Archive for September 2014

દેશનું ગંભીર અને ગમાર 'ગન'તંત્ર

- ભારતમાં ૨૦ લાખ નાગરિકો ખાનગી શસ્ત્રોનું લાઈસન્સ ધરાવે છે!

સમાજમાં વટ પાડી દેવા શસ્ત્રો રાખતા લોકોની સંખ્યાનો આંકડો દેશમાં ભયજનક રીતે વધી રહ્યો છે. પોલીસ ફોર્સની સંખ્યા માંડ ૧૬ લાખ છે જ્યારે સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો એનાથી વધારે હોય એ દેશના અમન અને વ્યવસ્થાપન માટે જોખમી કહેવાય...

દેશભરમાં  છેલ્લા ચાર વર્ષોમાં ૭૦૦ આરટીઆઈ માત્ર ખાનગી શસ્ત્રોના લાઇસન્સનો આંકડો મેળવવા માટે થઈ છે. એમાંથી મોટા ભાગના એક્ટિવિસ્ટને સંતોષકારક જવાબ આપવામાં રાજ્ય સરકારો અને જેની નિગરાની હેઠળ આ બધુ આવે છે એ ખૂદ ભારતનું ગૃહ મંત્રાલય ઉણું ઉતર્યું છે. દેશના એક અંગ્રેજી અખબારે એકાદ વર્ષ પહેલા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલા લોકો પાસે ખાનગી શસ્ત્રોના પરવાના છે એનો અહેવાલ ગૃહ મંત્રાલય પાસે માંગ્યો ત્યારે ગૃહ મંત્રાલયે હાથ ઊંચા કરીને રાજ્ય સરકારો પાસેથી આંકડો મેળવવાની ભલામણ કરી હતી. રાજ્ય સરકારો પાસે ય ચોક્કસ આંકડો ન હતો એટલે દેશની મોટાભાગની રાજ્ય સરકારોએ સોગંધનામુ કરાવીને અંદાજિત સંખ્યા જણાવી હતી. આટ-આટલી આરટીઆઈ અને વિવિધ પ્રયાસો પછી પણ સરકાર પાસેથી ચોક્કસ આંકડો તો નથી જ જાણી શકાયો, પણ છતાંય જે છૂટા છવાયા અહેવાલો મળ્યા એ દેશની શાંતિ માટે ખતરાની સાયરન સમાન બની રહ્યા છે.
બધા પરથી એક નિષ્કર્ષ નીકળ્યો કે દેશમાં ૨૦ લાખ લોકો ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધરાવે છે. સત્તાવાર આંકડો આટલો હોય એનો અર્થ એવો થયો કે એનાથી બમણા-ત્રણ-ચાર કે પાંચ ગણા લોકો પાસે પરવાના વગરના શસ્ત્રો હોવાનો સંભવ છે.
હમણાં આ સંખ્યાને સદ્ભાગ્યે હાઇકોર્ટની એક ભલામણને કારણે વધુ બળ મળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની અરાજકતાને ધ્યાનમાં રાખીને સરકારને રાજ્યમાં ખાનગી શસ્ત્રોના લાયસન્સ ધારકોની સંખ્યા જણાવવા કહ્યું હતું. જો સરકાર પાસે આંકડો ઉપલબ્ધ ન હોય તો તેનો તાકીદે અહેવાલ તૈયાર કરવાનો હુકમ પણ કર્યો હતો એટલે અંતે ઉત્તર પ્રદેશની સરકારે આઈઆઈએમ લખનૌને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપી હતી. અહેવાલનો આંકડો સરકાર માટે ય ધારણા કરતા ઘણો મોટો હતો.
ઉત્તર પ્રદેશની પોલીસ પાસે અઢી લાખ હથિયારો છે. જ્યારે નાગરિકો પાસે ૧૧ લાખ લેટેસ્ટ બંદૂકો છે. શસ્ત્રોના પરવાના ધારકોની સંખ્યા પ્રમાણે ભારતના ૫૦ શહેરોનું લિસ્ટ પણ પેલા અહેવાલમાં આપવામાં આવ્યું છે. જેમાંથી ૨૧ શહેરો એકલા ઉત્તર પ્રદેશના છે. લખનૌમાં સૌથી વધુ ૪૮, ૪૩૬ ખાનગી શસ્ત્રોના પરવાના અપાયા છે અને હજુ ય ૫૦ હજાર અરજી તો પેન્ડિંગ રખાઈ છે. આ યાદીમાં બીજા નંબરે રહેલા પંજાબના ૧૧ શહેરો ટોપ ૫૦ના લિસ્ટમાં છે.
પોલીસ કરતા વધુ શસ્ત્રો નાગરિકો પાસે હોય એ સ્થિતિ લાંબાં ગાળાની શાંતિ માટે જોખમી છે. જો પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થાય તો પોલીસ પાસે નથી એવા અત્યાધૂનિક શસ્ત્રો નાગરિકો પાસે હોવાના કારણે મામલો થાળે પડવાને બદલે વધારે ગંભીર બની શકે છે. શસ્ત્રોનો સામ સામો પ્રયોગ થાય તો કેટલી અને કેવી હિંસા થઈ શકે એની કલ્પના કરવી અઘરી નથી. હાઈકોર્ટે ગંભીરતા પારખીને આ બાબતે સરકાર પાસે ખૂલાસો પૂછ્યો છે.
માત્ર યુપીમાં જ આ હાલત છે એવું નથી, દેશભરમાં બહુધા આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ૨૦૧૩ મુજબ દેશમાં કુલ પોલીસ ફોર્સનો આંકડો ૧૬ લાખ છે. એટલે કે એક લાખ નાગરિકોની સુરક્ષા માટે ૧૩૦ પોલીસ જવાનો ઉપલબ્ધ છે. એમાં વળી, ઈન્ડિયાના સ્પેશ્યલ પીપલ્સ (નેતા-અભિનેતા-સરકારી બાબૂઓ-સામાજિક કાર્યકરો વગેરે વગેરે)માટે ખડેપગે રખાતી પોલીસને બાદ કરીએ તો આંકડો વધુ નીચો આવી જાય. આવી દયનીય હાલત વચ્ચે સુરક્ષાના કારણોથી સરકારે આખા ભારતમાં ૨૦ લાખ નાગરિકોને શસ્ત્રોના પરવાના આપ્યા છે. પરવાનાની બીજી બાજુ એ છે કે એનો ઉપયોગ સુરક્ષા માટે ઓછો અને છાકો પાડી દેવા માટે વધુ થાય છે. ભાજપ-કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી-બસપા-એનસીપી જેવા રાજકીય પક્ષોના કાર્યકરો પાસે જ પોતાની સુરક્ષા (સુરક્ષા માટે શસ્ત્રો રાખનારાઓ પાછા દેશની સુરક્ષાના ઠાલા વચનોની લ્હાણી કરતા હોય!) માટે પરવાના મેળવેલી બંદૂકોની સંખ્યા ૮થી ૧૦ લાખ થવા જાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ છે આમ જનતા અને મતદારો ઉપર રોફ જમાવવા માટે! એકચ્યુઅલી કેટલા નાગરિકો પાસે હથિયાર છે એ ખૂદ સરકારને ખબર ન હોય ત્યારે ખરી મુશ્કેલી ચૂંટણીઓ વખતે થાય છે. ચૂંટણી પંચ આચાર સંહિતા હેઠળ હથિયાર ધારકોને શસ્ત્રો જમા કરાવવાનું ફરમાન છોડે છે. એ ફરમાનનો અમલ કરવાનું કામ પોલીસનું છે. હવે પોલીસનું કામ વધુ મુશ્કેલ બે કારણોથી બને છે. એક તો પોલીસનું પોતાનું અપર્યાપ્ત સંખ્યાબળ અને બીજું, ચોક્કસ આંકડાઓનો અભાવ. જ્યારે સ્પષ્ટ રીતે ખબર જ નથી કે કોની પાસે શસ્ત્રોનો પરવાનો છે ત્યારે પોલીસ કરે પણ શું?! 'છીંડે ચડે એ ચોર'ના ન્યાયે જેની પાસેથી શસ્ત્રો બરામદ થાય એ લેવાના બાકીના હરિવાલા!
ક્રાઇમમાં લાઇસન્સ ધારક શસ્ત્રોનો બહોળો ઉપયોગ એ તેની બીજી ગંભીર અસર. એનો એક નાનકડો દાખલોઃ ૨૦૧૨માં ભારતમાં ૭૦ હજાર હત્યા થઈ હતી. એમાંથી ૪૨,૯૨૩ હત્યા લાઇસન્સ ધારકોના બંદૂકના નાળચે કરાઈ હતી. ઘણા કેસમાં લાઇસન્સ ધારકની સીધી સંકોવણી ન હોય, છતાં એના શસ્ત્રના પરવાનાથી કોઈકની પરલોકની ટિકિટ ફાટી હોય! વળી, આ સંખ્યા ઘટવાને બદલે ઉત્તરોત્તર વધી રહી છે. ૨૦૦૦ના વર્ષમાં ૩૫,૦૦૦ હત્યા પાછળ પરવાનાવાળી બંદૂક વપરાઈ હતી જેની તુલનાએ છેલ્લા એક દશકામાં આ આંકડો ૧૦ હજાર જેટલો વધ્યો છે. એમાં ય વળી ઈજા પામનારા લોકોની ગણના અલગથી કરવી પડે તેમ છે. ૨૦૦૮માં લાઈસન્સના શસ્ત્રોથી દેશમાં ૬,૫૦૦ નાગરિકોને ઈજા થઈ હતી.
આઈઆઈએમ દ્વારા કેટલાક સૂચનો અહેવાલમાં અપાયા છે. એ મુજબ આ ગંભીર સ્થિતિ ટાળવા માટે એવા શસ્ત્રો અપાય કે જેનાથી જીવલેણ હુમલો ન થઈ શકે, પણ આત્મ સુરક્ષા સંભવ બને, નાગરિકો પાસે પોલીસથી ઓછા શસ્ત્રો હોય એની અહેવાલ દ્વારા સતત નિગરાની રાખવી, સુરક્ષાનો મુદ્દો પૂરો થાય એટલે જરૃર પડયે જે તે વ્યક્તિનું લાઇસન્સ રદ્ કરવું, શસ્ત્ર લાઈસન્સ ધારકો પોલીસની નજર તળે રહે અને આસપાસના પોલીસ મથકોમાં અમુક સમયે સખત હાજરી નોંધાવવી જ પડે એવો કડક નિયમ હોય, તો શસ્ત્ર રાખવાનો ક્રેઝ ઘણે ખરે અંશે ટાળી શકાશે.
આ સૂચનો ઉપર એક સંસ્થાએ લોકમત પણ મેળવ્યો હતો. જેને ખરેખર આમ આદમી કહી શકાય એવા લોકોઃ દુકાનદારો, રોજમદાર-ખાનગી-સરકારી કર્મચારીઓ વગેરેનો એક જ સૂર હતો કે જેની પાસે શસ્ત્રોનું લાઈસન્સ છે એ રોફ જમાવવા માટે જ તેનો ઉપયોગ કરે છે. જો સુરક્ષાનો જ મુદ્દો હોય તો પછી દરરોજ શસ્ત્રોનો દેખાડો કરવાની ક્યાં જરૃર છે? એવો અણિદાર સવાર પણ લોકોએ ઉઠાવ્યો હતો.
મોટાભાગના ખાનગી શસ્ત્રના પરવાનેદારો બેલ્ટમાં બંદૂક ખોંસીને દેખાડો કરતા હોય છે. જરૃર પડયે અમુક પ્રસંગે એકાદ ફાયરિંગ પણ કરી લેતા હોય એ નફામાં! ફાયરિંગનો રિપોર્ટ ભલે સ્થાનિક પોલીસને આપવાનો થતો હોય, પણ જ્યારે સ્થાનિક પોલીસ સાથે જ સેટિંગ હોય ત્યારે છાકો પાડી દેતા ધડાકાને રોકે પણ કોણ?

ગુજરાતમાં ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધારકો કેટલા?

 નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં કેટલા નાગરિકો પાસે ખાનગી શસ્ત્રનો પરવાનો છે એવો પ્રશ્ન સરકારને પૂછ્યો હતો. ગૃહમંત્રાલયનો વિશેષ હવાલો સંભાળતા હોવાથી મોદીએ જ તેમનો ઉત્તર આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૮-૧૦ દરમિયાન ૧૮ જિલ્લાઓમાં ૨૪૮૪ પરવાના અપાયા હતા. સૌથી વધારે ખાનગી શસ્ત્ર લાઇસન્સ ધરાવતો જિલ્લો સુરત હતો અને અહિંસના પૂજારી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ૬૪ લોકોએ આત્મરક્ષા કાજે લાઈસન્સ મેળવ્યા હતાં! જોકે, ત્યારે સરકાર પાસે ગાંધીનગર, અમદાવાદ, પાટણ, આણંદ, જામનગર, પંચમહાલ અને નવસારીના આંકડા ઉપલબ્ધ ન હતા એટલે કદાચ આંકડો વધારે મોટો પણ હોઈ શકે! 

ખાનગી શસ્ત્રોના પરવાનામાં ભારત બીજા નંબરે

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક વિશ્વ વ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. ૧૭૮ દેશોના આંકડા મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભારત ખાનગી શસ્ત્રોનો પરવાનો આપવામાં બીજા નંબરે છે. ૧૩૬ કરોડની વસતી ધરાવતા દેશ ચીનમાં ખાનગી શસ્ત્ર ધારકો માત્ર ૬.૮ લાખ છે. જાપાને તો એનાથી ય ઓછા લાઇસન્સ ઈસ્યુ કર્યા છે. જાપાનમાં માંડ ૪ લોકો પાસે ખાનગી શસ્ત્ર રાખવાની પરમિટ છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ૧.૮૫ લાખ લોકો સત્તાવાર રીતે શસ્ત્રો ધરાવે છે. જોકે, બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં સરકારની મીઠી નજર હેઠળ બિન સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો આંખો પહોળી થઈ જાય એવડો મોટો છે. ઈન્ડોેનેસિયાની આબાદી ૨૫ કરોડ છે અને ત્યાં ખાનગી શસ્ત્રોના ૩૪ હજાર લાઇસન્સ ધારકો છે. છેલ્લે ૨૦૧૨માં ન્યુયોર્કમાં મળેલી એક બેઠકમાં ખાનગી શસ્ત્રોના નિયંત્રણ પર બધા દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. નાગરિકો પાસે ઓછામાં ઓછા શસ્ત્રો હોય એવો બધા દેશોના પ્રતિનિધિઓએ નિર્ધાર કર્યો હતો, પણ ભારતે એ સંમતિપત્રકમાં હસ્તાક્ષર કર્યા ન હતા. અહીં આપણા ખંધા રાજકારણીઓનો ધંધો જ આવા શસ્ત્રો પર ચાલતો હોય ત્યારે એના પર પાબંદી લગાવવાનું કેમ પરવડે!
Sunday 28 September 2014
Posted by Harsh Meswania
Tag :

પ્રથમ પ્રયત્ને ભારત મંગળ પર પહોંચશે?



૨૪મીએ ભારતનું મહાત્વાકાંક્ષી મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે તો ભારત એક સાથે અનેક વિક્રમો પર નામ નોંધાવી દેશે. મંગળ સુધી પહોંચનારો પ્રથમ એશિયન દેશ, વિશ્વની માત્ર ચોથી સંસ્થા અને પ્રથમ પ્રયત્ને અચૂક નિશાન ભેદવાની અનોખી સિદ્ધિ તો ખરી જ...

એ ૨૧ તસવીરો આગામી ૨૧મી સદીને નવી દિશા આપવાની હતી અને એટલા માટે જ તે ખૂબ મહત્ત્વની બની રહેવાની હતી. ફોટોગ્રાફી અને ફિલ્મોમાં આવેલા રંગીન પરિવર્તનના એ સંગીન પ્રારંભિક દિવસોમાં પેલી ૨૧ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોએ સંશોધકોની કલ્પનાઓને નવો રંગ આપવાનું મહામૂલું કામ કર્યું હતું. એ તસવીરો તેમના માટે દુનિયાની કોઈ પણ ચીજ-વસ્તુ કરતા મૂલ્યવાન હતી અને હોવી ય જોઈએ. કારણ કે એ તસવીરોએ વિશ્વને પ્રથમ વખત ખરા અર્થમાં નવી દુનિયા બતાવી હતી. સામાન્ય કેમેરાની મદદથી અસામાન્ય સ્થિતિમાં લેવાયેલી એ તમામ ૨૧ તસવીરો પરલોકમાંથી પૃથ્વી ઉપર આવી હતી અને એ ઘટના પૃથ્વીવાસીઓ માટે સાવ નવી હતી. પહેલી વખત બીજી દુનિયાની તસવીરો પૃથ્વી સુધી પહોંચી હતી અને એટલે તે અનેકગણી મૂલ્યવાન હતી.
જેના કારણે પૃથ્વી સિવાયની બીજી દુનિયાના શોધ-સંશોધનનું પોષક-પ્રેરક-પ્રોત્સાહક વાતાવરણ બનવાનું હતું એ ૨૧ તસવીરો નાસાના ઓરબિટ અવકાશ યાન મરિનર-૪ દ્વારા મોકલાયેલી મંગળની સપાટીનો 'આંખે દેખ્યો અહેવાલ' હતો. મંગળ વિશેની કપોળ-કલ્પિત ધારણાઓથી વિપરિત નરી વાસ્તવિકતાનો એ પ્રથમ માનવસર્જિત દસ્તાવેજ હતો.
                                                                           * * *
૧૯ મે, ૧૯૬૪ના દિવસે અમેરિકન અવકાશી સંશોધન સંસ્થા નાસાએ રવાના કરેલું મરિનર-૪ મંગળ ઉપર ૧૫ જૂન, ૧૯૬૫ના રોજ પહોંચીને પોતાની કામગીરી સફળતાપૂર્વક શરૃ કરે એ પહેલા રશિયાના પાંચ અને નાસાના એક મળી મંગળ સુધી પહોંચવાના કુલ છ નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા. આ એ વખતનો સમયગાળો હતો જ્યારે હજુ માનવીને ચંદ્ર ઉપર પગ મૂકવાનો બાકી હતો અને રશિયા-અમેરિકા વચ્ચે અવકાશમાં આધિપત્ય સ્થાપવાની કશ્મકશ તેના મધ્યાહને પહોંચી ચૂકી હતી. ૧૯૭૦ સુધીમાં રશિયાએ વધુ પ્રયાસો શરૃ રાખ્યા. રશિયાને સફળતા મળે એ પહેલા નાસાએ સફળતાનું સાતત્ય જાળવી રાખીને મરિનર-૬ અને મરિનર-૭ને મંગળ સુધી પહોંચાડીને પોતાની કુશળતાને ધાર આપી દીધી હતી. દશકો પૂરો થાય એ પહેલા જ નાસાએ નીલ આર્મસ્ટ્રોંગના પગલા મારફતે ચંદ્ર ઉપર પણ પોતાની હયાતિની અમિટ છાપ છોડી દીધી હતી.
પ્રથમ પ્રયાસ તો રશિયાએ છેક ૧૦ ઓક્ટોબર, ૧૯૬૦ના દિવસે 'માર્સ' નામનું મિશન શરૃ કર્યું ત્યારથી થયો કહેવાય, પણ અમેરિકાને હરિફાઈ આપવાની ઉતાવળમાં રશિયાને સફળતા મળી તેના ૧૧ વર્ષના પ્રયત્નો પછી! રશિયાનું મહાત્વાકાંક્ષી મિશન માર્સ-૨ મંગળ ઉપર જઈને પોતાની કામગીરીને અંજામ તો ન આપી શક્યું, પરંતુ તેના નામે મંગળની સપાટી ઉપર પહોંચનારા માનવસર્જિત પ્રથમ પદાર્થ તરીકેનું સન્માન જરૃર નોંધાઈ ગયું. ડસ્ટ અને નબળા વાતાવરણને કારણે તે તેના સમકાલિન નાસાના મરિનર-૯ની લગોલગ કામ કરી શક્યું નહીં, પણ મંગળ ઉપર જઈને તૂટી પડયું અને તેના માથે નિષ્ફળતાનું લેબલ લાગી ગયું.
ધાર્યા પ્રમાણેનું કામ કરનારા પ્રથમ અવકાશ યાનનું શ્રેય મરિનર-૯ને આપવું રહ્યું. આ યાને ૭૦૦૦ તસવીરો સાથે મંગળના ઘણા ખરા ભાગને અને તેની આંતરિક રચનાને સમજવામાં ભાગ ભજવ્યો હતો. મજાની વાત એ છે કે રશિયાના માર્સ-૨થી ૧૧ દિવસ પછી મોકલાયેલું આ યાન તેના કરતા ૧૩ દિવસ વહેલું પહોંચડવામાં નાસાના વિજ્ઞાાનિકોને સફળતા મળી હતી. રશિયા-અમેરિકા વચ્ચે અંતરિક્ષની હોડના એ દિવસોમાં મરિનર-૯એ નાસાના કોલર ઊંચા કરાવી દીધા હતા.
રશિયાએ બીજા ચાર વર્ષમાં ચાર યાન મોકલીને મહેનત ચાલુ રાખી એ દરમિયાન નાસાએ કોઈ જ પ્રયાસો ન કર્યા. ચાર વર્ષના વિરામ બાદ નાસાએ વિકિંગ-૧ નામનું ઓરબિટ અને પ્રથમ લેન્ડર (ભ્રમણકક્ષામાં ફરવાની સાથે સપાટી ઉપર ઉતરાણ કરીને જરૃરી સંશોધન કરે તેવું) યાન ૨૦ જુલાઈ ૧૯૭૬ના દિવસે સફળતાપૂર્વક મંગળ ઉપર ઉતાર્યું. એટલું જ નહીં, તેના એક માસ પછી સપ્ટેમ્બરમાં એવા જ પ્રકારના વિકિંગ-૨નો મંગળની સપાટી સુધી સ્પર્શ કરાવ્યો એ સાથે જ નાસાની અવકાશ ક્ષેત્રની શાખ પણ આસમાનની ઊંચાઈઓને સ્પર્શી ચૂકી હતી. આ બંને યાને મંગળને સમજવા માટે લગભગ ૫૦ હજાર તસવીરો નાસાને મોકલી આપી હતી. અત્યાર સુધીનું સંશોધન મંગળની ભ્રમણકક્ષા સુધી સીમિત રહ્યું હતું જે હવે સપાટી સુધી લંબાયું હતું. જોકે, અચાનક નાસાએ મંગળ ઉપરના મિશનો બંધ કર્યા હતા. સ્પેસ સાયન્સમાં આધિપત્ય સ્થાપી દીધા પછી નાસાએ મંગળ મિશન ઉપર રોક લગાવી સાથે સાથે રશિયાએ પણ લાંબો વિરામ લીધો. ૧૯૮૮થી ૧૯૯૬ સુધીમાં વળી રશિયા-અમેરિકાએ મંગળયાનના છૂટા છવાયા નિષ્ફળ પ્રયાસો કરી લીધા હતા. ૧૯૯૬માં નાસાએ માર્સ ગ્લોબલ સર્વેયરને ભ્રમણકક્ષામાં છૂટું મૂક્યું અને તેની પાસેથી સાત વર્ષ સુધી કામ લીધું. એ દરમિયાન ૬ પૈડાવાળું પાથફાઇન્ડર (આ યાન રોવર પ્રકારનું હતું કે જે સપાટી ઉપર ભ્રમણ કરીને સપાટીનો ઊંડાણપૂર્વકનો અહેવાલ મોકલી શકતું હતું) મંગળની સપાટી પર મોકલાયું. તેની સાથે છેલ્લે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૭ના દિવસે સંપર્ક થયો હતો. પછીથી તેનો સંપર્ક નથી થયો, પણ તેના સપાટી અંગેના અહેવાલો સંશોધન માટે દિશાસૂચક બની રહ્યાં. ૨૦મી સદીના એ છેલ્લા વર્ષોમાં અમેરિકા, જાપાન, રશિયા સહિત પાંચેક યાને મંગળ સુધી પહોંચવા ઉડાન ભરી હતી, પણ તમામને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો. એમ તો ચીનને પણ ૨૧મી સદીના પ્રથમ દશકામાં પ્રયાસ કરીને નિષ્ફળતાનો ખારો સ્વાદ ચાખવો પડયો હતો. નાસાએ ઓગસ્ટ ૨૦૦૭માં ફોએનિક્સ માર્સ લેન્ડરે મંગળ ઉપર પહોંચાડયું હતું. બે વર્ષ સુધી નિયત કામગીરી કરીને ૨૪ મે, ૨૦૧૦માં નિવૃત્તિ જાહેર કરી દીધી હતી! છેલ્લે નાસાના માર્સ ઓડિસી, સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી, એમઆરઓ અને ફોએનિક્સ તેમજ યુરોપિયન યુનિયનના માર્સ એક્સપ્રેસને મંગળ યાત્રામાં સફળતા મળી હતી.
                                                                          * * *
પાંચ મંગળ યાન અત્યારે એક્ટિવ છે. ભારતનું માર્સ ઓરબિટ મિશન (એમઓએમ) અને એમેરિકાનું માવેન રસ્તામાં છે.
માવેન સંભવતઃ ૨૧મી સપ્ટેમ્બર (આજે) તે મંગળના વાતાવરણમાં પહોંચશે. ભારતના મંગળયાનની જેમ નાસાનું આ માવેન યાન પણ ઓર્બિટર છે. નાસાએ તેને મંગળના વાતાવરણનો અભ્યાસ કરવાનું કામ સોંપ્યું છે.
મંગળ ઉપર અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા, યુરોપિયન સંઘ ઉપરાંત ચીન, જાપાનના છૂટાં છવાયા મળીને કુલ ૪૦ જેટલા અંતરિક્ષ યાનો મોકલાયા છે. જેમાંથી ૨૩ યાનો નિષ્ફળ નિવડયા છે. રશિયા આ બાબતે સૌથી કમનસીબ પૂરવાર થયું છે. મંગળ ઉપર સંશોધનનો સિલસિલો રશિયાએ શરૃ કર્યો હતો, આજે ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ચૂક્યો હોવા છતાં તે નાસાની તુલનાએ મંગળ વિશે ખાસ સફળ થયું નથી. આજે મંગળ ઉપર પાંચ એક્ટિવ પ્રોજેક્ટ્સ છે અને એમાં એકેય રશિયાનું નથી.
જો ભારત પ્રથમ પ્રયાસે મંગળ ઉપર પહોંચી જશે તો ચીન-જાપાનને પાછળ રાખીને એશિયાનો પ્રથમ દેશ બની જશે. આ એક જ સિદ્ધિ નથી, અમેરિકા, રશિયા અને યુરોપિયન સંઘ પછી મંગળ સુધી પહોંચનારી ચોથી મોટી શક્તિ તરીકે પણ પ્રસ્થાપિત થશે. આ સિવાયની સૌથી મોટી સફળતા એ પણ નોંધવી રહી કે પ્રથમ ઘાએ નિશાન ભેદી શકાય તો વિશ્વનો એકમેવ દેશ બનશે, જેણે પહેલી જ વખતમાં ધારી સફળતા મેળવી હોય. લેટ્સ હોપ, મંગળયાનની યાત્રા મંગળમય હશે!

મંગળ શા માટે?
પૃથ્વીની જેમ જે ગ્રહો ઉપર માનવજીવન શક્ય છે એના સંશોધનમાં મંગળ સૌથી નજીક માનવામાં આવે છે. ડ્રાય સપાટી, પૃથ્વીની જેમ મૌસમની શક્યતા, હવામાન, ખીણ જેવી ઘણી બાબતોના કારણે મંગળ અવકાશી સંશોધન કરતી સંસ્થા માટે વધુ મહત્ત્વનો અને રસ જગાવતો ગ્રહ રહેતો આવ્યો છે. એ જ કારણ છે કે મંગળ ઉપર મહત્ત્વના બધા દેશોને નવું નવું જાણવાની સતત ઉત્સુકતા રહે છે. માનવ જીવન શક્ય હોય એવી શક્યતા અન્ય ગ્રહો કરતા મંગળ ઉપર વધુ સતેજ મનાય છે. ત્યાં અબજો વર્ષો પહેલા પાણી હોવાની શક્યતા સંશોધકોને લાગે છે. કેમ કે, નદી-નાળાના ચિન્હો પણ જણાયા છે. પૃથ્વી સાથે ઘણી બધી રીતે સરખા મંગળ ગ્રહ વિશે એટલે જ પૃથ્વીના સંશોધકોને વધુ ઉત્સુકતા અને રસ જળવાઈ રહ્યાં છે. જો માણસ મંગળ ઉપર વસવાટ કરે તો તેનું એક વર્ષ પૃથ્વીના બે વર્ષ બરાબર થાય. કેમ કે, મંગળનું એક વર્ષ ૬૮૭ દિવસે થાય છે.

મંગળમય રીતે સક્રિય પંચ

માર્સ ઓડિસીઃ ૨૪ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે નાસાએ માર્સ ઓડિસીને ઓરબિટ પર પહોંચાડયું હતું. એ ૨૦૦૪માં તેનું કામ પૂર્ણ કરે તેમ હતું, પણ ઉમ્મિદથી વધારે તેણે નાસા માટે ઘણા વર્ષો એક્ટિવ રહ્યું. તેના નામે સૌથી વધુ સમય માટે કામ કરવાનો વિક્રમ બોલે છે. આજેય તે કાર્યરત છે. 
ઓપોર્ચ્યુનિટી : ગોલ્ફ કાર્ટની સાઇઝનું નાસાનું માર્સ એક્સપ્લોરેશન રોવર એટલે કે ઓપોર્ચ્યુનિટી યાન જાન્યુઆરી ૨૦૦૪માં મંગળ ઉપર લેન્ડ થયું હતું. તેની પાસેથી ૯૦ દિવસ સુધી કામ લેવાની ધારણા હતી, પણ તે લાંબાં ગાળા સુધી કાર્યરત રહ્યું હતું. ૨૦૧૩ના ફેબુ્રઆરી માસ સુધીમાં તેણે મંગળની સપાટી ઉપર ૩૫. ૫૮ કિલોમીટરની સફર ખેડી નાખી હતી.
માર્સ એક્સપ્રેસ : ધ યુરોપિયન સ્પેસ એજન્સીએ (ઈએસએ) માર્સ એક્સપ્રેસ યાન મંગળ પર ૩ જૂન, ૨૦૦૩ના દિવસે રવાના કર્યું હતું. દુર્ભાગ્યે પહોંચ્યા પછી તેનો સંપર્ક સેતુ ખોરવાઈ ગયો હતો. મજાની વાત એ છે કે ઓર્બિટર માર્સ એક્સપ્રેસ સાથે ૨૦૦૫માં ઈએસએનો સંપર્ક થઈ શક્યો હતો અને તેના થકી ઈએસએને હાઈ રિઝોલ્યુશન ધરાવતી કેટલીક તસવીરો પણ પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી તે એકાએક વ્યવસ્થિત કામ કરતું થયું હતું અને હજુ ય કામ કરે છે.
માર્સ રિકોન ઓર્બિટર (એમઆરઓ) : નાસા દ્વારા ૨૦૦૫માં મોકલાયા પછી તેણે મંગળ વિશે બનતી પુષ્કળ માહિતી નાસા સુધી પહોંચાડી હતી. મંગળના વાતાવરણની અને રેડિએશનની વિગતો એમઆરઓ દ્વારા મળી હતી. જોકે, એમઆરઓ પાસેથી મળેલી માહિતી નાસાએ બહુ જાહેર કરી નથી. 
માર્સ સાયન્સ લેબોરેટરી (ક્યુરોસિટ) : આ રોવર યાન ૫ ઓગસ્ટ, ૨૦૧૨ના દિવસે મંગળ ઉપર લેન્ડ થયું હતું. અત્યાર સુધીના યાન ભ્રમણકક્ષા (ઓરબિટ) સુધી મોકલાતા હતા અથવા તો લેન્ડિંગ કરાતું હતુ. વળી, રોવર પ્રકારના યાન મોકલીને સપાટીનો અભ્યાસ કરાયો છે ખરો, પણ ક્યુરોસિટીના ભાગે સપાટીના અંતરના ભાગનો અભ્યાસ કરવાનું કઠિન કામ આવ્યું હતું. તેનો પ્રવાસ જ ખાડામાં લેન્ડિંગ કરીને થયો હતો. મંગળમાં જીવસૃષ્ટિ અને પાણી હોવાની અવકાશ સંશોધકોની જે ધારણા હતી તેને ક્યૂરોસિટીએ વધુ મજબૂત બનાવી છે. તેણે ૭૦ હજાર જેટલી તસવીરો મોકલી છે.
Sunday 21 September 2014
Posted by Harsh Meswania
Tag :

મહાન હો તો તમારા દેશમાં, અમારા દેશમાં ન પ્રવેશતા!


દલાઈ લામાને દક્ષિણ આફ્રિકાએ કોઈ કારણોથી વિઝા ન આપ્યા. હોબાળો મચ્યો એટલે આફ્રિકાએ ગોળગોળ ખૂલાસો પણ કર્યો. દલાઈ લામા પહેલી એવી સેલિબ્રિટી નથી જેની વિઝા અરજી નકારી કાઢવામાં આવી હોય. અગાઉ ઘણા બધા જાણીતા નામો પર અલગ અલગ દેશોનો એન્ટ્રીનો સિક્કો લાગી ચૂક્યો છે.

સેલિબ્રિટી  થઈ ગયા એટલે દુનિયાભરમાં ફરવાનો પરવાનો મળી ગયો એવું માનતા ઘણા મહાનુભાવોની ધારણા એક પળમાં ધ્વસ્ત કરી નાખનારા બનાવોની વાત માંડવાની હોય તો એ યાદી ખૂબ લાંબી થઈ શકે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા અને છેક આચાર્ય રજનીશ સુધીના જાણીતા અને જનમાનસમાં પ્રભાવ ધરાવતા મહાનુભાવોને કોઈને કોઈ કારણોથી વિઝા ન મળ્યાના બનાવો બની ચૂક્યા છે.
ક્યારેક વિદેશ ગમન કરવા ઈચ્છુક સામાન્ય લોકોને પોતાની પોલિસી પ્રમાણે કોઈ દેશ એમ સરળતાથી વિઝા ન આપે એ સ્વાભાવિક બાબત છે. વિઝા આપ્યા પછી જે તે વ્યક્તિ એ દેશમાં રહી પડશે તો શું થશે અને સમયાંતરે પરવાના વિના કાયમી વસવાટ કરી લીધાનો આંકડો ખૂબ મોટો થઈ જાય, જેના કારણે બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ મુખ્ય કારણ સામાન્ય લોકોના વિઝા નકાર પાછળ કોઈ પણ દેશનું હોય શકે છે-હોય છે, પરંતુ સેલિબ્રિટીના કેસમાં આ મુદ્દો જ અસ્થાને છે. ખ્યાતનામ વ્યક્તિ દેશમાં હંમેશા માટે રહી જાય એ વાત બહુ શક્ય નથી હોતી. વળી, અમેરિકા જેવા દેશમાં તો એવા કેટલાય વિદેશી મહાનુભાવોને કાયમી વસવાટની પરવાનગી પણ આસાનીથી મળી જાય છે. પણ સેલિબ્રિટીના વિઝા નકારની બાબતમાં અમુક ન ધારેલી બાબતો સામે આવતી રહે છે. ક્યારેક વિઝા ન આપવાનું કારણ મજબૂત હોય છે તો ક્યારેક સાવ વાહિયાત બાબતને આગળ કરીને વિઝા નકારી દેવામાં આવતા હોય છે. કોઈ કલાકારના વિચારો કે શબ્દો સાથે સહમત ન થતો દેશ તેના આવવા ઉપર અંકુશ મૂકી દે છે તો ક્યારેક રાજકીય બાબતો પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દલાઈ લામાને દક્ષિણ આફ્રિકા વિઝા આપવામાં રાજકીય કાવાદાવા કરે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા જ અમેરિકા પોતાના દેશમાં આવવાનું નિમંત્રણ પાઠવે એ બધી જ બાબતો રાજકીય છે, પણ એ સિવાયના એવા યે કારણો આગળ ધરવામાં આવતા હોય છે જે પહેલી નજરે ગળે ઉતરે એવા હોતા નથી!
 
બ્રાડઃ તિબેટીયનોની તરફેણ એટલે ચીનમાં નો એન્ટ્રી
બ્રાડ પિટના વિઝા અને તેની ફિલ્મો પર ચીનમાં પ્રતિબંધ છે. કેમ? કારણ કે તેણે તિબેટીયનોના કથાનક પર આધારિક એક ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તિબેટીયનોના નામથી જ ચીનને તરત વાંકુ પડી જતું હોય છે. એમાં બ્રાડ પિટ નજરે ચડી ગયો હતો એટલે ચીને આ લોકપ્રિય અભિનેતાને પણ વિઝા ન આપીને ચર્ચા જગાવી હતી. ચીન સેલિબ્રિટીને વિઝા ન આપવાની બાબતે ચર્ચામાં વધુ રહેતું હોય છે. બ્રાડ પિટ અગાઉ ડિરેક્ટર માર્ટિન સ્કોર્સિસ ઉપરાંત હેરિસન ફોર્ડ, માઇલી સાયરસ, રિચાર્ડ ગેરે, બોબ ડેેલન વગેરે જેવા કેટલાય જાણીતા નામો ઉપર ચીન વિઝા નકારનો સિક્કો મારી ચૂક્યું છે. એમાંથી મોટા ભાગનાના વિઝા તેની તિબેટીયનો તરફની કૂણી લાગણીના કારણે ચીને નથી આપ્યા.
 
મારાડોના-હિલ્ટનઃ જાના થા જાપાન પહોંચ ગયે ઘર!
૨૦૧૦ના એ દિવસે વહેલી સવારે પેરિસ હિલ્ટન જાપાનના એરપોર્ટ પર પહોંચી એટલે તરત જ જાપાની ઓફિસર્સે તેને ઘેરી લીધી. કારણ કે એરપોર્ટ અધિકારીઓને શંકા થઈ કે પેરિસ ડ્રગ્સનું સેવન કરીને આવી છે. છ કલાક સુધી પૂછપરછ અને તપાસના અંતે અધિકારીઓનો શક સાચો પડયો હતો. પોતાની ફેશન પ્રોડક્ટને પ્રમોટ કરવા ટોકિયો આવેલી પેરિસ હિલ્ટન જાપાન પહોંચતા પહેલા જ નશો કરીને આવી હતી. એટલે અધિકારીઓએ એને ત્યાંથી જ ઘરે પરત કરવાનો હુુકમ કર્યો હતો.
આવો જ અનુભવ ફૂટબોલ સુપરસ્ટાર મારાડોનાને થયો હતો. ફૂટબોલમાં અનોખા વિક્રમો ધરાવતા મારાડોનાને વિશ્વભરમાં જ્યાં જાય ત્યાં અદકેરું સન્માન મળતું હોય છે, પરંતુ જાપાનમાં થયેલા કડવા અનુભવે તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. ઈમિગ્રેશન અધિકારીઓએ જ્યારે તેને ઉટપટાંગ સવાલો કર્યા ત્યારે મારાડોનાએ કરેલો બધો જ નશો પળવારમાં ઉતરી ગયો હતો. ડ્રગ્સનું સેવન કરીને જાપાનમાં પ્રવેશવાની ઈચ્છા સેવતા વધુ એક સેલિબ્રિટીને જાપાની અધિકારીઓએ ઘર ભણી વળી જવાનો ઈશારો કરી દીધો હતો.
જાપાન પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં આ બાબતને ખાસ પ્રાધાન્ય આપે છે. ડ્રગ્સનું સેવન કરનારા કેટલાય સેલિબ્રિટીને જાપાની ઈમિગ્રેશન અધિકારીઓએ પોતાની પોલિસીનો અમલ કરાવ્યો છે. ભૂતકાળમાં ધ રોલિંગ્સ સ્ટોન્સ નામના મ્યુઝિકલ ગૃપથી લઈને રસેલ બ્રાન્ડ જેવા જાણીતા નામ સુધીનાનો જાપાન પ્રવેશ ડ્રગ્સના સેવનનું કારણ આગળ ધરીને અટકાવી દેવામાં આવ્યો હતો.
ચીન-જાપાનની જેમ જ શ્રીલંકાએ પણ એક સેલિબ્રિટીના નામ ઉપર પ્રવેશ નિષેધ કર્યો છે. એ નામ છે પોપસ્ટાર એકોન. ચીન-જાપાન કરતા તદ્ન અલગ કારણ આપીને શ્રીલંકાએ એકોન પર પાબંદી મૂકી છે. એકોનના એક વીડિયો સોંગ 'સેક્સી ચિક...'થી શ્રીલંકન સરકારને વાંધો પડયો અને એ સાથે જ એકોન માટે શ્રીલંકાના દરવાજા બંધ થઈ ગયા!
 
ધ બિટલેસઃ લોકપ્રિયતા અને વિઝા નકારનો પ્રારંભિક કિસ્સોધ બિટલેસ મ્યુઝિકલ ગૃપે સાતમા દશકાના યંગસ્ટર્સમાં લોકપ્રિયતાના નવા આયામો સર કર્યા હતા. ચોમેર તેની ધૂનો લોકજીભે રમતી હતી. જોકે, ઈઝરાયેલે ૧૯૬૪માંં એક કાર્યક્રમ માટે આવતા આ ગૃપના મેમ્બર્સને રોકી રાખ્યા હતા. 'ઈઝરાયેલના યંગસ્ટર્સ ઉપર આ ગૃપની નકારાત્મક અસર પડશે' એવું કારણ આગળ ધરીને તે ગૃપના ચાર સભ્યોને ઈઝરાયેલના અધિકારીઓએ દેશમાં પ્રવેશ આપ્યો નહોતો. એ સમયે આ કિસ્સો ખૂબ જ ચર્ચાયો હતો. લોકપ્રિય નામોને દેશમાં નો એન્ટ્રી કરવાનો એ સૌથી ચર્ચાસ્પદ અને સંભવતઃ પ્રથમ મોટો બનાવ હતો. એ પછી ધ બેટલેસ માટે ફિલિપાઇન્સના દરવાજા પણ બંધ થયા હતા. કેમ કે, આ પોપ્યુલર ગૃપના ફેન એવા ફિલિપાઇન્સના ફર્સ્ટ લેડી સાથે બ્રેકફાસ્ટનું ભાવભર્યુ આમંત્રણ ગૃપ મેમ્બર્સને મળ્યું હતું, પણ ધ બિટલેસે તેનો અસ્વીકાર કર્યો હતો એટલે અંતે ફિલિપાઇન્સે તેમના નામ પર હંમેશા માટે ચોકડી મારી દીધી હતી. ફિલિપાઇન્સની લાગણી દૂભાય જાય તો કેવા નિર્ણયો લઈ શકે તેનો એક બીજો નમૂનો...
 
એલેક બેલ્ડવિનઃ ફિલિપાઇન્સ વિરુદ્ધ એક કમેન્ટ આપી અને...અમેરિકન અભિનેતા એલેક બેલ્ડવિને કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ ડેવિડ લેટરમેનના શોમાં આવીને ૨૦૦૯માં ફિલિપાઇન્સની એક ટીખળ કરી હતી. જેને જવાબ આપતા ફિલિપાઇન્સે તેને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એલેકની મજાક કંઈક એવી હતી કે 'જો તમને વધુ બાળકોની જરૃર હોય તો ફિલિપાઇન્સની દુલ્હન સાથે લગ્ન કરી લેવા જોઈએ!' તેની આ મજાકને ફિલિપાઇન્સે ગંભીરતાથી લીધી હતી અને એલેક ફિલિપાઇન્સમાં ક્યારેય પગ ન મૂકે એવી વ્યવસ્થા કરી હતી.
લેડી ગાગા, માઇલી સાયરસ, લીલી એલન, બિયોન્સ નોલેસ, માર્થા સ્ટીવર્ટ, એમી વાઇનહાઉસ, સલમા હાયેક સહિતની કેટલીય સુંદરીઓને તેના વર્તનના કારણે કે પછી અશ્લિલ ફોટોશૂટના કારણેે અલગ અલગ દેશોમાં પ્રવેશ નિષેધ ફરમાવાયો છે. ઘણા કિસ્સાઓમાં તો અધવચ્ચેથી પ્રવાસ ટૂંકાવીને પોતાના દેશમાં ચાલ્યા જવાનો હુકમ પણ છૂટયો છે. જેમ કે, થોડા મહિનાઓ પહેલા લેડી ગાગા દૂબઈમાં જાહેર સ્થળોએ નગ્ન ફોટોશૂટ કરાવતી હતી એટલે તેના વિઝા પરવાનાને ટૂંકાવી દેવામાં આવ્યો હતો.

એક એવી સેલિબ્રિટી જેના માટે વિશ્વના બધા જ દેશોના દરવાજા બંધ છે!
લંડનમાં રહેતા ગેરી ગ્લિટર માટે વિશ્વમાં તમામ દેશોના દરવાજા બંધ છે. ૭૦-૮૦ના દશકમાં રોક સ્ટાર ગેરીએ બ્રિટન-અમેરિકાની નવી પેઢીમાં પોતાના મ્યુઝિકનું ઘેલું લગાડયું હતું. મ્યુઝિક એલબમ્સની સાથે સાથે સ્ટેજ ગજવતા ગેરીની લોકપ્રિયતાની ઈર્ષા ભલભલા ગાયક-સંગીતકાર-ગીતકારને આવે એવો એ સમય હતો, પરંતુ જો સાવચેતી રાખવામાં ન આવે તો સૌથી પહેલું ગ્રહણ પ્રસિદ્ધિને લાગતું હોય છે. એવું જ ગેરીના કેસમાં થયું. ગેરી પર બાળયૌન શૌષણના આરોપ ઉપર આરોપ લાગતા ગયા અને એ વમળમાં ફસાતો ગયો. ડ્રગ્સના સેવનથી લઈને ચાઈલ્ડ પોર્નોગ્રાફી સુધીની બદીઓમાં તેનું નામ ઉછળ્યું. આરોપો સાબિત થતા ગયા અને ગેરી માટે મુશ્કેલીઓનો પહાડ ખડકાવા લાગ્યો. તેને સજા થઈ, તેણે વળતી અપિલ કરી વગેરે વગેરે ઘણું બનતું રહ્યું. સાથે સાથે બધા દેશોએ એક યા બીજા કારણોથી તેના પ્રવેશ પર પણ પાબંદી મૂકી દીધી. હવે સ્થિતિ એ છે કે ૭૦ વર્ષના ગેરી પાસે બ્રિટન સિવાય બધા જ દેશોના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે.
Sunday 14 September 2014
Posted by Harsh Meswania
Tag :

દુભાષિયાઃ નેતાઓના વિચારોને શબ્દોના વાઘા પહેરાવતા કીમિયાગરો

રશિયા અને અમેરિકાના નેતા વચ્ચે વિક્તોર સુખોડ્રેવ
જાપાનની યાત્રાએ ગયેલા વડાપ્રધાને મોટાભાગે હિન્દીમાં પ્રવચન કર્યું હતું. બે દેશોના નેતાઓ જ્યારે પોત-પોતાની ભાષામાં જ સંબોધન-વાર્તાલાપ કરવાનું વલણ અપનાવે ત્યારે દુભાષિયાની ભૂમિકા અતિ અગત્યની બની જતી હોય છે. રાજકીય નેતાઓના દુભાષિયા હોવું એટલે...

અમે તમારી કબર ખોદી નાખીશું!' આવું વાક્ય વાંચતા-સાંભળતાની સાથે જ રણમેદાનમાં સામ-સામે ઊભા રહીને એકમેકને પડકારતા દુશ્મનોનું દ્રશ્ય સહેજેય નજર સામે આવી જાય, પણ ખરેખર આ વાક્ય એક નેતાએ મંત્રણાના મંચ પર ઉચ્ચાર્યું હતું એવું કોઈ કહે તો? તો સ્વાભાવિક રીતે જ આશ્વર્યનો કોઈ પાર ન રહે કે આવું વાક્ય અને એ પણ મંત્રણાના મંચ પર! આવી ઘટના ખરેખર ૧૯૫૯માં બની હતી. એ કયા બે દેશો વચ્ચે બની હતી એ જો જાણીએ તો તો આશ્વર્ય એ બાબતે થાય કે ત્રીજું વિશ્વયુદ્ધ કઈ રીતે ટાળી શકાયું હશે! કેમ કે, આ વાક્ય રશિયન પ્રમુખ નિકિતા ક્રુશેવે અમેરિકામાં જઈને ઉચ્ચાર્યું હતું, એ ય પાછું શીતયુદ્ધના ગરમાવા વચ્ચે!
લેકીન, કિંતુ પરંતુ....આ વાક્ય નિકિતા બોલ્યા હતા ખરા, પણ તેમનો કહેવાનો અર્થ કંઈક જુદો હતો. વાત જાણે એમ હતી કે અમેરિકાની મુલાકાત દરમિયાન નિકિતાએ કહ્યું હતું કે સામ્યવાદ મૂડીવાદને ખતમ કરી નાખશે, (ટૂંકમાં આ મહાશય એમ કહેવા માંગતા હતા કે સામ્યવાદ મૂડીવાદ કરતા વધુ વખત ટકશે અને સ્વીકૃત બનશે!) પણ તેેમના દુભાષિયાએ રશિયનભાષામાંથી અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં સુધીમાં તેણે અમેરિકાની કબર ખોદી નાખી હતી! આ એક વાક્યના કારણે અમેરિકનોને નિકિતા ક્રુશેવ તોછડા લાગ્યા હતા અને અમેરિકન અખબારોએ આ ગુસ્તાખી બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. રશિયા પહોંચ્યા પછી તેમના દુભાષિયાની અનુવાદની આ ક્ષતિ સામે આવી હતી. જોકે, ત્યાં સુધીમાં મામલો થાળે પડી ચૂક્યો હતો.
આ આખી ઘટનામાં હજુ એક આશ્વર્ય બાકી છે. આ ગંભીર ભૂલ કરનારા માણસનું નામ હતું- વિક્તોર સુખોડ્રેવ. આપણા માટે આ નામ ભલે અજાણ્યું હોય, પરંતુ રાજકીય નેતાઓ વચ્ચે ભાષાંતરનું કામ કરતા વૈશ્વિક દુભાષિયાઓના આંતરિક વર્તુળોમાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. એટલું જ નહીં વિવિધ રાજદ્વારીઓ પણ તેમને સન્માનની દ્રષ્ટિએ જોતા હતા. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય સમજ એટલી ઉમદા હતી કે રશિયામાં કોઈ વિદેશી નેતાની સત્તાવાર મુલાકાત હોય કે રશિયન નેતાની મહત્ત્વની વિદેશ યાત્રા હોય, વિક્તોરની હાજરી અનિવાર્ય લેખાતી. નિકિતાથી લઈને મિખાઇલ ગાર્બાચોવ સુધીના રશિયન નેતાઓ માટે તેેમણે અસંખ્ય વિદેશ યાત્રાઓમાં અનુવાદકનું કામ કર્યું હતું. વિક્તોર જેવા ગણનાપાત્ર દુભાષિયાથી પણ આવી ગંભીર ભૂલ રહી જતી હોય તો એ કામ કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી અઘરી નથી.
આવો જ એક કિસ્સો અમેરિકન પ્રમુખ જિમી કાર્ટર સાથે પણ બન્યો હતો. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને હજુ તો માંડ થોડા મહિના થયા હતા ત્યારે તેમણે ૧૯૭૭માં પોલેન્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પ્રમુખના દુભાષિયા તરીકે એક રશિયન દુભાષિયાને રોકવામાં આવ્યો. તે રશિયનની સાથે પોલિશભાષા પણ જાણતો હતો. જોકે, તે રશિયનભાષાનો દુભાષિયો હતો પોલિશભાષા નહીં. એટલે તેણે પ્રમુખના અંગ્રેજીમાંથી જે પોલિશ ટ્રાન્સલેશન કર્યું એ ગંભીર છબરડાવાળું હતું. જેમકે, પ્રમુખ બોલ્યા કે 'જ્યારે હું અમેરિકા છોડીને પોલેન્ડ આવતો હતો ત્યારે મેં આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી'. પેલાએ એનો અનુવાદ કર્યો 'જ્યારે હું અમેરિકા ત્યાગી રહ્યો હતો ત્યારે મને તમારી લાલસા હતી!' આ વાક્યોને પકડીને પોલેન્ડ-અમેરિકા બંને દેશોના મીડિયામાં કાર્ટરની બરાબર ઠેકડી ઉડાડાઈ હતી.
આવો જ એક કિસ્સો ગયા વર્ષે ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલી આપવા ગયા ત્યારે તેમણે મંડેલાને સ્મરાંજલી આપતા કેટલાક શબ્દો કહ્યાં હતાં. જેને થામ્સાંકા જેન્ટજિ નામના આફ્રિકન દુભાષિયાએ અલગ રીતે રજૂ કર્યા હતા. જેને કારણે પછી આફ્રિકન સરકારને પણ ખૂલાસો આપવો પડયો હતો. થામ્સાંકા પર આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા વખતે ય જોવા મળ્યું કે કોઈ વિદેશી નેતા જ્યારે પોતાની ભાષામાં વકતવ્ય આપે ત્યારે એ વકતવ્યને તરત જ જે તે ભાષામાં ઢાળવાનું કામ કેટલું કૂનેહ માંગી લેતું હોય છે. વડાપ્રધાન મોદી એકાદ પેરેગ્રાફ જેટલું બોલીને અટકે એટલે તરત જ દુભાષિયાનું કામ શરૃ થઈ જાય! મોદીએ તેમના પ્રવચનમાં હિન્દીના કેટલાંક શબ્દો પ્રયોજ્યા તેનો તરત થયેલો અનુવાદ જોવા જેવો છેઃ 'દાયિત્વ'નું ઈંગ્લીશ ખરેખર તો લાયેબિલિટી થવું જોઈએ, પણ દુભાષિયાને સુજેલો શબ્દ હતો-કેરફૂલી. એ જ રીતે મોદીએ જાપાનમાં મળેલા માન-પાન માટે પોતાને 'સૌભાગ્યશાળી' ગણાવ્યા તો એનો તરજૂમો થયો 'આઈ એમ લકી!'. પણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાની બ્યુટીને સમજનારા દુભાષિયાએ આ શબ્દ માટે 'આઈ એમ પ્રિવિલેજ્ડ', 'આઈ ઓનર્ડ ટુ બી હીઅર' 'આઈ એડ્માઇયર ફોર ધીસ વિઝિટ' કે એવો કોઈક થોડો વધારે મજેદાર અર્થ કાઢ્યો હોત!  
બે દેશો વચ્ચેના ગંભીર કોમ્યુનિકેશનમાં એક એક શબ્દના યે અનેક અર્થ તારવવામાં આવતા હોય ત્યારે શબ્દોની હેરફેર ટાળીને, બોલનારી વ્યક્તિનો કહેવાનો મૂળ ભાવ જાળવી રાખીને એ જ ઘડીએ તરજૂમો કરવાનું કામ ધાર્યા કરતા અનેકગણું પડકારજનક છે અને એટલે આવી નાની મોટી ક્ષતિઓ સ્વાભાવિક પણ છે. આવી હ્યુમન એરર પાછળના કારણ અંગે તારણ કાઢતા વિશ્વના વિખ્યાત દુભાષિયાઓએ પોતાના વિચારો ઘણા પ્રસંગોએ વ્યક્ત કર્યા છે જે તેમના પ્રોફેશનના પડકારોને બખૂબી વાચા આપે છે.
અગાઉ જેનો ઉલ્લેખ થયો છે એ વિક્તોર સુખોડ્રેવ આ વર્ષે મે માસમાં ૮૧ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમણે એક વખત કહ્યું હતું કે 'એક તો ગંભીર પ્રકારના નીતિ વિષયક મુદ્દાઓની વાત થતી હોય અને એક કાને સાંભળ્યું જ હોય ત્યાં તરત જ બોલીને બીજી ભાષામાં શબ્દો વહેતા પણ કરવાના હોય છે. ખરેખર તો એક જ ભાષામાં બોલાયેલી વાતને તરત જ એ જ ભાષામાં બીજા શબ્દોમાં ઢાળવી હોય તો ય કપરું કામ છે ત્યારે આ તો આખી ભાષા જ બદલવાની છે. ત્યારે માહોલ જ એવો હોય છે કે દુભાષિયા દ્વારા બોલાતા શબ્દો કરોડો લોકોના ભવિષ્ય માટે કારણભૂત બનવાના હોય, એટલે એ રીતે ય સતર્ક રહેવું પડે છે. એક રીતે પોતાની ભાષામાં વાક્યો બોલતા નેતા કરતા દુભાષિયા દ્વારા બોલાતો અનુવાદ વધુ ઐતિહાસિક મૂલ્ય ધરાવતો હોય છે!'
ડો. બેનેફશેહ કેયનોસે ઈરાનના ચાર પ્રમુખો સાથે કામ કર્યું છે. ઈરાનની રાજકીય તાસિરથી બરાબર વાકેફ આ મહિલાએ એક વખત પોતાના કામ અંગે કહ્યું હતું કે દરેક પ્રમુખ અલગ અલગ માનસિકતા અને જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના કારણે તેમણે જે કહ્યું હોય એ પોતાની રીતે સાચું હોય, પણ તેનો સાર્વત્રિક અર્થ નીકળે ત્યારે વાત અલગ થઈ જતી હોય છે. કદાવર અને બોલકા રાજકીય નેતાઓના દુભાષિયા માટે આ બાબત જ સૌથી વધુ પડકારજનક છે.
ચીનના ડેંગ ઝિયાઓપિંગ સાથે કામ કરનારા વિક્ટર ગાઓનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં જ્યારે બંને નેતાઓ એક બીજા સાથે પોત-પોતાની ભાષામાં વાત કરતા હોય ત્યારે દુભાષિયાએ કરેલા અનુવાદનું મૂલ્ય વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય નીતિ જેવા ભારેખમ વિષય પર શબ્દોની જરાક પણ ચૂક થાય તો મંત્રણા પડી ભાંગવાની શક્યતા પણ ખૂબ પ્રબળ હોય છે. એ રીતે દુભાષિયાનું કામ માત્ર અનુવાદનું નથી, પણ જેમના માટે અનુવાદ કરવાનો છે એમની પોલિસી અને સ્વભાવથી પરિચિત હોવું અનિવાર્ય છે.
૧૮મી સદીના આરંભથી સત્તાવાર રીતે શરૃ થયેલી આ દુભાષિયાની સેવાઓનો ઈતિહાસ અને વર્તમાન ખૂબ રોચક છે. બે રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થતી હોય ત્યારે ગણ્યા-ગાંઠયા લોકો હોય છે કે જેને ખરેખર શું વાતચીત થઈ એની જાણકારી હોય છે. એમાં દુભાષિયાનો પણ સમાવેશ થાય છે. હ્યુમન એરરની વાત બાજુ પર રાખીએ તો એવા ય કિસ્સા નોંધાયા છે જેમાં બે દેશના સત્તાધિશો વચ્ચેની શાબ્દિક ઉગ્રતાને ખાળવામાં દુભાષિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. જેમ કે, વિક્ટર ગાઓએ નોંધ્યું છે એમ એક વખત ડેંગની અમેરિકા મુલાકાત વખતે (ડેંગ પ્રાદેશિક ઉચ્ચારણો બોલવામાં માહેર હતા અને તેની ચાઇનિઝભાષા પણ એવી જ પ્રાદેશિક ઉચ્ચારણોથી ભરપૂર રહેતી) તેમણે અમેરિકાના વલણ બાબતે જે શબ્દો કહ્યાં એને અમેરિકન દુભાષિયાએ અલગ રીતે સમજાવ્યા એટલે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વોલ્ટર મોન્ડેલ ભડક્યા. વિક્ટરે આખી વાતનો દોર હાથમાં લઈને વોલ્ટરને સમજાવ્યા પછી તેમણે ડેંગ સામે જોઈને સ્મિત આપ્યું!
ડો. બેનેફશેહ કેયનોસના ઓબ્ઝર્વેશન પ્રમાણે જ્યારે બે મોટા ગજાના નેતાઓ વાતચીત કરતા હોય ત્યારે તેમની વચ્ચે વારેવારે ઈગોનો ટકરાવ થતો રહેતો હોય છે. દ્વિપક્ષીય વાર્તાલાપમાં પોત-પોતાની ભાષામાં તક મળે તો ટોણો મારવાનું ન ચૂકતા નેતાઓના દુભાષિયા જાણી જોઈને આવી બધી બાબતોને ટાળી દેતા હોય છે. દુભાષિયાને અનુવાદ માટે જરૃરી શબ્દો શોધીને કામ નથી ચલાવવાનું હોતુ, પણ વિચારોનો અર્થ પારખીને પ્રગટ કરવાનો હોય છે. જો એમાં ઉણા ઉતરે તો થામ્સાંકા જેવી નોબત પણ આવી શકે!
Sunday 7 September 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -