Archive for 2013

ક્રોસ-વર્ડ પઝલ્સ : @ 100 નોટઆઉટ....


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

ક્રોઝ-વર્ડ પઝલે અખબારના પાના ઉપર જગ્યા બનાવી તેને 100 વર્ષ થયા. ક્રોસ-વર્ડ પઝલ કઈ સ્થિતિમાં ક્રિએટ થઈ હતી? બદલામાં તેના સર્જકને શું મળ્યું હતું?
 
'આપણી નેક્સ્ટ સન્ડે એડિશનમાં ક્રિશમસને ધ્યાનમાં રાખીને કશુંક નવું આપવું છે.' ન્યૂયોર્કના એક અખબારના એડિટર પોતાના ન્યૂઝપેપરમાં ફન વિભાગની જવાબદારી નિભાવતા ડેપ્યુટી એડિટરને બોલાવીને સૂચના આપી રહ્યાં હતા.
'...પણ એના માટે તો થોડો વધુ સમય જોઈશે અને હવે આપણી પાસે નેક્સ્ટ એડિશન માટે એટલો સમય જ ક્યાં બચ્યો છે?' ડિપ્યુટી એડિટરે સાહેબને સમજાવવાની કોશિશ કરી.
 'તમારી પાસે આજનો દિવસ છે, એ દરમિયાન કશુંક નવું વિચારી જૂઓ, વધુ વાત આવતીકાલે કરીશું.' એડિટરે સત્તાવાહી સ્વરમાં ડેપ્યુટી એડિટરને જણાવ્યું.
'હું પૂરી કોશિશ કરીશ સર, થેન્ક યુ!' ડેપ્યુટી એડિટરે એડિટરની કેબિનમાંથી વિદાય લીધી.
ડેપ્યુટી એડિટર પોતાની જગ્યાએ આવીને વિચારે ચડયો. 'એક દિવસમાં નવું આપીને આપીને શું આપી શકાશે?' તેણે મનોમન પ્રશ્ન કર્યો અને પછી ફન વિભાગમાં શું નવું આપી શકાય એની શક્યતાઓ ચકાસવામાં તે લાગી ગયો. બાકી રહેલા બીજા કામો પણ તેને સાથે સાથે કરવાના હતા. આજે તેને કામમાં બહુ મન ન લાગ્યું. સન્ડેની નવી એડિશન માટે તેનું મન સતત વિચાર કરતું રહ્યું.
દિવસ તો આમ ને આમ પૂરો થવા આવ્યો. તેણે હવે ઘરે જવાનું વિચાર્યું. તે ફરી સ્વગત બોલ્યો 'હવે તો રાતે જ વિચારીશ કે નેક્સ્ટ એડિશનની અણધારી આફતમાંથી કેમ ઉગરી શકાશે' તે બહાર જવા નીકળતો જ હતો કે તેને અચાનક કંઈક વિચાર મનમાં ઝબકી ગયો. તે જરાવાર થોભ્યો અને ફરીથી પોતાની જગ્યાએ ગયો. ફટાફટ કંઈક લખવા માંડયો. કદાચ તેને સન્ડેની એડિશન માટે શું નવું આપવું તેનો જવાબ મળી ગયો હતો. થોડી કલાકો પછી તેના ચહેરા પર હળવાશ હતી. ઉતાવળે જે લખાયું હતું તેને તે ધારી ધારીને જોતો હતો. ઘરે જવા નીકળ્યો હતો ત્યારના અને અત્યારના સમય વચ્ચે ખાસ્સા ચારેક કલાકનો ગાળો પડી ગયો હતો. ઓફિસમાં લગભગ કોઈ જ નહોતું. ઘરે જવામાં આટલું મોડું થયું હોવા છતાં તેના મનમાં હાશકારો હતો.
                                                                        ***
'ફન વિભાગમાં તમે જે નવો પ્રયોગ કર્યો છે એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, આપણે દર રવિવારની એડિશનમાં તેને જગ્યા આપીશું' ૨૧ ડિસેમ્બર, ૧૯૧૩ના રોજ 'ન્યૂયોર્ક વર્લ્ડ' નામના અખબારના એડિટર હેરબર્ટ બેયર્ડ સ્વોપ પેલા ડેપ્યુટી એડિટર આર્થર વિન્નીને સસ્મિત જણાવી રહ્યાં હતા.
વિન્નીએ હકારમાં મસ્તક ધૂણાવ્યું. એડિટરે ઉમેર્યું 'બની શકે કે જો આટલો સારો ફિડબેક મળતો રહેશે તો આપણે તેને સપ્તાહમાં બે વખત પણ આપી શકીએ, તમે તૈયારી રાખજો. જરૃર પડશે તો તમને એમાં મદદનીશ પણ આપીશું'
'મેં થોડું વિચાર્યું છે, આપણે એમાં હજુ થોડા પ્રયોગો કરીશું તો રિડર્સને વિવિધતા મળશે', વિન્નીએ એડિટર સામે જોઈને આત્મવિશ્વાસથી કહ્યું.
'બિલકુલ! તમને જે સારું લાગે એ કરતા રહેજો' એડિટરે વિન્ની પર વિશ્વાસ જતાવ્યો.
બંનેની વાતચીત પૂરી થઈ એટલે ૪૨ વર્ષના આર્થર વિન્ની એડિટરની કેબિનમાંથી બહાર નીકળીને પોતાના કામમાં લાગી ગયા. તેમણે કરેલો પ્રયોગ સફળ થયો છે એ જાણીને તે મનોમન હરખાયા. જોકે, એમને એ ક્યાં ખબર હતી કે તેમનો આ નવો પ્રયોગ એક દિવસ વિશ્વભરના અખબારોનો અવિભાજ્ય હિસ્સો બની જશે.
આર્થર વિન્નીએ કરેલી એ નવી શોધ વર્ડ-ક્રોસના નામે પહેલી વખત અખબારમાં પ્રકાશિત થઈ ત્યારે ડાઇમંડ શેપના ખાનામાં પઝલ રૃપે ૩૨ વર્ડ્સ શોધવા માટેની સૂચના લખવામાં આવી હતી કે 'નીચેની સૂચનાઓને ધ્યાનથી વાંચીને ઉપરના ખાનાઓમાં બંધબેસતા શબ્દો ગોઠવો'. શરૃઆતની લોકપ્રિયતાના જોરે ક્રોસ-વર્ડ પઝલે નવા આયામો સર કર્યાં.
આર્થર વિન્ની અને તેમણે 21મી ડિસેમ્બર, 1913માં સર્જેલી પ્રથમ ક્રોસ-વર્ડ પઝલ

જોત જોતામાં ન્યૂયોર્કના મોટાભાગના અખબારોએ વિન્નીની પેટર્ન પ્રમાણે ક્રોસ-વર્ડ છાપવાનું શરૃ કર્યું. હરીફ અખબારોની સામે મજબૂત સ્પર્ધા પૂરી પાડવા અને લોકોનો રસ સતત જળવાઈ રહે તે માટે વિન્નીએ ઘણી નવી નવી તરાહથી ક્રોસ-વર્ડ પઝલ્સ આપવાનું શરૃ રાખ્યું. હરીફ અખબારોથી વિન્ની હંમેશા બે કદમ આગળ રહેતા. એ દરમિયાન તેમણે ક્રોસ-વર્ડ માટે પોતાને કોપી રાઇટ આપી દેવા માટે તેના અખબારના તંત્રી અને અન્ય સાહેબોને કહ્યું. વિન્નીનો કોપી-રાઇટનો દાવો યેનકેન પ્રકારે ઉડાવી દેવાયો.
ધીરે ધીરે આર્થર વિન્નીનો રસ તેમાંથી ઓછો થતો ગયો. તેમને માર્ગારેટ પિથરબ્રિજ નામની એક સહાયક આપવામાં આવી હતી. લગલગાટ ૮ વર્ષ સુધી ક્રોસ-વર્ડની કમાન સંભાળ્યા પછી વિન્નીએ ૧૯૨૧માં માર્ગારેટને બધી જ જવાબદારી સોંપી દીધી.
આજના ક્રોસ-વર્ડ પઝલ્સની ડિઝાઇનનો ઘણો ખરો યશ માર્ગાટેરને ય મળે છે. માર્ગારેટને જ્યારે ક્રોસ-વર્ડની તમામ જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેને એમાં કશો જ રસ પડતો ન હતો. જોબ માનીને તે બનાવી કાઢતી.
એ સમયે ન્યૂયોર્ક વર્લ્ડના એક ખૂબ જ લોકપ્રિય કટાર લેખક ફ્રેન્કલિન પી. એડમ્સને આ કોયડાઓમાં કોણ જાણે કેમ પણ બહુ રસ પડતો હતો. સપ્તાહમાંથી ડેઈલી કરાયેલી ક્રોસ-વર્ડ પઝલ્સને તે દરરોજ ભરતા અને માર્ગારેટના ડેસ્ક પર રાખી દેતા. એટલું જ નહીં, ક્યાં ક્યાં ભૂલો થઈ છે તેના પર નિશાની પણ કરતા.
માર્ગારેટ દરરોજ તેના પર નજર ફેરવતી અને પછી કચરાટોપલીમાં ફેંકી દેતી. થોડા દિવસો આ ક્રમ ચાલ્યો. માર્ગારેટને એમ કે કટાર લેખક થોડા દિવસોમાં થાકી જશે, પરંતુ એમ થાકે તો ફ્રેન્કલિન શાના! અંતે માર્ગારેટનો રસ આ પઝલ્સમાં કેળવાયો. પછી તો ક્રોસ-વર્ડ પઝલ્સ ન કેવળ તેની ઓળખ બની ગઈ, પણ બહુ બધી રોકડ રળવામાં ય માર્ગારેટને આ ફંડા કામ લાગ્યો.
માર્ગારેટ પિથરબ્રિજ

બે પાર્ટનર સાથે મળીને તેણે ક્રોસ-વર્ડ પઝલ્સનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. શરૃઆતમાં ચાર લાખ નકલ વેંચાયા પછી તો ૧૯૮૪ સુધીમાં માર્ગારેટે ૧૩૪ વોલ્યુમ પર કામ કર્યું હતું.  સૌથી મહત્ત્વની વાતઃ ક્રોસ-વર્ડ પઝલ્સના ઉદય વખતે 'સમયનો વેડફાટ' કહીને તેને વખોડી કાઢનારા ન્યૂયોર્કના ખૂબ મોટા અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સે' પણ ક્રોસ-વર્ડ
નો સ્વીકાર કર્યો અને ૧૯૪૨માં ક્રોસ-વર્ડ એડિટરની પણ નિમણૂક કરી, જેનું નામ હતું - માર્ગારેટ પિથરબ્રિજ! માર્ગારેટે વર્ષો સુધી ન્યૂયોર્ક ટાઇમ્સમાં આ કામગીરી કરી હતી.
તો પછી આર્થર વિન્નીનું શું થયું?
                                                                        ***
'વોશિંગ્ટન પોસ્ટ' માટે ક્રોસ-વર્ડ પઝલ્સ ક્રિએટ કરતા ૬૩ વર્ષના મેર્લ રીગલ અત્યારે અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વમાં ક્રોસ વર્ડ ક્રિએશનમાં મોખરાનું નામ ગણાય છે. પઝલ્સના શોખીન હોવાના કારણે ક્રોસ-વર્ડ પઝલ્સના ક્રિએશનમાં આવી ગયેલા મેર્લ રીગલ પંદરેક વર્ષ પહેલા ઈન્ટરનેટ પર કશુંક વાંચી રહ્યાં હતા ત્યારે તેના ધ્યાનમાં એક પેરેગ્રાફ આવ્યો. તેમાં આર્થર વિન્ની વિશે થોડું લખ્યું હતું :
'મૂળ ઈંગ્લેન્ડના વતની અને પછી અમેરિકામાં સ્થાઈ થયેલા આર્થર વિન્નીનું નિધન ૧૪ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ફ્લોરિડાના ક્લીઅરવોટરમાં થયું હતું. તેમણે ક્રોસ-વર્ડ પઝલ્સનું સર્જન કર્યું હતું.' આટલું વાંચીને રીગલને વિચાર આવ્યો કે વિન્નીનું અવસાન થયું હતું તે સ્થળ ક્લીઅરવોટર તેનાથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે એટલે ક્રોસ-વર્ડ રસિયા અને ક્રિએટર તરીકે તેના સર્જકની તપાસ તો કરવી જોઈએ.
રીગલે તેના જર્નલિસ્ટ મિત્રોની મદદથી તપાસ કરી જોઈ, પણ ખાસ કશું ન મળ્યું. તેનું નિધન જો ક્લીઅરવોટરમાં જ થયું હોય તો ત્યાં તેની કબર હોવી જોઈએ એમ ધાર્યું હતું, પણ એવી કોઈ કબર તેને ન મળી. રીગલને એ જાણવામાં રસ હતો કે આ ક્રોસ-વર્ડ ક્રિએટરનું પછી શું થયું હતું. ક્રોસ-વર્ડના નામે કમાણી કરનારા ઘણા હતો, તો પછી વિન્નીએ શું કર્યું હશે? ક્રોસ-વર્ડ પર લખાયેલી જૂની એક-બે પુસ્તિકામાં તેના વિશે થોડો ઉલ્લેખ મળ્યો હતો. આ સિવાય આ ક્રોસ-વર્ડ પઝલના સર્જક વિશે એવું તો કેટલું બધુ હતું જે તેની પઝલની માફક હતું. કોયડાઓ ઉકેલવા પડે તેમ હતા.
આ ઘટનાને વર્ષો પસાર થઈ ગયા પછી ગયા વર્ષે એક દિવસ અચાનક રીગલની પત્ની મેરીને ઈન્ટરનેટ પર ક્યાંકથી વિન્નીની મોટી પુત્રીની મરણનોંધ વાંચવામાં આવી. તેમાં તેની એક નાની બહેનનો પણ ઉલ્લેખ હતો, જે ક્લીઅરવોટરમાં રહેતી હતી. તરત જ રીગલ દંપતીએ તેના સુધી પહોંચવા માટે પ્રયાસો આદર્યા. રીગલે સંપર્ક શોધીને તેની સાથે વાત કરી. ૮૦ વર્ષની વયે પહોંચવા આવેલા કેથરિન વિન્નીએ રીગલ દંપતી સાથે મુલાકાત કરવાની તૈયારી દર્શાવી અને એ રીતે રીગલને ક્રોસ-વર્ડ પઝલ્સના સર્જકની ન મળેલી કડીઓ મળી ગઈ.
                                                                               ***
વાત એમ હતી પોતાને કોપીરાઇટ ન મળ્યા પછી વિન્નીએ પઝલ્સમાં રસ દાખવવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ક્રોસ-વર્ડ પઝલ્સની કમાણીમાંથી રોકડી કરવા મેદાને પડેલા લોકોથી પણ વિન્નીને થોડો અણગમો થયો હતો.
૧૯૩૧ સુધી 'ન્યૂયોર્ક વર્લ્ડ' ચાલુ રહ્યું હતું, એ બંધ થયા પછી તેઓ ક્લીઅરવોટર આવી ગયા હતા. તેમણે ૬૨ વર્ષની વયે લગ્ન કર્યા હતા. જોકે, પોતાના સર્જનમાંથી તેમણે કોઈ પણ કારણોથી કમાણી કરવાનું ટાળ્યું હતું.
તેમની કબર ન હોવાનું કારણ કહેતા કેથરિને કહ્યું હતું કે તેમના પિતાને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો. કેથરિને બહુ ગર્વભેર જણાવ્યું કે તેમના પિતા કહેતા કે 'તેમણે કમાણી માટે ક્રોસ-વર્ડનું સર્જન ક્યારેય નહોતું કર્યું અને ન તો તેમણે કમાણી માટે કોપીરાઇટની માંગણી કરી હતી!'
વિશ્વની પ્રથમ ક્રોસ-વર્ડ પઝલ

Sunday 22 December 2013
Posted by Harsh Meswania
Tag :

વીડિયો ગેઇમ્સ : ટંકશાળ પાડી રહેલી કલ્પનાની માયાજાળ!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

સ્માર્ટફોન અને ગેઇમ્સ એક બીજાના પર્યાય જેવા બની ગયા છે. સ્માર્ટફોન યુઝર્સના મોબાઇલફોન માટેના હેતુઓમાં ફોટોગ્રાફી પછી ગેઇમ્સ સૌથી વધુ પસંદગીની બાબત છે એવું એક લેટેસ્ટ સંશોધન કહે છે. વીડિયો ગેઇમ્સ આજે માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી રહ્યું, પરંતુ હવે વિશાળ બિઝનેસ પણ બની ગયો છે. સ્માર્ટફોનની સાથે સાથે સતત વિકસતો જતો આ બિઝનેસ આજે ૯,૩૦૦ કરોડ ડોલરને પાર કરી ગયો છે. જોકે, છએક દાયકા પહેલા જ્યારે તેનો પાયો નખાયો ત્યારે આ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો હતો...

સ્માર્ટફોનનું પ્રયોજન માત્ર ફોન કોલ્સ પૂરતું સીમિત નથી રહ્યું. તેની પાછળ ઘણા બધા હેતુઓ જોડાયા છે. સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહેવાથી લઈને દુનિયાભરમાં બનતી ઘટનાઓ ગણતરીની સેકન્ડમાં જાણી શકાય છે એટલે સ્માર્ટફોન વગર હવે ચાલે તેમ નથી. કોઈ પણ રીતે મનોરંજન મેળવવું એ સ્માર્ટફોનનો મુખ્ય ઉદેશ્ય છે. 
વિશ્વભરમાં થયેલા એક ખાનગી સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે ફોટોગ્રાફી પછી સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ વીડિયો ગેઇમ્સ રમવા માટે થાય છે. વીડિયો ગેઇમ્સ વગરનો એક સ્માર્ટફોન શોધવો મુશ્કેલ છે. ગેઈમ્સ એપ્સનો ધીકતો ધંધો દિવસે દિવસે મોટો થતો જાય છે. ગેમ્સ એપ ડેવલપર્સને આમાં બહુ મોટી શક્યતાઓ દેખાઈ રહી છે, આજે સતત વિકસી રહેલી વીડિયો ગેઇમ્સ ઈન્ડસ્ટ્રીનો પાયો લગભગ ૬૫ વર્ષ પહેલા ખોડાયો હતો.
                                                                            ***
૧૯૫૦ના દાયકામાં થોમસ ગોલ્ડસ્મિથ અને ઈસ્ટર્ન રેયમેન ફિલ્ડ નામના બે અમેરિકન્સે કેથડ રે ટયૂબ....ડિવાઇસ વીડિયો ગેઇમનું નિર્માણ કર્યું હતું. એ શરૃઆતી સોપાન હતું એટલે તે લોકપ્રિય ન થઈ. એ પ્રાથમિક તબક્કાની ગેઇમ હતી એટલે ય કદાચ તેને બહુ ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
૧૯૫૦ના વર્ષમાં ચાર્લી એડમ નામના કમ્પ્યુટર ઈજનેરે થોડી વધુ મહેનત કરીને બાઉન્સી બોલ ગેઇમ ક્રિએટ કરી હતી. એ ગેઇમ પણ પહેલાની માફક બહુ લોકભોગ્ય બની નહી, પરંતુ ત્યાર પછી ક્રિસ્ટોફર સ્ટ્રેચી , એ. એસ. ડગ્લાસ જેવા કમ્પ્યુટર ઈજનેરોએ આ ક્ષેત્રે ખેડાણ આદર્યું હતું જેના પરિણામે વીડિયો ગેઇમ્સને ધીમે ધીમે પોપ્યુલારિટી મળવા લાગી હતી.

એ જ અરસામાં બૂકહેવેનની નેશનલ લેબોરેટરીમાં એક મહત્ત્વ પૂર્ણ સોફ્ટવેર પર કામ થઈ રહ્યું હતું. વિલિયમ હિજિન્બોથમે ટેનિસ ફોટ ટુ નામની એક ગેઇમ્સ બનાવી હતી. આ ગેઇમ્સના ક્રિએટર વિલિયમે  પોન્ગ ગેઇમ્સ બનાવીને વીડિયો ગેમિંગ ક્ષેત્રે એક નવું જ પ્રકરણ આલેખ્યું. એ સમય હતો ૧૯૬૦ આસપાસનો. ત્યાર બાદ ગેમિંગ ઈન્ડસ્ટ્રીએ સતત નવા નવા સોપાનો સર કરવા માંડયા હતા. જેમાં તેેને અવનવી વિકસતી જતી ટેકનોલોજીનો સથવારો પણ મળ્યો એટલે નાવિન્ય પીરસવાનો પડકાર પણ ઉમેરાતો જતો હતો.
                                                                               ***
૧૯૬૫થી આજ સુધીમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં જે ફેરફારો થયા છે અને જે નવિનતા આવી છે તેના ૮ ભાગ પાડીને જનરેશન પ્રમાણે વહેંચવામાં આવ્યા છે. અત્યારે ગેમિંગની આઠમી જનરેશન ચાલી રહી છે. પ્રથમથી લઈને આઠ સુધી પહોંચેલા આ બિઝનેસે છેલ્લા પાંચ દશકામાં ઘણા ચડાવ ઉતાર જોયા છે.
જર્મન-અમેરિકન રાફ બિઅરને ગેમિંગ ઉદ્યોગના પાયોનિયર તરીકેનું સન્માન આપવામાં આવે છે. આ રાફ બિઅરે બ્રાઉન બોક્ષ ગેઇમ બનાવી હતી જે વિશ્વભરમાં લોકપ્રિયતાના શિખરો સર કરવામાં સફળ રહી હતી. એ પછી સતત લેવલ પાર થતાં રહ્યાં છે. ૧૯૮૦ પછી એકધારી ચાલતી ઘરેડમાં પરિવર્તન આવવાનું શરૃ થયું. એડવેન્ચર, એક્શન, કાર-બાઇક રેસિંગ, ફાઇટિંગ, શૂટિંગ, રિધમ, રન એન્ડ ગન જેવી વિભિન્ન થીમવાળી ગેઇમ્સ આવવા લાગી હતી.
ઈન્ટરનેટની શોધ થયા પછી ઓનલાઇન ગેઇમિંગનું વધુ એક વિશાળ માર્કેટ ખડું થયું. ૧૯૯૫-૨૦૦૦ સુધીના પિરિયડમાં તો કોઈ પણ દેશના ગેઇમ રસિયા સાથે ઓનલાઇન ગેઇમિંગનો આનંદ ઉઠાવી શકાય એવી ટેકનિક પણ શોધાઈ ગઈ હતી. બંને ઓનલાઇન પ્લેયર્સ એકમેકની ભાષા જાણતા ન હોવા છતાં ગેઇમ તેની વચ્ચે જોડાણનું માધ્યમ બની જતી. ગેઇમિંગની આ સફર હવે ૩ડી સુધી લંબાઈ છે. પહેલા માત્ર થોડી ક્ષણો માટે મનોરંજન આપવા અને લેવા માટે ગેઇમિંગનો ઉપયોગ થતો હતો. પછી તેના દ્વારા રોકડી રળી લેનારા પણ મેદાને પડયા હતા અને પરિણામે ગેઇમિંગ એક મોટા ઉદ્યોગ તરીકે સામે આવ્યું છે. લેપટોપ, ટેબલેટ, આઈપેડ, મોબાઇલ ફોન જેવા અત્યાધૂનિક ઉપકરણોએ ગેઇમિંગ માર્કેટને હવા આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

 ગેઇમિંગનું માર્કેટ : ૯,૩૦૦ કરોડ ડોલરની ઊંચાઈ.....

વિશ્વમાં ગેઇમિંગનું માર્કેટ ૯,૩૦૦ કરોડ ડોલરને આંબી ગયું છે. ૨૦૧૧ની શરૃઆતમાં આ બિઝનેસ ૨,૫૦૦ કરોડ ડોલર હતો. માત્ર અઢીથી ત્રણ જ વર્ષમાં આ બિઝનેસને ચાર ગણો વેગ મળ્યો છે. આ આંકડા જ બતાવે છે કે ગેઇમિંગ માર્કેટમાં કેટલી તેજીનો માહોલ છે. 
જાપાન, અમેરિકા, સાઉથ કોરિયા, ચીન અને ભારત ગેઇમ્સ સોફ્ટવેર બનાવવામાં અગ્રેસર ગણાય છે. ભારતના કમ્પ્યુટર ઈજનેરોના શિરે અમેરિકાના ગેઇમિંગ માર્કેટની મોટી જવાબદારી રહેલી છે. બે પ્રકારની ગેઇમ્સની અત્યારે બજારમાં ડિમાન્ડ છે. એડલ્ટ અને એક્શનથી ભરપૂર હોય એવી ગેઇમ્સ યુઝર્સ ખૂબ જલ્દી સ્વીકારી લે છે. 
વોર ફિલ્મોની જેમ અટપટ્ટી વોરની ગેઇમ્સ બનાવવાની જરૃરીયાત રહે છે એટલે આવી ગેઇમ્સ બનાવનારાની પણ ઓનલાઇન ખાસ્સી ડિમાન્ડ રહે છે. વળી, એ કામ ડિઝાઇન કરવાથી લઈને સ્ટોરી બનાવવા સુધી જેટલું મુશ્કેલ છે એટલું જ ટફ તે ગેઇમ્સના બધા જ લેવલ પાર કરવાનું પણ છે. એ કારણે તેમાં લાંબાં ગાળા સુધી ગેઇમ્સ રસિયાઓનો રસ જળવાઈ રહે છે. આવી ગેઇમ્સ ઊંચા દામ ચૂકવીને ઓનલાઇન કે પછી ડાઉનલોડ કરીને રમવાનું ચલણ સતત વધતું જાય છે અને કદાચ એટલે જ તેમાં કમાણી પણ ધીકતી છે.
  
ગેમર ફેક્ટ્સ : કિતને પ્રતિશત લોગ.......
૭૨ પ્રતિશત સ્માર્ટફોન યુઝર્સ ગેઇમ રમવાનું પસંદ કરે છે.
૫૫ ટકા લોકો લેપટોપ કે પીસીમાં ગેઇમ રાખે છે.
૪૨ ટકા મહિલાઓ (કુલ ગેઇમ્સ રસિયાઓમાંથી) વિવિધ અઘરી લાગતી ગેઇમ્સ ખરીદીને પણ રમે છે.
૬૦ રૃપિયા સુધીનો ખર્ચ પ્રતિ માસ એવરેજ સ્માર્ટફોન યુઝર્સ કરે છે.
૩૭ વર્ષ, ગેઇમ રસિયાના સરેરાશ ઉંમર આ છે અને તે છેલ્લા ૧૨ વર્ષથી ગેઇમિંગનો આનંદ ઉઠાવે છે.
૭૮ યુઝર્સ લેપટોપ, પીસી કે મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ગેઇમ્સ દર બે મહિનામાં બદલી નાખે છે.
૪૦ ઈન્ટરનેટ યુઝર્સ ઓનલાઇન ગેઇમ રમે છે.
૩૦ પ્રતિશત લોકો ફ્રી ઓનલાઇન ગેઇમ્સને બદલે પેઇડ ગેઇમ્સ રમે છે.
Sunday 15 December 2013
Posted by Harsh Meswania
Tag :

પ્લે એટ ફોર્ટી પ્લસ : કિસ કી મજાલ કહે મુજે દિવાના


સાઇન ઇન - હર્ષ મેસવાણિયા

ચાલીસીએ પહોંચેલા સચિન તેંડુલકરે ગયા મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, તો બીજી તરફ ૪૨ના થયેલા પ્રવીણ તાંબેની પસંદગી મુંબઈની રણજી ટ્રોફીની ટીમમાં થઈ. ઝારખંડ સામેની મેચમાં જો પ્રવીણ તાંબેનો સમાવેશ અંતિમ ઇલેવનમાં થશે તો તેના નામે મોટી વયે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પદાર્પણ કરનારા ભારતીય તરીકેનો વિક્રમ બનશે. જોકે, ૪૦ વર્ષ પછી કોઈ રમતમાં પદાર્પણ કરનારો તાંબે પ્રથમ ખેલાડી નથી. ધારો કે તાંબે શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટમાં સ્થાન મેળવે તો પણ તેના નામે વિશ્વ વિક્રમ ન બને એમ પણ બને!

તારીખ : ૧૫ માર્ચ, ૧૮૭૭
સમય : સવારના ૯-૧૦ આસપાસ
સ્થળ : ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન શહેર
ઘટના : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ મેચ
માર્ચ મહિનાનો સમય છે, છતાં ઓસ્ટ્રેલિયાના વાતાવરણ પ્રમાણે હવામાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. મેદાનમાં હાજર રહેલા થોડાંક ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવ ગ્રેગરી અને મહેમાન ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જેમ્સ લીલીવ્હાઇટ ટોસ ઉછાળવા મેદાન પર ઉતરે છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ પર પસંદગી ઉતારે છે. આ સાથે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઐતિહાસિક પ્રકરણ આલેખાય જાય છે.
જેમ્સ સાઉથર્ટન
એક સાથે ૨૨ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરે છે, જેમાંથી ૬ જેટલા ખેલાડીઓ તો ૩૫ વર્ષની ઉંમરનો પડાવ પાર કરી ચૂક્યા છે, એકાદ બે ચાલીસીમાં પહોંચવાની તૈયારીમાં છે. એક ખેલાડીની ઉંમર ૫૦ વર્ષને આંબવું આંબવું થઈ રહી છે, તેને પણ ટેસ્ટ મેચની કેપ મળે છે. એ ખેલાડી જ્યારે માથામાં કેપ પહેરે છે ત્યારે કદાચ તેણે કલ્પના પણ નહીં કરી હોય કે હવે તે એક રન નહીં કરે કે એક વિકેટ પણ નહી લે તો ય તેનું નામ ક્રિકેટ બૂકમાં હંમેશા માટે નોંધપાત્ર બની જશે. આ ખેલાડી એટલે જેમ્સ સાઉથર્ટન. આજેય જેના નામે ૪૯ વર્ષ અને ૧૧૯ દિવસે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાનો વિક્રમ બોલે છે.
ક્રિકેટમાં આજના સમયે કદાચ આ વિક્રમ તૂટવો લગભગ અશક્ય ગણાય છે. ૪૦ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય કરિઅર શરૃ કરી હોય એવા ટેસ્ટ ક્રિકેટમાં ગણીને ૧૩ ખેલાડીઓ છે. જેમાં બે ભારતીય ખેલાડીઓ છે. ૪૧ વર્ષ અને ૨૭ દિવસે ભારત વતી ૧૯૩૩માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટ રમનારા રૃસ્તમજી જમશેદજીના નામે સૌથી મોટી ઉંમરે ટેસ્ટ મેચ રમનારા ભારતીય ખેલાડી તરીકેનો રેકોર્ડ બોલે છે. રૃસ્તમજીએ મુંબઈમાં રમાયેલી એ મેચમાં ૫ રન કર્યાં હતા અને અંગ્રેજોની ૩ વિકેટ ખેડવવામાં તેમનું પ્રદાન હતું.
રૂસ્તમજી જમશેદજી

૪૦ વર્ષે ટેસ્ટ મેચ રમનારા બીજા ભારતીય એટલે સી. રામાસ્વામી. રામાસ્વામી ૧૯૩૬ના વર્ષમાં ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમમાં જોડાયા હતા અને બે મેચ રમ્યા હતા. તેમણે બે મેચમાં ૫૬ રનની એવરેજ સાથે ૧૭૦ રન કર્યા હતા. મુંબઈ માટે રણજીમાં રમવાની તૈયારી કરી રહેલા પ્રવીણ તાંબેને જો ટેસ્ટ મેચ રમવાની તક મળે તો આ બંને ભારતીય ખેલાડીનો વિક્રમ તે તોડી શકે તેમ છે.
                                                                                  ***
૩૦ વર્ષ સુધી કોઈ પણ રમતમાં ખેલાડીને નેશનલ ટીમમાં સ્થાન ન મળે એટલે એ સ્વીકારી લે છે કે હવે તેને ક્યારેય ટીમમાં સ્થાન નહીં મળી શકે. બહુ હોંશીલો અને મહેનતું ખેલાડી હોય તો ઉંમરના ૩૦ વર્ષના પડાવે ટીમમાં સ્થાન મેળવે. સ્પોર્ટ્સમાં ૩૫ વર્ષ તો લગભગ રિટાયર્ડ થવાની ઉંમર થઈ ગઈ કહેવાય. શરીર જવાબ દેવા માંડયું ન હોય અને સારી ક્ષમતા ધરાવતો ખેલાડી હોય તો ૩૮-૪૦ વર્ષ સુધી મેદાન પર જોઈ શકાય છે. ૪૦ વર્ષે તો લગભગ ખેલાડીઓ 'પૂર્વ ખેલાડી'નું બિરુદ મેળવીને કોચ તરીકેની જવાબદારી નિભાવતા માંડે છે કે પછી કમેન્ટરી બોક્સમાં બેસીને રમતનું વિશ્લેષણ કરવાનું પસંદ કરવા લાગે છે.
૫૦ વર્ષે શરીરને રમત માટે તૈયાર કરવાનું કામ ખૂબ જ કપરું હોય છે. જોકે, અમુક ખેલાડીઓ ઉંમર વધવાની સાથે રિટાયર્ડ થવાનું વિચારવાને બદલે રમવાનું પસંદ કરવાના ઉદાહરણો પણ વિવિધ રમતોમાં મળી રહે છે. એમાંથી એક વર્ગ એવો છે જેમણે ખૂબ મોટી વયે રમતમાં પદાર્પણ કર્યું હોય અને બીજો વર્ગ એવો એવો છે જેઓ મોટી ઉંમર સુધી રમતમાં એક્ટિવ રહ્યાં હોય.

સામાન્ય રીતે ખેલાડી નિવૃત્તિ થાય પછી કોચ તરીકેની કરિઅર પસંદ કરતો હોય છે, પરંતુ ૧૯૪૮માં અમેરિકન બાસ્કેટબોલ લીગમાં ખૂબ જ સફળ ગણાતા કોચ નાટ હિક્કેને માત્ર કોચ બનીને કારકિર્દી પૂરી કરવી ન હતી. એટલે તેમણે ખેલાડી તરીકે પોતાની ટીમનો હિસ્સો બનવાનું નક્કી કર્યું. ૪૬મા બર્થ ડેના માત્ર બે દિવસ અગાઉ તેઓ પહેલી વખત મેદાનમાં ખેલાડીની હેસિયતથી ઉતર્યા અને એ સાથે આજ સુધી અતૂટ રહેલો વિક્રમ પણ પોતાના નામે કરી ગયા.
આ ઘટનાના ૬૫ વર્ષ પછી પણ બાસ્કેટ બોલમાં સૌથી મોટી વયે પદાર્પણ કરનારા ખેલાડી તરીકે તેમના નામનો ઉલ્લેખ થાય છે. આવું જ એક બીજુ નામ એટલે જેક ક્વાઇન. ૧૯૩૩માં જેક જ્યારે બેઝબોલ રમવા મેદાને પડયા ત્યારે તેની ઉંમર ૫૦ વર્ષ હતી. જોકે, જેક શરૃઆતમાં ઘણી બધી પ્રાદેશિક ટીમ સાથે જોડાયેલા રહ્યાં હતા. હોકીમાં આ વિક્રમ મૌરિસ રોબર્ટના નામે છે. નેશનલ હોકી લીગના ઈતિહાસમાં મૌરિસની નોંધ એવા ખેલાડી તરીકે લેવામાં આવી છે કે જેમણે ૧૯૫૧માં રમવાનું શરૃ કર્યું ત્યારે તેની ઉંમર ૪૫ વર્ષ અને ૩૪૫ દિવસ હતી. પછી એકાદ-દોઢ વર્ષ દરમિયાન તેઓ લગભગ દસેક મેચ રમ્યા હતા. તેમના નામે રહેલો વિક્રમ આજેય અતૂટ છે.
ગોર્ડી હોર્વે

હોકીમાં ૫૨ વર્ષના પડાવ સુધી પહોંચવા છતાં રમવાનો રેકોર્ડ ગોર્ડી હોવેનો છે. આ કેનેડિયન ખેલાડીએ અદ્ભૂત ફિટનેસનો પરચો આપીને લાંબો સમય સુધી રમવાનું ચાલુ રાખ્યું હતું. રમતના મેેદાનમાં લાંબાં સમય સુધી અણનમ રહેલા આ ખેલાડીનું 2016માં 88 વર્ષની વયે નિધન થયું હતું.

ફૂટબોલ ક્લબની વાત આવે તો અલગ અલગ ક્લબ માટે ઘણા બધા ખેલાડીઓના નામે ૪૦ વર્ષ પછી રમવાનો વિક્રમ બોલે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના દેશની ટીમ માટે ૪૦ વર્ષ પછી રમ્યા હોય એવા પહેલા ખેલાડી હતા : એલેક્ઝાન્ડર મોર્ટન. ગ્રેટ બ્રિટનમાં ૧૮૩૧માં જન્મેલા મોર્ટન પોતાના દેશ વતી ૧૮૭૩માં સ્કોટલેન્ડ સામે રમવા માટે ફૂટબોલના મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષ હતી. તેમના નામે બીજો એક રસપ્રદ વિક્રમ પણ નોંધાયેલો છે. તેઓ એ મેચમાં સુકાની હતા અને ચાલીસી પછી સુકાની તરીકેની જવાબદારી સાથે મેદાને પડયા હોય એવા પણ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે એક માત્ર ખેલાડી છે.
૪૨ વર્ષ સુધી નેશનલ ટીમમાં સ્થાન જાળવી રાખનારા ખેલાડી તરીકેનો વિક્રમ પણ વળી ઈંગ્લેન્ડના સ્ટેન્લી મેથ્યુસના નામે જ આજ પર્યન્ત રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં ૪૦ પ્લસ ડેબ્યુ ખેલાડી આફ્રિકન દેશ કેમેરુનનો છે. રશિયા સામે ૧૯૯૪માં જ્યારે કેમેરુનના રોજર મિલ્લા મેદાન પર ઉતર્યો ત્યારે તેની વય ૪૨ વર્ષ હતી. ઉંમરના ૭૬ વર્ષ પછી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં રમનારા ખેલાડી તરીકે જેરી બેર્બરના નામનો ઉલ્લેખ પણ મળી રહે છે.
અમેરિકાના શિકાગોમાં ૧૮૭૫માં જન્મેલા ચાર્લી ઓ-લેરી બેઝબોલની સેન્ટ લુઇસ બ્રાઉન્સ માટે છેલ્લી વખત ૧૯૩૪માં રમવા ઉતર્યા ત્યારે તેની ઉંમર ૫૯ વર્ષ હતી. તેઓ જ્યારે પહેલી વખત મેદાનમાં ઉતર્યા ત્યારે તેઓ ૨૯ વર્ષના હતા, એટલે કે તેની સ્પોર્ટ્સ કરિઅર ૩૦ વર્ષ જેટલી લાંબી હતી. બેઝબોલના આવા જ બીજા ખેલાડી હતા સ્ટચેલ પેઇજ. પેઇજ તેમની ક્લબ કેનસાસ સિટી એથ્લેટ્સ માટે છેક ૫૯ વર્ષ સુધી રમ્યા હતા. 
                                                                                 ***
કરિઅર પૂરી થવાની ઉંમરે નવી શરૃઆત કરનારા ખેલાડીઓ ઘણા બધા મળી રહે છે. બીજી તરફ ખૂબ લાંબાં સમય સુધી રમતમાં એક્ટિવ રહેનારા ખેલાડીઓની પણ કમી નથી. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હોકી, ટેનિસ બેઝબોલ જેવી રમતોમાં શારીરિક ક્ષમતા ખૂબ મહત્ત્વની પૂરવાર થતી હોય છે અને ૪૦ વર્ષ પછી શરીરને મેદાનને કાબેલ બનાવવાનું કામ કપરું હોય છે.
પ્રવીણ તાંબે

આવા સંજોગોમાં ફોર્ટી પ્લસ નવી શરૃઆત કરવી એ પોતાનામાં જ એક સિદ્ધિ છે. જ્યારે રિટાયર્ડ થવાની ઉંમરે લાંબાં સમય સુધી રમતા રહેવું એ પણ એટલી જ મોટી ઉપલબ્ધી ગણાય છે. આમાંના મોટા ભાગના ખેલાડીની ઉંમર પ્રવીણ તાંબેની અત્યારની વય કરતા મોટી હતી અને છતાં તે દેશ માટે કે જે તે ક્બલ માટે મેદાનમાં ઉતરી શક્યા હતા. એ અલગ વાત છે કે આમાંના મોટા ભાગના ખેલાડીઓનો મેદાન પરનો રેકોર્ડ લાજવાબ નથી રહ્યો. વળી મોટી ઉંમરે પ્રારંભ કરનારા માટે લાંબી કરિઅરનો બહુ અવકાશ નથી રહેતો, પરંતુ એમાં નવી તરાહ તો હતી જ. જોવાનું એ રહે છે કે રણજી ટ્રોફીની મેચથી નવો પ્રારંભ કરનારા પ્રવીણ તાંબેનું શું થાય છે?
Sunday 8 December 2013
Posted by Harsh Meswania
Tag :

EVMનો મત વિસ્તાર ભારત છે!


સાઇન ઇન - હર્ષ મેસવાણિયા

લોકસભાના મહાજંગ પહેલા સેમિફાઇનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ૪ ડિસેમ્બરે દિલ્હીમાં મતદાન થશે અને ૧લી ડિસેમ્બરે (એટલે કે આજે) રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાયેલા ઈલેક્શનમાં મતદાતાઓએ ખૂબ જ ઉમળકો દાખવ્યો હતો. ઊંચું મતદાન થવા પાછળ મતદાતાઓની જાગૃત્તિ જેટલો જ ફાળો ઈવીએમનો પણ છે. સમયનો બચાવ કરીને ઈવીએમ જેટલી ઝડપે મતદાન બૂથમાં કામ કરે છે, એટલી જ ઝડપ પરિણામ વખતે પણ મળે છે. ઈવીએમ કેટલાં સફળ રહ્યાં છે? કેવા સંજોગોમાં તેનો વપરાશ ચલણી બન્યો હતો? કયો દેશ ઈવીએમના ઉપયોગમાં અવ્વલ છે? વિગેરે સવાલોના જવાબો પણ જાણવા જેવા છે.

વાત છે ૧૮૯૨ના વર્ષની. અમેરિકાના ન્યૂયોર્કની નજીકના એક શહેર લોકપોર્ટમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી હતી. આ ચૂંટણીઓમાં મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડયા. એટલા માટે નહીં કે કોઈ લોકપ્રિય નેતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, બલ્કે એટલા માટે કે પહેલી વખત કાગળ પર નિશાન કરવાને બદલે માત્ર બટન પ્રેસ કરીને ઈલેક્શન બૂથ પરથી પાછું આવી જવાનું હતું. મતદાતાઓમાં ભારે હોંશ હતી મતદાન કરવાની. અને પેલા નવા પ્રયોજાઈ રહેલા મશીનને નિહાળવાની ય ખરી.
લોકોમાં આ મશીને બહુ કૂતુહલ જગાવ્યું. બધાને એની ઉત્સુકતા હતી કે આ નવો પ્રયોગ છે તો સારો, પણ સફળ કેટલો રહેશે? તેમાંથી મત ગણતરી કેવી રીતે થશે? પ્રશ્નો ઘણા હતા, પરંતુ મત ગણતરીના દિવસે બધા જવાબો મળી ગયા. નક્કી કરેલા દિવસે મત ગણતરી થઈ અને લોકોના ઉત્સાહ વચ્ચે જ્યાં પરિણામ મેળવવા માટે મોડી સાત સુધી રાહ જોવી પડતી એના બદલે સાંજ પડતા પડતા તો પરિણામ પણ આવી ગયા. વળતા દિવસે ચૂંટણી તંત્રએ આ વોટિંગ મશીન સફળ રીતે પ્રયોજાયું હોવાનો રિપોર્ટ આપ્યો અને એ રીતે વિશ્વમાં પહેલી વાર વોટિંગ મશીનથી મતદાન થયાની ઐતિહાસિક ઘટના નોંધાઈ ગઈ.
                                                                       ***

અમેરિકામાં થયેલા આ પ્રથમ પ્રયોગ પછી ચાર વર્ષ સુધી એકેય ચૂંટણીઓમાં એક યા બીજા કારણોસર વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. ૧૮૯૬માં ન્યુયોર્કના જ રોચેસ્ટર નામના સિટીમાં યોજાયેલા ઈલેક્શનમાં તમામ બૂથો પર વોટિંગ મશીન પ્રયોજાયું અને ત્યાર બાદની ચૂંટણીઓમાં વોટિંગ મશીનની સંગીન શરૃઆત થઈ. ૧૯૩૦ આવતા આવતા તો અમેરિકાના લગભગ તમામ મોટા શહેરોમાં વોટિંગ મશીનનો ઉપયોગ શરૃ થઈ ગયો હતો. વોટિંગ મશીનને વ્યાપક રીતે પોપ્યુલર બનાવવાનો યશ અમેરિકાને ભાગે જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી થયેલી ચૂંટણીઓથી વોટિંગ મશીનનો ઉપયોગ અમેરિકા ઉપરાંત બ્રિટનમાં રાષ્ટ્ર વ્યાપી બન્યો હતો. ૧૯૬૦ પછી અમેરિકાની તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થવા લાગ્યો હતો. નાના-મોટા બધા બૂથો પર ઈવીએમ ચલણી બન્યું હતું. તો બ્રિટને પણ આ સિસ્ટમનો લાભ લેવાનું શરૃ કરી દીધું હતું. જોકે, સાથે સાથે વિવાદ પણ થતો રહેતો હતો એટલે જેટલી ઝડપે તેની શરૃઆત થઈ હતી એેટલી જ ઝડપે લોકપ્રિય ન બની શક્યું. હજુ પણ મોટા ભાગના દેશોમાં બેલેટ પેપરથી જ મતદાન થઈ રહ્યું હતું.
ભારત સહિતના એશિયાઈ દેશોમાં તો છેક ૨૦મી સદીના અંત ભાગમાં ઈલેક્શનમાં વોટિંગ મશીનનો પ્રારંભ થયો હતો. આજે હવે સ્થિતિ એવી છે કે ભારતની આ મામલે દાદાગીરી ચાલે છે. તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ તો થાય જ છે. સાથે સાથે ભારતમાં બનેલા ઈવીએમની ડિમાન્ડ ભારતની બહાર પણ વધતી જાય છે.
                                                                       ***
એમ.બી. હનીફાને ભારતના પ્રથમ ઈવીએમ ડિઝાઇનર તરીકેનું સન્માન આપવામાં આવે છે. હનીફાએ ૧૫ ઓક્ટોબર, ૧૯૮૦ના દિવસે પહેલું ઈવીએમ તૈયાર કરીને રજૂ કર્યું હતું. આજે ભારતમાં વપરાતા અને વિદેશમાં મોકલાતા વોટિંગ મશીનની મૂળભૂત ડિઝાઇન હનીફાની પેટર્નને અનુસરે છે. હનીફાએ તૈયાર કરેલા મશીન પ્રમાણે ભારતના ચૂંટણી કમિશને પ્રથમ પ્રયોગ ૧૯૮૧માં કેરળની ઉત્તર પારાવાર બેઠકની વિધાનસભામાં કર્યો હતો. એક સાથે ૫૦ જેટલા બૂથો પર ઈવીએમને પ્રયોજવામાં આવ્યું હતું, પણ તેના માટેની જાગૃતિના અભાવે સગવડ કરતા અગવડ વધુ પડી હતી. મતદાતાઓને ખાસ સમજાવવામાં આવ્યું હોવા છતાં બૂથ પર ગૂંચવણો વધી ગઈ હતી.
ચૂંટણી પંચે એ પછી થોડો સમય વધુ પ્રયોગો કર્યા. ભારતના અલગ અલગ રાજ્યોની નાની-મોટી ચૂંટણીઓમાં છૂટા છવાયા પ્રયોગો કરીને લોકોમાં ઠીક ઠીક જાગૃત્તિ આવે ત્યાં સુધી રાહ જોવાનું વલણ અખત્યાર કર્યું. ૧૯૯૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતના લગભગ ૭૫ ટકા મતદાન બૂથો પર ઈવીએમનો ઉપયોગ થયો હતો. આ વખતે તેને બરાબર પ્રતિસાદ પણ મળ્યો. થોડા ફેર વોટિંગના વિવાદોને બાદ કરતા લોકોનું વોટિંગ મશીન તરફનું વલણ ખૂબ જ હકારાત્મક જોવા મળ્યું હતું. ત્યાર પછીના જુદા જુદા રાજ્યોના વિધાનસભાના ઈલેક્શન વખતે પણ આ પ્રયોગ શરૃ રાખવામાં આવ્યો હતો.
૨૦૦૪ સુધીમાં ભારતના લોકમાનસમાં વોટિંગ મશીનને વ્યાપક સ્વીકૃતિ મળી ચૂકી હતી. ૨૦૦૪માં યોજાયેલા જનરલ ઈલેક્શનમાં ભારતભરમાં પ્રથમ વખત ઈવીએમથી મતદાન થયું હતું. ઈવીએમના ઈતિહાસમાં ૧૮૯૨ બાદ આ ઐતિહાસિક બાબત હતી. દુનિયાના કોઈ પણ દેશ દ્વારા પોતાની આવડી મોટી ચૂંટણીમાં બધા જ બૂથો પર ઈવીએમનો થયો હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. એ રીતે ભારતે પોતાના નામે એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. એ પછી તો ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે પણ સમગ્ર ભારતમાં ઈવીએમ દ્વારા જ મતદાન થયું હતું.

આજે ભારતની સ્થિતિ શું છે? ભારત આજે વિશ્વનું એવું એક માત્ર રાષ્ટ્ર છે જ્યાં ઈવીએમની બોલબાલા છે. માત્ર ચૂનાવમાં જ નહી, બનાવટમાં અને એક્સપોર્ટમાં પણ ભારતનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. નેપાળ, ભૂતાન, કેન્યા નામિબિયા સહિતના દેશોમાં ભારતમાં બનતા ઈવીએમની ડિમાન્ડ છે. ભારતમાં બે સરકારી કંપનીઓ ઈવીએમ નિર્માણનું કામ કરે છે. બેંગલુરુમાં આવેલી ભારત ઈલેક્ટ્રોનિક્સ અને હૈદ્રાબાદની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈવીએમનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સે ૧૯૮૯માં ઈવીએમનું ઉત્પાદન શરૃ કર્યું હતું અને તે વખતે ૭૫,૦૦૦ ઈવીએમ બનાવ્યા હતા. એના ૮ વર્ષ પછી ૧૯૯૬માં તેનું ટર્ન ઓવર ૧, ૦૦૦ કરોડને આંબી ગયું હતું. એના પરથી જ તેના ઉત્પાદનનો અને સફળતાનો અંદાજ લગાવી શકાય છે. એક ઈવીએમની કિંમત આશરે રૃપિયા ૫,૫૦૦થી લઈને ૭,૫૦૦ હજાર સુધી હોય છે. એક ઈવીએમ વધુમાં વધુ ૩,૮૪૦ મતો નોંધી શકે છે. જોકે, હવે ગોઠવણ જ એવી કરવામાં આવે છે કે એક વોટિંગ મશીનના ભાગે માંડ ૧૨૦૦થી ૧૪૦૦ મત આવે છે. એક વખત ઈવીએમ દ્વારા કરેલા મતદાનનો ડેટા તેમાં ૧૦ વર્ષ સુધી સાચવી શકાય છે. વળી, ઈવીએમમાં વધુમાં વધુ ૬૪ ઉમેદવારોના ચિન્હો પણ સમાવી શકાય છે. ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે આખા ભારતમાં ૧૩,૬૮,૪૩૦ ઈવીએમ તૈનાત કરવામાં આવ્યા હતા. ઈવીએમના કારણે છેલ્લી બે લોકસભાની ચૂંટણી વખતે ૧૦,૦૦૦ ટન કાગળનો બચાવ કરી શકાય છે.
                                                                        ***
આટલી ઉપયોગીતા છતાં ઈવીએમને લઈને લગભગ દરેક ઈલેક્શનમાં એકાદ મોટો વિવાદ પણ થાય છે. વિવાદ માત્ર ભારતમાં જ થાય છે એવું ય નથી. અમેરિકામાં ઈવીએમના કારણે ઉમેદવાર હાર્યો હોય એવા કેસ પણ ભૂતકાળમાં નોંધાયેલા છે અને એમાંથી હજુ પણ અમુકનો નિવેડો નથી આવ્યો. 
જર્મનીની સુપ્રીમ કોર્ટે તો ઈવીએમ વિશ્વસનીય ન હોવાનું પણ કહ્યું છે, જ્યારે ઇઝરાયેલમાં તો વોટિંગ મશીન પર ધોરણસરનો પ્રતિબંધ જ મૂકવામાં આવ્યો છે. આ દેશોને વોટિંગ મશીન ભલે નકામા લાગતા હોય, પણ ભારતમાં આ એકદમ બંધ બેસતી સુવિધા છે એનું કારણ આગળ ધરતા ઘણા નિષ્ણાતો કહે છે કે જ્યારે પેપરમાં ચિન્હ મારીને મતદાન થતું હતું ત્યારે સરેરાશ ૧૦થી ૧૫ ટકા મતો ખોટા પડતા હતા એના બદલે ઈવીએમ વધુ સારું પરિણામ લઈ આવે છે.
ભારતના થોડા અર્ધ શિક્ષિત અને એટલા જ બીજા અશિક્ષિત મતદાતાઓ જે તે ઉમેદવારના સિમ્બોલની સામે માત્ર બટન પ્રેસ કરી દે એટલે તેમનું કામ પૂરું થઈ જાય. ભારતમાં ઈવીએમની લોકપ્રિયતા પાછળ કદાચ એક કારણ આ પણ હોઈ શકે છે!
Sunday 1 December 2013
Posted by Harsh Meswania
Tag :

...અને એ રીતે નિવૃત્તિનો સમયગાળો નક્કી થયો!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચિનની નિવૃત્તિ સાથે ક્યારે નિવૃત્તિ લેવી, ક્યારે ન લેવી એ ચર્ચા પણ શરૃ થઈ છે. સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે ક્ષેત્ર સન્યાસ-નિવૃત્તિ-રિટાયર્ડમેન્ટ જેવા શબ્દો ૧૯૩૦ આસપાસ ચલણી બન્યા એના ૬ દાયકા અગાઉ કારખાનેદારો-સરકારી અમલદારો અને ખાનગી કંપનીના કામદારો માટે નિવૃત્તિનો સમય અને પેન્શનની ટકાવારી અમલી બનાવાઈ હતી.
 
રામાયણમાં એક પ્રસંગ છે. અયોધ્યાના રાજા દશરથ એક દિવસ દર્પણમાં જોઈ રહ્યાં હતા ત્યારે તેમને કાનના ઉપરના ભાગે શ્વેત થયેલા થોડા વાળ દેખાયા. સફેદ કેશ જોઈને તેમણે એ જ ઘડીએ નક્કી કરી લીધુ કે હવે અવધની રાજગાદી યુવાન થયેલા રાજકુમાર રામચંદ્રને સોંપી દેવી જોઈએ. નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યા હોવાથી રાજગાદી પુત્રને સોંપી દેવાની પોતાની ઈચ્છા તેમણે ગુરુદેવ વશિષ્ઠને જણાવી. રાજ્યમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી અને નવા રાજા તરીકે રામનો રાજ્યાભિષેક કરવાની પણ તૈયારી કરી.

આ ધાર્મિક કથા બહુ જાણીતી છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ કે આપણે ત્યાં આ રીતે રાજાઓ નિવૃત્ત થઈને પુત્રને રાજ્યનો કારભાર સોંપીને વનમાં જતા રહેતા. આપણી પ્રાચીન વ્યવસ્થામાં જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં ૫૦ વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જતો. જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ.
આ તો આપણી પ્રાચીન વ્યવસ્થા હતી જે કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. અત્યારની નિવૃત્તિનો સમયગાળો આપણા આ વાનપ્રસ્થાશ્રમની આસપાસનો જ છે. આપણે ત્યાં જ નહીં, પણ મહદ્દઅંશે સમગ્ર વિશ્વમાં રિટાયર્ડમેન્ટ માટેની પોલિસી ૫૦થી ૭૦ વર્ષ આસપાસ રાખવામાં આવી છે.
                                                                          * * *
મધ્યયુગમાં કર્મચારીઓ માટે સેવા નિવૃત્તિ જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. ખાસ કરીને રાજા માટે કે કોઈ સરકાર માટે કામ કરતા કર્મચારીઓ શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેતા અને પછી મોટા ભાગે તેને બરતરફ કરવામાં આવતા. કર્મચારીએ પોતાના કાર્યકાળ દરમિયાન બહુ સારું કામ કર્યું હોય તો જે તે રાજા કે કંપની ઉપહારમાં કશુંક આપે તે જ તેની મૂડી બની રહેતી. ખેતી પર જીવન નિર્ભર હતું ત્યાં સુધી તો સેવા નિવૃત્તિનો બહુ સવાલ રહેતો ન હતો.
શરીરમાં દમ હોય ત્યાં સુધી માણસ ખેતી કે ખેતમજૂરી કરતો રહેતો, પણ સૈન્યમાં કે રાજાઓની વહીવટી કચેરીઓમાં કામ કરતા લોકો પણ સામાન્ય રીતે શરીર કાર્યક્ષમ રહે ત્યાં સુધી કામમાં જોતરાયેલા રહેતા હતા.
બ્રિટને વર્ષો સુધી અલગ અલગ દેશમાં શાસન કર્યું હોવા છતાં તેના અધિકારીઓ કે કર્મચારીઓ માટે એક પણ પ્રકારની નિવૃત્તિ યોજના ઘડી ન હતી. નિવૃત્તિનો સમયગાળો અને નિવૃત્ત કર્મચારીને વળતર આપવા માટેનું યોગ્ય બંધારણ ઘડવાનો યશ જર્મનીને આપવો રહ્યો. આજે આખી દુનિયાની રિટાયર્ડમેન્ટ પોલિસી જર્મનીએ નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અનુસરે છે.
 
સંયુક્ત જર્મનીના પહેલા ચાન્સલર (જર્મનીમાં ચાન્સલર પાસે વડાપ્રધાન જેવી સત્તા હોય છે) ઓટો વૉન બિસ્માર્ક જર્મનીના એકીકરણ માટે જગતભરમાં વિખ્યાત છે. તેઓ તેમની આ સિદ્ધિ માટે જ વધુ જાણીતા છે, પરંતુ તેમના નામે અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ કામ નોંધાયેલું છે. તેઓ આધૂનિક રિટાયર્ડમેન્ટ પોલિસીના જનક કહેવાય છે. આખી જીંદગી નોકરીના નામે કરી દેનારા કર્મચારીઓના અંતિમ દિવસો સુખરૂપ પસાર થાય એવા મુખ્ય ઉદેશ્યથી બિસ્માર્કે નિવૃત્તિ નીતિનું ગઠન કર્યું હતું.
બિસ્માર્કને આ નિવૃત્તિ નીતિને અમલી બનાવવાનો વિચાર પોતાના ૬૫ વર્ષે આવ્યો હતો. બિસ્માર્કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને દેશના વયસ્ક લોકોને નિવૃત્તિ પેન્શન મળે એ માટેની વ્યવસ્થા કરી રાખી હતી. જર્મન લેખક ફેલિક્સ એકરમેને તેમના પુસ્તક 'અર્લી ન્યુ જર્મની'માં ઉલ્લેખ કર્યો છે તે મુજબ જર્મનીના રાજાએ અને સરકારે બિસ્માર્કની આ નીતિનો સ્વીકાર એટલા માટે પણ કરી લીધો હતો કે તે સમયે જર્મનીના કામદારોનું સરેરાશ આયુષ્ય જ માંડ ૬૦ વર્ષ હતું. એટલે બિસ્માર્કે નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અમલી બનાવાય તો પણ એવા કામદારો તો ગણ્યા ગાંઠયા મળે જેની ઉંમર ૬૫ વર્ષ ઉપરની હોય!
આમ છેક ૧૮૮૩થી નિવૃત્તિ નીતિને અમલી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ૧૮૮૯માં અમલી બનાવાઈ હતી. જોકે, જર્મનીએ શરૃઆતમાં થોડા વર્ષો સુધી નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શન માટેની ઉંમર ૭૦ વર્ષ રાખી હતી. પછીથી તેને ઘટાડીને ૬૫ કરી દેવામાં આવી હતી. ૧૯મી સદીમાં કામદારો-અમલદારો માટે લેવાયેલો આ સૌથી મોટો નિર્ણય હતો. જેની અસર દૂરગામી પડવાની હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં નિવૃત્તિ નીતિ અમલી બનાવવામાં જર્મનીની આ પહેલ ખૂબ જ ઉપકારક નિવડવાની હતી.
 
જર્મનીએ કાયદાકીય દરજ્જો આપીને રિટાયર્ડમેન્ટ પોલિસીનું યોગ્ય ગઠન કર્યું એ પહેલા જોકે એક માણસ હતો જેણે કામદારોને નિવૃત્ત કરવા જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. ઈંગ્લેન્ડના સુધારાવાદી કોટન મેથેરે ૧૮મી સદીના પ્રારંભે કામદારોએ ઉંમરના અમુક પડાવે રિટાયર્ડ થવું જોઈએ એવી ચળવળ ચલાવી હતી. એ પાછળ એમના બે તર્ક હતા. એક, જો જૂના કામદારો-અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની જગ્યાએ નવા ભણેલા-ગણેલા યુવાનોને તક મળે. બીજુ, અમુક ઉંમર પછી ભારેખમ અને ચિવટવાળુ કામ કરવામાં શરીરને ભારે શ્રમ પડે છે એટલે તેની કામ અને શરીર એમ બંને પર વિપરિત અસર થાય છે એટલે નિવૃત્ત થવાનો વિચાર બંને પક્ષે ફાયદાકારક નીવડશે.
ઈંગ્લેન્ડમાં આવી મહત્ત્વપૂર્ણ ચળવળ થઈ હોવા છતાં ત્યારે તેને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. બ્રિટનને તો એ સમયે સૈનિકો-અમલદારો-કારકૂનોની સવિશેષ જરૃરીયાત હતી છતાં તેમના તરફથી આવી કોઈ જ પહેલ કરવામાં આવી ન હતી. બ્રિટનમાં નિવૃત્તિ પોલિસી છેક ૧૯૧૦ આસપાસ અમલી બની હતી. ભારતને પણ એ જ પોલિસી વારસામાં મળી હતી. જોકે, આઝાદી પછી ભારતે તેમાં ઘણાં સુધારા-વધારા કર્યા હતા.
 
એક અમેરિકા આ બાબતે જર્મનીની લગોલગ ચાલતું હતું. ૧૮૫૦માં સ્થપાયેલી અમેરિકાની ધ અમેરિકન એક્સપ્રેસ કંપનીએ ૧૮૭૫માં કંપનીના કામદારો માટે નિવૃત્તિ પોલિસી ઘડી હતી. આ ખાનગી પોલિસી હતી એેટલે તેને સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં નથી આવતી, પરંતુ તેમાં એવી જોગવાઈ હતી કે કોઈ કર્મચારી મોટી ઉંમરે કામ કરવા સક્ષમ ન હોય તો તેને કંપની પેન્શન આપશે. આ પોલિસીમાં નિવૃત્તિની ઉંમર નક્કી કરવામાં નહોતી આવી, પણ કંપનીના અધિકારીઓને એમ લાગે કે કર્મચારી કામ કરવા સક્ષમ નથી તો તેને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતો હતો.
એ પછી અમેરિકામાં ૧૯મી સદીના અંત સુધીમાં એટલે કે માત્ર ૨૫ જ વર્ષમાં બીજી ૧૩ ખાનગી કંપનીઓએ કર્મચારીઓ માટે નિવૃત્તિ પોલિસીને અમલી બનાવી હતી. અમેરિકન સરકારે તો એ પછી છેક ૧૯૩૫માં કાનૂન બનાવીને નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શનની ટકાવારી નક્કી કરી હતી. એ પાછળ અમેરિકાની વિવિધ ફેક્ટરીઓના માલિકો જવાબદાર હતા.
અમેરિકામાં તે સમયે ફેક્ટરીઓના માલિકો કર્મચારીઓને આ હકો આપવા કોઈ કાળે તૈયાર ન હતા અને એ કારણે મજબૂત ચળવળ છતાં કાયદાનું ગઠન મોડુ થયું. અમેરિકામાં આ પોલિસી આવે તે માટે ફિઝિશન અને મોર્ડન મેડિસિનના ફાધર ગણાતા વિલિયમ ઓસ્લરનું પ્રદાન અનેરું હતું. તેમણે કામદારોની તરફેણમાં નિવૃત્તિ પોલિસી આવે એ માટે મજબૂત લોબિંગ કર્યું હતું. તેમણે અમુક ઉંમરે શરીર કાર્યક્ષમ રહેતું નથી એવી થીઅરી રજૂ કરીને અમેરિકાના નેતાઓને આ વાત ગળે ઉતારી હતી.
                                                                          * * *
આજે આખી દુનિયામાં લગભગ ૭૦ ટકા દેશોમાં ૫૭ વર્ષથી લઈને ૬૬ વર્ષ સુધીની રિટાયર્ડમેન્ટ પોલિસી પ્રવર્તે છે. જે સમયે નિવૃત્તિની પોલિસી અમલી બની ત્યારે સરેરાશ આયુષ્ય માંડ ૬૦ વર્ષ જેટલું હતું. મેડિકલ સાયન્સની ઉપલબ્ધીઓને પરિણામે હવે એમાં સહેજેય વધારો થયો છે ત્યારે આજે આ પોલિસી વિશ્વના વયસ્ક લોકો માટે ખરેખર ઉપકારક બની રહી છે. 
ઉંમરનો પાછલો પડાવ ગર્વભેર વીતાવવા માટે નિવૃત્તિ અને વળતર લાકડીનું કામ કરે છે. નિવૃત્તિ સચિન તેંડુલકરની હોય કે પછી ૬૫ વર્ષે પહોંચેલા કોઈ સામાન્ય કર્મચારીની, બધા માટે તેનું ખાસ મહત્ત્વ હોય છે. ઢળતી ઉંમરે બિસ્માર્કે ચાતરેલા ચીલા પર આજે કેટલાય વયસ્કોને વિસામો મળી રહ્યો છે.
Sunday 24 November 2013
Posted by Harsh Meswania
Tag :

સબ કુછ બિકતા હૈ, બસ દામ સહી હોના ચાહિએ!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

હમણાં લંડનમાં ૧,૧૧,૬૨,૮૦૦ રૃપિયામાં ગાંધીજીના ચરખાની હરાજી કરવામાં આવી, તો બીજી તરફ જિનિવામાં દુનિયાના સૌથી કિંમતી ગણાતા હીરાની નિલામી થઈ. હજુ આ મહિનામાં જ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના વસીયતની હરાજી પણ પેરિસમાં થવાની છે. થોડા મહિનાઓ પહેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની કવિતાની નિલામી થઈ હતી. દુનિયામાં એન્ટિક અને હિસ્ટોરિકલ ચીજ વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવતા લોકો ઊંચી બોલી લગાવીને જે તે વસ્તુનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરે છે. અહીં કેટલીક એવી હરાજીઓની વાત કરીએ જેની બોલી સૌથી ઊંચી બોલાઈ હોય અને પછી એક રેકોર્ડ કાયમ થયો હોય...

રોમનકાળની મૂર્તિનો ૨૧મી સદીમાં પણ ચળકાટ
૧૯૨૦માં રોમમાં થોડા મજુરો ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે તેને એક મૂર્તિ હાથ લાગી હતી. આ મૂર્તિનો અભ્યાસ કરતા જણાયું કે તે આશરે બે હજાર વર્ષ પુરાણી છે. સદીઓ જૂની હોવાના કારણે બેશક તે કિંમતી હતી, પણ તેની ખરી કિંમત તો છેક ૮૭ વર્ષ બાદ ઉપજી. ખોદકામ કરનારા મજુરોએ સપનામાં પણ વિચારી નહીં હોય એટલી રકમ આ મૂર્તિને ૨૦૦૭માં મળી. જ્યારે તેને હરાજીમાં મૂકવામાં આવી ત્યારે જાણકારોએ આગાહી કરી હતી કે વધી વધીને મૂર્તિની કિંમત ૭ મિલિયન ડોલર આવી શકે, પરંતુ જ્યારે તેની બોલી બોલાઈ ત્યારે એ સાંભળીને આગાહી કરનારાઓની આંખ આશ્ચર્યથી પહોળી રહી ગઈ હતી! ૨૦૦૭માં રોમની આ પુરાણી મૂર્તિના પૂરા ૨૬.૬ મિલિયન ડોલર એટલે કે ૧ અબજ ૮૨ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ ઉપજી હતી. કોઈ મૂર્તિને હરાજીમાં મળેલી આજ સુધીની આ સર્વોચ્ચ કિંમત છે.

૫૦ વર્ષ જૂની કારની કિંમત ૭૭ કરોડ હોય શકે?
૧૯૫૭માં બનેલી અને ૪ વર્ષ સુધી રેસમાં દોડનારી ટેસ્ટા રોસા નામની કાર ૧૯ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગીદાર બની હતી અને એમાંથી ૧૦ વખત તો તે અવ્વલ રહી હતી. બાકીની તમામ રેસમાં ચાર નંબરથી પાછળનો ક્રમ તો ક્યારેય મેળવ્યો ન હતો. આવો રેકોર્ડ હોય તો કાર રેસિંગના શોખીનોને આ કાર ખરીદવામાં કદાચ રસ પડે, પણ તોયે તેની કિંમત ૭૭ કરોડ મળી શકે? હા, મળી શકે. જો તેનું નામ ફેરારી ટેસ્ટા રોસા હોય તો. ઈટાલીના ઓટોમોબાઇલ ડિઝાઇનર સેર્ગિઓ સ્કેગલિટીએ તૈયાર કરેલી આ કારની કિંમત ૨૦૦૯માં એક હરાજીમાં ૭૭ કરોડ રૃપિયા બોલાઈ હતી. એમ મનાય છે કે હવે ફરીથી જો આ કારની નિલામી થાય તો તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૃપિયા તો આવી જ શકે! કારની હરાજી બાબતે તો બીજા ઘણાં આવા જ ઉદાહરણો મળી રહે તેમ છે.

એક ચિત્ર જે ૬૭૩ કરોડમાં વેંચાયું!
પાબ્લો પિકાસોનું એક પેઇન્ટિંગ ન્યૂડ, ગ્રીન લીવ્સ એન્ડ બસ્ટની ૨૦૧૦માં નિલામી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ ચિત્રના ૬૭૩ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. માત્ર ૮ જ મિનિટ ચાલેલી હરાજીનો રેકોર્ડ એ છે કે આજેય તે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રકમ મેળવનારી નિલામી ગણાય છે અને વળી, કોઈ ચિત્રકારના ચિત્રને મળેલી અધિકતમ કિંમતનો રેકોર્ડ તો ખરો જ! ૧૯૩૨માં બનેલા આ ચિત્રની હરાજી ૨૦૧૦માં કરવામાં આવી હતી. ટાઇમ જેવા વિશ્વ પ્રતિષ્ઠિત સામયિકે પણ તેની હરાજીની નોંધ લીધી હતી. મજાની વાત એ છે કે આ પહેલાનો વિક્રમ પણ પાબ્લો પિકાસોના જ એક ચિત્ર બોય વિથ અ પાઇપના નામે હતો. જેને ૨૦૦૪માં થયેલી નિલામીમાં ૬૭૦ કરોડ જેવી માતબર રકમ મળી હતી.

મેરેલિન મનરોના એક ડ્રેસની કિંમત ૮ કરોડ
પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોએ પહેરેલા કપડાની કિંમત ૧૯૯૯માં થયેલી એક હરાજીમાં ૧૨,૦૦૦ ડોલર આંકવામાં આવી હતી. જોકે, પછી હરાજીમાં મનરોના આ એક ડ્રેસ માટે નક્કી કરેલી રકમ કરતા અનેક ગણા વધારે રૃપિયા મળ્યા હતા. આ ડ્રેસ માટે ૮ કરોડ રૃપિયા ચૂકવાયા હતા. મનરોએ આ ડ્રેસ પહેરીને જ કેનેડી માટે હેપી બર્થ ડે સોંગ રજૂ કરીને ડાન્સ પણ કર્યો હતો.

એક વાળની લટના ૭૩ લાખ રૃપિયા
૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં અમેરિકામાં એલ્વિસ પ્રીસ્લી નામના સિંગર અને એક્ટરની ખૂબ જ લોકપ્રિયતા હતી. તેના ગળામાં જેટલો જાદૂ હતો એટલી જ અપિલિંગ તેની હેર સ્ટાઇલ પણ હતી. તેના ચાહકોમાં તે હેર સ્ટાઇલના કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. વાળ માટે સૌથી વધુ કિંમતનો રેકોર્ડ આજે પણ પ્રીસ્લીના નામે છે. ૨૦૦૨માં એલ્વિસ પ્રીસ્લીના વાળની લટની નિલામી થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી ૭૩ કરોડ રૃપિયાની હતી. દુનિયાભરના કોઈ પણ સેલિબ્રિટીના વાળ માટે મળેલી આ આજેય સર્વોચ્ચ કિંમત ગણાય છે.

બિલ ગેટ્સ જેવા ખરીદનારા હોય પછી તો પૂછવુ જ શું?
લિયોનાર્ડો દ વિન્ચીની હસ્તપ્રતોને ૧૯૯૪માં હરાજીમાં મૂકવામાં આવી હતી. કોડેક્ષ હેમર નામથી ઓળખાતી વિન્ચીની ડાયરીની કિંમત બિલ ગેટ્સે બરાબર આંકી હતી. ૭૨ પાનાની આ હસ્તપ્રતો ગેટ્સે લગભગ ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ આપીને ખરીદી લીધી હતી. પછીથી તેની સ્કેન થયેલી નકલ ઈન્ટનેટ પર પણ ઉપલબ્ધ કરાવી હતી.

કિસ્સા કૂર્સી કા : ડ્રેગન આરામ ખુરશીની કિંમત પૂરા ૧૭૮ કરોડ રૃપિયા!
આ ખુરશીની ખાસિયત એ છે કે તેની વિશેષ કોઈ જ ખાસિયત ન હોવા છતાં નિલામીમાં તેના ૧૭૮ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. એ સમયના વિખ્યાત મહિલા આઇરિશ ડિઝાઇનર એલિન ગ્રેએ ડ્રેગન જેવા આકારની આ ચેર ૧૯૧૭થી ૧૯૧૯ દરમિયાન બનાવી હોવાનું કહેવાય છે. અત્યારે તો માર્કેટમાં જાત જાતની અને ભાત-ભાતની ખુરશીઓ મળી રહે છે, પણ જ્યારે આ ખુરશીની ડિઝાઇન બની ત્યારે તે આવી એક માત્ર ચેર હતી. તેનાથી ખુરશીઓની બનાવટમાં એક નવો ટ્રેન્ડ શરૃ થયો હતો. ડ્રેગન આરામ ખુરશીને નિલામીમાં મળેલી આટલી મોટી કિંમત પાછળ નિષ્ણાતો આ કારણને જવાબદાર ગણે છે.

પ્રકૃતિ પ્રેમી અમેરિકન પેઇન્ટર અને લેખક જ્હોન જેમ્સની બૂક 'બર્ડ્સ ઓફ અમેરિકા' પક્ષીઓના સચિત્ર વર્ણનો માટે ખૂબ વખણાયેલી વિશ્વ વિખ્યાત બૂક છે. ૧૮૨૭માં પ્રકાશિત થયેલી આ બૂકની નિલામી ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ બેનમૂન બૂકને હરાજીમાં ૬૩ કરોડ રૃપિયા મળ્યા હતા. એ જ રીતે રોલેક્સે ૧૯૪૨માં બનાવેલી એક ઘડિયાળને ૭૩ કરોડ રૃપિયા જેટલી ઊંચી કિંમત મળી હતી. ૨૦૦૭માં એક વાયોલિનની હરાજી કરવામાં આવી ત્યારે તેની બોલી ૨૫ કરોડ રૃપિયા લગાવાઈ હતી. સાચી કિંમત આંકવામાં આવે તો અમૂલ્ય વસ્તુનું મૂલ્ય આપી પણ શકાય છે અને મેળવી પણ શકાય છે.
Sunday 17 November 2013
Posted by Harsh Meswania
Tag :

એક ખોટા સ્પેલિંગની કિંમત કેટલી? ૪૦૦ કરોડ!

 
 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

રોજ-બરોજની જરૂરીયાતના લખાણમાં સાવચેતી રાખવા છતાં કેટલીક ભૂલો થતી રહેતી હોય છે. નાના પાયે થતી ભૂલો એક હદથી વધારે નુકસાન નથી પહોંચાડતી, પણ મોટા પાયે થતી એકાદ ટચૂકડી સ્પેલિંગ એરર પણ કરોડો રૂપિયાના ખાડામાં ઉતારવા સક્ષમ હોય છે. અહીં આવી સ્પેલિંગ એરરની ઝલક મેળવી લઈએ....

 ૧૯૬૨માં નાસાના મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મરિનર-૧ને લોન્ચ કરવાની તૈયારી થઈ રહી હતી. બધી તૈયારીને આખરી ઓપ આપીને લોન્ચિંગ માટે ૨૨, જૂલાઈનો દિવસ પસંદ કરવામાં આવ્યો. અમેરિકાનું આ પહેલું આંતરગ્રહીય મિશન હતું એટલે તેના માટે ઉત્સુકતા પણ ખૂબ હતી. ઉત્સાહના અતિરેકમાં હોય કે પછી અન્ય કોઈ પણ કારણે આરોહણ વખતે કમ્પ્યુટરના ફોરટ્રન લેન્ગવેજના કોડમાં હાયફન (-) જેને ગુજરાતીમાં આપણે સંયોગચિન્હ કહીએ છીએ તે મૂકવાનું રહી ગયું હતું. એના કારણે થયું એવું કે મરિનર-૧ની આખી દિશા બદલાઈ ગઈ.
એક સંયોગચિન્હના કારણે અમેરિકાના મહાત્વાકાક્ષી અવકાશયાન પોતાના નક્કી કરેલા મુકામે જવાને બદલે નવા સરનામે જવા લાગ્યું. છેવટે થોડી મિનિટ્સ પછી આ પ્રોજેક્ટને અસફળ જાહેર કરવામાં આવ્યો ત્યાં સુધીમાં એક હાયફનના કારણે નાસાને ૪૦૦ કરોડનો ચૂનો લાગી ગયો હતો.
આ કંઈ પહેલી સ્પેલિંગ મિસ્ટેક ન હતી. દુનિયાભરમાં આવી તો કંઈ કેટલીય સ્પેલિંગ મિસ્ટેક્સ ભૂતકાળમાં પણ થઈ છે. આ વાત માંડવાનું કારણ એ છે કે હમણાં થોડા દિવસો પહેલા વેટિકન સિટીએ આવી જ એક મોટી સ્પેલિંગ મિસ્ટેક કરી હતી.

વેટિકન સિટીએ મેડલ્સમાં જિસસનું નામ લિસસ કરી નાખ્યું!
પોપ ફ્રાન્સિસ વેટિકન સિટીમાં સર્વોચ્ચ પોપ બન્યા એની એક વર્ષની ઉજવણીના ભાગરૂપે વેટિકન સિટીએ રૂપકડાં મેડલ બનાવવાનું નક્કી કર્યું. મેડલ બનીને આવી પણ ગયા અને તેની વહેંચણી પણ શરૂ થઈ ગઈ. માત્ર ૪ મેડલ વધ્યા ત્યારે કોઈના ધ્યાનમાં આવ્યું કે મેડલમાં જિસસના સ્પેલિંગમાં Jને બદલે L છપાયો હોવાથી ઉચ્ચાર લિસસ થઈ ગયો છે ત્યારે તમામ મેડલ પાછા મેળવવા દોડધામ મચી ગઈ.

આ મેડલ ઈટાલિયન ટંકશાળામાં બનાવાયા હતા. વેટિકન સિટીએ ભૂલ ભરેલા મેડલ્સ પરત મેળવવાની જાહેરાત પણ કરી દીધી છે. મેડલમાં આવેલી સ્પેલિંગ એરરથી વેટિકન સિટીની તિજોરીને કેટલું નુકસાન થશે એની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ ૨૦૦ ગોલ્ડ કોઈન્સ, ૩,૦૦૦ સિલ્વર કોઈન્સ અને એટલા જ બીજા બ્રોન્ઝ કોઇન્સના નિર્માણમાં વેટિકન સિટીએ લાખો ડોલર્સનો ખર્ચ કર્યો હોય એ સ્વાભાવિક છે અને એટલે તિજોરી પર મોટો ભાર પણ આવશે જ એ નક્કી છે.

શેક્સપિયરની હેમલેટના ખૂબ લોકપ્રિય વાક્યમાં ભૂલ છપાઈ હતી
અંગ્રેજી સાહિત્યના મહાન લેખક શેક્સપિયરની બહુ જાણીતી કૃત્તિ હેમલેટનું 'to be or not to be' વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય વાક્ય કહેવાય છે, પણ ધારો કે કોઈ એમ કહે કે થોડા સમય પહેલા પ્રિન્ટ થયેલી હેમલેટની નવી આવૃત્તિમાં ત્રણ ત્રણ પ્રુફરિડર્સ હોવા છતાં આ વાક્ય ભૂલથી કંઈક આ રીતે 'to be or to be' છપાયું છે અને એટલે તેની નકલોને પાછી ખેંચવી પડે તો કેટલું આશ્ચર્ય થાય? કદાચ આ વાત કોઈ માનવા તૈયાર ન પણ થાય. જોકે, ખરેખર ૨૦૦૫માં આવું બન્યું હતું.

ડિગ્રીમાં અમેરિકન યુનિવર્સિટીએ પોતાના નામમાં જ ભૂલ કરી!
અમેરિકન યુનિવર્સિટી વિસ્કોન્સિને ૧૯૮૮માં વિદ્યાર્થીઓને માર્ક શીટ આપી ત્યારે Wisconsinને બદલે Wisconson છાપ્યું હતું. વળી આ વાતની છ માસ સુધી તો કોઈને ખબર પણ ન પડી. એક વિદ્યાર્થીના ધ્યાનમાં છેક ૬ માસ પછી આવ્યું કે પોતાની ડિગ્રીમાં યુનિવર્સિટીના નામમાં જ મિસ્ટેક છે એટલે તેણે યુનિવર્સિટીને જાણ કરી. પોતાની ગંભીર ભૂલ સમજાતા યુનિવર્સિટીએ તુરંત જ બધી માર્કશીટ પાછી મેળવીને ભૂલ સુધારી લીધી હતી.

ચિલીએ કરન્સીમાં દેશના નામમાં જ ગોટાળા છાપ્યો
દક્ષિણ અમેરિકી દેશ ચિલીએ પણ પોતાના દેશની કરન્સીમાં આવી જ એક મોટી ભૂલ ૨૦૦૮માં કરી હતી. આ ભૂલના કારણે ચિલીની તિજોરીને તો નુકસાન ખમવું જ પડયું હતું, સાથોસાથ કેટલા બધા કામદારોએ પોતાની નોકરી પણ ગુમાવવી પડી. ચિલીની કરન્સી મુજબ ૫૦ પેસોના કોઇન્સ ૨૦૦૮ના વર્ષમાં બનાવવામાં આવ્યા હતા.

૧૫ લાખ કોઇન્સ બજારમાં મૂકી દીધા પછી ધ્યાનમાં આવ્યું કે તેમાં 'Chileને બદલે 'Chiie' છપાયું છે. એટલે કે Lની જગ્યાએ ભૂલથી I છાપી નાખવામાં આવ્યું હતું અને એના કારણે ચિલીનો ઉચ્ચાર ચીઈ જેવો કંઈક વિચિત્ર થઈ જતો હતો.
પોતાની કરન્સીમાં આવી ગંભીર ભૂલ કરનારા ચિલીની બેદરકારીની વિશ્વભરના અર્થશાસ્ત્રીઓએ ટીકા કરી હતી. દેશની કરન્સીમાં મોટી ભૂલ થયાની દુનિયામાં કદાચ આ સૌથી જાણીતી અને ગંભીર ભૂલ હતી.

અમેરિકાની ચૂંટણી વખતે જ બરાક ઓબામાના નામમાં છબરડો
૨૦૧૨માં અમેરિકામાં થયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ સ્પેલિંગની આવી જ એક મોટી ભૂલ સામે આવી હતી. ન્યુયોર્કના ઓનિડા વિસ્તારના મતદાતાઓ માટે તૈયાર કરાયેલા ૧,૩૦,૦૦૦ મતપત્રોમાં પ્રમુખપદના ઉમેદવાર બરાક ઓબામાના નામમાં C ન હતો. એટલે કે Barack Obamaની જગ્યાએ Barak Obama એવું લખવામાં આવ્યું હતું.
ચૂંટણીના બે દિવસ અગાઉ આ છબરડો ધ્યાનમાં આવ્યો હતો. જોકે, મતદાતાઓ સુધી આ પેપર્સ પહોંચ્યા ન હતા, પણ પછી તત્કાલ આ તમામ પેપર્સ નવા નામ સાથે છાપવામાં આવ્યા હતા. જવાબદાર લોકોને તરત જ ખૂલાસો પૂછવામાં આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે આ સ્પેલિંગ એરરમાં અમેરિકાને ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. અમેરિકન ઈલેક્શન ઈતિહાસમાં આવેલી સ્પેલિંગની આ સૌથી મોટી એરર હતી. અગાઉ ક્યારેય પ્રમુખપદના ઉમેદાવારમાં નામની ભૂલ થયાનું બન્યું નથી.
 
ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પુસ્તકમાં પણ હતી સ્પેલિંગ મિસ્ટેક
વિવિધ પ્રજાતિઓના ઉદ્ભવ વિશેનું ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક 'ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસિસ'ના પ્રકાશક જોન મુરીએ પ્રથમ આવૃતિની ૧,૨૫૦ નકલ પ્રકાશિત કરી હતી. આ પુસ્તકની સૌપ્રથમ આવૃત્તિના ૨૦ નંબરના પેજ પર Speciesનો સ્પેલિંગ આ રીતે Speceies છાપવામાં આવ્યો હતો.
જોકે, હવે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ દૂર્લભ મનાય છે. સ્પેલિંગ એરરના આવા તો નાના-મોટા ગંભીર-રમૂજી કિસ્સા દુનિયાભરમાં નોંધાયેલા છે. જેમ કે, અમેરિકાના મિશિગનની એક શાળાએ રોડ પર પોતાની જાહેરાત લખી હતી. જાહેરાતમાં schoolના સ્પેલિંગને આખા રસ્તા પર પથરાય એટલું વિશાળ રીતે લખ્યું હતું, પણ Shcool આ રીતે વંચાતું હતું.
જોકે શાળા વતી એની ભૂલમાં કશો જ સુધારો કરવામાં આવ્યો ન હતો. સ્પેલિંગ કે જોડણીની ભૂલો ત્યારે જ કદાચ સારી રીતે સમજાય જ્યારે તેનાથી ખૂબ મોટું પરિણામ ભોગવવાનું આવે!

એક વખત ટેટુ આર્ટિસ્ટે એવું લખી નાખ્યું કે......
શરીર પર ટેટુ બનાવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે ત્યારે એક ટેટુ આર્ટિસ્ટની ગંભીર સ્પેલિંગ એરર પણ જાણવા જેવી છે. બે એક વર્ષ પહેલા શિકાગોમાં રહેતા મિશેલ ડુપલેસિસ નામના યુવાનને પોતાના શહેરનું નામ છાતી પર કોતરાવવાની ઈચ્છા થઈ. તેમણે ટેટુ આર્ટિસ્ટને જઈને ચેસ્ટ પર chi-Town લખી આપવા કહ્યું. પેલા ટેટુ આર્ટિસ્ટે chi-Tonw લખી નાખ્યું. વળી, આ ટેટુ એટલું મોટું હતું કે તેમાં હવે કશો ફેરફાર કરવાનો કોઈ જ મતલબ ન હતો. આખરે મિશેલ પાસે આ ખોટા નામ સાથે ફરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

શિકાગોમાં chi-Town નામના ટેટુનો કેઝ ખૂબ સામાન્ય છે એટલે બની શકે કે આર્ટિસ્ટ થોડા વધુ પડતા આત્મ વિશ્વાસમાં પણ રહ્યો હોય. કારણ જે હોય તે, પણ હવે મિશેલનું આ ટેટુ બધાથી અલગ તો ચોક્કસ પડી ગયું છે.
Sunday 10 November 2013
Posted by Harsh Meswania
Tag :

સોશ્યિલ એક્ટિવિસ્ટ :પરિવર્તનની ઝંખના હતી, પરલોક મળ્યું!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'શાહિદ'માં શાહિદ આઝમી નામના વકીલ-હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટની કેવા સંજોગોમાં હત્યા કરી નાખવામાં આવી હતી તેનું ખૂબી પૂર્વક ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ પહેલો બનાવ નથી, અહીં થોડા એવા લોકોની વાત કરીએ કે જેમણે પોતાનો જીવ દઈને પણ સિસ્ટમ બદલવાની કોશિશ કરી હતી...
પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ 'સત્યાગ્રહ'માં દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન)નો એન્જિનિયર પુત્ર અખિલેશ (ઈન્દ્રનીલ સેનગુપ્તા) સરકારના બાંધકામ વિભાગમાં કામ કરે છે. અચાનક એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. હોનહાર સરકારી ઈજનેરનું અકાળે અવસાન થયું હોવાથી મિનિસ્ટર બલરામ સિંહ (મનોજ વાજપેયી) તેના પરિવારને સહાય આપવાની જાહેરાત કરે છે. સરકાર સહાય આપવામાં ઠાગા ઠૈયા કરે છે એટલે એ મામલે દ્વારકા આનંદ એક ઉચ્ચ અધિકારીને તમાચો મારે છે અને પછી માનવ (અજય દેવગન) સોશ્યિલ મીડિયાને બખૂબી પ્રયોજીને દ્વારકા આનંદને જેલમાંથી છોડાવે છે.
પછી તો ફિલ્મમાં બીજુ ઘણું બધુ બને છે, પણ એક મહત્ત્વની વાત માનવને એ ખબર પડે છે કે અખિલેશને માર્ગ અકસ્માતના બહાને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો, કારણ કે તેની ઈમાનદારી ભ્રષ્ટ અધિકારીઓની પ્રગતિ આડે આવતી હતી.
આ કહાની તો પૂરી ફિલ્મી છે, પરંતુ બિહારમાં આવી એક સાવ સાચુકલી ઘટના બની છે. એક ઈમાનદાર સરકારી ઈજનેર તેના જ ઉચ્ચ અધિકારીઓે અને સડક બાંધતા દલાલોની બેઇમાની સામે લડતો હતો. ભ્રષ્ટ સિસ્ટમની સામે પડેલા આ ઈજનેરનો અંજામ પણ એકદમ ફિલ્મી અંદાજમાં આવ્યો હતો.
                                                                         * * *
સત્યેન્દ્ર દૂબે : ભ્રષ્ટાચારીઓના માર્ગમાં દિવાલ બનનારા ઓફિસર
વાત ૨૦૦૨ની છે. બિહારના સિવાન જિલ્લાના શાહપુર ગામમાં ઉછરેલો, કાનપુરની પ્રતિષ્ઠિત આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સિટિટયૂટ ઓફ ટેકનોલોજી)માંથી બી.ટેક અને આઈઆઈટી વારાણસીમાંથી એમ.ટેક થયેલો એક ૨૯ વર્ષનો યુવાન નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બિહારના કોડારમા જિલ્લામાં સહાયક પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાય છે.
યુવાને પોતાની નિગરાની હેઠળ ચાલતા દિલ્હી, અલ્હાબાદ, કાનપુર અને વારાણસીને જોડતા ૪૦૦ કરોડના ખર્ચે બની રહેલા રસ્તામાં કેવી લોલમલોલ ચાલે છે તે સાવ નજીકથી નિહાળ્યું. એક તરફ રસ્તો બને અને બીજી તરફ થોડા જ સમયમાં ખાડા પડી જાય! આવી સ્થિતિમાં આ નવનિયુક્ત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરે રસ્તો ફરીથી બનાવવા કોન્ટ્રાક્ટરને ફરજ પાડી. તેણે ઉચ્ચ અધિકારીઓને આ બાબતથી વાકેફ કર્યા, પણ તેની વાતને કાને ધરવાને બદલે થોડા જ સમયમાં તેની બદલી ગયા કરી દેવામાં આવી. ગયા પણ આવી જ હાલત હતી. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કંઈ ખાસ ઉકેલ ન મળતા તેણે વડાપ્રધાનને પત્ર લખ્યો એટલે હવે આ ઈજનેર ભ્રષ્ટ અધિકારીઓની નજરમાં બરાબર આવી ગયો.
બીજી તરફ તેના કામની કદર રૂપે ડિસેમ્બર ૨૦૦૩થી શરૂ થઈ રહેલા પ્રોજેક્ટ માટે તેની પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી અને એ સાથે જ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ શોભાવતા સ્થાપિત હિતોના પેટમાં તેલ રેડાયું. નવી જવાબદારી નિભાવે એ પહેલા જ ગયામાં ૨૭ નવેમ્બરે ગોલી મારીને આ યુવા હોનહાર-ઈમાનદાર ઈજનેરની હત્યા કરી નાખવામાં આવી.
આ કહાની સત્ય માટે લડત ચલાવતા બિહારના સત્યેન્દ્ર દૂબે નામના ઈજનેરની છે. દૂબેની હત્યાની સીબીઆઈ તપાસ સોંપવામાં આવી હતી. તેમાં થોડા આરોપીઓને સજા પણ થઈ છે. જોકે, કાયમ ભારતમાં બને છે એવું આ કિસ્સામાં પણ બન્યું. નાની બે ત્રણ માછલીઓને જાળમાં ફસાવી લેવામાં આવી અને મોટા માથાઓ આબાદ બચી ગયા!
મંજુનાથ ષણમુગમ : ઓઇલ માફિયાઓ સામે આગ ઓકનારો યુવાન
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેના પર ફિલ્મ બનાવશે એ મંજુનાથ ષણમુગમ નામના ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના યુવા માર્કેટિંગ અધિકારીનો ગુનો એટલો કે તેણે ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જિલ્લાના ઓઇલ માફિયાઓ સામે લડત શરૂ કરી હતી અને એટલે તેણે પોતાના જાનની આહૂતિ આપવી પડી.
લખનઉની ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી ૨૦૦૫ના વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરીને મંજુનાથે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં કારકિર્દી શરૃ કરી. પ્રારંભે જ મંજુનાથને ઓઇલ માફિયા વિરૃદ્ધ લડવાનું આવ્યું. તેની કામ કરવાની પદ્ધતિથી ઓઇલ માફિયાઓમાં પહેલાથી જ ફફડાટ ફેલાઈ ગયો હતો. ૧૯ નવેમ્બર, ૨૦૦૩ની રાત્રે એક પેટ્રોલપંપમાં તપાસ કરવા ગયા પછી તેની કોઈ ભાળ મળી ન હતી. બીજા-ત્રીજા દિવસે ખૂબ જ ખરાબ રીતે મારીને ફેંકી દીધેલી તેની લાશ મળી હતી. ૬ ગોલી મારીને મંજુનાથની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
પેટ્રોલ પંપના માલિકના પુત્ર પવનકુમાર મિત્તલ અને તેના બીજા ૬ સાથીદારોએ મળીને મંજુનાથની હત્યા કર્યાનું કોર્ટમાં સાબિત થયું હતું અને પવનકુમારને ફાંસીની સજા ફટકારવામાં આવી. મંજુનાથના મર્ડરમાં ભાગીદાર અન્ય તમામ આરોપીઓને જેલની સજા કરવામાં આવી. હાઇકોર્ટે પવનકુમારની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી છે.
લખનઉ આઈઆઈટીના વિદ્યાર્થીઓએે મંજુનાથના નામ પરથી એક ટ્રસ્ટની સ્થાપના કરી છે. આ સંસ્થા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા લોકોને પીઠબળ પુરું પાડવાનું કામ કરે છે. માત્ર ૨૭ વર્ષના આ યુવાને ઓઇલ ક્ષેત્રે ચાલતા તિકડમ સામે અવાજ ઉઠાવ્યો હતો એટલેે તેનો અવાજ હંમેશા માટે શાંત કરી દેવામાં આવ્યો હતો.

ડૉ. નરેન્દ્ર દાભોલકર : તાંત્રિકોના તંત્ર સામે તિખારો મૂકનારા તબીબ 
છેલ્લા ત્રણ દશકાથી મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતા ડૉ. નરેન્દ્ર દાભોલકરની સંસ્થાની ૨૦૦ જેટલી શાખાઓ રાજ્યભરમાં ફેલાયેલી છે અને એના દ્વારા તેમણે ચમત્કારનો દાવો કરનારા કેટલાય કહેવાતા સિદ્ધોને ઉઘાડા કર્યા હતા. તેમણે ચમત્કારો પાછળનું સાયન્સ લોકો સુધી પહોંચાડયું હતું.
એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી તેઓ દર્દીના ડોક્ટર બનવાને બદલે સમાજના ડોક્ટર બની ગયા. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર લોકોના દુઃખ-દર્દ દૂર કરવાનો દાવો કરનારા ઢોંગી બાબાઓ અને તાંત્રિકોની ચૂંગાલમાં ફસાતા સમાજને સાચી સમજ આપવા માટે ડો. દાભોલકરે કામ શરૂ કર્યું. તેમના આ કામથી ઢોંગી તાંત્રિકોની ધીકતી દુકાનો બંધ થવા લાગી અને એટલે ડૉ. દાભોલકર અંધવિશ્વાસ ફેલાવતા તત્ત્વોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા.
તેમને ધમકીભર્યા પત્રો પણ મળ્યાં હતા કે આ પ્રવૃત્તિને વિરામ આપજો નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો! તાંત્રિકો ઉપરાંત મહારાષ્ટ્રના રૂઢિવાદીઓની નજરમાં પણ તેઓ આવી ચૂક્યા હતા. અંતે ૨૦ ઓક્ટોબર, ૨૦૧૩ની વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવારોએ બે ગોળી મારીને તેમની સરાજાહેર હત્યા કરી નાખી. અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાના પરિણામે ડો. દાભોલકરે જીવ આપી દીધો, પરંતુ ૩૦-૩૦ વર્ષ સુધી આવા તત્ત્વો સામે સંગીન લડત આપીને એક સજ્જડ દાખલો પણ બેસાડયો.

રેમકુમાર ઝા :
બાંધકામના બદમાશોની બદનજરનો શિકાર
ભ્રષ્ટાચાર-અત્યાચાર વિરોધી સમિતિના રાષ્ટ્રીય જનસંપર્ક અધિકારી પ્રેમકુમાર ઝા મહારાષ્ટ્રના બાંધકામ વિભાગમાં ચાલતા ગોટાળા સામે મેદાને પડયા હતા. બાંધકામ વિભાગના અધિકારીઓ અને વચેટિયાઓમાં તેના નામની ધાક હતી. ભ્રષ્ટાચાર રોકવાનું જે કામ સરકાર નહોતી કરી શકતી તે કામ પ્રેમકુમાર એકલા હાથે કરી રહ્યા હતા. ખાસ તો મુંબઈના વિરાર અને વસઈ વિસ્તારમાં ચાલતા કેટલાય બાંધકામોમાં થઈ રહેલી ગેરરીતિ તેમણે ઉઘાડી પાડી હતી.
એટલું જ નહીં, મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ગેરકાયદે થઈ રહેલા બાંધકામોને પણ તેમણે પડકાર્યા હતા. થોડાં જ સમયમાં ખાનગી અને સરકારી એમ બંને ક્ષેત્રના ભ્રષ્ટ લોકોએ પ્રેમકુમારને દુશ્મન માની લીધા હતા. ૨૪ ફેબુ્રઆરી, ૨૦૧૩ના રોજ વિરાર પાસે રસ્તામાં પ્રેમકુમાર બાઇક પર જઈ રહ્યાં હતા ત્યારે તેમના માથામાં બૂલેટ ધરબી દઈને તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું.
કમનસીબી તો એ હતી કે પોલીસ કેસને રફેદફે કરવાની વેતરણમાં હતી. શરૂઆતમાં પોલીસ રજિસ્ટરમાં પ્રેમકુમારના મૃત્યુની અકસ્માત તરીકે નોંધ થઈ હતી. તેમના પરિવારે મર્ડર થયાની દહેશત વ્યક્ત કરી ત્યારે અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેમના માથામાંથી એક બૂલેટ મળી આવી ત્યારે છેક પોલીસે અંતે મર્ડરની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, હજુ પણ તેનું ખૂન કોણે કર્યું તે જાણવામાં પોલીસને સફળતા નથી મળી.
                                                                            * * *
આ તો નોંધપાત્ર અને જાણીતા કિસ્સાઓ છે. રસ્તાની બનાવટમાં, બાંધકામમાં, ઓઇલ ક્ષેત્રે અને ધાર્મિક અંધશ્રદ્ધા સામે લડતા એક્ટિવિસ્ટ ઉપરાંત દર વર્ષે આરટીઆઈ (રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટ)નો ઉપયોગ કરનારા કેટલા બધા લોકો સામે કશીક મુશ્કેલી ખડી કરવામાં આવતી હોવાના ઘણાં બધા બનાવો બને છે.
એક સરકારી આંકડા પ્રમાણે આરટીઆઈનો કાયદો આવ્યા પછી આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડરના દેશભરમાં ૨૫ કિસ્સા નોંધાયા છે. ગુજરાતમાં ૬ આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડર થયાનું કહેવાય છે. દેશભરમાં બહુ ગાજેલા અમિત જેઠવાના કેસમાં પણ થોડા થોડા સમયે નવા નવા ફણગા ફૂટતા રહે છે. આ બધામાં એક સામ્યતા છે કે બધાએ શાહિદ આઝમીની જેમ સિસ્ટમ સામે કે સ્થાપિત હિતો સામે પડવાની કિંમત પોતાની જાન આપીને ચૂકવી છે.
Sunday 3 November 2013
Posted by Harsh Meswania
Tag :

'10'DULKAR Retired : સચિન અને ૧૦ નંબર બંને નિવૃત્ત

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચીન સાથે સચીનની ૧૦ નંબરની જર્સીને પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિવૃત્ત કરશે. ખેલાડીની સાથે તેના નંબરને પણ રિટાયર્ડ કરવામાં આવ્યા હોય એવા ઘણાં કિસ્સા નોંધાયા છે - વિશ્વભરમાં જુદી જુદી રમતોમાં ખેલાડીની સાથે નંબર્સનું પણ રિટાયર્ડમેન્ટ!
 
તેંડુલકર, આર્જેન્ટિનાના લિજેન્ડરી ફૂટબોલર ડિએગો મેરેડોના અને લિયોનેલ મેસ્સી, બ્રાઝિલના ઓલટાઇમ ગ્રેટ ફૂટબોલર ગણાતા પેલે ઉપરાંત બ્રાઝિલના જ કાકાના હુલામણા નામે ઓળખાતા રિકાર્ડો કાકા ઉપરાંત રોનાલ્ડિન્હો, એક સમયે ફ્રાન્સમાં ફૂટબોલના પર્યાય જેવા બનેલા ઝિનેદિન ઝિદાન અને નેધરલેન્ડના ફૂટબોલર જોહાન ક્રફ જેવા પોત પોતાની રમતમાં એક ઊંચાઈ હાંસિલ કરનારા આ તમામ ખેલાડીઓમાં શું સામ્યતા છે?
 
આ બધા જ રમતવીરો ૧૦ નંબરની જર્સી પહેરીને મેદાનમાં વિરોધી ટીમને ભીંસ પાડવા ઉતરતા (કે અમુક હજુય ઉતરે છે) હતા. રમતપ્રેમીઓના આ ચહિતા ખેલાડીઓ અને તેનો જર્સી નંબર એકબીજાનો પર્યાય જેવા બની ગયા હતા. સચિન તેંડુલકરના સન્માનમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ)ની તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે હવે પછી જર્સીમાં ૧૦ નંબર કોઈને પણ નહીં અપાય તેવી જાહેરાત કરી છે. વળી, અમુક ક્રિકેટ પ્રેમીઓની તો એવીય લાગણી છે કે નેશનલ ટીમમાં પણ ૧૦ નંબર અન્ય એક પણ ખેલાડીને આપવામાં ન આવે.

 જર્સી, નંબર અને ખેલાડીઓ
ખેલાડીઓ માટે જર્સીમાં નંબર લખવાનો ધારો ફૂટબોલથી આવ્યો છે. ૨૦મી સદીના બીજા દશકાથી ફૂટબોલમાં ખેલાડીની જગ્યા મુજબ નંબર આપવાનું શરૃ થયું હતું. ત્યારે જર્સીમાં ખેલાડીનું નામ લખવાનું શરૃ નહોતું થયું. જે ખેલાડી ટીમનું નેતૃત્વ કરતો હોય તેને ૧ નંબર અપાતો હતો. કોઈક ટીમમાં ગોલકિપરને પણ નંબર ૧ આપવામાં આવતો હતો. દરેક મુકાબલામાં ખેલાડીઓ અલગ અલગ નંબરની ટિ-શર્ટ સાથે મેદાનમાં ઉતરતા હતા. ૧૯૫૪માં સ્વિટ્ઝર્લેન્ડમાં રમાયેલા ફૂટબોલ વિશ્વકપમાં પહેલી વખત ખેલાડીઓ નામ અને નંબર બંને સાથે જોવા મળ્યા હતા. એ પછી ઘણી બધી અન્ય રમતોમાં ફૂટબોલની જેમ યુનિફોર્મમાં નામ અને નંબર લખવાનું શરૃ થયું હતું. ખાસ તો ક્લબ કક્ષાની તમામ રમતોમાં નામ અને નંબર બંને હોય એવા સ્પોર્ટ્સ ડ્રેસને ખૂબ જ લોકપ્રિયતા મળવા લાગી હતી. ખેલાડીઓ પોતાના નંબરને લઈને બહુ ગંભીર નહોતા એટલે થોડા થોડા સમયે જર્સીના નંબર બદલતા રહેતા હતા. ૧૯૭૦ બાદ ખેલાડીઓ કોઈ એક નંબરનો વર્ષો સુધી સાથ નિભાવતા થયા હતા. ત્યાર બાદ તો બાસ્કેટ બોલ, રગ્બી, આઇસ હોકી, ઓટો રેસિંગ, બેઝ બોલ, ફિલ્ડ હોકી અને સાયકલિંગમાં ખેલાડીની જર્સીમાં નામ ઉપરાંત નંબર અગત્યના બની રહેવા લાગ્યા હતા.

 ખેલાડી સાથે નિવૃત્ત થયેલા જર્સી નંબર
અમેરિકાની સિનસિનાટી રેડ્સ નામની બેઝબોલ લીગના એક ખેલાડી વિલાર્ડ હેર્શબર્ગરે ઓગસ્ટ, ૧૯૪૦માં રમત સેશન દરમિયાન જ આત્મહત્યા કરી લીધી હતી એટલે પોતાની ટીમના આ આશાસ્પદ ખેલાડીની યાદમાં સિનસિનાટી રેડ્સે પાંચ નંબરને રિટાયર્ડ કરી દીધો હતો. આ ઘટનાને ૭૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજેય આ ક્લબ દ્વારા કોઈ પણ ખેલાડીને પાંચ નંબર આપવામાં આવતો નથી. કદાચ ખેલાડીની સાથે નંબરને નિવૃત્ત કરવાનો આ પહેલો કિસ્સો હતો.
 
અમેરિકાના ૩૮માં પ્રમુખ જીરાલ્ડ ફોર્ડ કોલેજકાળમાં ફૂટબોલના ખૂબ સારા ખેલાડી હતા. ફોર્ડ ૪૮ નંબરની જર્સી પહેરતા હતા. ફોર્ડ ૧૯૭૪માં દેશના પ્રમુખ બન્યા પછી તેઓ જ્યાં ભણતા હતા તે યુનિવર્સિટી ઓફ મિશિગને ૪૮ નંબરની જર્સીને તેમના સન્માનમાં રિટાયર્ડ કરી દીધી હતી. ક્લબ કક્ષાની રમતોમાં તો ખેલાડીના જર્સી નંબરને નિવૃત્ત કરવાના કંઈ કેટલાય ઉદાહરણો મળી રહે છે. જેમ કે, ઈટાલિયન ફૂટબોલ ક્લબ એસી મિલાને પોતાના બે સ્ટાર ખેલાડીઓ ફ્રેન્કો બરેસી માટે ૬ નંબર અને પાઓલો માલ્ડિની માટે ૩ નંબરને અલવિદા કર્યું છે.

ઈંગ્લેન્ડની અગ્રણી ફૂટબોલ ક્લબ ચેલ્સિયાએ તેમના લોકપ્રિય ખેલાડી જિયાનફ્રેંકો ઝોલાનો ૨૫ નંબર રિટાયર્ડ કર્યો છે. ન્યુયોર્કની બાસ્કેટ બોલ ટીમ બૂ્રકલેન નેટ્સે હમણાં જ પોતાના સુપરસ્ટાર ખેલાડી જેસન કિડને ભાવભરી વિદાય આપવા માટે તેની પાંચ નંબરની જર્સીને નિવૃત્ત કરી છે. જોકે, બાસ્કેટ બોલમાં આ ઘટના પ્રથમ નથી. અગાઉ અમેરિકન બાસ્કેટ બોલના લોકપ્રિય ખેલાડી માઈકલ જોર્ડનને શિકાગો બેલ્સ વતી રમીને નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારે ૧૯૯૩માં તેના ૨૩ નંબરને રિટાયર્ડ કરાયો હતો. ફરી વખત જોર્ડને નિવૃત્તિ પાછી ખેંચીને રમવાનું શરૃ કર્યું ત્યારે પહેલા તેણે ૪૫ નંબરની જર્સી પર પસંદગી ઉતારી હતી, પરંતુ થોડા સમયમાં તેણે ફરીથી ૨૩ નંબર અપનાવી લીધો હતો. હવે ૨૩ નંબરને કાયમ માટે જોર્ડનના સન્માનમાં નિવૃત્ત કરાયો છે.
સામાન્ય રીતે જર્સીને રિટાયર્ડ કર્યા પછી ઘણી વખત કોઈ ટીમ તેના એવા જ બીજા સ્ટાર ખેલાડીને એ નંબર આપતી હોય છે. અથવા તો એનો એ જ ખેલાડી જ્યારે કોચ બને ત્યારે તેના જૂના નંબર સાથે જોવા મળે છે. વિશ્વભરની અલગ અલગ ફૂટબોલ લીગ દ્વારા ૧૪૦ જેટલા નંબર્સને રિટાયર્ડ કરવામાં આવ્યા છે. એ રીતે બાસ્કેટબોલ ટીમ ૧૪૫ નંબર્સ, દુનિયાભરની હોકીની લીગ દ્વારા ૯૭ જેટલા વિભિન્ન નંબર્સ અને બેઝબોલમાં જુદી જુદી ટીમ મારફતે ૧૦૦ જેટલા યુનિફોર્મ નંબરને ગુડબાય કરી ચૂકી છે.
 
ક્રિકેટમાં કોઈ ખેલાડી માટે નંબરને નિવૃત્તિ આપવામાં આવી હોય તેવો સચિનનો પ્રથમ કિસ્સો છે. ક્રિકેટમાં નંબરવાળી જર્સીની શરૃઆત અન્ય રમતોની તુલનાએ મોડી થઈ હતી.

 ક્રિકેટ અને જર્સી નંબર
પહેલા ક્રિકેટર્સની જર્સીમાં માત્ર નામ જ લખવાનું ચલણ હતું. ખેલાડીઓની જર્સીમાં નંબર આપવાની પ્રથા છેક ૧૯૯૫ આસપાસ શરૃ થઈ હતી અને એનો યશ ઓસ્ટ્રેલિયન ટીમને આપવો રહ્યો. ૧૯૯૫માં રમાયેલી વર્લ્ડ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ વખત ખેલાડીઓની જર્સીમાં નામ અને નંબર લખ્યા હતા. લિજેન્ડરી સ્પિનર શેન વોર્ન છેક સ્કૂલ ક્રિકેટના સમયથી જ ૨૩ નંબરની જર્સી પહેરવાનું પસંદ કરે છે અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવા સુધી તેમણે ૨૩ નંબરનો સાથ નિભાવ્યો હતો. રિકી પોન્ટિંગે પણ ૧૪ના આંકડા સાથે સાતત્ય જાળવી રાખ્યું હતું.

૧૯૯૯ના વિશ્વકપમાં તમામ ખેલાડીઓ માટે નંબરવાળી જર્સી પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. જોકે, બધા ક્રિકેટર્સ પોતાની જર્સીમાં એકનો એક નંબર રાખવા બાબતે ગંભીર થયા ન હતા. સામાન્ય રીતે સુકાનીઓને ૧ નંબર ફાળવાયો હતો અને બાકીના ખેલાડીઓ અડસટ્ટે જ નંબર પસંદ કરી લેતા હતા. ભારતમાં સચિને ૧૯૯૯માં પ્રથમ વખત તેમની જર્સી પાછળ ૧૦ નંબરને સ્થાન આપ્યું હતું, પણ એક વર્ષ બાદ એને બદલીને ૯૯ નંબર અપનાવ્યો હતો. સામાન્ય રીતે ૯૯ નંબર સાથે સૌરવ ગાંગુલીનું સ્મરણ થઈ આવે, પરંતુ એ પહેલા સચિને ૨૦૦૦ના વર્ષમાં આ નંબરને જર્સીમાં સ્થાન આપ્યું હતું. જોકે, એક વર્ષ બાદ ૨૦૦૧માં ફરીથી તેમણે ૧૦ નંબર પર પસંદગી ઢોળી હતી. પછીથી તેમણે નિવૃત્તિ સુધી ૧૦ નંબર જાળવી રાખ્યો છે.

બેટિંગમાં ધીરજવાન ગણાતા રાહુલ દ્રવિડે જર્સી નંબરમાં પણ સ્થિરતા જાળવી રાખી હતી. તેનો નંબર પહેલેથી છેલ્લે સુધી ૫ જ રહ્યો હતો. ધોનીએ પણ શરૃઆતથી જ ૭ નંબરને જર્સીમાં સ્થાન આપ્યું છે. પૂર્વ સુકાની ગાંગુલીએ પ્રારંભમાં ૨ નંબર, કેપ્ટન બન્યા પછી ૧ નંબર અને ત્યાર બાદ ૯૯ અને ૨૧ નંબરને એક પછી એક જર્સીમાં સ્થાન આપ્યું હતું. સચિનની સાથે તેના જર્સી નંબર પણ રિટાયર્ડ થઈ રહ્યાં છે ત્યારે ફરી એક વખત ફૂટબોલર પાઓલો માલ્ડિનીની વાત યાદ કરી લઈએ. એસી મિલાન ક્લબે એવી જાહેરાત કરી છે કે માલ્ડિનીના બેમાંથી કોઈ એક પણ પુત્ર ભવિષ્યમાં ક્લબ માટે રમશે તો ૩ નંબરની જર્સી તેના માટે ઉપલબ્ધ કરવામાં આવશે. સચિન પુત્ર અર્જુન પણ ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યો છે અને જો ભવિષ્યમાં તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે તો બની શકે કે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ તેની જર્સી પાછળ '૧૦'ડુલકર લખાવવાનું પસંદ કરે!
Sunday 27 October 2013
Posted by Harsh Meswania
Tag :

લંચ બોક્સ : ભૂખનું ભાતું!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ગયા મહિને રિલીઝ થયેલી અને ફિલ્મ વિવેચકોની પ્રશંસા પામેલી બોલિવૂડની ફિલ્મ 'ધ લંચબોક્સ' માં લંચ બોક્સ પોતે જ એક કેરેક્ટર હોય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ફિલ્મ 'ધ લંચબોક્સ'ની વાત નથી, પણ ફિલ્મમાં મુખ્ય પાત્ર જેવો મરતબો ભોગવતા લંચ બોક્સે પોતે જ પોતાની વ્યથા-કથા માંડી છે.....

 મારું નામ લંચ બોક્સ, પણ આમ જૂઓ તો આ મારું એક માત્ર નામ ન કહી શકાય. કોઈ મને ટિફિન કહે છે તો ક્યાંક હું ડિબ્બા કે ડબ્બાના નામે પણ ઓળખાઉં છું. મારા જન્મ વિશે મને કોઈ ખાસ જાણકારી યાદ નથી. વળી, જન્મ સ્થળ વિશે પણ હું કશુંક ચોક્કસ કહી શકું તેમ નથી, પણ હા, ૧૮મી સદીમાં મને લઈને ખેડૂતો ખેતરે જતા એ મને થોડું થોડું સાંભરે છે. મને એનું પણ સ્મરણ છે કે પહેલા મારો દેખાવ આજના જેવો ન હતો. ત્યારે તો હું બાળક હોઈશને એટલે એકાદ કટોરી જેટલી મારી સાઇઝ હતી! પછી ધીરે ધીરે સંખ્યામાં અને કદમાં વધારો થતો ગયો. ભારત જેવા દેશમાં તો પરણેતર મને માથે મૂકીને ખેતરમાં કાળઝાળ તાપમાં કામ કરતા પોતાના પતિને હાથો હાથ થમાવે અને પછી સામે બેસીને તેને જમાડીને મને સાથે લઈને ગામમાં પાછી આવે. આવો તો રોજિંદો ક્રમ.

 વિદેશમાં મને થોડો અલગ અનુભવ થયો છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, રશિયા જેવા દેશોમાં હું કામદારોના સાથીદાર તરીકે તેનો બરાબર સાથ નિભાવતું હતું. એમ તો અમેરિકાના એક લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ ૧૯૬૫માં 'અ મુવેબલ ફિસ્ટ' નામનું એક પુસ્તક પણ લખ્યું હતું. તેમાં તેણે મારા વિશે ઘણી વાતો કરી છે. એ મુજબ પહેલા પરદેશમાં તમાકુના ખાલી ડબ્બા એ મારો કાયમી પોશાક રહેતો. બોર્સ હેડ ટોબેકો નામની ત્યારની તમાકુ કંપનીના ખાલી ડબ્બામાં ભરીને ખેડૂતો અને કારખાનાઓમાં કામ કરતા મજૂરો બપોરનું ખાવાનું લાવતા. શરૃઆતમાં મારું કામ માત્ર બપોર પુરતું જ મર્યાદિત રહેતું હતું, પણ પછી તો બપોર ઉપરાંત રાત્રે પણ હું કામમાં આવતું હતું. દેશની ખાસિયત મુજબ મારી અંદર મૂકવામાં આવતી વાનગી બદલાતી રહેતી, પણ મારું કામ થાકેલા કામદારોના પેટ ભરવાનું રહેતું હતું. એનું પેટ ભરાય એ સંતોષથી હુંય તૃપ્ત થતું..

 આમ ને આમ ૧૮મી સદી તો વીતી ગઈ. એમાં પછી ખાસ કંઈ નવું ન થયું, પણ ૧૯મી સદી મારા માટે બહુ યાદગાર બની રહેવાની હતી. કેમ કે એ સૈકામાં મારા દેખાવમાં મહત્ત્વના ફેરફાર આવ્યા. ખાસ તો તમાકુના ડબ્બાને બદલે બિસ્કિટના ટીન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત કલાઈના પતરાનો મારા માટે ઉપયોગ થવા લાગ્યો હતો. તો વળી, ક્યાંક ક્યાંક પાતળા લાકડામાંથી મારો દેહ બનાવવામાં આવી રહ્યો હતો. મેટલનો ઉપયોગ પણ આ સદીમાં શરૃ થયો હતો. લંબચોરસ દેખાવમાંથી હું ગોળમટોળ પણ દેખાવા લાગ્યું હતું. હવે ખરેખર જ મારા દેખાવમાં વિભિન્તા આવવા લાગી હતી. એ જોઈને ઘણી વખત મને પણ આનંદાશ્વર્ય થતું હતું. ધીરે ધીરે મારા પર ઉનનું હેન્ડલવાળું બાસ્કેટ ચડાવવાનો ટ્રેન્ડ આવ્યો હતો અને કામદારો એ બાસ્કેટમાં મને ઉંચકીને લઈ જવા લાગ્યા હતા. સાચુ કહું તો મને આ નવો અવતાર ગમવા લાગ્યો હતો, પણ ૨૦ સદી આવતા આવતા તો વળી એવા નાના મોટા કંઈ કેટલાય ફેરફાર થયા હતા. હવે મારી બનાવટ ધાતુમાંથી થવા લાગી હતી. એટલું જ નહીં, અમુક ઉત્પાદકોએ મને નવા રૃપ-રંગ સાથે માર્કેટમાં મૂકવાની ચોક્કસ યોજના પણ ઘડી કાઢી હતી.

 આ સદીમાં મેં ઘણા લિબાસ બદલ્યા. મારી લોકપ્રિયતા પણ વધતી ચાલી. બાળકો બધાને વ્હાલા હોય, પણ બાળકોને હું બહુ વ્હાલું હતું એ જોઈને મને બહુ આનંદ આવતો હતો. એમાં પણ મને લીધા વગર બાળકો શાળાએ ન જવાની જીદ પકડે ત્યારે તો હું મનોમન બહું પોરસાતું હતું.! આ સમયગાળામાં વ્હાલા બાળકોનો મને ખૂબ પ્રેમ મળવા લાગ્યો અને એનો પ્રારંભ થયો ૧૯૦૨ના વર્ષથી. તે વર્ષે પહેલી વખત મારા રંગ-રૃપ બાળકોને અનુરૃપ સજાવવામાં આવ્યા. મને એક પિકનિક બાસ્કેટ જેવું બનાવાયું સાથે એક બાજુ બાળકોને મનોરંજન આપે એવા ચિત્રો પણ મૂકવામાં આવતા હતા. એકધારા દેખાવમાં આવેલો આ પહેલો બદલાવ હતો. ૧૯૩૫માં એક મોટો વળાંક આવ્યો. પહેલી વખત ફ્રે પ્રોડક્શને મને લાઇસન્સ વર્ઝનમાં રજૂ કર્યું. ૧૯૨૮માં સર્જાયેલાં અને ઓલટાઇમ લોકપ્રિય રહેલાં મિકી માઉસ કાર્ટૂન કેરેક્ટરને મારી એક બાજુ મૂકવામાં આવ્યું હતું. મારા આ નવા દેખાવને જોત જોતામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. એ પછી તો નવા નવા સર્જાતા જતાં કાર્ટૂન કેરેક્ટર્સ સાથે મારી સારી જુગલબંધી જામવા લાગી હતી. આવો જ બીજો મોટો વળાંક ૧૯૫૦ના વર્ષમાં આવ્યો. અલાદિન ઈન્ડસ્ટ્રીએ 'હોપઅલોંગ કેસિડી' નામની લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી પરથી પ્રેરણા લઈને મને 'હોપી'ના નવા નામે માર્કેટ સર કરવા રજૂ કર્યું અને એ સાથે જ ઈતિહાસ સર્જાય ગયો. મારો આ નવો અવતાર અલાદિન ઈન્ડસ્ટ્રી માટે દૂઝણી ગાય સમાન નિવડયો. એ જમાનામાં બહુ કહેવાય એવા ૧૪૭ રૃપિયા જેવો ભાવ હોવા છતાં એક જ વર્ષમાં મારા પાંચથી છ લાખ નંગ ખપી ગયા. ત્યાર બાદ કાર્ટૂનની જેમ ટેલિવિઝન શ્રેણી પરથી પ્રેરણા લઈને કેટલાય ઉત્પાદકોએ મને નિતનવા અવતારમાં બજારમાં મૂક્યું હતું. મને નવા રૃપ-રંગમાં બજારમાં મૂકનારા દરેક ઉત્પાદકને ફાયદો થાય એવી મારી હંમેશા કોશિશ રહેતી હતી.

 સાથે જ કામદારો માટેના મારા દેખાવમાં પણ પરિવર્તન આવવાનું શરૃ થયું હતું. ભારેખમ તમાકુના ડબ્બાઓ અને બિસ્કિટ ટીનની જગ્યાએ કામદારો પણ સાચવવામાં હળવા થયેલા મારા નવા રંગ-રૃપથી થોડા વધુ આકર્ષાયા હોય એવું મને લાગતું હતું. એટલું જ નહીં, હવે તો કામદારો ઉપરાંત સાહેબોમાં પણ ધીરે ધીરે મારો વટ જામતો જતો હતો. અલબત્ત, એવા સાહેબો મારા થોડા મોંઘા અને લેટેસ્ટ દેખાવને વધુ અપનાવતા હતા. વળી, હવે નવા ઉત્પાદકોએ મારી અંદર રાખેલી સામગ્રી ગરમ રહે તેવી પણ કશીક ટેકનિક શોધી કાઢી હતી. જો હું ન ભૂલ્યું હોઉં તો સ્કોટલેન્ડના વિજ્ઞાાની સર જેમ્સ ડેવરે થર્મોસની ટેકનિક વિકસાવી હતી, જેનો લાભ લઈને ઉત્પાદકોએ મને નવી રીતે બજારમાં મૂકવાનું શરૃ કર્યું હતું.

 ૧૯૫૪ના વર્ષમાં કેનેડાના ઓન્ટારિઓમાં કામ કરતો લિઓ મે નામનો એક કામદાર મને સાથે લઈને કામ પર જતો હતો ત્યારે અકસ્માતે મારું મેટલમાંથી બનેલું જૂનું વર્ઝન તૂટી ગયું એટલે એ કામદારે મને વધુ મજબૂત બનાવવાની કવાયત આદરી. તેણે થોડી મથામણને અંતે મને વળી એક નવું સ્વરૃપ આપ્યું, જે વધારે મજબૂત હોવાથી વર્ષો સુધી ખૂબ પોપ્યુલર રહ્યું. મારો એ નવો દેખાવ એલ્યુમિનિયમમાંથી બનાવાયો હતો. જોકે, એ જ સમયગાળામાં મારા અલગ અલગ ધાતુમાંથી બનાવાયેલા કંઈ કેટલાય સ્વરૃપ હવે બજારમાં દેખાવા લાગ્યા હતા. ૧૯૫૯માં પ્રથમ વખત પ્લાસ્ટિકનું પિતરાઈ કહેવાય એવા વિનાઇલમાંથી મને બનાવાયું. ધીરે ધીરે દેખાવમાં હું થોડું વધારે આધૂનિક લાગતું હતું. જોકે, હજુ સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ નહોતો થયો. ૧૯૬૦ના વર્ષમાં પહેલી વખત પ્લાસ્ટિકમાંથી હેન્ડલ બનાવાયું હતું. પ્લાસ્ટિક પ્રમાણમાં સસ્તું હોવાથી અને તેમાંથી ઈચ્છા મુજબ આકાર આપી શકાતો હોવાથી ધીરે ધીરે મારી બનાવટ પ્લાસ્ટિકમાંથી થવા લાગી હતી. શરૃઆતના તબક્કે માત્ર અંદરનો ભાગ પ્લાસ્ટિકથી મઢવામાં આવતો હતો, પણ પછી તો ચોમેર પ્લાસ્ટિકના મારા દેખાવની બોલબાલા થવા લાગી હતી. એક જ દશકામાં કેટલાં બધા ઉત્પાદકો વિશ્વભરમાં મને પ્લાસ્ટિકમાંથી બનાવવા લાગ્યા હતા. હવે તો અંદર પાણી કે પછી અન્ય કોઈ પ્રવાહી સાચવી શકાય એવી જગ્યા રાખવાનું પણ શરૃ થયું હતું. એક ડબ્બાથી શરૃ થયેલી મારી સફર હવે આખો આખો પરિવાર બન્યો હોય એવું મને ક્યારેક ક્યારેક લાગતું હતું. કેમ કે, ખાવાનું રાખવા ઉપરાંત પણ અંદર ઝીણા મોટી વસ્તુઓ રાખી શકાય એવી ગોઠવણ કરવામાં આવવા લાગી હતી. મને એમ પણ લાગતું હતું કે છેલ્લી એક સદીમાં મારામાં જેટલા ફેરફાર નહોતા આવ્યા એટલા તો માત્ર એક જ દાયકામાં આવ્યા હતાં. જોકે, પછી સમજાયું કે મારે તો હજુ કેટલાય પરિવર્તનો જોવાના બાકી હતા! કેમ કે, અલગ અલગ ધાતુના મિશ્રણથી મારા નવા નવા સ્વરૃપને બજારમાં મૂકવામાં આવી રહ્યાં હતા. એમાં સ્ટીલનો પણ સમાવેશ થતો હતો. સ્ટીલ સાથે મારે સૌથી લાંબો સંબંધ કેળવાયો. સ્ટીલમાંથી મારા કંઈ કેટલાય દેખાવ વિકસાવીને વિશ્વભરમાં મૂકવામાં આવ્યા. ક્યાંક માત્ર સ્ટીલ તો ક્યાંક ઉપર પ્લાસ્ટિક અને અંદર સ્ટીલ એવો મેળ પણ બેસાડાયો. લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત અમુક સંસ્થાઓએ મારી પ્લાસ્ટિક કે વિનાઇલની બનાવટ સામે વાંધો દર્જ કર્યો એટલે એમ પણ સ્ટીલના મારા ચળવતા દેખાવ તરફ લોકો વધુ આકર્ષાયા હોઈ શકે છે એમ પણ મને ક્યારેક ક્યારેક લાગે છે. ભારત જેવા ઘણા બધા દેશોમાં તો એકલા સ્ટીલના મારા દેખાવને આજેય ખૂબ પસંદ કરવામાં આવે છે, પણ હા, સ્ટીલની સાથે સાથે બીજા એવા તો કેટલાય સ્વરૃપમાં મારી બોલબાલા છે. ભારતની વધુ એક વાત શેર કરી દઉં કે ભારતની ખૂબ લોકપ્રિય થયેલી 'શોલે' ફિલ્મ રિલીઝ થઈ એ પછી ભારતમાં મારા પર એ ફિલ્મના ચિત્રો પણ મૂકવામાં આવ્યા હતા. મારી સફળતાનું છેલ્લું ઉદાહરણ : મને લગતો એક સર્વે સમગ્ર વિશ્વમાં થયો હતો જેમાં સર્વેકર્તાઓએ નોંધ્યું છે કે હું જગતભરમાં ૪૦૦ કરોડ ઉપરાંત લોકોની દરરોજની પેટની ભૂખ સંતોષવાનું કાર્ય કરું છું!

૧૦૦ જેટલા દેશોના ૨૦૦૦ લંચ બોક્સનું કલેક્શન
અમેરિકાના હિલ્સબોરોમાં રહેતા ફ્રેડ કાર્લસનને લંચ બોક્સ કલેક્શનનો અનોખો શોખ છેક ૧૮૮૦થી વિકસાવ્યો છે. શરૂઆતના વર્ષોથી લઈને અત્યાર સુધીના થોડા અલગ હોય એવા તમામ લંચ બોક્સ ફ્રેડ પાસેથી મળી રહે છે.
છેલ્લા ૩૪ વર્ષમાં તેમણે અલગ અલગ લગભગ ૧૦૦ જેટલા દેશોના ૨૦૦૦ લંચ બોક્સ એકઠા કર્યા છે. તેમનું લંચ બોક્સ કલેક્શન આજે વેંચવા કાઢવામાં આવે તો તેની કિંમત સહેજેય લાખો ડોલર્સે પહોંચી જાય એવા મહત્ત્વના ડબ્બાઓ તેમણે સંઘરી રાખ્યા છે. પોતાના દરેક લંચ બોક્સ પાછળની સ્ટોરી ફ્રેડને અડધી રાતે પૂછો તો પણ તરત કહી સંભળાવે છે. આવો જ શોખ ઈંગ્લેન્ડના બ્રેન્ડન હેમિલ્ટનને પણ છે. ૨૮ વર્ષના આ યુવાન પાસે અલગ અલગ ૭૦ જેટલા દેશોના ઓછામાં ઓછા ૫૦૦ જૂના લંચ બોક્સ છે. તેમનો ઈરાદો બધા જ દેશોના શરૃઆતના તબક્કામાં વપરાતા લંચ બોક્સ એકત્ર કરવાનો છે.

Sunday 20 October 2013
Posted by Harsh Meswania
Tag :

મોબાઇલ હોમ્સ : ઘર છે, પણ ઠેકાણું નથી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ઘર હોય અને એ ઘરને કોઈ સરનામું જ ન હોય એવું બને ખરું? ટાઢા પહોરના ગપ્પા જેવી લાગતી આ વાત ખરેખર સાચી છે. આજે દુનિયામાં લાખો લોકો આવા સરનામા વગરના ઘરમાં રહે છે. આવા રહેઠાંણોને મોબાઇલ હોમ્સ એવા રૃપકડાં નામે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર થયો જેમાં સામે આવ્યું કે વિશ્વભરમાં લોકો એક યા બીજા કારણોસર મોબાઇલ હોમ્સમાં રહેવાનું વધુ પસંદ કરતા થયા છે.

 વેસ્ટવર્જિનિયામાં રહેતા ૨૭ વર્ષના મિશેલ બ્રેડેનના ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો મહેમાનોને રેલ્વે સ્ટેશને લેવા માટે મિશેલ ઘરને પણ સાથે લઈ જાય છે. સામાન્ય રીતે ઘરે પહોંચીને જે આગતા સ્વાગતા મળતી હોય છે એ મહેમાનને રસ્તામાં જ મળવા લાગે છે. જે જગ્યાએ ઘર રાખ્યું હોય છે ત્યાં પહોંચતા સુધીમાં તો મહેમાને ચા-નાસ્તો પણ કરી લીધો હોય છે.
લ્યુસિયામાં ૫૫ વર્ષના સ્ટીવન મિલર જ્યાં રહે છે ત્યાં પાણીની સમસ્યા છે. જો પાણી ન આવે એવી સ્થિતિ સર્જાય તો તેને પાણી ભરવા પાંચેક કિલોમીટર દૂરના વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે ત્યારે તે ઘરને સાથે લઈને પાણી ભરવા જાય છે. તેના ઘરની બધી ટાંકીઓ ભરીને તે ઘરને લઈને પાછા આવી જાય છે! સાંભળવામાં થોડી વિચિત્ર લાગતી આ વાત એકદમ સાચી છે.
સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ અને કોઈ મહેમાન આવવાના હોય એ સમયગાળામાં જો બહાર જવાનું હોય તો રમૂજમાં ઘણાં લોકો કહેતો હોય છે કે હું ભલે બહાર છું, પણ ઘર સાથે નથી લઈ જતો, ઘરે બાકીના સભ્યો તો છે જ! જોકે, હવે એવું કહેવાના દિવસો આવ્યા છે કે હું ઘરને સાથે લઈને બહાર ગામ જઈ રહ્યો છું એટલે થોડા દિવસ પછી ઘરે આવજો. દુનિયામાં આવા તો કેટલાય કિસ્સા છે જે અમુક કામ કરતી વખતે ઘરને પણ સાથે ને સાથે રાખે છે. દુનિયામાં આવા હરતા ફરતા ઘર ધરાવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો વધુને વધુ આવા ઘરોમાં રહેવાનું પસંદ કરતા થયા છે.
કહેવાય છે કે ઘર એટલે દુનિયાનો છેડો. ઘર એટલે હાશકારો. માણસ દુનિયા આખી ફરીને ઘરે આવે એટલે સ્વર્ગમાં આવ્યાનો અનુભવ કરે. એમાં પણ જેને સતત ઘરની બહાર જ રહેવાનું થતું હોય એના માટે ઘરમાં થોડા દિવસો પસાર કરવા મળે તો આનંદનો કોઈ પાર નથી રહેતો. બધાની ઈચ્છા હોય છે કે પોતાનું કોઈક કાયમી સરનામું હોય, કોઈક શોધતા આવી ચડે તો એક એવી જગ્યા તો હોય જ કે જ્યાં પોતે મળી જાય. પોતાનું કાયમી રહેઠાણ શોધવા માટે, ખરીદવા માટે કે બનાવવા માટે માણસ આખી જિંદગીની કમાઈ ખર્ચી નાખતા ખચકાતો નથી હોતો. પણ ધીરે ધીરે રહેવા માટેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલાય રહ્યો છે. હવે તો લોકો એવા ઘર બનાવીને રહેવાનું પસંદ કરતા થયા છે કે જેને મનફાવે ત્યાં અને ઈચ્છા થાય ત્યારે ખસેડી શકાય. મનફાવે એટલે દૂર સુધી પણ લઈ જઈ શકાય! મરજી થાય ત્યાં સુધી એ જગ્યાએ રહેવાનું અને પછી જગ્યા બદલી નાખવાની આ વાત થોડી અજીબ લાગી શકે, પણ વાત છે તો બિલકુલ સાચી. આમ જોવા જઈએ તો આ બાબત બહુ નવી નથી. છેલ્લા કેટલાંક દાયકાઓથી વિશ્વભરમાં લોકો આ રીતે રહેતા આવ્યા છે. આ વિચાર હજુ ભારતમાં પ્રવેશ્યો નથી, પરંતુ વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં મોબાઇલ હોમ્સ (મોબાઇલ હોમ એટલે હરતું ફરતું ઘર)નો ક્રેઝ અથવા કહો કે જરૃરીયાત વધતી જાય છે. આવા ઘરોને કોઈક વાહન સાથે જોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. શોખથી રહેતા લોકો પાસે તો પોતાની કાર કે ટ્રેઇલર હોય છે એટલે એ પોતાની ઈચ્છા થાય એ રીતે ઘરને ખસેડીને સરળતાથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે.
વિશ્વમાં ૫૦ લાખ લોકો મોબાઇલ હોમ્સ કે જેને મેન્યુફેક્ચર્ડ હોમ્સ પણ કહે છે તેમાં રહે છે. જેમાંથી ૨૦ લાખ તો એકલા અમેરિકન્સ છે. મતલબ કે અમેરિકામાં આ ટ્રેન્ડ વધુ ફૂલ્યો ફાલ્યો છે. મોબાઇલ હોમ્સમાં રહેવાના બે કારણો છે. એક, ઘણાં બધા લોકો એવા છે જેને દુનિયાની ભીડથી થોડા દૂર રહેવું છે અને શાંતિ જોઈએ છે. તેમને ન તો સમાજ સાથે બહુ નિસ્બત રાખવાની પડી છે કે ન તો બહુ કમાણી કરીને મોજ મજા કરવી છે. એટલે આવા મોબાઇલ હોમ્સની મદદથી શહેરની દૂરના અંતરિયાળ વિસ્તારમાં જઈને શાંતિની જિંદગી જીવે છે. આવા રહેવાસીઓ પાસે કોઈક સારા શહેરમાં પોતાનું ઘર પણ છે અને છતાં પોતાની મરજીથી ઈચ્છે તે જગ્યાએ નવા નવા લોકોની સાથે અને નવા માહોલમાં રહી શકાય તે માટે મોબાઇલ હોમ્સ પર પસંદગી ઉતારે છે. બીજુ, કારણ જરૃરીયાત છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં જેમ ગરીબ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે એ જ રીતે વિકસિત રાષ્ટ્રોમાં થોડા ગરીબ કહેવાય એવા લોકો આવા મેન્યુફેક્ચર્ડ ઘરોમાં રહેવાનો વિકલ્પ પસંદ કરે છે. દરેક વખતે જરૃરી નથી કે લોકો વારંવાર ઘરની જગ્યા બદલતા હોય! વર્ષો સુધી ઘર એક જ જગ્યાએ સ્થિર ગોઠવાયેલું રહે છે. ક્યારેક સ્થાનિક સત્તાધિશોને લાગે કે આવા હોમ્સને તેની જગ્યાએથી ખસેડવા છે તો પછી નવી જગ્યાએ જવાનું થતું હોય છે એ સિવાય તો લોકો એક જ સ્થળે ગોઠવાઈ જતાં હોય છે.
અમેરિકામાં વધુ લોકો મોબાઇલ હોમ્સમાં રહે છે એટલે અમેરિકાની જ વાત આગળ ચલાવીએ તો બીજી એક વાત એ સામે આવી કે દેશના સૌથી વધુ મોબાઇલ હોમ્સ ધરાવતા રાજ્યો જ પાછા ગરીબ રાજ્યોના લિસ્ટમાં પણ સુમાર થાય છે. મોબાઇલ હોમ્સની બાબતમાં ૨૦ પ્રતિશત સાથે પ્રથમ નંબરે આવતું રાજ્ય છે - સાઉથ કેરોલિના. જે દેશના ૧૦ ગરીબ રાજ્યોની યાદીમાં નથી આવતું, પણ તેના પછીના ક્રમે આવતા ન્યુ મેક્સિકો, વેસ્ટ વર્જિનિયા, અલ્બામા જેવા રાજ્યોમાં ૧૦થી ૧૫ ટકા મોબાઇલ હોમ્સ આવેલા છે અને આ તમામનો સમાવેશ ગરીબ રાજ્યોની યાદીમાં થાય છે. એટલું જ નહીં મોબાઇલ હોમ્સની સંખ્યા જ્યાં સૌથી વધુ છે એવા ૧૦ રાજ્યોમાંથી ૮ રાજ્યો દેશના ગરીબ રાજ્યોના લિસ્ટમાં સમાવિષ્ટ છે.
વિશ્વભરમાં મોબાઇલ હોમ્સમાં રહેતા લોકોને આવરીને એક સર્વાગી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમુક બાબતો ઉડીને આંખે વળગે એવી હતી, જે મોબાઇલ હોમ્સ કલ્ચરને સમજવા માટે કદાચ થોડી વધુ મદદ કરી શકે છે. આવા સરનામા વગરના ઘરોમાં રહેતા લોકોમાંથી ૨૩ ટકા લોકો એવા છે જે નિવૃત્ત થઈ ચૂક્યા છે અને માત્ર પતિ-પત્ની એકલા જ રહેતા હોય છે. ફ્લોરિડામાં એક આખી રિટાર્મેન્ટ કોમ્યુનિટી છે જે આવા મોબાઇલ હોમ્સમાં જ રહે છે અને એ એટલા માટે નહીં કે તેઓ ગરીબ છે, બલ્કે એટલા માટે કેમ કે તેમને શહેરથી દૂર શાંતિ મળે તેવા કૂદરતી રહેઠાણોમાં રહેવું છે, મોબાઇલ હોમ્સ તેમને શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. આવા રહેઠાણોમાં રહેતા રહેવાસીઓમાંથી ૫૭ પ્રતિશત લોકો ફૂલ ટાઇમ નોકરી કરે છે, પણ તેની આવક દેશની સરેરાશ આવક કરતા અડધી છે અને એટલે જ કદાચ તે પ્રમાણમાં સસ્તા રહેઠાણમાં રહેવાને પ્રાથમિકતા આપે છે. માત્ર ૪૦ પ્રતિશત લોકો પાસે મોબાઇલ હોમ્સ સહિત તેને પાર્ક કરવા માટેની પોતાની પ્રોપર્ટી હોય છે. એ પણ શહેરથી દૂરના એવા વિસ્તારમાં કે જ્યાં પ્રોપર્ટીના સામાન્ય કરતા ઓછા દામ હોય છે. મોબાઇલ હોમ્સમાં રહેતાં લોકોમાંથી ૪૪ ટકા લોકોની ઉંમર ૩૦ વર્ષ કરતા ઓછી છે. આમાં યુવા કપલ્સની સંખ્યા પણ ખાસ્સી મોટી છે.
'અનનોન વર્લ્ડ ઓફ ધ મોબાઇલ હોમ્સ' નામની બૂકના લેખક અને સંશોધક જ્હોન હાર્ટે આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે '૧૯૯૦માં અમેરિકામાં ચાર લાખ જેટલા મોબાઇલ હોમ્સ હતા અને વિશ્વમાં કદાચ આ સંખ્યા ૮ લાખથી વધુ તો નહોતી જ, પણ ધીરે ધીરે લોકોની જીવન શૈલી બદલાઈ છે, જીવન તરફનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે અને એટલે જ આજે શોખથી કે પછી આર્થિક નબળાઈના કારણે લોકો વધુને વધુ મોબાઇલ હોમ્સમાં રહેવા પ્રેરાયા છે.'
લેખકનું આ કારણ કદાચ સાચુ હોય એમ આજે મોબાઇલ હોમ્સમાં જીવન વીતાવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે યુએસ હાઉસિંગ સોસાયટીમાં ૬.૪ ટકા હિસ્સો તો આવા સરનામા વગરના રહેઠાણોનો છે. આવા રહેઠાણોને શું કહીશું? ગાડીના છેડે લટકતો ધરતીનો છેડો!
કેવા હોય છે મોબાઇલ હોમ્સ? 
મોબાઇલ હોમ્સમાં શું સુવિધા હોય છે અને સામાન્ય રીતે ક્યાં પાર્ક થતાં હોય છે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હરતા ફરતા આ મકાનોમાં સામાન્ય રીતે એક પરંપરાગત ઘરમાં હોવી જોઈએ એવી બધી જ સવલતો ઉપલબ્ધ હોય છે.
૨૫થી ૩૦ ફીટના મોબાઇલ હોમ્સમાં બે બેડરૃમ્સ, કિચન, બાથરૃમ સહિતની સુવિધા ઉપલબ્ધ હોય છે. અમુક મકાનોમાં ઓસરી જેવી જગ્યા બહારથી ગોઠવવામાં આવતી હોય છે. એટલે કે જ્યાં મકાનને પાર્ક કરવામાં આવતા હોય ત્યાં જ બહાર એવી જાળી બંધ બેસાડી દેવામાં આવે છે.

મોબાઇલ હોમ્સની એવરેજ કિંમત આપણા દોઢથી બે લાખ રૃપિયા થવા જાય છે. પછી એમાં થોડી વધુ સવલત જોઈતી હોય તો થોડા મોંઘા મકાનો પણ મળી રહે છે. મોબાઇલ હોમ્સ શહેરથી થોડે દૂરના ગ્રામ્ય વિસ્તારમાંના વિશાળ મેદાનોમાં પાર્ક થતાં હોય છે. ઘરની નીચે ઈંટ ગોઠવીને કે પછી લોખંડના પાયાની મદદથી આ મકાનોને સ્ટેન્ડ કરવામાં આવતા હોય છે. ખાસ કરીને સરકારી મેદાનો મોબાઇલ હોમ્સનો વિસામો બનતા હોય છે. ચર્ચની ખૂલ્લી જગ્યા, ફૂટબોલના મેદાનની ન વપરાતી જગ્યા પણ ઘણી વખત આવા હરતા ફરતા ઘરનું પાર્કિંગ ઝોન બની જાય છે. હવે રહી વાત પાણી અને ઈલેક્ટ્રિસિટીની. મોબાઇલ હોમ્સની કાયદેસર પરમિશન લેવાની હોય છે એટલે પરમિશનની સાથે જ ઈલેક્ટ્રિસિટી અને પાણીના જોડાણોની નજીકમાંથી ક્યાંકથી વ્યવસ્થા થઈ જતી હોય છે.
અમેરિકાની અમુક રાજ્ય સરકારો જ ૨થી લઈને ૫ વર્ષ માટે પાર્કિંગ ઝોનની જગ્યા ભાડે આપે છે એટલે એમાં પાણીની અને ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે.
Sunday 13 October 2013
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -