Posted by : Harsh Meswania Wednesday 20 March 2013



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૩મી માર્ચે ભારતના અમર શહીદો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતને ૮૨ વર્ષ થશે. દેશની આઝાદી અને ઉન્નતિમાં આવા અસંખ્ય વીર યુવાનોનાં બલિદાનનો અમૂલ્ય ફાળો રહ્યો છે અને એમાં ગુજરાતના યુવાનોનું બલિદાન પણ નોંધપાત્ર છે. આજે દેશના ઊગતા સૂરજની લાલિમામાં જેના રક્તનો લાલ રંગ ભળ્યો છે એવા ભુલાઈ રહેલા ગુજરાતી શહીદોની શહાદતને અહીં યાદ કરી લઈએ

ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતે તે સમયે દેશના યુવાનોમાં દેશભક્તિની આગ પ્રગટાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને એક સાથે ત્રણ-ત્રણ યુવાનોને ગુપચૂપ અપાયેલી ફાંસીના દેશભરમાં પ્રત્યાઘાતો પડયા હતા. ગુજરાત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. શહાદતની વાત આવે ત્યારે પંજાબ, બંગાળ અને મહારાષ્ટ્રના શહીદોનાં બલિદાનને વધુ યાદ કરવામાં આવતાં હોય છે. આ રાજ્યોના યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં વધુ ઝંપલાવતા હતા એ વાત સાચી છે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ એવી પ્રવૃતિ થતી જ હતી. જેના પર કદાચ થોડું ઓછું ધ્યાન પડયું છે.

બીજું કે આ રાજ્યો પાસે તેના શહીદોની માહિતી પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ છે એટલે લખેલું વંચાય એ ન્યાયે તેમને જ વધારે યાદ કરાય છે અને એમાં કશું ખોટું નથી, પરંતુ ગુજરાતમાં ગાંધીજીની અહિંસક ચળવળમાં અને અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પણ ઘણા બધા વીર યુવાનોએ પોલીસ દમનનો ભોગ બનીને શહાદત વહોરી હતી. આવા શહીદ યુવાનો વિશે વ્યવસ્થિત માહિતી એકત્ર થાય અને એ સચવાય એ માટે એક યાદી તૈયાર કરવાનું આયોજન ભારતના સાંસ્કૃતિક મંત્રાલયે હાથ ધર્યું છે અને એમાં એમ.એસ. યુનિર્વિસટીના ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. રાજકુમાર હંસ પણ યોગદાન આપી રહ્યા છે. સંશોધન દરમિયાન ડો. હંસના ધ્યાનમાં આવ્યું કે જે સમયગાળામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી એ જ સમયગાળામાં ગુજરાતમાં પણ ૮-૧૦ યુવાનોએ હસતાં મોઢે દેશની આઝાદીની લડતમાં શહાદત વહોરી લીધી હતી. ૧૯૩૦ પહેલાં અને પછી તો ઘણા ગુજરાતી યુવાનોએ દેશ માટે બલિદાન આપ્યું હતું, પણ ૧૯૨૯થી ૧૯૩૨ સુધીનાં ત્રણેક વર્ષના ગાળામાં જ જેમણે આઝાદીની લડતના મહાયજ્ઞામાં જાનની આહુતિ આપી છે એવા ગુજરાતી યુવાનો કેવી સ્થિતિમાં, કઈ લડાઈમાં અને ક્યારે શહીદ થયા તેનો થોડો પરિચય કરી લઈએ.

પુરુષોત્તમદાસ શાહઃ પોલીસનો મરણતોલ માર સહ્યો
ગોધરાના પુરુષોત્તમદાસ શાહે વકીલાતનું ભણીને પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રેક્ટિસ જામી ગઈ હોવા છતાં દેશસેવા માટે ધીકતી કમાણી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવી દીધું. ૧૯૨૮ના સપ્ટેમ્બર માસમાં ગોધરામાં ફાટી નીકળેલાં કોમી હુલ્લડોમાં બ્રિટિશ પોલીસે લોકો પર દમન ગુજાર્યું. અમુક યુવાનોને સખત માર માર્યો અને એ માર સહન કરનારા એક યુવાન એટલે પુરુષોત્તમદાસ શાહ. પોલીસ દમનના અંતે આ તેજસ્વી યુવાન શહીદ થયો.

રતીલાલ શાહઃ ધોલેરા સત્યાગ્રહમાં શહીદ
૧૯૧૦માં અમદાવાદમાં જન્મેલા રતીલાલ સકળચંદ શાહે ધોલેરા સત્યાગ્રહમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (દાંડીયાત્રા પછી મીઠાના કાયદાને તોડવા માટે જે અન્ય સવિનય કાનૂનભંગના સત્યાગ્રહ થયા હતા એમાં ધોલેરા સત્યાગ્રહ પણ એક હતો) મીઠાના કાયદાનો ભંગ કરનારા સભ્યો સાથે રતીલાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં પોલીસ દ્વારા ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો જેના પરિણામે ૧૯૩૦માં અમદાવાદનો આ યુવાન શહીદ થયો હતો.

સુરેન્દ્ર જેઠમલઃ ધરાસણા સત્યાગ્રહના શહીદ
મીઠાના કાયદાનો સવિનય કાનૂનભંગ કરવા માટે મે, ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહ થયો હતો. ૧૦૦ જેટલા સત્યાગ્રહીઓમાંના એક સુરેન્દ્ર જેઠમલે તેમાં ભાગ લીધો હતો. આ ટુકડી પર મધરાતે પોલીસ ત્રાટકી હતી અને એમાં યુવાનો પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે જખ્મી થયેલા સુરેન્દ્રએ ૧૨-૧-૧૯૩૨ના દિવસે અમદાવાદમાં અંતિમ શ્વાસ લઈને આઝાદીની લડતના મહાયજ્ઞામાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

કાંતિલાલ રામજીભાઈ મહેતાઃ સરસિયાના યુવાનની શહાદત
ભાવનગર નજીકના સરસિયાના શહીદ કાંતિલાલ મહેતાનો જન્મ ૧૯૦૫માં થયો હતો. ૧૯૩૦-૩૧માં ચાલતાં સત્યાગ્રહમાં તેને ૬ માસની જેલની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન તેમના પર મારપીટ કરવામાં આવી હતી અને એમાં ૧૯૩૧માં આ યુવાન શહીદ થયો હતો.

ભાઈલાલ પટેલઃ જેની સ્મશાનયાત્રામાં કસ્તુરબા પણ જોડાયાં હતાં
બોરસદ પાસેના પાલજ ગામના સપૂત ભાઈલાલ દાજીભાઈ પટેલ ૧૯૩૦માં થયેલા ધરાસણા સત્યાગ્રહમાં ભાગીદાર બન્યા હતા. ૨૨ મે, ૧૯૩૦ના રોજ સત્યાગ્રહી છાવણી પર ૫૦ પોલીસ જવાનોએ હુમલો કર્યો જેમાં ભાઈલાલ પટેલ લાઠીઓના મારથી ઘવાયા અને શહીદ થયા. તેમની સ્મશાનયાત્રામાં મોટી માનવમેદની ઉમટી હતી અને કસ્તુરબા પણ સ્મશાનયાત્રામાં હાજર રહ્યાં હતાં.

ઈસ્માઈલ મૂસાજીઃ અસહકારની ચળવળના શહીદ
આણંદના વડોદના વીર ઈસ્માઈલ મૂસાજીએ અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. એ દરમિયાન ટેલિફોન-તારની લાઇન કાપવાના ગુના માટે તેમને કેદની સજા કરવામાં આવી હતી. જેલમાં જ પછીથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેલમાં તેમનું નિધન શા માટે થયું છે તેનું કારણ અજ્ઞાત છે, પણ જેલમાં પોલીસ દમનમાં તેઓ શહીદ થયા હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.

ભૂલાભાઈ કસનાજી નાયકઃ નવસારીના સપૂતની શહીદી
ધરાસણા સત્યાગ્રહમાં જે યુવાનોનો ભોગ લેવાયો હતો તેમાં ભૂલાભાઈ નાયકનો સમાવેશ પણ થાય છે. સવિનય કાનૂનભંગની ચળવળમાં પોલીસે સત્યાગ્રહીઓ પર દમન કર્યું હતું જેમાં નાયક ગંભીર રીતે ઘવાયા બાદ શહીદીને ભેટયા હતા.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકો માહિતી કોશ' અનુસાર ધરાસણા સત્યાગ્રહમાં જેલવાસ થયો હોય કે પછી જે તે વખતે સખત માર પડયો હોય અને ત્યારબાદ શહીદ થયા હોય તેવા થોડા યુવાનોની પણ નોંધ કરી શકાય. ખેડા પાસેના જલસાણના યુવક જેઠાભાઈ ઉમેદભાઈ પટેલે ૯ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ સાબરમતી જેલમાં દમ તોડયો હતો. આ સિવાય કાલિયાવાડીના ઠાકોરભાઈ વસનજી દેસાઈ પોલીસ દમનનો ભોગ બન્યા હતા. મારની અસરના કારણે સત્યાગ્રહના થોડા સમય પછી તેમનું નિધન થયું હતું. દારૂબંધીની પ્રવૃત્તિમાં ભાગીદાર બનનાર સુરતી યુવાન ઈશ્વરદાસ ગોરધનદાસ વેરાગીવાળાનું નિધન ૧૯૩૩માં ધરપકડ બાદ અહમદનગરની જેલમાં થયું હતું.

આ એવા યુવાનો છે જે ભગતસિંહના અરસામાં શહીદીને ભેટયા હતા. આ સિવાય ભગતસિંહના એક દશકા પછી ૧૯૪૩માં ગુજરાત કોલેજના વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી ઝીલીને શહાદતનું એક આખું નવું પ્રકરણ ગુજરાતને આપ્યું. આવા યુવાનોની શહાદતના કારણે જ કદાચ આજે આપણો દેશ વિશ્વના નકશામાં આગવી ભાત પાડી શકવામાં સફળ થયો છે. હમેં નાઝ હૈ ઈન વીરો પર!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -