Archive for January 2015

ટેલિપ્રોમ્પ્ટર : નેતાઓના છટાદાર વકતવ્ય પાછળનું ત્રીજું નેત્ર



વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રાન્સપરન્ટ ટેલિપ્રોમ્પ્ટરની મદદથી છટાદાર અંગ્રેજીમાં ભાષણ આપીને મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. આ ઉપકરણ ખરેખર તો નાટકોના અભિનેતાઓ લાંબાં સંવાદો ભૂલ વગર બોલી શકે એ માટે ડિઝાઇન થયું હતું

અમેરિકન ટેલિવિઝન-સ્ટેજ એક્ટર ફ્રેડ બાર્ટનને વિચાર આવ્યો કે જો ડાયલોગ્સ ગોખવાને બદલે સામે ટેલિવિઝનની સ્ક્રીન જેવી કોઈ વ્યવસ્થા હોય અને એમાં ડાયલોગ્સ લખાયેલાં હોય તો એક્ટરનું કામ કેટલું સરળ થઈ જાય? એણે પોતાની લાગણી ઈલેક્ટ્રિકલ ઈજનેર મિત્ર હ્યુબર્ટ સ્ક્લાફ્લાય સામે વ્યક્ત કરી અને એવું કશુંક સાધન બનાવી દેવા કહ્યું. હ્યુબર્ટે એમાં જરૃરી સાધનો માટેનું બજેટ માગ્યું. બજેટ આપવાની તૈયારી એ બંનેના બિઝનેસમેન મિત્ર ઈરવિન બર્લિને બતાવી અને કામ શરૃ થયું.
વર્ષ-બે વર્ષની મહેનત પછી અંતે હ્યુબર્ટે એક ડિઝાઇન તૈયાર કરી નાખી. જેમાં ટેલિવિઝન જેવી દેખાતી સ્ક્રીનમાં જરૃરી લખાણ ફરતું રહે અને જેને વાંચવાનું છે એ સામે જોઈને સરળતાથી વાંચી શકે એવી ટેકનિક વિકસાવાઈ હતી. બિઝનેસમેન મિત્ર ઈરવિનને એ ડિવાઇઝમાં ભરપૂર શક્યતાઓ દેખાતી હતી એટલે તેણે એની પેટર્ન રજિસ્ટર કરાવી નાખવાની ભલામણ કરી, સાથે સાથે એમાં કોઈ મોટા રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્કને જોડવાનો પ્લાન પણ બનાવ્યો. કારણ કે, એ દિવસોમાં ન્યૂઝ રીડરને ટેબલ પર જોઈને વાંચવું પડતું હતું અથવા તો સમાચાર ગોખવા પડતા હતાં, જેમાં ભૂલો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હતી.
ટેલિવિઝનમાં ટૂંકાગાળામાં વધુ કામ કરવાનું હોય એટલે મીડિયા પર્સન્સ માટે બધુ યાદ રાખવું મુશ્કેલ હોય. એ સ્થિતિમાં નવા વિકસતા જતાં ટેલિવિઝન ન્યૂઝના ફિલ્ડમાં કમાણી કરવાના હેતુથી ટેલિપ્રોમ્પ્ટરના બિઝનેસમાં વિશાળ તકો છે એમ ઇરવિનનું માનવું હતું. અમેરિકાનું કોઈ મોટું નેટવર્ક એ ડિવાઇઝમાં રોકાણ કરે તો કંઈક વાત બને એમ હતી.
ડિઝાઇન લઈને ત્રણેય મિત્રોએ અમેરિકાના બે વિશાળ રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્ક- સીબીએસ કોર્પોરેશન અને ટેલિવિઝન તેમ જ ફિલ્મમાં મોટું નામ ગણાવા લાગેલા ફોક્સ સ્ટૂડિયોનો સંપર્ક કર્યો. બેમાંથી એકેયને એમાં રોકાણ કરવાનું યોગ્ય ન લાગ્યું. નિરાશ થવાના બદલે અંતે ત્રણેયે હિંમત કરીને કંપની બનાવવાનું નક્કી કર્યું. કંપનીનું નામ રાખ્યું- ટેલિપ્રોમ્પ્ટર. જે પછીથી કંપનીનું જ નહીં, પણ એ સાધનનું જ બ્રાન્ડનેઇમ બની ગયું.
ટેલિપ્રોમ્પ્ટર નામ રાખવા પાછળનો તર્ક કંઈક આવો હતો- ટેલિવિઝનની સ્ક્રીન જેવો દેખાવ હોવાના કારણે આગળનું નામ તો સ્વાભાવિક રીતે જ ટેલિ રાખ્યું, પરંતુ પાછળ ઉમેરાયેલા પ્રોમ્પ્ટરનો અર્થ - 'નાટક દરમિયાન સંવાદો યાદ કરાવનાર સહાયક' એવો થતો હતો. એ રીતે સંવાદો યાદ કરાવનારા સહાયક તરીકે 'ટેલિપ્રોમ્પ્ટર'ને અમેરિકન બજારમાં પ્રવેશ કરાવાયો ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સંવાદો યાદ કરાવવાના હેતુ સાથે ઉપલબ્ધ થયેલું આ સાધન વિશ્વભરના નેતાઓના લાંબાં ભાષણો પણ ગોખી મારશે! પછીથી એ કંપનીએ વિશાળ ટેલિવિઝન નેટવર્ક બનીને ત્રણેય શોધક-સાહસિકોને અઢળક નાણાં ય રળી આપ્યાં.
                                                                              * * *
ટેલિપ્રોમ્પ્ટરનો સૌપ્રથમ ઉપયોગ ધ 'ફર્સ્ટ હન્ડ્રેડ યર્સ' નામના નાટકમાં થયો હતો. ન્યૂઝમાં પહેલી વખત ઉપયોગ ૧૯૫૩માં લુસી બેલ અને ડેસી અર્નાસ નામના પ્રોગ્રામ સંચાલકોએ કર્યો હતો. સીબીએસ કોર્પોરેશનના પ્રોડયુસર ડોન હેવિટને જ્યારે પેલા ત્રણ સંશોધકોએ એ ડિવાઇઝના ઉપયોગની વાત કરી ત્યારે તેણે પોતાના વિખ્યાત એન્કર ડગ્લાસ એડવર્ડ સાથે ઓળખાણ કરાવીને કહ્યું હતું કે અમારો એન્કર બ્રેઇલ લિપિ જાણે છે, એટલે એને કેમેરા સામે નજર રાખતી વખતે ટેબલ પર નીચે જોવાની જરૃર નથી. એટલે જ અમારે તમારા ડિવાઇઝની પણ જરૃર નહીં પડે. જોકે, ડોન હેવિટે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર એક જ દશકામાં જગતભરની સમાચાર ચેનલ્સની ટેલિપ્રોમ્પ્ટર વગર કલ્પના પણ નહીં થાય! આજેય વિશ્વની એકેય ન્યૂઝ ચેનલ ટેલિપ્રોમ્પ્ટર વગર શક્ય જ નથી! હવે સમાચાર ચેનલ શરૃ કરતી વખતે પાયાના સાધન તરીકે ટેલિપ્રોમ્પ્ટરની ગણના કરવી અનિવાર્ય છે.
ન્યૂઝ માટેના ટેલિપ્રોમ્પ્ટરની ડિઝાઇન બનાવવાનો યશ જેસ ઓપનહેમરને મળે છે. તેણે ટેલિપ્રોમ્પ્ટરની સાથે જ કેમેરા લેન્સ ગોઠવી દીધો હતો એટલે ન્યૂઝ રીડર માટે તેનો ઉપયોગ બહુ જ સરળ બની જાય છે. એનાથી કેમેરા સામે જોઈને ન્યૂઝ રીડ થઈ રહ્યાંનો આબાદ આભાસ ઉભો થાય છે.
જોકે, એ સમયે ટેલિપ્રોમ્પ્ટર ખરીદવાનો ઉમળકો ભાગ્યે જ કોઈ દાખવતા હતા. નાટક સાથે જોડાયેલાં હોય અથવા તો ટેલિપ્રોમ્પ્ટરને ભાડે આપવાનો નવો બિઝનેસ કરતાં હોય એ જ ખરીદવાનો ઉત્સાહ બતાવતા! ૫૦'ના દશકામાં એનું એક કલાકનું ભાડું ૧૫૦૦ રૃપિયા કરતા પણ વધારે હતું. કોર્પોરેટ કંપનીના કાર્યક્રમોમાં કે રાજકીય સંમેલનોમાં ટેલિપ્રોમ્પ્ટર ભાડે લેવામાં આવતું હતું. આવા જ એક કાર્યક્રમ દરમિયાન ટેલિપ્રોમ્પ્ટરની લોકપ્રિયતા સિદ્ધ કરે એવો રસપ્રદ કિસ્સો બન્યો હતો.
૧૯૨૯-૩૩ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહેલા અને ૮૦ વર્ષની વયે પહોંચેલા હર્બર્ટ હૂવરે ૧૯૫૨માં શિકાગોમાં યોજાયેલા રિપબ્લિક પાર્ટીના એક સંમેલનને સંબોધવા માટે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી. ટેકનિકલ ખામીના કારણે અચાનક જ ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું. હૂવરે સ્હેજપણ અકળાયા વગર ટેલિપ્રોમ્પ્ટર ફરીથી ચાલું કરવાની પોતાના સહાયકોને સૂચના આપી અને એટલી વાર સુધી શાંતિથી રાહ જોઈ. એ ઘટનાએ ટેલિવિઝન અને અખબારોમાં સ્થાન મેળવ્યું. જેના કારણે અખબારો-સામયિકો-ન્યૂઝ ચેનલ્સમાં ટેલિપ્રોમ્પ્ટર કઈ રીતે કામ કરે છે એની સમજૂતિઓ પણ આપવામાં આવી; લોકોને આ નવા ડિવાઇઝનો પરિચય મળ્યો. એ ઘટનાએ એકાએક ટેલિપ્રોમ્પ્ટરની માર્કેટ વેલ્યુ વધારી દીધી. વળી, એ જ સમયગાળામાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહેલા રિપબ્લિક નેતા અને પછીથી અમેરિકાના ૩૪મા પ્રમુખ બનેલા ડ્વાઇટ એસનહૂવરે પણ પોતાના પ્રચાર ઝુંબેશમાં વ્યાપકપણે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી.
ડ્વાઇટ પ્રથમ અમેરિકન પ્રમુખ હતા; જેમણે પોતાના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી-ખાનગી કાર્યક્રમોમાં ટેલિપ્રોમ્પ્ટરની મહત્તમ મદદ લીધી હતી. એ સિલસિલો છેક બરેક ઓબામા સુધી લંબાયો છે. ડ્વાઇનના અનુગામી જ્હોન એફ કેનેડી મહત્ત્વની સરકારી જાહેરાત વખતે આ ઉપકરણનો ઉપયોગ કરતા હતા. એમના અનુગામી પ્રેસિડેન્ટ એલ.બી. જ્હોનસને સિવિલ રાઇટ્સ એક્ટ ૧૯૬૪ની જાહેરાત કરતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી. રોનાલ્ડ રેગન એક સાથે બબ્બે સ્ક્રીન રાખતા હતા. એ ઉપરાંત કાગળ ઉપર મહત્ત્વની નોંધ ટપકાવીને પણ સાથે રાખવાનું ચૂકતા નહોતા! બુશ પિતા-પુત્રમાં સિનિયર જ્યોર્જ બુશને ટેલિપ્રોમ્પ્ટર વધુ સગવડતાભર્યું લાગતું હતું. એમની તુલનાએ ઓબામાના પુરોગામી જ્યોર્જ બુશ બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળતા હતા; તેઓ ટેલિપ્રોમ્પટરની મદદ માત્ર મુદ્દા જોવા માટે જ કરતા હતા. અમેરિકાના મોટા ભાગના નેતાઓ પોતાના ભાષણમાં છબરડાં ખાળવા માટે ટેલિપ્રોમ્પ્ટરને સાથે રાખે છે. વર્તમાન પ્રમુખ ઓબામા તો આ સાધનના કારણે એટલા બધા ટીકાપાત્ર બન્યા છે કે હવે તો જોક ફરતા થયા છે કે ઓબામા પત્ની મિશેલ સાથે વાત કરતી વખતે ય ટેલિપ્રોમ્પ્ટર રાખે છે!
ઓબામાના પગલે ચાલીને નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન બન્યા પછી; ખાસ તો ઈંગ્લીશમાં ભાષણ આપતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવા માંડી છે. પીએસએલવીના લોચિંગ વખતે જુલાઈમાં મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત
ટેલિપ્રોમ્પ્ટરની મદદથી અંગ્રેજીમાં વકતવ્ય આપ્યું હતું. એ પછી ફરીથી સપ્ટેમ્બર માસમાં મંગળયાનની સફળતા વખતે ઈસરોમાં પ્રવચન કર્યું ત્યારે ટેલિપ્રોમ્પ્ટરનો સાથ મેળવ્યો હતો. અમેરિકાની મુલાકાત વખતે હિન્દી-અંગ્રેજી બંને ભાષામાં જે પાંચ-સાત વકતવ્યો આપવાના થયા એમાં તેમણે એકાદ-બે વખત આ ટેકનોલોજિની મદદ લીધી હતી. મોદી સામાન્ય રીતે બે સ્ક્રીનની મદદ લેતા હોય છે અને એની ગોઠવણ એવી રીતે કરાવે છે કે ટેલિવિઝનના દર્શકો એ સ્ક્રીન જોઈ શકતાં નથી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેમને છટાદાર રીતે અંગ્રેજી બોલતા જોઈને કોણે વિચાર્યુ હોય કે એ કમાલ તો ટેલિપ્રોમ્પ્ટરનો છે?
છબરડાં ખાળવા માટે ઉપયોગ થાય તો ટીકા ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ વટ પાડવા માટે ટેલિપ્રોમ્પ્ટર ઉપયોગમાં લેવાય અને વળી એ વાત ગોપનીય રહે એ માટે સભાન રીતે પ્રયાસ થાય તો ટીકાપાત્ર ન બને તો જ નવાઈ! આ બાબતે પણ ઓબામાના પગલે ચાલવા જેવું ખરું, વધી વધીને ઓબામાની જેમ કાર્ટૂન ફરતા થશે તો એ પણ દેશવાસીઓના મનોરંજન માટે જ હશેને!

ટેલિપ્રોમ્પ્ટરના શોધકે છેક  ૬૦ વર્ષે તેનો ઉપયોગ કર્યો!
ટેલિપ્રોમ્પ્ટરની શોધ સાથે ત્રણ સંશોધકો જોડાયેલા છે. એમાંથી ફ્રેડ બાર્ટર એક્ટર હતા. તેમને એની જરૃર ક્યારેય પડી નહોતી. ઈરવિન બર્લિન મીડિયા સાથે જોડાયેલા હતા અને કેબલ ટેલિવિઝનના સ્થાપક હતા, તેને ય પોતાના માટે ક્યારેય ટેલિપ્રોમ્પ્ટના ઉપયોગની જરૃર જણાઈ નહોતી. 
ત્રીજા અને સૌથી મહત્ત્વના ભાગીદાર એવા હ્યુબર્ટ સ્ક્લાફ્લાયને છેક ૨૦૦૮માં ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવી પડી હતી. જ્યારે તેમનો વિસમી સદીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું એ પ્રસંગે બોલવાનું થયું ત્યારે છેક ૨૦૦૮માં પ્રથમ વખત તેમણે પોતાની શોધ એવા ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કર્યો હતો. શોધક પોતાની શોધનો લાભ લે એ પહેલા તો વિશ્વભરની ટેલિવિઝન ચેનલોથી લઈને દુનિયાભરના રાજકારણીઓ છૂટથી તેનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. ડગલેને પગલે રાજકીય નેતાઓથી લઈને સિંગર માઇલી સાયરસ સુધી ઉપયોગી થઈ પડેલું ટેલિપ્રોમ્પ્ટર તેના ત્રણ શોધકોમાંથી એકને માત્ર એક વખત ખપમાં આવ્યું હતું!
Sunday 18 January 2015
Posted by Harsh Meswania
Tag :

ડૉ.વસંત ગોવારિકર : મૌસમને 'વસંત' આપનારા વિજ્ઞાની


ભારતના શરૃઆતી અવકાશ પ્રોગ્રામ્સમાં પાયાની ભૂમિકા ભજવનારા વિજ્ઞાની વસંત ગોવારિકર ભારતના મોર્ડન મોનસૂન મોડેલના જનક કહેવાય છે. વિદેશની લોભામણી તકો છોડીને વતનમાં વસંત ખીલાવવા પાછા આવી ગયેલા આ વિજ્ઞાનીએ સાયન્સ-ટેકનોલોજિ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ય નોંધપાત્ર કામગીરી કરી છે
૧૯૪૪નું એ વર્ષ હતું. અંગ્રેજો ભારત છોડીને જતાં રહે એ માટે આખો દેશ એકી અવાજે નારો લગાવતો હતો. ગાંધીજી ચરખાના દોરા વાટે આખા દેશને એકસૂત્રતાના તાંતણે બાંધી રહ્યા હતા ત્યારે એક ૧૧ વર્ષનો છોકરો મુગ્ધ આંખે દેશમાં ચાલી રહેલી આઝાદીની ચળવળના પ્રતીક સમાં ચરખાને તાકી રહ્યો હતો. આઝાદીની ચળવળમાં જોડાયેલાં નાના-મોટા તમામ લોકો યથાયોગ્ય સમય કાઢીને ચરખો કાંતતા હતાં એટલે કોઈ કિશોર આ રીતે ચરખો જૂએ તો સ્વાભાવિક છે કે એને ય એ કળા શીખવી હોય, પરંતુ અહીં આ કિશોરના મનમાં કંઈક બીજા જ વિચારો ચાલતા હતાં. એણે વિચાર્યું કે ચરખો જાતે ફરે એવી કશીક ગોઠવણ થાય તો ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે. ચરખો કાંતવાનું શીખવાની ઉંમરે એ કિશોર ચરખો બનાવતા શીખતો હતો એ જોઈને તેની ઉંમરના તરુણો મશ્કરી ય કરતા હતા. 'પહેલા ચરખો કાંતતા શીખી જા, પછી બનાવવાનું વિચારજે..' એવા વાક્યો તેના માટે લગભગ દરરોજના થઈ ગયાં હતાં. થોડા વખતની મહેનત પછી તેણે ગાંધીજી પાસે હતો એવો જ ચરખો બનાવી નાખ્યો, પણ ફરક એટલો હતો કે આપમેળે ફરે એવી તરકીબ તેણે અજમાવી હતી. એમાં રૃ કાંતતી વખતે દોરો પણ ખૂબ લાંબો નીકળતો હતો. લાકડાંની કશીક ગોઠવણથી તેણે એવું કશુંક કર્યું હતું કે એક વખત ચક્ર ફેરવી દીધા પછી ધીમે ધીમે ચરખો આપબળે ચાલતો રહેતો હતો.
એ ચરખો તેણે ગાંધીજીને બતાવવા માટે સાચવી રાખ્યો. દિલ લગાવીને કરેલું પોતાનું કામ ગાંધીજીને બતાવવાની હઠ પકડીને બેઠેલા કિશોરની ઇચ્છાશક્તિ પારખીને કોઈ વડીલે પૂણે ગાંધીજી આવ્યા ત્યારે મળવાનું પણ ગોઠવી આપ્યું.
મહાદેવભાઈ દેસાઈ એ કિશોરને ગાંધીજી પાસે લઈ ગયા. અબાલ-વૃદ્ધ સૌને સહજ રીતે મળતા ગાંધીજી પેલા કિશોરને મળ્યા ત્યારે કિશોરે ઘણા દિવસોની મહેનત પછી બનાવેલો પોતાનો અનોખો ચરખો બતાવ્યો. પહેલી નજરે ગાંધીજીને એ સાધારણ ચરખા જેવો જ લાગ્યો, પણ પછી જ્યારે એ છોકરાએ તળપદી મરાઠી ભાષામાં ગાંધીજીને સમજાવતા જઈને ચરખો કઈ રીતે કામ કરે છે એ બતાવ્યું ત્યારે ગાંધીજીએ પીઠ થાબડીને તેની પ્રશંસા કરી. મહાદેવભાઈને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું કે જો આવા આપબળે ચાલતાં ચરખા હોય તો કેટલાય કિશોર એમાંથી ખાદી વણી શકે. વળી, જે એક હાથે જ કામ કરી શકે તેમ છે એને ય આ બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
ગાંધીજીના આટલા શબ્દો પેલા કિશોરને પોરસ ચડાવવા માટે પૂરતાં હતાં. કેમ કે, એને કંઈ આખી જિંદગી ચરખો બનાવવામાં કાઢવાની નહોતી, સમયાંતરે ચરખાની જરૃરીયાત તો મર્યાદિત થવાની હતી. પણ યંત્રો સાથે રચનાત્મક રીતે કામ કરવાની કુશળતા ધરાવતો કિશોર કદાચ ગાંધીજીની પ્રશંસાથી પ્રોત્સાહિત થઈને જ આવી ટેકનિકલ પ્રવૃત્તિ તરફ વળ્યો અને પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત સાચી પાડતો હોય એમ પોતાના ટેકનિકલ નોલેજના કારણે જ વર્ષો પછી એ કિશોર ભારતને અવકાશ સુધી પહોંચાડવામાં ભાગીદાર થયો!
                                                                               * * *
૨ જાન્યુઆરીએ ૮૧ વર્ષના વિજ્ઞાની ડૉ. વસંત ગોવારિકરનું નિધન થયું. જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે? ભારત આવનારા અમેરિકન પ્રમુખ બરેક ઓબામા શું ખાશે અને ક્યાં જશે? પીકેના વિરોધમાં કોણે શું કહ્યું? આયોજન પંચનું નવું નામકરણ કેમ થયું? પોરબંદરના દરિયામાં જે ભેદી બોટને આગ લાગી એમાં આતંકવાદીઓ હતા કે બીજુ કોઈ...? વગેરે વગેરે ઘટનાઓમાં વસંત ગોવારિકરના નિધનની નોંધ ભાગ્યે જ લેવામાં આવી. ગોવારિકરને ભારતના મોર્ડન મોન્સૂન મોડેલના જનક કહેવાય છે. ગોવારિકરને મોટાભાગે એના માટે જ યાદ કરાય છે, પણ ખરેખર તો એ એની અધૂરી ઓળખ આપી કહેવાય. કેમ કે, તેમણે એ સિવાય એવા કેટલાય કાર્યો કર્યા છે; જેના માટે તેમને યાદ કરવા પડે.
૧૯૩૩માં પૂણેમાં જન્મેલા વસંત ગોવારિકરે કોલ્હાપુરમાં બીએસસીનો અભ્યાસ પૂરો કરીને પારિવારિક જરૃરીયાતના કારણે નોકરી કરવા માંડી, પણ હજુયે તેને આગળનો અભ્યાસ પૂરો કરવો હતો. આર્થિક જરૃરિયાતના કારણે નોકરી મૂકી શકાય તેમ ન હતી અને નોકરીના કારણે કોલેજમાં જઈને માસ્ટર્સ ડિગ્રી મેળવવાનું એ સમયે લગભગ અશક્ય જેવું હતું. તેમણે વચ્ચેનો માર્ગ કાઢીને પાર્ટ ટાઇમ નોકરી કરી અને બાકીના સમયમાં એમએસસી પૂરું કર્યું. એ અરસામાં જ બ્રિટન જઈને ભણવાની તક મળી ગઈ. ૫૦-૬૦ના દશકામાં તેમણે પ્રો. એફ.એચ. ગાર્નરના માર્ગદર્શનમાં માત્ર બે વર્ષમાં પીએચ.ડી કર્યું અને એણે જેના પર કામ કર્યું હતું એ તરલ પદાર્થ અને ઘન પદાર્થના વિશ્લેષણને બ્રિટનની ઘણી બધી યુનિવર્સિટીઝના સિલેબસમાં સ્થાન મળ્યું. એટલું જ નહીં, કેેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની ગણનાપાત્ર યુનિવર્સિટીઝ કે જ્યાં એમની વયના યુવાનો એડમિશન મેળવવાનું શમણું સેવતા; ત્યાં આ ૨૮ વર્ષના વિદ્વાન યુવાન પરીક્ષક બની ગયા.
વિદેશી ટેલેન્ટને મોકળા મને આવકારતા અમેરિકાએ ગોવારિકર માટે દ્વાર ખોલ્યાં. મિસાઇલ ક્ષેત્રના સંશોધન માટે ગોવારિકરને અમેરિકાનું ઈજન મળ્યું. ઓક્સફર્ડ-કેમ્બ્રિજમાં ભણતી ટેલેન્ટની પરીક્ષા લઈ શકે એવો ટેલેન્ટેડ યુવક હોય, બ્રિટનની કોલેજોમાં વિદ્યાર્થીઓ તેની થિયરીનો અભ્યાસ કરતા હોય, ૧૯૬૫ આસપાસનો સમય હોય, અવકાશ વિજ્ઞાનમાં અમેરિકાનું આધિપત્ય સિદ્ધ થવું થવું હોય ત્યારે; અમેરિકાનું આમંત્રણ ન સ્વીકારવાની હિંમત કોણ કરે?
પણ એ હિંમત વસંત ગોવારિકરે કરી. સામાન્ય રીતે આપણા ઘણા બધા વિજ્ઞાનિકો-સંશોધકોની બાબતમાં બન્યું છે એમ લગભગ આવી તક ભાગ્યે જ કોઈ જતી કરે. ભારત હજુ તો પ્રાથમિક સવલતોની બાબતમાં સંઘર્ષ કરતું હોય ત્યારે અવકાશ વિજ્ઞાનનું વિચારવાની ફુરસત કોને હોય? નવા નવા આઝાદ થયેલા દેશ સામે ગરીબી-બેકારી-ભૂખમરો જેવી વિકરાળ સમસ્યાઓ મોં ખોલીને ઉભી હોય ત્યારે વિજ્ઞાનના સંશોધન માટે સરકાર પૈસા આપશે એવી અપેક્ષા પણ વધારે પડતી હતી. એટલે ભારત જેવા દેશોના સંશોધકો માટે અમેરિકા-બ્રિટન વગેરે દેશોમાં કે જ્યાં ખરેખર તક હતી અને નામ-દામ બંને મળી શકે એમ હતા; ત્યાં રહીને કામ કરવું વધુ સગવડભર્યું હતું.
જોકે, ભારતમાં અવકાશ વિજ્ઞાનને ગંભીરતાથી લઈને સ્પેસ પ્રોગ્રામ ચલાવનારા વિક્રમ સારાભાઈ જેવા વિચક્ષણ વિજ્ઞાની પણ હતા અને એમના પ્રયાસોથી જ વસંત ગોવારિકર બધી વિદેશી તકો જતી કરીને ભારત પાછા ફર્યા. વૈચારિક રીતે સજ્જ થઈને આવેલા ગોવારિકરે વિક્રમભાઈ સાથે મળીને ભારતના અવકાશ કાર્યક્રમો માટે કામ શરૃ કર્યું. જે આગળ જતાં ગોવારિકરની જ હયાતીમાં મંગળ સુધી પહોંચવાનું હતું!
થુમ્બામાં ૧૯૬૫માં પહેલું સાયન્સ અને ટેકનોલોજિ સેન્ટર બન્યું ત્યારથી જ ગોવારિકર એ સેન્ટર સાથે જોડાયેલા હતા. મિસાઇલમાં વિશેષ કુશળતા ધરાવતા હોવાના કારણે ગોવારિકરની નિગરાની હેઠળ વિવિધ સેટેલાઇટ પ્રોગ્રામ્સ ચાલતાં હતાં. એમાંનો એક એટલે પ્રારંભિક અને સૌથી પાયાનો ગણાય એવો એસએલવી-૩ રોહિણી. ૧૯૮૩માં ભારતીય સેટેલાઇટ એસએલવી-૩ રોહિણીએ ઓરબિટ સુધીની સફર તય કરી ત્યારે થુમ્બાના ચીફ વસંત ગોવારિકર હતા. અવકાશમાં ભારતની હાજરી નોંધાવવાના આ મહત્ત્વપૂર્ણ કામના તેઓ સુકાની હતા એટલે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમના એ કામની સરાહના કરીને સન્માનિત કર્યા હતા. આજે આપણે અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સીની જેમ વટથી મંગળ સુધી પહોંચી ગયા છે એટલે કદાચ ઉપગ્રહ-પરિક્ષણના એ શરૃઆતી પ્રોગ્રામ્સ અંગે વિચારવાની જરૃરીયાત નહીં પડતી હોય, પરંતુ બૂલંદ ઈમારતના પાયાનું કામ હંમેશા વધારે અઘરું હોય એ રીતે જોઈએે તો ગોવારિકરના માર્ગદર્શનમાં થયેલું એ કામ પાયાનું હતું-ઐતિહાસિક હતું.
વચ્ચે થોડો વખત તેમણે દેશના સાયન્સ અને ટેકનોલોજિ વિભાગના સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવી જાણી. પી.વી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ગોવારિકરને વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમ્યા હતા. બે વર્ષ વડાપ્રધાનના સલાહકાર રહ્યા એ અરસામાં તેમણે વિજ્ઞાન વિભાગને પ્રમાણસરનું બજેટ ફાળવવાથી લઈને સાયન્સ-ટેકનોલોજિના સંશોધકો માટે અનુકુળ વાતાવરણ બનાવવાનું કામ કર્યું.
વિજ્ઞાનની પોતાની આટલા વર્ષોની યાત્રાને શબ્દસ્થ કરીને તેમણે 'વિજ્ઞાનયાત્રી' નામે આત્મકથા લખી. જેના માટે તેઓ વધુ જાણીતા છે એ મોનસૂન મોડેલ ઉપર 'આઈ પ્રિડિક્ટ' નામે પુસ્તક લખ્યું. મૂળે સંશોધનનો જીવ એટલે ફરીથી સંશોધન તરફ વળ્યા. ૮૦ વર્ષે ય તેઓ એન્સાઇક્લોપીડિયા ઓફ ફર્ટિલાઇઝર નામના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા; જેમાં તેમણે કેમિકલના ૪,૫૦૦ કરતાં વધારે બંધારણની વિગતે સમજ આપી છે. જે નિસંદેહ એ ક્ષેત્રના સંશોધકો માટે દિશાનિર્દેશ કરશે.
સાયન્સ ઉપરાંત શિક્ષણમાં પણ તેમણે એટલું જ કામ કર્યું છે. પૂણે યુનિવર્સિટીના કુલપતિ તરીકે અભ્યાસક્રમોને વધુ જીવંત બનાવવાનું કાર્ય તેમણે ઉપાડયું હતું. પાર્ટ ટાઇમ નોકરી કરીને પોતે ભણ્યા હતા. એ બાબતને બરાબર યાદ રાખીને તેમણે જરૃરતમંદ વિદ્યાર્થીઓ નોકરી કરતાં કરતાં ભણી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરી હતી.
ઓટોમેટિક ચરખો બનાવીને જે કિશોરે ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા એ જ કિશોરે પછી વિજ્ઞાની તરીકે સેટેલાઇટ દ્વારા ઓટોમેટિક ટેલિવિઝન પ્રસારણ કરાવ્યું હતું, ટેકનોલોજિની મદદથી દેશને વિભિન્ન રીતે ઓટોમેટિક ચાલતો જોયો હતો. ભારત મંગળ સુધી પહોંચ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'અમે એક એક ઉપગ્રહ છોડતી વખતે મંગળ સુધી પહોંચવાનું સ્વપ્ન સેવ્યું હતું. દેશના સંશોધકોની અથાક મહેનતના કારણે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ. હવે આ જ સંશોધકો ભારતનું સમાનવ અવકાશયાન પણ અવકાશ સુધી પહોંચાડશે એમાં બેમત નથી'.
ભારતના મધ્યમવર્ગીય પરિવારના કોઈ પણ ભણેલા-ગણેલા યુવાનને લોભાવી શકે એવી વિદેશી તકો જતી કરીને; સાયન્સના સંશોધનમાં પા-પા પગલી ભરતા પોતાના દેશ માટે પરત આવી ગયેલા વસંત ગોવારિકરે જો વિદેશમાં કામ કર્યું હોત તો ભારતે તેમનું આટલું જ સન્માન કર્યું હોત? કે ભારતીય મૂળના વિજ્ઞાની તરીકે આપણે તેમના પર ઓવારી ગયા હોત?
Sunday 11 January 2015
Posted by Harsh Meswania
Tag :

આંખ ગુમાવી, આવડત નહીં!



બ્રેઇલ લિપિથી વિશ્વભરના અંધજનોને રોશની પ્રદાન કરનારા લુઇસ બ્રેઇલના જન્મદિને (૪ જાન્યુઆરી, વિશ્વ અંધત્વ દિન) આ વિશેષ સન્માન તેમના માનમાં અપાય છે ત્યારે અહીં કેટલાક ઓછા જાણીતાં નેત્રહિનોની વાત કરીએ કે જેમણે પ્રજ્ઞાને ચક્ષુ બનાવીને અસંભવ જણાતું કામ કરી દેખાડયું!
આંખ ન હોવા છતાં પોતાના કામથી રોશની ફેલાવી ગયેલાં લોકોની વાત આવે એટલે સામાન્ય રીતે હેલન કેલર અને જેના નામ પરથી વિશ્વ અંધત્વ દિનની ઉજવણી થાય છે એ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનું સ્મરણ કરાય છે. બહુ બહુ તો હેલન કેલર પહેલાના હેલર કેલર તરીકે જાણીતાં અને અંધ-બધિર હોવા છતાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવનારી પ્રથમ મહિલા લૌરા બ્રિડમેનને યાદ કરી લેવાય છે, પણ એ સિવાયના કેટલાક એવા ઉદાહરણો પણ છે જે ઓછા જાણીતા છે, પરંતુ તેમના પ્રદાનને જરાય ઓછું આંકી શકાય તેમ નથી. આંખ હોવા છતાં અઘરું લાગે એ કામ આ નેત્રહિનોએ પોતાની આવડતના જોરે કરી બતાવ્યું. નેત્રહિનો માટે તો એ પ્રેરણારૃપ છે જ છે, પરંતુ દેખતા માટે જ આ પ્રજ્ઞાાચક્ષુઓએ દાખલો બેસાડયો છે.

હેરિટ ટયૂબમેન : ગુલામોને અંધકારમાંથી બહાર કાઢ્યા
૧૮૨૦માં જન્મેલી હેરિટ ટયૂબમેન બાળવયે જ ગુલામીમાં સપડાઈ ગઈ હતી. એમાંયે ટિનએજમાં પ્રવેશે એ પહેલા તો માથામાં થયેલા એક ગંભીર અકસ્માતમાં તેમણે આંખો પણ ગુમાવી દીધી હતી. જોકે, આંખ ગુમાવી છતાં દૃષ્ટિ નહોતી ગુમાવી એટલે ગુલામીની યાતનામાં સબડતી વખતે જ તેમણે બીજા ગુલામોને ખાસ તો અશ્વેત ગુલામોને આ પીડાદાયક જિંદગીમાંથી બહાર કાઢવાનો મનોમન નિર્ધાર કરી નાખ્યો હતો. તેમણે કેટલાય ગુલામોને ભાગવામાં મદદ કરીને સલામત જગ્યા સુધી પહોંચાડયા હતા. હેરિટે લગભગ ૫૦૦ જેટલાં ગુલામોને આઝાદીનો શ્વાસ લેવડાવ્યો હતો અને સાથે સાથે રહેવા-ખાવા-પીવા સહિતની બધી જ સવલતો આપબળે આપી હતી. જીવનના અંતિમ બે દાયકા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને કેળવણી માટે ફાળવ્યા હતાં. ૧૯૧૩માં જ્યારે વિશ્વમાંથી ગુલામી નાબૂદ થવાની અણી પર હતી ત્યારે ચહેરા ઉપર સંતોષની રેખા સાથે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

જેમ્સ હોલમેન : આંખ વગર પણ દુનિયા જોનારા સાહસિક!

બ્રેઇલ લિપિના શોધક લુઇસના જન્મના ૨૩ વર્ષ અગાઉ ૧૭૮૬માં જન્મેલા જેમ્સ હોલમેનને વિશ્વના પ્રથમ નેત્રહિન પ્રવાસીનું બિરુંદ આપવું પડે. જેમ્સ જન્મથી અંધ નહોતા. એક અકસ્માતના કારણે બીમારીમાં સપડાયા અને પછી હંમેશા માટે આંખની રોશની ગુમાવી દીધી. આંખનો ઉજાસ ગુમાવ્યા છતાં તેમણે જીવનમાં અંધકારને પ્રવેશવા ન દીધો. તેમણે જીવન પોતાની જીદથી યાદગાર બનાવ્યું. ભર યુવાનીમાં આંખ ખોયા પછી જો તેમણે ધાર્યુ હોત તો ઘરમાં બેસીને આરામથી નોકર-ચાકર વચ્ચે જિંદગી પસાર કરી શક્યા હોત એટલા સમૃદ્ધ પરિવારમાં તેમનો જન્મ થયો હતો, પરંતુ બેસીને બોરિંગ જીવન પસાર કરવા કરતા તેમણે જિંદગીને અજમાવી લેવાનું વધુ યોગ્ય માન્યું અને એના પરિણામે તેમણે ૧૮૧૯માં ગ્રાન્ડ ટૂર નામે પ્રવાસ આરંભ્યો. ફ્રાન્સ, ઈટાલી, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, બેલ્જિયમ સહિતના અનેક દેશોમાં રખડપટ્ટી કરીને તેમણે જીવનમાં યાદગાર અનુભવોનું ભાથું બાંધ્યુ અને પછી પોતાના પ્રવાસ વર્ણનો દુનિયા સમક્ષ રજૂ પણ કર્યાં. એ જ રીતે બીજો પ્રવાસ થયો. પ્રવાસો થતાં ગયા અને ભાથુ બંધાતું ગયુ. ૧૮૩૫માં તેમણે પોતાના દુનિયાભરના પ્રવાસને ચાર વોલ્યુમમાં પ્રગટ કર્યો અને એ સાથે એક નેત્રહિન દ્વારા દુનિયાને દુનિયાનો પરિચય મળ્યો. આજે પોણા બે શૈકા પછી પણ તેમને પ્રથમ નેત્રહિન ટ્રાવેલર તરીકે યાદ કરીને ઉદાહરણો આપવા પડે એવું કામ તેઓ આંખની રોશની ગુમાવી દીધા પછી કરી ગયા!

જ્હોન બ્રેમ્બલિટ : રંગવિહિન જીવન છતાં 'રંગ'રસિયો

૩૦ વર્ષના આ ચિત્રકારનો રંગ સાથે દરરોજનો પનારો પડયો છે. પણ આમ જૂઓ તો તેની આંખો માત્ર અંધકાર જ જોઈ શકે છે. દુનિયા આખી તેના ચિત્રો જોઈને દંગ રહી જાય છે, પણ આ કમનસીબ ચિત્રકાર પોતાના જ દોરેલા ચિત્રોને જોઈ શકતો નથી, છતાં તેને એનો કોઈ જ વસવસો નથી. કહે છે ને કે નેત્રહિનને મનની આંખો હોય છે એમ આ ચિત્રકાર મનની આંખોથી પોતાની કલ્પનાને રંગો આપે છે. ચિત્રોમાં રંગો પૂરવાની તેની કૂનેહ દાદ માંગી લે એવી છે. તે સફેદ અને કાળા રંગો હાથવગા રાખે છે. પોતાની કલ્પના પ્રમાણે ચિત્રમાં જે રંગ પૂરવો હોય એ મુજબ બંને રંગોનું મિક્ષણ કરીને તેમાંથી જાતે રંગ બનાવીને ચિત્રમાં પૂરી દે છે. બધુ જ કામ પીંછીથી અને સ્પર્શથી કરે છે. દેખતા માટે ય પેઇન્ટિંગ ખરેખર અઘરી કળા છે ત્યારે આ તો આંખ વગર સર્જાતી કળા છે, કેટલું અઘરું કામ હશે એ તો માત્ર કલ્પના જ થઈ શકે. આપણે જે વાત કલ્પી પણ નથી શકતા એને આ રંગરસિયો પોતાની કલ્પનાથી સાકાર પણ કરી બતાવે છે.

માર્ક એન્ટોની : મનની આંખોથી કાર ચલાવતો સારથી

૨૯ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે માર્ક એન્ટોનીએ જે પરાક્રમ બતાવ્યું એનાથી બધા દંગ રહી ગયા. તે રાતોરાત સમાચાર માધ્યમોમાં ચમકી ગયો. તેણે અંધ હોવા છતાં એક પણ ગફલત વગર ટેકનોલોજિની મદદ લઈને કાર ચલાવી જાણી. ડ્રાઇવિંગ વખતે તેનું પરફેક્શન એટલું બધું જોરદાર હતું કે પહેલી નજરે કોઈ માની ન શકે કે એક નેત્રહિન માણસ કાર ચલાવી રહ્યો છે. માર્કની આ કુશળતા સાબિત થઈ પછી અમેરિકાના નેશનલ બ્લાઇન્ડ ફેડરેશને તેની સાથે મળીને સલામત ડ્રાઇવિંગનો કાર્યક્રમ હાથ ધર્યો જેને અમેરિકામાં વ્યાપક સફળતા મળી. સગી આંખોએ જોવા છતાં ડ્રાઇવિંગના નિયમોને નેવે મૂકી દેનારા લોકોને જ્યારે એક નેત્રહિન કુશળ સારથી સલામત ડ્રાઇવિંગના સૂચનો આપે ત્યારે રસપૂર્વક સાંભળવામાં રસ પડે એ સ્વાભાવિક છે!

ડેરેક રેબેલો : ભગવાન ભરોસે સાગર સામે ઝઝુમતો સાહસી

ડેરેલ રેબેલોને જન્મજાત જ ખામીયુક્ત દૃષ્ટિ મળી હતી. ઉંમર વધતી ગઈ એમ એમ આંખની રોશની ઓછી થતી ગઈ. જોકે, તેની અંદરનો સાહસવીર સતત કશુંક કરી છૂટવા આળસ મરડીને તેને જગાડતો હતો. ૩ વર્ષનો હતો ત્યારે જ તેણે સાગર ઉપર ચાલવાનું શમણું આંખમાં આંજી લીધું હતું એટલે પોતાનું તૂટી રહેલું સ્વપ્ન એને કોઈ કાળે મંજૂર ન હતું. બબ્બે આંખોએ પણ જે કામ કપરું છે એ કામ આંખોમાં અંધકાર ઓઢીને કરવાનું હતું એટલે વિશેષ કુશળતા જરૃરી હતી. અથાક પ્રયાસો પછી આખરે તેણે એમાં મહારથ મેળવી લીધી. તેને એક વખત પૂછવામાં આવ્યું હતું કે ધસમસતા દરિયાના મોજા સામે કઈ રીતે કામ પાર પાડે છે? જવાબમાં આ ૨૦ વર્ષનો છોકરો કહે છે : 'બધા કરે છે એ જ મેથડથી હું પણ આ કામ કરું છું, પરંતુ ફરક એટલો છે કે મારી રીત થોડી અલગ છે. આંખોના ઊંડાણમાં પણ બીજી આંખો હોય છે અને એટલે જ હું આ મુશ્કેલ લાગતું કામ આસાનીથી કરી શકુ છું.' ડેરેકને ભગવાન ઉપર અસીમ શ્રદ્ધા છે અને એ બહુ દ્રઢતાપૂર્વક માને છે કે તેની એક ઈન્દ્રિય ભગવાને ભલે પાછી લઈ લીધી પણ એના બદલામાં થોકબંધ હિંમતનું ભાથું બાંધી આપ્યું છે.

પેટ એકર્ટ : કેમેરાને આંખ બનાવી નાખનારા તસવીરકાર

પેટ એકર્ટ મૂળે ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર હતા. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. અકસ્માતે આંખ ગુમાવી દીધા પછી તેમણે કેમેરાની આંખને પોતાની આંખ બનાવી દીધી. આંખ હોવા છતાં કેમેરાની આંખ પાસેથી કામ લેવું એના માટે કુશળતા હોવી ઘટે. જ્યારે પેટ એકર્ટેને તો આંખ સિવાય જ કેમેરા પાસેથી કામ કઢાવવાનું હતું. એમણે આ કામ માટે તત્પરતા બતાવી અને ધીરે ધીરે સફળતા પણ મળી. સ્માર્ટફોનના યુગમાં વાતે વાતે કેમેરાની ક્લિક કરવી સાવ સહજ બાબત છે ત્યારે એકર્ટ એક એક તસવીર માટે પૂરતું હોમવર્ક કરે છે. અવાજ અને સ્પર્શની મદદથી તે જગ્યા કે વ્યક્તિનું અંતર જૂએ છે અને એના આધારે પોતાનો કેમેરા ગોઠવે છે. જરૃર જણાય તો લાઇટ્સની વ્યવસ્થા પણ જાતે કરે છે. બરાબર ગોઠવણ થઈ રહે પછી જ એ ક્લિક કરે છે. તેમણે તેની ફોટોગ્રાફી માટે એક વખત કહ્યું હતું  : 'હું નેત્રહિન થયો ત્યાં સુધી ફોટોગ્રાફીને ગંભીરતાથી લેતો ન હતો, પરંતુ આંખ ગુમાવ્યા પછી મને કેમેરાની આંખનું મૂલ્ય વધુ સમજાયું છે અને હવે હું ફોટોગ્રાફીના પ્રેમમાં પડી ગયો છું. મારી તસવીરના કોઈ વખાણ કરે ત્યારે મને એમ થાય છે કે જાણે એ તસવીર હું મારી આંખોથી જોઈ રહ્યો છું'

માર્લા રેન્યન : ઓલિમ્પિક્સની પ્રથમ મહિલા નેત્રહિન એથ્લેટ

વિશ્વ અંધત્વ દિન સાથે જન્મદિવસનો યોગાનુયોગ ધરાવતી અમેરિકન મહિલા એથ્લેટ માર્લા રેન્યન જગતની પ્રથમ નેત્રહિન એથ્લેટ છે જેણે ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય. તેમણે મહિલાઓની પાંચ હજાર મીટર દોડ સ્પર્ધામાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. લોંગ જમ્પથી લઈને ૧૦૦ મીટર, ૨૦૦ મીટર સુધીની સ્પર્ધાઓમાં તેના ગોલ્ડ મેડલ બોલે છે. ૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી ઓલિમ્પિક ગેઇમ્સમાં ૧૫૦૦ મીટરમાં ભાગીદાર બનીને તેણે વિશ્વ સમક્ષ પોતાની નોંધ લેવડાવી. રેન્યનને માત્ર એથ્લેટ કહેવી એ તેની અધૂરી ઓળખ થઈ કહેવાય. કેમ કે, માસ્ટર્સ ડિગ્રી મેળવીને તેણે એકેડમિક કાબેલિયત પણ પૂરવાર કરી છે અને સાથે સાથે તે પબ્લિક સ્પીકર પણ છે. માત્ર નેત્રહિન લોકો માટે જ પ્રવચનો કરે છે એવું નથી. એ સિવાયના લોકો પણ તેના વકતવ્યથી પ્રભાવિત થયા વિના રહેતા નથી. આ ઉપરાંત લેખન દ્વારા તે પોતાની સફળતા શેર કરતી રહે છે. એટલે એથ્લેટ ઉપરાંત લેખિકા, પબ્લિક સ્પીકર જેવી કેટલીય ઓળખ તેના નામની આગળ જોડાયેલી છે.
Sunday 4 January 2015
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -