Posted by : Harsh Meswania Sunday 12 January 2014



સાઈન ઈન - હર્ષ મેસવાણિયા

ધૂમ-૩માં આમિર ખાનનો હેટ-લૂક ફેન્સને લવેબલ લાગ્યો છે. બોલીવૂડમાં હેટ પહેરવાનો ટ્રેન્ડ રાજ કપૂર સાહેબે સેટ કર્યો હતો. ભારતમાં ૨૦મી સદીના મધ્યાહને લોકપ્રિય થયેલી હેટનો યુરોપ-અમેરિકામાં તો સદીઓ પહેલાથી આગવો મરતબો રહ્યો છે. હેટની શાન બરકરાર રાખવામાં ઘણા સેલિબ્રિટીઝનો ફાળો ય મળતો રહ્યો છે.

૧૨૧૫ ઈ.સ.નો સમય હતો. રોમન કેથોલિક ચર્ચના પોપ ઈનોસન્ટ ત્રીજાના વડપણ હેઠળ રોમમાં ધાર્મિક વ્યાપ માટે યહુદીઓની એક બેઠક મળી હતી. જેને ઈતિહાસમાં ફોર્થ કાઉન્સિલ ઓફ ધ લેટરનના નામે ઓળખવામાં આવે છે. બેઠકમાં તત્કાલિન ધાર્મિક વિવાદોથી લઈને રોમન કેથલિક સંપ્રદાયની વિભિન્ન બાબતો પર ચર્ચા થવાની હતી.
તેમાં ભાગ લેવા માટે ૧૪૦૦ લોકોને આમંત્રિત કરાયા હતા. ભેગા થયેલા બધા સભ્યો પોશાકથી એકસુત્રતાના તાંતણે બંધાયેલા હોય એવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તય કરેલા ડ્રેસ-કોડની સાથે સાથે બધાએ મસ્તક પર થોડા સખત કાપડમાંથી બનેલી એક ચોક્ક્સ દેખાવ ધરાવતી પાઘડી પહેરી હતી. જેના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી એ પોપ ઈનોસન્ટ ત્રીજાએ આપણે ત્યાં મંદિરના શિખર હોય એવા આકારની એટલે કે ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી એક પાઘડી પહેરી હતી. હાજર રહેલા તમામ સભ્યોએ પણ એવી જ પાઘડી પહેરી હતી. બધાએ પોત-પોતાના હોદનુસાર ક્રમસઃ વ્યવસ્થાના ભાગરૂપે મોટેથી નાની એ રીતે પાઘડી પર પસંદગી ઢોળી હતી.
આ તમામ પાઘડીઓને પૂર્વાયોજિત બનાવડાવવામાં આવી હતી. ઈતિહાસની સંભવતઃ આ પહેલી એવી ઘટના હતી કે જ્યાં હાજર રહેલા બધાના શિર પર પીળા રંગની પાઘડી શોભતી હતી. આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલા મળેલી એ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ ધારણ કરેલી પેલી ખાસ પ્રકારની પાઘ એટલે ધૂમ-૩માં આમિર ખાને પહેરેલી રાઉન્ડ શેઇપ હેટની પૂર્વજ કેપ.
                                                                            ***
આપણે ત્યાં શિયાળામાં આવી એકેય પ્રકારની હેટ-કેપ પહેરવાનો ખાસ ટ્રેન્ડ નથી હોતો. ઊનની ગરમ કહેવાતી અને ચપોચપ માથામાં આવી જાય એવી ટોપી શિયાળા દરમિયાન આપણે પહેરતા હોઈએ છીએ. ઉનાળામાં આપણે ત્યાં લોકો વિભિન્ન હેટ ખરીદતા હોય છે. ખાસ કરીને યંગસ્ટર્સ રાઉન્ડ શેઇપમાં વૈવિધ્યસભર હેટ પહેરીને અલગ ભાત પાડવાનો પ્રયાસ કરતા હોય છે.
જોકે, વિશ્વના ઠંડા દેશોમાં કે જ્યાં વર્ષ દરમિયાન મોટાભાગે ઠંડીનો અહેસાસ થતો રહે છે ત્યાં સામાન્ય લોકોમાં બારેમાસ હેટ એટલી જ સહજ છે જેટલા પગમાં જૂતા! સાવ એવુંય નથી કે શીત પ્રદેશોમાં ઠંડકથી માથાના ઉપરના ભાગને રક્ષણ આપવા માટે જ હેટ પહેરાય છે. પહેલાં ખડકોમાં કામ કરતા મજૂરો માથા પર અચાનક કંઈક પડે તો એનાથી સલામતી રાખવા માટે થોડી મજબૂત અને ભારેખમ હેટ પહેરતા હતા. તો સામે પક્ષે ધનવાન લોકો એવું માનતા કે ખુલ્લા મસ્તકે બહાર નીકળવું એ તો સ્ટેટ્સ સાથે ચેડાં થયા ગણાય! એટલે એ લોકો પોતાના કિંમતી પોશાકને અનુરૂપ હેટ ધારણ કરવાનું અચૂક પસંદ કરતા.
એ રીતે હેટના અલગ અલગ પ્રકાર પડી ગયા. હેટ પરથી માણસનો ક્લાસ ઓળખાતો એવોય એક સમય હતો. ખાસ કરીને યુરોપ-અમેરિકી દેશોમાં હેટના આકાર અને બનાવટની તરાહ પરથી એવી અટકળ થતી કે આ મહાશય શું કામ કરતા હશે અને કેટલા માલદાર હશે! મજૂરોની જુદા આકારની હેટ, તો સરકારી અમલદારોની ય જુદી. ઉમરાવોની અદકેરી કેપ હોય, તો બીજી તરફ સૈનિકોનું માથું પણ ખાસ તરાહની કેપથી ઢંકાયેલું જોવા મળતું હતું. મહિલાઓ માટેય અલગ દેખાવની હેટ તૈયાર કરાવાતી હતી.
૧૫મી સદીમાં ચર્ચમાં એકાએક એવો નિયમ લદાયો કે કોઈ પણ સ્ત્રીએ ખુલ્લા વાળ રાખીને ચર્ચમાં ન પ્રવેશવું. ચર્ચના આ કાનૂનના કારણે સ્ત્રીઓમાં હેટની જરૂરીયાત એકાએક વધી ગઈ. એ અરસામાં હેનિન પ્રકારની હેટ સ્ત્રીઓ પહેરતી થઈ. આ કેપ શંકુ આકારની હતી. એટલે કે કોન જેવો તેનો દેખાવ હતો. આવી કેપ ખાસ તો વયસ્ક સ્ત્રીઓ વધુ પહેરવાનું પસંદ કરતી હતી.
કેપની ખપત વધી એટલે તેમાં વ્યાપારીકરણ પણ પ્રવેશ્યું. ધનવાન ઉમરાવોની સ્ત્રી દરેક પ્રસંગે એકની એક હેટ પહેરે એ તો કેમ ચાલે? એટલે દરેક પોશાક સાથે શોભે એવી હેટ બનાવનારા કારીગરો વધવા લાગ્યા. આખા યુરોપમાં એ સમયે હેટની બનાવટમાં ઈટાલીના કારીગરોની આગવી શાખ હતી. તવંગર લોકો પોતાના ઘરની સ્ત્રીઓ ઈટાલિયન બનાવટની હેટ પહેરે એને મરતબો સમજતા હતા. ઉમરાવો કે પછી અતિ ધનવાન વેપારીઓ ઈટાલીથી હેટ આયાત કરવાને બદલે કારીગરોને ઘરે બોલાવી લેતા અને પછી ચોક્કસ માપની હેટનું સર્જન થાય એવો માહોલ ઘરમાં જ ખડો કરી દેતા.
જેમ હંમેશા બને છે એમ પુરુષોની સ્ટાઇલમાં ઝડપી ફેરફાર નથી આવતો પણ સ્ત્રીઓના પોશાકમાં વિશાળ વૈવિધ્યનો અવકાશ હોય છે એવું જ હેટની બાબતમાં પણ બન્યું. એકાદ શૈકામાં જ મહિલાઓ માટે હેટની મોટી રેન્જ ઉપલબ્ધ બની ગઈ. પુરુષો માટે મંદિરના શિખર જેવી ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી ગોળાકાર હેટ સિવાય ભાગ્યે જ કોઈ વૈવિધ્ય જોવા મળતું હતું. આ સ્થિતિ છેક ૧૮મી સદીના અંત સુધી ચાલી. વચ્ચેના સમયગાળામાં હેટ બનાવતી ફેક્ટરીઓ અસ્તિત્વમાં આવી ગઈ હતી. મસ્તક અને ચહેરાને શોભે એવી હેટ ૧૮મી સદીના અંતિમ પડાવમાં અને ૧૯મી સદીના શરૂઆતી દૌરમાં મોટા પ્રમાણમાં મળવા લાગી હતી.
એમને એમ વધુ એક સૈકો વીતી ગયો. એ દરમિયાન અમુક પ્રકારની હેટ વિખ્યાત બની ગઈ. દક્ષિણ અમેરિકી લોકોની ઓળખ સમી કાઉબોય હેટ પ્રખ્યાત થઈ હતી. પનામા નહેરના બાંધકામ વખતે કામદારો જે એકસરખી કેપ પહેરતા તે પછીથી પનામા હેટ તરીકે ઓળખાવા લાગી. ઈંગ્લેન્ડના ડર્બી નામના સ્થળે પરંપરાગત યોજાતા હોર્સ રાઇડિંગમાં ઘોડે સવારો જે કેપ પહેરતા તે ડર્બી હેટ તરીકે ખ્યાતિ પામી હતી. આ ડર્બી હેટને થોમસ અને વિલિયમ બોલર નામના બે ભાઈઓએ ફેરફાર સાથે નવતર ડિઝાઇન કરી હતી એટલે તે બોલર હેટના નામે ય ઓળખાણ પામી હતી (પછીથી આ બંને ભાઈઓએ ઘોડેસવારો માટે કેપ બનાવતી કંપની લોક એન્ડ કો. માટે વિશાળ રેન્જમાં હેટ ડિઝાઇન કરવાનું કામ કર્યું હતું).
પ્રથમ અને બીજાં વિશ્વયુદ્ધની વચ્ચેના સમયમાં હેટ પહેરવાનો ટ્રેન્ડ ચરમસીમાએ હતો. એમ કહો કે એ સમયગાળો હેટની તવારીખમાં સુવર્ણકાળ હતો. બ્રિટન-અમેરિકા-ફ્રાન્સ-રશિયા-જર્મની જેવા દેશોમાં તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી મળતી કે જે માથામાં હેટ પહેર્યા વગર ઘરની બહાર પગ મૂકતી!
                                                                              ***
બીજા વિશ્વયુદ્ધ પછી અચાનક હેટ પહેરવાનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો. ફિલ્મી કલાકારોને બાદ કરતા હેટ ધારણ કરનારાની તાદાત ખૂબ ઘટી ગઈ. ૧૯૬૦ પછી લગભગ ૩ દશકા સુધી અવનવી હેર સ્ટાઇલના કારણે હેટનું વળગણ ઘટયા બાદ ફરીથી માઇકલ જેક્શન અને પ્રિન્સેસ ડાયનાના કારણે ટોપી ઇન ટ્રેન્ડ બની હતી.
હવે દુનિયામાં હજારેક પ્રકારની ટોપીઓ જોવા મળે છે. રમતથી સિનેમા સુધી અલગ અલગ રંગની અને ડિઝાઇનની હેટ લોકપ્રિય થઈ છે. ઘણા સેલિબ્રિટીઝે હેટને હિટ કરાવવામાં યોગદાન પણ આપ્યું છે. લેડી ગાગા, ડેવિડ બેકહેમ, કેટ મિડલટન, લિયોનાર્ડો ડી કેપ્રિયો સહિતના અસંખ્ય સેલિબ્રિટિઝ હેટ સાથે જોવા મળે છે.
એમાં લેટેસ્ટ ઉમેરો આમિર ખાનનો થયો છે. ધૂમ-૩નું શૂટિંગ શરૂ થયું તેના ત્રણ માસ અગાઉથી પરફેક્શનના આગ્રહી આમિર ખાને એવા કારણથી હેટ પહેરવાનો પ્રારંભ કર્યો હતો કે શૂટિંગ વખતે હેટ પહેરવામાં બરાબર હાથ બેસી જાય. ફિલ્મ રિલિઝ થઈ પછી ય આમિરે હેટ પહેરવાનું ચાલું રાખ્યું હતું. લંડનથી ખાસ આયાત થયેલી આમિર ખાનની એ હેટ ભારતમાં શિયાળામાં પણ હેટ માર્કેટમાં તેજી લાવવામાં કારણભૂત બની હતી.

ફિલિપ ટ્રેસીઃ દુનિયાનો મશહૂર હેટ ડિઝાઇનર
લેડી ગાગાથી લઈને કેટ મિડલટન, ડેવિડ બેકહેમ સહિતના સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા લંડનના ફિલિપ ટ્રેસીનું હેટ ડિઝાઇનિંગની દુનિયામાં અત્યારે આગવું નામ છે. સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા કરતા આ ૪૬ વર્ષના ડિઝાઇનર પોતે પણ સેલિબ્રિટી બની ગયા છે. એમ તો બ્રિટનનાં રાણીની હેટ પણ સ્ટાઈલ આઈકન ગણાય છે. એની ડિઝાઈન પણ ક્યારેક ક્યારેક ફિલિપ ટ્રેસી કરે છે. કેટ મિડલ્ટન, મેગન મર્કેલ માટે ય વારે-તહેવારે ફિલિપ હેટ ડિઝાઈન કરી આપે છે.
સેલિબ્રિટીઝની હેટ ડિઝાઈન કરીને ખુદ સેલિબ્રિટી બની ગયેલા ફિલિપ ટ્રેસી
ફિલિપની બીજી ઓળખ આપવી હોય તો એમ પણ આપી શકાય કે હેરી પોર્ટર શ્રેણીની બધી જ ફિલ્મોમાં જોવા મળેલી બધી જ હેટ તેમણે ડિઝાઇન કરી હતી. તેમની આ કળા માટે તેમને બ્રિટિશ એસેસરીઝ ઓફ ધ યરનો ખિતાબ પાંચ-પાંચ વખત આપવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે દુનિયાને ટોપી પહેરાવતા આ વિખ્યાત ડિઝાઇનર પોતે એક પણ પ્રકારની ટોપી પહેરવાના શોખીન નથી!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -