Archive for November 2019

જલેબી : બધા વ્યંજનો સાથે 'ગઠબંધન' કરી શકતી વાનગી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

આમ જુઓ તો જલેબી અદ્લ રાજકારણીઓ જેવી છે. એનું ગઠબંધન ગમે તેની સાથે શક્ય છે. ફાફડા, સમોસા, પૌંઆ, રબડી એમ બધા જોડે જલેબી જોડી જમાવી જાણે છે!


જલેબી રાજકારણીઓ જેવી છે. અલગ અલગ સ્થળે જુદાં જુદાં સાથીઓ સાથે ગઠબંધન કરી જાણે છે. જ્યાં જેની લોકપ્રિયતા હોય ત્યાં એની સાથે હળી-ભળી જાય છે! ગુજરાતમાં ફાફડા-ગાંઠિયાની વગ પારખીને અતૂટ દોસ્તી કરી લીધી. મધ્યપ્રદેશમાં કચોરી-પૌંઆની પોપ્યુલારિટી જોઈને એની સાથે મિત્રાચારી કરી લીધી. બિહારમાં દૂધના ગ્લાસ સાથે જોડી જમાવી. ઉત્તર પ્રદેશમાં સમાસા અને રબડી સાથે મિત્રતા કરી લીધી ને નોર્થઈસ્ટમાં કઢી-ભાત સાથે ગઠબંધનની જરૂર જણાઈ તો એ ય સુપેરે પાર પાડ્યું.

આ વાનગી એવી ગળચટ્ટી કે એક વખત પ્રભાવમાં આવ્યાં એટલે પત્યું! રાજકારણીઓનાં વાયદાઓ જેવો જ એનો ય સ્વભાવ. દરેક વખતે વાયદો પૂરો ન થાય પછી ચૂંટણી પહેલાં નિર્ધાર કરો કે હવે આ વખતે તો એવા કોઈ વાયદામાં આવવું જ નથી. ને તો ય નવા વાયદામાં આવ્યા વિના ન રહેવાય. એમ ભરપેટ જલેબી ખાધા પછી તો એમ જ થાય કે હવે એક કટકો પણ વધારે ખાવો નથી, પણ ફરી વખત જુઓ કે તરત જ પેટમાં જગ્યા કરવી પડે!

જલેબી રાજકારણીઓ જેવી ગૂંચવણવાળી પણ ખરી જ ને! જેમ આટલાં ગરબડ ગોટાળા છતાં રાજકારણીઓ દરેક વખતે મત મેળવી શકે છે એમ દેખાવમાં આટ-આટલી ગૂંચ હોવા છતાં જલેબી સ્વાદરસિયાઓનો પ્રેમ મેળવવામાં ક્યારેય પાછળ રહેતી નથી. સદીઓથી સ્વાદપ્રિય જનતાની જીભે વળગી છે.

જલેબી રાજકારણીઓ જેવી છે - એમ કહીએ તો એમાં જલેબીને દુ:ખ લાગી શકે! આ કમ્પેરીઝનથી રાજકારણીઓએ દુ:ખ લગાડવા જેવું નથી, ઉલ્ટુ હરખાવા જેવું ખરું. જલેબી જેવી ગળચટ્ટી વાનગી સાથે તુલના થાય એનાથી વિશેષ તો રાજકારણીઓએ અપેક્ષા ન જ રાખવી જોઈએ.

આવી આ જલેબી હમણાં અચાનક રાજકારણીઓની હડફેટે ચડી ગઈ. ગૌતમ ગંભીરે જલેબીની આંગળી પકડીને તેને દિલ્હીના પ્રદૂષણનો પરિચય કરાવ્યો એ વાત અને પછી ટ્રોલર્સ અને ગંભીર વચ્ચે થોડાં દિવસ સામ-સામું ટ્વિટર યુદ્ધ થયું એ વાત હવે બીજા ટ્વિટર ટ્રેન્ડ્સમાં પાછળ ધકેલાઈ ચૂકી છે.
વાત એવી હતી કે ગૌતમ ગંભીરે દિલ્હીના પ્રદૂષણ નિવારણની મીટિંગમાં જવાને બદલે ઈન્દૌર જઈને જલેબી ખાધી. ગૌતમ ગંભીર સામે વાંધો કાઢનારા લોકોનો મુદ્દો ખાલી એટલો જ હતો કે જો જલેબી જ ખાવી હતી તો દિલ્હીમાં ક્યાં નહોતી મળતી? એના માટે ઈન્દૌર સુધી ધક્કો ખાવાની શી જરૂર હતી? આવી સરકારી મીટિંગોમાં તો ૫૨-૫૬ જાતના પકવાનો ય જમાડાતા હોય છે ત્યારે જો ગંભીરે જરાક સરખીય હિન્ટ આપી હોત તો જલેબીની ય વ્યવસ્થા થઈ જ જાત. અરે, સાંસદો માટે તો સરકાર ઈન્દૌરથી ય જલેબી મંગાવી આપત. ગંભીરે દિલ્હીના પ્રદૂષણની ચર્ચા કરવા હાજરી આપી હોત તો જલેબીની જલેબી ય ખવાઈ જાત અને કામનું કામ પણ થઈ જાત!

એનીવે, એ બધી વાતો વચ્ચે થોડીક વાતો તો જલેબીની ય થઈ શકે એમ છે. વાતો કરવા જેવો લાંબો ઈતિહાસ જલેબીએ એના ગુંચળાઓમાં સાચવી રાખ્યો છે!
                                                                           ***
જલેબી એશિયન મૂળની મીઠાઈ છે એ વાત નક્કી છે, પણ એના ઉદ્ગમ સ્થાન વિશે કોઈ ચોક્કસ રેકોર્ડ મળતો નથી. મોટાભાગના ફૂડ એક્સપર્ટ્સ માને છે કે નામ પરથી તેનો ઉદ્ભવ ઈરાનમાં થયો હશે. જલેબી શબ્દ પર્સિયન હોવાનું અમેરિકન ઈતિહાસ એર્નેસ્ટ હમ્વીએ નોંધ્યું છે. અરેબિકમાં ઝુલાબિયા અને ફારસીમાં ઝોલબિયાના નામથી જલેબીના ઘણાં ઉલ્લેખો મળે છે.

જલેબીનો જૂનામાં જૂનો રેફરન્સ ૧૦મી સદી સુધીનો મળે છે. ઈબ્ન સૈયર અલ વારેક નામના રસોઈકળા નિષ્ણાતે ૧૦મી સદીમાં લખેલી અરેબિક વાનગી બુકમાં ઝુલુબિયા મીઠાઈનો ઉલ્લેખ કર્યો છે. સૌથી વધારે સ્વીકૃત અને આજની જલેબીની વ્યાખ્યામાં ફિટ બેસે એવો ઉલ્લેખ મુહમ્મદ બિન હસન અલ-બગદાદી નામના અરેબિક કમ્પાઈલરે કર્યો હતો. 'વાનગીઓનું પુસ્તક' એવાં એરિબક નામના એ પુસ્તકમાં ૨૬૦ રેસિપીનો સમાવેશ થયો હતો, જેમાં જલેબીની બે-ત્રણ પ્રકારની બનાવટ વિશે વિગતવાર લખાયું હતું.

વિદેશી આક્રમણખોરો અને વેપારીઓએ જલેબીનો પરિચય ભારતને કરાવ્યો એ સમયગાળો હતો લગભગ ૧૫મી સદીનો. ભારતમાં એનું નામ પડ્યું કુંડલિકા. એક નામકરણ જલવલ્લિકા પણ નોંધાયું. ૧૪૫૦ના પ્રિયમકર્ણપકથા નામના જૈન ગ્રંથમાં જલેબીનો ઉલ્લેખ ઈતિહાસકારોએ શોધી કાઢ્યો છે. ૧૬મી સદીના સંસ્કૃતના ગ્રંથોમાં પણ જલેબીની રેસિપી આપવામાં આવી છે. તેનો અર્થ એ કે ૧૬મી સદી આવતાં આવતાં જલેબી ભારતીયોના દાઢે વળગી ચૂકી હતી.

એ પછી બધી વાનગીઓનું જે રીતે મૌલિક ઉમેરણોથી ભારતીયકરણ થયું એવું જલેબીનું ય થયું. ભારતમાં જલેબીની બનાવટમાં થોડાક તફાવતો આવ્યાં. આપણે આપણાં સ્વાદ પ્રમાણે ફેરફારો કરીને જલેબીને વધારે ગળચટ્ટી, વધારે કરકરી બનાવી. એકાદ-દોઢ સદીમાં એવો સમય આવી ગયો કે મૂળ રેસિપીને બદલે આપણી જલેબી જ દુનિયામાં વધારે વિખ્યાત થઈ ગઈ. અંગ્રેજોએ ભારતીય છાંટની જલેબીને વિદેશમાં પહોંચાડી. પછી તો ભારતીયો ય દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યા અને એમણે પણ જલેબીને લોકપ્રિય બનાવી.

ભારતના અપાર વૈવિધ્યમાં જલેબી એકાકાર થઈ ગઈ. ગઠબંધન કરવાની તેની આવડત તો સદીઓ જૂની હતી જ, એમાં ભારતની વાનગીઓ અને સ્વાદપ્રેમી ભારતીયોની જીભે તેને બહુ મદદ કરી. આમ તો ભારતના રોજિંદા ખોરાકમાં જલેબીને સ્થાન મળ્યું છે, પણ દશેરા, રક્ષાબંધન, દિવાળીમાં અલગ અલગ પ્રદેશમાં તેની હાજરી અનિવાર્ય થઈ પડી છે. ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં રમઝાન દરમિયાન ભૂખ્યાને જલેબી ખવડાવવાની પરંપરા બની ગઈ છે.

નેપાળ, શ્રીલંકા, ભૂતાનમાં તો તેની હાજરી અવશ્ય જોવા મળે, પણ ઝલેબિયા નામથી આપણી જલેબી અલ્જિરિયા, ટયુનિશિયા, લિબિયા, મોરોક્કો સુધી પહોંચી ગઈ છે. તેના સ્વરૂપમાં થોડાં-ઘણાં ફેરફાર કરીને ય જલેબી જેવી જ વાનગીઓ ભારતીય ઉપખંડમાં અને તેની બહાર અસ્તિત્વમાં આવી છે.
                                                                              ***
વેલ, જલેબીની આપણે રાજકારણીઓ સાથે કમ્પેરીઝન કરી એ એના બાહ્ય દેખાવ અને ગુણધર્મ પૂરતી, બાકી જીભને મધુરો ટેસ્ટ કરાવતી આ વાનગી આંટીઘૂંટી છતાં મીઠાશ આપી શકાય છે, નરમ રહી શકાય છે, બધા સાથે હળી-ભળી શકાય છે - એવી પ્રેરણા રાજકારણીઓને ય આપી જાય છે. દેશની સૌથી મધુર પાંચ વાનગીનું લિસ્ટ બને તો જલેબી ટોપ-૩માં આવે. એમ તો એનો કલર હજુ રાજકારણીઓની ઝપટે ચડ્યો નથી, નહીંતર એને ય કોમવાદી રંગ લાગી શકે ખરો. ભારતના ટ્રોલર્સનું ભલું પૂછવું! શું કહો છો?
                                                                              ***

હેલ્થની રીતે એક દિવસમાં કેટલી જલેબી ખાઈ શકાય?

જલેબી ખાવાના શોખીનો તો ડિશ ભરીને ય જલેબી ઝાપટી શકે છે. જલેબી ખાવાની ક્ષમતા ભૂખ અને પસંદ ઉપર આધારિત છે. જલેબી કેટલી ખાઈ શકાય એના કરતા મહત્વનું એ છે કે કેટલી ખાવી જોઈએ? કેટલી જલેબી ખાવી જોઈએ એનો જવાબ મેળવવા માટે કેટલું ગળપણ શરીરને એક દિવસમાં આપવું જોઈએ એ જાણવું જરૂરી છે. શરીરવિજ્ઞાન કહે છે કે દિવસમાં ૫થી ૮ ટી સ્પૂન જેટલી ખાંડ-સાકર ખોરાકમાં લઈ શકાય.

કુલ ગળપણ ૭૬ ગ્રામ લઈ શકાય, જે બીજા બધા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે એટલે ખાંડનું પ્રમાણ ૮ ટીસ્પૂનથી વધારે ન હોવું જોઈએ. તે હિસાબે ભારતમાં મળતી જલેબીના આકાર-ગળપણનો અંદાજ લગાવીને સંશોધકો સરેરાશ એક-દોઢ જલેબી ખાવાની સલાહ આપે છે. સપ્તાહમાં એકાદ વખત નાસ્તામાં જલેબી ખાતા લોકો વધારે આરોગી જાય તો બહુ વાંધો આવતા નથી, પણ દરરોજ એકથી વધુ જલેબી આરોગી જતાં લોકોને સંશોધકો કંટ્રોલ કરવાની સલાહ આપે છે.
                                                                           ***

જલેબી કા જલવા: ૩૭ કિલોની એક જલેબીને ગિનેસ બુકમાં સ્થાન

જલેબી એશિયા ઉપરાંત દુનિયાના ઘણાં દેશોમાં ખવાતી વાનગી છે, પણ ભારતમાં તેનો દમામ અલગ છે. જલેબીએ ભારતીયોના હૃદયમાં, અથવા એમ કહો કે ભારતીયોના જઠરમાં આગવું સ્થાન મેળવ્યું છે. રેકોર્ડ્સ પણ ભારતના નામે જ બોલે છે. ૨૦૦૮માં મેઘાલયમાં સૌથી મોટી જલેબીનો વિક્રમ નોંધાયો હતો. મેઘાલય ટૂરિઝમ ડેવલપમેન્ટના ફેસ્ટિવલમાં છ ફૂટ વ્યાસ ધરાવતી જલેબી બનાવાઈ હતી, જેને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું હતું. એ રેકોર્ડ ૨૦૧૫માં તૂટ્યો હતો.
મુંબઈની સંસ્કૃતિ રેસ્ટોરન્ટના ૧૨ રસોઈયાની ટીમે સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરની હાજરીમાં ૨જી મે, ૨૦૧૫ના દિવસે ૩૭ કિલોની એક જલેબી બનાવીને ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું હતું. આ જલેબીને તૈયાર થતાં ત્રણ કલાક ૪૮ મિનિટ લાગ્યાં હતા. નવ મીટરનો વ્યાસ ધરાવતી આ જલેબી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જલેબી બનાવવાનું નક્કી કર્યું અને જલેબી બની ગઈ એવું નહોતું, જલેબી મેકર્સે ૧૦૦ દિવસ સુધી તેની પ્રેક્ટિસ કરી હતી અને છેલ્લાં દિવસોમાં તો એની પાછળ ૨૦-૨૦ કલાકની મહેનત કરી હતી. ભારતમાં વારે-તહેવારે જલેબી ખાવાની સ્પર્ધાઓ પણ યોજાતી રહે છે.
Sunday 24 November 2019
Posted by Harsh Meswania
Tag :

હાઉસ પ્લાન્ટ : પર્યાવરણને બચાવવાના નામે વિકસી રહેલો બિઝનેસ

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દેશના મોટા શહેરોમાં હવા પ્રદૂષણના ભય વચ્ચે ઈન્ડોર પ્લાન્ટ્સની ભલામણ થઈ રહી છે. શું હાઉસ પ્લાન્ટ્સથી આપણી આસપાસની હવા તાજી થઈ શકે? વિજ્ઞાન શું કહે છે?


 
પાટનગર દિલ્હી સહિત ભારતના તમામ મોટા શહેરો પ્રદૂષણના દલ-દલમાં ફસાઈ ચૂક્યા છે. મોટા શહેરોની હવામાં ઝેર ભળી ચૂક્યું છે અને ઘણાં પ્રયાસો છતાં એ ઝેર ઓછું થતું નથી. પ્રદૂષણ, ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણ બચાવવાની વાત આવે ત્યારે માણસને સૌથી પહેલો વિચાર વૃક્ષારોપણનો જ આવે છે.

દુનિયાભરમાં વૃક્ષારોપણ થાય છે, પરંતુ મુશ્કેલી એ છે કે ૨૧મી સદીના માણસ પાસે વૃક્ષારોપણનો જેટલો સમય છે એટલો વૃક્ષ ઉછેરવાનો સમય નથી. વર્ષમાં સતત થતાં વૃક્ષારોપણનો આંકડો જોઈને તો સહેજેય થાય કે એકાદ-બે દશકામાં પૃથ્વીનો ગોળો હરિયાળો થઈ જશે, પણ એવું થતું નથી. વૃક્ષારોપણ નિબંધો, ચિંતનશિબિરો અને ફોટોસેશનમાંથી આગળ વધી શકતું નથી એ હકીકત છે. આંખ ઠરે એવાં અપવાદો જરૂર છે, પણ એની સંખ્યા એટલી મોટી ય નથી.

પ્રદૂષણ રોકવા માટે માણસને એકમાત્ર હાથવગો ઉપાય વૃક્ષારોપણનો દેખાય છે, પણ વિશ્વનો દરેક માણસ ઈચ્છે તો ય એનો અમલ કરી શકે તેમ નથી. વૃક્ષારોપણ માટે જમીન ક્યાં? જ્યાં જમીન છે ત્યાં વૃક્ષો ઉછેરી શકાય એટલું પાણી નથી. શહેરીજનોની તો મુશ્કેલી જ એ છે કે વૃક્ષારોપણ કરવું હોય તો પણ કરે ક્યાં? એ માટે જગ્યા કોણ આપે?

જગ્યા નથી એટલે વૃક્ષારોપણ કે વૃક્ષોના ઉછેરની ઈચ્છા ત્યાં જ શમાવી દેવી પડે છે. એનો ય શાણા માણસોએ ઉપાય શોધી કાઢ્યો! એ ઉપાયનું નામ છે - ઈન્ડોર પ્લાન્ટ.

જગ્યા નથી? વાંધો નહીં. ઘરમાં જેટલી જગ્યા છે એટલામાં, નાનકડાં રોપાને ઉછેરો અને પર્યાવરણ બચાવવામાં સહભાગી બનો! વિજ્ઞાાનિકોના પ્રારંભિક સંશોધનોમાં જણાયું કે હાઉસ પ્લાન્ટ્સ પણ પ્રદૂષિત હવાને સ્વચ્છ કરવા સક્ષમ છે ત્યારથી હાઉસ પ્લાન્ટ્સનો બિઝનેસ ઝડપભેર વિકસી રહ્યો છે.
                                                                      ***
નાસાના વિજ્ઞાનિકોએ ૧૯૮૯માં ઈન્ડોર પ્લાન્ટને લગતું સંશોધન હાથ ધર્યું હતું. સંશોધન પછી ૧૪ પાનાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. સંશોધનમાં પહેલી નજરે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સથી પ્રદૂષિત હવા સ્વચ્છ થાય છે. તારણ સાચું ય હતું.

બે ફૂટની એક કેબિનમાં વિજ્ઞાનિકોએ ઈન્ડોર પ્લાન્ટ મૂકીને ૨૪ કલાક દરમિયાન એ કેબિનની હવામાં થતાં ફેરફાર નોંધ્યા હતા. એ નાનકડી કેબિનમાં ટ્રાઈક્લોરોથિલીન, ફાર્મલ્ડિહાઈડ જેવા કેમિકલ્સ ભેળવવામાં આવ્યાં હતાં. ૨૪ કલાક પછી એ પ્રદૂષિત હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો હતો.

એ સંશોધનમાં ત્રણેક પ્રકારના પ્રદૂષણ અંગે સંશોધન થયું હતું અને તારણ આપવામાં આવ્યું હતું કે ઈન્ડોર પ્લાન્ટથી ઓરડાનું વાતાવરણ સ્વચ્છ થાય છે. ટેકનિકલી સંશોધન એકદમ સાચું જ હતું, પરંતુ એ માત્ર બે-ત્રણ ફૂટ નાનકડી કેબિનમાં બે-ત્રણ પ્રકારના પ્રદૂષિત વાયુ ઉપર જ થયું હતું. મોટાપાયે તેની સફળતા માપવામાં આવી ન હતી.

પણ એ સંશોધનને ભારે વાહવાહી મળી. એના જેવા બીજા સંશોધનો થયા. સ્વાભાવિક રીતે જ વૃક્ષોમાં હવા શુદ્ધિકરણનો જે ગુણ હોય એ તેની અસર બતાવ્યા વગર ન રહે એટલે ઓરડાની પ્રદૂષિત હવા થોડી-ઘણી સ્વચ્છ થયા વગર ન રહે. પણ આ નિયમ બધે જ અપ્લાય થઈ શકે તેમ ન હતો. ઘરનું વાતાવરણ પેલી પ્રયોગમાં લીધેલી કેબિન કરતા અલગ હોય છે. ઘરમાં રસોડાંના ગેસથી લઈને બીજા લિક્વિડ વપરાતા હોય એ સિવાય પણ બહારની હવા સતત અંદર પ્રવેશતી રહે છે. ૨૪ કલાકમાં એક વખત પ્રદૂષિત હવા ઉમેરીને થયેલો પ્રયોગ સામાન્ય ઘરોમાં એટલો અસરકારક નીવડી શકે નહીં.
 
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ ૨૦૦૬માં ઈન્ડોર પ્લાન્ટ અને એર પ્રદૂષણનું સંશોધન કર્યું હતું. એ પ્રયોગ મોટાપાયે થયો હતો. એમાં ઓફિસથી લઈને મોટા હોલમાં પણ પ્રયોગો થયા હતા. બદલાતી હવામાં ફિલ્ટર પ્લાન્ટ કેવાં અસરકારક રહે છે તેનું નિરીક્ષણ કર્યા પછી જણાયું કે જેટલી ધારણાં હતી એટલું પરિણામ મળતું નથી.

એકને બદલે ચાર કે છ પ્લાન્ટ ઉછેર્યા પછી ય હવા ધાર્યા પ્રમાણે શુદ્ધ થતી ન હતી. નેશનલ જ્યોગ્રાફિકે ઈન્ડોર પ્લાન્ટ અને પ્રદૂષિત હવા ઉપર એક અહેવાલ તૈયાર કરાવ્યો હતો. એમાં ય સ્પષ્ટતા કરવામાં આવી કે એક-બે પ્લાન્ટ્સથી ઘરની હવા શુદ્ધ થતી નથી. થોડોક ફેરફાર થાય છે, પણ દિલ્હી જેવાં પ્રદૂષિત શહેરમાં આવા પ્લાન્ટ્સ બેઅસર ઠરે છે.

પરંતુ ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સની અસરકારકતા અંગે કોઈ ચોક્કસ તારણ આવે તે પહેલાં તો એનો બિઝનેસ પૂરબહારમાં ધમધમવા લાગ્યો હતો.
                                                                     ***
૨૦૦૬-૦૭માં ભારતમાં ૧.૪૪ લાખ હેક્ટર જમીન ઈન્ડોર પ્લાન્ટ્સના બિઝનેસ માટે ખપમાં લેવાતી હતી. એટલે કે ઈન્ડોર પ્લાન્ટ્સ વેંચતા ખેડૂતો કે નર્સરીમાં આટલી જમીનમાં પ્લાન્ટ તૈયાર કરવાની કામગીરી થતી હતી. ૨૦૧૮માં એ જમીન વધીને ૨.૫ લાખ હેક્ટર થઈ હતી. એક દશકામાં ઈન્ડોર પ્લાન્ટ્સ તૈયાર કરતી જમીનમાં એક લાખ હેક્ટરનો વધારો થયો હતો.

દેશમાં આ બિઝનેસ કેટલાં કરોડનો છે, તેનો ચોક્કસ આંકડો મળવો મુશ્કેલ છે, પણ અમેરિકામાં ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટના બિઝનેસનો ડેટા તૈયાર થાય છે, એ પ્રમાણે અમેરિકનો હાઉસ પ્લાન્ટ્સ પાછળ વર્ષે ૧.૭ અબજ ડોલરની રકમ ખર્ચે છે. બ્રિટનમાં પણ આ બિઝનેસ એક અબજ પાઉન્ડનો હોવાનો અંદાજ છે.

યુરોપિયન દેશોમાં હાઉસ પ્લાન્ટનો બિઝનેસ અઢી અબજ કરતાં ય વધારે હોવાનો દાવો થાય છે. એશિયન દેશોમાં તેનું ચલણ છેલ્લાં દોઢ-બે દશકાથી જ વધ્યું છે. એક અંદાજ એવો છે કે એશિયામાં આ બિઝનેસ ૨૦૨૪ સુધીમાં ત્રણ ગણો વધી જશે.
 
પ્રદૂષણ વધ્યું છે તેમ પ્રદૂષણ અટકાવવાની જાગૃતિ પણ વધી છે. લોકો તેના ઉપાયો પાછળ ખર્ચ કરતા થયા છે. લોકો જાતે આવડે એવા વિકલ્પો અજમાવતા થયા છે. હાઉસ પ્લાન્ટ્સની ખાસિયત એ છે કે તેમાં ઓછી મહેનતે, ઓછાં ખર્ચે, ઓછી જગ્યામાં પર્યાવરણ બચાવવાના પગલાં ભર્યાનું આશ્વાસન લઈ શકાય છે એટલે હાઉસ પ્લાન્ટ્સનો બિઝનેસ આગામી વર્ષોમાં અનેક ગણો વધશે એ નક્કી છે.

ઘરનું આંતરિક બંધારણ, સભ્યો, વપરાશ, વિસ્તાર વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને વિદેશમાં સલાહકારોની સલાહ મેળવવાનો ય ટ્રેન્ડ શરૂ થયો છે. થોડીક ફી લઈને ઓનલાઈન જ ઘરનો ફોટો અને વિગત જોઈને ઘરમાં ક્યા પ્લાન્ટ્સ ઉપયોગી રહેશે તેની સલાહ આપવાનો ટ્રેન્ડ ભારતમાં ય વહેલોમોડો શરૂ થશે એ પણ પાક્કું છે.
                                                                             ***
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ બે-એક વર્ષ પહેલાં હાઉસ પ્લાન્ટ્સને લગતો એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં જણાયું હતું કે જે શહેરીજનોના ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ્સ હતા, એવાં લોકો ઈન્ડોર પ્લાન્ટ્સ વગર રહેતા લોકોની તુલનાએ વધારે તાજગી અનુભવતા હતા. ઈન્ડોર પ્લાન્ટ્સ ધરાવતા ૪૭ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ઘરમાં પ્રવેશતી વખતે હવામાં મીઠી સુગંધ અનુભવાતી હતી. ઈન્ડોર પ્લાન્ટસ નહોતા એ પહેલાં આઠ-નવ કલાક પછી ફરીથી ઘરમાં પ્રવેશતી વખતે એવો અનુભવ થતો ન હતો.

વેલ, આ ઈન્ડોર પ્લાન્ટ્સ આપણી ધારણા પ્રમાણે શુદ્ધ હવા કરી શકવા સમક્ષ નથી એમ વિજ્ઞાન કહે છે, પરંતુ એનો અર્થ એવો ય નથી કે તે સાવ બેઅસર છે. વૃક્ષારોપણના વિકલ્પ તરીકે ઈન્ડોર પ્લાન્ટ્સ કામ કરી શકે તેમ નથી, પરંતુ તેની સારી અસર ઘરમાં થાય છે તે નકારી શકાય નહીં.

માનવજાતે બેજવાબદારીથી વર્તીને બધા જ પ્રકારનું પ્રદૂષણ વધાર્યું છે અને પછી પર્યાવરણ બચાવવાની જવાબદારી આવે ત્યારે જે સરળ ઉપાય છે તેના ઉપર આપણે પસંદગી ઉતારીએ છીએ. વૃક્ષ વાવવાં માટે જગ્યા નથી, જગ્યા હોય તો એ ઉછેરવા સુધીની ધીરજ નથી. વૃક્ષારોપણની મહેનતને બદલે આપણે નાજુક ઈન્ડોર પ્લાન્ટ્સ ઉપર પ્રદૂષણ શુદ્ધ કરવાનો બધો જ ભાર મૂકી દઈએ છીએ.

ઈન્ડોર પ્લાન્ટ્સની ક્ષમતાના પ્રમાણમાં તેની પાસેથી રખાતી અપેક્ષા ઘણી ઊંચી છે એટલે સરવાળે એ બેઅસર ઠરે છે, પરંતુ આટલી ઊંચી અપેક્ષા રાખ્યા વગર બે-ત્રણ પ્લાન્ટ્સ ઘરમાં ઉછેરી શકીએ તો એ આપણે કેળવેલી સારી આદત તો ચોક્કસ ગણાશે.
                                                                     ***

લોકોની પસંદ બનેલાં ઈન્ડોર પ્લાન્ટ્સ

ગૂગલ ટ્રેન્ડનો પાંચ વર્ષનો ડેટા કહે છે એમ ઈન્ડોર પ્લાન્ટ્સની જાણકારી મેળવવાનો, સર્ચ કરવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. સરેરાશ એક મહિનામાં ઈન્ડોર પ્લાન્ટ સર્ચ કરનારાનું પ્રમાણ છેલ્લાં પાંચ વર્ષમાં એક હજાર યુઝર્સે પાંચમાંથી ૭૬ થયું છે. એનો અર્થ એ કે પાંચ વર્ષ પહેલાં ગૂગલમાં એક હજાર યુઝર્સમાંથી મહિનામાં માત્ર પાંચ લોકો ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ એવું સર્ચ કરતા હતા, તેના બદલે હવે એ સંખ્યા એક હજાર યુઝર્સે ૭૬ની થઈ ગઈ છે. ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સનો ટ્રેન્ડ કેટલો વધી ગયો છે તે આ સર્ચ ટ્રેન્ડ પરથી કલ્પી શકાય છે.
દુનિયામાં જે ઈન્ડોર પ્લાન્ટ્સની સૌથી વધુ ડિમાન્ડ રહે છે એમાં ઈંગ્લિશ આઈવી, રેડ પામ, ચાઈનીઝ એવરગ્રીન તરીકે ઓળખાતી એગ્લાઓનીમા નામની વનસ્પતિ, ડ્રેગન ટ્રી, લોરેન્ટી, પીસ લીલી, સ્પાઈડર પ્લાન્ટ વગેરે મુખ્ય છે. આ બધા પ્લાન્ટ્સથી હવા થોડી-ઘણી શુદ્ધ થતી હોવાની સાબિતી અલગ અલગ નાના-મોટા સંશોધનોમાં થઈ ચૂકી છે.
 
ભારતમાં વિવિધ પ્રકારના ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સનું ઓનલાઈન-ઓફલાઈન ધૂમ વેંચાણ થાય છે. દિલ્હી જેવાં શહેરોમાં ઈન્ડોર ફિલ્ટર પ્લાન્ટ્સનું વેંચાણ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં દોઢ ગણું થઈ ચૂક્યું છે. ભારતમાં ઓનલાઈન તો હાઉસ પ્લાન્ટ્સ અસંખ્ય વેરાયટીમાં માત્ર ૧૦૦-૨૦૦ રૂપિયાથી શરૂ કરીને ભાવ ૨૦-૨૫ હજાર સુધી પહોંચે છે! હાઉસ પ્લાન્ટ્સનો ટ્રેન્ડ ન હતો ત્યારે ય આપણે ત્યાં હાઉસ પ્લાન્ટ્સ તરીકે તુલસીના છોડને ઉછેરવાનું ચલણ હતું. તુલસીના ગુણો વિશે ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. એક તુલસીનો રોપ ઉછેરીએ તો ય ઘર-બાલ્કનીની શોભા અને તાજગી બંને વધે છે.
Sunday 17 November 2019
Posted by Harsh Meswania
Tag :

નવી ટ્રાફિક ટેકનોલોજી દુનિયાના રસ્તાઓને સલામત બનાવશે



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દુનિયાભરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા નિવારવા માટે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે, જે અકસ્માતો ઘટાડીને રસ્તાઓને વધારે સલામત બનાવશે.


'લોકશાહી પ્રક્રિયા અને ટ્રાફિક જામની સ્થિતિમાં ઘણું સામ્ય છે, દરેક વખતે લોકોને લાગે કે હવે વાંધો નહીં આવે અને ત્યાં ફરીથી એ જ સમસ્યા શરૂ થઈ જાય છે!'

સાઉથ આફ્રિકન લેખિકા લોરેન બ્યુક્સનું આ સ્માર્ટ ક્વોટ દુનિયાભરના ટ્રાફિક નિયમનને એક સરખી રીતે લાગું પડે છે. એક ટ્રાફિક જામમાં ફસાયા પછી માંડ એવી ધરપત બેસે કે હવે વાંધો નહીં આવે, ત્યાં વધુ એક ટ્રાફિક જામમાં ફસાઈ જઈએ છીએ. લોકશાહીમાં એક પક્ષથી કંટાળીને બીજા પક્ષને ખોબલે ખોબલે મત આપ્યાં પછી ય દુનિયાભરના નાગરિકોને લગભગ આવી જ ફીલિંગ આવે છે. બીજો પક્ષ પણ ફરીથી એની એ સમસ્યામાં સપડાવે છે.

ટ્રાફિકની સમસ્યા દુનિયાભરમાં સૌથી મોટો મુદ્દો બનતો જાય છે અને તેના ઉપાયો શોધવા માટે વર્ષે અબજો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સચોટ ઈલાજ મળતો નથી. વિજ્ઞાન-ટેકનોલોજીએ આપણી લાઈફસ્ટાઈલ સદંતર ચેન્જ કરી નાખી છે. એ જ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે એવી આશા દર વર્ષે ઉજળી બનતી જાય છે. થોડાંક વર્ષોથી થયેલાં સંશોધનોએ ફરીથી નવી આશા જન્માવી છે.
                                                                             ***

સ્માર્ટ સિગ્નલ : સમય બચાવતી સિસ્ટમ

અત્યારે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં રેડ-ગ્રીન સિગ્નલમાં ઓટોટાઈમર સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક તરફનું સિગ્નલ ૨૦થી ૩૦ સેકન્ટ માટે ઓપન થાય છે, પરંતુ હવે ઘણાં નાના શહેરોમાં સ્માર્ટ સિગ્નલના પ્રયોગો શરૂ થયા છે. એમાં એરિયા પ્રમાણે ટ્રાફિકનો ડેટા એકઠો કરીને થોડીક સેકન્ડમાં સિગ્નલનો સમયગાળો બદલવામાં આવે છે.
જે તરફથી વધારે વાહનો આવવા માંડે એ તરફના સિગ્નલનો સમયગાળો વધી જાય અને જે તરફથી ઓછા વાહનો આવતા હોય એ તરફના સિગ્નલનો સમયગાળો ઘટી જાય. એના કારણે આગળના રસ્તાઓમાં ટ્રાફિક વધતો નથી. એના માટે કેમેરાની એક આખી ચેનલ ગોઠવીને તેના ડેટાનું ઓટોએનાલિસિસ થતું રહે છે.

મોડી રાત્રે મોટાં શહેરોમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે એક તરફનું સિગ્નલ ચાલુ હોય તો ય વાહનો નથી હોતા અને એ જ વખતે બીજી તરફનું સિગ્નલ બંધ હોય એટલે કારણ વગર વાહનચાલકોને રોકાઈ રહેવું પડે છે. ઓટો સિસ્ટમ સેટ થયેલી હોવાથી તેમાં તુરંત ફેરફાર થતો નથી, પણ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના આધારે જો ડેટા એનાલિસિસ થાય તો વધારે ટ્રાફિક ધરાવતા ટ્રાફિક પોઈન્ટ ઉપર આપમેળે વાહનચાલકોને ગ્રીન સિગ્નલ મળી રહે છે. તેના કારણે સમયનો પણ બચાવ થાય છે અને ટ્રાફિક પણ નિયમત થાય છે.

વળી, ટ્રાફિક પોઈન્ટ ઉપર એવી ગ્રીન-રેડ નિશાની પણ દેખાશે કે જેના આધારે ઓછા ટ્રાફિકવાળો રૂટ પસંદ કરી શકાય. કઈ તરફ જવાય અને કઈ તરફ ન જવાય એ નિર્દેશ ટ્રાફિક પોઈન્ટ પરથી જ મળી રહેશે. તેનાથી કદાચ નિયત અંતરે પહોંચતા સરવાળે અડધો કિલોમીટર કે કિલોમીટરનો ફરક પડતો હશે, પરંતુ સરવાળે સમય પણ ઘણો બચી જશે.
                                                                              ***

રોડ-વે લાઈન: રોડ માર્કિંગની સ્માર્ટ ટેકનોલોજી

નેધરલેન્ડમાં ચાલતા સ્માર્ટહાઈવે નામના એક પ્રોજેક્ટમાં સંશોધકોએ સ્માર્ટ રોડલાઈન વિકસાવી છે. જ્યાં ડીવાઈડર નથી હોતું ત્યાં સફેદ-પીળાં ચળકતા પટ્ટા પાડીને માર્ગના બે ભાગ પાડવામાં આવે છે. બંને બાજુ જ્યાં રોડ પૂરો થતો હોય છે ત્યાં પણ એવા પટ્ટાથી રસ્તાની મર્યાદા પૂરી થતી હોવાનું સૂચન કરવામાં આવે છે. રોડ માર્કિંગની આ સિસ્ટમમાં સંશોધકોએ થોડીક સ્માર્ટનેસ ઉમેરી છે.
એવી સ્માર્ટ રોડ-વે લાઈન બનાવવામાં સંશોધકોને સફળતા મળી છે કે જે અત્યારની તુલનાએ બહુ ઝડપથી નજરે ચડશે અને વાહનનું પૈડું જેવું વચ્ચેની કે સાઈડની લાઈન ક્રોસ કરશે કે તુરંત સિગ્નલ આપશે. કારની સ્ક્રીનમાં સીટબેલ્ટનો એલાર્મ આવે છે એ જ રીતે લાઈન ક્રોસનો એલાર્મ બતાવશે. સંશોધકોને આશા છે કે લાઈન ક્રોસ કરીને રસ્તાની નીચે ઉતરી જવાના બનાવો આ સ્માર્ટ માર્કિંગથી અટકી જશે.
                                                                               ***

સ્માર્ટ લાઈટ્સ : વીજળીની અછત સામે લડતી ટેકનિક

આજેય અસંખ્ય શહેરોમાં વીજળી અછત હોવાથી હાઈવે લાઈટ્સ બંધ હોય છે. વાહન ચાલકોને રસ્તામાં લાઈટ્સ મળી રહે તે માટે નેધરલેન્ડમાં જ સફળ પ્રયોગો થયાં છે. લાઈટ્સના થાંભલા સાથે એવાં સેન્સર્સ ગોઠવવામાં આવ્યાં છે કે દૂરથી વાહન આવતું જણાય તો લાઈટ ચાલુ થઈ જાય છે. પછી વાહન આવતાં બંધ થાય તો લાઈટ પણ બંધ પડી જાય છે.

વળી, એ લાઈટ્સ થાંભલાની ચારે બાજુ લગાવેલાં પંખાથી ચાલે છે. હવાથી પંખા ફરે અને પંખાથી વીજળી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. જ્યાંથી ઓછા વાહનો પસાર થતાં હોય એવા રસ્તાઓ ઉપર આ ઓટોમેટિક રોડ લાઈટ્સ ઉપયોગી થશે.
                                                                             ***

લીડાર ગન: સ્પીડનો સ્પીડથી અંદાજ મારતી સિસ્ટમ

સ્પીડ માપવા માટે કેમેરા બેઝ્ડ રડાર સિસ્ટમનો ઉપયોગ અત્યાર સુધી થતો આવે છે. હવે ઘણી ટ્રાફિક ફોર્સે લીડાર યાને લાઈટ ડિટેક્શન એન્ડ રેન્ગિંગ ગનનો ઉપયોગ શરૂ કર્યો છે. તેનાથી વાહનની સ્પીડનો અંદાજ કાચી સેકન્ડમાં આવી જાય છે અને વળી તેનો ઉપયોગ બહુ જ સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. લેસરનો શેરડો મારો કે તરત જ આવતા-જતા વાહનની સ્પીડનો આંકડો સ્ક્રીનમાં શો થવા માંડે છે.
ભારતમાં આ સ્પીડ ગનનો ઉપયોગ મર્યાદિત શહેરોમાં પ્રયોગ પૂરતો છૂટોછવાયો થયો છે. ડીઆરડીઓએ સ્વદેશી સિસ્ટમ બનાવવામાં સફળતા મેળવી છે એટલે થોડાંક સમયમાં દેશભરમાં તેનો ઉપયોગ થશે.

ગુજરાત ટ્રાફિક પોલીસને થોડા વખત પહેલાં જ પાંચ સ્પીડ ગન ટેસ્ટિંગ માટે આપવામાં આવી હતી. ટૂંક સમયમાં તેનો બહોળો ઉપયોગ થશે એવો સંકેત સરકારે આપ્યો હતો. આ સ્પીડ ગન સરળ અને અસરકારક હોવાથી સ્પીડ લિમિટના નિયમનું પાલન કરાવવામાં બહુ જ કારગત નીવડશે.

                                                                                ***

રોંગ વે ડિટેક્શન સિસ્ટમ

રોંગમાં વાહન ચલાવીને પોતે જોખમમાં પડવું અને બીજાને ય ખતરામાં નાખવા, એ આપણાં દેશની કોમન પ્રોબ્લમ છે. વિદેશમાં પણ ઉતાવળા વાહન ચાલકો આકરા દંડ-સજાની જોગવાઈ છતાં રોંગમાં વાહન ચલાવવાનું જોખમ લેતા હોય છે. એવા વાહન ચાલકોને ઝડપી લેવા માટે ફ્લોરિડાના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે રોંગ વે ડિટેક્શન સિસ્ટમ તૈયાર કરી છે. એને રોંગ વે એલર્ટ સિસ્ટમ પણ કહે છે.
આ ટેકનોલોજીના ઉપયોગથી અસંખ્ય અકસ્માતો અટકાવી શકાશે એવો દાવો થાય છે, પણ તેને ઉપયોગમાં લેવામાં હજુ ઘણી એરર્સ દૂર કરવી પડશે. આ ટેકનોલોજી એવી રીતે કામ કરે છે કે રોડ પર ગોઠવાયેલા સેન્સર એક તરફ જતાં વાહનની ગતિ નોંધે છે. જેવું કોઈ વાહન એ રોડ ઉપર અવળી દિશામાં ગતિ કરે કે તુરંત એલર્ટ આપે છે, પરંતુ વાહન રીવર્સમાં લેતી વખતે પણ આ ટેકનોલોજી એલર્ટ આપે છે.

રોંગ વે એલર્ટ માટે એવાં ય પ્રયોગો થઈ રહ્યાં છે કે ક્લાઉડની મદદથી વાહન રોંગમાં જાય છે તેનો અંદાજ લગાવીને વાહનચાલકના રજિસ્ટર નંબરમાં મેસેજ જાય છે, પરંતુ ભારતમાં આ સિસ્ટમ કાર સિવાયના વાહનોમાં લાગુ પાડવી અઘરી છે. ટ્રક-એટોરિક્ષા-બસ જેવા કેટલાય વાહનોમાં એવી સિસ્ટમ જ હોતી નથી કે તેને વોર્ન કરી શકાય.
                                                                          ***
દુનિયાભરના ટ્રાફિક કંટ્રોલ એક્સપર્ટ્સ એકી અવાજે કહે છે કે અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક કંટ્રોલ માટે સ્માર્ટ હાઈવે બનાવવાની ખાસ જરૂર છે. જે રસ્તાઓ અત્યારે કાર્યરત છે તેને નવી ટેકનોલોજીથી અપગ્રેડ કરી દેવામાં આવે તો દુનિયામાં ૫૦ ટકા અકસ્માતો ઘટી જાય તેમ છે. ટ્રાફિક જામની સમસ્યા ૬૦ ટકા સુધી ઘટી જાય તેમ છે.

વ્હિકલ ટુ વ્હિકલ કોમ્યુનિકેશન ટેકનોલોજી, વ્હિકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્માર્ટ કોરિડોર જેવા કેટલાક નવા વિચારોને ધ્યાનમાં રાખીને નવી નવી ફ્યુચર ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે. આ સંશોધનોએ આશા જગાવી છે કે એકાદ દશકામાં ટ્રાફિકની સમસ્યા ઘણી ખરી હળવી થઈ જશે.

જે દેશોમાં નવી ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે ત્યાં ૫-૧૦ વર્ષમાં એ ખપમાં પણ આવતી થઈ જશે. ભારત જેવાં દેશો પાસે ત્રણ વિકલ્પો બચશે. એક, જૂની-પૂરાણી સિસ્ટમ પ્રમાણે ચલાવવું અને ટ્રાફિકની સમસ્યાને જેમ છે તેમ રહેવા દેવી. બીજું, જે દેશોમાં સંશોધનો થયા છે તેની પાસેથી સિસ્ટમ ખરીદીને એનો અમલ કરાવવો. ત્રીજું, દેશમાં જ એવાં સંશોધનો થાય તે માટેના પ્રયાસો અત્યારથી જ હાથ ધરવા.

દેશમાં થતાં સંશોધનોના પરિણામો કદાચ તરત નહીં મળે પરંતુ એકાદ દશકામાં એવી કે એનાથી ય ચડિયાતી ટ્રાફિક ટેકનોલોજી દેશી સંશોધકો બનાવી આપશે. પહેલી નજરે હસી કાઢવા જેવું સંશોધન જણાય તો ય જો એને પૂરતું ફંડ ને યોગ્ય પ્રોત્સાહન મળે તો કદાચ એ જ તુક્કો તીર પણ બની શકે.
Sunday 10 November 2019
Posted by Harsh Meswania
Tag :

હાથે લખેલાં પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્માર્ટફોન સ્ટીકર્સે લઈ લીધું!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દિવાળી-બેસતા વર્ષેની શુભેચ્છા પાઠવવા સ્ટીકર્સની આપ-લે મોટા પ્રમાણમાં થઈ. આ સ્ટીકર્સનો પ્રયોગ મેસેજિંગ એપમાં કોણે સફળ બનાવ્યો એ પણ જાણવા જેવું ખરું!


'Happy New'
'નૂતન વર્ષાભિનંદન'
'સાલ મુબારક'
આવાં સ્ટીકર્સની નવાં વર્ષે ભારે પ્રમાણમાં આપ-લે થઈ હશે. રાઈટ? દિવાળી-નૂતન વર્ષના સ્ટીકર્સનું વોટ્સએપમાં જાણે પૂર આવ્યું હશે!

સ્ટીકર્સ ક્રિએટ કરવાનું ઈઝી થયું હોવાથી ઘણાં મૌલિક સ્ટીકર્સ પણ જોવા મળ્યાં. નવાં વર્ષે તૈયાર સ્ટીકર્સ ફોરવર્ડ કરવાને બદલે ઘણાં સ્નેહીજનો-દોસ્તોએ જાતે બનાવેલાં, અલગ પ્રકારના સ્ટીકર્સ સર્જીને ખાસ પ્રકારે શુભેચ્છાઓ પાઠવી હશે.

વોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતની બધી જ પોપ્યુલર મેસેજિંગ એપ્સ સ્ટીકર્સની સર્વિસ આપે છે. પહેલાં માત્ર ઈમોજીની જ સુવિધા હતી, પણ પછી નવીનતા માટે જીઆઈએફ ફાઈલ અને સ્ટીકર્સ પણ એડ થયાં. હવે જેના વગર મેસેજ એપની કલ્પના પણ મુશ્કેલ છે, એવી આ સર્વિસ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? ઈમોજીના બંચમાં આવતા વિવિધ ફેસ એક્સપ્રેશનથી સંતોષ ન માનીને હટકે આપવાની પહેલ ક્યારે થઈ હતી?
                                                                           ***
ફેસબુકે લાઈક સાથે પ્રેમ, નિરાશા, હાસ્ય, ગુસ્સો જેવી ફીલિંગ્સને રિએક્શન બટનમાં ઉમેર્યા તે પહેલાં ઈમોટિકોન્સ વોટ્સએપમાં પોપ્યુલર થઈ ચૂક્યા હતા. શરૂઆતમાં ડઝનેક ઈમોજીથી કામ ચાલતું હતું, પણ પછી વિશ્વભરના ક્રિએટિવ ક્રિએટર્સ વચ્ચે મેસેજ એપ્સમાં નવું આપવાની હોડ જામી એના પરિણામે કંઈ કેટલીય ફીલિગ્સ વ્યક્ત કરતા ઈમોજી આપણાં સ્માર્ટફોનમાં જોવા મળવા લાગ્યાં. મેસેજિંગ એપમાં ઈમોટિકોન્સની અપાર નવીનતા આવી ગઈ પછી યુઝર્સ ફરી કંઈક નવું ઈચ્છતા હતા.

બરાબર એ જ અરસામાં સાઉથ કોરિયન કંપની નેવર કોર્પોરેશને 'લાઈન'ની શરૂઆત કરી. એપ ડેવલપર્સે લાઈનમાં પ્રથમ વખત નવીનતા ઉમેરવા માટે સ્ટીકર્સ આપ્યાં. શરૂઆતમાં તો યુઝર્સને સ્ટીકર્સ અને ઈમોજી વચ્ચે બહુ ફરક ન દેખાયો. ઈમોજી પોસ્ટ કરતી વખતે સાઈઝમાં બહુ નાનકડાં દેખાતા હતા, જ્યારે સ્ટીકર્સ દેખાવમાં તરત ધ્યાન ખેંચે એવા હતા.

આ જ કંપનીએ જાપાનના યુઝર્સને ધ્યાનમાં રાખીને ટૉક નામની એપ લોંચ કરી. જાપાન જેના માટે જગ વિખ્યાત છે એ એનિમેશન આર્ટવર્કની છાંટ ઉમેરીને એ એપ માટે અલગથી સ્ટીકર્સ સર્જવામાં આવ્યાં. અગાઉ જેમણે સ્ટીકર્સ બનાવ્યા હતા એ જ સેમ ડીઝાઈનર્સેની ટીમે ફરીથી જાપાનને ધ્યાનમાં રાખીને સ્ટીકર્સ બનાવ્યા હતા, પણ તેમાં પહેલી વખત જે ખામી રહી ગઈ હતી એ સુધારી લેવામાં આવી હતી.
આ સ્ટીકર્સ વધારે આકર્ષક વધારે પોપ્યુલર થયાં. જાપાની બોયનું સ્ટીકર્સ તો એ એપની ઓળખ બની ગયું. ૨૦૧૫ પછી સ્ટીકર્સની પોપ્યુલારિટી એટલી વધી ગઈ કે દરેક એપ્સમાં એની હાજરી લગભગ ફરજિયાત થઈ ગઈ. મોટાભાગની મેસેજિંગ એપ્સે થોડાં ઘણાં ફેરફાર કરીને સ્ટીકર્સ સમાવ્યાં.

૨૦૧૭માં કંપનીના બીબાંઢાળ સ્ટીકર્સને બદલે જાતે સ્ટીકર્સ બનાવી શકાય એ દિશામાં કામ શરૂ થયું. ફોટામાં ફેરફાર કરીને થોડાંક શબ્દોમાં મનગમતા શુભેચ્છા સંદેશા આપી શકાય એવી પહેલ થઈ. સ્વીફ્ટ મીડિયાએ એ જ વર્ષે અલગ અલગ કંપની માટે પ્રોફેશનલ ધોરણે ડિમાન્ડ પ્રમાણેના સ્ટીકર્સ બનાવી આપવાનું શરૂ કર્યું. જેમ કે કોઈ લેખકનું પુસ્તક કે કોઈ સિંગરનો એલ્બમ લોંચ થવાનો હોય તો એના સ્ટીકર્સ તૈયાર કરાતા અને એ સ્ટીકર્સથી મેસેજિંગ એપ્સમાં પ્રમોશન થતું.

આ ઘટનાએ સ્ટીકર્સની દુનિયામાં ક્રાંતિ કરી દીધી. અત્યાર સુધી ઈમોજીસના ફોર્મેટમાં કેદ રહેલી સ્ટીકર્સની દુનિયા અચાનક કસ્ટમાઈઝ થઈ ગઈ. સ્વીફ્ટમાંથી પ્રેરણા લઈને કેટલાંય યંગ ડેવલપર્સે એવી એપ્સ જ સર્જી દીધી કે જેમાં યુઝર ધારે એવાં સ્ટીકર્સ બનાવી શકે. ફોટોઝમાંથી સ્ટીકર્સ બનતા થયાં પછી તો રમૂજી સ્ટીકર્સ બનાવવા માટે ય મોકળું મેદાન થયું. દેશ-દુનિયામાં બનતી ઘટનાઓના સ્ટીકર્સ પણ ફની નોટ સાથે તુરંત બની જતાં હોવાથી એનું ફોરવર્ડનું પ્રમાણ પણ દુનિયાભરમાં વધ્યું છે.

ઈંગ્લીશ સિવાયની ભાષાઓમાં સ્ટીકર્સ બનાવવાની મોકળાશ મળી પછી બધી જ ભાષાઓના યુઝર્સ પોત-પોતાની ભાષામાં સ્ટીકર્સ બનાવતા થયાં. હવે તો બ્રાન્ડિંગના હેતુથી ય સ્ટીકર્સનો ઉપયોગ થાય છે. બર્થ-ડેથી લઈને મેરેજ એનિવર્સરી સુધીનાં પ્રસંગોમાં ફોટા સાથે મેસેજ લખીને જાતે સર્જેલા સ્ટીકર્સ મોકલવાનું દુનિયાભરના યુઝર્સ પસંદ કરતા થયા છે, તે એટલી હદે કે હવે ઈમોજી કરતા સ્ટીકર્સ વધુ ફોરવર્ડ થાય છે.
                                                                               ***
અત્યારે ૨૦૦૦ કરતાં વધારે પેઈડ સ્ટીકર્સ પેક અવેલેબલ છે અને એમાંથી ૧૮૦૦ જેટલાં ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વળતર આપીને ય સ્ટીકર્સ ખરીદતા લોકો વધતા જાય છે. ૫૦૦ કરતા વધુ એપ્સ જાતે સ્ટીકર્સ બનાવવાની સુવિધા આપે છે. એક સર્વેક્ષણમાં દાવો થયો હતો એ પ્રમાણે કુલ મેસેજિંગ એપ્સના યુઝર્સમાંથી ૪૮ ટકા યુઝર્સ દરરોજ સ્ટીકર્સનો ઉપયોગ કરે છે.

વિવિધ મેસેજિંગ એપ્સના યુઝર્સમાંથી ૩૨ ટકા યુઝર્સ વીકમાં એક વખત જાતે સ્ટીકર્સ બનાવે છે. ૩૯ પ્રતિશત યુઝર્સ વારે-તહેવારે સ્ટીકર્સ બનાવવાની મહેનત કરે છે અને વારે-તહેવારે ૭૦ ટકા યુઝર્સ સ્ટીકર્સ ફોરવર્ડ કરે છે. મેસેજિંગ એપ્સના ૮૭ ટકા યુઝર્સ તહેવારોમાં સ્ટીકર્સ રીસીવ કરે છે.
વેલ, દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં તમારો સમાવેશ ૭૦ ટકામાં થતો હતો કે ૯૦ ટકામાં?

તહેવારોમાં મીઠાઈ, રંગોળી, નવાં કપડાં વગેરેનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ હવે સ્ટીકર્સ, જીઆઈએફ, ઈ-ગ્રીટિંગ કાર્ડ્સનું ય છે. અગાઉની જનરેશનને તહેવારોમાં સ્નેહીજનોના હાથે લખેલા રંગ-બેરંગી પોસ્ટકાર્ડ મળે એની રાહ રહેતી. પોસ્ટકાર્ડનું સ્થાન જાતે બનાવેલાં સ્ટીકર્સે લઈ લીધું છે ત્યારથી હવે કોઈએ ખંતપૂર્વક બનાવેલા સ્ટીકર્સની પ્રતીક્ષા રહે છે.
                                                                     ***

GIF : ઈ-ગ્રીટિંગ્સમાં ટ્રેન્ડ સેટર

વોટ્સએપ-ફેસબુકમાં જીઆઈએફ ફાઈલ ફોરવર્ડ કરવાનો ટ્રેન્ડ પણ પેરેલલ ખૂબ ચાલી રહ્યો છે. કેટલીય એપ્સ હવે જીઆઈએફ બનાવવાની પણ સગવડ આપે છે. તેની મદદથી બનેલી જીઆઈએફ તહેવારોમાં શુભેચ્છા પાઠવવામાં વધારે ફોરવર્ડ થાય છે. આ ફાઈલ ફોર્મેટ વિકસાવવાનો યશ સોફ્ટવેર એન્જિનિયર સ્ટીવ વિલ્હિટને મળે છે.

૧૯૮૭માં સ્ટીવે એક ઈમેજમાં ૮ બિટ પર પિક્સેલની ક્ષમતા ધરાવતું ગ્રાફિક ફોર્મેટ બનાવ્યું, જેને ગ્રાફિક્સ ઈન્ટરચેન્જ ફોર્મેટ એવું નામ આપ્યું. એનિમેશન સપૉર્ટેડ આ ઈમેજ ફાઈલ GIFના ટૂંકા નામે જાણીતી બની. એક તસવીર નહીં, પણ ૭-૮ તસવીરોની સિકવન્સથી મોશન GIF ફાઈલ ક્રિએટ થતી હતી. આ ઈમેજનું સ્વરૂપ મોશન હોવાથી એ નાનકડા વીડિયોની ગરજ સારતી હતી.

સ્ટીવે પહેલી GIF ફાઈલ બનાવવા માટે ઉડતા વિમાનની તસવીરો પસંદ કરી હતી. એ તસવીરોને કમ્પ્રેશ કરીને વિમાન ઉડતું હોય એવો આભાસ સર્જ્યો હતો. એ જોઈને તેમના સહકર્મચારીઓ થોડીવાર તો માની નહોતા શકતા કે સ્ટીવને આવી ગ્રાફિક ઈમેજ બનાવવામાં ખરેખર સફળતા મળી ગઈ છે.

આ શોધ પછી કમ્પ્યુ-સર્વમાં સ્ટીવ વિલ્હિટ ઈન્ફર્મેશન મેનેજર બન્યા હતા. સ્ટીવે એ પછી વેબચેટ સોફ્ટવેર વિકસાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. ૯૦ના દશકામાં ઓનલાઈન વેબચેટ સર્વિસ વિકસી રહી હતી ત્યારે સ્ટીવ અને તેની ટીમે કમ્પ્યુ-સર્વ માટે યુઝર્સની તસવીર દેખાય એવું વેબચેટ મોડેલ ડેવલપ કર્યું હતું.
                                                                                ***

ઈ-ગ્રીટિંગ કાર્ડ્સ

પરંપરાગત પ્રિન્ટેડ ગ્રીટિંગ કાર્ડ્સને ઈ-કાર્ડ ફોર્મેટ બનાવીને આપણાં સ્માર્ટફોનમાં લાવવાનું કામ અમેરિકન એજ્યુકેશનલ સોફ્ટવેર ડિઝાઈનર જૂડિથ ડોનાથે કર્યું હતું.

જૂડિથ ડોનાથે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (મીટ)માં મીડિયા આર્ટમાં માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો ત્યારે એજ્યુકેશનલ સોફ્ટવેર ડિઝાઈન કરતી વખતે ડોક્યુમેન્ટના ઈ-ફોર્મેટનું કામ ખંતથી ઉપાડયું હતું. ક્રિસમસ-નવા વર્ષનો તહેવાર નજીક આવી રહ્યો હતો ત્યારે તેને ઈન્ટરનેટના માધ્યમથી શુભેચ્છા સંદેશો પાઠવવાનો વિચાર આવ્યો અને એમાંથી જન્મ થયો ઈ-ગ્રીટિંગ કાર્ડ્સનો.

તેણે ડિસેમ્બર ૧૯૯૪માં 'ધ ઈલેક્ટ્રિક પોસ્ટકાર્ડ' નામની વેબસાઈટ બનાવી. વેબસાઈટમાં અઢળક ગ્રીટિંગ કાર્ડ્સ મૂક્યાં. વેબસાઈટની મુલાકાત લેનારાને વિખ્યાત પેઈન્ટિંગ્સની ફોટોકોપી, જાણીતા ફોટોગ્રાફરની પ્રકૃત્તિની તસવીરો, પોસ્ટકાર્ડ વગેરે ડાઉનલોડ કરવાની સવલત આપવામાં આવી હતી. યુઝર્સે કોઈ એક ગ્રીટિંગકાર્ડ પસંદ કરવાનું રહેતું. ગ્રીટિંગકાર્ડ પસંદ થઈ જાય એટલે તેમાં કંઈક મેસેજ લખવો હોય તો લખી શકાતો અને પછી જે તે વ્યક્તિને ઈ-મેઈલ કરીને ઈ-ગ્રીટિંગકાર્ડથી શુભેચ્છા પાઠવી શકાતી.

પહેલા વર્ષે તો 'મીટ'માં લાઈન લાગી ગઈ. અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા દરેકને આ નવો અનુભવ કરવો હતો એટલે એ વર્ષે અંદરો અંદર પણ ઈ-કાર્ડ્સની આપ-લે થઈ. પણ એ દિવસોમાં સ્પીડ એટલી ધીમી હતી કે દિવસના માંડ ૧૦ કે ૧૫ ઈ-કાર્ડ્સ એટેચ થઈને સેન્ડ થતાં હતાં.

બીજા વર્ષે ટેકનોલોજી વિકસી હતી અને જૂડિથે વેબસાઈટમાં પણ જરૂરી ફેરફાર કર્યા એટલે ઈ-કાર્ડ્સ મોકલવાની ઝડપ ઘણી વધી હતી. ૧૯૯૬ના ક્રિસમસ-નવા વર્ષ દરમિયાન ૧૯-૨૦ હજાર ઈ-ગ્રીટિંગ કાર્ડ્સની આપ-લે થઈ હતી. એ ટ્રેન્ડ પછી વર્ષભર ચાલ્યો હતો. વેલેન્ટાઈન્સ ડે, ફ્રેન્ડશિપ ડે મળીને એ વર્ષે ૧૭ લાખ ઈ-કાર્ડ્સ યુઝર્સે મોકલ્યા હતા.

પછી તો ઈ-ગ્રીટિંગકાર્ડ્સના ફોર્મેટમાં સતત પરિવર્તન આવતું રહ્યું. જેપીજી ફોર્મેટ પછી સ્માર્ટફોનની સાથે વીડિયો ગ્રીટિંગ મેસેજીસની લોકપ્રિયતા પણ વધી. જીઆઈએફ અને સ્ટીકર્સ પણ એક રીતે તો જૂડિથના ઈ-ગ્રીટિંગ્સનું જ એક્સટેન્શન છે!
Sunday 3 November 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -