Archive for December 2014

ડિમાન્ડ, ડોમેન્સ અને ડીલ : ડોટની દુનિયાનો દિલકશ વ્યવસાય!


ડોમેન્સની ડિમાન્ડ પારખીને જેણે શરૃઆતી ડીલ કરી એ આ બિઝનેસમાંથી કરોડો કમાયા. હવે મનગમતા ડોમેન્સ મેળવવાનું અઘરું બન્યું છે એટલે આજે ય પસંદીદા ડોમેન્સનો સરખો દામ લગાવતા આવડે તો કરોડોમાં આળોટી શકાય છે. ઈન્ટરનેટના વ્યાપની સાથે સાથે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફો જેવા જાણીતા ટોપ લેવલ ડોમેનની (વેબ એડ્રેસના નામની પાછળ ઉમેરાતું પૂછડું!) જગ્યાએ નવા ટોપ લેવલ ડોમેન્સની જરૃરીયાત ઉભી થઈ છે, પરિણામે આવતા વર્ષના અંત સુધીમાં બીજા ૬૦૦ ટોપ લેવલ ડોમેન્સ લોંચ થઈ જશે
આજે આપણે આંગળીના ટેરવા કી-બોર્ડ ઉપર ટેકવીને જોઈતી માહિતી સર્ચ કરવા માટે વિભિન્ન વેબ એડ્રેસ ટાઇપ કરી નાખીએ છીએ ત્યારે ક્યારેક વિચાર ઝબકી નથી જતો કે વિશ્વનું સૌ પ્રથમ નોંધાયેલું વેબ એડ્રેસ કયુ હતું? ઈન્ટરનેટની વ્યાપક ગૂંથણી હજુ તેના પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે ૧૫ માર્ચ, ૧૯૮૫ના એક દિવસે વિશ્વનું સૌ પ્રથમ ડોમેન મફતમાં નોંધાઈ ગયું હતું. જે પછીથી ડોમેનની દુનિયામાં સિમ્બોલિક રહેવાનું હતું અને કદાચ એટલે જ તેનું નામ પણ હતું-સિમ્બોલિક ડોટ કોમ. સિમ્બોલિક ડોટ કોમથી શરૃ થયેલી સફર આજે ૧૫ કરોડ ડોમેન્સ સુધી પહોંચી છે અને હજુયે એ સતત આગળ વધે છે.
જોકે, શરૃઆતના એક દશકા સુધી ઈન્ટરનેટ ડોમેન્સ ઉપર સીધો કોઈનો અંકુશ નહોતો અને વળી એ આવતા વર્ષોનું સૌથી મહત્વનું પરિબળ બનશે એવી સમજ પણ વિકસી નહોતી એટલે ડોમેનની નોંધણી મફત થતી હતી. જેમ ઈમેઇલ આઈડી મફત ક્રિએટ કરી શકાય છે એમ જ સ્તો! એટલે ત્યારે જે ફાવી ગયા એ બધા રોકડી કરી શક્યા.
સતત એક દશકાથી આ આખી પ્રક્રિયા ઉપર નજર રાખતી ૧૯૭૯માં સ્થપાયેલી અમેરિકન કંપની નેટવર્ક સોલ્યુશન્સને એમાં રસ પડયો. કંપનીને ડોમેન્સમાં કરોડોનો બિઝનેસ દેખાતો હતો જ્યારે બાકીના લોકોને કંપનીના અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગયાનું જણાતું હતું. ડોમેનના નામમાં તો વળી શું બિઝનેસ કરવાનો? બિઝનેસ કરવો હોય તો હાર્ડવેર અને સોફ્ટવેરનો કરવો જોઈએ એવી સલાહ પણ ઘણાએ કંપનીને આપી. પરંતુ નેટવર્ક સોલ્યુશન્સે દીર્ધ દૃષ્ટિ વાપરીને ડોમેન પર નજર રાખવા નવી નવી બનેલી સંસ્થા ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) સામે ડોમેન વેંચવાનો પરવાનો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો. સંસ્થાએ કશું ગુમાવવાનું હતું નહીં અને વળી આ તો લક્ષ્મી સામેથી ચાલ્લો કરવા આવી હતી. પ્રસ્તાવને તરત મંજુરી મળી ગઈ. કંપનીએ શરૃઆતમાં એક રૃપિયાનો બિઝનેસ પણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું ન હતું. જેટલા બને એટલા નવા નવા નામના ડોમેન્સ નોંધીને કમ્પ્યુટરના પટારામાં પૂરી દીધા!
કંપનીએ બિઝનેસ કરી લીધો હતો અને નફો રળવાનો જ ખાલી બાકી હતો. બહુ જ ઓછા સમયમાં નફાની તક પણ મળી ગઈ. ૧૯૯૮ પછી જ્યારે વેબસાઇટ્સ માટે ડોમેનની જરૃરીયાત મોટા પાયે ઉદ્ભવી ત્યારે એ એક માત્ર કંપની હતી કે જેની પાસે આઈસીએએનએન દ્વારા ડોમેન ફાળવણી અને નોંધણીના હકો હતા. મોનોપોલીના એ સમયમાં કંપનીએ બરાબર નફો રળ્યો. નફો નામની નોંધણીમાં નહોતો, પણ અગાઉ નોંધી રાખેલા નામો બે વર્ષથી લઈને પાંચ વર્ષના પટ્ટે ભાડે આપવામાં હતો. મજબૂત પોલિસીના ગઠનનો હજુ અભાવ હતો ત્યારે નેટવર્ક સોલ્યુશન્સે બરાબર નેટવર્ક બિછાવી દીધુ હતું. આઈસીએએનએન દ્વારા ૧૯૯૯માં બીજી પાંચ કંપનીઓને માન્યતા આપીને નેટવર્ક સોલ્યુશન્સની મોનોપોલી તોડી નાખવામાં આવી અને એ સાથે ડોમેન્સનું માર્કેટ ઓપન થઈ ગયું, પણ પેલી કંપનીએ પટારામાં પૂરી રાખેલો ખજાનો એટલો બધો મોટો હતો કે આવનારા દોઢ દશકા સુધી એને હંફાવી શકાય એવી ક્ષમતા ખૂદ આઈસીએએનએન પાસે પણ નહોતી. શું કામ? કારણ કે, એ કંપની પાસે ૬૪ લાખ ડોમેન્સનો જથ્થો હતો. આજેય એ કંપની સૌથી વધુ ડોમેન્સ ધરાવતી વિશ્વની એક માત્ર કંપની છે.
ડોમેન્સ નામ અને તેની ડિમાન્ડના કારણે આ એક જ કંપની કરોડો કમાઈ છે એવું ય નથી. માઇક મેન જેવા ડોમેન કિંગથી લઈને મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન જોન શુલ્ટ્સ સુધી ઘણાએ નામ અને દામ બંને મેળવ્યા છે. ડોટથી જોડાતી આ દુનિયા ઘણી રીતે અલગ છે અને રોચક પણ છે. મોનોપોલી તૂટી હોવા છતાં ઘણી રીતે મોનોપોલી હજુય બરકરાર પણ છે. એક તરફ સાવ પાણીના ભાવે વેબ ડોમેન્સ નોંધાવી શકાય છે તો બીજી તરફ કરોડો રૃપિયા ચૂકવીને પણ અમુક ડોમેન્સ ખરીદી શકાય તેમ નથી. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ, લોકલહોસ્ટ ડોટ કોમ, ઈનવેલિડ ડોટ કોમ, એક્ઝામપલ ડોટ કોમ... યુઝર્સ ટેસ્ટ માટે એનો ઉપયોગ કરી શકે એટલે આઈસીએએનએન દ્વારા વિશેષ કાયદો બનાવીને તેને રિઝર્વ કરવામાં આવ્યા છે.
વળી, ત્રણ કેરેક્ટર ડોટ ડોમેન (જેમ કે xyz ડોટ કોમ પ્રકારના) ૧૯૯૭માં જ બધા રજિસ્ટર થઈ ચૂક્યાં હતાં. અત્યારે ૫૦,૦૦૦ ડોમેન ત્રણ કેરેક્ટર્સથી નોંધાયેલા છે, પરંતુ હવે જો આવું ડોમેન મેળવવું હોય તો જેને વેંચવું છે એની પાસેથી ખરીદીને જ મેળવી શકાય છે. એ જ રીતે A ડોટ કોમ એટલું બધુ લોકપ્રિય બન્યું હતું કે એની છેક ૬૩ A સુધીની સીરિઝ નોંધાઈ ગઈ છે. ૬૩થી વધુ કેરેક્ટર્સ યુઆરએલની મર્યાદાના શક્ય નથી, નહીંતર તો આ આંકડો ક્યાં જઈને અટક્યો હોત! આ બધા મોનોપોલીની કેટેગરીમાં આવે છે. આમાંથી કોઈ એક પણ ડોમેન જોઈતું હોય તો એ માટે વર્ષો સુધી હરાજીઓમાં નજર રાખવી પડે અને એ પછી પણ કરોડો રૃપિયા ચૂકવ્યા વગર તેના ઉપર માલિકી હક ભોગવી શકાય તેમ નથી.
વિભિન્ન દેશોના ટોપ લેવલ ડોમેન્સ (ભારતમાં જેમ ડોટ ઈન અથવા તો ડોટ કો ડોટ ઈન છે એમ દરેક દેશને પોતાના અલાયદા ડોમેન બે દાયકા પહેલા જ ફાળવાયા છે)ની બાબત પણ એટલી જ રસપ્રદ છે. સોવિયેટ યુનિયન ૧૯૯૧ પહેલાના નકશા સિવાય માત્ર વેબ ડોમેનમાં ઉપલબ્ધ છે. સોવિયેટ યુનિયનું ડોમેન (.su) રશિયાના વિઘટન પછી આજે ય એટલું જ લોકપ્રિય છે. એક લાખ વીસ હજાર વેબસાઇટ અત્યારે ડોટ એસયુ ડોમેનથી નોંધાયેલી થયેલી છે, વપરાશમાં છે અને આ આંકડો હજુ પણ સતત વધતો જાય છે. મજાની વાત એ છે કે અત્યારે આઈસીએએનએનના લિસ્ટમાં એસયુને કોઈ પણ દેશ માટે ફાળવવામાં આવ્યું નથી. છતાં વિભાજિત રશિયા આ એક બાબતથી જોડાયેલું રહ્યું છે.
ક્યા દેશનું એક્ટેન્સન ડોમેન સૌથી મોંઘું હશે એવા સવાલનો જવાબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ રશિયા, ચીન જાપાન કે ભારત નથી, પણ સાચો જવાબ છે નાઇજિરિયા. તેના એક્ટેન્સન .ng માટે ડોમેનના આ સ્પર્ધાત્મક યુગમાં પણ ૪૦ હજાર ડોલર એટલે કે આપણાં ૨૫ લાખ રૃપિયા ચૂકવવા પડે છે.
વિશ્વમાં ટોપ લેવલ ડોમેન્સમાં ડોટ કોમ અને ડોટ ઓઆરજી સૌથી વધુ લોકપ્રિય છે. જોકે જરૃરીયાત સતત વધતી જાય છે એમ એમાં નવા નવા પૂછડાં પણ ઉમેરાતા જાય છે. ડોટ ઈન્ફોથી લઈને ડોટ નેટ સુધી આ દુનિયા સતત વિસ્તરતી જાય છે. હવે તો ડોટ બાઇક, ડોટ ટિપ્સ, ડોટ ઓથર જેવા કેટલાંય છોગા ઉમેરીને નોંધણી શક્ય બની છે. જોકે, વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સ આગ્રહનો તો .com કે .org નો જ રાખે છે. ૨૦૧૩થી શરૃ થયેલો આ સિલસિલો ૨૦૧૫ સુધીમાં અટકશે ત્યારે ૬૧૭ ટોપ લેવલ ડોમેન્સ ઉમેરાઈ ચૂક્યા હશે. આઈસીએએનએનના નવા આયોજન પ્રમાણે અલગ અલગ ક્ષેત્રો માટે ડોમેનની નોંધણી સરળ બનશે. જેમ કે, કેળવણી સાથે સંકળાયેલા ડોટ કોમ કે ડોટ ઓઆરજીના બદલે ડોટ એકેડમી પણ મેળવી શકશે અને એના જે તે દેશના સ્થાનિક નામ તો ખરા જ. ભારતમાં ડોટ શિક્ષા નામ મેળવી શકાશે. વળી, એ જ ક્ષેણીમાં ડોટ ભારત પણ ઉપલબ્ધ બન્યું છે એના યે ઘણા માસ વીતી ચૂક્યા છે. મજાની વાત એ છે કે માત્ર ઈગ્લીશમાં જ નહીં, રાજભાષા હિન્દી અને ગુજરાત સહિતની છ પ્રાદેશિક ભાષામાં વેબસાઇટનું નામ નોંધાવવાનું શક્ય બન્યું છે. એ પણ જે તે ભાષાની લીપીમાં. જેમ કે, ટેસ્ટ ડોટ કોમ એવું ગુજરાતીમાં નોંધાવી શકાય છે.
ઈન્ટરનેટની માયાજાળ જેમ જેમ વધતી જાય છે એમ એમાં નવા નવા બિઝનેસને પાંખો મળી છે. એવો જ એક વિશાળ બિઝનેસ ડોમેન્સનો પણ છે. જે અપેક્ષા કરતા ઘણો મોટો છે. એટલે જ કહેવાય છે કે ડોટથી દુનિયાને જોડતા ડોમેન્સની દુનિયા ધારણા કરતા ઘણી દિલકશ છે! 

આઈસીએએનએન સામે ઉઠતો રહે છે વિરોધનો સૂર
ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ (આઈસીએએનએન) પાસે વેબસાઇટ ડોમેનના બધા જ હકો છે. જેમ કે, ડોમેન નોંધણી માટે કોઈ બે કંપની બાખડતી હોય તો એનો નિકાલ આઈસીએએનએન લાવી શકે છે. એવી જ રીતે તે જે દેશના ટોપ લેવલ ડોમેન (જેમ કે, ભારતનું ડોટ ઈન)ની ફાળવણી અને કોઈ કારણસર રદ કરવાની સત્તા પણ તેની પાસે છે. ડોમેન નોંધણી ધારક દેશ, સંસ્થા કે વ્યક્તિના ઓળખના કે સંપર્કના બધા જ પૂરાવાઓનો ડેટાબેઝ સાચવવાની જવાબદારી પણ તેની છે. તેને લગતા નિયમોમાં ફેરફાર કરવાની અને નવા ટોપ લેવલ ડોમેન લોંચ કરવાની ઉપરાંત કંપનીઓને પરવાનો આપવા સહિતની કેટલીય સત્તા આઈસીએએનએને પોતાની પાસે રાખી છે. જોકે, આ સત્તા સામે અવારનવાર બળવો થતો રહે છે. ડોમેનના હકો જાળવવાનો ઠેકો તેને કોણે આપી દીધો છે એ વિવાદ વર્ષોથી ચાલે છે. છેલ્લે જૂન ૨૦૧૪માં ફ્રાન્સે તેનો આક્રમક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ફ્રાન્સના કહેવા પ્રમાણે આઈસીએએનએનમાં વૈશ્વિક સંસ્થા જેવા એકેય લક્ષણો નથી જણાતા અને તેના સત્તાધીશો પોતાના મળતિયાઓના હિત જાળવે છે. એ માત્ર અમેરિકાની સંસ્થા હોય એ રીતે વર્તે છે. જોકે, ૨૦૧૦માં અમેરિકન સરકારે પણ તેની ટિકા કરી હતી. તો ૨૦૧૧માં વિશ્વની ગણનાપાત્ર સાત કંપનીઓએ આઈસીએએનએન સામે વિરોધનો સૂર બૂલંદ બનાવ્યો હતો.
Sunday 21 December 2014
Posted by Harsh Meswania
Tag :

જોન શુલ્ટ્સ : સળગતી સમસ્યાઓનો સોદાગર



એક એવો માણસ છે જેની પાસે બર્ડ ફ્લુ, એચ૧એન૧, ચિકનગુનિયા મળી શકે છે. વળી તેણે પોતાની પાસે ઈબોલા રહેલા ઈબોલાને વેચી નાખવાની તૈયારી પણ દાખવી છે. આ બધા રોગોથી દૂર રહેવાની ભલે
બધા પ્રાર્થના કરતા હોય, પણ આ માણસ તો નવા રોગની શોધમાં હોય છે. કેમ કે, એ રોગ વેંચીને
બિઝનેસ કરે છે

એ દરરોજ નવા નવા રોગોની શોધમાં રહે છે. વિશ્વના ગણનાપાત્ર અને મોંઘા સાયન્સ જર્નલ્સ આવે એની એ રાહ જૂએ છે. બહોળો વ્યાપ ધરાવતા અખબારોથી તેનું ઘર ઉભરાય જાય છે... અને અચૂક સમય કાઢીને એની લીટીએ લીટી તે વાંચી જાય છે. સાયન્સ જર્નલ્સ અને અખબારોનું આટલું વાંચન છતાં એ લેખક નથી, પત્રકાર નથી, સાયન્ટિસ્ટ પણ નથી અને રોગોની સારવાર માટે મથતો કોઈ તબીબ પણ નથી. એ અખબારો-સામયિકો અને વેબસાઇટ્સ ઉપર રોગના નામ શોધે છે. કોઈ નવા રોગના લક્ષણો સંશોધકોના ધ્યાનમાં આવે અને એનું નામકરણ થાય એની તે કાગડોળે રાહ જૂએ છે. રોગનું નામ મળી જાય એટલે એ તરત એના લક્ષણો ઉપરથી ભવિષ્યની શક્યતાઓ ચકાસવા માંડે. જો રોગ તરત સારો થઈ જાય એવા લક્ષણો જણાય તો એ થોડો નિરાશ થાય છે, પણ વિચિત્ર લક્ષણો હોય અને એનો તરત કોઈ ઉપાય જડે એમ ન હોય તો એ ઉત્સાહમાં આવીને તરત આગળનું કામ ચાલુ કરી દે છે. છેલ્લા ૧૦ વર્ષની મહેનતના કારણે હવે તે કરોડો રૃપિયા કમાયો છે અને મૂડી તરીકે હજુય તેની પાસે બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા અને ઈબોલા છે. ફૂકુશિમા ન્યુક્લિયર ડિઝાસ્ટર પણ તેની પાસેથી મળી શકે છે. જો સરખો ભાવ મળે તો આ તમામ રોગો વેંચી નાખવાની તેણે તૈયારી દાખવી છે. કેટલાક લોકોએ આ રોગો ખરીદવાની તૈયારી બતાવી છે, પરંતુ તેને આ રોગોની કિંમત બરાબર ખબર છે એટલે એમ સસ્તા ભાવે વેંચી નાખવાની એને કોઈ જ ઉતાવળ નથી. કેમ કે, એના માટે તો આ રોજિંદું છે. નવા નવા રોગ આવશે અને એને એની કિંમત મળતી રહેશે એ વાત એને બરાબર ખબર છે!
                                                                            * * *
રોગના નવા નામની શોધમાં રહેતા એ માણસનું નામ છે- જોન શુલ્ટ્સ. એણે રોગ વેંચીને બિઝનેસ કરવામાં મહારથ મેળવી લીધી છે. આ રોગોને તે કઈ રીતે વેંચે છે? કોઈ તેની પાસેથી રોગ શું કામ ખરીદે? રોગ વેંચીને કમાણી કેમ થાય? આ બધાનો જવાબ છે- વેબસાઇટ ડોમેન. જોન ડોમેનનો બિઝનેસ કરે છે. ખાસ તો રોગોના નામના ડોમેન સમય પારખીને રજિસ્ટર કરાવી નાખે છે અને પછી ઓનલાઇન હરાજીમાં તેની મોટી કિંમત લગાવે છે. અત્યારે ઈબોલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેણે ઈબોલા ડોટ કોમની કિંમત ૯૦ લાખ કરી છે. ૨૦૦૮માં તેણે ઈબોલાના નામે ડોમેન રજિસ્ટર કરાવી નાખ્યું હતું. એની ધારણા હતી કે ૨૦૧૦ સુધીમાં તેને બમણો ભાવ મળી જશે, પણ હવે પાંચ-છ વર્ષ પછી તેને ૧૦ ગણી કિંમત મળે એવી શક્યતા ઉજળી બની છે. એણે દાવો કર્યો છે એ પ્રમાણે ઈબોલાની વેબસાઇટ ઉપર અત્યારે દરરોજના પાંચ હજાર યુઝર્સ મુલાકાત લેતા થયા છે. જો હજુયે થોડો વખત ઈબોલાની આ સ્થિતિ રહી તો વેબસાઇટના વિઝિટર્સ વધશે અને ડોમેનના ભાવ પણ...
રોગના નામના ડોમેન રજિસ્ટર કરી રાખીને તે રોગમાં સપડાયેલા લાખો લોકોને પરેશાની ઉભી કરે છે. લોકો રોગ વિશે તરત જ ઓનલાઇન શોધવા મથતા હોય છે ત્યારે રોગના નામનું ડોટ કોમ કે ડોટ નેટ જેવું ડોમેન ઉપલબ્ધ ન હોવાના કારણે જે તે રોગની માહિતી તેમને મળતી નથી એટલે તેણે આ રોગોના ડોમેન બાબતે અક્કડ વલણ ન રાખવું જોઈએ એવી તેની ટીકા થાય છે. જેનો જવાબ આપતા જોનનું કહેવું છે કે જે તે રોગમાં લાખો-કરોડો લોકો સપડાય છે ત્યારે તબીબો શું તેની મફતમાં સારવાર કરે છે? દવા બનાવતી કંપનીઓ શું તેનો કરોડોનો બિઝનેસ જતો કરે છે? જો એ એમાંથી અબજો  રૃપિયાની કમાણી કરી શકે તો આજની જરૃરીયાત જેવા વેબસાઇટ ડોમેનમાંથી હું શું કામ કમાણી ન કરું? રહી વાત માહિતીની તો જોનના દાવા પ્રમાણે તે જરૃર પડયે પોતાની પાસે રહેલા ડોમેનમાંથી વેબસાઇટ ડિઝાઇન કરીને તેને લગતી વિગતો પણ એમાં સમાવે છે. તેને રોગમાં સપડાયેલા કમભાગી દર્દીઓ માટે ભારોભાર સહાનુભૂતિ હોવા છતાં તેનું માનવું છે કે આ તેનો બિઝનેસ છે અને એમાં તે બાંધછોડ નહીં કરી શકે.
અત્યારે પહેલી નજરે લાગે કે ઈબોલા ડોટ કોમના ભાવ વધુ ઉપજશે, પણ જોનના માનવા પ્રમાણે બર્ડ ફ્લુ તેના માટે સૌથી વધુ કમાણી રળનાર ડોમેન સાબિત થશે. તેનો રોગોનો અભ્યાસ કોઈ સંશોધક જેવો છે અને એના આધારે તે કહે છે કે 'ઈબોલા ધારીએ એવડી મહામારી સાબિત નહીં થાય. થોડાંક વર્ષોમાં તેની દવા શોધાઈ જશે'.
'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો જોન શરૃઆતમાં માત્ર નાના મોટા ડોમેન રજિસ્ટર કરીને ઓનલાઇન હરાજીમાં મૂકતો હતો, પણ હરાજીમાં રોગોના નામના ડોમેનની ડિમાન્ડ ખૂબ હતી. ખરીદનારા સામે વેંચનારા ખૂબ ઓછા હતા ત્યારથી તેણે રોગોના નામે સમયસર ડોમેન રજિસ્ટર કરાવીને કમાણી કરવાનો બિઝનેસ શરૃ કર્યો હતો. માત્ર રોગો જ નહીં, પરંતુ કોઈ દેશમાં આવી પડેલી કુદરતી હોનારતોના ડોમેન પણ તે અણસાર આવતા જ મેળવી લે છે. ઈબોલા, બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ જેવા રોગોને વેંચવા કાઢનારો આ માણસ અગાઉ ટેરર ડોટ કોમ અને આઈએસઆઈએસ ડોટ કોમ પણ વેંચી ચૂક્યો છે. વોટ યુ સે, એને સળગતી સમસ્યાઓ વેંચનારો સોદાગર ન કહી શકાય?
                                                                              * * *
જોન ભલે 'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો હોય, પણ ડોમેનની બાબતમાં તેનાથી ચાર ચાસણી ચડે એવો માણસ છે. જે ડોમેન કિંગ તરીકે વિશ્વવિખ્યાત છે. નામ એનું માઇક મેન. એની પાસે અઢળક ડોમેન રજિસ્ટર થયેલા પડયાં છે. એપ્રિલ ૨૦૧૨માં તેણે એક જ દિવસમાં ૧૪,૯૬૨ ડોમેન રજિસ્ટર કરાવીને રેકોર્ડ બનાવ્યો ત્યારે તે સમાચાર માધ્યમોમાં ચમક્યો હતો. તે દરરોજના હજારેક ડોમેન રજિસ્ટર કરાવે છે અને એમાંથી ૩૦૦-૪૦૦ વેંચી પણ નાખે છે. તેની કંપની સોશ્યલ કેપિટલ એન્ટરપ્રાઇઝનો મહિનાનો બિઝનેસ ૨ કરોડને આંબી જાય છે. માત્ર ડોમેનની લે-વેંચના ટર્નઓવરનો આ આંકડો જ દર્શાવી દે છે કે તેનું કામ કેટલું મોટું હશે. નવા નવા નામના ડોમેન રજિસ્ટર કરાવવાની પોતાની શરૃઆત અંગે એક વખત તેણે કહ્યું હતું 'મારી પાસે વિભિન્ન નામના ડોમેન હોય તો મને એમ લાગે છે કે મારી પાસે આખું વિશ્વ છે, બસ આ વિચાર માત્રથી મને આ ડોમેનનો બિઝનેસ કરવામાં મજા પડે છે. આજે વિશ્વના કેટલાય મહત્ત્વના ડોમેન મારી માલિકીના છે અને એના કારણે હું કરોડો કમાઈ શકુ છું'.
માઇકે થોડા સમય પહેલા હેપ્પી બર્થ ડે ડોટ કોમ નામનું ડોમેન ૧૨ કરોડમાં વેંચવા મૂક્યું હતું. ડોમેન માર્કેટ ડોટ કોમ, ફોન ડોટ કોમ, વેબડેવલપ ડોટ કોમ, એસઈઓ ડોટ કોમ, ચેન્ડ ધ વર્લ્ડ ડોટ કોમ, ટેસ્ટી ડોટ કોમ.... જેવા કેટલાય ડોમેન તેણે વેંચવા કાઢ્યા છે. એમાંના ઘણા ખરાં તેના નામના કારણે (જેમ કે ફોન ડોટ કોમ) માઇકને કરોડો કમાવી આપશે. માઇકને ખબર કેમ પડે છે કે ક્યા નામનું ડોમેન ખરીદવું જોઈએ? જવાબ છે સતત ઉજાગરા! માઇક ૨૪ કલાકમાં માત્ર ૩-૪ કલાકોની ઉંઘ કરે છે. બાકીનો સમય એ ઓનલાઇન પસાર કરે છે. અખબારો કે ઓનલાઇન સર્ચ થઈ રહેલા શબ્દો પર તેની ચાંપતી નજર હોય છે. વિશ્વના વિભિન્ન શબ્દકોષોમાં ક્યા નવા શબ્દો સમાવાઈ રહ્યાં છે એ પણ તેના ધ્યાન બહાર રહેતું નથી હોતું. જેવું કશુંક નવું લાગે કે તરત જ ડોમેન રજિસ્ટર થઈ જાય છે. જો એ ડોમેન પહેલેથી જ કોઈકના નામે હોય તો માઇક એનો સંપર્ક શોધીને ખરીદી લે છે. જેમ કે, ૨૦૧૦માં તેણે એક હરાજીમાં સેક્સ ડોટ કોમ ડોમેન લગભગ ૬૮ કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ખરીદ્યું હતું. ત્યાર પછી મહિનાઓમાં એ જ ડોમેન તેણે ૮૦ કરોડમાં વેંચી પણ નાખ્યું હતું. આ બધી જ મહેનત પછી તેની પાસે ૪ લાખ ડોમેન નેઇમ્સ ભેગા થયા છે. મોટા ભાગના કંઈક ને કંઈક ખાસિયત ધરાવે છે. સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રોમાં એ બધા ડોમેન પોતાનું વિશેષ મૂલ્ય ધરાવે છે અને એટલે જ માઇક ડોમેન કિંગ કહેવાય છે. પોતે ડોમેન કિંગ છે છતાં એ પોતાની જાત માટે કહે છે કે હું તો માત્ર ડોમેન સટ્ટોડિયો છું, બજાર પારખતા નહીં આવડે ત્યારે કોઈ મારો ભાવ પણ નહીં પૂછે એ વાત હું બરાબર જાણું છું!
                                                                            * * *
મનગમતા ડોમેન મેળવવા એ હવે ખૂબ અઘરું બન્યું છે. એના પરિણામે જ હવે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફોની જગ્યાએ વેબસાઇટના નામમાં નવા પૂંછડાં ઉમેરાતા જાય છે. ડોમેન્ડની ડિમાન્ડ પારખીને જેને બિઝનેસ કરતા આવડયો છે એના માટે તો આ કરોડોનો બિઝનેસ છે. ડોમેનની દુનિયા અંગે થોડું વધુ આવતા સપ્તાહે...

Sunday 14 December 2014
Posted by Harsh Meswania
Tag :

ભારતની નોબેલભૂમિ પશ્વિમ બંગાળ


બે દિવસ પછી નોબેલ પ્રાઇઝ એવોર્ડ સેરેમની યોજાશે અને એમાં ભારતીય કૈલાશ સત્યાર્થીને શાંતિનો નોબેલ એનાયત થશે. ભારતમાં જન્મેલા અને ભારતને કર્મભૂમિ બનાવી હોય એવા બધા મળીને આંગળીને વેઢે ગણાય જાય એટલા લોકો નોબેલ પ્રાઇઝ મેળવી શક્યા છે અને એમાંયે અડધો અડધો પશ્વિમ બંગાળ સાથે એક યા બીજા કારણોથી જોડાયેલા છે.

નોબેલ પ્રાઇઝની વાત નીકળે એટલે સ્વાભાવિક રીતે જ રવીન્દ્રનાથ ઠાકુરથી વાત માંડવી પડે. ગીતાંજલિ માટે ૧૯૧૩માં રવીન્દ્રનાથનું જ્યારે નોબેલ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું ત્યારે તે સાહિત્યનું આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય તો હતા જ, પરંતુ યુરોપિયન ન હોય અને સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન મેળવ્યું હોય એવા પણ તેઓ જગતના પહેલા સાહિત્યકાર હતા. સાહિત્યથી લઈને સંગીત અને ફિલોસોફીમાં તેમનું પ્રદાન શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે એટલું વિશાળ છે. ભારતના એ સમયના ઘણા બધા સાહિત્યકારો-લેખકો ઉપર રવીન્દ્રનાથનો ઊંડો પ્રભાવ પડયો હતો. શાંતિનિકેતન જેવી અનોખી વિશ્વભારતી યુનિવર્સિટી સ્થાપના માટેય તેમને વિશ્વભરમાં ખૂબ યાદ કરવામાં આવે છે. જન્મથી અને કર્મથી પશ્વિમ બંગાળ સાથે જીવનભર અતૂટ નાતો જોડી રાખનારા રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રદાન માત્ર આ ગીતાંજલિ પૂરતું સીમિત નથી એ પણ એટલી જ સાચી વાત છે. તેમણે એ સમયે ભારતની એક આખી પેઢીના ઘડતર કરવામાં શાંતિનિકેતનને માધ્યમ બનાવ્યું હતું. પણ રવીન્દ્રનાથ ઠાકુરને નોબેલથી સન્માનિત કરાયા એ અગાઉ ૧૨ વર્ષ પહેલા પ્રથમ નોબેલ એવોર્ડ સેરેમનીમાં ભારતમાં જન્મેલા અને ભારતને જ કર્મભૂમિ બનાવનારા એક તબીબને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
કેમ્બેલ રોસ નામના એક અધિકારીને તેમના કામની કદર બદલ બ્રિટને ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ ઈન્ડિયન આર્મીના જનરલ પદે નિયુક્ત કરીને ભારત મોકલ્યા હતા. આ કેમ્બેલ રોસના પુત્ર એટલે મેડિસિન માટે પ્રથમ નોબેલ મેળવનારા સંશોધક રોનાલ્ડ રોસ. રોનાલ્ડનો જન્મ ભારતના અલમોરામાં થયો હતો. લંડનમાં અભ્યાસ કર્યા બાદ રોનાલ્ડ ૧૮૮૧માં ભારતીય સિવિલ સર્વિસમાં જોડાઈ ગયા. લંડનની મેડિકલ કોલેજમાંથી સર્જરીનું ભણનારા રોનાલ્ડે આર્મી મેડિકલ હોસ્પિટલમાં કામ શરૃ કર્યું. કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં તેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. કોલકાત્તાને જ તેમણે કર્મભૂમિ બનાવી હતી. માદા મચ્છર કરડવાથી મલેરિયા થાય છે એવું સંશોધન તેમણે કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં જ કર્યું હતું. રોનાલ્ડના એ સંશોધનમાં તેમને અન્ય એક બંગાળી તબીબ ડો. કિશોર મોહન બંદોપાધ્યાયનો સાથ પણ મળ્યો હતો. મૂળ બ્રિટિશર પણ ભારતમાં જન્મેલા અને પશ્વિમ બંગાળને કર્મભૂમિ બનાવીને બંગાળમાં જ મલેરિયા અંગે મહત્ત્વની શોધ કરનારા રોનાલ્ડને બ્રિટનની નોબેલ યાદીમાં સમાવાયા છે, પણ તેમની શોધ માટે ભારત મહત્ત્વનું રહ્યું હતું અને જન્મથી તેઓ ભારતીય હતા એટલે તેમને ભારતની નોબેલ યાદીમાં પણ શુમાર કરવામાં આવે છે. ભારતમાં જન્મેલી વ્યક્તિએ નોબેલ મેળવ્યો હોય એવા રોનાલ્ડ પ્રથમ હતા.
ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વની એવી રામન ઈફેક્ટના શોધક સી. વી. રામનનો જન્મ એ સમયના મદ્રાસમાં થયો હતો. તેમણે અભ્યાસ પૂર્ણ કરીને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે યુનિવર્સિટી ઓફ કલકત્તામાં કારકિર્દીની શરૃઆત કરી હતી. કલકત્તા યુનિવર્સિટી વતી તેઓ એક પરિષદમાં ભાગ લેવા વિદેશ જતા હતા ત્યારે તેમણે સમૃદ્રના ભૂરા રંગનું અવલોકન કરીને તેનું રહસ્ય જાણવાનો વિચાર આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેમણે એ તરફ સંશોધન આગળ ચલાવ્યું હતું. સંશોધનમાં જાતે બનાવેલા અને સ્વદેશી સાધનોનો જ ઉપયોગ કરીને તેમણે રામન ઈફેક્ટ તરીકે ઓળખાયેલો સિદ્ધાંત આપ્યો હતો. તેમના આ સિદ્ધાંત માટે તેમને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત કરાયા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે કલકત્તામાં પસાર થયેલો સમય મારા જીવનનો ગોલ્ડન પિરિયડ છે. વિજ્ઞાાનમાં સર્વોચ્ચ સન્માન મેળવનારા સી. વી. રામન પ્રથમ ભારતીય હતા.
જન્મે વિદેશી પણ કર્મથી સવાયા ભારતીય ગણવા પડે એવા મધર ટેરેસાને પશ્વિમ બંગાળમાં થઈ રહેલા તેમના કામ બદલ ૧૯૭૯માં શાંતિ માટેનો નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તેમનું જીવન પશ્વિમ બંગાળના ગરીબ બાળકોની સેવામાં વ્યતીત કર્યું હતું. ૧૩ સભ્યોની મદદથી તેમણે કોલકાત્તામાં જે કામનો પાયો નાખ્યો હતો એનો ફેલાવો આજે ૧૩૩ દેશોમાં થયો છે. ૪૫,૦૦ સિસ્ટર્સ મધર ટેરેસાના મિશનને આગળ વધારે છે, પણ તેના પાયામાં કોલકાત્તા હતું અને એટલે જ મધર ટેરેસાએ કોલકાત્તામાં ૧૯૪૮માં સ્થાપેલા ચેરિટી મિશનને છેક સુધી હેડક્વાર્ટર જેવો દરજ્જો આપ્યો હતો. શાંતિનો નોબેલ મેળવનારા પ્રથમ ભારતીય (ગાંધીજી ૧૯૩૭, ૩૮, ૩૯, ૪૭ અને ૪૮માં નોમિનેટ થયા હતા. તેમને નોબેલ ન આપીને નોબેલ કમિટીએ ઈતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે એવું ખૂદ નોબેલ કમિટીના સેક્રેટરીએ સ્વીકાર્યું હતું એ ઈતિહાસ જાણીતો છે) નાગરિક મધર ટેરેસા હતાં.
શાંતિનિકેતન અને પશ્વિમ બંગાળ સાથે અતૂટ નાતો ધરાવનારા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને તેમની વેલ્ફેર ઈકોનોમીની થિયરી માટે ૧૯૯૮માં અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત થયો હતો. અત્યારે તેઓ ૮૧ વર્ષના છે અને હાર્વર્ડ યુનિવર્સિટી ઉપરાંત કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તેમની વિધવિધ આર્થિક થિયરીઓ અને વિચારોને વિશ્વભરના ઘણા દેશોએ સ્વીકારી છે.
આ સિવાય મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાઈ થયેલા હરગોવિંદ ખુરાનાને ૧૯૬૮માં શરીરવિજ્ઞાાન માટે નોબેલ એનાયત થયો હતો. એવા જ બીજા એક મૂળ ભારતીય અને અમેરિકામાં વસી ગયેલા સુબ્રમન્યમ ચંદ્રશેખરને ૧૯૮૩માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ મળ્યો હતો. ભારતમાં જન્મેલા પણ બ્રિટન સ્થાઈ થયેલા વેંકટરામન રામાક્રિષ્નનને ૨૦૦૯મા રસાયણશાસ્ત્રનો નોબેલ મેડલ આપીને તેમના કામનું સન્માન થયું હતું.
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વર્ષોથી ભારતના રાજ્યાશ્રયના કારણે રહેતા દલાઈ લામાને ૧૯૮૯માં નોબેલ કમિટીએ શાંતિનો નોબેલ આપ્યો હતો. ગાંધીજીના અહિંસક માર્ગે તિબેટ માટે ચીન સામે ધીરજપૂર્ણ અહિંસક લડત ચલાવી રહેલા ૧૪મા દલાઈ લામાને શાંતિનો નોબેલ આપીને નોબેલ કમિટીએ જાણે ગાંધીજીને સન્માન ન આપી શકાયાનું પ્રાયશ્વિત પણ કર્યું હતું.
વિદેશને કર્મભૂમિ બનાવનારા પણ ભારતમાં જન્મેલા હરગોવિંદ ખુરાના, સુબ્રમન્યમ ચંદ્રશેખર, વેંકટરામન રામાક્રિષ્નન વગેરેનો જન્મ ભારતમાં ભલે થયો હોય. થોડો અભ્યાસ પણ ભારતમાં જ થયો હોવા છતાં નોબેલની યાદીમાં તેઓ અમેરિકા-બ્રિટન જેવા દેશોના લિસ્ટામાં સમાવેશ પામે છે. તો પછી વિદેશના હોય છતાં ભારતને પ્રથમ નોબેલ અપાવનારા રોસને પણ આપણે ભારતીય ગણીને આપણી યાદીમાં સમાવી શકીએ છીએ. કેમ કે, તેમનો જન્મ-ઉછેર અને કાર્ય ભારત સાથે જોડાયેલા છે. એ જ રીતે વિદેશી ભૂમિ ઉપર જન્મેલા મધર ટેરેસા પણ સવાયા ભારતીય છે એટલે બધા મળીને ભારતના નામે કુલ ૧૦ નોબેલ પ્રાઇઝ બોલે છે. કૈલાશ સત્યાર્થી ૧૧મા ભારતીય છે. આંગળીના વેઢા પણ વધી પડે એટલા ભારતીયોમાંથી વળી પાંચને પશ્વિમ બંગાળ સાથે સીધો સંબંધ છે. એક સમયે પશ્વિમ બંગાળ બૌદ્ધિકોની ભૂમિ કંઈ એમ જ થોડી કહેવાતી હશે!

પાંચ-પાંચ નોબેલ મેળવનારો એક માત્ર પરિવાર
ક્યૂરી પરિવારના નામે પાંચ-પાંચ નોબેલ મેળવવાનો વિક્રમ બોલે છે. રેડિયમના શોધક તરીકે જગવિખ્યાત બનેલાં મેડમ મેરી ક્યૂરી અને તેમના પતિ પિયરી ક્યૂરીને ૧૯૦૩માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ત્યાર પછી એક અકસ્માતમાં પિયરીનું નિધન થયું હતું. જોકે, મેરીએ તેની સંશોધન યાત્રા શરૃ રાખી હતી. ૧૯૧૧માં મેરીને રસાયણશાસ્ત્ર માટે ફરીથી નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. એ સાથે જ બે અલગ અલગ વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા તેઓ પ્રથમ મહિલા બની ગયાં હતાં. 
મેરી ક્યૂરી
ઈરીન જૂલિયેટ ક્યૂરીએ માતાના રસ્તે ચાલીને રસાયણશાસ્ત્રમાં સંશોધન પ્રક્રિયા ચાલું રાખી હતી. જેના પરિણામે ૧૯૩૫માં તેના પતિ ફ્રેડરિક ક્યૂરી સાથે તેને પણ રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. મેરીની બીજી પુત્રી ઈવાએ માતા-પિતાને પગલે ચાલીને સાયન્ટિસ્ટ બનવાને બદલે જર્નલિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું અને એટલે તે ક્યૂરી પરિવારની એક માત્ર સભ્ય હતી જેના નામે નોબેલ નોંધાયો ન હતો, પરંતુ તેના પતિ હેનરી રિચાર્ડસન લેબોઇસીએ ૧૯૬૫માં યુનિસેફના ડિરેક્ટર તરીકે જ્યારે શાંતિ માટેનો નોબેલ સ્વીકાર્યો ત્યારે અનોખો વિક્રમ સર્જાઈ ગયો હતો. એ સાથે જ ક્યૂરી પરિવારના પાંચ સભ્યોએ મળીને ચાર-ચાર નોબેલ મેડલ્સ પર કબજો મેળવીને નોબેલ પારિતોષિકના ઈતિહાસમાં કાયમ માટે અનેરી સિદ્ધિ હાંસિલ કરી લીધી હતી. આ વિક્રમ આજેય અતૂટ છે અને કદાચ વર્ષો સુધી અતૂટ રહે એવી શક્યતા નકારી શકાય નહીં!
Sunday 7 December 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -