Posted by : Harsh Meswania Sunday 17 April 2016


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ભારતમાં બે વર્ષ પછી અંતે તમાકુના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં સ્વાસ્થ્ય ચેતવણીનો કાયદો અમલી બન્યો છે. બીજી તરફ ટોબેકો ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે તમાકુ પ્રોડક્ટના પેકેટમાં ૪૦ ટકા સ્વાસ્થ્ય ચેતવણી પૂરતી છે! શું ખરેખર આટલી સ્વાસ્થ્ય ચેતવણી પૂરતી છે?

તમાકુ : આ એ વ્યસન છે, જે ૨૦મી સદીમાં ૧૦ કરોડ લોકોના મૃત્યુનું કારણ બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) સહિતની કેટલીય સંસ્થાઓ અને વિવિધ દેશોની સરકારોના તમાકુ વિરોધી ઝુંબેશના લાખ પ્રયાસો છતાં તમાકુ-સિગારેટની લતે ચડનારાની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. નો ટોબેકો ઝુંબેશ પાછળ કરોડોનું બજેટ ફાળવ્યા પછી અને ત્રણેક દશકાથી સઘન ઝુંબેશ પછી ય વર્ષે ૬૦ લાખ લોકો તમાકુના વ્યસનથી મોતના મુખમાં ધકેલાય છે અને તેમાંથી ૧૦ લાખ લોકો ભારતના છે.
જે ઝડપે તમાકુના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતા ૨૦૨૦ સુધીમાં વિશ્વમાં એક કરોડ લોકો તમાકુના કારણે મૃત્યુ પામતા હશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. એમાં ભારતના લોકોની સંખ્યા ૨૦ લાખ હશે. તમાકુ અત્યારે વિશ્વમાં મોતનું બીજા નંબરનું સૌથી મોટું કારણ બને છે અને ગણતરીના વર્ષોમાં સૌથી વધુ મૃત્યુનું એ પહેલું કારણ બનશે. આ તમામ વાતો હવે ઘૂંટાઈ ચૂકી છે. બધા તથ્યો ખુબ જાણીતા છે. નવા નવા ફેક્ટ્સ સાથેનો આંકડાકીય ચિતાર સતત આપણી નજર સામે આવતો રહે છે, આવતો રહેશે. વાંચીને વિસારે પાડી દેવાની આપણી આદત એટલી ઘર કરી ગઈ છે કે કદાચ દરરોજ આવો અહેવાલ માથે મારવામાં આવે તો પણ શક્ય છે કે ભારતમાં તમાકુનું વ્યસન ઘટાડી ન શકાય!
મૃત્યુ આંકમાં ભારતની સ્થિતિ જોતા ડબલ્યુએચઓ સહિતની સંસ્થાઓએ ભારતને તમાકુના પેકેટ ઉપર સ્વાસ્થ્ય ચેતવણીની સાઈઝ વધારવાની ભલામણ ત્રણેક વર્ષ પહેલાં કરી હતી. ભારતમાં દરેક તમાકુ પ્રોડક્ટ ઉપર ૪૦ ટકા સચિત્ર ચેતવણી આપવાનો કાયદો હોવા છતાં ઝુંબેેશમાં બહુ ફાયદો થતો ન હોવાનું ડબલ્યુએચઓએ નોંધ્યા પછી ભારતમાં સચિત્ર ચેતવણી વધારવી જરૃરી હતી.
ગયા વર્ષે એપ્રિલ માસથી જ આમ તો તમાકુ પ્રોડક્ટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં ચેતવણી અમલી બનાવવાની હતી, પણ ટોબેકો ઈન્ડસ્ટ્રીએ વિરોધ નોંધાવ્યો એટલે સરકારે પીછેહઠ કરી. વગદાર ટોબેકો ઈન્ડસ્ટ્રીએ સરકારને રજૂઆત કરી એટલે સરકારે સંસદીય સમિતિનું ગઠન કર્યું અને વર્તમાન ચેતવણીને વધારીને કેટલી કરવી જોઈએ તેનો અહેવાલ રજૂ કરવા કહ્યું.
આશ્વર્ય વચ્ચે સંસદીય સમિતિએ વર્તમાન ૪૦ ટકા વૈધાનિક ચેતવણીને વધારીને ૫૦ ટકા કરીએ તો પણ પૂરતો થઈ પડશે એવો અહેવાલ આપ્યો. ભારતભરના સ્વાસ્થ્ય નિષ્ણાતો, સ્વાસ્થ્ય માટે કામ કરતી સંસ્થાઓ અને ખુદ સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ અહેવાલને ન સ્વીકાર્યો એટલે સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી કે ૧લી એપ્રિલ-૨૦૧૬થી સિગારેટ સહિતના તમાકુના દરેક પેકેટ ઉપર ૮૫ ટકા ચેતવણી ફરજિયાત બનશે. નવા કાયદા પ્રમાણે ૬૦ ટકા સચિત્ર ચેતવણી અને બાકીના ૨૫ ટકા ભાગમાં ચેતવણીનું લખાણ આપવું પડશે. આટલો પૂરતો સમય આપ્યો હોવા છતાં ટોબેકો ઈન્ડસ્ટ્રી અને કર્મચારીઓ સરકારને કાયદામાં ફેરવિચારણા કરવાની રજૂઆત કરે છે.
ટોબેકો ઈન્ડસ્ટ્રીની દલીલ છે કે સચિત્ર ચેતવણીની અસર ગ્રાહકો પર થતી નથી. ૨૦૦૯ના એક વૈશ્વિક અહેવાલને ટાંકીને ટોબેકો ઈન્ડસ્ટ્રીનો દાવો છે કે ચિત્ર સાથેની ચેતવણી છતાં તમાકુનું સેવન કરનારા વધ્યા છે. નો ટોબેકો ઝુંબેશ માટે સચિત્ર ચેતવણીની સાઈઝ મોટી કરવાને બદલે બીજાં વ્યવહારું રસ્તાઓ અપનાવવા જોઈએ એવી દલીલ બચાવમાં થઈ રહી છે. જો ખરેખર એમ જ હોય તો પછી તેમને સરકારના નિયમો પ્રમાણે સચિત્ર ચેતવણીની સાઈઝ વધારવામાં શું વાંધો હોઈ શકે?
ઈન્ડસ્ટ્રીની બીજી દલીલ એવી છે કે સિગારેટના પેકેટ્સની સ્ટાઈલ પ્રમાણે તેમાં ૮૫ ટકા ચેતવણી સમાવી શકાય તેમ નથી એટલે સરકારે લિબરલ થઈને વિવિધ કંપનીઓના પેકેટ્સની ડિઝાઇન પ્રમાણે વૈધાનિક ચેતવણી છાપવાની છૂટ આપવી જોઈએ!
આ માંગણી જ બેહૂદી છે. કાયદા પ્રમાણે પ્રોડક્ટના પેકેટની ડિઝાઇન બદલવી જોઈએ કે પ્રોડક્ટની ડિમાન્ડ પ્રમાણે કાયદામાં ફેરફાર થવો જોઈએ? ટોબેકો ઈન્ડસ્ટ્રી તો ત્યાં સુધી કહે છે કે કોઈ એક પેકેટમાં ૪૦ ટકા ચેતવણી હોય તો એ પૂરતી છે!
તો શું ખરેખર આટલી સ્વાસ્થ્ય ચેતવણી પૂરતી છે?
                                                                         ***   
કેનેડાની કેન્સર સોસાયટીએ તમાકુના પેકેટ ઉપર કેટલા ભાગમાં વૈધાનિક ચેતવણી આવે છે તેનો વૈશ્વિક અહેવાલ ૨૦૧૨માં તૈયાર કર્યો હતો. ૧૯૮ દેશોને આવરી લેતા એ અહેવાલમાં ભારતનો ક્રમ છેક ૧૩૬મો હતો, કારણ કે ભારતમાં તમાકુના પેકેટ ઉપર માત્ર ૪૦ ટકા ચેતવણી છપાતી હતી. તમાકુના કારણે થતાં મૃત્યુ આંકમાં કમનસીબે આગળ રહેલો દેશ પેકેટ ઉપર સ્વાસ્થ્ય ચેતવણીની બાબતે આટલો પાછળ છે એ જાણીને સોસાયટીના સભ્યોએ બેહદ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. ૨૦૧૪ના આવા જ ૧૯૮ દેશોના અહેવાલમાં ભારતનો નંબર ૧૨૩મો હતો. ભારતમાં બે વર્ષમાં ચેતવણીના સાઈઝમાં કોઈ જ સુધારો ન થવા અંગે પેલા સભ્યોએ આ વખતે આશ્વર્ય વ્યક્ત ન કર્યું, પણ કચકચાવીને ટીકા કરી. એમણે ભારતને તમાકુ વોર્નિંગની બાબતે સૌથી નબળુ રાષ્ટ્ર ગણાવ્યું હતું અને તાત્કાલિક અસરથી નવા ફેરફારો કરવાનું સૂચવ્યું હતું.
વીજળી સહિતની ઘણી બાબતોમાં આપણી મદદ ઉપર નિર્ભર રહેતા નેપાળમાં દરેક તમાકુના પેકેટ ઉપર ૭૫ ટકા ભાગમાં ચેતવણી ફરજિયાત છે, આજકાલથી નહીં વર્ષોથી. શ્રીલંકામાં તમાકુ ઉત્પાદન કરતી કંપનીઓએ ૯૦ ટકા હિસ્સામાં સચિત્ર જાહેરાત આપવી પડે છે. તેનું પાલન ન કરતી બે કંપનીઓ ગયા વર્ષે સરકારની નજરે ચડી હતી અને બંનેના સિગારેટ ઉત્પાદનના લાઈસન્સ રદ્ કરી દેવામાં આવ્યા હતા. ૮૫ ટકા હિસ્સાનો કાયદો થાઈલેન્ડમાં પણ ઓલરેડી વર્ષોથી છે. સિંગાપોરમાં ૨૦૦૪થી સ્ટ્રોંગ કાયદો બન્યો છે એ પ્રમાણે પેકેટનો ૯૨ ટકા ભાગ વૈધાનિક ચેતવણી માટે ફાળવાય છે. જાપાન તો ૧૯૭૨માં તમાકુ પ્રોડક્ટના પેકેટ ઉપર વૈધાનિક ચેતવણી આપનારો એશિયાનો પહેલો દેશ બન્યો હતો. જ્યારે ભારતમાં હજુ લખાણ દ્વારા નાનકડી લીટીમાં ચેતવણી અપાતી હતી ત્યારથી એશિયાના ઘણાંખરાં દેશોમાં ચેતવણીનો મજબૂત કાયદો અસ્તિત્વમાં છે.
ચેતવણીની બાબતે ઓસ્ટ્રેલિયાએ ઉદાહરણીય પગલુ ભર્યું છે. ડિસેમ્બર-૨૦૧૨થી ઓસ્ટ્રેલિયન સરકારે કાયદો બનાવ્યો છે એ પ્રમાણે સિગારેટના આખા પેકેટમાં કંપનીનું નામ અને પેકેટની કિંમતને બાદ કરતા બધે જ સરકારે નક્કી કરેલી સ્વાસ્થ્ય ચેતવણી જ છપાય છે. પ્રોડક્ટ ક્યાં-ક્યારે બની વગેરે વિગતો અંદરની બાજુ આપવાની રહે છે. વળી, સિગારેટના પેકેટમાં કંપની રંગ કે ડિઝાઈનને લગતા કોઈ જ ફેરફાર ન કરી શકે. સરકારે નક્કી કરેલા કલરમાં, નિયત લખાણ અને તસવીરો સાથે જ એ પેકેટ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાનો મજબૂત કાયદો ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની જેમ જ ન્યૂઝિલેન્ડમાં પણ મજબૂત કાયદો બન્યો છે. પેકેટના ૮૦ ટકા ભાગમાં ૧૪ ચેતવણીઓ ન આપનારી ટોબેકો કંપની ન્યૂઝિલેન્ડમાં પ્રોડક્શન કરી શકતી નથી.
બ્રાઝિલમાં તો છેક ૨૦૦૧થી પેકેટના સંપૂર્ણ ભાગમાં ચેતવણી છાપવાનો કાયદો છે. કેનેડામાં ૨૦૦૦ના વર્ષથી તમાકુના દરેક પેકેટ ઉપર ૧૬ ચેતવણીઓ આપવી પડે છે. શરૃઆતમાં પેકેટનો ૫૦ ટકા ભાગ ફાળવાયો હતો. હવે એ વધારીને ૮૫ ટકા કરી દેવાયો છે. ઘણી કંપનીઓ એ જાહેરાતોને ઈરાદાપૂર્વક માઈલ્ડ કરી દેતી હોવાનું જાણવા મળ્યું પછી સરકારે એક-બે કંપનીઓના લાઈસન્સ રદ કર્યા કે બીજી તમામ કંપનીઓએ સીધી દોરી જેવી થઈ ગઈ!
યુરોપિયન યુનિયનના તમામ ૨૮ દેશો ટોબેકો કંપનીઓ પાસે ૬૦થી ૮૦ ટકા હિસ્સામાં સચિત્ર ચેતવણીનું પાલન કરાવડાવે છે, જેમાં દેશના કાયદા પ્રમાણે ઓછામાં ઓછા ૮થી ૧૨ મેસેજ છપાય છે.
અને હા, અમેરિકા તો વિશ્વનો પહેલો એવો દેશ છે જ્યાં સચિત્ર વૈધાનિક ચેતવણીનો પ્રારંભ થયો હતો. બીજી રીતે કહીએ તો ભયાનક છતાં વાસ્તવિક સ્થિતિને ચિત્ર સાથે રજૂ કરીને તમાકુના વ્યસનથી દૂર રહેવાની ઝુંબેશ અમેરિકાએ આરંભી હતી. ભારતની ટોબેકો ઈન્ડસ્ટ્રી ભલે દલીલ કરતી હોય કે પેકેટના ૪૦ ટકા હિસ્સામાં અત્યારે જે વૈધાનિક ચેતવણી આવે છે એ પૂરતી છે, પણ વૈશ્વિક ચિતાર પરથી તો ચોક્કસ કહી શકાય કે અત્યારે આવે છે એ ૪૦ ટકા ચેતવણી પૂરતી નથી.
અને આવી ચેતવણી બેઅસર પણ નથી.
                                                                        ***
૨૦૧૨થી ૨૦૧૬ સુધીમાં વિવિધ ૨૦ વૈશ્વિક અહેવાલો કહે છે એમ તમાકુ પ્રોડક્ટમાં ચિત્ર સાથેની ચેતવણી અસરકારક પૂરવાર થઈ છે. તમાકુનું વ્યસન છોડી દેનારા લોકો ઉપર થયેલા એક અહેવાલમાં ૧૦માંથી ૭ લોકોએ સ્વીકાર્યું હતું કે પેકેટ પરની સચિત્ર ચેતવણીના કારણે તેમણે વ્યસન છોડયું હતું. સચિત્ર ચેતવણીનું કદ વધ્યું છે ત્યારથી સિગારેટ-તમાકુ છોડી દેનારાની સંખ્યા પણ વધી છે.
જોકે, તમાકુ પ્રોડક્ટનું વેંચાણ ઘટતું નથી એ હકીકત છે. ઉત્પાદનની સંખ્યા ન ઘટવા પાછળનું કારણ એ છે કે જેમ વૈધાનિક ચેતવણી જોઈને તમાકુનું વ્યસન છોડનારા લોકો છે, તેમ બીજાને સ્મોકિંગ કરતા જોઈને તમાકુની લતે ચડનારા યુવાનોની સંખ્યા પણ વધતી જાય છે. જો આવી સચિત્ર ચેતવણીની ઝુંબેશ આમ જ ચાલતી રહે તો એ આંકડો વધતો અટકશે. તમાકુના રવાડે ચડેલો નવો વ્યસની પણ એ વાંચી-જોઈને તમાકુથી દૂર રહેતો થશે.
જોવી ય ન ગમે એવી સચિત્ર ચેતવણી દ્વારા તમાકુની ભયાનકતાનો અંદાજ આવશે તો જ તેમાંથી મુક્ત થવાની કોશિશ શરૃ થશે. સિંગાપોર, કેનેડા, બ્રાઝિલ, થાઈલેન્ડ, અમેરિકા, શ્રીલંકા, બ્રિટન જેવા ડઝનબંધ દેશોમાં સચિત્ર જાહેરાતની સાઈઝ વધી પછી તમાકુનું વ્યસન ઘટયું છે, એટલે આવી ચેતવણી બિલકુલ બેઅસર નથી. અત્યાર સુધી આવતી ૪૦ ટકા ચેતવણી તો અપૂરતી છે જ, ૮૫ ટકા ચેતવણી પણ ભારતમાં અપૂરતી જ ગણાય. જ્યાં તમાકુથી સૌથી વધુ મૃત્યુ થતાં હોય ત્યાં તો આ જાહેરાત ઓસ્ટ્રેલિયાની જેમ ૧૦૦ ટકા હિસ્સામાં હોવી જોઈએ!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -