Archive for January 2013

ગાંધી સ્મારકોની સફર



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ - કર્મભૂમિ છે. આશરે ૩૮ વર્ષ તેઓ ગુજરાતમાં રહ્યા હતા. જ્યાં જ્યાં તેમની યાદો સચવાયેલી છે તેવાં સ્થળોનો ગાંધી નિર્વાણદિન નિમિત્તે અહીં શાબ્દિક પ્રવાસ ખેડી લઈએ...

અમદાવાદ
સાબરમતી આશ્રમઃ દેશ-વિદેશના લાખો પર્યટકો અહીં આવીને તસવીરોમાં, પ્રદર્શનોમાં કે પુસ્તકોમાં ગાંધીને ખોજે છે. આ આશ્રમની સ્થાપના ૧૯૧૭માં કરવામાં આવી હતી. ગાંધીજી અહીં ૧૯૩૦ સુધી રહ્યા હતા. તેમણે સ્વરાજની પ્રતિજ્ઞા પણ આ આશ્રમમાંથી જ લીધી હતી. એ સમયે સાબરમતી આશ્રમની પ્રવૃત્તિ દેશમાં કેન્દ્રસ્થાને હતી. ગાંધીજીના નિવાસસ્થાનને કાકાસાહેબે 'હૃદય કુંજ' નામ આપ્યું હતું.

કોચરબ આશ્રમઃ ભારતમાં આવીને સાદગીપૂર્ણ જીવન જીવવાની ખેવના સાથે 'હું ગુજરાતી છું એટલે ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ' એમ કહીને તેમણે ૨૫ મે, ૧૯૧૫ના રોજ કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરેલી.

ગુજરાત વિદ્યાપીઠ: રાષ્ટ્રીય શિક્ષણની પ્રવૃત્તિરૂપે અમદાવાદમાં ૧૫ નવેમ્બર,૧૯૨૦ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ આ પ્રસંગે કહ્યું હતું કે "જો વણિકપુત્ર કરી શકતો હોય તો મેં ઋષિનું કાર્ય કર્યું છે."

સર્કિટ હાઉસ: ૧૮ માર્ચ, ૧૯૨૨ના રોજ અમદાવાદના સર્કિટ હાઉસમાં જસ્ટિસ આર. એસ. બ્રુમફિલ્ડની કોર્ટમાં ગાંધી વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. જેમાં ગાંધીજીને છ વરસની સાદી કેદની સજા કરવામાં આવી હતી.

મજૂર મહાજન: અમદાવાદમાં ગાંધીજીએ મજૂરોના હિતમાં 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાયેલું આંદોલન કર્યું હતું. આ આંદોલન સાથે ૧૯૨૦માં 'મજૂર મહાજન સંઘ'ની સ્થાપના થઈ હતી. 

નવજીવન પ્રકાશન મંદિરઃ નવજીવન પ્રકાશન મંદિર એટલે ગાંધીજીના પત્રકારત્વ અને પુસ્તકનું સરનામું. નવજીવન ટ્રસ્ટની સ્થાપના ૧૯૨૯માં થઈ હતી. ભારતમાં આવ્યા પછી ગાંધીજીનું પત્રકારત્વ અહીં પાંગર્યું હતું.

દાંડી
સૈફી વિલાઃ નવસારીથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા દાંડી ગામનું આઝાદીની ચળવળના સંદર્ભમાં ઐતિહાસિક મૂલ્ય છે. ગાંધીજી દાંડી આવ્યા ત્યારે એક મુસ્લિમ સજ્જન વાસીસાહેબે 'સૈફી વિલા' નામના બંગલામાં તેમની રહેવાની વ્યવસ્થા કરી હતી. આ બંગલો આજે આ ઐતિહાસિક ઘટનાની સાક્ષીરૂપે ઊભો છે.

રાજકોટ
કબા ગાંધીનો ડેલો: કરમચંદ ગાંધીની રાજકોટના દીવાન તરીકે નિમણૂંક થતાં ૧૮૭૬માં તેઓ પરિવાર સાથે રાજકોટ રહેવા આવ્યા હતા. કબા ગાંધીની સ્મૃતિ સમિતિના સેક્રેટરી ઉષાકાંતભાઈ માંકડના જણાવ્યા પ્રમાણે ગાંધીજીએ રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. રાજકોટમાં ૧૮૮૧માં કબા ગાંધીનો ડેલો બનાવાયો હતો અને એ રાજકોટના દીવાનનું મકાન હતું. આજે આ સ્થળને 'ગાંધી સ્મૃતિ' તરીકે રક્ષિત કરાયું છે.

રાષ્ટ્રીય શાળાઃ શિક્ષણ ક્ષેત્રે રચનાત્મક કામગીરીના ભાગરૂપે રાજકોટમાં ગાંધીજીની પ્રેરણાથી રાષ્ટ્રીય શાળાનો પાયો નંખાયો. ૧૯૨૧માં રાજકોટના રાજવી લાખાજીરાજે ગાંધીજીની શિક્ષણ ક્ષેત્રની આ પહેલમાં જમીન ફાળવી આપી અને એ રીતે ૧૯૨૪થી રાષ્ટ્રીય શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ થયો. આ શાળામાં ગાંધીજીએ ઉપવાસ આંદોલન કર્યું હતું અને એ દરમિયાન તે શાળામાં જ રહ્યા હતા.

આલ્ફ્રેડ હાઈસ્કૂલ: આલ્ફ્રેડ હાઈસ્કૂલ બ્રિટિશરાજના સૌરાષ્ટ્રમાં ઈંગ્લિશ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર શાળા હતી. આ શાળાને હવે ગાંધીજીની સ્મૃતિરૂપે 'મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ' એવું નામ આપવામાં આવ્યું છે.

પોરબંદર
કિર્તિ મંદિરઃ પોરબંદરની જે હવેલીમાં ગાંધીજીનો જન્મ થયો હતો તે આજે કિર્તિ મંદિર તરીકે જાણીતું છે. ઉત્તમચંદ ગાંધી એટલે કે ઓતા ગાંધીની હવેલીમાં ગાંધીજીએ બાળપણ વીતાવ્યું હતું. અહીં ગાંધીજી ૧૮૭૬ સુધી રહ્યા હતા.

કસ્તુરબા સ્મારકઃ પોરબંદરમાં ગાંધીજીના સ્મારકથી આશરે સો ફીટના અંતરે બીજું એક ઐતિહાસિક મકાન આવેલું છે, જે કસ્તુરબા ગાંધી સ્મારક તરીકે ઓળખાય છે.
Wednesday 30 January 2013
Posted by Harsh Meswania

અત્યારે ભલે ઠંડી હોય, પણ વર્ષ તો ગરમ હતું!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

અત્યારે અચાનક જ ગાત્રો થિજવી દે એવી ઠંડી પડવા લાગી છે, પણ ભરશિયાળે ક્યારેક ઉનાળા જેવી ગરમી પણ પડતી હોય છે. હવામાનની સ્થિતિ વિચિત્ર થતી જાય છે. પૃથ્વીના તાપમાનને લઈને વિજ્ઞાનીઓ ચિંતિત થાય એવા સમાચાર આવ્યા છે. નાસા અને નોઆએ ૨૦૧૨માં પૃથ્વીના તાપમાનના આંકડા રજૂ કર્યા, જેમાં ૧૮૮૦થી આજ સુધીનાં ટોપ ટેન ગરમ વર્ષમાં ૨૦૧૨નો પણ સમાવેશ થયો છે

છેલ્લા એક દાયકાથી પૃથ્વીનું તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ટોપ ટેન ગરમ વર્ષોમાં મોટા ભાગનાં વર્ષો ૨૧મી સદીનાં છે. પ્રતિ વર્ષ અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા નાસા અને બીજી એક એટમોસ્ફિયરની સંસ્થા નોઆ (નેશનલ ઓસનિક એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન) વર્ષ આખાના સરેરાશ તાપમાનના આંકડા રજૂ કરે છે અને એના પરથી નક્કી થાય છે કે પૃથ્વીનું તાપમાન કેટલું સ્થિર રહ્યું છે. આ બંને સંસ્થાઓએ આપેલા આંકડા પ્રમાણે ૨૦૧૨નું વર્ષ ૧૮૮૦થી આજ સુધીના સૌથી ગરમ વર્ષમાં સમાવેશ પામ્યું.

ખરેખર તો છેલ્લા થોડા દાયકાઓથી વાતાવરણમાં વિચિત્ર ફેરફારો થતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને આપણે પણ તેનો અનુભવ કરીએ છીએ. જેમ કે, અચાનક જ શિયાળામાં પણ ઉનાળા જેવું વાતાવરણ થઈ જાય છે. તો ઋતુઓ જે રીતે તેના સ્વાભાવિક ક્રમમાં પહેલા જોવા મળતી તેમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે ત્યારે નાસા અને નોઆ દ્વારા જાહેર થયેલા તાપમાનના રિપોર્ટથી ફરી પાછી પૃથ્વીના વાતાવરણને લઈને વિજ્ઞાનીઓમાં ચર્ચા શરૂ થઈ છે.

કઈ રીતે નક્કી થાય છે ગરમ વર્ષ?
હવામાનનાં નક્કી કરાયેલાં ધારાધોરણો પ્રમાણે પૃથ્વીનું વાર્ષિક સરેરાશ તાપમાન જો ૧૪ ડિગ્રી સેલ્સિયસ હોય તો એ વર્ષ તાપમાનની દૃષ્ટિએ એકદમ યોગ્ય કહેવાય, પણ તાપમાનમાં ૧૪ ડિગ્રી સેલ્સિયસથી વધારો નોંધાય તો એ વર્ષ ગરમ વર્ષ ગણાય છે. એ પ્રમાણે જોવા જઈએ તો ૨૦૧૨ના વર્ષમાં સરેરાશ તાપમાન નાસાના કહેવા પ્રમાણે ૦.૫૬ સેલ્સિયસ જેટલું ઊંચું હતું જ્યારે નોઆના આંકડા મુજબ તાપમાન ૦.૫૮ સેલ્સિયસ વધારે હતું. એટલે કે વર્ષનું એવરેજ તાપમાન ૧૪.૪૭ ડિગ્રી રહ્યું હતું.

૨૧મી સદીમાં તાપમાનમાં થઈ રહેલો વધારો
ગ્લોબલ વોર્મિગ ૨૧મી સદીમાં સૌથી મોટી સમસ્યા છે એ વાતના પુરાવાઓ વૈશ્વિક તાપમાનમાંથી સતત મળતા રહે છે. ૨૧મી સદીનાં આ તમામ ૧૨ વર્ષ ૨૦મી સદીનાં વર્ષોના સરેરાશ તાપમાન કરતાં વધારે ગરમ રહ્યાં છે એવું નાસા અને નોઆ બંને સંસ્થાના ધ્યાનમાં આવ્યું છે. નાસા અને નોઆ બંનેના ટોપ ટેન ગરમ વર્ષની યાદીમાં ૨૦મી સદીનું એકમાત્ર ૧૯૯૮નું વર્ષ જ દેખાય છે એ સિવાયનાં બાકીનાં તમામ વર્ષો ૨૧મી સદીનાં છે. ૧૩૨ વર્ષના તાપમાનના આંકડાનો અંદાજ કાઢયા પછી નોઆના ડિરેક્ટર થોમસ કાર્લના જણાવવા પ્રમાણે જો ૧૪ ગરમ વર્ષની યાદી બનાવવામાં આવે તો ૨૧મી સદીનાં તમામ ૧૨ વર્ષોનો આ યાદીમાં સમાવેશ કરવો જ પડે તેમ છે. વળી, ૨૦મી સદીના છેલ્લા દશકામાં પણ સરેરાશ તાપમાનમાં બહુ વધારો નોંધાયો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. એ દાયકામાંથી માત્ર એક ૧૯૯૮ના વર્ષનો જ એમાં સમાવેશ થાય છે.

 બીજી મહત્ત્વની વાત એ છે કે ૧૯૭૬થી ૨૦૧૨ સુધીના છેલ્લાં ૩૬ વર્ષના ગાળામાં એવરેજ ટેમ્પરેચર ગત એક સદીની તુલનાએ ઊંચું રહ્યું છે. છેલ્લા ત્રણ દાયકામાં સરેરાશ ૦.૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધ્યું છે. ભારતની જ વાત કરીએ તો ભારતનું વાર્ષિક સરેરાશ તાપમાન અત્યારે છેલ્લા એક-બે દશકામાં ૨૫થી ૨૭ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયું છે. હવામાન ખાતાના એક રિપોર્ટ પ્રમાણે માત્ર અડધી સદી પહેલાં આ સરેરાશ તાપમાન ૨૨થી ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી માંડ પહોંચી શકતું હતું. જો આમ ને આમ વૈશ્વિક તાપમાનમાં વધારો થતો રહેશે તો ઠંડા પ્રદેશોમાં ઠીક પણ ભારત જેવા પ્રમાણમાં ગરમ પ્રદેશોમાં ઉનાળા દરમિયાન રહેવું મુશ્કેલ બનતું જશે.          

વિશ્વનાં ટોપ ટેન ગરમ વર્ષ
૧૮૮૦થી પૃથ્વીના એવરેજ તાપમાનનો ક્યાસ કાઢવાની શરૂઆત થઈ હતી. આ ૧૩૨ વર્ષમાં ક્યારેક તાપમાન નોર્મલ રહ્યું છે તો અમુક વર્ષો ઠંડાં રહ્યાં હતાં. તાપમાનનો પારો ઊંચો આવ્યો હોય એવાં દસ વર્ષોની યાદી અહીં રજૂ કરવામાં આવી છે.

Wednesday 23 January 2013
Posted by Harsh Meswania

વામનનાં ૩ ડગલાં જેવા ઇન્ટરનેટના ૩ દાયકા



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ઇન્ટરનેટે આયુષ્યની ત્રીસી પાર કરી છે. આજના યુગમાં ઇન્ટરનેટ વગરની દુનિયા સાવ બેરંગી લાગે તો એમાં કંઈ નવાઈ નથી પણ એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે વિશ્વમાં કેટલા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરતા હશે? કયા દેશના લોકોને ઇન્ટરનેટનું ઘેલું છે અને કયા દેશના લોકો હજુ પણ ઇન્ટરનેટમાં ડોકિયું કરવાને પ્રાધાન્ય નથી આપતા? તો વળી અમુક દેશોએ અમુક કારણસર હજુ પણ ઇન્ટરનેટ સાથે જોડાવવાનું ટાળ્યું છે! ઇન્ટરનેટનો બિઝનેસ પણ આજે અબજોએ પહોંચ્યો છે

ઈન્ટરનેટના આવિષ્કારને આ મહિનામાં ૩૦ વર્ષ પૂરાં થયાં. કોમ્યુનિકેશન ક્ષેત્રે છેલ્લી બે સદીથી જે કામ નહોતું થયું તે કામ છેલ્લી અડધી સદીમાં થયું છે અને એમાં ઈન્ટરનેટનો બહુ મોટો ફાળો રહ્યો છે. વિશ્વ આખું જાણે ઓનલાઇન હોય એવી સ્થિતિ છે. ઈન્ટરનેટનો જન્મ ૧૯૮૩માં થયો હતો. થોડાં વર્ષો સુધી તેની અસર સીમિત રહી હતી પણ wwwની શોધ થઈ પછી તો ઈન્ટરનેટની દુનિયા સતત વિસ્તરતી જ રહી છે. ઈન્ટરનેટની શોધને એક દશકા પછી ૧૯૯૩માં યુઝર્સની સંખ્યા હતી ૧ કરોડ. માત્ર બે જ વર્ષમાં આ સંખ્યા ત્રણ ગણી વધી ગઈ અને ૧૯૯૫માં કુલ ઈન્ટરનેટ યુઝર્સ થયા ૪ કરોડ. ઈન્ટરનેટના બે દશકા પછી આ સંખ્યા હતી ૭૦ કરોડ અને ગત વર્ષે આ આંકડો વધીને ૨૪૫ કરોડના આંકડાને પણ પાર કરી ગયો. જો ઈન્ટરનેટના વપરાશમાં આ રીતે વધારો નોંધાતો રહેશે તો ૨૦૨૦ સુધીમાં કદાચ આ સંખ્યા હશે ૫૦૦ કરોડ!

ભારતમાં ઇન્ટરનેટ
એકમેક સાથે જોડાઈ રહેવાના આશયથી શરૂ થયેલા ઈન્ટરનેટે આજે એક મસમોટા બિઝનેસનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હોસ્પિટાલિટી અને સેવા ક્ષેત્ર જેવાં સેક્ટર્સને અત્યારે ઈન્ટરનેટ હંફાવી રહ્યું છે. વિશ્વમાં ઈન્ટરનેટ અને તેને લગતી નોકરીઓનું પ્રમાણ વધી રહ્યું છે એટલે તેનો બિઝનેસ વિકસે તે સ્વાભાવિક છે. ૨૦૧૫ સુધીમાં ઈન્ટરનેટ વિશ્વમાં એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર કરતાં પણ આગળ વધી ગયું હશે! ભારતમાં ૨૦ સપ્ટેમ્બર, ૧૯૯૪ના દિવસે નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટરે પહેલી વખત ઈન્ટરનેટ જોડાણ મેળવ્યું હતું. આજે એકલા ભારતમાં જ ઈન્ટરનેટ પર આધારિત ૮૦ લાખ નોકરીઓ છે અને ૨૦૧૫ સુધીમાં બીજી ૨૫૦ લાખ નોકરીઓનું સર્જન થશે. આગામી ત્રણ વર્ષમાં ઈન્ટરનેટનો બિઝનેસ ભારતના કુલ જીડીપીના ૩.૩ ટકાએ પહોંચી જશે. આગામી ૨ વર્ષમાં ભારતના નેટ યુઝર્સની કુલ સંખ્યા ૪૦ કરોડ સુધી પહોંચી જશે. ભારત એકમાત્ર ચીન (૫૦ કરોડ કરતાં વધુ) કરતાં આ મામલે પાછળ રહેશે એટલે કે વિશ્વમાં નેટ વપરાશકર્તા તરીકે ભારત બીજા નંબરે આવી જશે.

ઈન્ટરનેટની વૈશ્વિક સ્થિતિ
૧૬ દેશોમાં એક યા બીજાં કારણસર ઈન્ટરનેટની સુવિધા નથી. અમુક ગરીબ દેશોને ઈન્ટરનેટ સાથે નહીં પણ બે ટંકનું ખાવાનું કેમ મળે તે જોવામાં રસ છે! જ્યારે થોડા એવા દેશો પણ છે જ્યાં ઈન્ટરનેટ પર વત્તા-ઓછા અંશે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેલોરૂસ, બર્મા, ચીન, ક્યૂબા, ઈજિપ્ત, ઈરાન, નોર્થ કોરિયા, સાઉદી અરેબિયા, સિરિયા, ટયુનિશિયા, તૂર્કમેનિસ્તાન, વિએતનામ જેવા દેશો પૈકી અમુકમાં ઈન્ટરનેટને સેન્સરશિપનો સામનો કરવો પડી રહ્યો છે તો અમુક દેશોને નેટની જરૂરિયાત જણાઈ નથી.

વધુ આંકડાની ઈન્દ્રજાળમાં ઊતરવું હોય તો ઈન્ટરનેટની દુનિયાની સ્થિતિ કંઈક આવી છે. ૨૫ કરોડ ઉપરાંતની વેબસાઇટ્સ છે અને એમાં પણ પ્રતિમાસ ૬ લાખ વેબસાઇટ્સનો ઉમેરો થતો રહે છે. એક મહિનામાં ૧૦૦ કરોડ માથાંઓ ઈન્ટરનેટમાં ડોકિયું કરે છે. વિશ્વમાં સૌથી વધુ નેટરસિયા નોર્થ અમેરિકન લોકો છે. ૧૦૦માંથી ૭૦ નોર્થ અમેરિકન દિવસમાં એક વાર તો ઈન્ટરનેટની સુવિધાનો લાભ લે જ છે. નેટનો સાવ ઓછો ક્રેઝ આફ્રિકન્સમાં છે. ૧૦૦માંથી માત્ર ૩ જ આફ્રિકન્સ ઈન્ટરનેટમાં સમય વીતાવે છે તો વળી નોર્થ કોરિયાનો કોમ્યુનિકેશન વિભાગ પોતાના દેશમાંથી કેટલા લોકો ઈન્ટરનેટ યુઝ કરે છે એ વાતને જાહેર કરવાનું જ ટાળે છે. વિશ્વના મોટા ભાગના ટિનેજર્સ ૫ કલાકમાંથી ૨ કલાકનો સમય ઈન્ટરનેટમાં પોર્નોગ્રાફી જોવામાં ગાળે છે. ઈન્ટરનેટના કુલ વપરાશકારોમાંથી ૫૩ ટકા યુઝર્સની વય ૨૧થી ૩૫ વર્ષની વચ્ચે છે. મજાની વાત એ છે કે ઈન્ટરનેટ પર પુરુષો કરતાં મહિલાઓ વધુ સમય ફાળવે છે. ફેસબુક, ટ્વિટર, યુ ટયૂબ જેવી મોસ્ટ પોપ્યુલર સાઇટ્સ કોણે બનાવી એની કે ઈવન નો આવિષ્કાર કોણે કર્યો એ ખબર ન હોય તો એની ચિંતા હવે નથી થતી, કારણ કે દરેક સવાલનો એક જ જવાબ છે, ડોન્ટ વરી ઈન્ટરનેટ છેને યાર શોધી લઈશું!
Wednesday 16 January 2013
Posted by Harsh Meswania

ભારતભરમાં માત્ર ૪૪૨ મહિલા પોલીસ સ્ટેશન!




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રેપ કેપિટલ તરીકે કુખ્યાત થઈ ગયેલા દિલ્હીમાં બનેલી ગેંગરેપની ઘટના ઉપરાંત દેશમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર-છેડતીના બનાવો પછી મહિલા પોલીસની સંખ્યામાં વધારો કરવાની માંગણી ઊઠી છે. એમાં પણ દિલ્હીમાં પ્રદર્શનકારી મહિલાઓ પર પોલીસ જવાનો દ્વારા યુવતીઓ પર કરાયેલા લાઠીચાર્જ અને દમનનાં દૃશ્યો જોવા મળ્યાં એટલે મહિલા સંગઠનોને એક મહત્ત્વનો તેમજ નોંધપાત્ર મુદ્દો મળી ગયો. આ બધી ઘટનાઓ પછી ચર્ચાતો સવાલ સામે આવ્યો કે શું યુવતીઓનાં પ્રદર્શનને કાબૂમાં લેવા માટે મહિલા પોલીસની સંખ્યા પર્યાપ્ત નથી?

આ પેચિદા સવાલનો જવાબ પણ કદાચ 'હા'માં જ આપવો પડે એવી સ્થિતિ છે, કારણ કે આ મુદ્દાએ ગરમાવો પકડયો એટલે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા મહિલા પોલીસમથકોની વિગતો આપવામાં આવી ત્યારે સામે આવ્યું કે ખરેખર મહિલા પોલીસથાણાંની સંખ્યા ખૂબ જ ઓછી છે. મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો માટે અલગથી પોલીસથાણાં હોય અને એનો બધો જ સ્ટાફ મહિલાઓનો હોય તો મહિલાઓ તેની આપવીતી સરળતાથી વર્ણવી શકે અને અપરાધીઓ સામે યોગ્ય પગલાં લઈ શકાય એવા આશયથી દેશમાં મહિલા પોલીસ સ્ટેશન્સની શરૂઆતકરવામાં આવી હતી, પણ રિપોર્ટ પ્રમાણે એની સ્થિતિ એટલી સારી નથી કે જેટલી હોવી જોઈએ.

દેશમાં આશરે ૧૫,૦૧૫ પોલીસ સ્ટેશન્સ છે અને એમાંથી મહિલા પોલીસથાણાંની સંખ્યા અત્યારે ૪૪૨ છે. દેશમાં આજે પણ ૧૩ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે જ્યાં મહિલા પોલીસ સ્ટેશન નથી. આશ્ચર્યની વાત તો એ છે કે દેશમાં જ્યાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે તેવા રેપ કેપિટલ દિલ્હીમાં એક પણ મહિલા પોલીસ સ્ટેશન નથી. વળી, દિલ્હીમાં કુલ પોલીસ જવાનોની સંખ્યા ૮૨,૦૦૦ છે અને એમાંથી મહિલા પોલીસની સંખ્યા છે માત્ર ૫,૨૦૦. નવાઈ પમાડે એવી વાત તો એ પણ છે કે મહિલા સંગઠનોના ધ્યાનમાં એ આવ્યું કે પોલીસ જવાનો મહિલા પ્રદર્શનકારીઓ પર અત્યાર ન કરી શકે, પણ એ વાત કેમ યાદ નહીં આવી હોય કે ભારતની રાજધાની દિલ્હીમાં મહિલા પોલીસથાણું કેમ નથી? જોકે, આ મામલે બહુ હોબાળો થયો એટલે ગૃહ મંત્રાલયે જાહેરાત કરી કે દિલ્હીના તમામ ૧૬૬ પોલીસમથકોમાં મહિલા પોલીસનો સ્ટાફ વધારાશે. એક પોલીસ સ્ટેશન દીઠ બે મહિલા સબ ઈન્સપેક્ટર અને ૭ મહિલા કોન્સ્ટબલ ફાળવવાની વાત હાલ પૂરતી તો કરવામાં આવી છે, પણ આ તો માત્ર દિલ્હી પૂરતી વ્યવસ્થા થઈ કહેવાય. ભારત આખામાં મહિલા પોલીસ સ્ટેશન્સ તો ઓછાં છે જ, પણ મહિલા પોલીસ સ્ટાફની પણ અછત છે. દેશમાં અત્યારે આશરે ૧૬ લાખ જેટલો પોલીસ સ્ટાફ છે અને એમાંથી મહિલા પોલીસનો હિસ્સો છે ૩.૪ ટકા. દેશમાં પહેલાંથી પોલીસ જવાનોની અછત પ્રવર્તતી હોય ત્યારે અલગથી મહિલા પોલીસની ભરતી થવાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય! ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ડિમાન્ડ પ્રમાણે દેશમાં ૨૧ લાખ જેટલો સ્ટાફ હોય એ સ્થિતિ યોગ્ય કહી શકાય? એની સામે હવે છેક આ આંકડો ૧૬ લાખ સુધી માંડ પહોંચી શક્યો છે અને આમાંથી પાછા વીઆઈપીના સ્પેશિયલ બંદોબસ્તમાં ગોઠવાતા સ્ટાફની બાદબાકી થાય તે અલગ. ૨૦૧૦ના આંકડા મુજબ દેશના ૧૬,૭૮૮ વીઆઈપી મહાનુભાવોના રક્ષણ માટે ૫૦,૦૫૯ પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવે છે. હજુ પણ આ લોકાના રક્ષણ માટે ૨૧ હજાર પોલીસ જવાનોની જરૂર છે. બધી ગણતરી માંડીને કહેવું હોય તો સ્થિતિ કંઈક એવી છે કે દેશમાં કુલ એક લાખ લોકોએ માંડ ૧૦૦ જેટલા પોલીસ જવાનોનો સ્ટાફ કામ કરે છે. એમાંય વળી વીઆઈપીની સુવિધામાં રહેતા સ્ટાફને અલગ કરીએ તો સંખ્યા હજુ પણ વધારે નીચી આવી જાય. ૧૬ હજાર વીઆઈપી સામે ૫૦ હજાર પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો હોય અને એક અબજ ઉપરાંતની વસ્તી સામે માત્ર ૧૬ લાખ પોલીસ જવાનો ફાળવવામાં આવ્યા છે! આવી વિરોધાભાસની સ્થિતિ હોય ત્યારે તો મહિલા પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસમથકો વધે એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય!

મુખ્ય રાજ્યોમાં મહિલા પોલીસથાણાંની સંખ્યા

Wednesday 9 January 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -