Posted by : Harsh Meswania Sunday 20 July 2014


માનવજાતિએ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર તય કર્યું હતું એ વાતને આજે બરાબર ૪૫ વર્ષ થયા છે. નીલ આર્મસ્ટ્રોંગના પગની મદદથી માનવજાતિએ ચંદ્ર પર ડગલું માંડયું એ ઐતિહાસિક ઘટના આજે સીમાચિન્હ ગણાય છે અને હંમેશા માટે ગણાતી રહેશે.

૨૫મે, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડી કોંગ્રેસને સંબોધી રહ્યા હતા. એ દેશના આગામી આયોજનો વિશે અને નીતિઓ વિશે તેમનું અને તેમની સરકારનું વલણ સ્પષ્ટ કરી રહ્યા હતા. સાથે સાથે રશિયા સાથેના શીત યુદ્ધના એ સમયે તેમણે રશિયાનું નામ લીધા વગર અમેરિકાએ કેવા અને કેટલા પડકારો ઉપાડવા જોઈએ એની પણ વિગતે છણાવટ કરી. તેમનું એ સંબોધન માત્ર કોંગ્રેસ પૂરતું સીમિત નહોતું રહેવાનું. એ વકતવ્ય ખરેખર તો રાષ્ટ્ર જોગ થઈ રહેલું સંબોધન હતું. એ શબ્દો પછીથી વિશ્વ માટે યાદગાર અને નાસા માટે પ્રેરણારૃપ બનવાના હતા. અવકાશમાં આધિપત્ય જમાવવાની સ્પર્ધાના સંદર્ભમાં તેમના શબ્દો હતા કે 'આપણે વિશાળ કદમ ભરવા પડશે. પૃથ્વીથી ઉપરની દુનિયા સર કરવી પડશે. સૂર્યમાળાના છેડાને સ્પર્શ કરવાનો છે. આ દાયકો પૂરો થાય ત્યાં સુધીમાં અમેરિકાએ ચંદ્ર ઉપર માનવીના પગલા અંકિત કરી દેવા જોઈએ. ચંદ્ર પર મોકલાયેલો માનવી સલામતીપૂર્વક પૃથ્વી પર આવી જાય એ આપણી ખરી સફળતા લેખાવી જોઈએ! આ દશકો રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનો છે અને આપણે માનવીની વિશાળ છલાંગના રૃપમાં તેને અવિસ્મરણીય બનાવવો જોઈએ' અમેરિકન અવકાશ સંસ્થા નાસા માટે પોતાના પ્રમુખના આ શબ્દો પડકાર અને પ્રેરણા બંને હતા. એ જ દિવસે નાસાએ ચંદ્ર પર પહોંચવાના શમણાંને સાકાર કરવાની તમામ કોશિશ શરૃ કરી દીધી હતી. જે માનવ ઈતિહાસમાં અભૂતપૂર્વ પરિણામ લાવનારી બની રહેવાની હતી.
                                                                             * * *
૧૬ જુલાઈ, ૧૯૬૯ના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે કેનેડી સ્પેસ સેન્ટરમાં ધમધમાટ હતો. વર્ષોથી જેના પર કામ થઈ રહ્યું હતું એ મિશનનો આજે અતિ અગત્યનો દિવસ હતો એટલે વૈજ્ઞાાનિકોમાં ઉત્સાહ હતો. એ જ સમયે ત્રણ અવકાશ યાત્રીઓ કેન્ટિનમાં બેસીને વાતો કરી રહ્યા છે...
'હું ચંદ્ર ઉપર ઉતરીશ એટલે શું બોલીશ એ નક્કી છે. એ શબ્દો તૈયાર કરવામાં મને મારી પત્નીએ મદદ કરી છે' અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે તેના સાથી મિત્રોને જણાવ્યું.
'મને તો ખબર નથી કે હું શું બોલીશ. કશુંક બોલવાની જરૃર પડશે કે કેમ એ પણ ક્યાં ખબર છે?' સાથી અવકાશ યાત્રી બઝ એલ્ડ્રિને આર્મસ્ટ્રોંગની વાત સાંભળીને પ્રતિભાવ આપ્યો.
'તમે બંને જે વિચારવું હોય એ વિચારી લેજો, પણ અંતે તો હું કહીશ એ જ બંનેએ કરવાનું રહેશે એ તો યાદ છેને!' બંનેની વાત સાંભળી રહેલા માઇકલ કૉલિન્સે ટીખળ કરી.
'તમે અમારી સાથે ક્યાં આવવાના છો? તમે તો યાનમાં જ હશો એટલે અમે તમારી વાત થોડા માનીશું!' એલ્ડ્રિને નીલ સામે જોઈને કૉલિન્સની ટીખળનો જવાબ ટીખળથી વાળ્યો.
જેટલી હળવાશથી વાત થઈ રહી હતી એ હળવાશની ક્ષણો થોડીવાર પૂરતી જ છે એની જાણ ત્રણેયને હતી. અવકાશમાં ગયા પછી શું થશે? અમેરિકન અવકાશ ઈતિહાસનો આ સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળ થશે કે કેમ? પાછું ફરી શકાશે કે પછી આ અંતિમ ઉડાન હશે? વગેરે પ્રકારના વિભિન્ન વિચારો આ ત્રણેય અવકાશ યાત્રીઓના દિમાગમાં ધૂમરાઈ રહ્યા હતા. યાનમાં બેસતા પહેલા મનગમતી વાનગીઓ આરોગતી વખતે ત્રણેય વાતો કરતા હતા ત્યારે જ તેમને તેડું આવ્યું. યાન તૈયાર હતું. બધુ બરાબર ચેક થઈ ચૂક્યું હતું. માત્ર અવકાશ યાત્રીઓએ પોશાક પહેરવાનો જ બાકી હતી. એપોલો-૧૧ તેના નિર્ધારિત સમયમાં ઉડાન ભરવા કટિબદ્ધ હતું. નાસા સ્પેસ સેન્ટરની ઘડિયાળ સવારનો ૯.૩૨નો સમય બતાવતી હતી. આ ઈગલ યાન ઉપડયું એની ૧૨મી મિનિટે તો તે પૃથ્વીના વાતાવરણની સપાટીએ પહોંચી ગયું હતું. ૭૬ કલાક સુધીની તેની યાત્રા પર દુનિયાભરની નજર હતી. તે પૃથ્વીથી ૨,૪૦,૦૦૦ માઇલનો મુશ્કેલ પડકાર માર્ગ કાપવા ઉડયું હતું.
                                                                   * * *અમેરિકી સમય મુજબ રાતના ૧૦.૫૬ થયા હતા. ૨૦ જુલાઈ, ૧૯૬૯ના એ ઐતિહાસિક દિવસે અમેરિકન અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર યાન ઈગલમાંથી બહાર નીકળીને સીડીની મદદથી ચંદ્ર પર ઉતર્યા. ડાબો પર ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો કે આર્મસ્ટ્રોંગે કહ્યું હતું...
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'
તેમના આ વાક્યનો પડઘો પૃથ્વી સુધી પડયો. થોડી વાર પછી એલ્ડ્રિન નીચે ઉતર્યા અને તેમણે ચંદ્ર વિશે બે જ શબ્દોમાં બધુ જ કહી દીધું. એ તેમના વિખ્યાત બનેલા શબ્દો હતા-'ભવ્ય વિરાની'
બંનેએ અમેરિકન યાન ઉતર્યુ હતું ત્યાં અમેરિકન રાષ્ટ્ર ધ્વજ ખોડયો. એ અમેરિકાની યશકલગીનું નવું શિખર હતું.
યાન ઉતર્યું ત્યારે ૩૦ સેકન્ડ ચાલે એટલું ઈંધણ બચ્યુ હતું. (યાનને પરત જવા માટે અલગ ટાંકીમાં ઈંધણ રાખવામાં આવ્યું હતું) કોલંબિયા સાથે જોડાયેલા આ ઈગલ મોડયુલને યાનથી અલગ કરીને ચંદ્રના વાતાવરણથી ચંદ્રની સપાટી સુધી પહોંચાડવાનું હતું. કોલંબિયાથી ઈગલને સફળતાપૂર્વક અલગ કર્યા પછી પડકાર હતો કોઈ જ અડચણ વગર ચંદ્રની સપાટીમાં ઈગલનું લેન્ડિંગ કરાવવાનો. જેમાં શ્વાસ અધ્ધર કરી દે એવી થોડી મિનિટોને બાદ કરતા નીલ અને એલ્ડ્રિને બધુ બરાબર પાર પાડી દીધું હતું.
ચંદ્રની સપાટી પર ઉતર્યા પછીના ત્રણેક કલાક તેમણે સંશોધનને લગતી જરૃરી કામગીરી કરી. માટી અને ખડકોના જરૃરી નમૂના એકઠાં કર્યા. તમામ કામ નિપટાવીને આ બંને પૃથ્વીવાસીઓએ પાછા ફરતી વેળાએ ચંદ્રને છેલ્લી વાર બરાબર નિરખ્યો. એ બંને સારી રીતે વાકેફ હતા કે તે ચંદ્ર પર પગ મૂકવા બડભાગી થયા હતા, બધા મનુષ્યો માટે આ શક્ય પણ નથી. જે ચંદ્રને પૃથ્વી પરથી જોઈને ભાત-ભાતની વાયકાઓ પ્રવર્તે છે, જગતભરના કવિઓને જેમાં પોતાની પ્રેમિકાના દર્શન થાય છે, કોઈને તેમાં કાળો ડાઘ દેખાય છે તો કોઈને કંઈ ભળતું જ ચિત્ર દેખાય છે. એ બધુ જ માત્ર ધારણાઓ હતી. વાસ્તવિકતા તેનાથી અનેકગણી અલગ-રોમાંચક-વિચિત્ર હતી. હજુ બંનેએ એક મહત્ત્વનું કામ કરવાનું બાકી હતું. એ છેલ્લુ કામ પૂરું થાય એટલે તેને માઇકલ કૉલિન્સની પરત આવવાની સૂચના મળવાની હતી. એ કામ હતું તખ્તી મૂકવાનું. 'ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ માસમાં પૃથ્વીવાસી માનવીએ પ્રથમ વખત ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો, માનવજાતિ તરફથી આ શાંતિનું કદમ છે' આટલું લખેલી પ્લેટ ધ્વજની બાજુમાં મૂકવાની હતી.
થોડી પળો પછી તે ફરી વખત ઈગલમાં પહોંચી ગયા હતા. ચંદ્રને જોવામાં મસ્ત અને કામ કરવામાં વ્યસ્ત થઈ ગયેલા આ બંને અવકાશ યાત્રીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે હવેનું કામ ઈગલનું કોલંબિયા સાથેના જોડાણનું છે અને એ આખા મિશનનું ખરેખરું કપરું કામ છે.
                                                                       * * *
૨૪ જુલાઈએ ચંદ્ર યાન પૃથ્વી ઉપર પરત આવ્યું ત્યારે જ્હોન એફ કેનેડીએ કહેલા શબ્દો અક્ષરસઃ સાચા પડયા હતા. અમેરિકા ચંદ્ર પર પહોંચ્યું હતું અને ત્યાંથી સલામત રીતે અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર પરત આવ્યા હતા.
ચંદ્ર પર સમાનવ યાન મોકલવાનું જે સાહસ અમેરિકાએ ખેડયું હતું એણે અવકાશના સંશોધનને નવી દિશા-નવો વેગ આપ્યો. બીજા ગ્રહ પર માનવજીવન છે કે નહીં તેનો તાગ મેળવવાના પ્રયાસની આ શરૃઆત હતી. આ યાનના કારણે સંશોધકોને હોંશ મળી હતી.
એપોલો પ્રોગ્રામ હેઠળ નાસાને અવકાશમાં સમાનવ યાન મોકલવાની તક મળી. જેના કારણે ચંદ્ર પર જ પછીથી પાંચ સમાનવ યાન મોકલાયા હતા. ૧૯૬૯થી લઈને ૧૯૭૨ સુધીમાં નાસાએ ચંદ્ર પર ૬ સમાનવ યાન મોકલ્યા હતા જેમાં ૧૨ માનવીઓ ચંદ્ર પર ચાલવા નસીબદાર બન્યા હતા. અમેરિકા અવકાશ વિજ્ઞાાનમાં વિશ્વભરમાં અવ્વલ બની ગયું. રશિયા સાથેની તેની અવકાશી સ્પર્ધા લગભગ પૂરી થઈ ચૂકી હતી.  એપોલો-૧થી શરૃ થયેલી સફર એપોલો-૧૭ સુધી લંબાઈ હતી. ચંદ્ર પર માનવજાતિએ પગ મૂક્યો એ ઘટનાએ પૃથ્વી માટે નવી ક્ષિતિજ વિસ્તારી દીધી હતી. ક્ષિતિજ વિસ્તારવા માટે પણ આ ઘટના હંમેશા હંમેશા માટે યાદગાર રહેશે.

ક્યા ક્યા અવકાશ યાત્રીઓ ચંદ્રની સપાટી સ્પર્શી શક્યા છે?
એપોલો-૧૧ના બે અવકાશ યાત્રીઓએ પહેલી વખત ૨૦ જુલાઈ ૧૯૬૯ના દિવસે ચંદ્ર પર પગલુ માંડયું એ પછીના ચાર વર્ષમાં બીજા ૧૦ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવા નસીબદાર રહ્યા હતા. અમેરિકાએ અવકાશમાં આણ પ્રવર્તે એ માટે સતત એપોલો પ્રોગ્રામ હેઠળ ચંદ્ર પર યાન મોકલ્યાં હતાં. જે અંતર્ગત એ જ વર્ષે નવેમ્બરમાં એપોલો-૧૨ યાન ચંદ્ર પર લેન્ડ થયું હતું. જેમાં ચાર્લ્સ કોનરેડ અને એલન બીન ચંદ્ર પર વિચર્યા હતા. ચાર્લ્સે ત્યાં જઈને નીલ આર્મસ્ટ્રોંગના પેલા વિખ્યાત વાક્ય 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે'ને યાદ કરીને કહ્યું હતું કે નીલ માટે ભલે આ વામન પગલું હોય, પરંતુ મારા માટે તો મેં મૂકેલું આ વિશાળ કદમ છે. ૧૯૭૦માં મોકલાયેલા એપોલો-૧૩માં ખામી સર્જાઈ હતી એટલે એ રીતે નાસાનું લગલગાટ ત્રીજું મિશન કરવાનું સપનું અધુરું રહી ગયું હતું. એપોલો-૧૩ અસફળ થવા છતાં અવકાશ યાત્રીઓનો જીવ બચી ગયો એટલા પૂરતું સફળ થયું તો કહેવાય જ.
 
ત્યાર પછી ૧૯૭૧ના જાન્યુઆરીમાં વધુ બે અવકાશ યાત્રીઓએ મૂન વોક કર્યું હતું. એલન શેફર્ડ અને એડગર મિશેલ ચંદ્ર પર ઉતર્યા એટલે મૂન વોક કરનારા અવકાશ યાત્રીઓની સંખ્યા ૬ થઈ હતી. આ બંનેએ તેમના પૂરોગામી અવકાશ યાત્રીઓ કરતા વધુ વખત ચંદ્રની સપાટી પર પસાર કર્યા હતા. એ બંને ૯ કલાક ૧૭ મિનિટ સુધી ચંદ્ર પર રહ્યા હતા.
અહીં સુધી પહોંચ્યા પછી ચંદ્ર પર પહોંચવું એ નાસા માટે રમત વાત બની ગઈ હતી. એપોલો-૧૪ મોકલ્યાના દોઢ જ વર્ષમાં એપોલો-૧૫, ૧૬ અને ૧૭ મોકલ્યા હતા. જેમાં બીજા ૬ અવકાશ યાત્રીઓ મૂન વોક કરવાની તક મળી હતી. એ ૬ અવકાશ યાત્રીઓ એટલે ડેવિડ સ્કોટ, જેમ્સ ઈરવિન, જ્હોન યંગ, ચાર્લ્સ ડયૂક, હેરિક્સન સ્કમિટ અને ઈ. કેરનાન.
ચંદ્ર યાનમાં નાસાએ પૈસાનું પાણી કરી દીધું હતું. વળી, અહીં સુધી પહોંચ્યા પછી સંશોધનના દ્રષ્ટિકોણથી તેમ જ અવકાશી સંશોધનના મામલામાં વિશ્વ ઉપર ધાક બેસાડવાના દ્રષ્ટિકોણથી પણ હવે વધુ યાન મોકલાવાનો અર્થ નહોતો રહ્યો. એ રીતે એપોલો-૧૭ છેલ્લું ચંદ્રયાન બની રહ્યું.

નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જઈને પ્રથમ વાક્ય ખોટું બોલ્યા હતા?
નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર મૂકતાની સાથે જે વાક્ય ઉચ્ચાર્યું હતું એ ખોટું હતું એવી ચોમેર ચર્ચા વર્ષો સુધી ચાલી હતી. હજુ પણ એ ઓડિયો વિશેના સંશોધનો થયા રાખે છે. તેઓ “That’s one small step for man, one giant leap for mankind,” વાક્ય બોલ્યા હતા. ચંદ્ર પર જવાનું નક્કી થયું પછી આ વાક્ય નીલ આર્મસ્ટ્રોંગે પહેલાથી જ તૈયાર કર્યું હતું. આ શબ્દો તૈયાર કરવામાં તેમને તેમની પત્નીએ મદદ કરી હતી. આ વાક્ય પછી તો બહુ જ વિખ્યાત થયું હતું, પણ તેમાં ભૂલ એ હતી કે “That’s one small step for man..માં  'a man' એવું હોવું જોઈએ એના બદલે તેઓ ફોર મેન એવું બોલ્યા હોવાનું સંભળાતું હતું. નાસાએ અને આર્મસ્ટ્રોંગે સતત 'a man' બોલ્યા હોવાનું કહેતા રહેતા હતા, પણ અંતે ઓડિયોના અભ્યાસ બાદ નવી ટેકનોલોજીના કારણે તેઓ 'a' બોલ્યા નથી એવા નિષ્કર્ષ પર સંશોધકો આવ્યા છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટથી લઈને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સુધીની ઘણી બધી સંસ્થાઓએ આ વાક્ય પર વિશ્લેષણ કર્યું છે. એ સેન્ટેન્સને લઈને આટલો બધો શોર શું કામ? જવાબ એટલો જ છે કે એ વાક્ય ખૂબ જ પ્રચલિત બન્યું હતું અને એટલે જ કદાચ તેના વિશે આટલું વિશ્લેષણ પણ થયું છે. નીલ આર્મસ્ટ્રોંગ એ વખતે શું બોલ્યા હતા એ અંગે ખૂદ એમણે અવઢવ અનુભવતા બાયોગ્રાફર-લેખક જેમ્સ હેન્સનને તેમણે કહ્યું હતું 'મારો ઈરાદો ખામીયુક્ત વાક્ય બોલવાનો ન જ હોય. કદાચ ઉત્સાહમાં મારું એ તરફ ધ્યાન ન પણ ગયું હોય એવું બને. પરંતુ મારો હેતુ સ્પષ્ટ હતો સમજદાર લોકો સારી રીતે જાણે છે' એક જ વાક્યને લઈને આટલું બધુ થયુ હોય એવું કદાચ છેલ્લા વર્ષોમાં આ એક જ ઉદાહરણ મળશે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -