Posted by : Harsh Meswania Sunday 18 January 2015



વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રાન્સપરન્ટ ટેલિપ્રોમ્પ્ટરની મદદથી છટાદાર અંગ્રેજીમાં ભાષણ આપીને મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. આ ઉપકરણ ખરેખર તો નાટકોના અભિનેતાઓ લાંબાં સંવાદો ભૂલ વગર બોલી શકે એ માટે ડિઝાઇન થયું હતું

અમેરિકન ટેલિવિઝન-સ્ટેજ એક્ટર ફ્રેડ બાર્ટનને વિચાર આવ્યો કે જો ડાયલોગ્સ ગોખવાને બદલે સામે ટેલિવિઝનની સ્ક્રીન જેવી કોઈ વ્યવસ્થા હોય અને એમાં ડાયલોગ્સ લખાયેલાં હોય તો એક્ટરનું કામ કેટલું સરળ થઈ જાય? એણે પોતાની લાગણી ઈલેક્ટ્રિકલ ઈજનેર મિત્ર હ્યુબર્ટ સ્ક્લાફ્લાય સામે વ્યક્ત કરી અને એવું કશુંક સાધન બનાવી દેવા કહ્યું. હ્યુબર્ટે એમાં જરૃરી સાધનો માટેનું બજેટ માગ્યું. બજેટ આપવાની તૈયારી એ બંનેના બિઝનેસમેન મિત્ર ઈરવિન બર્લિને બતાવી અને કામ શરૃ થયું.
વર્ષ-બે વર્ષની મહેનત પછી અંતે હ્યુબર્ટે એક ડિઝાઇન તૈયાર કરી નાખી. જેમાં ટેલિવિઝન જેવી દેખાતી સ્ક્રીનમાં જરૃરી લખાણ ફરતું રહે અને જેને વાંચવાનું છે એ સામે જોઈને સરળતાથી વાંચી શકે એવી ટેકનિક વિકસાવાઈ હતી. બિઝનેસમેન મિત્ર ઈરવિનને એ ડિવાઇઝમાં ભરપૂર શક્યતાઓ દેખાતી હતી એટલે તેણે એની પેટર્ન રજિસ્ટર કરાવી નાખવાની ભલામણ કરી, સાથે સાથે એમાં કોઈ મોટા રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્કને જોડવાનો પ્લાન પણ બનાવ્યો. કારણ કે, એ દિવસોમાં ન્યૂઝ રીડરને ટેબલ પર જોઈને વાંચવું પડતું હતું અથવા તો સમાચાર ગોખવા પડતા હતાં, જેમાં ભૂલો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હતી.
ટેલિવિઝનમાં ટૂંકાગાળામાં વધુ કામ કરવાનું હોય એટલે મીડિયા પર્સન્સ માટે બધુ યાદ રાખવું મુશ્કેલ હોય. એ સ્થિતિમાં નવા વિકસતા જતાં ટેલિવિઝન ન્યૂઝના ફિલ્ડમાં કમાણી કરવાના હેતુથી ટેલિપ્રોમ્પ્ટરના બિઝનેસમાં વિશાળ તકો છે એમ ઇરવિનનું માનવું હતું. અમેરિકાનું કોઈ મોટું નેટવર્ક એ ડિવાઇઝમાં રોકાણ કરે તો કંઈક વાત બને એમ હતી.
ડિઝાઇન લઈને ત્રણેય મિત્રોએ અમેરિકાના બે વિશાળ રેડિયો-ટેલિવિઝન બ્રોડકાસ્ટ નેટવર્ક- સીબીએસ કોર્પોરેશન અને ટેલિવિઝન તેમ જ ફિલ્મમાં મોટું નામ ગણાવા લાગેલા ફોક્સ સ્ટૂડિયોનો સંપર્ક કર્યો. બેમાંથી એકેયને એમાં રોકાણ કરવાનું યોગ્ય ન લાગ્યું. નિરાશ થવાના બદલે અંતે ત્રણેયે હિંમત કરીને કંપની બનાવવાનું નક્કી કર્યું. કંપનીનું નામ રાખ્યું- ટેલિપ્રોમ્પ્ટર. જે પછીથી કંપનીનું જ નહીં, પણ એ સાધનનું જ બ્રાન્ડનેઇમ બની ગયું.
ટેલિપ્રોમ્પ્ટર નામ રાખવા પાછળનો તર્ક કંઈક આવો હતો- ટેલિવિઝનની સ્ક્રીન જેવો દેખાવ હોવાના કારણે આગળનું નામ તો સ્વાભાવિક રીતે જ ટેલિ રાખ્યું, પરંતુ પાછળ ઉમેરાયેલા પ્રોમ્પ્ટરનો અર્થ - 'નાટક દરમિયાન સંવાદો યાદ કરાવનાર સહાયક' એવો થતો હતો. એ રીતે સંવાદો યાદ કરાવનારા સહાયક તરીકે 'ટેલિપ્રોમ્પ્ટર'ને અમેરિકન બજારમાં પ્રવેશ કરાવાયો ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે સંવાદો યાદ કરાવવાના હેતુ સાથે ઉપલબ્ધ થયેલું આ સાધન વિશ્વભરના નેતાઓના લાંબાં ભાષણો પણ ગોખી મારશે! પછીથી એ કંપનીએ વિશાળ ટેલિવિઝન નેટવર્ક બનીને ત્રણેય શોધક-સાહસિકોને અઢળક નાણાં ય રળી આપ્યાં.
                                                                              * * *
ટેલિપ્રોમ્પ્ટરનો સૌપ્રથમ ઉપયોગ ધ 'ફર્સ્ટ હન્ડ્રેડ યર્સ' નામના નાટકમાં થયો હતો. ન્યૂઝમાં પહેલી વખત ઉપયોગ ૧૯૫૩માં લુસી બેલ અને ડેસી અર્નાસ નામના પ્રોગ્રામ સંચાલકોએ કર્યો હતો. સીબીએસ કોર્પોરેશનના પ્રોડયુસર ડોન હેવિટને જ્યારે પેલા ત્રણ સંશોધકોએ એ ડિવાઇઝના ઉપયોગની વાત કરી ત્યારે તેણે પોતાના વિખ્યાત એન્કર ડગ્લાસ એડવર્ડ સાથે ઓળખાણ કરાવીને કહ્યું હતું કે અમારો એન્કર બ્રેઇલ લિપિ જાણે છે, એટલે એને કેમેરા સામે નજર રાખતી વખતે ટેબલ પર નીચે જોવાની જરૃર નથી. એટલે જ અમારે તમારા ડિવાઇઝની પણ જરૃર નહીં પડે. જોકે, ડોન હેવિટે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર એક જ દશકામાં જગતભરની સમાચાર ચેનલ્સની ટેલિપ્રોમ્પ્ટર વગર કલ્પના પણ નહીં થાય! આજેય વિશ્વની એકેય ન્યૂઝ ચેનલ ટેલિપ્રોમ્પ્ટર વગર શક્ય જ નથી! હવે સમાચાર ચેનલ શરૃ કરતી વખતે પાયાના સાધન તરીકે ટેલિપ્રોમ્પ્ટરની ગણના કરવી અનિવાર્ય છે.
ન્યૂઝ માટેના ટેલિપ્રોમ્પ્ટરની ડિઝાઇન બનાવવાનો યશ જેસ ઓપનહેમરને મળે છે. તેણે ટેલિપ્રોમ્પ્ટરની સાથે જ કેમેરા લેન્સ ગોઠવી દીધો હતો એટલે ન્યૂઝ રીડર માટે તેનો ઉપયોગ બહુ જ સરળ બની જાય છે. એનાથી કેમેરા સામે જોઈને ન્યૂઝ રીડ થઈ રહ્યાંનો આબાદ આભાસ ઉભો થાય છે.
જોકે, એ સમયે ટેલિપ્રોમ્પ્ટર ખરીદવાનો ઉમળકો ભાગ્યે જ કોઈ દાખવતા હતા. નાટક સાથે જોડાયેલાં હોય અથવા તો ટેલિપ્રોમ્પ્ટરને ભાડે આપવાનો નવો બિઝનેસ કરતાં હોય એ જ ખરીદવાનો ઉત્સાહ બતાવતા! ૫૦'ના દશકામાં એનું એક કલાકનું ભાડું ૧૫૦૦ રૃપિયા કરતા પણ વધારે હતું. કોર્પોરેટ કંપનીના કાર્યક્રમોમાં કે રાજકીય સંમેલનોમાં ટેલિપ્રોમ્પ્ટર ભાડે લેવામાં આવતું હતું. આવા જ એક કાર્યક્રમ દરમિયાન ટેલિપ્રોમ્પ્ટરની લોકપ્રિયતા સિદ્ધ કરે એવો રસપ્રદ કિસ્સો બન્યો હતો.
૧૯૨૯-૩૩ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહેલા અને ૮૦ વર્ષની વયે પહોંચેલા હર્બર્ટ હૂવરે ૧૯૫૨માં શિકાગોમાં યોજાયેલા રિપબ્લિક પાર્ટીના એક સંમેલનને સંબોધવા માટે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી. ટેકનિકલ ખામીના કારણે અચાનક જ ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ ગયું. હૂવરે સ્હેજપણ અકળાયા વગર ટેલિપ્રોમ્પ્ટર ફરીથી ચાલું કરવાની પોતાના સહાયકોને સૂચના આપી અને એટલી વાર સુધી શાંતિથી રાહ જોઈ. એ ઘટનાએ ટેલિવિઝન અને અખબારોમાં સ્થાન મેળવ્યું. જેના કારણે અખબારો-સામયિકો-ન્યૂઝ ચેનલ્સમાં ટેલિપ્રોમ્પ્ટર કઈ રીતે કામ કરે છે એની સમજૂતિઓ પણ આપવામાં આવી; લોકોને આ નવા ડિવાઇઝનો પરિચય મળ્યો. એ ઘટનાએ એકાએક ટેલિપ્રોમ્પ્ટરની માર્કેટ વેલ્યુ વધારી દીધી. વળી, એ જ સમયગાળામાં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહેલા રિપબ્લિક નેતા અને પછીથી અમેરિકાના ૩૪મા પ્રમુખ બનેલા ડ્વાઇટ એસનહૂવરે પણ પોતાના પ્રચાર ઝુંબેશમાં વ્યાપકપણે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી.
ડ્વાઇટ પ્રથમ અમેરિકન પ્રમુખ હતા; જેમણે પોતાના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી-ખાનગી કાર્યક્રમોમાં ટેલિપ્રોમ્પ્ટરની મહત્તમ મદદ લીધી હતી. એ સિલસિલો છેક બરેક ઓબામા સુધી લંબાયો છે. ડ્વાઇનના અનુગામી જ્હોન એફ કેનેડી મહત્ત્વની સરકારી જાહેરાત વખતે આ ઉપકરણનો ઉપયોગ કરતા હતા. એમના અનુગામી પ્રેસિડેન્ટ એલ.બી. જ્હોનસને સિવિલ રાઇટ્સ એક્ટ ૧૯૬૪ની જાહેરાત કરતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લીધી હતી. રોનાલ્ડ રેગન એક સાથે બબ્બે સ્ક્રીન રાખતા હતા. એ ઉપરાંત કાગળ ઉપર મહત્ત્વની નોંધ ટપકાવીને પણ સાથે રાખવાનું ચૂકતા નહોતા! બુશ પિતા-પુત્રમાં સિનિયર જ્યોર્જ બુશને ટેલિપ્રોમ્પ્ટર વધુ સગવડતાભર્યું લાગતું હતું. એમની તુલનાએ ઓબામાના પુરોગામી જ્યોર્જ બુશ બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળતા હતા; તેઓ ટેલિપ્રોમ્પટરની મદદ માત્ર મુદ્દા જોવા માટે જ કરતા હતા. અમેરિકાના મોટા ભાગના નેતાઓ પોતાના ભાષણમાં છબરડાં ખાળવા માટે ટેલિપ્રોમ્પ્ટરને સાથે રાખે છે. વર્તમાન પ્રમુખ ઓબામા તો આ સાધનના કારણે એટલા બધા ટીકાપાત્ર બન્યા છે કે હવે તો જોક ફરતા થયા છે કે ઓબામા પત્ની મિશેલ સાથે વાત કરતી વખતે ય ટેલિપ્રોમ્પ્ટર રાખે છે!
ઓબામાના પગલે ચાલીને નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન બન્યા પછી; ખાસ તો ઈંગ્લીશમાં ભાષણ આપતી વખતે ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવા માંડી છે. પીએસએલવીના લોચિંગ વખતે જુલાઈમાં મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત
ટેલિપ્રોમ્પ્ટરની મદદથી અંગ્રેજીમાં વકતવ્ય આપ્યું હતું. એ પછી ફરીથી સપ્ટેમ્બર માસમાં મંગળયાનની સફળતા વખતે ઈસરોમાં પ્રવચન કર્યું ત્યારે ટેલિપ્રોમ્પ્ટરનો સાથ મેળવ્યો હતો. અમેરિકાની મુલાકાત વખતે હિન્દી-અંગ્રેજી બંને ભાષામાં જે પાંચ-સાત વકતવ્યો આપવાના થયા એમાં તેમણે એકાદ-બે વખત આ ટેકનોલોજિની મદદ લીધી હતી. મોદી સામાન્ય રીતે બે સ્ક્રીનની મદદ લેતા હોય છે અને એની ગોઠવણ એવી રીતે કરાવે છે કે ટેલિવિઝનના દર્શકો એ સ્ક્રીન જોઈ શકતાં નથી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેમને છટાદાર રીતે અંગ્રેજી બોલતા જોઈને કોણે વિચાર્યુ હોય કે એ કમાલ તો ટેલિપ્રોમ્પ્ટરનો છે?
છબરડાં ખાળવા માટે ઉપયોગ થાય તો ટીકા ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ વટ પાડવા માટે ટેલિપ્રોમ્પ્ટર ઉપયોગમાં લેવાય અને વળી એ વાત ગોપનીય રહે એ માટે સભાન રીતે પ્રયાસ થાય તો ટીકાપાત્ર ન બને તો જ નવાઈ! આ બાબતે પણ ઓબામાના પગલે ચાલવા જેવું ખરું, વધી વધીને ઓબામાની જેમ કાર્ટૂન ફરતા થશે તો એ પણ દેશવાસીઓના મનોરંજન માટે જ હશેને!

ટેલિપ્રોમ્પ્ટરના શોધકે છેક  ૬૦ વર્ષે તેનો ઉપયોગ કર્યો!
ટેલિપ્રોમ્પ્ટરની શોધ સાથે ત્રણ સંશોધકો જોડાયેલા છે. એમાંથી ફ્રેડ બાર્ટર એક્ટર હતા. તેમને એની જરૃર ક્યારેય પડી નહોતી. ઈરવિન બર્લિન મીડિયા સાથે જોડાયેલા હતા અને કેબલ ટેલિવિઝનના સ્થાપક હતા, તેને ય પોતાના માટે ક્યારેય ટેલિપ્રોમ્પ્ટના ઉપયોગની જરૃર જણાઈ નહોતી. 
ત્રીજા અને સૌથી મહત્ત્વના ભાગીદાર એવા હ્યુબર્ટ સ્ક્લાફ્લાયને છેક ૨૦૦૮માં ટેલિપ્રોમ્પ્ટરની મદદ લેવી પડી હતી. જ્યારે તેમનો વિસમી સદીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું એ પ્રસંગે બોલવાનું થયું ત્યારે છેક ૨૦૦૮માં પ્રથમ વખત તેમણે પોતાની શોધ એવા ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કર્યો હતો. શોધક પોતાની શોધનો લાભ લે એ પહેલા તો વિશ્વભરની ટેલિવિઝન ચેનલોથી લઈને દુનિયાભરના રાજકારણીઓ છૂટથી તેનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. ડગલેને પગલે રાજકીય નેતાઓથી લઈને સિંગર માઇલી સાયરસ સુધી ઉપયોગી થઈ પડેલું ટેલિપ્રોમ્પ્ટર તેના ત્રણ શોધકોમાંથી એકને માત્ર એક વખત ખપમાં આવ્યું હતું!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -