Archive for 2017

સપ્તાહમાં એક દિવસ વધુ ઊંઘ કરવાથી થાક ઉતરી શકે?

રજાના દિવસે થોડા કલાકો વધારે ઊંઘ કરીને લોકો થાક ઉતારવાનો કીમિયો અજમાવતા હોય છે, પરંતુ ખરેખર એ કીમિયો કારગત નીવડી શકે ખરો?

૨૧મી સદીમાં કોઈને પાછળ રહેવું પોષાય તેમ નથી, એટલે દરેક ક્ષેત્રમાં શરૃ થઈ છે - આકરી સ્પર્ધા, સ્પર્ધાના કારણે કર્મચારીઓ ઉપર વધતું કામનું ભારણ, કામના ભારણના કારણે વધતો માનસિક તણાવ અને માનસિક તણાવને કારણે સતત મહેસૂસ થતો થાક. આ આજની ફાસ્ટ લાઈફનો ચિતાર છે. ઈન્ટરનેટ ફોર-જીની સ્પીડે ચાલે છે અને લાઈફ એનાથી ય વધુ ફાઈવ-જીની ઝડપે ભાગે છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે.  અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
                                                                                              (10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
Sunday 10 December 2017
Posted by Harsh Meswania

નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવા પાછળ સરકારની શું ગણતરી હોઈ શકે?

ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે

નોટબંધી ને જીએસટી એમ બે મોટા આર્થિક ફેરફાર કર્યા પછી વર્તમાન સરકાર વધુ એક આર્થિક બદલાવ લાવીને પરિવર્તનશીલ સરકારની છાપ ઉભી કરવા ધારે છે : વાર્ષિક સિસ્ટમ ચેન્જ કરવાથી નહીં, પણ આર્થિક સિસ્ટમ બદલવાથી અર્થશાસ્ત્રનું ભલું થશે તે વાત સમજવાની જરૂર છે

માણસ બીમાર હોય અને એક વખતના દવાના ડોઝથી સારું ન થાય તો ડોક્ટર દવા બદલે કે બેડશીટ? ઓફકોર્સ દવા જ બદલે! જો બેડશીટ કે બેડ બદલી નાખવાની દર્દીને સારું થવાનું હોત તો તો એ નુસખો પરિવારજનોએ પહેલા કર્યો હોત! અદ્લ આવી સ્થિતિ અત્યારે ભારતના આર્થિક ફેરફારોમાં લાગુ પડી રહી છે. અર્થશાસ્ત્રના ડોક્ટરો મંદ પડેલા અર્થતંત્ર રૃપી દર્દીની બીમારીની દવા યાને અર્થનીતિમાં ફેરફાર કરવાને બદલે બેડશીટ યાને આર્થિક સિસ્ટમ બદલી રહ્યા છે. કદાચ એટલે જ પરિણામ મળતું નથી! પરિણામ નથી મળતું એ જાણવા છતાં દર્દીની દવાને બદલે વધુ એક વખત બેડશીટ બદલવાની તૈયારીનો આરંભ થઈ ચૂક્યો છે.
કેન્દ્રની ભાજપ પ્રેરિત સરકારે બે વર્ષમાં નોટબંધી અને જીએસટી એમ બે આર્થિક ફેરફારો કર્યા છે. નોટબંધીની આડઅસરોમાંથી ભારતીય અર્થતંત્ર હજુ તો માંડ બેઠું થઈ રહ્યું કે તરત જીએસટી લાગુ કરીને ફરીથી અર્થતંત્રને મંદ કરી દેવામાં આવ્યું. આ બંને મોટા ફેરફારોમાં સમાનતા એ હતી કે બંનેનું અમલીકરણ ઉતાવળે થયું હતું. બંનેની આડઅસર એટલી ભયાનક નીવડી કે સરકારે એકથી વધુ વખત પીછેહઠ કરવી પડી. આ બે વખતની પીઠેહઠ પછી વધુ એક વખત સરકારે કમર કસી છે. આ વખતે મુદ્દો છે - નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવાનો.
અત્યારે દેશમાં ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચનું નાણાકીય વર્ષ ચાલે છે. એ નાણાકીય વર્ષ પ્રમાણે કરદાતાઓ કર ભરે છે અને સરકાર પણ નવી નીતિ આ સિસ્ટમ પ્રમાણેના નાણાકીય વર્ષમાં લાગુ પાડે છે. એ માટે બજેટ ફેબુ્રઆરીમાં રજૂૂ થઈ જાય છે અને તેના અમલીકરણ માટે બે માસનો સમય મળે છે. હવે સરકારે આ સિસ્ટમ કેલેન્ટર યર એટલે કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરી નાખવાનું આયોજન કર્યું છે. એનો અર્થ એ કે સરકાર નવેમ્બર માસમાં બજેટ રજૂ કરે અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. સરકારની એ પાછળની લાંબાગાળાની ગણતરીઓની વાત કરતા પહેલાં એ જાણી લઈએ કે કેલેન્ડર વર્ષ પ્રમાણે નાણાકીય વર્ષ લાગુ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ નહીં હોય.
વિશ્વના અડધો અડધ દેશોમાં નાણાકીય વર્ષ ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર છે. ચીન, ઓસ્ટ્રિયા, બેલારૃસ, બ્રાઝિલ, ડેન્માર્ક, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ જેવા કેટલાંય નોંધપાત્ર દેશોએ નાણાકીય વર્ષ 'કેલેન્ટર યર' યાને જાન્યુઆરીથી ડિસેમ્બર રાખ્યું છે. કેટલીય વૈશ્વિક કંપનીઓ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે. કારણ કે તેમના માટે એ સિસ્ટમ વધુ સરળ છે. નાણાકીય વર્ષ પણ વૈશ્વિક રીતે સ્વીકાર્ય એવા કેલેન્ડર યર જાન્યુઆરીથી ડિસેમ્બર હોય તો કંપનીઓને પ્રમોશનથી લઈને વર્ષાંતે મળતું ક્રિસ્મસનું વાર્ષિક વેકેશન સરળતાથી સેટ થઈ જાય છે. રજાઓમાંથી પરવારીને કર્મચારીઓ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં હાજર થાય એ સાથે જ તેને નવા વર્ષે નવા નાણાકીય વર્ષે કામ કરવાનું થાય છે. મનોવૈજ્ઞાાનિક રીતે ય ઘણાં દેશો માટે આ વધુ યોગ્ય વ્યવસ્થા છે અને એટલે જ એ દેશો તે વ્યવસ્થાને વર્ષોથી જાળવી રાખે છે.
બેક ટુ ધ ઈન્ડિયા. ભારતમાં આ નાણાકીય વર્ષની સિસ્ટમ અંગ્રેજ શાસનની દેન છે. ૧૮૬૭માં બ્રિટિશ સરકારે બ્રિટિશ રાજના નાણાકીય વર્ષ સાથે મેળ બેસાડવા માટે ભારતનું હિસાબી વર્ષ પણ એ મુજબ ગોઠવ્યું હતું. ભારતને આઝાદી મળી પછી તુરંત તમામ વહીવટોમાં ફેરફાર કરીને નવું નાણાકીય વર્ષ સેટ કરવું અઘરું હતું એટલે શરૃઆતમાં એ જ સિસ્ટમને જાળવી રાખવામાં આવી.
ભારતે નાણાકીય વર્ષ બદલવા માટે પહેલો વિચાર ૧૯૮૪માં કર્યો હતો. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમના આર્થિક સલાહકાર અને આરબીઆઈના પૂર્વ ગર્વનર લક્ષ્મીકાંત ઝાએ કેલેન્ડર યર પ્રમાણે નાણાકીય વર્ષ ગોઠવવાની ભલામણ કરી હતી. લક્ષ્મીકાંત ઝાની આગેવાનીમાં ૧૯૮૪માં એલકે ઝા કમિટી બનાવાઈ હતી. એ કમિટીએ સરકારને વિગતવાર અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે કરી દેવાથી કઈ કઈ બાબતો સરળ થશે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો.
પૂરતી તૈયારી વગર અમલીકરણ શક્ય ન હતું એટલે યોગ્ય આયોજન થાય ત્યાં સુધી સરકારે રાહ જોવાનું નક્કી કર્યું. પછી તો બે-ચાર વર્ષમાં સરકારની દિશા અન્ય ક્ષેત્રના નવીનીકરણ તરફ ફંટાઈ ગઈ. કોમ્યુનિકેશન અને ટેકનોલોજી તરફ ધ્યાન આપવાની બાબત રાજીવ ગાંધી સરકારની મુખ્ય પ્રાથમિકતા હતી અને એ પછી તો રાજકીય અરાજકતાનો સમયગાળો આવી પડયો એટલે વાત સદંતર વિસરાઈ ગઈ. આર્થિક ઉદાહરણ લાગુ કર્યા પછી તુરંત આવી નવી નાણાકીય વર્ષની સિસ્ટમનું જોખમ લઈ શકાય નહીં એ સમજતા તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે નાણાકીય વર્ષ બદલવા કરતા આર્થિક નીતિ બદલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અનેક દેશોના અર્થશાસ્ત્રથી સારી રીતે વાકેફ હતા અને તેમનો મત હતો કે નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે થાય કે ન થાય તેનાથી બહુ મોટો ફરક પડશે નથી. આમ વાત ત્યાં જ અટકી ગઈ. પણ વાતને અંતે પૂર્ણવિરામ મૂકાયું ન હતું એટલે નાણાકીય પરિવર્તનો તરફ વિશેષ ધ્યાન આપતી વર્તમાન સરકારે અટકી ગયેલી નાણાકીય વર્ષની વાતને આગળ વધારી છે!
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની નેમ છે કે ૨૦૧૯થી નાણાકીય વર્ષ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવામાં આવે. જો એવું થાય તો આવતા વર્ષે મહત્વની ચૂંટણીઓ પૂરી થશે પછી તેની જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. આવતા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણી પછી સરકાર એ દિશામાં જાહેરાતો કરે તો તૈયારી માટે કંપનીઓને અને કરદાતાઓને એટલિસ્ટ આખું વર્ષ મળશે. જો એવું થાય તો લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં નાણાકીય વર્ષ બદલી ગયું હશે. આવું કરવા પાછળ સરકારની મુખ્ય બે ગણતરીઓ છે.
પહેલું તો એ કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક ફેરફારો કરીને વર્તમાન સરકારે વૈશ્વિક મીડિયામાં પૂરતું માઈલેજ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૃણ જેટલીની જોડીને વિશ્વમાં આર્થિક પરિવર્તનો લાવનારા નેતાઓ તરીકે કવરેજ મળ્યું છે. અલબત્ત, એ મીડિયા કવરેજ માત્ર હકારાત્મક નથી; નકારાત્મક પણ છે જ. છતાં પાંચ વર્ષની ટર્મ દરમિયાન ત્રણ મોટા ફેરફારો કરે તો સરકાર લાંબાંગાળે ફાયદો થશે એવા નામે પરિવર્તનશીલ કામગીરી કરી હોવાની બડાઈ કરી શકે.
બીજી ગણતરી એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં આ નવું નાણાકીય વર્ષ લાગુ થાય તો સ્વાભાવિક છે કે તેનું બજેટ નવેમ્બર-૨૦૧૮માં રજૂ કરવાનું થાય. એટલે કે આવતા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. એ હિસાબે ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવે એ પહેલાં જ બજેટની જાહેરાતો સરકારે લાગુ પાડી દીધી હોય તો એ કાર્યોને ૨૦૧૯ની લોકસભામાં ચૂંટણી મુદ્દો પણ બનાવી શકાય! લોકસભાની ચૂંટણીમાં નવા નાણાકીય વર્ષનો મુદ્દો તેમ જ ત્રણ-ત્રણ આર્થિક ફેરફારો કર્યા છે અને તેનો ફાયદો લાંબાંગાળે થશે એવી સ્પષ્ટતાઓ કરીને સરકાર નોટબંધી અને જીએસટી પછી સર્જાયેલી નેગેટિવ અસરને થોડા ઘણાં અંશે ખાળી શકે.
અચ્છા, આ સિવાયના જે ફાયદા છે તે એટલા બધા પ્રભાવી નથી કે તેનાથી ઈકોનોમીમાં મોટો ફેરફાર થાય. જેમ કે, અત્યારે આ નાણાકીય વર્ષની સિસ્ટમ પ્રમાણે દર વખતે લોકસભાની ચૂંટણી પહેલાં એક બજેટ રજૂ થાય છે. એ પછી નવી સરકાર રચાય તે જુલાઈમાં બજેટ રજૂ કરે છે. તેનું અમલીકરણ માત્ર આઠેક મહિના જેટલું લાંબું હોય છે. એનો અર્થ એ કે પાંચ વર્ષે એક વખત બજેટ અને તેનું અમલીકરણ અધૂરું હોય છે. બીજા ફાયદાઓ એવા છે કે જે વિદેશી કંપનીઓ પોતાનું નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે રાખે છે તેને પોતાના વહીવટમાં વધુ સરળતા રહેશે. દેશમાં પણ એક વખત આ સિસ્ટમ લાગુ થાય તો એપ્રિલ-માર્ચને બદલે કેલેન્ડર યર પ્રમાણે નવા વર્ષે જ નવું અમલીકરણ અને ટેક્ષ પણ ડિસેમ્બરના અંતમાં ભરાઈ જાય તો નવા વર્ષે રાહત. ઈન શોર્ટ કેલેન્ડર યર જ બધી રીતે નવું વર્ષ બની રહે. આ વર્ષના મધ્યમાં જે આર્થિક દોડધામનો માહોલ હોય છે તે વર્ષના અંતે જ પૂરો થઈ જાય.
પણ આમ જૂઓ તો એનાથી ઈકોનોમીને એવો કોઈ ફરક પડે નહીં. જે હાડમારી એપ્રિલમાં હોય છે એ હાડમારી ડિસેમ્બરમાં હશે. ખરા અર્થમાં હાડમારી ઓછી તો જ થશે કે જો આર્થિકનીતિમાં કોઈ પ્રજાલક્ષી પરિવર્તન આવે. એ પરિવર્તન વગરના બદલાવ ઘરના બાહરી રંગરોગાન જેવા છે. ઘરમાં ઢગલો કચરો હોય અને ઠેર-ઠેર ઝાળા બાઝ્યા હોય ત્યારે બાહરની દિવાલોમાં ભડકિલા રંગો લગાડી દેવાથી કોઈ ખાસ ફરક આવતો નથી, અદ્લ એવું જ આ બાબતે પણ થશે!

                                                                                              (10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે

See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-magazine-gujarati-financial-year-system10-december-2017#sthash.aejVES5S.dpuf

હેરોલ્ડ ગ્રેહામ : દુનિયાના પ્રથમ રોકેટમેન

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
ટ્રમ્પે કિમ જોંગની રોકેટમેન કહીને મશ્કરી કરી, ત્યારથી 'રોકેટમેન' શબ્દ વિશ્વભરના મીડિયામાં ચમકી રહ્યો છે. એ મશ્કરી વચ્ચે અસલી રોકેટમેન વિશે પણ થોડું જાણી લઈએ...

૧૯૬૫માં જેમ્સ બૉન્ડની 'થંડરબોલ' ફિલ્મ આવી હતી. એમાં જેમ્સ બૉન્ડે રોકેટબેલ્ટ યાને જેટ પેક બાંધીને જે ઉડાન ભરી હતી તે ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બૉન્ડ સીરિઝના ચાહકોએ ઉડતા જેમ્સ બૉન્ડને જોવાનો ઉમળકો દાખવ્યો હતો. એ દૃશ્ય 'થંડરબોલ' ફિલ્મની ઓળખ જેવું બની ગયું હતું. જેમ્સ બૉન્ડને ઉડવાની આડકતરી પ્રેરણા જે માણસે આપી હતી તેને હવે દુનિયા રોકેટમેન તરીકે ઓળખે છે : રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ.

અમેરિકાના આક્રમક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના માથા ફરેલા શાસક કિમ જોંગ ઉનની 'રોકેટમેન' કહીને મશ્કરી કરી છે ત્યારથી વિશ્વભરના મીડિયામાં કિમ જોંગ ઉન માટે 'રોકેટમેન' શબ્દપ્રયોગ થઈ રહ્યો છે. આ મશ્કરીના કારણે આજે રોકેટમેન એટલે જાણે કિમ જોંગ ઉન એવી વ્યાખ્યા થઈ ગઈ છે!

પણ એ પહેલાં રોકેટમેન શબ્દનો પ્રયોગ થતો એટલે હેરોલ્ડ ગ્રેહામ નામના સાહસિકને યાદ કરાતા. 'હલ'ના ટૂંકા નામે ઓળખાતા હેરોલ્ડ ગ્રેહામને ઈતિહાસ કેમ રોકેટમેન તરીકે યાદ કરે છે?
                                                                             *** 
૧૧મી ઓક્ટોબર, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હાજરીમાં અમેરિકન કંપની બેલ એરક્રાફ્ટે નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ મિલિટરી બેઝ પર રોકેટબેલ્ટની મદદથી માણસ ઉડી શકે છે એનું પ્રદર્શન યોજ્યું હતું.

પ્રેસિડેન્ટ સામે માણસની ફ્રી ફ્લાઈંગની સફળતાનું પ્રદર્શન કરતાં પહેલાં ઘણાં પરીક્ષણો થયા હતા, પણ પ્રમુખ ઉપરાંત અમેરિકી મીડિયા અને અમેરિકાના ચુનંદા મહાનુભાવોની હાજરીમાં થઈ રહેલું એ પ્રદર્શન સફળ રહે એ બહુ જરૂરી હતું. એમાં જરાય ગરબડ થાય તો નામોશી થાય તેમ હતી.

સફળતાનો બધો જ ભાર એકલાં હેરોલ્ડ ગ્રેહામ પર હતો. ખુદ પ્રમુખ હાજર હોય અને એ ઘટનાના સાક્ષી બનવા અમેરિકાના જાણીતા ચહેરા સામે હોય ત્યારે સફળ થવાનું દબાણ વધી જાય એ સ્વાભાવિક છે. પણ ગ્રેહામે એવા કોઈ જ દબાવમાં આવ્યા વગર એકદમ સ્વસ્થતાથી રોકેટબેલ્ટ પહેરીને સરળતાથી ઉડાન ભરી લીધી. નક્કી કરેલા સ્થળેથી ગ્રેહામે ઉડાન ભરી અને જેટ પેકને કંટ્રોલમાં લઈને પ્રમુખ કેનેડી જ્યાં બેઠા હતા તેમની સાવ સામે લેન્ડિંગ કર્યું. તેની કાબિલેદાદ સ્વસ્થતાની ત્યાં હાજર મીડિયાએ ભરપેર પ્રશંસા કરી.

બીજા દિવસે અમેરિકન મીડિયામાં પ્રમુખ કેનેડીની હાજરીમાં રોકેટબેલ્ટની મદદથી માણસે પ્રથમ વખત સફળતાપૂર્વક ફ્રી ફ્લાઈંગ કર્યું તેના અહેવાલો છપાયા અને હેરોલ્ડ ગ્રેહામ માટે પહેલી વાર 'રોકેટમેન' શબ્દ પ્રયોજાયો. એ શબ્દ ભલે તે દિવસે પ્રથમ વખત પ્રયોજાયો હતો, પણ ખરેખર તો હેરોલ્ડ ગ્રેહામ નામનો ૨૭ વર્ષનો એ યુવાન તે પહેલાં જ આ બિરૂદ મેળવી ચૂક્યો હતો.
                                                                       ***
રોકેટબેલ્ટની મદદથી માણસ ઉડી શકે કે કેમ તેના પ્રયોગો આમ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ શરૂ થઈ ચૂક્યા હતાં. લશ્કરી ક્ષમતા વધારવાની સ્પર્ધાના એ દિવસોમાં દરેક દેશમાં લશ્કરને અને સૈનિકોને નવી નવી ટેકનોલોજી વિકસાવવાની મોકળાશ મળી રહી હતી. અમેરિકામાં પણ ફ્લાઈંગ બેલ્ટના પ્રયોગો શરૂ થયા હતા. જો સૈનિકો પાસે ઉડી શકાય એવું જેટ પેક હોય તો વ્યૂહાત્મક રીતે એ ઘણું મહત્વનું સાબિત થઈ શકે તેમ હતું. પ્રયોગો દરમિયાન જ વિશ્વયુદ્ધ પૂરું થયું, પણ વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરનો પ્રારંભ થયો એટલે આવા પ્રયોગોને બળ મળતું રહ્યું.

એમાં ય અમેરિકા-રશિયા વચ્ચે અવકાશી હોડ જામી હતી એટલે એરોસ્પેસના પ્રયોગો પૂર જોશમાં ચાલતા હતા. એના ભાગરૂપે વેન્ડેલ મૂરે નામના સંશોધક અને સાહસિકે ૧૯૫૩ આસપાસ રોકેટ પેક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એમાં બેલ એરક્રાફ્ટ કંપનીનો પૂરો સહકાર મળ્યો. છ-સાત વર્ષના પ્રયોગો પછી વેન્ડેલ મૂરેની લીડરશિપમાં બેલ એરક્રાફ્ટને રોકેટ પેક બનાવવામાં પ્રારંભિક સફળતા મળી. પણ રોકેટ પેકની મદદથી ધારી ઉડાન ભરી શકાતી ન હતી. ઘણાં અવરોધો વચ્ચે રોકેટ પેકથી ઉડવાનું ટેસ્ટિંગ ખુદ સંશોધક મૂરેએ કરી જોયું. ઘણાં પ્રયાસો તેમણે કર્યા. બે-અઢી મીટરની ઊંચાઈ સુધી ઉડવામાં તો તેમને લગભગ વીસેક પ્રયાસો પછી સફળતા મળી, પણ લેન્ડિંગમાં મૂરેનો કંટ્રોલ રહેતો ન હતો. ધારી ઝડપ પણ મેળવી શકાતી ન હતી. ટેસ્ટિંગ વખતે વચ્ચે રાખેલા અવરોધો પાર પાડવાના થતા, એમાં ય નિષ્ફળતા મળતી હતી.

આખરે કંપનીએ ૪૨-૪૪ વર્ષના મૂરેને બદલે ટેસ્ટિંગ માટે તરવરિયા યુવાનને પસંદ કરવાનું વિચાર્યું. કંપનીમાં કામ કરતા થોડા યુવાનોના નામ વિશે વિચાર્યા પછી અંતે સાયન્સ ગ્રેજ્યુએટ હેરોલ્ડ ગ્રેહામ નામના ૨૬-૨૭ વર્ષના જુવાનને પસંદ કરાયો. તે પહેલાં ગ્રેહામે માત્ર કાર ચલાવી હતી. એવિએશનનો તેને કોઈ જ અનુભવ ન હતો છતાં પ્રાથમિક તાલીમના અંતે ૧લી માર્ચ, ૧૯૬૧ના દિવસે તેણે રોકેટબેલ્ટની મદદથી સફળ ઉડાન ભરી લીધી. રોકેટબેલ્ટ ઉપર તેનું પૂરતું નિયંત્રણ હતું એ જોઈને આગળના બધા જ પ્રયોગો ગ્રેહામ ઉપર જ થવા લાગ્યાં. પછી તો તેણે દોઢ જ મહિનામાં ૩૬ વખત ઉડાન ભરીને આંતરિક વર્તુળોમાં રોકેટમેન તરીકેની ઓળખ બનાવી લીધી.

રશિયન અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિન અવકાશમાં પહોંચનારા પ્રથમ ઈન્સાન છે, પણ ગ્રેહામ નામનો અમેરિકી યુવાન એ પહેલાં જ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. ગ્રેહામે શરૂઆતમાં રોકેટબેલ્ટથી ઉડવાના અને લેન્ડિંગ કરવાના સફળ પ્રયોગો કર્યા પછી ઝડપથી ઉડવાના પ્રયોગોમાં પણ એટલી જ સફળતા મેળવી. ગ્રેહામે ૧૯૬૧ના માર્ચ-એપ્રિલમાં પાંચ ફૂટની ઊંચાઈએ ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લગભગ ૧૦૮ ફૂટનું અંતર માત્ર ૧૩ સેકન્ડમાં પૂરું કર્યું હતું. પછીના મહિનામાં બીજી ૨૮ ઉડાન ભરી. દરેક વખતે તેમણે ઝડપ અને ઊંચાઈ વધારી. એક વખત તેમણે લગભગ ૩૨ ફૂટની ઊંચાઈ મેળવીને ૪૦૦ ફૂટનું અંતર ૫૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પૂરું કર્યું હતું.
 
આ ઝડપ, આ ઊંચાઈ અને આ સાતત્ય પછી અમેરિકામાં ૨૭ વર્ષનો યુવાન ગ્રેહામ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. રશિયાના પ્રથમ અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિનના જવાબમાં અમેરિકાને પોતાના રોકેટમેનની તલાશ હતી અને એ તલાશ એ વખત પૂરતી હેરોલ્ડ ગ્રેહામે પૂરી કરી દીધી હતી!
                                                                         *** 
પછી તો ગ્રેહામે અમેરિકાના તમામ રાજ્યો ઉપરાંત કેનેડા, મેક્સિકો, જર્મની, આર્જેન્ટિના, ફ્રાન્સ સહિતના ડઝનેક દેશોમાં ભરચક મેદની સામે રોકેટબેલ્ટથી રોકેટની ઝડપે ઉડી બતાવ્યું! ગ્રેહામના આ કરતબથી લોકોની આંખમાં અચરજ અંજાતું! રોકેટબેલ્ટથી ગ્રેહામ તળાવો પાર કરી શકતો. લોકોનું મનોરંજન અને રોકેટબેલ્ટનું પ્રદર્શન કરવા મોટા મેદાનો પાર કરતો. વૃક્ષોની હારમાળા પાર કરી શકતો અને હેલિકોપ્ટર્સ કે વિમાનો અવરોધ માટે વચ્ચે રખાયા હોય એ પાર કરીને હવામાં સર્કલ રચી શકતો. ગ્રેહામના આ કરતબોના જવાબમાં અસંખ્ય લોકો 'રોકેટમેન..' 'રોકેટમેન...'ની ચિચિયારીઓ પાડીને તેમના કૌવતની પ્રશંસા કરતા.

જોકે, ૪૦૦ ફૂટની ફ્લાઈટમાં ૧૯-૨૦ લીટર બળતણ ખર્ચ થતું એટલે વિમાની મુસાફરીની તુલનાએ રોકેટબેલ્ટની મુસાફરી ખર્ચાળ સાબિત થતી. એેક વખત ૪૦૦ ફૂટનું અંતર તય કર્યા પછી નવેસરથી ફ્યુઅલ પુરાવવું પડતું. રોકેટબેલ્ટમાં મોટી ટાંકી શક્ય ન હતી. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને તેનો લાંબાંગાળાનો લશ્કરી ઉપયોગ શક્ય ન હતો, પણ રોકેટની ઝડપે આપબળે ઉડવા માટે રોકેટબેલ્ટ યાને જેટ પેક ઉપયોગી હતું. એ વખતે જેટ પેક સાહસિકોને ઝડપથી ઉડવામાં સ્વાવલંબી બનાવતું હતું અને સાહસનું પ્રદર્શન કરવામાં ય ઉપયોગી હતું. રોકેટબેલ્ટનો બહોળો ઉપયોગ અવકાશયાત્રીઓને કરવાનો થતો હોય છે.

હવે તો એવા અન્ય વિકલ્પો પણ અવેલેબલ છે, પરંતુ સાડા પાંચ-છ દશકા પહેલાં તેનું આકર્ષણ અનેરું હતું. દુનિયાના એ આકર્ષણના કારણે જ હેરોલ્ડ ગ્રેહામને દુનિયાના પ્રથમ રોકેટમેનનું સન્માન મળ્યું હતું.
                                                                              ***
રોકેટબેલ્ટની મદદથી ઉડવાનું શરૂ કર્યું એના દશકાઓ પહેલાં જ માણસે વિમાનની મદદથી ઉડવાનું શરૂ કરી દીધું હતું. પેરાશૂટ જેવા સાધનો પણ ઉડાન માટે મદદે આવ્યા હતા, પણ રોકેટબેલ્ટ કે જેટ પેકથી ઉડવાનું કામ ઘણું અલગ હતું. રોકેટબેલ્ટમાં મોસ્ટલી હાઈડ્રોજન પેરોક્સાઈડનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. રોકેટબેલ્ટમાં કુશળતાની કસોટી તેને કાબુમાં લેતી વખતે થાય છે. રોકેટબેલ્ટ બનાવવાની ટેકનિકમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનારા વેન્ડેલ મૂરેને પણ એમાં સફળતા મળી ન હતી. એ કામ હેરોલ્ડ ગ્રેહામે કરી બતાવ્યું હતું.

હેરોલ્ડ ગ્રેહામે એ પહેલાં ઉડ્ડયનની કોઈ જ તાલીમ લીધી ન હતી. માત્ર કાર ચલાવવાનો અનુભવ ધરાવતા ગ્રેહામે રોકેટબેલ્ટની ઉડાનમાં એવી તો ગ્રિપ મેળવી લીધી હતી કે તેને રોકેટમેન કહ્યા વગર છૂટકો ન હતો. એ જ કારણે પછી તો અમેરિકન એવિએશન વિભાગે તેમને પાયલટનું લાઈસન્સ આપ્યું હતું.

વિશ્વના પ્રથમ રોકેટમેને ઉડ્ડયનની કુશળતાથી ચાર્ટર પાયલટનું લાઈસન્સ મેળવ્યું હતું. એ પછી ગ્રેહામે આ દિશામાં ઘણું કામ કર્યું હતું. રોકેટબેલ્ટના બહોળા અનુભવ પછી તેમણે રોકેટબેલ્ટની નવી ડિઝાઈન તૈયાર કરી હતી. જે સાહસિક માટે વધુ અનુકૂળ હતી. આજે માર્કેટમાં ઉપલબ્ધ રોકેટબેલ્ટનો ઘણો ખરો આધાર ગ્રેહામની ડિઝાઈન આધારિત હોય છે.

વિશ્વમાં અંતરિક્ષ યુગનો આરંભ થયો ત્યારે જે કેટલાક હીરોઝ હતા એમાં એક નામ હતું - રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ. આજે એ નામ એટલું જાણીતું નથી, પણ જ્યારે જ્યારે ઉડ્ડયનના ઈતિહાસની ટાઈમલાઇન નોંધવાની થશે ત્યારે ત્યારે રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામનું નામ અચૂક લેવાશે.
Sunday 8 October 2017
Posted by Harsh Meswania
Tag :

લઘુ ઉદ્યોગો અને હેલ્થ લાઈસન્સ : અવળા હાથની અડબોથ!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વિશ્વમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આપણે ત્યાં ઉલટી ધારા વહી રહી છે. હેલ્થ લાઈસન્સ જેવા કેટલાંય જરૂરી કાયદાનો અમલ બિનજરૂરી રીતે થઈ રહ્યો છે

કાયદાનું મુખ્ય કામ નાગરિકોનું હિત જળવાય એ જોવાનું છે. એ માટે જરૂર પડયે નવા નવા કાયદા પસાર થતાં હોય છે અને જરૂર પડયે જૂના કાયદાને તિલાંજલિ અપાતી હોય છે. કાયદાના ઘડતરમાં કે કાયદાના પાલનમાં જડતા ન આવે એની તકેદારી રાખવી પડતી હોય છે. જો એમાં જડતા આવી જાય તો વ્યવસ્થાને બદલે અરાજકતા સર્જાતી હોય છે. એ અરાજકતાને પરિણામે નાગરિકોને ફાયદાને બદલે ઘણી વખત મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

કોઈ બિલ સંસદમાં પસાર થાય ત્યારે એનો ફાયદો ધ્યાનમાં લેવાતો હોય છે. એ ખરડો કાયદો બનીને અમલી થાય ત્યાં સુધી તેની આડઅસરની જાણ થતી નથી. એટલે જ કાયદો કેટલો વ્યવહારુ છે તેનું પણ સમયાંતરે મૂલ્યાંકન થતું હોય છે. મૂલ્યાંકન પછી કે નાગરિકોની મુશ્કેલી પારખ્યા પછી ઘણાં સરકારી એક્ટમાં સમયાંતરે જરૂરી ફેરફાર થાય છે. પણ કેટલાક કાયદાઓ પસાર થઈ ગયા પછી તેની વ્યવહારુતા જોવાતી નથી અને જડતાથી તેનું પાલન કરવાના સરકારી ફરમાનને વળગી રહેવાનું વલણ ઉપરથી નીચે સુધીના તમામ સ્તરે દાખવવામાં આવતું હોય છે. ભારતના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગને કનડતો એવો જ એક નિયમ છે - હેલ્થ લાઇસન્સ.
                                                                      ***
કેન્દ્ર સરકારે ૨૦૦૬માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પસાર કર્યો હતો. એ કાયદો ખાદ્ય પદાર્થો બનાવતા નાના-મોટા ઉદ્યોગ-ધંધાઓએ સીધો અસરકર્તા બન્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો સીધો મુદ્દો હોવાથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ટાળવા એ કાયદો જરૂરી છે. આ કાયદો દવા બનાવતી કંપનીઓથી લઈને પાણીપૂરીની લારી સુધી વ્યવસ્થિત લાગુ પડે એ અનિવાર્ય છે.

આડેધડ ખાદ્ય સામગ્રીનું વેંચાણ થતું હોય અને એ માટે સરકારી લાઈસન્સ ન હોય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા વધી જાય છે. એના કારણે આખરે નિર્દોષ લોકો રોગચાળાના ખપ્પરમાં હોમાય જાય છે. સરકારી ધારાધોરણ પ્રમાણેની ચીજવસ્તુઓ ખાદ્યપદાર્થોની બનાવટમાં ન વપરાતી હોય તો કિડનીની બિમારી, કેન્સર, આંતરડા ડેમેજ થવા ઉપરાંત ચેતાતંત્રની ગંભીર બીમારી નોતરી શકે છે.

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થતી હોય તો આકરી શિક્ષા ય થવી જોઈએ. પૂરું વળતર ચૂકવ્યાં પછી ય નબળાં ખાદ્યપદાર્થો લોકોને પધરાવતા હોય તો એવાં મોટા ઉદ્યોગપતિ સામે કે નાનકડાં લારીધારક સામે એક સરખી રીતે લાલા આંખ કરવી જોઈએ. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તો સખ્તાઈથી તેનું પાલન આવકાર્ય છે.

પણ ફૂટ સેફ્ટીનો એ કાયદો આપણે ત્યાં બીજી બધી બાબતોમાં બને છે એમ સરકારી અધિકારીઓ માટે તોડનું મોટું કારણ બની ગયો. હેલ્થ લાઈસન્સ ન હોય એવા કિસ્સામાં વહીવટ પતાવવા સુધી જ આ કાયદો મર્યાદિત બનવા લાગ્યો છે. એ મુશ્કેલી તો જાણે ખરી જ, પરંતુ એ સિવાયની બીજી એક મુશ્કેલી એ પણ છે કે જેને જરૂરી ન હોય એવા નાના કે મધ્યમકદના ઉદ્યોગ એકમોએ પણ ફરજિયાત હેલ્થ લાઈસન્સ લેવું પડે છે. જેને હેલ્થની પ્રોડક્ટ સાથે સીધી કોઈ જ લેવા-દેવા નથી એવા લઘુ ઉદ્યોગ એકમો પાસે જો હેલ્થ લાઈસન્સ ન હોય તો અધિકારીઓને તોડનું મજબૂત કારણ મળી જાય છે.

સ્પષ્ટ રીતે અખાદ્ય ન હોય એવા બિઝનેસને બાદ કરતા તમામ નાના-મોટા ઉદ્યોગ એકમો અને ધંધાર્થીઓને આ કાયદો લાગુ પડે છે. સ્વાસ્થ્ય સાથે કે આરોગ્ય સાથે સીધી કશી નિસ્બત ન હોય એ ઉદ્યોગ એકમો પણ આ કાયદો પાળવા બંધાયેલા છે. કાયદાનો વ્યાપ જ એટલો વિશાળ બનાવાયો છે કે તેમાં જે ખાદ્ય સુરક્ષાનો મૂળ હેતુ રખાયો હતો એ પૂરો થતો નથી.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદાનું પાલન થતું ન હોય તો જે તે સ્થાનિક તંત્ર એ ઉદ્યોગ એકમને કે ધંધાર્થીને દંડ કરી શકે છે. તેનો વેંચાણનો પરવાનો જોખમમાં આવી જાય એવો આકરો દંડ પણ ફટકારી શકે એવી સત્તા તેમને આપવામાં આવી છે. એ સત્તાના કારણે ઘણી વખત સ્થાનિક તંત્ર બહુ આકરું વલણ પણ દાખવે છે. ક્યારેક ખાદ્યપદાર્થના નિમ્નસ્તરની એકાદ ઘટના સામે આવી હોય તો તમામ લઘુ-મધ્યમ ઉદ્યોગએકમોને એક લાકડીએ દંડ કરાતો હોય છે.

બીજી તરફ સ્થિતિ એ છે કે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ટાળવા અને ઉચ્ચ ગુણવત્તાની ખાદ્યસામગ્રી માર્કેટમાં ઉપલબ્ધ રહે એ માટે કાયદાનું સખ્તાઈથી પાલન કરવવા માટે હેલ્થ ખાતા પાસે પૂરતા અધિકારીઓ કે સ્ટાફનો અભાવ છે. ફૂડ સિક્યુરિટીનો વ્યાપ ઘણો વધારે હોવાના કારણે જે ઉદ્યોગસાહસિકો કે ધંધાર્થીઓમાત્ર ખાવા-પીવાની પ્રોડક્ટનું જ ઉત્પાદન કરે છે તેમના પર તંત્રનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત થતું નથી. ફૂડ સિક્યુરિટીનો હેતુ અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હેતુ એમ બંને સાધી શકાય એવો કાયમી ઉપાય શું?
                                                                       ***
 વેલ, તો હવે સવાલ એ છે કે શું હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવી શકાય?
કદાચ થોડો ફેરફાર કરવાથી ફૂડ સેફ્ટી એક્ટ અસરકારક બની શકે. ફૂડ સાથે જેને સીધી લેવાદેવા છે એને લાઈસન્સ ફરજિયાત કરવું જોઈએ. એમાં કોઈ જ બાંધછોડ સુદ્ધાં ન કરવી જોઈએ. જરૂર પડયે આકરો દંડ કરીને લાઈસન્સ રદ્ કરવા સુધીના પગલાં ભરવા જોઈએ. પણ સામે જે લઘુ ઉદ્યોગોને સીધી નિસ્બત નથી એને એક વખત પરવાનગી આપીને મુક્ત કરવા જોઈએ. એનાથી અછતમાં કામ કરતા સરકારી તંત્રનું ધ્યાન માત્ર આરોગ્ય પ્રોડક્ટ સાથે જેને સીધી લેવા-દેવા છે એવા લઘુ કે મધ્યમકદના ઉદ્યોગો ઉપર કેન્દ્રિત થશે.

વળી, સીધી આરોગ્ય પ્રોડક્ટ સાથે નિસ્બત નથી તેવા ઉદ્યોગએકમોને તેમાંથી બાકાત રહેશે તો તંત્ર આડેધડ દંડ વસૂલી નહીં શકે, પણ જ્યાં ખરેખર ચેડાં થાય છે એની નિયમિત તપાસ થઈ શકશે. સામાન્ય ઉદ્યોગ માટે અપાતા ગુમાસ્તાધાર વખતે જ સરકાર અલગથી ટોકન હેલ્થ ટેક્સ વસૂલી લે તો સરકારની કરની આવકમાં સીધો ફરક પણ પડે એમ નથી. આ કર સત્તાવાર હશે એટલે દંડમાં થતો ભ્રષ્ટાચાર બાદ થઈ જશે.

હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવવા માટે આ કવાયત જરૂરી છે એ વાત તો જાણે સમજાઈ ગઈ, પણ એ મુદ્દો ય સમજવો જરૂરી છે કે લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો માટે આટલું મહેરબાન થવું કેમ જરૂરી છે?!
                                                                     ***
 આ વર્ષે યુનાઈટેડ નેશન્સે માઈક્રો-સ્મોલ એન્ડ મીડિયમ સાઈઝ્ડ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ડેની ઉજવણી શરૂ કરી છે. આપણે ત્યાં જે સમયગાળામાં નાના ઉદ્યોગએકમો જીએસટીની પળોજણમાં પડયાં હતા બરાબર એ જ સમયગાળામાં ૨૭મી જૂને પ્રથમ એમએસએમઈ ડે ઉજવાઈ ગયો.

યુનાઈડેટ નેશન્સનો ઉદેશ્ય બહુ સ્પષ્ટ છે કે જે સન્માન મોટા ઉદ્યોગોને મળે છે એવું જ સન્માન નાનકડા અને મધ્યમ કદના ઉદ્યોગોને ય મળવું જોઈએ. યુએનના અહેવાલમાં કહેવાયું હતું કે વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં મોટી કંપનીઓ જેટલી અસરકારક નથી નીવડી એનાથી અનેકગણી નાના અને મધ્યમ ઉદ્યોગોએ અસર છોડી છે. યુએન અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સ્મોલ બિઝનેસ તો ત્યાં સુધી કહે છે કે ભારત જેવા વિકાસશીલ દેશોએ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે મોટા ઉદ્યોગોને બદલે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.

એ પાછળનો બીજો ય એક હેતું રહી રહીને યુએનને દેખાયો છે. એ હેતુ છે કાર્યકુશળ ઉદ્યોગપતિઓની ફૌજ તૈયાર કરવાનો! નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક સંસ્થાઓ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવાનો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ એવું દૃઢપણે માને છે કે છેલ્લાં ૫-૭ દશકાથી વિશ્વભરના ઉદ્યોગો ઉપર ચોક્કસ ઉદ્યોગપતિઓનું જ પ્રભુત્વ છે. કોઈ પણ દેશના લાંબાંગાળાના આર્થિક વિકાસ માટે ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિ અને તેમના પરિવારનું આધિપત્ય અત્યંત ગંભીર હોવાનું નવી પેઢીના અર્થશાસ્ત્રીઓ અનેક વખત કહી ચૂક્યા છે.

ગણ્યા-ગાંઠયા ૧૦૦ ધનવાનો ભેગા મળીને દુનિયાભરની સરકારો ઉપર પ્રભાવ પાથરી શકતા હોય તો એ વિશ્વની શાંતિ અને સલામતિ માટે જોખમી છે. એનો અર્થ એવો થયો કે દુનિયાના ૨૦૦ જેટલાં દેશો ૧૦૦ જેટલા સાધન-સંપન્ન ઉદ્યોગપતિઓના ઈશારે પોતાના મહત્વના નિર્ણયો કરે છે. જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આર્થિક ક્ષેત્રે પહોળી થતી આ ખાઈ સંતુલિત થાય તે માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એવી નીતિ વિશ્વભરમાં અપનાવાઈ રહી છે. તેનાથી બે-ત્રણ દશકામાં આર્થિક સંતુલન જળવાશે અને લઘુ-મધ્યમ કદના ઉદ્યોગોની આર્થિક શક્તિ પણ એટલી વિશાળ હશે કે તેનાથી ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિઓની પ્રભાવી રાજનીતિ ખાળી શકાશે.

એશિયા કે આફ્રિકામાં આવા ઉદ્યોગોની કુલ કમાણી કેટલી છે અને તેની કુલ ઈકોનોમીમાં શું અસર છે એવા બહુ સંશોધનો નથી થતા, પણ યુરોપ આ બાબતે વિશેષ ધ્યાન આપે છે. એ અહેવાલોનો આધાર લઈએ તો યુરોપમાં મીડિયમ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૫ કરોડ યુરો છે. લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૧ કરોડ યુરો અને અતિ લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખ યુરોનું છે. આ બધા મળીને યુરોપિયન સંઘની ઈકોનોમીમાં પ્રભાવી હિસ્સો ધરાવે છે.

વિશ્વમાં સૌથી વધુ સ્મોલ સ્કેલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકામાં છે. બીજી રીતે કહીએ તો અમેરિકા લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાંથી પણ નોંધપાત્ર કમાણી રળે છે. અમેરિકાના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો વર્ષે ૧૦ કરોડ ડોલરનો નફો રળે છે. તો ઓસ્ટ્રેલિયામાં ૪૦ લાખ લોકોને લઘુ અને મધ્યમ ઉદ્યોગો રોજગારી આપે છે.

પરંતુ આપણે ત્યાં ઉલટી ધારા વહે છે. નોટબંધીનો માર ખમીને હજુ તો માંડ માંડ બેઠી થઈ રહેલી આ ઈન્ડસ્ટ્રી પર જ સૌથી વધુ માર જીએસટીનો ય પડયો છે. એમાં વળી ફૂડ સેફ્ટી જેવા જરૂરી કાયદા બિનજરૂરી ઉદ્યોગ એકમો પર પણ ફરજિયાત બનાવાયા છે. એનાથી થાય છે એવું કે વિશ્વ આપી રહ્યું છે એવું પ્રોત્સાહન પણ લઘુ ઉદ્યોગોને આપી નથી શકાતું કે નથી નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલાં ચેડાં રોકી શકાતા.
જરૂરી કાયદાનું બિનજરૂરી અમલીકરણ કઈ રીતે થાય તેનું આ બંધબેસતું ઉદાહરણ છે!
Sunday 1 October 2017
Posted by Harsh Meswania
Tag :

AK-47ની શોધ બદલ મિખાઈલ કલાશનિકોવને અફસોસ હતો


 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

AK-47ની શોધને ૭૦ વર્ષ થયા એ નિમિત્તે રશિયામાં તેના શોધક કલાશનિકોવનું સ્મારક ખુલ્લું મૂકાયું છે. કલાશનિકોવે કેવા સંજોગોમાં AK-47 બનાવી હતી?

ખેડૂત પરિવારમાં જન્મેલા મિખાઈલ કલાશનિકોવને બાળપણથી જ અલગ અલગ ચીજવસ્તુઓને ભેગી કરીને એના પ્રયોગો કરવા ગમતા હતા. કિશોરાવસ્થામાં મિખાઈલે ખેડૂત પિતાને ખેતીમાં મદદરૂપ બને એવા સાધનો બનાવી આપ્યા હતાં. વાવણી અને લણણી ઉપરાંત સિંચાઈમાં સરળતા રહે એવા મિખાઈલે બનાવેલા સાધનોની ડિમાન્ડ બીજા ખેડૂતો પણ કરવા લાગ્યા હતા.

પરિવારજનોએ ખેતીને બદલે આવા સાધનો બનાવવા તરફ ધ્યાન દેવાનું મિખાઈલને પ્રોત્સાહન આપવા માંડયું, પણ નવા સાધનો વિકસાવવા માટે ચીજવસ્તુઓ ખરીદવી પડે. એવું બજેટ તે વખતે મિખાઈલ પાસે ન હતું.

પરિવાર પાસે ય એવી રકમ ન હતી કે મિખાઈલની ધારણા પ્રમાણે બજેટ ફાળવી શકે. મિખાઈલે ટ્રેક્ટર રીપેર કરતા કારીગર પાસે થોડો વખત નોકરી કરી. થોડો સમય બીજી પણ નાની-મોટી નોકરીઓ કરીને બિઝનેસ માટે બજેટ એકઠું કરવા મથામણ આદરી. ખેતીમાં ઉપયોગી થાય તેવા સાધનો બનાવીને બિઝનેસ શરૂ કરવાનું મિખાઈલનું આયોજન સફળ થાય એ પહેલાં બીજા વિશ્વયુદ્ધનાં પડઘમ વાગ્યાં.

રશિયન આર્મીમાં યુવાનોની ભરતી થતી હતી. આર્થિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિખાઈલે પણ એમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. બીજા વિશ્વયુદ્ધની અરાજકતામાં ખેતી માટે મિખાઈલે કરેલી નાની-મોટી શોધો ભૂલાઈ ગઈ. ખુદ મિખાઈલે પણ એ પ્રયોગો ભૂલીને યુદ્ધમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

૧૯૪૧માં જર્મની સામે બ્રયાન્સ્કમાં યુદ્ધ થયું એમાં મિખાઈલને ગંભીર ઈજા થઈ. કેટલાય મહિનાઓ સુધી મિખાઈલને હોસ્પિટલના બિછાને પડી રહેવું પડયું. એ દરમિયાન તેનો પરિચય અન્ય ઈજાગ્રસ્ત સૈનિકો સાથે ય થયો. વાતચીત દરમિયાન તમામ સૈનિકો એક જ ફરિયાદ કરતા હતા કે તેમની પાસે જોઈએ એવી બંદૂક નથી. નાઝીસૈન્ય પાસે જેવી બંદૂકો છે એવી બંદૂકો રશિયન સૈનિકો પાસે હોય તો ઈજાગ્રસ્ત સૈનિકોની સંખ્યા ઘટી જાય એમ છે એવું મિખાઈલને સમજાયું ત્યારથી તેના પ્રયોગશીલ દિમાગમાં ફરીથી નવું સંશોધન કરવાનું જોમ આવ્યું.

હોસ્પિટલના બિછાને જ મિખાઈલે નવી બંદૂક બનાવવાના પ્રયોગો હાથ ધર્યાં. એ વખતે રશિયામાં જે બંદૂકનો ઉપયોગ થતો હતો તેમાં બે ગોળી છૂટે એ વચ્ચે ઘણો સમય જતો હતો. મિખાઈલે પહેલાં તો એ સમયગાળો ઘટે એ માટે સંશોધનો કર્યા. એ પછી ગોળીની તીવ્રતા વધારવાના પ્રયોગો પણ કર્યા. ઠંડા કે ગરમ વાતાવરણમાં રાઈફલ એક સરખી અસરથી દુશ્મનોને વીંધી નાખે તે માટે ય મિખાઈલે કામ કર્યું. નવી બંદૂકની ડિઝાઈનનું ઘણું કામ થઈ ચૂક્યું હતું એ દરમિયાન ઈજા સારી થઈ જતાં હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી.

આર્મીની જવાબદારી તેની રાહ જોઈને બેઠી હતી. ફરીથી મિખાઈલને યુદ્ધભૂમિમાં જવાનું થયું, પણ એ વખતે એક ઉચ્ચ આર્મી અધિકારીને મિખાઈલની બંદૂકની ડિઝાઈન વિશે ખબર પડી. ઉચ્ચ આર્મી અધિકારીએ તેને યુદ્ધભૂમિને બદલે શસ્ત્ર ડિઝાઈનર તરીકે કામ કરવાનું સૂચવ્યું. આર્મી અધિકારીએ સમજાવ્યું કે દેશને સૈનિકો તો મળી જશે, પણ શસ્ત્ર ડિઝાઈનર નહીં મળે. એ કામ વધુ મહત્વનું છે એવો ઉચ્ચ અધિકારીએ પાનો ચડાવ્યો એ સાથે મિખાઈલ કલાશનિકોવની રશિયન સૈન્યમાં વેપન્સ ડિઝાઈનર તરીકેની નવી કારકિર્દીનો આરંભ થયો.
                                                                        ***
 મિલિટરી એન્જિનિયર તરીકે મિખાઈલે કામ શરૂ કર્યું એ સાથે નાના-મોટાં ઘણાં શસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં જે સાધનોની તાત્કાલિક જરૃરિયાત હતી એવા સાધનો પ્રાયોરિટીથી તેમણે બનાવી આપ્યાં. સબમશીન ગનથી લઈને હળવા વજનની બંદૂકો એ વર્ષોમાં તેમણે ડિઝાઈન કરી.

દરમિયાન તેમના દિમાગમાં પેલી તીવ્ર અને ઘાતક બંદૂકની ડિઝાઈન તો આકાર પામતી જ હતી. પણ એ કામ તુરંત થઈ શકે એમ ન હતું. તેમણે સમય મળ્યે એમાં પ્રયોગો કર્યા. એવો જ એક પ્રયોગ વિશ્વયુદ્ધનું છેલ્લું વર્ષ ચાલતું હતું એ દરમિયાન ૧૯૪૫માં કર્યો. પરંતુ બંદૂકને મિલિટરી ટ્રાયલમાં સદંતર નિષ્ફળતા મળી. લશ્કરી અધિકારીઓએ મિખાઈલની ટીકા કરી અને આવા અશક્ય જણાતા પ્રોજેક્ટ ઉપર કામ કરવાને બદલે સૈન્ય માટે જરૃરી હોય એવા શસ્ત્રોની ડિઝાઈનમાં ધ્યાન આપવાની સલાહ આપી.

પણ લશ્કરી ટ્રાયલમાં નિષ્ફળ નીવડેલી બંદૂકથી મિખાઈલને બહુ જ અપેક્ષા હતી. મિખાઈલને હતું કે એ બંદૂક યુદ્ધભૂમિના સમીકરણો બદલી શકે તેમ છે. એ વિશ્વાસે મિખાઈલને ફરીથી પ્રયાસો કરવાનું બળ આપ્યું. યુદ્ધ પૂરુ થઈ ચૂક્યું હતું, પણ અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડવોરની શરૂઆત થઈ હતી. એ હિસાબે રશિયાએ શસ્ત્રોના પ્રયોગોમાં ઓટ ન આવવા દીધી. નવા નવા લશ્કરી પ્રયોગોને પૂરતું પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી.

એ નીતિના ભાગરૂપે મિખાઈલને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધારવાની પરવાનગી મળી. નિષ્ફળતા પછી બમણાં જોશથી સફળતા માટે પ્રયાસો કરી રહેલા મિખાઈલને ૧૯૪૭માં ધારણા પ્રમાણેની બંદૂક વિકસાવવામાં સફળતા મળી હતી. ઝડપી, તીવ્ર અને ઘાતક એ બંદૂકને નામ મળ્યું : AK-47.
                                                                           
                                                                            ***
 ૧૯૪૨થી શરૂ થયેલા પ્રયોગોને આખરે ૧૯૪૭માં સફળતા મળી હતી. ૧૯૪૭માં મિખાઈલ કલાશનિકોવે AK-47 બંદૂક બનાવી તે ઓટોમેટિક હતી. ઓટોમેટિક માટે રશિયામાં 'ઓવ્ટોમેટ' શબ્દ વપરાય છે. 'ઓવ્ટોમેટ'નો A, ડિઝાઈનર મિખાઈલની સરનેમ કલાશનિકોવનો K અને શોધ જે વર્ષે થઈ હતી એ ૧૯૪૭માંથી 47 લઈને બંદૂકને AK-47 નામ આપવામાં આવ્યું.

એ વખતે દુનિયામાં વપરાતી બધી જ બંદૂકો કરતા AK-47 આધુનિક હતી. ૧૯૪૮માં લશ્કરી પ્રયોગો સફળ થયા પછી રશિયાએ ૧૯૪૯માં આ બંદૂકને સત્તાવાર રીતે લશ્કરમાં સ્થાન આપ્યું.

AK-47 વિકસાવવામાં મિખાઈલને પાંચ વર્ષ લાગ્યાં હતાં, નોકરીના ભાગરૂપે આ રાઈફલ તેમણે ડિઝાઈન કરી હતી એટલે વિશ્વમાં બંદૂક સફળ થઈ પછી ય તેમને કશું જ આર્થિક વળતર મળ્યું ન હતું. વળી, આ રાઈફલના પ્રોડક્ટ હકો મિખાઈલના કે રશિયાના નામે નોંધાયા ન હતા એટલે ડિઝાઈનમાં ફેરફાર કરીને આ જ બંદૂક ઘણાં દેશોમાં બનવા લાગી હતી.

કોલ્ડવોર પછી અમેરિકામાં AK-47 બહુ જ લોકપ્રિય નીવડી. અત્યાર સુધીમાં ૧૦ કરોડ AK-47નું ઉત્પાદન થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં AK-47ને સૌથી વધુ ઉત્પાદિત બંદૂકની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

વિશ્વનાં ૧૦૬ જેટલાં દેશોમાં AK-47નો લશ્કરી ઉપયોગ થાય છે. સોમાલિયાના ચાંચિયાથી લઈને આતંકવાદીઓ સુધી પણ AK-47 પહોંચી ચૂકી છે. ૩૦ દેશો આ બંદૂકનું ઉત્પાદન કરે છે. સૌથી મોટા ઉત્પાદક દેશો રશિયા અને ચીન છે. આજે દુનિયામાં વર્ષે એકાદ લાખ લોકો આ બંદૂકના કારણે મૃત્યુ પામતા હોવાનું કહેવાય છે. તેને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતકી હથિયાર માનવામાં આવે છે.

રશિયન સૈનિકો દુશ્મનોની તીવ્ર ગોળીના જવાબરૂપે બચાવમાં તીવ્ર ગોળીઓ છોડી શકે એ માટે બનેલી બંદૂક પછીથી બર્બરતાનું પ્રતીક બની ગઈ છે. આજે વિશ્વમાં પ્રતિ ૬૦મા વ્યક્તિ પાસે એક AK-47 ઉપલબ્ધ છે. તેના વિવિધ ઉત્પાદનો ૧૦ ડોલરથી લઈને ૨૦૦ ડોલર સુધીમાં મળી જાય છે. એટલે કે ૭૦૦ રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીમાં આ રાઈફલ ઉપલબ્ધ બને છે.
વિશ્વની સૌથી લોકપ્રિય, સૌથી ઘાતક અને સૌથી વધુ જથ્થામાં બનતી બંદૂક AK-47 છે, તે જાણીને શોધક મિખાઈલની છેલ્લાં વર્ષોમાં કેવી પ્રતિક્રિયા હતી?
                                                                   ***
રશિયામાં આ રાઈફલના ૭૦ વર્ષ થયા તેની પૂરજોશમાં ઉજવણી થઈ હતી. રશિયન પ્રમુખ પુતિને આ રાઈફલને રશિયાની કલ્ચરલ બ્રાન્ડ ગણાવી હતી. ગયા સપ્તાહે સંશોધક મિખાઈલ કલાશનિકોવના સન્માનમાં એક સ્મારક ખુલ્લું મૂકાયું હતું. મિખાઈલની ૩૦ ફૂટ ઊંચી પ્રતિમાનું મોસ્કોમાં અનાવરણ થયું હતું. AK-47 હાથમાં રાખીને મિખાઈલનું પૂતળું મોસ્કોની બજારમાં ભલે ખડું કરાયું હોય, પણ આ રાઈફલની શોધ બદલ મિખાઈલને છેલ્લાં દિવસોમાં પારાવાર અફસોસ હતો.

આર્મીમેન મિખાઈલ સંવેદનશીલ હૃદય ધરાવતા હતા. બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતા હતા ત્યારે મિખાઈલ કવિ બનવાનું સપનું જોતા હતા. કિશોરાવસ્થામાં શરૂ થયેલી કવિતાઓના સર્જનની સફર જીવનના અંતિમ તબક્કા સુધી ચાલું રહી હતી. યુદ્ધ વખતે, શસ્ત્રોની ડિઝાઈન વખતે અને નિવૃત્ત થયા પછી ય તેમણે કવિતા સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો.

એમની સર્જક તરીકેની યાત્રા દરમિયાન તેમના ૬ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. જેમાં કવિતાઓ, નિબંધો, લેખો અને જીવનના અનુભવોનો સમાવેશ થતો હતો. છેલ્લાં શ્વાસ સુધી તેમણે કવિતાનું સર્જન કર્યું હતું. તેમની સંવેદનશીલ કવિતાઓ વાંચીને ભાગ્યે જ કોઈ એવું માની શકતા કે AK-47 જેવી ઘાતકી રાઈફલના સર્જક આવાં ઉર્મી કાવ્યોના પણ સર્જક છે!

૨૦૦૭માં પહેલી વખત બચાવ માટે બનેલી બંદૂકને બર્બરતાનું પ્રતીક બનતી જોઈને મિખાઈલે પોતાની શોધ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સખેદ કહ્યું હતું કે મારી શોધથી નિર્દોષ લોકોના મૃત્યુ થતાં જોઈને મારી ઊંઘ ઉડી જાય છે.

૨૦૧૩માં ૯૪ વર્ષની તેમનું નિધન થયું તેના થોડા સમય પહેલાં જાણે પોતાની શોધ બદલ ઈશ્વરની માફી માગતા હોય એમ તેમણે ચર્ચને એક પત્ર લખ્યો હતો : 'હું ૯૩ વર્ષનો ખેડૂતપુત્ર મિખાઈલ એ માટે ખુબ દુ:ખી છું કે મારી શોધના કારણે લોકો પળવારમાં મોતને ભેટે છે. રહી રહીને મને સવાલ થાય છે કે શું હું એ લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર છું? મારી શોધના કારણે જે મૃત્યુ થયા છે અને હું એના માટે જો જવાબદાર હોઈશ તો ઈશ્વર મને માફ કરશે?'
Sunday 24 September 2017
Posted by Harsh Meswania
Tag :

ભારતના માર્કેટમાં દર વર્ષે કેટલી નકલી દવાઓ વેંચાય છે?


રૂરલ ઈન્ડિયામાં કુલ દવાના વેંચાણમાંથી ૨૫ ટકા નકલી દવાઓ વેંચાય છે

નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.


માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.

હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.

પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.

ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.

બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!

એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.

તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!

ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.

ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
Sunday 17 September 2017
Posted by Harsh Meswania
Tag :

ઈન્ટરનેટમાં આવી રહેલો ભારતીય ભાષાઓનાં વર્ચસ્વનો ટ્રેન્ડ!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

અત્યારે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીમાંથી માત્ર ૦.૦૧ ટકા માહિતી ભારતીય ભાષાઓમાં છે, પણ સંશોધનો કહે છે કે ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાઈ જશે

વિશ્વમાં ૨૦૧૭માં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૪૮૦ કરોડ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. એમાં ૨૦૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૨ સુધીમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૫૫૦ કરોડને પાર થશે ત્યારે ૩૮૦થી ૪૦૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ હશે. બે વર્ષ પછી જ ૨૦૧૯માં દુનિયામાં ૨૫૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ થશે. મોબાઈલ અને સ્માર્ટફોન યુઝર્સમાં ભારત અને ચીન ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યાં છે.
ચીનમાં ૧૫૦ કરોડ મોબાઈલ યુઝર્સ છે અને ભારતમાં મોબાઈલ યુઝર્સનો આંકડો લગભગ ૧૪૦ કરોડને પાર થવાની તૈયારીમાં છે. ભારતમાં આગામી પાંચ વર્ષમાં મોબાઈલ ધારકો વધશે અને ભારત ચીન કરતા એ મામલે આગળ નીકળી જશે. અત્યારે દેશમાં ૩૮ કરોડ જેટલા સ્માર્ટફોન ધારકો છે, એમાં માત્ર ચાર વર્ષમાં ૬૦-૬૫ ટકાનો વધારો થવાની ધારણા છે. ૨૦૧૬માં દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ૩૭. ૩ કરોડ હતી. બે વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૫૦ કરોડ થવાની શક્યતા ગ્લોબલ ઈન્ટરનેટ ટ્રાફિકનું મોનિટરિંગ કરતી એજન્સીઓએ વ્યક્ત કરી છે. ૨૦૧૨ સુધીમાં દેેશમાં ૮૨ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ હશે.
ભારતમાં લોકોની ખરીદશક્તિ વધી છે. મોબાઈલ ફોન તો ઠીક હવે સ્માર્ટફોન ભારતમાં જરૃરિયાત ગણાય છે. એક અંદાજ એવો છે કે કરોડો મોબાઈલ ધારકો બે-ત્રણ વર્ષમાં સ્માર્ટફોન ધારક બની જશે. એ હિસાબે સ્માર્ટફોન યુઝર્સનો આંકડો બે-ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધશે. ૨૦૨૨માં આપણાં દેશમાં ૧૦૦ કરોડ લોકો પાસે સ્માર્ટફોન હશે અને કુલ મોબાઈલ ફોન્સની સંખ્યા ૨૦૦ કરોડ કરતાં ય વધું હશે! દેશના વીસેક કરોડ લોકો પાસે બબ્બે મોબાઈલ હશે. બીજી રીતે કહીએ તો દેશની કુલ વસતિમાંથી ૭૦ ટકા પાસે સ્માર્ટફોન હશે.
બસ, આ અહેવાલો જોઈને જ વિશ્વભરની મોબાઈલ કંપનીઓને ભારતનું નામ સાંભળીને લાળ ટપકે છે! ચીનની કંપનીઓને ભારતના વિશાળ માર્કેટમાં સસ્તા ભાવે સ્માર્ટફોન વેંચીને કબજો કરવો છે. તો અમેરિકા-જાપાન-સાઉથ કોરિયાની મોબાઈલ કંપનીઓ પણ લોયલ ગ્રાહકોની તલાશમાં બધું જ કરી છૂટવા તૈયાર છે.
એમાં ભારતીય ગ્રાહકોને આકર્ષે એવી કિંમત ઉપરાંત વિવિધ સુવિધાનો સમાવેશ થાય છે. ૫થી ૬ ઈંચની સ્ક્રીન, હાઈ રિઝોલ્યુશનના કેમેરા, બેટરી ક્ષમતા, મોબાઈલ સ્ટોરેજ જેવું ઘણું બધું આપીને ભારતીય ગ્રાહકોને ખુશ કરવાની કોશિશ થઈ છે અને એમાંની એક સુવિધા છે ભાષા!
                                                                        ***
૨૦૦૮-૧૦ આસપાસ મોબાઈલ ફોનમાં હિન્દીભાષા સપૉર્ટ થતી ત્યારે ભાષાપ્રેમીઓનું હૈયું હરખાઈ ગયું હતું. વિદેશી કંપનીઓ માટે ત્યારે ભાષા કે વધુ સુવિધા જેવા ફેક્ટર્સ કામ કરતાં ન હતાં. માર્કેટમાં સ્પર્ધા ઓછી હતી એટલે મોનોપોલી ભોગવતી કંપનીઓ મોબાઈલના નામે જે આપે એ લઈ લેવાના દિવસો હતાં. ભારતમાં તો ટેકનોલોજીના સંશોધનો નહીંવત્ થાય છે, એટલે મોબાઈલ ફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થાય તેવા સંશોધનોની શક્યતા જ નહોતી. વિદેશી સંશોધનો થાય એની રાહ જોવાની હતી અથવા તો મોબાઈલના માર્કેટમાં સ્પર્ધા જામે ત્યાં સુધી ધીરજ રાખવાની હતી.

એ ધીરજનું ફળ ૨૦૧૩-૧૪ પછી મળવા લાગ્યું. મોબાઈલ કંપનીઓ વચ્ચે ભારતનું માર્કેટ સર કરવાની હોડ જામી હતી અને એમાં હિન્દી સિવાયની ભાષાઓ માર્કેટિંગ ફિચરના ભાગરૃપે સપૉર્ટ થવા લાગી હતી. ભારતના ગ્રાહકોએ હિન્દી સિવાયની ભાષાની ડિમાન્ડ નહોતી કરી, પણ કંપનીઓએ રાજ્યોના માર્કેટ પ્રમાણે એક પછી એક ભાષાઓ ઉમેરવા માંડી. ભાષા ઉમેરાતી ગઈ પછી ગ્રાહકોમાં ય એની ડિમાન્ડ થવા લાગી.
આમ તો હજુ હમણાં સુધી સ્થાનિક ભાષા સપૉર્ટ થતી હોય તો જ મોબાઈલ ખરીદે એવી ડિમાન્ડ કરનારા ગ્રાહકો બહુ ઓછા હતા, પણ સોશિયલ મીડિયાનું મોજું ફરી વળ્યું પછી ગુજરાતી-મરાઠી-બંગાળી જેવી ભાષાઓ મોબાઈલમાં દેખાતી હોય તો જે તે રાજ્યના ગ્રાહકને ઘણું નવું વાંચવા મળતું હતું એટલે એવી ભાષા સપૉર્ટ થતી હોય એવા મોબાઈલ ખરીદવાનું પ્રમાણ વધ્યું. આભાર તો આવી કંપનીઓનો જ માનવો રહ્યો કે તેમણે સ્પર્ધાના કારણે ભારતની ભાષાઓ સપૉર્ટ થાય એવા મોબાઈલ આપણાં સુધી પહોંચાડયા, નહીંતર ભારતીય ગ્રાહકો આવી ડિમાન્ડ કરતા હોત કે કેમ એ મોટો સવાલ હોત!
ભારતીય ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ઉપલબ્ધ બનવા લાગ્યા એ પછીના ત્રણ-ચાર વર્ષમાં હવે સ્થિતિ સદંતર બદલી ગઈ છે. આજે ભારતમાં મળતા ૮૦ ટકા સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી છે. આપણી સરકાર પણ રહી રહીને જાગી છે. સરકારે ઓક્ટોબર-૨૦૧૬માં એવી જાહેરાત કરી હતી કે ૧લી જુલાઈ, ૨૦૧૭ પછી દેશના માર્કેટમાં પ્રવેશ કરનારી કોઈ પણ મોબાઈલ ઉત્પાદક કંપનીએ ભારતની બધી જ સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન જ ઉપલબ્ધ બનાવવા પડશે.
ભારતની સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોનનું પ્રમાણ વધ્યું એ પાછળ ફેસબુક અને વોટ્સએપની લોકપ્રિયતાનો પણ ફાળો ખરો. આ બંનેમાં હિન્દી સિવાયની ભાષાઓમાં વિચારો વ્યક્ત થવા લાગ્યાં એટલે ગ્રાહકોમાં ય પ્રાદેશિક ભાષા સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોન ખરીદવાનું વલણ વધ્યું. આજે દરેક રાજ્યોમાં માતૃભાષામાં વાંચન સામગ્રી ફરવા લાગી છે. પ્રાદેશિક ભાષા સપૉર્ટ ન થતી હોય એવાં સ્માર્ટફોન્સની સંખ્યા ઘટી ગઈ છે અને જે મોબાઈલમાં હજુ ય ભારતીય ભાષાઓ સપૉર્ટ નથી થતી એમાં એ કસર વિવિધ એપ્સ દ્વારા પૂરી થઈ જાય છે.
ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો સ્માર્ટફોન ગુજરાતી કન્ટેન્ટથી ઉભરાવાં લાગ્યા છે. ભારતમાં લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં એ જ સ્થિતિ છે, છતાં સવાલ હજુય એ છે કે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષામાં કેટલી વાંચન સામગ્રી ઉપલબ્ધ હશે?
                                                                    ***

ભારતની સત્તાવાર ભાષામાં કુલ કેટલું કેન્ટેન્ટ અવેલેબલ છે તેનું એક રસપ્રદ સંશોધન ગૂગલ સાથે મળીને પ્રોફેશ્નલ સર્વિસ કંપની KPMGએ હમણાં હાથ ધર્યું હતું. એનું તારણ એ આવ્યું કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કુલ સામગ્રી સાથે આપણી ૨૨ સત્તાવાર ભાષાઓમાં અવેલેબલ કન્ટેન્ટની તુલના થાય તો એ માત્ર ૦.૦૧ ટકા જેટલું છે. બીજાં શબ્દોમાં કહીએ તો આ સામગ્રી ઈન્ટરનેટના મહાસાગરમાં એક બુંદ જેટલી ગણાય!
અંગ્રેજીમાં તો ઈન્ટરનેટ ઉપર જ્ઞાાનનો ખજાનો છે જ છે, પરંતુ રશિયન, જર્મન, જાપાનીઝ, સ્પેનીશ, ફ્રેન્ચ, ચાઈનીઝ, પોર્ટુગીઝ, ઈટાલીયન, પોલીશ અને ટર્કીશ ભાષા અંગ્રેજી સિવાય ટોપ-૧૦ના લિસ્ટમાં છે. ૫૧ ટકા સાથે અંગ્રેજી સામગ્રી સૌથી વધુ છે. એ પછી ૬.૬ ટકા સાથે રશિયન ભાષા બીજાં, ૫.૬ ટકા જાપાનીઝ અને જર્મન ત્રીજા, ૫.૧ ટકા સ્પેનીશ ચોથા અને ૪.૧ સાથે ફ્રેન્ચ પાંચમા ક્રમે છે. ભારતની પ્રાદેશિક ભાષા તો ઠીક હિન્દી ભાષા આ યાદીમાં ટોપ-૪૦માં પણ નથી. વિશ્વમાં ૩૦ કરોડ કરતા વધુ લોકો હિન્દીભાષા જાણે છે, છતાં ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સામગ્રી ૦.૧ ટકા પણ નથી. જો ૦.૧ ટકા સામગ્રી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય તો હિન્દીનો સમાવેશ ટોપ-૩૦ થાત!
                                                                         ***
વેલ, અત્યારે ભારતીય ભાષાઓની ઈન્ટરનેટ ઉપર ભલે આ સ્થિતિ છે, પરંતુ ગૂગલ અને KPMGના અહેવાલમાં એવી ધારણા વ્યક્ત થઈ છે કે ઈન્ટરનેટ ઉપર આગામી સમય ભારતીય ભાષાઓનો હશે. ૨૦૧૧માં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના માત્ર ૪ કરોડ યુઝર્સ હતાં. એ સિવાયના યુઝર્સ અંગ્રેજી ઉપર આધાર રાખતાં હતાં. સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી પછી સ્થિતિ બદલાઈ છે. ૨૦૧૬માં ભારતીય ભાષા ઉપર આધાર રાખતા હોય એવા યુઝર્સની સંખ્યા વધીને ૨૪ કરોડ થઈ ગઈ હતી. ૨૦૨૧ સુધીમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાની સામગ્રી ઉપર જ આધાર રાખતા યુઝર્સનો આંકડો ૫૦ કરોડને પાર થશે.
આ આંકડાને આધાર બનાવીને નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતના યુઝર્સ હવે ભારતીય ભાષાઓ ઉપર વધુ આધાર રાખતા થયા છે અને એ જ કારણે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના કન્ટેન્ટનો ટ્રેન્ડ આવશે.
બીજું ય એક અવલોકન જોવા જેવું છે. ૧૯૯૦ પછી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ૮૦ ટકા સામગ્રી ઈંગ્લિશમાં હતી. સામે મોટાભાગના ડિવાઈસ પણ ઈંગ્લિશ લેગ્વેજ સપૉર્ટેડ હતાં. કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સ્માર્ટફોનમાં જેમ જેમ વિવિધ ભાષાઓ સપૉર્ટ થવા લાગી તેમ તેમ એ ભાષાનું કન્ટેન્ટનો શેર વધવા લાગ્યો. રશિયન, ફ્રેન્ચ, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ સહિતની ભાષાઓએ પણ આ જ પ્રક્રિયાના ભાગરૃપે ઈન્ટરનેટની સામગ્રીમાં ભાગીદારી વધારી હતી. એ જ પ્રક્રિયા હવે ભારતમાં થઈ રહી છે. પરિણામે ઈન્ટરનેટ ઉપરની સામગ્રીમાં ભારતીય ભાષાઓનો શેર પણ વધશે એવી આશા ઉજળી બની છે.
એ કન્ટેન્ટ કેવું હશે? જ્ઞાાનવર્ધક હશે? એનાથી આપણાં યુઝર્સના વિકાસમાં કોઈ ફેર પડશે? શિક્ષણ-સ્વાસ્થ્યમાં એનો લાભ મળશે?
વોટ્સએપ અને ફેસબુક ઉપર ફેલાતી અધકચરી માહિતીના આધારે તો આ સવાલોનો જવાબ નિરાશાજનક મળે છે.
પણ આશા અમર છે. લેટ્સ હોપ! ઈન્ટરનેેટ ઉપર આવી રહેલો ભારતીય ભાષાનો નવો ટ્રેન્ડ જ્ઞાનવર્ધક હશે.

********************

ભારતીય ભાષાઓમાં ગુજરાતી ક્યાં હશે?

૨૦૨૧ સુધીમાં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાઓનું પ્રભુત્વ વધશે. એમાં ગુજરાતીનું સ્થાન પણ આગળ પડતું છે. ૨૦૨૧માં ઈન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષા ઉપર આધાર રાખતા યુઝર્સની સંખ્યા ૨.૬ કરોડ હશે.

હિન્દીના ૨૧ કરોડ યુઝર્સ હશે એટલે સ્વાભાવિક રીતે ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રથમ નંબરે હશે. એ પછી ૫.૧ કરોડ યુઝર્સ સાથે મરાઠી બીજાં ક્રમે, ૪.૨ કરોડ સાથે બંગાળી ત્રીજા ક્રમે, ૩.૨ કરોડ સાથે તમિલ ચોથા અને ૩.૧ કરોડ વપરાશકર્તા સાથે તેલુગુ પાંચમા ક્રમે હશે. એ પછી છટ્વો ક્રમ ગુજરાતીને મળશે.
Posted by Harsh Meswania
Tag :

ઉત્તર પ્રદેશની ચૂંટણી સભાઓ: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થાય તો હિટ નહીં તો ફ્લોપ!

ઉત્તર પ્રદેશની ચૂંટણી જેટલી ઉત્તર પ્રદેશની સભાઓ અને ઉત્તર પ્રદેશની શેરીઓમાં લડાઈ રહી છે એટલી તીવ્રતાથી સોશિયલ મીડિયા ઉપર પણ ખેલાઈ રહી છે. એક પણ પક્ષ માત્ર સભાઓના આધારે બેસી રહેવા નથી માગતો. દરેક પક્ષને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મતદારો ઉપર છવાઈ જવું છે. સભા કે રેલી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ન બને તો ફ્લોપ ઘોષિત થાય છે...

યુપી કો યે સાથ પસંદ હૈ, મોદી કી હુંકાર, યુપી કી શાન રાહુલ-અખિલેશ, બહેનજી કો આને દો, નીલા રંગ છા રહે હૈ, આઈ વોટ ફોર સાઈકલ વગેરે સૂત્રો છેલ્લાં દિવસોમાં હેશટેગ સાથે ટ્રેન્ડ બની ચૂક્યાં છે...


ત્તર પ્રદેશની આ વિધાનસભાની ચૂંટણી દરેક પક્ષ માટે દૂરગામી અસરો ઉપજાવનારી બની રહેશે. ભાજપ જીતશે તો ૨૦૧૯ની લોકસભાનો રસ્તો તો ક્લિયર થશે જ, પરંતુ સાથે સાથે રાજ્યસભામાં બહુમતિ પણ મળી જશે. કોંગ્રેસ માટે તો આ ચૂંટણી ઓક્સિજન જેવી છે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે એટલે કોંગ્રેસ એકલા હાથે સરકાર બનાવશે એ વાતનો તો છેદ જ ઉડી ગયો છે. પણ ગઠબંધનની જીત થાય તો એ કોંગ્રેસ માટે સિદ્ધિ ગણાશે. ભાજપ સત્તાથી દૂર રહે એ કોંગ્રેસનો મુખ્ય આશય છે.
સમાજવાદી પાર્ટી માટે પણ આ જીત લાંબાંગાળાની અસરો ઉપજાવશે. સમાજવાદી પાર્ટીના આંતરિક કલહ પછી અખિલેશ યાદવ કાકા શિવપાલની તુલનાએ સ્વચ્છ રાજકારણી તરીકે ઉભરી આવ્યા છે. પિતા મુલાયમ અને કાકા શિવપાલની સામે પડયા પછી લડાઈ રહેલી આ ચૂંટણી ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવનું રાજકીય ભાવિ નક્કી કરશે. એક તરફ અખિલેશ સામે ભાજપના વધતા પ્રભાવને ખાળવાનો પડકાર છે, તો બીજી તરફ પક્ષની આંતરિક ખેંચતાણ અને અસંતોષ ટાળીને પક્ષને સ્થિર કરવાની જિમ્મેદારી પણ છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં અણધારી રીતે અખિલેશ યાદવે તમામ પક્ષોના સુપડાં સાફ કર્યા હતા અને તેમાં સૌથી વધુ ધોવાણ તત્કાલિન મુખ્યમંત્રી માયાવતીના પક્ષ બહુજન સમાજ પક્ષને થયું હતું. સત્તા પરથી ઉતર્યા પછી લોકસભાની ચૂંટણી બસપા માટે અગત્યની હતી, પણ મોદીલહેરમાં ઉત્તર પ્રદેશમાં ન તો માયાવતી ફાવ્યાં હતા કે ન તો અખિલેશ.
આ સ્થિતિમાં દરેક પક્ષ એડીચોટીનું બળ લગાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સ્મૃતિ ઈરાની સુધીના ભાજપના નેતાઓ ઉત્તર પ્રદેશના પ્રચારજંગમાં ઉતર્યા છે. તો સામે પક્ષે એક તરફ માયાવતીએ મોરચો માંડયો છે. તો બીજી તરફ રાહુલ-અખિલેશની જોડીએ પડકાર ફેંક્યો છે.
ઉત્તર પ્રદેશનો જંગ જીતી લેવા માટેનો આ પડકાર આ વખતે માત્ર ચૂંટણીસભાઓ પૂરતો જ સીમિત નથી, સોશિયલ મીડિયા ઉપર પણ યુદ્ધ બરાબર છેડાઈ ચૂક્યું છે. એક પણ પક્ષ સોશિયલ મીડિયામાં પાછળ રહેવા નથી માગતો. લોકસભાની ચૂંટણીમાં ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમને ભરપૂર પ્રયોજ્યું હતું. એ જ તર્જ પર દિલ્હીની વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે ખુદ મોદી સામે જંગ જીતી લીધો અને એ જ સ્ટાઈલથી નીતીશ કુમારે બિહારની મુખ્યમંત્રીની ખુરશી બચાવી લીધી.
૨૦૧૪ પછીની લગભગ બધી જ નાની-મોટી ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાની ભૂમિકા પરિણામ લઈ આવવામાં કારણભૂત ઠરી હતી. એ જ કારણે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સભાઓ હિટ થાય છે કે ફ્લોપ નીવડે છે તે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ પરથી નક્કી થવા લાગ્યું છે.
જનમેદની તો તમામ પક્ષો એક યા બીજા કારણોથી એકઠી કરી જાણે છે, પણ એનો પડઘો સોશિયલ મીડિયામાં ન પડે તો જાણે સભાની બેઅસર બની જાય છે. સભાઓ-રેલીઓને બેઅસર બનતી અટકાવવા અને માહોલ બરાબર જામ્યો છે એ દર્શાવવા માટે ભાજપ-કોંગ્રેસ-સપા-બસપા સહિતના તમામ પક્ષોએ સોશિયલ મીડિયાને ભરપૂર પ્રયોજવાનું શરૃ કર્યું છે.
જમીની સ્તરે જે જંગ જામ્યો છે એ જ જંગનો આભાસ પણ બરાબર ઉભો થવો જોઈએ એવું પારખી ગયેલી રાજકીય પાર્ટીઓએ આખો સોશિયલ મીડિયા વિભાગ શરૃ કર્યો છે. ભાજપ તો જાણે કે આ બાબતે સૌથી આગળ છે, પણ કોંગ્રેસે ય ભાજપના જ એક સમયના સોશિયલ મીડિયા રણનીતિકાર પ્રશાંત કિશોરને એ માટે રોકી લીધા છે.
ભાજપ-કોંગ્રેસ બંનેનો સોશિયલ મીડિયા વિભાગ દિલ્હીથી ચાલે છે, પણ બંનેની બ્રાન્ડ લખનઉમાં પણ એક્ટિવ કરાઈ છે. તો અખિલેશ અને માયાવતીએ પક્ષના મુખ્યાલયમાં જ સોશિયલ મીડિયા વિભાગ ધમધમતો રાખ્યો છે. તમામ પક્ષોના સોશિયલ મીડિયા વિભાગો રાતે ય કામ કરે છે. આગામી સભામાં શું ટ્રેન્ડ કરવું અને વિપક્ષની કઈ બાબતોને નેગેટિવ બનાવવી એની વ્યૂહરચના આગોતરી જ તૈયાર થાય છે.
જેમ અખબારોના પ્રતિનિધિઓ સભાઓનું કવરેજ કરીને અહેવાલ લખે છે એ જ રીતે જે તે પક્ષના સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ રેલી-સભામાંથી મહત્ત્વના અંશો તારવે છે. એમાં પણ બે પ્રકારનું કામ હોય છે.
એક તો પોતાના પક્ષની સભા-રેલીમાંથી મહત્ત્વની, પોઝિટિવ બાબતો તારવીને મુદ્દાસર ઓછા શબ્દોમાં અહેવાલ તૈયાર કરીને વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર ઉપર ફરતું કરવાનું કામ કરતી ટીમને એ કન્ટેન્ટ આપી દેવાનું. બીજું એ કે વિપક્ષની રેલી-સભામાંથી નેગેટિવ હોય એવી બાબતો અલગ તારવીને એ સામગ્રી પણ વોટ્સએપ-ફેસબુક-ટ્વિટર ઉપર ટ્રેન્ડ ચલાવનારી ટીમને પહોંચતી કરવી.
આ કામ તમામ પક્ષોની યુવાપાંખ કરતી હોય છે. સોશિયલ મીડિયાના એક્સપર્ટની નિગરાનીમાં કામ કરતી સોશિયલ મીડિયા ટીમ ટ્રેન્ડના આધારે મોટાનેતાઓની સભાઓ સોશિયલ મીડિયાના/વર્ચ્યુઅલ વર્લ્ડમાં ગજવે છે! ટ્રેન્ડ થાય અને પોઝિટિવ માહોલ બને તો એ સભા-રેલી સફળ ગણાય છે અને સભામાં ભલે હજારો-લાખોની મેદની ઉમટી હોય પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ન બને તો એ સભા-રેલી નિષ્ફળ ગણાય છે.
કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું પછી બંને નેતાઓના સોશિયલ મીડિયા વિભાગે આંતરિક વ્યૂહરચના પણ ઘડી કાઢી છે. એ મુજબ બંનેની જોડીને વર્ચ્યુઅલ દુનિયામાં હિટ કરાવવા માટે બંને પક્ષોનો સોશિયલ મીડિયા વિભાગ મહેનત કરે છે. માયાવતીએ તો પક્ષના યુવા કાર્યકરોને ગલીઓમાં દોડધામ કરાવવાને બદલે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું સ્માર્ટ કામ સોંપ્યું છે. રસપ્રદ બાબત એ છે કે દલિત વોટબેંક ઉપર પ્રભુત્વ ધરાવતા માયાવતી માટે આ વખતે ઉત્તર પ્રદેશમાં સ્વયંભૂ પણ સોશિયલ મીડિયા ટ્રેન્ડ બનવા લાગ્યો છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીનો રંગ સોશિયલ મીડિયામાં ચડયો છે તેના થોડા ઉદાહરણો જોવા જેવા છે. રસપ્રદ સૂત્રોને ટ્વિટર ટ્રેન્ડ બનાવીને જે તે પક્ષના કાર્યકરોએ એ સૂત્રને કે સભામાં બોલાયેલા વાક્યને હિટ બનાવીને લોકમાનસમાં એક ઈમેજ બિલ્ડ કરવામાં ભાગ ભજવ્યો છે. સ્વાભાવિક રીતે જ ભાજપ અને તેનો મીડિયા સેલ સૌથી આગળ છે.
મોદીની મનલુભાવન વાતોને ટ્વિટર ટ્રેન્ડ બનાવવાનું કામ પ્રમાણમાં ઘણું સહેલુ છે. તેમનો સમર્થક વર્ગ દેશભરમાં છે અને કોઈ પણ ભારતીય નેતાની તુલનાએ ખાસ્સો વિશાળ છે. એટલે એક વાક્ય હેશટેગ સાથે રજૂ થાય તેને ટ્રેન્ડ બનતા બહુ વાર લાગતી નથી. વડાપ્રધાન મોદી પોતાની વાતોને સૂત્રાત્મક ઢંગથી બોલવા માટે જાણીતા છે. કોઈને નિશાન બનાવતા હોય ત્યારે તેઓ પોતાના વાક્યોને બખૂબીથી રજૂ કરે છે.
તેમના એ જ ચૂંટણીસૂત્રોને સોશિયલ મીડિયામાં રજૂ કરીને ટ્રેન્ડ કરવાનું કામ ભાજપનો સોશિયલ મીડિયા સેલ કરે છે. મોદી કી હુંકાર, અબકી બાર બીજેપી સરકાર, મેરા વોટ બીજેપી કો.... જેવા સૂત્રો સોશિયલ મીડિયા ટ્રેન્ડ બનીને છવાયા હતા. તો કોંગ્રેસ-સપાના ગઠબંધને પણ કેટલાક ચૂંટણીસૂત્રોને ટ્રેન્ડિંગ બનાવ્યા હતા. યુપી કી શાન રાહુલ-અખિલેશ, યુપી કો યે સાથ પસંદ હૈ, આઈ વોટ ફોર સાઈકલ, રાહુલ-અખિલેશ કા સાથ...
બહેનજી આ રહી હૈ, બહેનજી કો આને દો જેવા સૂત્રો પણ ભારતભરના સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બન્યા હતા.
સોશિયલ મીડિયાનું આ સબળું માધ્યમ જનમાનસમાં અસર ઉપજાવી રહ્યું છે. લોકો વધુમાં વધુ સમય વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવાં સોશિયલ મીડિયામાં વીતાવતા થયા છે એટલે જનમત કેળવવામાં તેનું પ્રયોજન પણ વધ્યું છે. એટલે જ ચૂંટણીનો રંગ સભાઓમાં કે રેલીઓમાં જેટલો ઘોળાઈ રહ્યો છે એનાથી વિશેષ સોશિયલ મીડિયામાં ઘોળાઈને ઘટ્ટ થઈ રહ્યો છે.

હવે ટોકિંગ પોઈન્ટ એ બને છે જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડી બને છે!

(19-2-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
Sunday 19 February 2017
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -