- Back to Home »
- other »
- ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ
Posted by :
Harsh Meswania
Wednesday, 19 June 2013
![]() |
ગોરખનાથજીની ગુફા |
તીર્થાટન - હર્ષ મેસવાણિયા
આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે. કામરુ દેશમાં જઈ ચડેલા પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને આ પ્રતાપી શિષ્ય પાછા લાવ્યા હોવાની કથા તેમની સાથે જોડાયેલી છે અને 'જાગ મછન્દર ગોરખ આયા' એ બહુ જાણીતી ઉક્તિ તેમની સાથે જોડાયેલી છે. ગોરખનાથે આખા ભારતમાં અલગ-અલગ જગ્યાએ તપસ્યા કરી હતી અને ધર્મોપદેશ આપ્યો હતો. આજે પણ તેમની યાદમાં જુદાં જુદાં સ્થળે ગોરખધૂણો, ગોરખગુફા વગેરે મોજૂદ છે, પણ તેમના નામથી આખા ગામનું નામ પડયું હોય એવું કદાચ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાને બાદ કરતાં આખા ભારતમાં એકમાત્ર ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં જ બન્યું છે. ગોરખનાથે મઢી બનાવીને વર્ષો સુધી જ્યાં તપસ્યા કરી હતી તે સ્થળ આજે ગોરખમઢીના નામે જાણીતું છે. સોમનાથથી કોડિનાર તરફ જતાં બારેક કિલોમીટરના અંતરે ગોરખમઢી ગામ આવેલું છે. સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ એક સમયે નિર્જન જગ્યા હતી. એક કથા પ્રમાણે ૧૦મી કે ૧૧મી સદી આસપાસ થઈ ગયેલા ગુરુ ગોરખનાથ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ગિરનારની ગોદમાં આવેલા આ સ્થળને તેમણે પોતાની તપોભૂમિ બનાવવાનું વિચાર્યું. તપસ્યા માટે જગ્યાની શોધ કરી રહ્યાં હતા ત્યારે તેમને સોમનાથથી થોડે દૂર આવેલા આ સ્થળનું વાતાવરણ મનભાવન લાગ્યું. તેમણે અહીં પોતાની મઢી સ્થાપી હતી. એમ કહેવાય છે કે ગોરખનાથે અલગ-અલગ સ્થળોએ લગભગ ૩૧ જેટલી મઢીઓ બનાવી હતી, પણ આ એકમાત્ર મઢી પોતાની પાસે તપસ્યા કરવા રાખી હતી. બાકીની તમામ પોતાના શિષ્યોને આપી દીધી હતી. પછીથી ગોરખમઢી નાથ સંપ્રદાયનું મુખ્ય મથક જ બની ગયું હતું. અહીં નાથ સંપ્રદાયોના સંતો-મહંતોએ વર્ષો સુધી તપસ્યા કરી હતી.
કેવી છે ગુરુ ગોરખનાથની તપોભૂમિ?
ગોરખમઢી ગામની વચ્ચે ગુરુ ગોરખનાથે બનાવેલી જગ્યા છે. જેમાં આશરે એક હજાર વર્ષ પહેલાં બનેલું ભોયરું છે. જમીનથી ૨૦ પગથિયાં ઊતરીએ એટલે નીચે ૨.૭૦ મીટર લાંબી અને ૨.૬૦ મીટર પહોળી એક ગુફા આવેલી છે. ગુફામાં એક ઊંચું આસન છે જેના પર ગોરખનાથ બેસીને તપ કરતા હતા. અત્યારે આ ગુફામાં ગોરખનાથની પ્રતિમા ઉપરાંત ગણેશ ભગવાન, અન્નપૂર્ણાદેવી અને નાગાર્જુનની પ્રતિમા રાખવામાં આવી છે. ગુફાની ઉપર ગુરુ ગોરખનાથનો ધૂણો છે, જ્યાં યજ્ઞાદિ કાર્યો થતા હતા. ધૂણાની એકદમ પાછળ ગોરખનાથના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું નાનકડું મંદિર આવેલું છે, જેમાં મત્સ્યેન્દ્રનાથની મુર્તિ છે. ગોરખનાથની ગુફાની ડાબી તરફ આ જગ્યાના મહંતોનાં સમાધિસ્થાન છે. આ ઉપરાંત મહંત, તેમનો પરિવાર તેમજ શિષ્ય સંપ્રદાયને રહેવા માટે એક મોટી હવેલી છે. એક સમયે અહીંના મહંતોને એક રજવાડાના રાજવી જેવું સન્માન મળતું હતું. આ આખી જગ્યાને સરકારે પુરાતત્ત્વ વિભાગમાં આવરી લઈને તેને રક્ષિત સ્મારકો ઘોષિત કર્યાં છે.
ગોરખનાથની ગુફાનું પ્રવેશદ્વાર
મહંતોનું રજવાડું: ૧૨ ગામનો ગરાસ
ગોરખમઢી નાથ સંપ્રદાયના સાધુ-સંતોનું મુખ્ય મથક બન્યું હતું અને અહીં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહેતી હતી, જેને ધ્યાનમાં રાખીને ગોરખમઢીના મહંતને જૂનાગઢ નવાબના તાબા હેઠળ આવતા ગોરખમઢી સહિતનાં ૧૨ ગામડાંઓ આપવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર થતી અવનવી ધાર્મિક પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા માટે આ ગામડાંઓની આવક ગોરખમઢીની આ જગ્યાને મળતી હતી.
મંદિરના પરિસરમાં આવેલી વિશાળ હવેલીમાં સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ૨૦૦ વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં 'કરણઘેલો' સહિતની નવલકથાઓ ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને બંગાળી ભાષાનાં પુસ્તકોનો પણ સંગ્રહ થયેલો જોવા મળે છે. અહીં આવતા ભાવિકો માટે અન્ય એક આકર્ષણ 'પાડાઘંટી'નું હોય છે. એક જમાનામાં જ્યારે અહીં ધર્મોત્સવ થતો ત્યારે પાડાઘંટી બધાનું અનાજ દળવાનું કામ કરતી હતી. ૧.૨૦ મીટર વ્યાસ ધરાવતું પડ અને ૧.૬૦ મીટર થાળાવાળી આ ઘંટીની ગોઠવણ એવી છે કે ધૂંસરી સાથે પાડાને જોડવામાં આવે છે. એ પાડો ૨.૨૫ મીટર વ્યાસ ધરાવતા ચક્રને ફેરવે અને આ ચક્ર ઘંટીની ધરીને ફેરવે છે. આ મોટી પાડાઘંટી આજેય હવેલીમાં જોઈ શકાય છે.
લગભગ એકાદ સૈકા પહેલાં થયેલા મહંત સુંદરનાથજી બાપુ આસપાસના વિસ્તારમાં સવિશેષ લોકપ્રિય હતા અને તેમણે આ જગ્યાનો વિકાસ કર્યો હતો. આ મહંતની યાદમાં ગોરખમઢીની સાવ નજીકમાં આવેલા એક ગામને સુંદરપરા નામ આપવામાં આવ્યું છે. આજેય ગુરુ ગોરખનાથની ગુફા, ધૂણો, હવેલી, મહંતોનાં સમાધિસ્થાનો અને મહંતોનાં ચિત્રો યાત્રાળુઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યાં છે.
મહંતોનો મહેલ
(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)