Archive for 2012

૨૧ ડિસેમ્બરે પ્રલય થશે? આ આગાહી પહેલી નથી અને છેલ્લી પણ નહીં હોય!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

૨૧ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પૃથ્વી પર પ્રલય આવશે એવી એક માન્યતા ઘણા સમયથી પ્રવર્તતી હતી અને એમાં રોનાલ્ડ એમરિક દિર્ગ્દિશત ફિલ્મ '૨૦૧૨' રિલીઝ થઈ ત્યારથી લોકોની ધારણા થોડી વધુ બળવત્તર બની હતી. જોકે, આવી પ્રલયની ધારણાઓ અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે અને આગળ પણ થતી રહેશે. દુનિયાને કશું જ નથી થયું અને ૨૧મી ડિસેમ્બરે પણ કંઈ જ નહીં થાય.

માયા કેલેન્ડર પર થોડો વધુ પડતો વિશ્વાસ રાખનારા લોકોનું માનવું છે કે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ માયા કેલેન્ડરનો છેલ્લો દિવસ છે. આ પ્રલયમાંથી બચવા માટેના ઉપાયો પણ આવા લોકોએ ક્યારના શરૂ કર્યા છે. શું ખરેખર આ દિવસે પ્રલય થશે? કે પછી આ એકમાત્ર માન્યતા જ છે? આ અગાઉ પણ સદીઓથી પ્રલયની આવી અસંખ્ય ધારણાઓ થતી આવી છે અને તમામ ખોટી સાબિત થઈ ચૂકી છે,

૧૯મી સદીમાં કયામતની થયેલી ધારણાઓ
૧૯મી સદીની શરૂઆતમાં આવી કેટલીય ધારણાઓ થતી હતી કે હવે દુનિયાનો સમય પૂરો થઈ રહ્યો છે. એમાંથી કોઈકના તર્ક તરફ લોકોએ લક્ષ્ય આપ્યું તો કોઈકની વાતને હસી કાઢી. આવી જ મહત્ત્વની એક આગાહી ૧૮૦૯માં મેરી બેટમેન નામના ત્યારના બહુ આધારભૂત મનાતા ભવિષ્યવેત્તાએ કરી હતી. તેમના મતે એ વર્ષે પૃથ્વી પર ઈશ્વરનું આગમન થવાનું હતું અને એટલે દુનિયા નષ્ટ થઈ જવાની હતી. આ ધારણા પછીથી સદંતર ખોટી પડી હતી. ત્યાર પછી ૧૮૧૪માં જ્હોન સાઉથકોટ નામના એક અધ્યાત્મવાદીએ અને ૧૮૩૬માં જ્હોન વેસ્લી નામના માણસે વધુ એક ભવિષ્યકથન કર્યું હતું કે હવે દુનિયાનો અંત નક્કી છે. આ બંને આગાહીઓ પાયાવિહોણી ઠરી હતી.

ઈંગ્લેન્ડના એક ખેડૂત વિલિયમ મિલરે બાઇબલનાં થોડાં વર્ષોના અભ્યાસ પછી ધારણા કરી હતી કે ૨૩ એપ્રિલ, ૧૮૪૩નો દિવસ પૃથ્વીના પ્રલયનો દિવસ છે. એ જમાનામાં તેની આ વાત માનનારો બહુ મોટો વર્ગ હતો. પ્રલયની ધારણાને સ્વીકારતા આ વર્ગને મિલિરિટાઇસ તરીકે ઓળખવામાં આવતા હતા. લોકો આ આગાહીથી ખૂબ જ ડરી ગયા હતા પણ પછી એ દિવસે એવું કશું જ નહોતું બન્યું કે જેનાથી આ વાત સાચી સાબિત થાય!

૧૮૫૯માં થોમસ પાર્કર અને ૧૮૮૧માં સિમ્ટોન વગેરેએ કયામતની ધારણાઓ બાંધી હતી, પરંતુ એની ખાસ નોંધ લેવાઈ ન હતી. ત્યારપછી છેક ૧૮૯૧માં એક આગાહી થઈ હતી જેનાથી લોકોમાં ભયનું મોજું ફેલાયું હતું. જોસેફ સ્મિથે મર્મન ચર્ચની સ્થાપના કરી હતી અને ત્યાં આવતાં લોકોને તેણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગમે ત્યારે મહાવિનાશક પ્રલયમાં માનવસભ્યતાનો નાશ થશે. જોકે, આટ-આટલી ધારણાઓ છતાં ૧૯મી સદીમાં એવું કશું જ નહોતું થયું.

૨૦મી સદીમાં થયેલી વિનાશની નિષ્ફળ આગાહીઓ
૧૯૧૦માં કોઈકે એવું ગપ્પું ચલાવ્યું કે પૃથ્વીના પેટાળમાંથી એક ગેસ છૂટશે જેનાથી લોકો મૃત્યુ પામશે અને પૃથ્વી માનવસંસ્કૃતિ વિહીન થશે. ત્યારપછી વચ્ચે વિશ્વયુદ્ધના કારણે હોય કે અન્ય કોઈ કારણ હોય, થોડો વખત આવા આગાહીકર્તાઓએ આગાહી કરવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ડોરોથી માર્ટિન નામના એક અધ્યાત્મવાદીની ૨૧ ડિસેમ્બર,૧૯૫૪ના દિવસે મહાભયાનક પૂર આવશે અને એમાં દુનિયાભરના લોકો તણાઈ જશે એવી આગાહીથી લોકોમાં ફફડાટ ફેલાયા હતો.

૧૯૮૨માં એક ખગોળવિદ્ ક્રિસ્ટોફર રેપ્ચરે અવકાશી અથડામણની આગાહી કરી હતી. તેના મતે અવકાશમાં એવી ઉથલપાથલ મચવાની છે કે જેનાથી પૃથ્વીનું અસ્તિત્વ ખતરામાં આવી જશે અથવા તો પૃથ્વી નાશ પામશે. આ આગાહીને ગંભીરતાથી લેવાનું કારણ હતું અવકાશી અથડામણ. અત્યાર સુધીની આગાહીઓમાં ક્યાંક ને ક્યાંક ર્ધાિમક માન્યતા જવાબદાર હતી, પણ અહીં એમાં વૈજ્ઞાનિક તર્ક ભળ્યો હતો. આ અથડામણની ધારણા પણ અંતે ધ્વસ્ત થઈ. પછી તો ૧૯૯૭ અને ૧૯૯૯માં પણ આવી ર્ધાિમક માન્યતાઓના બળે એક બે આગાહીઓ થઈ હતી, પણ જેમ દરેક વખતે બને છે એમ આ આગાહીઓ પણ ખોટી પડી હતી.

આ પૃથ્વી પર અવકાશી આફતો, સુનામીનો ભય, ધરતીકંપનો ડર, અણુયુદ્ધનો ખતરો, કોઈક અજાણ્યા રોગના ઇન્ફેક્શનનો ઓથાર વગેરે અવારનવાર આવ્યા છે અને કદાચ આવતા રહેશે છતાં પૃથ્વીના પ્રલયની શક્યતા વૈજ્ઞાનિકો સતત નકારતા રહ્યા છે, કેમ કે પૃથ્વી આ પહેલાં જ આવી તો કેટલીય અથડામણની સાક્ષી રહી છે એટલે આવી કોઈ નાનકડી ઘટનાથી પૃથ્વી પર પ્રલય આવી જાય એ વાત માત્ર ભય ફેલાવી શકે, પણ સત્યથી વેગળી છે એ વાતના પુરાવા અને શીખ ભૂતકાળમાંથી મળી જ રહે છે.

નાસાની હૈયાધારણ
વિજ્ઞાન અને અવકાશની બાબતોમાં સૌથી ઓથેન્ટિક મનાતી સંસ્થા નાસાએ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે પ્રલય આવશે એવી માન્યતાને પાયાવિહોણી ગણાવી છે. કોઈ સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થવાની બાબતને પ્રલય સાથે સંબંધ જોડવાની બાબતને હાસ્યાસ્પદ ગણાવીને નાસાએ પ્રલયની શક્યતાને ગંભીરતાથી ન લેવાની અપીલ કરી હતી. નાસાના મતે આ વર્ષે નથી સોલાર સુનામીનો ખતરો કે નથી અન્ય અવકાશી અથડામણોની શક્યતા. પૃથ્વીનું ૪૦૦ કરોડ વર્ષનું આયુષ્ય હજુ બાકી છે અને એ પહેલાં પ્રલય થવાની વાતમાં કોઈ જ દમ નથી એવી હૈયાધારણ પણ નાસા દ્વારા આપવામાં આવી છે.
Tuesday 18 December 2012
Posted by Harsh Meswania

ઈલેક્શન સિમ્બોલ્સ: પક્ષનો મિજાજ બતાવીને મત મેળવી આપતા સૈનિકો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

રાજકીય પક્ષ માટે તેનાં ચૂંટણી પ્રતીકો ખૂબ જ મહત્ત્વનાં હોય છે. જે તે પાર્ટીનું ચૂંટણી પ્રતીક પક્ષનો મિજાજ છતો કરે છે. એમાં પણ આપણા દેશમાં કે જ્યાં અસાક્ષર કે અલ્પસાક્ષર લોકોની સંખ્યા ઠીક ઠીક મોટી હોય ત્યારે તો પક્ષ માટે સિમ્બોલ જ તેની ઓળખ પ્રસ્થાપિત કરે છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અહીં પ્રસ્તુત છે પોલિટિકલ પાર્ટીઝના સિમ્બોલ્સ અંગે થોડી રસપ્રદ જાણકારી.

૧૯૬૮માં ઇલેક્શન કમિશને ખાસ ચૂંટણી પ્રતીકો અંગેના સુધારા કર્યા પછી આમાં વિશેષ ફેરફાર જણાયો છે. બાકી પહેલા મોટા ભાગના પક્ષો ફ્રી સિમ્બોલ રાખતા હતા. સ્થિતિ એવી હતી કે એક વાર પક્ષનું ચિહ્ન છત્રી હોય તો બીજી વખત એ જ પક્ષને એ ચિહ્ન ન પણ મળે અને એને બીજા કોઈક પ્રતીક પર પસંદગી ઉતારવી પડતી! આજે આશરે ૬૦૦ જેટલા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પક્ષોનું અસ્તિત્વ છે અને એમાંથી મોટાભાગના પક્ષોએ કાયમી ધોરણે પોતાનું પ્રતીક નક્કી કરી લીધું છે.

... તો આજે હાથી બીએસપીનું નહીં, પણ કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક હોત!
દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીએ તેમના ચૂંટણી પ્રતીક તરીકે વર્ષો સુધી ગાય-વાછરડાનાં ચિહ્ન પર પસંદગી ઉતારી હતી. કોંગ્રેસનું આજનું હાથનું પ્રતીક ૧૯૬૨ સુધી ફ્રી સિમ્બોલ હતું અને તે એક સમયે અકાલીદળનું સિમ્બોલ રહ્યું હતું.

સંસ્થા કોંગ્રેસથી અલગ થઈને ઇન્દિરા ગાંધીએ જ્યારે કોંગ્રેસ (આઈ) સ્થાપી ત્યારે ચૂંટણી પ્રતીકની ખોજ ચલાવી હતી. પત્રકાર અને લેખક રશિદ કિડવાઇના પુસ્તક '૨૪ અકબર રોડ'માં તેમણે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે અમુક રાજ્યોમાં નાનકડી ચૂંટણી વેળાએ કોંગ્રેસે હાથીને પણ સિમ્બોલ બનાવ્યો હતો. ૧૯૮૦ની ચૂંટણીઓ પહેલાં ઇન્દિરા ગાંધીએ ઘણા સિમ્બોલ્સ પર વિચાર્યા પછી અંતે હાથ અને હાથી એમ બેમાંથી કોઈ એકને પાર્ટીનું ચિહ્ન બનાવવાનું નક્કી કર્યું. એ દરમિયાન તેમણે કેરળના એક મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં એક હિન્દુ દેવતાના હાથની મુદ્રા તેમને ગમી ગઈ. એ મૂર્તિ પાછળનું લોજિક એવું હતું કે માણસના શરીરમાં હાથ એકમાત્ર એવું અંગ છે કે જેની તમામ આંગળીઓ એકસાથે કરવામાં આવે તો યુનિટી દર્શાવે છે અને જો ઉપર ઉઠાવવામાં આવે તો આશિર્વાદની મુદ્રા સર્જાય છે. આ વાતથી પ્રભાવિત થઈને ઇન્દિરા ગાંધીએ પક્ષ માટે જમણા હાથને ચૂંટણી પ્રતીક બનાવ્યું. હાથીના ચિહ્નને પછીથી ૧૯૮૪માં નવા ગઠિત થનારા બહુજન સમાજ પક્ષે (બીએસપી) પોતાના ચૂંટણી પ્રતીક તરીકે રિઝર્વ કરી લીધું. એ પાછળનો તર્ક રાજકીય નિષ્ણાત બદ્રી નારાયણે 'ધ મેકિંગ ઓફ ધ દલિત પબ્લિક ઇન નોર્થ ઇન્ડિયા' પુસ્તકમાં જણાવ્યો છે. પુસ્તકમાં લખ્યું છે એ મુજબ આઝાદી પછીનાં વર્ષોમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ નામના પક્ષનું અસ્તિત્વ હતું, જેનો સિમ્બોલ હાથી હતો એટલે બીએસપીએ ખૂબ ઝડપથી લોકો સ્વીકારી લે એવા એક તર્ક સાથે હાથીને ઇલેક્શન સિમ્બોલ તરીકે પસંદ કર્યો હતો. બીજું કારણ થોડું ધાર્મિક હતું. બૌદ્ધ ધર્મમાં હાથીને મહત્ત્વનું પ્રાણી ગણાવાયું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને બીએસપીએ હાથી પર પસંદગી ઉતારી હતી.

પક્ષના સિદ્ધાંતો અને ચૂંટણી પ્રતીકો
હિન્દુત્વની વિચારધારા સાથે શરૂ થયેલા ભારતીય જનતા પક્ષના પ્રતીક તરીકે કમળ જ વધુ યોગ્ય સિમ્બોલ રહે તે સ્વાભાવિક છે. કેમ કે, હિન્દુ દેવી-દેવતાઓનાં હાથમાં કમળ શોભા તરીકે રહે છે. વળી, ત્યારની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમ કહેવાતું કે કમળ કાદવમાં ખીલે છે એટલે ભારતીય જનતા પક્ષ લોકો માટે કાદવમાં કમળની જેમ ખીલીને મજબૂત વિકલ્પ પૂરો પાડશે.

આ સિવાયનાં નોંધપાત્ર પ્રતીકોમાં શિવસેનાનું ધનુષ-બાણ આક્રમક મિજાજ અને હિન્દુત્વની વિચારધારા દર્શાવતું પ્રતીક છે. આ ઉપરાંત સાઇકલનો સિમ્બોલ ઉમેદવારો માટે હંમેશાં આકર્ષક રહ્યો છે. ભારતના ત્રણ-ત્રણ પ્રાદેશિક પક્ષોએ સાઇકલને ચૂંટણી પ્રતીક બનાવ્યું છે. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી, આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી અને જમ્મુ-કશ્મીરની નેશનલ પેન્થર પાર્ટીએ સાઇકલને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરી છે. મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને નાગાલેન્ડની પિપલ્સ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ઘડિયાળ છે. ચૂંટણી ચિહ્ન પસંદ કરવાની બાબતને મોટાભાગના પક્ષો ખૂબ જ ગંભીરતાથી લે છે અને પોતાના પક્ષની ઓળખ મુજબ જ ચૂંટણી ચિહ્ન રાખે છે. 

ચૂંટણી પંચ પાસે પ્રતીકો ખૂટી પડયાં
૧૯૯૬માં તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં મોડાકુરીચીની બેઠક પર ૧૦૩૩ ઉમેદવારો જંગે ચડયા. ચૂંટણીપંચ પાસે માત્ર ૩૫૦ જ ફ્રી સિમ્બોલ્સ હતા. પ્રતીકો ખૂટી પડતાં રમૂજી સ્થિતિ સર્જાઈ હતી!
Wednesday 12 December 2012
Posted by Harsh Meswania

વિશ્વભરમાં થઈ રહ્યો છે ઈવીએમનો વ્યાપક ઉપયોગ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇવીએમનો ઉપયોગ થશે. મતદારો હવે એનાથી ટેવાઈ ગયા છે. પહેલાં કાગળના બેલેટપેપર પર હાથેથી નિશાની કરી મતદાન બોક્ષમાં ગડી વાળીને નાખવા પડતાં. બેલેટ પેપર ગણતરી કરી પરિણામ જાહેર કરતા પરિણામ આવતા ઘણીવખત બેથી ત્રણ દિવસ નીકળી જતા, જ્યારે ઈવીએમમાં બટન દબાવતાં જ મત નોંધાય છે ને મતગણતરીના દિવસે બપોર સુધીમાં તો પરિણામો જાહેર થઈ જાય છે. વિવાદી અને ફેરમતગણતરીના કંટાળાજનક બનાવો ઈવીએમથી મોટેભાગે ઘટયા છે. આપણે ત્યાં પરંપરાગત મતકેન્દ્રોમાં ઈવીએમ દ્વારા મત આપવાનું ચલણ છે પણ કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ઘેર બેઠાં કે દુનિયાના કોઈ પણ ખૂણેથી ઇન્ટરનેટ દ્વારા મત આપવાનું ચલણ હજુ સ્વીકૃત થયું નથી. અમેરિકા ને યુરોપના દેશો ખાસ કરીને ઇસ્ટીવિયામાં ઇન્ટરનેટ આધારિત વોટિંગ પદ્ધતિ વધુ વ્યાપક ને પ્રચલિત છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિના ઉદ્ભવ, એના વિકાસ અને તેના પ્રકારની વિગતો જાણવા જેવી છે...

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સંક્ષિપ્ત ઈતિહાસ
ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે વિજાણુ મતદાન. ઇલેક્ટ્રોનિક વોટિંગ ટેક્નોલોજીમાં કાર્ડ્સ ઓપ્ટિકલ સ્કેન વોટિંગ સિસ્ટમનો તેમજ વોટિંગ કિઓસ્ક સીધા જ મતદાનનું રેર્કોડિંગ કરતી ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો (ડીઆરઈ) સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં મતદાન એક સ્થળેથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર ટેલિફોનથી તેમજ ખાનગી કોમ્પ્યુટર નેટવર્ક અથવા ઇન્ટરનેટ થકી થાય છે. એકંદરે ઇ-વોટિંગના બે મુખ્ય પ્રકાર ગણવામાં આવ્યા છે. પ્રથમ પ્રકારમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) જે મતદાન કેન્દ્ર પર ગોઠવાયું હોય ત્યાં સરકારના પ્રતિનિધિઓ કે સ્વતંત્ર ચૂંટણી આયોગના પ્રતિનિધિઓ દ્વારા ઇ-વોટિંગનું રૂબરૂમાં સુપરવિઝન કરવામાં આવે છે.

બીજો પ્રકાર રિમોટ ઇ-વોટિંગનો છે, કે જેમાં મતદાતા પોતાના તાબા ક્ષેત્રમાંથી, પોતાના પર્સનલ કોમ્પ્યુટરમાંથી કે મોબાઈલ ફોનથી કે ટેલિવિઝન પરથી ઇન્ટરનેટના માધ્યમથી ઇ-વોટિંગ કરે છે એમાં સરકારી પ્રતિનિધિઓ કે ચૂંટણીપંચના પ્રતિનિધિઓ રૂબરૂમાં એનું સુપરવિઝન કરતા હોતા નથી. ઇલેક્ટ્રોનિક વોટિંગનો ફાયદો એ છે કે એમાં મતપત્રકોની ગણતરી બહુ ઝડપથી થઈ શકે છે અને વિકલાંગ મતદારો બહુ સરળતાથી મતદાન કરી શકે છે. જો કે અમેરિકામાં એવો વિરોધ ઊઠયો હતો કે ડીઆરઈ પ્રકારના ઇલેક્ટ્રોનિક વોટિંગમાં ઇલેક્ટ્રોનિક ઠગાઈ, છેતરપિંડી થવાની પણ શક્યતા રહે છે.

મતદારો માટેની આ ઇલેક્ટ્રોનિક વોટિંગ પદ્ધતિ ૧૯૬૦થી અમલમાં આવી છે. જ્યારે અમેરિકામાં પંચ કાર્ડની પદ્ધતિનો પ્રારંભ થયો હતો. અમેરિકામાં ૧૯૬૪માં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ૭ રાજ્યોએ પંચ કાર્ડ સિસ્ટમ અપનાવતા એનો વ્યાપક ઉપયોગ થયો હતો. એ પછી ઓપ્ટિકલ સ્કેન વોટિંગની નવી સિસ્ટમ આવી. મતપત્રક પર મતદાતાની નિશાની કોમ્પ્યુટર દ્વારા ગણવામાં આવે છે.

ડીઆરઆઈ વોટિંગ મશીન મતદાતાના મતોને એકત્ર કરીને એક જ મશીનમાં કોષ્ટકમાં ગોઠવે છે. આ પ્રકારનાં વોટિંગ મશીન બ્રાઝિલ અને ભારતમાં તમામ ચૂંટણીઓમાં તેમજ વેનેઝુએલા અને અમેરિકામાં પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. નેધરલેન્ડમાં આ મશીનો ચૂંટણીમાં વ્યાપકપણે વપરાયાં હતાં પણ લોકોના વિરોધને કારણે એનો ઉપયોગ પડતો મુકાયો હતો. જો કે ઇન્ટરનેટ આધારિત રિમોટ વોટિંગ સિસ્ટમને યુકે, ઇસ્ટોનિયા, અને સ્વિટ્ઝરલેન્ડમાં સરકારી ચૂંટણીઓ તેમજ લોકમત માટે જ્યારે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે કેનેડામાં અને પક્ષની પ્રાઈમરી ચૂંટણીઓ માટે અમેરિકા અને ફ્રાન્સમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત

ઇ-વોટિંગ માટે હાઈ બોન્ડ સિસ્ટમ પણ છે કે જેમાં ડીઆરઈ જેવી ટચ સ્ક્રીન સિસ્ટમવાળા ઇલેક્ટ્રોનિક બેલેટ માર્કિગ મશીનનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ પ્રિન્ટ કરવા માટે સહાયક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. એમાં મતગણનાના કોષ્ટક માટે અલગ મશીન વપરાય છે.

કાગળ આધારિત ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ
આ પ્રક્રિયાને ડોક્યુમેન્ટ બેલેટ વોટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. જ્યાં કાગળ પર છપાયેલાં મતપત્રકો મતદાન માટે વપરાય છે અને હાથેથી એની ગણતરી થાય છે. એમાંથી કાગળ આધારિત ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉદ્ભવ થયો હતો. આ પદ્ધતિમાં કાગળનાં મતપત્રકો હાથેથી નિશાની કરીને નાખવામાં આવે છે પણ એની ગણતરી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કરાય છે. આ સિસ્ટમમાં પંચ કાર્ડ વોટિંગ અને માર્ક સેન્સનો તથા બાદમાં ડિજિટલ પેન વોટિંગ સિસ્ટમનો આવિષ્કાર થયો, પરંતુ તાજેતરમાં જ આ સિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક બેલેટ માર્કર (ઇબીએમ)નો સમાવેશ કરાયો છે. જેમાં મતદાતાને ઇલેક્ટ્રોનિક ઇનપુટ ડિવાઈસના ઉપયોગથી પસંદગીની તક મળે છે. આ ટચ સ્ક્રીન સિસ્ટમ ડીઆરઈ જેવી જ છે.

ડીઆરઈ વોટિંગ સિસ્ટમ
પબ્લિક નેટવર્ક ડીઆરઈ વોટિંગ સિસ્ટમ એ એવી ચૂંટણી પદ્ધતિ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક મતપત્રકનો ઉપયોગ થાય છે. જેમાં પડેલા મતને મતકેન્દ્ર પરથી પબ્લિક નેટવર્કના અન્ય દૂરના સ્થળે ટ્રાન્સમીટ) મોકલવામાં આવે છે. આ રીતે નોંધાયેલા મતોને આખા દિવસ દરમિયાન કે વોટિંગ સમાપ્ત થયે બૂથ પરથી અન્ય સ્થળે બેચવાઈઝ મોકલાય છે. આ પદ્ધતિમાં ઇન્ટરનેટ દ્વારા થયેલા વોટિંગ અને ટેલિફોન દ્વારા થયેલા વોટિંગનો સમાવેશ થાય છે. જાહેર નેટવર્કમાં ડીઆરઈ વોટિંગ સિસ્ટમમાં કેન્દ્રિયકૃત મતગણના પદ્ધતિનો ઉપયોગ થાય છે. જુદાં જુદાં મતકેન્દ્રો પરથી ટ્રાન્સમીટ થઈ આવેલા મતોને મધ્યસ્થ કેન્દ્રમાં ડિજિટલ પદ્ધતિથી કોષ્ટકમાં ગોઠવાય છે.

ઇન્ટરનેટ વોટિંગમાં દૂર દૂર છૂટાછવાયા રહેલા ઇન્ટરનેટની ફેસિલિટી ધરાવતાં કમ્પ્યુટરો દ્વારા વોટિંગ કરવામાં આવે છે અથવા તો ઇન્ટરનેટ આધારિત વોટિંગ પદ્ધતિ ધરાવતાં પરંપરાગત મતદાનકેન્દ્રો પરથી ઇન્ટરનેટ વોટિંગ થઈ શકે છે. કોર્પોરેટ હાઉસો અને વ્યાપારગૃહો કે અન્ય કંપનીઓ, સંગઠનો, સંસ્થાઓમાં બોર્ડ મેમ્બરો તેમજ હોદ્દેદારોની ચૂંટણી માટે કે પ્રોક્સી ઈલેક્શન માટે આ ઇન્ટરનેટ વોટિંગ પદ્ધતિ વપરાય છે. ઘણા આધુનિક દેશોમાં ખાનગી ધોરણે બિનસરકારી હેતુ માટે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે.

તે અમેરિકા, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, ઇસ્ટોનિયામાં આ ઇન્ટરનેટ વોટિંગનો જાહેરમાં સરકારી હેતુ માટે ઉપયોગ થાય છે જ્યાં સ્થાનિક લોકમત માટે એ સ્વીકૃત પદ્ધતિ છે. આ દેશોમાં મતદારને ઇલેક્ટ્રોનિક મતદાનપત્રક સુધી પહોંચવા માટે પાસવર્ડ અપાય છે. ઇસ્ટોનિયામાં મતદારો ઇન્ટરનેટ દ્વારા સ્થાનિક તેમજ સંસદની ચૂંટણીમાં મત આપે છે. યુરોપિયન યુનિયનના અન્ય કોઈ દેશ કરતાં ઇસ્ટોનિયામાં આ ચલણ વધારે છે. એનું કારણ એ છે કે ઇસ્ટોનિયાના નાગરિકોને કોમ્પ્યુટર દ્વારા વાંચી શકાય એવું માઈક્રોચીપ આધારિત નેશનલ આઈડેન્ટિટી કાર્ડ અપાય છે. આ કાર્ડના આધારે તેઓ ઓનલાઈન મતપત્રકમાં મતદાન કરી શકે છે. આ માટે મતદાર પાસે એક કોમ્પ્યુટર, આઈ.ડી. કાર્ડ અને તેના પિન નંબર હોવા જોઈએ, તો તેઓ દુનિયાના કોઈ પણ ખૂણેથી મતદાન કરી શકે છે. ઇસ્ટોનિયા મતદારો એડવાન્સ વોટિંગના દિવસોમાં જ ઇ-વોટિંગ કરી શકે છે. જ્યારે મતદાનના દિવસે તો મતદારે મતદાન કેન્દ્ર પર રૂબરૂ જઈ કાગળનું મતપત્રક માર્ક કરવું પડે છે.

ઈ-વોટિંગનો પ્રથમ પ્રયોગ ગુજરાતમાં થયો
સમગ્ર ભારતમાં પહેલી જ વાર ગુજરાતમાં ભારે ક્રાંતિકારી પ્રયોગરૂપે શાંત રીતે ઇન્ટરનેટ આધારિત ઇ-વોટિંગનો અમલ દાખલ કરાયો હતો એ માટે ૨૦૧૦ના જાન્યુઆરી મહિનામાં આ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે રાજ્યના તત્કાલીન ચૂંટણી કમિશનર કે.સી. કપૂરે આ કાર્ય હાથ ધર્યું હતું. નિષ્ક્રિય કે ઉદાસીન લોકો ઘેર કે ઓફિસમાં બેઠા બેઠા મતદાન કરવા પ્રેરાય તે માટે તેમણે આ પહેલ કરી હતી. યુરોપના ઇસ્ટોનિયા સિવાયના પશ્ચિમમાં ટેક્નોલોજીમાં એડવાન્સ દેશોમાં પણ ઇ વોટિંગ બહુ પ્રચલિત થયું નથી એ બહુ આશ્ચર્યની વાત છે.

ગુજરાતમાં ઇ-વોટિંગ માટે કે.સી. કપૂરે પ્રયાસો હાથ ધરી ૩૦ સરકારી સચિવોનું એક ટાસ્કફોર્સ રચી, ગુજરાત ઇન્ફર્મેટિકલ લિ. ને સલાહકાર ને ટીસીએલને સોફ્ટવેર સપ્લાયર તરીકે પસંદ કર્યા. વડોદરાની એક ઇન્ફર્મેશન સિક્યુરિટી એજન્સીનો પણ ટીમમાં સમાવેશ કરાયો. ગાંધીનગરમાં તમામ વોર્ડનું બાયોમેટ્રિક્સ ડેટા સેન્ટર સ્થપાયું. સચિવાલયના ૯મા માળે આવેલા ડેટા સેન્ટરમાં ૩૨ સર્વર છે. મતદારયાદી પર જેનું નામ દેખાય તે વ્યક્તિ ઇ-વોટિંગ કરી શકે છે. એ માટે મતદારે રાજ્ય ચૂંટણીપંચને ઓનલાઈન ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે જેમાં મોબાઈલ નંબર ને કોમ્પ્યુટરની વિગતો આપવાની રહે છે. ત્યાર પછી મતદારને રજિસ્ટ્રેશન આઈન્ડેન્ટિંગ અને ટેમ્પરરી પાસવર્ડ ઇ-મેઈલ એસએમએસથી મોકલાય છે.

આ માટે મતદારે પોતાની આઈડેન્ટિટી ૭ દિવસમાં એક્ટિવેટ કરી દેવી પડે છે. બોગસ મતદાન અટકાવવા ચૂંટણીપંચ મતદાનના દિવસે નવો પાસવર્ડ મોકલે છે જેના દ્વારા મતદાર વેબસાઈટ સાથે લોગઓન થઈ શકે છે અને મત આપી શકે છે. ઓક્ટોબર ૧૦, ૨૦૧૦માં સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને અમદાવાદની મ્યુનિ. ચૂંટણીઓમાં ઇ-વોટિંગનો પ્રથમ ઉપયોગ થયો હતો. જો કે ચિત્ર બહુ નિરાશાજનક રહ્યું, કેમ કે ૮૬.૧૦ લાખ રજિસ્ટર્ડ મતદારો પૈકી ત્યારે માત્ર ૧૮૩ મતદારોએ ઇ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો. એ પછી ચૂંટણીપંચે એપ્રિલ ૨૦૧૧માં ગાંધીનગર મ્યુ. ચૂંટણીમાં ઇ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો. જો કે ૬૭૦ રજિસ્ટર્ડ મતદાતા પૈકી ૫૦૦ જણાએ એનો ઉપયોગ કર્યો હતો. આ બાબતો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે ઇસ્ટોવિયા જેવું ઇ-વોટિંગ પ્રચલિત બનાવવા હજુ આપણે ત્યાં ઘણો અવકાશ છે.
Posted by Harsh Meswania

આરોપ ભલેને સાબિત થતાં જવાબ તો તૈયાર જ છે!



(સંદેશની અર્ધસાપ્તાહિક પૂર્તિની વિશેષ કોલમમાં પબ્લિશ થયેલો આર્ટિકલ)
જાહેરજીવનની વ્યક્તિઓને અને વિવાદને ખૂબ નજીકનો સંબંધ રહેતો આવ્યો છે. જાહેરજીવન સાથે સંકળાયેલી હોવાથી તેના વિવાદની નોંધ પણ ગંભીરતાથી લેવામાં આવતી હોય છે અને વળી, વિરોધીઓના ટાર્ગેટ પર હોવાથી સ્વાભાવિક રીતે જ જે તે સેલિબ્રિટી વિવાદમાંથી જલદી બહાર નીકળી જવાનું વધુ મુનાસિબ માને છે. અહીં એવી જાહેરજીવનની વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જે કોઈ ને કોઈ વિવાદમાં સપડાયા હતા અને એમાંથી બહાર નીકળવા માટે તેણે પોતે નિર્દોષ હોવાનાં નિવેદનો આપ્યાં હતાં. કોઈએ તેના પર લાગેલા ગંભીર આક્ષેપને ષડયંત્ર ગણાવ્યું હતું, તો કોઈએ ભૂલથી આવું વર્તન થઈ ગયું છે તેમ કહીને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. ગમે તેમ કરીને બહાના બાજી કરવા છતાં પણ અંતે આ તમામ જાહેરજીવનની વ્યક્તિઓ પર આક્ષેપો હોવાનું ક્યાંકને ક્યાંક પૂરવાર પણ થયું હતું. વિવાદમાંથી હેમખેમ પાર ઊતરવા માટે અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોએ મારેલા હવાતિયા અને નિવેદનો અહીં પ્રસ્તુત છે.

એ. રાજા, રોબોર્ટ વાડ્રા
નહેરુ-ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પર અરવિંદ કેજરીવાલ દ્વારા મૂકવામાં આવેલા ગંભીર આક્ષેપો પછી તેને નિર્દોષ ઠેરવવા માટે સરકારના જ અમુક પ્રધાનોએ બીડં ઝડપ્યું હતું અને આગળ પડતો ભાગ ભજવ્યો હતો. દિગ્વિજય સિંહના પ્રયત્નોને અંતે વાડ્રાનું ચેપ્ટર જોકે હાલ પૂરતું બંધ જરૂર થયું છે. આ અગાઉ પણ યુપીએ સરકારના પૂર્વ ટેલિકોમ મંત્રી રાજા પર ટેલિકોમ કૌભાંડના ગંભીર આક્ષેપો થયા હતા ત્યારે આ જ રીતે તેને બચાવવા માટે એક આખી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ખુદ રાજાએ પોતાના પર લાગેલા ગંભીર આક્ષેપ બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે

૨-જીની ફાળવણીમાં વડાપ્રધાન અને નાણામંત્રીનો પણ હાથ હતો. સમગ્ર પ્રક્રિયા તેમની નજર તળે જ થઈ હતી. ભારતની જ જાહેરજીવનની વ્યક્તિઓ આવા નિવેદનો કરીને છટકી જવાની કોશિશ કરે છે એવું નથી. કાગડા બધે જ કાળા છે એ ન્યાયે વિશ્વભરની ખૂબ જાણીતી અને વગદાર વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો થયા બાદ તેમણે અલગ-અલગ પ્રકારનાં કારણો આપતાં નિવેદનો આપીને ઘટના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી છે.

લાન્સ આર્મસ્ટ્રોંગ
કેન્સરમાંથી સાજા થયેલા સાઇકલિંગ લિજેન્ડ લાન્સ આર્મસ્ટોંગ વિશ્વભરમાં મક્કમ મનોબળનો પર્યાય ગણાતા હતા. તેમના પર ડોપિંગનો આરોપ મુકાયો ત્યારે રમતજગતમાં ખળભળાટ મચી ગયો હતો. તેમના પર આરોપ હતો કે કેન્સરમાંથી સાજા થયા બાદ ૧૯૯૮ પછી ફરીથી તેણે જેટલાં ટાઇટલ મેળવ્યાં હતાં, એ તમામ ડોપિંગના કારણે મળ્યાં હતા. કેન્સરની ગંભીર માંદગીમાંથી સાજા થયા પછી તેમણે જીતવા માટે ડ્રગ્સનો સહારો લીધો હોવાનો આક્ષેપ તેમના પર થયો હતો.

મેં ક્યારેય જીતવા માટે ડ્રગ્સનું સેવન કર્યું નથી
ફ્રાન્સના એક મેગેઝિને આર્મસ્ટોંગ પર આરોપ મૂક્યો હતો કે ૧૯૯૯માં ફ્રાન્સમાં યોજાયેલી સ્પર્ધામાં આર્મસ્ટોંગે પ્રતિબંધિત દવાઓનું સેવન કર્યું હતું. જે સામે લાન્સ આર્મસ્ટોંગે પ્રતિ નિવેદન આપ્યું હતું કે, "મેગેઝિને તેના આર્ટિકલમાં રજૂ કરેલા સાયન્ટિફિક કારણો ધડ-માથા વગરનાં છે. હું આ પહેલાં પણ કહી ચૂક્યો છું અને ફરી કહેવા માંગું છું કે મેં ક્યારેય જીતવા માટે ડ્રગ્સનું સેવન કર્યું નથી." જોકે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટિ ડોપિંગ એજન્સી સામેની લડત બાદ આર્મસ્ટોંગને ૧૯૯૮ પછીનાં તમામ ટાઇટલ પરત આપવાની ફરજ પડી હતી.

બિલ ક્લિન્ટન
બિલ ક્લિન્ટન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં કામ કરતી મોનિકા લેવિન્સ્કી સાથેના તેમના અફેરે વિશ્વ આખામાં ખૂબ ચર્ચા જગાવી હતી. ૧૯૯૮માં કેનેથ સ્ટાર નામની કાઉન્સિલે આ પ્રકરણને જગજાહેર કર્યું હતું. આ ઘટનાથી બિલ ક્લિન્ટનની જાહેર પ્રતિભા પર બહુ મોટી અસર થઈ હતી. વિશ્વભરના રાજનેતાઓએ પણ આ મુદે્ ક્લિન્ટ પર નિશાન સાધ્યુ હતું. આ પ્રકરણ બહુ ગાજ્યં. પછી તત્કાલીન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને ખુલાસો આપ્યો હતો.

મીસ લેવિન્સ્કી સાથે જાતીય સંબંધો હોવાના આક્ષેપો પાયાવિહોણા
જાન્યુઆરી ૧૯૯૮માં બિલ ક્લિન્ટને આ પ્રકરણના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું કે, "મારે મીસ લેવિન્સ્કી સાથે જાતીય સંબંધો હોવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને આ વાતમાં કોઈ જ તથ્ય નથી." ત્યાર પછી જુલાઈ ૧૯૯૮માં પુરાવારૂપે મોનિકા લેવિન્સ્કીએ બિલ ક્લિન્ટન સાથે જાતીય સંબંધ બાંધતી વખતે પહેરેલાં કપડાંને પુરાવારૂપે રજૂ કર્યાં હતાં. એ પછીના એક મહિના બાદ કમિટી સમક્ષ બિલ ક્લિન્ટને મોનિકા સાથેના જાતીય સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું.

શેન વોર્ન
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને લિજેન્ડ સ્પિનર શેન વોર્ન પર ડોપિંગનો ગંભીર આક્ષેપ ૨૦૦૩માં મુકાયો હતો. ૨૦૦૩માં સાઉથ આફ્રિકામાં વિશ્વ કપ યોજાવાનો હતો, એ પહેલાં થયેલા ખેલાડીઓના ડોપિંગ ટેસ્ટમાં શેન વોર્નનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ક્રિકેટના બોલને કોઈ જાદુગરની માફક ટર્ન કરાવી શકતા આ સ્પિનર બોલર સામે પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પર ચોમેરથી દબાણ લાવવામાં આવ્યં હતું. આ મામલે શેન વોર્નની ટીકા પણ ખૂબ થઈ હતી.

મારી માતાએ આપેલી ગોળીઓનું જ હું સેવન કરું છું
શેન વોર્ન પર ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમણે ખુલાસો આપ્યો હતો કે, "મારો આત્મવિશ્વાસ વધે એ માટે મારી માતાએ આપેલી પ્રવાહી જેવી ગોળીઓનું જ હું સેવન કરું છું, એ ડ્રગ કઈ રીતે હોઈ શકે?" વોર્ને એક મુલાકાતમાં એમ પણ કહ્યું હતું કે, તે રાત્રે મેં ખૂબ વાઇન પીધો હતો અને પછી સૂતા પહેલાં ગોળીઓ ગળી ગયો હતો. કદાચ આ બંને વસ્તુઓ ભેગી થઈ હોવાથી મારો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હશે." જોકે, એ પછી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે શેન વોર્ન પર એક વર્ષનો પ્રતિબંધ મૂકયો હતો.

આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર
કેલિફોર્નિયાના પૂર્વ ગર્વનર અને એક્ટર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરને મે ૨૦૧૧માં તેના ઘરની નોકરાણી સાથેના સંબંધથી એક બાળક હોવાની વાત બહાર આવતાં કેલિફોર્નિયાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ૯ મે, ૨૦૧૧ના દિવસે તેની પત્ની મારિયા શરીવેર ૨૫ વર્ષના લગ્નજીવન પછી આર્નોલ્ડ સાથે છેડો ફાડીને બ્રેન્ડવૂડ મેન્શનમાંથી દૂર રહેવા જતી રહી હતી. આ ઘટનાને લોસ એન્જલસ ટાઇમ્સમાં છપાયા પછી આર્નોલ્ડે તેનો લેખિતમાં ખુલાસો પણ આપ્યો હતો.

મારા અફેરની વાત મેં મારી પત્નીને જણાવી જ હતી!
આર્નોલ્ડે તેના લેખિત ખુલાસામાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું કેલિફોર્નિયાનો ગર્વનર હતો ત્યારે લગભગ એક દશકા પહેલાં જ એક વાર મેં આ બાબતે મારી પત્નીને બધી વાત જણાવી દીધી હતી.' આર્નોલ્ડના આ ખુલાસા પછી અભિનેત્રી બ્રિટની નેલ્સને પણ દાવો કર્યો હતો કે, 'આર્નોલ્ડને મારિયા સાથે સંબંધો હતા, તે દરમિયાન જ તેને પણ આર્નોલ્ડ સાથે સંબંધો હતા.' અભિનેત્રીના આ આરોપનો આર્નોલ્ડે કશો જ જવાબ આપ્યો નહોતો. આ ઘટના પછી આર્નોલ્ડનું લગ્નજીવન ડામાડોળ થયું હતું.

પાકિસ્તાની ખેલાડીઓ
આક્ષેપ
પાકિસ્તાનની ક્રિકેટ ટીમે ૨૦૧૦માં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડયો ત્યારે સમાચાર માધ્યમોએ એવો ગંભીર આક્ષેપ કર્યો કે સલમાન બટ્ટ, મોહંમદ આસિફ અને મોહંમદ આમિર સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા છે. આ આક્ષેપો બાદ ક્રિકેટ જગત પર એક દશકા પછી ફરીથી મેચ ફિક્સિંગના ઓછાયા પડયા હતા.

આ અમારા વિરુદ્ધનું કાવતરું છે
આરોપ પછી આ ત્રણેય ક્રિકેટરનું રિએક્શન અલગ અલગ અને શંકાસ્પદ હતું. આસિફ અને બટ્ટે પોતાનાં નિવેદનોમાં જણાવ્યું હતું કે અમે નિર્દોષ છીએ અને અમને ફસાવવામાં આવી રહ્યા છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની તરફેણ કરતા કહ્યું કે, આ પાકિસ્તાનના ક્રિકેટરોને બદનામ કરવાનું ષડયંત્ર છે. જોકે, એક માત્ર આમિરે તે વખતે મૌન સેવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ મેચ ફિક્સિંગમાં ક્યાંકને ક્યાંક ભાગ ભજવ્યો હોવાનું પુરવાર થતાં ત્રણેયની ક્રિકેટ કારકિર્દી પર મોટી અસર થઈ હતી.
Wednesday 5 December 2012
Posted by Harsh Meswania

નવરાશની પળોને હળવાશમાં ફેરવી દેતી વીડિયો ગેઇમ્સ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે ગેઇમ્સ ન હોય એવો એક પણ મોબાઇલ કે કમ્પ્યુટર શોધવાનું કામ લગભગ અશક્ય બન્યું છે. અવનવી ગેઇમ્સ હાથવગી થઈ છે. ગેઇમિંગની દુનિયા હવે ખૂબ જ વિસ્તરી ગઈ છે. પ્રથમ કમર્શિયલ કહી શકાય તેવી 'પોંગ ગેઇમ'ને થોડા દિવસ પહેલાં ૪૦ વર્ષ થયાં. 'પોંગ ગેઇમ' ભલે કમર્શિયલ રીતે પ્રથમ ગેઇમ હતી, પણ એ પહેલાંના બે દશકાથી એ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ શરૂઆત તો થઈ જ ગઈ હતી

વીડિયો ગેઇમ નવરાશની પળોને હળવાશની ક્ષણો બનાવી દે છે. આ બિઝનેસ આજે ૨૫૦૦ કરોડ ડોલરને આંબી ગયો છે. અમેરિકા અને યુરોપના કુલ કમ્પ્યુટર-સ્માર્ટફોન યુઝર્સમાંથી ૭૦ ટકા લોકો ગેઇમ્સ રમવાનું પસંદ કરે છે. આ ગેઇમ્સની દુનિયાનો આવિષ્કાર આમ તો ૪૦-૫૦ના દશકમાં થયો હતો પણ તેણે ખરી લોકપ્રિયતા બે દાયકા પછી મેળવી હતી. વીડિયો ગેઇમ જ્યારથી કમ્પ્યુટરમાં અને સ્માર્ટ ફોનમાં અવેલેબલ થઈ પછીથી તેની પોપ્યુલારિટીનો ગ્રાફ સતત ને સતત ઉપર જ ચડતો રહ્યો છે.

કઈ રીતે થઈ હતી શરૂઆત?
૧૯૪૦-૪૭ની વચ્ચે થોમસ ગોલ્ડસ્મિથ અને ઈસ્ટર્ન રેયમેન ફિલ્ડ નામના બે અમેરિકને 'કેથડ રે ટયૂબ અમુસમેન્ટ ડિવાઇસ વીડિયો ગેઇમ બનાવી હતી, પણ એ બહુ જ પ્રાથમિક તબક્કાની હોવાથી લોકપ્રિયતા મેળવી શકવાનો સવાલ જ ઊભો થતો નહોતો.

૧૯૪૯-૫૦માં ચાર્લી એડમ નામના કમ્પ્યુટર ઈજનેરે બાઉન્સિંગ બોલ નામની ગેઇમ બનાવીને એક ડગલું આગળ વધાર્યું. જોકે, આ ગેઇમ પણ લોકભોગ્ય બની નહીં. ત્યાર પછી ક્રિસ્ટોફર સ્ટ્રેચી, એ.એસ ડગ્લાસ વગેરેએ આ ક્ષેત્રે નાના-મોટું ખેડાણ કર્યું. આ દરમિયાન બૂકહેવેનની નેશનલ લેબોરેટરીમાં એક મહત્ત્વપૂર્ણ ગેઇમનું સોફ્ટવેર તૈયાર થઈ રહ્યું હતું. વિલિયમ હિજિન્બોથમે ટેનિસ ફોર ટુ નામની વીડિયો ગેઇમ તૈયાર કરી હતી. એ ગેઇમના ક્રિએટરે પછીથી પોન્ગ ગેઇમ બનાવીને ગેમિંગ ક્ષેત્રે એક નવું પ્રકરણ લખ્યું હતું જે ખૂબ જ દૂરગામી અસર ઉપજાવનારું રહ્યું હતું.

પોન્ગ ગેઇમઃ સ્ટાર્ટ ધ ગેઇમ
કમ્પ્યુટરના ક્રમિક વિકાસને જેમ જનરેશન પ્રમાણે વહેંચવામાં આવ્યો છે. એ જ રીતે ગેઇમ્સના ક્રમિક ડેવલપમેન્ટને પણ જનરેશન મુજબ જ વહેંચવામાં આવ્યો છે. ૧૯૬૭ પછી આ ક્ષેત્રે જે વિકાસ થયો તેને પ્રથમ જનરેશન કહેવામાં આવે છે. જર્મન-અમેરિકન રાફ બિઅરને પાયોનિયર ઓફ ધ ગેઇમ ગણવામાં આવે છે. રાફ બિઅર અને તેની ટીમે 'બ્રાઉન બોક્ષ' નામની વીડિયો ગેઇમની રચના કરી હતી. તેમનું આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાય છે, પણ લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો વિલિયમ હિજિન્બોથમ આ બાબતે તમામ લેવલ પાર કરનારા પ્રથમ ખેલાડી કહી શકાય. ૨૯ નવેમ્બર, ૧૯૭૨ના દિવસે વિલિયમ હિજિન્બોથમે પોન્ગ ગેઇમને સૌપ્રથમ વખત રજૂ કરી ત્યારે તરત જ આ ગેઇમ લોકપ્રિયતાને વરી. અત્યાર સુધી આવેલી તમામ ગેઇમ્સ એકતરફી જ રમી શકાતી હતી, પણ આ ગેઇમમાં બંને તરફનું સંતુલન કરી શકાતું હતું. એટલે કે ગેઇમ રમનાર પોતે જ બટનની મદદથી બંને તરફ પર કાબૂ કરી શકે એવો આ સોફ્ટવેર હતું. આ પ્રયોગથી ગેઇમિંગ ક્ષેત્રે ક્રાંતિ થઈ ગઈ. ત્યારબાદની મોટાભાગની વીડિયો ગેઇમ્સની મેથડ પોન્ગ ગેઇમ પરથી ક્યાંક ને ક્યાંક પ્રભાવિત રહી છે. કદાચ એટલે જ ગેઇમ્સ જગતની ખરી શરૂઆત ૪૦ વર્ષ પહેલાં થઈ હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય.

...અને એક પછી એક લેવલ પાર થતાં જ રહ્યાં!
૧૯૭૮થી ૧૯૮૬ સુધીના સમયગાળાને ગેઇમ્સ ક્ષેત્રના વિકાસનો ગોલ્ડન પિરિયડ ગણવામાં આવ્યો છે. આ સમયમાં એક્શન, એડવેન્ચર, કાર-બાઇક રેસિંગ, ફાઇટ ગેઇમ્સ, શૂટિંગ, રિધમ, રન એન્ડ ગન, સહિતની અલગ અલગ થીમવાળી અઢળક ગેઇમ્સની વિશાળ દુનિયા ખડી થઈ રહી હતી. ગેઇમિંગ જગતમાં આ પિરિયડને સેકન્ડ જનરેશન નામ આપવામાં આવ્યું છે. ત્યારપછી ૧૯૮૩થી ૧૯૯૫ સુધીનો સમયગાળો આવ્યો જેને થર્ડ જનરેશન નામ મળ્યું અને આજે આપણે અઢળક વેબસાઇટ્સ પર બીજા ગેઇમ્સ પ્લેયરની સાથે જે ઓનલાઇન ગેઇમ્સ રમીએ છીએ એનો પાયો આ ટાઇમમાં નખાયો. ૧૯૯૯ સુધીમાં તો ગેઇમ્સની દુનિયા મસમોટી થઈ ગઈ હતી, કેમ કે ઈન્ટરનેટનો આવિષ્કાર થવાથી હવે ગેઇમ્સ રમવાનું વધુ સરળ બન્યું હતું. આ તબક્કો એટલે ફોર્થ જનરેશન.ફોર્થ જનરેશન સુધી આ થોડી ધીમી ગતિએ પણ પાયાની કામગીરી થઈ હતી. ત્યાર પછી તો જાણે પ્રતિદિન કશુંક નવું નવું આવવા લાગ્યું હતું. શરૂઆતમાં ગેઇમ્સની દુનિયાને માત્ર બે ઘડી રમત ગણતા લોકો પણ હવે તેમાંથી રોકડા કેમ રળી શકાશે એનો વિચાર કરતા થયા હતા. અત્યારે જે લેવલ ચાલે છે તેને એઇટ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે તો ૩ડી અને પ્લેસ્ટેશન વિસ્ટા સહિત આ સફર લંબાઈ છે. પોન્ગથી શરૂ થયેલી આ યાત્રા આજે ૪૦ વર્ષોમાં આઠ જનરેશન ઓળંગીને સતત નવો નવો લિબાશ ધારણ કરે છે, પણ તેનાં મૂળિયાં તો હજુ પેલી પ્રથમ એન્ટરટેઇન ગેઇમ પોન્ગ સુધી લંબાયાં છે. પ્રારંભના ક્રિએટર્સે પાયો મજબૂત તૈયાર કર્યો હતો કદાચ એટલે જ આજે ઈમારત બુલંદ છે!
Posted by Harsh Meswania

એનસીસી : અહીં થાય છે યુવા પ્રતિભાનું ઘડતર


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નવેમ્બર માસના ચોથા રવિવારે દર વર્ષે એનસીસી (નેશનલ કેડેટ કોર) દિવસ ઊજવાય છે. વધુ એક એનસીસી દિવસ આવ્યો અને ગયો. જે હેતુ માટે એનસીસીની સ્થાપના થઈ હતી તે હેતુ આજે વિસરાઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજકાળમાં જ યુવાનોનું સર્વાંગી ઘડતર થાય તે માટે શરૂ થયેલી આ સંસ્થામાં જોડાવવા માટે યુવાનો પહેલાં જેવો ઉમળકો હવે દાખવતા ન હોવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે

એકતા અને અનુશાસનના મૂળ મંત્ર સાથે ૧૯૪૮ના જુલાઈ માસની ૧પમી તારીખે એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, આમ તો આ સંસ્થાની શરૂઆત આના ત્રીસેક વર્ષ પહેલાં અંગ્રેજ શાસન દરમિયાન જ થઈ ગઈ હતી. ત્યારે દેશમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લશ્કરી ઢબની તાલીમ આપવામાં આવતી હતી. આ સંસ્થા ૧૯૨૦ આસપાસ યુટીસી (યુનિવર્સિટી ટ્રેઇનિંગ કોર)ના નામે ઓળખાતી હતી. એનસીસી એ જમાનામાં આર્મીમાં જોડાવવા માટેનું પ્રથમ પગથિયું ગણાતું હતું. એનસીસીમાં જોડાનારા મોટાભાગના સ્ટુડન્ટ્સ પછીથી આર્મીમાં ફરજ બજાવવાનું પસંદ કરતા હતા. ૧૯૪૨માં અંગ્રેજ સરકારે થોડા સમય માટે યુનિવર્સિટી ઓફિસર્સ ટ્રેનિંગ કોર (યુઓટીસી) નામ પણ આપ્યું હતું. ભારત આઝાદ થતાં જ આ સંસ્થાને યુવાનોના વિકાસ માટે સત્તાવાર કામ સોંપવામાં આવ્યું હતું.

એનસીસીનો શરૂઆતી દૌર
જુલાઈ ૧૯૪૮માં એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સમાવ્યા પછી તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ નવેમ્બર માસના છેલ્લા રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને એનસીસીનું સન્માન કર્યું હતું. ત્યાર પછીથી એનસીસી પ્રતિવર્ષ આ દિવસે એનસીસી દિવસ ઊજવે છે. પહેલાં એનસીસીમાં માત્ર આર્મીની જ તાલીમ આપવામાં આવતી હતી પછીથી ૧૯૫૦માં એરફોર્સનો સમાવેશ કરવામાં આવ્યો. અમુક શાળા-કોલેજોમાં આર્મીની સાથે એરફોર્સની તાલીમ શરૂ થઈ. એરફોર્સમાં યુવાનોનો ઉમળકો જોઈને એ જ વર્ષે નૌસેનાની ટ્રેનિંગ પણ એનસીસીના યુવાનોને આપવાનું શરૂ કરાયું. ત્રણેય પાંખની અલગ અલગ તાલીમ લેતા એનસીસી કેડેટ્સ તેના જુદા જુદા પોશાકથી ઓળખી શકાય છે. જેમ કે, આર્મીની તાલીમ લેતા કેડેટ્સ ખાખી ડ્રેસ પરિધાન કરે છે જ્યારે નેવીના તાલીમાર્થીઓ તેના શ્વેત વસ્ત્રોથી ઓળખાઈ જાય છે. એરફોર્સની તાલીમ મેળવતા કેડેટ્સ લાઇટ બ્લૂ ગ્રે કલરના યુનિફોર્મથી આર્મી અને નેવીથી અલગ પડી જાય છે. ત્રણેય પાંખોમાં કરિયર બનાવવા માંગતાં યુવાનો અને યુવતીઓ માટે એનસીસીની આ તાલીમ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.

યુવતીઓ પણ બની એનસીસીનો ભાગ
 ૧૯૪૮ સુધી માત્ર યુવાનો જ એનસીસીમાં જોડાઈ શકતા હતા, પણ આઝાદીની ચળવળમાં દેશની યુવતીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આગળ જતા અનુશાસન-એકતાનો મંત્ર યુવતીઓ પણ હસ્તગત કરે એ હેતુથી ૧૯૪૯માં યુવતીઓને એનસીસીની તાલીમ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. યુવાનો માટે જે રીતે શાળા-કોલેજોમાં બે વર્ષનો તાલીમ પિરિયડ નક્કી કરવામાં આવ્યો હતો એ જ માળખાથી કિશોરીઓ અને યુવતીઓ માટે બે વર્ષની તાલીમ શરૂ કરવામાં આવી હતી. યુવતીઓ તરફથી શરૂઆતી સમયમાં એટલો બધો ઉત્સાહ દાખવવામાં આવતો નહોતો, પણ ધીરે ધીરે એનસીસીની તાલીમ લેવાનો ઉમળકો યુવતીઓ પણ દાખવવા લાગી. જોકે, આજેય સ્થિતિ સમોવડી ગણી શકાય એવી તો નથી જ. યુવતીઓમાં યુવાનોની તુલનાએ એનસીસી જોઇન કરવાનું વલણ ઓછું તો જોવા મળે જ છે.

આજે ક્યાં છે એનસીસી?
આજે દેશમાં ૧૪ લાખ જેટલાં યુવક-યુવતીઓ એનસીસીની તાલીમ લઈ રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં કુલ વસ્તીના ૫૪ ટકા યુવાનો છે. આવડી મોટી સંખ્યામાં જ્યારે યુવા વસ્તી હોય અને અલગ અલગ પ્રવાહના અભ્યાસક્રમો ચાલતા હોય ત્યારે માત્ર ૧૪ લાખ જ યુવાધન એનસીસીમાં ભાગ લે એ સ્થિતિ એટલી સારી તો ન જ કહેવાય. એનસીસીની તાલીમનું પ્રમાણપત્ર જ્યારે જુદી-જુદી નોકરીઓ મેળવવામાં કામ લાગતું હોય અને ખાસ તો ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે એનસીસીનું ર્સિટફિકેટ ઉપયોગી બનતું હોય ત્યારે પણ એનસીસીના કેડેટ્સની સંખ્યા ઓછી રહેતી હોય તો યોગ્ય આયોજનનો અને માહોલનો અભાવ એ પાછળ કારણભૂત હોઈ શકે! વચ્ચે ૧૯૬૩થી ૧૯૬૮ સુધીનાં વર્ષોમાં પ્રયોગરૂપે યુનિવર્સિટીઓમાં એનસીસીની તાલીમ ફરજિયાત બનાવાઈ હતી, પણ પછીથી ફરીથી આ તાલીમ સ્વૈચ્છિક બનાવી દેવામાં આવી હતી. એનસીસીની ફરજિયાત તાલીમ આપવાનો વિકલ્પ યુવાનોને આ તરફ વાળવાનો યોગ્ય ઉપાય તો ન જ હોઈ શકે, પરંતુ એવું આયોજન તો કરવું જ રહ્યું કે જેથી યુવાધન એકતા અને અનુશાસનના પાઠ ભણે! આમ પણ આપણા આવડા વિશાળ દેશમાં આ બંને મૂળ મંત્રોની કદાચ સવિશેષ જરૂરિયાત પણ વર્તાય છે.

 આ મહાનુભાવો રહી ચૂક્યાં છે એનસીસીનાં કેડેટ

* ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વના નેતા ગણાતા નેતાજી સુભાષચંદ્ર બોઝ એનસીસી કેડેટ હતા. તેમણે એનસીસી પાસેથી એકતા અને અનુશાસનના સિદ્ધાંતો શીખ્યા હતા, જે તેમને પછીથી કોંગ્રેસ પ્રમુખ બનતી વખતે કોંગ્રેસને એક તાંતણે બાંધી રાખવામાં તેમજ આઝાદ હિંદ ફૌજના સૈનિકોને અનુશાસિત રાખવામાં કામે લાગ્યા હતા.


* પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ એનસીસીમાંથી અનુશાસનનો પાઠ ભણ્યો હતો જે પછીથી તેમણે એક દશકા સુધી મુખ્યમંત્રી પદે બેસતી વખતે પક્ષની એકસૂત્રતાની સાંકળ રચવામાં મદદરૂપ બન્યો હતો.


* ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી પણ એનસીસીનાં કેડેટ હતાં. કિરણ બેદી કેદીઓને હકારાત્મકતા તરફ વાળવાના કામ માટે જાણીતાં બન્યાં હતાં.



* ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને રાજયસભાને સાંસદ જયા બચ્ચન શાળામાં એનસીસીનાં કેડેટ હતાં. પછીથી તેમણે અનુશાસનમાં રહીને બોલીવૂડમાં અને સંસદમાં લાંબી ઇનિંગ ખેલી છે.





* લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ એનસીસી કેડેટ રહી ચૂક્યાં છે તો ભારતનાં મહિલા શૂટર અંજલિ ભાગવત પણ એકતા-અનુશાસનનો બોધ એનસીસીમાંથી શીખ્યાં હતાં.





એનસીસી અને ગુજરાતઃ ઊલટી ગણતરીમાં આગળ!
બીજી ઘણી બધી બાબતોમાં અવ્વલ રહેતા ગુજરાતના યુવાનો એનસીસીની તાલીમ બાબતે સૌથી વધુ ઉદાસીન છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય, કેમ કે આંકડાઓ કહી બતાવે છે કે આપણો નંબર છેક છેલ્લેથી બીજો છે! કુલ ૧૬ વિભાગમાં ચાલતી આ પ્રવૃત્તિમાં આપણા રાજ્યનો ક્રમાંક ૧૪મો છે. મહારાષ્ટ્ર આ યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સીનિયર અને જુનિયર એમ બંને કેટેગરી મળીને કુલ ૫૨ હજાર કેડેટ્સ છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ તમામ પાંખોનો સમાવેશ થઈ જાય છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ એમ ચાર ભાગ પાડવામાં આવ્યા છે.      
Wednesday 28 November 2012
Posted by Harsh Meswania

સપાટ શબ્દોમાં ભાવ ભરવાનું કામ કરતા : ઇમોશનલ આઇકોન્સ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે આપણે વાતે વાતે સ્માઇલીનો ઉપયોગ કરીએ છીએ. કોઈ રમૂજી વાત પર તરત જીભ બહાર કાઢતાં સ્માઇલીની મદદથી મેસેજમાં આપણો રમૂજી મિજાજ છતો કરીએ છીએ, તો ક્યારેક કોઈકની વાતે ગુસ્સે થઈને નાક ચઢાવતા સ્માઇલીથી એન્ગ્રી ફિલિંગ વ્યક્ત કરીએ છીએ. મોબાઇલમાં થતી મેસેજ ચેટ હોય કે ફેસબુકની ઓનલાઇન ચેટ હોય, આ ઇમોટિકોન્સ આપણા ટેક્સ્ટ કોમ્યુનિકેશનનો અવિભાજ્ય હિસ્સો બન્યા છે, ત્યારે આ ઇમોટિકોન્સની દુનિયામાં મારીએ એક લટાર...

દિવાળી-નૂતનવર્ષે નવા વર્ષની શુભકામના પાઠવતા મેસેઝીસ કે ઈ-મેલના સંદેશાઓમાં સ્માઇલીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થયો. હસતો ચહેરો સૌને ગમતો એ ન્યાયે હવે શુભકામના પાઠવવા અથવા બર્થ ડે, મેરેજ એનિવર્સરી ડે વિશ કરતી વખતેના સંદેશાઓમાં કે પછી વાતચીતમાં અલગ અલગ ભાવ સ્પષ્ટ કરવા માટે આવા આઇકોન્સનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. તેને ઇમોટિકોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સપાટ મેસેઝીસમાં વાતનો ભાવ સ્પષ્ટ થતો હોતો નથી એટલે વાત કેવા મૂડમાં કહેવાઈ છે તે બતાવવા માટે આવા ઇમોટિકોન્સ સગવડતાભર્યા થઈ પડે છે. ઇમોટિકોન્સની દુનિયા ખરેખર વિશાળ અને મજેદાર થઈ છે. લાગણીઓ વ્યક્ત કરવા માટે હવે શબ્દો જાણે આવા ઇમોટિકોન્સ વિના ઠાલા લાગવા માંડયા છે. પ્રેમ, રમૂજ, ગુસ્સો, તિરસ્કાર સહિતની લાગણીઓ વ્યક્ત કરવામાં વિવિધ દેખાવના અને કલર્સના ઇમોટિકોન્સ કે જેને સામાન્ય રીતે સ્માઇલી કહીને ઓળખવામાં આવે છે તેની શોધને ૩૦ વર્ષ પૂરાં થયાં છે. જોકે, સત્તાવાર રીતે સૌપ્રથમ થયો હતો તેના વિશે એકમત નથી, મોટા ભાગે મેસેઝીસમાં ઇમોટિકોન્સને સૌપ્રથમ વખત વાપરવાનું સન્માન કાર્નેગી મેલન યુનિવર્સિટીના પ્રોફેસર સ્કોટ ઈ. ફોલમેન નામના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ખાટી જાય છે. તેમણે ૧૯૮૨માં ઇન્ટરનલ મેસેન્જરમાં આ પ્રકારના સ્માઇલીનો ઉપયોગ કર્યો હતો, અલબત્ત તેમાં કલર્સનો ઉપયોગ નહોતો થયો. બે ટપકાં, ડેશની આડી લીટી અને અર્ધકૌંસ વડે તેમણે :-) કમ્પ્યુટરના કી-બોર્ડની મદદથી હસતા ચહેરાનો આભાસ ઊભો કરીને સૌપ્રથમ સફળ પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. ત્યાર પછી તેમણે જ મેસેજમાં ઉદાસી બતાવવા માટે :-( આ ચિહ્ન શોધી કાઢયું હતું. ૩૦ વર્ષ પહેલાં તેમણે કરેલા આ પ્રયોગને પછીથી વ્યાપક પ્રતિસાદ મળ્યો. મોબાઇલ ફોનમાં શરૂઆતમાં આ સુવિધા દરેક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ન હતી, પણ પછીથી ૧૯૯૫ આસપાસ મોટાભાગની મોબાઇલ ફોન પ્રોવાઇડર કંપનીઓએ 'ઇન્સર્ટ સ્માઇલી' જેવા નામથી મેસેજમાં ઇમોટિકોન્સનો ઉપયોગ કરી શકાય તેવી સવલત આપવા માંડી હતી. ધીરે ધીરે દેશ-વિદેશના ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે સ્માઇલી સાવ પોતીકો ઓપ્શન બની ગયો. મેસેજના ટેક્સ્ટ સાથે તાલ મિલાવીને સ્માઇલીનો ઉપયોગ કરનારા કદાચ ફોલમેન પ્રથમ હતા, પણ સ્માઇલીનો વપરાશ એ પહેલાં પણ થયો હતો અને ઘણી વખત થયો હતો.

ઇમોટિકોન્સની શરૂઆતી દુનિયા
પ્રોફેસર ફોલમેને સ્માઇલી ફેસને ડિજિટ ફોમ આપ્યું હતું, પણ ડિરેક્ટર ઇન્ગમર બર્ગમેને તેમની ફિલ્મ 'હામસ્ટેડ'માં ૧૯૪૮માં સૌ પહેલાં આ સ્માઇલી ઇમોટિકોનને બતાવ્યો હતો. ત્યાર પછીનાં વર્ષોમાં જોકે, સ્માઇલી ફેસ એટલો બધો લોકપ્રિય બન્યો નહોતો, પણ છૂટોછવાયો ઉપયોગ શરૂ થયો હતો. ૧૯૫૩માં આવેલી 'લીલી' ફિલ્મમાં ચાર્લી વોલ્ટર સ્માઇલી દેખાડયું હતું. પછી ૧૯૫૮માં દિગ્દર્શક વિન્સેન્ટ મિનેલીએ પણ સ્માઇલી ફેસને 'ગિગિ' ફિલ્મમાં બતાવ્યો હતો. આ સિવાય ૧૯૫૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફની ફેસ'માં ડિરેક્ટર સ્ટેન્લી ડેનિને ફિલ્મના પોસ્ટરમાં જ પીળા રંગના આવા ફની ફેસની આભા ઊભી કરી હતી. આ ફિલ્મોમાં સ્માઇલી ફેસનો ઉપયોગ વત્તાઓછા અંશે થયો હોવાથી લોકપ્રિયતાને વર્યા ન હતા, પણ શરૂઆત થઈ ગઈ હતી. સ્માઇલી ફેસની નોંધ લેવાનું શરૂ થયું ૧૯૬૩થી. ૧૯૬૩માં હાર્વે બોલ નામના અમેરિકન કોર્મિશયલ આર્ટિસ્ટે પીળા રંગનો સ્માઇલ ફેસ સ્ટેટ મ્યુચ્યુઅલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ઓફ વોર્સેસ્ટર (કે જે પછીથી હેનોવર ઇન્સ્યોરન્સના નામે જાણીતી બની હતી) ની એક જાહેરાત માટે ક્રિએટ કર્યો હતો. પીળા રંગમાં બનેલા આ સ્માઇલીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને એકાએક સ્માઇલીનો વપરાશ ટી-શર્ટ વગેરેમાં પણ થવા લાગ્યો. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને આ સ્માઇલી આજના પચ્ચીસ સો રૂપિયામાં પડયું હતું. યસ, આ સ્માઇલી માટે હાર્વે બોલને ૪૫ ડોલર આપવામાં આવ્યા હતા. આ જ અરસામાં ન્યૂયોર્કના WMCA રેડિયો સ્ટેશને એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થનારને રેડિયો સ્ટેશન વતી 'WMCA good guy’ લખેલું યલો ટી-શર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં હેપ્પી ફેસ બતાવવામાં આવ્યો હતો.

૧૯૭૨ના વર્ષમાં ફ્રેન્ક્લીન લોફ્રાનીએ યુરોપિયન ઓડિયન્સનો પરિચય સ્માઇલી સાથે કરાવ્યો હતો. ૧લી જાન્યુઆરીએ તેમણે 'ફ્રાન્સ સોઇર' નામના સાંધ્ય દૈનિક અખબાર માટે બનાવેલી એક જાહેરાતમાં હેપી ફેસ વાપર્યો હતો. આ અખબારે એટલા માટે જાહેરાતમાં સ્માઇલી ફેસનો ઉપયોગ કર્યો હતો કે તેમનાં છાપાંમાં ક્રાઇમના ન્યૂઝને બદલે હકારાત્મક સમાચારો અને લેખો આવશે તેવી વાત લોકોના ગળે ઉતારવી હતી. આ પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં નોવેલ્ટીનો વ્યાપાર કરતા બે ભાઈઓ બર્નાડ અને મૂરે સ્પેઇને પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે સ્માઇલીનો નવો નુસખો અખત્યાર કર્યો હતો. આમાં આ બંને વેપારીઓનો મેસેજ હતો કે અમારે ત્યાંથી ખરીદેલી વસ્તુઓમાં પૂરતો સંતોષ મળશે.

હવે તો જાતજાતના રંગોમાં સ્માઇલી અવેલેબલ છે, છતાં ખબર નહીં કેમ, પણ હાર્વે બોલ દ્વારા ડિઝાઇન કરાયેલા યલો સ્માઇલીને આજ સુધી લોકો સ્વીકારે છે. હાર્વેએ પ્રથમ આઇકોન ક્રિએટ કર્યાને ભલે ૫૦ વર્ષ વીત્યાં હોય છતાં સ્માઇલી અને પીળો રંગ એકબીજાના પર્યાય બની રહ્યા છે. એ જ રીતે કમ્પ્યુટરની ટાઇપોગ્રાફી આજ સુધી પ્રોફેસર સ્કોટ ફેલમાનની મેથડને ફોલો કરે છે. પછી તો ઘણા નવા નવા આઇકોન્સ એમાં ઉમેરાતા રહ્યા છે. આજની મોબાઇલ જનરેશન પ્રેમ, ગુસ્સો, તિરસ્કાર, ચુંબન, રુદન, ઠઠ્ઠા-મશ્કરી, પરેશાની, ઉદાસી જેવી અનેકાનેક લાગણી અભિવ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરવાને બદલે એના સિમ્બોલથી કામ ચલાવી લે છે. આ જાણે ચેટ જનરેશન માટે નવી બારાખડી છે કે જે ક્યાંય શીખ્યા વગર આપોઆપ હસ્તગત થઈ જાય છે! આમ પણ, જ્યાં અનહદ લાગણી હોય ત્યાં સરહદ બાંધી પણ કોણ શકે? લાગણી તો બસ વ્યક્ત થતી રહે છે, ક્યારેક શબ્દોથી તો ક્યારેક સિમ્બોલથી!

ચેટ શોર્ટ બારાખડી
મોબાઇલ ચેટ કે ઓનલાઇન ચેટિંગમાં સિમ્બોલ ઉપરાંત મહત્ત્વનો વપરાશ ટૂંકાક્ષરોનો થાય છે. વાત એકાદ બે અક્ષરોથી થઈ જતી હોય તો પછી લાંબાં લાંબાં વાક્યોની પળોજણમાં પડવાની અહીં નવરાશ પણ કોને છે? સીધી બાત નો બકવાસ!

ટૂંકાક્ષર- ટૂંકાક્ષરોનો અર્થ
2G4U - ટુ ગૂડ ફોર યુ

4E - ફોરેવર

911 - ઇમર્જન્સી કોલ મી

AML - ઓલ માય લવ

ATB - ઓલ ધ બેસ્ટ

BTW - બાય ધ વે

BOL - બેસ્ટ ઓફ લક

CUL- સી યુ લેટર

DUR?- ડોન્ટ યુ રિમેમ્બર?

EOD- એન્ડ ઓફ ડિસ્કશન

F2F- ફેસ ટુ ફેસ

GTSY- ગ્રેટ ટુ સી યુ

HAND- હેવ અ નાઇસ ડે

IWALU- આઇ વિલ ઓલ્વેઝ લવ યુ

KIT- કીપ ઇન ટચ

LYSM- લવ યુ સો મચ

MGB- મે ગોડ બ્લેસ યુ

OTO- આઉટ ઓફ ધી ઓફિસ

PCM- પ્લીઝ કોલ મી!

PXT- પ્લીઝ એક્સપ્લેઇન ધેટ

POV- પોઇન્ટ ઓફ વ્યૂ

SRY- સોરી

T+- થિંક પોઝિટિવ

THX- થેન્ક્સ!
Wednesday 21 November 2012
Posted by Harsh Meswania

નૂતન વર્ષ : નવી આશા, નવા ઉમંગ અને નવાં સપનાંઓ સાથે નવા વર્ષનો પ્રારંભ



પર્વ વિશેષ - હર્ષ મેસવાણિયા

ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે

વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દિવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂરા કરવા માટે વડીલોની આશિષ મેળવવવામાં આવે છે.

હવે નવા વર્ષની ઉજવણીમાં પણ નવીનતા જોવા મળે છે. ટેક્નોલોજીનો આવિષ્કાર ઉજવણીને પ્રભાવિત કરે છે. શુભેચ્છા કાર્ડ્સનું સ્થાન હવે ઇ-મેલ અને એસએમએસે લઈ લીધું છે. સોશ્યલ સાઇટ્સનો પણ નૂતન વર્ષની ઉજવણીમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

નવું વર્ષ નવી આશાઓ, નવા વિચારો લઈને આવે છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. ગત વર્ષની કડવાશ કે મનદુઃખ પર બેસતા વર્ષના દિવસે પૂણવિરામ મુકાઈ જાય છે. કોઈ બાબતે એકમેક સાથે થયેલું મનદુઃખ ભૂલીને બેસતા વર્ષે ઉમળકાથી ગળે મળીને સંબંધોની નવી શરૂઆત થાય છે. માત્ર સંબંધોમાં કે વિચારોમાં જ નવીનતા શા માટે? જૂનો હિસાબકિતાબ પતાવીને નવા વર્ષે નવી શરૂઆત કરવાનો પણ રિવાજ છે. સંબંધોમાં, સંકલ્પમાં કે સજાવટમાં જ નહીં, પણ પોશાકમાં પણ નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજા તહેવારોમાં નવાં કપડાં કદાચ ન ખરીદે તો ચાલે, પણ નવા વર્ષે નવો પોશાક પહેરવાનો જાણે વણલખ્યો નિયમ છે. વહેલી સવારથી નવાં કપડાંમાં સજ્જ થઈને વડીલોના આશીર્વાદ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજેય ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ, પણ તેનું ધાર્મિક માહાત્મ્ય પણ એટલું જ અગત્યનું છે. મંદિરોમાં પૂજા-પાઠ કરીને ભગવાનનાં ચરણોમાં શીશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું માહાત્મ્ય છે. ભગવાનને ૩૨ જાતનાં ભોજનનો થાળ ધરાવવામાં આવે છે. અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી ફસલ સૌ પ્રથમ વખત ભગવાનનાં ચરણોમાં ધરે છે. કોઈક શેરડીના સાંઠાઓ તો કોઈક મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે. ફસલની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે.

વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે. વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતા નથી.

આમ, સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે. નૂતન વર્ષ નવાં સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે. નવું વર્ષ કડવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવાં સપનાંઓ સજાવવાનું સામર્થ્ય આપે છે. ચુકાઈ ગયેલી તકને ફરીથી ઝડપી લેવાનું સંકલ્પબળ નૂતન વર્ષ આપે છે. વીતેલાં વર્ષોની નિષ્ફળતાને વિસારે પાડીને સફળતાનાં શિખરો સર કરવાનું બળ એટલે નૂતન વર્ષ. વીતેલાં વર્ષમાં કરાયેલા સંકલ્પો કે આશાઓની જેમ આ વર્ષના સંકલ્પો પણ માત્ર સંકલ્પો બનીને ન રહી જાય એ વાતની પ્રતીતિ કરાવતો દિવસ એટલે પણ નૂતન વર્ષ.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)   
Thursday 8 November 2012
Posted by Harsh Meswania
Tag :

સોના કિતના સોણા હૈ...



મધ્યાંતર : હર્ષ મેસવાણિયા

સોનાના ચળકાટ તરફ સદીઓથી માનવજાતિનું આકર્ષણ અકબંધ રહ્યું છે. ક્યારેક સોનું રાજા-મહારાજાઓનાં મસ્તકનો મુકુટ કે સિંહાસન બનીને રહ્યું, તો ક્યારેક સામાજિક રીત-રિવાજો સાથે સહજ રીતે વણાઈ ગયું. ક્યારેક સિક્કાના સ્વરૂપે વ્યાપારમાં ચલણી બન્યું તો ક્યારેક બિસ્કિટ બનીને રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ બની ગયું. ક્યારેક રમતવીરોના ગળામાં મેડલ બનીને ઝૂલ્યું તો ક્યારેક મધ્યમવર્ગનું સોનેરી શમણું બનીને રહી ગયું. અલગ અલગ સ્વરૂપે સોનું સતત આપણી વચ્ચે ચળકતું રહ્યું છે

દીવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ દિવસોમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે ગોલ્ડનું બજાર સવિશેષ ધમધમતું રહેશે. છેલ્લા એક-બે દશકાઓમાં સોનાની જરૂરિયાત વધીને બમણી થઈ છે. સોના માટેનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જ્વેલરી બનાવવામાં ગોલ્ડનો વપરાશ મોટા પાયે થાય છે, પણ આ સિવાય અલગ અલગ જગ્યાએ ગોલ્ડ ઉપયોગી થતું રહ્યું છે. ગોલ્ડ પહેલાંના સમયમાં ભવ્યતા, પછી સામાજિક રીત-રિવાજ અને હવે ઈન્વેસ્ટમેન્ટનું માધ્યમ બની ગયું છે.

સોનાનો સોનેરી ઉપયોગ
ખનીજ રૂપે મળતાં કુલ સોનાના જથ્થામાંથી ૬૦ ટકા જથ્થો દાગીના બનાવવામાં વપરાય છે. સોનામાંથી બનતી વિવિધ જ્વેલરીનું વિશ્વભરમાં વિશાળ માર્કેટ છે. જ્વેલરીનું સૌથી મોટું બજાર ભારતમાં છે. ભારતમાં ૨૦૧૦ના વર્ષમાં ૭૪૭ ટન સોનાનો જથ્થો દાગીના બનાવવા પાછળ ઉપયોગમાં લેવાયો હતો. કુલ સોનાનો ૨૫ ટકા ભાગ ભારતીયો ખરીદે છે. (કોણ કહે છે ભારત ગરીબોનો દેશ છે!?) પછીના ક્રમે ચીન છે. ચીનમાં ૨૦૧૦માં ૪૫૦ ટન સોનામાંથી વિવિધ દાગીના બન્યા હતા. ભારત અને ચીન સોનું આયાત કરનારા દેશોની યાદીમાં પણ અવ્વલ સ્થાને વર્ષોથી રહેતા આવ્યા છે. બીજા દેશો માટે સોનું કદાચ ઈન્વેસ્ટમેન્ટની ધાતુ છે જ્યારે ભારતમાં સોનું સામાજિક રસમ છે. સગાઈથી લઈને લગ્ન સુધી કે પુત્ર-પુત્રીના જન્મ વેળાએ અપાતી ભેટથી લઈને મૃત્યુ પછીનાં દાન સુધીમાં સોના અને ચાંદીનો સમાવેશ આપણે ત્યાં એક રિવાજ છે. જોકે, લાખેણા સોનેરી દાગીના બનાવવા ઉપરાંત સોનાનો ઉપયોગ ફૂડ, મેડિસિન, ઈલેક્ટ્રોનિક્સ ચિપ્સ, રસાયણો બનાવવામાં કે કપડાંમાં વરખ તરીકે પણ બહોળા પ્રમાણમાં થાય છે.

અત્યાર સુધીમાં કેટલું સોનું આપણે વાપરી ચૂક્યાં છીએ?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં માનવજાતિ ૧,૭૧,૩૦૦ ટન ગોલ્ડ પૃથ્વીના પેટાળમાંથી કાઢીને વાપરી ચૂકી છે. એમાં પણ ૨૦૦૬ પછી આ આંકડો સતત વધી રહ્યો છે. ૨૦૦૭માં ૨,૪૭૮ ટન સોનું વિશ્વભરમાં વેચાયું હતું, તો ૨૦૦૮માં ૨,૪૧૪ ટન ગોલ્ડની ખપત થઈ હતી. ૨૦૦૯માં આ આંકડો ૨,૫૮૯ સુધી પહોંચી ગયો હતો. ૨૦૧૦ આવતાં આવતાં તો વધુ એક હજાર ટનનો આમાં ઉમેરો થઈ ગયો હતો. ભાવ ભલે સતત વધી રહ્યા હોવાની બૂમરાણ મચે, પણ લોકોની ખરીદશક્તિમાં ઓટ ન આવી હોવાનો પુરાવો આ આંકડા છે. પૃથ્વીના બધા જ ખંડોમાંથી વત્તા-ઓછા અંશે સોનું મળી આવે છે, પણ આફ્રિકા ખંડ આ મામલે સદીઓથી અગ્રેસર રહ્યો છે. ૧૯૦૫થી છેક ૨૦૦૭ સુધી સોનાના ઉત્પાદનમાં આફ્રિકા નંબર વન રહેતું આવ્યું હતું. ગોલ્ડના ટોટલ ઉત્પાદનમાં આફ્રિકાનો ૭૦ ટકા હિસ્સો રહેતો હોય છે.(સોનાના ઉત્પાદનમાં નંબર વન રહેતા આફ્રિકન દેશોમાં ગરીબોની સંખ્યા પણ ખાસ્સી મોટી છે, સોનાના ચળકાટ પાછળની કાળાશ!) આ સિવાય અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને પેરુ ગોલ્ડની નિકાસ કરનારા મહત્ત્વના દેશો છે.

સોના પર નભતા લોકો
સોના પર વિશ્વની ઈકોનોમીનો બહુ મોટો આધાર રહેલો છે. સોનાની ખાણોમાં કામ કરતા ખાણિયાથી લઈને સોનીબજારમાં જ્વેલરી બનાવતા કારીગરો સુધીના આશરે ૨૦ કરોડ લોકો સોના પર આજીવિકા મેળવે છે. સૌથી વધુ લોકો જ્વેલરી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એ પછીનો ક્રમ ખાણોમાંથી સોનું બહાર કાઢવાનું કામ કરતા મજૂરોનો આવે છે. આ સિવાય કેમિકલ ક્ષેત્રે કે દવાઓ અને ફૂડ સાથે સંકળાયેલા લોકો સોના સાથે વત્તા ઓછા અંશે કામ લે છે એની ગણતરી કરવામાં આવે તો આ આંકડો બહુ મોટો થઈ શકે છે.

સોનાની શરૂઆત...
એક માન્યતા પ્રમાણે પેટ્રોલિયમ પેદાશો જેમ પૃથ્વીના પેટાળમાં સમયાંતરે આપમેળે બને છે એવું સોનાની બાબતમાં બનતું નથી. એક થિયરી મુજબ કરોડો વર્ષો પહેલાં સુપરનોવા વખતે જ્યારે પૃથ્વીનું બંધારણ બની રહ્યું હતું અને સૌરમંડળમાં મોટા પાયે ઉથલપાથલ મચી રહી હતી ત્યારે અન્ય ધાતુઓની જેમ જ સોનાની ધાતુ અસ્તિત્વમાં આવી હતી. કરોડો વર્ષોની પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પેટાળમાં આંતરિક ગરમી, પ્રેશર, ભૂકંપ જેવાં પરિબળોથી વિવિધ પડ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને એમાંનું એક તત્ત્વ એટલે સૌથી લોકપ્રિય ધાતુ સોનું. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પૃથ્વી સિવાય મંગળ, બુધ અને શુક્રના ગ્રહો પર વિપુલ પ્રમાણમાં સોનું હોવાની શક્યતા છે.

ગોલ્ડ કેન બી નેવર ઓલ્ડ!
* ૮૦ ટકા ગોલ્ડનો ખજાનો હજુ પણ પૃથ્વીના પેટાળમાં પડયો હોવાનું નિષ્ણાતો માને છે.

* પૃથ્વીના પેટાળમાંથી અત્યાર સુધીમાં અલગ અલગ ૯૨ ધાતુઓ મળી આવી છે, જેમાં સોનાનો ૫૮મો નંબર છે.

* એશિયાની જ્વેલરી પશ્ચિમના દેશોના દાગીના કરતાં વધુ કીમતી એટલા માટે હોય છે કે આપણે ત્યાં દાગીના બનાવવા માટે વધુ શુદ્ધ સોનું વાપરવામાં આવે છે.

* મોટાભાગના પશ્ચિમી રાષ્ટ્રોનાં ચલણમાં ૧૯૬૦ સુધી ઓછાવત્તા અંશે ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

* કાળાં નાણાં બાબતે બદનામ દેશ સ્વિટ્ઝર્લેન્ડ સોનાને કરન્સીરૂપે વાપરનારો છેલ્લો દેશ છે. ૧૯૯૯ સુધી સ્વિટ્ઝર્લેન્ડના સિક્કાઓમાં સોના મિશ્રિત ધાતુનો ઉપયોગ કરાતો હતો.

* કીમિયાગરો આજેય માને છે કે સીસામાંથી સોનું બનાવી શકાય છે અને એ માટેના પ્રયાસો પણ તેઓ કરતા રહે છે.

* સોનું ક્યારેય ઝાંખું પડતું નથી, પણ તેના પર ખારાશ જેવાં તત્ત્વોનું પડ જામી જતું હોવાથી તે કાળાશ પડતું દેખાય છે. વળી, શુદ્ધ સોનું ક્યારેય ચામડી માટે હાનિકારક હોતું નથી.

* સોનું એકમાત્ર એવી ધાતુ છે, જેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે અને તેનાથી માણસના શરીરમાં કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આ કારણે જ દાંત તૂટી ગયો હોય તો બનાવટી દાંતમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો શોખથી પણ દાંત પર સોનાનું પડ ચડાવે છે.
Wednesday 7 November 2012
Posted by Harsh Meswania

ભારતનાં બે લોખંડી નેતાઓઃ સરદાર, ઈન્દિરા



મધ્યાંતર : હર્ષ મેસવાણિયા

૩૧મી ઓક્ટોબર એટલે ભારતના બે લોખંડી મિજાજના નેતાઓને યાદ કરવાનો સંયોગ. આ દિવસે ભારતના ઐક્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૭મી જન્મજયંતી છે, તો આક્રમક મિજાજ માટે જાણીતા અને પાકિસ્તાનનાં બે ફાડિયાં કરનારાં ઈન્દિરા ગાંધીનો ૨૮મો નિર્વાણદિન પણ છે. બંનેએ પાકિસ્તાનની ખોરી નીતિને સમયસર પારખી લીધી હતી.

સરદારઃ ભારતના ઐક્યવિધાતા
ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું ત્યારથી છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે ભારતના હિતમાં જરૂર પડયે કડવા નિર્ણયો પણ લીધા છે. છેક સુંધી ગાંધીજીની પડખે તેના અંગત વિશ્વાસુ તરીકે રહેનારા સરદાર પટેલે અમુક વખતે ગાંધીજીના નિર્ણયોનો પણ મક્કમ અને તટસ્થ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ ભારતને હંમેશાં મહેફૂઝ જોવા માંગતા હતા.

અખંડ ભારતઃ રજવાડાઓનું વિલીનીકરણ
ભારતને આઝાદી મળવાનું તો લગભગ પાકું થઈ ગયું હતું, પણ ત્યારે ભારતનો મોટો હિસ્સો નાનકડાં રજવાડાંઓમાં વહેંચાયેલો હતો એટલે રજવાડાંઓને ભારતમાં જોડવા જરૂરી હતાં. આ કામ સરદારને સોંપવામાં આવ્યું હતું. સરદાર પટેલે રજવાડાંઓના એકીકરણનું કામ પૂરી કુશળતા અને કુનેહથી પાર પાડયું. રજવાડાંઓને ભારત સાથે જોડીને ભારતનો આજનો નકશો બનાવવામાં સરદાર પટેલની મહામૂલી ભૂમિકા સુવિદિત છે.

બારડોલી સત્યાગ્રહઃ સબળ નેતૃત્વનું પ્રથમ સોપાન
૧૯૨૮ના વર્ષમાં ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ દુષ્કાળની લપેટમાં આવી ગયો હતો છતાં બ્રિટિશ સરકારે કરમાં વધારો કર્યો. સરકારે ખેડૂતો પાસે કર વસૂલવા માટે આકરાં પગલાં ભરવાનું શરૂ કર્યું અને માલ-મિલકતનો કબજો મેળવવા માંડયો. આ સ્થિતિમાં ખેડૂતોની પડખે ઊભા રહીને વલ્લભભાઈ પટેલે અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ છેડયો. વલ્લભભાઈના અડગ વલણ સામે અંતે સરકારે નમતું જોખવું પડયું. આ સત્યાગ્રહ પછી વલ્લભભાઈ ભારતમાં લોકપ્રિય નેતા બની ગયા. આ લડતથી ભારતને લોખંડી મનોબળ ધરાવતા નેતા 'સરદાર' મળ્યા.

કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદઃ પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી!
જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર ભારતમાં જોડાશે કે કેમ તે હજુ ચોક્ક્સ નહોતું. આ માટે સરદારે પોતાની આગવી કુનેહ કામે લગાડી. જૂનાગઢની આઝાદી માટે ૨૫ સપ્ટેમ્બરે 'આરઝી હકૂમત'ની સ્થાપના થઈ. બીજી તરફ કશ્મીર તરફ ધસી આવતા પાકિસ્તાનના સૈન્ય સામે ભારતીય લશ્કર ઉતાર્યું અને સમયસર કાશ્મીરને બચાવી લીધું. હૈદરાબાદના નિઝામ પણ આડા ફંટાયા એટલે સરદારે લાલ આંખ કરીને તેમની સાન પણ ઠેકાણે લાવી હતી.

ચીનની ખોરી નીતિનો અંદેશો પહેલાંથી જ આવી ગયો હોય એમ તેમણે પંડિત નહેરુને તિબેટ અંગે ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. ગૃહપ્રધાન હોવાથી ઘર ઉપર બહારના કેટલાનો ડોળો ફરે છે એ વાતથી પણ વાકેફ રહેનારા સરદાર જેવા બીજા ગૃહપ્રધાન પછી આજ સુધી ભારતને નથી મળ્યા!

ઈન્દિરા ગાંધીઃ લોખંડી મિજાજ અને ચુંબકીય નેતૃત્વનો સમન્વય
રામમોહન લોહિયાએ એક વાર ઈન્દિરા ગાંધી માટે 'ગૂંગી ગૂડિયા' એવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ 'ગૂંગી ગૂડિયા'ને પછીથી આક્રમક રીતે સભાઓ ગજવતા જોઈને ભલભલા રાજકીય નિષ્ણાતોને આશ્વર્ય થતું હતું. શરૂઆતમાં ભાગ્યે જ કશું બોલતાં ઈન્દિરા ગાંધીએ મક્કમ મિજાજની અને પોતાની રાજકીય સૂઝની વિશ્વભરમાં નોંધ લેવડાવી હતી.

ફાડિયાં: પહેલાં કોગ્રેસનાં અને પછી પાકિસ્તાનનાં!
લાલબહાદુર શાસ્ત્રીના નિધન પછી કોંગ્રેસીઓએ એમ માનીને ઈન્દિરા ગાંધીને વડાંપ્રધાન પદ સોંપ્યું હતું કે પોતાનાં ધાર્યાં કામો પાર પડાવી શકાશે, પણ વડાંપ્રધાન બનતાં જ ઈન્દિરા ગાંધીએ પોતાની તાકાતનો પરિચય કરાવવા માંડયો. આ કારણે રૂઢિચુસ્ત કોંગ્રેસી નેતાઓને ઈન્દિરા સાથે વાંકું પડયું અને છેવટે મોરારજી દેસાઈની આગેવાનીમાં કોંગ્રેસનો એક ભાગ અલગ પડયો. ૧૯૭૧માં મુક્તિવાહિની સેનાએ પાકિસ્તાન સૈન્યના દમન સાથે મોરચો માંડયો. જેના પરિણામ સ્વરૂપ પૂર્વ પાકિસ્તાનમાંથી શરણાર્થીઓએ ભારતની વાટ પકડી. આ કારણે ભારતની સ્થિરતા પણ જોખમમાં મુકાઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું. ઈન્દિરા ગાંધીએ વિશ્વભરના મહત્ત્વના દેશોને આ અંગેની જાણ કરી અને જરૂર પડે તો રશિયાને મદદ માટે તૈયાર રાખીને પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું. યુદ્ધના અંતે પાકિસ્તાનને બે ભાગમાં વિભાજિત કરીને જ રહ્યાં.

ઓપરેશન બ્લૂસ્ટારઃ જીવ દઈને મિશન પાર પાડયું
પંજાબમાં જરનૈલસિંહ ભીંદરાનવાલેએ અલગ ખાલિસ્તાનની માંગણી કરી હતી. ભીંદરાનવાલેને પાકિસ્તાન મદદ કરે છે એવી ઈન્ટેલિજન્સ બ્યુરોની માહિતી પછી અને તે સુવર્ણ મંદિરમાં છુપાયો હોવાની બાતમીના આધારે ઈન્દિરા ગાંધીએ આર્મી બટાલિયનને સુવર્ણ મંદિરમાં ઉતારી. શીખ સમાજમાં આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડયા. અમુક ઉગ્રવાદીઓના નિશાના પર ઈન્દિરા ગાંધી આવી ગયાં. અંતે તેમના જ બે શીખ બોડીગાર્ડ્સે ૩૧ ગોળીઓથી ઈન્દિરા ગાંધીને વીંધી નાખ્યાં. ઓપરેશન બ્લૂસ્ટાર તેમણે જીવ દઈને પાર પાડયું.

કટોકટીઃ જોખમી પગલું
ચૂંટણીમાં સરકારી સાધનોનો ઉપયોગ કરવાના આરોપસર કેસ ચાલતો હતો તે દરમિયાન જ તેઓએ વિપરીત પરિસ્થિતિમાં ભારત પર કટોકટી લાદી. તેમના આ પગલાના પડઘા સમગ્ર વિશ્વમાં પડયા. પછીથી ચૂંટણીઓ આવી ત્યારે તેઓને હારનો સામનો કરવો પડયો, પણ પછીની ચૂંટણીઓમાં ફરીથી સત્તા મેળવીને લોકપ્રિયતા પાછી મેળવી લીધી.  
Wednesday 31 October 2012
Posted by Harsh Meswania

દશેરા : ખામીઓનું દહન, ખૂબીઓનું પૂજન


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

દશેરાના દિવસે ભારતમાં રાવણદહન કરીને પ્રતીકરૂપે રાવણવૃત્તિનું દહન કરવામાં આવે છે. આનાથી ઊલટું ભારતમાં એવા લોકો પણ છે જે દશેરાના દિવસે રાવણદહન કરતા નથી બલકે રાવણની પૂજા કરે છે. તો અમુક સ્થળોએ રાવણદહનને અપશુકનિયાળ માનવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે રાવણનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પણ તેનાં કર્મોને કારણે તેની ગણના રાક્ષસોમાં થઈ છે. શાસ્ત્રોમાં અસંખ્ય ખલનાયકોનો ઉલ્લેખ આપણે સાંભળ્યો-વાંચ્યો હોય છે, પણ રાવણ મોટાભાગના ખલનાયકોથી થોડો ભિન્ન છે. કારણ એટલું જ કે રાવણમાં ખરાબીઓ હોવા છતાં અમુક ખૂબીઓ હતી કે જે તેને અન્ય વિલનોથી અલગ પાડી દે છે. પરાક્રમી યોદ્ધો હોવા ઉપરાંત તે ખૂબ સારો તપસ્વી હતો. કઠિન તપસ્યાઓ કરીને ધાર્યાં વચનો મેળવી લેતો હતો. વેદોના જાણકાર રાવણે શિવતાંડવ સ્તોત્રની રચના કરીને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન રચયિતાઓમાં પોતાનું નામ અમર કર્યું છે. સંગીત અને ગાયનમાં પણ રાવણનું નોંધપાત્ર પ્રદાન કહી શકાય. રાવણહથ્થો તો આજેય સંગીતનો હિસ્સો રહ્યું છે. રાવણહથ્થાની મદદથી જ રાવણે શિવતાંડવ સ્તોત્રનું ગાયન કરીને ભગવાન શિવને રિઝવ્યા હોવાનું મનાય છે. તો વળી, રાવણસંહિતાથી જ્યોતિષશાસ્ત્રને સમૃદ્ધ કર્યું છે. આ અને આવી અન્ય ખૂબીઓને કારણે જ કદાચ સદીઓ વીતવા છતાં લોકોમાં રાવણ જેટલો યાદ રહ્યો છે એવો કદાચ એકેય વિલન લોકમાનસમાં યાદ રહ્યો નથી. આટલા શક્તિશાળી વિલન પર ભગવાન શ્રીરામે વિજય મેળવ્યો હોવાથી તેની ઉજવણી ત્યારે પણ દેવતાઓ અને મનુષ્યોએ ઉત્સાહપૂર્વક કરી હતી અને આજેય લોકો વિજયા દશમીએ રાવણદહન કરે છે, પણ જે લોકો રાવણને ઈષ્ટદેવતા માનીને પૂજે છે એ પાછળ પણ રાવણની આટ-આટલી ખૂબીઓ જ જવાબદાર હશે!

ક્યાં થાય છે રાવણની પૂજા?
મધ્યપ્રદેશના દમોહનગરમાં રહેતો નાગદેવ પરિવાર વર્ષોથી લંકાનરેશ રાવણને ઈષ્ટદેવતા માનીને પૂજા કરે છે. આ પરિવારના સદસ્ય હરીશ નાગદેવ આખા દમોહનગર વિસ્તારમાં લંકેશના હુલામણા નામથી જાણીતા છે. દશેરાના દિવસે આ પરિવાર રાવણના સ્વરૂપની આરતી કરીને મંગળ કામના કરે છે. એટલું જ નહીં આ પરિવારે સરકાર પાસે દશાનન રાવણનું ભવ્ય મંદિર બનાવવા માટે શહેરમાં જગ્યા ફાળવવાની માંગણી પણ કરી છે. મધ્યપ્રદેશમાં જ વિદિશાના અમુક કાન્યકુબ્જ બ્રાહ્મણો રાવણ મંદિરમાં રાવણની આરતી કરે છે. તો વળી, આ વિસ્તારમાં અમુક લોકો દશેરાએ રાવણનું શ્રાદ્ધ પણ કરે છે. આ સિવાય ઉત્તરપ્રદેશમાં કાનપુરની નજીક એક રાવણ મંદિર આવેલું છે જે વર્ષમાં એક વખત દશેરાના દિવસે ખોલવામાં આવે છે અને અહીં રાવણની પૂજનવિધિ થાય છે.

ઈન્દૌરના પરદેશીપુરામાં રહેતો વાલ્મીકિ સમાજ રાવણની પૂજા તો કરે જ છે, સાથોસાથ દશેરાના દિવસે થતા રાવણદહનને જોવાનું પણ ટાળે છે. આ ઉપરાંત ઈન્દૌરનું લંકેશ મિત્રમંડળ છેલ્લાં ચાલીસ વર્ષથી શહેરમાં વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાની પૂજા કરવાની સાથે રાવણદહનનો વિરોધ પણ કરે છે. મહારાષ્ટ્રના અમુક ભાગોમાં રાવણની વિદ્વત્તાને સન્માન આપવામાં આવે છે. અમરાવતી જિલ્લાના મેલઘાટ અને ગઢચિરૌલ જિલ્લાના ધરોરામાં રહેતા કોર્કૂ અને ગોંડ આદિવાસીઓ પેઢીઓથી દશેરાના દિવસે રાવણ ઉપરાંત તેના પુત્ર મેઘનાદની આરતી કરે છે.

મહાન શિવભક્ત હોવાથી થાય છે પૂજા!
કર્ણાટકના કોનાર જિલ્લામાં લંકેશ્વર મહોત્સવ ઊજવાય છે. આ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળે છે અને આ દરમિયાન લંકાનરેશ રાવણની પૂજા કરવામાં આવે છે. રાવણની ગણના મહાન શિવભક્તોમાં થાય છે એટલે ભગવાન શંકરનો ભક્ત હોવાથી જ અહીં શિવજીની સાથે સાથે રાવણની પણ આરતી ઉતારવામાં આવે છે. આંધ્રપ્રદેશના કાકિનાડમાં રાવણે શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. આ જ શિવલિંગની નજીક રાવણની પ્રતિમા છે. અહીં આવેલા શિવલિંગ અને રાવણની પ્રતિમાની પૂજા સ્થાનિક માછીમાર સમાજ વર્ષોથી કરે છે.

અહીં રાવણદહન કરવું એટલે મોતને નોતરવું!
હિમાચલપ્રદેશના કાંગડા જિલ્લામાં બૈજનાથ નામનું નાનકડું શહેર આવેલું છે. આમ તો આ શહેરને શિવનગરીના નામે જ વધુ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં રાવણના પૂતળાનું દહન કરવું એટલે જાણે મોતને નોતરવું! એક માન્યતા પ્રમાણે રાવણે આ સ્થળે આવીને ભગવાન શિવની કઠિન તપસ્યા કરી હતી એટલે શિવજીની સામે તેના ભક્તના પૂતળાનું દહન કરવું પાપ માનવામાં આવે છે. ૧૯૬૭માં પ્રથમ વખત અહીં આ ક્રમ તૂટયો અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જાણે લોકોની માન્યતા સાચી હોય એમ સૌપ્રથમ વાર રાવણના પૂતળાને આગ લગાવનારી વ્યક્તિનું થોડા સમયમાં જ મોત થયું. એટલું જ નહીં આ ઉજવણીમાં ભાગીદાર બનનારા પૈકી થોડા લોકો મોતને ભેટયા તો થોડાને કંઈક ને કંઈક નુકસાની વેઠવી પડી એટલે અંતે ૧૯૭૩ પછી અહીં રાવણદહન બંધ કરવામાં આવ્યું. બૈજનાથના બિનવા પુલ પાસે જ રાવણે દસ વખત કમળ પૂજા કરી હોવાની પણ લોકોક્તિ છે. આ માન્યતા માન્યામાં આવે કે ન આવે પણ અહીંના લોકોએ વર્ષો અગાઉ એક વખત રાવણદહન કરવાનો પ્રયાસ કર્યો છે અને એનાં પરિણામ સામે આવ્યા પછી શિવભક્ત રાવણનું દહન કરવું પાપ છે એવી માન્યતા વધુ દૃઢ બની છે.

દસ માથાં કે દસ બુરાઈઓ?
પૌરાણિક વર્ણનોમાં રાવણને દસ મસ્તક હોવાનું કહેવાયું છે. સામાન્ય તર્ક લગાવીએ તો કોઈને દસ મસ્તકો હોય એવું માન્યામાં ન આવે! એક મત પ્રમાણે રાવણનાં દસ મસ્તકો એ માનવમનની દસ બુરાઈઓનું પ્રતીક છે.

ઘમંડઃ રાવણમાં મોટી ખરાબી તેનું અભિમાન હતું. રાવણના પતનમાં અભિમાનનો મુખ્ય ફાળો છે.

ક્રોધઃ અતિશય ક્રોધી હોવાથી રાવણે અનેક દુશ્મનો બનાવ્યા હતા.
અત્યાચારઃ દેવો, માનવો અને પૃથ્વી પરનાં પશુઓ પર રાવણે કાળો કેર વર્તાવ્યો હતો.

અવિવેકઃ રાવણમાં વિવેકના ગુણનો અભાવ હતો. કુંભકર્ણ, મેઘનાદ હણાયા પછી તેના નાના માલ્યવંતે તેને સમજાવવાના પ્રયાસો કર્યા, પણ અવિવેકી રાવણે તેમને રાજદરબારમાંથી કાઢી મૂક્યા.

સ્વાર્થઃ અંગત દુશ્મની માટે તેણે પોતાના ભાઈ કુંભકર્ણ અને બે મહાપરાક્રમી પુત્રો મેઘનાદ-અક્ષયને યુદ્ધભૂમિમાં હોમી દીધા.

દુરાગ્રહઃ રાવણની પત્ની મંદોદરી રાવણને સમજાવતી રહી કે રામ બ્રહ્મ છે અને તેની માફી માંગી લો તો ભગવાન માફ કરી દેશે, પણ દુરાગ્રહી રાવણે તેની અવગણના કરી.

વૈરાગ્યવિહિનતાઃ રાવણમાં તમામ ગુણો હોવા છતાં તેની ગણના ખલનાયકોમાં થઈ, કારણ કે તેનામાં જરા સરખો પણ વૈરાગ્યનો ગુણ ન હતો.

કપટઃ કપટ કરવામાં રાવણ માહેર હતો. સોનાનાં શિંગડાં ધરાવતા મૃગનું તરકટ રચીને રાવણે સાધુવેશે સીતાજીનું હરણ કર્યું હતું.

બળનો દૂરુપયોગઃ રાવણને મળેલાં વરદાનોનો ઉપયોગ જો તેણે સારા કામમાં કર્યો હોત તો વિશ્વ તેની મહાનતાને આજે પણ યાદ કરતું હોત.

વ્યભિચારઃ રાવણ અપ્સરાઓથી લઈ તપસ્વિનીઓને પોતાના બાનમાં રાખતો હતો.
Wednesday 24 October 2012
Posted by Harsh Meswania

તમને જેટલું ખાવા નથી મળતું એટલું તો અમે થાળીમાં છોડી દઈએ છીએ!




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પ્રતિવર્ષે ૧૬મી ઓક્ટોબરને યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) વિશ્વ ખોરાક દિન તરીકે ઊજવે છે. વિશ્વમાં અસંખ્ય ભૂખ્યા લોકોને બે ટંકનું પૂરતુ ભોજન મળી જાય તે માટેના પ્રયાસો છેલ્લા ચારેક દશકાથી એફએઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે તો બીજી તરફ અમુક દેશોમાં ખોરાકનો વિપુલ જથ્થો મિસમેનેજમેન્ટના કારણે વેડફાઈ જાય છે. આ બે છેડાને જોડવા સતત મથામણ કરવામાં આવી રહી છે

વિશ્વ અત્યારે અમીરો અને ગરીબોના બે ભાગમાં એવી રીતે વહેંચાઈ ગયું છે કે તેના વચ્ચે વ્યવસ્થિત સેતુ બાંધવામાં આવે તો મોટાભાગની સમસ્યા હલ થઈ શકે છે. અલ્પાહાર અને અત્યાહાર વચ્ચે પણ આવી જ મોટી ખાઈને પૂરવાના પ્રયાસો વર્ષોથી કરવામાં આવી રહ્યા છે, પણ આ સામસામાના ધ્રુવને ભેગા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ વિશ્વમાં કરોડો લોકો એવા છે જેની થાળીમાં એક દાણો અન્ન નથી, તો એનાથી પણ વધુ લોકો એવા છે જેની થાળીમાં બમણો ખોરાક છે અને જરૂરિયાત ન હોવા છતાં આ ખાઉધરા લોકો એ ખોરાક આરોગી શકાય એટલો આરોગે છે બાકીનો પડતો મૂકી દે છે જે કચરામાં ભળી જાય છે.

કુપોષણ અને અલ્પાહારથી પીડાતા કરોડો લોકો
વિશ્વમાં ૧૦૦ કરોડ જેટલા લોકોને પૂરતું ભોજન મળતું નથી. જેમાંથી ૫૭ કરોડ લોકો તો ભારત સહિતના એશિયન દેશોમાં રહે છે. આ સિવાય સાડા પાંચ કરોડ લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં વસવાટ કરે છે. ૨૭ કરોડ લોકો આફ્રિકન દેશોમાં રહે છે અને બાકીના વિકસિત દેશોના ૨ કરોડ લોકોને પૂરતો ખોરાક મળતો નથી. ૨૧મી સદીમાં જો વિશ્વની કુલ વસ્તીને પૂરતો ખોરાક ન મળી શકતો હોય તો એ સૌથી મોટી કમનસીબી કહેવાય, પણ એથીય મોટી કમનસીબી એ છે કે એક તરફ આવા ગરીબ લોકો છે કે જે કુપોષણનો ભોગ બની રહ્યા છે, તો એક તરફ એવો મોટો વર્ગ છે જે જરૂરિયાત કરતાં વધારે ખોરાક આરોગીને મોતને નોતરે છે. આ ઉપરાંત એવા લોકોની પણ કમી નથી કે જે પોતાની જરૂરિયાત કરતાં વધુ ખોરાક મેળવી લે છે અને પછી આ વાસી ખોરાક કશા જ કામનો રહેતો નથી. ખોરાકનો બગાડ તો થાય છે, ઉપરથી પ્રદૂષણ પણ વધે જ છે.

વિશ્વમાં કેટલો ખોરાક વેડફાય છે?
વિશ્વમાં કરોડો લોકો કુપોષણથી પીડાય છે. સામે ૪ કરોડ ટન ખોરાક દર વર્ષે વેડફાઈ જાય છે. એમાં પણ દોઢ કરોડ ટન ખોરાકનો વ્યય થાળીમાં જ થાય છે. એટલે કે પીરસેલું ધાન થાળીમાંથી સીધું કચરાટોપલીને નસીબ થાય છે. જો કે આ કશા જ કામમાં ન આવતા ખોરાકનો બગાડ રોકવામાં આવે તો કુપોષણની મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. અમેરિકા અને યુરોપિયન દેશો ખોરાકના વેડફાટના મામલે હંમેશાંથી અવ્વલ રહેતા આવ્યા છે. યુરોપિયન દેશો તેની જરૂરિયાત કરતાં ત્રણ ગણો ખોરાક બનાવે છે જ્યારે અમેરિકનો તેમના જોઈતા ખોરાક કરતાં ચાર ગણો વધુ ખોરાક બનાવે છે. જરૂરિયાત કરતાં વધુ તો આરોગે જ છે, પણ પછી વધેલો ખોરાક વાસી થયો હોવાથી કચરામાં પધરાવી દેવામાં આવે છે. બ્રિટનમાં ૪૦ ટકા ફળો બજારમાં પહોંચતા પહેલાં જ ખાવાલાયક રહેતાં નથી, કેમ કે સુપર માર્કેટનાં ગુણવત્તાનાં ધોરણો એટલાં ઊંચાં રાખવામાં આવે છે કે અમુક ફળો આ ગુણવત્તાના માપદંડોમાં ઉણા ઊતરે છે. એટલે આ તમામ ફળોને વાસી જાહેર કરીને કચરાટોપલીઓમાં પધરાવી દેવાય છે.

અન્નના બગાડથી પર્યાવરણ પર પડતી વિપરીત અસર
ખોરાકના બગાડથી અમુક ગરીબ લોકો ભૂખ્યા તો રહે જ છે પણ આ ઉપરાંતની અસર પર્યાવરણ પર પડે છે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાનાં વિવિધ કારણોમાં એક કારણ વાસી ખોરાક છે. જેને આપણે એંઠવાડ કહીએ છીએ એ વધેલો વાસી ખોરાક પર્યાવરણમાં ૧૦ ટકા પ્રદૂષણ ફેલાવે છે. જમીન પ્રદૂષિત કરવાની સાથોસાથ હવાનું પ્રદૂષણ પણ વાસી ખોરાકના કારણે વધી રહ્યું છે. ધુમાડાને કારણે સૌથી વધુ હવા પ્રદૂષિત થાય છે જ્યારે હવા પ્રદૂષણમાં ૧૫ ટકા હિસ્સો વાસી ખોરાકનો હોય છે! આ સિવાય વાસી ખોરાકનો અમુક હિસ્સો પાણીમાં વહાવી દેવાય છે એટલે પાણી પ્રદૂષિત થાય એ અલગ!

અત્યાહારથી પીડિત લોકો!
અલ્પાહારથી પીડિત લોકોની સંખ્યા જેમ ખૂબ વધુ છે તેમ અત્યાહારથી પીડિત લોકોની સંખ્યા પણ એટલી જ મોટી છે. વિશ્વમાં ૧૫ કરોડ બાળકો પર્યાપ્ત ખોરાકના અભાવે પર્યાપ્ત વજન ધરાવતાં નથી જ્યારે બીજી તરફ ૪ કરોડ બાળકો ઓવરવેઇટથી પરેશાન છે. જોવાની વાત એ છે કે જેમ ૧૦૦ કરોડ જેટલા લોકો કુપોષણથી પીડાય છે એ જ રીતે આશરે ૧૩૦ કરોડ લોકો મોટાપાની મુશ્કેલી ધરાવે છે. મોટાપાને કારણે વર્ષે ૩ લાખ લોકો મોતને ભેટે છે. એટલે કે વધુ ખોરાક ખાવાથી થતી બીમારીઓના કારણે વિશ્વમાં પ્રતિદિન ૯૦૦ લોકો કાળનો કોળિયો બની જાય છે.

શું હોય શકે આ સમસ્યાનો ઉકેલ?
ખોરાકનો સૌથી વધુ બગાડ વિકસિત દેશોમાં થાય છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશો આ બાબતે મોખરે છે. આ દેશોમાં બિનજરૂરી ખોરાક રાંધવામાં કે ખરીદવામાં આવે છે તેમાં થોડું નિયંત્રણ લાવવામાં સફળતા મળે તો એશિયન અને આફ્રિકન દેશોના ભૂખ્યા લોકોને પેટ ભરાય એટલો ખોરાક તો ચોક્કસ મળી જાય. પૂરતો ખોરાક બંને પક્ષે લેવામાં નથી આવતો. થોડા લોકો અપૂરતો ખોરાક લે છે તો બીજા કેટલાંક અતિશય વધુ પડતો ખોરાક આરોગે છે. વધારે ખોરાક લઈને મોતને નોતરતા લોકો પોતાનો ભાગ કુપોષિતોને આપે તો બંનેની જિંદગી ખુશહાલ રહી શકે તેમ છે.

જેવો અમારો દેખાવ એવું જ અમારું કામ!
અમુક ફળોના દેખાવ ઉપરથી તે તેના જેવા દેખાતા શરીરના કયા અંગ માટે ફાયદાકારક થઈ શકે છે તે નક્કી કરી શકાય છે. ફૂડ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે કે જે ફ્રૂટ કે વનસ્પતિ માનવશરીરના જે અંગ જેવી દેખાય છે તેના પોષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.


* અખરોટને બ્રેઇન ફૂડ કહેવામાં આવે છે. અખરોટનો દેખાવ મનુષ્યના મસ્તિષ્કને મળતો આવે છે.

* આદું અને જઠરનો દેખાવ ઘણા ખરા અંશે સરખો જણાશે. આદુંનું સેવન ઉદર માટે ફાયદાકારક છે.

* હાર્ટને સુરક્ષિત રાખવા માટે ટામેટાંનો આહાર લેવાથી ફાયદો થતો હોવાનું ફૂડ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે. ટામેટાંને સમાર્યા પછી તેના અને હાર્ટના આકારમાં કંઈ સામ્યતા ન જણાઈ આવે તો જ નવાઈ!

* ગાજર અને આંખ વચ્ચે દેખાવનું અજબ સામ્ય છે. ગાજરને સમાર્યા પછી તેનો દેખાવ આંખની કીકીને મળતો આવે છે. ગાજરમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ હોવાથી આંખને સતેજ રાખવ માટે ગાજરનું સેવન હિતાવહ છે.
Wednesday 17 October 2012
Posted by Harsh Meswania

ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે અને આઝાદી બાદ ભારત માટે કટોકટીની પળોએ મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ઈન્ડિયન એરફોર્સે જરૂર પડયે સંયુક્ત રાષ્ટ્રનાં અભિયાનોમાં પણ ભાગ લીધો છે. ભારતીય વાયુસેનાની ગણના અત્યારે વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી હવાઈ તાકાત તરીકે થાય છે ત્યારે ઈન્ડિયન એરફોર્સની અહીં સુધીની સફર પર વિહંગાવલોકન.

આઝાદી પૂર્વેની રોયલ ભારતીય વાયુસેના

૧૯૩૨ 
૮મી ઓક્ટોબરે બ્રિટનના શાસનમાં બ્રિટિશની રોયલ એરફોર્સની સહાયક ટુકડી તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. રોયલ એરફોર્સની પેટા સંસ્થા તરીકે ભારતીય એરફોર્સે તેમનો ડ્રેસ અને પ્રતીક અપનાવી લીધાં. ભારતીય વાયુસેનાની પહેલી સ્કવોર્ડનમાં ચાર વેસ્ટલેન્ડ વાપિટી લડાકુ વિમાન અને પાંચ પાઇલટ હતાં. આ ટીમને ફાઈટ લેફ્ટનન્ટ સેસિલ બાઉશરે નેતૃત્વ પૂરું પાડયું હતું. ૧૯૪૧ સુધી વાયુસેના પાસે આ એકમાત્ર સ્કવોર્ડન હતી અને એમાં જ બે વિમાનો વધુ ફાળવી દેવાયાં હતાં.

૧૯૪૩
ભારતીય વાયુસેનાએ આ વર્ષે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. હવે વાયુસેના પાસે સ્કવોર્ડનની સંખ્યા વધીને સાત થઈ ગઈ હતી. ૧૯૪૫નું વર્ષ આવતાં આવતાં તો વધુ બેનો ઉમેરો થઈને કુલ સંખ્યા નવની થઈ ગઈ, જેમાં ઉપરથી બોમ્બમારો કરી શકવા સક્ષમ વલ્ટી વેન્જેન્સ અને હરિકેન સહિત એટલાન્ટ અને ઓડક્ષ જેવાં તે સમયનાં પાવરફુલ વિમાનોનો પણ સમાવેશ થતો હતો.

૧૯૪૫
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાએ રોયલ એરફોર્સની સહાયક ટીમ તરીકે મહત્ત્વની કામગીરી નિભાવી, ભારતીય વાયુસેનાએ બર્મા (મ્યાનમાર) તરફ આગળ વધી રહેલી જાપાનની સેનાને આગળ વધતી અટકાવવામાં સારી એવી કામગીરી કરી હતી. જેની નોંધ લઈને રાજા જ્યોર્જ છઠ્ઠાએ ભારતીય વાયુસેનાને 'રોયલ'ની ઉપાધિ આપીને સન્માનિત કરી.

૧૯૪૭ 
બ્રિટનના તાબા હેઠળથી ભારતને આઝાદી મળી પણ અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે દેશની અન્ય સંપત્તિની જેમ વાયુ સેનાને પણ બે ભાગમાં વહેંચવામાં આવી. કુલ ૧૦ ઓપરેશન સ્કવોર્ડનમાંથી ૩ સ્કવોર્ડન અને રોયલ ભારતીય વાયુસેનાનાં પાકિસ્તાનસ્થિત મથકો પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રોયલ ભારતીય વાયુસેનાના બીજા ભાગને રોયલ પાકિસ્તાન એરફોર્સ એવું નામ આપવામાં આવ્યું. રોયલ ભારતીય એરફોર્સમાં એક ફેરફાર એ કરવામાં આવ્યો કે બ્રિટન એરફોર્સમાં વપરાતા ચક્રને બદલે એ સ્થાન અશોકચક્રને આપવામાં આવ્યું.

૧૯૪૮
ભાગલા પછી તરત જ બંને દેશ વચ્ચે સરહદને લઈને અને ખાસ કરીને જમ્મુ-કશ્મીરના અમુક ભાગને લઈને ઘર્ષણ થયું. કશ્મીરના મહારાજાએ ભારતમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો એટલે પાકિસ્તાનની સેના કશ્મીરની સરહદ તરફ આગળ વધવા લાગી. મહારાજાએ ભારતીય સૈન્યની મદદ મેળવી. ભારતીય સૈન્યને સરહદ પર ઉતારવાનું કામ ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક કર્યું. ભારત-પાકિસ્તાનના આ ઘર્ષણમાં બંને દેશની વાયુસેનાએ સામસામે લડાઈ કરવાની ન હતી, છતાં ભારતીય સેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સનો મહત્ત્વનો સહકાર સાંપડયો હતો.

૧૯૫૦
ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટનની ઓળખ એવો 'રોયલ' શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એ સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજને સ્થાન આપવામાં આવ્યું. વળી, ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાંથી 'નભઃ સ્પૃશં દિપ્તમ્' વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો.

૧૯૬૧
ભારતીય સરકારે પોર્ટુગીઝોને દીવ, દમણ અને ગોવાથી ખદેડવાનો નિર્ણય કરીને લાલ આંખ કરી. ઓપરેશન વિજય અંતર્ગત વાયુસેનાને ભારતીય લશ્કરને સહાય કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે કૈનબરા બોમ્બર્સે ડાબોલિમ હવાઈપટ્ટી પર બોમ્બમારો કર્યો. બીજી તરફ મૈસ્ટર્સ વિમાનોએ દમણમાં પોર્ટુગીઝ સૈન્ય પર હુમલો કરીને તેની કમર તોડી નાંખી. બાકીનું કામ તુફાનીઝ વિમાને દીવના રનવે પર હુમલો કરીને પૂરૂં કર્યું.

૧૯૬૨
ઓક્ટોબર માસમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભારત તરફથી યુદ્ધની યોગ્ય રણનીતિ ઘડી ન શકાઈ એટલે ધારી સફળતા મળી શકી નહીં. જોકે, ૨૦ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ભારતીય વાયુ સેનાએ દબાણ હેઠળ વિષમ પર્વતીય પ્રદેશોમાં પહોંચીને ભારતીય લશ્કરને પુરવઠો પૂરો પાડયો હતો. તેમ છતાં વાયુસેનાનો ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરવામાં ભારતને સફળતા ન મળી પરિણામે ચીનના સૈન્ય સામે ભારતની પીછેહઠ થઈ.

૧૯૬૫
ચીન સામેના યુદ્ધમાંથી ધડો લઈને આ વખતે પાકિસ્તાન સામે કશ્મીરના મુદ્દે છેડાયેલા જંગમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરીને ભારતે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરી દીધો. વાયુસેનાએ મૈસ્ટર્સ, કૈનબરા, હંટર, નૈટ અને એફ.બી.એમ.કે-૫૨ની મદદથી પાકિસ્તાનની છાવણીમાં સોપો પાડી દીધો. ભારત પાસે અમુક યુદ્ધ વિમાનો બીજા વિશ્વયુદ્ધ પહેલાંનાં હોવા છતાં પાકિસ્તાનનાં અત્યાધુનિક ફાઈટર વિમાનો પર ભારત ભારે પડયું. વાયુસેનાએ પહેલી વખત દુશ્મનોનાં ફાઈટર વિમાનો સાથે સીધી લડત કરી અને ધારી સફળતા પણ મેળવી.

૧૯૭૧
૨૨ નવેમ્બર, ૧૯૭૧ના દિવસે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને ફરીથી ભારતીય વાયુસેનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૬૫ના યુદ્ધ પછી ભારતીય વાયુસેના વધુ સજ્જ અને સમૃદ્ધ બનાવાઈ હોવાનો ફાયદો પણ મળ્યો. હવે એરફોર્સ પાસે રશિયન બનાવટના મિગ-૨૧ અને સુખોઈ સૂ-૭ જેવાં તેજ રફતારવાળાં યુદ્ધ વિમાનો પણ હતાં જે આ યુદ્ધમાં મહત્ત્વનાં સાબિત થયાં. આ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં ૫૪ યુદ્ધવિમાનો સહિત કુલ ૯૪ વિમાનોનો ખાતમો બોલાવ્યો હતો.

૧૯૮૪
૧૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સિયાચીન માટે ભારતે ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ ઓપરેશનમાં વાયુસેનાએ સિયાચીનના મુશ્કેલ પ્રદેશમાં સૈનિકોને ઉતારવાની જવાબદારી ઉપાડી હતી. મીગ-૮, ચેતક અને ચિત્તા હેલિકોપ્ટર્સની મદદથી વાયુસેનાએ ઊંચા, વિષમ અને ઠંડા પ્રદેશમાં ગણના પામતા સિયાચીનમાં સૈનિકોને તેમના જરૂરી શસ્ત્રસરંજામ સાથે પહોંચાડયાં હતાં. આ અભિયાનથી સિયાચીનના ભાગો પર ભારતે ફરીથી પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું અને આ કામમાં એરફોર્સની ભૂમિકા યશસ્વી રહી હતી.

૧૯૯૯
૧૧ મે, ૧૯૯૯માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધનાં મંડાણ થયાં. ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ભારતીય વાયુ સેનાએ મીગ-૨૭, મીગ-૨૧, મીગ-૨૯ જેવાં શક્તિશાળી લડાકુ વિમાનોની મદદથી પાકિસ્તાનની સેના પર ભીંસ વધારી દીધી. વાયુ સેનાની પ્રશંસનીય કામગીરીથી ભારતીય સૈન્યએ પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલી ચોકીઓ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર વિશ્વને શક્તિશાળી ભારતનો પરચો આ યુદ્ધથી મળ્યો.

૨૦૧૨
૧૯૩૨થી અત્યાર સુધીનાં ૮૦ વર્ષના સમયગાળામાં ભારતીય વાયુ સેનાએ વિવિધ દેશો દ્વારા બનાવાયેલાં ૭૩ પ્રકારનાં વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવી છે. ઈન્ડિયન એરફોર્સે પ્લેટિનમ જયંતી વખતે ૨૦૦૬માં જાહેર કરેલા આંકડા પ્રમાણે વાયુસેના પાસે આશરે ૧૩૬૦ લડાકુ વિમાનો છે અને દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે. ૫૦૦ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારો કરી રહ્યાં છે. આટલી તાકાત જ વાયુ સેનાને વિશ્વના ચોથા નંબરની સૌથી શક્તિશાળી વાયુસેના હોવાનું ગૌરવ અપાવે છે.    
Wednesday 10 October 2012
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -