Archive for 2016

કેટલાં વર્ષનાં બાળકને ફરજિયાત હેલ્મેટ પહેરાવવું જોઈએ?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બબ્બે વર્ષમાં બધા જ સંસદીય સત્રનો વાયદો તૂટયા પછી ફરીથી ચોમાસુ સત્રમાં એનડીએ સરકારે રોડ સેફ્ટી બિલ પસાર કરવાનો નવો વાયદો આપ્યો છે. ભારતના રોડ સેફ્ટી બિલમાં બાઈકની પાછળની સીટમાં બેસતા ચાર વર્ષના બાળકને પણ હેલ્મેટ ફરજિયાત પહેરાવવાનો કાયદો બનાવવાનું ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે. પરંતુ શું એ કાયદો વ્યવહારુ નીવડશે?--

પોતાને પ્રગતિશીલ ગણાવતાં બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી જેવા યુરોપના ૧૭ દેશોમાં આશ્વર્યજનક રીતે બાળકને મોટરસાઈકલ પાછળ બેસાડવાની નિર્ધારિત ઉંમરનો કોઈ કાયદો જ નથી!


મોટરસાઈકલની પાછળની સીટ ઉપર બેસતા બાળકને કઈ ઉંમરે હેલ્મેટ પહેરાવી શકાય? ચાર વર્ષના બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો ઘડવાનું સરકાર વિચારી રહી છે ત્યારે આ સવાલ ચર્ચાઈ રહ્યો છે; ચર્ચાવો જોઈએ. ઈનફેક્ટ સવાલ તો એવો ય ચર્ચાવો જોઈએ કે મોટરસાઈકલની પાછળની સીટમાં બેસાડવા માટે બાળકની કઈ ઉંમર યોગ્ય છે? વિશ્વના મોટાભાગના દેશોમાં આ કાયદામાં ભારે વિસંગતતા છે, પણ અમેરિકા-બ્રિટન સહિતના એકેય દેશને હજુ સુધી તેનો વ્યવહારું ઉકેલ જડયો નથી.
ક્યાંક બાઈકની પાછળની સીટમાં બેસતા ચાઈલ્ડ પેસેન્જર્સની ઉંમરનો કાયદો આઠ વર્ષ છે તો ક્યાંક એ ઉંમર એનાથી ય ઓછી છે. બધે એક બાબત લગભગ કોમન છે- બાળકને મોટરસાઈકલની પાછલી સીટમાં બેસાડવાના કાયદાનું પાલન ક્યાંય થતું નથી. એ પાછળનું કારણ પણ સાવ સ્પષ્ટ છે કે એ કાયદા વ્યવહારુ નથી એટલે પેરેન્ટ્સ કે પરિવારજનો અકસ્માતનું જોખમ હોવા છતાં કાયદાનું પાલન કરવાનો ઉમળકો દાખવતા નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબલ્યુએચઓ) વિશ્વભરમાં થતાં અકસ્માતોનો અહેવાલ તૈયાર કરાવે છે અને તેના આધારે જે તે દેશના કાયદાનું મૂલ્યાંકન કરીને જરૃરી હોય તો કાયદામાં ફેરફાર કરવાનું અને નવા કાયદા બનાવવાનું સૂચવે છે. બાળકોની સેફ્ટી અંગેનું આવું જ સૂચન ડબલ્યુએચઓ ભારતને કરતું આવ્યું છે. ચાર વર્ષથી ઉપરની વયના બાળકોને મોટરસાઈકલની પાછળ બેસાડતી વખતે હેલ્મેટ પહેરાવવાનો જે કાયદો બનાવવાનું વિચારાઈ રહ્યું છે એ પાછળ ઘણેખરે અંશે ડબલ્યુએચઓનું એ સૂચન પણ જવાબદાર છે. સંસદના ચોમાસુ સત્રમાં રોડ સેફ્ટી બિલ પાસ કરાવવાનું સરકારનું આયોજન છે. એ બિલમાં અકસ્માતો અને મૃત્યુ દર ઘટાડવા માટે વિવિધ કાયદા બનાવવાનું સૂચન થયું છે, જેમાં એક સૂચન બાઈકની પાછળની સીટમાં બેસાડાતા ૪ વર્ષ કે તેથી વધુ વયના બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો બનાવવા અંગેનું પણ છે.
ડબલ્યુએચઓ ભારતને એવું સૂચન કેમ ભારપૂર્વક કરે છે? ભારતમાં એ કાયદો કેમ જરૃરી છે? આપણે ત્યાં આ કાયદો વ્યવહારુ સાબિત થશે?
વેલ, આ સવાલોની ભીતરમાં જતાં પહેલાં બાઈકની પાછળ બેસવા માટે બાળકની કઈ ઉંમર યોગ્ય છે અને વિશ્વમાં શી સ્થિતિ છે તેનો ચિતાર પણ મેળવી લઈએ.
                                                                         ***
૨૦૧૫માં એક વૈશ્વિક અહેવાલ તૈયાર કરાવીને ડબલ્યુએચઓએ જાણ્યું કે દુનિયામાં મોટરસાઈકલ પાછળ બેસાડવાની બાબતે શું સ્થિતિ છે અને કેવા કાયદાનું અસ્તિત્વ છે? કાયદા છે તો તેનો અમલ થાય છે કે નહીં? ડબલ્યુએચઓ માટે આ બધા જ સવાલોના ઉત્તર આશ્વર્યજનક રહ્યાં હતાં. પોતાને પ્રગતિશીલ અને સુધારાવાદી ગણાવતા ફ્રાંસ, જર્મની, બ્રિટન, ઈટાલી, ડેન્માર્ક, સ્વિડન સહિતના યુરોપના ૧૭ દેશોમાં બાળકને મોટરસાઈકલની પાછળની સીટમાં બેસાડવા માટેની ઉંમરનો કોઈ જ કાયદો નથી. હા, એમાંના ઘણાંખરાં દેશોમાં સેફ્ટી માટે બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો છે, પણ તેનો અમલ કહેવા પૂરતો થાય છે.
ફ્રાંસ, નોર્વે, આયર્લેન્ડ, ઈટાલીમાં પાંચ વર્ષથી નીચેના બાળકને બાઈકમાં બેસાડવા માટે પ્રૉપર સીટ અને ટોપી જેવડાં નાનકડાં હેલ્મેટ પહેરાવવાનો કાયદો બનાવાયો છે. તો ડેન્માર્ક, જર્મની, ઈટાલી, સ્વિડનમાં હેલ્મેટ પહેરવાની સરકારી સૂચના ખરી, પરંતુ સરકાર માન્ય હેલ્મેટ જ પહેરવાં એવો કોઈ આગ્રહ નથી.
બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, લક્ઝમબર્ગમાં ૭થી ૧૧ વર્ષની વયના બાળકને બાઈક ઉપર બેસાડવા પર પ્રતિબંધ છે, પણ નિર્ધારિત વય પૂરી થાય પછી બાળક બાઈક પર બેસવાનું શરૃ કરે ત્યારથી છેક ૧૮ વર્ષ સુધી હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી! અમેરિકાના મોટાભાગના સ્ટેટ્સમાં ૫ વર્ષથી નીચેના બાળકને બાઈક ઉપર બેસાડવા પર પ્રતિબંધ છે અને એ પછી હેલ્મેટ ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૯માં કાયદો બન્યો છે એ પ્રમાણે બાઈકમાં બેસવા માટે બાળકની વય ૮ વર્ષ નક્કી કરવામાં આવી છે, એ પછી હેલ્મેટ પહેરવાનો કાયદો તો ખરો જ. ન્યૂઝિલેન્ડમાં પણ ૮ વર્ષથી નીચેના બાળકને બાઈકમાં બેસાડવા પર પ્રતિબંધ છે અને એ પછી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત થયું છે.
આટલા દેશોમાં કાયદો હોવા છતાં દ્વિચક્રી વાહનોના ગ્લોબલ રોડ સેફ્ટી એડવોકેટ્સના અહેવાલમાં ૪૪ દેશોનો અભ્યાસ કરીને કહેવાયું હતું કે મોટાભાગના દેશો દ્વિચક્રી વાહનમાં પાછળ બેસતા બાળકની વય અને સેફ્ટી બાબતે ચિંતાજનક રીતે બેદરકાર છે.
                                                                           ***   
ભારતમાં વર્ષે પાંચેક લાખ અકસ્માતો થાય છે અને તેમાં દોઢેક લાખ લોકોનાં મૃત્યુ થાય છે. કમનસીબે એમાંથી ૬૦ ટકા મૃતકોની વય ૧૫થી ૪૦ વર્ષની હોય છે. આઘાતજનક બાબત એ છે કે ભારતમાં દર વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામનારા ૪થી ૧૨ વર્ષના બાળકોની સંખ્યા ૧૫ હજાર (કુલ મૃત્યુ આંકના ૧૦ ટકા કરતાં પણ વધારે) કરતા વધુ છે. અકસ્માતોમાં ઈજા પામતા બાળકોનો આંકડો પણ ભારતમાં સ્હેજેય એક લાખે પહોંચે છે.
માર્ગ અકસ્માતોના મૃત્યુ દરમાં ભારત કમનસીબે સૌથી આગળ છે. માર્ગ અકસ્માતોમાં બાળકોના મૃત્યુ દરની બાબતે પણ દુર્ભાગ્યે આપણે મોખરે છીએ. અમેરિકામાં વર્ષે ૩૦ હજાર લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને એમાં ૨થી ૧૨ વર્ષની વયના બે-અઢી હજાર બાળકો હોય છે. ભારત પછી માર્ગ અકસ્માતમાં બીજા નંબરે આવતા ચીનમાં વર્ષે ૮૦ હજાર લોકો મૃત્યુ પામે છે અને તેમાં ૨થી ૧૨ વર્ષના બાળકોની સંખ્યા ૬ હજારથી વધારે નથી.
આમ પણ આપણે ત્યાં પાછળની સીટમાં બેસતા મુસાફરોનો મૃત્યુ દર ઘણો ઊંચો છે. બાઈક અકસ્માતના ૩૦ ટકા બનાવોમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત બને છે અને હેલ્મેટ પહેરવાના કારણે બચી જાય છે. જ્યારે પાછળ બેસેલા મુસાફરનું મૃત્યુ થાય છે. બાઈક ઉપર એક બાળક આગળ, એક પાછળ અને ચાલક સહિત બીજાં બે મુસાફરો જોવા મળતા હોય એવા દૃશ્યો તો આપણે ત્યાં કોઈ પણ રાજ્યમાં કોમન છે! ભારતના પરિવારોની આ વિચિત્ર માનસિકતાનો અભ્યાસ કરીને જ રોડ સેફ્ટીના વૈશ્વિક નિષ્ણાતો એકીસૂરે બાળકો માટે વિશેષ સેફ્ટીરૃપે હેલ્મેટનો કાયદો બનાવવાની હિમાયત કરે છે.
ભારતમાં અત્યારે ૧૨ વર્ષના બાળકે હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં છે. કેટલાં વર્ષે બાળક બાઈકની પાછળ બેસી શકે તેનો કોઈ કાયદો નથી, પરિણામે ઓછામાં ઓછી વય નક્કી કરવાનો અને એ વયે હેલ્મેટ પહેરવાનો કાયદો બનાવવાના પ્રયાસો શરૃ થયા છે. બાળકને ૪ વર્ષની ઉંમરથી જ હેલ્મેટ પહેરાવવું જોઈએ એવો મત પ્રબળ બન્યો પછી એવો કાયદો લઈ આવવાની હિલચાલ શરૃ થઈ છે. ૪ વર્ષે હેલ્મેટ પહેરવું એ કાયદો બને તેની સાથે જ બાઈકમાં બેસવાની ઓછામાં ઓછી ઉંમર ૪ તો નક્કી થઈ જ જશે. સુપ્રીમ કોર્ટે પણ મોટરસાઈકલમાં પાછળની સીટ ઉપર બેસીને મુસાફરી કરતાં બાળકો-મહિલાઓ સહિતના તમામ મુસાફરો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો હોવો જોઈએ એવી ભલામણ કરી છે.
માત્ર ૪ વર્ષના બાળકને હેલ્મેટ પહેરાવવાનો કાયદો સેફ્ટી માટે યોગ્ય હોવા છતાં વ્યવહારુ નથી. દરેક પેરેન્ટ્સ ટેક્સી કે ઑટોરિક્ષામાં જ બાળકને બેસાડીને લઈ જાય એવું ય શક્ય નથી. એ પાછળ ભારતના વિશાળ મધ્યમવર્ગ, લોઅર-મધ્યમવર્ગનું આર્થિક ફેક્ટર કારણભૂત છે. એટલે ૪થી ૮ વર્ષના બાળકને હેલ્મેટ પહેરાવી રાખવાના આગ્રહનું પાલન કરાવવું એ પેરેન્ટ્સ માટે પણ ટફ છે.
વિશ્વમાં બધે જ આ કાયદાનું પાલન કરાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભારતની સિસ્ટમ જોતાં બાળક માટેનો હેલ્મેટનો કાયદો બનાવીને તેનું પાલન કરાવી રાખવાનો આગ્રહ કારગત નીવડશે કે કેમ તે મોટો સવાલ છે. એને બદલે નિષ્ણાતોની મદદ લઈને સેફ હોય એવો વ્યવહારુ ઉકેલ શોધવાનો વિકલ્પ વધુ સચોટ પરિણામ આપી શકશે. 
-----

ભારતના ૬ ટકા પિલ્યન પેસેન્જર્સ જ હેલ્મેટ પહેરે છે!
બાઈકની પાછળની સીટમાં બેસતા મુસાફર માટે પિલ્યન પેસેન્જર શબ્દ જાણીતો છે. પિલ્યન પેસેન્જર્સ માટે વિશ્વભરમાં વિવિધ કાયદા બનાવાયા છે. સતત વધતાં અકસ્માતો અને તેમાં મૃત્યુ દરનું વધતું પ્રમાણ ઘટાડવા માટેના જે કાયદાઓ છે એ બાઈકની પાછળ બેસતા બાળ મુસાફરને લગતા કાયદાની જેમ જ પાલન કરવામાં થોડા અઘરા છે. બાઈકમાં પાછળ બેસતા મુસાફરની સ્ત્રી-પુરુષની જાતિ પ્રમાણે કાયદા બનાવાયા છે! ઈવન ભારતમાં પણ એવો કાયદો છે કે બાઈકની પાછળ મહિલા બેસે તો તેને હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી અને પુરુષ બેસે તો તેણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે! સેફ્ટીના હેતુથી બનાવાતા કાયદામાં આવો ભેદ જે તે દેશની સ્થાનિક માન્યતાઓ અને સમાજજીવનના કારણે ઘણા દેશોમાં પડયો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ મહિલાઓ હેલ્મેટ ન પહેરે એવો જ કાયદો અમલી બનાવાયો છે.

ભારતમાં ૧૯૮૮માં મોટર વ્હિકલ એક્ટ પસાર થયો એ પહેલાં પાછળની સીટમાં બેસનારા માત્ર ૦.૬ ટકા મુસાફરો હેલ્મેટ પહેરતા હતા. હવે એ આંકડો વધીને આટલા વર્ષે ય માંડ ૬ ટકાએ પહોંચ્યો છે. પિલ્યન પેસેન્જર્સની સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે ભલામણો કરી છે એટલે ટૂંક સમયમાં દેશભરમાં બાઈકની પાછળની સીટ ઉપર બેસતા મહિલા અને બાળ મુસાફરો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવશે.
Sunday 24 July 2016
Posted by Harsh Meswania
Tag :

સિગારેટના પેકેટ ઉપર કેટલા ટકા સ્વાસ્થ્ય ચેતવણી હોવી જોઈએ?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ભારતમાં બે વર્ષ પછી અંતે તમાકુના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં સ્વાસ્થ્ય ચેતવણીનો કાયદો અમલી બન્યો છે. બીજી તરફ ટોબેકો ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે તમાકુ પ્રોડક્ટના પેકેટમાં ૪૦ ટકા સ્વાસ્થ્ય ચેતવણી પૂરતી છે! શું ખરેખર આટલી સ્વાસ્થ્ય ચેતવણી પૂરતી છે?

તમાકુ : આ એ વ્યસન છે, જે ૨૦મી સદીમાં ૧૦ કરોડ લોકોના મૃત્યુનું કારણ બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) સહિતની કેટલીય સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારોના તમાકુ વિરોધી ઝુંબેશના લાખ પ્રયાસો છતાં તમાકુ-સિગારેટની લતે ચડનારાની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. નો ટોબેકો ઝુંબેશ પાછળ કરોડોનું બજેટ ફાળવ્યા પછી અને ત્રણેક દશકાથી સઘન ઝુંબેશ પછી ય વર્ષે ૬૦ લાખ લોકો તમાકુના વ્યસનથી મોતના મુખમાં ધકેલાય છે અને તેમાંથી ૧૦ લાખ લોકો ભારતના છે.
જે ઝડપે તમાકુના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતા ૨૦૨૦ સુધીમાં વિશ્વમાં એક કરોડ લોકો તમાકુના કારણે મૃત્યુ પામતા હશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. એમાં ભારતના લોકોની સંખ્યા ૨૦ લાખ હશે. તમાકુ અત્યારે વિશ્વમાં મોતનું બીજા નંબરનું સૌથી મોટું કારણ બને છે અને ગણતરીના વર્ષોમાં સૌથી વધુ મૃત્યુનું એ પહેલું કારણ બનશે. આ તમામ વાતો હવે ઘૂંટાઈ ચૂકી છે. બધા તથ્યો ખુબ જાણીતા છે. નવા નવા ફેક્ટ્સ સાથેનો આંકડાકીય ચિતાર સતત આપણી નજર સામે આવતો રહે છે, આવતો રહેશે. વાંચીને વિસારે પાડી દેવાની આપણી આદત એટલી ઘર કરી ગઈ છે કે કદાચ દરરોજ આવો અહેવાલ માથે મારવામાં આવે તો પણ શક્ય છે કે ભારતમાં તમાકુનું વ્યસન ઘટાડી ન શકાય!
મૃત્યુ આંકમાં ભારતની સ્થિતિ જોતા ડબલ્યુએચઓ સહિતની સંસ્થાઓએ ભારતને તમાકુના પેકેટ ઉપર સ્વાસ્થ્ય ચેતવણીની સાઈઝ વધારવાની ભલામણ ત્રણેક વર્ષ પહેલાં કરી હતી. ભારતમાં દરેક તમાકુ પ્રોડક્ટ ઉપર ૪૦ ટકા સચિત્ર ચેતવણી આપવાનો કાયદો હોવા છતાં ઝુંબેેશમાં બહુ ફાયદો થતો ન હોવાનું ડબલ્યુએચઓએ નોંધ્યા પછી ભારતમાં સચિત્ર ચેતવણી વધારવી જરૃરી હતી.
ગયા વર્ષે એપ્રિલ માસથી જ આમ તો તમાકુ પ્રોડક્ટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં ચેતવણી અમલી બનાવવાની હતી, પણ ટોબેકો ઈન્ડસ્ટ્રીએ વિરોધ નોંધાવ્યો એટલે સરકારે પીછેહઠ કરી. વગદાર ટોબેકો ઈન્ડસ્ટ્રીએ સરકારને રજૂઆત કરી એટલે સરકારે સંસદીય સમિતિનું ગઠન કર્યું અને વર્તમાન ચેતવણીને વધારીને કેટલી કરવી જોઈએ તેનો અહેવાલ રજૂ કરવા કહ્યું.
આશ્વર્ય વચ્ચે સંસદીય સમિતિએ વર્તમાન ૪૦ ટકા વૈધાનિક ચેતવણીને વધારીને ૫૦ ટકા કરીએ તો પણ પૂરતો થઈ પડશે એવો અહેવાલ આપ્યો. ભારતભરના સ્વાસ્થ્ય નિષ્ણાતો, સ્વાસ્થ્ય માટે કામ કરતી સંસ્થાઓ અને ખુદ સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અહેવાલને ન સ્વીકાર્યો એટલે સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી કે ૧લી એપ્રિલ-૨૦૧૬થી સિગારેટ સહિતના તમાકુના દરેક પેકેટ ઉપર ૮૫ ટકા ચેતવણી ફરજિયાત બનશે. નવા કાયદા પ્રમાણે ૬૦ ટકા સચિત્ર ચેતવણી અને બાકીના ૨૫ ટકા ભાગમાં ચેતવણીનું લખાણ આપવું પડશે. આટલો પૂરતો સમય આપ્યો હોવા છતાં ટોબેકો ઈન્ડસ્ટ્રી અને કર્મચારીઓ સરકારને કાયદામાં ફેરવિચારણા કરવાની રજૂઆત કરે છે.
ટોબેકો ઈન્ડસ્ટ્રીની દલીલ છે કે સચિત્ર ચેતવણીની અસર ગ્રાહકો પર થતી નથી. ૨૦૦૯ના એક વૈશ્વિક અહેવાલને ટાંકીને ટોબેકો ઈન્ડસ્ટ્રીનો દાવો છે કે ચિત્ર સાથેની ચેતવણી છતાં તમાકુનું સેવન કરનારા વધ્યા છે. નો ટોબેકો ઝુંબેશ માટે સચિત્ર ચેતવણીની સાઈઝ મોટી કરવાને બદલે બીજાં વ્યવહારું રસ્તાઓ અપનાવવા જોઈએ એવી દલીલ બચાવમાં થઈ રહી છે. જો ખરેખર એમ જ હોય તો પછી તેમને સરકારના નિયમો પ્રમાણે સચિત્ર ચેતવણીની સાઈઝ વધારવામાં શું વાંધો હોઈ શકે?
ઈન્ડસ્ટ્રીની બીજી દલીલ એવી છે કે સિગારેટના પેકેટ્સની સ્ટાઈલ પ્રમાણે તેમાં ૮૫ ટકા ચેતવણી સમાવી શકાય તેમ નથી એટલે સરકારે લિબરલ થઈને વિવિધ કંપનીઓના પેકેટ્સની ડિઝાઇન પ્રમાણે વૈધાનિક ચેતવણી છાપવાની છૂટ આપવી જોઈએ!
આ માંગણી જ બેહૂદી છે. કાયદા પ્રમાણે પ્રોડક્ટના પેકેટની ડિઝાઇન બદલવી જોઈએ કે પ્રોડક્ટની ડિમાન્ડ પ્રમાણે કાયદામાં ફેરફાર થવો જોઈએ? ટોબેકો ઈન્ડસ્ટ્રી તો ત્યાં સુધી કહે છે કે કોઈ એક પેકેટમાં ૪૦ ટકા ચેતવણી હોય તો એ પૂરતી છે!
તો શું ખરેખર આટલી સ્વાસ્થ્ય ચેતવણી પૂરતી છે?
                                                                         ***   
કેનેડાની કેન્સર સોસાયટીએ તમાકુના પેકેટ ઉપર કેટલા ભાગમાં વૈધાનિક ચેતવણી આવે છે તેનો વૈશ્વિક અહેવાલ ૨૦૧૨માં તૈયાર કર્યો હતો. ૧૯૮ દેશોને આવરી લેતા એ અહેવાલમાં ભારતનો ક્રમ છેક ૧૩૬મો હતો, કારણ કે ભારતમાં તમાકુના પેકેટ ઉપર માત્ર ૪૦ ટકા ચેતવણી છપાતી હતી. તમાકુના કારણે થતાં મૃત્યુ આંકમાં કમનસીબે આગળ રહેલો દેશ પેકેટ ઉપર સ્વાસ્થ્ય ચેતવણીની બાબતે આટલો પાછળ છે એ જાણીને સોસાયટીના સભ્યોએ બેહદ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. ૨૦૧૪ના આવા જ ૧૯૮ દેશોના અહેવાલમાં ભારતનો નંબર ૧૨૩મો હતો. ભારતમાં બે વર્ષમાં ચેતવણીના સાઈઝમાં કોઈ જ સુધારો ન થવા અંગે પેલા સભ્યોએ આ વખતે આશ્વર્ય વ્યક્ત ન કર્યું, પણ કચકચાવીને ટીકા કરી. એમણે ભારતને તમાકુ વોર્નિંગની બાબતે સૌથી નબળુ રાષ્ટ્ર ગણાવ્યું હતું અને તાત્કાલિક અસરથી નવા ફેરફારો કરવાનું સૂચવ્યું હતું.
વીજળી સહિતની ઘણી બાબતોમાં આપણી મદદ ઉપર નિર્ભર રહેતા નેપાળમાં દરેક તમાકુના પેકેટ ઉપર ૭૫ ટકા ભાગમાં ચેતવણી ફરજિયાત છે, આજકાલથી નહીં વર્ષોથી. શ્રીલંકામાં તમાકુ ઉત્પાદન કરતી કંપનીઓએ ૯૦ ટકા હિસ્સામાં સચિત્ર જાહેરાત આપવી પડે છે. તેનું પાલન ન કરતી બે કંપનીઓ ગયા વર્ષે સરકારની નજરે ચડી હતી અને બંનેના સિગારેટ ઉત્પાદનના લાઈસન્સ રદ્ કરી દેવામાં આવ્યા હતા. ૮૫ ટકા હિસ્સાનો કાયદો થાઈલેન્ડમાં પણ ઓલરેડી વર્ષોથી છે. સિંગાપોરમાં ૨૦૦૪થી સ્ટ્રોંગ કાયદો બન્યો છે એ પ્રમાણે પેકેટનો ૯૨ ટકા ભાગ વૈધાનિક ચેતવણી માટે ફાળવાય છે. જાપાન તો ૧૯૭૨માં તમાકુ પ્રોડક્ટના પેકેટ ઉપર વૈધાનિક ચેતવણી આપનારો એશિયાનો પહેલો દેશ બન્યો હતો. જ્યારે ભારતમાં હજુ લખાણ દ્વારા નાનકડી લીટીમાં ચેતવણી અપાતી હતી ત્યારથી એશિયાના ઘણાંખરાં દેશોમાં ચેતવણીનો મજબૂત કાયદો અસ્તિત્વમાં છે.
ચેતવણીની બાબતે ઓસ્ટ્રેલિયાએ ઉદાહરણીય પગલુ ભર્યું છે. ડિસેમ્બર-૨૦૧૨થી ઓસ્ટ્રેલિયન સરકારે કાયદો બનાવ્યો છે એ પ્રમાણે સિગારેટના આખા પેકેટમાં કંપનીનું નામ અને પેકેટની કિંમતને બાદ કરતા બધે જ સરકારે નક્કી કરેલી સ્વાસ્થ્ય ચેતવણી જ છપાય છે. પ્રોડક્ટ ક્યાં-ક્યારે બની વગેરે વિગતો અંદરની બાજુ આપવાની રહે છે. વળી, સિગારેટના પેકેટમાં કંપની રંગ કે ડિઝાઈનને લગતા કોઈ જ ફેરફાર ન કરી શકે. સરકારે નક્કી કરેલા કલરમાં, નિયત લખાણ અને તસવીરો સાથે જ એ પેકેટ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાનો મજબૂત કાયદો ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની જેમ જ ન્યૂઝિલેન્ડમાં પણ મજબૂત કાયદો બન્યો છે. પેકેટના ૮૦ ટકા ભાગમાં ૧૪ ચેતવણીઓ ન આપનારી ટોબેકો કંપની ન્યૂઝિલેન્ડમાં પ્રોડક્શન કરી શકતી નથી.
બ્રાઝિલમાં તો છેક ૨૦૦૧થી પેકેટના સંપૂર્ણ ભાગમાં ચેતવણી છાપવાનો કાયદો છે. કેનેડામાં ૨૦૦૦ના વર્ષથી તમાકુના દરેક પેકેટ ઉપર ૧૬ ચેતવણીઓ આપવી પડે છે. શરૃઆતમાં પેકેટનો ૫૦ ટકા ભાગ ફાળવાયો હતો. હવે એ વધારીને ૮૫ ટકા કરી દેવાયો છે. ઘણી કંપનીઓ એ જાહેરાતોને ઈરાદાપૂર્વક માઈલ્ડ કરી દેતી હોવાનું જાણવા મળ્યું પછી સરકારે એક-બે કંપનીઓના લાઈસન્સ રદ કર્યા કે બીજી તમામ કંપનીઓએ સીધી દોરી જેવી થઈ ગઈ!
યુરોપિયન યુનિયનના તમામ ૨૮ દેશો ટોબેકો કંપનીઓ પાસે ૬૦થી ૮૦ ટકા હિસ્સામાં સચિત્ર ચેતવણીનું પાલન કરાવડાવે છે, જેમાં દેશના કાયદા પ્રમાણે ઓછામાં ઓછા ૮થી ૧૨ મેસેજ છપાય છે.
અને હા, અમેરિકા તો વિશ્વનો પહેલો એવો દેશ છે જ્યાં સચિત્ર વૈધાનિક ચેતવણીનો પ્રારંભ થયો હતો. બીજી રીતે કહીએ તો ભયાનક છતાં વાસ્તવિક સ્થિતિને ચિત્ર સાથે રજૂ કરીને તમાકુના વ્યસનથી દૂર રહેવાની ઝુંબેશ અમેરિકાએ આરંભી હતી. ભારતની ટોબેકો ઈન્ડસ્ટ્રી ભલે દલીલ કરતી હોય કે પેકેટના ૪૦ ટકા હિસ્સામાં અત્યારે જે વૈધાનિક ચેતવણી આવે છે એ પૂરતી છે, પણ વૈશ્વિક ચિતાર પરથી તો ચોક્કસ કહી શકાય કે અત્યારે આવે છે એ ૪૦ ટકા ચેતવણી પૂરતી નથી.
અને આવી ચેતવણી બેઅસર પણ નથી.
                                                                        ***
૨૦૧૨થી ૨૦૧૬ સુધીમાં વિવિધ ૨૦ વૈશ્વિક અહેવાલો કહે છે એમ તમાકુ પ્રોડક્ટમાં ચિત્ર સાથેની ચેતવણી અસરકારક પૂરવાર થઈ છે. તમાકુનું વ્યસન છોડી દેનારા લોકો ઉપર થયેલા એક અહેવાલમાં ૧૦માંથી ૭ લોકોએ સ્વીકાર્યું હતું કે પેકેટ પરની સચિત્ર ચેતવણીના કારણે તેમણે વ્યસન છોડયું હતું. સચિત્ર ચેતવણીનું કદ વધ્યું છે ત્યારથી સિગારેટ-તમાકુ છોડી દેનારાની સંખ્યા પણ વધી છે.
જોકે, તમાકુ પ્રોડક્ટનું વેંચાણ ઘટતું નથી એ હકીકત છે. ઉત્પાદનની સંખ્યા ન ઘટવા પાછળનું કારણ એ છે કે જેમ વૈધાનિક ચેતવણી જોઈને તમાકુનું વ્યસન છોડનારા લોકો છે, તેમ બીજાને સ્મોકિંગ કરતા જોઈને તમાકુની લતે ચડનારા યુવાનોની સંખ્યા પણ વધતી જાય છે. જો આવી સચિત્ર ચેતવણીની ઝુંબેશ આમ જ ચાલતી રહે તો એ આંકડો વધતો અટકશે. તમાકુના રવાડે ચડેલો નવો વ્યસની પણ એ વાંચી-જોઈને તમાકુથી દૂર રહેતો થશે.
જોવી ય ન ગમે એવી સચિત્ર ચેતવણી દ્વારા તમાકુની ભયાનકતાનો અંદાજ આવશે તો જ તેમાંથી મુક્ત થવાની કોશિશ શરૃ થશે. સિંગાપોર, કેનેડા, બ્રાઝિલ, થાઈલેન્ડ, અમેરિકા, શ્રીલંકા, બ્રિટન જેવા ડઝનબંધ દેશોમાં સચિત્ર જાહેરાતની સાઈઝ વધી પછી તમાકુનું વ્યસન ઘટયું છે, એટલે આવી ચેતવણી બિલકુલ બેઅસર નથી. અત્યાર સુધી આવતી ૪૦ ટકા ચેતવણી તો અપૂરતી છે જ, ૮૫ ટકા ચેતવણી પણ ભારતમાં અપૂરતી જ ગણાય. જ્યાં તમાકુથી સૌથી વધુ મૃત્યુ થતાં હોય ત્યાં તો આ જાહેરાત ઓસ્ટ્રેલિયાની જેમ ૧૦૦ ટકા હિસ્સામાં હોવી જોઈએ!
Sunday 17 April 2016
Posted by Harsh Meswania
Tag :

સેફ્ટી-પિન: સંશોધકને આર્થિક 'સેફ્ટી' ન આપી શકનારી શોધ!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

આજના દિવસે ૧૮૪૯માં વોલ્ટર હન્ટે સેફ્ટી-પિનની પેટન્ટ નોંધાવી હતી. એટલે દર વર્ષે ૧૦મી એપ્રિલે ઈન્ટરનેશનલ સેફ્ટી-પિન ડે ઉજવાય છે. ખેડૂતમાંથી મિકેનિક બનેલા હન્ટે સેફ્ટી પિન સિવાય પણ ઘણી ઉપયોગી શોધો કરી હતી, પણ એ શોધો તેમની આર્થિક કટોકટી ઉકેલવા ઉપયોગી ન થઈ

સેેફ્ટી-પિન કે ડ્રેસ-પિન નામે રોજિંદી જીવનશૈલીનો ભાગ બનેલી આ પ્રોડક્ટ માત્ર ફેશન-પહેરવેશમાં જ ઉપયોગી થાય છે એમ કહીને તેનું મહત્ત્વ ઓછું આંકી શકાય તેમ નથી. બે-એક વર્ષ પહેલા અમેરિકામાં થયેલાં એક રસપ્રદ સર્વેમાં જાણવા મળ્યું હતું કે સેફ્ટી-પિન માત્ર મહિલાઓને પહેરવેશમાં જ ઉપયોગી નથી થતી, રોજિંદા જીવનની ૫૩ બાબતોમાં સેફ્ટી-પિન કામ લાગે છે. સેફ્ટી-પિન મલ્ટિપલ કામમાં આવી શકતી હોવાના કારણે વિશ્વભરના સુરક્ષા સલાહકારો પ્રવાસીઓને ઓછામાં ઓછી ૬ સેફ્ટી-પિન મેડિકલ કિટ સાથે રાખવાની સલાહ આપે છે.
ભારતમાં તેનો કેવો અને કેટલો ઉપયોગ થાય છે એ જોવું હોય તો કોઈ અંતરિયાળ ગામડામાં જઈને લોકોની જીવનશૈલીનું નિરીક્ષણ કરવું રહ્યું. ખૂલ્લા પગે ખેતરમાં પાણી વાળી રહેલા ખેડૂતના પગમાં વાગેલો કાંટો કાઢવાથી લઈને નીંદામણ કરતા ખેતમજૂરોના હાથ-પગના નખમાં ભરાયેલી માટી કાઢવા સુધી અને બપોરનું જમણ પત્યા પછી લીમડાની શીતળ છાંયામાં આરામ કરતા વૃદ્ધના દાંતની વચ્ચે ફસાઈ પડેલાં અનાજના દાણાને બહાર કાઢવાથી લઈને સરકારી શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીના શર્ટનું બટન તૂટી ગયુ હોય ત્યારે એ બટનની જગ્યા લેવા સુધી સેફ્ટી-પિન કામ આવે છે! ભારતમાં નાનામાં નાના માણસને સેફ્ટી-પિન કઈ રીતે કામ આવે છે એનો અભ્યાસ થાય તો અમેરિકાનો પેલો સર્વે પણ ફિક્કો પડી જાય!
આવી સસ્તી અને નાનકડી સેફ્ટી-પિનની ઘરેલું બજેટમાં ખાસ કોઈ જ ગણતરી થતી નથી. ઘર વપરાશની અન્ય ચીજવસ્તુઓની જેમ સેફ્ટી-પિન ખરીદવા માટે કોઈ વિશેષ બજેટની ક્યારેય જરૃર પડતી નથી, પડવાની ય નથી. છતાં તેનો વૈશ્વિક બિઝનેસ ધમધોકાળ ચાલે છે. કેટલીય મોટી-મોટી કંપનીઓ આ બિઝનેસ ઉપર નભે છે. પેટન્ટની પરવા કર્યા વગર હવે તો વિશ્વભરમાં નાના-મોટા કારખાનાઓ રાત-દિવસ ધમધમે છે. ભારતમાં સેફ્ટી-પિન જેવી નાનકડી પ્રોડક્ટનો ચોક્કસ પ્રોડક્શન આંકડો મેેળવવો શક્ય નથી, પણ અમેરિકન કંપનીઓના પ્રોડક્શન અહેવાલ પ્રમાણે એક કંપની એક દિવસમાં સરેરાશ ૩ લાખ સેફ્ટી-પિનનું ઉત્પાદન કરે છે. આવી તો લાખો કંપનીઓ કાર્યરત છે અને તેમાંથી વર્ષે કરોડો રૃપિયાનો નફો રળે છે.
સેફ્ટી-પિન કંઈ આજ-કાલથી રોજિંદા જીવનનો ભાગ નથી. તેના સદીઓ જૂના સંદર્ભો મળે છે. પ્રાચીન ગ્રીક અને રોમના રાજવી પરિવારની મહિલાઓ ડ્રેસ પિનનો છૂટથી ઉપયોગ કરતી. એ પિનની ડિઝાઇન આજની સેફ્ટી-પિન કરતા તદ્દન અલગ હતી. એ ડ્રેસ-પિનમાં સોયને ઘરેણાં જેવા દેખાતા ચળકતા ખોખામાં પરોવી દેવામાં આવતી. જેમાં સોય પાછળની બાજુ રહી જતી અને ઉપરથી જ્વેલરી હોય એવું દેખાતું.
ઈ.સ. પૂર્વે ૧૧મી સદીમાં પુરુષો વારે-તહેવારે પહેરતા બટન વગરના ખમીસમાં ગળાની નીચે ટાંકણી લગાવતા. ટાંકણી સરકી ન જાય એ માટે ટાંકણીનો એક છેડો પથ્થરથી વાળીને ગોળ બનાવી દેવામાં આવતો અને બીજે છેડે એ આકારનું ખાલી બોક્સ લગાવાતું. એવી ટાંકણીઓના પુરાતત્વવિદેને કેટલાય અવશેષો મળ્યા છે. એ ટાંકણીઓ આજે વપરાતી સેફ્ટી-પિન જેવી ન હતી, પરંતુ વિશ્વભરમાં અલગ અલગ સ્થળોએ થયેલા ખોદકામમાંથી મળેલી પેલી ટાંકણીઓને સેફ્ટી-પિનની પૂર્વજ તો ચોક્કસ કહી શકાય.
માનવજાતની રોજિંદી જીવનશૈલીમાં સેફ્ટી-પિન જેવી લાગતી વિવિધ બનાવટની પિન્સ સદીઓથી હાજર હોવા છતાં આજના સેફ્ટી-પિનના સ્વરૃપને બનાવવાનો યશ તો વોલ્ટર હન્ટ નામના અમેરિકન મિકેનિકને જ આપવો રહ્યો.
                                                                       ***
૧૭૯૬માં અમેરિકાના માર્ટિન્સબર્ગમાં જન્મેલા વોલ્ટર હન્ટે પોતાના નાનકડાં શહેરની કોલેજમાંથી ડિગ્રી મેળવી અને પછી પરિવારની આર્થિક જરૃરિયાતને ધ્યાનમાં રાખીને ખેતીમાં મદદ કરવા માંડયા. પરિવારનો એક સભ્ય ખેતરમાં કામ કરતો હોય તો ખેતમજૂરને વળતર ન ચૂકવવું પડે અને એટલી રકમ ઘરની આર્થિક તંગીમાં મદદરૃપ બને એ આશયથી તેમણે ખેતરનું કામ ચાલુ રાખ્યું, પણ તેમાં તેનો જીવ ખેતીમાં ચોંટતો નહોતો.
તેમને ખેતીને બદલે મશીન્સ માટે પ્રેમ હતો. માર્ટિન્સબર્ગમાં તેમના એક-બે મિત્રોના પિતાને કાપડની મિલ હતી. ખેતરમાં કામ ન હોય ત્યારે એ મિલમાં તેમના મિત્રોને મળવા જાય. મિત્રોને મળવા કરતા મિલમાં કઈ મશિનરી કેવી ટેકનિકથી કામ કરે છે એ જોવામાં વધુ સમય ગાળે. મશીન ચલાવતા કારીગરોને પૂછે કે આ મશીનમાં કઈ ટેકનિકનો ઉમેરો કરવામાં આવે તો તેમનું કામ સરળ થાય? મિલમાં નકામા થઈ ગયેલા મશીન્સ મિત્રોની મદદથી ઘરે લઈ આવે અને નવરાશ મળે ત્યારે એ મશિનરીની આંતરિક ટેકનિક સમજે. જૂના મશીન્સમાં કોઠાસૂઝ વાપરીને નવી ટેકનિક વિકસાવે અને એ જ મશીનને ફરીથી મિલના કામદારોને આપીને એ ઉપયોગી નીવડે છે કે કેમ એ તપાસી જૂએ.
સતત મશિનરી સાથે પનારો પડયો હોવાથી ધીમે ધીમે મિલના મશીન્સ રિપેરિંગ કરવામાં ફાવટ આવી ગઈ. ખેતી ઉપરાંત તેમને હવે મશિનરી રિપેરિંગમાંથી પણ થોડું ઘણું વળતર મળી રહેતું. મિકેનિક તરીકેની આવડતની માર્ટિન્સબર્ગમાં પ્રશંસા થવા માંડી એનાથી પોરસાઈને તેમણે ન્યૂયોર્કની વાટ પકડી.
ન્યૂયોર્કમાં મિકેનિક તરીકે કામ તો મળવા લાગ્યું પણ માર્ટિન્સબર્ગની તુલનાએ શહેર ક્યાંય મોટું હોવાથી મશિનરી રિપેર કરતા કારીગરોનો પણ પાર નહોતો. ધારણા કરતા ખર્ચાળ શહેરમાં ટકી રહેવું મુશ્કેલ બનતું હતું. આર્થિક ભીંસ વધતી જતી હતી. ખર્ચને પહોંચી વળવા માટે તેમણે એક મિત્ર પાસેથી ૧૫ ડોલર ઉછીના લીધા. ત્યાર પૂરતું તો કામ ચાલી ગયું, પણ હવે નવો સવાલ એ હતો કે મિત્રને બાકી રકમ ચૂકવવી કઈ રીતે?
એ રકમનું ચૂકવણું કરવા માટે વોલ્ટર હન્ટે એકાદ શોધ કરીને પેટન્ટ નોંધાવી દેવાનું વિચાર્યું. એ પેટન્ટના હક વેંચીને કરજ ચૂકવી દેવાનો કીમિયો તેમને વધુ સરળ લાગ્યો. કેટલાક સમયથી તેમના દિમાગમાં એક પ્રોડક્ટનો કાચો વિચાર ચાલતો હતો. કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીને કાચા વિચારને પાકો બનાવી શકાશે એ વિચારતા વિચારતા કેટલાક દિવસો વીતાવ્યા પછી તેમની આંખો સામે પ્રોડક્ટનું એક ચિત્ર સ્પષ્ટ થતું લાગ્યું. સ્પષ્ટ થયેલા ચિત્રને ચોક્કસ સ્વરૃપ આપી દેવા તેમણે ઉતાવળે કામ શરૃ કર્યું. એક આઠ ઈંચ લાંબો પિત્તળનો તાર લીધો.
એક બાજુનો તાર થોડો લાંબો રાખ્યો અને પછી વચ્ચેથી તારને એક ગૂંચ પાડી. ગૂંચ એ રીતે પાડી કે ત્યાંથી તારના બંને ભાગ અલગ અલગ પડી જતાં હતા. ઉપરના ભાગે પહેલી આંગળી અને અંગૂઠાની મદદથી પ્રેસ કરીએ તો સરળ રીતે બંને તરફના તારનું હલનચલન કરાવી શકાતું હતું. એક ભાગ વધુ લાંબો રાખ્યો હતો તેને એમણે ફરીથી વાળ્યો અને તેના છેડાને હથોડી મારીને પહોળો કર્યો. પહોળા થયેલા છેડાની ધારને વાળી દીધી. તારનો જે નાનો ભાગ હતો તેનો છેડો સોય જેવો અણિદાર કર્યો એટલે એ છેડો પેલા લાંબાં, વાળી દીધેલા તારની ધારમાં બરાબર બેસી જતો હતો.
એવી જ મથામણ કરીને તેમણે અલગ અલગ આઠ નમૂના બનાવ્યા અને પછી 'સેફ્ટી-પિન' નામથી ૧૦ એપ્રિલ, ૧૮૪૯ના દિવસે પેટન્ટની નોંધણી કરાવી દીધી. જેવી પેટન્ટ નોંધાઈ ગઈ કે પેલા મિત્રનું કરજ ચૂકવવા માટે એ પેટન્ટને અમેરિકાની નવી નવી બનેલી મટીરિયલ કંપની ડબલ્યુ. આર. ગ્રેસ એન્ડ કંપનીને ૪૦૦ ડોલરમાં વેંચી દીધી અને તેમાંથી ૧૫ ડોલર પેલા મિત્રને ચૂકવી દીધા. મિત્રના પૈસા ચૂકવી દેવાની તેમની ઉતાવળ સરવાળે તેમના માટે ખોટનો સોદો સાબિત થયો. ૪૦૦ ડોલરમાં ખરીદેલા હકોમાંથી અમેરિકન કંપનીએ વર્ષો સુધી કરોડોની કમાણી કરી.
પછી તો ૧૮૬૪માં ઈ.જે. મન્વાઇલ નામના સંશોધકે સેફ્ટી-પિન ઝડપથી બનાવી આપતું મશીન વિકસાવ્યું એટલે ઉત્પાદનને વેગ મળ્યો. મશિનરીના જીવ તરીકે અડધો ડઝન કરતા વધુ મહત્ત્વની શોધો કરીને પેટન્ટ નોંધાવનારા વોલ્ટર હન્ટ તેમની દૂરગામી જરૃરિયાત પારખવામાં સદંતર નિષ્ફળ નીવડયા. સમયાંતરે માર્કેટની ડિમાન્ડ પ્રમાણે સેફ્ટી-પિનની ડિઝાઇનમાં કંપનીઓએ ફેરફાર પણ કર્યાં. વોલ્ટરે શોધેલી સેેફ્ટી-પીન અને તેમણે પેટન્ટ કરાવેલી ડિઝાઇનમાં આજે તો કેટલુંય પરિવર્તન આવી ચૂક્યું છે.
સેફ્ટી-પિનની શોધ એ વોલ્ટર હન્ટની પહેલી શોધ ન હતી. ન્યૂયોર્ક આવ્યા તેની શરૃઆતના વર્ષોમાં તેમણે સિલાઈનું મશીન બનાવ્યું હતું. સિલાઈના મશીનની ડિઝાઇન તો હન્ટની પેટન્ટના એકાદ સૈકા પહેલા પણ તૈયાર થઈ હતી અને હન્ટ પછી પણ તેમાં સતત ફેરફારો સાથેની પેટન્ટ નોંધાતી રહી. હન્ટના સિલાઈ મશીનમાં ઉપરનું ગોળ ચક્ર હાથથી ફેરવીએ એટલે સોયના નાકે પરોવાયેલો દોરો આપોઆપ ટાંકા લેતો હતો. કહેવાય છે કે એ વખતે પણ તેમણે આર્થિક તંગીના કારણે કાચી-પાકી સિલાઈ મશીનની પેટન્ટ અન્ય ઈજનેરને વેંચી દીધી હતી.
ફાઉન્ટન પેનથી લઈને નેઇલ-કટર સુધીની આઠેક ઉપયોગી શોધો તેમણે કરી હતી. એ બધી જ શોધો ૧૮૫૯માં ૬૨ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધી તેમની આર્થિક સંકળામણ દૂર ન કરી શકી અને એ બધી શોધો બીજા ઉદ્યોગપતિઓ માટે ટંકશાળ પાડતી રહી એને નસીબનો ખેલ નહીં તો બીજું શું કહીશું?

એક ક્રિએટિવ વિચાર એક સમયે બે લોકોને આવી શકે?
ચાર્લ્સ રોવ્લી નામના એક ઈંગ્લેન્ડના સંશોધકને પણ હન્ટને આવ્યો એવો જ સેફ્ટી પિનનો આઈડિયા આવ્યો હતો. હન્ટની પેટન્ટથી બેખબર ચાર્લ્સે એ જ વર્ષે ઓક્ટોબરમાં પેટન્ટ નોંધાવવા ઈંગ્લેન્ડની પેટન્ટ ઓફિસે ધક્કો ખાધો પછી અધિકારીએ તેને કહ્યું કે આ પેટન્ટ તો અમેરિકાના વોલ્ટર હન્ટ નામના મિકેનિક પાસે છે. હતાશ થયેલા ચાર્લ્સે એ પછી ક્યારેય એક પણ શોધ ન કરી.
એક સમયે બે વ્યક્તિને એક સરખા ક્રિએટિવ વિચારો આવે તેમાંથી આળસ ખંખેરીને જે પહેલું કામ કરે તેના નામે સિદ્ધિ નોંધાતી હોય છે. એવા કેટલાય બનાવો ઈતિહાસમાં નોંધાયા છે. સેફ્ટી-પિનનો બનાવ પણ એમાંનો એક છે. મજાની વાત એ છે કે એકમેકથી જોજનો દૂર રહેતા આ બંનેને લગભગ સમાંતરે સેફ્ટી-પિનની શોધની ડિઝાઇનનો વિચાર આવ્યો હતો. એથીય રસપ્રદ બાબત એ છે કે ચાર્લ્સ પેટન્ટ નોંધાવતા દસ્તાવેજોમાં નોંધ્યું હતું એ પ્રમાણે વોલ્ટર હન્ટ કરતા સેફ્ટી-પિનનો પહેલો વિચાર ચાર્લ્સને આવ્યો હતો!
Sunday 10 April 2016
Posted by Harsh Meswania
Tag :

ફેસબુકની 'લાઈકસ' ઉત્ક્રાંતિ સાથે ઉત્ક્રાંતિના સર્જક ડાર્વિનને સંબંધ ખરો?



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

અંતે ફેસબુક મેનેજમેન્ટે વિશ્વભરમાં 'લાઇક'ની સાથે અન્ય પાંચ રિએક્શન્સ પણ જોડયાં છે. રિએક્શન્સ બટન જોડતા પહેલાં ફેસબુકને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડયું છે અને એના મૂળિયા છેક ચાર્લ્સ ડાર્વિન સુધી પહોંચે છે. લાઇક બટનમાં જોડાયેલા નવા રિએક્શન્સ અને ઉત્ક્રાંતિવાદ આપનારા ચાર્લ્સ ડાર્વિન વચ્ચે આ પ્રક્રિયા દરમિયાન એક અનોખો સેતુ રચાયો છે...
---
ફેસબુકના ઈમોટિકોન્સ કેવી રીતે સર્જાઈને આપણાં સુધી પહોંચ્યા એ જાણીશું તો પછી ધારીને જોતાં તેમાંથી ચોક્કસ દોઢસો વર્ષ પૂર્વે ડાર્વિને દોરેલાં રેખાચિત્રોનો અણસાર આવશે!

ફેસબુકમાં લાઈક સાથે બીજાં પાંચ રિએક્શન ઉમેરાતાં હવે પ્રેમ, નિરાશા, હાસ્ય, ગુસ્સો જેવી લાગણીઓ વ્યક્ત કરવાનું વધુ સરળ બન્યું. અભિવ્યક્તિનું લોકપ્રિય માધ્યમ વધુ એક્સપ્રેસિવ બન્યું. સાત દેશોમાં થયેલા પ્રયોગની સફળતા પરથી ફેસબુકે વિશ્વભરના યુઝર્સ માટે લાઇકની સાથે અભિવ્યક્તિની વધુ મોકળાશ આપી દીધી છે. વિશ્વભરના ફેસબુક યુઝર્સ સુધી પહોંચતા પહેલાં અભિવ્યક્તિની આ ઉત્ક્રાંતિએ લાંબી સફર ખેડી છે, કેટલાય પડાવ પાર કર્યા છે અને ઘણાં પ્રયોગો પછી ફેસબુકની આપણી વોલ સુધી આ અભિવ્યક્તિ પહોંચી છે.
૬ રિએક્શન્સને આપણાં સુધી પહોંચતા પહેલાં લેબોરેટરીની લાંબી અને ગડમથલની વિચાર માંગી લેતી પ્રક્રિયા જોઈ છે. ઈમોટિકોન્સ સ્વરૃપે ફેસબુકની વોલ સુધી પહોંચનારા આ રિએક્શન્સ બટનનાં મૂળિયાં ૨૦મી સદીના આ ક્ષેત્રના અભ્યાસમાં પાયોનિયર ગણાતા પોલ એકમેનથી લઈને છેક ૧૯મી સદીમાં ઉત્ક્રાંતિવાદની વિગતે સમજ આપનારા ચાર્લ્સ ડાર્વિન સુધી પહોંચે છે.
ફેસબુકમાં કોઈની રમૂજી પોસ્ટ અંગે હાસ્યની લાગણી વ્યક્ત કરવા 'લાઈક'ના બટનમાં નવું જોડાઈ ગયેલું 'હાહા'નું ઈમોજી પ્રેસ કરતી વખતે કે કોઈની તસવીર પ્રત્યે પ્રેમ ઉછાળા માટે ત્યારે 'લવ' ઉપર કર્સર રાખતી વખતે આપણને ચાર્લ્સ ડાર્વિન યાદ ન આવે એ સ્વાભાવિક છે! પરંતુ અહીં ડાર્વિનને યાદ કરવાના પૂરતાં કારણો છે. ફેસબુકમાં લવ-હાહા-સેડ-એંગ્રીના બટનમાં ચાર્લ્સ ડાર્વિને પોતાના હાથે દોરેલાં સ્કેચ પહેલી નજરે નહીં દેખાય પણ ફેસબુકના જાહેર માધ્યમમાં એકેય શબ્દ બોલ્યા વગર આપણી લાગણીને આબાદ બયાઁ કરી દેનારા આ ઈમોટિકોન્સ કેવી રીતે સર્જાઈને આપણાં સુધી પહોંચ્યા એ જાણીશું તો ધારીને જોતાં તેમાંથી દોઢસો વર્ષ પૂર્વે ડાર્વિને દોરેલાં રેખાચિત્રોનો અણસાર ચોક્કસ આવશે!
                                                                               ***
૨૦૧૨માં ફેસબુકની લોકપ્રિયતાનો પારો બરાબર ઊંચો ચડયો હતો ત્યારે વોટ્સએપનો વાયરો ફૂંકાયો. અત્યારે વોટ્સએપ ફેસબુક પાસે છે, પણ ત્યારે તેની માલિકી ફેસબુક પાસે ન હતી. વોટ્સએપની સરળતાએ ફેસબુકને સફાળું જગાડી દીધું. ફેસબુક મેનેજમેન્ટે સર્વે કરાવ્યો તો જાણવા મળ્યું કે ફેસબુક મેસેન્જરને બદલે વોટ્સએપ વધુ સરળ, વધુ એક્સપ્રેસિવ છે, પરિણામે તેની લોકપ્રિયતામાં ધરખમ ઉછાળો આવ્યો છે.
ફેસબુકે મેસેન્જર સર્વિસમાં ત્વરિત ફેરફાર કરવાનો નિર્ણય કર્યો. અભિવ્યક્તિના વધુ વિકલ્પો આપવાના હેતુથી ફેસબુકે નિષ્ણાતો પાસેથી સૂચનો લીધાં. પબ્લિક સંશોધન માટે વિખ્યાત બર્કલી યુનિવર્સિટીની લેબોરેટરીમાં કાર્યરત મનોવિજ્ઞાાનના પ્રોફેસર ડેકર કેલ્ટનેર સાથે વાતચીત પછી ફેસબુક મેનેજમેન્ટે તેમને ફેસબુક મેસેન્જર માટે અભિવ્યક્તિના વધુ વિકલ્પો આપતા સ્ટિકર્સ બનાવવાનું કામ સોંપ્યું.
મનોવિજ્ઞાની કેલ્ટનેરે વિભિન્ન લાગણીઓ વ્યક્ત કરતા સિમ્બોલ્સના ઊંડા અભ્યાસુ તરીકેની ખ્યાતિ ધરાવતા હતા અને અગાઉ પણ આવા ઈમોટિકોન્સ બનાવવા માટે અલગ અલગ મોબાઇલ પ્રોવાઇડર કંપનીઓ માટે કામ કરી ચૂક્યા હતા. તેમણે ફેસબુક માટે ફરીથી વિશ્વભરના સિમ્બોલ્સનો અભ્યાસ શરૃ કર્યો. મનોવિજ્ઞાાનની શરૃઆતના કેટલાક પુસ્તકો તેમણે તપાસ્યા. અભ્યાસ દરમિયાન ખપ પડે એવા બે સંશોધકોના નામ પર તેમણે મહોર મારી અને એ બે સંશોધકોએ આપેલા સિમ્બોલ્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એ બે સંશોધકો એટલે કેલ્ટનેરના પુરોગામી મનોવિજ્ઞાાની, ૭૦-૮૦ના દશકામાં બર્કલી યુનિવર્સિટીમાં જ કામ કરી ચૂકેલા પ્રોફેસર પોલ એકમેન અને ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન.
૧૮૭૨માં પબ્લિશ થયેલા ચાર્લ્સ ડાર્વિનના સંશોધનાત્મક પુસ્તક 'ધ એક્સપ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ્સ'માં ડાર્વિને પહેલી વખત માનવીય લાગણીઓ વ્યક્ત કરતા સ્કેચ રજૂ કરીને તેનો વિગતે અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસ થયો ત્યારે મનોવિજ્ઞાાન અલગ વિજ્ઞાાન તરીકે સ્થાપિત નહોતું થયું, પણ પછી જ્યારે મનોવિજ્ઞાાનની વર્તનના વિજ્ઞાાન તરીકે ગણના થવા લાગી ત્યારથી માનવીય પ્રતિક્રિયાને સ્કેચ મારફતે વર્ણવતું આ પુસ્તક આધારભૂત ગણાતું આવ્યું છે.
ડાર્વિનના આ પુસ્તક પ્રકાશિત થયાના લગભગ એકાદ સૈકા પછી બર્કલી યુનિવર્સિટીમાં કામ કરતા માનસશાસ્ત્રી પોલ એકમેને ૮૦ના દશકામાં ડાર્વિનના એ જ પુસ્તકનો આધાર લઈને પ્રેમ-હતાશા-ભય-રુદન જેવી માનવીય લાગણીઓ વખતે મુખાકૃતિ કેવી હોય એના પર ઊંડું સંશોધન હાથ ધર્યુું હતું. આજે સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મમાં જે ઈમોટિકોન્સનો ઉપયોગ થાય છે એ તમામનો આધાર પોલ એકમેનના સંશોધનને આભારી છે.
ફેસબુક માટે સ્ટિકર્સ બનાવવાનો પ્રોજેક્ટ મેળવનારા કેલ્ટનેરે પણ ડાર્વિન અને પોલનાં સંશોધનોને રેફરન્સ મટિરિયલ બનાવ્યું. ડાર્વિને એક્સપ્રેશન્સના તેમના પુસ્તકમાં વિવિધ લાગણીઓ વખતે વ્યક્ત થતાં ભાવોના ૫૦ સ્કેચ આપ્યા હતા. પ્રોફેસર પોલ એકમેને એ સંખ્યા ઘણી સમૃદ્ધ કરીને ત્રણેક હજાર ચહેરાના ભાવોનું વર્ણન કર્યું હતું. એ કારણે ઈમોશન્સના અભ્યાસમાં તેમને પાયોનિયર ગણવામાં આવે છે. ડાર્વિન અને પોલના સંશોધન પરથી પ્રેરણા લઈને કેલ્ટનેરે ૫૦ એક્સપ્રેશન્સ અલગ તારવ્યાં. જમાના પ્રમાણે બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેલ્ટનેરે તેમાં ઘણા ફેરફારો કર્યા અને લેબોરેટરીના ડિઝાઇનર મેટ્ટ જોન્સ પાસે વિભિન્ન ઈમોશન્સના ૪૦ સ્કેચ તૈયાર કરાવ્યાં. તેની સચોટ ઓળખ થાય છે કે લોકો તેને ઓળખવામાં થાપ ખાય છે એ માટે કેલ્ટનેરે લેબોરેટરીમાં પ્રયોગો કર્યો. અંતે એક સેટ તૈયાર થયો પછી ફિચ નામ આપીને ફેસબુકને મોકલી દીધા.
ફેસબુકે ૪૦માંથી ૧૬ પર પસંદગી ઉતારીને ૨૦૧૩માં તેનો સમાવેશ ફેસબુક મેસેન્જરમાં કર્યો. પ્રેમ, ગુસ્સો, નિરાશા, હાસ્ય, આશ્વર્ય, હૂંફાળું સ્મિત, રુદન સહિતના આ સ્ટિકર્સ વિશ્વભરના યુઝર્સે વધાવ્યા એટલે પછી કમેન્ટ્સમાં પણ યુઝર્સ આ સ્ટિકર્સ દ્વારા લાગણી વ્યક્ત કરી શકે એવી સુવિધા આપી.
'લાઇક'નું બટન ફેસબુકની ઓળખ છે. તેમ છતાં કેટલાય સમયથી 'ડિસલાઇક'નું બટન પણ ઉમેરવાની માંગણી થતી રહે છે. કેટલાક નિષ્ણાતો લોકપ્રિયતાના ખરાં માપદંડ માટે ડિસલાઇકના બટનની તરફદારી કરતા રહે છે એ દરમિયાન 'લાઇક'ને વધુ જીવંત બનાવવા માટે ફેસબુકે પ્રયાસો શરૃ કર્યા.
આ સમયે ફેસબુક મેનેજમેન્ટને અગાઉ મેસેન્જર માટે 'ફિચ'નો સેટ તૈયાર કરી આપનારા કેલ્ટનેર યાદ આવ્યા. કેલ્ટનેરે લાગણીઓ અભિવ્યક્ત કરવામાં મનોવિજ્ઞાાનની અને યુઝર્સની મનોવૈજ્ઞાાનિક મર્યાદાઓ સમજાવીને ચહેરાના એક્સપ્રેશન્સને બદલે બોડીલેંગ્વેજનો ઉપયોગ કરવાનું સૂચવ્યું. કેલ્ટનેરે તો અવાજ અને સંગીતના માધ્યમથી યુઝર્સ લાગણીઓ વ્યક્ત કરી શકે એવી સુવિધા આપવાની હિમાયત પણ કરી જોઈ. અવાજ અને સંગીત દરેક દેશના યુઝર્સને એકસરખી રીતે આકર્ષી શકે કે કેમ તે અંગે ફેસબુકને શંકા હતી. ફેસબુકે એ પ્રયોગ કરવાનો ઈન્કાર કરી દીધો અને કેલ્ટનેર પાસે તાજાં ઈમોટિકોન્સ બનાવી આપવાની માંગણી જ દોહરાવી.
કેલ્ટનેરે ચહેરાના એક્સપ્રેશન્સ માટે ફરીથી સંશોધન આદર્યું. આ વખતે તેના માટે પરીક્ષા એ હતી કે એક્સપ્રેશન્સ બરાબર ક્લિક થવા જોઈએ અને વળી અગાઉ ફેસબુકને આપ્યા છે એવા ઈમોટિકોન્સ પણ ન હોવા જોઈએ. તેમણે ડિઝાઇનિંગમાં ધરખમ પરિવર્તન કરીને પહેલી નજરે જે તે લાગણી બરાબર ક્લિક થાય એવા સ્કેચ લેબોરેટરીમાં તૈયાર કરાવ્યા. આ વખતે ૪૩ સ્ટિકર્સ તૈયાર કરીને ફેસબુકને આપ્યા. ફેસબુકે તેમાંથી ત્રણને પ્રાથમિક ધોરણે ગયા વર્ષે માત્ર અમેરિકામાં લાઈક બટન સાથે જોડીને પહેલો પ્રયોગ કર્યો. તેમાં સફળતા મળતાં ઓક્ટોબર-૨૦૧૫માં સાત દેશોમાં લાઈક બટન સાથે 'લાઇક' ઉપરાંત “love,” “haha,” “yay,” “wow,” “sad,” અને “angry.” દ્વારા પ્રયોગ કરી જોયો. એમાંથી ય લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને અંતે “love,” “haha,” “wow,” “sad,” અને “angry ને વિશ્વભરના યુઝર્સની સુવિધા માટે ઉપલબ્ધ કરાવી દીધા.
                                                                             ***   
હજુ ય કદાચ લોકોના ફિડબેક પછી ફેસબુક તેમાં ફેરફાર કરશે. કદાચ ફરીથી પેલા પ્રોફેસર કેલ્ટનેર પોતાની લેબોરેટરીમાં ચહેરાના નીતનવા એક્સપ્રેશન્સ ઉપર કામ કરીને વિકલ્પો વધારે એમ પણ બને. કદાચ ભવિષ્યમાં કેલ્ટનેરનું સૂચન માન્ય રાખીને બોડીલેંગ્વેજ દ્વારા અભિવ્યક્તિની મોકળાશ આપવાની શરૃઆત થઈ શકે. પણ એ તમામનાં મૂળિયાં ચાર્લ્સ ડાર્વિનના ૧૪૫ વર્ષ પૂર્વેના પુસ્તક સુધી અને પોલ એકમેનની ૩ હજાર મુખાકૃતિ સુધી પહોંચશે એ નક્કી છે. તેનો એકરાર કરતા ફેસબુકના રિએક્શન્સ માટે જેમને ક્રેડિટ મળી છે એવા મનોવિજ્ઞાાની ડેકર કેલ્ટનેરે મોકળા મને કહે છે : ચાર્લ્સ ડાર્વિન અને પોલ એકમેને ઈમોશન્સના ક્ષેત્રે જેટલું કામ કર્યું છે એટલું કામ હવે આજના કોઈ પણ સંશોધક માટે ઈચ્છવા છતાં શક્ય નથી. ટાંચાં સાધનો વચ્ચે માનવીય લાગણીઓને પારખવાની જે ક્ષમતા તેમણે દરદર ભટકીને મેળવી હતી એ હવે વર્ચ્યુઅલ રિયાલિટીના વર્લ્ડમાં ક્યાંથી આવે!
Sunday 6 March 2016
Posted by Harsh Meswania
Tag :

ગુરતેજ સંધુ : ૧૨૦૦ સંશોધનો ઉપર હક ધરાવતું ભારતીય નામ


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

એક સમયે સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકોમાં થોમસ એડિસનનું નામ બોલાતું હતું. વર્ષો સુધી તેમના નામે એ વિક્રમ રહ્યો પછી કેટલાક સંશોધકોએ એ વિક્રમ તોડીને એડિસનની આગળ પોતાનું નામ દર્જ કર્યું. એ યાદીમાં એક ભારતીય સંશોધકનું નામ પણ સામેલ છે.

ગુરતેજ સંધુએ ૧૨૦૦ કરતાં વધુ પેટન્ટ પર પોતાનું નામ કોતરાવ્યું છે. જેના પ્રતાપે તેમણે નામ-દામ બંને મેળવ્યાં છે. વિશ્વભરના ફળદ્રુપ સંશોધકોમાં તેઓ પહેલી હરોળમાં સ્થાન પામે છે.

થોમસ આલ્વા એડિસન દુનિયાના પહેલા એવા સંશોધક હતા, જેમણે પોતાનાં સંશોધનમાંથી માસ પ્રોડક્શન કરવાનો પરવાનો લીધો હતો. સંશોધક અને બિઝનેસમેન એવી બંને ઓળખ એકસાથે આપવી પડે એવું એ વિજ્ઞાાનજગતનું પહેલું નામ હતું. એ પહેલાં સામાન્ય રીતે એવો શિરસ્તો હતો કે વૈજ્ઞાાનિકો સંશોધન કરીને પોતાના નામની પેટન્ટ નોંધાવે પછી કોઈ બિઝનેસમેન એ હકો ખરીદીને પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ કરાવતા. પરિણામે કમાણી સંશોધકને ઓછી અને બિઝનેસમેનને વધુ થતી.
થોમસ એડિસન પહેલા એવા વિજ્ઞાાની હતા, જેમણે વિચાર્યું કે સંશોધન અને માસ પ્રોડક્શન બંને એક સાથે કેમ ન થઈ શકે? અને તેમણે એ બંને બાબતો સફળતાપૂર્વક કરી બતાવી. વળી, સંશોધન પણ ગણ્યું-ગાંઠયું નહીં,  માસ પ્રોડક્શનની જેમ માસ પેટન્ટ પર નામ નોંધાવ્યું. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ૧૦૮૦ પેટન્ટ પર થોમસ આલ્વા એડિસનનું નામ રજિસ્ટર થયું હતું.
અલગ અલગ દેશમાં રજિસ્ટર પેટન્ટની ગણતરી કરવામાં આવે તો તો ૨૩૦૦ પેટન્ટ પર હક હોવાનો એડિસનનો દાવો હતો. બિઝનેસમેન અને સંશોધક એમ બંને મોરચે એડિસનનો દબદબો હતો. એક તરફ તેમણે સંશોધન માટે ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોરેટરી બનાવી હતી, જેમાં ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટનું સંશોધન થતું. તો બીજી તરફ બિઝનેસમેનને છાજે એવા અંદાજથી માર્કેટમાં એ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવતા હતા. ૧૯૩૧માં એડિસનનું નિધન થયું ત્યારે સંખ્યાની દૃષ્ટિએ આટલી માતબર પેટન્ટ્સ પર હક ધરાવતો હોય એવો દુનિયામાં એક પણ સંશોધક ન હતો. અમેરિકાના જ્હોન એફ ઓ'કોનર પાસે બધું મળીને ૮૦૦-૯૦૦ નાના-મોટા હકો નોંધાયા હતા એટલે સૌથી નજીકના સંશોધક જ્હોન હતા. એ પછી આલ્બર્ટના નામે ૯૯૩ પેટન્ટ રજિસ્ટર થતાં એડિસનનો વિક્રમ તૂટશે એમ મનાતું હતું, પણ એ વિક્રમ ન તૂટયો. આ આલ્બર્ટ એટલે આઈન્સ્ટાઇન નહીં, પણ કેનેડાના વિજ્ઞાાની જ્યોર્જ આલ્બર્ટ.
એડિસનના મૃત્યુ પછી ઊભરેલા કેટલાય સંશોધકોએ એક હજારના આંકડાને પાર કરવાના પ્રયાસો કર્યા હતા, પણ એડિસનનો વિક્રમ આખી વીસમી સદી પૂરી થઈ છતાં અડીખમ હતો. આ વિક્રમ એડિસનના નિધન પછી ૭૨ વર્ષે તૂટયો. જાપાની સંશોધક-બિઝનેસમેન શૂનપેઇ યામાઝાકીએ એડિસનનો સૌથી વધુ પેટન્ટનો રેકોર્ડ ૨૦૦૩માં તોડયો. હવે ૭૪વર્ષીય યામાઝાકી એડિસનથી ક્યાંય આગળ છે. તેમના નામે ૪૩૦૦ કરતાં વધારે પેટન્ટ બોલે છે, પણ તેમ છતાં એ પહેલા નંબરે નથી.
પહેલો નંબર ૪૭૦૦ પેટન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયન વિજ્ઞાાની કિઆ સિલ્વરબૂ્રકના નામે છે. સિલ્વરબૂ્રકે ૨૦૦૮માં સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકનો ખિતાબ યામાઝાકી પાસેથી મેળવી લીધો. ૫૮ વર્ષના સિલ્વરબૂ્રક સતત પેટન્ટ નોંધાવતા જાય છે એ જોતાં આગામી સમયમાં તેના નામનો વિક્રમ તોડવો મુશ્કેલ બની જશે. સૌથી વધુ પેટન્ટનો વિક્રમ તોડવાની દોડમાં એક ભારતીય સંશોધક પણ શુમાર છે. ૪૭ વર્ષના ભારતીય વિજ્ઞાાની ગુરતેજ સંધુ અત્યારે દુનિયાના પાંચ સૌથી વધુ પેટન્ટ ધારકોમાં પાંચમા નંબરે છે.
                                                                             ***
માતા-પિતાનો વિજ્ઞાાનનો વારસો ગુરતેજ સંધુને મળ્યો હતો. ઘરમાં વિજ્ઞાાનનું વાતાવરણ હતું એટલે બાળપણથી જ ગુરતેજ સંધુને વિજ્ઞાાન તરફ લગાવ બંધાયો. શાળામાં બીજા બધા વિષયો કરતાં તેમને ગણિત અને વિજ્ઞાાન વધારે આકર્ષે. માતા-પિતા વિજ્ઞાાન સાથે નાતો ધરાવતાં હતાં એટલે તેમની વિજ્ઞાાન-ગણિત તરફની રુચિ સહજ હતી, પણ ધીમેે ધીમે સમજાયું કે વિજ્ઞાાન કરતાં એન્જિનિયરિંગમાં તેમને વધુ મજા પડે છે. કોલેજમાં આવતા સુધીમાં તો તેમણે પોતાનો નિર્ણય ઘરમાં સંભળાવી દીધો : 'મેડિસીન સાથે કામ લેવાને બદલે મને ટેકનોલોજી સાથે કામ લેવાનું વધુ ફાવે છે એટલે ટેકનોલોજીમાં જ આગળ વધવું છે'. ઘરમાં એ નિર્ણયને સ્વીકારી લેવાયો અને એમ તેમણે આઈઆઈટી-દિલ્હીમાં એડમિશન લીધું.
'૯૦ના દશકમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આઈઆઈટી જેવી સંસ્થામાંથી બહાર નીકળીને મોટી નોકરીના સપનાં જોતાં હતાં ત્યારે સંધુએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની તૈયારી આદરી દીધી હતી. આઈઆઈટીમાંથી બહાર નીકળીને તેમને સિદ્ધિ છલાંગ અમેરિકામાં લગાવવી હતી. ઊજળો સ્ટડીટ્રેક અને સજ્જતાથી તેમને અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. અમેરિકામાં તેમણે ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં તો એકથી એક ચડિયાતી કંપનીઓ તેમને જોબ આપવા લાઈનમાં ઊભી હતી. સામાન્ય રીતે એકથી એક સારા વિકલ્પો હોય ત્યારે હોનહાર વિદ્યાર્થીઓ સૌથી મોટી કંપનીને પસંદ કરે છે, પણ ગુરતેજ સંધુએ તેનાથી વિપરીત કર્યું. મેમરી ચિપ્સ બનાવતી ટોચની ૧૫ કંપનીઓને બાજુ પર રાખીને આજથી અઢી દશકા પહેલાં સંધુએ ૧૬મા નંબરની કંપની માઇક્રોન પર પસંદગી ઉતારી.
મોટી કંપનીઓને બદલે છેક ૧૬મા નંબરની કંપનીને પસંદ કરવા અંગે એક વખત તેમણે કહ્યું હતું એમ પીએચ.ડીના પ્રોફેસર અને મેન્ટર ડબલ્યુ કે ચૂએ તેમને આવો નિર્ણય લેવા માટે સમજાવ્યું હતું. પ્રોફેસરનો તર્ક હતો કે મોટી કંપનીમાં ઊંચા હોદ્દે બેસી જવાશે, પરંતુ તેમાં નવા સંશોધન સામે અનેક મર્યાદાઓ હશે. જેમ કંપની મોટી હશે એમ આપમેળે સંશોધન કરવાની તક ઘટતી જશે. કંપની માર્કેટમાં વર્ચસ્વ ધરાવતી હશે એટલે તેની પ્રોડક્ટમાં ધરખમ ફેરફાર કરવાના પક્ષમાં ક્યારેય નહીં હોય. જો કામ કરવું હોય અને વિકસવું હોય તો બજારમાં જગ્યા કરી રહેલી કંપની પસંદ કરવી જોઈએ કે જેમાં સંશોધનનો ભરપૂર અવકાશ હોય.
પ્રોફેસરની સલાહને માન્ય રાખીને સંધુએ એ સમયે વિકસી રહેલી; મેમરી માઈક્રોચિપ્સ બનાવતી કંપની માઇક્રોનમાં નોકરી સ્વીકારી. જેવા સંશોધનની ધારણા માટે તેમણે માઇક્રોન પર પસંદગી ઉતારી હતી એવું સંશોધન કરવાનો તેમને ભરપૂર અવકાશ પણ માઇક્રોનમાં મળ્યો.
અને એમ શરૃ થઈ તેમની એક પછી એક પેટન્ટના સંશોધનની સફર...
                                                                       ***
'નવા વિચાર માટે દિન-રાત લેબોરેટરીમાં જ રહેવાની જરૃર નથી પડતી. અચાનક દિમાગમાં વિચાર ઝબકી જાય પછી લેબોરેટરી તો એને ડેવલપ કરવાનું કામ કરે છે. મને અહીં પૂરતી મોકળાશ મળે છે એટલે નવા નવા વિચાર પર સંશોધન કરું છું અને મહેનતને અંતે પરિણામ પણ મળે છે એટલે પેટન્ટનું લિસ્ટ લાંબું થતું જાય છે.' અઢળક ક્રિએટિવ વિચારો અને તેના પછી થતી મહેનતને ગુરતેજ સંધુ થોડા શબ્દોમાં  જ વર્ણવી દે છે. તેમનું પ્રદાન કંપની માટે અને માઇક્રોચિપ્સ ઈન્ડસ્ટ્રી માટે બહુ મહત્ત્વનું છે. માઇક્રો-ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની અઢળક પ્રોડક્ટના તેઓ પાયોનિયર ગણાય છે. નિતનવા પ્રયોગો કરીને નવા નવા પદાર્થમાંથી તેમણે બનાવેલી માઇક્રોચિપ્સ ટિકાઉ અને સસ્તી હોવાના કારણે માત્ર માઇક્રોન કંપની જ નહીં, પરંતુ તેની હરીફ કંપનીઓ પણ હક ખરીદીને તેનું પુષ્કળ પ્રોડક્શન કરે છે.
ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના એન્જિનિયર તરીકે કંપનીમાં જોડાયેલા ગુરતેજ સંધુ અત્યારે માઇક્રોન કંપનીમાં એડવાન્સ ટેકનોલોજીના ડિરેક્ટર છે. આવડતના બળે તેમણે ઈજનેરથી ડિરેક્ટર બનવા સુધીની લાંબી સફર તય કરી છે. કંપની બજારમાં જે નવી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે તેની તમામ જવાબદારી ગુરતેજ સંધુની રહે છે. કંપનીમાં થતાં સંશોધનો સીધા તેમની નિગરાની હેઠળથી પસાર થાય છે. આટલા બિઝી રહેવા છતાં સતત આવતા ક્રિએટિવ વિચારો પર સમય કાઢીને કલાકો સુધી તેઓ કામ કરે છે, પરિણામે આજે સ્માર્ટફોનથી લઈને મ્યૂઝિક પ્લેયરમાં કામ આવતી મેમરીચિપની જુદી જુદી કેટલીય પ્રોડક્ટ્સ પર ગુરતેજ સંધુનું નામ નોંધાઈ ચૂક્યું છે. ૪૭ વર્ષના આ સંશોધકે છેલ્લાં ૨૦-૨૨ વર્ષમાં ૧૨૦૦ કરતાં વધુ પેટન્ટ પર પોતાનું નામ કોતરાવ્યું છે. આ પેટન્ટના પ્રતાપે તેમણે નામ-દામ બંને મેળવ્યાં છે. વિશ્વભરમાં ફળદ્રુપ દિમાગના સંશોધકોમાં તેઓ પહેલી હરોળમાં સ્થાન પામે છે. ગુરતેજ સંધુ સંખ્યાત્મક રીતે આપણા દેશમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતા વિજ્ઞાાની છે અને વિશ્વના ટોચના પાંચ પેટન્ટ ધારકોમાં તેમનું નામ શુમાર થાય છે.
થોમસ આલ્વા એડિશનનો વિક્રમ તો તેમણે ક્યારનોય તોડી નાખ્યો છે. એક જાપાનના અને એક કેનેડાના એમ બે સમવયસ્ક વિજ્ઞાાનીઓને પણ તેમણે પાછળ રાખી દીધા છે. હવે ગુરતેજ સંધુથી આગળ ચાર સંશોધકો છે. ચારમાંથી ત્રણ સંશોધકો હજુ એક્ટિવ છે, પણ એ તમામ સંશોધકો કરતાં ઓછી વય ગુરતેજ સંધુનું જમા પાસું છે. ભારતીય સંશોધક તરીકે તેમના નામે 'મોસ્ટ પ્રોલિફિક ઈન્વેન્ટર' તરીકેનો ખિતાબ હોય તો એ ભારત માટે ગૌરવની વાત લેખાશે.
Sunday 28 February 2016
Posted by Harsh Meswania
Tag :

માતા-પિતાની જુદી જુદી માતૃભાષા હોય તો બાળકની માતૃભાષા કઈ કહેવાય?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

માતૃભાષા દિવસે વાત કરીએ સતત વિકસી રહેલી 'બાઈલિંગ્વલ' કલ્ચર યાને દ્વિભાષીયતાની. જુદી જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતાનાં સંતાનો માતા અને પિતા બંનેની ભાષા જાણતાં હોય છે,  પણ તેની સામે મુશ્કેલી એ ઊભી થાય છે કે માતૃભાષા કોને કહેવી? કોઈ એકને? બેમાંથી એકેયને નહીં? કે પછી બંનેને?

બીજા વિશ્વયુદ્ધ પછીનો કોઈ એક દિવસ. બે બાળકો પરીક્ષકો સામે મૌખિક પરીક્ષા આપવા બેઠા છે. પરીક્ષા શરૃ થવાની હોય એ પહેલાંનો ડર બંનેના ચહેરા ઉપર કળી શકાય છે. પરીક્ષકોની આખોમાં પણ ગૂંચવણ છૂપી રહેતી નથી. એ પરીક્ષા બંને બાળકોની માતૃભાષા નક્કી કરવા માટે લેવાઈ રહી હતી. ભાષાશાસ્ત્રીઓ પરીક્ષા પછી બાળકોની માતૃભાષા નક્કી કરવાના હતા.
પરીક્ષા શરૃ થઈ. ભાષાનિષ્ણાતોના આશ્વર્ય વચ્ચે પાંચ-સાત વર્ષનાં એ બંને બાળકો બબ્બે ભાષા એકસરખી રીતે જાણતાં હતાં. માતૃભાષામાં હોવી જોઈએ એટલી પક્કડ આ બંને બાળકોની બબ્બે ભાષા પર હતી. આ પહેલાં આવું બન્યું નહોતું એમ નહોતું, પરંતુ ઘણાખરા કિસ્સામાં માતા-પિતા કે પરિવારજનો બાળકની માતૃભાષા નક્કી કરી નાખતાં. બે ભાષા આવડતી હોય તો પણ કોઈ એકને પ્રાથમિકતા આપીને મામલો પૂરો થઈ જતો, પણ અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણતાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટના કિસ્સામાં બબ્બે ભાષા માતૃભાષા હોવાનો દાવો કરાયો હતો અને એ દાવાને માન્ય પણ રખાયો. એ બંનેએ બેય ભાષા ઉપર સંતુલિત ક્ષમતા સિદ્ધ કરી હતી. વિશ્વનો એ પહેલો કિસ્સો હતો અને જન્મથી બબ્બે ભાષા શીખતાં બાળકોના કિસ્સાની એ નવી શરૃઆત હતી.
૨૦ સદીના મધ્યાહ્ને બે અલગ અલગ દેશના જુદી જુદી ભાષા ધરાવતાં યુગલો વચ્ચે લવમેરેજનો નવો ટ્રેન્ડ શરૃ થયો હતો, પરિણામે ભવિષ્યમાં બાળકોની માતૃભાષા અંગે મૂંઝવણ પણ થવાની હતી: બાળક જેના પ્રથમ પરિચયમાં આવે છે; એ માતા શીખવે તે બાળકની માતૃભાષા કહેવાય કે પિતાની ભાષાને? કે બેમાંથી એકેય નહીં? કે પછી બંનેને?
                                                                               ***
ધારો કે, ભારતીય યુવક જાપાની યુવતીને પરણીને અમેરિકા સ્થાયી થાય તો ભારતીય યુવકની હિન્દી, જાપાની યુવતીની જાપાનીઝ અને અમેરિકા સ્થાયી થયા છે એટલે અંગ્રેજી એમ ત્રણ ભાષાનો બાળક પર પ્રભાવ પડે. અમેરિકા રહેવાનું હોય એટલે અંગ્રેજી તો જાણે જરૃરી છે, સ્થાનિક માહોલના કારણે બાળક એ સહેલાઈથી શીખી ય જશે, પણ પછી જો એ પિતાની માતૃભાષા હિન્દી પણ શીખે અને માતાની માતૃભાષા જાપાનીઝ પણ શીખે ત્યારે પ્રશ્ન ઊઠે કે બાળકની માતૃભાષા કોને કહેવી?
માતૃભાષા એટલે માતૃભૂમિની ભાષા. પિતાનું વતન ભારત હોય અને બાળકને સામાન્ય રીતે પિતાનો વારસો મળતો હોય છે એ જોતાં તેની માતૃભાષા હિન્દી થવી જોઈએ. તો માતાની ભાષાનું શું? આ સવાલો દુનિયાને તો થતા થશે, સમજણા થયા પછી બાળકને ખુદને આ સવાલો સતાવે છે. જુદી-જુદી માતૃભાષા ધરાવતા માતા-પિતાનાં સંતાનો ઘણી વખત માતૃભાષા અંગેની ગ્રંથિથી પીડાવા લાગે છે. આવા કિસ્સાઓમાં માતા-પિતા સમજૂતીથી બાળકને કોઈ એક ભાષા શીખવાડીને નિવેડો લઈ આવતાં હોય છે.
વિદેશમાં રહેતાં માતા-પિતા બંનેની ભાષા ન શીખવાડીને જે જરૃરી છે એ અંગ્રેજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ જ્યારે એક જ દેશમાં રાજ્યો પ્રમાણે ભાષાનું વૈવિધ્ય હોય અને તેમાં બે રાજ્યોના જુદી જુદી ભાષા ધરાવતા યુગલો લગ્ન કરે પછી બાળકની માતૃભાષા કઈ એ સવાલ ઊઠયા વગર રહેતો નથી. ગુજરાતી યુવક બંગાળી યુવતી સાથે લગ્ન કરે તો બંનેના પરિવારજનોનો આગ્રહ ઘણી વખત બાળકને બબ્બે ભાષા શીખવા તરફ દોરી જાય છે. યુવકનાં પરિવારજનો બાળકને ગુજરાતી શીખવવા આતુર હોય અને યુવતીને ય પોતાના સંતાનને બંગાળી શીખવવાની ઝંખના તો હોય જ. વળી, એમાં હિન્દી અને અંગ્રેજી ભળે એટલે બાળકને ચાર-ચાર ભાષા શીખવાની થાય!
વિદેશમાં વસીને ય પોતાની ભાષાને જીવંત રાખવા મથતાં માતૃભાષાપ્રેમી માતા-પિતાને પોતાને જ ઘણી વખત એ મંજૂર નથી હોતું કે સ્થાયી થયા છે એ દેશની ભાષા જ બાળક શીખી લે અને પોતાનો વારસો ભુલાવી દે! આ સ્થિતિમાં બબ્બે કે ત્રણ-ત્રણ ભાષા બાળકને શિખવાડાય છે. એકથી વધુ ભાષાના કલ્ચરને ભાષાશાસ્ત્રીઓ બાઈલિંગ્વલિઝમ કહે છે. ગુજરાતીમાં જેને દ્વિભાષીયતા કહેવાય. એટલે કે બબ્બે ભાષા ઉપર પેલાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટની જેમ એકસરખી પક્કડ ધરાવવી.
બેથી વધુ ભાષા માટે મલ્ટિલિંગ્વલિઝમ પણ જાણીતો શબ્દ છે. માતા-પિતા પોત-પોતાની સંસ્કૃતિ માટે પોતાની ભાષા શીખવે છે અને પછી બાળક અંગ્રેજી જેવી અનિવાર્ય ભાષા તો શીખે જ શીખે. પરિણામે બે કે તેથી વધુ ભાષા સાથે બાળકને કામ પાર પાડવાનું થાય છે. કોઈ એકને ફર્સ્ટ લેંગ્વેજનો દરજ્જો મળે, બીજી ભાષાને સેકન્ડ લેંગ્વેજનો અને અમેરિકા-બ્રિટનમાં રહેતાં હોય તો ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અનિવાર્ય બની જાય. ઘણા દેશોમાં મધર ટંગ અને ફર્સ્ટ લેંગ્વેજને અલગ અલગ નામ આપીને માતા-પિતા બંનેની ભાષાને માતૃભાષાના ખાનામાં સમાવી લેવાતી હોય છે. એટલે કે જુદી-જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતા અને દુનિયાએ મળીને બાળકની માતૃભાષા કઈ? તેના ઉકેલરૃપે બાઈલિંગ્વલિઝમ કે મલ્ટિલિંગ્વલિઝમ શબ્દો શોધી કાઢ્યા છે.
પરંતુ શું બાળકને આટલી ભાષાનો બોજ આપવો જોઈએ?
                                                                                   ***
આજે વિશ્વમાં કુલ બાળકોમાંથી ૧૯ ટકા બાળકો બાઈલિંગ્વલ છે. બાળવયથી જ બબ્બે ભાષા બોલતાં બાળકોની સંખ્યા સતત વધવા માંડી છે. આંકડો હજુ ય મોટો થશે. નિષ્ણાતો પેરેન્ટ્સને શિખામણ આપે છે કે શક્ય હોય તો બાળકને બબ્બે ભાષા શિખવાડો. માત્ર બોલતાં જ નહીં, લખતાં અને વિચારો વ્યક્ત કરવા જેટલી સજ્જતા ધરાવે એટલી ઊંડાણથી બાળકને બબ્બે કે ત્રણ ભાષા શીખવવાની તરફેણ ભાષાશાસ્ત્રીઓ કરે છે. અભ્યાસોના અંતે તારણ નીકળ્યું છે કે બાળક ઉપર બબ્બે ભાષા શીખવાનો કોઈ જ બોજ નથી હોતો. ૧૦ વર્ષ સુધી બાળક એકથી વધુ ભાષા મુશ્કેલી વગર શીખી જશે અને એમાં પણ ૭ વર્ષ સુધી તો શ્રેષ્ઠ સમય છે. શબ્દો શરૃઆતમાં સેળભેળ થશે, પણ પછી બાળક જાતે જ તેને અલગ તારવશે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે બબ્બે ભાષા જાણતાં બાળકોનો બૌદ્ધિક વિકાસ એક ભાષા જાણતાં બાળકો કરતાં વધારે થાય છે.
એક જ ભાષા શીખવાની હોય ત્યારે અંગ્રેજીને પ્રાથમિકતા આપીને માતૃભાષાને સ્કિપ કરી દવાનો રવૈયો અપનાવાતો હોય છે, પણ તેનાથી ઊલટું વિશ્વમાં અત્યારે બાઈલિંગ્વલિઝમનો ટ્રેન્ડ છે. બાળક ઘરમાં દાદા-દાદી-નાના-નાની સાથે તેમની ભાષામાં અને શાળામાં શિક્ષકો સાથે શિક્ષકોની ભાષામાં કમ્યુનિકેશન કરે છે અને છતાં સહેજ પણ અસહજતા મહેસૂસ નથી કરતો. અલગ અલગ માતૃભાષા ન હોય એવાં કેટલાંય પેરેન્ટ્સ ગુજરાતમાં રહીને પણ માત્ર એ જ કારણે માતૃભાષા લખતાં નથી શિખવતા કે બાળક ઉપર નાહકનો બબ્બે ભાષાનો બોજ આવશે! જ્યાંથી આ સમસ્યાનો ઉદ્ભવ થયો હતો એણે જ તેનું સમાધાન પણ કર્યું છે કે કોરી પાટીમાં જે લખવું હોય એ લખો તેનાથી બાળકને ખાસ કંઈ બોજો નહીં આવે. બાળકની ક્ષમતા આપણા પૂર્વગ્રહ કરતાં ઘણી વધારે છે એ સંશોધનોથી સિદ્ધ થઈ ચૂક્યું છે!
એક સમયે એમ કહેવાતું કે બાળક માતૃભાષા સરખી રીતે શીખી નહીં શકે તો બીજી ભાષા કઈ રીતે શીખશે? ત્યારે બીજી ભાષા શીખવા માટે માતૃભાષા શીખવી જરૃરી હતી. ત્યારે ભારતમાં શિક્ષણનું પ્રમાણ અને સામાજિક રચના જોતા એ વાત એકદમ સાચી પણ હતી. ત્યારે બાળકના શિક્ષણનો બધો આધાર શાળાના શિક્ષકો પર જ રહેતો. હવે સમય બદલાયો છે. આજનાં પેરેન્ટ્સ પૂરતાં એજ્યુકેટેડ અને સજ્જ છે કે બાળકને ઘરે પણ ભણાવી શકે. માતા-પિતા બંનેની ભાષા અલગ હોય અને શાળા-કોલેજમાં અભ્યાસની ભાષા પણ અલગ હોય ત્યારે કોઈ એક ભાષા શીખીને બીજી ભાષા શીખવાની રાહ જોવાની જરૃર નથી. બંને ભાષા એક સાથે શું કામ ન શીખવી શકાય?
વેલ, વોટ યુ સે? માતા-પિતાની માતૃભાષા અલગ અલગ હોય ત્યારે બાળકની માતૃભાષા કઈ કહેવાય? બંનેમાંથી એકેય નહીં કે બંને? તમે જુદી જુદી માતૃભાષા ધરાવતાં પેરેન્ટ્સ હો તો પોતાના સંતાનના માતૃભાષાના ખાનામાં શું ભરવાનું પસંદ કરો?
Sunday 21 February 2016
Posted by Harsh Meswania
Tag :

સીરિયાના આતંકી અજંપા વચ્ચે પાંગરેલી પ્રેમકથા


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

એક એવી લવસ્ટોરી જેમાં પહેલી નજરના પ્રેમની મુગ્ધતા ય છે અને અનુભવથી આવેલું શાણપણ પણ. જુદાઈનો ઝૂરાપો ય છે અને મિલનની મહેકતી ક્ષણ પણ. પ્રેમ મેળવવા દુનિયા સામે લડવાનું ઝનૂન ય છે અને લડીને વિજેતા થનારા યોદ્ધાને છાજે એવો હેપ્પી એન્ડ પણ...
--

કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા

આ પ્રેમકથાની શરૃઆત ૨૦૦૯થી થાય છે. ૨૫ વર્ષની રઝાન અલઅકારા નામની ૨૫ વર્ષની યુવતી લંડનમાં ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. તેનો જન્મ અને ઉછેર લંડનમાં જ થયો હતો. તેના માતા-પિતા ૧૯૮૦માં સીરિયાથી લંડન સ્થાઈ થયાં હતાં. સીરિયાનું હોમ્સ શહેર તેના પિતાનું મૂળ વતન. હોમ્સ શહેરમાં વિશાળ અલઅકારા પરિવાર રહેતો હોવાના કારણે વર્ષે-બે વર્ષે રઝાનના પિતા આખા પરિવાર સાથે હોમ્સની મુલાકાત લેતા. આવી જ એક મુલાકાત વખતે ૨૦૦૯માં રઝાનની મુલાકાત અહેમદ અલહમીદ સાથે થઈ.
અહેમદ ડોક્ટર હતો. દમાસ્કસની મેડિકલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે સાથે હોસ્પિટલમાં નોકરી પણ કરતો હતો. તે હોમ્સના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો હતો. પરિવારની પ્રતિષ્ઠા પ્રમાણે અહેમદ પણ મેડિકલનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સીરિયાનો વિખ્યાત તબીબ બનાવાના ખ્વાબ જોતો હતો.
રઝાન અને અહેમદ બંને એક પરિવારના વિશાળ સર્કલનો ભાગ હતાં. જ્યારે પારિવારિક પ્રસંગે બંને મળ્યાં ત્યારે રઝાનને જોતાની સાથે જ અહેમદને પ્રેમ થઈ ગયો, પહેલી નજરનો પ્રેમ. રઝાન તેના દિલમાં આરપાર ઉતરી ગઈ. મારકણી આંખો ધરાવતી સ્માર્ટ, નમણી રઝાન અહેમદના દિલમાં મીઠો ઉઝરડો પાડતી ગઈ. અહેમદને થયું કે રઝાનના પ્રેમ સિવાય દિલમાં પડેલો મીઠો ઉઝરડો ક્યારેય નહીં ભરાય!
રઝાન ફરી લંડન જતી રહે એ પહેલા અહેમદે પોતાના પરિવાર મારફતે રઝાનના પરિવાર સુધી પોતાની લાગણી પહોંચાડી. હોમ્સમાં રહેતા રઝાનના પરિવારે વળી રઝાનના માતા-પિતાના કાને વાત નાખી ને એમ અહેમદના એકતરફી પ્રેમની વાત રઝાન સુધી પણ પહોંચી. રઝાને અહેમદના દિલની હૂંફાળી ખ્વાહિશો પર ઠંડું પાણી રેડું દીધું! અધૂરો અભ્યાસ આગળ વધારવો છે એમ કહીને વાતને ટાળી દીધી. અહેમદની એકતરફી પ્રેમકથા અહીં જ અટકી પડી.
                                                                            ***
૨૦૧૧માં હોમ્સ શહેર આતંકી સકંજામાં આવી ગયું. હજારો લોકો ઘાયલ થતાં હતાં અને તેની બચાવની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હતી. હુમલાખોરોથી બચીને ઘણા ઈજાગ્રસ્તોને ગુપ્ત સ્થળોએ સારવાર અપાતી હતી. ડોક્ટર હોવાના નાતે મરિઝોની સારવાર કરવી એને પોતાનો પહેલો ધર્મ સમજીને અહેમદ એ બચાવ પ્રવૃત્તિમાં જોડાયો. ક્યારેક હોમ્સમાં રહેતા રઝાનના પરિવારજનો પાસેથી લંડન સ્થિત રઝાન વિશે માહિતી મેળવી લેતો.
બીજી તરફ પિતાના મૂળ વતન સીરિયાની વિકટ સ્થિતિમાં સીરિયન લોકો માટે ચાલતી મદદની પ્રવૃત્તિમાં યથાયોગ્ય મદદ કરવાના આશયથી ૨૦૧૨માં રઝાન મીડિયાહાઉસ માટે કામ કરવા લાગી. સીરિયાથી આવતા વીડિયો જોઈને અરેબિકમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરી આપવાનું અને અંડરગ્રાઉન્ડ ચાલતી હોસ્પિટલ્સમાં કાર્યરત તબીબોના ઈન્ટરવ્યૂ કરીને તેને આધારે અંગ્રેજી સ્ક્રિપ્ટ તૈયાર કરી આપવાનું કામ રઝાન કરતી.
એક દિવસ અહેમદ જે હોસ્પિટલમાં કામ કરતો હતો એ જ હોસ્પિટલની કામગીરીના એક વીડિયો પર રઝાન કામ કરી રહી હતી. તેના ધ્યાનમાં એક જાણીતો ચહેરો આવ્યો. એ અહેમદ હતો. રઝાન આમ તો એ અંડરગ્રાઉન્ડ હોસ્પિટલની વિગતો વારંવાર લેતી રહેતી, પણ ક્યારેય એના વીડિયોઝમાં અહેમદ દેખાયો ન હતો.
પ્રતિષ્ઠિત-સંપન્ન પરિવારો તો ક્યારના પૈસાના જોરે હોમ્સ મૂકીને અન્યત્ર સ્થાઈ થવા લાગ્યા હતા. એવા જ સંપન્ન પરિવારમાંથી આવતો હોવા છતાં અહેમદે લોકસેવાનો આ કઠિન માર્ગ પસંદ કર્યો એ જાણીને રઝાનને અહેમદમાં એક લાગણીશીલ ઈન્સાનના દર્શન થયા. રઝાનને જાણવા મળ્યું કે અહેમદના પિતા અને તેની બહેન આતંકી હુમલાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. રઝાને જૂની ઓળખાણના આધારે અહેમદને મેસેજ કરીને પિતા-બહેનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો અને એમ બંને વચ્ચે ત્રણ-ચાર વર્ષ પહેલા તૂટી ગયેલો સંપર્કસેતુ ૨૦૧૨માં ફરી સધાયો.
મેડિકલમાં સમાન રુચિ હોવાથી થોડા સમયમાં બંને સારા મિત્રો ય બની ગયા. હોમ્સ અને લંડનની રૃટિન જિંદગી વિશે વાત કરતા, પોતાના જીવનમાં આવેલા સુખ-દુઃખ શેર કરતા, સતત એક બીજાની વાતો સાંભળતા, એક બીજાને વાતો કરતા. લાઈક-ડિસલાઇક્સથી પરિચિત થયા પછી ફરી વખત અહેમદે ડિસેમ્બર ૨૦૧૨માં દિલની વાત રઝાનને કરી જોઈ. અહેમદ રઝાનને લગ્ન કરવાનું કહેતો હતો, પરંતુ રઝાન એમ ઉતાવળ કરવાના પક્ષમાં નહોતી. રઝાને લગ્નની પ્રપોઝલ પેન્ડિંગ રહેવા દીધી અને અહેમદ સામે મળવાનો પ્રસ્તાવ મૂક્યો. ફેબુ્રઆરી-૨૦૧૩માં બંને લેબેનોનમાં મળ્યાં.
એ મુલાકાતમાં અહેમદ પ્રત્યે રઝાનને પણ લાગણી જન્મી. સીરિયાના વિગ્રહ વચ્ચે લોકોની ફિકર કરતો અહેમદ તેને દિલમાં ઉતરી ગયો. તેનો પ્રેમાળ સ્વભાવ અત્યાર સુધી માત્ર દૂરથી અનુભવ્યો હતો, મુલાકાત પછી તેનો સાક્ષાત્કાર પણ થયો. રઝાનને લાગ્યુ કે ઘરથી હજારો કિલોમીટર દુર પણ તેને કોઈ સમજે છે. રઝાનના સપના રઝાનના નહીં પણ અહેમદ-રઝાનના સહિયારા હોય એમ અહેમદે પોતાપણું દાખવ્યું હતું. રઝાન પીગળી ગઈ. બંનેએ એકબીજા માટેની લાગણીનો એકરાર કર્યો અને સગાઈના પ્રેમપાશથી બંધાવાનું નક્કી કર્યું.
અહેમદ સીરિયા પાછો ફર્યો અને રઝાન લંડન જતી રહી. રઝાને લંડન જઈને સગાઈ માટે પિંક ડ્રેસ ખરીદ્યો અને અહેમદ સગાઈની તારીખ અરેન્જ કરવામાં લાગ્યો. પણ બંનેના ભાગ્યની રેખામાં હજુ એક થવાનું લખ્યું ન હતું. હજુ ઘણી લાંબી દૂરી લખાયેલી હતી. બંનેએ એકબીજાના વિરહમાં ઝૂરવાનું બાકી હતું, એકબીજા માટે રાતોના ઉજાગરા કરવાના બાકી હતા, એકબીજા માટે રડી રડીને આંસુની ખારાશ પીવાની બાકી હતી. બંનેએ એક થતા પહેલા જુદાઈનું આખું પ્રકરણ આલેખવાનું હતું. બંનેએ પ્રેમની આકરી પરીક્ષા આપવાની બાકી હતી. બે પ્રેમીજનો વચ્ચે દુનિયા અવરોધ ઊભો ન કરે એવું તો બને જ શાનું? 
                                                                             ***
એ જ અરસામાં રઝાનના કાકા અને તેનો પિતરાઈ ભાઈ આંતકવાદી હુમલાનો ભોગ બન્યા. કાકા-કઝિનના મૃત્યુ પછી સગાઈની વાત થોડા સમય માટે પાછી ઠેલાઈ એ દરમિયાન ફરી એક નવો વળાંક આવ્યો. અહેમદ ગુપ્ત રીતે ચાલતી હોસ્પિટલમાં રાતપાળી કરતો અને દિવસે અધૂરો રહેલો અભ્યાસ કરતો. બે અલગ અલગ પ્રાંતમાં તેની આવજા રહેતી અને એ બંને પૈકી એક ઉપર સરકારી કબજો હતો, બીજા ઉપર આતંકવાદીઓનો. બંનેમાં પ્રવેશ માટે તેને બબ્બે ઓળખકાર્ડ રાખવા પડતા. ઘાયલોની સારવાર કરવા માટે તેણે આ બેવડી ભૂમિકા સ્વીકારી લીધેલી. અહેમદે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
અહેમદ મુશ્કેલીમાં મૂકાઈ જશે એવો અંદેશો રઝાનને આવી ગયો હતો એટલે એ દિવસ-રાત અહેમદની ફિકર કરતા મેસેજ-કોલ કરતી રહેતી. એક દિવસ એ અંદેશો સાચો પણ પડયો. નવેમ્બર ૨૦૧૩ના એક વીકએન્ડમાં રઝાન ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ હતી એ જ સમયગાળામાં અહેમદના ફોનકોલ્સ અને મેસેજ આવતા બંધ થઈ ગયા. રઝાન દિવસમાં અસંખ્ય વાર ફોન કરતી. સતત મેસેજ કરતી. છેક સવારે પાંચ પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રહીને મોબાઇલ સામે તાક્યા કરતી. દિવસે નોકરી કરતી અને આખી રાત રડી રડીને અહેમદની ચિંતામાં વીતાવતી.
બીજી તરફ અહેમદને સીરિયાની ગુપ્તચર સંસ્થાએ શકમંદ તરીકે પકડયો હતો. આતંકીઓના કબજા હેઠળના વિસ્તારમાં તેની આવજા પર સીરિયન સરકારની નજર હતી. આતંકવાદી જૂથનો સભ્ય ગણીને તેના ઉપર આકરો સિતમ ગુજારાયો. ૪-૫ મહિના સુધી તેના પર શારીરિક-માનસિક ત્રાસ અપાયો. છેક પાંચ મહિના પછી રઝાને અહેમદનો અવાજ સાંભળ્યો.
અહેમદ પર વિવિધ આરોપસર કેસ ચાલતા હતા તેમાં તો તે હેમખેમ પાર ઉતર્યો, પણ એ હવે હતાશામાં સરી પડયો હતો. નિસ્તેજ થઈ ચૂક્યો હતો અને જીવન જીવવાની હામ ખોઈ ચૂક્યો હતો. જે અહેમદને રઝાન ઓળખતી હતી, જે અહેમદને તેણે લાઈફ પાર્ટનર પસંદ કર્યો હતો, જે અહેમદની સેવાપ્રવૃત્તિ માટે તેના દિલમાં સન્માન હતું, એ અહેમદ ક્યાંક ખોવાઈ ગયો હતો. એક તબક્કે તો અહેમદને છોડી દેવા પરિવારજનોએ રઝાનને સમજાવી જોઈ. પણ રઝાન અહેમદને દુનિયા કરતા વધુ જાણતી હતી. તેને એ ખબર હતી કે આ અહેમદ એ નથી જેને એ ઓળખતી હતી, તો જેને ઓળખતી હતી એ અહેમદને તે પાછી લાવીને જ રહેશે. અતડા રહેવા લાગેલા અહેમદ સાથે તેણે ફરીથી બધુ પૂર્વવત્ કરવા માંડયું. તેને સીરિયા છોડીને લેબેનોન જવા મનાવી લીધો. લેબેનોનમાં તેણે શરણાર્થી તરીકે સમય વીતાવવા માંડયો. લગભગ વર્ષે-દોઢ વર્ષે અહેમદ ફરીથી ટ્રેક પર આવતો જણાયો. શારીરિક-માનસિક ત્રાસથી તદ્ન વિખેરાઈ ગયેલા માણસને પ્રેમ આપીને રઝાને ફરીથી જીવતો કર્યો હતો અને એ પણ હજારો કિલોમીટર દૂર રહીને!
સીરિયન નાગરિકને બ્રિટનનું નાગરિકત્વ અપાવવું એ અત્યારે કપરું કામ છે, પરંતુ રઝાને ચાન્સ લેવાનું નક્કી કર્યું. તેણે અહેમદ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અહેમદે સહમતિ આપી પણ આવનારી મુશ્કેલીથી બંને વાકેફ હતાં. લેબેનોનમાં ઈસ્લામિક રસમથી લગ્ન થયા પછી બ્રિટિશ નાગરિક હોવાના કારણે રઝાને અહેમદના વિઝા માટે અપ્લાય કરાવ્યું. લાંબી અને થકાવી નાખતી પ્રોસેસના અંતે એક દિવસ અહેમદને વિઝા મળી ગયા.
૨૦૧૬ના જાન્યુઆરીમાં જે દિવસે અહેમદ લેબોનોનથી લંડનની ફ્લાઇટમાં બેઠો એ આખી રાત રઝાન સૂઈ નહોતી શકી. તેને હજુ ય કંઈક અણધાર્યો વળાંક આવવાનો ડર હતો. અહેમદ લંડનના એરપોર્ટ પર ઉતરે એની કેટલીય કલાકો પહેલા રઝાન એરપોર્ટ ઉપર આવીને તેની રાહ જોતી બેસી ગઈ હતી. લંડનના એરપોર્ટ ઉપર કોઈ ડ્રામા ન થયો. સિક્યુરિટીની પ્રોસેસ પૂરી કરીને અહેમદ જેવો અંદર આવ્યો કે રઝાન તેને વળગી પડી. કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર તેને જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા. કેમ ન ભીંજાય? તીવ્ર વળાંક લેતી ડ્રામેટિક કહાનીનો હેપ્પી એન્ડ જો આવ્યો હતો!

Sunday 14 February 2016
Posted by Harsh Meswania
Tag :

સાયબર ક્રાઇમ સેલ : સશક્ત ચોર સામે કામ કરતું અશક્ત તંત્ર!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ભારતમાં ઓનલાઇન ગુનાખોરીનું પ્રમાણ ભયનજક રીતે વધી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવાથી લઈને ઓનલાઇન છેતરપીંડી સુધી વધી રહેલા સાયબર ક્રાઇમ રોકવા કામ કરતું તંત્ર ભારતીય સાયબર ક્રાઇમ સેલ કેમ કારગત નથી નીવડતું?

સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય.

જોરશોરથી કોઈ પ્રોડક્ટની જાહેરાત શરૃ કરવામાં આવે, કોઈ સેલિબ્રિટીને એ પ્રોડક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે. તેનો બરાબર પ્રચાર થાય, શહેરના ખૂણે ખૂણે હોર્ડિંગ્સ લગાવવામાં આવે, ગ્રાહકોમાં એ પ્રોડક્ટનું નામ ગૂંજવા માંડે, ગ્રાહકો એ પ્રોડક્ટનો ઉમળકો પણ દાખવે અને પછી માર્કેટમાં એ પ્રોડક્ટ મળે નહીં તો શું થાય?
એ જ હાલત થાય જે નબળી સર્વિસ માટે થવી જોઈએ. થોડો સમય ગ્રાહકો એ પ્રોડક્ટની ડિમાન્ડ કરે, પછી વારેવારેની માંગણી છતાં પ્રોડક્ટ ન મળે એટલે ડિમાન્ડ કરવાનું જ મૂકી દે.
બસ, અદ્લ આવું જ ભારતમાં સાયબર ક્રાઇમ સંદર્ભે થયું છે. સાઇબર ક્રાઇમથી ચેતવાનો બરાબર પ્રસાર-પ્રચાર થયો. યુઝર્સને જાગૃત કરાયા, અથવા એમ કહો કે યુઝર્સ આપમેળે વાંચી-વિચારી-સમજી-સાંભળીને જાગૃત થયા. સાવચેતી રાખવા માંડયા અને છતાંય જો ભોગ બને તો જાગૃકતા દાખવીને ફરિયાદ નોંધાવવા સુધી ય પહોંચતા થયા.
પણ પછી રાબેતા મુજબ આપણું સુરક્ષાતંત્ર ફરિયાદનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડવા માંડયું. એવી સ્થિતિ આવતા વાર નહીં લાગે કે પેલી નવી પ્રોડક્ટની જાહેરાત કરાયા પછી પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોય અને લોકો એને ખરીદવાનો ઉમળકો દાખવતા બંધ થાય એમ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવાનું માંડી વાળશે.
ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સ્માર્ટફોન માર્કેટ છે. ફેસબૂક યુઝર્સની બાબતમાં ભારતનો ક્રમ બીજો. ૩ કરોડ ટ્વિટર યુઝર્સ છે. ૧૦ લાખ વોટ્સએપ યુઝર્સ. એક વર્ષ પછી મોબાઇલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૨ કરોડે પહોંચી જશે અને દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા ૫૦ કરોડને પાર થશે.
ઈન્ટરનેટ વપરાશકર્તા અને સોશ્યલ મીડિયા યુઝર્સનું આવડું વિશાળ નેટવર્ક ફેલાયું છે છતાં ભારતમાં સાયબર ક્રાઇમ સેલની સંખ્યા માત્ર ૨૩ છે! સરકારી સંસ્થા નેશનલ ક્રાઇમ બ્યૂરોના અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૧૪માં સાયબર ક્રાઇમના ૯,૬૦૦ કેસ નોંધાયા હતા. જોકે, આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે બિનસરકારી આંકડો લગભગ ૩ લાખથી ય વધારે છે. સામાન્ય કેસમાં તો પોલીસે સમજાવી-ધમકાવીને યુઝર્સને અરજી ન નોંધવા દીધી હોય એ શક્ય છે. ધારો કે, સરકારી અહેવાલને જ સચોટ માનીએ તો પણ ૧૦ હજાર કેસ એ કંઈ નાનો આંકડો પણ નથી. આટલા કેસની સામે માત્ર ૨૩ સાયબર ક્રાઇમ સેલ કાર્યરત હોય ત્યારે સંતુલન ન જ જળવાય. સંતુલન નથી જળવાતું એ પાછળ વળી એક કારણ સાયબર ક્રાઇમ વિભાગ પાસેથી અન્ય કામ કઢાવી લેવાની સરકારી નીતિ ય જવાબદાર ખરી!
સાયબર ક્રાઇમ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પાસે આવતી અરજીઓનો નિકાલ કરે તેની સાથે સાથે તેમને ગંભીર ગુનાખોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસને મદદ પણ કરવી પડે છે. ગુનેગારની ફોનકોલ્સ ડિટેઇલ્સથી માંડીને વોટ્સએમ મેસેજીસના આધારે ગુનો ઉકેલવા સાયબર ક્રાઇમ પાસેથી કામ કઢાવવાની (ખરેખર તો પોલીસતંત્ર માટે આવી કામગીરી કરી આપે એવો અલાયદો સ્ટાફ હોવો જોઈએ) સરકારી નીતિ રહી છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસની મદદમાં તૈનાત રહે એમાં સાયબર ક્રાઇમ સેલનો મૂળ હેતુ સિદ્ધ નથી થતો. ઓનલાઇન ગુનાખોરી નિવારવા માટે કામ કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ એને બદલે પોલીસની શાખા હોય એમ ગુનાનો ભેદ ઉકેલવાના કામમાં તેને રોકી રખાય છે.
સાયબર ક્રાઇમ સેલમાં એવરેજ ૫૦ (આ આંકડો મોટો છે, પણ આપણે મોટું મન રાખીને ગણતરી કરીએ)નો સ્ટાફ હોય તો દેેશના ૨૩ સાયબર સેલમાં કુલ ૧૦૦૦-૧૧૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ કાર્યરત હશે. બીજી તરફ યુઝર્સની સંખ્યા કરોડોની છે અને સાયબર ક્રાઈમ સેલની નિસ્ક્રિયતાના કારણે મોકળું મેદાન ભાળીને ઓનલાઇન પરેશાન કરતા ગુનેગારોની સંખ્યા લાખોમાં છે.
ભારતમાં ૧૦ હજાર કેસ નોંધાયા હતા એટલે એ સત્તાવાર આંકડાને વળગી રહીએ તો પણ દેશમાં ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ સાયબર ક્રાઇમ સેલની જરૃર છે. વળી, મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમ સેલની રચના કરી આપવાથી ય કશું વળી નથી જવાનું, તેમાં સજ્જ ટેકનોલોજી અને એ ટેકનોલોજીને અનુરૃપ ટેકનિકલ સ્ટાફ પણ જોઈશે. અત્યારે જે ૨૩ સાયબર ક્રાઇમ સેલ છે તેમાં મોટા ભાગનો સ્ટાફ પોલીસમાંથી તાલીમ પામેલા અધિકારીઓ અને સ્ટાફથી ભરાયો છે. એમાંથી ય અડધોઅડધ અધિકારીઓ-કર્મચારીઓ સાયબર ક્રાઇમ રોકવા માટે પ્રાથમિક સજ્જ પણ નથી. સરકારી સેમિનાર્સના આધારે સર્ટિફિકેટ મેળવીને બેસાડી દેવાયો હોય એવો સ્ટાફ વધુ છે. સાયબર ક્રાઇમ રોકવાનો ખરેખરો ખંત અને આવડત માંડ ૨૦ ટકા અધિકારીઓ-સ્ટાફમાં છે.
સરકારના આ તંત્રમાં પણ મોટુ દૂષણ ભ્રષ્ટાચારનું છે, જે સાયબર ક્રાઇમ સેલને પોલીસતંત્રમાંથી વારસામાં મળ્યું છે! સાયબર ક્રાઇમ પરત્વે લોકોની જાગૃતિ નથી એવા સમયે કોઈ અમીરજાદો હાથ લાગી ગયો તો દાખલો બેસે એવી રીતે તેના પર કેસ ચલાવવાને બદલે બંને પાર્ટીઓને સામ-સામે બેસાડીને 'સમજાવી' દેવામાં સાયબર ક્રાઇમ સેલ મધ્યસ્થી કરે છે. દેશભરમાં આવા કેટલાય કિસ્સા છેલ્લા બે-ત્રણ વર્ષમાં સામે આવ્યા છે.
જ્યાં મિનિટોમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થઈ શકે છે ત્યાં સાયબર ક્રાઇમ સેલ સરકારી તંત્રમાં સહજ હોય છે એવી સુસ્તીથી કામ કરે તો તો આખો જન્મારો નીકળી જાય તો ય ક્યાંથી કેસ ઉકેલાય! ક્વિક કામ થવું જોઈએ એના બદલે બેપરવાહીથી કામ થાય તો અમુક સંવેદનશીલ કિસ્સામાં જે નુકસાન થવાનું હોય એ થઈ ચૂક્યું હોય!
સ્ટાફનો અભાવ ઉપરાંત બીજી મુશ્કેલી છે ટેકનિકલ સજ્જતાની. ઓછી સજ્જતા ધરાવતું તંત્ર કે વ્યક્તિ તેનાથી સજ્જ ગુનેગાર સુધી કઈ રીતે પહોંચી શકે? ટાંચાં સરકારી સાધનો ઉપરાંત બીજી એક મુશ્કેલી વિદેશી તપાસ એજન્સીની પણ ખરી. સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ દેશેદેશે બદલી જાય છે. આપણી સાથે રાજદ્વારી સંબંધો હોય એવા દેશો ય ઘણી વખત સાયબર ક્રાઇમના કાયદાના અભાવે સહકાર આપી શકતા નથી. ઘણા કેસમાં વર્ષો પહેલા સર્વિસ પ્રોવાઇડર્સ સહિતની વિગતો માટે જે કેસમાં આપણી પોલીસે ઘણા દેશોને વિનંતી કરી હોય એનો જવાબ આજ સુધી નથી આવ્યો. ખેર, એવા કિસ્સા ય ગણ્યા-ગાંઠયા જ હોય. હાઇપ્રોફાઇલ કેસ વખતે જ આમ તો વિદેશની મદદ લેવી પડતી હોય છે. એ સિવાય સ્થાનિક કનડગતમાં તો જો સજ્જ તંત્ર હોય તો ગુનેગાર સુધી પહોંચવાનું કામ અઘરું નથી.
સાયબર ક્રાઇમ સેલ તુરંત અને સચોટ ગુનો ઉકેલી શકે એ માટે સજ્જ, કાર્યક્ષમ સ્ટાફની જરૃર તો છે જ છે, પરંતુ એ સિવાય ગુનેગારનું પગેરું એની જ સ્ટાઇલમાં શોધી કાઢતા એથિકલ હેકર્સની ય તાતી જરૃર છે. ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ જોતા એટલિસ્ટ ૫૦ હજાર એથિકલ હેકર્સ તૈનાત રાખવા પડે. સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય. પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે એ માટે પૂરતું ફંડ ઉપલબ્ધ નથી. કેટલાક એથિકલ હેકર્સ સોશ્યલ સર્વિસ માટે તૈયાર થાય છે ખરા, પણ પછી ક્યારેક અધિકારીઓના કડક વલણથી તો ક્યારેક મફતમાં પોલીસનો રૌફ ઝેલીને થાકી જાય છે. એથિકલ હેકર્સને બીજી સમસ્યા નડે છે હેકિંગની. સરકારી તંત્ર માટે કામ કરતા એથિકલ હેકર્સ પોતે જ હેકિંગનો ભોગ બન્યા હોવાની ફરિયાદો ઉઠે છે. અગાઉ કહ્યું એમ સરકારી તંત્રની સિસ્ટમ હેકર્સ કરતા પૂઅર હોય છે એટલે એથિકલ હેકર્સનું કામ છૂપું રહેતું નથી.
આ બધાના અભાવનું પરિણામ સાયબર ક્રાઇમ સેલના ઓવરઓલ દેખાવ પર પડે છે. ગયા વર્ષે ૯,૬૦૦ કેસમાંથી માત્ર ૭૨ કેસ ઉકેલી શકાયા. મતલબ કે સફળતા કરતા નિષ્ફળતાનું પલ્લું ભારે છે. પછી 'મધ્યસ્થી' કરીને 'સમજાવટ' કરાવી હોય એ અલગ, પણ એ તો પોલીસતંત્રનો વારસો મળ્યો છે એટલે એ દૂષણને કેમ નિવારી શકાય એનો તોડ હજુ સરકારને ય નથી મળ્યો!
સરકારી આંકડા કહે છે એમ ૨૦૧૩માં સાયબર ક્રાઇમ આચરનારાની વય ૧૮-૩૦ની વચ્ચે હોય એવા આરોપીની સંખ્યા સૌથી વધુ હતી. ૬૦-૭૦ ટકા ક્રાઇમ માત્ર કનડગતના ઈરાદાથી આચરાયો હતો. ડેટા ચોરી, છેતરપીંડી સહિતની ગુનાખોરી સતત વધતી ચાલી છે ત્યારે ભારતમાં સાયબર ક્રાઇમ રોકવા ત્વરિત પગલા ભરાય એ જરૃરી છે.
સોશ્યલ મીડિયા પણ બીજી ઘણી બધી બાબતોની જેમ પશ્વિમની દેન છે. સાયબર ક્રાઇમનેે ડામી દેવામાં તો અમેરિકા જેવા અમેરિકાને ય સફળતા નથી મળી, પરંતુ તેની કાળી બાજુ સામે આવી એટલે તરત સુરક્ષાને લગતા પગલા ભરાયા છે અને ઘણેખરે અંશે તેનું પરિણામ કારગત જણાયું છે. પરિણામનો પ્રશ્ન તો પછી આવશે, પહેલો સવાલ દાનતનો છે. વહેલી તકે પગલા કેમ ભરાય એ પણ આપણે સોશ્યલ મીડિયાને અપનાવ્યું એ જ રીતે પશ્વિમના મોડેલને અપનાવવા જેવું હતું, કમનસીબે એ તક આપણે ચૂકી ગયા.
Sunday 7 February 2016
Posted by Harsh Meswania
Tag :

મશીનને માણસની લગોલગ બનાવતા શાસ્ત્રના સર્જક માર્વિન મિન્સ્કી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે જેમનું ઉમદા પ્રદાન છે એવા બુદ્ધિવંત કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્વિન મિન્સ્કીનું ગયા સપ્તાહે નિધન થયું. કમ્પ્યુટર સોફ્ટવેરથી લઈને છેક સ્માર્ટફોનની એપ સુધીની ક્રાંતિમાં જેમના સિદ્ધાંતોનો પ્રભાવ છે એવા માર્વિન મિન્સ્કી વિશે થોડું જાણી લઈએ.

મશીન પાસેથી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરાવીને કામ લેવું એટલે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ. કૃત્રિમ બુદ્ધિ. કમ્પ્યુટર અને કમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવીને તેની પાસેથી માણસની બુદ્ધિક્ષમતાની લગોલગ અથવા કહો કે એથીય વધુ કુશળતાથી કામ લેવાની કળાના શાસ્ત્રને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ કહેવાય છે. બીજી રીતે કહીએ તો એવા રોબોટ કે જે માણસની જેમ કામ કરવા લાગે. ક્યારેક માણસ કરતા પણ ચિવટથી કામ કરે અને પછી માણસ પણ તેની સામે વામણો લાગે એવું કૃત્રિમ ચેતાતંત્ર વિકસાવવાનું હવે પૂરજોશમાં ચાલે છે.
માણસના ચેતાતંત્રની ખામીઓ મશીનના માધ્યમથી પૂરી કરી દેવાની માણસની ખ્વાહિશ આમ તો દશકાઓથી શરૃ થઈ છે. કોઈ નવા શાસ્ત્રનો વિકાસ થાય ત્યારે એ ચોક્કસ કયા સમયે થયો એવું કહી શકાતું નથી હોતું. શાસ્ત્રના સ્વરૃપે પહોંચે એ પહેલા પણ તેને ઘણી સફર ખેડવી પડે છે, પણ હા, કોઈ એક ચોક્કસ સમયે તેને શાસ્ત્ર સ્વરૃપે ઓળખ મળે ત્યારે ખોંખારીને કેટલાક સર્જકોના નામ બોલવા પડે છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની બાબતમાં એવું જ ખોંખારીને બોલી શકાય એ નામ માર્વિન મિન્સ્કીનું છે. મશીનમાં જીવ રેડવાની કળાને થીયરીકલ અને પ્રેક્ટિકલ કરવા માટેના પહેલાવહેલા મજબૂત વિચારો માર્વિન મિન્સ્કીએ આપ્યા હતા અને એના જ પરિણામે તેમના ખાતામાં જ્ઞાાનાત્મક વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, ગણિત, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને ફિલોસોફી ઓફ માઇન્ડ જેવા વિજ્ઞાનમાં ખેડાણ બોલે છે.
                                                                                ***
ન્યૂયોર્કમાં આંખના સર્જન પિતાને ત્યાં ૧૯૨૭માં માર્વિનનો જન્મ. પિતાની વિજ્ઞાનરૃચિ પુત્રને પણ પારણામાંથી જ આવી. વિજ્ઞાન તરફનો તેનો જૂકાવ જોઈને પિતાએ ન્યૂયોર્કની વિજ્ઞાન શાળામાં તેના અભ્યાસની વ્યવસ્થા કરાવી. અન્ય બાળકોની તુલનાએ અતિશય તેજસ્વી એવા માર્વિને સાયન્સના વિષયોમાં ઉજળો દેખાવ કર્યો એટલે પોરસાઈને પિતાએ તેને મેસેચ્યુસેટ્સના એન્ડોવરની વિખ્યાત ફિલિપ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. તેમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો એ સમયે જ અમેરિકાની નૌસેનામાં હોનહાર યુવાનોની ભરતી થતી હતી, માર્વિને પણ એમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો. નૌસેનાની પ્રતિષ્ઠિત નોકરી મળી ગયા પછી એ સમયે યુવાનો માટે ખાસ કશું રહેતું નહીં, તેની લાઇફ સેટ થયેલી ગણાતી. પરંતુ માર્વિનની નિયતીમાં આ સિવાય બીજું ઘણું લખાયું હતું.
નોકરી દરમિયાન તેણે ગણિતનો અભ્યાસ કરવા માટે હાર્વર્ડની પ્રવેશ પરીક્ષા આપી હતી. પ્રવેશ મળી ગયો એટલે તેણે નૌસેનાની નોકરી છોડીને હાર્વર્ડમાં ગણિતના કોયડા ઉકેલવા માંડયા. પછી તો ૧૯૫૪માં વિખ્યાત ગણિતજ્ઞા આલ્બર્ટ ટકરના માર્ગદર્શનમાં પીએચ.ડી થયા. તેજસ્વી કારકિર્દી જોઈને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ એન્ડ ટેકનોલોજિ (મિટ)માં તેમને નોકરી પણ મળી ગઈ. ગાણિતિક ક્ષમતા અને નવા નવા વિકસી રહેલા કમ્પ્યુટર સાયન્સમાં રસના કારણે તેમની દોસ્તી મિટમાં કામ કરતા હમઉમ્ર યુવાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જોન મેકાર્થી સાથે થઈ. બંનેએ સાથે મળીને ૧૯૫૯માં મીટમાં જ કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરી સ્થાપી અને એમ એક ગણિતશાસ્ત્રીની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સમાં સફળ સફર શરૃ થઈ.
'આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ'ના શાસ્ત્રને વિકસાવવામાં માર્વિનની ભૂમિકા અસાધારણ છે પણ એ શબ્દનો ઉપયોગ જોન મેકાર્થીએ કર્યો હતો. ઘણી વખત કોઈ વિજ્ઞાનની વ્યાખ્યાઓ વિધિવત્ શીખી ન હોવાના કારણે તેના વ્યાખ્યાયિત બંધારણથી મુક્ત રહી શકાતું હોય છે અને એ મુક્તિ જ નવી વ્યાખ્યાઓને જન્મ આપે છે. માર્વિન માટે એવી જ સ્વાયતતા આપનારુ શાસ્ત્ર કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ હતું અને તેમાં એણે કેટલાય નવા સમીકરણો રચી બતાવ્યાં.
૭૦ના દશકાની શરૃઆતે જ્યારે માણસે અવકાશભણી દોટ મૂકી હતી ત્યારે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એ વાત પામી ગયા હતા કે હવે કોઈ પણ કામને શક્તિશાળી ઢંગથી અજામ આપી શકે એવી મશીનરીની ટૂંક સમયમાં તાતી જરૃર વર્તાશે. મિટ જેવી લેબોરેટરીમાં મશીન કેમ માણસની જેમ કામ કરી શકે એ વિચારવાનું શરૃ પણ થઈ ચૂક્યું હતું. માર્વિને પોતાના કામને એ લેબોરેટરીની બહાર પણ વિકસાવવા માંડયું. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અંગે સંશોધનો ભલે થવા માંડયા હતા, પરંતુ તેને થિયરીમાં ઢાળવાનું કામ બાકી હતું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ સીમોર પાપેર્ટ સાથે મળીને માર્વિને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને થિયરીમાં ઢાળવાનું કામ ઝડપી લીધું. બંનેએ મળીને 'પર્સેપ્ટ્રોન' નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક કૃત્રિમ ચેતાતંત્રના નેટવર્કને સમજવા માટે ખુબ જ ઉપયોગી થઈ પડયું. એ સમયે કૃત્રિમ બુદ્ધિમત્તાને લગતા જેટલા પણ સંશોધનો થતાં તેમાં આ પુસ્તકનો સંદર્ભ અચૂક ટાંકવામાં આવતો. કૃત્રિમ ચેતાતંત્રનું વિશ્લેષણ એ પુસ્તકમાં એટલું ધારદાર રીતે વ્યાખ્યાયિત કરાયું હતું કે તેનો આધાર લીધા વગર કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં સંશોધન કરવું લગભગ અશક્ય ગણાવા લાગ્યું.
એ પુસ્તકના કારણે બીજા કેટલાક સંશોધકોએ વિરોધનો ગણગણાટ પણ કર્યો. ઘણાના મતે એ પુસ્તકના કારણે કૃત્રિમ ચેતાતંત્રના સંશોધનો એ પુસ્તક કેન્દ્રિત બની રહ્યાં અને તેના કારણે નવી દિશાઓ ન ખૂલી. મતમતાંતર વચ્ચે જાણે વિરોધીઓને જવાબ આપતા હોય એમ માર્વિને ૧૯૭૪માં 'અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજ' નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકથી પ્રોગ્રામિંગમાં નમૂનેદાર પરિવર્તન આવ્યું. પર્સેપ્ટ્રોન ખરું જોતા પ્રેક્ટિકલ વધુ હતું એટલે સમજવામાં અઘરું ય હતું, જ્યારે અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજમાં સંપૂર્ણપણે થીયરી રજૂ થઈ હતી એટલે તેનો ઉપયોગ તો કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે ટેક્સ્ટ બૂક જેવો બની ગયો.
એ જ અરસામાં તેમણે 'ધ સોસાયટી ઓફ માઇન્ડ'માં કેટલીક થીયરી રજૂ કરી. માર્વિનના ખુદના કહેવા પ્રમાણે  રોબોટની બનાવટમાં, કમ્પ્યુટર સોફ્ટવેરના સર્જનમાં અને વીડિયો કેમેરામાં તેમના ધ સોસાયટી ઓફ માઇન્ડ પુસ્તકનો આધાર લેવામાં આવે છે. રોબોટિક થિયરી, વર્ચ્યુઅલ દુનિયા અને કમ્પ્યુટરના શક્તિશાળી સોફ્ટવેર બનાવવામાં માર્વિનના આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો પાયાનો વિચાર આજે ય આધાર બને છે.
                                                                             ***
તેમણે માત્ર સિદ્ધાંતો જ રજૂ નથી કર્યાં, ઘણી બાબતોમાં પ્રેક્ટિકલ સંશોધનો પણ કર્યા છે. હેડગ્રાફિક ડિસ્પ્લેની પેટન્ટ તેમના નામે નોંધાયેલી છે. હેડગ્રાફિક ડિસ્પ્લે એટલે માથામાં હેલમેટની જેમ ફિટ થઈ જાય એવું સાધન, જેમાં ફિટ કરાયેલા કાચમાં ડેટા જોઈ શકાય છે. આ પ્રોડક્ટ શરૃઆતમાં એવિએશનમાં ઉપકારક નીવડી હતી. કોન્ફોકલ માઇક્રોસ્કોપ, લેસર સ્કેનિંગ માઈક્રોસ્કોપ જેવા સાધનો તેમણે વિકસાવ્યા હતાં. ૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ ક્ષેત્ર માટે તૈયાર કર્યા હતા અને પીએચ.ડી માટે તેમને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
સાયન્સ ફિક્શનના લેખકને પણ વિચારતા કરી દે એવી અદાથી માર્વિને પૃથ્વી ઉપરાંતની સંભવિત દુનિયા વિશે ય કલ્પનાઓ કરીને તક મળ્યે લખ્યું છે. એમ તો આ વિજ્ઞાાની એક ફિલ્મની સર્જનયાત્રા સાથે ય જોડાયેલા હતા. ૧૯૬૮માં બનેલી ફિલ્મ - '૨૦૦૧ : અ સ્પેસ ઓડિસી'ના તેઓ સલાહકાર હતા!
ક્યાંક રોબોટ ન્યૂઝ એન્કર બને કે ક્યાંક રોબોટ રસોઈ બનાવવામાં કુશળતા સાબિત કરે એ તમામની સિદ્ધિ પાછળ માર્વિન મિન્સ્કીની થિયરી નાની-મોટી ભૂમિકા ભજવે છે. દશકાઓ પહેલા તેમણે રજૂ કરેલા સિદ્ધાંતો જ તેેમને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે પાયોનિયર સાબિત કરી આપે છે એવા માર્વિનનું ૨૪મી જાન્યુઆરીએ બોસ્ટનમાં ૮૮ વર્ષની વયે નિધન થયું. તેઓ છેક સુધી આ ક્ષેત્રે પ્રવૃત્ત હતા. કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોથી તેઓ અપડેટ રહેતા અને એ અંગે છેવટના દિવસો સુધી વિવિધ સાયન્સ જર્નલ્સમાં લેખો લખીને પોતાનો મત વ્યક્ત કરતા રહેતા. તેઓ ખુબ સારા પિયાનોવાદક હતા. વિજ્ઞાનની સાથે સાથે ૧૯૮૧માં તેમણે સંગીત પર કનેક્શન બીટવિન મ્યુઝિક, સાયકોલોજી એન્ડ ધ માઇન્ડ નામના પુસ્તકમાં નામનું ખુબ જ ઉપયોગી પુસ્તક લખ્યું હતું. સંગીતજગતમાં એ પુસ્તક આવકાર પામ્યું હતું. અમેરિકાના દિગ્ગજ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના ઊંડા અભ્યાસી એવા પેટ્રિક વિન્સ્ટને માર્વિન સાથે થોડા વખત મીટમાં કામ કર્યું હતું. તેમના મતે માર્વિન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના જિનિયસ વિજ્ઞાાની હતા.
આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વિશે આજના સંશોધકો માને છે કે એ ક્ષેત્ર કેટલું વિકસશે એ કહી શકાય નહીં. બની શકે કે કૃત્રિમ ચેતાતંત્ર નેટવર્ક એની મેળે નિર્માણ થતું રહેશે, એની જાતે જ પ્રતિકૃતિઓ બનતી રહેશે અને માનવમન કરતા હજારો-લાખો ગણું જટિલ તંત્ર પણ ખડું થઈ શકે. અમુક સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે લાગણીઓની બાબતમાં પણ કૃત્રિમ બુદ્ધિમત્તા માણસની લગોલગ પહોંચશે. જો ખરેખર એમ થશે તો કાલે ઉઠીને સાયન્સફિક્શન ફિલ્મોમાં બતાવે છે એ વાત સાચી ઠરશે અને મશીન પોતાની જાતે માણસ કરતા પણ વધુ તીવ્રતાથી વિચારી શકશે તો એનો યશ બેશક મશીનને વિચારતા કરવાનું વિચારનારા માર્વિન મિન્સ્કીને આપવો રહ્યો.
Sunday 31 January 2016
Posted by Harsh Meswania
Tag :

યુવાધનથી છલકતા દેશની કમનસીબી : યુવાનોના આપઘાતમાં ભારત નંબર વન

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હૈદરાબાદ યુનિ.ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એ કિસ્સાથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજકારણ ભળ્યું એટલે દેશભરમાં દિવસો સુધી એ મુદ્દો ચર્ચાયો, નહીંતર દેશમાં દરરોજ ૨૦૦ યુવાનો જીવન ટૂંકાવી નાખે છે અને કોઈના પેટનું પાણી ય નથી હાલતું 

ડબલ્યુએચઓના અહેવાલમાં દાવો કરાયો હતો કે ભારત આપઘાતની બાબતે પહેલા નંબરે છે, યુવાનોની આત્મહત્યાના મુદ્દે ય કમનસીબે ભારત પહેલા નંબરે છે. ખુદ સરકારી આંકડા કહે છે કે દેશમાં વર્ષે ૯૮ હજાર યુવાનો આપઘાત કરે છે!

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી એ વાતે ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોએ જેવી અને જેટલી તક મળી એટલી ઝડપી લીધી છે. સામ સામા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં આખી ય ઘટનાને બરાબર રાજકીય રંગ લાગી ગયો છે, એટલે દિવસો સુધી તેની ચર્ચા ય પૂરજોશમાં ચાલી. જ્ઞાાતિ આધારિત રાજકારણ ખેલવામાં કુશળ આપણા રાજકારણીઓને આ ઘટનામાં ભાવતું મળી ગયું, બાકી જો ક્યારેક આ જ તકવાદી રાજકારણીઓએ આસપાસમાં નજર દોડાવી હોત તો કેટલાય રોહિતો હિજરાઈને મોતને નોતરે છે એ જાણી શકાયું હોત.
આત્મહત્યાનો આ મુદ્દો ચાલતો હશે ત્યાં સુધીના એક સપ્તાહમાં બીજાં ૧૪૦૦-૧૫૦૦ યુવાનોએ આપઘાત કરી લીધો હતો. ના, હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિતે આપઘાત કર્યો એ ઘટનાના વિરોધ કે સમર્થનમાં નહીં, પરંતુ ભારતમાં ચાલતી આપઘાતની રૃટિન ઘટનાના ભાગરૃપે! ડબલ્યુએચઓએ ગયા વર્ષે જાહેર કર્યું હતું એ પ્રમાણે ભારત આપઘાતની બાબતે તો પહેલા નંબરે છે જ છે,  યુવાનોની આત્મહત્યામાં પણ કમનસીબે યુવાધનથી છલકતા ભારતનો પહેલો ક્રમ છે.
ખુદ સરકારી આંકડા જ એ વાત સાબિત કરી આપે છે કે ભારતમાં આપઘાતની સમસ્યા ગંભીર હદે વકરી ચૂકી છે. એમાં પણ ભણેલા-ગણેલા યુવાનો આપઘાત કરીને જીવન ટૂંકાવતા જાય છે એ સંખ્યા ભયજનક રીતે સતત વધી ગઈ છે.
                                                                              ***   
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે વિશ્વમાં વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલા નંબરે છે. મતલબ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે એવું ડબલ્યુએચઓનું કહેવું છે. જોકે, સરકાર આટલો ઊંચો આંકડો હોવાનો ઈન્કાર કરે છે. નેશનલ ક્રાઇમ બ્યૂરો પ્રમાણે છેલ્લા એક દશકામાં એટલે કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૦૪ની તુલનાએ ૨૦૧૪ સુધીમાં આત્મહત્યાનો આંકડો ૧૬ ટકા જેટલો વધી ચૂક્યો છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ કેસ નોંધાયા હતા. સામે આપઘાત ખાળવાના સરકારી-ખાનગી આટ-આટલા પ્રયાસો છતાં ૨૦૧૪માં કેસની સંખ્યા વધીને ૧,૩૧,૬૬૬ સુધી પહોંચી હતી. ભારતના સરકારી આંકડા આપઘાતની દૈનિક એવરેજ ૩૭૫ હોવાનું કહે છે.
ગયા વર્ષે મહારાષ્ટ્રમાં આત્મહત્યાના ૧૬,૩૦૭ કેસ નોંધાયા હતા. આટલી માતબર સંખ્યા સાથે મહારાષ્ટ્રનો દેશમાં પહેલો ક્રમ હતો. આ આપઘાતમાં ખેડૂતોની સંખ્યા ઘણી મોટી હતી. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૬,૧૨૨ કેસ નોંધાયા હતા. ત્રીજા નંબરે ૧૪,૩૧૦ કિસ્સા સાથે પશ્વિમ બંગાળ છે. એ પછી કર્ણાટક અને તેલંગણાનો ક્રમ આવે છે. ભારતમાં સૌથી વધુ આત્મહત્યા આ પાંચ રાજ્યોમાં થાય છે. આ પાંચ રાજ્યો દેશના કુલ આત્મહત્યાના કિસ્સામાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. આ તમામ રાજ્યોમાં આત્મહત્યા સૌથી વધુ થઈ રહી છે અને એમાં છેલ્લા વર્ષોમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે એ આઘાતજનક બાબત છે. તેમાં ૫ ટકાના વાર્ષિક વધારા સાથે આંકડો સતત મોટો થતો જાય છે. મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળમાં જે આત્મહત્યા થાય છે તેમાં ખેડૂતો વધારે સંખ્યામાં છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં આત્મહત્યા કરવામાં વિદ્યાર્થીઓ મોખરે છે.
૨૦૧૪માં દેશના ૨,૪૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધુ હતું. અભ્યાસ પછી નોકરી મેળવવામાં વિલંબ થયો હોય અને કંટાળીને આપઘાત કર્યો હોય એવા દુર્ભાગી લોકો ગયા વર્ષે ૨,૨૦૭ હતાં. કુલ આપઘાતમાંથી બેરોજગારીના કારણે વર્ષે ૭.૫ ટકા યુવાનો આપઘાત કરે છે. બીજી એક આંખ ઉઘાડનારી બાબત એ છે કે ગ્રામ્ય ભારતની તુલનાએ શહેરી ભારતનો આપઘાતનો દર ઘણો ઊંચો છે. ૧૫ મોટા શહેરો મળીને આપઘાતનો અડધોઅડધ હિસ્સો ધરાવે છે. વિદ્યાર્થી ઉપરાંત નોકરીની તલાશમાં હોય એવા કુલ યુવાનો મળીને ગયા વર્ષે જ ૪,૬૧૦ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આ સંખ્યા જ વિદ્યાર્થીઓના આપઘાતની ગંભીરતા બયાઁ કરી આપે છે.
આત્મહત્યા કરનારાની માહિતી એકઠી કર્યા પછી તેના આધારે તારણ કાઢવામાં આવ્યું એ પ્રમાણે આત્મઘાત કરનારા લોકોનો શૈક્ષણિક રેટ દેશના સરેરાશ શિક્ષણ રેટ કરતા ઉજળો હતો. ગ્રેજ્યુએશન કે એનાથી વધુ અભ્યાસ કરનારા ૩ ટકા યુવાનો આત્મહત્યા કરી લે છે. ભણેલા-ગણેલા, જેને સમજાવી શકાય તેમ પણ છે અને એ પોતે સારી-ખરાબ સ્થિતિને બરાબર સમજે છે એ લોકો જ આવું નિરાશાજનક પગલું ભરે ત્યારે આપઘાતનું પ્રમાણ ઓછુ કરવાનું કામ ખૂબ કપરું છે.
આત્મહત્યાને ખાળી શકતા રાજ્યોમાં સૌથી સારો દેખાવ ઉત્તરપ્રદેશનો છે. ઉત્તરપ્રદેશમાં આપઘાતનો દર ૨.૭ ટકા છે. વસતિની દૃષ્ટિએ જોઈએ તો ઉત્તરપ્રદેશનો આ દેખાવ ખૂબ જ સારો કહેવો પડે. આપઘાતની એવરેજ સાધારણ રીતે એક લાખે કેટલી આત્મહત્યા થાય છે એના આધારે નક્કી કરવામાં આવે છે. એ એવરેજમાં વળી બિહારનો દેખાવ સૌથી ઉજળો છે. જે બિહારને વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાને જંગલરાજ કહ્યું હતું એ બિહાર એટલિસ્ટ આપઘાતની બાબતમાં તો જંગલરાજ પુરવાર નથી જ થયું! બિહારમાં ૨૦૧૪માં માત્ર ૭૧૯ આપઘાતના કેસ નોંધાયા હતા. બિહારમાં એક લાખે આપઘાતનું પ્રમાણ બહુ જ ઓછુ છે.
ગુજરાતની સ્થિતિ પેલા પાંચ રાજ્યોની તુલનાએ સારી છે, પણ એટલી સારી ય નથી કે ઉત્તરપ્રદેશ કે બિહારની જેમ સારા દેખાવનો યશ લઈ શકાય. ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. આ આંકડો ગુજરાતને ૮મો નંબર અપાવે છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતનો શેર ૫.૫ ટકા છે!
યુવાનોના આપઘાતની બાબતમાં ભારતની સ્થિતિ ખરેખર ગંભીર છે. ગયા વર્ષે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી લઈને સારી નોકરીના અભાવ સુધીના તમામ કારણો આવી જાય છે. જે ઉંમર વિકસવાની ઉંમર છે, પાંખો પ્રસરાવીને નવા આકાશને આંબવાની ઉંમર છે, નવા નવા ક્ષેત્રોને જાણવા-સમજવાની ઉંમર છે, સારા-ખરાબ માણસોને ચકાસવાની ઉંમર છે એ ઉંમરે ઘોર નિરાશામાં સપડાઈ જઈને આપઘાત કરતા યુવાનોનો આ આંકડો ખબર નહીં કેમ પણ આપણાં માટે હજુ ય આંખ ઉઘાડનારો નથી બન્યો.
જાપાનમાં જેમ વૃદ્ધો વધી રહ્યાં છે અને તેની ચિંતા સરકારને સતાવી રહી છે એવી ચિંતા આપણે ત્યાં અસંખ્ય યુવાનો સાવ નજીવા કારણે જીવન ટૂંકાવી નાખે છે એ મુદ્દે નથી થતી.
ચિંતામાં વધારો કરે એવો આંકડો તો હજુય ઘણો મોટો છે. ૧૮થી ૩૦ વર્ષની વય જૂથ ઉપરાંત થોડા વર્ષો આગળ અને થોડા વર્ષો પાછળ ઉમેરી દઈએ તો સવાલ એ થવો જોઈએ કે આટલો વિરાટ આંકડો દૂર બેઠા બેઠા ડબલ્યુએચઓને દેખાય છે અને આપણી સરકારોને કેમ નહીંં દેખાતો હોય? ૧૫થી ૪૫ વર્ષની વયજૂથના મળીને ૯૮,૨૦૦ લોકો આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી નાખે છે. બેરોજગારી, લગ્નજીવનમાં સમસ્યા, ગંભીર બીમારી, સાસરિયાનો ત્રાસ, પ્રેમમાં નિષ્ફળતા, બિઝનેસમાં નિષ્ફળતા, ગરીબી, આર્થિક સંકળામણ સહિતના બધા જ કારણોનો તેમાં સમાવેશ થઈ જાય છે, તો બીજી તરફ આપઘાત કરનારામાં દેશની આખી આશાસ્પદ જનરેશનનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે!
                                                                                  ***
જીવન સામે હારી જઈને આપઘાત નોતરી દેવાની સમસ્યા માત્ર ભારતમાં જ નથી. બધા દેશોમાં વર્ષે લાખો લોકો નિરાશાના કારણે આપઘાત કરે છે, પણ ભારત એ બધા દેશોમાં સૌથી આગળ છે એ ગંભીર બાબત ગણાવી જોઈએ! આપઘાત માટેનું નિરાશાજનક વાતાવરણ સર્જવા માટે નહીં તો ય એ વાતાવરણને ડામી ન શકવા માટે ય સમાજથી લઈ સરકાર સુધી બધા જ જવાબદાર કહેવાય. વિશ્વમાં આપણે યુવાધનથી ભરપૂર દેશની દુહાઈઓ આપીને વાહવાહી લૂંટીએ છીએ તેની આ કાળી બાજુ નથી તો બીજું શું છે?
આપઘાતનો આંકડો બીજી એક બાબતે પણ દિશાસૂચક છે: ભરજુવાનીમાં આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી લેવાનું પ્રમાણ બહુ જ વધુ છે એટલું જ આપઘાતનું પ્રમાણ ૬૦ વર્ષ પછીની વયજૂથમાં પણ સામે આવ્યું છે. ૪૫થી ૬૦ના વયજૂથમાં ગયા વર્ષે ૩૩ હજાર આપઘાતના બનાવો બન્યા હતાં. આપઘાતથી યુવાધનને ય દૂર નથી રાખી શકાતું અને બીજી તરફ આખી જીંદગીના પરિશ્રમ પછી નિરાંત માણવાની પળ ઝંખતા વડીલોને ય બચાવી નથી શકાતા.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં બનેલા આપઘાતના કિસ્સામાં બન્યું છે એમ આપણે ત્યાં બધે જ ઉકેલ લાવવાને બદલે રાજકીય રંગ ભેળવી દેવાય છે. રાજકારણ કરવામાંથી ફૂરસત મળે તો કદાચ દિવસમાં ચારસોએક જિંદગી બચાવી શકાય, પણ એવી નવરાશ છે કોને?
Sunday 24 January 2016
Posted by Harsh Meswania
Tag :

એક ૧૫ વર્ષના કિશોરે જગતને ઈયરમફની ભેટ આપી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
૧૭મી જાન્યુઆરી એટલે 'કિડ ઈન્વેન્ટર ડે'. કેટલીય મહત્ત્વપૂર્ણ શોધોની જેમ કાતિલ ઠંડીમાં કાનને રક્ષણ આપતા ઈયરમફની શોધ પણ એક ૧૫ વર્ષના કિશોરે કરી હતી અને પછી પોતાના હોમટાઉનને વિશ્વમાં ઈયરમફના કેપિટલ તરીકે ઓળખાવ્યું હતું.
 

---
યંગસ્ટર્સના પસંદીદા હેડફોન પાછળ પણ ઈયરમફની મૂળ ડિઝાઇન જવાબદાર છે. ગ્રીનવૂડ ઉદ્યોગ સાહસિક તરીકે અમેરિકન ઉદ્યોગજગતમાં સન્માનનીય નામ ગણાય છે

ડિસેમ્બરની કાતિલ ઠંડીના દિવસોમાં અમેરિકાના ફાર્મિંગ્ટન નામના નાનકડા ટાઉનમાં તાપમાન માઇનસ ૧૦-૧૨ ડિગ્રીએ પહોંચી જતું. હાડ ગાળી નાખે એવા શિયાળાના દિવસોમાં ૧૮૫૮માં એક બાળકનો જન્મ થયો, નામ પડયું ચેસ્ટર. ચેસ્ટર ગ્રીનવૂડ, જેમણે કાતિલ શિયાળા માટે જાણીતા ફાર્મિંગ્ટન શહેરને ઠંડી સામે રક્ષણ આપતા સાધનની બનાવટ માટે વિશ્વ વિખ્યાત બનાવી દીધુ.
શરીરને બે-ત્રણ ગરમ કપડાંમાં વીંટળાયેલું રાખીને માંડ ઘરની બહાર નીકળી શકાય એવા શિયાળાના દિવસોમાં ફાર્મિંગ્ટનના સ્થાનિક લોકો કાન વાટે ઠંડી શરીરમાં પેસી ન જાય એ માટે જાત-ભાતના નુસખા કરતા રહેતા. કોઈ માથા ફરતે કપડું વીંટાળીને બહાર નીકળે તો કોઈ વળી રૃના પૂમડાથી રક્ષણ મેળવવાનો કીમિયો અજમાવતા. ઠંડીના કારણે સ્થાનિક લોકોને કાનની ઘણી બીમારીઓ શિયાળામાં થતી. વૃદ્ધો-બાળકોની કાનના દુખાવાની ફરિયાદ પણ ખૂબ વધી જતી.
આવા ઠંડા પ્રદેશમાં રહેતો બાળક ચેસ્ટર અન્ય બાળકોની જેમ આઈસ સ્કેટિંગનો શોખીન હતો. વારંવાર થતી બરફવર્ષાની વચ્ચે બરફમાં સ્કેટિંગ કરવું એ ફાર્મિંગ્ટનનાં બાળકોની મુખ્ય રમત હતી, પણ બરફવર્ષા વચ્ચે ખુલ્લા કાનમાં પેસી જતા ઠંડા પવનના કારણે બાળકોને ઘરમાંથી જ બહાર નીકળવાની રજા ન મળતી. કાન-માથાના ભાગે વજનદાર કપડાં લપેટીને જવાની છૂટ તો મળતી પણ માથા પરનો ભાર સ્કેટિંગની મજા મારી નાખે છે એવી બધાં જ બાળકોની એકસરખી ફરિયાદ રહેતી.
આવી કાતિલ ઠંડીમાં કાન વાટે શરીરમાં પેસી જતી ઠંડીને રોકી શકાય એવું કંઈક હળવું પણ રક્ષણ આપવામાં ઉપયોગી કશુંક મળી જાય તો સ્કેટિંગની મજા પડી જાય એમ બાળક ચેસ્ટર વિચારતો રહેતો. પણ કિશોરાવસ્થામાં પહોંચી ગયેલા ચેસ્ટરને બાળવયે શિયાળામાં કાનને રક્ષણ આપે એવી ટેકનિક વિકસાવવાની વાત વીસરાઈ ગઈ.
શિયાળાની એક સવારે કિશોર વયનો થયેલો ચેસ્ટર અશક્ત અને કાનની બીમારીથી પીડિત દાદી સાથે બહાર ગયો હતો ત્યારે તેને ફરીથી બાળવયે કાનને રક્ષણ આપવાની ટેકનિકનો વિકસાવવાનો વિચાર આવી ગયો. કાનમાં પેસી જતી ઠંડીથી દાદી બીમાર ન પડે એ માટે તેણે કાનના માપનાં બે કપડાંનો ઉપયોગ કરીને માથા ઉપર પટ્ટીથી ટેકો આપીને કશુંક નવું બનાવી શકાય તેમ છે એવો નવતર વિચાર તેના દિમાગમાં ઝબકી ગયો. ઘરે આવીને તેણે દાદીને પોતાનો પ્લાન દોરી બતાવ્યો અને કાપડને એ રીતે સીવી દેવાની દાદીને વિનંતી કરી. વાયરની મદદથી કાનના માપનું લંબગોળ સર્કલ બનાવીને તેની ફરતે તેણે ગરમ કપડું લપેટી દીધું. બંને લંબગોળ સર્કલને જોડતી એક પટ્ટી બનાવી, જે માથાના ઉપરના ભાગને આધાર બનાવીને બંને કાન ઉપર ચપોચપ ગોઠવાઈ જાય. નવતર સંશોધનનું એ પહેલું પગથિયું હતું અને દાયકાઓ સુધી એ નવી બનાવટ ફેશન ટ્રેન્ડ પણ બનવાની હતી.
                                                                                  ***
કાનને રક્ષણ આપનારા એ નવા સાધનને ૧૫ વર્ષના ચેસ્ટર ગ્રીનવૂડે ૧૮૭૩માં બનાવ્યું પછી સ્થાનિક સ્તરે તેની માંગણી ખૂબ વધી ગઈ એટલે આખા પરિવારે એ બનાવવાનું શરૃ કર્યું. ચેસ્ટરે એ એક જ બનાવટથી પોતાના માતા-પિતાની કમાણીની ચિંતા ઘટાડી દીધી. એટલું જ નહીં, આગામી ત્રણ પેઢી સુધી તેમણે કમાણીનો નવો રસ્તો બનાવી દીધો હતો. શરૃઆતમાં તેમણે બાળકોને ધ્યાનમાં રાખીને ઈયરમફ બનાવ્યાં. ધીમે ધીમે મોટી સાઇઝના ઈયરમફની ડિમાન્ડ પણ બહુ થવા લાગી.
વેંચાણ અંદાજ કરતાં અનેકગણું વધી ગયું. સારી કમાણી પણ થવા માંડી. ફાર્મિંગ્ટનમાં ઘણાં પરિવારો ગ્રીનવૂડે બનાવેલા ઇયરમફને આધારે એવા જ ઈયરમફ જાતે બનાવવા લાગ્યાં હતાં. ૧૮૭૭માં ઉંમરના ૧૮ વર્ષના પડાવે પહોંચેલા ગ્રીનવૂડે સમયસૂચકતા વાપરીને એ સાધનની 'ઈયરમફ' નામથી પેટન્ટ રજિસ્ટર કરાવી લીધી. કાનના ઉપરી હિસ્સા માટે કવચનું કામ કરતા આ ઈયરમફ પછી તો વિશ્વભરમાં સ્થાનિક સ્તરે કાન-પટ્ટાથી લઈને ઈયર પ્રોટેક્ટર સહિતના અઢળક નામે ઓળખાય છે. વજનમાં હળવા અને કાનમાં પેસી જતી હવા સામે ઉમદા કામ આપતા ઈયરમફ કોટનથી લઈને ઊન સુધીના કાપડમાં બનવા લાગ્યા, પણ તેની મૂળ બનાવટની તરાહ ગ્રીનવૂડની પેટન્ટ પર જ આધારિત રહી છે.
ડિમાન્ડ પારખીને ચેસ્ટર ગ્રીનવૂડે ૧૮૮૩માં ફેક્ટરી સ્થાપી. સ્થાનિક લોકોને કામે રાખ્યા અને વિભિન્ન સાઇઝ-ડિઝાઇનમાં ઉપલબ્ધ બનેલા ઈયરમફનું મોટા પાયે ઉત્પાદન શરૃ કર્યું. ગ્રીનવૂડની ફાર્મિંગ્ટન સ્થિત ફેક્ટરીમાં વર્ષે ૩૦ હજાર ઈયરમફનું ઉત્પાદન થવા માંડયું. ડિમાન્ડ વધી, ઉત્પાદન વધ્યું એમ નફો વધ્યો અને એમ ગ્રીનવૂડે વૈવિધ્ય પણ આપ્યું. અલગ અલગ મટિરિયલમાંથી તેમણે ઈયરમફ બનાવવાનું શરૃ કર્યું. પછી તો કેપ-સુતરાઉ કાનપટ્ટો અને મફલર ઉપરાંત સ્વેટર્સ સહિતની કેટલીય વસ્તુઓ એ ફેક્ટરીમાં બનવા માંડી. ફાર્મિગ્ટન સ્થિત ચેસ્ટરની એ ફેક્ટરી થોડાં વર્ષોમાં અમેરિકન ઉદ્યોગજગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ.
ગ્રીનવૂડ પાસે ઈયરમફની ધીકતી કમાણી હતી છતાં તેમણે એનાથી સંતોષ માની લેવાને બદલે જીવન જરૃરિયાતની બીજી પણ ઘણી બાબતો પર ઊંડું સંશોધન કરીને ૧૦૦ જેટલી પેટન્ટ પોતાના નામે નોંધાવી. કૃષિમાં કામ આવી શકે એવી કોદાળી અને ખંપાળી જેવાં સાધનોમાં તેમણે ફેરફાર કરીને ખેડૂતોને ઉપયોગમાં સરળ પડે એવી સાઇઝમાં તેની નવી ડિઝાઇન સર્જી, તો બાળપણના શોખ એવા આઈસ સ્કેટિંગને સરળ બનાવવા પણ તેમણે કેટલીક કરામતો કરી.
૧૦૦ જેટલી પેટન્ટ અને આવડા મોટા ઉદ્યોગ સાહસિક બન્યા પછી પણ તેમને મળેલા સન્માન પાછળ તો કિશોર વયે થયેલી શોધ ઈયરમફ જ જવાબદાર છે. બાળવયે ક્રાંતિકારક સંશોધનોની વાત થતી હોય ત્યારે ચેસ્ટર ગ્રીનવૂડનું નામ આગળ પડતું મુકાય છે. હવે આ ઈયરમફનો બિઝનેસ તેમના પ્રપૌત્રોના હાથમાં છે અને અમેરિકાના શક્તિશાળી બિઝનેસફેમિલીમાં તેમને શુમાર કરવામાં આવે છે.
૧૯૩૭માં ૭૯ વર્ષે ચેસ્ટરનું નિધન થયું ત્યાં સુધીમાં ફાર્મિંગ્ટનની તેમની ફેક્ટરીમાંથી લાખોની સંખ્યામાં ઈયરમફનું ઉત્પાદન થઈ ચૂક્યું હતું. આટલા માતબર ઉત્પાદનને કારણે જ ફાર્મિંગ્ટનને એ જમાનામાં ઈયરમફ કેપિટલ તરીકે ઓળખવામાં આવતું હતું. આજેય અમેરિકામાં ફાર્મિંગ્ટન નામ પડે એટલે બીજી જ પળે ઈયરમફનું નામ આવ્યા વગર નથી રહેતું!
ચેસ્ટરના નિધનની પોણી સદી પછી ય ફાર્મિંગ્સનમાં દર વર્ષે ૨૧મી ડિસેમ્બરે ચેસ્ટર ગ્રીનવૂડ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શહેરને વૈશ્વિક ઓળખ આપનારા ચેસ્ટરના સન્માનમાં ડિસેમ્બરના પહેલા શનિવારે પરેડ થાય છે અને વિશાળ ઈયરમફ બનાવીને તેનું પ્રદર્શન કરાય છે. જ્યાં તેમનો જન્મ થયો હતો એ ઘરને અમેરિકી સરકારે દેશની ઐતિહાસિક વિરાસતના લિસ્ટમાં સામેલ કર્યું છે.
સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટ દ્વારા જાહેર થયેલા ૧૯મી સદીના ૧૫ ઉત્કૃષ્ટ શોધકોમાં તેમને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો હતો.
                                                                              ***
ઈયરમફની પેટન્ટ પછી તો ઠંડીથી કાનનું રક્ષણ કરતાં બીજાં ઘણાં સાધનો આવતાં ગયાં, પણ ૧૯મી સદીમાં શોધાયેલા ઈયરમફની ડિમાન્ડ ૨૧મી સદીમાં ઓર વધી ગઈ. ઈયરમફની ડિઝાઇન હવે બીજા સ્વરૃપે ફેશનટ્રેન્ડ ગણાય છે. ઠંડીની અસર ઓછી કરવા ઉપરાંત બીજું એક કામ જોડાયું છે - મ્યૂઝિકનું. સંગીતનો આનંદ માણવા માટે યંગસ્ટર્સની પસંદ બનેલા હેડફોનની બનાવટનો મૂળ આધાર ઈયરમફની ડિઝાઇન પર છે. ઈયરમફની પેટન્ટ પરથી જ હેડફોનનું નિર્માણ થયું છે.
ઈયરમફની શોધને દોઢ સદી જેટલો સમય વીત્યો છે. એ દોઢ સદીમાં કંઈ કેટલુંય બદલાયું છે. ઠંડી સામે રક્ષણ આપતાં કેટલાય ફેશનેબલ સાધનો ઉપલબ્ધ બન્યાં છે, પણ ૧૫ વર્ષની કિશોરાવસ્થામાં ગ્રીનવૂડે કરેલી ઈયરમફની મૂળ ડિઝાઇન થોડાઘણાં ફેરફારો સાથે આપણી સમક્ષ હાજર છે અને તેની હાજરી જ ચેસ્ટર ગ્રીનવૂડની યાદ પણ તાજી કરાવતી રહેશે.



Sunday 17 January 2016
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -