Posted by : Harsh Meswania Sunday 17 November 2013



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

હમણાં લંડનમાં ૧,૧૧,૬૨,૮૦૦ રૃપિયામાં ગાંધીજીના ચરખાની હરાજી કરવામાં આવી, તો બીજી તરફ જિનિવામાં દુનિયાના સૌથી કિંમતી ગણાતા હીરાની નિલામી થઈ. હજુ આ મહિનામાં જ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના વસીયતની હરાજી પણ પેરિસમાં થવાની છે. થોડા મહિનાઓ પહેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની કવિતાની નિલામી થઈ હતી. દુનિયામાં એન્ટિક અને હિસ્ટોરિકલ ચીજ વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવતા લોકો ઊંચી બોલી લગાવીને જે તે વસ્તુનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરે છે. અહીં કેટલીક એવી હરાજીઓની વાત કરીએ જેની બોલી સૌથી ઊંચી બોલાઈ હોય અને પછી એક રેકોર્ડ કાયમ થયો હોય...

રોમનકાળની મૂર્તિનો ૨૧મી સદીમાં પણ ચળકાટ
૧૯૨૦માં રોમમાં થોડા મજુરો ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે તેને એક મૂર્તિ હાથ લાગી હતી. આ મૂર્તિનો અભ્યાસ કરતા જણાયું કે તે આશરે બે હજાર વર્ષ પુરાણી છે. સદીઓ જૂની હોવાના કારણે બેશક તે કિંમતી હતી, પણ તેની ખરી કિંમત તો છેક ૮૭ વર્ષ બાદ ઉપજી. ખોદકામ કરનારા મજુરોએ સપનામાં પણ વિચારી નહીં હોય એટલી રકમ આ મૂર્તિને ૨૦૦૭માં મળી. જ્યારે તેને હરાજીમાં મૂકવામાં આવી ત્યારે જાણકારોએ આગાહી કરી હતી કે વધી વધીને મૂર્તિની કિંમત ૭ મિલિયન ડોલર આવી શકે, પરંતુ જ્યારે તેની બોલી બોલાઈ ત્યારે એ સાંભળીને આગાહી કરનારાઓની આંખ આશ્ચર્યથી પહોળી રહી ગઈ હતી! ૨૦૦૭માં રોમની આ પુરાણી મૂર્તિના પૂરા ૨૬.૬ મિલિયન ડોલર એટલે કે ૧ અબજ ૮૨ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ ઉપજી હતી. કોઈ મૂર્તિને હરાજીમાં મળેલી આજ સુધીની આ સર્વોચ્ચ કિંમત છે.

૫૦ વર્ષ જૂની કારની કિંમત ૭૭ કરોડ હોય શકે?
૧૯૫૭માં બનેલી અને ૪ વર્ષ સુધી રેસમાં દોડનારી ટેસ્ટા રોસા નામની કાર ૧૯ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગીદાર બની હતી અને એમાંથી ૧૦ વખત તો તે અવ્વલ રહી હતી. બાકીની તમામ રેસમાં ચાર નંબરથી પાછળનો ક્રમ તો ક્યારેય મેળવ્યો ન હતો. આવો રેકોર્ડ હોય તો કાર રેસિંગના શોખીનોને આ કાર ખરીદવામાં કદાચ રસ પડે, પણ તોયે તેની કિંમત ૭૭ કરોડ મળી શકે? હા, મળી શકે. જો તેનું નામ ફેરારી ટેસ્ટા રોસા હોય તો. ઈટાલીના ઓટોમોબાઇલ ડિઝાઇનર સેર્ગિઓ સ્કેગલિટીએ તૈયાર કરેલી આ કારની કિંમત ૨૦૦૯માં એક હરાજીમાં ૭૭ કરોડ રૃપિયા બોલાઈ હતી. એમ મનાય છે કે હવે ફરીથી જો આ કારની નિલામી થાય તો તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૃપિયા તો આવી જ શકે! કારની હરાજી બાબતે તો બીજા ઘણાં આવા જ ઉદાહરણો મળી રહે તેમ છે.

એક ચિત્ર જે ૬૭૩ કરોડમાં વેંચાયું!
પાબ્લો પિકાસોનું એક પેઇન્ટિંગ ન્યૂડ, ગ્રીન લીવ્સ એન્ડ બસ્ટની ૨૦૧૦માં નિલામી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ ચિત્રના ૬૭૩ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. માત્ર ૮ જ મિનિટ ચાલેલી હરાજીનો રેકોર્ડ એ છે કે આજેય તે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રકમ મેળવનારી નિલામી ગણાય છે અને વળી, કોઈ ચિત્રકારના ચિત્રને મળેલી અધિકતમ કિંમતનો રેકોર્ડ તો ખરો જ! ૧૯૩૨માં બનેલા આ ચિત્રની હરાજી ૨૦૧૦માં કરવામાં આવી હતી. ટાઇમ જેવા વિશ્વ પ્રતિષ્ઠિત સામયિકે પણ તેની હરાજીની નોંધ લીધી હતી. મજાની વાત એ છે કે આ પહેલાનો વિક્રમ પણ પાબ્લો પિકાસોના જ એક ચિત્ર બોય વિથ અ પાઇપના નામે હતો. જેને ૨૦૦૪માં થયેલી નિલામીમાં ૬૭૦ કરોડ જેવી માતબર રકમ મળી હતી.

મેરેલિન મનરોના એક ડ્રેસની કિંમત ૮ કરોડ
પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોએ પહેરેલા કપડાની કિંમત ૧૯૯૯માં થયેલી એક હરાજીમાં ૧૨,૦૦૦ ડોલર આંકવામાં આવી હતી. જોકે, પછી હરાજીમાં મનરોના આ એક ડ્રેસ માટે નક્કી કરેલી રકમ કરતા અનેક ગણા વધારે રૃપિયા મળ્યા હતા. આ ડ્રેસ માટે ૮ કરોડ રૃપિયા ચૂકવાયા હતા. મનરોએ આ ડ્રેસ પહેરીને જ કેનેડી માટે હેપી બર્થ ડે સોંગ રજૂ કરીને ડાન્સ પણ કર્યો હતો.

એક વાળની લટના ૭૩ લાખ રૃપિયા
૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં અમેરિકામાં એલ્વિસ પ્રીસ્લી નામના સિંગર અને એક્ટરની ખૂબ જ લોકપ્રિયતા હતી. તેના ગળામાં જેટલો જાદૂ હતો એટલી જ અપિલિંગ તેની હેર સ્ટાઇલ પણ હતી. તેના ચાહકોમાં તે હેર સ્ટાઇલના કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. વાળ માટે સૌથી વધુ કિંમતનો રેકોર્ડ આજે પણ પ્રીસ્લીના નામે છે. ૨૦૦૨માં એલ્વિસ પ્રીસ્લીના વાળની લટની નિલામી થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી ૭૩ કરોડ રૃપિયાની હતી. દુનિયાભરના કોઈ પણ સેલિબ્રિટીના વાળ માટે મળેલી આ આજેય સર્વોચ્ચ કિંમત ગણાય છે.

બિલ ગેટ્સ જેવા ખરીદનારા હોય પછી તો પૂછવુ જ શું?
લિયોનાર્ડો દ વિન્ચીની હસ્તપ્રતોને ૧૯૯૪માં હરાજીમાં મૂકવામાં આવી હતી. કોડેક્ષ હેમર નામથી ઓળખાતી વિન્ચીની ડાયરીની કિંમત બિલ ગેટ્સે બરાબર આંકી હતી. ૭૨ પાનાની આ હસ્તપ્રતો ગેટ્સે લગભગ ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ આપીને ખરીદી લીધી હતી. પછીથી તેની સ્કેન થયેલી નકલ ઈન્ટનેટ પર પણ ઉપલબ્ધ કરાવી હતી.

કિસ્સા કૂર્સી કા : ડ્રેગન આરામ ખુરશીની કિંમત પૂરા ૧૭૮ કરોડ રૃપિયા!
આ ખુરશીની ખાસિયત એ છે કે તેની વિશેષ કોઈ જ ખાસિયત ન હોવા છતાં નિલામીમાં તેના ૧૭૮ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. એ સમયના વિખ્યાત મહિલા આઇરિશ ડિઝાઇનર એલિન ગ્રેએ ડ્રેગન જેવા આકારની આ ચેર ૧૯૧૭થી ૧૯૧૯ દરમિયાન બનાવી હોવાનું કહેવાય છે. અત્યારે તો માર્કેટમાં જાત જાતની અને ભાત-ભાતની ખુરશીઓ મળી રહે છે, પણ જ્યારે આ ખુરશીની ડિઝાઇન બની ત્યારે તે આવી એક માત્ર ચેર હતી. તેનાથી ખુરશીઓની બનાવટમાં એક નવો ટ્રેન્ડ શરૃ થયો હતો. ડ્રેગન આરામ ખુરશીને નિલામીમાં મળેલી આટલી મોટી કિંમત પાછળ નિષ્ણાતો આ કારણને જવાબદાર ગણે છે.

પ્રકૃતિ પ્રેમી અમેરિકન પેઇન્ટર અને લેખક જ્હોન જેમ્સની બૂક 'બર્ડ્સ ઓફ અમેરિકા' પક્ષીઓના સચિત્ર વર્ણનો માટે ખૂબ વખણાયેલી વિશ્વ વિખ્યાત બૂક છે. ૧૮૨૭માં પ્રકાશિત થયેલી આ બૂકની નિલામી ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ બેનમૂન બૂકને હરાજીમાં ૬૩ કરોડ રૃપિયા મળ્યા હતા. એ જ રીતે રોલેક્સે ૧૯૪૨માં બનાવેલી એક ઘડિયાળને ૭૩ કરોડ રૃપિયા જેટલી ઊંચી કિંમત મળી હતી. ૨૦૦૭માં એક વાયોલિનની હરાજી કરવામાં આવી ત્યારે તેની બોલી ૨૫ કરોડ રૃપિયા લગાવાઈ હતી. સાચી કિંમત આંકવામાં આવે તો અમૂલ્ય વસ્તુનું મૂલ્ય આપી પણ શકાય છે અને મેળવી પણ શકાય છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -