Archive for January 2014

હિન્દી: રાજભાષા, નારાજભાષા!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

 હિન્દીને ભારતમાં રાજભાષાનો દરજ્જો મળ્યાનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ


૫૦ વર્ષ પહેલા ૧૯૬૫ના પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીએ જ ભારતે હિન્દી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારી અમલી બનાવી હતી. અડધી સદી પછી પણ હિન્દી સામેનો વિરોધ સંપૂર્ણપણે નાબુદ થયો નથી..

૧૯૬૫માં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માટેની તૈયારી ભારતભરમાં થઈ રહી હતી. એક તરફ સરકારી તંત્ર પ્રજાસત્તાક દિનના જડબેસલાક સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હતું, તો બીજી તરફ ભારતમાં ચોમેર પ્રદર્શનકારોએ દેખાવો શરૂ કર્યા હતા, જે સરકાર માટે માથાનો દુખાવો બન્યા હતા. સરકાર સામેના વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે બહુ આક્રમક બનવા લાગ્યા હતા. ક્યાંક ક્યાંક તો એ પ્રદર્શનો હિંસક પણ બન્યા હતા. પ્રદર્શનકારોએ સરકારી અસ્કામત પર તો પોતાનો ગુસ્સો ઉતાર્યો જ હતો, સાથોસાથ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેની ખફગીનો ભોગ બન્યા હતા. ભારતમાં છૂટા-છવાયા વિરોધ પ્રદર્શનો થવા એ નવી વાત નહોતી, પણ આઝાદી પછી કદાચ પ્રથમ વખત આ રીતે લોકોએ સરકારી નીતિનો આટલો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સરકાર સામેનો આ સજ્જડ વિરોધ કોઈ એક પ્રદેશના લોકોનો નહોતો. ઘણા બધા લોકો છૂટા-છવાયા દેખાવો કરી રહ્યાં હતા, છતાં મુદ્દાની બાબતે બધા એકસુત્રતાના તાંતણે બંધાયેલા હતા. પ્રદર્શનકારો અલગ અલગ જગ્યાએ હોવા છતાં અને તેની વિરોધની તરાહ જુદી હોવા છતાં બધા એક જ મુદ્દે સરકારની નીતિનો વિરોધ કરી રહ્યાં હતા. ચારેબાજુથી આ વિરોધને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યાં હતા. કોઈકનો મત એવો હતો કે વિરોધ વ્યર્થ છે. તો ઘણાં એમ માનતા હતા કે વિરોધમાં વજૂદ છે. બંને પક્ષે પોતાને સાચા ઠેરવતા મજબૂત તર્ક હતા, બંને પક્ષે સામ સામે નીતિ ખોટી છે એવું ઠસાવતી ધારદાર દલીલો ય થતી હતી.
મૂળે આખો મામલો એવી રીતે ગૂંચવાયો હતો કે કોણ સાચુ છે અને કોની વાત ખોટી છે એ નક્કી કરવાનું કામ હિમાલય સર કરવા જેટલું કે કદાચ એથીય વધુ અઘરૂ હતું. કેમ કે, એ વિરોધ હતો ભારતના બે રાજ્યો વચ્ચે પત્રવ્યવહારમાં ઉપયોગમાં લેવાનારી કોઈ એક ભાષાનો. એ વિરોધ હતો સરકારી કચેરીઓમાં ડોક્યુમેન્ટેશન કઈ ભાષામાં કરવું એની ગડમથલનો. એ વિરોધ હતો આખા દેશની શાળા-મહાશાળાઓમાં ફરજિયાત ભણવાના થતાં એક વિષયનો. એ વિરોધ હતો સાંસ્કૃત્તિક ભિન્નતા ધરાવતા અને ૧૬૦૦ જેટલી ભાષાઓ-બોલીઓ બોલતા દેશને રાજભાષાના એક બંધારણીય તાંતણે બાંધવાનો. પણ તો પ્રશ્ન એ થાય કે બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે જ તેમાં રાજભાષાની જોગવાઈઓ હતી તો પછી એ વિરોધ છેક ૧૫ વર્ષ પછી કેમ થતો હતો?               
                                                                             * * *
બ્રિટિશ શાસન દરમિયાન બધા જ વહીવટો સ્વાભાવિક રીતે જ અંગ્રેજીમાં થતાં હતા. પણ એ સમયે અંગ્રેજી ભાષા આજની તુલનાએ લોકસ્વીકૃત ન હતી. વળી, આઝાદીની ચળવળ વખતે લોકોની ભાષા તરીકે હિન્દી વધુ સારી રીતે ઉભરી આવી હતી. એ જ કારણ હશે કે જ્યારે બંધારણમાં કોઈ એક ભાષાને 'નેશનલ લેંગ્વેજ' બનાવવાનું સામે આવ્યું ત્યારે વધારેમાં વધારે બોલાતી ભાષા તરીકે હિન્દી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો અને એ માપદંડને ધ્યાનમાં રાખીને ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯માં બંધારણીય સમિતિએ હિન્દીને રાજભાષા ઘોષિત કરી હતી.
ભારતીય સંવિધાનના ભાગ ૧૭ની કલમ ૩૪૩માં ઉલ્લેખ કરાયો છે કે 'ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સંઘ (કેન્દ્ર સરકાર)ના રાજકીય હેતુઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રયોજવામાં આવશે.' હિન્દીની રાજભાષા ઘોષિત કરાઈ ત્યારે જ નક્કી કરાયું હતું કે ૨૬મી જાન્યુઆરી, ૧૯૬૫થી હિન્દી ભાષા ભારતીયની એક માત્ર સત્તાવાર ભાષા હશે.
આ પંદરેક વર્ષનો સમયગાળો નક્કી કરવા પાછળ પણ એક ચોક્કસ હેતુ હતો કે દક્ષિણ ભારતમાં એ સમય દરમિયાન હિન્દી ભાષાનો બરાબર પ્રચાર કરવામાં આવે અને એ માટે ૧૯૪૯માં દક્ષિણ હિન્દી પ્રચાર સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિનું કામ હતું દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનો પ્રચાર કરવાનું અને બોલચાલની ભાષામાં તેને સ્થાન અપાવવાનું, પણ એવું કરવામાં સફળતા ન મળી.
હિન્દીને સત્તાવાર બંધારણમાં સ્થાન તો મળી ગયું, પરંતુ ધીમે પગલે વિરોધનો ગણગણાટ પણ શરૂ થયો હતો. ૧૯૬૫માં જે વિરોધ પ્રદર્શનો હતા એ આ ગણગણાટનું વિશાળ સ્વરૂપ હતું. જોકે, પ્રથમ વખત ૧૩ ઓક્ટોબર, ૧૯૫૭માં દક્ષિણ ભારતમાં હિન્દીને રાજભાષા બનાવવા સામે વ્યાપક વિરોધનો સૂર ઉઠયો હતો. હિન્દી વિરૃદ્ધ દેખાવકારોએ એ દિવસને 'એન્ટી હિન્દી ડે' તરીકે ઉજવ્યો હતો. નાના પાયે વર્ષો સુધી હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા સામે વિરોધ પ્રદર્શનો થતાં રહ્યાં હતા, પરંતુ કદાચ ત્યારે તેને ગંભીરતાથી લેવામાં નહોતા આવ્યા.
વિરોધ કરવામાં બે સંગઠનોઃ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) અને ડીકે (દ્રવિડર કઝગમ) મુખ્ય ભાગ ભજવતા હતા. આ બંને પક્ષના વિચારોને વરેલા લોકોએ અંતે ૧૯૬૫માં પૂરજોશમાં વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્વિમ બંગાળ મુખ્ય હતા. વ્યાપક વિરોધ પ્રદર્શનોના અંતે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ હિન્દીને ભારતીય સંઘની એક માત્ર રાજભાષા તરીકે ઘોષિત કરવાના નિર્ણયમાં ફેરફાર કરાવ્યો અને અંગ્રેજીને પણ હિન્દીની લગોલગ સ્થાન આપ્યું.
આજેય કેન્દ્ર સરકારના દસ્તાવેજો અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવે છે. વળી, રાજ્યોને પોતાની અલગ ભાષાઓ છે. એટલે રાજ્ય સરકારોએ પોતાના દસ્તાવેજો અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક એમ ત્રણ ભાષામાં તૈયાર રાખવાના રહે છે.
પરંતુ એક રીતે તો હિન્દીને બંધારણમાં રાજભાષા તરીકે સ્થાન મળ્યું એ પહેલા જ આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રભાષા તરીકે લોકોમાં સન્માન મળી ચૂક્યું હતું! કઈ રીતે?
                                                                           * * *
'હિન્દી ભારતની રાષ્ટ્રભાષા બનવી જોઈએ. અંગ્રેજી પરદેશી ભાષા છે અને દેશનો નાનામાં નાનો માણસ અંગ્રેજી સાથે તાદાત્મ્ય સાધી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વર્ષો લાગશે. વળી, બંગાળી, બિહારી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી જેવી ભારતની કેટ-કેટલી પ્રાદેશિક ભાષાના મૂળ હિન્દીમાં પડેલા છે. જેટલી સરળતાથી આપણી લઢણમાં હિન્દી આવી શકે એટલી ઝડપથી ઈંગ્લીશ બોલવું કે લખવું સરળ નહીં હોય. અંગ્રેજીની વ્યવસ્થિત તાલીમ પામેલા હજારો ભારતીયો હજુ પણ સાચી રીતે અંગ્રેજી બોલી નથી શકતા તો લાખો આમ આદમી કઈ રીતે બોલી શકશે? આપણે હજુ અંગ્રેજીનો અસરકારક ઉપયોગ કરતા શીખવાનું બાકી છે. ભારતને જોડતી કોઈ એક ભાષા હોવી ઘટે અને એ કામ મારી દ્રષ્ટિએ હિન્દી જ કરી શકે તેમ છે અને એટલે તેને રાષ્ટ્રભાષાનું ગૌરવ મળે એ જરૃરી છે. અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરું છું એટલે જરૂરી નથી કે તેની દૂરગામી અસર હોય. એ અસર તો બધા નેતાઓ અને સાક્ષર લોકો જ ઉપજાવી શકશે. આપણે બધાએ સહિયારા અને એકધારા પ્રયાસો કરવા પડશે. બિન હિન્દી પ્રાંતોમાં હિન્દી સાહિત્યને પહોંચતું કરવું પડશે અને હિન્દીને સારી રીતે શીખવાડી-સમજાવી શકે તેવા લોકોની પણ મોટે પાયે મદદ લેવી પડશે ત્યારે જ હિન્દીને ખરી રીતે રાષ્ટ્રીય ભાષાનું ગૌરવ અપાવી શકીશું. ભારતના હિત માટે અંગ્રેજી સ્વીકારવાની સાથોસાથ હિન્દીને એક ઊંચાઈ તો આપવી જ રહી!'
હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની ખુલ્લી તરફેણ કરતા આ શબ્દો છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના. ૨૮ માર્ચ, ૧૯૧૮ના રોજ ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી ગાંધીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે તો હજુ હિન્દીને રાષ્ટ્રભાષા જેવો બંધારણીય દરજ્જો આપી શકાય એ વિચાર પણ વધારે પડતો હતો. એ સમયે ગાંધીજીએ ભારતની કોઈ એક ભાષા પર પસંદગી ઉતારવાની હોય તો હિન્દી પર ઉતારવી જોઈએ એવો વિચાર વહેતો કર્યો હતો.
૧૯૩૫માં ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનમાં પણ ગાંધીજીએ ફરી વખત આવા જ વિચારો વ્યક્ત કર્યા હતા. એટલું જ નહીં, ૧૯૩૬માં હિન્દીના વિકાસ માટે વર્ધામાં સ્થપાયેલી સંસ્થા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના સક્રિય સંસ્થાપક પણ ગાંધીજી હતા. એ રીતે તો ગાંધીજીએ હિન્દીને બંધારણમાં સ્થાન મળે એની રાહ જોયા વગર જ રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ઘણા વર્ષો પહેલા જ શરૂ કરી દીધા હતા.
અંતે શું થયું? હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત હતી અને બનાવી દીધી રાજભાષા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારત પાસે બંધારણીય રીતે બબ્બે ઓફિસિયલ લેંગ્વેજીસ છે, પરંતુ નેશનલ લેંગ્વેજ એકેય નથી અને હવે કદાચ દેશને તેની જરૂરીયાત પણ વર્તાતી નથી. બંધારણમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેના ગાંધીજીના શબ્દોને આપણે બરાબર પકડયા હતા, પરંતુ કદાચ તેમના ભાવને પકડવામાં નિષ્ફળતા મળી હોય એમ પણ ન બની શકે?
Sunday 26 January 2014
Posted by Harsh Meswania
Tag :

પોપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
  
૫૦ રૂપિયાની કાચી સામગ્રીમાંથી ૧૫૦૦ રૂપિયાનો બિઝનેસ કરવો હોય તો પોપકોર્ન વેંચવાનું શરૂ કરવું પડે! અત્યારે મોંઘા થયેલા પોપકોર્નની ગણના એક સમયે સૌથી સોંધા ફૂડ તરીકે થતી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વોર પ્રોડક્શન બોર્ડે તો પોપકોર્નને અનિવાર્ય અને કિફાયતી ફૂડ ગણાવ્યું હતું.

ફિલ્મે તીન ચીજો કી વજહ સે ચલતી હૈ, એન્ટરટેઇનમેન્ટ, સોફ્ટ ડ્રિંક્સ ઓર પોપકોર્ન.
'ડર્ટી પિક્ચર' ફિલ્મમાં વિદ્યા બાલનના ભાગે આવેલા સંવાદને થોડો ફેરવીને આ રીતે પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સની બાબતમાં કહી શકાય. પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સનો બિઝનેસ મલ્ટિપ્લેક્સ સિનેમા માટે કમાઉ દીકરા જેવો છે.
ભારતના બહુધા મલ્ટિપ્લેક્સ તેની ૭૦ ટકા કમાણી પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સમાંથી રળે છે. એમાંય પોપકોર્ન અને સિનેમા તો જાણે એક સિક્કાની બે બાજુ હોય એમ દશકાઓથી એકમેક સાથે જોડાઈ ગયા છે. કોર્ન કર્નેલ્સ (પોપકોર્ન બનાવવા માટેની તૈયાર મકાઈ સહિતની સામગ્રી)ના એક કિલોના જથ્થાબંધ ભાવ ૧૫૦થી વધારે નથી, પણ જ્યારે તેમાંથી પોપકોર્ન બનાવીને ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે ૧૦૦ ગ્રામના પોપકોર્ન પેકના ભાવ ૧૫૦ કરતા પણ વધારે હોય છે. એ રીતે ગણતરી માંડીએ તો પોપકોર્નના એક કિલોગ્રામના ભાવ રૂપિયા ૧૫૦૦ થયા ગણાય. સીધું ગણિત એવું થયું કે ૧૫૦ની કાચી સામગ્રીમાંથી ૧૫૦૦ રૂપિયાનો બિઝનેસ થયો.
હવે આ બિઝનેસમાંથી ઇક્વિપમેન્ટ, લેબર અને પેકેજિંગ સહિતનો ખર્ચ બાદ કરવામાં આવે તો ય નફાનો ગાળો બહુ મોટો થાય એમાં બે મત નથી. આ કિંમત થઈ તૈયાર રિટેઇલ મળતા પોપકોર્ન પેકની. ઘર માટે માઇક્રોવેવમાં બનાવી શકાતા પોપકોર્ન પેકેજિસના કિલોના ભાવ ૫૦૦ રૂપિયા સુધી છે. છતાં ૨૦૧૨માં એક અંદાજ પ્રમાણે આ બિઝનેસ વર્ષે ૧,૦૦૦ કરોડે પહોચે છે.
વેલ, ખરેખર તો એક સમયે પોપકોર્ન સૌથી સસ્તું ફૂડ હતું અને એટલે જ કદાચ પોપકોર્ને આ લોકપ્રિયતા મેળવી છે.
                                                                                ***
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુગરના પૂરવઠામાં મોટી અછત આવી હતી ત્યારે કેન્ડી સહિતના પ્રોડક્શનમાં પણ તેની ખૂબ ગંભીર અસર થઈ હતી. એ સમયે પોપકોર્ન માટે વિસ્તરવાનો શ્રેષ્ઠ મોકો હતો અને તેનો બરાબર લાભ પણ આ ફૂડને મળ્યો.
એ સમયે સૌથી સસ્તા ફૂડની વાત આવે કે તરત જ લોકો સામે પોપકોર્નનો વિકલ્પ પ્રથમ ક્રમે રહેતો. માત્ર પાંચ-સાત સેન્ટ્સમાં તો ત્રણ-ચાર લોકો ખાઈ શકે એટલી મોટી પોપકોર્ન બેગ આસાનાથી મળી રહેતી. ગ્રેટ ડિપ્રેશન પિરિયડ (બીજા વિશ્વયુદ્ધ પહેલાંથી છેક યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીના સમયગાળાને ૨૦મી સદીના ઈતિહાસમાં ગ્રેટ ડિપ્રેશન પિરિયડ કહેવાય છે) દરમિયાન જ્યારે તમામ બાબતોથી આવકનો સ્ત્રોત બંધ થતો હતો ત્યારે પોપકોર્નની બનાવટે ગૃહ ઉદ્યોગકારો અને ખેડૂતોના ઘરનો ચૂલો જલતો રાખ્યો હતો.
અમેેરિકાના નેબ્રાસ્કા, નોર્થ લૂપ, ઓહિયો, લોવા સહિતના વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યા બાદ તેમાંથી પોપકોર્ન બનાવીને આવક મેળવવાનું શરૂ રાખ્યું હતું. એ સમયે જ નહીં, આજે પણ આ પ્રદેશો તેના મકાઈના ઉત્પાદન અને પોપકોર્ન ઈન્ડસ્ટ્રી માટે જગતભરમાં જાણીતા છે.
એમ કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ આસપાસના સમયગાળામાં સરેરાશ અમેરિકન્સ ૨૪ કલાકમાં ત્રણ વખત પોપકોર્ન ખાઈને થોડી સી પેટ પૂજા કહી ભી, કભી ભી કરી લે એવી સ્થિતિ હતી. વોર પ્રોડક્શન બોર્ડે એ વખતે એવી એક સત્તાવાર જાહેરાત પણ કરી હતી કે પોપકોર્ન આ વિકટ સમયમાં લોકો માટે ખૂબ ઉપયોગી ખાદ્ય પ્રોડક્ટ છે અને તેના કારણે અસંખ્ય લોકોને લાંબું આયુષ્ય મળ્યું છે.

પોપકોર્નનું ઉત્પાદન એકાએક ચોમેર થવા લાગ્યું હતું એટલે બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યાં હોવાનું કારણ આગળ ધરીને અલગ અલગ સમયે વાંધો દર્જ થયો હતો. પોપકોર્ન આજે વિશ્વમાં સૌથી લોકપ્રિય ફૂડ છે એની પાછળ આ વાંધા અરજીઓનો પણ એટલો જ અગત્યનો ફાળો કહી શકાય. કેમકે, લોક લાગણીને ગંભીરતાથી લઈને પોપકોર્ન બનાવતી ફેક્ટરીઓએ તેની બનાવટ અને પેકેજિંગ માટેના ચોક્કસ ધારા-ધોરણ બનાવ્યા અને સાથે સાથે અમેરિકામાં નેશનલ પોપકોર્ન એસોસિએશન સ્થપાયું. નવા ધંધાર્થીએ પોપકોર્ન ઉદ્યોગમાં પ્રવેશવું હોય તેના માટે આ એસોસિએશનના નિયમો ઉથાપવાનું લગભગ અશક્ય હતું. પરિણામે પોપકોર્ન માટેનો ગ્રાહકોનો વિશ્વાસ બેવડાઈ ગયો.
આજેય ભાગ્યે જ કોઈ એક પ્રકારનું ફૂડ બનાવતા લોકો આ રીતે ગંભીર થઈને નિયમો બનાવતા હશે, ત્યારે અડધી સદી પહેલા પોપકોર્નની બનાવટમાં ખાસ ધારા-ધોરણ બંધાવા એ બહુ મોટી વાત કહેવાય. અમેરિકા બીજી ઘણા બધી બાબતોની જેમ આ મામલે પણ કદાચ એટલે જ નંબર વન બની શક્યું હશે!
                                                                          ***
પોપકોર્નના ઉત્પાદનમાં ભલે અમેરિકા નંબર વન પોઝિશન પર હતું અને છે, પણ મૂળે એ અમેરિકાની દેન નથી. વ્યાપક રીતે એમ મનાય છે કે બ્રિટનમાંથી અમેરિકા સ્થાઈ થયેલા વસાહતીઓ પોપકોર્નની મેથડ અમેરિકા લઈ આવ્યા હતા. વળી, એ બ્રિટનનું ફૂડ હોવાની ય શક્યતા નથી. ૨૦ સદીના મધ્યાહને પોપકોર્ન લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે હોય એ અલગ વાત છે, પરંતુ દુનિયા માટે પોપકોર્ન નવા પ્રકારનું ફૂડ નહોતું. પોપકોર્નના મૂળિયા તો છેક છ હજાર વર્ષ કે એથીય વધારે જૂના ઈતિહાસમાં મળી આવ્યા છે.
મેક્સિકોની બેટ ગુફામાંથી ૧૯૪૮-૧૯૫૦ દરમિયાન સંશોધકોને કેટલાક સેમ્પલ્સ મળી આવ્યા હતા. જેમાં એક કડી પોપકોર્નની મળી હતી, એ મુજબ ઈ.સ. પૂર્વે ૩૬૦૦ આસપાસ પેલી ગુફામાં રહેતો માનવી પોપકોર્ન ખાતો હતો. એશિયા અને પોપકોર્નને પણ સદીઓ પૂરાણો નાતો રહ્યો છે. ચીનમાં ૧૫મી સદીના છેલ્લા દશકામાં લોકો પોપકોર્ન ખાતા હતા એના અધારભૂત પુરાવાઓ મળ્યા છે. તો સુમાત્રા અને ભારતમાં પણ એ જ સમયગાળામાં પોપકોર્નનું અસ્તિત્વ નોંધાયું છે. આપણે ત્યાં હોળી દરમિયાન ખવાતી ધાણી (જે જુવારમાંથી બને છે) પણ આમ તો પોપકોર્નની માસીયાઈ જ છે!  
અને હા, રહી વાત સિનેમાની. તો સિનેમા સાથે પોપકોર્ને કઈ રીતે જોડી બનાવી લીધી એ કહેવું તો કપરું છે, પરંતુ એમ કહેવાય છે કે બોલતી ફિલ્મોના દૌરથી ફિલ્મની સાથે સાથે નાસ્તામાં હળવા પોપકોર્નની લહેજત ઉઠાવવાનું શરૂ થયું હતું. પોપકોર્ન હેલ્થ માટે હાનિકારક છે કે ફાયદાકારક એ મુદ્દો હંમેશાથી સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે ડિબેટનો વિષય રહ્યો છે. પણ પોપકોર્ન પ્રેમીઓને એમ ક્યાં કોઈ રોકી શકવાનું છે? વિન્ટર એટલે પોપકોર્નનો સેલિંગ ટાઇમ! અને ૧૯મી જાન્યુઆરી એટલે વર્લ્ડ પોપકોર્ન ડે. પોપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ!

પોપકોર્ન મશીનના શોધક : ચાર્લ્સ ક્રેટર્સ

પોપકોર્નને હાથ બનાવટમાંથી મુક્તિ આપીને આધૂનિક સ્વરૂપ આપવાનો યશ ચાર્લ્સ ક્રેટર્સને આપવો રહ્યો. ૧૮૮૫માં ક્રેટર્સે પ્રથમ વખત થોડા પ્રયોગો કરીને પોપકોર્ન બનાવતું એક મોબાઇલ મશીન તૈયાર કર્યું હતું. પછીથી તેમણે શિકાગોમાં સી. ક્રેટર્સ એન્ડ કંપની બનાવી હતી અને પોપકોર્ન બનાવતા મશીનનું વ્યાપારીકરણ કરીને માર્કેટમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.
આજેય પોપકોર્ન મશીન્સની દુનિયામાં આ કંપનીની આગવી શાખ છે. ચાર્લ્સની પાંચમી જનરેશન કુશળતાપૂર્વક કંપનીનું સંચાલન કરી રહી છે. સીઈઓ ચાર્લ્સ ડી ક્રેટર્સ અને પ્રેસિડેન્ટ એન્ડ્રુ ક્રેટર્સના નેતૃત્વમાં કંપનીએ વિશ્વભરમાં વ્યાપ વધાર્યો છે. પોપકોર્નના મૂળિયા મળે કે ન મળે, પણ આ કંપનીએ પોપકોર્ન મશીન્સની બનાવટમાં પોતાના મૂળિયા ખૂબ ઊંડે સુધી વિસ્તાર્યા છે એમાં તો બે મત નથી!
ચાર્લ્સ ડી. ક્રેટરે પ્રથમ વખત કમર્શિયલ પોપકોર્ન મશીન તૈયાર કર્યું હતું

Sunday 19 January 2014
Posted by Harsh Meswania
Tag :

સર સલામત તો ટોપિયાઁ બહોત!



સાઈન ઈન - હર્ષ મેસવાણિયા

ધૂમ-૩માં આમિર ખાનનો હેટ-લૂક ફેન્સને લવેબલ લાગ્યો છે. બોલીવૂડમાં હેટ પહેરવાનો ટ્રેન્ડ રાજ કપૂર સાહેબે સેટ કર્યો હતો. ભારતમાં ૨૦મી સદીના મધ્યાહને લોકપ્રિય થયેલી હેટનો યુરોપ-અમેરિકામાં તો સદીઓ પહેલાથી આગવો મરતબો રહ્યો છે. હેટની શાન બરકરાર રાખવામાં ઘણા સેલિબ્રિટીઝનો ફાળો ય મળતો રહ્યો છે.

૧૨૧૫ ઈ.સ.નો સમય હતો. રોમન કેથોલિક ચર્ચના પોપ ઈનોસન્ટ ત્રીજાના વડપણ હેઠળ રોમમાં ધાર્મિક વ્યાપ માટે યહુદીઓની એક બેઠક મળી હતી. જેને ઈતિહાસમાં ફોર્થ કાઉન્સિલ ઓફ ધ લેટરનના નામે ઓળખવામાં આવે છે. બેઠકમાં તત્કાલિન ધાર્મિક વિવાદોથી લઈને રોમન કેથલિક સંપ્રદાયની વિભિન્ન બાબતો પર ચર્ચા થવાની હતી.
તેમાં ભાગ લેવા માટે ૧૪૦૦ લોકોને આમંત્રિત કરાયા હતા. ભેગા થયેલા બધા સભ્યો પોશાકથી એકસુત્રતાના તાંતણે બંધાયેલા હોય એવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તય કરેલા ડ્રેસ-કોડની સાથે સાથે બધાએ મસ્તક પર થોડા સખત કાપડમાંથી બનેલી એક ચોક્ક્સ દેખાવ ધરાવતી પાઘડી પહેરી હતી. જેના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી એ પોપ ઈનોસન્ટ ત્રીજાએ આપણે ત્યાં મંદિરના શિખર હોય એવા આકારની એટલે કે ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી એક પાઘડી પહેરી હતી. હાજર રહેલા તમામ સભ્યોએ પણ એવી જ પાઘડી પહેરી હતી. બધાએ પોત-પોતાના હોદનુસાર ક્રમસઃ વ્યવસ્થાના ભાગરૂપે મોટેથી નાની એ રીતે પાઘડી પર પસંદગી ઢોળી હતી.
આ તમામ પાઘડીઓને પૂર્વાયોજિત બનાવડાવવામાં આવી હતી. ઈતિહાસની સંભવતઃ આ પહેલી એવી ઘટના હતી કે જ્યાં હાજર રહેલા બધાના શિર પર પીળા રંગની પાઘડી શોભતી હતી. આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલા મળેલી એ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ ધારણ કરેલી પેલી ખાસ પ્રકારની પાઘ એટલે ધૂમ-૩માં આમિર ખાને પહેરેલી રાઉન્ડ શેઇપ હેટની પૂર્વજ કેપ.
                                                                            ***
આપણે ત્યાં શિયાળામાં આવી એકેય પ્રકારની હેટ-કેપ પહેરવાનો ખાસ ટ્રેન્ડ નથી હોતો. ઊનની ગરમ કહેવાતી અને ચપોચપ માથામાં આવી જાય એવી ટોપી શિયાળા દરમિયાન આપણે પહેરતા હોઈએ છીએ. ઉનાળામાં આપણે ત્યાં લોકો વિભિન્ન હેટ ખરીદતા હોય છે. ખાસ કરીને યંગસ્ટર્સ રાઉન્ડ શેઇપમાં વૈવિધ્યસભર હેટ પહેરીને અલગ ભાત પાડવાનો પ્રયાસ કરતા હોય છે.
જોકે, વિશ્વના ઠંડા દેશોમાં કે જ્યાં વર્ષ દરમિયાન મોટાભાગે ઠંડીનો અહેસાસ થતો રહે છે ત્યાં સામાન્ય લોકોમાં બારેમાસ હેટ એટલી જ સહજ છે જેટલા પગમાં જૂતા! સાવ એવુંય નથી કે શીત પ્રદેશોમાં ઠંડકથી માથાના ઉપરના ભાગને રક્ષણ આપવા માટે જ હેટ પહેરાય છે. પહેલાં ખડકોમાં કામ કરતા મજૂરો માથા પર અચાનક કંઈક પડે તો એનાથી સલામતી રાખવા માટે થોડી મજબૂત અને ભારેખમ હેટ પહેરતા હતા. તો સામે પક્ષે ધનવાન લોકો એવું માનતા કે ખુલ્લા મસ્તકે બહાર નીકળવું એ તો સ્ટેટ્સ સાથે ચેડાં થયા ગણાય! એટલે એ લોકો પોતાના કિંમતી પોશાકને અનુરૂપ હેટ ધારણ કરવાનું અચૂક પસંદ કરતા.
એ રીતે હેટના અલગ અલગ પ્રકાર પડી ગયા. હેટ પરથી માણસનો ક્લાસ ઓળખાતો એવોય એક સમય હતો. ખાસ કરીને યુરોપ-અમેરિકી દેશોમાં હેટના આકાર અને બનાવટની તરાહ પરથી એવી અટકળ થતી કે આ મહાશય શું કામ કરતા હશે અને કેટલા માલદાર હશે! મજૂરોની જુદા આકારની હેટ, તો સરકારી અમલદારોની ય જુદી. ઉમરાવોની અદકેરી કેપ હોય, તો બીજી તરફ સૈનિકોનું માથું પણ ખાસ તરાહની કેપથી ઢંકાયેલું જોવા મળતું હતું. મહિલાઓ માટેય અલગ દેખાવની હેટ તૈયાર કરાવાતી હતી.
૧૫મી સદીમાં ચર્ચમાં એકાએક એવો નિયમ લદાયો કે કોઈ પણ સ્ત્રીએ ખુલ્લા વાળ રાખીને ચર્ચમાં ન પ્રવેશવું. ચર્ચના આ કાનૂનના કારણે સ્ત્રીઓમાં હેટની જરૂરીયાત એકાએક વધી ગઈ. એ અરસામાં હેનિન પ્રકારની હેટ સ્ત્રીઓ પહેરતી થઈ. આ કેપ શંકુ આકારની હતી. એટલે કે કોન જેવો તેનો દેખાવ હતો. આવી કેપ ખાસ તો વયસ્ક સ્ત્રીઓ વધુ પહેરવાનું પસંદ કરતી હતી.
કેપની ખપત વધી એટલે તેમાં વ્યાપારીકરણ પણ પ્રવેશ્યું. ધનવાન ઉમરાવોની સ્ત્રી દરેક પ્રસંગે એકની એક હેટ પહેરે એ તો કેમ ચાલે? એટલે દરેક પોશાક સાથે શોભે એવી હેટ બનાવનારા કારીગરો વધવા લાગ્યા. આખા યુરોપમાં એ સમયે હેટની બનાવટમાં ઈટાલીના કારીગરોની આગવી શાખ હતી. તવંગર લોકો પોતાના ઘરની સ્ત્રીઓ ઈટાલિયન બનાવટની હેટ પહેરે એને મરતબો સમજતા હતા. ઉમરાવો કે પછી અતિ ધનવાન વેપારીઓ ઈટાલીથી હેટ આયાત કરવાને બદલે કારીગરોને ઘરે બોલાવી લેતા અને પછી ચોક્કસ માપની હેટનું સર્જન થાય એવો માહોલ ઘરમાં જ ખડો કરી દેતા.
જેમ હંમેશા બને છે એમ પુરુષોની સ્ટાઇલમાં ઝડપી ફેરફાર નથી આવતો પણ સ્ત્રીઓના પોશાકમાં વિશાળ વૈવિધ્યનો અવકાશ હોય છે એવું જ હેટની બાબતમાં પણ બન્યું. એકાદ શૈકામાં જ મહિલાઓ માટે હેટની મોટી રેન્જ ઉપલબ્ધ બની ગઈ. પુરુષો માટે મંદિરના શિખર જેવી ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી ગોળાકાર હેટ સિવાય ભાગ્યે જ કોઈ વૈવિધ્ય જોવા મળતું હતું. આ સ્થિતિ છેક ૧૮મી સદીના અંત સુધી ચાલી. વચ્ચેના સમયગાળામાં હેટ બનાવતી ફેક્ટરીઓ અસ્તિત્વમાં આવી ગઈ હતી. મસ્તક અને ચહેરાને શોભે એવી હેટ ૧૮મી સદીના અંતિમ પડાવમાં અને ૧૯મી સદીના શરૂઆતી દૌરમાં મોટા પ્રમાણમાં મળવા લાગી હતી.
એમને એમ વધુ એક સૈકો વીતી ગયો. એ દરમિયાન અમુક પ્રકારની હેટ વિખ્યાત બની ગઈ. દક્ષિણ અમેરિકી લોકોની ઓળખ સમી કાઉબોય હેટ પ્રખ્યાત થઈ હતી. પનામા નહેરના બાંધકામ વખતે કામદારો જે એકસરખી કેપ પહેરતા તે પછીથી પનામા હેટ તરીકે ઓળખાવા લાગી. ઈંગ્લેન્ડના ડર્બી નામના સ્થળે પરંપરાગત યોજાતા હોર્સ રાઇડિંગમાં ઘોડે સવારો જે કેપ પહેરતા તે ડર્બી હેટ તરીકે ખ્યાતિ પામી હતી. આ ડર્બી હેટને થોમસ અને વિલિયમ બોલર નામના બે ભાઈઓએ ફેરફાર સાથે નવતર ડિઝાઇન કરી હતી એટલે તે બોલર હેટના નામે ય ઓળખાણ પામી હતી (પછીથી આ બંને ભાઈઓએ ઘોડેસવારો માટે કેપ બનાવતી કંપની લોક એન્ડ કો. માટે વિશાળ રેન્જમાં હેટ ડિઝાઇન કરવાનું કામ કર્યું હતું).
પ્રથમ અને બીજાં વિશ્વયુદ્ધની વચ્ચેના સમયમાં હેટ પહેરવાનો ટ્રેન્ડ ચરમસીમાએ હતો. એમ કહો કે એ સમયગાળો હેટની તવારીખમાં સુવર્ણકાળ હતો. બ્રિટન-અમેરિકા-ફ્રાન્સ-રશિયા-જર્મની જેવા દેશોમાં તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી મળતી કે જે માથામાં હેટ પહેર્યા વગર ઘરની બહાર પગ મૂકતી!
                                                                              ***
બીજા વિશ્વયુદ્ધ પછી અચાનક હેટ પહેરવાનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો. ફિલ્મી કલાકારોને બાદ કરતા હેટ ધારણ કરનારાની તાદાત ખૂબ ઘટી ગઈ. ૧૯૬૦ પછી લગભગ ૩ દશકા સુધી અવનવી હેર સ્ટાઇલના કારણે હેટનું વળગણ ઘટયા બાદ ફરીથી માઇકલ જેક્શન અને પ્રિન્સેસ ડાયનાના કારણે ટોપી ઇન ટ્રેન્ડ બની હતી.
હવે દુનિયામાં હજારેક પ્રકારની ટોપીઓ જોવા મળે છે. રમતથી સિનેમા સુધી અલગ અલગ રંગની અને ડિઝાઇનની હેટ લોકપ્રિય થઈ છે. ઘણા સેલિબ્રિટીઝે હેટને હિટ કરાવવામાં યોગદાન પણ આપ્યું છે. લેડી ગાગા, ડેવિડ બેકહેમ, કેટ મિડલટન, લિયોનાર્ડો ડી કેપ્રિયો સહિતના અસંખ્ય સેલિબ્રિટિઝ હેટ સાથે જોવા મળે છે.
એમાં લેટેસ્ટ ઉમેરો આમિર ખાનનો થયો છે. ધૂમ-૩નું શૂટિંગ શરૂ થયું તેના ત્રણ માસ અગાઉથી પરફેક્શનના આગ્રહી આમિર ખાને એવા કારણથી હેટ પહેરવાનો પ્રારંભ કર્યો હતો કે શૂટિંગ વખતે હેટ પહેરવામાં બરાબર હાથ બેસી જાય. ફિલ્મ રિલિઝ થઈ પછી ય આમિરે હેટ પહેરવાનું ચાલું રાખ્યું હતું. લંડનથી ખાસ આયાત થયેલી આમિર ખાનની એ હેટ ભારતમાં શિયાળામાં પણ હેટ માર્કેટમાં તેજી લાવવામાં કારણભૂત બની હતી.

ફિલિપ ટ્રેસીઃ દુનિયાનો મશહૂર હેટ ડિઝાઇનર
લેડી ગાગાથી લઈને કેટ મિડલટન, ડેવિડ બેકહેમ સહિતના સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા લંડનના ફિલિપ ટ્રેસીનું હેટ ડિઝાઇનિંગની દુનિયામાં અત્યારે આગવું નામ છે. સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા કરતા આ ૪૬ વર્ષના ડિઝાઇનર પોતે પણ સેલિબ્રિટી બની ગયા છે. એમ તો બ્રિટનનાં રાણીની હેટ પણ સ્ટાઈલ આઈકન ગણાય છે. એની ડિઝાઈન પણ ક્યારેક ક્યારેક ફિલિપ ટ્રેસી કરે છે. કેટ મિડલ્ટન, મેગન મર્કેલ માટે ય વારે-તહેવારે ફિલિપ હેટ ડિઝાઈન કરી આપે છે.
સેલિબ્રિટીઝની હેટ ડિઝાઈન કરીને ખુદ સેલિબ્રિટી બની ગયેલા ફિલિપ ટ્રેસી
ફિલિપની બીજી ઓળખ આપવી હોય તો એમ પણ આપી શકાય કે હેરી પોર્ટર શ્રેણીની બધી જ ફિલ્મોમાં જોવા મળેલી બધી જ હેટ તેમણે ડિઝાઇન કરી હતી. તેમની આ કળા માટે તેમને બ્રિટિશ એસેસરીઝ ઓફ ધ યરનો ખિતાબ પાંચ-પાંચ વખત આપવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે દુનિયાને ટોપી પહેરાવતા આ વિખ્યાત ડિઝાઇનર પોતે એક પણ પ્રકારની ટોપી પહેરવાના શોખીન નથી!
Sunday 12 January 2014
Posted by Harsh Meswania
Tag :

બુચ કેસિડી : ધૂમ-3નો અસલી ચોર!

બુચ કેસિડી

 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ધૂમ-૩માં આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એ અમેરિકન બેંક ચોર બુચ કેસિડી ક્યારેય પોલીસના હાથમાં આવ્યો ન હતો. પોલીસ દાવો કરતી હતી કે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, પણ ખરેખર તે રહસ્યની જેમ જીવ્યો અને એમ જ મૃત્યુ પામ્યો...

બ્લેક સૂટ-નીચે બ્લેક પેન્ટ અને એવા જ રંગના જૂતા તેનો લગભગ કાયમી પોશાક. ઉંમર હશે ૩૦થી ૩૫ વર્ષ. માંડ પાંચેક ફીટની ઊંચાઈ. મધ્યમ બાંધો, હંમેશા ક્લિનશેવ્ડ રહેતા ચહેરાને જોઈનેે લાગે નહીં કે આ માણસ આટલો ખતરનાક હશે. માથામાં ટૂંકા વાળ, એના પર કાળી હેટ. પેશાથી ચોર, પરંતુ તેની સામેના પૂરાવાઓ શોધવા પોલીસ પણ મથી રહી હોય એટલું સજ્જડ તેનું આયોજન. છતાં, ચોરી કરીને પોતાની આગવી ઓળખ મૂકવા માટે દરેક વખતે એક ચોક્કસ નિશાની છોડતો જાય. આ ઠગ ચોરી કરવામાં જેટલો શાતિર, એટલો ભાગવામાં તેજતર્રાર.
ચોરી કરવાના તરિકાથી ખૂંખાર, પણ પાછો નેકદિલ ઈનસાન! ચોરી માતબર અને યાદગાર કરવાની કે જેમાં બેંક પાયમાલ થઈ જાય, પરંતુ એક પણ લોકોને ઈજા ન પહોંચે કે જાનહાની ન થાય એની ખાસ તકેદારી ય રાખવાની. અઠંગ ચોર કેમેય કરીનેે પકડાતો ન હોવાથી સરકારી એજન્સી તેની સામે સુલેહનો પ્રસ્તાવ મૂકે છે - 'ચોરી કરવાનું છોડી દઈશ તો બધા ગૂના માફ કરી દેવામાં આવશે', પણ એટલી જ બેફિકરાઈથી પ્રસ્તાવને ઠૂકરાવી દઈને સામે પડકાર ફેંકે છે કે તમારાથી પકડી શકાય તો પકડી લો! 
ચોરી કરવા માટે મુખ્ય ટાર્ગેટ - બેંક. દરેક વખતે એવો મેસેજ આપે છે કે 'બેંકવાલો તુમ્હારી ઐસી કી તૈસી'.
                                                                             ***
ધૂમ-૩માં ચોરનો કિરદાર નિભાવતા આમિર ખાનના પાત્રની ઉપર વર્ણવી એ ખાસિયત છે એવું થોડી વાર માટે લાગે તો એ સ્વાભાવિક છે, પરંતુ ખરેખર તો આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એવા એક અમેરિકન મહાઠગની આ વાત છે.
'ધૂમ-3'માં આામિર ખાનનું કેરેક્ટર બુચ કેસિડીથી પ્રેરિત હતું

લગભગ સવા-સો વર્ષ પહેલાં દક્ષિણ અમેરિકામાં તેના નામની આણ પ્રવર્તતી હતી. બેંક ઉપરાંત ટ્રેન રોબરીમાં તેની એવી ધાક જામી ગઈ હતી કે બીજી કોઈ પણ ગેંગ દક્ષિણ અમેરિકામાં ક્યાંય પણ બેંક કે ટ્રેન લૂંટે તો તરત જ તેનો અપયશ આ ઠગના નામે ચડી જતો. લોકો અખબારોમાં છપાતા તેના કારસ્તાનને ખૂબ રસપૂર્વક વાંચતા. તેણે કઈ રીતે બેંક કે ટ્રેન લૂંટી છે તે જાણવાની સૌને ઈંતેજારી રહેતી.
વિવિધ બેંકનું વ્યવસ્થાતંત્ર તેની બીકના કારણે ખાસ સલામતી ગોઠવતું હતું, તો ટ્રેનમાં મૂલ્યવાન માલ-સામાનની હેરફેર વખતે વિશેષ ગાર્ડ્સ તૈનાત કરાતા હતા. પણ જ્યારે આ ખૂંખાર ચોર ત્રાટકતો ત્યારે બધું જ પાણીમાં જતું. કેમ કે, તે હંમેશા એક કદમ આગળનું વિચારતો અને એના કારણે દરેક વખતે જડબેસલાક સલામતીની ધજિયા ઉડાવવાનું તેના માટે સાવ જ આસાન હતું.
ધીરે ધીરે તે એવો ચોર બની રહ્યો હતો કે જેનું અસ્તિત્વ માત્ર દંતકથાઓમાં જ હોય. છતાં તેનું સાચે જ અસ્તિત્વ હતું અને હંમેશા દંતકથાની જેમ રહેવાનું હતું. તેનું નામ હતું - રોબર્ટ લોરી પાર્કર ઉર્ફે બુચ કેસિડી ઉર્ફે વિલિયમ વિલ્કોક્ષ ઉર્ફે વિલિયમ ટી. ફિલિપ્સ. જેણે દક્ષિણ અમેરિકા ઉપરાંત બોલિવિયામાં અસંખ્ય બેંક ચોરીઓ કરી હતી અને 'ધ વાઇલ્ડ બંચ ગેંગ' બનાવીને વર્ષો સુધી તેનું સુકાન પણ સંભાળ્યું હતું. કોણ હતો આ બુચ કેસિડી?
                                                                        ***
રોબર્ટ લોરી પાર્કર નામનો એક છોકરડો ૧૩ ભાઈઓ-બહેનોમાં સૌથી મોટો. દક્ષિણ અમેરિકાના બીવર નામના એક નાનકડાં ગામમાં તેનો ગરીબ પરિવાર રહેતો હતો. ગરીબીમાં જન્મેલા રોબર્ટને મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે પોતે ગરીબીમાં જન્મ્યો છે એ નસીબ છે, પણ કોઈ કાળે જીવનભર ગરીબીમાં નથી સબડવું. 
સમૃદ્ધ જીવન જીવવાના શમણા સાથે તેણે માત્ર ૧૫ વર્ષની વયે ઘર છોડી દીધું. બાળપણ ખૂબ યાતનામાં વીત્યુ. સમજણો થયો ત્યારથી જ મા-બાપથી અળગા રહીને જીવવાનું પસંદ કર્યું હતું. એ સમય હતો ૧૮૮૦ આસપાસનો. ઘોડાનો તબેલો ચલાવતા માઇક કેસિડીને ત્યાં નોકરી કરવા લાગ્યો. ઘોડાની સંભાળ રાખવાની સાથે સાથે માઇક તેને બીજુ ઘણું બધું શીખવતો હતો કે જે તેને પછીથી કામ આવવાનું હતું. માઇક પાસેથી જ એક વાર રોબર્ટે રોબિન હૂડની વાતો સાંભળી. રોબિન હૂડથી તે એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે રોબિન હૂડને જ પોતાનો હીરો બનાવી લીધો.
માઇક પાસે માંડ બે વર્ષ કામ કર્યું હશે, પરંતુ માઇકનો તેના પર બહુ પ્રભાવ પડયો હતો. તેને હંમેશા એક મોટા તબેલાના માલિક બનીને માઇકની જેમ એશો-આરામની જિંદગી જીવવી હતી. અલગ અલગ ઔલાદના અને રંગના ઘોડાઓની વચ્ચે રહેવાનું સ્વપ્ન જોઈને તેણે વળી થોડી રઝળપાટ કરી લીધી. એ દરમિયાન તેના જેવા જ બીજા થોડા મિત્રોના પરિચયમાં આવ્યો. બધાએ ભેગા મળીને આસપાસના નાના-મોટા વેપારીઓને ત્યાં રોકડની ચોરી શરૂ કરી.
એક વખત રોબર્ટે વિચાર કરીને તેના સાથીદારોને કહ્યું 'આ રીતે નાની મોટી ચોરીઓ કરીને કશું જ નહીં વળે, કંઈક મોટું કરવું પડશે. એટલું મોટું કે પછી ચોમેર આપણી જ ચર્ચા થતી હોય.' બધાને તેની વાત ગળે ઉતરી. અમુકે એવી શર્ત રાખી કે તે મૂળ નામને બદલે બીજા ભળતા-સળતા નામનો ઉપયોગ કરશે અને એ રીતે ચારેય સભ્યોના નવા નામ વિચારાયા. માઇક કેસિડીના પ્રભાવમાં રહેલા રોબર્ટે પોતાનું નામ પાડયું - બુચ કેસિડી. મિત્રોની ટોળકીનું નામ પણ પડયું - ધ વાઇલ્ડ બંચ.
સનડેન્સ કિડ, વિલિયમ એલ્સવર્થ, બેન ક્લિપેટ્રિક, હાર્વે લોગાન અને છેલ્લે વાઈલ્ડ બંચનો લીડર બુચ કેસિડી

ધ વાઇલ્ડ બંચે પ્રથમ નિશાન બનાવી ટેલુરાઇડ નામના ટાઉનમાં આવેલી સેન મિગુઇલ વેલી બેંકને. આ આયોજનબદ્ધ ચોરીમાં બેંકની લગભગ વીસેક હજાર ડોલરની રકમ ઉઠાવી લીધી. પ્રથમ બેંક ચોરીની રોકડમાંથી જ કેસિડીએ તેનું તબેલાનું સ્વપ્ન પૂરું કર્યું. વચ્ચેના ત્રણ-ચાર વર્ષના ગાળામાં ચોરીઓ કરવાનું બંધ કર્યું અને માત્ર તબેલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારે તે બધાને પોતાની ઓળખ વિલિયમ વિલ્કોક્ષ તરીકે આપતો હતો. આ તેણે રાખેલું પોતાનું ત્રીજું નામ હતું. જોકે, એ બહુ લાંબું ન ચાલ્યું. કેમ કે, કેસિડીને ૧૮૯૪માં તેના ગૂના બદલ બે વર્ષની જેલ થઈ. જેલમાંથી છૂટયા પછી તેણે ફરીથી મિત્રોને ભેગા કર્યા અને પછી તેના કારનામાની હારમાળા સર્જાઈ ગઈ.
એ જ વર્ષે કેસિડીને તેના જેવો જ ચોરીમાં અને નાસવામાં કુશળ એવો એક સ્માર્ટ જોડીદાર મળી ગયો. જેનું નામ હતુંઃ હેરી લોંગબાઉટ. બેંક અને ટ્રેન રોબરીના ઈતિહાસમાં તેને સનડેન્સ કિડના નામથી ઓળખવામાં આવે છે. કેસિડીના અન્ય સાથીદારોના નામ હતા, વિલિયમ એલ્સવર્થ, બેન કિલપેટ્રિક અને હાર્વે લોગાન કે જે કિડ કરીના નામે ઓળખાતો હતો અને કેસિડી જ્યારે અંડરગ્રાઉન્ડ હોય ત્યારે ગેંગનું સુકાન કિડ કરી સંભાળતો.
જોત-જોતામાં તો આ ગેંગે તરખાટ મચાવી દીધો. ૧૮૯૬થી ૧૯૦૨ સુધીના ગણતરીના વર્ષોમાં ધ વાઇલ્ડ બંચના નામે મોન્ટપેલર, ઇડાહા, દક્ષિણ ડેકોટા, ન્યૂ મેક્સિકો, નેવાડા અને વ્યોમિંગ આસપાસની કેટલી બધી ટ્રેન લૂંટવાના અને બીજી એટલી જ બેંકોમાં ચોરી કરવાના કંઈ કેટલાય કારસ્તાન ચડી ચૂક્યા હતા. જ્યારે આ ગેંગ પર સુરક્ષા તંત્રનો કોઈ જ કાબૂ ન રહ્યો ત્યારે યુનિયન પેસિફિક રેલબોર્ડે કેસિડી સામે પ્રસ્તાવ મૂક્યો કે જો તે ટ્રેન લૂંટવાનું બંધ કરી દે તો રેલ્વે બોર્ડ તેની સામેના તમામ આરોપો પડતા મૂકશે અને તેની ગેંગના સભ્યોને રેલ્વે બોર્ડમાં સુરક્ષા ગાર્ડ્સની નોકરી પણ આપશે. કેસિડીએ પ્રસ્તાવ ઠૂકરાવી દીધો, પણ ચોરીઓ કરવાનું ઓછું કરી નાખ્યું.
ધીમે ધીમે સાવ નહીંવત કરી નાખ્યું. એ દરમિયાન પોલીસે કેસિડી અને સનડેન્સ કિડ સિવાયના બીજા સભ્યોને એક પછી એક નિશાન બનાવ્યા અને તમામને ખતમ કરી નાખ્યા. પોતાના સાથીદારોના મોતથી રઘવાયા થયેલા કેસિડી અને સનડેન્સ કિડે ફરીથી દક્ષિણ અમેરિકાને ધમરોળ્યું અને પછી બંને પોતાનો દેશ છોડીને બોલિવિયા ચાલ્યા ગયા.
૧૯૦૮માં બોલિવિયા પોલીસે એવો દાવો કર્યો કે એક બેંક રોબરી વખતે કેસિડી અને સનડેન્સ કિડ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, પણ એ કેસિડી અને સનડેન્સ કિડ જ હતા કે કેેમ તેના કોઈ ચોક્કસ પુરાવા આપવામાં પોલીસ નાકામ રહી હતી. તો શું બુચ કેસિડી અને સનડેન્સ કિડ ખરેખર માર્યા ગયા હતા?
                                                                             ***
૧૯૨૦માં વ્યોમિંગમાં રહેતા વિલિયમ ટી. ફિલિપ્સે એક પુસ્તક લખ્યું. જેનું નામ હતું, 'ધ ઇન્વિન્સિબલ બેન્ડિટ : ધ સ્ટોરી ઓફ બુચ કેસિડી'. આ પુસ્તકમાં ધ વાઇલ્ડ બંચની એવી એવી વાતો હતી જે માત્ર બુચ કેસિડી જ જાણતો હોય.
અમેરિકન લેખક અને સંશોધક લેરી પોઇન્ટરે કેસિડી પર ખાસ્સુ રિસર્ચ કર્યા પછી ૧૯૭૭માં એવો દાવો કર્યો હતો કે વિલિયમ ટી. ફિલિપ્સ જ ખરેખર બુચ કેસિડી હતો. પોઇન્ટરે 'ઇન સર્ચ ઓફ બુચ કેસિડી' નામનું પુસ્તક લખ્યું હતું. તેણે વિલિયમ ફિલિપ્સની એક તસવીર સાથે કેસિડીની તસવીરની સામ્યતા પણ દર્શાવી હતી.
કેસિડીની બહેન લુલા પાર્કરે 'બુચ કેસિડીઃ માય બ્રધર' નામનું પુસ્તક લખ્યું હતું. તેણે ૧૯૭૦માં એવો દાવો કર્યો હતો કે કેસિડી ૧૯૩૫ સુધી તેના પરિવારને મળવા આવતો હતો. વિલિયમ ફિલપ્સનું ૧૯૩૭માં ૭૧ નિધન થયું હતું. શું આ વિલિયમ ફિલિપ્સ જ કેસિડી હતો?  આ રહસ્ય પર આજ સુધી પડદો રહ્યો છે.
                                                                          ***
1969માં અમેરિકન ફિલ્મ ડિરેક્ટર જ્યોર્જ રોય હિલે 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' નામની ફિલ્મ બનાવી હતી. 2003માં આ ફિલ્મને લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે નેશનલ ફિલ્મ રજીસ્ટ્રીમાં સ્થાન આપ્યું હતું. અમેરિકન ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટે 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' ફિલ્મને 100 યાદગાર અમેરિકન ફિલ્મ્સના લિસ્ટમાં 73મો ક્રમ આપ્યો હતો.
'ધૂમ-3'માં આમિર ખાનનું પાત્ર બુચ કેસિડીથી પ્રભાવિત હતું. દેખાવથી લઈને બેંક ચોરીના કિસ્સા સુધી આમિરના પાત્રનું કેરેક્ટર બુચ કેસિડીના આધારે બનાવાયું હતું. 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' ફિલ્મના અમુક ફાઈટસીન ભારતની ઓલટાઈમ ક્લાસિક ગણાતી ફિલ્મ 'શોલે' સાથે ય સામ્યતા ધરાવે છે!
બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ ફિલ્મમાં બુચ કેસિડી બનેલા પૌલ ન્યૂમેન અને સનડેન્સ કિડ બનેલા રોબર્ટ રેડફોર્ડ

Sunday 5 January 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -