ એસયુ ડોમેનથી નોંધાયેલી થયેલી છે, વપરાશમાં છે અને આ આંકડો હજુ પણ સતત વધતો જાય છે. મજાની વાત એ છે કે અત્યારે આઈસીએએનએનના લિસ્ટમાં એસયુને કોઈ પણ દેશ માટે ફાળવવામાં આવ્યું નથી. છતાં વિભાજિત રશિયા આ એક બાબતથી જોડાયેલું રહ્યું છે.
ક્યા દેશનું એક્ટેન્સન ડોમેન સૌથી મોંઘું હશે એવા સવાલનો જવાબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ રશિયા, ચીન જાપાન કે ભારત નથી, પણ સાચો જવાબ છે નાઇજિરિયા. તેના એક્ટેન્સન .ng માટે ડોમેનના આ સ્પર્ધાત્મક યુગમાં પણ ૪૦ હજાર ડોલર એટલે કે આપણાં ૨૫ લાખ રૃપિયા ચૂકવવા પડે છે.
વિશ્વમાં ટોપ લેવલ ડોમેન્સમાં ડોટ કોમ અને ડોટ ઓઆરજી સૌથી વધુ લોકપ્રિય છે. જોકે જરૃરીયાત સતત વધતી જાય છે એમ એમાં નવા નવા પૂછડાં પણ ઉમેરાતા જાય છે. ડોટ ઈન્ફોથી લઈને ડોટ નેટ સુધી આ દુનિયા સતત વિસ્તરતી જાય છે. હવે તો ડોટ બાઇક, ડોટ ટિપ્સ, ડોટ ઓથર જેવા કેટલાંય છોગા ઉમેરીને નોંધણી શક્ય બની છે. જોકે, વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સ આગ્રહનો તો .com કે .org નો જ રાખે છે. ૨૦૧૩થી શરૃ થયેલો આ સિલસિલો ૨૦૧૫ સુધીમાં અટકશે ત્યારે ૬૧૭ ટોપ લેવલ ડોમેન્સ ઉમેરાઈ ચૂક્યા હશે. આઈસીએએનએનના નવા આયોજન પ્રમાણે અલગ અલગ ક્ષેત્રો માટે ડોમેનની નોંધણી સરળ બનશે. જેમ કે, કેળવણી સાથે સંકળાયેલા ડોટ કોમ કે ડોટ ઓઆરજીના બદલે ડોટ એકેડમી પણ મેળવી શકશે અને એના જે તે દેશના સ્થાનિક નામ તો ખરા જ. ભારતમાં ડોટ શિક્ષા નામ મેળવી શકાશે. વળી, એ જ ક્ષેણીમાં ડોટ ભારત પણ ઉપલબ્ધ બન્યું છે એના યે ઘણા માસ વીતી ચૂક્યા છે. મજાની વાત એ છે કે માત્ર ઈગ્લીશમાં જ નહીં, રાજભાષા હિન્દી અને ગુજરાત સહિતની છ પ્રાદેશિક ભાષામાં વેબસાઇટનું નામ નોંધાવવાનું શક્ય બન્યું છે. એ પણ જે તે ભાષાની લીપીમાં. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ એવું ગુજરાતીમાં નોંધાવી શકાય છે.
ઈન્ટરનેટની માયાજાળ જેમ જેમ વધતી જાય છે એમ એમાં નવા નવા બિઝનેસને પાંખો મળી છે. એવો જ એક વિશાળ બિઝનેસ ડોમેન્સનો પણ છે. જે અપેક્ષા કરતા ઘણો મોટો છે. એટલે જ કહેવાય છે કે ડોટથી દુનિયાને જોડતા ડોમેન્સની દુનિયા ધારણા કરતા ઘણી દિલકશ છે! 

આઈસીએએનએન સામે ઉઠતો રહે છે વિરોધનો સૂર
ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) પાસે વેબસાઇટ ડોમેનના બધા જ હકો છે. જેમ કે, ડોમેન નોંધણી માટે કોઈ બે કંપની બાખડતી હોય તો એનો નિકાલ આઈસીએએનએન લાવી શકે છે. એવી જ રીતે તે જે દેશના ટોપ લેવલ ડોમેન (જેમ કે, ભારતનું ડોટ ઈન)ની ફાળવણી અને કોઈ કારણસર રદ કરવાની સત્તા પણ તેની પાસે છે. ડોમેન નોંધણી ધારક દેશ, સંસ્થા કે વ્યક્તિના ઓળખના કે સંપર્કના બધા જ પૂરાવાઓનો ડેટાબેઝ સાચવવાની જવાબદારી પણ તેની છે. તેને લગતા નિયમોમાં ફેરફાર કરવાની અને નવા ટોપ લેવલ ડોમેન લોંચ કરવાની ઉપરાંત કંપનીઓને પરવાનો આપવા સહિતની કેટલીય સત્તા આઈસીએએનએને પોતાની પાસે રાખી છે. જોકે, આ સત્તા સામે અવારનવાર બળવો થતો રહે છે. ડોમેનના હકો જાળવવાનો ઠેકો તેને કોણે આપી દીધો છે એ વિવાદ વર્ષોથી ચાલે છે. છેલ્લે જૂન ૨૦૧૪માં ફ્રાન્સે તેનો આક્રમક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ફ્રાન્સના કહેવા પ્રમાણે આઈસીએએનએનમાં વૈશ્વિક સંસ્થા જેવા એકેય લક્ષણો નથી જણાતા અને તેના સત્તાધીશો પોતાના મળતિયાઓના હિત જાળવે છે. એ માત્ર અમેરિકાની સંસ્થા હોય એ રીતે વર્તે છે. જોકે, ૨૦૧૦માં અમેરિકન સરકારે પણ તેની ટિકા કરી હતી. તો ૨૦૧૧માં વિશ્વની ગણનાપાત્ર સાત કંપનીઓએ આઈસીએએનએન સામે વિરોધનો સૂર બૂલંદ બનાવ્યો હતો.
Sunday 21 December 2014
Posted by Harsh Meswania
Tag :

જોન શુલ્ટ્સ : સળગતી સમસ્યાઓનો સોદાગર



એક એવો માણસ છે જેની પાસે બર્ડ ફ્લુ, એચ૧એન૧, ચિકનગુનિયા મળી શકે છે. વળી તેણે પોતાની પાસે ઈબોલા રહેલા ઈબોલાને વેચી નાખવાની તૈયારી પણ દાખવી છે. આ બધા રોગોથી દૂર રહેવાની ભલે
બધા પ્રાર્થના કરતા હોય, પણ આ માણસ તો નવા રોગની શોધમાં હોય છે. કેમ કે, એ રોગ વેંચીને
બિઝનેસ કરે છે

એ દરરોજ નવા નવા રોગોની શોધમાં રહે છે. વિશ્વના ગણનાપાત્ર અને મોંઘા સાયન્સ જર્નલ્સ આવે એની એ રાહ જૂએ છે. બહોળો વ્યાપ ધરાવતા અખબારોથી તેનું ઘર ઉભરાય જાય છે... અને અચૂક સમય કાઢીને એની લીટીએ લીટી તે વાંચી જાય છે. સાયન્સ જર્નલ્સ અને અખબારોનું આટલું વાંચન છતાં એ લેખક નથી, પત્રકાર નથી, સાયન્ટિસ્ટ પણ નથી અને રોગોની સારવાર માટે મથતો કોઈ તબીબ પણ નથી. એ અખબારો-સામયિકો અને વેબસાઇટ્સ ઉપર રોગના નામ શોધે છે. કોઈ નવા રોગના લક્ષણો સંશોધકોના ધ્યાનમાં આવે અને એનું નામકરણ થાય એની તે કાગડોળે રાહ જૂએ છે. રોગનું નામ મળી જાય એટલે એ તરત એના લક્ષણો ઉપરથી ભવિષ્યની શક્યતાઓ ચકાસવા માંડે. જો રોગ તરત સારો થઈ જાય એવા લક્ષણો જણાય તો એ થોડો નિરાશ થાય છે, પણ વિચિત્ર લક્ષણો હોય અને એનો તરત કોઈ ઉપાય જડે એમ ન હોય તો એ ઉત્સાહમાં આવીને તરત આગળનું કામ ચાલુ કરી દે છે. છેલ્લા ૧૦ વર્ષની મહેનતના કારણે હવે તે કરોડો રૃપિયા કમાયો છે અને મૂડી તરીકે હજુય તેની પાસે બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા અને ઈબોલા છે. ફૂકુશિમા ન્યુક્લિયર ડિઝાસ્ટર પણ તેની પાસેથી મળી શકે છે. જો સરખો ભાવ મળે તો આ તમામ રોગો વેંચી નાખવાની તેણે તૈયારી દાખવી છે. કેટલાક લોકોએ આ રોગો ખરીદવાની તૈયારી બતાવી છે, પરંતુ તેને આ રોગોની કિંમત બરાબર ખબર છે એટલે એમ સસ્તા ભાવે વેંચી નાખવાની એને કોઈ જ ઉતાવળ નથી. કેમ કે, એના માટે તો આ રોજિંદું છે. નવા નવા રોગ આવશે અને એને એની કિંમત મળતી રહેશે એ વાત એને બરાબર ખબર છે!
                                                                            * * *
રોગના નવા નામની શોધમાં રહેતા એ માણસનું નામ છે- જોન શુલ્ટ્સ. એણે રોગ વેંચીને બિઝનેસ કરવામાં મહારથ મેળવી લીધી છે. આ રોગોને તે કઈ રીતે વેંચે છે? કોઈ તેની પાસેથી રોગ શું કામ ખરીદે? રોગ વેંચીને કમાણી કેમ થાય? આ બધાનો જવાબ છે- વેબસાઇટ ડોમેન. જોન ડોમેનનો બિઝનેસ કરે છે. ખાસ તો રોગોના નામના ડોમેન સમય પારખીને રજિસ્ટર કરાવી નાખે છે અને પછી ઓનલાઇન હરાજીમાં તેની મોટી કિંમત લગાવે છે. અત્યારે ઈબોલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેણે ઈબોલા ડોટ કોમની કિંમત ૯૦ લાખ કરી છે. ૨૦૦૮માં તેણે ઈબોલાના નામે ડોમેન રજિસ્ટર કરાવી નાખ્યું હતું. એની ધારણા હતી કે ૨૦૧૦ સુધીમાં તેને બમણો ભાવ મળી જશે, પણ હવે પાંચ-છ વર્ષ પછી તેને ૧૦ ગણી કિંમત મળે એવી શક્યતા ઉજળી બની છે. એણે દાવો કર્યો છે એ પ્રમાણે ઈબોલાની વેબસાઇટ ઉપર અત્યારે દરરોજના પાંચ હજાર યુઝર્સ મુલાકાત લેતા થયા છે. જો હજુયે થોડો વખત ઈબોલાની આ સ્થિતિ રહી તો વેબસાઇટના વિઝિટર્સ વધશે અને ડોમેનના ભાવ પણ...
રોગના નામના ડોમેન રજિસ્ટર કરી રાખીને તે રોગમાં સપડાયેલા લાખો લોકોને પરેશાની ઉભી કરે છે. લોકો રોગ વિશે તરત જ ઓનલાઇન શોધવા મથતા હોય છે ત્યારે રોગના નામનું ડોટ કોમ કે ડોટ નેટ જેવું ડોમેન ઉપલબ્ધ ન હોવાના કારણે જે તે રોગની માહિતી તેમને મળતી નથી એટલે તેણે આ રોગોના ડોમેન બાબતે અક્કડ વલણ ન રાખવું જોઈએ એવી તેની ટીકા થાય છે. જેનો જવાબ આપતા જોનનું કહેવું છે કે જે તે રોગમાં લાખો-કરોડો લોકો સપડાય છે ત્યારે તબીબો શું તેની મફતમાં સારવાર કરે છે? દવા બનાવતી કંપનીઓ શું તેનો કરોડોનો બિઝનેસ જતો કરે છે? જો એ એમાંથી અબજો  રૃપિયાની કમાણી કરી શકે તો આજની જરૃરીયાત જેવા વેબસાઇટ ડોમેનમાંથી હું શું કામ કમાણી ન કરું? રહી વાત માહિતીની તો જોનના દાવા પ્રમાણે તે જરૃર પડયે પોતાની પાસે રહેલા ડોમેનમાંથી વેબસાઇટ ડિઝાઇન કરીને તેને લગતી વિગતો પણ એમાં સમાવે છે. તેને રોગમાં સપડાયેલા કમભાગી દર્દીઓ માટે ભારોભાર સહાનુભૂતિ હોવા છતાં તેનું માનવું છે કે આ તેનો બિઝનેસ છે અને એમાં તે બાંધછોડ નહીં કરી શકે.
અત્યારે પહેલી નજરે લાગે કે ઈબોલા ડોટ કોમના ભાવ વધુ ઉપજશે, પણ જોનના માનવા પ્રમાણે બર્ડ ફ્લુ તેના માટે સૌથી વધુ કમાણી રળનાર ડોમેન સાબિત થશે. તેનો રોગોનો અભ્યાસ કોઈ સંશોધક જેવો છે અને એના આધારે તે કહે છે કે 'ઈબોલા ધારીએ એવડી મહામારી સાબિત નહીં થાય. થોડાંક વર્ષોમાં તેની દવા શોધાઈ જશે'.
'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો જોન શરૃઆતમાં માત્ર નાના મોટા ડોમેન રજિસ્ટર કરીને ઓનલાઇન હરાજીમાં મૂકતો હતો, પણ હરાજીમાં રોગોના નામના ડોમેનની ડિમાન્ડ ખૂબ હતી. ખરીદનારા સામે વેંચનારા ખૂબ ઓછા હતા ત્યારથી તેણે રોગોના નામે સમયસર ડોમેન રજિસ્ટર કરાવીને કમાણી કરવાનો બિઝનેસ શરૃ કર્યો હતો. માત્ર રોગો જ નહીં, પરંતુ કોઈ દેશમાં આવી પડેલી કુદરતી હોનારતોના ડોમેન પણ તે અણસાર આવતા જ મેળવી લે છે. ઈબોલા, બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ જેવા રોગોને વેંચવા કાઢનારો આ માણસ અગાઉ ટેરર ડોટ કોમ અને આઈએસઆઈએસ ડોટ કોમ પણ વેંચી ચૂક્યો છે. વોટ યુ સે, એને સળગતી સમસ્યાઓ વેંચનારો સોદાગર ન કહી શકાય?
                                                                              * * *
જોન ભલે 'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો હોય, પણ ડોમેનની બાબતમાં તેનાથી ચાર ચાસણી ચડે એવો માણસ છે. જે ડોમેન કિંગ તરીકે વિશ્વવિખ્યાત છે. નામ એનું માઇક મેન. એની પાસે અઢળક ડોમેન રજિસ્ટર થયેલા પડયાં છે. એપ્રિલ ૨૦૧૨માં તેણે એક જ દિવસમાં ૧૪,૯૬૨ ડોમેન રજિસ્ટર કરાવીને રેકોર્ડ બનાવ્યો ત્યારે તે સમાચાર માધ્યમોમાં ચમક્યો હતો. તે દરરોજના હજારેક ડોમેન રજિસ્ટર કરાવે છે અને એમાંથી ૩૦૦-૪૦૦ વેંચી પણ નાખે છે. તેની કંપની સોશ્યલ કેપિટલ એન્ટરપ્રાઇઝનો મહિનાનો બિઝનેસ ૨ કરોડને આંબી જાય છે. માત્ર ડોમેનની લે-વેંચના ટર્નઓવરનો આ આંકડો જ દર્શાવી દે છે કે તેનું કામ કેટલું મોટું હશે. નવા નવા નામના ડોમેન રજિસ્ટર કરાવવાની પોતાની શરૃઆત અંગે એક વખત તેણે કહ્યું હતું 'મારી પાસે વિભિન્ન નામના ડોમેન હોય તો મને એમ લાગે છે કે મારી પાસે આખું વિશ્વ છે, બસ આ વિચાર માત્રથી મને આ ડોમેનનો બિઝનેસ કરવામાં મજા પડે છે. આજે વિશ્વના કેટલાય મહત્ત્વના ડોમેન મારી માલિકીના છે અને એના કારણે હું કરોડો કમાઈ શકુ છું'.
માઇકે થોડા સમય પહેલા હેપ્પી બર્થ ડે ડોટ કોમ નામનું ડોમેન ૧૨ કરોડમાં વેંચવા મૂક્યું હતું. ડોમેન માર્કેટ ડોટ કોમ, ફોન ડોટ કોમ, વેબડેવલપ ડોટ કોમ, એસઈઓ ડોટ કોમ, ચેન્ડ ધ વર્લ્ડ ડોટ કોમ, ટેસ્ટી ડોટ કોમ.... જેવા કેટલાય ડોમેન તેણે વેંચવા કાઢ્યા છે. એમાંના ઘણા ખરાં તેના નામના કારણે (જેમ કે ફોન ડોટ કોમ) માઇકને કરોડો કમાવી આપશે. માઇકને ખબર કેમ પડે છે કે ક્યા નામનું ડોમેન ખરીદવું જોઈએ? જવાબ છે સતત ઉજાગરા! માઇક ૨૪ કલાકમાં માત્ર ૩-૪ કલાકોની ઉંઘ કરે છે. બાકીનો સમય એ ઓનલાઇન પસાર કરે છે. અખબારો કે ઓનલાઇન સર્ચ થઈ રહેલા શબ્દો પર તેની ચાંપતી નજર હોય છે. વિશ્વના વિભિન્ન શબ્દકોષોમાં ક્યા નવા શબ્દો સમાવાઈ રહ્યાં છે એ પણ તેના ધ્યાન બહાર રહેતું નથી હોતું. જેવું કશુંક નવું લાગે કે તરત જ ડોમેન રજિસ્ટર થઈ જાય છે. જો એ ડોમેન પહેલેથી જ કોઈકના નામે હોય તો માઇક એનો સંપર્ક શોધીને ખરીદી લે છે. જેમ કે, ૨૦૧૦માં તેણે એક હરાજીમાં સેક્સ ડોટ કોમ ડોમેન લગભગ ૬૮ કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ખરીદ્યું હતું. ત્યાર પછી મહિનાઓમાં એ જ ડોમેન તેણે ૮૦ કરોડમાં વેંચી પણ નાખ્યું હતું. આ બધી જ મહેનત પછી તેની પાસે ૪ લાખ ડોમેન નેઇમ્સ ભેગા થયા છે. મોટા ભાગના કંઈક ને કંઈક ખાસિયત ધરાવે છે. સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રોમાં એ બધા ડોમેન પોતાનું વિશેષ મૂલ્ય ધરાવે છે અને એટલે જ માઇક ડોમેન કિંગ કહેવાય છે. પોતે ડોમેન કિંગ છે છતાં એ પોતાની જાત માટે કહે છે કે હું તો માત્ર ડોમેન સટ્ટોડિયો છું, બજાર પારખતા નહીં આવડે ત્યારે કોઈ મારો ભાવ પણ નહીં પૂછે એ વાત હું બરાબર જાણું છું!
                                                                            * * *
મનગમતા ડોમેન મેળવવા એ હવે ખૂબ અઘરું બન્યું છે. એના પરિણામે જ હવે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફોની જગ્યાએ વેબસાઇટના નામમાં નવા પૂંછડાં ઉમેરાતા જાય છે. ડોમેન્ડની ડિમાન્ડ પારખીને જેને બિઝનેસ કરતા આવડયો છે એના માટે તો આ કરોડોનો બિઝનેસ છે. ડોમેનની દુનિયા અંગે થોડું વધુ આવતા સપ્તાહે...

Sunday 14 December 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતની નોબેલભૂમિ પશ્વિમ બંગાળ


બે દિવસ પછી નોબેલ પ્રાઇઝ એવોર્ડ સેરેમની યોજાશે અને એમાં ભારતીય કૈલાશ સત્યાર્થીને શાંતિનો નોબેલ એનાયત થશે. ભારતમાં જન્મેલા અને ભારતને કર્મભૂમિ બનાવી હોય એવા બધા મળીને આંગળીને વેઢે ગણાય જાય એટલા લોકો નોબેલ પ્રાઇઝ મેળવી શક્યા છે અને એમાંયે અડધો અડધો પશ્વિમ બંગાળ સાથે એક યા બીજા કારણોથી જોડાયેલા છે.

નોબેલ પ્રાઇઝની વાત નીકળે એટલે સ્વાભાવિક રીતે જ રવીન્દ્રનાથ ઠાકુરથી વાત માંડવી પડે. ગીતાંજલિ માટે ૧૯૧૩માં રવીન્દ્રનાથનું જ્યારે નોબેલ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું ત્યારે તે સાહિત્યનું આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય તો હતા જ, પરંતુ યુરોપિયન ન હોય અને સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન મેળવ્યું હોય એવા પણ તેઓ જગતના પહેલા સાહિત્યકાર હતા. સાહિત્યથી લઈને સંગીત અને ફિલોસોફીમાં તેમનું પ્રદાન શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે એટલું વિશાળ છે. ભારતના એ સમયના ઘણા બધા સાહિત્યકારો-લેખકો ઉપર રવીન્દ્રનાથનો ઊંડો પ્રભાવ પડયો હતો. શાંતિનિકેતન જેવી અનોખી વિશ્વભારતી યુનિવર્સિટી સ્થાપના માટેય તેમને વિશ્વભરમાં ખૂબ યાદ કરવામાં આવે છે. જન્મથી અને કર્મથી પશ્વિમ બંગાળ સાથે જીવનભર અતૂટ નાતો જોડી રાખનારા રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રદાન માત્ર આ ગીતાંજલિ પૂરતું સીમિત નથી એ પણ એટલી જ સાચી વાત છે. તેમણે એ સમયે ભારતની એક આખી પેઢીના ઘડતર કરવામાં શાંતિનિકેતનને માધ્યમ બનાવ્યું હતું. પણ રવીન્દ્રનાથ ઠાકુરને નોબેલથી સન્માનિત કરાયા એ અગાઉ ૧૨ વર્ષ પહેલા પ્રથમ નોબેલ એવોર્ડ સેરેમનીમાં ભારતમાં જન્મેલા અને ભારતને જ કર્મભૂમિ બનાવનારા એક તબીબને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
કેમ્બેલ રોસ નામના એક અધિકારીને તેમના કામની કદર બદલ બ્રિટને ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ ઈન્ડિયન આર્મીના જનરલ પદે નિયુક્ત કરીને ભારત મોકલ્યા હતા. આ કેમ્બેલ રોસના પુત્ર એટલે મેડિસિન માટે પ્રથમ નોબેલ મેળવનારા સંશોધક રોનાલ્ડ રોસ. રોનાલ્ડનો જન્મ ભારતના અલમોરામાં થયો હતો. લંડનમાં અભ્યાસ કર્યા બાદ રોનાલ્ડ ૧૮૮૧માં ભારતીય સિવિલ સર્વિસમાં જોડાઈ ગયા. લંડનની મેડિકલ કોલેજમાંથી સર્જરીનું ભણનારા રોનાલ્ડે આર્મી મેડિકલ હોસ્પિટલમાં કામ શરૃ કર્યું. કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં તેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. કોલકાત્તાને જ તેમણે કર્મભૂમિ બનાવી હતી. માદા મચ્છર કરડવાથી મલેરિયા થાય છે એવું સંશોધન તેમણે કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં જ કર્યું હતું. રોનાલ્ડના એ સંશોધનમાં તેમને અન્ય એક બંગાળી તબીબ ડો. કિશોર મોહન બંદોપાધ્યાયનો સાથ પણ મળ્યો હતો. મૂળ બ્રિટિશર પણ ભારતમાં જન્મેલા અને પશ્વિમ બંગાળને કર્મભૂમિ બનાવીને બંગાળમાં જ મલેરિયા અંગે મહત્ત્વની શોધ કરનારા રોનાલ્ડને બ્રિટનની નોબેલ યાદીમાં સમાવાયા છે, પણ તેમની શોધ માટે ભારત મહત્ત્વનું રહ્યું હતું અને જન્મથી તેઓ ભારતીય હતા એટલે તેમને ભારતની નોબેલ યાદીમાં પણ શુમાર કરવામાં આવે છે. ભારતમાં જન્મેલી વ્યક્તિએ નોબેલ મેળવ્યો હોય એવા રોનાલ્ડ પ્રથમ હતા.
ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વની એવી રામન ઈફેક્ટના શોધક સી. વી. રામનનો જન્મ એ સમયના મદ્રાસમાં થયો હતો. તેમણે અભ્યાસ પૂર્ણ કરીને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે યુનિવર્સિટી ઓફ કલકત્તામાં કારકિર્દીની શરૃઆત કરી હતી. કલકત્તા યુનિવર્સિટી વતી તેઓ એક પરિષદમાં ભાગ લેવા વિદેશ જતા હતા ત્યારે તેમણે સમૃદ્રના ભૂરા રંગનું અવલોકન કરીને તેનું રહસ્ય જાણવાનો વિચાર આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેમણે એ તરફ સંશોધન આગળ ચલાવ્યું હતું. સંશોધનમાં જાતે બનાવેલા અને સ્વદેશી સાધનોનો જ ઉપયોગ કરીને તેમણે રામન ઈફેક્ટ તરીકે ઓળખાયેલો સિદ્ધાંત આપ્યો હતો. તેમના આ સિદ્ધાંત માટે તેમને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત કરાયા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે કલકત્તામાં પસાર થયેલો સમય મારા જીવનનો ગોલ્ડન પિરિયડ છે. વિજ્ઞાાનમાં સર્વોચ્ચ સન્માન મેળવનારા સી. વી. રામન પ્રથમ ભારતીય હતા.
જન્મે વિદેશી પણ કર્મથી સવાયા ભારતીય ગણવા પડે એવા મધર ટેરેસાને પશ્વિમ બંગાળમાં થઈ રહેલા તેમના કામ બદલ ૧૯૭૯માં શાંતિ માટેનો નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તેમનું જીવન પશ્વિમ બંગાળના ગરીબ બાળકોની સેવામાં વ્યતીત કર્યું હતું. ૧૩ સભ્યોની મદદથી તેમણે કોલકાત્તામાં જે કામનો પાયો નાખ્યો હતો એનો ફેલાવો આજે ૧૩૩ દેશોમાં થયો છે. ૪૫,૦૦ સિસ્ટર્સ મધર ટેરેસાના મિશનને આગળ વધારે છે, પણ તેના પાયામાં કોલકાત્તા હતું અને એટલે જ મધર ટેરેસાએ કોલકાત્તામાં ૧૯૪૮માં સ્થાપેલા ચેરિટી મિશનને છેક સુધી હેડક્વાર્ટર જેવો દરજ્જો આપ્યો હતો. શાંતિનો નોબેલ મેળવનારા પ્રથમ ભારતીય (ગાંધીજી ૧૯૩૭, ૩૮, ૩૯, ૪૭ અને ૪૮માં નોમિનેટ થયા હતા. તેમને નોબેલ ન આપીને નોબેલ કમિટીએ ઈતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે એવું ખૂદ નોબેલ કમિટીના સેક્રેટરીએ સ્વીકાર્યું હતું એ ઈતિહાસ જાણીતો છે) નાગરિક મધર ટેરેસા હતાં.
શાંતિનિકેતન અને પશ્વિમ બંગાળ સાથે અતૂટ નાતો ધરાવનારા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને તેમની વેલ્ફેર ઈકોનોમીની થિયરી માટે ૧૯૯૮માં અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત થયો હતો. અત્યારે તેઓ ૮૧ વર્ષના છે અને હાર્વર્ડ યુનિવર્સિટી ઉપરાંત કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તેમની વિધવિધ આર્થિક થિયરીઓ અને વિચારોને વિશ્વભરના ઘણા દેશોએ સ્વીકારી છે.
આ સિવાય મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાઈ થયેલા હરગોવિંદ ખુરાનાને ૧૯૬૮માં શરીરવિજ્ઞાાન માટે નોબેલ એનાયત થયો હતો. એવા જ બીજા એક મૂળ ભારતીય અને અમેરિકામાં વસી ગયેલા સુબ્રમન્યમ ચંદ્રશેખરને ૧૯૮૩માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ મળ્યો હતો. ભારતમાં જન્મેલા પણ બ્રિટન સ્થાઈ થયેલા વેંકટરામન રામાક્રિષ્નનને ૨૦૦૯મા રસાયણશાસ્ત્રનો નોબેલ મેડલ આપીને તેમના કામનું સન્માન થયું હતું.
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વર્ષોથી ભારતના રાજ્યાશ્રયના કારણે રહેતા દલાઈ લામાને ૧૯૮૯માં નોબેલ કમિટીએ શાંતિનો નોબેલ આપ્યો હતો. ગાંધીજીના અહિંસક માર્ગે તિબેટ માટે ચીન સામે ધીરજપૂર્ણ અહિંસક લડત ચલાવી રહેલા ૧૪મા દલાઈ લામાને શાંતિનો નોબેલ આપીને નોબેલ કમિટીએ જાણે ગાંધીજીને સન્માન ન આપી શકાયાનું પ્રાયશ્વિત પણ કર્યું હતું.
વિદેશને કર્મભૂમિ બનાવનારા પણ ભારતમાં જન્મેલા હરગોવિંદ ખુરાના, સુબ્રમન્યમ ચંદ્રશેખર, વેંકટરામન રામાક્રિષ્નન વગેરેનો જન્મ ભારતમાં ભલે થયો હોય. થોડો અભ્યાસ પણ ભારતમાં જ થયો હોવા છતાં નોબેલની યાદીમાં તેઓ અમેરિકા-બ્રિટન જેવા દેશોના લિસ્ટામાં સમાવેશ પામે છે. તો પછી વિદેશના હોય છતાં ભારતને પ્રથમ નોબેલ અપાવનારા રોસને પણ આપણે ભારતીય ગણીને આપણી યાદીમાં સમાવી શકીએ છીએ. કેમ કે, તેમનો જન્મ-ઉછેર અને કાર્ય ભારત સાથે જોડાયેલા છે. એ જ રીતે વિદેશી ભૂમિ ઉપર જન્મેલા મધર ટેરેસા પણ સવાયા ભારતીય છે એટલે બધા મળીને ભારતના નામે કુલ ૧૦ નોબેલ પ્રાઇઝ બોલે છે. કૈલાશ સત્યાર્થી ૧૧મા ભારતીય છે. આંગળીના વેઢા પણ વધી પડે એટલા ભારતીયોમાંથી વળી પાંચને પશ્વિમ બંગાળ સાથે સીધો સંબંધ છે. એક સમયે પશ્વિમ બંગાળ બૌદ્ધિકોની ભૂમિ કંઈ એમ જ થોડી કહેવાતી હશે!

પાંચ-પાંચ નોબેલ મેળવનારો એક માત્ર પરિવાર
ક્યૂરી પરિવારના નામે પાંચ-પાંચ નોબેલ મેળવવાનો વિક્રમ બોલે છે. રેડિયમના શોધક તરીકે જગવિખ્યાત બનેલાં મેડમ મેરી ક્યૂરી અને તેમના પતિ પિયરી ક્યૂરીને ૧૯૦૩માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ત્યાર પછી એક અકસ્માતમાં પિયરીનું નિધન થયું હતું. જોકે, મેરીએ તેની સંશોધન યાત્રા શરૃ રાખી હતી. ૧૯૧૧માં મેરીને રસાયણશાસ્ત્ર માટે ફરીથી નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. એ સાથે જ બે અલગ અલગ વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા તેઓ પ્રથમ મહિલા બની ગયાં હતાં. 
મેરી ક્યૂરી
ઈરીન જૂલિયેટ ક્યૂરીએ માતાના રસ્તે ચાલીને રસાયણશાસ્ત્રમાં સંશોધન પ્રક્રિયા ચાલું રાખી હતી. જેના પરિણામે ૧૯૩૫માં તેના પતિ ફ્રેડરિક ક્યૂરી સાથે તેને પણ રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. મેરીની બીજી પુત્રી ઈવાએ માતા-પિતાને પગલે ચાલીને સાયન્ટિસ્ટ બનવાને બદલે જર્નલિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું અને એટલે તે ક્યૂરી પરિવારની એક માત્ર સભ્ય હતી જેના નામે નોબેલ નોંધાયો ન હતો, પરંતુ તેના પતિ હેનરી રિચાર્ડસન લેબોઇસીએ ૧૯૬૫માં યુનિસેફના ડિરેક્ટર તરીકે જ્યારે શાંતિ માટેનો નોબેલ સ્વીકાર્યો ત્યારે અનોખો વિક્રમ સર્જાઈ ગયો હતો. એ સાથે જ ક્યૂરી પરિવારના પાંચ સભ્યોએ મળીને ચાર-ચાર નોબેલ મેડલ્સ પર કબજો મેળવીને નોબેલ પારિતોષિકના ઈતિહાસમાં કાયમ માટે અનેરી સિદ્ધિ હાંસિલ કરી લીધી હતી. આ વિક્રમ આજેય અતૂટ છે અને કદાચ વર્ષો સુધી અતૂટ રહે એવી શક્યતા નકારી શકાય નહીં!
Sunday 7 December 2014
Posted by Harsh Meswania
Tag :

વૂડ્રો વિલ્સનઃ પ્રથમ ટર્મમાં જોયા કર્યું, બીજી ટર્મમાં જોયા જેવી કરી!


પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા છેક સુધી અળગું રહ્યું હતું અને જ્યારે યુદ્ધમાં ઝંપલાવ્યું ત્યારે પરિણામ પણ આવ્યું. અમેરિકાને છેક સુધી પ્રથમ વિશ્વયુદ્ધથી દૂર રાખવા માટે જ અમેરિકન પ્રજાએ ફરીથી દેશનું સુકાન જેમને સોપ્યું હતું એમણે જ પછીથી અચાનક યુદ્ધમાં જોતરાવવાનું કેમ પસંદ કર્યું?

સમય : ૧૯૧૬નો ઉનાળો
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી કરવા માટે પક્ષના મોટા ગજાના નેતાઓની બેઠક મળી હતી. હરિફ રિપબ્લિક પાર્ટીએ ન્યુયોર્કના ગવર્નર તરીકે કામ કરીને લોકપ્રિયતા મેળવનારા ચાર્લ્સ ઈવાન્સ પર પસંદગી ઢોળી હતી એટલે સામે એવા જ ઉમેદવારની પસંદગી કરવી જરૃરી હતી. બેઠકનો માહોલ અતિ ભારે બની ગયો હતો. ૧૬ વર્ષ પછી જે વૂડ્રો વિલ્સનના કારણે ફરીથી ડેમોક્રેટિક પાર્ટીને વ્હાઇટ હાઉસમાં પ્રવેશ મળ્યો હતો એને રિપિટ કરવામાં હવે હાઇકમાન્ડને ભારોભાર જોખમ લાગતું હતું. છેલ્લા એક વર્ષની તેમની નિષ્ફળતા પક્ષને ડૂબાડી દે એમ હતી, તો સામે એમની ઉજળી છબી પક્ષને તારી શકે એવી શક્યતા ધૂંધળી બની ન હતી. એવી અવઢવ વચ્ચે એ બેઠકમાં ખૂદ વૂડ્રો વિલ્સને હાઇકમાન્ડને મનાવવાની કોશિશ શરૃ કરી હતી...
'૧૯૧૩માં મારી પસંદગી થઈ ત્યારે પક્ષને સત્તા ઉપર આવ્યાને ૧૬-૧૬ વર્ષ વીતી ગયા હતાં અને એ વખતે ન્યુજર્સીના ગવર્નર તરીકે કામ કરવાની મારી ઉજળી છબી જ પક્ષને કામ લાગી હતી. ચાર ચાર ચૂંટણી હાર્યા પછી પક્ષને છેક પાંચમી વખત હાર ખમવી ન પડે એ માટે મેં સખત મહેનત કરીને એ ચૂંટણી જીતી હતી એ યાદ રાખવું જોઈએ' તેમણે પોતાના સબળા પાસા રજૂ કરવા માંડયા.
'યેસ મિ. વિલ્સન! અમને તમારી આવડત પર કોઈ જ શંકા નથી, પણ અત્યારે પક્ષની અને સરકારની પણ નબળી હાલત છે. સામે ધરખમ ઉમેદવાર છે એટલે આપણે કોઈ નબળી કડી છોડવી ન જોઈએ' સામેથી એટલો જ ધારદાર જવાબ આવ્યો.
'પણ હું સત્તા ઉપર આવ્યો ત્યારે દેશ આર્થિક સંકળામણમાંથી પસાર થતો હતો. પ્રારંભના ત્રણ વર્ષમાં દેશની નીતિઓમાં મહત્ત્વના ફેરફારો કરવા ઉપરાંત મેં જનમાનસમાં પક્ષની ઈમેજ મજબૂત બનાવવાનું કામ પણ કર્યું છે' પક્ષને જ નહીં, પણ દેશને ય કટોકટી જેવી પરિસ્થિતિમાં ઉગાર્યા હોવાનું તેમણે ફરીથી યાદ અપાવ્યું.
'ઠીક છે, પરંતુ છેલ્લા દિવસોમાં રેલ કર્મચારીઓની હડતાલ અને દેશભરમાં ચાલી રહેલા કામદારોના દેખાવો અંગે સમાચાર માધ્યમોમાં તમારી ખૂબ ટીકા થાય છે અને પરિણામે પક્ષ પણ ટીકાપાત્ર બન્યો છે. લોકોમાં આપણાં પક્ષ સામે રોષ ભભૂકી રહ્યો છે' પક્ષ તરફથી વિલ્સન સામે વધુ એક મહત્ત્વનો મુદ્દો ખડો કરવામાં આવ્યો.
'રેલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અને કામદારોના આંદોલન અંગે હું માત્ર બે દિવસમાં નિર્ણયો લઈને ઘટતું કરીશ' વિલ્સને પડતર પ્રશ્નોના નિકાલની ખાતરી આપી જોઈ.
'લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે તમે શરૃઆતના ત્રણ વર્ષમાં કરેલા કામ જનમાનસના સ્મરણમાં નહીં હોય, પરંતુ છેલ્લા એક વર્ષની તમારી નિષ્ફળતા લોકોને ઉડીને આંખે વળગે છે. મતદારો ફરીથી તમને મત શું કામ આપશે?' પક્ષે અણિયાળો સવાલ પૂછીને વિલ્સનના ચૂંટણી લડવાના મનસૂબા પર ઠંડુ પાણી રેડવાનું શરૃ કર્યું.
'વિશ્વમાં અત્યારે ચાલી રહેલી અરાજકતા અને હિંસાના માહોલ વચ્ચે આપણો દેશ શાંત અને તટસ્થ રહી શક્યો છે એ વાતે મતદારો મને મત આપશે. મેં ખૂબ પ્રયત્નપૂર્વક આપણા દેશને પ્રથમ વિશ્વયુદ્ધથી બહાર રાખ્યો છે એ વાત દેશના મતદારો નહીં જ ભૂલ્યા હોય' વિલ્સને છેલ્લો પાસો ફેંકી નાખ્યો.
'તો ઠીક છે મિ. વિલ્સન તમે બે દિવસમાં મજૂરો અને રેલ કર્મચારીઓના આંદોલનો અને માંગણીઓ પૂરી કરી દો અને પછી ચૂંટણીની તૈયારી આરંભી દો' વિલ્સનનો છેલ્લો પાસો બરાબર અસરકારક રીતે પડયો હતો અને પાર્ટીએ વિલ્સનની ફરીથી ચૂંટણી લડવાની માંગણીને સ્વીકારી લીધી હતી.
હાઇકમાન્ડ પાસે જે મુદ્દાથી ધાર્યુ કરાવી શકાયું હતું એ મુદ્દો મતદારોને ચોક્કસ આકર્ષશે એવી વૂડ્રો વિલ્સનને પાકી ખાતરી હતી અને ખરેખર એમ જ બન્યું. વિલ્સનનું ચૂંટણી સ્લોગન હતું-'અમેરિકાને ચૂંટણીથી દૂર રાખીને શાંતિ જાળવી રાખનારા પ્રમુખ'. ધારણા મુજબ જ ચૂંટણી કશ્મકશભરી બની રહી. ચાર્લ્સ ઈવાન્સે છેક સુધી ટક્કર આપી પરંતુ અમેરિકાને ત્રણ-ત્રણ વર્ષથી યુદ્ધના નરકથી અળગા રાખીને દેશમાં શાંતિ બરકરાર રાખનારા અને આગામી સમયમાં ભીંષણ યુદ્ધના માહોલમાં પણ તટસ્થ રહેવાના પ્રમુખના વચન પર વિશ્વાસ રાખીને મતદારોએ વિલ્સનને ફરીથી સત્તાની બાગડોર સોંપી દીધી. 
...પણ અમેરિકન પ્રજાને આપેલા એ વચનમાં વિલ્સન ખરા ઉતરી શક્યા નહીં અને માત્ર એક વર્ષના ગાળામાં જ તેમણે યુદ્ધમાં ઝંપલાવી દીધું. શું કામ?
                                                                           * * *
'આપણે સૌ જાણીએ છીએ એમ અત્યારે વિશ્વ ભીંષણ યુદ્ધ સામે લડી રહ્યું છે. માનવજાત માટે વિનાશ વેરે એવા હથિયારો બેફામ પ્રયોજાઈ રહ્યાં છે ત્યારે આપણે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે શાંત બેસીને જોયા કરવું પાલવે તેમ નથી. આ આગ ક્યારે આપણાં દેશ સુધી આવી પહોંચે એ કહી શકાય તેમ નથી એટલે હવે યુદ્ધ મેદાનમાં ઉતર્યે જ છૂટકો છે. જો આ જ સ્થિતિ શરૃ રહી તો આપણે મૂક પ્રેક્ષક બની રહ્યાં એનો વસવસો સદીઓ સુધી રહેશે. આવનારી પેઢી આપણને દોષી ઠેરવે એ પહેલા આપણે વિશ્વશાંતિ માટે યુદ્ધ કરવું પડશે. જો આ સમયે આપણે શાંતિ માટે નહીં લડીએ તો પછી હંમેશા ક્યાંક અશાંતિ સામે ઝઝુંમવું પડશે. એટલે આજથી આપણે વિશ્વયુદ્ધમાં ભાગીદાર બનવાનું નક્કી કરીએ છીએ અને એના પરિણામ માટે આપણે ભાગે આવનારી જવાબદારી પણ ઉપાડશું'
બીજી ટર્મમાં ચૂંટાઈને માંડ હજુ છ-આઠ માસ શાંતિથી પસાર થયા પછી એક દિવસ નેશનલ કોંગ્રેસનું ખાસ સેશન બોલાવીને પ્રમુખ વૂડ્રો વિલ્સને આવી જાહેરાત કરી હતી. અમેરિકન પ્રજા અને અમેરિકન મીડિયા પણ હજુ અવઢવમાં હતાં કે યુદ્ધમાં અમેરિકાએ ઉતરવું જોઈએ કે નહીં. એ અવઢવ વચ્ચે વધુ સમય લીધા વગર પ્રમુખે આ જાહેરાત કરી એટલે સમાચાર માધ્યમોએ શરૃઆતમાં ટીકા પણ કરી. જે પ્રમુખે યુદ્ધથી દૂર રહેવાનો મક્કમ નિર્ધાર જાહેર કરીને વાયદો આપ્યો હતો અને એ કારણે જ પ્રજાના મત મેળવ્યા હતા એ જ હવે દેશને યુદ્ધની અરાજકતા તરફ ધકેલે છે એ વાતે તેમની ચોમેર ટીકા પણ થઈ. જોકે, ત્યાં સુધીમાં સેનાના મુખ્ય કમાન્ડર જ્હોન જે. પાર્સિંગની આગેવાનીમાં સૈન્ય છેક યુરોપની ભાગોળે પહોંચી ગયું હતું. વારંવાર ચેતવણી આપવા છતાં જર્મની પ્રતિબંધિત શસ્ત્રોનો અને સબમરિનનો ઉપયોગ કરી રહ્યું હતું અંતે લોકશાહી માટે દુનિયાને સલામત રાખવાના સુત્ર સાથે ૧૯૧૭માં તેમણે અમેરિકાને યુદ્ધના મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું. તેમનો આ નિર્ણય ઘણી બધી રીતે દૂરગામી બની રહ્યો હતો.
અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રમુખો બહુ ઓછા મળશે કે જેમણે બીજી ટર્મમાં વિલ્સન જેવી આક્રમકતા દાખવી હોય. સામાન્ય રીતે બે ટર્મ સુધી પ્રમુખ હોય એમની બીજી ટર્મમાં આક્રમકતાને બદલે નિરસતા વધુ ભળે. સામે વિલ્સને પ્રથમ ટર્મમાં ધીરજ રાખીને જોયા કર્યું અને બીજી ટર્મમાં જોયા જેવી કરી. પ્રથમ અને બીજાં વિશ્વયુદ્ધના પરિણામમાં સૌથી વધુ મહત્ત્વનું અમેરિકા રહ્યું હતું. બંને વિશ્વયુદ્ધમાં છેલ્લે છેલ્લે જોડાઈને પરિણામમાં પ્રત્યક્ષ ભાગ લેનાર અમેરિકાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં વિલ્સનના આ અણધાર્યા નિર્ણયના કારણે ચાવીરૃપ ભૂમિકા ભજવી હતી.
જોકે, વિલ્સનના આ નિર્ણયના કારણે પાર્ટીને શું ફરક પડયો? વિલ્સનને બીજી ટર્મ માટે પક્ષનું પ્રતિનિધિત્વ સોંપતા પહેલા પક્ષના હાઇકમાન્ડને જે અંદેશો હતો કે માંડ ૧૬ વર્ષે સત્તા ઉપર આવેલી પાર્ટીને સત્તા ગુમાવવી પડશે. એ અંદેશો સાચો પડયો હતો. ૧૯૨૧માં પ્રમુખ પદની ચૂંટણી થઈ એમાં તો ડેમોક્રેટિક પાર્ટીએ હાર ખમવી જ પડી, પણ પછી સત્તા ઉપર આવતા બીજી બે ચૂંટણી પણ હારી જવી પડી. વિલ્સનના ૧૨ વર્ષ પછી ડેમોક્રેટિક પાર્ટીના ફ્રેન્કલિન રૃઝવેલ્ટે ૧૯૩૩માં ચૂંટણી લડી ત્યારે વિલ્સનની જેમ જ તેમની પોતાની ઉજળી છબીને કારણે ફરીથી પાર્ટી સત્તા ઉપર આવી હતી. એક નિર્ણય પક્ષને પણ ઘણો ભારો પડયો હતો. જોકે, અમેરિકા યુદ્ધ ફિનિશર છે એવી વૈશ્વિક ઈમેજ બિલ્ડ કરવામાં વિલ્સનનો યુદ્ધમાં જોડાવાનો આ નિર્ણય અગત્યનો બની રહ્યો.

જ્હોન જે. પાર્સિંગઃ અમેરિકન લશ્કરી જનરલ-કુશળ યુદ્ધ નીતિજ્ઞ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ યુરોપમાં મોકલાવેલી સેનાના મુખ્ય કમાન્ડર જ્હોન જે. પાર્સિંગ હતા. અમેરિકન સૈના દુશ્મન દેશો પર બરાબર ભારે પડી હતી. જેમાં જ્હોનની યુદ્ધનીતિ કારણભૂત હતી. જ્હોન નીવડેલા લિડર અને કુશળ યુદ્ધ નીતિજ્ઞા હતા. મેદાનમાં ક્યાંથી દુશ્મનોને ઘેરવા જોઈએ અને ક્યાંથી પોતાની સેનાને હેમખેમ બહાર કાઢી શકાય એની રણનીતિ જ્હોન આબાદ રીતે અમલી બનાવી શકતા હતા. 

 જ્હોન જે. પાર્સિંગ
વિશ્વમાં પાંચ યુદ્ધ નીતિજ્ઞા પસંદ કરવાના હોય તો એમાં જ્હોનનો સમાવેશ કરવો જ પડે એવી તેની આવડત હતી. જ્હોનના કારણેે અમેરિકાએ બ્રિટન-ફ્રાન્સની સેનાને બરાબર કવચ આપ્યું હતું. એટલું જ નહીં, પ્રથમ વિશ્વયુદ્ધમાં અમેરિકાની ધાક બેસાડવામાં ય જ્હોનની આ યુદ્ધનીતિનો અગત્યનો રોલ કહી શકાય. જ્હોન ત્યારે એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે અમેરિકન સૈન્યને મળતા બધા જ રેન્ક મેળવ્યા હતા. યુરોપમાં તેમણે જે રીતે પ્રદર્શન કર્યું હતું એ કદાચ અમેરિકાએ તેમની પાસેથી રાખેલી અપેક્ષા કરતા અનેકગણું વધારે હતું. અમેરિકાએ એ સમયે યુરોપમાં મદદ માટે મોકલેલું સૈન્ય એટલું બધુ વિશાળ નહોતું એટલે મર્યાદિત સંખ્યાબળ ધરાવતા સૈન્ય પાસેથી જ્હોને જ ઉત્તમોત્તમ કામગીરી કરાવી હતી. અમેરિકા યુદ્ધમાં જોતરાયું પછી તરત જ દુશ્મન સૈન્ય ઘૂંટણીએ આવવા લાગ્યું હતું એ પાછળના ખરા ભેજાબાજ આ લશ્કરી જનરલ હતા

Sunday 30 November 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતમાં ચોરી : ચોરના લાખ સામે પોલીસના બાર હજાર!

યુએનની ક્રાઇમ અને ડ્રગ્સ પર કામ કરતી સંસ્થાએ ચોરી અંગેનો વૈશ્વિક અહેવાલ રજૂ કર્યા, જેમાં ભારતને પોલીસતંત્રની નિષ્ફળતાના કારણે અગ્રતાક્રમ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ચોરીનું
પ્રમાણ સતત વધ્યું છે. સામે ભારતભરનું પોલીસતંત્ર ચોરીઓ રોકવામાં અને રિકવરીમાં સરિયામ નાકામ
નીવડયું છે

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમે ચોરી અંગેના એક અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે એ મુજબ ભારતનું પોલીસ તંત્ર ચોરીઓ રોકવામાં વામણું સાબિત થયું છે. આફ્રિકન દેશો અને એશિયન દેશોમાં ઘરફોડી કે પર્સ સહિતની સામગ્રી તફડાવી લેવાનું પ્રમાણ વધતું જાય છે એને ગંભીર બાબત ગણાવીને યુએનની આ સંસ્થાએ સ્થાનિક તંત્રની જાટકણી પણ કાઢી છે. ભારતમાં વધતી જતી ચોરીઓ વિશેના અહેવાલમાં બાઇક અને કાર ચોરીના નવા ટ્રેન્ડ સામે દિશાસૂચન કરવામાં આવ્યું છે. આંતરિક સુરક્ષા છતાં બાઇક અને કારની ચોરીઓ કરવામાં ઠગો ધારણા કરતા અનેકગણા ચડિયાતા સાબિત થાય છે, સામે પોલીસ તંત્રના ઉદાસિન વલણને યુએને આકરા શબ્દોમાં વખોડયું છે. આ અહેવાલની સૌથી આશ્વર્યજનક બાબત એ હતી કે બાઇક ચોરીમાં ભારત આખા વિશ્વમાં પ્રથમ નંબરે રહ્યું છે. સામે રિકવરીમાં પોલીસ છેલ્લેથી બીજા નંબરે! એ સિવાય ફેક્ટરી, એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ્સ, દુકાન અને શો-રૃમમાં થયેલી ચોરીઓનું પ્રમાણ પણ ભારતમાં છેલ્લા એક દશકામાં સતત વધ્યું છે અને આ વર્ષે ટોચ પર પહોંચ્યું છે. યુએનની આ સંસ્થાનું માનીએ તો ભારતના પોલીસતંત્રની ધાક ઓછી થવાના કારણે આવી ગુનાખોરી વધુ ઉત્તેજન મેળવે છે.
આ સંસ્થા વૈશ્વિક રીતે કામ કરે છે અને કદાચ આપણા દેશના અહેવાલમાં ઉણા ઉતર્યા હોય એવી જો જરાકે ય દહેશત હોય તો આપણા જ દેશના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો આ વર્ષનો રિપોર્ટ આ જ વાતને વધુ સારી રીતે સમજવામાં ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. ભારતમાં વર્ષે દહાડે થતી ચોરીની સંખ્યા ભયજનક સપાટીએ પહોંચી છે એની આંકડાકીય સાબિતી કંઈક આવી છે.
નેશનલ ક્રાઇમ બ્યુરોના ચાલુ વર્ષના અહેવાલ મુજબ દેશમાં ૨૦૧૩ના વર્ષમાં ૧૩,૨૧૯ કરોડ રૃપિયાની કિંમતની કુલ ચોરીઓ થઈ હતી. છેલ્લા દશકાનો આ હાઇએસ્ટ આંકડો છે અને એનાથી ગંભીર બાબત એ હતી કે પોલીસનો રિકવરી રેસિયો દશકાનો સૌથી નીચો હતો. નીચો એટલે કેટલો નીચો? આ પ્રશ્નના જવાબ રૃપે રજૂ થતો આંકડો મુદ્દાની ગંભીરતા છતી કરવા માટે પૂરતો થઈ પડે તેમ છે. ૧૩,૨૧૯ કરોડની કિંમતની કુલ ચોરીઓ સામે પોલીસે પરત મેળવેલી કિંમત હતી માત્ર- ૧૭૬૨ કરોડ! પરત મેળવેલી કિંમત બાબતે હજુ એક વાત એ ઉમેરવી પડે કે આ રકમમાં જે તે વસ્તુની વર્ષ દરમિયાન વધી ગયેલી કિંમત ગણવામાં આવી છે. ધારો કે, જાન્યુઆરીમાં કોઈ એક ઘરફોડ ચોરી થઈ છે અને એમાં ચોરાયેલા સોનાના દાગીનાની કિંમત એક લાખ રૃપિયા છે અને કુલ દાગીના પાંચ છે. પછી જ્યારે ડિસેમ્બરમાં ચોર પકડાઈ જાય ત્યારે તેની પાસેથી રિકવર કરેલા દાગીના આઠ જ મળે પણ સોનાના ભાવ વધવાને કારણે એ આઠ દાગીનાની કિંમત જ એક લાખ ને વીસ હજાર રૃપિયા થઈ હોય તો રિકવર થયેલી કુલ કિંમત એક લાખ વીસ હજાર ગણાય. ખરેખર તો બે દાગીના પરત લઈ શકાયા નથી એટલે એ નિષ્ફળતા ગણાવી જોઈએ એને બદલે પોલીસ બધી જ કિંમતને રિકવરીમાં ગણી લે છે. આવી વધી ગયેલી કિંમત પ્રમાણેનો આંકડો ૧૭૬૨ કરોડ થાય છે, ખરી રિકવરી એનાથી ઘણી ઓછી હશે. ચોરી થયેલી વસ્તુ પોલીસ ચોપડે મૂળ કિંમતે ચડે છે અને રિકવરી વખતે વધારો થયેલી કિંમત અંકાય છે. જેમ કે, ઘરફોડી વખતે ઘરમાંથી દાગીના ચોરાયા હોય ત્યારે પોલીસ ખરીદી વખતેની કિંમત અડસટ્ટે અને બને એટલી ઓછી લગાવીને તપાસ ચાલુ કરે છે. પણ જેવો ચોર પકડાય ત્યારે રિકવરીમાં લેટેસ્ટ કિંમત ગણાવાય છે. વળી, ભળતો સળતો આરોપી પકડાય ત્યારે ભળતી સળતી (જે તે પોલીસ કર્મચારીઓને માથે તોળાતી હોય એવી તપાસ) તપાસનો ગુનો એની પાસે કબૂલાવી લેવાનું વલણ તો ખરું જ! એટલે ઘણા બધા કેસમાં તો ખરા ગુનેગાર સુધી પહોંચી જ શકાતું હોતું નથી. જે ગુનેગાર વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા જ થાય નહીં એ સ્વાભાવિક રીતે જ અન્ય ગુનાઓ કરવા પ્રેરાય છે.
એટલે કે ચોરીઓનું પ્રમાણ વધુમાં વધુ રહ્યું અને ગુનાખોરીની જડ સુધી પહોંચવાનું પોલીસનું કામ નિમ્નસ્તરનું રહ્યું. બીજી રીતે કહેવું હોય તો ચોર સામે પોલીસ ખૂબ જ કમજોર સાબિત થઈ હતી. આખા વર્ષ દરમિયાન દેશભરના ચોર પોલીસને હંફાવવામાં બરાબર સફળ થયા કહેવાય!
રાજ્ય પ્રમાણે જોઈએ તો ૪,૩૧૫ કરોડની ચોરી એકલા મહારાષ્ટ્રમાં થઈ છે એટલે પ્રથમ નંબરે મહારાષ્ટ્ર છે. બીજા નંબરે રહેલા ગોવામાં ૩,૦૪૮ કરોડની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. ગોવાનો રિકવરી રેસિયો પાછો ભયજનક રીતે નીચલી સપાટીએ છે. ગોવામાં પોલીસનો રિકવરી રેસિયો ૦.૧ ટકા છે! નિમ્ન રિકવરીમાં ૨ ટકા સાથે કેરાલા બીજા સ્થાને અને ૩.૩ પ્રતિશત સાથે મણિપુર ત્રીજા સ્થાને રહ્યું હતું. ગયા વર્ષે સારામાં સારો રિકવરી રેસિયો તમીલનાડુ પોલીસનો રહ્યો હતો. ૭૩ ટકા ચોરીના ભેદ ઉકેલીને ચોરીનો સામાન રિકવર કરવામાં તમિલનાડુ પોલીસ ઉપરાંત સિક્કીમ પોલીસ (૫૧ ટકા) અને આંધ્રપ્રદેશ પોલીસે (૫૧) મહત્ત્વની કામગીરી કરી કહેવાય. પણ આવડાં મોટા દેશમાં ત્રણ રાજ્યોની પોલીસ જ સારી કામગીરી કરી શકે એ તો વળી અતિ ગંભીર બાબત કહેવાય. કેમ કે, એકથી જે કામ શક્ય છે તો અન્ય પણ કરી શકે છે. ભારતના તમામ રાજ્યોની પોલીસને જો નિષ્ફળતા મળી હોય તો એમ વિચારી શકાય કે એ કામ ધારણા જેટલું સરળ નહીં હોય, પરંતુ અહીં ત્રણ રાજ્યોની પોલીસે એટલિસ્ટ ગયા વર્ષે ચોરીની બાબતમાં તો એ બતાવ્યું જ છે કે એને ડામી શકાય છે અથવા તો ચોરાયેલી વસ્તુઓ મોટા પ્રમાણમાં વસૂલી શકાય છે. 
છેલ્લા દશકામાં આખા ભારતની પોલીસનો સારામાં સારો સરેરાશ રિકવરી રેસિયો ૨૦૧૦માં ૨૮ પ્રતિશત નોંધાયો હતો. જો આ હાઇએસ્ટ હોય તો પોલીસની નિષ્ફળતા અંગે કલ્પના કરવી બહુ અઘરી નથી. આવા સાધારણકક્ષાના દેખાવ માટે પોલીસનો બચાવ કેવો છે?
પોલીસનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી બાઇક-જ્વેલરી સહિતની વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો થયો છે એટલે ચોરીની મૂળ કિંમત ગણતી વખતે આંકડો ખૂબ મોટો થાય એ સ્વાભાવિક છે. અહેવાલોમાં આંકડો મોટો થાય છે એટલે પોલીસની નિષ્ફળતા મોટી દેખાય છે, નહીંતર પોલીસનો રિકવરી રેસિયો તો સતત વધ્યો છે. ચોરીનું પ્રમાણ વધ્યું નથી, પણ આંકડાઓ વધ્યાં છે.
જોકે, પોલીસે વસૂલાત આંકમાં આ ભાવવધારો ઉમેર્યો જ છે જેને સિફતપૂર્વક ગણતરીમાં લેતી વખતે ભૂલી જવાય છે. ચોરીની કિંમત અંગે તર્ક લગાવીને પોલીસ જવાબદારીમાંથી છટકવાનો ભલે પ્રયાસ કરે, પણ એમાં પોલીસતંત્રની નિષ્ફળતા દેખાયા વગર રહેતી નથી. આટલા વર્ષોથી ચોરીનું પ્રમાણ વધ્યું નથી એને સિદ્ધિ ગણી શકાય નહીં. કેમ કે, ચોરી ડામવામાં પોલીસની નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેમ છે.
ચોરી સામેના આપણાં હળવા કાયદાઓના કારણે ઠગોને ચોરી કરવાનું પ્રોત્સાહક વાતાવરણ અજાણતા જ મળી જાય છે. ચોરી નાની હોય કે મોટી, દરેક સામે એક સરખી કલમ અને એ પછી જામીન મેળવવાની સરળ પ્રક્રિયાના કારણે રીઢા ગુનેગારો એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. વળી, એમાં પોલીસની થોડી નિષ્ક્રિયતા ભળે એટલે ચોરો માટે તો જાણે સ્વર્ગ જેવું વાતાવરણ બની જાય છે. ઉદાહરણરૃપ સજા કરવાની જોગવાઈ ન હોય ત્યારે આવી સ્થિતિમાં તો ચોરીનું પ્રમાણ ન વધે તો જ નવાઈ કહેવાય! અને પોલીસ કરે તો પણ શું કરે? રાજકારણીઓની સભાઓની સુરક્ષામાંથી પરવારે પછી થોડી નવરાશ મળે ત્યારે ચોરીઓની ફાઇલ તરફ ધ્યાન આપવાનું હોય છે. પાર્ટટાઇમમાં તો કરી કરીને કેટલું કામ થાય!

ઓનલાઇન ચોરી હવે સ્માર્ટ તસ્કરો માટે ધીકતો ધંધો
* સાઇબર સોર્સ નામની સંસ્થા વૈશ્વિક ઓનલાઇન માર્કેટ પર નજર રાખે છે અને એમાં થતી ચોરીઓ પર પણ તેમની ચાંપતી નજર હોય છે. તેના કહેવા પ્રમાણે આ આંકડો કુલ બિઝનેસનો ૧૦ ટકા થવા જાય છે. વળી, આટ-આટલી સિક્યુરિટી છતાં આંકડો ઘટવાને બદલે વધી રહ્યો છે. ૨૦૧૧માં ચોરીનું પ્રમાણ ૬ ટકા હતું, ૨૦૧૨માં ૮ ટકા અને હવે ૨૦૧૪ના ૧૦ માસમાં ૧૦ ટકાએ પહોંચ્યું છે.
* વર્ષે દહાડે ૧૦ કરોડ રૃપિયાની ઓનલાઇન ચોરી નોંધાય છે. ઘણા ગ્રાહકો છેતરાયા પછી જતું કરી દે એ આંકડો કદાચ બીજો એટલો પણ હોઈ શકે છે. ઘણા ગ્રાહકો કશીક ખરીદી વખતે અચાનક કપાયેલા પૈસાને પોતાની ભૂલ સમજીને જતું કરે છે. ખરેખર તો ત્યારે કોઈક ઓનલાઇન ચોર કળા કરી ગયો હોય છે.
* એકલા અમેરિકામાં જ ૯ લાખ યુઝર્સ ઓનલાઇન ચોરીનો ભોગ બને છે. જેની સામે અમેરિકન પોલીસે ૧,૨૦૦ આરોપીઓને પકડી પાડયા હતા. ઓનલાઇન ચોરીના આરોપીઓ પાસેથી વસૂલાત કરીને એ રકમ યુઝર્સની સિક્યુરિટી માટે વાપરવાનું અમેરિકાનું આગામી આયોજન છે. આરોપીઓ પાસેથી ઓછામાં ઓછા ૧૦૦થી ૨૦૦ કરોડ રૃપિયા રિકવર થશે એવી ધારણા છે.
* ઓબામાએ એ વખતે વકતવ્યમાં અમેરિકામાં ઓનલાઇન ઉપરાંતની ચોરીઓ ઘટાડવા પર પણ ભાર આપ્યો હતો. આપણે ત્યાં આ આંકડો આંખો આશ્વર્યથી પહોળી થઈ જાય એવડો મોટો છે અને છતાં એક પણ સરકાર એના માટે એટલી ચિંતિત ક્યારેય જણાઈ નથી. હજુ આપણે ચોરી સામે જ એટલા પ્રાથમિક પગલાઓ ભરી રહ્યાં છીએ ત્યારે ઓનલાઇન ચોરી વિશે જાગૃતિ આવતા તો કદાચ બીજો એક દાયકો લાગશે. અમેરિકાએ આ મામલાની ગંભીરતા સમજીને અત્યારથી જ અબજો રૃપિયાનું બજેટ ઓનલાઇન સિક્યુરિટી માટે ફાળવી દીધું છે.
* અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામાએ ઓનલાઇન ચોરીઓ રોકવા માટે વિશેષ કન્ઝુમર પ્રોટેક્શન બ્યુરોને હમણાં લીલીઝંડી આપી હતી. સાથે સાથે ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ દ્વારા ગુમાવવી પડતી રકમ અંગે પણ બાય સિક્યુરિટી નામની એક ચિપ અને પીન સિસ્ટમ લોંચ કરી હતી. જે ૨૦૧૫માં કાર્યરત થશે. એ સિસ્ટમ મુજબ હવે કોઈના એટીએમમાંથી કે ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇન ચોરી થશે તો તેની જવાબદારી અમેરિકન સરકાર લેશે. જેના બદલામાં ગ્રાહકોએ એક સુરક્ષા માટે એક સત્તાવાર ચીપ અને પીન ખરીદવા પડશે.
Sunday 23 November 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતનું સ્વચ્છતા અભિયાન : આગ કા દરિયા ડૂબ કે જાના...



દિલ્હીના એક નેતાના સફાઈ ઝુંબેશ પહેલા કચરો બિછાવવો પડયો હતો એનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનના નામે ૨૫૪ કરોડનું આંધણ કર્યાનો કેગના અહેવાલ આવ્યો છે. સ્વચ્છતા માટે કરોડોનું બજેટ ફાળવાઈ રહ્યું છે છતાં ક્યાં ક્ષતિ રહે છે એ શોધવું કપરું બન્યું છે.

સેન્ટ્રલ પોલ્યુુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) એ થોડા સમય પહેલા ભારતના નાના-મોટા ૨૯૯ શહેરોને આવરી લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટના આંકડા આશ્વર્ય પમાડે એવા હતા. આજની શહેરની ભણેલી-ગણેલી પેઢી આઝાદીકાળની આબાદીની તુલનાએ વધુ શિક્ષિત અને સંસ્કૃત ગણાય છે પણ બદલાયેલી લાઇફ સ્ટાઇલના કારણે આજે લોકો માથાદીઠ ૮ ગણો વધુ કચરો ઉત્સર્જિત કરે છે. એટલે કે વસતી વધી છે એટલે કચરો વધે છે એ તર્કને થોડીવાર બાજુ પર રાખીએ તો આ સૌથી મહત્ત્વની બાબત ગણી શકીએ કે ભારતીયોનું ત્યારની તુલનાએ માથાદીઠ કચરો ઉત્પન્ન કરવાનું પ્રમાણ સતત વધ્યું છે. આપણે રોજનો માથાદીઠ ૫૦૦ ગ્રામ કચરો પેદા કરીએ છીએ. એ જ અહેવાલ પ્રમાણે ૨૯૯ શહેરોના માત્ર ૧૩ કરોડ લોકોનો એક દિવસનો કચરો ૫૦ હજાર ટન થાય છે. ભારતમાં શહેરોમાં વસતા લોકોની સંખ્યા ૩૭-૪૦ કરોડ જેટલી છે. એટલે જો એવરેજ કાઢીએ તો શહેરીજનોનો કચરો જ ઓછામાં ઓછો દરરોજનો દોઢ લાખ ટન થાય છે. આ તો સરેરાશ થઈ, પણ આંકડા શું કહે છે?
દેશની ૪૨૪ મહાનગર પાલિકા અને નગરપાલિકાઓ દરરોજનો ૧.૬ લાખ ટન કચરો એકઠો કરે છે. ચંદીગઢ માથાદીઠ દિવસનો ૪૭૫ ગ્રામ અને તમિલનાડુ માથાદીઠ ૪૬૭ ગ્રામ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતીઓ સરેરાશ દરરોજનો ૪૫૧ ગ્રામ કચરો ઉત્પન્ન કરીને દેશની વધતી જતી સમસ્યામાં પોતાનું યોગદાન નોંધાવે છે. સરકારને સોંપાયેલા અહેવાલના જો આવા ભયાવહ આંકડા હોય તો વાસ્તવિકતા આનાથી ઘણી અલગ અને કચરા કરતા વધુ ગંદી હોય શકે છે!
ગંદકી સામે સ્વાભાવિક રીતે જ મોટો જંગ શહેરોના ભાગે જ આવે છે. એના ય પાછા કારણો છે. શહેરની તુલનાએ ગામડાંઓમાં સ્વયંમ્ સંચાલિત સફાઈ અભિયાન રહેણીકરણીમાં વણાયેલું છે. ઘરની આસપાસ, ફળિયામાં અને ગામની નાની-મોટી ગલીઓની સફાઈ આજુબાજુમાં રહેતા પરિવારની મહિલાઓ કરી જ નાખતી હોય છે અને વળી એ કચરો શહેરની તુલનાએ નાશ ન પામે એવો નથી હોતો. પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ અને ખાસ તો ઝાડના પાંદડા જેવો સુકો કચરો વધુ હોવાથી એનો નાશ કરવો સરળ છે અથવા તો છાણ વગેરેની સાથે ઉકરડાંઓમાં નાખી દેવામાં આવે તો સડી જાય પછી ખેતરમાં કામ આવતું ઉપયોગી ખાતર પણ બની જાય છે. વળી, ગામડાંઓની વસતીના પ્રમાણમાં એ કચરો ગંજ ખડકાય એટલો નથી હોતો. બીજી તરફ શહેરોમાં એમાંનું કશું જ પ્રેક્ટિકલી શક્ય નથી. આસપાસની સફાઈ કરવી કે એવા ગંજ ન થવા દેવા વગેરે રોજિંદા જીવનમાં વ્યવહારમાં ઉતારવા અઘરા છે. ફરજિયાત સિસ્ટમને ફોલો કરવાની હોય છે. જાહેર કચરા ટોપલીમાં કચરો પધરાવવો, સફાઈ કામદારો એની અનુકુળતાએ આવે અને ત્યાર પછી મહાનગર પાલિકા કે નગરપાલિકાના વાહનો તેની ખૂલ્લા વાહનોમાં હેરફેર કરે. હેરફેર વખતે ય એ વાહનો બદબૂ ફેલાવીને તેની હાજરીની ચાડી ખાશે જ એ વાત તો જાણે પાક્કી! આ બધી જ પ્રક્રિયાના અંતે જેટલી સફાઈ થાય એનાથી સંતોષ મેળવવાનો અને ન થાય તો બળાપો કાઢવાનો એમ બે વિકલ્પ હંમેશા અવેલેબલ હોય જ છે. વર્ષોના વિભિન્ન રિપોર્ટ્સ પછી સ્વચ્છતામાં ઉંણા ઉતર્યા એના કારણો સ્પષ્ટ છે, બજેટ માતબર ફાળવાઈ રહ્યું છે, વ્યવસ્થા પણ ઠીક ઠીક થઈ છે, લોકોમાં સારી એવી જાગૃતિ છે. તો પછી આપણી સ્વચ્છતા સિસ્ટમની આવી ખરાબ હાલત થઈ કેમ?
                                                                             * * *
આખા ભારતમાં મૂળે આપણી સિસ્ટમ શરૃઆતથી જ નિષ્ફળતાના આયામો સર કરતી આવી છે. કચરાના કલેક્શનથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને નિકાલ સુધીના બધા જ સ્તરે આપણું વ્યવસ્થાતંત્ર વામણું શબ્દને પણ વિરાટતાનો અહેસાસ કરાવે એટલું નિમ્નસ્તરનું ઠર્યું છે. તંત્રની બધા જ ક્ષેત્રોમાં જે ઘરેડ રહી છે એવું જ કંઈક આ બાબતે ય થયું, પણ સડો પેસી ગયો ત્યાં સુધી એમાં સુધારા ન થયા એટલે એ વધુ બદબૂદાર લાગે છે. શરૃઆતથી જે મેથડ અપ્લાય થઈ હોય એમાં કશું જ નવું ન કરીને વર્ષો સુધી ચલાવ્યે રાખવાનું વલણ રોગની જેમ ભેળાય ગયું છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મળતિયાઓને મુનાફો કરાવી દેવાના પેંતરા રૃપે છેક કચરાના ટ્રાન્સપોર્ટેશનથી પ્રોસેસિંગ સુધીમાં બધુ લોલમંલોલ ચાલ્યા કરે છે-ચલાવી લેવાય છે.
૨૦૦૦ના વર્ષમાં બનેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે કચરામાં ત્રણ પ્રકારની શક્યતા ચકાસવી ફરજિયાત છે. રિડયુસ, રિયુઝ અને રિસાઇકલઃ કચરો ઓછો કરવો, એમાંથી જેનો ફરી વપરાશ થાય એને અલગ કરીને ઘટતું કર્યા બાદ એનો અમલ કરવો અને તમામ કચરાને બે ભાગમાં (સુકો અને ગળેલો) વહેંચીને તેની રિસાઇક્લિંગની પ્રક્રિયા હાથ ધરવી.
પરંતુ આ બધામાં શ્રમ વધુ પડે એટલે કોઈ માથાકૂટમાં પડવાને બદલે કોન્ટ્રાક્ટ આપી દો, સફાઈ કામદારો એનું કામ કરશે, વાહનો એની રીતે ચાલતા રહેશે અને નક્કી થયેલી જમીન ઉપર જ્યાં સુધી કોઈ(સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ કે અન્ય એજન્સીઓ) વાંધો ન ઉઠાવે ત્યાં સુધી રહેવા દો... પ્રકારનું વલણ સરકારી બાબુઓ અને શાસકોની માનસિકતામાં વણાઈ ગયું છે. આ બધાના પરિણામે આ ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર જીવાતની માફક ખદબદી રહ્યો છે. કચરો નાખવાની ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યાઓની અછત તો છે જ પણ અછતના પરિણામે તેની સાઇઝ અને વિસ્તાર નિયમોને હડસેલીને ખૂબ ઝડપથી વધારાઈ રહ્યાં છે. દેશમાં ઘણા ડમ્પિંગ ગ્રાઉન્ડ તો ૧૦૦ ફીટ ઊંચા છે અને હવે તેની ઊંચાઈ વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી મંજૂરી આપે એની રાહ જોવાઈ છે.
શું કામ કચરો એકઠો કરીને સ્વચ્છતા નથી લઈ આવી શકાતી તેના કેટલાક અવરોધો- ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરી શકાય એવી વ્યાપક વ્યવસ્થાનો અભાવ. મેગાસિટીઝ જેવા કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચૈન્નાઈ જેવા શહેરોમાં ઘરે ઘરે જઈને કચરો એકઠો થઈ રહ્યો છે, પણ એમાં સરકાર કરતા એનજીઓનો ફાળો વધુ છે. એટલે એ કામ સરકાર કરે છે એવું કહી શકાય નહીં. બીજું કે કચરો ઉપાડવાથી લઈને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ સિસ્ટમ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. સ્વચ્છતા કરતા એના દ્વારા વધુમાં વધુ કેમ પૈસા રળી શકાય અને કેટલું ખોટું થઈ શકે એ કરવામાં જ વધુ રસ આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં હોય છે.
કચરાના નિકાલ અથવા તો નાશ માટે આપણે ત્યાં એકસૂત્રતાનો અભાવ છે. કોઈક કહે રિસાઇકલ કરીએ તો એને ફંડ આપીને કામની સોંપણી, કોઈ કહે ગેસ બનાવી શકાય છે તો એને પરવાનો, કોઈ કહે ઉર્જા ઉત્પન્ન કરી શકાય તો એેનેય સબસિડી, કોઈ કહે પ્રાણીઓની મદદથી કચરામાંથી કમ્પોસ્ટ કરીએ તો જમીનને ઉપજાઉ બનાવી શકાય તો એનેય પરમિશન, કોઈ કહે વિદેશમાં કચરાના નિકાલ માટે અફતાલુન આઇડિયા છે, તો એનેય આર્થિક સહાય! આ બધાના પરિણામે જે સ્થાનિક સત્તાને જેમ પરવડે એમ કચરાનો મનફાવે તેમ નિકાલ થાય છે. એક રીતે બધી જ પદ્ધતિ અખતિયાર છે અને આમ જૂઓ તો કશું જ અમલી નથી!
દેશભરમાં બાયોગેસ, ઉર્જા માટેના અને અન્ય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વિભિન્ન લગભગ ૩૦૦ પ્લાન્ટ્સ કાર્યરત છે અને એ માત્ર કાગળ પર ચાલતા હોય એમ એ પ્લાન્ટ્સમાંથી આટલા વર્ષોમાં દેખીતો ફાયદો થયો હોય એવો એક અહેવાલ મેળવવો મુશ્કેલ છે. એક ટનના કચરા પાછળ અંદાજે રૃપિયા ૫૦૦થી ૧૫૦૦ સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચનો મોટો હિસ્સો એટલે કે ૬૦થી ૭૦ ટકા કચરો એકઠો કરવા પાછળ અને ૨૦-૨૫ ટકા ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચાય છે. કુલ બજેટનો માંડ ૫ ટકા ભાગ તેની પ્રોસેસ માટે વપરાય છે. પ્રોસેસિંગના અભાવે જ કચરાના મહાકાય ગંજનું કદ અવિરત વધી રહ્યું છે.
બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ ભારત સ્વચ્છ છે કે કેમ અને શું ખૂટે છે એનો વાર્ષિક અહેવાલ સીપીસીબીએ આપવાનો હોય છે. સીબીસીબી એ અહેવાલ ભારતના વન્ય અને પર્યાવરણ મંત્રાલયની સાથે સાથે જે તે રાજ્યોને સુપરત કરે છે, પણ રાજ્યોના સત્તાધિશો કોઈક કારણોથી મહાનગરપાલિકા-નગરપાલિકાઓ સુધી એ રિપોર્ટ પહોંચાડતા નથી એવી ફરિયાદ પણ ૨૦૧૧માં ઉઠી હતી. જો અહેવાલમાંથી કશો ધડો દેવાનો હોય જ નહીં તો પછી તૈયાર કરવાનો શું અર્થ છે એવો મત પણ વ્યક્ત થતો રહે છે. વર્ષોથી જેટલા અહેવાલ સરકાર પાસે પહોંચે છે એમાં કચરાના કલેક્શનની સિસ્ટમમાં અને પ્રોસેસિંગ સિસ્ટમમાં ખામી હોવાનું ગાઈ વગાડીને કહેવાય છે. ઘણી ખરી નગરપાલિકાઓ પાસે પ્રોસેસિંગ માટે પોતાની જમીન પણ નથી હોતી એ વાતનો ઉલ્લેખ થતો રહેતો હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી ગંભીર વાતનો છેદ જ ઉડી જાય છે.
અમેરિકા-યુરોપિયન કન્ટ્રિઝની મેથડ અપ્લાય કરવા છતાં ફાયદો થયો નથી. કેમ કે, ત્યાં ડ્રાય કચરો વધુ છે એટલે એ જ મેથડને અહીં આપણે અપ્લાય કરીએ તો ફાયદો થવાનો નથી. જોકે, કરોડોનું આંધણ કરીને પણ આંધળું અનુકરણ થાય છે. જેનું કશું ઠોંસ પરિણામ મળતું નથી. સમસ્યાના તોડની રીત અલગ હોઈ શકે પણ દાનત ખોરાટોપરા જેવી ન હોય તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ અશક્ય નથી. કરોડોનું બજેટ, સરકારની દાનત અને લોકોની ઈચ્છાશક્તિ ભળે તો અને તો જ ભારત સ્વચ્છતા તરફ પગલા માંડી શકશે. નહીંતર આવી હાલતમાં તો શહેર તો શું શેરી પણ સ્વચ્છ કરવી કપરી છે!

કચરો પેદા કરવામાં વાઇબ્રન્ટ ગુજરાત ચોથા સ્થાને!
ગુજરાતમાં મોટા ૨૧ શહેરોમાં દરરોજનો ૩૮૦૫ ટન કચરો એકઠો થાય છે. અને બીજો એટલો જ એકઠો થયા વગરનો પડયો રહેતો હશે. આ મામલે આપણો ચોથો નંબર છે. પહેલા નંબરે રહેલા મહારાષ્ટ્રમાં ૮૫૮૯ ટન કચરો દરરોજનો એકઠો થાય છે. એ પછી ૫૦૨૧ ટનના યોગદાન સાથે તમિલનાડુ બીજો ક્રમ શોભાવે છે, જ્યારે આપણાથી એક પાયદાન આગળ રહેલું રાજ્ય પશ્વિમ બંગાળ ૪૪૭૫ ટનના રોજિંદા કચરા સાથે ત્રીજા ક્રમે છે. જોકે, પાટનગર દિલ્હી પણ દરરોજ ત્રણેક હજાર ટન કચરો આપે છે. આ સરકારી આંકડા છે એટલે ખરી સ્થિતિ આના કરતા ઘણી વધારો હોય એ સ્વાભાવિક છે. ગુજરાતના ૨૧ શહેરો કે જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરોમાં માથાદીઠ સરેરાશ ૫૪૧ ગ્રામ કચરો પેદા થાય છે. સીપીસીબીના અહેવાલમાં કહેવાયું છે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ૮૬ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ છે. જેમાં બાયોગેસ અને ઉર્જાના પ્લાન્ટ્સ છે. ભારતમાં મહારાષ્ટ્ર (૧૨૫) પછી ગુજરાત બીજા નંબરે છે છતાં આ મામલે ખાસ નોંધપાત્ર પ્રદાન શોધ્યું જડે તેમ નથી
Sunday 16 November 2014
Posted by Harsh Meswania
Tag :

નિક વાલેન્ડા : દૂર રેહ પાયે જો હમસે, દમ કહાઁ મંઝિલ મે હૈ!



નિક વાલેન્ડાએ સતત અણધાર્યા સ્ટંટ્સ કરીને વિશ્વભરમાં અનેરા સાહસિક તરીકે નામના મેળવી છે. 'અસંભવ' શબ્દમાં પણ વ્યક્ત ન થઈ શકે એવા સાહસોની વિક્રમી સફળતા પાછળ જેની સાત પેઢીની મહેનત બોલે છે એવા ૩૫ વર્ષના આ સાહસિકની બે દશકાની સફર પર એક નજર...

ક્યુબેકમાં ચાલતા એક સ્ટંટ્સના કાર્યક્રમમાં ૨૦ વર્ષનો યુવક ૩૦ ફીટ ઊંચે દોરડા ઉપર કોઈ જ આધાર વગર સંતુલતથી ચાલતો ચાલતો આવીને બરાબર વચ્ચે એ જ હાલતમાં બધાના આશ્વર્ય વચ્ચે અટકી ગયો અને નીચે ઉભેલી એક યુવતીને તાકી રહ્યો. એ છોકરી તેને ઘણા વખતથી ગમતી હતી. આજે તેણે પોતાની લાગણી વ્યક્ત કરી જ દેવાનું નક્કી કર્યું હતું. કાર્યક્રમ નિહાળતા ૨૫ હજાર પ્રેક્ષકો તેમ જ પિરામીડ બનાવીને કાર્યક્રમમાં ભાગીદાર બનેલા સાત ફેમિલી મેમ્બર્સની હાજરીમાં તેણે જેકેટના પોકેટમાં ખૂબ સંભાળપૂર્વક રાખેલું રેડ રોઝ કાઢ્યું અને એક પગ ઘૂંટણેથી વાળીને પ્રપોઝ કર્યું 'વીલ યુ મેરી મી!'. પ્રેક્ષકોના હર્ષનાદ વચ્ચે યુવાનની અનોખી અદાથી મોહી પડેલી યુવતીએ પ્રપોઝલ સ્વીકારી લીધી અને એક વીક પછી બંને લગ્નગ્રંથીથી પણ જોડાઈ ગયા. ૧૯૯૯માં બનેલો આ પ્રસંગ ઈરેન્ડિરા માટે કાયમ અવિસ્મરણીય બની રહ્યો. ઈરેન્ડિરા માટે સ્ટંટ્સ નવી નવાઈની વાત નહોતી, પણ આ યુવાનની પ્રપોઝ કરવાની સ્ટાઇલ નવી હતી. બાકી એમ તો ઈરેન્ડિરાનું ફેમિલી વિશ્વના સૌથી પૂરાણા ત્રણ સર્કસ પરિવાર પૈકીનું એક ગણાય છે. એ પણ સર્કસ-જોખમી સ્ટંટ્સ વગેરેની વચ્ચે ઉછરી છે એટલે સ્વાભાવિક રીતે જ તેને નિતનવા જોખમ ખેડતો આ યુવક તરત પસંદ પડી ગયો. પ્યાર માટે આવું જોખમ લેનારા એ યુવકને દુનિયા આજે કિંગ ઓફ ધ વાયર- નિલ વાલેન્ડાના નામે ઓળખે છે. જે પ્યાર માટે આવું કરી શકતો હોય એ પેશન માટે શું ન કરે?

'લોકોને સતત નવું જોવું ગમે છે. જો પ્રેક્ષકોને નવું નહીં આપીએ તો એ નવું શોધવા માંડશે. આ મંત્ર મેં બરાબર દિમાગમાં ઉતારી લીધો છે. જેના ભાગરૃપે હું માત્ર હાઈ-વાયર વોકર બનીને જ નથી રહ્યો, પણ સાથે સાથે મેં બીજા જોખમી સ્ટંટ્સ તરફ ધ્યાન આપ્યું છે. ધારણા બહારની બાબતો કરો તો જ લોકો અસાધારણ ગણીને સન્માન આપશે'. આ શબ્દો નિકના જીવનમંત્ર જેવા છે. તેણે સાયકલ-મોટર સાયકલની મદદથી સ્ટંટ્સ કર્યા છે, તો ધ વ્હિલ ઓફ ડેથના પ્રયોગો પણ કર્યા છે. સામે પક્ષે હેલિકોપ્ટરની નીચે દાંતની મદદથી લટકીને કર્યા હોય એવા પડકારો પણ હસતા મોઢે કર્યા છે. ૩૫ વર્ષના આ સાહસિકને ક્યારેય અકસ્માત નથી નડયો, પરંતુ તેના પરિવારના કેટલાય સભ્યોએ જીવ આપીને આ પરંપરાને આગળ વધારી છે. હંમેશા ધારેલા બધા જ મિશનો તેણે પળવારમાં પાર પાડયા છે. તેને સતત નવા નવા વિક્રમો માટે એવોર્ડ અપાય છે, પરંતુ તેના ચહેરા ઉપર એવોર્ડ કરતા વાલેન્ડા પરિવારની શાન જેવા જોખમી સ્ટંટ્સનો સિલસિલો આગળ વધારી શકાયો એનો આનંદ વધારે ઝલકે છે!
                                                                              * * *
નિક સર્કસ અને વિવિધ સાહસો કરતા મૂળ જર્મનીના અને સમયાંતરે અમેરિકા સ્થિત થયેલા વોલેન્ડા પરિવારની સાતમી પેઢીનો સાહસિક છે. તેના પરિવારમાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ આવા હેરતઅંગેજ  સ્ટંટ્સ માટે જાણીતી છે. ૨૦૧૧માં નિક અને તેની માતાએ એક દોરડા ઉપર સામ-સામા ચાલીને સંયુક્ત રીતે બે ટાવર્સની વચ્ચે વાયર વોક કર્યું હતું. આ બાબત દર્શાવી દે છે કે તેના પરિવાર માટે સાહસ કેટલું સહજ છે. ૧૯૨૦થી અધ્ધરતાલ દોરડા ઉપર ચાલવાના સ્ટંટના કારણે નિકના પડદાદા કાર્લ વાલેન્ડર ખ્યાતનામ થયા હતા. 'કાર્લે ધ ફ્લાઇંગ વાલેન્ડાસ' નામથી સર્કસ અને સાહસથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરતી કંપની બનાવી હતી. તેમને એ સમયે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. કાર્લ પછી આવી પ્રસિદ્ધિ નિકને મળી છે. નિક માટે પોતાના પડદાદા કાર્લ જ બાળવયથી રોલ મોડેલ રહ્યા છે. બધા જ કરતબોની સફળતા પછી નિક તેના પડદાદાને એ અર્પણ કરી દે છે. એક જોખમી સ્ટંટ કરતી વખતે કાર્લે દોરડા પરથી બેલેન્સ ગુમાવ્યું હતું અને ઊંચાઈ ઉપરથી નીચે પટકાવાને કારણે ૭૩ વર્ષની વયે તેમનું મૃત્યુ થયુ હતું. આ ઘટનાના એક વર્ષ પછી નિકનો જન્મ થયો હતો. આશ્વર્યજનક બાબત એ છે કે કાર્લનો જન્મ જાન્યુઆરી માસમાં થયો હતો અને નિકનો જન્મ પણ જાન્યુઆરી માસમાં જ થયો હતો એટલે નિકના પિતાને ઘણા ભવિષ્યવેત્તાઓએ એમ કહ્યું હતું કે તેમના પિતાનો જન્મ પુત્ર રૃપે થયો છે!
વાલેન્ડા પરિવારને પ્રસિદ્ધિ અને પ્રેક્ષકોનો પ્યાર મળ્યો એ સાથે સાથે તેમણે તેની આકરી કિંમત પણ ચૂકવી છે. આ સર્કસ દ્વારા ૭ સભ્યોનો પિરામીડ ખૂબ જ પોપ્યુલર થયો હતો. ૧૯૬૨માં એક અકસ્માત થયો ત્યારે પિરામીડનું સંતુલન રહ્યું નહીં અને એ જોખમી ખેલ કરવામાં બે સભ્યોએ જીવ ખોયો હતો. એટલું જ ઓછું હોય એમ નિકના કાકા મારિયોને પેરેલિસિસ થઈ ગયો હતો. છેલ્લા પાંચ દશકામાં આ પરિવારે એક મોભી સહિત ત્રણ સ્વજનો ગુમાવ્યા છે.
સર્કસ સાથે સાત-સાત પેઢીથી સંકળાયેલા પરિવારમાં જન્મ થવાને કારણે નિકની આકરી તાલીમ બાળવયે જ થઈ ગઈ હતી. સામાન્ય રીતે બાળક ચાલતા શીખે એ ઉંમરે તેના માટે માતા-પિતા અલગ અલગ પ્રકારની ચાલવાની સાયકલ્સ વગેરેની વ્યવસ્થા કરતા હોય છે, પરંતુ વાલેન્ડા પરિવારમાં બાળક દોરડા પર ચાલતા શીખે! નિક માત્ર બે વર્ષનો હતો ત્યારે જ તેના માતા-પિતાએ તેને દોરડા પર ચાલતા શિખવાડયું હતું. યુવાન થયો ત્યાં સુધીમાં આ બધી જ કળામાં તે મહારત હાંસિલ કરી ચૂક્યો હતો. ૬ વર્ષની વયે પ્રથમ વખત નાયગ્રા ધોધ જોયો ત્યારે તેણે પરિવારના સભ્યોને કહ્યું હતું કે હું એક દિવસ આ ધોધ દોરડા પર ચાલીને પાર કરીશ. પરિવારના સભ્યોએ તેને બાળસહજ વાત ગણીને હસી કાઢી હતી, પણ તેણે મનમાં બરાબર એ ગાંઠ વાળી લીધી હતી જે સપનું તેણે ૨૦૧૨માં ૩૨ વર્ષની વયે સાકાર કર્યું હતું.
જોકે, એક સમયે તેના પિતાએ નિકને બીજા કોઈ ધંધામાં નસીબ અજમાવવાનું સૂચન કર્યું હતું. કેમ કે, સર્કસને પાટિયા લાગવા માંડયા હતા એટલે તેના પિતાને એમાં સંતાનોનું ભાવિ જણાતું ન હતું. નિકના પિતા ડેલિલાહ વાલેન્ડાએ 'ધ લાસ્ટ ઓફ ધ વાલેન્ડાસ' નામની એક કિતાબ લખી હતી જેમાં આવા જોખમી સ્ટંટ્સ સામે વધતા પડકારોની વાત કરીને પરિવારની આ છ પેઢી જૂની પરંપરાનો પોતાનાથી અંત આવશે એવું ખૂબ ખેદપૂર્વક તેમાં લખ્યું હતું. જો સાહસિક જોખમો ન ખેડી શકાય તો નિકની ઈચ્છા પાયલટ બનવાની હતી. તેના પિતાએ નિકને પાયલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા હિંમત આપી હતી, ૧૯૯૮થી તેના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, જેના કારણે દુનિયાને એક લિજેન્ડરી સ્ટંટમેન મળ્યો. કાર્લે ક્રિએટ કરેલો સાત સભ્યોનો પિરામીડ ફરીથી નવા સ્વરૃપે રજૂ થયો ત્યારે તેનો એક સભ્ય નિક પણ હતો. પછીથી આ ઘટનાનો ઉલ્લેખ કરીને નિકે કહ્યું હતું કે 'પ્રેક્ષકોનો પ્રેમ અને ટેલિવિઝનના દ્રશ્યો જોઈને મને લાગ્યું કે આટલા લોકોનો પ્રેમ મળે છે અને વાલેન્ડા નામમાં જે વિશ્વાસ લોકો દાખવી રહ્યાં છે એ પરંપરાને મારે આગળ વધારવી જોઈએ. બસ એ ઘડીએ મેં નક્કી કર્યું કે મારો જન્મ આ કામ માટે જ થયો છે અને હું જીવનભર આ કામ જ કરીશ. ત્યાર પછી મેં ક્યારેય પાછું ફરીને જોયું નથી, જોવાની નવરાશ પણ નથી મળી'.
                                                                              * * *
નિકનું માનવું છે કે ઈશ્વરે તેને આ શક્તિ જન્મજાત આપી છે એ સિવાય તે કદાચ આ કામ પાર પાડી શકે નહીં. તે એક પણ સ્ટંટ્સની આગોતરી તૈયારી નથી કરતો. સ્ટંટ્સ કરતા પહેલા પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરે છે અને પછી તે દોરડા પર ચાલવાનું શરૃ કરે ત્યારે તેને એમ જ લાગે છે કે તે ઈશ્વર તેને ચાલવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આઝાદીની તર્જ પર રચાયેલા રામપ્રસાદ બિસ્મિલના શબ્દો 'હોશ ઉડા દેંગે હમેં રોકો ન આજ, દૂર રેહ પાએ જો હમસે દમ કહાઁ મંઝિલ મે હૈ...' અહીં આ યુવાનને થોડા અલગ રીતે લાગુ પડે છે એવું નથી લાગતું?

નિકના જોખમોની વણજાર...
* ગયા સપ્તાહે ૨ નવેમ્બર, ૨૦૧૪ના રોજ બે બિલ્ડિંગ્સ વચ્ચે દોરડા ઉપર ઊંચાઈ અને ઝડપનો નવો વિક્રમ કાયમ કર્યો હતો. સાથે-સાથે આંખ ઉપર પટ્ટી બાંધીને ઊંચાઈ પર ચાલવાનો વિક્રમ પણ તેને પોતાના નામે કર્યો હતો.
* તેના નામે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નવ રત્નો જેવા નવ વિક્રમો નોંધાયેલા છે.
* આ બધા સ્ટંટ્સ વખતે તેનો એક જ મેસેજ હોય છે કે દિલની વાત સાંભળો અને એ પ્રમાણે વર્તો
* નિકના બધા જ જોખમી સ્ટંટ્સ વખતે તેની પત્ની અને ત્રણ બાળકો આસપાસમાં જ હોય છે. નાયગ્રા ધોધ પર ચાલતા અગાઉના સાત દિવસ પહેલા તેણે પ્રથમ વખત પરિવારથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
* ૨૦૦૮માં તેણે દોરડા પર ૨૫૦ ફીટ લાંબી અને ૧૩૫ ફીટ ઊંચી સાયકલ રાઇડ કરીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
* ૨૩ જૂન, ૨૦૧૩ના દિવસે દોરડા પર ચાલીને ઊંચાઈ પરથી ગ્રાન્ડ કેન્યલ એરિયા ક્રોસ કરનારો તે દુનિયાનો પ્રથમ સાહસિક બન્યો હતો.
* ૧૦ જૂન, ૨૦૧૧નો દિવસ નિક માટે નવા સીમાચિન્હ રૃપ બની રહ્યો. ૨૫૦ ફીટ ઊંચે ઉડતા હેલિકોપ્ટરમાં દાંતથી પક્કડ જમાવીને તેણે સ્ટંટ કર્યો ત્યારે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં તેણે સ્થાન મેળવ્યું હતું.
* તેના માટે અમેરિકા અને કેનેડાએ ૧૧૬ વર્ષનો પ્રતિબંધ હટાવીને નાયગ્રા ધોધ ઉપર દોરડા પર ચાલવાનો તેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ અભૂતપૂર્વ ઘટના હતી કે જ્યારે કોઈ એક સ્ટંટમેન માટે કાયદામાં આટલો મોટો ફેરફાર કરાયો હોય. વળી બંને દેશોએ બે વર્ષ સુધી જિયોગ્રાફિકલ સર્વે પણ કરાવ્યો હતો. ૧ લાખ ૨૦ હજાર ચાહકો તેના સ્ટંટની બીજ તરફ રાહ જોઈને ઉભા હતા. કોઈ એક કરતબ માટે આટલા લોકો રાહ જોતા હોય એવો પણ એ વિરલ બનાવ હતો.
* ૬૫ વર્ષની વયે કાર્લે ૧૨૦૦ ફીટ લાંબું વોક કર્યુ હતું એને આજેય તે પોતાના કરતા એને વધુ મહાન કરતબ ગણે છે
Sunday 9 November 2014
Posted by Harsh Meswania
Tag :

એલન યુસ્ટેસ : ઊંચાઈએથી પડતું મૂકીને ઊંચાઈ મેળવનારો સાહસિક



દિવાળીના ધમાકા વચ્ચેે ૫૭ વર્ષના ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એલન યુસ્ટેસે ઊંચાઈએથી કૂદકો લગાવીને નવી ઊંચાઈ મેળવી છે. સાધારણ પરિસ્થિતિમાં ઉછરેલા એલને હંમેશા અસાધારણ સફળતા મેળવ્યે રાખી છે. અભ્યાસ પૂરો કરવા એક સમયે પાર્ટટાઇમ પોપકોર્ન વેચનારા યુવકે જીવનના ઉતર્રાધ સુધીમાં અપ્રતિમ નામ-દામ મેળવી લીધા  છે...

૧૯૭૪નું વર્ષ હતું. ફ્લોરિડામાં વોલ્ટ ડિઝનીની મોનોરેલનો કોન્ટ્રાક્ટ માર્ટિન મેરિએટા નામની કંપનીને મળ્યો હતો. કંપનીએ પાઇનહિલ્સમાં કામદારોને રહેવા માટે નાનકડાં ક્વાર્ટર્સ ફાળવ્યા. એમાંના એક કર્મચારીનો પુત્ર સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને કોલેજમાં આવ્યો. ૧૭ વર્ષના એ છોકરાએ સ્કૂલમાં અવ્વલ આવીને આગળના અભ્યાસ માટે સ્કોલરશિપ મેળવી લીધી. સ્કોલરશિપથી કોલેજની ફીની સમસ્યા તો ઉકલી ગઈ, પણ કોલેજના અન્ય ખર્ચાની વ્યવસ્થા કરવી જરૃરી હતી. તેણે એનો ઉકેલ શોધી લીધો. કોલેજ ટાઇમમાં લેક્ચર ભરવાના અને બાકીના ફાજલ સમયમાં પોપકોર્ન વેંચીને પૈસા કમાવાનો વિકલ્પ તેને માફક આવી ગયા. વચ્ચે વેકેશનના સમયગાળા દરમિયાન ડિઝની વર્લ્ડના મોનોરેલ પ્રોજેક્ટમાં પાર્ટટાઇમ નોકરી કરીને બચત કરવાનો કીમિયો પણ બરાબર કારગત નીવડયો.
પુસ્તકો અને કપડા સહિતની વર્ષ દરમિયાન ખપમાં આવતી ખરીદી એ આ વેકેશનમાં કમાયેલા પૈસાથી કરતો. આમ કરતા તેની કોલેજ પૂરી થઈ. તેણે કમ્પ્યુટર ઈજનેરીની ડિગ્રી મેળવી હતી.  એ સમયે હજુ કમ્પ્યુટર ઈજનેરી આજના જેટલી વિકસિત નહોતી થઈ. કમ્પ્યુટર ઈજનેરને બીજી શાખાઓના એન્જિનિયરની જેમ માતબર પૈસા મળે એવી અપેક્ષા થોડી વધારે પડતી હતી એટલે કમ્પ્યુટર એન્જિનિયરે એ સમયે હજુ વિકસી રહેલી નવી નવી કંપનીઓમાં કામ શોધવું પડતું. આ છોકરાએ પણ નોકરીની શરૃઆત સિલિકોન વેલીની એક સાવ સામાન્ય કંપનીથી કરી, પણ તેના સતત કામ કરતા રહેવાના ખંત અને મહેનતકશ સ્વભાવે તેણે પોતાના ક્ષેત્રમાં એક પછી ઊંચાઈ મેળવ્યે રાખી.
નોકરી ઉપરાંત તેને કમ્પ્યુટર અંગેના નવા સંશોધનોમાં પણ એટલી જ દિલચસ્પી હતી. નોકરી-સંશોધનની સાથે સાથે તેણે કમ્પ્યુટર સાયન્સના ક્લાસ ભરવાનું ય શરૃ રાખ્યું. ૧૯૮૪માં તેણે પીએચ.ડી પૂરું કર્યું ત્યારે તેની સંશોધનની આવડત પર એકેડમિક મહોર પણ લાગી ચૂકી હતી. તેણે જે ઝડપથી રસ્તો કંડાર્યો હતો એ પછી તો તેની આગેકૂચને રોક લગાવવાનું કામ કોઈ પણ માટે અશક્ય હતું. તેની આવડતમાં હવે અમેરિકાની માતબર કંપનીઓ રસ દાખવવા લાગી હતી. તેણે સમય પારખીને ઝડપથી વિશ્વમાં પોતાનો ડંકો વગાડતી કંપની ગૂગલને ડાળ બનાવી લીધી. ગૂગલમાં રહીને તેને દૌલત-શોહરત મળ્યા, પરંતુ તેના નસીબમાં કમ્પ્યુટર ઈજનેર તરીકે નહીં, પણ સાહસિક એલેન યુસ્ટેસ તરીકે ઓળખાવાનું લખ્યું હતું એની કલ્પના તો તેણે છેક ૨૦૧૧ સુધી નહોતી કરી!
                                                                         * * *
'ઈટ વોઝ અમેઝિંગ! આ વાઇલ્ડ રાઇડિંગ મારા જીવનની યાદગાર પળ હતી. ત્યાંથી હું વાતાવરણના એક એક લેયર્સ અનુભવી શકતો હતો. એ સમયે મને અવકાશની ડાર્કનેસ ખૂબ સુંદર લાગી રહી હતી. આટલું મનોહર દ્રશ્ય મારી જિંદગીમાં મેં ક્યારેય જોયું નથી... અને ઝડપ, ઝડપ તો એવી હતી કે જાણે થોડી વાર માટે હું પોતે જ સુપરસોનિક અવકાશ યાન બની ગયો ન હોઉં. હું આકાશી ઊંચાઈ છોડીને જમીન પર આવી રહ્યો હતો ત્યારે વિચારતો હતો કે આ ૧૫ મિનિટ હજુ થોડી વધુ લાંબી ચાલે તો કેટલું સારું!'
અવાજની ગતિને ભેદીને અવકાશી ઊંચાઈ પરથી ધરતી પર પગ મૂકનારા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલન યુસ્ટેસે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેના ચહેરા પર ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો. તેણે એક સાથે ત્રણ ત્રણ વિક્રમ ઉપર કબ્જો જમાવ્યો હતો. ૧,૩૫,૯૦૮ ફીટની ઊંચાઈ પરથી છલાંગ લગાવીને ઓસ્ટ્રેલિયન સાહસિક ફેલિક્સ બોમગાર્ટનરનો ૧,૨૮,૧૦૦ ફીટની ઊંચાઈનો રેકોર્ડ તોડયો હતો. તો ૧૩૨૧ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે નીચે આવીને ફેલિક્સના જ ૧૩૦૧ કિ.મી. પ્રતિ કલાકના વિક્રમને ધ્વસ્ત કર્યો હતો. ૧,૨૩,૪૧૪ ફીટનું ફ્રી ફોલ અંતર ૪ મિનિટ અને ૨૭ સેકન્ડમાં કાપ્યુ હતું. અગાઉ ૫ મિનિટમાં ૧ લાખ ૧૮ હજાર ફીટનું અંતર કાપવાનો વિક્રમ ફેલિક્સના નામે જ બોલતો હતો.
રેકોર્ડ બ્રેકિંગ સ્પીડે જમીન સુધી આવતા પહેલા ૩૫ હજાર ક્યૂબિક ફીટ હિલિમય વાયુ ભરેલાં બલૂનની સહાયતાથી એલન યુસ્ટેસે લગભગ ૨ કલાકની મુસાફરી કરીને અવકાશમાં ધારેલી ઊંચાઈ મેળવી હતી.
૧૪ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે ફેલિક્સ બોમગાર્ટનરે અવાજની ગતિએ જમીન ઉપર આવવાના વિક્રમ બનાવ્યો હતો એના બરાબર બે વર્ષ અને ૧૦ દિવસ પછી એલને આ વિક્રમ તોડયો, પણ ખરેખર તો એની શરૃઆત ફેલિક્સના જમ્પ અગાઉ ૨૦૧૧થી શરૃ થઈ ચૂકી હતી. ગૂગલના એક ખાનગી મિશનના ભાગરૃપે સ્પેસ સ્યુટમાં સ્ટ્રેટોસ્ફિયરને લગતા કેટલાક સંશોધનો માટે આ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો હતો. ફેલિક્સે પહેલાથી જ જમ્પની જાહેરાત કરી દીધી હોવાથી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન તેમના તરફ હતું, પણ આ આખો પ્રોજેક્ટ એકદમ ખાનગી ધોરણે રખાયો હોવાથી એલને સાહસમાં સફળતા મેળવ્યા પછી તેની નોંધ લેવાઈ હતી. ઉડીને આંખે વળગે એવી બીજી એક વાત એ છે કે બંનેના સાહસમાં મુખ્ય ફરક ઉંમરનો છે. ફેલિક્સે છલાંગ લગાવી ત્યારે તે ચાલીસીમાં હતો. જ્યારે ગૂગલના નોલેજ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત એલન યુસ્ટેસ નિવૃત્તિના આરે છે. ૫૭ વર્ષના એલને મોટાભાગનો સમય લેબોરેટરીમાં સંશોધન પાછળ કે ઓફિસમાં સાથી કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં ગાળ્યો છે. તેને સ્કાઇ ડાઇવિંગ પ્રકારના કોઈ સાહસ સાથે દૂરનો સંબંધ નહોતો. ફેલિક્સ પહેલેથી જ સાહસિક તરીકે વિખ્યાત હતો અને મોટો જમ્પ લગાવતા અગાઉ કંઈ કેટલીય છલાંગો લગાવી ચૂક્યો હતો. બીજી બાજુ સાહસનું પોતાનું ક્ષેત્ર ન હોવા છતાં ઢળતી ઉંમરે આવડું ખેડાણ કરવાના કારણે પણ એલનનું આ વિશિષ્ટ સાહસ ગણાવી શકાય.
મૂળે તો બાળપણમાં બધાથી અલગ તરી જવાનો જે ગુણ એલને વિકસાવ્યો હતો એ જ તેને આવું સાહસ કરવા પ્રેરે છે. એ સમયે કે જ્યારે પોતાના ક્લાસમેન્ટ્સ કમ્પ્યુટર ઈજનેરીમાં પ્રવેશ નહોતા મેળવતા ત્યારે એનાથી સામા પ્રવાહે જવું, આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ભણવાની સાથે સાથે કમાણી કરવાનો વિકલ્પ ઊભો કરવો, સામાન્ય કંપનીમાં નોકરી શરૃ કરી હોવાથી દેશની અગ્રગણ્ય કંપનીના દરવાજા ઓપન થાય એ માટે એકેડમિક અને પ્રાયોગિક સફળતા મેળવવા જેવા કેટલાય સાહસો ખરેખર તો એલનના સ્વભાવમાં હતા.
 
૧૯૯૯માં ગૂગલ સાથે કામ શરૃ કરનારા એલન યુસ્ટેસના એચપી સાથેના અનુભવને ધ્યાનમાં રાખીને ગૂગલે તેને તરત જ એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ બનાવી દીધા. એમાં એલને થોડા વર્ષો જીવ રેડીને કામ કર્યું. ૨૦૦૬માં ગૂગલે પ્રમોશન આપીને તેમને પ્રોડક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. ૨૦૧૧થી એલન ગૂગલના સૌથી મહત્ત્વના એક એવા નોલેજ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે સાથે ગૂગલના ફૂડ બેંક અને સ્કોલરશિપના પ્રોજેકટ પણ સંભાળે છે.
ગૂગલમાં અલગ અલગ વિભાગમાં મહત્ત્વની જવાબદારીઓ ઉપાડવાની સાથે આ સિક્રેટ મિશનનો ભાર તેમના મજબૂત ખભા ઉપર આવ્યો ત્યારે છેક સુધી તેમણે છલાંગ લગાવવાની હિંમત પોતે કરશે એવી જાહેરાત નહોતી કરી. સ્પેસ સ્યુટ સહિતના સંશોધનો અને તૈયારી થતી હતી એ સમયગાળામાં જ મનોમન નક્કી કરીને એલને તૈયારી આરંભી દીધી હતી. જે બે કંપની સહભાગી હતી એનેય આ વાતની જાણ નહોતી. પ્રયોગ માટે પસંદ કરાયેલા સંભવિત ઉમેદવારો સાથે એલને તાલીમ મેળવવાનું શરૃ કર્યું હતું અને સિક્રેટ પ્રોજેક્ટની જેમ જ અંતે સિક્રેટ છતું કરીને પોતાનો મનસૂબો જણાવ્યો હતો. ક્યારેય ન કરેલા કામ માટે અને પોતાની કુશળતાથી દૂરના ક્ષેત્રમાં આમ અચાનક હાથ નાખીને સફળતા મેળવવી એના માટે જથ્થાબંધ હિંમત જોઈએ. એ હિંમત જૂટાવવા માટે એલન વાહવાહીના હકદાર ઠરે છે. આખી જીંદગી ઓફિસમાં કે સંશોધનો માટે લેબોરેટરીમાં વીતાવ્યા બાદ અને વળી નિવૃત્તિનું કાઉન્ડ ડાઉન શરૃ થઈ ચૂક્યું હોય ત્યારે સ્પેસ સ્યૂટના પ્રયોગ માટે આવડી હિંમત કરવાનું કામ ક્યો અધિકારી કરે?

એક ભારતીય સાથીદાર સાથે એલનની લાંબી ઈનિંગ
આઈઆઈટી-કાનપુરમાં ભણેલા અમિતાભ શ્રીવાસ્તવ સાથે એલન યુસ્ટેસની લાંબી ઈનિંગ રહી છે. સમવયસ્ક અને હમહોબી એવા અમિતાભ સાથે મળીને એલને ચીપ માટે એટીઓએમ રિસર્ચ વર્ક કર્યું હતું. ૯૦ દાયકામાં શરૃ થયેલું કામ કેટલાય વર્ષો સુધી ચાલ્યા બાદ છેક ૨૦૦૫માં બંનેને સહિયારો એવોર્ડ આપીને તેમનું સન્માન કરાયું હતું. ચીપના બંધારણમાં અતિ મહત્ત્વના પરિબળો માટે કામ કરનારા આ બંને પાસે તેના પેટન્ટ નોંધાયેલા છે. એલને ગૂગલ જોઈન કર્યું પછીથી એક તબક્કે આ કામ અધૂરું રહેશે એવી દહેશત હતી. બીજી તરફ અમિતાભે પણ માઇક્રોસોફ્ટ સહિતની મોટી કંપનીઓમાં ઘણો વખત મહત્ત્વના હોદ મેળવ્યા હતા. એલન અને અમિતાભ ભરચક કામમાં એવા ડૂબી ગયા હતા કે કામ જેમનું તેમ અટકી પડયું હતું. અંતે બંનેએ વ્યસ્તતા વચ્ચે પણ સંપર્ક સેતુ જોડી રાખીને ધારેલું કામ કરવામાં સરળતા મેળવી હતી. બંનેના સંશોધન પર પછીથી એલન યુસ્ટેસે એક પુસ્તક પણ લખ્યું છે.
Sunday 2 November 2014
Posted by Harsh Meswania
Tag :

મીણબત્તી : રોશન હૈ તેરે દમ સે દુનિયા!


 
નૂતન વર્ષ-દીપાવલીના તહેવારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દીવડાઓનું સ્થાન મીણબત્તીએ લઈ લીધું છે. મીણબત્તીનો વ્યાપ દિવાળી પૂરતો જ સીમિત નથી રહેતો, બર્થ ડે સેલિબ્રેશનથી લઈને મૌન આંદોલન સુધી મીણબત્તી સંગીન રોશની ફેલાવતી રહે છે. સદીઓ પહેલા રોશની આપવાનું કામ કરતી મીણબત્તી હવે પ્રસંગોને રોશન કરવાની જિમ્મેદારી નિભાવે છે.

૧૭મી  સદીની એ અંધકારમય રાતોમાં ઉજાસ કરવાના હેતુથી આયર્લેન્ડ રાજ્યના કેપિટલ ડબલીનમાં એક નવો કાયદો અમલી બનાવાયો હતો. પાટનગર ડબલીન રાતે પણ રોશન રહેવું જોઈએ એવા ઈરાદા સાથે ૧૬૧૬માં એક કાયદો ઘડાયો કે દર પાંચ ઘરના અંતરે એક મીણબત્તી બહાર સળગતી હોવી જોઈએ. મીણબત્તી સળગે છે કે કેમ એનું ધ્યાન નિયત થયેલા પાંચ મકાનાએ રાખવાનું થતું. નિયમભંગ થયો તો પાંચેય માલિકો દંડાશે એવા ડરથી ડબલીન આખું એ સમયે રાતે ય રોશન રહેતું હતું. રાતે શહેરની ગલીઓમાંથી પસાર થયેલા કોઈ વટેમાર્ગુને પૂરતો અજવાસ ન મળે અને એ કચેરીમાં ફરિયાદ કરે તો જે તે વિસ્તારના પાંચેય ઘરોને સજા કરવામાં આવતી. સજામાં શું હોય? અજવાળું નહોતું કર્યું એટલે સજારૃપે કચેરીને મીણબત્તી જમા કરાવવી પડતી!
ડબલીન એ સમયે યુરોપ આખામાં રોશનીના શહેર તરીકે જાણીતું બન્યું હતું. રોશનીના શહેર તરીકે વિખ્યાત થવા પાછળ સ્ટ્રીટ લાઇટના આ કીમિયા ઉપરાંતનું પણ એક પરિબળ હતું. કેન્ડલ્સ બનાવવાનો ઉદ્યોગ ડબલીનમાં પૂરબહારમાં ખિલ્યો હતો. સમગ્ર યુરોપમાં ડબલીનની મીણબત્તીઓનો પ્રકાશ ઝળહળતો હતો. પ્રારંભે શરૃ થયેલી એક કંપની તો આજે ય અડીખમ રહીને મીણબત્તીઓનું ઉત્પાદન કરી રહી છે.
મીણબત્તીઓની બાબતમાં ભલે ડબલીને આ ઐતિહાસિક પહેલ કરી હોય, પણ ખરેખર તો કેન્ડલ્સનું ઔધોગિક સ્વરૃપ તો છેક ૧૩મી સદીમાં જ યુરોપમાં આકાર પામી ચૂક્યું હતું. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડના કેટલાક કેન્ડલ્સ મેકર ખૂબ નાના પાયે ઉદ્યોગ ચલાવતા હતા. પરંપરાગત રીતે મીણબત્તી બનાવ્યા પછી ઘરે ઘરે જઈને તેનું વેંચાણ કરતા હતા. પ્રાણીઓની ચરબી અને તેલના મિક્ષણથી બનેલી કેન્ડલ્સ કિચનની જરૃરીયાતોને ધ્યાનમાં રાખીને બનાવાતી હતી. ગણ્યા ગાંઠયા કેન્ડલ્સ મેકર મધપૂડાનો ઉપયોગ કરીને ચર્ચ માટે ખર્ચાળ કેન્ડલ્સ બનાવી દેતા હતા. 
૧૫મી સદીમાં કેન્ડલનું સૌપ્રથમ બીબું પેરિસમાં આકાર પામ્યું હતું. એની સફળતાથી પ્રેરાઈને પછીથી તૈયાર બીબાંની મદદથી મીણબત્તી બનાવવાનો બિઝનેસ પૂરજોશમાં ચાલ્યો હતો. એ પહેલા કોઈ માપથી મીણબત્તી બનતી નહોતી. ઘરેલું તરાહથી બનેલી અત્યાર સુધીની મીણબત્તીઓ બીબાં જેટલી આકર્ષક તો ક્યાંથી હોય! બીબાના પ્રયોજને મીણબત્તીને લોકપ્રિય બનાવવામાં પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી.
જેના પરથી આપણે મીણબત્તી અર્થ તારવ્યો છે એ મીણનો ઉપયોગ તો મીણબત્તી બનાવવામાં બહુ પછીથી થવા લાગ્યો હતો. ૧૭મી ૧૮મી સદીમાં ધાર્મિક કાર્યક્રમો વખતે મીણમાંથી બનેલી મીણબત્તી સળગાવવાનો જ આગ્રહ રખાતો હતો. આપણે ત્યાં જેમ કેરોસીનનો દીવો ધાર્મિક સ્થળોમાં નહોતો થતો એ જ રીતે પ્રાણીની ચરબી કે તેના શરીરમાંથી નીકળતા ઓઇલમાંથી બનેલી મીણબત્તી યુરોપની ધાર્મિક માન્યતા પ્રમાણે પેટાવી શકાતી ન હતી. એ સમયે મીણનું ઉત્પાદન આજની તુલનાએ ઘણું ઓછું હતું એટલે મીણબત્તી પ્રમાણમાં મોંઘી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં કે પછી ધનવાન લોકોને જ એ મીણબત્તી રોજિંદા વપરાશમાં પરવડે તેમ હતી. સામાન્ય મધ્યમ વર્ગીય ઘરોમાં તો એ સમયે યુરોપમાં મોટા પાયે બનવા લાગેલી સસ્તી મીણબત્તીઓ જ ચાલતી. માલદાર લોકો તેનાથી સુગ રાખતા એની પાછળનું કારણ એવું હતું કે એમાંથી દુર્ગંધ આવતી હતી. ઘણી મીણબત્તીઓમાં એ દુર્ગંધ એટલી હદે તીવ્ર હતી કે ઘરમાં જ નહીં, પણ શેરીમાં પણ એની તીવ્રતા વ્યાપી જતી. ત્યારના કારખાનેદારો માટે મીણબત્તીના ઉત્પાદન આડે આ સૌથી મોટી સમસ્યા હતી. મીણબત્તી ઉદ્યોગમાં ઝંપલાવનારા નવા કારખાનેદારો પોતાની મીણબત્તી ખપાવવા માટે ઓછી 'દુર્ગંધ ધરાવતી' મીણબત્તી તરીકે નવી મીણબત્તીનો પ્રચાર કરતા હતા.
ડબલીનમાં સ્ટ્રીટ લાઇટ તરીકે મીણબત્તીનો ઉપયોગ થયો હતો એની તો સદીઓ વીતી ચૂકી હતી. ધીરે ધીરે બ્રિટનના ઘણા શહેરો મીણબત્તીની રોશનીથી ઝળાહળાં થવા લાગ્યા હતા, પણ પછી ઉચ્ચ સરકારી અફસરો અને જમીનદારોના વ્યાપક વિરોધના પગલે બ્રિટનના ઘણાં શહેરોમાં દુર્ગંધ ફેલાવતી મીણબત્તી જાહેરમાં પેટાવવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો.
૧૯મી સદીનો પૂર્વાર્ધ કેન્ડલ્સના વિકાસમાં નવો ચીલો ચાતરનારો બની રહ્યો. ૧૮૨૦માં મીણબત્તીમાંથી નીકળતી બદબૂનો ઉપાય શોધાયો હતો. ફ્રાન્સ રસાયણશાસ્ત્રી મિશેલે પ્રાણીની ચરબી-ઓઈલમાંથી નીકળતા એસિડ વગેરે પદાર્થોને મીણબત્તી બનાવતી વખતે કઈ રીતે અલગ તારવી શકાય તેનો ઉપાય શોધી કાઢ્યો હતો. જેનાથી મીણબત્તી બનાવતા પહેલા અમુક રાસાયણિક પ્રક્રિયા કરીને દૂર્ગંધ ફેલાવતા એસિડને અલગ કરી શકાતો હતો. આ ઘટના સદીઓ જૂની મીણબત્તીના નવા લિબાસ માટે કારણભૂત બની હતી. બદબૂ દૂર કરવાની સાથે સાથે તેમાં અમુક દ્રાવણ ભેળવાય તો સુગંધ પ્રસરે છે એવી ય તરકીબો શોધાતી હતી. ખાદ્યપદાર્થ જેવી સુગંધ કે ગમતા ફૂલોની ફોરમ મીણબત્તીની રોશની સાથે ફેલાય તો બિઝનેસ વધુ વિકસી શકે એવી ગણતરી માંડીને થોડા એ તરફ સંશોધનો થયાં. એ જ અરસામાં કાળા રંગની મીણબત્તીઓમાં રંગપૂરણી પણ થઈ. મનગમતી મહેક સાથે મનભાવન રંગની મીણબત્તીઓ જગતભરના માર્કેટમાં મળવા લાગી હતી.
૧૯મી સદીનો પૂર્વાર્ધ મીણબત્તીના વિકાસમાં છલાંગ લગાવનારો રહ્યો અને ઉત્તરાર્ધ લાઇટિંગ ટેકનિક માટે સીમાચિન્હ બની રહ્યો. ૧૮૭૯માં લાઇટ બલ્બની શોધ થઈ એ પછી એક તબક્કે એવું મનાતું હતું કે હવે કેન્ડલ ઉદ્યોગમાં અંધારું થઈ જશે. જોકે, એ માત્ર ધારણા જ પૂરવાર થઈ. ૨૦મી સદીમાં ઉદ્યોગ ઘટવાને બદલે સતત વધતો ચાલ્યો. તેના ઉપયોગનું સ્વરૃપ ભલે બદલાતું ગયું, પણ તેની લોકપ્રિયતા અકબંધ રહેવા પામી છે.
મીણબત્તીના વ્યાપનો અંદાજ એ વાત પરથી આવી શકે કે યુરોપ તેમજ અમેરિકામાં દર ૧૦માંથી ૭ ઘરોમાં કેન્ડલનો ઉપયોગ થાય છે. એશિયન-આફ્રિકન દેશોમાં ખૂબ ઝડપથી આ એવરેજ સુધરીને ૧૦માંથી પાંચ ખોરડા થઈ છે.
અંધારા ઓરડામાં ઉજાસ વેરવાથી લઈને કોઈક આલિશાન હોટલના અંધારા કોનામાં કેન્ડલ લાઇટ ડિનર સુધી મીણબત્તીનો માન મરતબો જળવાયો છે. ક્યાંક તે શણગાર સ્વરૃપે હાજરી નોંધાવે છે, તો ક્યાંક શ્રદ્ધારૃપે ઝળહળી ઊઠે છે. કેન્ડલ્સ આજે પ્રકાશનો એક માત્ર સોર્સ નથી, પણ પ્રસંગોએ ઘર સજાવટથી ધાર્મિક કાર્યક્રમો સુધી બધે જ તેની અનિવાર્યતા તો બની સિદ્ધ થઈ જ છે. એકદમ નાનકડી સાઇઝમાં પણ ઉપલબ્ધ બનતી કેન્ડલ્સનો વપરાશ સૌથી વધુ બર્થ ડે સેલિબ્રેશન વખતે થાય છે. પ્રકાશ માટે થતો હતો કદાચ એનાથી વધુ વપરાશ અને વ્યાપ ૨૧મી સદીમાં થયો છે. હવે તેની પાસેથી રોશનીની અપેક્ષા નથી હોતી, પણ જીવનના યાદગાર પ્રસંગોને રોશન કરવાની જવાબદારી તો તે આજેય સુપેરે નિભાવી જાણે છે.

મીણબત્તીથી રોશન દુનિયા

* આયર્લેન્ડના કેપિટલ ડબલીનમાં સૌથી જૂની મેન્યુફેક્ચરિંગ કંપની રાથબોર્ન કેન્ડલ્સ હજુ ય ૧૪૮૮ના વર્ષથી આજે ૫૨૬ વર્ષથી પણ ઉત્પાદન કરી રહી છે. પાંચ પાંચ સદી જૂની કંપની કાર્યરત રહી હોય એવા આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉદાહરણો માંડ મળે છે. આ કંપની હવે ડબલીનની વૈશ્વિક ઓળખ બની ગઈ છે એટલે તેને નિભાવવા માટે સરકાર પણ પ્રયાસો કરે છે.

* ૧૯મી સદીમાં ભારતમાં બનતી કેન્ડલ્સમાં તજની ફ્લેવર માણી શકાતી હતી. તજના ઉપયોગથી બનતી મીણબત્તી અંગ્રેજી અફસરો બહુ જ પસંદ કરતા હતા.
* રોમનો પ્રાણીઓની ચરબી, તેલ અને શણની વાટ વગેરેની શેળભેળથી બનેલી મીણબત્તીનો ઉપયોગ કરતા હોવાનું પ્રાચીન રોમન લખાણોમાંથી જણાયું છે. ખાસ તો રોમન રાજાઓ મીણબત્તીઓના શોખીન હતા અને પોતાને ગમતી મીણવાટ બનાવવા કુશળ કારીગરોને તગડું વેતન પણ આપતા હતા.
* જેનો અર્થ આપણે મીણબત્તી કરીએ છીએ એ અંગ્રેજી વર્ડ કેન્ડલ મૂળ તો લેટિન શબ્દ કેન્ડિલા ઉપરથી ઉતરી આવ્યો છે. તેનો એક મતલબ થાય છે- ચળકાટ. બીજો અર્થ થાય છે અંધકારને દૂર કરનારી સફેદ રોશની.
* મીણબત્તી બનાવવા માટે પ્રાણીના શરીરની ચરબી-ઓઈલથી લઈને ફળોનો રસ, મધપૂડામાંથી મળતું મીણ વગેરેનો ઉપયોગ થતો હતો, પણ પછી પરિવર્તનની સાથે સાથે વ્હેલ માછલીના માથામાંથી નીકળતા સફેદ પદાર્થથી લઈને પેટ્રોલિયમમાંથી મળતા પેરાફિન વેક્સનો પણ મોટાપ્રમાણમાં વપરાશ થવા લાગ્યો છે. આજે તો મીણબત્તી બનાવવા માટે એક કરતા અનેક પદાર્થ હાજર હોય છે.
* ૧૭મી સદીમાં ઈંગ્લેન્ડે એક વટહુકમ બહાર પાડીને હોમમેઇડ મીણબત્તી બનાવવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. આજે મીણબત્તી બનાવવાનો ગૃહ ઉદ્યોગ સરળ છે, પણ એ વખતે ઈંગ્લેન્ડમાં મીણબત્તીના ગૃહ ઉદ્યોગ માટે પરવાનો લેવો ફરજિયાત હતો. સાથે સાથે માતબર ટેક્સ પણ ચૂકવવો પડતો હતો. કારણ કે, કારખાનેદારોએ આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું એટલે ઈંગ્લેન્ડને એમાં બિઝનેસ દેખાયો હતો.
* ભારત અને ચીનમાં બનેલી સસ્તી મીણબત્તીઓનું યુરોપિયન દેશોમાં અને અમેરિકામાં મોટું બજાર વિકસ્યું છે. અમેરિકામાં વેક્સની કિંમત ખૂબ ઊંચી હોય છે, જ્યારે ભારત ચીનમાં ૫૦ કિલોના વેક્સના ભાવ ૧૫૦૦થી ૨૦૦૦ સુધી રહેતા હોય છે. જેના કારણે એશિયન દેશો જેટલી સસ્તી મીણબત્તી બનાવવી યુરોપ-અમેરિકામાં ખૂબ અઘરું પડે છે
Friday 24 October 2014
Posted by Harsh Meswania
Tag :

એક હતી રંગોળી : રંગોળીનો ફિકો પડતો જતો રંગ!


દીપાવલી-નૂતન વર્ષ એટલે મીઠાઈઓ-ફટાકડાં-દીવડાની સાથે સાથે રંગોળીનો પણ તહેવાર. ભારતીય તહેવારોમાં રંગોળીનું મૂલ્ય અનેરું અંકાતુ હતું, પણ સદીઓ જૂની આ ભારતીય પરંપરાની રંગત રંગવિહિન થવાના આરે પહોંચી છે, જેના માટે થોડાં વર્ષો પછી કહેવાશે- એક હતી રંગોળી!

નવી વહુના ગુણ જોવા હોય તો તેની રંગોળીની એક ઝલક મેળવવી પડે એવું ધારીને ગામડાં ગામમાં મહિલા વર્ગ ખાસ નવી પરણેલી વહુ જે ઘરમાં આવી હોય એ ઘરમાં 'નવા વર્ષના રામ રામ' કરવા આવે અને ગોળ ગોળ વાતો કરીને પૂછી જ લે કે આ રંગોળી નવી વહુએ બનાવી છે? રંગોળી જો સારી બની હોય તો મુલાકાતી એવું વિચારે કે નવોઢા છે તો ગુણિયલ! પણ જો રંગોળીમાં ભલીવાર ન હોય તો થોડા દિવસ 'એ સાંભળ્યું, પેલી તો કંઈ જ શીખીને નથી આવી' પ્રકારની ખોદણી પણ થાય. રંગોળી સારી બની હોય તો વડસાસુ-સાસુ-કાકી સાસુ વગેરે બહુ પોરસથી આગંતુકને બતાવે કે 'જૂઓ આ રંગોળી અમારી નવી વહુએ બનાવી છે હોં' અને એ પ્રશંસા સાંભળીને રસોડામાં એકલી એકલી કામ કરતી વહુ કામનો બોજ ભૂલીને મલકાઈ ઉઠે. એના કામનો ઉત્સાહ બમણો થઈ જાય! રંગોળી નવી વહુની ક્રિએટિવિટીનો ક્રાઇટેરિયા બની જતો. આમ પણ રંગોળી દ્વારા મહિલાઓની આવડતની પરીક્ષા અને જો એમાં સફળ થાય તો પ્રશંસા બંને થતી.
દિવાળીના તહેવારોમાં બહારથી બધુ લાવવાની જિમ્મેદારી પુરુષની રહેતી અને ઘરની સફાઈથી લઈને રંગોળી સુધીની જવાબદારી મહિલાઓ હોંશે હોંશે ઉપાડી લેતી. ફળિયામાં ગાયનું છાણ અને રાતી માટીનું ખૂબ કાળજીપૂર્વક લિંપણ કરીને તેના પર રંગોળી બનાવાતી હતી. આપણા લોકસંગીતની જેમ રંગોળી પણ એક પેઢીથી બીજી પેઢીને સહજ રીતે વારસામાં મળી જતી. જેના કારણે એ આખી પરંપરા સદીઓ સુધી જીવંત રહી શકી. દિવસો અગાઉનું આયોજન, કેવી રંગોળી બનાવવી એના વિચારો અને એ માટે રંગોની પસંદગી સહિતની બાબતોમાં ખૂબ જ ચિવટથી કામ લેવામાં આવતું. કોઈક કોઈ પ્રદેશમાં તો રંગોળીથી ઘરની સ્ત્રીઓ વીતેલા વર્ષનું સરવૈયુ આપતી, જેના આધારે મહેમાનો યજમાનની આર્થિક-માનસિક સ્થિતિનો કયાસ કાઢી લેતા.
સપરમાં દિવસે ઘરે આવનારા મહેમાનો રંગોળી જોઈને ખુશ થઈ જાય એવો ભાવ એ રંગોળીની મહેનત પાછળ રહેતો, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રંગોળી આજના વોટ્સએપ-ફેસબૂકના વાઇરલ જમાનામાં લુપ્ત થતી જતી કળા બની રહી છે. બહુ બહુ તો તૈયાર ડિઝાઈનના પતાકડાં બજારમાંથી ખરીદી લઈને એમાં રંગ પૂરીને રંગોળી બનાવ્યાનો સંતોષ મેળવી લેવાય છે. કોઈ વળી થોડો વધુ ઉત્સાહ દાખવીને રંગોળીની આખી ચોપડી જ ખરીદી લાવે છે. રંગોળીને લાગેલું ગ્રહણ એટલે ઓછી મહેનતે ફટાફટ રંગોળી બનાવી નાખવાનું આ વલણ. બજારમાં મળતા તૈયાર બીબાંમાં બિંદુ જોડીને રંગોળી બનાવી નાખવાની અને એ બૂકમાં લખેલા કલર્સ જ પૂરી દેવાનો જે  હાથવગો શોર્ટકટ છે એના કારણે ભારતની પરંપરાગત રંગોળી તરાહમાં તો મોટો તફાવત આવ્યો જ છે એ તો જાણે ઠીક, પરંતુ રંગોળી બનાવવાની કલાકોની મહેનત પછી એ જોઈને તહેવારમાં કશુંક કર્યાનો જે આનંદ આવતો એમાં તો જરૃર ઓટ આવી છે. જોકે, આ ઓટ પહેલા ભરતીનો સાગર પણ ઘૂઘવતો હતો.
                                                                                 * * *
દીપાવલી-બેસતા વર્ષની તહેવાર શ્રૃંખલાની ધાર્મિક માન્યતા રામના વનવાસ પછી અયોધ્યા આગમન સાથે જોડાયેલી છે અને રંગોળીનો ઈતિહાસ પણ એમાંથી બાકાત નથી. રામના આગમનથી હર્ષિત થયેલાં અયોધ્યાવાસીઓએ આતશબાજી કરીને આખા અયોધ્યાને શણગાર્યું હતું. ઘરના ચોગાનમાં વિભિન્ન રંગો બિછાવીને રંગોળી બનાવી હતી ત્યારથી દર વર્ષે રંગોળી બનાવવાની પ્રથા થઈ હોવાનું વ્યાપક પણે મનાય છે. રામાયણ-મહાભારત જેવા ભારતીય પૌરાણિક મહાકાવ્યોમાં રંગોળીના વર્ણનો મળે છે.
રંગોળી સાથે બ્રહ્માજીની કથા ય જાણીતી છે. ભારતના જૂનાં ચિત્રોને ટાંકીએ એક ઈતિહાસ એવો વર્ણવાયો છે કે પ્રાચીન કાળમાં એક રાજા અને તેના પ્રજાજનો રાજકુમારના અકાળ મૃત્યુુથી બહુ જ વ્યથિત હતા. બધાએ મળીને બ્રહ્માજીને આહ્વાહન કર્યું એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા. રાજાએ બ્રહ્માજી પાસે રાજકુમારના જીવનનું વરદાન માંગ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું કે રાજકુમારની પ્રતિકૃતિ સમાન ચિત્ર દોરી આપશો તો હું એમાં પ્રાણ પૂરી દઈશ. આજ્ઞાાનુસાર રાજદરબારના આંગણે જ રાજકુમારની પ્રતિકૃતિ દોરવામાં આવી, વચન પ્રમાણે બ્રહ્માજીએ પ્રાણ પૂર્યા એટલે રાજકુમાર સજીવન થયો. એ ઘટના હંમેશા માટે યાદ રાખવા માટે પછીથી એ રાજ્યમાં રંગોળી પૂરાવાની શરૃઆત થઈ અને એ રીતે રંગોળીનો ફેલાવો થયો.
                                                                                 * * *
ભારતમાં રંગોળીનો ફેલાવો એટલો બધો વ્યાપક છે કે નામ-રીત ભિન્ન હોવા છતાં તત્વતઃ રંગોળી બધે જ અલગ અલગ તહેવારોની શાન બની રહી છે.  ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રંગોળી નામ લોકજીભે ચડયું છે, પણ અન્ય રાજ્યોમાં રંગોળીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. બંગાળની રંગોળીઓમાં ચોખાનો ભરપૂર ઉપયોગ થાય છે, વળી દરિયાકાંઠેથી મળતા નાના નાના શંખ વગેરેનો ઉપયોગ થાય છે. આ રંગોળીને અલ્પના કહેવામાં આવે છે. કેરળમાં ફૂલોથી રંગોળી બને છે જેને પૂક્કલમ કહેવાય છે. રાજસ્થાનમાં માંડના તો ઉત્તરપ્રદેશમાં ચૌકા પૂરના કહેવાય છે. વળી, આધ્રપ્રદેશમાં મુગ્ગુલ, હિમાચલ પ્રદેશમાં અદૂપના, તમિલનાડુમાં કોમલ અને બિહારમાં એપન જેવા લોકબોલીના નામોથી આપણી આ રંગોળી ઓળખાય છે.
હવે તો બજારમાં કેટલા બધા પ્રકારના રંગ મળે છે, પણ જ્યારે આવી અનુકૂળતા નહોતી ત્યારે રંગોળી બનાવા ઘરેલું રંગનું સર્જન કરાતું. ચોખાનો લોટ અને ઘઊંના દાણાને અધકચરા કરીને તેનો રંગોળીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. એ પાછળનો રંગોળી બનાવવા ઉપરાંતનો હેતુ એવો હતો કે કીડીઓ-કબૂતર જેવા પક્ષીઓ સહિતના સજીવો એમાંથી તેનો ખોરાક મેળવે એટલે રંગોળીની રંગોળી થાય, સાથે સાથે આવા સજીવોનું પેટ ભરાય એટલે એ બહાને તહેવારમાં થોડું પૂણ્ય પણ મળે!
ભારતભરની રંગોળીમાં બીજી એક બાબતની સમાનતા શ્વેત રંગમાં જોવા મળે છે. અન્ય રંગોની તુલનાએ આપણી રંગોળીઓમાં શ્વેત રંગ છૂટથી વપરાય છે. દક્ષિણ ભારતમાં ફૂલોની રંગોળી બને છે એમાં ય સફેદ ફૂલોનો ઉપયોગ થાય છે. કારણ કે તહેવાર પ્રિય અને શાંતિ પ્રિય આપણે ભારતીયો શ્વેત રંગને શાંતિ-શુદ્ધતાનો રંગ ગણીએ છીએ એટલે તહેવારોમાં વધુ સમૃદ્ધિ ભળે એવો આશય પણ ખરો જ!
જીવનમાં રંગોળીનું સિમ્બોલિક મહત્વ છે. આટલા દિવસના તહેવાર દરમિયાન સતત નવી નવી રંગોળી બનાવવા પાછળ જીવનમાં સતત નવું સ્વીકારવાનો હિડન મેસેજ રહેલો છે. તહેવારોમાં આંખને ગમે એવી ડિઝાઇન અને કલર્સથી પોઝીટિવ વેવ્સ ફેલાય છે એટલે ઉમંગ બેવડાઈ જાય છે.
રંગોળી પરથી તેને દોરનારાના વ્યક્તિની ય ઝાંખી મેળવી શકાય. કેવા કલર્સ વપરાયા છે અને રંગોળીમાં દોરાયેલી આડી-અવળી રેખાઓના આધારે વ્યક્તિત્વના હિડન હકારાત્મક અને નકારાત્મક પાસાઓ પણ ઓળખાતા. ખાસ તો યુવાનીના ઉંબરે પગ મૂકતી કન્યાએ દોરેલી રંગોળી પરથી મહેમાનો તેના ગુણોને તારવી જાણતા એવું ય મનાતું હતું. રંગોળીથી ઘરમાં રહેતા લોકોની કલા તરફની રૃચિ દેખાતી, તહેવારનો ઉમંગ તેના હૈયાના કેટલો છે એનો તાગ રંગોળી જોઈને આવતો. પણ હવે તૈયાર બિંદુઓમાં રંગ પૂરીને રંગોળી જેવી ભાત પાડવાનો જે ચીલો પડયો છે એના કારણે કેટલાક વર્ષો પછી કથાનકોમાં કહેવાતું હશે- એક હતી રંગોળી...

રેકોર્ડ બૂકમાં રંગોળી

કર્ણાટકના બેેંલગાઁવમાં જ્યોતિ ચિંડક અને તેની ટીમે વેસ્ટ વસ્તુઓ એકઠી કરીને ૨૦૧૨ના મધર્સ ડે નિમિત્તે વિશ્વભરની મહિલાઓને સંદેશ આપવા ૧૯૫૮૨ સ્કવેર ફીટમાં વિશાળ રંગોળી બનાવી હતી. માત્ર આઠ જ કલાકમાં બનેલી એ રંગોળીને લાર્જેસ્ટ વેસ્ટ મટિરિયલ રંગોળી તરીકેનું સન્માન ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડે આપ્યું હતું. જોકે, આ રંગોળીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ન હતું.
ગિનિસ બૂકમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં બનેલી રંગોળીને સ્થાન મળ્યું છે. જિલ્લા એડમિનિસ્ટ્રેશનના સહકારથી ૧૫૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૫૦ હજાર કિલોગ્રામ કલરના ઉપયોગ દ્વારા માત્ર બે કલાકમાં ૨૨, ૮૬૨ સ્કવેર મીટરની રંગોળી બનાવી હતી. બેટી બચાવો આંદોલનના ભાગરૃપે બનેલી આ રંગોળીએ કેટલાક રેકોર્ડ પોતાના નામ કર્યા હતા. અગાઉનો વિક્રમ અમદાવાદમાં નોંધાયો હતો. પ્રજાપતિ બહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના પ્રયાસોથી ૨૦૧૧માં લગભગ ૨૫૦૦ સભ્યો-સ્ટૂડન્ટ્સે મળીને ૯,૦૨૮ સ્કવેર મીટર રંગોળી બનાવી હતી, જેને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

કેવા રંગોથી રંગોળી ખરા અર્થમાં રંગીન બને છે?

* લાકડાના વ્હેરને રંગીને, વિવિધ  રંગી દાળોનો ઉપયોગ કરીને, વિભિન્ન રંગી ફૂલોની પાંદડીઓ કે રંગેલા ચોખાની મદદ ઘરની સામગ્રીથી ભારતના ઘણા પ્રદેશોમાં રંગોળી બનાવાય છે. 
* ધામક સ્થાનોમાં પરંપરાનું પાલન કરીને ચોખા-ઘઉંનો લોટ, કંકુ-હળદરનું ચૂર્ણ વગેરેનો ઉપયોગ શુકનવંતી રંગોળી કરવામાં થાય છે.
* કાચા ચોખાને થોડો વખત પલાળીને પછી તેની પેસ્ટ બનાવવામાં આવે છે. કાપડના વીંટાને પેસ્ટમાં પલાળીને, તેને અનામિકા (ત્રીજી આંગળી) પર વીંટીને તેનાથી ડિઝાઈન પાડવામાં આવે છે. સૂકાયા બાદ આ સફેદ ડિઝાઈન ખૂબ સુંદર લાગે છે. રંગ ઉમેરવા માટે તેમાં કંકુ અને હળદરનો ઉપયોગ કરી થાય છે.
* ખાદ્ય રંગોને ચોખાના દાણાંમાં મેળવીને ઘેર બેઠા રંગ બનાવી શકાય છે. ખાદ્ય રંગને થોડાં પાણીમાં મેળવીને તેમાં ચોખા નાખવામાં આવે છે. ચોખાને એક સરખો રંગ લાગે ત્યાં સુધી હલાવ્યા પછી રંગેલા ચોખાને છાંયડામાં એક કાગળ પર પાથરીને સૂકાવવા મૂકી દેવાય છે. સૂકાયેલા ચોખાનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાવો.
* ગુલાબની પાંદડીઓ, ગલગોટાની પાંદડીઓ, કાગળ જેવા જાંબલી ફૂલોની પાંદડીઓ, કાપેલું ઘાસ કે પાંદડા વગેરેનો ઉપયોગ કરીને મોટાં કદની પ્રકૃતિમય રંગોળી પૂરવામાં આવે છે.
Sunday 19 October 2014
Posted by Harsh Meswania
Tag :

જ્યારે અમેરિકાએ એક ચોરને કોટવાળ બનાવ્યો!


દુનિયાભરના હેકર્સ માટે હીરો રહેલા કેવિન મિટનિકનું નામ સાંભળતા જ એક સમયે એફબીઆઈના ભવાં તંગ થઈ જતા હતા, એ જ માણસ હવે કમ્પ્યુટર સિસ્ટમની સુરક્ષા માટે એફબીઆઈની મદદ કરે છે!

૧૯૮૦ના દાયકામાં જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ દુનિયાભરમાં હજુ નવી નવી વિકસીને વ્યાપક બની રહી હતી ત્યારે એક ૧૫-૧૬ વર્ષના છોકરાને કમ્પ્યુટર સિસ્ટમ શીખવાને બદલે એ જાણવામાં વધુ રસ પડયો કે એમાં પડેલી માહિતી છૂપાયેલી રાખી હોય તો પણ કેમ શોધી શકાય? લોકો કમ્પ્યુટર સિસ્ટમ, સોફ્ટવેર શીખવામાં વ્યસ્ત હતા ત્યારે આ છોકરો એને કઈ રીતે તોડી શકાય એ તરકીબ શોધવામાં મસ્ત હતો. ધીરે ધીરે એકાદ વર્ષની મહેનત બાદ તેણે અંતે એ કળા હસ્તગત કરી લીધી. મિત્રોના કે સગા-વ્હાલાના કમ્પ્યુટરમાં પડેલી વિગતો પોતાને કામની હોય કે ન હોય, પણ કેવી રીતે ઉઠાવી લેવી એ જ તેના દિમાગમાં ચાલતું હોય. જેમ સિક્યુરિટી વધુ જડબેસલાક હોય એમ તેને વધારે મજા પડતી. થોડા વર્ષોમાં કમ્પ્યુટર સિસ્ટમ વધુને વધુ સિક્યોર બનતી ગઈ અને પેલો છોકરો વધુને વધુ શાતિર બનતો ગયો. કિશોર વયે કોઈકના ટેલિફોન જોડાણને અધવચ્ચેથી અવરોધીને ખાનગી વાતો સાંભળી લેવી કે પછી ટિખળ માટે એ લાઇનમાંથી અન્ય મિત્રોને ફોન કરવા જેવા જે નટખટ નુસખાઓ માત્ર ગમ્મત ખાતર કર્યા હતા એ જ આગળ જતાં કમ્પ્યુટર હેકિંગ માટે પ્રેરક બન્યા.
મોટી મોટી કંપનીઓની ખાનગી માહિતી મેળવવાની સાથે સાથે તેના સોફ્ટવેરનો ભરપૂર ઉપયોગ એ છોકરો કરવા લાગ્યો હતો. ૨૦ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે અનેક કંપનીઓને પોતાની ઝપટે ચડાવી દીધી હતી. એમાં એક કંપનીના સોફ્ટવેરની નકલ કરવાના ગુનામાં એ સપડાઈ ગયો. અમેરિકામાં નવા નવા ઘડાયેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ તેને ૧૯૮૮માં એક વર્ષની સજા થઈ. જેલની સજા પૂરી કરી એટલે તેને ૩ વર્ષની સરકારની નિગરાની હેઠળ રાખવામાં આવ્યો. હવે તે જેલમાં ન હતો, પણ તેની બધી જ બાબતો પર સરકાર સીધી નજર રાખતી હતી. એમ કરતા બીજા ત્રણ વર્ષ પણ વીતી ગયા. એ દરમિયાન એ શાંત રહ્યો, ગુનો કરવાની એકેય કોશિશ તેણે એ સમયે ન કરી.
સરકારને લાગ્યું કે હવે એ હેકિંગ છોડી દેશે ત્યાં જ તેણે પૈસિફિક બેલ નામના વોઇસ મેઇલ કમ્પ્યુટરને હેક કર્યું. ફરીથી તેના નામે ધરપકડ વોરંટ નીકળ્યું. એ પોલીસને હાથતાળી આપીને આબાદ છટકી ગયો. એફબીઆઈએ અઢી વર્ષ તેને શોધવામાં કાઢ્યાં. એ દરમિયાન તેણે ખરા અર્થમાં હેકિંગ ક્ષેત્રે હાહાકાર મચાવી દીધો. અમેરિકાની વિખ્યાત ટેલિકોમ કંપનીઓના સોફ્ટવેર ચોરવાથી લઈને ખાનગી ઈ-મેઇલ વાંચવાં સુધીના ગુનાઓ તેણે આચર્યા. થોડા વર્ષોમાં સ્થિતિ એ આવી કે તે અમેરિકાના સાઇબર ક્રાઇમમાં મોખરાનું નામ ગણાવા લાગ્યો. ટૂંક સમયમાં અમેરિકાએ તેને મોસ્ટ નોટોરિયસના લિસ્ટમાં અગ્રતાક્રમ આપ્યો! તેને મોસ્ટવોસ્ટેડ જાહેર કરાયો. એની ધરપકડની ઘટના માધ્યમોમાં પણ ખૂબ ચર્ચાસ્પદ બની હતી. સરકાર પર મીડિયાએ દબાવ વધાર્યો એટલે સરકારે એફબીઆઈ ઉપર એને કોઈ પણ ભોગે પકડવાનું પ્રેશર કર્યું. અંતે ૧૫ ફેબુ્રઆરી, ૧૯૯૫ના રોજ પોલીસે તેના કેરોલિના ખાતેના ગુપ્ત આવાસનું પગેરું દાબીને તેની ધરપકડ કરી. ૨૦ હજાર ક્રેડિટ કાર્ડના નંબરો ચોરી લેવા સહિતના ૨૨ ગુનાઓ માટે તેના પર કેસ ચલાવાયો અને છેવટે તેને પાંચ વર્ષની સજા થઈ. એ સિવાયના અન્ય હેકર્સ સાથેની સંડોવણી સહિતના થોડા કેસ તો પેન્ડિંગ હતા એટલે એક રીતે આ ૩૦ વર્ષના યુવાન હેકરની બાકીની જિંદગી જેલમાં જ નીકળે એ વાત લગભગ પાકી હતી. જેલમાંથી છૂટે એટલે તરત જ સરકારની કડક નિગરાની હેઠળ રહેવાનું હતું એ નફામાં. કોઈ ગુનેગાર માટે આટલું થાય એટલે લગભગ બાકીની જિંદગી યાતનામય હોય એ નક્કી જ હોય, પરંતુ આ હેકર થોડો અલગ હતો અને એની જિંદગીમાં અણધાર્યા વળાંકો સહજ હતા!
                                                                       * * *
આ હેકર એટલે આજનો વિશ્વ વિખ્યાત કમ્પ્યુટર સુરક્ષા સલાહકાર કેવિન મિટનિક. મિટનિક વિશ્વભરના હેકર્સ માટે રોલ મોડેલ હતો. હેકિંગ કઈ રીતે કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મિટનિક હતો. એનું હેકિંગ એટલું સજ્જડ હતું કે એફબીઆઈને પણ તેની નોંધ લેવી પડી એ બાબત જ વિશ્વભરના સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા લોકો માટે મિટનિકના સન્માન ખાતર પૂરતી હતી. એટલું જ નહીં, જે દિવસે મિટનિકના હેકિંગના સમાચારો ચમક્યા એ દિવસે તેના સન્માનમાં વિશ્વભરના હેકર્સે ઘણી બધી સિસ્ટમ્સ અને સોફ્ટવેર પર ત્રાટક્યા હતા. એટલું જ નહીં, એ વખતે ૧ કરોડ ૬૦ લાખ જેટલી વેબસાઇટ્સ હતી એમાંની હજારો લોકપ્રિય વેબસાઇટ્સ પર પણ હેકર્સ ત્રાટક્યા હતા અને તેમાં ટેકનિકલ ખામી સર્જી દીધી હતી. હેકિંગના ગુના માટે પકડાયેલા કોઈ ગુનેગાર માટે જગતભરના હેકર્સમાં રોષ ભભૂક્યો હોય અને બધાએ એક સાથે આટલા પ્રમાણમાં વેબસાઇટ્સને નિશાન બનાવી હોય એવો જગતનો આ પહેલો બનાવ હતો.
પછી તો મિટનિકે એના કારાવાસ દરમિયાન નવરાશના સમયનો ઉપયોગ કરીને એક પુસ્તક લખી કાઢ્યું, જેનું નામ હતું- 'ધ આર્ટ ઓફ ડિસેપ્શન'. જોકે, એ પછી તો તેણે હેકિંગની દુનિયામાં ડોકિયુ કરતા ઘણા પુસ્તકો લખ્યા, પણ  'ઘોસ્ટ ઇન ધ વાયરઃ માય એડવેન્ચર અસ ધ વર્લ્ડસ્ મોસ્ટ વોન્ટેડ હેકર્સ' નામના પુસ્તકે મિટનિકને ઘણી ખ્યાતિ અપાવી. એ પુસ્તકમાં મિટનિકે પોતે કઈ રીતે કામ કરતો હતો વગેરેથી લઈને હેકર્સની માનસિકતા અને તેના કાર્યો વિશે વિગતે લખ્યું છે. એ પુસ્તક આજેય હેકર્સની માનસિકતા અને કાર્ય પદ્ધતિ સમજવા માટે રેફરેન્સમાં લેવાય છે. મિટનિકનું કામ અહીં પૂરું થતું ન હતું. પુસ્તક લખવા ઉપરાંત હજુયે તેણે અમેરિકા માટે ઘણું કરવાનું બાકી હતું. એક મોટો વળાંક બાકી હતો જે તેને સમગ્ર સાઇબર વિશ્વમાં અનોખી ઓળખ આપનારો બની રહેવાનો હતો.
                                                                           * * *
મિટનિકનો જેલવાસ ૨૦૦૦ના વર્ષમાં પૂરો થયો અને એ સાથે વધુ એક વખત નજરકેદ જેવી સ્થિતિ આવી પડી. આ પહેલા જ્યારે ટિનેજર તરીકે પકડાયો ત્યારે જેમ ત્રણ વર્ષ સરકારની નિગરાની હેઠળ રખાયો હતો એવું જ આ વખતે થયું પણ થોડું અલગ રીતે. આ વખતે તેણે એક પણ ડિવાઇઝને હાથ સુદ્ધાં લગાવવાનો ન હતો. તેને એક માત્ર સવલત મેળવવાની છૂટ હતી-ઈ-મેઇલની. એમાંયે એણે તો ટાઇપિંગ પણ કરવાનું ન હતું. તેની ગર્લ ફ્રેન્ડ તેના વતી મેઇલ ચેક કરી આપતી. આમ છેક ૨૦૦૩  સુધી ચાલ્યું, પરંતુ એ દરમિયાન હેકિંગ અને કમ્પ્યુટર સિસ્ટમમાં મિટનિકની અનોખી કૂનેહના કારણે એફબીઆઈએ તેની સેવા લેવાનું નક્કી કર્યું. તેની કુશળતા વેડફાઈ જાય એના કરતા તેની પાસેથી રચનાત્મક કામ લેવાના ઈરાદાથી એફબીઆઈએ ખાસ આયોજન કરીને સરકારી સિસ્ટમ્સની સુરક્ષાની જવાબદારી મિટનિકના શિરે આપી. શરૃઆતમાં તેના ઉપર બરાબર ચાંપતી નજર રખાતી હતી, પરંતુ પછી સરકારનો વિશ્વાસ સંપાદન કરવામાં મિટનિકને સફળતા મળવા લાગી. ત્યાર બાદ તેને સાઇબર સિક્યુરિટી કન્સલટન્ટ બનાવાયો. અમેરિકામાં સાઈબર ક્રાઇમ અને હેકિંગની બાબતમાં જાગૃતિ લાવવા માટે ચાલતા સાઇબર સિક્યુરિટી અવેરનેસ ટ્રેનિંગના ચીફ હેકિંગ ઓફિસર તરીકે મિટનિકની નિમણૂંક કરાઈ હતી. ૫૦ વર્ષના થયેલા આ સાઇબર જગતના માસ્ટર માઇન્ડે સાઇબર સિક્યુરિટી એજન્સી ખોલી છે, સરકાર અવારનવાર તેની સેવાનો લાભ લે છે. હમણાં ફરીથી ચીની હેકર્સના ત્રાસથી છૂટકારો મેળવવો હતો એટલે એફબીઆઈને તરત જ મિટનિક યાદ આવ્યો. એફબીઆઈના ડિરેક્ટર જેમ્સ કોમીના કહેવા પ્રમાણે અમેરિકાની મોટી મોટી કંપનીઓ ચીની હેકર્સના નિશાના ઉપર છે અને સરકારી એજન્સીઓ પણ એના સંભવિત લિસ્ટમાં હોય એ સ્વાભાવિક છે. એમાંથી ઉગરવા માટે ફરીથી મિટનિકની મદદ લેવામાં આવશે.
આજના સાઇબર ક્રાઇમ અને હેકિંગ વિશે મિટનિકનું માનવું છે કે 'આગામી સમયમાં વિભિન્ન દેશોના આર્થિક પતન માટે હેકિંગ કારણભૂત હશે. આપણે જેટલી ગંભીરતાથી આંતકવાદ અને શસ્ત્રોને લઈએ છીએ એટલી કે કદાચ એનાથી વધારે ગંભીરતાથી સાઇબર ક્રાઇમ અને હેકિંગને લેવાની જરૃર છે. એવું પણ બને કે આપણી ગુપ્ત બાબતો જે આપણા પરિવારને પણ ખબર ન હોય એ વાત કોઈક અજાણ્યે ખૂણે કોઈક અજાણ્યા માણસને ખબર હોય. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માનવી સુધી દરેક માટે હેકિંગ ખતરનાક બાબત છે એ આપણે યાદ રાખવું રહ્યું.' બદલાતા સમયમાં અને ઈન્ટરનેટની વધતી જતી વિશાળતા વચ્ચે કદાચ મિટનિકે તેની કાળી બાજુઓનો બરાબર અભ્યાસ કરી લીધો છે અને આ શબ્દોમાં તેનો નિચોડ ઝળકી રહ્યો છે.
જગતના હેકિંગ ઈતિહાસમાં મોસ્ટ નોટોરિયસ ગણાતા ગુનેગારની આવડત પર ભરોસો મૂકીને મહત્ત્વની કામગીરી સોંપવાનું કામ ખતરનાક પણ બની શકે અને જો તેને આ રીતે રચનાત્મક દિશામાં વાળી શકાય તો કેવિન મિટનિક જેવા સાઇબર સુરક્ષક પણ ક્રિએટ કરી શકાય છે? ટેલેન્ટને જેલની ચાર દિવાલોમાં જ પૂરી રાખવી કે પછી તેની દિવાલો વિસ્તારી દેવી એ બાબત પર પણ ઘણો ખરો મદાર રહેતો હોય છે!

હેકિંગનો હાહાકાર 
- કમ્પ્યુટર સિસ્ટમ-સોફ્‌ટવેર-ઈન્ટરનેટ જેટલો જ જૂનો ઈતિહાસ હેકિંગનો પણ છે. કમ્પ્યુટર સિસ્ટમ વિકસીને લોકસ્વીકૃત બની રહી હતી ત્યારે એ જ સમયગાળામાં હેકિંગના છૂટા છવાયા બનાવો બનવા લાગ્યાં હતાં.
- ૧૯૮૩માં રીલિઝ થયેલી ફિલ્મ વોરગેઇમ્સ’માં હેકિંગ જગતને આબાદ રીતે કેમેરામાં ઝીલવામાં આવ્યું હતું. એ પછી કેટલાય હેકર્સે સ્વીકાર્યું હતું કે એ ફિલ્મ તેના માટે હેકિંગ કરવા માટે પ્રેરણા બની હતી.
- ૧૯૮૮માં કોર્નેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોબર્ટ મૉરિસે એક પ્રોગ્રામ બનાવ્યો હતો જે કમ્પ્યુટર સિસ્ટમમાં ધૂસીને આખી સિસ્ટમને ઠપ્પ કરી દેવા સક્ષમ હતો. જોકે, રોબર્ટ બહુ સમય સુધી બચી ન શક્યો અને સુરક્ષા એજન્સીએ તેને પકડી પાડ્યો. ત્યાર પછી જોકે તેને દંડ કરીને છોડી દેવામાં આવ્યો હતો.
- ૧૯૯૪માં એક ૧૬ વર્ષના છોકરાએ કમ્પ્યુટર સિસ્ટમ સુરક્ષાની જવાબદારી લેતી અમેરિકન એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. રિચર્ડ પ્રાઇસ નામના એ છોકરાએ નાસાની કમ્પ્યુટર સિસ્ટમને પણ નિશાન બનાવી હતી. એ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. એક 16 વર્ષનો છોકરો નાસાની સિક્યુરિટી તોડી નાખે એ ઘટના મીડિયામાં બહુ ચર્ચાસ્પદ બની હતી.
- ૧૯૯૫માં ક્રિસ્ટોફર પાઇલ નામના એક હેકરને ૧૮ માસની સજા થઈ હતી. કેમ કે, તે વાઇરસ પ્રોગ્રામ લખનારો પ્રથમ હેકર હતો. આવા ગુના સબબ સજા મેળવાનો પાઇલ દુનિયાનો પહેલો હેકર હતો.
- ૧૯૯૯ના વર્ષમાં મેલિસા વાયરસે દુનિયાભરના અસંખ્ય કમ્પ્યુટર્સ ખરાબ કરી નાખ્યા. એફબીઆઈએ રાત દિવસની મહેનત પછી આ વાયરસ બનાવનારા પ્રોગ્રામર ડેવિડ સ્મિથને પકડી પાડ્યો હતો.
- હેકિંગની સૌથી વઘુ સજા મેળવનારો હેકર અમેરિકાનો આલબર્ટ ગોન્ઝલેસ છે. તેણે પોતાને નિર્દોષ પુરવાર કરવા માટે ૨૦ કરોડ ડોલર ખર્ચયા હતા અને પછી પણ ૨૦ વર્ષની જેલ થઈ હતી.
- દુનિયાભરના હેકર્સ મળીને અત્યાર સુધીમાં એક ટ્રિલિયન ડોલરની બૌધિક સામગ્રી ચોરી ચૂક્યાં છે.
- કમ્પ્યુટર હેકિંગનો સૌથી વઘુ શિકાર થનારો દેશ છે અમેરિકા. અમેરિકામાં ૧૩.૧ ટકા કમ્પ્યુટર હેક થયા છે એ પછીના ક્રમે ભારત આવે છે. ભારતમાં કુલ કમ્પ્યુટર પૈકીના ૭ ટકા કમ્પ્યુટર હેકિંગનો શિકાર બન્યાં છે.
- - સૌથી મોટા સૈન્ય હેકિંગને અંજામ દેનારા હેકરનું નામ ગૈરી મેકિનન છે. તેણે ૨૦૦૧-૨૦૦૨માં અમેરિકન આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે ડિફેન્સ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ્સ હેક કરી દીધી હતી. તેણે ૮ લાખ ડોલરનું નુકસાન કર્યું હતું. 
Sunday 12 October 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -