Archive for July 2014

પિઝાઃ મજૂરો માટે બનેલી વાનગીનું વૈશ્વિક સામ્રાજ્ય!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
 
'પિઝા' નામની એક થ્રિલર ફિલ્મ હમણાં રીલિઝ થઈ છે. જેમાં એક પિઝા હોમ ડિલિવરી બોયના જીવનમાં અચાનક બની જતી ઘટનાની વાત છે. ખેર! એ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર લાંબું ખેંચે એવી શક્યતા નથી જણાતી, પરંતુ એ બહાને પિઝા અને તેના વૈશ્વિક ફૂડ જેવા માનભર્યા અલિખિત હોદ્દા વિશે કેટલુંક જાણ્યુ-અજાણ્યું...

પિઝાને આંતરરાષ્ટ્રીય ખાણું ગણાવીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય! વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે જ્યાં લોકોએ પિઝા વિશે સાંભળ્યુ નહીં હોય. આજે પિઝા દુનિયાભરના લોકોને એક પંગતમાં બેસાડીને જમાડી શકાય એવી સર્વસ્વીકૃત વાનગી છે. પિઝા પર હવે કોઈનો યે એકાધિકાર ચાલે તેમ નથી. અમીર-ગરીબ, ઉચ્ચ-નીચ, અબાલ-વૃદ્ધ, એજ્યુકેટેડ-અભણ બધાની મનગમતી વાનગીમાં પિઝાએ વટ કે સાથ પોતાનું સ્થાન જમાવ્યું  છે. પરંતુ એક સમયે પિઝા માત્ર ગરીબો-મજૂરો અને ખલાસીઓને પરવડે એવી સસ્તી વાનગી લેખાતી હતી. ગલીના નાકે વેંચાતી એવી વાનગી જેનો સદીઓ સુધી કિચનમાં પ્રવેશ નિષેધ હતો. માનભર્યો હોદ્દો ધરાવતા સરકારી અમલદારો, કરડા લશ્કરી અધિકારીઓ અને પાંચમાં પૂછાતા ઉદ્યોગપતિઓ પિઝા જેવી વાનગીને ધૂત્કારતા હતા. 'આ તો મજૂરો માટે છે, આપણે આવું ખવાતું હશે!' એવા વાક્યો ગલીના છેડે પિઝા બનતા જોઈને બોલાતા હોવાની કોઈ જ નવાઈ નહોતી! પિઝાને લોકપ્રિયતાની પ્રથમ બાઇટ ખવડાવવાનો યશ ઈટાલીના નેપલસના મહારાણીને આપવો રહ્યો. એ મહારાણીના કારણે પિઝાની વિવિધ ફ્લેવરની સોડમ દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી છે.
 ૧૮મી સદીના અંત ભાગમાં ઈટાલીના નેપલસમાં મજૂરો-ખલાસીઓમાં લોકપ્રિય બનેલી વાનગી પિઝાના છૂટાછવાયા દુકાનદારોએ એકઠાં થઈને રાજ્યના મહારાણી મારિયા કેરોલિનાના જન્મદિવસે પોતાની ખાસ વાનગી તેેમને ભેંટ આપવાનું નક્કી કર્યું. બધાએ ભેગા મળીને કાળજીપૂર્વક ત્રણ પિઝા બનાવીને મહારાણીને આપ્યા. મહારાણીએ આ નાના દૂકાનદારોની લાગણીનું સન્માન કરીને પિઝા ટેસ્ટ કર્યા. સાથે સાથે રાજાને પણ આગ્રહ કરીને ચખાડયા.
મારિયા કેરોલિનાને પિઝાનો સ્વાદ તાળવે ચોંટી ગયો. પિઝા પ્રેમના કારણે તેમણે તેમના મહેલમાં પિઝા બનાવવા માટે એક કૂક અને એક ખાસ પ્રકારની ભઠ્ઠી બનાવી હતી. મહારાણી અને રાજા પણ આ ગલીના નાકે વેંચાતી વાનગી આરોગે એવી ખબર પડે પછી તો કોણ એનો સ્વાદ ન ચાખે! એમ કરતા કરતા ધીમે ધીમે નેપલસ પૂરતું પિઝાનું વળગણ વધુ મજબૂત બન્યું.
૧૮૩૦માં નેપલસમાં સૌપ્રથમ પિઝેરિયા (પિઝાની રેસ્ટોરન્ટને આ નામે ઓળખવામાં આવતી હતી) બની ગઈ. શેરી-ગલીના નાકે બનતા પિઝા હવે રેસ્ટોરન્ટમાં પણ બનવા લાગ્યા હતા. ધીરે ધીરે માત્ર નેપલસમાં જ નહી, પરંતુ આખા ઈટાલીમાં પિઝેરિયા ખૂલવા લાગ્યા હતા. પિઝાની ઉપર પાથરવામાં આવતા વેજિટેબલ્સ જેને ટોપિગ્સ કહેવાય છે એમાં પણ વૈવિધ્ય આવવા લાગ્યુ હતું. નવા નવા વેજિટેબલ્સ અને ગાર્લિક, ઓનિયન સહિતના ફ્લેવર્સના કારણે પિઝાનો ચાહક વર્ગ ખૂબ ઝડપથી વધવા લાગ્યો હતો.
યુરોપિયન પ્રજા અમેરિકન પ્રજા સાથે સંપર્કમાં આવી પછીથી ટમેટા અને ઓઇલનો ઉપયોગ પિઝામાં થવા માંડયો. કારણ કે, ટમેટાને યુરોપિયન પ્રજા ઝેરી ફૂડ માનતી હતી. અમેરિકનો પિઝામાં ટમેટાનો ઉપયોગ કરવા લાગ્યા અને તેના કારણે પિઝાના સ્વાદમાં પણ નાવિન્ય આવ્યું હતું. ૧૯મી સદી પૂરી થવા હતી ત્યાં સુધીમાં આજના લહેજતદાર પિઝાના મૂળિયા બરાબર ઊંડા થઈ ગયા હતા. એમાં વધુ એક મજેદાર બાબત બની.
૧૮૮૯માં ઈટાલીના એક પિઝા મેકર રફેલો એસ્પોસિટોએ ઈટાલીના મહારાણી માર્ગેરિટાના સન્માનમાં એક પિઝા બનાવ્યો. જેને એ પિઝા મેકરે 'માર્ગેરિટા' નામ આપ્યું. પિઝાને મહારાણીનું નામ આપવાની સાથે ઈટાલિયન ફ્લેગના રંગથી સજાવવામાં આવ્યો હતો. એ નામ સમયાંતરે વિશ્વભરમાં ચલણી બન્યું.
૧૯મા સૈકાના ઉતરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધ સુધીમાં યુરોપ આખામાં પિઝા પ્રચલિત બની ગયા હતા. એ જ સમયગાળામાં ઈટાલીયન પિઝાએ અમેરિકામાં હળવેકથી પ્રવેશ કરી લીધો હતો. અમેરિકામાં પિઝા શિકાગોના રસ્તે પ્રવેશ્યા હતા. એટલે કે શિકાગોમાં પિઝા નાસ્તારૃપે વેંચાતા હતા. ખાસ તો સ્લાઇસને અલગ પ્રકારના ડબ્બામાં બંધ કરીને ઘણા ફેરિયાઓ વેંચવા નીકળતા હતા. નેપલસની જેમ અમેરિકામાં પણ પિઝાની શરૃઆત કારખાનેદારો અને દુકાનદારોથી થઈ. જોકે, અમેરિકનોએ પોતાને ગમતા સ્વાદ પ્રમાણે તેમાં થોડા ફેરફાર કર્યા. અમેરિકન ફૂડમાં વપરાતા મસાલાઓના કારણે પિઝા વધુ સ્વાદિષ્ટ બન્યાં હતા. એ અરસામાં જ ઘણા બધા ઈટાલિયન્સ અમેરિકામાં આવીને સ્થાઈ થઈ રહ્યાં હતાં. એવો જ એક અમેરિકામાં સ્થાઈ થયેલો ઈટાલિયન યુવાન હતો ગેન્નારો લોમ્બાર્ડી. 
ગેન્નારો લોમ્બાર્ડી ૧૮૯૭માં અમેરિકામાં સ્થાઈ થયો હતો. અમેરિકામાં આવીને તેણે ઘરવખરીની ચીજવસ્તુઓનો નાનકડો સ્ટોર ખોલ્યો. એ સ્ટોર ખાસ ચાલ્યો નહી એટલે તેને ઈટાલીમાં લોકપ્રિય થયેલી વાનગી પિઝાની રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર આવ્યો. લોમ્બાર્ડીએ ન્યુયોર્કમાં પિઝેરિયા ઓપન કરવા માટે લાઈસન્સ મેળવ્યું. જે અમેરિકન ફૂડ ઈતિહાસનું પ્રથમ પિઝા રેસ્ટોરન્ટનું લાઈસન્સ બની રહ્યું. એ વર્ષ હતું ૧૯૦૫નું. ત્યારે હજુ અમેરિકાના શિકાગોમાં છૂટાછવાયા પિઝા વેંચાવાની શરૃઆત થઈ હતી. ગેન્નારો લોમ્બાર્ડીએ 'લોમ્બાર્ડીસ પિઝા' એવું નામ રાખ્યું જે ઐતિહાસિક બની રહ્યું.
લોમ્બાર્ડીની એ નાનકડી રેસ્ટોરન્ટે વિશ્વભરમાં પિઝાના ફેલાવા માટે પાયાના પથ્થરનું કામ કર્યું. જેના ઉપર સવાર થઈને પછીથી અમેરિકામાં જ નહી, પણ જગત આખામાં પિઝાની બહુ મોટી ઈમારતે આકાર લીધો.
એ સમયગાળામાં પિઝાએ અમેરિકાના ફૂડ બજારમાં રીતસર કબ્જો જમાવી દીધો. લોમ્બાર્ડી શરૃ થયુ એના પગલે પગલે ૧૯૧૦ સુધીમાં તો બીજી સંખ્યાબંધ પિઝાની રેસ્ટોરન્ટ ખૂલી ચૂકી હતી. વિખ્યાત અમેરિકન કૂક એન્થનીએ 'ટોટોન્ટોસ પિઝેરિયા' શરૃ કર્યું. તો ઝોય ટોમેટો પિઝેરિયા, પાપાસ ટોમેટો પિઝેરિયા વગેરેના કારણે પિઝા તરફ લોકોનો પ્રેમ વધતો ગયો.
અત્યારે પિઝા હટ, ડોમિનોઝ અને પાપા જોન્સના પિઝાનું વેંચાણ વિશ્વમાં કુલ પિઝાના વેંચાણમાં ૩૦ જેટલું છે. વિશ્વભરમાં પિઝાની અઢળક લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે. જોકે, આ ત્રણેય બ્રાન્ડ વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠા ધરાવે છે. પિઝા હટનો ફેલાવો ૯૪ દેશોમાં છે. બધામાં મળીને તેની કુલ ૧૨ હજાર જેટલી પિઝેરિયા છે. જ્યારે ડોમિનોઝે ૭૩ દેશોમાં તેની હાજરી નોંધાવી છે. ૨૦૧૩ના આંકડા પ્રમાણે ડોમિનોઝના ૧૦, ૫૬૬ સ્ટોર્સ બની ગયાં છે. વિશ્વભરના લોકો ૫ અબજ પિઝા પ્રતિવર્ષ આરોગી જાય છે. દરેક સેકન્ડે ૩૫૦ સ્લાઇસ બને છે અને વેંચાતી રહે છે. આટલો વ્યાપ અન્ય પણ ફૂડનો જવલ્લે જ જોવા મળી શકે! એટલે જ તેને આંતરરાષ્ટ્રીય ફૂડ કહીએ તો જરા પણ ખોટું નથી!

પિઝાના ઓડકાર પછી ડિઝર્ટ...!

- ૧૯૫૦માં અમેરિકામાં પિઝાનો બિઝનેસ પૂરબહારમાં ખીલ્યો હતો. કારણ કે, પિઝા બનાવવાની નવી ટેકનોલોજી પણ વિકસવામાં હતી.
- હવે ઓનલાઇન પિઝા ખરીદવા એ સામાન્ય બાબત છે, પણ પ્રથમ વખત પિઝાનો ઓનલાઇન ઓર્ડર ૧૯૯૪માં પિઝા હટને મળ્યો હતો.
- ફ્રાન્સ અને ઈટાલીના પુરાતત્ત્વ વિદોએ ૭૦૦૦ હજાર વર્ષ જૂના સેકેલા બ્રેડના ટૂકડાઓ શોધી કાઢ્યા છે.
- શરૃઆતમાં એટલે કે ૧૦૦૦-૧૧૦૦ ઈ.સ. આસપાસ ગાર્લિક અને ઓનિયન એમ બે ફ્લેવરના પિઝાનું જ ચલણ હતું.
- મોર્ડન પિઝાનો ઉદ્ભવ ઈટાલીના નેપલસ શહેરમાં થયાનું વ્યાપકપણે કહેવાય છે. એ શહેરમાં મજૂર વર્ગ પોતાના ખાણામાં બ્રેડ અને ટોમેટો સોસનો ઉપયોગ કરીને બનાવાતી વાનગીને પ્રાથમિકતા આપતા હતા. કારણ કે, એ વાનગી પ્રમાણમાં સસ્તી હતી અને પરવડે તેમ હતી.
- નેપલસ એ સમયે ખલાસીઓથી ઉભરતું પોર્ટ હતું. ખલાસીઓને પણ કાંઠે પહોંચીને તરત અને સરળતાથી મળી જાય એવા ફૂડના વિકલ્પ તરીકે સૌથી પહેલા પિઝાનો વિચાર આવતો હતો. એ રીતે નેપલસ પિઝાના ફેલાવા માટે મહત્ત્વનું શહેર બન્યું હતું.
- અત્યારે ટોમેટો ફ્લેવર અને ચિઝ સાથે સર્વ થતા પિઝાનો જે ચટાકેદાર સ્વાદ છે એને બદલે ૨૦મી સદીના પ્રારંભે પિઝા સ્વીટ પ્રકારની વાનગી હતી. પાકશાસ્ત્રના ખ્યાતનામ લેખક પેલેગ્રિનો અર્ટુસીની વિખ્યાત કૂક બૂકમાં પિઝાની ત્રણ ફ્લેવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે ત્રણેય ચટાકેદારને બદલે સ્વીટ હતી.
- ૨૦૦૧ના વર્ષમાં પિઝા હટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પિઝા આપ્યા હતા. જેનું બિલ રશિયન સ્પેસ એજન્સીએ ચૂકવ્યું હતું.
- અમેરિકામાં ડોમિનોઝ પિઝાની ૩૦ મિનિટમાં હોમ ડિલિવરી ડ્રોપ કરવામાં આવી છે. કારણ કે, ઝડપથી પિઝાની સર્વિસ પૂરી પાડવા માટે કંપનીના ડ્રાઇવર્સ દ્વારા અમેરિકામાં સંખ્યાબંધ અકસ્માતો નોંધાયા છે.
- આજે પણ ડોમિનોઝ દ્વારા ૧૦ લાખ પિઝાની હોમ ડિલિવરી થાય છે
- ૩૦૦ કરોડ નંગ પિઝા વર્ષે અમેરિકામાં વેંચાય છે.
- વિશ્વમાં સરેરાશ પિઝામેકર ૨ મિનિટ અને ૩૫ સેકન્ડમાં ૧૪ ફૂલ સાઇઝ પિઝા બનાવે છે.
-૩૬ પ્રતિશત અમેરિકનની સવાર પિઝાથી પડે છે.
- દુનિયાભરના પિઝા ડિલિવરીમેન પર થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે પુરુષો ટીપ આપવામાં કંજૂસ હોય છે. જ્યારે મહિલાઓ ધાર્યા કરતા સારી ટીપ આપી જાણે છે.
- આ વર્ષે યોજાયેલા ઓસ્કર સમારોહમાં ફિલ્મ જગતની મહત્ત્વની વીસેક સેલિબ્રિટીએ સમારોહ દરમિયાનની પેટપુજામાં ખાસ પિઝાનો ઓર્ડર આપ્યો હતો. જેમાં જુલિયા રોબર્ટ, બ્રાડ પિટ, ડેક્સ શેફાર્ડ, જેર્ડ લેટો, જેનિફર લોરેન્જ જેવા લોકપ્રિય કલાકારો સમાવેશ થતો હતો.

રેકોર્ડ બૂકમાં પિઝાનો વ્યાપ!

- વિશ્વનો સૌથી મોટો પિઝા ૧૯૯૦માં સાઉથ આફ્રિકામાં બન્યો હતો. એ પિઝાનો ફેલાવો ૧૨૨ ફીટ અને ૮ ઈંચનો હતો.  જેમાં ૩૯૬૮ પાઉન્ટ ચિઝ અને ૧૯૮૪ પાઉન્ટ ટોમેટો સોસ વપરાયો હતો.
- લંડનની ગોર્ડોન રેમસી મેઝ રેસ્ટોરન્ટે એક ઓર્ડર મુજબ સૌથી મોંઘો પિઝા બનાવ્યો હતો. જેનો ભાવ દોઢલાખ જેવો થવા જતો હતો. એ પિઝામાં ગ્રાહકની ડિમાન્ડ મુજબની તમામ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
- ન્યુયોર્કમાં રહેતા સ્કોટ વીનરે પોતાના શોખ માટે ૫૯૫ કંપનીના પિઝા બોક્સ ભેગા કર્યા છે. જેની નોંધ લઈને તેને ૨૦૧૩માં ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
- ૧૯ ઓગસ્ટ, ૧૯૯૮ના દિવસે વાયએફ કોર્પોરેશનને ૧૩,૩૮૬ પિઝા ડિલિવરીનો ઓર્ડર મળ્યો હતો. જેના માટે ૪૦,૧૬૦ એમ્પલોઈ કામે લાગ્યા હતા અને અમેરિકાના ૧૮૦ લોકેશન પર જઈને હોમ ડિલિવરી કરી હતી. જેનો એક દિવસમાં હોમ ડિલિવરીનો રેકોર્ડ છે.

Sunday 27 July 2014
Posted by Harsh Meswania
Tag :

મેન ઓન ધ મૂનઃ માનવજાતિના એ વિશાળ પગલાના સાડા ચાર દશકા


માનવજાતિએ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર તય કર્યું હતું એ વાતને આજે બરાબર ૪૫ વર્ષ થયા છે. નીલ આર્મસ્ટ્રોંગના પગની મદદથી માનવજાતિએ ચંદ્ર પર ડગલું માંડયું એ ઐતિહાસિક ઘટના આજે સીમાચિન્હ ગણાય છે અને હંમેશા માટે ગણાતી રહેશે.

૨૫મે, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડી કોંગ્રેસને સંબોધી રહ્યા હતા. એ દેશના આગામી આયોજનો વિશે અને નીતિઓ વિશે તેમનું અને તેમની સરકારનું વલણ સ્પષ્ટ કરી રહ્યા હતા. સાથે સાથે રશિયા સાથેના શીત યુદ્ધના એ સમયે તેમણે રશિયાનું નામ લીધા વગર અમેરિકાએ કેવા અને કેટલા પડકારો ઉપાડવા જોઈએ એની પણ વિગતે છણાવટ કરી. તેમનું એ સંબોધન માત્ર કોંગ્રેસ પૂરતું સીમિત નહોતું રહેવાનું. એ વકતવ્ય ખરેખર તો રાષ્ટ્ર જોગ થઈ રહેલું સંબોધન હતું. એ શબ્દો પછીથી વિશ્વ માટે યાદગાર અને નાસા માટે પ્રેરણારૃપ બનવાના હતા. અવકાશમાં આધિપત્ય જમાવવાની સ્પર્ધાના સંદર્ભમાં તેમના શબ્દો હતા કે 'આપણે વિશાળ કદમ ભરવા પડશે. પૃથ્વીથી ઉપરની દુનિયા સર કરવી પડશે. સૂર્યમાળાના છેડાને સ્પર્શ કરવાનો છે. આ દાયકો પૂરો થાય ત્યાં સુધીમાં અમેરિકાએ ચંદ્ર ઉપર માનવીના પગલા અંકિત કરી દેવા જોઈએ. ચંદ્ર પર મોકલાયેલો માનવી સલામતીપૂર્વક પૃથ્વી પર આવી જાય એ આપણી ખરી સફળતા લેખાવી જોઈએ! આ દશકો રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો છે અને આપણે માનવીની વિશાળ છલાંગના રૃપમાં તેને અવિસ્મરણીય બનાવવો જોઈએ' અમેરિકન અવકાશ સંસ્થા નાસા માટે પોતાના પ્રમુખના આ શબ્દો પડકાર અને પ્રેરણા બંને હતા. એ જ દિવસે નાસાએ ચંદ્ર પર પહોંચવાના શમણાંને સાકાર કરવાની તમામ કોશિશ શરૃ કરી દીધી હતી. જે માનવ ઈતિહાસમાં અભૂતપૂર્વ પરિણામ લાવનારી બની રહેવાની હતી.
                                                                             * * *
૧૬ જુલાઈ, ૧૯૬૯ના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે કેનેડી સ્પેસ સેન્ટરમાં ધમધમાટ હતો. વર્ષોથી જેના પર કામ થઈ રહ્યું હતું એ મિશનનો આજે અતિ અગત્યનો દિવસ હતો એટલે વૈજ્ઞાાનિકોમાં ઉત્સાહ હતો. એ જ સમયે ત્રણ અવકાશ યાત્રીઓ કેન્ટિનમાં બેસીને વાતો કરી રહ્યા છે...
'હું ચંદ્ર ઉપર ઉતરીશ એટલે શું બોલીશ એ નક્કી છે. એ શબ્દો તૈયાર કરવામાં મને મારી પત્નીએ મદદ કરી છે' અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે તેના સાથી મિત્રોને જણાવ્યું.
'મને તો ખબર નથી કે હું શું બોલીશ. કશુંક બોલવાની જરૃર પડશે કે કેમ એ પણ ક્યાં ખબર છે?' સાથી અવકાશ યાત્રી બઝ એલ્ડ્રિને આર્મસ્ટ્રોંગની વાત સાંભળીને પ્રતિભાવ આપ્યો.
'તમે બંને જે વિચારવું હોય એ વિચારી લેજો, પણ અંતે તો હું કહીશ એ જ બંનેએ કરવાનું રહેશે એ તો યાદ છેને!' બંનેની વાત સાંભળી રહેલા માઇકલ કૉલિન્સે ટીખળ કરી.
'તમે અમારી સાથે ક્યાં આવવાના છો? તમે તો યાનમાં જ હશો એટલે અમે તમારી વાત થોડા માનીશું!' એલ્ડ્રિને નીલ સામે જોઈને કૉલિન્સની ટીખળનો જવાબ ટીખળથી વાળ્યો.
જેટલી હળવાશથી વાત થઈ રહી હતી એ હળવાશની ક્ષણો થોડીવાર પૂરતી જ છે એની જાણ ત્રણેયને હતી. અવકાશમાં ગયા પછી શું થશે? અમેરિકન અવકાશ ઈતિહાસનો આ સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળ થશે કે કેમ? પાછું ફરી શકાશે કે પછી આ અંતિમ ઉડાન હશે? વગેરે પ્રકારના વિભિન્ન વિચારો આ ત્રણેય અવકાશ યાત્રીઓના દિમાગમાં ધૂમરાઈ રહ્યા હતા. યાનમાં બેસતા પહેલા મનગમતી વાનગીઓ આરોગતી વખતે ત્રણેય વાતો કરતા હતા ત્યારે જ તેમને તેડું આવ્યું. યાન તૈયાર હતું. બધુ બરાબર ચેક થઈ ચૂક્યું હતું. માત્ર અવકાશ યાત્રીઓએ પોશાક પહેરવાનો જ બાકી હતી. એપોલો-૧૧ તેના નિર્ધારિત સમયમાં ઉડાન ભરવા કટિબદ્ધ હતું. નાસા સ્પેસ સેન્ટરની ઘડિયાળ સવારનો ૯.૩૨નો સમય બતાવતી હતી. આ ઈગલ યાન ઉપડયું એની ૧૨મી મિનિટે તો તે પૃથ્વીના વાતાવરણની સપાટીએ પહોંચી ગયું હતું. ૭૬ કલાક સુધીની તેની યાત્રા પર દુનિયાભરની નજર હતી. તે પૃથ્વીથી ૨,૪૦,૦૦૦ માઇલનો મુશ્કેલ પડકાર માર્ગ કાપવા ઉડયું હતું.
                                                                   * * *અમેરિકી સમય મુજબ રાતના ૧૦.૫૬ થયા હતા. ૨૦ જુલાઈ, ૧૯૬૯ના એ ઐતિહાસિક દિવસે અમેરિકન અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર યાન ઈગલમાંથી બહાર નીકળીને સીડીની મદદથી ચંદ્ર પર ઉતર્યા. ડાબો પર ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો કે આર્મસ્ટ્રોંગે કહ્યું હતું...
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'
તેમના આ વાક્યનો પડઘો પૃથ્વી સુધી પડયો. થોડી વાર પછી એલ્ડ્રિન નીચે ઉતર્યા અને તેમણે ચંદ્ર વિશે બે જ શબ્દોમાં બધુ જ કહી દીધું. એ તેમના વિખ્યાત બનેલા શબ્દો હતા-'ભવ્ય વિરાની'
બંનેએ અમેરિકન યાન ઉતર્યુ હતું ત્યાં અમેરિકન રાષ્ટ્ર ધ્વજ ખોડયો. એ અમેરિકાની યશકલગીનું નવું શિખર હતું.
યાન ઉતર્યું ત્યારે ૩૦ સેકન્ડ ચાલે એટલું ઈંધણ બચ્યુ હતું. (યાનને પરત જવા માટે અલગ ટાંકીમાં ઈંધણ રાખવામાં આવ્યું હતું) કોલંબિયા સાથે જોડાયેલા આ ઈગલ મોડયુલને યાનથી અલગ કરીને ચંદ્રના વાતાવરણથી ચંદ્રની સપાટી સુધી પહોંચાડવાનું હતું. કોલંબિયાથી ઈગલને સફળતાપૂર્વક અલગ કર્યા પછી પડકાર હતો કોઈ જ અડચણ વગર ચંદ્રની સપાટીમાં ઈગલનું લેન્ડિંગ કરાવવાનો. જેમાં શ્વાસ અધ્ધર કરી દે એવી થોડી મિનિટોને બાદ કરતા નીલ અને એલ્ડ્રિને બધુ બરાબર પાર પાડી દીધું હતું.
ચંદ્રની સપાટી પર ઉતર્યા પછીના ત્રણેક કલાક તેમણે સંશોધનને લગતી જરૃરી કામગીરી કરી. માટી અને ખડકોના જરૃરી નમૂના એકઠાં કર્યા. તમામ કામ નિપટાવીને આ બંને પૃથ્વીવાસીઓએ પાછા ફરતી વેળાએ ચંદ્રને છેલ્લી વાર બરાબર નિરખ્યો. એ બંને સારી રીતે વાકેફ હતા કે તે ચંદ્ર પર પગ મૂકવા બડભાગી થયા હતા, બધા મનુષ્યો માટે આ શક્ય પણ નથી. જે ચંદ્રને પૃથ્વી પરથી જોઈને ભાત-ભાતની વાયકાઓ પ્રવર્તે છે, જગતભરના કવિઓને જેમાં પોતાની પ્રેમિકાના દર્શન થાય છે, કોઈને તેમાં કાળો ડાઘ દેખાય છે તો કોઈને કંઈ ભળતું જ ચિત્ર દેખાય છે. એ બધુ જ માત્ર ધારણાઓ હતી. વાસ્તવિકતા તેનાથી અનેકગણી અલગ-રોમાંચક-વિચિત્ર હતી. હજુ બંનેએ એક મહત્ત્વનું કામ કરવાનું બાકી હતું. એ છેલ્લુ કામ પૂરું થાય એટલે તેને માઇકલ કૉલિન્સની પરત આવવાની સૂચના મળવાની હતી. એ કામ હતું તખ્તી મૂકવાનું. 'ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ માસમાં પૃથ્વીવાસી માનવીએ પ્રથમ વખત ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો, માનવજાતિ તરફથી આ શાંતિનું કદમ છે' આટલું લખેલી પ્લેટ ધ્વજની બાજુમાં મૂકવાની હતી.
થોડી પળો પછી તે ફરી વખત ઈગલમાં પહોંચી ગયા હતા. ચંદ્રને જોવામાં મસ્ત અને કામ કરવામાં વ્યસ્ત થઈ ગયેલા આ બંને અવકાશ યાત્રીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે હવેનું કામ ઈગલનું કોલંબિયા સાથેના જોડાણનું છે અને એ આખા મિશનનું ખરેખરું કપરું કામ છે.
                                                                       * * *
૨૪ જુલાઈએ ચંદ્ર યાન પૃથ્વી ઉપર પરત આવ્યું ત્યારે જ્હોન એફ કેનેડીએ કહેલા શબ્દો અક્ષરસઃ સાચા પડયા હતા. અમેરિકા ચંદ્ર પર પહોંચ્યું હતું અને ત્યાંથી સલામત રીતે અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર પરત આવ્યા હતા.
ચંદ્ર પર સમાનવ યાન મોકલવાનું જે સાહસ અમેરિકાએ ખેડયું હતું એણે અવકાશના સંશોધનને નવી દિશા-નવો વેગ આપ્યો. બીજા ગ્રહ પર માનવજીવન છે કે નહીં તેનો તાગ મેળવવાના પ્રયાસની આ શરૃઆત હતી. આ યાનના કારણે સંશોધકોને હોંશ મળી હતી.
એપોલો પ્રોગ્રામ હેઠળ નાસાને અવકાશમાં સમાનવ યાન મોકલવાની તક મળી. જેના કારણે ચંદ્ર પર જ પછીથી પાંચ સમાનવ યાન મોકલાયા હતા. ૧૯૬૯થી લઈને ૧૯૭૨ સુધીમાં નાસાએ ચંદ્ર પર ૬ સમાનવ યાન મોકલ્યા હતા જેમાં ૧૨ માનવીઓ ચંદ્ર પર ચાલવા નસીબદાર બન્યા હતા. અમેરિકા અવકાશ વિજ્ઞાાનમાં વિશ્વભરમાં અવ્વલ બની ગયું. રશિયા સાથેની તેની અવકાશી સ્પર્ધા લગભગ પૂરી થઈ ચૂકી હતી.  એપોલો-૧થી શરૃ થયેલી સફર એપોલો-૧૭ સુધી લંબાઈ હતી. ચંદ્ર પર માનવજાતિએ પગ મૂક્યો એ ઘટનાએ પૃથ્વી માટે નવી ક્ષિતિજ વિસ્તારી દીધી હતી. ક્ષિતિજ વિસ્તારવા માટે પણ આ ઘટના હંમેશા હંમેશા માટે યાદગાર રહેશે.

ક્યા ક્યા અવકાશ યાત્રીઓ ચંદ્રની સપાટી સ્પર્શી શક્યા છે?
એપોલો-૧૧ના બે અવકાશ યાત્રીઓએ પહેલી વખત ૨૦ જુલાઈ ૧૯૬૯ના દિવસે ચંદ્ર પર પગલુ માંડયું એ પછીના ચાર વર્ષમાં બીજા ૧૦ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવા નસીબદાર રહ્યા હતા. અમેરિકાએ અવકાશમાં આણ પ્રવર્તે એ માટે સતત એપોલો પ્રોગ્રામ હેઠળ ચંદ્ર પર યાન મોકલ્યાં હતાં. જે અંતર્ગત એ જ વર્ષે નવેમ્બરમાં એપોલો-૧૨ યાન ચંદ્ર પર લેન્ડ થયું હતું. જેમાં ચાર્લ્સ કોનરેડ અને એલન બીન ચંદ્ર પર વિચર્યા હતા. ચાર્લ્સે ત્યાં જઈને નીલ આર્મસ્ટ્રોંગના પેલા વિખ્યાત વાક્ય 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'ને યાદ કરીને કહ્યું હતું કે નીલ માટે ભલે આ વામન પગલું હોય, પરંતુ મારા માટે તો મેં મૂકેલું આ વિશાળ કદમ છે. ૧૯૭૦માં મોકલાયેલા એપોલો-૧૩માં ખામી સર્જાઈ હતી એટલે એ રીતે નાસાનું લગલગાટ ત્રીજું મિશન કરવાનું સપનું અધુરું રહી ગયું હતું. એપોલો-૧૩ અસફળ થવા છતાં અવકાશ યાત્રીઓનો જીવ બચી ગયો એટલા પૂરતું સફળ થયું તો કહેવાય જ.
 
ત્યાર પછી ૧૯૭૧ના જાન્યુઆરીમાં વધુ બે અવકાશ યાત્રીઓએ મૂન વોક કર્યું હતું. એલન શેફર્ડ અને એડગર મિશેલ ચંદ્ર પર ઉતર્યા એટલે મૂન વોક કરનારા અવકાશ યાત્રીઓની સંખ્યા ૬ થઈ હતી. આ બંનેએ તેમના પૂરોગામી અવકાશ યાત્રીઓ કરતા વધુ વખત ચંદ્રની સપાટી પર પસાર કર્યા હતા. એ બંને ૯ કલાક ૧૭ મિનિટ સુધી ચંદ્ર પર રહ્યા હતા.
અહીં સુધી પહોંચ્યા પછી ચંદ્ર પર પહોંચવું એ નાસા માટે રમત વાત બની ગઈ હતી. એપોલો-૧૪ મોકલ્યાના દોઢ જ વર્ષમાં એપોલો-૧૫, ૧૬ અને ૧૭ મોકલ્યા હતા. જેમાં બીજા ૬ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવાની તક મળી હતી. એ ૬ અવકાશ યાત્રીઓ એટલે ડેવિડ સ્કોટ, જેમ્સ ઈરવિન, જ્હોન યંગ, ચાર્લ્સ ડયૂક, હેરિક્સન સ્કમિટ અને ઈ. કેરનાન.
ચંદ્ર યાનમાં નાસાએ પૈસાનું પાણી કરી દીધું હતું. વળી, અહીં સુધી પહોંચ્યા પછી સંશોધનના દ્રષ્ટિકોણથી તેમ જ અવકાશી સંશોધનના મામલામાં વિશ્વ ઉપર ધાક બેસાડવાના દ્રષ્ટિકોણથી પણ હવે વધુ યાન મોકલાવાનો અર્થ નહોતો રહ્યો. એ રીતે એપોલો-૧૭ છેલ્લું ચંદ્રયાન બની રહ્યું.

નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જઈને પ્રથમ વાક્ય ખોટું બોલ્યા હતા?
નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર મૂકતાની સાથે જે વાક્ય ઉચ્ચાર્યું હતું એ ખોટું હતું એવી ચોમેર ચર્ચા વર્ષો સુધી ચાલી હતી. હજુ પણ એ ઓડિયો વિશેના સંશોધનો થયા રાખે છે. તેઓ “That’s one small step for man, one giant leap for mankind,” વાક્ય બોલ્યા હતા. ચંદ્ર પર જવાનું નક્કી થયું પછી આ વાક્ય નીલ આર્મસ્ટ્રોંગે પહેલાથી જ તૈયાર કર્યું હતું. આ શબ્દો તૈયાર કરવામાં તેમને તેમની પત્નીએ મદદ કરી હતી. આ વાક્ય પછી તો બહુ જ વિખ્યાત થયું હતું, પણ તેમાં ભૂલ એ હતી કે “That’s one small step for man..માં  'a man' એવું હોવું જોઈએ એના બદલે તેઓ ફોર મેન એવું બોલ્યા હોવાનું સંભળાતું હતું. નાસાએ અને આર્મસ્ટ્રોંગે સતત 'a man' બોલ્યા હોવાનું કહેતા રહેતા હતા, પણ અંતે ઓડિયોના અભ્યાસ બાદ નવી ટેકનોલોજીના કારણે તેઓ 'a' બોલ્યા નથી એવા નિષ્કર્ષ પર સંશોધકો આવ્યા છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટથી લઈને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સુધીની ઘણી બધી સંસ્થાઓએ આ વાક્ય પર વિશ્લેષણ કર્યું છે. એ સેન્ટેન્સને લઈને આટલો બધો શોર શું કામ? જવાબ એટલો જ છે કે એ વાક્ય ખૂબ જ પ્રચલિત બન્યું હતું અને એટલે જ કદાચ તેના વિશે આટલું વિશ્લેષણ પણ થયું છે. નીલ આર્મસ્ટ્રોંગ એ વખતે શું બોલ્યા હતા એ અંગે ખૂદ એમણે અવઢવ અનુભવતા બાયોગ્રાફર-લેખક જેમ્સ હેન્સનને તેમણે કહ્યું હતું 'મારો ઈરાદો ખામીયુક્ત વાક્ય બોલવાનો ન જ હોય. કદાચ ઉત્સાહમાં મારું એ તરફ ધ્યાન ન પણ ગયું હોય એવું બને. પરંતુ મારો હેતુ સ્પષ્ટ હતો સમજદાર લોકો સારી રીતે જાણે છે' એક જ વાક્યને લઈને આટલું બધુ થયુ હોય એવું કદાચ છેલ્લા વર્ષોમાં આ એક જ ઉદાહરણ મળશે!
Sunday 20 July 2014
Posted by Harsh Meswania
Tag :

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ!


વર્ષે દહાડે હવાઈ મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોનો કેટલો બધો બેશકીમતી સામાન આસમાનથી જમીન સુધી પહોંચતા પહોંચતા ગુમ થઈ જાય છે! આટલી વ્યવસ્થા છતાં શું કામ સામાન ગુમ થાય છે? ઉસ્તાદ અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ ક્યાં સેલિબ્રિટીનો સામાન અધ્ધરતાલ રહી ગયો હતો? સામાન ખોવાઈ જાય પછી પાછો મુસાફરોને મળે છે કે કેમ?

'ઈજાઝત'  ફિલ્મ માટે ગુલ્ઝાર સાહેબની કલમમાંથી શબ્દો નીકળ્યા હતાઃ 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' આ શબ્દો કદાચ હમણાં ગુલ્ઝાર સાહેબે જેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી એ સરોદ વાદક ઉસ્તાદ અમઝદ અલી ખાને ગણગણ્યાં હશે. એના ગણતરીના દિવસોમાં જ એ શબ્દો ફિલ્મ મેકર મીરા નાયરને પણ યાદ આવ્યાં હશે. આ બંને મહાનુભાવોને એ શબ્દો એરલાઇન્સના સંદર્ભમાં યાદ આવ્યા હોવા જોઈએ. કેમ કે, ૪૫ વર્ષથી જે સરોદ ઉસ્તાદ અમઝદ અલી ખાન ખૂબ કાળજીપૂર્વક સંભાળીને રાખતા હતા એ સરોદ બ્રિટિશ એરવેઝે કલાકોમાં ગુમ કરી દીધી! જોકે, શોધખોળને અંતે સરોદ તો મળી ગઈ, પણ આ ઘટના હજુ તો માંડ વિસરાઈ જ હતી કે ફિલ્મ મેકર મીરા નાયરનું બેગ એ જ એરલાઇન્સે ખોઈ નાખ્યું. જે પંદરેક દિવસ થવા છતાં હજુ સુધી મળ્યું નથી.
હવાઈ મુસાફરી દરમિયાન ખોવાયેલા લગેજની આ ઘટનાઓએ સમાચારોમાં સ્થાન એટલા માટે મેળવ્યું, કારણ કે સામાન જાણીતી વ્યક્તિઓનો ગુમ થયો હતો. પરંતુ આવો સામાન તો દિવસમાં કંઈ કેટલોય ગુમ થઈ જાય છે. માની ન શકાય એટલા જથ્થામાં અને માની ન શકાય એવી વસ્તુઓ ક્યારેક માનવ સહજ ક્ષતિના લીધે તો ક્યારેક કર્મચારીઓની બેદરકારીને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સુધી પહોંચી જતો હોય છે.
વળી, અમઝદ અલી ખાન અને મીરા નાયર પહેલા પણ વિશ્વભરની જાણીતી વ્યક્તિઓએ પોતાનો સામાન ગુમાવ્યો છે. મહારાણીથી લઈને મોડેલ સુધી ઘણા કિસ્સાઓ એવા નોંધાયા છે જેનો સામાન એરલાઇન્સ દ્વારા ખોવાઈ ગયો હોય.
વર્ષે કેટલો સામાન હવાઈ મુસાફરી દરમિયાન ગુમ થઈ જાય છે?
વર્ષે ખરેખર કેટલા મુસાફરો પોતાનો સામાન ગુમાવી દે છે એનો ચોક્કસ આંકડો મેળવવો શક્ય નથી. અલગ અલગ સંસ્થાઓ દ્વારા તૈયાર થતાં રિપોર્ટમાં જુદા જુદા તારણો મળે છે, પરંતુ એર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી બેગેજનો રિપોર્ટ વધારે સ્વીકૃત મનાય છે. એ રિપોર્ટના આધારે કહીએ તો ૨૦૧૩ના વર્ષેમાં ૨ કરોડ ૯ લાખ નંગ પેસેન્જર બેગ્સ ખોવાઈ ગયા હતા. એમાંના કેટલાક સાવ ડેમેજ થયા પછી તેના માલિક સુધી પહોંચ્યા હતા.
વિશ્વમાં એવરેજ ૧૦૦ પેસેન્જર્સમાંથી ૧.૨ દરરોજ તેનો સામાન ખોવાઈ જવાની ફરિયાદ જે તે એર લાઇન્સ પાસે નોંધાવે છે. ૨૬ લાખ બેગ્સ એરપોર્ટ ચેકિંગ વખતે જ આમથી તેમ થઈ જતા હોવાના બનાવો બને છે. વિભિન્ન અમેરિકન એરલાઇન્સ વર્ષે લગભગ ૫૦ લાખ મુસાફરોના બેગ ખોઈ નાખે છે. ફિલાડેલ્ફિયા એરપોર્ટ આ બાબતે સૌથી વધુ બદનામ છે. આ એરપોર્ટ તેના નિયમિત પેસેન્જરોના બેગ્સ વર્ષમાં એક વખત તો ખોઈ જ નાખે છે. ભારત અમેરિકા કરતા આ મામલે થોડું પાછળ છે. આપણાં દેશમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એરપોર્ટ વર્ષે ૪૩ લાખ બેગ્સ ખોઈ નાખે છે અથવા અલગ જગ્યાએ પહોંચાડી દે છે. જોકે, એ વાત પણ નોંધવી જ પડે કે અમેરિકાની તુલનાએ ભારતના એરપોર્ટ ઓછા વ્યસ્ત હોય છે.
આવી ઘટનાઓ રોકવા માટે એર લાઇન્સ ખાસ કાળજી રાખતી થઈ છે. ઘણી અમેરિકન-બ્રિટિશ એર લાઇન્સે પોતાની સ્માર્ટફોન એપ ક્રિએટ કરી છે જેના દ્વારા પેસેન્જર પોતાનો સામાન ક્યાં પહોચ્યો એ જાણી શકે છે. એટલે પોતાનો સામાન ક્યાં પહોંચ્યો એ અંગે જો મુસાફરો જ સભાન રહે તો ઘણા ખરા અંશે આ સ્થિતિમાં કાબૂ મેળવી શકાય છે. પાંચ વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે પેસેન્જર્સની સંખ્યામાં જેટલો વધારો નહોતો થયો એનાથી અનેક ગણો વધારો લગેજ મિસિંગમાં થયો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી થોડો સુધારો નોંધાયો છે.

કયા સેલિબ્રિટીનો સામાન એરપોર્ટ પરથી ગુમ થયો હતો?
નેધરલેન્ડના મહારાણી બેટ્રિક્સ ૨૦૦૬માં લંડનમાં આવ્યા હતા ત્યારે તેમનું બેગ ગુમ થયું હતું. જેમાં વિક્ટોરિયન એરાનો મહામૂલો ડાઇમંડ સેટ પણ હતો. આ બેગની અંદાજિત કીંમત એક કરોડ રૃપિયા આંકવામાં આવી હતી. પછીથી મહારાણીએ હંમેશા માટે એ સામાનને ભૂલી જવો પડયો હતો. રોકસ્ટાર એલિસ કુપરનું બેગ ૨૦૧૦માં એક બ્રિટિશ એર લાઇન્સની ભૂલના કારણે ગુમ થયું હતું. કુપરનું બેગ મેળવવા એર લાઇન્સે પ્રવાસો તો કર્યા, પણ તેમાં સફળતા હાથ લાગી નહીં. કુપરના કહેવા પ્રમાણે તેમાં તેના મૂલ્યવાન ડોક્યુમેન્ટ્સ હતા. અમેરિકન ડિઝાઇનર અને મોડેલ રિશેલ જોએ સેન્ટ બાર્ટ જતી વખતે એરપોર્ટ પર પોતાનું બેગ ગુમાવ્યું હતું. તેમાં તેણે તૈયાર કરેલો નવી ડિઝાઇનનો સેમ્પલ પોશાક હતો. એ સિવાય ૬૦ હજારની એક એવી ૧૫-૧૭ બ્રાન્ડેડ કપડાની જોડી પણ એ બેગમાં હતી. એમ તો કિમ કાર્ડિયાશિનનું બેગ પણ બે વર્ષ પહેલા ગુમ થયું હતું. કિમના કહેવા પ્રમાણે તેમાં તેના કીંમતી કપડા હતા(જોકે, કિમ ક્યાં બહુ કપડા પહેરે છે કે ચિંતા હોય!) અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ આવા તો કેટલાય બનાવો બનાવો રહે છે, પરંતુ સેલિબ્રિટીની વસ્તુ ગુમ થવાની બદનામીમાંથી બચવા માટે જે તે એર લાઇન્સ મહેનત કરીને પણ તેનો સામાન પરત લાવી આપતી હોય છે.

લગેજ ખોવાય તો વળતર શું મળે?
આમ તો વિભિન્ન એરલાઇન્સના પોતાના અલગ અલગ નિયમો હોય છે. ટર્મ એન્ડ કન્ડિશન્સમાં સામાનની જવાબદારી અંગે એરલાઇન્સે હાથ ઊંચા કરી જ દીધા હોય છે, પણ તેમ છતાં સામાન ખોવાય જાય તો ૨૧ દિવસ સુધી પરત મળવાની શક્યતા હોય છે. ત્રણ સપ્તાહના સમય પછી પણ જો એરલાઇન્સમાંથી સામાન મળી ગયાનો કોલ ન આવે તો સમજવું રહ્યું કે એ સામાન હવે સત્તાવાર રીતે ખોવાય જ ગયો છે. એવા કિસ્સાઓમાં એરલાઇન્સ સામેથી જ બેગમાં શું હતું એની વિગતો મંગાવીને તેનું વળતર આપવાની પ્રક્રિયા હાથ પર લઈ લે છે. ઘણા મુસાફરો રોકડ રકમ મેળવવાને બદલે પોતાની ચીજ-વસ્તુઓ જ પરત મળે એનો આગ્રહ રાખતા હોય છે એવા સમયે એરલાઇન્સ પોતાના ધારા-ધોરણ મુજબ અને સામાનની પાવતીના આધારે ખરીદી કરી આપે છે. જો સામાન ઉસ્તાદ અમઝદ અલી ખાનની સરોદની જેમ બહુ જ મૂલ્યવાન હોય તો પછી એ ગુમાવવો જ રહ્યો! એના માટે આંસુ સારવા એ એક માત્ર વિકલ્પ બચે છે.

સામાન શું કામ ખોવાઈ જાય છે?
બેગ ઉપર લગાડેલું લેવલ ખરાબ થવાથી સામાન ખોવાઈ જવાની કે બીજા કોઈને ભૂલથી અપાઈ જતો હોવાનું બને છે. સામાન જે તે મુસાફર સાથે જ રહે તો તો બહુ વાંધો આવતો હોતો નથી, પરંતુ સામાન વધુ હોય ત્યારે વ્યવસ્થાના ભાગરૃપે અન્ય મુસાફરોના સામાનની સાથે જ સામાન રાખવામાં આવે અને સામાન પર ઓળખ માટે લગાવેલું લેબલ મુસાફરી દરમિયાન ખરાબ થઈ જાય તો એ સામાન હંમેશા માટે ગુમાવવાનો વખત પણ આવી શકે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સાવ નવું જ બેગ મુસાફરી માટે ખરીદ્યું હોય અને એનો રંગ આપણને તરત જોતા જ ઓળખવામાં મુશ્કેલી થાય તો પણ સામાનની અદલા-બદલી થઈ શકે છે.
બેગ લેતા ભૂલી જવાય તો એરલાઇન્સ પાસે તપાસ કરીએ ત્યારે એ બેગ મળવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. ઉતાવળે ઘણો બધો સામાન હોય ત્યારે ખાસ એવું બનતું હોય છે. ક્યારેક મુસાફરીમાં વધુ સામાન લઈ જવાની આદત ન હોય અને માત્ર હેન્ડ બેગથી ચલાવી લેતા હોઈએ અને એમાં જો સૂટકેસ સાથે હોય તો પણ ઘણા ખરાં મુસાફરો સમાનમાંથી સુટકેસ લેવાનું એ સમયે ભૂલી જતાં હોવાના ઘણાં બનાવો વિશ્વભરના એરપોર્ટ પર બનતાં હોય છે. મુસાફરો જ પોતાનો સામાન ભૂલીને જતાં રહેતા હોય એવા કેસમાં એરલાઇન્સ એ સામાનને બિનવારસી જાહેર કરીને એના બિનવારસી સામાન વિભાગમાં મૂકી રાખે છે. આવો સામાન લાંબી કડાકૂટના અંતે પરત મળતો હોય છે. 
સામાનના સ્થળના કોડમાં ભૂલ થઈ હોય તો સામાન અલગ જગ્યાએ પહોંચી જાય છે. જેમ કે, અમદાવાદથી દહેરાદૂન જતા કોઈ મુસાફરના સામાનમાં દિલ્હીનો કોડ લાગી જાય તો સામાન દિલ્હી પહોંચી જાય છે. બેગમાં મુસાફરની ઓળખ સ્પષ્ટ હોય તો બેગ પરત મેળવવામાં સરળતા રહે છે, પણ જો ઉપરના કારણ પ્રમાણે ઓળખનું લેબલ ખરાબ થઈ ચૂક્યું હોય તો સામાન પાછો મેળવવામાં મુશ્કેલી પડે છે. ઓળખ વગરનો સામાન થોડા દિવસમાં એરલાઇન્સના 'બિનવારસી સામાન' વિભાગમાં મોકલી દેવામાં આવે છે.
બેગેજ કાર્ટ બદલાઈ જાય તો પણ સમાન ચોક્કસ જગ્યાએ પહોંચવાને બદલે કોઈ ભળતા-સળતા સ્થળે પહોંચી જાય છે. છેક છેલ્લી ઘડીએ મુસાફરનો સામાન હ્યુમન એરરના કારણે કર્મચારી જે તે પ્લેનને બદલે બીજા પ્લેનમાં ચડાવી દે તો આપણે નિશ્વિત જગ્યાએ પહોંચીએ ત્યાં સુધીમાં સામાન કોઈ બીજા જ એરપોર્ટે પહોંચી ગયો હોય છે. આવી સ્થિતિમાં જો ઓળખ અને કોર્ડમાં ગફલત થઈ ન હોય તો સામાન સરળતાથી થોડી કલાકો પછી કે એકાદ દિવસમાં મુસાફરને મળી જતો હોય છે. નહીંતર જો લેબલમાં કે કોર્ડમાં ભૂલ રહી ગઈ હોય તો સામાનની રાહ જોવી રહી!

આ ઘટનાઓ મુસાફરો ભૂલી નથી શક્યા, એર લાઇન્સ ભૂલવા માંગે છે!
એકલ દોકલ બેગ ચોરાઈ જાય અને પછી તે પરત મેળવવાની કવાયત હાથ ધરાઈ એ તો જાણે રોજિંદો ક્રમ થયો, પરંતુ એવીય દૂર્ઘટનાઓ બની છે જે મુસાફરો માટે ક્યારેય ન ભૂલી શકાય એવું દુઃસ્વપ્ન છે. તો એર લાઇન્સ દુઃ સ્વપ્ન માનીને તેને ભૂલી જવા માંગે છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર ૨૦૧૦માં આવી જ એક વિચિત્ર ઘટના બની હતી. ૨૪૦ સૂટકેસ સફાઈ દરમિયાન કચરામાં અને પછી ગટરમાં ભળી ગઈ હતી. એરપોર્ટ સત્તાધીશોને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે બહુ મોડું થઈ ગયુ હતું. એ તમામ બેગ્સ મેળવીને તેની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી, પણ એ બધુ જ વ્યર્થ હતું. અંતે તમામ મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીએ એક હજાર પાઉન્ડનું વળતર આપવું પડયું હતું. આ જ હિથ્રો એરપોર્ટ પર ૨૦૦૭માં એક મુસાફરને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. સખત વરસાદના કારણે જ્યારે તેનો સામાન એરપોર્ટ સુધી પહોંચ્યો ત્યારે એ હજુ એરપોર્ટે આવ્યો નહોતો. થોડી કલાકો પછી જ્યારે મુસાફર પોતાનો સામાન લેવા આવ્યો તો એનો બધો જ સામાન પલળી ગયો હતો. એરપોર્ટ ઓથોરિટીનો બચાવ હતો કે તમારે હાજર રહેવું જોઈએને!
અમેરિકામાં એક યુવતીએ આનાથી તદ્ન અલગ અનુભવ થયો હતો. એ તેનો સામાન શોધતા શોધતા પ્લેનના એન્જિન પાસે આવી ત્યારે એન્જિયરે તેને પૂછ્યું કે આ બેગ શોધી રહ્યાં છો? યુવતીએ હા પાડી તો તેણે અફસોસ વ્યક્ત કરીને કહ્યું કે એન્જિનની પાસે હોવાથી તમારો બધો જ સામાન બળી ગયો છે, તમે આવ્યા નહીં એટલે કોઈએ અહીંથી સામાન ખસેડયો નહીં!
Sunday 13 July 2014
Posted by Harsh Meswania
Tag :

એક યુવાને છોડેલી ગોળી અને રક્ત ટપકતી લાખો જોળી...

ગાવરિલો પ્રિન્સિપ

એક માથાફરેલો અને ગેરમાર્ગે દોરાયેલો યુવાન વિશ્વને કેટલું નુકસાન પહોંચાડી શકે? એનો જવાબ શોધવા માટે કદાચ ગાવરિલો પ્રિન્સિપ શ્રેષ્ઠત્તમ ઉદાહરણ બની શકે તેમ છે. તેની એક ગોળી વિશ્વના કરોડો લોકો માથે મોત બનીને ત્રાટકી અને તેમાંથી વહેલી રક્તની નદીમાં કંઈ કેટલુંય તણાઈને તબાહ થઈ ગયું...

ગાવરિલો  પ્રિન્સિપ એનું નામ. બધા કેદીઓની વચ્ચે ૧ નંબરની અલગ કોટડી એને ફાળવાઈ હતી. એ અન્ય કેદીઓ કરતા અલગ હતો. એક તો એ સગીર હતો એટલે ગંભીર અપરાધ છતાં ફાંસીને માંચડે લટકાવી શકાય તેમ નહોતો. બીજું, કે તેણે એવા માણસની હત્યા કરી હતી કે જેના લીધે જગત અરાજકતા તરફ ધકેલાયું હતું. દુનિયા હજુય અજંપામાંથી બહાર નીકળવાની મથામણ કરી રહી હતી. આ એક માણસના કારણે ભલભલી શાંતિ સ્થાપતિ સંસ્થાઓ નિષ્ફળ નીવડી હતી અને ભવિષ્યમાં પણ નિષ્ફળ નીવડવાની હતી. એની એક ગોળીની આગ હજુ તો વર્ષો સુધી વિશ્વને દઝાડવાની હતી.
એકવડિયો બાંધો. સ્હેજ લાંબો ચહેરો. લગભગ પાંચેક ફીટ ઊંચાઈ. વિખરાયેલા વાંકડિયા કાળા વાળ. નિસ્તેજ કાળી આંખો અને આંખોની આસપાસ પડેલા ઘેરા કાળા કૂંડાળા તેની લથડતી જતી તબિયતની ચાડી ખાતાં હતાં. જેલરે તેના સ્વાસ્થ્ય માટે તબીબોની સેવા લેવાનું શરૃ કર્યું હતું. છતાં બધી જ દવાઓ બેઅસર હતી. ચામડીમાંથી હાડકાં બહાર નીકળવું નીકળવું થતાં હતાં. કુપોષણ અને ક્ષય બંનેએ એના શરીર પર એવો તો અજગરી ભરડો લીધો હતો કે હવે એમાંથી બચવાની કોઈ જ આશા નહોતી. ઉંમરની ગણતરી પ્રમાણે તો એ યુવાન હતો, પરંતુ તેના શરીરની હાલત ૮૦-૯૦ના પડાવે પહોંચેલા કોઈ વૃદ્ધ જેવી થઈ ગઈ હતી. એનું વજન ઘટીને ૪૦ કિલો થઈ ગયુ હતું. એ તેની અંતિમ ક્ષણો ગણી રહ્યો હતો.
અંતે એ દિવસ આવી ગયો જ્યારે તેણે છેલ્લો શ્વાસ લીધો. વિશ્વને હિંસાના રૌરવમાં ધકેલનારો આ લવરમૂછિયો છોકરો વિશ્વના અજંપા વચ્ચે જ હંમેશા-હંમેશા માટે શાંત થઈ ગયો. તે દેખાવે એટલો બધો ભયાવહ પણ નહોતો. જોનારને કલ્પના પણ ન આવે કે આ છોકરાએ આવા હિંસક કામને અંજામ આપ્યો હશે. જગતને સંતાપમાં ધકેલનારા આ છોકરાને પોતાના કારસ્તાન માટે કોઈ જ અફસોસ નહોતો. પરંતુ કદાચ છેલ્લા શ્વાસ લેતા પહેલા તેને એ દ્રશ્ય જરૃર યાદ આવ્યું હશે. જે જગતનો ઈતિહાસ તપાસનારા બધા માટે કાયમ દુઃસ્વપ્ન બનીને ઘૂમરાયા કરવાનું હતું. કાર-પિસ્તોલ-પ્રિન્સ-પ્રિન્સિપ-લોહી-પોલીસ અને ભાગદોડ..
                                                                                * * *
૨૮ જૂન, ૧૯૧૪ના એ દિવસે એક કલાકમાં તો સારાયેવોમાં કેટલીય ઘટનાઓ આકાર પામી ચૂકી હતી. ઓસ્ટ્રિયન રાજકુમાર ફ્રાન્ઝ ફર્ડિનાન્ડે ગુપ્તચર સંસ્થાઓની ચેતવણીને અવગણીને પણ સારાયેવોમાં તેમની પત્ની સોફિયા સાથે પગ મૂક્યો હતો. એ દિવસ ફર્ડિનાન્ડ અને સોફિયા માટે ખૂબ મહત્ત્વનો હતો. એ બંને ૧૪મી મેરેજ એનિવર્સરી મનાવી રહ્યાં હતાં. ફર્ડિનાન્ડ પત્ની સાથે સારાયેવોની મુલાકાતે જઈને એ દિવસને યાદગાર બનાવવા માંગતા હતા અને ખરેખર એમ જ બન્યું. સવારના લગભગ દસ વાગવા આવ્યા હતા. પ્રથમ કારમાં સારાયેવોના મેયર ફેહિમ અને શહેર પોલીસ કમિશ્નર ડૉ. ગેર્ડ બેઠા. બીજી કારમાં રાજકુમાર ફર્ડિનાન્ડ અને તેમના પત્ની સોફિયા ગોઠવાયા. એ જ કારમાં રોયલ દંપતીની સુરક્ષા માટે આર્મી અધિકારી ઓસ્કર પોત્યોરેકને પણ બેસાડાયા હતા. પાછળ પોલીસ અધિકારીઓની બીજી બે કાર સાથે ચાર ગાડીનો કાફલો રેલવે સ્ટેશનથી શહેર તરફ જવા રવાના થયો. પંદરેક મિનિટની સફર પછી કાર શહેરના થોડા ગીચ વિસ્તારમાં પ્રવેશી. શાહી દંપતીની એક ઝલક મેળવવા માટે શહેરીજનો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. એ ભીડની વચ્ચે જ રાજકુમારની હત્યાનો મનસૂબો લઈને બીજા ૬ જણા તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં હતાં. એ છએ છ બળવાખોરો કોઈ પણ ભોગે રાજકુમારનો જીવ લેવા મક્કમ હતા. છમાંથી કોઈએ કોઈના ઓર્ડર કે ઈશારાની રાહ જોવાની નહોતી. જેને મોકો મળે એણે હુમલો કરી જ દેવાની સૂચના પહેલાથી મળી હતી. છમાંથી જે પ્રથમ ગોઠવાયો હતો એ મોહંમ્મદ નામનો યુવાન છેલ્લી ઘડીએ હિંમત જૂટાવી ન શક્યો. તેણે કંઈ જ કર્યા વગર કારને પસાર થતાં જોયે રાખી.
થોડે દૂર ૧૯ વર્ષનો વિદ્યાર્થી નેડેલયેકો કેબ્રિનોવિક હુમલો કરવા તૈયાર જ હતો. તેણે હામ ભેગી કરીને રાજકુમારની કારના રસ્તા વચ્ચે બોંબ ફેંકી દીધો. કારની ઝડપને પારખવામાં તે થાપ ખાઈ ગયો એટલે બોમ્બ છેક ચોથી કારના ટાયરમાં જઈને અથડાયો-ધડાકો થયો અને કારમાં બેઠેલા બે અધિકારીઓ ઉપરાંત અન્ય ૧૦-૧૨ લોકો ઘાયલ થયાં. બોમ્બ ધડાકાના કારણે ભીડમાં ભાગદોડ મચી ગઈ. રાજકુમારની કારના ડ્રાઇવરે સ્થિતિ પારખીને ઝડપ વધારી દીધી. પોલીસે નેડેલયેકો કેબ્રિનોવિકને પકડી પાડયો. એ બધાના કારણે રાજકુમારની હત્યા માટે તૈયારી કરી ચૂકેલા બાકીના ચારેય યુવાનો તક મેળવી ન શક્યા. એક તબક્કે એ બધા હુમલાખોરોને વિચાર આવ્યો કે હવે રાજકુમારની હત્યાનો મોકો જતો રહ્યો. એમાં વળી રાજકુમારે ખૂદે કાળ બોલાવતો હોય એમ ફરી વખત હુમલાખોરો માટે મોકો સર્જી દીધો.
અચાનક રાજકુમારે બોંબ ધડાકામાં ઘાયલ થયેલા લોકોની મુલાકાતે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. આટલી ગંભીર સ્થિતિમાં તેમને ક્યાંય પણ લઈ જવા સુરક્ષિત નહોતા. છતાં તેમને હોસ્પિટલ સુધી લઈ જવાનું નક્કી થયું. એ કામ આર્મી અધિકારી ઓસ્કર પોત્યોરેકને સોંપાયું. ઓસ્કરે રાજકુમારને અલગ માર્ગે હોસ્પિટલ પહોંચાવાનું વિચાર્યું, પણ રાજકુમારના ડ્રાઇવરને ક્યાં રસ્તે જવું એ અંગે ગેરસમજ થઈ. એમણે જે માર્ગે આવ્યા હતા એ જ માર્ગે કાર હંકારી એટલે ઓસ્કરે તેને વાર્યો. પોતાની ભૂલ સમજાતા ડ્રાઇવરે બ્રેક મારી અને કારને રિવર્સ લેવાનું નક્કી કર્યું.
બસ એ ઘડીમાં ઘણું બધુ બની ગયું. એટલો સમય ગાવરિલો પ્રિન્સિપ માટે પૂરતો હતો. કાર પ્રિન્સિપની બરાબર સામે ઊભી હતી. કોઈ સમજે-વિચારે એ પહેલા પ્રિન્સિપ બે-પાંચ ડગલા આગળ આવ્યો. હવે કાર તેનાથી માંડ પાંચ ફીટના અંતરે હતી. નિશાન સાધવામાં તેને હવે કોઈ અડચણ નહોતી. તેણે પિસ્તોલ કાઢીને રાજકુમાર ફર્ડિનાન્ડ પર ફાયરિંગ કર્યું. રાજકુમારને ગળામાં ગોળી વાગી. પ્રિન્સિપે તરત જ બીજી ગોળી છોડી. તેણે ગોળી તો ફર્ડિનાન્ડને જ મારી હતી, પણ તેની પત્ની સોફિયાએ પતિના આડેથી એ ગોળી ઝીલી લીધી. એ ગોળીએ સોફિયાનું જઠર ચીરી નાખ્યું. કોણ જાણે કેમ પણ હવે પ્રિન્સિપે પોતાના લમણાંમાં ગોળી મારવાના હેતુથી પિસ્તોલ તાકી એ સાથે જ પોલીસમેને તેને પકડી પાડયો. ૧૦ વાગે સારાયેવોમાં પગ મૂકનારાં શાહી દંપતીએ ૧૧ વાગતા સુધીમાં તો ત્યાં જ દમ તોડી દીધો. તેમની ૧૪મી મેરેજ એનિવર્સરી આખા જગતને બરાબર યાદ રહી ગઈ.
                                                                                  * * *
પ્રિન્સિપની ધરપકડ થઈ. કેસ ચાલ્યો. તેણે ગુનો કર્યો ત્યારે ૨૦ વર્ષ ઉંમર ન થતી હોવાથી કાયદા પ્રમાણે દેહાંતદંડ આપી શકાયો નહીં એટલે તેને આજીવન કારાવાસ થયો. ટ્રાયલ દરમિયાન તેણે સ્વીકાર્યું કે તે બ્લેક હેન્ડ નામના બળવાખોર જૂથ સાથે જોડાયો હતો. રાજકુમારની હત્યાના મૂળ પ્લાનિંગમાં ક્યાંય પ્રિન્સિપ હતો જ નહીં. કારણ કે બ્લેક હેન્ડ પોતાના જૂથમાં નવા-સવા જોડાયેલા યુવાનને આવી મહત્ત્વની જવાબદારી આપવા અવઢવમાં હતું. બીજું એક કારણ તેની શારીરિક સ્થિતિ હતી. બ્લેક હેન્ડ માનતું હતું કે તે ઘટનાને અંજામ આપવા જેટલો સક્ષમ નથી. તેને શારીરિક-માનસિક બંને રીતે મજબૂત બનાવવો પડશે એવું નક્કી થયા પછી અચાનક તેની પસંદગી છેલ્લા ૬ હુમલાખોરોમાં કરાઈ હતી. એમાંયે વળી હરોળમાં સાવ છેલ્લે તેને રાખવામાં આવ્યો હતો. એવી વ્યૂહરચના હતી કે આગળના પાંચ રાજકુમારને ખતમ કરવાનું કામ કરી જ નાખશે એટલે પ્રિન્સિપના ભાગે કશું જ કરવાનું નહીં આવે! જગતના ભાગે યુદ્ધ અને રક્ત વહેવાનું લખાયું હશે!
એટલે જ કદાચ થોડા પહેલા જ ફર્ડિનાન્ડના કાકા અને ઓસ્ટ્રિયન રાજા ફ્રાન્ઝ જોસેફ પર હુમલો થયો હોવા છતાં રાજકુમાર ફર્ડિનાન્ડ ગુપ્તચર સંસ્થાઓની ચેતવણીને અવગણીને સારાયેવો આવ્યા. મંઝિલે પહોંચી ગયેલા રાજકુમારને હોસ્પિટલ જવાનો વિચાર આવ્યો. બ્લેક હેન્ડે સાવ છેલ્લી ઘડીએ પ્રિન્સિપને રાજકુમારની હત્યાના ષડયંત્રમાં જોતર્યો અને વળી પ્રિન્સિપની યુગોસ્લાવિયા જવાની મૂરાદ પૂરી ન થઈ અને તે બોર્ડર પાર કરી ન શક્યો એટલે બ્લેક હેન્ડમાં જોડાઈ ગયો. એક ગેરમાર્ગે દોરાયેલો યુવાન પ્રથમ વિશ્વયુદ્ધ માટે પ્રત્યક્ષ રીતે કારણ બન્યો અને એ જ પ્રથમ વિશ્વયુદ્ધ બીજા વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર ઠર્યું.
Sunday 6 July 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -