Posted by : Harsh Meswania Sunday 26 January 2014


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

 હિન્દીને ભારતમાં રાજભાષાનો દરજ્જો મળ્યાનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ


૫૦ વર્ષ પહેલા ૧૯૬૫ના પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીએ જ ભારતે હિન્દી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારી અમલી બનાવી હતી. અડધી સદી પછી પણ હિન્દી સામેનો વિરોધ સંપૂર્ણપણે નાબુદ થયો નથી..

૧૯૬૫માં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માટેની તૈયારી ભારતભરમાં થઈ રહી હતી. એક તરફ સરકારી તંત્ર પ્રજાસત્તાક દિનના જડબેસલાક સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હતું, તો બીજી તરફ ભારતમાં ચોમેર પ્રદર્શનકારોએ દેખાવો શરૂ કર્યા હતા, જે સરકાર માટે માથાનો દુખાવો બન્યા હતા. સરકાર સામેના વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે બહુ આક્રમક બનવા લાગ્યા હતા. ક્યાંક ક્યાંક તો એ પ્રદર્શનો હિંસક પણ બન્યા હતા. પ્રદર્શનકારોએ સરકારી અસ્કામત પર તો પોતાનો ગુસ્સો ઉતાર્યો જ હતો, સાથોસાથ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેની ખફગીનો ભોગ બન્યા હતા. ભારતમાં છૂટા-છવાયા વિરોધ પ્રદર્શનો થવા એ નવી વાત નહોતી, પણ આઝાદી પછી કદાચ પ્રથમ વખત આ રીતે લોકોએ સરકારી નીતિનો આટલો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સરકાર સામેનો આ સજ્જડ વિરોધ કોઈ એક પ્રદેશના લોકોનો નહોતો. ઘણા બધા લોકો છૂટા-છવાયા દેખાવો કરી રહ્યાં હતા, છતાં મુદ્દાની બાબતે બધા એકસુત્રતાના તાંતણે બંધાયેલા હતા. પ્રદર્શનકારો અલગ અલગ જગ્યાએ હોવા છતાં અને તેની વિરોધની તરાહ જુદી હોવા છતાં બધા એક જ મુદ્દે સરકારની નીતિનો વિરોધ કરી રહ્યાં હતા. ચારેબાજુથી આ વિરોધને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યાં હતા. કોઈકનો મત એવો હતો કે વિરોધ વ્યર્થ છે. તો ઘણાં એમ માનતા હતા કે વિરોધમાં વજૂદ છે. બંને પક્ષે પોતાને સાચા ઠેરવતા મજબૂત તર્ક હતા, બંને પક્ષે સામ સામે નીતિ ખોટી છે એવું ઠસાવતી ધારદાર દલીલો ય થતી હતી.
મૂળે આખો મામલો એવી રીતે ગૂંચવાયો હતો કે કોણ સાચુ છે અને કોની વાત ખોટી છે એ નક્કી કરવાનું કામ હિમાલય સર કરવા જેટલું કે કદાચ એથીય વધુ અઘરૂ હતું. કેમ કે, એ વિરોધ હતો ભારતના બે રાજ્યો વચ્ચે પત્રવ્યવહારમાં ઉપયોગમાં લેવાનારી કોઈ એક ભાષાનો. એ વિરોધ હતો સરકારી કચેરીઓમાં ડોક્યુમેન્ટેશન કઈ ભાષામાં કરવું એની ગડમથલનો. એ વિરોધ હતો આખા દેશની શાળા-મહાશાળાઓમાં ફરજિયાત ભણવાના થતાં એક વિષયનો. એ વિરોધ હતો સાંસ્કૃત્તિક ભિન્નતા ધરાવતા અને ૧૬૦૦ જેટલી ભાષાઓ-બોલીઓ બોલતા દેશને રાજભાષાના એક બંધારણીય તાંતણે બાંધવાનો. પણ તો પ્રશ્ન એ થાય કે બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે જ તેમાં રાજભાષાની જોગવાઈઓ હતી તો પછી એ વિરોધ છેક ૧૫ વર્ષ પછી કેમ થતો હતો?               
                                                                             * * *
બ્રિટિશ શાસન દરમિયાન બધા જ વહીવટો સ્વાભાવિક રીતે જ અંગ્રેજીમાં થતાં હતા. પણ એ સમયે અંગ્રેજી ભાષા આજની તુલનાએ લોકસ્વીકૃત ન હતી. વળી, આઝાદીની ચળવળ વખતે લોકોની ભાષા તરીકે હિન્દી વધુ સારી રીતે ઉભરી આવી હતી. એ જ કારણ હશે કે જ્યારે બંધારણમાં કોઈ એક ભાષાને 'નેશનલ લેંગ્વેજ' બનાવવાનું સામે આવ્યું ત્યારે વધારેમાં વધારે બોલાતી ભાષા તરીકે હિન્દી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો અને એ માપદંડને ધ્યાનમાં રાખીને ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯માં બંધારણીય સમિતિએ હિન્દીને રાજભાષા ઘોષિત કરી હતી.
ભારતીય સંવિધાનના ભાગ ૧૭ની કલમ ૩૪૩માં ઉલ્લેખ કરાયો છે કે 'ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સંઘ (કેન્દ્ર સરકાર)ના રાજકીય હેતુઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રયોજવામાં આવશે.' હિન્દીની રાજભાષા ઘોષિત કરાઈ ત્યારે જ નક્કી કરાયું હતું કે ૨૬મી જાન્યુઆરી, ૧૯૬૫થી હિન્દી ભાષા ભારતીયની એક માત્ર સત્તાવાર ભાષા હશે.
આ પંદરેક વર્ષનો સમયગાળો નક્કી કરવા પાછળ પણ એક ચોક્કસ હેતુ હતો કે દક્ષિણ ભારતમાં એ સમય દરમિયાન હિન્દી ભાષાનો બરાબર પ્રચાર કરવામાં આવે અને એ માટે ૧૯૪૯માં દક્ષિણ હિન્દી પ્રચાર સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિનું કામ હતું દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનો પ્રચાર કરવાનું અને બોલચાલની ભાષામાં તેને સ્થાન અપાવવાનું, પણ એવું કરવામાં સફળતા ન મળી.
હિન્દીને સત્તાવાર બંધારણમાં સ્થાન તો મળી ગયું, પરંતુ ધીમે પગલે વિરોધનો ગણગણાટ પણ શરૂ થયો હતો. ૧૯૬૫માં જે વિરોધ પ્રદર્શનો હતા એ આ ગણગણાટનું વિશાળ સ્વરૂપ હતું. જોકે, પ્રથમ વખત ૧૩ ઓક્ટોબર, ૧૯૫૭માં દક્ષિણ ભારતમાં હિન્દીને રાજભાષા બનાવવા સામે વ્યાપક વિરોધનો સૂર ઉઠયો હતો. હિન્દી વિરૃદ્ધ દેખાવકારોએ એ દિવસને 'એન્ટી હિન્દી ડે' તરીકે ઉજવ્યો હતો. નાના પાયે વર્ષો સુધી હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા સામે વિરોધ પ્રદર્શનો થતાં રહ્યાં હતા, પરંતુ કદાચ ત્યારે તેને ગંભીરતાથી લેવામાં નહોતા આવ્યા.
વિરોધ કરવામાં બે સંગઠનોઃ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) અને ડીકે (દ્રવિડર કઝગમ) મુખ્ય ભાગ ભજવતા હતા. આ બંને પક્ષના વિચારોને વરેલા લોકોએ અંતે ૧૯૬૫માં પૂરજોશમાં વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્વિમ બંગાળ મુખ્ય હતા. વ્યાપક વિરોધ પ્રદર્શનોના અંતે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ હિન્દીને ભારતીય સંઘની એક માત્ર રાજભાષા તરીકે ઘોષિત કરવાના નિર્ણયમાં ફેરફાર કરાવ્યો અને અંગ્રેજીને પણ હિન્દીની લગોલગ સ્થાન આપ્યું.
આજેય કેન્દ્ર સરકારના દસ્તાવેજો અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવે છે. વળી, રાજ્યોને પોતાની અલગ ભાષાઓ છે. એટલે રાજ્ય સરકારોએ પોતાના દસ્તાવેજો અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક એમ ત્રણ ભાષામાં તૈયાર રાખવાના રહે છે.
પરંતુ એક રીતે તો હિન્દીને બંધારણમાં રાજભાષા તરીકે સ્થાન મળ્યું એ પહેલા જ આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રભાષા તરીકે લોકોમાં સન્માન મળી ચૂક્યું હતું! કઈ રીતે?
                                                                           * * *
'હિન્દી ભારતની રાષ્ટ્રભાષા બનવી જોઈએ. અંગ્રેજી પરદેશી ભાષા છે અને દેશનો નાનામાં નાનો માણસ અંગ્રેજી સાથે તાદાત્મ્ય સાધી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વર્ષો લાગશે. વળી, બંગાળી, બિહારી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી જેવી ભારતની કેટ-કેટલી પ્રાદેશિક ભાષાના મૂળ હિન્દીમાં પડેલા છે. જેટલી સરળતાથી આપણી લઢણમાં હિન્દી આવી શકે એટલી ઝડપથી ઈંગ્લીશ બોલવું કે લખવું સરળ નહીં હોય. અંગ્રેજીની વ્યવસ્થિત તાલીમ પામેલા હજારો ભારતીયો હજુ પણ સાચી રીતે અંગ્રેજી બોલી નથી શકતા તો લાખો આમ આદમી કઈ રીતે બોલી શકશે? આપણે હજુ અંગ્રેજીનો અસરકારક ઉપયોગ કરતા શીખવાનું બાકી છે. ભારતને જોડતી કોઈ એક ભાષા હોવી ઘટે અને એ કામ મારી દ્રષ્ટિએ હિન્દી જ કરી શકે તેમ છે અને એટલે તેને રાષ્ટ્રભાષાનું ગૌરવ મળે એ જરૃરી છે. અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરું છું એટલે જરૂરી નથી કે તેની દૂરગામી અસર હોય. એ અસર તો બધા નેતાઓ અને સાક્ષર લોકો જ ઉપજાવી શકશે. આપણે બધાએ સહિયારા અને એકધારા પ્રયાસો કરવા પડશે. બિન હિન્દી પ્રાંતોમાં હિન્દી સાહિત્યને પહોંચતું કરવું પડશે અને હિન્દીને સારી રીતે શીખવાડી-સમજાવી શકે તેવા લોકોની પણ મોટે પાયે મદદ લેવી પડશે ત્યારે જ હિન્દીને ખરી રીતે રાષ્ટ્રીય ભાષાનું ગૌરવ અપાવી શકીશું. ભારતના હિત માટે અંગ્રેજી સ્વીકારવાની સાથોસાથ હિન્દીને એક ઊંચાઈ તો આપવી જ રહી!'
હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની ખુલ્લી તરફેણ કરતા આ શબ્દો છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના. ૨૮ માર્ચ, ૧૯૧૮ના રોજ ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી ગાંધીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે તો હજુ હિન્દીને રાષ્ટ્રભાષા જેવો બંધારણીય દરજ્જો આપી શકાય એ વિચાર પણ વધારે પડતો હતો. એ સમયે ગાંધીજીએ ભારતની કોઈ એક ભાષા પર પસંદગી ઉતારવાની હોય તો હિન્દી પર ઉતારવી જોઈએ એવો વિચાર વહેતો કર્યો હતો.
૧૯૩૫માં ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનમાં પણ ગાંધીજીએ ફરી વખત આવા જ વિચારો વ્યક્ત કર્યા હતા. એટલું જ નહીં, ૧૯૩૬માં હિન્દીના વિકાસ માટે વર્ધામાં સ્થપાયેલી સંસ્થા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના સક્રિય સંસ્થાપક પણ ગાંધીજી હતા. એ રીતે તો ગાંધીજીએ હિન્દીને બંધારણમાં સ્થાન મળે એની રાહ જોયા વગર જ રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ઘણા વર્ષો પહેલા જ શરૂ કરી દીધા હતા.
અંતે શું થયું? હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત હતી અને બનાવી દીધી રાજભાષા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારત પાસે બંધારણીય રીતે બબ્બે ઓફિસિયલ લેંગ્વેજીસ છે, પરંતુ નેશનલ લેંગ્વેજ એકેય નથી અને હવે કદાચ દેશને તેની જરૂરીયાત પણ વર્તાતી નથી. બંધારણમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેના ગાંધીજીના શબ્દોને આપણે બરાબર પકડયા હતા, પરંતુ કદાચ તેમના ભાવને પકડવામાં નિષ્ફળતા મળી હોય એમ પણ ન બની શકે?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -