Posted by : Harsh Meswania Wednesday 22 May 2013


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ભારતે પોખરણમાં પહેલી વખત પરમાણુધડાકો કરીને વિશ્વને ચોંકાવી દીધું. એને ગત સપ્તાહે ૪૦મું વર્ષ બેઠું. બીજી વાર પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એને પણ આ મહિને ૧૫ વર્ષ પૂર્ણ થયાં. સ્માઇલિંગ બુદ્ધા અને ઓપરેશન શક્તિ-૯૮ દરમિયાન કરેલા શક્તિ પ્રપાતનો ભવ્ય ભૂતકાળ અહીં વાગોળી લઈએ...

બે દિવસ પછી બુદ્ધ જયંતી છે. બરાબર ૩૯ વર્ષ પહેલાં બુદ્ધ જયંતીએ જ ભારત વિશ્વનો પરમાણુશક્તિથી સજ્જ એવો માત્ર છઠ્ઠો દેશ બન્યો હતો. આમ તો ભારતે પરમાણુ પરીક્ષણના પ્રયોગો માટે પ્રયાસો છેક ૧૯૪પ આસપાસથી આદર્યા હતા. હોમી ભાભાએ સ્થાપેલી 'ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' નામની વૈજ્ઞાનિક સંસ્થા આ માટે કાર્ય કરતી હતી. આઝાદી પછી પરમાણુશક્તિ માટે વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરાયા અને આખા કાર્યક્રમને એટોમિક એનર્જી એક્ટ-૧૯૪૮ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જોકે, વર્ષો સુધી પ્રયોગો કર્યા બાદ ભારતને સૌપ્રથમ વાર ધમાકેદાર સફળતા પોખરણ-૧ પરીક્ષણમાં મળી હતી. આ આખો પ્રોજેક્ટ 'સ્માઇલિંગ બુદ્ધા' તરીકે જાણીતો થયો હતો. બીજું પરીક્ષણ 'ઓપરેશન શક્તિ' ૧૯૯૮માં કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષણો વિશે થોડી સમાનતા પણ હતી. બંને વખતે બુદ્ધ જયંતી જ હતી, બંને પરીક્ષણો પોખરણ રેન્જમાં જ કરવામાં આવ્યાં હતાં. પરીક્ષણ માટે પોખરણ શા માટે પસંદ કરાયું તે પણ રસપ્રદ છે.

પરમાણુ પરીક્ષણ માટે અને એમાંય ખાસ કરીને અન્ડરગ્રાઉન્ડ પરમાણુપ્રયોગ કરવાનો હોય ત્યારે જમીનમાં પાણીનું તળ જેટલું ઊંચું હોય એટલો રેડિએશન ફેલાવાનો ખતરો વધી જાય છે. પોખરણમાં (સ્થાનિક લોકો આ સ્થળને પોકરણ પણ કહે છે) પાણીની વિકટ તંગી છે. પોખરણની આસપાસના ૫૦ ચોરસ કિલોમીટર સુધી સ્થિતિ એવી છે કે ૨૦૦૦ મીટર ઊંડે સુધી પાણી નથી હોતું. ખેતોલિયા, ભાણિયાના, દન્તાલ, ઉજાલા, નાનીયાર, નચાલતા વગેરે પાણીવિહોણાં ગામડાંઓ છે. આ ગામડાંઓમાં પાણી લાઠીથી પહોંચાડવામાં આવે છે. જ્યારે પહેલી વખત પરમાણુ પરીક્ષણ માટે સ્માઇલિંગ બુદ્ધા પ્રોજેક્ટ હેઠળ પરમાણુ પરીક્ષણ કરવાની વાત આવી ત્યારે એવી જગ્યાની તલાશ શરૂ કરવામાં આવી કે જ્યાં ભૂતળ ખૂબ ઊંડું હોય. સંશોધનને અંતે લોહારકી નામના ગામની આસપાસની જગ્યાને પ્રયોગ માટે પસંદ કરવામાં આવી. આ જ ગણિત ૨૫ વર્ષ પછી ૧૯૯૮ના પરીક્ષણ વખતે પણ કામે લગાડવામાં આવ્યું હતું. પ્રથમ પરીક્ષણની નજીકનું જ સ્થળ એટલે કે ખેતોલિયા ગામ. આ ગામની બાજુમાં ઊંડા ભૂતળનો તર્ક લગાવીને જ બીજું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૮ના પરીક્ષણ પછી સ્થાનિક લોકોએ એ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે ધડાકાનું સ્થળ માત્ર ૩ કિલોમીટરના અંતરે હોવા છતાં છેલ્લી ઘડી સુધી તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. આ મુદ્દે વિવાદ પણ થયો હતો.

બંને પરીક્ષણોથી દેશ બન્યો મજબૂત
દુનિયાના મહત્ત્વના દેશોએ ભારતનાં આ બંને પરીક્ષણોને ખૂબ ગંભીરતાથી લીધાં હતાં. ખાસ કરીને આપણા પાડોશી દેશ પાકિસ્તાને બંને વખતે ઉગ્ર પ્રતિઘાતો આપ્યા હતા. બંને વડાપ્રધાનોની જાહેર ઇમેજ વધુ મજબૂત કરવામાં અને ચૂંટણીમાં પક્ષનો દેખાવ સંગીન કરવામાં આ પરીક્ષણો મહત્ત્વનાં રહ્યાં હતાં એમ પણ વ્યાપક રીતે મનાય છે.

ઇન્દિરાજીની ઇમેજ બની પોલાદી
૧૮ મે, ૧૯૭૪ના દિવસે સવારે ૮.૦૫ મિનિટે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એ સાથે ભારતનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ જાહેરાત કરી કે આ શક્તિ પ્રદર્શન નહોતું, પણ શાંતિપૂર્વકનું પરીક્ષણ જ હતું. જોકે, પાકિસ્તાન સામે ભારતે ૧૯૭૧માં ખેલેલા જંગ બાદ આ પરીક્ષણને વિશ્વભરમાં ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. આ ઘટનાની દૂરગામી અસરોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધ બાદ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની લોખંડી મહિલા તરીકેની ઇમેજ વધુ મજબૂત બની હતી.

વાજપેયીને ફરી સત્તાનો સરપાવ
૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે બીજી વખત પોખરણમાં પરમાણુપ્રયોગ કર્યો. એક સાથે ૫ ધડાકા કરીને ખરેખર જ 'ઓપરેશન શક્તિ-૯૮' નામ પ્રમાણે ભારતે શક્તિપ્રદર્શન કરીને વિશ્વને અચંબામાં પાડી દીધું. રશિયા અને ફ્રાન્સે ભારતના આ શક્તિ પ્રદર્શનનું સમર્થન કર્યું, પણ અમેરિકા, કેનેડા, જાપાન, પાકિસ્તાન અને બ્રિટન સહિતના યુરોપિયન યુનિયનમાંથી વિરોધનો ગણગણાટ પણ થયો હતો અને ભારત પર આર્થિક પ્રતિબંધ લદાયા હતા. ૧૯૯૯ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ફરીથી ભારતીય જનતા પક્ષે કેન્દ્રમાં સત્તા મેળવી એ પાછળ પણ આ પરીક્ષણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.

પાકિસ્તાનની પ્રતિસ્પર્ધા
ભારતે ૧૯૯૮માં પરીક્ષણ કર્યા પછીના સપ્તાહે જ પાકિસ્તાને પણ રાતોરાત પરમાણુ પરીક્ષણ કર્યું. ત્યાર પછી ભારત-પાક વચ્ચે કારગિલ યુદ્ધ થયેલું, જેમાં સામસામા પરમાણુ હુમલાને ટાળવાની વૈશ્વિક પહેલ થઈ હતી.

પરમાણુસત્તા તરીકે ધાક
આ બંને શક્તિ પ્રદર્શનો પછી વાંધાવિરોધ છતાં ભારતનો પરમાણુ સત્તા તરીકે સ્વીકાર થયો હતો અને દેશની ધાક વધી છે. પરીક્ષણ કરીને ભારતે પૈસાનું પાણી કર્યું એમ પણ કહેવાવાળા કહેતા હતા, પણ આ પરીક્ષણોથી ભારત એક બળુકા રાષ્ટ્ર તરીકે ઊભર્યું એ કંઈ નાનીસૂની સિદ્ધિ તો ન જ કહેવાય!  

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -