Posted by : Harsh Meswania Wednesday 28 November 2012


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નવેમ્બર માસના ચોથા રવિવારે દર વર્ષે એનસીસી (નેશનલ કેડેટ કોર) દિવસ ઊજવાય છે. વધુ એક એનસીસી દિવસ આવ્યો અને ગયો. જે હેતુ માટે એનસીસીની સ્થાપના થઈ હતી તે હેતુ આજે વિસરાઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજકાળમાં જ યુવાનોનું સર્વાંગી ઘડતર થાય તે માટે શરૂ થયેલી આ સંસ્થામાં જોડાવવા માટે યુવાનો પહેલાં જેવો ઉમળકો હવે દાખવતા ન હોવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે

એકતા અને અનુશાસનના મૂળ મંત્ર સાથે ૧૯૪૮ના જુલાઈ માસની ૧પમી તારીખે એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, આમ તો આ સંસ્થાની શરૂઆત આના ત્રીસેક વર્ષ પહેલાં અંગ્રેજ શાસન દરમિયાન જ થઈ ગઈ હતી. ત્યારે દેશમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લશ્કરી ઢબની તાલીમ આપવામાં આવતી હતી. આ સંસ્થા ૧૯૨૦ આસપાસ યુટીસી (યુનિવર્સિટી ટ્રેઇનિંગ કોર)ના નામે ઓળખાતી હતી. એનસીસી એ જમાનામાં આર્મીમાં જોડાવવા માટેનું પ્રથમ પગથિયું ગણાતું હતું. એનસીસીમાં જોડાનારા મોટાભાગના સ્ટુડન્ટ્સ પછીથી આર્મીમાં ફરજ બજાવવાનું પસંદ કરતા હતા. ૧૯૪૨માં અંગ્રેજ સરકારે થોડા સમય માટે યુનિવર્સિટી ઓફિસર્સ ટ્રેનિંગ કોર (યુઓટીસી) નામ પણ આપ્યું હતું. ભારત આઝાદ થતાં જ આ સંસ્થાને યુવાનોના વિકાસ માટે સત્તાવાર કામ સોંપવામાં આવ્યું હતું.

એનસીસીનો શરૂઆતી દૌર
જુલાઈ ૧૯૪૮માં એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સમાવ્યા પછી તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ નવેમ્બર માસના છેલ્લા રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને એનસીસીનું સન્માન કર્યું હતું. ત્યાર પછીથી એનસીસી પ્રતિવર્ષ આ દિવસે એનસીસી દિવસ ઊજવે છે. પહેલાં એનસીસીમાં માત્ર આર્મીની જ તાલીમ આપવામાં આવતી હતી પછીથી ૧૯૫૦માં એરફોર્સનો સમાવેશ કરવામાં આવ્યો. અમુક શાળા-કોલેજોમાં આર્મીની સાથે એરફોર્સની તાલીમ શરૂ થઈ. એરફોર્સમાં યુવાનોનો ઉમળકો જોઈને એ જ વર્ષે નૌસેનાની ટ્રેનિંગ પણ એનસીસીના યુવાનોને આપવાનું શરૂ કરાયું. ત્રણેય પાંખની અલગ અલગ તાલીમ લેતા એનસીસી કેડેટ્સ તેના જુદા જુદા પોશાકથી ઓળખી શકાય છે. જેમ કે, આર્મીની તાલીમ લેતા કેડેટ્સ ખાખી ડ્રેસ પરિધાન કરે છે જ્યારે નેવીના તાલીમાર્થીઓ તેના શ્વેત વસ્ત્રોથી ઓળખાઈ જાય છે. એરફોર્સની તાલીમ મેળવતા કેડેટ્સ લાઇટ બ્લૂ ગ્રે કલરના યુનિફોર્મથી આર્મી અને નેવીથી અલગ પડી જાય છે. ત્રણેય પાંખોમાં કરિયર બનાવવા માંગતાં યુવાનો અને યુવતીઓ માટે એનસીસીની આ તાલીમ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.

યુવતીઓ પણ બની એનસીસીનો ભાગ
 ૧૯૪૮ સુધી માત્ર યુવાનો જ એનસીસીમાં જોડાઈ શકતા હતા, પણ આઝાદીની ચળવળમાં દેશની યુવતીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આગળ જતા અનુશાસન-એકતાનો મંત્ર યુવતીઓ પણ હસ્તગત કરે એ હેતુથી ૧૯૪૯માં યુવતીઓને એનસીસીની તાલીમ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. યુવાનો માટે જે રીતે શાળા-કોલેજોમાં બે વર્ષનો તાલીમ પિરિયડ નક્કી કરવામાં આવ્યો હતો એ જ માળખાથી કિશોરીઓ અને યુવતીઓ માટે બે વર્ષની તાલીમ શરૂ કરવામાં આવી હતી. યુવતીઓ તરફથી શરૂઆતી સમયમાં એટલો બધો ઉત્સાહ દાખવવામાં આવતો નહોતો, પણ ધીરે ધીરે એનસીસીની તાલીમ લેવાનો ઉમળકો યુવતીઓ પણ દાખવવા લાગી. જોકે, આજેય સ્થિતિ સમોવડી ગણી શકાય એવી તો નથી જ. યુવતીઓમાં યુવાનોની તુલનાએ એનસીસી જોઇન કરવાનું વલણ ઓછું તો જોવા મળે જ છે.

આજે ક્યાં છે એનસીસી?
આજે દેશમાં ૧૪ લાખ જેટલાં યુવક-યુવતીઓ એનસીસીની તાલીમ લઈ રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં કુલ વસ્તીના ૫૪ ટકા યુવાનો છે. આવડી મોટી સંખ્યામાં જ્યારે યુવા વસ્તી હોય અને અલગ અલગ પ્રવાહના અભ્યાસક્રમો ચાલતા હોય ત્યારે માત્ર ૧૪ લાખ જ યુવાધન એનસીસીમાં ભાગ લે એ સ્થિતિ એટલી સારી તો ન જ કહેવાય. એનસીસીની તાલીમનું પ્રમાણપત્ર જ્યારે જુદી-જુદી નોકરીઓ મેળવવામાં કામ લાગતું હોય અને ખાસ તો ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે એનસીસીનું ર્સિટફિકેટ ઉપયોગી બનતું હોય ત્યારે પણ એનસીસીના કેડેટ્સની સંખ્યા ઓછી રહેતી હોય તો યોગ્ય આયોજનનો અને માહોલનો અભાવ એ પાછળ કારણભૂત હોઈ શકે! વચ્ચે ૧૯૬૩થી ૧૯૬૮ સુધીનાં વર્ષોમાં પ્રયોગરૂપે યુનિવર્સિટીઓમાં એનસીસીની તાલીમ ફરજિયાત બનાવાઈ હતી, પણ પછીથી ફરીથી આ તાલીમ સ્વૈચ્છિક બનાવી દેવામાં આવી હતી. એનસીસીની ફરજિયાત તાલીમ આપવાનો વિકલ્પ યુવાનોને આ તરફ વાળવાનો યોગ્ય ઉપાય તો ન જ હોઈ શકે, પરંતુ એવું આયોજન તો કરવું જ રહ્યું કે જેથી યુવાધન એકતા અને અનુશાસનના પાઠ ભણે! આમ પણ આપણા આવડા વિશાળ દેશમાં આ બંને મૂળ મંત્રોની કદાચ સવિશેષ જરૂરિયાત પણ વર્તાય છે.

 આ મહાનુભાવો રહી ચૂક્યાં છે એનસીસીનાં કેડેટ

* ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વના નેતા ગણાતા નેતાજી સુભાષચંદ્ર બોઝ એનસીસી કેડેટ હતા. તેમણે એનસીસી પાસેથી એકતા અને અનુશાસનના સિદ્ધાંતો શીખ્યા હતા, જે તેમને પછીથી કોંગ્રેસ પ્રમુખ બનતી વખતે કોંગ્રેસને એક તાંતણે બાંધી રાખવામાં તેમજ આઝાદ હિંદ ફૌજના સૈનિકોને અનુશાસિત રાખવામાં કામે લાગ્યા હતા.


* પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ એનસીસીમાંથી અનુશાસનનો પાઠ ભણ્યો હતો જે પછીથી તેમણે એક દશકા સુધી મુખ્યમંત્રી પદે બેસતી વખતે પક્ષની એકસૂત્રતાની સાંકળ રચવામાં મદદરૂપ બન્યો હતો.


* ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી પણ એનસીસીનાં કેડેટ હતાં. કિરણ બેદી કેદીઓને હકારાત્મકતા તરફ વાળવાના કામ માટે જાણીતાં બન્યાં હતાં.



* ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને રાજયસભાને સાંસદ જયા બચ્ચન શાળામાં એનસીસીનાં કેડેટ હતાં. પછીથી તેમણે અનુશાસનમાં રહીને બોલીવૂડમાં અને સંસદમાં લાંબી ઇનિંગ ખેલી છે.





* લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ એનસીસી કેડેટ રહી ચૂક્યાં છે તો ભારતનાં મહિલા શૂટર અંજલિ ભાગવત પણ એકતા-અનુશાસનનો બોધ એનસીસીમાંથી શીખ્યાં હતાં.





એનસીસી અને ગુજરાતઃ ઊલટી ગણતરીમાં આગળ!
બીજી ઘણી બધી બાબતોમાં અવ્વલ રહેતા ગુજરાતના યુવાનો એનસીસીની તાલીમ બાબતે સૌથી વધુ ઉદાસીન છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય, કેમ કે આંકડાઓ કહી બતાવે છે કે આપણો નંબર છેક છેલ્લેથી બીજો છે! કુલ ૧૬ વિભાગમાં ચાલતી આ પ્રવૃત્તિમાં આપણા રાજ્યનો ક્રમાંક ૧૪મો છે. મહારાષ્ટ્ર આ યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સીનિયર અને જુનિયર એમ બંને કેટેગરી મળીને કુલ ૫૨ હજાર કેડેટ્સ છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ તમામ પાંખોનો સમાવેશ થઈ જાય છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ એમ ચાર ભાગ પાડવામાં આવ્યા છે.      

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -