Posted by : Harsh Meswania Sunday 21 December 2014


ડોમેન્સની ડિમાન્ડ પારખીને જેણે શરૃઆતી ડીલ કરી એ આ બિઝનેસમાંથી કરોડો કમાયા. હવે મનગમતા ડોમેન્સ મેળવવાનું અઘરું બન્યું છે એટલે આજે ય પસંદીદા ડોમેન્સનો સરખો દામ લગાવતા આવડે તો કરોડોમાં આળોટી શકાય છે. ઈન્ટરનેટના વ્યાપની સાથે સાથે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફો જેવા જાણીતા ટોપ લેવલ ડોમેનની (વેબ એડ્રેસના નામની પાછળ ઉમેરાતું પૂછડું!) જગ્યાએ નવા ટોપ લેવલ ડોમેન્સની જરૃરીયાત ઉભી થઈ છે, પરિણામે આવતા વર્ષના અંત સુધીમાં બીજા ૬૦૦ ટોપ લેવલ ડોમેન્સ લોંચ થઈ જશે
આજે આપણે આંગળીના ટેરવા કી-બોર્ડ ઉપર ટેકવીને જોઈતી માહિતી સર્ચ કરવા માટે વિભિન્ન વેબ એડ્રેસ ટાઇપ કરી નાખીએ છીએ ત્યારે ક્યારેક વિચાર ઝબકી નથી જતો કે વિશ્વનું સૌ પ્રથમ નોંધાયેલું વેબ એડ્રેસ કયુ હતું? ઈન્ટરનેટની વ્યાપક ગૂંથણી હજુ તેના પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે ૧૫ માર્ચ, ૧૯૮૫ના એક દિવસે વિશ્વનું સૌ પ્રથમ ડોમેન મફતમાં નોંધાઈ ગયું હતું. જે પછીથી ડોમેનની દુનિયામાં સિમ્બોલિક રહેવાનું હતું અને કદાચ એટલે જ તેનું નામ પણ હતું-સિમ્બોલિક ડોટ કોમ. સિમ્બોલિક ડોટ કોમથી શરૃ થયેલી સફર આજે ૧૫ કરોડ ડોમેન્સ સુધી પહોંચી છે અને હજુયે એ સતત આગળ વધે છે.
જોકે, શરૃઆતના એક દશકા સુધી ઈન્ટરનેટ ડોમેન્સ ઉપર સીધો કોઈનો અંકુશ નહોતો અને વળી એ આવતા વર્ષોનું સૌથી મહત્વનું પરિબળ બનશે એવી સમજ પણ વિકસી નહોતી એટલે ડોમેનની નોંધણી મફત થતી હતી. જેમ ઈમેઇલ આઈડી મફત ક્રિએટ કરી શકાય છે એમ જ સ્તો! એટલે ત્યારે જે ફાવી ગયા એ બધા રોકડી કરી શક્યા.
સતત એક દશકાથી આ આખી પ્રક્રિયા ઉપર નજર રાખતી ૧૯૭૯માં સ્થપાયેલી અમેરિકન કંપની નેટવર્ક સોલ્યુશન્સને એમાં રસ પડયો. કંપનીને ડોમેન્સમાં કરોડોનો બિઝનેસ દેખાતો હતો જ્યારે બાકીના લોકોને કંપનીના અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગયાનું જણાતું હતું. ડોમેનના નામમાં તો વળી શું બિઝનેસ કરવાનો? બિઝનેસ કરવો હોય તો હાર્ડવેર અને સોફ્ટવેરનો કરવો જોઈએ એવી સલાહ પણ ઘણાએ કંપનીને આપી. પરંતુ નેટવર્ક સોલ્યુશન્સે દીર્ધ દૃષ્ટિ વાપરીને ડોમેન પર નજર રાખવા નવી નવી બનેલી સંસ્થા ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) સામે ડોમેન વેંચવાનો પરવાનો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો. સંસ્થાએ કશું ગુમાવવાનું હતું નહીં અને વળી આ તો લક્ષ્મી સામેથી ચાલ્લો કરવા આવી હતી. પ્રસ્તાવને તરત મંજુરી મળી ગઈ. કંપનીએ શરૃઆતમાં એક રૃપિયાનો બિઝનેસ પણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું ન હતું. જેટલા બને એટલા નવા નવા નામના ડોમેન્સ નોંધીને કમ્પ્યુટરના પટારામાં પૂરી દીધા!
કંપનીએ બિઝનેસ કરી લીધો હતો અને નફો રળવાનો જ ખાલી બાકી હતો. બહુ જ ઓછા સમયમાં નફાની તક પણ મળી ગઈ. ૧૯૯૮ પછી જ્યારે વેબસાઇટ્સ માટે ડોમેનની જરૃરીયાત મોટા પાયે ઉદ્ભવી ત્યારે એ એક માત્ર કંપની હતી કે જેની પાસે આઈસીએએનએન દ્વારા ડોમેન ફાળવણી અને નોંધણીના હકો હતા. મોનોપોલીના એ સમયમાં કંપનીએ બરાબર નફો રળ્યો. નફો નામની નોંધણીમાં નહોતો, પણ અગાઉ નોંધી રાખેલા નામો બે વર્ષથી લઈને પાંચ વર્ષના પટ્ટે ભાડે આપવામાં હતો. મજબૂત પોલિસીના ગઠનનો હજુ અભાવ હતો ત્યારે નેટવર્ક સોલ્યુશન્સે બરાબર નેટવર્ક બિછાવી દીધુ હતું. આઈસીએએનએન દ્વારા ૧૯૯૯માં બીજી પાંચ કંપનીઓને માન્યતા આપીને નેટવર્ક સોલ્યુશન્સની મોનોપોલી તોડી નાખવામાં આવી અને એ સાથે ડોમેન્સનું માર્કેટ ઓપન થઈ ગયું, પણ પેલી કંપનીએ પટારામાં પૂરી રાખેલો ખજાનો એટલો બધો મોટો હતો કે આવનારા દોઢ દશકા સુધી એને હંફાવી શકાય એવી ક્ષમતા ખૂદ આઈસીએએનએન પાસે પણ નહોતી. શું કામ? કારણ કે, એ કંપની પાસે ૬૪ લાખ ડોમેન્સનો જથ્થો હતો. આજેય એ કંપની સૌથી વધુ ડોમેન્સ ધરાવતી વિશ્વની એક માત્ર કંપની છે.
ડોમેન્સ નામ અને તેની ડિમાન્ડના કારણે આ એક જ કંપની કરોડો કમાઈ છે એવું ય નથી. માઇક મેન જેવા ડોમેન કિંગથી લઈને મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન જોન શુલ્ટ્સ સુધી ઘણાએ નામ અને દામ બંને મેળવ્યા છે. ડોટથી જોડાતી આ દુનિયા ઘણી રીતે અલગ છે અને રોચક પણ છે. મોનોપોલી તૂટી હોવા છતાં ઘણી રીતે મોનોપોલી હજુય બરકરાર પણ છે. એક તરફ સાવ પાણીના ભાવે વેબ ડોમેન્સ નોંધાવી શકાય છે તો બીજી તરફ કરોડો રૃપિયા ચૂકવીને પણ અમુક ડોમેન્સ ખરીદી શકાય તેમ નથી. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ, લોકલહોસ્ટ ડોટ કોમ, ઈનવેલિડ ડોટ કોમ, એક્ઝામપલ ડોટ કોમ... યુઝર્સ ટેસ્ટ માટે એનો ઉપયોગ કરી શકે એટલે આઈસીએએનએન દ્વારા વિશેષ કાયદો બનાવીને તેને રિઝર્વ કરવામાં આવ્યા છે.
વળી, ત્રણ કેરેક્ટર ડોટ ડોમેન (જેમ કે xyz ડોટ કોમ પ્રકારના) ૧૯૯૭માં જ બધા રજિસ્ટર થઈ ચૂક્યાં હતાં. અત્યારે ૫૦,૦૦૦ ડોમેન ત્રણ કેરેક્ટર્સથી નોંધાયેલા છે, પરંતુ હવે જો આવું ડોમેન મેળવવું હોય તો જેને વેંચવું છે એની પાસેથી ખરીદીને જ મેળવી શકાય છે. એ જ રીતે A ડોટ કોમ એટલું બધુ લોકપ્રિય બન્યું હતું કે એની છેક ૬૩ A સુધીની સીરિઝ નોંધાઈ ગઈ છે. ૬૩થી વધુ કેરેક્ટર્સ યુઆરએલની મર્યાદાના શક્ય નથી, નહીંતર તો આ આંકડો ક્યાં જઈને અટક્યો હોત! આ બધા મોનોપોલીની કેટેગરીમાં આવે છે. આમાંથી કોઈ એક પણ ડોમેન જોઈતું હોય તો એ માટે વર્ષો સુધી હરાજીઓમાં નજર રાખવી પડે અને એ પછી પણ કરોડો રૃપિયા ચૂકવ્યા વગર તેના ઉપર માલિકી હક ભોગવી શકાય તેમ નથી.
વિભિન્ન દેશોના ટોપ લેવલ ડોમેન્સ (ભારતમાં જેમ ડોટ ઈન અથવા તો ડોટ કો ડોટ ઈન છે એમ દરેક દેશને પોતાના અલાયદા ડોમેન બે દાયકા પહેલા જ ફાળવાયા છે)ની બાબત પણ એટલી જ રસપ્રદ છે. સોવિયેટ યુનિયન ૧૯૯૧ પહેલાના નકશા સિવાય માત્ર વેબ ડોમેનમાં ઉપલબ્ધ છે. સોવિયેટ યુનિયનું ડોમેન (.su) રશિયાના વિઘટન પછી આજે ય એટલું જ લોકપ્રિય છે. એક લાખ વીસ હજાર વેબસાઇટ અત્યારે ડોટ એસયુ ડોમેનથી નોંધાયેલી થયેલી છે, વપરાશમાં છે અને આ આંકડો હજુ પણ સતત વધતો જાય છે. મજાની વાત એ છે કે અત્યારે આઈસીએએનએનના લિસ્ટમાં એસયુને કોઈ પણ દેશ માટે ફાળવવામાં આવ્યું નથી. છતાં વિભાજિત રશિયા આ એક બાબતથી જોડાયેલું રહ્યું છે.
ક્યા દેશનું એક્ટેન્સન ડોમેન સૌથી મોંઘું હશે એવા સવાલનો જવાબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ રશિયા, ચીન જાપાન કે ભારત નથી, પણ સાચો જવાબ છે નાઇજિરિયા. તેના એક્ટેન્સન .ng માટે ડોમેનના આ સ્પર્ધાત્મક યુગમાં પણ ૪૦ હજાર ડોલર એટલે કે આપણાં ૨૫ લાખ રૃપિયા ચૂકવવા પડે છે.
વિશ્વમાં ટોપ લેવલ ડોમેન્સમાં ડોટ કોમ અને ડોટ ઓઆરજી સૌથી વધુ લોકપ્રિય છે. જોકે જરૃરીયાત સતત વધતી જાય છે એમ એમાં નવા નવા પૂછડાં પણ ઉમેરાતા જાય છે. ડોટ ઈન્ફોથી લઈને ડોટ નેટ સુધી આ દુનિયા સતત વિસ્તરતી જાય છે. હવે તો ડોટ બાઇક, ડોટ ટિપ્સ, ડોટ ઓથર જેવા કેટલાંય છોગા ઉમેરીને નોંધણી શક્ય બની છે. જોકે, વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સ આગ્રહનો તો .com કે .org નો જ રાખે છે. ૨૦૧૩થી શરૃ થયેલો આ સિલસિલો ૨૦૧૫ સુધીમાં અટકશે ત્યારે ૬૧૭ ટોપ લેવલ ડોમેન્સ ઉમેરાઈ ચૂક્યા હશે. આઈસીએએનએનના નવા આયોજન પ્રમાણે અલગ અલગ ક્ષેત્રો માટે ડોમેનની નોંધણી સરળ બનશે. જેમ કે, કેળવણી સાથે સંકળાયેલા ડોટ કોમ કે ડોટ ઓઆરજીના બદલે ડોટ એકેડમી પણ મેળવી શકશે અને એના જે તે દેશના સ્થાનિક નામ તો ખરા જ. ભારતમાં ડોટ શિક્ષા નામ મેળવી શકાશે. વળી, એ જ ક્ષેણીમાં ડોટ ભારત પણ ઉપલબ્ધ બન્યું છે એના યે ઘણા માસ વીતી ચૂક્યા છે. મજાની વાત એ છે કે માત્ર ઈગ્લીશમાં જ નહીં, રાજભાષા હિન્દી અને ગુજરાત સહિતની છ પ્રાદેશિક ભાષામાં વેબસાઇટનું નામ નોંધાવવાનું શક્ય બન્યું છે. એ પણ જે તે ભાષાની લીપીમાં. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ એવું ગુજરાતીમાં નોંધાવી શકાય છે.
ઈન્ટરનેટની માયાજાળ જેમ જેમ વધતી જાય છે એમ એમાં નવા નવા બિઝનેસને પાંખો મળી છે. એવો જ એક વિશાળ બિઝનેસ ડોમેન્સનો પણ છે. જે અપેક્ષા કરતા ઘણો મોટો છે. એટલે જ કહેવાય છે કે ડોટથી દુનિયાને જોડતા ડોમેન્સની દુનિયા ધારણા કરતા ઘણી દિલકશ છે! 

આઈસીએએનએન સામે ઉઠતો રહે છે વિરોધનો સૂર
ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) પાસે વેબસાઇટ ડોમેનના બધા જ હકો છે. જેમ કે, ડોમેન નોંધણી માટે કોઈ બે કંપની બાખડતી હોય તો એનો નિકાલ આઈસીએએનએન લાવી શકે છે. એવી જ રીતે તે જે દેશના ટોપ લેવલ ડોમેન (જેમ કે, ભારતનું ડોટ ઈન)ની ફાળવણી અને કોઈ કારણસર રદ કરવાની સત્તા પણ તેની પાસે છે. ડોમેન નોંધણી ધારક દેશ, સંસ્થા કે વ્યક્તિના ઓળખના કે સંપર્કના બધા જ પૂરાવાઓનો ડેટાબેઝ સાચવવાની જવાબદારી પણ તેની છે. તેને લગતા નિયમોમાં ફેરફાર કરવાની અને નવા ટોપ લેવલ ડોમેન લોંચ કરવાની ઉપરાંત કંપનીઓને પરવાનો આપવા સહિતની કેટલીય સત્તા આઈસીએએનએને પોતાની પાસે રાખી છે. જોકે, આ સત્તા સામે અવારનવાર બળવો થતો રહે છે. ડોમેનના હકો જાળવવાનો ઠેકો તેને કોણે આપી દીધો છે એ વિવાદ વર્ષોથી ચાલે છે. છેલ્લે જૂન ૨૦૧૪માં ફ્રાન્સે તેનો આક્રમક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ફ્રાન્સના કહેવા પ્રમાણે આઈસીએએનએનમાં વૈશ્વિક સંસ્થા જેવા એકેય લક્ષણો નથી જણાતા અને તેના સત્તાધીશો પોતાના મળતિયાઓના હિત જાળવે છે. એ માત્ર અમેરિકાની સંસ્થા હોય એ રીતે વર્તે છે. જોકે, ૨૦૧૦માં અમેરિકન સરકારે પણ તેની ટિકા કરી હતી. તો ૨૦૧૧માં વિશ્વની ગણનાપાત્ર સાત કંપનીઓએ આઈસીએએનએન સામે વિરોધનો સૂર બૂલંદ બનાવ્યો હતો.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -