Archive for March 2013

ગુજરાતની હોળી ૬૦૦ કરોડની



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રંગ, પિચકારી, ખજૂર અને ધાણીનો વ્યવસાય સિઝનલ છે. વળી, હોળી માટે વપરાતાં લાકડાં-છાણાંનો હિસાબ કેમ માંડવો, ત્યારે આ પર્વના ખર્ચનો અંદાજ મેળવવો પણ મુશ્કેલ થઈ પડે છે. અગ્રણી વેપારીઓના મત પ્રમાણે ભારતમાં હોળી-ધુળેટી એ આશરે ૫,૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ છે

હોળી-ધુળેટીના તહેવાર સાથે ધાર્મિક અને સામાજિક ઉપરાંત આર્થિક પાસું પણ જોડાયેલું છે. આ તહેવારો દરમિયાન રંગ, પિચકારી, ખજૂર, ધાણી, દાળિયા, ખારેક વગેરેનું માર્કેટ ઊંચકાય છે. હોળી-ધુળેટીને રંગોત્સવના નામે ઓળખવામાં આવે છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને કપડાંથી લઈને હારડા, ખજૂર, ધાણી, રંગ અને પિચકારી સહિતની સામગ્રીઓ માટે દરેક પરિવાર ખાસ બજેટ ફાળવે છે. એકલા ગુજરાતમાં જ આ તહેવાર દરમિયાન આશરે ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાતા હોવાનો અંદાજ છે.

ભારતમાં ૫,૫૦૦ કરોડનું માર્કેટ
આમ તો રંગ, પિચકારી, ખજૂર અને ધાણીના વેપારીઓનું વ્યવસ્થિત સંગઠન નથી એટલે ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે, પણ અગ્રણી વેપારીઓના મત પ્રમાણે ભારતમાં હોળી દરમિયાન આશરે ૫,૫૦૦ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થાય છે. પાટનગર દિલ્હીથી ભારતભરમાં રંગો પહોંચે છે. એક અંદાજ પ્રમાણે દિલ્હીના માર્કેટમાં જ હોળી-ધુળેટીના તહેવારમાં ૪૦૦થી ૫૦૦ કરોડના રંગ વેચાય છે. વેપારીઓના મત પ્રમાણે આ વર્ષે સમગ્ર ભારતમાં ૨૦૦૦ કરોડના રંગની હોળી રમાશે. બાકીનું બજેટ ખાદ્યચીજો પર વપરાય છે.

ગુજરાત ખર્ચશે રૂ. ૬૦૦ કરોડ
ઉત્સવપ્રિય ગુજરાતીઓ આમ તો દરેક તહેવારમાં સારું એવું બજેટ ફાળવવા માટે જાણીતા છે, પણ દિવાળી અને હોળીના પર્વમાં આ બજેટ થોડું વધારે હોય છે. હોળી-ધુળેટી દરમિયાન માર્કેટમાં તેજીનો સંચાર થાય છે. ગુજરાતમાં રંગો, પિચકારી, ખજૂર અને ધાણીનું બજાર ઊંચકાઈ જાય છે. અમદાવાદના પ્રથમ હરોળના વેપારીઓના મત પ્રમાણે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હોળી પાછળ વધારે ખર્ચ કરે છે. ગુજરાતમાં હોળીનું બજેટ આશરે ૬૦૦ કરોડ રૂપિયાને આંબી જાય છે. જેમાં સૌથી વધુ ખરીદાતી ચીજ રંગો અને પિચકારી હોય છે. ત્યાર પછીના ક્રમે ખજૂરને મૂકી શકાય. ખજૂર, દાળિયા, ખારેક વગેરેનું વેચાણ કરતા અગ્રણી વેપારી પ્રવીણભાઈ રાઠોડના જણાવવા પ્રમાણે ખજૂરનો એક કિલોનો ભાવ અત્યારે ૬૫ રૂપિયાથી ૧૫૦ રૂપિયા સુધીનો છે જ્યારે દાળિયાનો એક કિલોનો ભાવ ૬૦થી ૯૦ રૂપિયા સુધીનો હોય છે. આ સિવાય ખારેકના ભાવમાં પણ આ દિવસો દરમિયાન તેજી આવી જતી હોવાનું તેમણે જણાવ્યું હતું. રહી વાત હારડાની, તો હારડાનું બજાર પહેલાંની તુલનાએ સાવ નીચું રહે છે.

પિચકારીઃ વૈવિધ્યની રંગોળી
ગુજરાતમાં આવતી પિચકારીઓ મુંબઈથી મગાવવામાં આવે છે. પિચકારીઓનું માર્કેટ ૧૫ રૂપિયાથી શરૂ કરીને છેક ૫૦૦ રૂપિયા કે એનાથી પણ વધારે સુધીનું હોય છે. અલગ અલગ પ્રકારની ફેન્સી પિચકારી પર કાર્ટૂન કેરેક્ટર્સનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. એક વેપારી પરાગભાઈ પટેલના જણાવ્યાનુસાર પિચકારીમાં ખૂબ વૈવિધ્ય રહેલું છે. કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન ઉપરાંત એંગ્રી બર્ડસ, તલવાર, ઢાલ, છોટા ભીમ, શક્તિમાન, એકે-૪૭, એકે-૫૬, રોબોટ ઉપરાંત ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સના ફોટાવાળી પિચકારીઓનું વેચાણ હંમેશાં એવરગ્રીન રહેતું આવ્યું છે. આ સિવાય પરંપરાગત પિચકારીઓ તો ખરી જ. આમ કેટલા બધા આકારની અને કિંમતની પિચકારીઓ બજારમાં મળી રહે છે.

આ સિવાય હોળીમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગુલાલની ખરીદી પણ વધી છે. પાણી બચાવવાના પ્રયાસરૂપે અને સિન્થેટિક રંગોથી ચામડીમાં થતી આડઅસરના કારણે હવે લોકો ગુલાલથી હોળી રમવા લાગ્યા છે એટલે ગુલાલનું માર્કેટ ૩૦ ટકા જેવું વધ્યું છે. ગુલાલ રંગ કરતાં સસ્તો મળે છે, પણ લોકો પોતાની ચામડીની સંભાળ માટે એક કિલો ગુલાલના ૧૩૦થી ૧૫૦ રૂપિયાનો ખર્ચ કરતા પણ ખચકાતા નથી. એટલે કે ગુજરાતીઓ પોતાના મનગમતા તહેવાર માટે ખર્ચ તો કરી જ જાણે છે, પણ શરત એટલી કે વસ્તુ સારી મળવી જોઈએ!
(હોળી સ્પેશિયલ પૂર્તિમાં પબ્લિશ થયેલી સ્ટોરી)

Wednesday 27 March 2013
Posted by Harsh Meswania

ગુજરાતીઓનાં ગૌરવપૂર્ણ બલિદાન



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૩મી માર્ચે ભારતના અમર શહીદો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતને ૮૨ વર્ષ થશે. દેશની આઝાદી અને ઉન્નતિમાં આવા અસંખ્ય વીર યુવાનોનાં બલિદાનનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને એમાં ગુજરાતના યુવાનોનું બલિદાન પણ નોંધપાત્ર છે. આજે દેશના ઊગતા સૂરજની લાલિમામાં જેના રક્તનો લાલ રંગ ભળ્યો છે એવા ભુલાઈ રહેલા ગુજરાતી શહીદોની શહાદતને અહીં યાદ કરી લઈએ

ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતે તે સમયે દેશના યુવાનોમાં દેશભક્તિની આગ પ્રગટાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને એક સાથે ત્રણ-ત્રણ યુવાનોને ગુપચૂપ અપાયેલી ફાંસીના દેશભરમાં પ્રત્યાઘાતો પડયા હતા. ગુજરાત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. શહાદતની વાત આવે ત્યારે પંજાબ, બંગાળ અને મહારાષ્ટ્રના શહીદોનાં બલિદાનને વધુ યાદ કરવામાં આવતાં હોય છે. આ રાજ્યોના યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં વધુ ઝંપલાવતા હતા એ વાત સાચી છે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ એવી પ્રવૃતિ થતી જ હતી. જેના પર કદાચ થોડું ઓછું ધ્યાન પડયું છે.

બીજું કે આ રાજ્યો પાસે તેના શહીદોની માહિતી પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ છે એટલે લખેલું વંચાય એ ન્યાયે તેમને જ વધારે યાદ કરાય છે અને એમાં કશું ખોટું નથી, પરંતુ ગુજરાતમાં ગાંધીજીની અહિંસક ચળવળમાં અને અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પણ ઘણા બધા વીર યુવાનોએ પોલીસ દમનનો ભોગ બનીને શહાદત વહોરી હતી. આવા શહીદ યુવાનો વિશે વ્યવસ્થિત માહિતી એકત્ર થાય અને એ સચવાય એ માટે એક યાદી તૈયાર કરવાનું આયોજન ભારતના સાંસ્કૃતિક મંત્રાલયે હાથ ધર્યું છે અને એમાં એમ.એસ. યુનિર્વિસટીના ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. રાજકુમાર હંસ પણ યોગદાન આપી રહ્યા છે. સંશોધન દરમિયાન ડો. હંસના ધ્યાનમાં આવ્યું કે જે સમયગાળામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી એ જ સમયગાળામાં ગુજરાતમાં પણ ૮-૧૦ યુવાનોએ હસતાં મોઢે દેશની આઝાદીની લડતમાં શહાદત વહોરી લીધી હતી. ૧૯૩૦ પહેલાં અને પછી તો ઘણા ગુજરાતી યુવાનોએ દેશ માટે બલિદાન આપ્યું હતું, પણ ૧૯૨૯થી ૧૯૩૨ સુધીનાં ત્રણેક વર્ષના ગાળામાં જ જેમણે આઝાદીની લડતના મહાયજ્ઞામાં જાનની આહુતિ આપી છે એવા ગુજરાતી યુવાનો કેવી સ્થિતિમાં, કઈ લડાઈમાં અને ક્યારે શહીદ થયા તેનો થોડો પરિચય કરી લઈએ.

પુરુષોત્તમદાસ શાહઃ પોલીસનો મરણતોલ માર સહ્યો
ગોધરાના પુરુષોત્તમદાસ શાહે વકીલાતનું ભણીને પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રેક્ટિસ જામી ગઈ હોવા છતાં દેશસેવા માટે ધીકતી કમાણી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવી દીધું. ૧૯૨૮ના સપ્ટેમ્બર માસમાં ગોધરામાં ફાટી નીકળેલાં કોમી હુલ્લડોમાં બ્રિટિશ પોલીસે લોકો પર દમન ગુજાર્યું. અમુક યુવાનોને સખત માર માર્યો અને એ માર સહન કરનારા એક યુવાન એટલે પુરુષોત્તમદાસ શાહ. પોલીસ દમનના અંતે આ તેજસ્વી યુવાન શહીદ થયો.

રતીલાલ શાહઃ ધોલેરા સત્યાગ્રહમાં શહીદ
૧૯૧૦માં અમદાવાદમાં જન્મેલા રતીલાલ સકળચંદ શાહે ધોલેરા સત્યાગ્રહમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (દાંડીયાત્રા પછી મીઠાના કાયદાને તોડવા માટે જે અન્ય સવિનય કાનૂનભંગના સત્યાગ્રહ થયા હતા એમાં ધોલેરા સત્યાગ્રહ પણ એક હતો) મીઠાના કાયદાનો ભંગ કરનારા સભ્યો સાથે રતીલાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં પોલીસ દ્વારા ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો જેના પરિણામે ૧૯૩૦માં અમદાવાદનો આ યુવાન શહીદ થયો હતો.

સુરેન્દ્ર જેઠમલઃ ધરાસણા સત્યાગ્રહના શહીદ
મીઠાના કાયદાનો સવિનય કાનૂનભંગ કરવા માટે મે, ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહ થયો હતો. ૧૦૦ જેટલા સત્યાગ્રહીઓમાંના એક સુરેન્દ્ર જેઠમલે તેમાં ભાગ લીધો હતો. આ ટુકડી પર મધરાતે પોલીસ ત્રાટકી હતી અને એમાં યુવાનો પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે જખ્મી થયેલા સુરેન્દ્રએ ૧૨-૧-૧૯૩૨ના દિવસે અમદાવાદમાં અંતિમ શ્વાસ લઈને આઝાદીની લડતના મહાયજ્ઞામાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

કાંતિલાલ રામજીભાઈ મહેતાઃ સરસિયાના યુવાનની શહાદત
ભાવનગર નજીકના સરસિયાના શહીદ કાંતિલાલ મહેતાનો જન્મ ૧૯૦૫માં થયો હતો. ૧૯૩૦-૩૧માં ચાલતાં સત્યાગ્રહમાં તેને ૬ માસની જેલની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન તેમના પર મારપીટ કરવામાં આવી હતી અને એમાં ૧૯૩૧માં આ યુવાન શહીદ થયો હતો.

ભાઈલાલ પટેલઃ જેની સ્મશાનયાત્રામાં કસ્તુરબા પણ જોડાયાં હતાં
બોરસદ પાસેના પાલજ ગામના સપૂત ભાઈલાલ દાજીભાઈ પટેલ ૧૯૩૦માં થયેલા ધરાસણા સત્યાગ્રહમાં ભાગીદાર બન્યા હતા. ૨૨ મે, ૧૯૩૦ના રોજ સત્યાગ્રહી છાવણી પર ૫૦ પોલીસ જવાનોએ હુમલો કર્યો જેમાં ભાઈલાલ પટેલ લાઠીઓના મારથી ઘવાયા અને શહીદ થયા. તેમની સ્મશાનયાત્રામાં મોટી માનવમેદની ઉમટી હતી અને કસ્તુરબા પણ સ્મશાનયાત્રામાં હાજર રહ્યાં હતાં.

ઈસ્માઈલ મૂસાજીઃ અસહકારની ચળવળના શહીદ
આણંદના વડોદના વીર ઈસ્માઈલ મૂસાજીએ અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. એ દરમિયાન ટેલિફોન-તારની લાઇન કાપવાના ગુના માટે તેમને કેદની સજા કરવામાં આવી હતી. જેલમાં જ પછીથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેલમાં તેમનું નિધન શા માટે થયું છે તેનું કારણ અજ્ઞાત છે, પણ જેલમાં પોલીસ દમનમાં તેઓ શહીદ થયા હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.

ભૂલાભાઈ કસનાજી નાયકઃ નવસારીના સપૂતની શહીદી
ધરાસણા સત્યાગ્રહમાં જે યુવાનોનો ભોગ લેવાયો હતો તેમાં ભૂલાભાઈ નાયકનો સમાવેશ પણ થાય છે. સવિનય કાનૂનભંગની ચળવળમાં પોલીસે સત્યાગ્રહીઓ પર દમન કર્યું હતું જેમાં નાયક ગંભીર રીતે ઘવાયા બાદ શહીદીને ભેટયા હતા.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકો માહિતી કોશ' અનુસાર ધરાસણા સત્યાગ્રહમાં જેલવાસ થયો હોય કે પછી જે તે વખતે સખત માર પડયો હોય અને ત્યારબાદ શહીદ થયા હોય તેવા થોડા યુવાનોની પણ નોંધ કરી શકાય. ખેડા પાસેના જલસાણના યુવક જેઠાભાઈ ઉમેદભાઈ પટેલે ૯ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ સાબરમતી જેલમાં દમ તોડયો હતો. આ સિવાય કાલિયાવાડીના ઠાકોરભાઈ વસનજી દેસાઈ પોલીસ દમનનો ભોગ બન્યા હતા. મારની અસરના કારણે સત્યાગ્રહના થોડા સમય પછી તેમનું નિધન થયું હતું. દારૂબંધીની પ્રવૃત્તિમાં ભાગીદાર બનનાર સુરતી યુવાન ઈશ્વરદાસ ગોરધનદાસ વેરાગીવાળાનું નિધન ૧૯૩૩માં ધરપકડ બાદ અહમદનગરની જેલમાં થયું હતું.

આ એવા યુવાનો છે જે ભગતસિંહના અરસામાં શહીદીને ભેટયા હતા. આ સિવાય ભગતસિંહના એક દશકા પછી ૧૯૪૩માં ગુજરાત કોલેજના વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી ઝીલીને શહાદતનું એક આખું નવું પ્રકરણ ગુજરાતને આપ્યું. આવા યુવાનોની શહાદતના કારણે જ કદાચ આજે આપણો દેશ વિશ્વના નકશામાં આગવી ભાત પાડી શકવામાં સફળ થયો છે. હમેં નાઝ હૈ ઈન વીરો પર!
Wednesday 20 March 2013
Posted by Harsh Meswania

અમદાવાદમાં દેશની સૌથી મોટી લોન્ડ્રી



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નદીકિનારે ચાલતા ધોબીઘાટનો જમાનો ગયો અને વોશિંગ મશીન તથા અત્યાધુનિક સાધનોથી સજ્જ લોન્ડ્રીનો જમાનો આવ્યો. રેલવે, હોસ્પિટલ, મોટી હોટેલ્સ અને મહામેદનીના મેળાવડાનાં કપડાં સ્વચ્છ કરવાની જવાબદારી કોઈ એકલદોકલ ધોબી કે નાનું વોશિંગ મશીન તો ન જ નિભાવી શકે ને! દેશની ધોરી નસ ગણાતી ભારતીય રેલવેનાં કપડાંને ચમકાવતી સૌથી મોટી લોન્ડ્રી આપણા અમદાવાદમાં જ આવેલી છે. અહીં રોજેરોજ આશરે ૧૬,૦૦૦ ચાદરો અને બાકીની વસ્તુઓ ધોવાય છે

રેલવેનો પ્રવાસ કરવાનો થાય ત્યારે રિઝર્વેશન સહિતનું બધું સમુંસૂતરું પાર પડે, પણ જ્યારે આપણને બેડરોલ મળે ત્યારે એ ગંદા બેડરોલને જોઈને થોડો કચવાટ થયા વગર ન રહે. જેને વારંવાર રેલવેનો પ્રવાસ કરવાનું થતું હોય તેણે તો રેલવેના બ્લેન્કેટ્સ અને બેડરોલ યુસ કરવાને બદલે પોતાની વ્યવસ્થા જાતે કરવાની આદત પાડી લીધી હોય છે. આ સ્થિતિમાં રેલવેએ એક નવી પહેલ કરી અને આવા ગંદા-ગોબરા બ્લેન્કેટ્સ અને બેડરોલ્સની સફાઈ વ્યવસ્થિત થાય એ માટે ઠોંસ આયોજન કર્યું. આ આયોજનના પરિણામે અમદાવાદને મળી ભારતની સૌથી મોટી લોન્ડ્રી.

કેવી છે ભારતની સૌથી મોટી લોન્ડ્રી?
પશ્ચિમ રેલવેએ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગત માસમાં ૧૫૦૦ સ્ક્વેર મીટરનો ફેલાવો ધરાવતી એક વિશાળ મિકેનાઇઝ્ડ લોન્ડ્રી શરૂ કરી છે. જેમાં રેલવેના બ્લેન્કેટ્સ અને બેડશીટની સફાઈનું કામ બે શિફ્ટમાં કરવામાં આવે છે. અમદાવાદથી લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને જે બેડરોલ્સ અને બ્લેન્કેટ્સ આપવામાં આવે છે તે હવે આ રેલવે લોન્ડ્રીમાં સ્વચ્છ થશે. આ અંગે અમદાવાદ રેલવેના જનસંપર્ક અધિકારી જિતેન્દ્રકુમાર જયંતના જણાવ્યાનુસાર આ લોન્ડ્રીમાં એક કલાકમાં આશરે ૧૨૦૦ બેડશીટ્સ ક્લીન થાય છે. એટલે કે આઠ કલાકની એક પાળીમાં અત્યારે ૮ હજાર બેડ શીટ્સ ક્લીન કરવામાં આવે છે. વળી, આ લોન્ડ્રી દિવસ રાત કાર્યરત રહે છે એટલે કે બે શિફ્ટમાં કામ ચાલુ રાખવામાં આવે છે એ રીતે ગણતરી કરીએ તો એક દિવસમાં ૧૬,૦૦૦ બેડરોલ ક્લીન થાય છે. દરરોજ અંદાજિત ૧૨ ટન લિનન ક્લીન કરવાની ક્ષમતા આ લોન્ડ્રી ધરાવે છે. આ માટે ૯૦ કર્મચારીઓ કાર્યરત રહે છે. લોન્ડ્રીમાં કપડાં ધોવા માટેનું એક અત્યાધુનિક મશીન તૈનાત કરવામાં આવ્યું છે. જેમાં ૧૫-૧૫ બેડશીટનાં બંડલ પ્રેસ થઈને તૈયાર થઈ જાય છે.

આ વિશાળ લોન્ડ્રી શરૂ કરવા પાછળનો તર્ક
રેલવે તંત્ર અત્યાર સુધી બેડરોલ ક્લીનિંગનો કોન્ટ્રાક્ટ આપતું હતું. જેમાં અંદાજે એક બેડરોલ ધોવાનો ખર્ચ સાડા ચાર રૂપિયા જેવો થતો હતો. એમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ ગણાતો ન હતો. એટલે કે લેવા લઈ જવાની સગવડમાં વધુ થોડા પૈસા ચૂકવવા પડતા હતા. આ ખર્ચ કરવા છતાં પણ બેડરોલ ખરાબ હોવાની ગ્રાહકોની વ્યાપક ફરિયાદ ઊઠતી રહેતી. આ અંગે જાણકારી આપતા ડિવિઝનલ રેલવે મેનેજર આલોકકુમાર તિવારીએ કહ્યું હતું કે, 'છેલ્લા થોડા સમયથી અપર ક્લાસ એસી કોચોમાં ગંદા બેડરોલ મળતા હોવાનું વારંવાર સાંભળવા મળતું હતું. ક્યારેક એવી પણ ફરિયાદ ઊઠતી કે બેડરોલ ધોયેલા હોતા નથી અને માત્ર પ્રેસ કરીને જ આપી દેવામાં આવે છે. આ માટે કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત પણ કરાતી હતી છતાં ખાસ કોઈ પરિણામ મળતું નહોતું એટલે આનો કાયમી ઉકેલ લઈ આવવાનાં પગલાં ભરવાનું શરૂ કર્યું. એ કોયડાના ઉકેલરૂપે રેલવેએ પોતાની જ વિશાળ લોન્ડ્રી શરૂ કરવાનું નક્કી કર્યું.' રેલવેને હવે એક બેડરોલનો આશરે સાડા ત્રણ રૂપિયા જેવો ખર્ચ થશે. એટલે એ રીતે રેલવેની તિજોરી પર થોડો બોજો પણ ઘટશે. આ લોન્ડ્રી આમ તો ટ્રાયલરૂપે ઓક્ટોબર માસથી જ શરૂ કરાઈ હતી, પણ લોન્ડ્રીના કારણે ફરિયાદો ઘટવા લાગી એટલે તેને ગત માસમાં વ્યવસ્થિત ધોરણે કાર્યરત કરાઈ છે.

વોટ ઇઝ નેક્સ્ટ?
રેલવેનું આગામી આયોજન એ છે કે દેશભરના પ્રવાસીઓને સ્વચ્છ બેડરોલ મળતા થાય એ માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ આવી લોન્ડ્રી શરૂ કરવી. આવી જ એક લોન્ડ્રી મુંબઈમાં પણ શરૂ કરવાનું આયોજન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. જોકે, એની ક્ષમતા અમદાવાદની તુલનાએ થોડી ઓછી છે. એ લોન્ડ્રીમાં દરરોજના ૧૨,૦૦૦ બેડરોલ્સ સ્વચ્છ થશે. હવે આગામી સમયમાં રેલવે જો આવી મોટી લોન્ડ્રી શરૂ કરશે તો એની ક્ષમતા જૂની લોન્ડ્રીની સરખામણીએ ચોક્કસ વધારે જ હશે. એટલે બની શકે કે કદાચ ભવિષ્યમાં અમદાવાદની આ લોન્ડ્રીનું પ્રથમ નંબરનું સ્થાન પાછળના ક્રમે આવી જાય!

ઇન શોર્ટ પહેલાં એવું થતું હતું કે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લીધા પછી બેડરોલ્સની સફાઈ માત્ર કરવા ખાતર જ કરતા હતા. એના બદલે હવે રેલવે તંત્ર પોતે જ પ્રવાસીઓને સ્વચ્છ બેડરોલ પૂરા પાડશે. વળી, ગંદા બેડરોલ્સની ફરિયાદ વખતે રેલવે તંત્ર પોતાના બચાવ માટે કોન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળી પણ નહીં શકે. એને બદલે હવે સારી કે ખરાબ બંને ક્રેડિટ રેલવે તંત્રની પોતાની જ ગણાશે એ એક વધુ ફાયદો!
Wednesday 13 March 2013
Posted by Harsh Meswania

સુકાન અર્થતંત્રના મહારથીઓ પાસે છતાં 'તંત્ર' કાબૂ બહાર!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આખી દુનિયા અત્યારે આર્થિક સંકળામણ અનુભવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ તરફ હતી. વડાપ્રધાન મનમોહન સિંહ વિશ્વ સ્તરના અર્થશાસ્ત્રી ગણાય છે અને એની સરકાર પાસેથી વધુ અપેક્ષાઓ હોય એ સમજી શકાય છે. જોકે, હકીકત એ છે કે ઘણા દેશોમાં સફળ અર્થશાસ્ત્રીઓ સત્તાસ્થાને છે અને દેશની સ્થિતિ દરિયાઈ વાવાઝોડામાં ગંભીર રીતે ફસાયેલી નાવ જેવી થઈ ગઈ છે

વૈશ્વિક મંદીનો પવન ફૂંકાયો ત્યારથી છેક અત્યાર સુધી અમેરિકા જેવા સુપર પાવર સહિતના મહત્ત્વના દેશો આર્થિક રીતે નબળા પડયા છે. બેરોજગારી અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં પણ મોટો ફેરફાર થયો છે. આ સ્થિતિ ઘણા ખરા દેશોમાં છે, પણ જે દેશનું સુકાન આપણા દેશની જેમ અર્થશાસ્ત્રીના હાથમાં છે અને છતાં આર્થિક હાલત બેહાલ છે એની વાત અહીં આપણે કરીએ.

ભારતઃ વિદેશી ભણતર દેશને કામ ન લાગ્યું!
વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે ૨૦૧૧માં ભારતના ડેબિટ રેટિંગમાં લોસ જોવા મળ્યો હતો. ભારતની ગણના ખૂબ જ ઝડપથી વિકસતા જતાં દેશ તરીકે થાય છે, પણ દેશમાં મોંઘવારી, બેકારી, ગરીબીની સ્થિતિમાં ઊડીને આંખે વળગે તેવો સુધારો નથી આવ્યો. એમાં પણ એવા સમયે કે જ્યારે છેલ્લાં આઠ-આઠ વર્ષથી દેશની બાગદોર મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રીના હાથમાં હોય! આ એ જ ડો. મનમોહન સિંહ છે જેમણે નાણામંત્રી તરીકે ૧૯૯૧માં દેશની ગંભીર આર્થિક સ્થિતિ વેળાએ મહત્ત્વનાં પગલાં ભરીને ગંભીરતા ખાળવામાં સફળતા મેળવી હતી. મનમોહનસિંહ ઈકોનોમિક્સના અનુસ્નાતક છે અને કેમ્બ્રિજ યુનિર્વિસટીના સ્કોલર પણ રહી ચૂક્યા છે. અત્યારે મનમોહન સિંહની સ્થિતિ મહાભારતના અર્જુન જેવી છે, જે કૌરવોની વિશાળ સેનાને તો હરાવી શકે છે, પણ એક લૂંટારા સામે પરાસ્ત થઈ જાય છે!

ગ્રીસઃ અર્થતંત્રના નિષ્ણાત પાસેથી વિશેષ અપેક્ષા
આપણે ત્યાં જે સમયે મનમોહન સિંહ નાણામંત્રી હતા બરાબર એ જ સમયગાળામાં ગ્રીસનું નાણામંત્રાલય વિશ્વમાં ગણનાપાત્ર અર્થશાસ્ત્રી એન્ટોનિસ સમરાસ સંભાળતા હતા. મનમોહન સિંહની માફક જ તેમને નાણામંત્રાલય ફળ્યું. આજે તેઓ પણ તેમના દેશના પ્રાઇમ મિનિસ્ટર છે અને એ વાત તો સુવિદિત છે કે ગ્રીસ વિશ્વમાં સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશોની યાદીમાં શીર્ષસ્થાને રહેલું છે. યુરોઝોનની કટોકટીમાં સપડાયેલા દેવાળિયા થઈ રહેલા આ દેશને અત્યારે કદાચ સમરાસના અર્થશાસ્ત્રના જ્ઞાનનો લાભ મળે એવી વિશેષ આશા સેવાઈ રહી છે. સમરાસે ૧૯૭૪માં અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું અને પછીથી વધુ અભ્યાસ હાર્વર્ડ યુનિર્વિસટીમાં કર્યો હતો. જોકે, મનમોહન સિંહની તુલનાએ તેમને સત્તાસ્થાને આવ્યાને હજુ એક વર્ષ પણ માંડ પૂરું થયું છે એટલે તેઓ દેશને કેટલા ઉપયોગી થશે એ તો સમય જ કહેશે!

ઇટાલીઃ અર્થશાસ્ત્રીથી દેશને ખાસ ફાયદો નથી!
ઇટાલી પર પણ જીડીપીના ૧૦૦ ટકા જેવું દેવું તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશનું સુકાન મશહૂર અર્થશાસ્ત્રી મારિયો મોન્ટીને સોંપવામાં આવ્યું છે. મારિયો મોન્ટી ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા હતા. ત્યાર બાદ વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને નોબેલ પ્રાઇસ વિનર જેમ્સ ટોબિન પાસેથી તેમણે યેલ યુનિર્વિસટીમાં અર્થશાસ્ત્રમાં મહારથ હાંસલ કરી હતી. નવેમ્બર ૨૦૧૧થી તેમને પીએમ ઓફિસમાં બેસાડાયા છે. જોકે, તેઓ દેશની સ્થિતિને ખાસ ફાયદો નથી કરાવી શક્યા!

બ્રિટનઃ પીએમ 'પીપીઈ' ભણ્યા છે, પણ...
બ્રિટનનું નામ અહીં આ યાદીમાં શું કરે છે એવો પ્રશ્ન થઈ શકે છે, પણ બ્રિટનની આર્થિક તાકાત છેલ્લાં વર્ષોમાં ઘટી રહી છે એવું વર્લ્ડ બેંકના આંકડાઓ કહે છે. ૨૦૦૦ના વર્ષથી બ્રિટનનો ઈકોનોમિક ગ્રોથ ઘટયો છે. ૧૯૭૮ના વર્ષ પછી છેક ગત વર્ષે બ્રિટને તેનું એએએ રેટિંગ (બોન્ડ ક્રેડિટ રેટિંગ) ગુમાવ્યું હતું. આ રેટિંગ ધરાવતા દેશની ગણના સ્ટ્રોન્ગ ઈકોનોમીમાં થાય છે. આ સ્થિતિ વચ્ચે ૨૦૧૦માં ઈકોનોમિસ્ટ અને રાજકારણી ડેવિડ વિલિયમ ડોનાલ્ડ કેમેરોન વડાપ્રધાન બન્યા હતા. કેમેરોન બ્રિટનના જ નહીં વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓની પેનલમાં સામેલ થાય એવું નામ અને નોલેજ ધરાવે છે. કેમેરોન ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ એન્ડ ઈકોનોમી (પીપીઈ) વિષય સાથે ફર્સ્ટક્લાસ મેળવીને ગ્રેજ્યુએટ થયા છે. ગત વર્ષે દેશના રેટિંગમાં ઘટાડો થયો ત્યારે ડેવિડ કેમેરોન બ્રિટનના વડાપ્રધાન પદે હતા.

    અન્ય દેશોમાં પણ એવી હિમાયત કરવામાં આવી રહી છે કે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે અર્થશાસ્ત્રીઓને અગત્યની જવાબદારી આપવી જોઈએ, પણ સવાલ એ છે કે અર્થશાસ્ત્રીઓને દેશનું સુકાન સોંપવાથી ફાયદો થાય છે કે નહીં? જોકે, આ સવાલનો જવાબ અઘરો છે!    
Wednesday 6 March 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -