Archive for May 2013

નો ટોબેકો : હર ફિક્ર કો ધૂએં મેં ઉડાતા ચલા ગયા!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

બે દિવસ પછી 'વર્લ્ડ નો ટોબેકો ડે' છે. આ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની 'નો ટોબેકો' ઝુંબેશને પણ ૨૫ વર્ષ થશે. 'તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' એવી ચેતવણીઓને તો ધુમાડાના ગોટામાં ઓગાળી દેવામાં આવે છે ત્યારે અહીં ઝુંબેશના અઢી દાયકા બાદ દેશ અને દુનિયામાં તમાકુના ઉત્પાદન-સેવનની સ્થિતિ પર એક નજર કરી લઈએ

સ્પ્રિંગને જેટલી વધારે પ્રેસ કરો એટલી એ વધારે જોરથી ઉછળશે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. આ વાત તમાકુની બાબતમાં ખરેખર બંધબેસતી છે. વિશ્વને એન્ટિ ટોબેકો કરવા માટે જેટલા પ્રયાસો થઈ રહ્યા છે તે બધાને જાણે તમાકુએ એટલા જ જોશથી જવાબ આપવાનું નક્કી કર્યું હોય એમ તેના ચાહકો ઘટવાને બદલે વધી રહ્યા છે. ફિલ્મોમાં ધૂમ્રપાનનાં દૃશ્યો બતાવવા પર પ્રતિબંધ છે, જાહેરાતો કે પ્રમોશન પર પ્રતિબંધ છે. તમાકુના વિરોધમાં અઢળક જાહેરાતો થાય છે, તમાકુ વિરુદ્ધ ચેતવણી છપાય છે છતાં તેની બધી બનાવટ વટથી ખપી જાય છે. તમાકુ બદનામ થઈને પણ નામ કમાય છે! 

વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં વધારો
ડબલ્યુ.એચ.ઓ.ના અભ્યાસ પ્રમાણે ૨૦૦૯માં ૧૨૪ દેશોએ ૪૦ લાખ હેકટર્સ જમીન પર તમાકુનું વાવેતર કર્યું હતું. જેમાંથી આશરે ૭૨ લાખ ટન તમાકુનું ઉત્પાદન થયું હતું. તમાકુની ઝુંબેશની અસર નથી થતી એની સાબિતી જોઈતી હોય તો એ વાત પરથી મળી રહે છે કે ૧૯૭૧માં તમાકુનું કુલ ઉત્પાદન ૪૨ લાખ ટન હતું જે વધીને ૧૯૯૭માં ૫૯ લાખ ટન સુધી પહોંચી ગયું હતું. બધા દેશોને 'તમાકુનું ઉત્પાદન ઘટાડો'નો સતત પોકાર કરવા છતાં ૨૦૧૦ની સ્થિતિ પ્રમાણે વિશ્વમાં ૭૧ લાખ ટન તમાકુનું ઉત્પાદન ૧૨૪ દેશોએ મળીને કર્યું હતું. જેમાં ચીન બાદ તરત જ ભારત પણ બીજો નંબર શોભાવે છે! બ્રાઝિલ, પાકિસ્તાન અને ફિલિપાઇન્સ આ મામલે આગળ પડતું સ્થાન ધરાવે છે.

તમાકુમાં ભારત બે-નંબરી
કુલ ૪૦ લાખ હેકટર્સમાંથી ૨૧ લાખ હેકટર્સ જમીન પર એકલું ચીન વાવેતર કરે છે. ચીન પોપ્યુલેશનની જેમ આ મામલે પણ પહેલા નંબરે આવે છે. ચીનમાં ૨ કરોડ લોકો ટોબેકોના વાવેતર અને ઉત્પાદનમાં જોડાયેલા છે. એટલે કે તમાકુના કુલ ઉત્પાદનમાં ૪૦ ટકા હિસ્સો ચીનનો છે. પછીના ક્રમે ભારત આવે છે. ભારતમાં ૯૬,૮૬૫ રજિસ્ટર થયેલા ખેડૂતો છે જે તમાકુની ખેતી કરે છે અને નોંધાયેલા ન હોય તેવા અલગ. ભારતમાં ૩,૧૨૦ ટોબેકો પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ રજિસ્ટર્ડ થયેલી છે. કુલ ભૂભાગના ૦.૨૫ ટકા હિસ્સો તમાકુના વાવેતરમાં વપરાય છે. ભારતનો ઉત્પાદન હિસ્સો ૧૦.૨ ટકા છે અને અહીંથી ૮૦ દેશોમાં તમાકુની નિકાસ કરવામાં આવે છે. આપણે માત્ર નિકાસ જ નથી કરતા, પરંતુ સેવન કરવામાં પણ આગળ છીએ. ભારતમાં ૨૦ કરોડ લોકો એક યા બીજા પ્રકારે તમાકુનું સેવન કરે છે. બીડી વાટે તમાકુ લેતા લોકોની સંખ્યા ખાસ્સી મોટી છે. ૨૦ કરોડમાંથી ૧૦ કરોડ કરતાં પણ વધુ લોકો બીડી મારફત તમાકુ સેવે છે. વિશ્વમાં તમાકુનું સેવન કરતા લોકો પૈકી ૮૫ ટકા લોકો સિગારેટ પીએ છે.

ગુજરાતમાં ગુટકા પર પ્રતિબંધ, તમાકુનું ધૂમ વાવેતર
ગુજરાતમાં ગુટકા પર પ્રતિબંધ છે, પણ તમાકુના ઉત્પાદનમાં આપણે ભારતમાં મહત્ત્વનું સ્થાન ધરાવીએ છીએ. હા, ચાલુ વર્ષે જે ઉત્પાદન થયું છે તે પ્રમાણમાં ગત વર્ષોની તુલનાએ થોડું ઓછું જરૂર છે. ૨૦૧૨-૧૩ની સીઝન માટે ગુજરાતમાં ૮૫,૪૦૦ હેકટર્સમાં તમાકુનું વાવેતર થયું છે. ગત વર્ષે ૯૫,૪૦૦ હેકટર્સમાં વાવેતર થયું છે એ રીતે જોઈએ તો થોડો ઘટાડો નોંધાયો છે. જોકે, ૨૦૧૦ની તુલનાએ વાવેતરમાં ખાસ્સો એટલે કે ૨૦ હજાર હેકટર્સનો વધારો થયો છે. જ્યારે 'નો ટોબેકો'ની ઝુંબેશ પૂરજોશમાં ચાલતી હતી તે દરમિયાન એટલે કે ૧૯૯૨-૯૩માં આપણા રાજ્યમાં વાવેતર પણ પૂરજોશમાં હતું. ૧૯૯૨ના વર્ષમાં ગુજરાતમાં ૧,૩૯,૧૦૦ હેકટર્સમાં તમાકુનું વાવેતર થયું હતું અને ૨,૫૧,૬૦૦ મેટ્રિક ટનનું ઉત્પાદન પણ થયું હતું. આણંદ તમાકુના વાવેતરમાં હબ ગણાય છે. ૫૭,૪૦૦ હેકટર્સનું વાવેતર તો એકલા આણંદ વિસ્તારમાં થાય છે. એ પછી ખેડા અને મહેસાણાને મૂકી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો તમાકુના વાવેતરમાં ઉમળકો દાખવતા નથી. ભારતના કુલ ૪ લાખ હેકટર્સ જેટલા ભૂભાગમાંથી આપણા રાજ્યનો હિસ્સો જ એકાદ લાખ આસપાસ હોય છે. એના પરથી કલ્પી શકાય કે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે! ૨૫-૨૫ વર્ષથી પ્રયાસો હાથ ધરવા છતાં નો ટોબેકોની ઝુંબેશને ધારી સફળતા અપાવવામાં ડબલ્યુ.એચ.ઓ.ને પણ નાકે દમ આવી ગયો છે. આ સ્થિતિ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં વિશ્વને ટોબેકોના વ્યસનથી મુક્ત કરવું મુશ્કેલ છે. મંઝિલ અભી બહોત દૂર હૈ મેરે દોસ્ત!

* કેન્સર જેવા ગંભીર રોગ માટે મુખ્ય કારણ મનાતા તમાકુથી ૨૦મી સદીમાં ૧૦ કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

* ભારતમાં જાફરાની જર્દા કહેવાતી તમાકુનો કિલોનો ભાવ રૂપિયા ૧,૨૦૦થી ૧,૫૦૦ સુધીનો હોય છે. દેશી પત્તીનો કિલોનો ભાવ માત્ર રૂપિયા ૧૦૦ જેટલો હોય છે. આટલો તફાવત છતાં જાફરાની જર્દાનું વેચાણ સતત વધી રહ્યું છે.

* ભારતમાં ૩૫ ટકા લોકો તમાકુનું વ્યસન માત્ર ૧૫ વર્ષથી નીચેની વયે શરૂ કરી દે છે.

* અત્યારે વર્ષે ૫૦ લાખ લોકોનાં મોતનું કારણ તમાકુ બને છે. એમાં પણ આપણા દેશના ૧૦ લાખ લોકો તમાકુના સેવનથી મોતને ભેટે છે.

Wednesday 29 May 2013
Posted by Harsh Meswania

પોખરણઃ ધાકના ચાર દાયકા


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ભારતે પોખરણમાં પહેલી વખત પરમાણુધડાકો કરીને વિશ્વને ચોંકાવી દીધું. એને ગત સપ્તાહે ૪૦મું વર્ષ બેઠું. બીજી વાર પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એને પણ આ મહિને ૧૫ વર્ષ પૂર્ણ થયાં. સ્માઇલિંગ બુદ્ધા અને ઓપરેશન શક્તિ-૯૮ દરમિયાન કરેલા શક્તિ પ્રપાતનો ભવ્ય ભૂતકાળ અહીં વાગોળી લઈએ...

બે દિવસ પછી બુદ્ધ જયંતી છે. બરાબર ૩૯ વર્ષ પહેલાં બુદ્ધ જયંતીએ જ ભારત વિશ્વનો પરમાણુશક્તિથી સજ્જ એવો માત્ર છઠ્ઠો દેશ બન્યો હતો. આમ તો ભારતે પરમાણુ પરીક્ષણના પ્રયોગો માટે પ્રયાસો છેક ૧૯૪પ આસપાસથી આદર્યા હતા. હોમી ભાભાએ સ્થાપેલી 'ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' નામની વૈજ્ઞાનિક સંસ્થા આ માટે કાર્ય કરતી હતી. આઝાદી પછી પરમાણુશક્તિ માટે વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરાયા અને આખા કાર્યક્રમને એટોમિક એનર્જી એક્ટ-૧૯૪૮ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જોકે, વર્ષો સુધી પ્રયોગો કર્યા બાદ ભારતને સૌપ્રથમ વાર ધમાકેદાર સફળતા પોખરણ-૧ પરીક્ષણમાં મળી હતી. આ આખો પ્રોજેક્ટ 'સ્માઇલિંગ બુદ્ધા' તરીકે જાણીતો થયો હતો. બીજું પરીક્ષણ 'ઓપરેશન શક્તિ' ૧૯૯૮માં કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષણો વિશે થોડી સમાનતા પણ હતી. બંને વખતે બુદ્ધ જયંતી જ હતી, બંને પરીક્ષણો પોખરણ રેન્જમાં જ કરવામાં આવ્યાં હતાં. પરીક્ષણ માટે પોખરણ શા માટે પસંદ કરાયું તે પણ રસપ્રદ છે.

પરમાણુ પરીક્ષણ માટે અને એમાંય ખાસ કરીને અન્ડરગ્રાઉન્ડ પરમાણુપ્રયોગ કરવાનો હોય ત્યારે જમીનમાં પાણીનું તળ જેટલું ઊંચું હોય એટલો રેડિએશન ફેલાવાનો ખતરો વધી જાય છે. પોખરણમાં (સ્થાનિક લોકો આ સ્થળને પોકરણ પણ કહે છે) પાણીની વિકટ તંગી છે. પોખરણની આસપાસના ૫૦ ચોરસ કિલોમીટર સુધી સ્થિતિ એવી છે કે ૨૦૦૦ મીટર ઊંડે સુધી પાણી નથી હોતું. ખેતોલિયા, ભાણિયાના, દન્તાલ, ઉજાલા, નાનીયાર, નચાલતા વગેરે પાણીવિહોણાં ગામડાંઓ છે. આ ગામડાંઓમાં પાણી લાઠીથી પહોંચાડવામાં આવે છે. જ્યારે પહેલી વખત પરમાણુ પરીક્ષણ માટે સ્માઇલિંગ બુદ્ધા પ્રોજેક્ટ હેઠળ પરમાણુ પરીક્ષણ કરવાની વાત આવી ત્યારે એવી જગ્યાની તલાશ શરૂ કરવામાં આવી કે જ્યાં ભૂતળ ખૂબ ઊંડું હોય. સંશોધનને અંતે લોહારકી નામના ગામની આસપાસની જગ્યાને પ્રયોગ માટે પસંદ કરવામાં આવી. આ જ ગણિત ૨૫ વર્ષ પછી ૧૯૯૮ના પરીક્ષણ વખતે પણ કામે લગાડવામાં આવ્યું હતું. પ્રથમ પરીક્ષણની નજીકનું જ સ્થળ એટલે કે ખેતોલિયા ગામ. આ ગામની બાજુમાં ઊંડા ભૂતળનો તર્ક લગાવીને જ બીજું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૮ના પરીક્ષણ પછી સ્થાનિક લોકોએ એ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે ધડાકાનું સ્થળ માત્ર ૩ કિલોમીટરના અંતરે હોવા છતાં છેલ્લી ઘડી સુધી તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. આ મુદ્દે વિવાદ પણ થયો હતો.

બંને પરીક્ષણોથી દેશ બન્યો મજબૂત
દુનિયાના મહત્ત્વના દેશોએ ભારતનાં આ બંને પરીક્ષણોને ખૂબ ગંભીરતાથી લીધાં હતાં. ખાસ કરીને આપણા પાડોશી દેશ પાકિસ્તાને બંને વખતે ઉગ્ર પ્રતિઘાતો આપ્યા હતા. બંને વડાપ્રધાનોની જાહેર ઇમેજ વધુ મજબૂત કરવામાં અને ચૂંટણીમાં પક્ષનો દેખાવ સંગીન કરવામાં આ પરીક્ષણો મહત્ત્વનાં રહ્યાં હતાં એમ પણ વ્યાપક રીતે મનાય છે.

ઇન્દિરાજીની ઇમેજ બની પોલાદી
૧૮ મે, ૧૯૭૪ના દિવસે સવારે ૮.૦૫ મિનિટે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એ સાથે ભારતનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ જાહેરાત કરી કે આ શક્તિ પ્રદર્શન નહોતું, પણ શાંતિપૂર્વકનું પરીક્ષણ જ હતું. જોકે, પાકિસ્તાન સામે ભારતે ૧૯૭૧માં ખેલેલા જંગ બાદ આ પરીક્ષણને વિશ્વભરમાં ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. આ ઘટનાની દૂરગામી અસરોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધ બાદ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની લોખંડી મહિલા તરીકેની ઇમેજ વધુ મજબૂત બની હતી.

વાજપેયીને ફરી સત્તાનો સરપાવ
૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે બીજી વખત પોખરણમાં પરમાણુપ્રયોગ કર્યો. એક સાથે ૫ ધડાકા કરીને ખરેખર જ 'ઓપરેશન શક્તિ-૯૮' નામ પ્રમાણે ભારતે શક્તિપ્રદર્શન કરીને વિશ્વને અચંબામાં પાડી દીધું. રશિયા અને ફ્રાન્સે ભારતના આ શક્તિ પ્રદર્શનનું સમર્થન કર્યું, પણ અમેરિકા, કેનેડા, જાપાન, પાકિસ્તાન અને બ્રિટન સહિતના યુરોપિયન યુનિયનમાંથી વિરોધનો ગણગણાટ પણ થયો હતો અને ભારત પર આર્થિક પ્રતિબંધ લદાયા હતા. ૧૯૯૯ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ફરીથી ભારતીય જનતા પક્ષે કેન્દ્રમાં સત્તા મેળવી એ પાછળ પણ આ પરીક્ષણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.

પાકિસ્તાનની પ્રતિસ્પર્ધા
ભારતે ૧૯૯૮માં પરીક્ષણ કર્યા પછીના સપ્તાહે જ પાકિસ્તાને પણ રાતોરાત પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યાર પછી ભારત-પાક વચ્ચે કારગિલ યુદ્ધ થયેલું, જેમાં સામસામા પરમાણુ હુમલાને ટાળવાની વૈશ્વિક પહેલ થઈ હતી.

પરમાણુસત્તા તરીકે ધાક
આ બંને શક્તિ પ્રદર્શનો પછી વાંધાવિરોધ છતાં ભારતનો પરમાણુ સત્તા તરીકે સ્વીકાર થયો હતો અને દેશની ધાક વધી છે. પરીક્ષણ કરીને ભારતે પૈસાનું પાણી કર્યું એમ પણ કહેવાવાળા કહેતા હતા, પણ આ પરીક્ષણોથી ભારત એક બળુકા રાષ્ટ્ર તરીકે ઊભર્યું એ કંઈ નાનીસૂની સિદ્ધિ તો ન જ કહેવાય!  
Wednesday 22 May 2013
Posted by Harsh Meswania

મરણપથારીએ પડેલાં મમીની માવજત થશે?


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

લખનૌના નેશનલ મ્યુઝિયમના મમીને કોહવાટ લાગી ગયો છે એવી જાહેરાત ખુદ નેશનલ મ્યુઝિયમના સત્તાવાળાઓએ કરી છે. લખનૌ ઉપરાંત પણ દેશમાં ક્યાંય મમી છે? જો છે, તો દેશમાં મમીનું આગમન ક્યારે થયું હતું? અત્યારે કયાં કયાં મ્યુઝિયમમાં કેટલાં મમી છે? ઇજિપ્તથી સૌપ્રથમ મમી કોણ લઈ આવ્યું હતું?

લખનૌના નેશનલ મ્યુઝિયમમાં ગરમીને કારણે ૩૦૦૦ વર્ષ જૂનાં મમીની હાલત ખરાબ છે એવી જાહેરાત થઈ એટલે દેશમાં અન્ય સ્થળોએ રહેલાં મમીના હાલ શું છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પ્રાચીન ઇજિપ્તમાં શબને સાચવવાની જે પદ્ધતિ હતી તે આજેય અજોડ છે અને એટલા માટે મમી અત્યારે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. જોકે, હવે મમીને જોવા માટે છેક ઇજિપ્ત જ જવું પડે એવું નથી, કેમ કે વિશ્વભરમાં ઇજિપ્તનાં મમીનાં પ્રદર્શનો યોજાતાં રહે છે અને હવે તો લગભગ તમામ દેશો પાસે પોતાના સંગ્રહાલયમાં એટલિસ્ટ એક મમી તો હશે. ભારતનાં અમુક સંગ્રહાલયોમાં પણ થોડાં મમી છેલ્લા દોઢ-બે સૈકાથી છે. પહેલાં તે રાજા-મહારાજાઓના અંગત સંગ્રહાલયમાં શોભા વધારતાં હતાં, પણ હવે તો દેશના પ્રવાસીઓ પણ મમીને સરળતાથી જોઈ શકે છે.

મમીને ભારતમાં કોણ લાવ્યું હતું?
 ઇજિપ્તના મમીને સૌપ્રથમ ભારત લઈ આવનારું નામ એટલે જયપુરના મહારાણા સવાઈ રામસિંહ. જયપુરના રાજવીએ તેમના અંગત સંગ્રહાલયની શાન વધારવા માટે ૧૮૮૬-૮૭ની આસપાસ પહેલી વખત ઇજિપ્તના મમીનો ભારતમાં પ્રવેશ કરાવ્યો હતો. લગભગ આ જ સમયગાળામાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પણ પોતાના રાજ્યમાં નવા બનેલા મ્યુઝિયમ માટે ઇજિપ્તથી મમીને ખરીદ્યું હતું. મમીને ભારતમાં લઈ આવનારા બીજા એક રાજા એટલે હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઓસમાન અલી ખાન. આ નિઝામે પછીથી હૈદરાબાદના મ્યુઝિયમને પોતાના અંગત સગ્રહાલયમાં રહેલું મમી દાનમાં આપી દીધું હતું. આ મમી સૌથી કીમતી હોવાનું કહેવાય છે, કેમ કે હૈદરાબાદના મ્યુઝિયમમાં રહેલું મમી ઇજિપ્તના છઠ્ઠા ફેરોની પુત્રીનું હોવાનું મનાય છે.

ભારતમાં કેટલાં મમી છે?
ભારતનાં ૬ નેશનલ મ્યુઝિયમની શોભામાં મમી અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. લખનૌ મ્યુઝિયમના એક અધિકારી અજય ચૌધરીએ ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે કુલ ૬ મ્યુઝિયમ જેવાં કે લખનૌ, હૈદરાબાદ, વડોદરા, કોલકાતા, જયપુર અને મુંબઈમાં મમી રાખવામાં આવ્યાં છે. કોલકાતામાં બે મમી છે જ્યારે અન્ય તમામ સ્થળોએ એક-એક મમી છે. એ રીતે ભારતભરમાં કુલ ૭ મમી છે. આ સિવાય થોડા સમય પહેલાં લંડન મ્યુઝિયમના મમીનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયમાં પ્રદર્શન યોજાયું હતું, જે દેશમાં યોજાયેલું સૌથી મોટું મમી પ્રદર્શન હતું.

ભારતમાં મમીની હાલત અંગે ઇજિપ્તના નિષ્ણાતો શું માને છે?
વિશ્વભરમાં જ્યાં જ્યાં ઇજિપ્તનાં મમી રાખવામાં આવ્યાં છે તે તમામ સ્થળો પર ઇજિપ્ત સરકાર દ્વારા નિમાયેલા સભ્યો દેખરેખ રાખે છે. લખનૌ મ્યુઝિયમના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે મ્યુઝિયમમાં રહેલાં મમીની હાલત જો વધુ ખરાબ થાય કે તેની સાચવણી શક્ય ન બને તો તેની માહિતી ઇજિપ્તના સાંસ્કૃતિક મંત્રાલયને કરવાની હોય છે. ઇજિપ્તની સરકાર તેની સાચવણીમાં મદદરૂપ બને છે. એટલું જ નહીં, થોડા થોડા સમયે મમી કેર એક્સપર્ટ ટીમ વિવિધ દેશોનો પ્રવાસ કરીને મમીની સ્થિતિનો ક્યાસ કાઢે છે. થોડાં વર્ષો પહેલાં ઇજિપ્ત મ્યુઝિયમના ડિરેક્ટર ડો. નસરી યૂસુફ ઇસ્કંદરે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતસ્થિત તમામ સાતેય મમીનું જાતનિરીક્ષણ કરીને પોતાનો મત આપ્યો હતો કે આ તમામ મમીને થોડી વધુ કાળજીની જરૂર છે. તેમણે તો ભારતના મ્યુઝિયમ સત્તાધિશોને એવી સલાહ પણ આપી હતી કે ભારતનાં તમામ મમીને ઇજિપ્તના એક્સપર્ટની એડવાઇઝ (ઇજિપ્તમાં એવા નિષ્ણાતોને તૈયાર કરવામાં આવે છે, જે પોતાના દેશની ઓળખસમાં મમીની યોગ્ય જાળવણી કરી શકે.) મળી રહે તેવી કશીક ગોઠવણ કરવી જોઈએ. ઇસ્કંદરે થોડાં વર્ષો પહેલાં જે સલાહ આપી હતી તેને જો આપણે ગંભીરતાથી લીધી હોત તો કદાચ લખનૌના મમીની હાલત આટલી ગંભીર ન થાત. આશા રાખીએ કે દેશના અન્ય છ મમીની જાળવણીમાં ઇજિપ્તના મ્યુઝિયમ ડિરેક્ટરની પેલી સલાહને અવગણવાને બદલે અનુસરવામાં આવે!

ગુજરાતમાં એકમાત્ર મમી ક્યાં અને કેવી હાલતમાં છે?
ગુજરાતમાં એકમાત્ર મમી 'બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી' વડોદરામાં છે, જે મુલાકાતીઓ માટે હંમેશાં ડિસ્પ્લેમાં રાખવામાં આવે છે. આ સંગ્રહાલય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૮૮૭માં બનાવ્યું હતું. ઇજિપ્તથી મમી મહારાજાએ જ ખરીદીને આ સંગ્રહાલયમાં રખાવ્યું હતું. મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલના જણાવવા પ્રમાણે આ મમીની અત્યારની સ્થિતિ એકદમ સારી છે. છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં જ્યારે ઇજિપ્તના એક્સપર્ટ મમીની હાલત જોવા ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મમીની દેખરેખથી સંતોષ વ્યક્ત કર્યો હતો. મમીની રોજિંદી સ્થિતિ મ્યુઝિયમના કેમિસ્ટ તપાસે છે. મુલાકાતીઓ અને મમી વચ્ચે યોગ્ય અંતર જળવાય એની પણ કાળજી રાખવામાં આવે છે. મ્યુઝિયમના કેમિસ્ટ ડો. યજ્ઞોશ દવેએ જણાવ્યું હતું કે, 'કાચની પેટી આસપાસ થોડા થોડા સમયે કેમિકલની પ્રોસેસ કરવામાં આવે છે, જેથી મમી પર બાહ્ય વાતાવરણની અસર ન થાય.' એટલે કે આશરે ૧૨૫ વર્ષથી આ મ્યુઝિયમમાં રહેલા ગુજરાતના એકમાત્ર મમીની અત્યારની હાલત લખનૌની ગરમીથી ત્રસ્ત મમી જેવી નથી.
Wednesday 15 May 2013
Posted by Harsh Meswania

કઈ રીતે બન્યું હતું વિશ્વનું સૌપ્રથમ વેબ પેજ?


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પ્રથમ વેબ પેજ ક્રિએટ થયું હતું એને ૨૦ વર્ષ થયાં. ઈન્ટરનેટની શરૂઆત તો જોકે એ પહેલાં જ થઈ ગઈ હતી, પણ wwwની શોધ થઈ એ પછી સમગ્ર દુનિયા ઇન્ટરનેટના એક તાંતણે બંધાઈ ગઈ. પ્રથમ વેબ પેજ ક્યાં, કઈ રીતે અને કોણે બનાવ્યું હતું?

૩૦મી એપ્રિલે wwwની શોધ લોકભોગ્ય બની હતી. આ વાતને વીતેલા સપ્તાહે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. આ ઐતિહાસિક ઘટનાના માનમાં વિશ્વનું એ સૌપ્રથમ વેબ પેજ ફરીથી ક્રિએટ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ઈન્ટરનેટની શોધ ૨૦મી સદીની સૌથી ક્રાંતિકારી શોધ પૈકીની એક હતી. આ શોધ પછીથી જગતને એક તાંતણે બાંધવામાં કારણભૂત બનવાની હતી.

સમય હતો ૧૯૮૫ આસપાસનો. પરમાણુને લગતાં સંશોધનો માટે પ્રખ્યાત સંસ્થા સીઈઆરએન (ધ યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ)માં એક યુવાન કમ્પ્યુટર એડવાઇઝર તરીકે કામ કરતો હતો. તેનું મુખ્ય કામ હતું અલગ અલગ કમ્પ્યુટરમાં જુદા જુદા સંશોધકોની જે માહિતી એકત્ર થયેલી હોય તેને જરૂરિયાત પ્રમાણે અન્ય લોકો સુધી પહોંચતી કરવી. આ સિવાય સંસ્થામાં કમ્પ્યુટરને લગતી બાબતો તેના દેખરેખ હેઠળ ચાલતી હતી. આ યુવાનને એક દિવસ વિચાર આવ્યો કે દરરોજ આ રીતે માહિતીની હેરફેર કરવાને બદલે એવી કશીક વ્યવસ્થા કરવામાં આવે કે જેનાથી આ સંશોધકોનું કામ પણ સરળ થાય અને પોતાના શિરે આવતી આ હેરફેરની પળોજણમાંથી મુક્ત થવાય. તેણે એવું કશુંક કરવાનો નિર્ધાર કર્યો. સીઈઆરએનમાં પોતાને સોંપાયેલા કામ ઉપરાંત આ યુવાન એવા કામમાં લાગ્યો કે જે સીઈઆરએનની લેબોરેટરીનાં તમામ કમ્પ્યુટર્સને જોડી શકે. કલાકો, દિવસો, મહિનાઓ અને વર્ષોની મહેનત રંગ લાવી અને ૧૩ માર્ચ, ૧૯૮૯માં આ યુવાને સૌપ્રથમ વખત સીઈઆરએનમાં કાર્યરત તમામ કમ્પ્યુટર્સને હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (એચટીટીપી)ની એક સાંકળથી બાંધી દીધા. ત્યારે જોકે આ યુવાનને પણ ખબર નહોતી કે તેની આ શોધ એક દિવસ આખા વિશ્વને એકસૂત્રતાના બંધને બાંધી દેશે.

આ ઘટનાના બરાબર એક દશકા પછી 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૧૯૯૯માં બ્રિટિશ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ટીમ બર્નર્સ લીને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા. ટાઇમે ૨૦મી સદીના ૨૦ 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પીપલ'ની યાદી પણ બહાર પાડી, જેમાં ટીમ બર્નર્સ લીનો સમાવેશ કરવામાં આવ્યો. ટાઇમે ટીમ બર્નર્સ લીને કેમ આવું સન્માન આપ્યું એના ડિસ્ક્રિપ્શનમાં લખેલું હતું. 'જગતને www ની ભેટ ધરીને વિશ્વના અલગ-અલગ પ્રાંતના, અલગ અલગ પશ્ચાદભૂમિ ધરાવતા, અલગ અલગ કલ્ચર ધરાવતા, અલગ અલગ ભાષા ધરાવતા અસંખ્ય લોકો વચ્ચે એક સેતુ રચી આપનારા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ.'

યસ, આ એ જ પેલો યુવાન હતો જેણે સીઈઆરએનની લેબોરેટરીમાં કાર્યરત તમામ કમ્પ્યુટરને જોડી દીધાં હતાં. આ કામમાં ટીમ બર્નર્સ લીના બીજા પણ બે સાથીદારો હતા. જેમાંના એક એટલે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ બેન સેગલ કે જે આખા પ્રોજેક્ટના પરામર્શક હતા અને બીજા રોબર્ટ કેલીલુ કે જેમણે પ્રોજેક્ટમાં ટેકનિકલ સહયોગ આપ્યો હતો. આજે કોઈ એક જગ્યાએથી કોઈ પણ દેશની, કોઈ પણ ક્ષેત્રની માહિતી એક ક્લિકમાં મેળવી શકીએ છીએ. જે માહિતી મેળવતા દિવસો લાગતા હતા તે કામ હવે સેકન્ડોમાં થઈ જાય છે તો એમાં લીની આ શોધ જવાબદાર છે. સોશિયલ મીડિયા, બ્લોગિંગ, ર્સિંફગ અને ઈન્ફર્મેશનનો સંયોગ રચવામાં wwwનો આવિષ્કાર સીમાચિહ્નરૂપ બન્યો હતો.

ટીમ બર્નર્સ લીની આ શોધ પર શરૂઆતમાં સીઈઆરએનનો ઈજારો રહ્યો હતો. આ સંશોધન સંસ્થા પોતાના ઈન્ટરનલ ઉપયોગ માટે જ લીની આ તકનીકનો ઉપયોગ કરતી હતી. લીના પ્રયાસોથી અંતે ૩૦ એપ્રિલ, ૧૯૯૩ના રોજ સમગ્ર વિશ્વ માટે સીઈઆરએન દ્વારા આ તકનીકને પોતાના ઈજારામાંથી મુક્ત કરવામાં આવી હતી અને ત્યારથી જગત ભરની માહિતી યુઆરએલ (યુનિફોર્મ, રિસોર્સ લોકેટર) મારફતે આપણા સુધી પહોંચતી થઈ ગઈ. આજે ઈન્ટરનેટે આ વિશાળ દુનિયાને પોતાના બાહુપાશમાં લઈ લીધી છે.


ઈન્ટરનેટ પરથી મળેલી ઈન્ટરનેટ પરની માહિતી

* ૧૯૯૨ સુધી આખા વિશ્વમાં માત્ર ૨૬ વેબ સર્વર હતાં જે www લોકભોગ્ય બન્યા પછી ઓક્ટોબર, ૧૯૯૩માં ૨૦૦ જેટલાં થઈ ગયાં હતાં.

* અત્યારે એક દિવસમાં આખા વિશ્વના ૩૦ કરોડ લોકો ઓનલાઇન થાય છે. કુલ ઈન્ટરનેટ વપરાશકર્તા છે ૨૫૦ કરોડ લોકો. જેમાં એશિયા ૪૪ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવી જાય છે.

* આ ઈન્ટરનેટ પર મુકાયેલી સૌપ્રથમ તસવીર હતી. સીઈઆરએનમાં ટીમ બર્નર્સ લી સાથે કામ કરતી ચાર યુવતીઓની તસવીર ખુદ ટીમે પહેલી વખત પ્રયોગ માટે ઈન્ટરનેટમાં અપલોડ કરી હતી.

* ઈન્ટરનેટ વપરાશકર્તામાંથી ૬૫ ટકા પુરુષો મહિલાઓની નગ્ન તસવીરો જુએ છે. કુલ યુઝર્સના ત્રીજા ભાગના લોકો માત્ર પોર્નોગ્રાફી જોવા માટે જ ઓનલાઇન થાય છે.

* ૨૦૧૦માં આશરે ૧ કરોડ ૨૦ લાખ જેટલી વેબસાઈટ્સ હતી અને હજુ એમાં સતત વધારો નોંધાતો જાય છે.

Wednesday 8 May 2013
Posted by Harsh Meswania

ઇન્ડિયન સિનેમા : અરાઉન્ડ ધ વર્લ્ડ



સિનેમા-સન્માન - હર્ષ મેસવાણિયા

સિનેમા સાથે સંકળાયેલા દરેકનું સ્વપ્ન ઓસ્કર સુધી પહોંચવાનું હોય છે. જોકે, ઓસ્કર ઉપરાંત પણ સિનેમામાં મહત્ત્વનાં સન્માનો મળે છે. સો વર્ષની અણનમ ઇનિંગ્સમાં ભારતીય સિનેમાએ ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવ્યાં છે

ભારતીય સિનેમાએ એક સૈકો પૂર્યો કર્યો, પણ ફિલ્મ માટે સર્વોચ્ચ ગણાય એવો ઓસ્કર એવોર્ડ નથી મેળવી શક્યા, છતાં પણ ભારતીય સિનેમાને વૈશ્વિક ફલક પર ઓળખ જરૂર મળી છે. આપણી કેટકેટલી ફિલ્મો અને કેટકેટલા કસબીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આપણું તીર સીધું નિશાન ભેદી શક્યું નથી, એમ કહેવાને બદલે આપણે નિશાન ભેદવાની આસપાસ તો જરૂર પહોંચી શક્યા છીએ એમ કહેવું વધારે યોગ્ય રહેશે.

શરૂઆત કરીએ ઓસ્કરથી. ભારત અને ઓસ્કરનો સંબંધ આમ તો છેક ૧૯૫૭થી બંધાયો હતો. 'મધર ઇન્ડિયા'ને શ્રેષ્ઠ વિદેશી કેટેગરીમાં નોમિનેશન મળ્યું ત્યારથી લઈને છેક 'બરફી' સુધીમાં આપણે ૪૫ ફિલ્મો ઓસ્કરની રેસમાં મોકલી છે, જેમાંથી 'મધર ઇન્ડિયા' (૧૯૫૭), 'સલામ બોમ્બે' (૧૯૮૮) અને 'લગાન' (૨૦૦૧) વિદેશી કેટેગરીની શ્રેષ્ઠ ફિલ્મમાં નોમિનેશન મેળવી શકી હતી. આ સિવાય શોર્ટ ફિલ્મોના ઇતિહાસમાં પણ ભારતે નોંધપાત્ર નોમિનેશન્સ મેળવ્યાંં છે. જેમ કે, ફેશન ડિઝાઇનર રીતુકુમારના પુત્ર અશ્વિન કુમારે બનાવેલી શોર્ટ ફિલ્મ 'લિટલ ટેરરિસ્ટ' અને વિધુ વિનોદ ચોપરાની શોર્ટ ફિલ્મ 'એન એન્કાઉન્ટર વિથ ફેસીસ'ને ૧૯૮૦માં નોમિનેશન મળ્યું હતું. આ થઈ ફિલ્મોની વાત, પણ જો ભારતીય કલાકારોની વાત કરવામાં આવે તો ઓસ્કરમાં આપણું સ્થાન પ્રતિષ્ઠિત તો રહ્યું જ છે. પ્રથમ વ્યક્તિગત ઓસ્કર વિનર હતા ભાનુ અથૈયા. તેમને ૧૯૮૨માં રિચાર્ડ એટનબરોની 'ગાંધી' ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો. તેના બરાબર એક દાયકા પછી ભારતના અગ્રણી ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રેને ૧૯૯૨માં લાઇફટાઇમ અચિવમેન્ટ ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અલબત્ત, ૨૦૦૮માં ભારતે ત્રણ-ત્રણ ઓસ્કર મેળવીને જગતભરમાં પોતાની નોંધ લેવડાવી હતી. બ્રિટિશ ફિલ્મ દિગ્દર્શક ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મના 'જય હો' ગીતની ધૂન બનાવવા માટે સંગીતકાર એ. આર રહેમાનને અને ગીતકાર ગુલઝારને ઓસ્કર મળ્યો હતો, તો આ જ ફિલ્મમાં બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ કરવા બદલ રસુલ પુકુટ્ટીએ પણ ઓસ્કર મેળવ્યો હતો.

વિશ્વ સિનેમામાં અન્ય ગણનાપાત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભારતીય ફિલ્મોએ કાઠું કાઢયું છે. ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મો છવાયેલી રહી છે. બિમલ રોયની 'દો બીઘા જમીન', સત્યજિત રેની 'પાથેર પાંચાલી', વી. શાંતારામની 'અમર ભોપાલી', મૃણાલ સેનની 'ખરીજ' ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આ સિવાય 'સંત તુકારામ', સત્યજિત રેની 'અપરાજિતા', કેદાર શર્માની 'જલદીપ' અને મૃણાલ સેનની 'ચલચિત્ર' વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઝળકી હતી. રાજ કપૂરની 'આવારા' અને 'બૂટ પોલિશ' ફિલ્મોએ કાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત આવે ત્યારે ઐશ્વર્યાનો ઉલ્લેખ ન થાય તો વાત અધૂરી રહી ગણાય! ઐશ્વર્યા માટે છેલ્લાં ૧૧ વર્ષથી કાનમાં લાલ જાજમ બિછાવવામાં આવે છે. ઐશ્વર્યા રાય ભારતની એકમાત્ર એવી અભિનેત્રી છે જે એક દશકાથી કાનનું નિમંત્રણ મેળવે છે. જોકે નંદિતા દાસથી વિદ્યા બાલન સુધી ઘણાને કાનના જ્યુરી મેમ્બર બનવાનું સન્માન મળ્યું છે.

બચ્ચન પરિવારના બે સભ્યો અમિતાભ અને ઐશ્વર્યા રાય-બચ્ચનની વૈશ્વિક સ્તરે ખાસ્સી નોંધ લેવાઈ છે. લંડનસ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાન મેળવનારા પહેલા ભારતીય ફિલ્મ કલાકાર એટલે અમિતાભ બચ્ચન. એ પછી ઐશ્વર્યા રાય-બચ્ચનની પણ મીણની પ્રતિમા આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ સિવાય માધુરી દીક્ષિત, રિતિક રોશન, સલમાન ખાન, શાહરુખ ખાન અને છેલ્લે કરિના કપૂર સુધીના કલાકારોનાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં પૂતળાં બન્યાં છે.

'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનના કવરપેજ પર ચમકવાનું સૌભાગ્ય પણ ભારતીય સિને કલાકારોને સાંપડયું છે. પરવીન બાબી, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને છેલ્લે આમિર ખાને 'ટાઇમ'ના કવરપેજ પર સ્થાન મેળવ્યું છે. આમિર ખાને તો વૈશ્વિક સ્તરે પોતાની એક આગવી ભાત પાડી છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આમિરને મળીને બ્રિટનમાં પોતાના મહેમાન બનવાનું આમંત્રણ પાઠવ્યું હતું. વિશ્વના એક મહત્ત્વના દેશના વડાપ્રધાન ભારતના અભિનેતાના સામાજિક કામથી પ્રભાવિત થઈને આમંત્રણ પાઠવે એનાથી વિશેષ સિદ્ધિ તો કઈ હોઈ શકે! આમિર ખાનની બે ફિલ્મો 'લગાન' અને '૩ ઇડિયટ્સ'ને આઈએમડીબી જેવી ખ્યાતનામ વેબસાઇટ્સમાં સ્થાન મળે, 'આવારા', 'પ્યાસા', સંજયલીલા ભણસાલીની 'દેવદાસ' (શ્રેષ્ઠ ક્લાસિક ફિલ્મોની યાદીમાં) અને 'લગાન' (શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ફિલ્મ તરીકે) જેવી ફિલ્મો ટાઇમના લિસ્ટમાં હોય એ પણ કંઈ ઓછી સિદ્ધિ તો ન જ કહેવાયને!




(ભારતીય સિનેમાએ 100 વર્ષ પૂર્ણ કર્યા એ અવસરે  બનેલી સિને સંદેશ વિશેષ પૂર્તિમાં પ્રકાશિત )

Friday 3 May 2013
Posted by Harsh Meswania
Tag :

ગોરિલાઃ સ્માર્ટફોનનો સ્માર્ટ ગ્લાસ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સ્માર્ટ ફોનની દુનિયામાં સેમસંગ ગેલેક્સી એસ-૪ની વીતેલા સપ્તાહે એન્ટ્રી થઈ. બીજા બધા ફીચર્સ તો બરાબર, પણ મોબાઈલના સ્ક્રીન પર છરી મારો તો પણ કંઈ જ નહીં થાય એવો દાવો કરાયો હોવાથી એ તરફ વધુ ધ્યાન ખેંચાયું છે. એવું તે શું છે એના ગ્લાસમાં? સ્માર્ટ ફોનમાં વપરાતા 'ગોરિલા' કહેવાતા ગ્લાસની ખાસિયત શું છે? આ ગ્લાસ બનાવવામાં કોની હથોટી છે? મોબાઇલ ફોનમાં આ ગ્લાસનો ઉપયોગ ક્યારથી થાય છે?

'ગોરિલા' શબ્દ કાને પડે એટલે આપણી નજર સમક્ષ કાળા ભમ્મર અને માનવીના પૂર્વજ તરીકે માની લેવાયેલા વાનરનું ચિત્ર ઉપસી ન આવે તો જ નવાઈ! જોકે, છેલ્લા થોડા વખતથી આ ગોરિલાની મોનોપોલી તૂટી ગઈ છે અને એક નવા ગોરિલાએ તેનું સ્થાન પચાવી પાડયું છે. આ ગોરિલા એટલે અત્યારે સ્માર્ટ ફોનમાં જેનો છૂટથી ઉપયોગ થાય છે એ ગ્લાસ. છેલ્લાં પાંચેક વર્ષથી અલગ અલગ બ્રાન્ડના મોબાઇલ ફોનની સ્ક્રીન માટે ગોરિલા ગ્લાસનો વપરાશ વધ્યો છે. ગોરિલા ગ્લાસની ખાસિયત એના માટે કારણભૂત છે. આ ગ્લાસનો ગમે એટલો રફ યુઝ કરવામાં આવે તોય તેના પર ઘસરકો (સ્ક્રેચ) પડતો નથી. વળી, ટ્રાન્સપરન્ટ અને ટચિંગ સેન્સિટિવિટીમાં તેનો વિકલ્પ મળવો મુશ્કેલ છે.

સ્માર્ટ ફોનમાં ગોરિલા : ગ્લાસ યે બંધન તો પ્યાર કા બંધન હૈ!
આપણે સ્માર્ટ ફોન ખરીદતા હોઈએ ત્યારે શું વિચારીએ? એક તો દેખાવ ફેન્સી હોવો જોઈએ, મિત્રોના મોબાઈલમાં હોય એવા જરૂરી ને ન જરૂરી હોય એવા બધા ફીચર્સ આવી જવા જોઈએ, કેમેરામાં દમ હોવો જોઈએ...વગેરે વગેરે. આ સિવાય ધ્યાનમાં રાખવા જેવું કંઈ હોય તો એ ગ્લાસ. આમ તો એ જ પહેલાં આવે, કેમ કે ટચિંગ થોડું નબળું હોય તો સ્માર્ટ ફોનની મજા મરી જાય છે. આ જ બધી બાબતોનું ધ્યાન ૨૦૦૬માં એક માણસે રાખ્યું હતું અને એના પ્રતાપે આપણને મળ્યો ગોરિલા ગ્લાસ. એ માણસ એટલે સ્ટિવ જોબ્સ. સ્ટિવ ૨૦૦૬માં આઈફોન પર કામ કરી રહ્યા હતા ત્યારે તે એવા પ્રયાસમાં હતા કે મોબાઈલની બાકીની બધી બાબતોની જેમ સ્ક્રીનનો ગ્લાસ પણ કંઈક અલગ હોવો જોઈએ. એમાં વળી એક દિવસ કોઈએ સ્ટિવને આવીને ગોરિલા ગ્લાસનો ટુકડો આપ્યો. સાથે સાથે તેણે સાંભળેલી વાત કહી કે આ કાચ એવો આવે છે જેમાં સ્ક્રેચ નથી પડતા. ટેક્નોલોજી એક્સપર્ટ અને 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના ટેકનોલોજી કોલમિસ્ટ ડેવિડ પોગના નોંધવા પ્રમાણે સ્ટિવ જોબ્સે એ કાચના ટુકડાને સહજ રીતે તેમની પાસે રહેલી લોખંડની ને એવી બધી અન્ય રફ સામગ્રી સાથે મૂકી દીધો. થોડા દિવસો પછી અચાનક કામ કરતી વખતે તેને એ ટુકડો યાદ આવી ગયો. તેણે લોખંડ સાથે રાખેલા એ ટુકડાને જોયો ત્યારે સ્ટિવને થયું કે જો ખરેખર જ આ ગ્લાસમાં સ્ક્રેચ ન પડતા હોય તો તો એ કામની ચીજ છે. સાચા હીરાની પરખ એક સારો ઝવેરી જ કરી શકે એમ સ્ટિવ જોબ્સે તરત જ પોતાના નવા બની રહેલા આઈફોન માટે આ ગ્લાસનું ઉત્પાદન કરતી કોર્નિગ કંપનીના સીઈઓ વેન્ડલ વીક્સ સાથે વાટાઘાટ પણ કરી લીધી. આ સાથે જ સ્માર્ટ ફોનની દુનિયામાં ગ્લાસ એક ફીચર તરીકેનું સન્માન મેળવી ગયો.

ગોરિલાઃ ઇસ નામ મેં કુછ ખાસ હૈ!
ટેક્નોલોજીમાં અગ્રગણ્ય ગણાય એવા એક મેગેઝિન 'સ્માર્ટ પ્લેનેટ'ના તંત્રી એન્ડ્રુ નુસ્કાના જણાવવા પ્રમાણે આ ગ્લાસ ગોરિલા જેવા મજબૂત અને ખડતલ હોવાથી ધીરે ધીરે ગોરિલા ગ્લાસ તરીકે જાણીતા થયા છે. બાકી તેનું સાયન્ટિફિક નામ કેમકોર છે. અમેરિકાની કોર્નિગ કંપની આમ તો છેલ્લી એકાદ સદીથી ગ્લાસના ઉત્પાદનમાં અવ્વલ રહેતી આવી છે, પણ ૬૦ના દશકામાં આ કંપનીએ થોડા પ્રયોગો કરીને નવા વિકસતાં ટેલિવિઝન અને કમ્પ્યુટર જેવાં ઈલેકટ્રોનિક ઉપકરણો માટે તેની લેબોરેટરીમાં ખાસ ગ્લાસ વિકસાવ્યો. શરૂઆતમાં તેને નામ અપાયું મસ્કલેડ ગ્લાસ. ૧૯૭૦ આસપાસ રેસિંગ કારમાં કેમકોર ગ્લાસનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થતો હતો. ૧૯૯૦ સુધીમાં આ ગ્લાસ ટેલિવિઝન સ્ક્રીન, લેપટોપ-કમ્પ્યુટર સ્ક્રીન અને વીડિયો ગેઇમ્સની સ્ક્રીનમાં વપરાવા લાગ્યો. કોર્નિગ કંપની દ્વારા બનતા બીજા ઘણા ગ્લાસનો ઉપયોગ મોબાઇલની સ્ક્રીનમાં થતો હતો, પણ આ કેમકોર ઉર્ફે ગોરિલાની ઓળખાણ મોબાઇલ ફોન સાથે સ્ટિવ જોબ્સે ૨૧મી સદીમાં કરાવી આપી.

મેકિંગ ઓફ ગોરિલાઃ યૂં હી નહીં  દિલ લુભાતા કોઈ!
સ્માર્ટ ફોનમાં આપણી આંખ સામે જે સ્મૂધ અને ચકચકતો ગ્લાસ દેખાય છે એ કંઈ એમ જ નથી બની જતો. એના માટે ખાસ જહેમત ઉઠાવાય છે અને એટલી જ કાળજી પણ રાખવામાં આવે છે. કદાચ એટલે જ કોર્નિગ કંપની આટલાં વર્ષેય એમાં મોનોપોલી જાળવી શકી છે. પીગાળેલા મીઠાના ૪૦૦ ડિગ્રી ઊંચા તાપમાને તપેલા દ્રાવણમાં કાચને નાખવામાં આવે છે અને પછી તેના પર કેમિકલ પ્રક્રિયા કરાય છે. ત્યારબાદ ગ્લાસને ઠંડો પડવા દેવામાં આવે છે અને પછી એવા મશીનમાં મુકાય છે જ્યાં તે નરમ બની જાય છે. ટ્રાન્સપરન્સી માટે આ ગ્લાસને ફરી વખત કેમિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. છેલ્લે તેની સપાટી પર પોટેશિયમ આયનની મેળવણી કરવામાં આવે છે કે જેનાથી આ ગ્લાસમાં જો ખરોંચ આવે તો પણ તેની મેળે તેમાં એવી પ્રક્રિયા થઈ જાય છે કે તે સ્ક્રેચ આપોઆપ ઓગળી જાય છે.

ગોરિલાનો બિઝનેસઃ લાખોં કી શુરૂઆત કરોડોં તક પહુંચી!
સ્ટીવ જોબ્સે ઉપયોગમાં લીધેલા ગોરિલા ગ્લાસની અત્યારે ત્રીજી જનરેશન ચાલી રહી છે. લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી એસ-૪માં વપરાયેલો ગ્લાસ ત્રીજી જનરેશનમાં આવે છે. અત્યારે વિશ્વમાં બનતા તમામ સ્માર્ટ ફોનની સ્ક્રીનમાં લગભગ ૪૦ ટકા ગોરિલા ગ્લાસ વપરાય છે. આશરે ૨૦ જેટલી બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ માટે ગોરિલા ગ્લાસને પ્રથમ પસંદગી બનાવે છે. કોર્નિગ કંપનીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે માત્ર એક કરોડના ટર્નઓવરથી શરૂ થયેલો બિઝનેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧૦૦ કરોડને આંબી ગયો હતો. આજે જે રીતે ગોરિલા ગ્લાસ પોતે જ એક ફીચર તરીકે લોકપ્રિય બન્યો છે ત્યારે હજુ આ બિઝનેસ આસમાનની ઊંચાઈ હાંસલ ન કરે તો જ નવાઈ!
Wednesday 1 May 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -