Archive for October 2013

'10'DULKAR Retired : સચિન અને ૧૦ નંબર બંને નિવૃત્ત

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સચીન સાથે સચીનની ૧૦ નંબરની જર્સીને પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિવૃત્ત કરશે. ખેલાડીની સાથે તેના નંબરને પણ રિટાયર્ડ કરવામાં આવ્યા હોય એવા ઘણાં કિસ્સા નોંધાયા છે - વિશ્વભરમાં જુદી જુદી રમતોમાં ખેલાડીની સાથે નંબર્સનું પણ રિટાયર્ડમેન્ટ!
 
તેંડુલકર, આર્જેન્ટિનાના લિજેન્ડરી ફૂટબોલર ડિએગો મેરેડોના અને લિયોનેલ મેસ્સી, બ્રાઝિલના ઓલટાઇમ ગ્રેટ ફૂટબોલર ગણાતા પેલે ઉપરાંત બ્રાઝિલના જ કાકાના હુલામણા નામે ઓળખાતા રિકાર્ડો કાકા ઉપરાંત રોનાલ્ડિન્હો, એક સમયે ફ્રાન્સમાં ફૂટબોલના પર્યાય જેવા બનેલા ઝિનેદિન ઝિદાન અને નેધરલેન્ડના ફૂટબોલર જોહાન ક્રફ જેવા પોત પોતાની રમતમાં એક ઊંચાઈ હાંસિલ કરનારા આ તમામ ખેલાડીઓમાં શું સામ્યતા છે?
 
આ બધા જ રમતવીરો ૧૦ નંબરની જર્સી પહેરીને મેદાનમાં વિરોધી ટીમને ભીંસ પાડવા ઉતરતા (કે અમુક હજુય ઉતરે છે) હતા. રમતપ્રેમીઓના આ ચહિતા ખેલાડીઓ અને તેનો જર્સી નંબર એકબીજાનો પર્યાય જેવા બની ગયા હતા. સચિન તેંડુલકરના સન્માનમાં આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ)ની તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે હવે પછી જર્સીમાં ૧૦ નંબર કોઈને પણ નહીં અપાય તેવી જાહેરાત કરી છે. વળી, અમુક ક્રિકેટ પ્રેમીઓની તો એવીય લાગણી છે કે નેશનલ ટીમમાં પણ ૧૦ નંબર અન્ય એક પણ ખેલાડીને આપવામાં ન આવે.

 જર્સી, નંબર અને ખેલાડીઓ
ખેલાડીઓ માટે જર્સીમાં નંબર લખવાનો ધારો ફૂટબોલથી આવ્યો છે. ૨૦મી સદીના બીજા દશકાથી ફૂટબોલમાં ખેલાડીની જગ્યા મુજબ નંબર આપવાનું શરૃ થયું હતું. ત્યારે જર્સીમાં ખેલાડીનું નામ લખવાનું શરૃ નહોતું થયું. જે ખેલાડી ટીમનું નેતૃત્વ કરતો હોય તેને ૧ નંબર અપાતો હતો. કોઈક ટીમમાં ગોલકિપરને પણ નંબર ૧ આપવામાં આવતો હતો. દરેક મુકાબલામાં ખેલાડીઓ અલગ અલગ નંબરની ટિ-શર્ટ સાથે મેદાનમાં ઉતરતા હતા. ૧૯૫૪માં સ્વિટ્ઝર્લેન્ડમાં રમાયેલા ફૂટબોલ વિશ્વકપમાં પહેલી વખત ખેલાડીઓ નામ અને નંબર બંને સાથે જોવા મળ્યા હતા. એ પછી ઘણી બધી અન્ય રમતોમાં ફૂટબોલની જેમ યુનિફોર્મમાં નામ અને નંબર લખવાનું શરૃ થયું હતું. ખાસ તો ક્લબ કક્ષાની તમામ રમતોમાં નામ અને નંબર બંને હોય એવા સ્પોર્ટ્સ ડ્રેસને ખૂબ જ લોકપ્રિયતા મળવા લાગી હતી. ખેલાડીઓ પોતાના નંબરને લઈને બહુ ગંભીર નહોતા એટલે થોડા થોડા સમયે જર્સીના નંબર બદલતા રહેતા હતા. ૧૯૭૦ બાદ ખેલાડીઓ કોઈ એક નંબરનો વર્ષો સુધી સાથ નિભાવતા થયા હતા. ત્યાર બાદ તો બાસ્કેટ બોલ, રગ્બી, આઇસ હોકી, ઓટો રેસિંગ, બેઝ બોલ, ફિલ્ડ હોકી અને સાયકલિંગમાં ખેલાડીની જર્સીમાં નામ ઉપરાંત નંબર અગત્યના બની રહેવા લાગ્યા હતા.

 ખેલાડી સાથે નિવૃત્ત થયેલા જર્સી નંબર
અમેરિકાની સિનસિનાટી રેડ્સ નામની બેઝબોલ લીગના એક ખેલાડી વિલાર્ડ હેર્શબર્ગરે ઓગસ્ટ, ૧૯૪૦માં રમત સેશન દરમિયાન જ આત્મહત્યા કરી લીધી હતી એટલે પોતાની ટીમના આ આશાસ્પદ ખેલાડીની યાદમાં સિનસિનાટી રેડ્સે પાંચ નંબરને રિટાયર્ડ કરી દીધો હતો. આ ઘટનાને ૭૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજેય આ ક્લબ દ્વારા કોઈ પણ ખેલાડીને પાંચ નંબર આપવામાં આવતો નથી. કદાચ ખેલાડીની સાથે નંબરને નિવૃત્ત કરવાનો આ પહેલો કિસ્સો હતો.
 
અમેરિકાના ૩૮માં પ્રમુખ જીરાલ્ડ ફોર્ડ કોલેજકાળમાં ફૂટબોલના ખૂબ સારા ખેલાડી હતા. ફોર્ડ ૪૮ નંબરની જર્સી પહેરતા હતા. ફોર્ડ ૧૯૭૪માં દેશના પ્રમુખ બન્યા પછી તેઓ જ્યાં ભણતા હતા તે યુનિવર્સિટી ઓફ મિશિગને ૪૮ નંબરની જર્સીને તેમના સન્માનમાં રિટાયર્ડ કરી દીધી હતી. ક્લબ કક્ષાની રમતોમાં તો ખેલાડીના જર્સી નંબરને નિવૃત્ત કરવાના કંઈ કેટલાય ઉદાહરણો મળી રહે છે. જેમ કે, ઈટાલિયન ફૂટબોલ ક્લબ એસી મિલાને પોતાના બે સ્ટાર ખેલાડીઓ ફ્રેન્કો બરેસી માટે ૬ નંબર અને પાઓલો માલ્ડિની માટે ૩ નંબરને અલવિદા કર્યું છે.

ઈંગ્લેન્ડની અગ્રણી ફૂટબોલ ક્લબ ચેલ્સિયાએ તેમના લોકપ્રિય ખેલાડી જિયાનફ્રેંકો ઝોલાનો ૨૫ નંબર રિટાયર્ડ કર્યો છે. ન્યુયોર્કની બાસ્કેટ બોલ ટીમ બૂ્રકલેન નેટ્સે હમણાં જ પોતાના સુપરસ્ટાર ખેલાડી જેસન કિડને ભાવભરી વિદાય આપવા માટે તેની પાંચ નંબરની જર્સીને નિવૃત્ત કરી છે. જોકે, બાસ્કેટ બોલમાં આ ઘટના પ્રથમ નથી. અગાઉ અમેરિકન બાસ્કેટ બોલના લોકપ્રિય ખેલાડી માઈકલ જોર્ડનને શિકાગો બેલ્સ વતી રમીને નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારે ૧૯૯૩માં તેના ૨૩ નંબરને રિટાયર્ડ કરાયો હતો. ફરી વખત જોર્ડને નિવૃત્તિ પાછી ખેંચીને રમવાનું શરૃ કર્યું ત્યારે પહેલા તેણે ૪૫ નંબરની જર્સી પર પસંદગી ઉતારી હતી, પરંતુ થોડા સમયમાં તેણે ફરીથી ૨૩ નંબર અપનાવી લીધો હતો. હવે ૨૩ નંબરને કાયમ માટે જોર્ડનના સન્માનમાં નિવૃત્ત કરાયો છે.
સામાન્ય રીતે જર્સીને રિટાયર્ડ કર્યા પછી ઘણી વખત કોઈ ટીમ તેના એવા જ બીજા સ્ટાર ખેલાડીને એ નંબર આપતી હોય છે. અથવા તો એનો એ જ ખેલાડી જ્યારે કોચ બને ત્યારે તેના જૂના નંબર સાથે જોવા મળે છે. વિશ્વભરની અલગ અલગ ફૂટબોલ લીગ દ્વારા ૧૪૦ જેટલા નંબર્સને રિટાયર્ડ કરવામાં આવ્યા છે. એ રીતે બાસ્કેટબોલ ટીમ ૧૪૫ નંબર્સ, દુનિયાભરની હોકીની લીગ દ્વારા ૯૭ જેટલા વિભિન્ન નંબર્સ અને બેઝબોલમાં જુદી જુદી ટીમ મારફતે ૧૦૦ જેટલા યુનિફોર્મ નંબરને ગુડબાય કરી ચૂકી છે.
 
ક્રિકેટમાં કોઈ ખેલાડી માટે નંબરને નિવૃત્તિ આપવામાં આવી હોય તેવો સચિનનો પ્રથમ કિસ્સો છે. ક્રિકેટમાં નંબરવાળી જર્સીની શરૃઆત અન્ય રમતોની તુલનાએ મોડી થઈ હતી.

 ક્રિકેટ અને જર્સી નંબર
પહેલા ક્રિકેટર્સની જર્સીમાં માત્ર નામ જ લખવાનું ચલણ હતું. ખેલાડીઓની જર્સીમાં નંબર આપવાની પ્રથા છેક ૧૯૯૫ આસપાસ શરૃ થઈ હતી અને એનો યશ ઓસ્ટ્રેલિયન ટીમને આપવો રહ્યો. ૧૯૯૫માં રમાયેલી વર્લ્ડ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ વખત ખેલાડીઓની જર્સીમાં નામ અને નંબર લખ્યા હતા. લિજેન્ડરી સ્પિનર શેન વોર્ન છેક સ્કૂલ ક્રિકેટના સમયથી જ ૨૩ નંબરની જર્સી પહેરવાનું પસંદ કરે છે અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવા સુધી તેમણે ૨૩ નંબરનો સાથ નિભાવ્યો હતો. રિકી પોન્ટિંગે પણ ૧૪ના આંકડા સાથે સાતત્ય જાળવી રાખ્યું હતું.

૧૯૯૯ના વિશ્વકપમાં તમામ ખેલાડીઓ માટે નંબરવાળી જર્સી પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. જોકે, બધા ક્રિકેટર્સ પોતાની જર્સીમાં એકનો એક નંબર રાખવા બાબતે ગંભીર થયા ન હતા. સામાન્ય રીતે સુકાનીઓને ૧ નંબર ફાળવાયો હતો અને બાકીના ખેલાડીઓ અડસટ્ટે જ નંબર પસંદ કરી લેતા હતા. ભારતમાં સચિને ૧૯૯૯માં પ્રથમ વખત તેમની જર્સી પાછળ ૧૦ નંબરને સ્થાન આપ્યું હતું, પણ એક વર્ષ બાદ એને બદલીને ૯૯ નંબર અપનાવ્યો હતો. સામાન્ય રીતે ૯૯ નંબર સાથે સૌરવ ગાંગુલીનું સ્મરણ થઈ આવે, પરંતુ એ પહેલા સચિને ૨૦૦૦ના વર્ષમાં આ નંબરને જર્સીમાં સ્થાન આપ્યું હતું. જોકે, એક વર્ષ બાદ ૨૦૦૧માં ફરીથી તેમણે ૧૦ નંબર પર પસંદગી ઢોળી હતી. પછીથી તેમણે નિવૃત્તિ સુધી ૧૦ નંબર જાળવી રાખ્યો છે.

બેટિંગમાં ધીરજવાન ગણાતા રાહુલ દ્રવિડે જર્સી નંબરમાં પણ સ્થિરતા જાળવી રાખી હતી. તેનો નંબર પહેલેથી છેલ્લે સુધી ૫ જ રહ્યો હતો. ધોનીએ પણ શરૃઆતથી જ ૭ નંબરને જર્સીમાં સ્થાન આપ્યું છે. પૂર્વ સુકાની ગાંગુલીએ પ્રારંભમાં ૨ નંબર, કેપ્ટન બન્યા પછી ૧ નંબર અને ત્યાર બાદ ૯૯ અને ૨૧ નંબરને એક પછી એક જર્સીમાં સ્થાન આપ્યું હતું. સચિનની સાથે તેના જર્સી નંબર પણ રિટાયર્ડ થઈ રહ્યાં છે ત્યારે ફરી એક વખત ફૂટબોલર પાઓલો માલ્ડિનીની વાત યાદ કરી લઈએ. એસી મિલાન ક્લબે એવી જાહેરાત કરી છે કે માલ્ડિનીના બેમાંથી કોઈ એક પણ પુત્ર ભવિષ્યમાં ક્લબ માટે રમશે તો ૩ નંબરની જર્સી તેના માટે ઉપલબ્ધ કરવામાં આવશે. સચિન પુત્ર અર્જુન પણ ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યો છે અને જો ભવિષ્યમાં તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે તો બની શકે કે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ તેની જર્સી પાછળ '૧૦'ડુલકર લખાવવાનું પસંદ કરે!
Sunday 27 October 2013
Posted by Harsh Meswania
Tag :

લંચ બોક્સ : ભૂખનું ભાતું!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ગયા મહિને રિલીઝ થયેલી અને ફિલ્મ વિવેચકોની પ્રશંસા પામેલી બોલિવૂડની ફિલ્મ 'ધ લંચબોક્સ' માં લંચ બોક્સ પોતે જ એક કેરેક્ટર હોય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ફિલ્મ 'ધ લંચબોક્સ'ની વાત નથી, પણ ફિલ્મમાં મુખ્ય પાત્ર જેવો મરતબો ભોગવતા લંચ બોક્સે પોતે જ પોતાની વ્યથા-કથા માંડી છે.....

 મારું નામ લંચ બોક્સ, પણ આમ જૂઓ તો આ મારું એક માત્ર નામ ન કહી શકાય. કોઈ મને ટિફિન કહે છે તો ક્યાંક હું ડિબ્બા કે ડબ્બાના નામે પણ ઓળખાઉં છું. મારા જન્મ વિશે મને કોઈ ખાસ જાણકારી યાદ નથી. વળી, જન્મ સ્થળ વિશે પણ હું કશુંક ચોક્કસ કહી શકું તેમ નથી, પણ હા, ૧૮મી સદીમાં મને લઈને ખેડૂતો ખેતરે જતા એ મને થોડું થોડું સાંભરે છે. મને એનું પણ સ્મરણ છે કે પહેલા મારો દેખાવ આજના જેવો ન હતો. ત્યારે તો હું બાળક હોઈશને એટલે એકાદ કટોરી જેટલી મારી સાઇઝ હતી! પછી ધીરે ધીરે સંખ્યામાં અને કદમાં વધારો થતો ગયો. ભારત જેવા દેશમાં તો પરણેતર મને માથે મૂકીને ખેતરમાં કાળઝાળ તાપમાં કામ કરતા પોતાના પતિને હાથો હાથ થમાવે અને પછી સામે બેસીને તેને જમાડીને મને સાથે લઈને ગામમાં પાછી આવે. આવો તો રોજિંદો ક્રમ.

 વિદેશમાં મને થોડો અલગ અનુભવ થયો છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, રશિયા જેવા દેશોમાં હું કામદારોના સાથીદાર તરીકે તેનો બરાબર સાથ નિભાવતું હતું. એમ તો અમેરિકાના એક લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ ૧૯૬૫માં 'અ મુવેબલ ફિસ્ટ' નામનું એક પુસ્તક પણ લખ્યું હતું. તેમાં તેણે મારા વિશે ઘણી વાતો કરી છે. એ મુજબ પહેલા પરદેશમાં તમાકુના ખાલી ડબ્બા એ મારો કાયમી પોશાક રહેતો. બોર્સ હેડ ટોબેકો નામની ત્યારની તમાકુ કંપનીના ખાલી ડબ્બામાં ભરીને ખેડૂતો અને કારખાનાઓમાં કામ કરતા મજૂરો બપોરનું ખાવાનું લાવતા. શરૃઆતમાં મારું કામ માત્ર બપોર પુરતું જ મર્યાદિત રહેતું હતું, પણ પછી તો બપોર ઉપરાંત રાત્રે પણ હું કામમાં આવતું હતું. દેશની ખાસિયત મુજબ મારી અંદર મૂકવામાં આવતી વાનગી બદલાતી રહેતી, પણ મારું કામ થાકેલા કામદારોના પેટ ભરવાનું રહેતું હતું. એનું પેટ ભરાય એ સંતોષથી હુંય તૃપ્ત થતું..

 આમ ને આમ ૧૮મી સદી તો વીતી ગઈ. એમાં પછી ખાસ કંઈ નવું ન થયું, પણ ૧૯મી સદી મારા માટે બહુ યાદગાર બની રહેવાની હતી. કેમ કે એ સૈકામાં મારા દેખાવમાં મહત્ત્વના ફેરફાર આવ્યા. ખાસ તો તમાકુના ડબ્બાને બદલે બિસ્કિટના ટીન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત કલાઈના પતરાનો મારા માટે ઉપયોગ થવા લાગ્યો હતો. તો વળી, ક્યાંક ક્યાંક પાતળા લાકડામાંથી મારો દેહ બનાવવામાં આવી રહ્યો હતો. મેટલનો ઉપયોગ પણ આ સદીમાં શરૃ થયો હતો. લંબચોરસ દેખાવમાંથી હું ગોળમટોળ પણ દેખાવા લાગ્યું હતું. હવે ખરેખર જ મારા દેખાવમાં વિભિન્તા આવવા લાગી હતી. એ જોઈને ઘણી વખત મને પણ આનંદાશ્વર્ય થતું હતું. ધીરે ધીરે મારા પર ઉનનું હેન્ડલવાળું બાસ્કેટ ચડાવવાનો ટ્રેન્ડ આવ્યો હતો અને કામદારો એ બાસ્કેટમાં મને ઉંચકીને લઈ જવા લાગ્યા હતા. સાચુ કહું તો મને આ નવો અવતાર ગમવા લાગ્યો હતો, પણ ૨૦ સદી આવતા આવતા તો વળી એવા નાના મોટા કંઈ કેટલાય ફેરફાર થયા હતા. હવે મારી બનાવટ ધાતુમાંથી થવા લાગી હતી. એટલું જ નહીં, અમુક ઉત્પાદકોએ મને નવા રૃપ-રંગ સાથે માર્કેટમાં મૂકવાની ચોક્કસ યોજના પણ ઘડી કાઢી હતી.

 આ સદીમાં મેં ઘણા લિબાસ બદલ્યા. મારી લોકપ્રિયતા પણ વધતી ચાલી. બાળકો બધાને વ્હાલા હોય, પણ બાળકોને હું બહુ વ્હાલું હતું એ જોઈને મને બહુ આનંદ આવતો હતો. એમાં પણ મને લીધા વગર બાળકો શાળાએ ન જવાની જીદ પકડે ત્યારે તો હું મનોમન બહું પોરસાતું હતું.! આ સમયગાળામાં વ્હાલા બાળકોનો મને ખૂબ પ્રેમ મળવા લાગ્યો અને એનો પ્રારંભ થયો ૧૯૦૨ના વર્ષથી. તે વર્ષે પહેલી વખત મારા રંગ-રૃપ બાળકોને અનુરૃપ સજાવવામાં આવ્યા. મને એક પિકનિક બાસ્કેટ જેવું બનાવાયું સાથે એક બાજુ બાળકોને મનોરંજન આપે એવા ચિત્રો પણ મૂકવામાં આવતા હતા. એકધારા દેખાવમાં આવેલો આ પહેલો બદલાવ હતો. ૧૯૩૫માં એક મોટો વળાંક આવ્યો. પહેલી વખત ફ્રે પ્રોડક્શને મને લાઇસન્સ વર્ઝનમાં રજૂ કર્યું. ૧૯૨૮માં સર્જાયેલાં અને ઓલટાઇમ લોકપ્રિય રહેલાં મિકી માઉસ કાર્ટૂન કેરેક્ટરને મારી એક બાજુ મૂકવામાં આવ્યું હતું. મારા આ નવા દેખાવને જોત જોતામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. એ પછી તો નવા નવા સર્જાતા જતાં કાર્ટૂન કેરેક્ટર્સ સાથે મારી સારી જુગલબંધી જામવા લાગી હતી. આવો જ બીજો મોટો વળાંક ૧૯૫૦ના વર્ષમાં આવ્યો. અલાદિન ઈન્ડસ્ટ્રીએ 'હોપઅલોંગ કેસિડી' નામની લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી પરથી પ્રેરણા લઈને મને 'હોપી'ના નવા નામે માર્કેટ સર કરવા રજૂ કર્યું અને એ સાથે જ ઈતિહાસ સર્જાય ગયો. મારો આ નવો અવતાર અલાદિન ઈન્ડસ્ટ્રી માટે દૂઝણી ગાય સમાન નિવડયો. એ જમાનામાં બહુ કહેવાય એવા ૧૪૭ રૃપિયા જેવો ભાવ હોવા છતાં એક જ વર્ષમાં મારા પાંચથી છ લાખ નંગ ખપી ગયા. ત્યાર બાદ કાર્ટૂનની જેમ ટેલિવિઝન શ્રેણી પરથી પ્રેરણા લઈને કેટલાય ઉત્પાદકોએ મને નિતનવા અવતારમાં બજારમાં મૂક્યું હતું. મને નવા રૃપ-રંગમાં બજારમાં મૂકનારા દરેક ઉત્પાદકને ફાયદો થાય એવી મારી હંમેશા કોશિશ રહેતી હતી.

 સાથે જ કામદારો માટેના મારા દેખાવમાં પણ પરિવર્તન આવવાનું શરૃ થયું હતું. ભારેખમ તમાકુના ડબ્બાઓ અને બિસ્કિટ ટીનની જગ્યાએ કામદારો પણ સાચવવામાં હળવા થયેલા મારા નવા રંગ-રૃપથી થોડા વધુ આકર્ષાયા હોય એવું મને લાગતું હતું. એટલું જ નહીં, હવે તો કામદારો ઉપરાંત સાહેબોમાં પણ ધીરે ધીરે મારો વટ જામતો જતો હતો. અલબત્ત, એવા સાહેબો મારા થોડા મોંઘા અને લેટેસ્ટ દેખાવને વધુ અપનાવતા હતા. વળી, હવે નવા ઉત્પાદકોએ મારી અંદર રાખેલી સામગ્રી ગરમ રહે તેવી પણ કશીક ટેકનિક શોધી કાઢી હતી. જો હું ન ભૂલ્યું હોઉં તો સ્કોટલેન્ડના વિજ્ઞાાની સર જેમ્સ ડેવરે થર્મોસની ટેકનિક વિકસાવી હતી, જેનો લાભ લઈને ઉત્પાદકોએ મને નવી રીતે બજારમાં મૂકવાનું શરૃ કર્યું હતું.

 ૧૯૫૪ના વર્ષમાં કેનેડાના ઓન્ટારિઓમાં કામ કરતો લિઓ મે નામનો એક કામદાર મને સાથે લઈને કામ પર જતો હતો ત્યારે અકસ્માતે મારું મેટલમાંથી બનેલું જૂનું વર્ઝન તૂટી ગયું એટલે એ કામદારે મને વધુ મજબૂત બનાવવાની કવાયત આદરી. તેણે થોડી મથામણને અંતે મને વળી એક નવું સ્વરૃપ આપ્યું, જે વધારે મજબૂત હોવાથી વર્ષો સુધી ખૂબ પોપ્યુલર રહ્યું. મારો એ નવો દેખાવ એલ્યુમિનિયમમાંથી બનાવાયો હતો. જોકે, એ જ સમયગાળામાં મારા અલગ અલગ ધાતુમાંથી બનાવાયેલા કંઈ કેટલાય સ્વરૃપ હવે બજારમાં દેખાવા લાગ્યા હતા. ૧૯૫૯માં પ્રથમ વખત પ્લાસ્ટિકનું પિતરાઈ કહેવાય એવા વિનાઇલમાંથી મને બનાવાયું. ધીરે ધીરે દેખાવમાં હું થોડું વધારે આધૂનિક લાગતું હતું. જોકે, હજુ સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ નહોતો થયો. ૧૯૬૦ના વર્ષમાં પહેલી વખત પ્લાસ્ટિકમાંથી હેન્ડલ બનાવાયું હતું. પ્લાસ્ટિક પ્રમાણમાં સસ્તું હોવાથી અને તેમાંથી ઈચ્છા મુજબ આકાર આપી શકાતો હોવાથી ધીરે ધીરે મારી બનાવટ પ્લાસ્ટિકમાંથી થવા લાગી હતી. શરૃઆતના તબક્કે માત્ર અંદરનો ભાગ પ્લાસ્ટિકથી મઢવામાં આવતો હતો, પણ પછી તો ચોમેર પ્લાસ્ટિકના મારા દેખાવની બોલબાલા થવા લાગી હતી. એક જ દશકામાં કેટલાં બધા ઉત્પાદકો વિશ્વભરમાં મને પ્લાસ્ટિકમાંથી બનાવવા લાગ્યા હતા. હવે તો અંદર પાણી કે પછી અન્ય કોઈ પ્રવાહી સાચવી શકાય એવી જગ્યા રાખવાનું પણ શરૃ થયું હતું. એક ડબ્બાથી શરૃ થયેલી મારી સફર હવે આખો આખો પરિવાર બન્યો હોય એવું મને ક્યારેક ક્યારેક લાગતું હતું. કેમ કે, ખાવાનું રાખવા ઉપરાંત પણ અંદર ઝીણા મોટી વસ્તુઓ રાખી શકાય એવી ગોઠવણ કરવામાં આવવા લાગી હતી. મને એમ પણ લાગતું હતું કે છેલ્લી એક સદીમાં મારામાં જેટલા ફેરફાર નહોતા આવ્યા એટલા તો માત્ર એક જ દાયકામાં આવ્યા હતાં. જોકે, પછી સમજાયું કે મારે તો હજુ કેટલાય પરિવર્તનો જોવાના બાકી હતા! કેમ કે, અલગ અલગ ધાતુના મિશ્રણથી મારા નવા નવા સ્વરૃપને બજારમાં મૂકવામાં આવી રહ્યાં હતા. એમાં સ્ટીલનો પણ સમાવેશ થતો હતો. સ્ટીલ સાથે મારે સૌથી લાંબો સંબંધ કેળવાયો. સ્ટીલમાંથી મારા કંઈ કેટલાય દેખાવ વિકસાવીને વિશ્વભરમાં મૂકવામાં આવ્યા. ક્યાંક માત્ર સ્ટીલ તો ક્યાંક ઉપર પ્લાસ્ટિક અને અંદર સ્ટીલ એવો મેળ પણ બેસાડાયો. લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત અમુક સંસ્થાઓએ મારી પ્લાસ્ટિક કે વિનાઇલની બનાવટ સામે વાંધો દર્જ કર્યો એટલે એમ પણ સ્ટીલના મારા ચળવતા દેખાવ તરફ લોકો વધુ આકર્ષાયા હોઈ શકે છે એમ પણ મને ક્યારેક ક્યારેક લાગે છે. ભારત જેવા ઘણા બધા દેશોમાં તો એકલા સ્ટીલના મારા દેખાવને આજેય ખૂબ પસંદ કરવામાં આવે છે, પણ હા, સ્ટીલની સાથે સાથે બીજા એવા તો કેટલાય સ્વરૃપમાં મારી બોલબાલા છે. ભારતની વધુ એક વાત શેર કરી દઉં કે ભારતની ખૂબ લોકપ્રિય થયેલી 'શોલે' ફિલ્મ રિલીઝ થઈ એ પછી ભારતમાં મારા પર એ ફિલ્મના ચિત્રો પણ મૂકવામાં આવ્યા હતા. મારી સફળતાનું છેલ્લું ઉદાહરણ : મને લગતો એક સર્વે સમગ્ર વિશ્વમાં થયો હતો જેમાં સર્વેકર્તાઓએ નોંધ્યું છે કે હું જગતભરમાં ૪૦૦ કરોડ ઉપરાંત લોકોની દરરોજની પેટની ભૂખ સંતોષવાનું કાર્ય કરું છું!

૧૦૦ જેટલા દેશોના ૨૦૦૦ લંચ બોક્સનું કલેક્શન
અમેરિકાના હિલ્સબોરોમાં રહેતા ફ્રેડ કાર્લસનને લંચ બોક્સ કલેક્શનનો અનોખો શોખ છેક ૧૮૮૦થી વિકસાવ્યો છે. શરૂઆતના વર્ષોથી લઈને અત્યાર સુધીના થોડા અલગ હોય એવા તમામ લંચ બોક્સ ફ્રેડ પાસેથી મળી રહે છે.
છેલ્લા ૩૪ વર્ષમાં તેમણે અલગ અલગ લગભગ ૧૦૦ જેટલા દેશોના ૨૦૦૦ લંચ બોક્સ એકઠા કર્યા છે. તેમનું લંચ બોક્સ કલેક્શન આજે વેંચવા કાઢવામાં આવે તો તેની કિંમત સહેજેય લાખો ડોલર્સે પહોંચી જાય એવા મહત્ત્વના ડબ્બાઓ તેમણે સંઘરી રાખ્યા છે. પોતાના દરેક લંચ બોક્સ પાછળની સ્ટોરી ફ્રેડને અડધી રાતે પૂછો તો પણ તરત કહી સંભળાવે છે. આવો જ શોખ ઈંગ્લેન્ડના બ્રેન્ડન હેમિલ્ટનને પણ છે. ૨૮ વર્ષના આ યુવાન પાસે અલગ અલગ ૭૦ જેટલા દેશોના ઓછામાં ઓછા ૫૦૦ જૂના લંચ બોક્સ છે. તેમનો ઈરાદો બધા જ દેશોના શરૃઆતના તબક્કામાં વપરાતા લંચ બોક્સ એકત્ર કરવાનો છે.

Sunday 20 October 2013
Posted by Harsh Meswania
Tag :

મોબાઇલ હોમ્સ : ઘર છે, પણ ઠેકાણું નથી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ઘર હોય અને એ ઘરને કોઈ સરનામું જ ન હોય એવું બને ખરું? ટાઢા પહોરના ગપ્પા જેવી લાગતી આ વાત ખરેખર સાચી છે. આજે દુનિયામાં લાખો લોકો આવા સરનામા વગરના ઘરમાં રહે છે. આવા રહેઠાંણોને મોબાઇલ હોમ્સ એવા રૃપકડાં નામે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર થયો જેમાં સામે આવ્યું કે વિશ્વભરમાં લોકો એક યા બીજા કારણોસર મોબાઇલ હોમ્સમાં રહેવાનું વધુ પસંદ કરતા થયા છે.

 વેસ્ટવર્જિનિયામાં રહેતા ૨૭ વર્ષના મિશેલ બ્રેડેનના ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો મહેમાનોને રેલ્વે સ્ટેશને લેવા માટે મિશેલ ઘરને પણ સાથે લઈ જાય છે. સામાન્ય રીતે ઘરે પહોંચીને જે આગતા સ્વાગતા મળતી હોય છે એ મહેમાનને રસ્તામાં જ મળવા લાગે છે. જે જગ્યાએ ઘર રાખ્યું હોય છે ત્યાં પહોંચતા સુધીમાં તો મહેમાને ચા-નાસ્તો પણ કરી લીધો હોય છે.
લ્યુસિયામાં ૫૫ વર્ષના સ્ટીવન મિલર જ્યાં રહે છે ત્યાં પાણીની સમસ્યા છે. જો પાણી ન આવે એવી સ્થિતિ સર્જાય તો તેને પાણી ભરવા પાંચેક કિલોમીટર દૂરના વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે ત્યારે તે ઘરને સાથે લઈને પાણી ભરવા જાય છે. તેના ઘરની બધી ટાંકીઓ ભરીને તે ઘરને લઈને પાછા આવી જાય છે! સાંભળવામાં થોડી વિચિત્ર લાગતી આ વાત એકદમ સાચી છે.
સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ અને કોઈ મહેમાન આવવાના હોય એ સમયગાળામાં જો બહાર જવાનું હોય તો રમૂજમાં ઘણાં લોકો કહેતો હોય છે કે હું ભલે બહાર છું, પણ ઘર સાથે નથી લઈ જતો, ઘરે બાકીના સભ્યો તો છે જ! જોકે, હવે એવું કહેવાના દિવસો આવ્યા છે કે હું ઘરને સાથે લઈને બહાર ગામ જઈ રહ્યો છું એટલે થોડા દિવસ પછી ઘરે આવજો. દુનિયામાં આવા તો કેટલાય કિસ્સા છે જે અમુક કામ કરતી વખતે ઘરને પણ સાથે ને સાથે રાખે છે. દુનિયામાં આવા હરતા ફરતા ઘર ધરાવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો વધુને વધુ આવા ઘરોમાં રહેવાનું પસંદ કરતા થયા છે.
કહેવાય છે કે ઘર એટલે દુનિયાનો છેડો. ઘર એટલે હાશકારો. માણસ દુનિયા આખી ફરીને ઘરે આવે એટલે સ્વર્ગમાં આવ્યાનો અનુભવ કરે. એમાં પણ જેને સતત ઘરની બહાર જ રહેવાનું થતું હોય એના માટે ઘરમાં થોડા દિવસો પસાર કરવા મળે તો આનંદનો કોઈ પાર નથી રહેતો. બધાની ઈચ્છા હોય છે કે પોતાનું કોઈક કાયમી સરનામું હોય, કોઈક શોધતા આવી ચડે તો એક એવી જગ્યા તો હોય જ કે જ્યાં પોતે મળી જાય. પોતાનું કાયમી રહેઠાણ શોધવા માટે, ખરીદવા માટે કે બનાવવા માટે માણસ આખી જિંદગીની કમાઈ ખર્ચી નાખતા ખચકાતો નથી હોતો. પણ ધીરે ધીરે રહેવા માટેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલાય રહ્યો છે. હવે તો લોકો એવા ઘર બનાવીને રહેવાનું પસંદ કરતા થયા છે કે જેને મનફાવે ત્યાં અને ઈચ્છા થાય ત્યારે ખસેડી શકાય. મનફાવે એટલે દૂર સુધી પણ લઈ જઈ શકાય! મરજી થાય ત્યાં સુધી એ જગ્યાએ રહેવાનું અને પછી જગ્યા બદલી નાખવાની આ વાત થોડી અજીબ લાગી શકે, પણ વાત છે તો બિલકુલ સાચી. આમ જોવા જઈએ તો આ બાબત બહુ નવી નથી. છેલ્લા કેટલાંક દાયકાઓથી વિશ્વભરમાં લોકો આ રીતે રહેતા આવ્યા છે. આ વિચાર હજુ ભારતમાં પ્રવેશ્યો નથી, પરંતુ વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં મોબાઇલ હોમ્સ (મોબાઇલ હોમ એટલે હરતું ફરતું ઘર)નો ક્રેઝ અથવા કહો કે જરૃરીયાત વધતી જાય છે. આવા ઘરોને કોઈક વાહન સાથે જોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. શોખથી રહેતા લોકો પાસે તો પોતાની કાર કે ટ્રેઇલર હોય છે એટલે એ પોતાની ઈચ્છા થાય એ રીતે ઘરને ખસેડીને સરળતાથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે.
વિશ્વમાં ૫૦ લાખ લોકો મોબાઇલ હોમ્સ કે જેને મેન્યુફેક્ચર્ડ હોમ્સ પણ કહે છે તેમાં રહે છે. જેમાંથી ૨૦ લાખ તો એકલા અમેરિકન્સ છે. મતલબ કે અમેરિકામાં આ ટ્રેન્ડ વધુ ફૂલ્યો ફાલ્યો છે. મોબાઇલ હોમ્સમાં રહેવાના બે કારણો છે. એક, ઘણાં બધા લોકો એવા છે જેને દુનિયાની ભીડથી થોડા દૂર રહેવું છે અને શાંતિ જોઈએ છે. તેમને ન તો સમાજ સાથે બહુ નિસ્બત રાખવાની પડી છે કે ન તો બહુ કમાણી કરીને મોજ મજા કરવી છે. એટલે આવા મોબાઇલ હોમ્સની મદદથી શહેરની દૂરના અંતરિયાળ વિસ્તારમાં જઈને શાંતિની જિંદગી જીવે છે. આવા રહેવાસીઓ પાસે કોઈક સારા શહેરમાં પોતાનું ઘર પણ છે અને છતાં પોતાની મરજીથી ઈચ્છે તે જગ્યાએ નવા નવા લોકોની સાથે અને નવા માહોલમાં રહી શકાય તે માટે મોબાઇલ હોમ્સ પર પસંદગી ઉતારે છે. બીજુ, કારણ જરૃરીયાત છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં જેમ ગરીબ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે એ જ રીતે વિકસિત રાષ્ટ્રોમાં થોડા ગરીબ કહેવાય એવા લોકો આવા મેન્યુફેક્ચર્ડ ઘરોમાં રહેવાનો વિકલ્પ પસંદ કરે છે. દરેક વખતે જરૃરી નથી કે લોકો વારંવાર ઘરની જગ્યા બદલતા હોય! વર્ષો સુધી ઘર એક જ જગ્યાએ સ્થિર ગોઠવાયેલું રહે છે. ક્યારેક સ્થાનિક સત્તાધિશોને લાગે કે આવા હોમ્સને તેની જગ્યાએથી ખસેડવા છે તો પછી નવી જગ્યાએ જવાનું થતું હોય છે એ સિવાય તો લોકો એક જ સ્થળે ગોઠવાઈ જતાં હોય છે.
અમેરિકામાં વધુ લોકો મોબાઇલ હોમ્સમાં રહે છે એટલે અમેરિકાની જ વાત આગળ ચલાવીએ તો બીજી એક વાત એ સામે આવી કે દેશના સૌથી વધુ મોબાઇલ હોમ્સ ધરાવતા રાજ્યો જ પાછા ગરીબ રાજ્યોના લિસ્ટમાં પણ સુમાર થાય છે. મોબાઇલ હોમ્સની બાબતમાં ૨૦ પ્રતિશત સાથે પ્રથમ નંબરે આવતું રાજ્ય છે - સાઉથ કેરોલિના. જે દેશના ૧૦ ગરીબ રાજ્યોની યાદીમાં નથી આવતું, પણ તેના પછીના ક્રમે આવતા ન્યુ મેક્સિકો, વેસ્ટ વર્જિનિયા, અલ્બામા જેવા રાજ્યોમાં ૧૦થી ૧૫ ટકા મોબાઇલ હોમ્સ આવેલા છે અને આ તમામનો સમાવેશ ગરીબ રાજ્યોની યાદીમાં થાય છે. એટલું જ નહીં મોબાઇલ હોમ્સની સંખ્યા જ્યાં સૌથી વધુ છે એવા ૧૦ રાજ્યોમાંથી ૮ રાજ્યો દેશના ગરીબ રાજ્યોના લિસ્ટમાં સમાવિષ્ટ છે.
વિશ્વભરમાં મોબાઇલ હોમ્સમાં રહેતા લોકોને આવરીને એક સર્વાગી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમુક બાબતો ઉડીને આંખે વળગે એવી હતી, જે મોબાઇલ હોમ્સ કલ્ચરને સમજવા માટે કદાચ થોડી વધુ મદદ કરી શકે છે. આવા સરનામા વગરના ઘરોમાં રહેતા લોકોમાંથી ૨૩ ટકા લોકો એવા છે જે નિવૃત્ત થઈ ચૂક્યા છે અને માત્ર પતિ-પત્ની એકલા જ રહેતા હોય છે. ફ્લોરિડામાં એક આખી રિટાર્મેન્ટ કોમ્યુનિટી છે જે આવા મોબાઇલ હોમ્સમાં જ રહે છે અને એ એટલા માટે નહીં કે તેઓ ગરીબ છે, બલ્કે એટલા માટે કેમ કે તેમને શહેરથી દૂર શાંતિ મળે તેવા કૂદરતી રહેઠાણોમાં રહેવું છે, મોબાઇલ હોમ્સ તેમને શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. આવા રહેઠાણોમાં રહેતા રહેવાસીઓમાંથી ૫૭ પ્રતિશત લોકો ફૂલ ટાઇમ નોકરી કરે છે, પણ તેની આવક દેશની સરેરાશ આવક કરતા અડધી છે અને એટલે જ કદાચ તે પ્રમાણમાં સસ્તા રહેઠાણમાં રહેવાને પ્રાથમિકતા આપે છે. માત્ર ૪૦ પ્રતિશત લોકો પાસે મોબાઇલ હોમ્સ સહિત તેને પાર્ક કરવા માટેની પોતાની પ્રોપર્ટી હોય છે. એ પણ શહેરથી દૂરના એવા વિસ્તારમાં કે જ્યાં પ્રોપર્ટીના સામાન્ય કરતા ઓછા દામ હોય છે. મોબાઇલ હોમ્સમાં રહેતાં લોકોમાંથી ૪૪ ટકા લોકોની ઉંમર ૩૦ વર્ષ કરતા ઓછી છે. આમાં યુવા કપલ્સની સંખ્યા પણ ખાસ્સી મોટી છે.
'અનનોન વર્લ્ડ ઓફ ધ મોબાઇલ હોમ્સ' નામની બૂકના લેખક અને સંશોધક જ્હોન હાર્ટે આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે '૧૯૯૦માં અમેરિકામાં ચાર લાખ જેટલા મોબાઇલ હોમ્સ હતા અને વિશ્વમાં કદાચ આ સંખ્યા ૮ લાખથી વધુ તો નહોતી જ, પણ ધીરે ધીરે લોકોની જીવન શૈલી બદલાઈ છે, જીવન તરફનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે અને એટલે જ આજે શોખથી કે પછી આર્થિક નબળાઈના કારણે લોકો વધુને વધુ મોબાઇલ હોમ્સમાં રહેવા પ્રેરાયા છે.'
લેખકનું આ કારણ કદાચ સાચુ હોય એમ આજે મોબાઇલ હોમ્સમાં જીવન વીતાવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે યુએસ હાઉસિંગ સોસાયટીમાં ૬.૪ ટકા હિસ્સો તો આવા સરનામા વગરના રહેઠાણોનો છે. આવા રહેઠાણોને શું કહીશું? ગાડીના છેડે લટકતો ધરતીનો છેડો!
કેવા હોય છે મોબાઇલ હોમ્સ? 
મોબાઇલ હોમ્સમાં શું સુવિધા હોય છે અને સામાન્ય રીતે ક્યાં પાર્ક થતાં હોય છે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હરતા ફરતા આ મકાનોમાં સામાન્ય રીતે એક પરંપરાગત ઘરમાં હોવી જોઈએ એવી બધી જ સવલતો ઉપલબ્ધ હોય છે.
૨૫થી ૩૦ ફીટના મોબાઇલ હોમ્સમાં બે બેડરૃમ્સ, કિચન, બાથરૃમ સહિતની સુવિધા ઉપલબ્ધ હોય છે. અમુક મકાનોમાં ઓસરી જેવી જગ્યા બહારથી ગોઠવવામાં આવતી હોય છે. એટલે કે જ્યાં મકાનને પાર્ક કરવામાં આવતા હોય ત્યાં જ બહાર એવી જાળી બંધ બેસાડી દેવામાં આવે છે.

મોબાઇલ હોમ્સની એવરેજ કિંમત આપણા દોઢથી બે લાખ રૃપિયા થવા જાય છે. પછી એમાં થોડી વધુ સવલત જોઈતી હોય તો થોડા મોંઘા મકાનો પણ મળી રહે છે. મોબાઇલ હોમ્સ શહેરથી થોડે દૂરના ગ્રામ્ય વિસ્તારમાંના વિશાળ મેદાનોમાં પાર્ક થતાં હોય છે. ઘરની નીચે ઈંટ ગોઠવીને કે પછી લોખંડના પાયાની મદદથી આ મકાનોને સ્ટેન્ડ કરવામાં આવતા હોય છે. ખાસ કરીને સરકારી મેદાનો મોબાઇલ હોમ્સનો વિસામો બનતા હોય છે. ચર્ચની ખૂલ્લી જગ્યા, ફૂટબોલના મેદાનની ન વપરાતી જગ્યા પણ ઘણી વખત આવા હરતા ફરતા ઘરનું પાર્કિંગ ઝોન બની જાય છે. હવે રહી વાત પાણી અને ઈલેક્ટ્રિસિટીની. મોબાઇલ હોમ્સની કાયદેસર પરમિશન લેવાની હોય છે એટલે પરમિશનની સાથે જ ઈલેક્ટ્રિસિટી અને પાણીના જોડાણોની નજીકમાંથી ક્યાંકથી વ્યવસ્થા થઈ જતી હોય છે.
અમેરિકાની અમુક રાજ્ય સરકારો જ ૨થી લઈને ૫ વર્ષ માટે પાર્કિંગ ઝોનની જગ્યા ભાડે આપે છે એટલે એમાં પાણીની અને ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે.
Sunday 13 October 2013
Posted by Harsh Meswania
Tag :

આ ઈમારતો ખરેખર જોવા જેવી છે!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સ્થાપત્યને આપણે ત્યાં કળા કહીને નવાજવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓ તેની સ્થાપત્ય કળાની વિશેષતાઓને કારણે એકમેકથી જૂદી પડી જાય છે. મતલબ કે સ્થાપત્ય સંસ્કૃતિઓની ઓળખને વધુ મજબૂત બનાવે છે. દરેક સમાજની કે દેશની પોતાની આગવી સ્થાપત્ય કળા છે. સ્થાપત્યને સદીઓથી અનેરું સન્માન મળતું આવ્યું છેે અને આજેય તેનો દબદબો બરકરાર છે. હમણાં જ ૨થી ૪ ઓક્ટોબર દરમિયાન સિંગાપૂરમાં વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ યોજાઈ ગયો. વળી, ઓક્ટોબર માસના પ્રથમ સોમવારને પણ વિશ્વ સ્થાપત્ય દિન તરીકે ઉજવવામાં આવે છે એ સંયોગે આપણે અહીં આધૂનિક સમયમાં બનેલાં અને નવા કિર્તિમાન સ્થાપિત કરનારા ૨૧મી સદીમાં બનેલા આ સ્થાપત્યો અંગે જાણી-અજાણી રસપ્રદ વાતો વાગોળી લઈએ.....

મરિના બે સેન્ડ્સ : કિંમત ઈમારતની અને ભવ્યતાની!
સિંગાપૂરમાં આવેલી આ ઈમારત આમ તો હોટેલ કમ કેસિનો છે. તેના નામે વિશ્વની સૌથી કિંમતી ઈમારત તરીકેનો વિક્રમ બોલે છે. આ કેટલી કિંમતી હશે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેના નિર્માણ દરમિયાન તેને બનાવનારી કંપની લાસ વેગાસ સેન્ડ્સ પણ આર્થિક સંકળામણમાં આવી ગઈ હતી અને બે વખત તો તેની નક્કી થયેલી ઓપનિંગ સેરેમનીની તારીખમાં ફેરફાર કરવો પડયો હતો. કંપનીએ સિંગાપૂરના પર્યટન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને એક ભવ્ય કેસિનો બનાવવાનું વિચાર્યું હતું. એક એવી ઈમારત કે જેમાં પ્રવેશનાર તેની ખૂબસૂરતીથી અંજાય જાય અને કદાચ એમાં કંપની સફળ પણ થઈ છે. ત્રણ ત્રણ કન્સ્ટ્રકશન કંપનીએ સાથે મળીને ત્રણ વર્ષ સુધી સતત કામ કર્યું ત્યારે આ ઈમારતને આ આકાર મળી શક્યો છે. આજે ઈમારતની કિંમત આંકવામાં આવે તો આંકડો સહેજેય ૮-૯ બિલિયન ડોલર (આશરે ૩૪,૦૦૦ કરોડ રૃપિયા)ને આંબી જાય, પણ એનું કામ પૂર્ણ થયું ત્યારે પણ તેની કિંમત ૬ બિલિયન ડોલરના આંકડાને પાર કરતી હતી. હોટેલની ભવ્યતા વિશે પણ નોંધ કરવી જ રહી! ૨,૫૬૧ રૃમ્સ, કેસિનોમાં ૫૦૦ ટેબલ્સ, ૬ સેલિબ્રિટી હોટેલ, હોટેલની અંદર રહેલો દુનિયાનો સૌથી વિશાળ સ્વિમિંગ પૂલ અને આવું તો કેટલું બધું.... ૨૧ સદીની સાત માનવ સર્જિત અજાયબીઓની યાદી તૈયાર કરવાની થાય તો મરિના બે સેન્ડ્સ વગર કદાચ એ યાદી અધૂરી રહે!

ધ બૂર્જ ખલિફા : ઊંચાઈમાં તો આભને આંબે
દૂબઈની બૂર્જ ખલિફા ઈમારતને વિશ્વની સૌથી ઊંચી ઈમારત તરીકેનું સન્માન મળે છે. આ ઈમારતનો દેખાવ એવો છે કે તેને જોઈને લાગે કે જાણે તે આકાશ સાથે મિઠી ગોષ્ઠી કરી રહી છે. ૮૩૦ મીટર ઊૅચી આ બિલ્ડિંગનું બાંધકામ સેમસંગ કન્સ્ટ્રક્શન કંપનીએ ૨૦૦૪માં શરૃ કર્યું હતું. તેની ડિઝાઇન પાછળ એડ્રિયન સ્મિથ નામના એન્જિનિયનું ભેજુ કામ કરતું હતું. જ્યારે ૪ જાન્યુઆરી, ૨૦૧૦માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં દુનિયાના સૌથી ઊંચા બિલ્ડિંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૧મી સદીમાં બનેલી સૌથી સુંદર ૧૦ ઈમારતોની યાદીમાં પણ આ બિલ્ડિંગને સુમાર કરવામાં આવે છે. મરિના બે સેન્ડ્સની જેમ જ આ બિલ્ડિંગ ૨૧મી સદીમાં માણસે બનાવેલી એક અજાયબી જ ગણાય છે એવું તેની મુલાકાત લેનારા દરેક હોશેં હોશેં સ્વીકારે છે એ જ શું તેની સિદ્ધિ નથી?

ધ ક્લાઉડ : ભવ્યતાને લાગ્યું વિવાદનું ગ્રહણ
નેધરલેન્ડની બાંધકામ કંપની એમવીઆરડીવીએ ૨૦૧૧માં સાઉથ કોરિયામાં એક બિલ્ડિંગ બનાવી હતી. આ બિલ્ડિંગની ભવ્યતા જોવા જેવી હોવા છતાં તેને વિશ્વભરમાંથી ટીકાનો સામનો કરવો પડયો. એ એટલા માટે કે બે બિલ્ડિંગને એવી રીતે જોડવામાં આવી છે ક તેને જોવાથી પહેલી નજરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની ભયાનક યાદ તાજી થઈ જાય છે! એક ઈમારત ૩૦૦ મીટર ઊંચી છે અને એક ૨૬૦ મીટર ઊંચી છે. ૨૭ માળની આ બે ઈમારતોને ૧૧માં માળે જોડવામાં આવી છે. તેનું ૧૧માં માળે થતું જોડાણ પણ ૯/૧૧ની ઘટનાને યાદ કરાવી દે છે. આ ઈમારતમાં હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ, કોન્ફરરન્સ સેન્ટર અને થોડી અન્ય ખાનગી કચેરીઓ આવેલી છે. તેના દેખાવના વિવાદને બાદ કરતા આ ઈમારત ખૂબ જ સુંદર છે. તેનું બાંધકામ અને ભવ્યતા અંદર પ્રવેશનારને મોહી ન લે તો જ નવાઈ! પણ આ બધુ હોવા છતાં તેનો બાહ્ય દેખાવ કેમેય કરીને ભૂલાય એન નથી અને એટલે જ તેના પર વિશ્વની સૌથી વિવાદિત ઈમારતનું લેબલ લગાવી દેવામાં આવ્યું છે, હવે કદાચ તે એ જ રીતે જગતભરમાં ઓળખાશે.

કર્ઝવી ડોમેક : વાંકૂ હોવા છતાં વહાલું લાગે!
પોલેન્ડના સોપોટ વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગને તેના દેખાવ અનુરૃપ નામ આપવામાં આવ્યું છે. કર્ઝવી ડોમેકનો અર્થ થાય આડાઅવળું કે વાંકૂચૂંકુ. આ ઈમારતનો દેખાવ ખરેખર જ ખૂબ વિચિત્ર છે. ઝોત્યંસ્કી અને ઝેલેસ્કી નામના બે સ્થપતિઓએ ૨૦૦૪માં રેઝિડેન્ટ શોપિંગ સેન્ટરના ભાગ તરીકે આ ઈમારતનું બાંધકામ કર્યું હતું. આ બિલ્ડિંગનો આકાર વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત કરવામાં આવ્યો છે. ઈમારતને જોનારા લોકો માટે આશ્વર્ય એ વાતનું હોય છે કે બિલ્ડિંગ એટલું આડાઅવળું છે કે હમણાં તેનો એકાદ ભાગ નીચે તો નહીં પડી જાયને! પોલેન્ડની મુલાકાત લેનારા પ્રવાસીઓ ૨૧મી સદીની અજાયબી સમાન આ બિલ્ડિંગને જોવાનો વિશેષ આગ્રહ રાખતા હોય છે.

ધ પિઆનો હાઉસ : જેના દરેક પથ્થરમાં મ્યુઝિક દેખાય છે...
ચીનના હૈનાન શહેરમાં આવેલી આ ઈમારત સંગીત પ્રેમીઓ માટે સ્વર્ગ મનાય છે. પથ્થરના આ પિઆનોમાંથી સંગીત સંભળાય તો છે જ, પણ સાથે સાથે દેખાય પણ છે. આર્કિટેક્ચર એસોસિએશનેે એક એકથી ચડિયાતી ૧૦ બિલ્ડિંગ્સની યાદીમાં આ બિલ્ડિંગને સર્વોચ્ચ સ્થાને મૂકીને તેને વિશ્વની સૌથી ક્રિએટિવ ઈમારત તરીકેનું બહુમાન આપ્યું છે. સ્થાનિક મ્યુનિસિપાલિટીએ ૨૦૦૭માં ધ પિઆનો હાઉસનું નિર્માણ કર્યું હતું. આ બિલ્ડિંગ બનાવવાની કામગીરી ખાસ્સા પાંચ વર્ષ સુધી ચાલી હતી. આ ઈમારત શહેરના સંગીતના સ્ટુડન્ટ્સ માટે ખૂલ્લી મૂકવામાં આવી છે.

એન્ટિલિયા : દુનિયાનું સૌથી મોંઘુ રહેઠાણ
૧૦,૫૦૦ કરોડ રૃપિયાના માતબર ખર્ચે બનેલું એન્ટિલિયા (ઘણાં લોકો તેનો ઉચ્ચાર અંતિલા પણ કરે છે) દુનિયાનું સૌથી ભવ્ય અને સૌથી મોંઘુ રહેણાંક મકાન છે અને એ ભારતમાં આવેલું છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના ૧૭૩ મીટર ઊંચા અને ૨૭ માળના આ ઘરને પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દુનિયાની સૌથી કિંમતી અને ભવ્ય રહેઠાણ મકાનનું બિરૃદ આપ્યું છે. એન્ટિલિયામાં ૬૦૦ કર્મચારીઓ અંબાણી પરિવારની સેવામાં તૈનાત રહે છે. પાર્કિંગ્સ એન્ડ વિલ નામની ખૂબ જાણીતી કંપનીએ તેને તૈયાર કર્યું છે.

ધ ગ્રીન રૃફઃ પૃથ્વીના પેટાળમાં એક સુંદર દુનિયા
લંડનમાં આમ તો છેલ્લા કેટલાક વખતથી અંડરગ્રાઉન્ડ હોટેલનું કલ્ચર ખૂબ વિકસતું જાય છે, પણ લંડનથી થોડે દૂર આવેલી ધ ગ્રીન રૃફ અંડરગ્રાઉન્ડ ઈમારત વિશ્વના સુંદર બાંધકામો પૈકીનું એક ગણાય છે. આ હોટેલમાં ૨૦૦ ગેસ્ટને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. રિડનસ્મિથ આકિેટેક નામની કંપનીએ તેની ડિઝાઇન તૈયાર કરી છે. આ ઈમારત નામ પ્રમાણે તેની ગ્રીનરી માટે વિશ્વ વિખ્યાત છે. આર્કિટેક્ચર યુનિયને તેને દુનિયાની ખૂબસૂરત અંડરગ્રાઉન્ડ ફાઇવ સ્ટાર હોટેલનો દરજ્જો આપ્યો છે.
Sunday 6 October 2013
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -