Archive for February 2016

ગુરતેજ સંધુ : ૧૨૦૦ સંશોધનો ઉપર હક ધરાવતું ભારતીય નામ


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

એક સમયે સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકોમાં થોમસ એડિસનનું નામ બોલાતું હતું. વર્ષો સુધી તેમના નામે એ વિક્રમ રહ્યો પછી કેટલાક સંશોધકોએ એ વિક્રમ તોડીને એડિસનની આગળ પોતાનું નામ દર્જ કર્યું. એ યાદીમાં એક ભારતીય સંશોધકનું નામ પણ સામેલ છે.

ગુરતેજ સંધુએ ૧૨૦૦ કરતાં વધુ પેટન્ટ પર પોતાનું નામ કોતરાવ્યું છે. જેના પ્રતાપે તેમણે નામ-દામ બંને મેળવ્યાં છે. વિશ્વભરના ફળદ્રુપ સંશોધકોમાં તેઓ પહેલી હરોળમાં સ્થાન પામે છે.

થોમસ આલ્વા એડિસન દુનિયાના પહેલા એવા સંશોધક હતા, જેમણે પોતાનાં સંશોધનમાંથી માસ પ્રોડક્શન કરવાનો પરવાનો લીધો હતો. સંશોધક અને બિઝનેસમેન એવી બંને ઓળખ એકસાથે આપવી પડે એવું એ વિજ્ઞાાનજગતનું પહેલું નામ હતું. એ પહેલાં સામાન્ય રીતે એવો શિરસ્તો હતો કે વૈજ્ઞાાનિકો સંશોધન કરીને પોતાના નામની પેટન્ટ નોંધાવે પછી કોઈ બિઝનેસમેન એ હકો ખરીદીને પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ કરાવતા. પરિણામે કમાણી સંશોધકને ઓછી અને બિઝનેસમેનને વધુ થતી.
થોમસ એડિસન પહેલા એવા વિજ્ઞાાની હતા, જેમણે વિચાર્યું કે સંશોધન અને માસ પ્રોડક્શન બંને એક સાથે કેમ ન થઈ શકે? અને તેમણે એ બંને બાબતો સફળતાપૂર્વક કરી બતાવી. વળી, સંશોધન પણ ગણ્યું-ગાંઠયું નહીં,  માસ પ્રોડક્શનની જેમ માસ પેટન્ટ પર નામ નોંધાવ્યું. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ૧૦૮૦ પેટન્ટ પર થોમસ આલ્વા એડિસનનું નામ રજિસ્ટર થયું હતું.
અલગ અલગ દેશમાં રજિસ્ટર પેટન્ટની ગણતરી કરવામાં આવે તો તો ૨૩૦૦ પેટન્ટ પર હક હોવાનો એડિસનનો દાવો હતો. બિઝનેસમેન અને સંશોધક એમ બંને મોરચે એડિસનનો દબદબો હતો. એક તરફ તેમણે સંશોધન માટે ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોરેટરી બનાવી હતી, જેમાં ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટનું સંશોધન થતું. તો બીજી તરફ બિઝનેસમેનને છાજે એવા અંદાજથી માર્કેટમાં એ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવતા હતા. ૧૯૩૧માં એડિસનનું નિધન થયું ત્યારે સંખ્યાની દૃષ્ટિએ આટલી માતબર પેટન્ટ્સ પર હક ધરાવતો હોય એવો દુનિયામાં એક પણ સંશોધક ન હતો. અમેરિકાના જ્હોન એફ ઓ'કોનર પાસે બધું મળીને ૮૦૦-૯૦૦ નાના-મોટા હકો નોંધાયા હતા એટલે સૌથી નજીકના સંશોધક જ્હોન હતા. એ પછી આલ્બર્ટના નામે ૯૯૩ પેટન્ટ રજિસ્ટર થતાં એડિસનનો વિક્રમ તૂટશે એમ મનાતું હતું, પણ એ વિક્રમ ન તૂટયો. આ આલ્બર્ટ એટલે આઈન્સ્ટાઇન નહીં, પણ કેનેડાના વિજ્ઞાાની જ્યોર્જ આલ્બર્ટ.
એડિસનના મૃત્યુ પછી ઊભરેલા કેટલાય સંશોધકોએ એક હજારના આંકડાને પાર કરવાના પ્રયાસો કર્યા હતા, પણ એડિસનનો વિક્રમ આખી વીસમી સદી પૂરી થઈ છતાં અડીખમ હતો. આ વિક્રમ એડિસનના નિધન પછી ૭૨ વર્ષે તૂટયો. જાપાની સંશોધક-બિઝનેસમેન શૂનપેઇ યામાઝાકીએ એડિસનનો સૌથી વધુ પેટન્ટનો રેકોર્ડ ૨૦૦૩માં તોડયો. હવે ૭૪વર્ષીય યામાઝાકી એડિસનથી ક્યાંય આગળ છે. તેમના નામે ૪૩૦૦ કરતાં વધારે પેટન્ટ બોલે છે, પણ તેમ છતાં એ પહેલા નંબરે નથી.
પહેલો નંબર ૪૭૦૦ પેટન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયન વિજ્ઞાાની કિઆ સિલ્વરબૂ્રકના નામે છે. સિલ્વરબૂ્રકે ૨૦૦૮માં સૌથી વધુ પેટન્ટ ધરાવતા સંશોધકનો ખિતાબ યામાઝાકી પાસેથી મેળવી લીધો. ૫૮ વર્ષના સિલ્વરબૂ્રક સતત પેટન્ટ નોંધાવતા જાય છે એ જોતાં આગામી સમયમાં તેના નામનો વિક્રમ તોડવો મુશ્કેલ બની જશે. સૌથી વધુ પેટન્ટનો વિક્રમ તોડવાની દોડમાં એક ભારતીય સંશોધક પણ શુમાર છે. ૪૭ વર્ષના ભારતીય વિજ્ઞાાની ગુરતેજ સંધુ અત્યારે દુનિયાના પાંચ સૌથી વધુ પેટન્ટ ધારકોમાં પાંચમા નંબરે છે.
                                                                             ***
માતા-પિતાનો વિજ્ઞાાનનો વારસો ગુરતેજ સંધુને મળ્યો હતો. ઘરમાં વિજ્ઞાાનનું વાતાવરણ હતું એટલે બાળપણથી જ ગુરતેજ સંધુને વિજ્ઞાાન તરફ લગાવ બંધાયો. શાળામાં બીજા બધા વિષયો કરતાં તેમને ગણિત અને વિજ્ઞાાન વધારે આકર્ષે. માતા-પિતા વિજ્ઞાાન સાથે નાતો ધરાવતાં હતાં એટલે તેમની વિજ્ઞાાન-ગણિત તરફની રુચિ સહજ હતી, પણ ધીમેે ધીમે સમજાયું કે વિજ્ઞાાન કરતાં એન્જિનિયરિંગમાં તેમને વધુ મજા પડે છે. કોલેજમાં આવતા સુધીમાં તો તેમણે પોતાનો નિર્ણય ઘરમાં સંભળાવી દીધો : 'મેડિસીન સાથે કામ લેવાને બદલે મને ટેકનોલોજી સાથે કામ લેવાનું વધુ ફાવે છે એટલે ટેકનોલોજીમાં જ આગળ વધવું છે'. ઘરમાં એ નિર્ણયને સ્વીકારી લેવાયો અને એમ તેમણે આઈઆઈટી-દિલ્હીમાં એડમિશન લીધું.
'૯૦ના દશકમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આઈઆઈટી જેવી સંસ્થામાંથી બહાર નીકળીને મોટી નોકરીના સપનાં જોતાં હતાં ત્યારે સંધુએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની તૈયારી આદરી દીધી હતી. આઈઆઈટીમાંથી બહાર નીકળીને તેમને સિદ્ધિ છલાંગ અમેરિકામાં લગાવવી હતી. ઊજળો સ્ટડીટ્રેક અને સજ્જતાથી તેમને અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. અમેરિકામાં તેમણે ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં તો એકથી એક ચડિયાતી કંપનીઓ તેમને જોબ આપવા લાઈનમાં ઊભી હતી. સામાન્ય રીતે એકથી એક સારા વિકલ્પો હોય ત્યારે હોનહાર વિદ્યાર્થીઓ સૌથી મોટી કંપનીને પસંદ કરે છે, પણ ગુરતેજ સંધુએ તેનાથી વિપરીત કર્યું. મેમરી ચિપ્સ બનાવતી ટોચની ૧૫ કંપનીઓને બાજુ પર રાખીને આજથી અઢી દશકા પહેલાં સંધુએ ૧૬મા નંબરની કંપની માઇક્રોન પર પસંદગી ઉતારી.
મોટી કંપનીઓને બદલે છેક ૧૬મા નંબરની કંપનીને પસંદ કરવા અંગે એક વખત તેમણે કહ્યું હતું એમ પીએચ.ડીના પ્રોફેસર અને મેન્ટર ડબલ્યુ કે ચૂએ તેમને આવો નિર્ણય લેવા માટે સમજાવ્યું હતું. પ્રોફેસરનો તર્ક હતો કે મોટી કંપનીમાં ઊંચા હોદ્દે બેસી જવાશે, પરંતુ તેમાં નવા સંશોધન સામે અનેક મર્યાદાઓ હશે. જેમ કંપની મોટી હશે એમ આપમેળે સંશોધન કરવાની તક ઘટતી જશે. કંપની માર્કેટમાં વર્ચસ્વ ધરાવતી હશે એટલે તેની પ્રોડક્ટમાં ધરખમ ફેરફાર કરવાના પક્ષમાં ક્યારેય નહીં હોય. જો કામ કરવું હોય અને વિકસવું હોય તો બજારમાં જગ્યા કરી રહેલી કંપની પસંદ કરવી જોઈએ કે જેમાં સંશોધનનો ભરપૂર અવકાશ હોય.
પ્રોફેસરની સલાહને માન્ય રાખીને સંધુએ એ સમયે વિકસી રહેલી; મેમરી માઈક્રોચિપ્સ બનાવતી કંપની માઇક્રોનમાં નોકરી સ્વીકારી. જેવા સંશોધનની ધારણા માટે તેમણે માઇક્રોન પર પસંદગી ઉતારી હતી એવું સંશોધન કરવાનો તેમને ભરપૂર અવકાશ પણ માઇક્રોનમાં મળ્યો.
અને એમ શરૃ થઈ તેમની એક પછી એક પેટન્ટના સંશોધનની સફર...
                                                                       ***
'નવા વિચાર માટે દિન-રાત લેબોરેટરીમાં જ રહેવાની જરૃર નથી પડતી. અચાનક દિમાગમાં વિચાર ઝબકી જાય પછી લેબોરેટરી તો એને ડેવલપ કરવાનું કામ કરે છે. મને અહીં પૂરતી મોકળાશ મળે છે એટલે નવા નવા વિચાર પર સંશોધન કરું છું અને મહેનતને અંતે પરિણામ પણ મળે છે એટલે પેટન્ટનું લિસ્ટ લાંબું થતું જાય છે.' અઢળક ક્રિએટિવ વિચારો અને તેના પછી થતી મહેનતને ગુરતેજ સંધુ થોડા શબ્દોમાં  જ વર્ણવી દે છે. તેમનું પ્રદાન કંપની માટે અને માઇક્રોચિપ્સ ઈન્ડસ્ટ્રી માટે બહુ મહત્ત્વનું છે. માઇક્રો-ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીની અઢળક પ્રોડક્ટના તેઓ પાયોનિયર ગણાય છે. નિતનવા પ્રયોગો કરીને નવા નવા પદાર્થમાંથી તેમણે બનાવેલી માઇક્રોચિપ્સ ટિકાઉ અને સસ્તી હોવાના કારણે માત્ર માઇક્રોન કંપની જ નહીં, પરંતુ તેની હરીફ કંપનીઓ પણ હક ખરીદીને તેનું પુષ્કળ પ્રોડક્શન કરે છે.
ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના એન્જિનિયર તરીકે કંપનીમાં જોડાયેલા ગુરતેજ સંધુ અત્યારે માઇક્રોન કંપનીમાં એડવાન્સ ટેકનોલોજીના ડિરેક્ટર છે. આવડતના બળે તેમણે ઈજનેરથી ડિરેક્ટર બનવા સુધીની લાંબી સફર તય કરી છે. કંપની બજારમાં જે નવી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે તેની તમામ જવાબદારી ગુરતેજ સંધુની રહે છે. કંપનીમાં થતાં સંશોધનો સીધા તેમની નિગરાની હેઠળથી પસાર થાય છે. આટલા બિઝી રહેવા છતાં સતત આવતા ક્રિએટિવ વિચારો પર સમય કાઢીને કલાકો સુધી તેઓ કામ કરે છે, પરિણામે આજે સ્માર્ટફોનથી લઈને મ્યૂઝિક પ્લેયરમાં કામ આવતી મેમરીચિપની જુદી જુદી કેટલીય પ્રોડક્ટ્સ પર ગુરતેજ સંધુનું નામ નોંધાઈ ચૂક્યું છે. ૪૭ વર્ષના આ સંશોધકે છેલ્લાં ૨૦-૨૨ વર્ષમાં ૧૨૦૦ કરતાં વધુ પેટન્ટ પર પોતાનું નામ કોતરાવ્યું છે. આ પેટન્ટના પ્રતાપે તેમણે નામ-દામ બંને મેળવ્યાં છે. વિશ્વભરમાં ફળદ્રુપ દિમાગના સંશોધકોમાં તેઓ પહેલી હરોળમાં સ્થાન પામે છે. ગુરતેજ સંધુ સંખ્યાત્મક રીતે આપણા દેશમાં સૌથી વધુ પેટન્ટ ધરાવતા વિજ્ઞાાની છે અને વિશ્વના ટોચના પાંચ પેટન્ટ ધારકોમાં તેમનું નામ શુમાર થાય છે.
થોમસ આલ્વા એડિશનનો વિક્રમ તો તેમણે ક્યારનોય તોડી નાખ્યો છે. એક જાપાનના અને એક કેનેડાના એમ બે સમવયસ્ક વિજ્ઞાાનીઓને પણ તેમણે પાછળ રાખી દીધા છે. હવે ગુરતેજ સંધુથી આગળ ચાર સંશોધકો છે. ચારમાંથી ત્રણ સંશોધકો હજુ એક્ટિવ છે, પણ એ તમામ સંશોધકો કરતાં ઓછી વય ગુરતેજ સંધુનું જમા પાસું છે. ભારતીય સંશોધક તરીકે તેમના નામે 'મોસ્ટ પ્રોલિફિક ઈન્વેન્ટર' તરીકેનો ખિતાબ હોય તો એ ભારત માટે ગૌરવની વાત લેખાશે.
Sunday 28 February 2016
Posted by Harsh Meswania
Tag :

માતા-પિતાની જુદી જુદી માતૃભાષા હોય તો બાળકની માતૃભાષા કઈ કહેવાય?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

માતૃભાષા દિવસે વાત કરીએ સતત વિકસી રહેલી 'બાઈલિંગ્વલ' કલ્ચર યાને દ્વિભાષીયતાની. જુદી જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતાનાં સંતાનો માતા અને પિતા બંનેની ભાષા જાણતાં હોય છે,  પણ તેની સામે મુશ્કેલી એ ઊભી થાય છે કે માતૃભાષા કોને કહેવી? કોઈ એકને? બેમાંથી એકેયને નહીં? કે પછી બંનેને?

બીજા વિશ્વયુદ્ધ પછીનો કોઈ એક દિવસ. બે બાળકો પરીક્ષકો સામે મૌખિક પરીક્ષા આપવા બેઠા છે. પરીક્ષા શરૃ થવાની હોય એ પહેલાંનો ડર બંનેના ચહેરા ઉપર કળી શકાય છે. પરીક્ષકોની આખોમાં પણ ગૂંચવણ છૂપી રહેતી નથી. એ પરીક્ષા બંને બાળકોની માતૃભાષા નક્કી કરવા માટે લેવાઈ રહી હતી. ભાષાશાસ્ત્રીઓ પરીક્ષા પછી બાળકોની માતૃભાષા નક્કી કરવાના હતા.
પરીક્ષા શરૃ થઈ. ભાષાનિષ્ણાતોના આશ્વર્ય વચ્ચે પાંચ-સાત વર્ષનાં એ બંને બાળકો બબ્બે ભાષા એકસરખી રીતે જાણતાં હતાં. માતૃભાષામાં હોવી જોઈએ એટલી પક્કડ આ બંને બાળકોની બબ્બે ભાષા પર હતી. આ પહેલાં આવું બન્યું નહોતું એમ નહોતું, પરંતુ ઘણાખરા કિસ્સામાં માતા-પિતા કે પરિવારજનો બાળકની માતૃભાષા નક્કી કરી નાખતાં. બે ભાષા આવડતી હોય તો પણ કોઈ એકને પ્રાથમિકતા આપીને મામલો પૂરો થઈ જતો, પણ અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણતાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટના કિસ્સામાં બબ્બે ભાષા માતૃભાષા હોવાનો દાવો કરાયો હતો અને એ દાવાને માન્ય પણ રખાયો. એ બંનેએ બેય ભાષા ઉપર સંતુલિત ક્ષમતા સિદ્ધ કરી હતી. વિશ્વનો એ પહેલો કિસ્સો હતો અને જન્મથી બબ્બે ભાષા શીખતાં બાળકોના કિસ્સાની એ નવી શરૃઆત હતી.
૨૦ સદીના મધ્યાહ્ને બે અલગ અલગ દેશના જુદી જુદી ભાષા ધરાવતાં યુગલો વચ્ચે લવમેરેજનો નવો ટ્રેન્ડ શરૃ થયો હતો, પરિણામે ભવિષ્યમાં બાળકોની માતૃભાષા અંગે મૂંઝવણ પણ થવાની હતી: બાળક જેના પ્રથમ પરિચયમાં આવે છે; એ માતા શીખવે તે બાળકની માતૃભાષા કહેવાય કે પિતાની ભાષાને? કે બેમાંથી એકેય નહીં? કે પછી બંનેને?
                                                                               ***
ધારો કે, ભારતીય યુવક જાપાની યુવતીને પરણીને અમેરિકા સ્થાયી થાય તો ભારતીય યુવકની હિન્દી, જાપાની યુવતીની જાપાનીઝ અને અમેરિકા સ્થાયી થયા છે એટલે અંગ્રેજી એમ ત્રણ ભાષાનો બાળક પર પ્રભાવ પડે. અમેરિકા રહેવાનું હોય એટલે અંગ્રેજી તો જાણે જરૃરી છે, સ્થાનિક માહોલના કારણે બાળક એ સહેલાઈથી શીખી ય જશે, પણ પછી જો એ પિતાની માતૃભાષા હિન્દી પણ શીખે અને માતાની માતૃભાષા જાપાનીઝ પણ શીખે ત્યારે પ્રશ્ન ઊઠે કે બાળકની માતૃભાષા કોને કહેવી?
માતૃભાષા એટલે માતૃભૂમિની ભાષા. પિતાનું વતન ભારત હોય અને બાળકને સામાન્ય રીતે પિતાનો વારસો મળતો હોય છે એ જોતાં તેની માતૃભાષા હિન્દી થવી જોઈએ. તો માતાની ભાષાનું શું? આ સવાલો દુનિયાને તો થતા થશે, સમજણા થયા પછી બાળકને ખુદને આ સવાલો સતાવે છે. જુદી-જુદી માતૃભાષા ધરાવતા માતા-પિતાનાં સંતાનો ઘણી વખત માતૃભાષા અંગેની ગ્રંથિથી પીડાવા લાગે છે. આવા કિસ્સાઓમાં માતા-પિતા સમજૂતીથી બાળકને કોઈ એક ભાષા શીખવાડીને નિવેડો લઈ આવતાં હોય છે.
વિદેશમાં રહેતાં માતા-પિતા બંનેની ભાષા ન શીખવાડીને જે જરૃરી છે એ અંગ્રેજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ જ્યારે એક જ દેશમાં રાજ્યો પ્રમાણે ભાષાનું વૈવિધ્ય હોય અને તેમાં બે રાજ્યોના જુદી જુદી ભાષા ધરાવતા યુગલો લગ્ન કરે પછી બાળકની માતૃભાષા કઈ એ સવાલ ઊઠયા વગર રહેતો નથી. ગુજરાતી યુવક બંગાળી યુવતી સાથે લગ્ન કરે તો બંનેના પરિવારજનોનો આગ્રહ ઘણી વખત બાળકને બબ્બે ભાષા શીખવા તરફ દોરી જાય છે. યુવકનાં પરિવારજનો બાળકને ગુજરાતી શીખવવા આતુર હોય અને યુવતીને ય પોતાના સંતાનને બંગાળી શીખવવાની ઝંખના તો હોય જ. વળી, એમાં હિન્દી અને અંગ્રેજી ભળે એટલે બાળકને ચાર-ચાર ભાષા શીખવાની થાય!
વિદેશમાં વસીને ય પોતાની ભાષાને જીવંત રાખવા મથતાં માતૃભાષાપ્રેમી માતા-પિતાને પોતાને જ ઘણી વખત એ મંજૂર નથી હોતું કે સ્થાયી થયા છે એ દેશની ભાષા જ બાળક શીખી લે અને પોતાનો વારસો ભુલાવી દે! આ સ્થિતિમાં બબ્બે કે ત્રણ-ત્રણ ભાષા બાળકને શિખવાડાય છે. એકથી વધુ ભાષાના કલ્ચરને ભાષાશાસ્ત્રીઓ બાઈલિંગ્વલિઝમ કહે છે. ગુજરાતીમાં જેને દ્વિભાષીયતા કહેવાય. એટલે કે બબ્બે ભાષા ઉપર પેલાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટની જેમ એકસરખી પક્કડ ધરાવવી.
બેથી વધુ ભાષા માટે મલ્ટિલિંગ્વલિઝમ પણ જાણીતો શબ્દ છે. માતા-પિતા પોત-પોતાની સંસ્કૃતિ માટે પોતાની ભાષા શીખવે છે અને પછી બાળક અંગ્રેજી જેવી અનિવાર્ય ભાષા તો શીખે જ શીખે. પરિણામે બે કે તેથી વધુ ભાષા સાથે બાળકને કામ પાર પાડવાનું થાય છે. કોઈ એકને ફર્સ્ટ લેંગ્વેજનો દરજ્જો મળે, બીજી ભાષાને સેકન્ડ લેંગ્વેજનો અને અમેરિકા-બ્રિટનમાં રહેતાં હોય તો ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અનિવાર્ય બની જાય. ઘણા દેશોમાં મધર ટંગ અને ફર્સ્ટ લેંગ્વેજને અલગ અલગ નામ આપીને માતા-પિતા બંનેની ભાષાને માતૃભાષાના ખાનામાં સમાવી લેવાતી હોય છે. એટલે કે જુદી-જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતા અને દુનિયાએ મળીને બાળકની માતૃભાષા કઈ? તેના ઉકેલરૃપે બાઈલિંગ્વલિઝમ કે મલ્ટિલિંગ્વલિઝમ શબ્દો શોધી કાઢ્યા છે.
પરંતુ શું બાળકને આટલી ભાષાનો બોજ આપવો જોઈએ?
                                                                                   ***
આજે વિશ્વમાં કુલ બાળકોમાંથી ૧૯ ટકા બાળકો બાઈલિંગ્વલ છે. બાળવયથી જ બબ્બે ભાષા બોલતાં બાળકોની સંખ્યા સતત વધવા માંડી છે. આંકડો હજુ ય મોટો થશે. નિષ્ણાતો પેરેન્ટ્સને શિખામણ આપે છે કે શક્ય હોય તો બાળકને બબ્બે ભાષા શિખવાડો. માત્ર બોલતાં જ નહીં, લખતાં અને વિચારો વ્યક્ત કરવા જેટલી સજ્જતા ધરાવે એટલી ઊંડાણથી બાળકને બબ્બે કે ત્રણ ભાષા શીખવવાની તરફેણ ભાષાશાસ્ત્રીઓ કરે છે. અભ્યાસોના અંતે તારણ નીકળ્યું છે કે બાળક ઉપર બબ્બે ભાષા શીખવાનો કોઈ જ બોજ નથી હોતો. ૧૦ વર્ષ સુધી બાળક એકથી વધુ ભાષા મુશ્કેલી વગર શીખી જશે અને એમાં પણ ૭ વર્ષ સુધી તો શ્રેષ્ઠ સમય છે. શબ્દો શરૃઆતમાં સેળભેળ થશે, પણ પછી બાળક જાતે જ તેને અલગ તારવશે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે બબ્બે ભાષા જાણતાં બાળકોનો બૌદ્ધિક વિકાસ એક ભાષા જાણતાં બાળકો કરતાં વધારે થાય છે.
એક જ ભાષા શીખવાની હોય ત્યારે અંગ્રેજીને પ્રાથમિકતા આપીને માતૃભાષાને સ્કિપ કરી દવાનો રવૈયો અપનાવાતો હોય છે, પણ તેનાથી ઊલટું વિશ્વમાં અત્યારે બાઈલિંગ્વલિઝમનો ટ્રેન્ડ છે. બાળક ઘરમાં દાદા-દાદી-નાના-નાની સાથે તેમની ભાષામાં અને શાળામાં શિક્ષકો સાથે શિક્ષકોની ભાષામાં કમ્યુનિકેશન કરે છે અને છતાં સહેજ પણ અસહજતા મહેસૂસ નથી કરતો. અલગ અલગ માતૃભાષા ન હોય એવાં કેટલાંય પેરેન્ટ્સ ગુજરાતમાં રહીને પણ માત્ર એ જ કારણે માતૃભાષા લખતાં નથી શિખવતા કે બાળક ઉપર નાહકનો બબ્બે ભાષાનો બોજ આવશે! જ્યાંથી આ સમસ્યાનો ઉદ્ભવ થયો હતો એણે જ તેનું સમાધાન પણ કર્યું છે કે કોરી પાટીમાં જે લખવું હોય એ લખો તેનાથી બાળકને ખાસ કંઈ બોજો નહીં આવે. બાળકની ક્ષમતા આપણા પૂર્વગ્રહ કરતાં ઘણી વધારે છે એ સંશોધનોથી સિદ્ધ થઈ ચૂક્યું છે!
એક સમયે એમ કહેવાતું કે બાળક માતૃભાષા સરખી રીતે શીખી નહીં શકે તો બીજી ભાષા કઈ રીતે શીખશે? ત્યારે બીજી ભાષા શીખવા માટે માતૃભાષા શીખવી જરૃરી હતી. ત્યારે ભારતમાં શિક્ષણનું પ્રમાણ અને સામાજિક રચના જોતા એ વાત એકદમ સાચી પણ હતી. ત્યારે બાળકના શિક્ષણનો બધો આધાર શાળાના શિક્ષકો પર જ રહેતો. હવે સમય બદલાયો છે. આજનાં પેરેન્ટ્સ પૂરતાં એજ્યુકેટેડ અને સજ્જ છે કે બાળકને ઘરે પણ ભણાવી શકે. માતા-પિતા બંનેની ભાષા અલગ હોય અને શાળા-કોલેજમાં અભ્યાસની ભાષા પણ અલગ હોય ત્યારે કોઈ એક ભાષા શીખીને બીજી ભાષા શીખવાની રાહ જોવાની જરૃર નથી. બંને ભાષા એક સાથે શું કામ ન શીખવી શકાય?
વેલ, વોટ યુ સે? માતા-પિતાની માતૃભાષા અલગ અલગ હોય ત્યારે બાળકની માતૃભાષા કઈ કહેવાય? બંનેમાંથી એકેય નહીં કે બંને? તમે જુદી જુદી માતૃભાષા ધરાવતાં પેરેન્ટ્સ હો તો પોતાના સંતાનના માતૃભાષાના ખાનામાં શું ભરવાનું પસંદ કરો?
Sunday 21 February 2016
Posted by Harsh Meswania
Tag :

સીરિયાના આતંકી અજંપા વચ્ચે પાંગરેલી પ્રેમકથા


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

એક એવી લવસ્ટોરી જેમાં પહેલી નજરના પ્રેમની મુગ્ધતા ય છે અને અનુભવથી આવેલું શાણપણ પણ. જુદાઈનો ઝૂરાપો ય છે અને મિલનની મહેકતી ક્ષણ પણ. પ્રેમ મેળવવા દુનિયા સામે લડવાનું ઝનૂન ય છે અને લડીને વિજેતા થનારા યોદ્ધાને છાજે એવો હેપ્પી એન્ડ પણ...
--

કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા

આ પ્રેમકથાની શરૃઆત ૨૦૦૯થી થાય છે. ૨૫ વર્ષની રઝાન અલઅકારા નામની ૨૫ વર્ષની યુવતી લંડનમાં ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. તેનો જન્મ અને ઉછેર લંડનમાં જ થયો હતો. તેના માતા-પિતા ૧૯૮૦માં સીરિયાથી લંડન સ્થાઈ થયાં હતાં. સીરિયાનું હોમ્સ શહેર તેના પિતાનું મૂળ વતન. હોમ્સ શહેરમાં વિશાળ અલઅકારા પરિવાર રહેતો હોવાના કારણે વર્ષે-બે વર્ષે રઝાનના પિતા આખા પરિવાર સાથે હોમ્સની મુલાકાત લેતા. આવી જ એક મુલાકાત વખતે ૨૦૦૯માં રઝાનની મુલાકાત અહેમદ અલહમીદ સાથે થઈ.
અહેમદ ડોક્ટર હતો. દમાસ્કસની મેડિકલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે સાથે હોસ્પિટલમાં નોકરી પણ કરતો હતો. તે હોમ્સના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો હતો. પરિવારની પ્રતિષ્ઠા પ્રમાણે અહેમદ પણ મેડિકલનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સીરિયાનો વિખ્યાત તબીબ બનાવાના ખ્વાબ જોતો હતો.
રઝાન અને અહેમદ બંને એક પરિવારના વિશાળ સર્કલનો ભાગ હતાં. જ્યારે પારિવારિક પ્રસંગે બંને મળ્યાં ત્યારે રઝાનને જોતાની સાથે જ અહેમદને પ્રેમ થઈ ગયો, પહેલી નજરનો પ્રેમ. રઝાન તેના દિલમાં આરપાર ઉતરી ગઈ. મારકણી આંખો ધરાવતી સ્માર્ટ, નમણી રઝાન અહેમદના દિલમાં મીઠો ઉઝરડો પાડતી ગઈ. અહેમદને થયું કે રઝાનના પ્રેમ સિવાય દિલમાં પડેલો મીઠો ઉઝરડો ક્યારેય નહીં ભરાય!
રઝાન ફરી લંડન જતી રહે એ પહેલા અહેમદે પોતાના પરિવાર મારફતે રઝાનના પરિવાર સુધી પોતાની લાગણી પહોંચાડી. હોમ્સમાં રહેતા રઝાનના પરિવારે વળી રઝાનના માતા-પિતાના કાને વાત નાખી ને એમ અહેમદના એકતરફી પ્રેમની વાત રઝાન સુધી પણ પહોંચી. રઝાને અહેમદના દિલની હૂંફાળી ખ્વાહિશો પર ઠંડું પાણી રેડું દીધું! અધૂરો અભ્યાસ આગળ વધારવો છે એમ કહીને વાતને ટાળી દીધી. અહેમદની એકતરફી પ્રેમકથા અહીં જ અટકી પડી.
                                                                            ***
૨૦૧૧માં હોમ્સ શહેર આતંકી સકંજામાં આવી ગયું. હજારો લોકો ઘાયલ થતાં હતાં અને તેની બચાવની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હતી. હુમલાખોરોથી બચીને ઘણા ઈજાગ્રસ્તોને ગુપ્ત સ્થળોએ સારવાર અપાતી હતી. ડોક્ટર હોવાના નાતે મરિઝોની સારવાર કરવી એને પોતાનો પહેલો ધર્મ સમજીને અહેમદ એ બચાવ પ્રવૃત્તિમાં જોડાયો. ક્યારેક હોમ્સમાં રહેતા રઝાનના પરિવારજનો પાસેથી લંડન સ્થિત રઝાન વિશે માહિતી મેળવી લેતો.
બીજી તરફ પિતાના મૂળ વતન સીરિયાની વિકટ સ્થિતિમાં સીરિયન લોકો માટે ચાલતી મદદની પ્રવૃત્તિમાં યથાયોગ્ય મદદ કરવાના આશયથી ૨૦૧૨માં રઝાન મીડિયાહાઉસ માટે કામ કરવા લાગી. સીરિયાથી આવતા વીડિયો જોઈને અરેબિકમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરી આપવાનું અને અંડરગ્રાઉન્ડ ચાલતી હોસ્પિટલ્સમાં કાર્યરત તબીબોના ઈન્ટરવ્યૂ કરીને તેને આધારે અંગ્રેજી સ્ક્રિપ્ટ તૈયાર કરી આપવાનું કામ રઝાન કરતી.
એક દિવસ અહેમદ જે હોસ્પિટલમાં કામ કરતો હતો એ જ હોસ્પિટલની કામગીરીના એક વીડિયો પર રઝાન કામ કરી રહી હતી. તેના ધ્યાનમાં એક જાણીતો ચહેરો આવ્યો. એ અહેમદ હતો. રઝાન આમ તો એ અંડરગ્રાઉન્ડ હોસ્પિટલની વિગતો વારંવાર લેતી રહેતી, પણ ક્યારેય એના વીડિયોઝમાં અહેમદ દેખાયો ન હતો.
પ્રતિષ્ઠિત-સંપન્ન પરિવારો તો ક્યારના પૈસાના જોરે હોમ્સ મૂકીને અન્યત્ર સ્થાઈ થવા લાગ્યા હતા. એવા જ સંપન્ન પરિવારમાંથી આવતો હોવા છતાં અહેમદે લોકસેવાનો આ કઠિન માર્ગ પસંદ કર્યો એ જાણીને રઝાનને અહેમદમાં એક લાગણીશીલ ઈન્સાનના દર્શન થયા. રઝાનને જાણવા મળ્યું કે અહેમદના પિતા અને તેની બહેન આતંકી હુમલાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. રઝાને જૂની ઓળખાણના આધારે અહેમદને મેસેજ કરીને પિતા-બહેનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો અને એમ બંને વચ્ચે ત્રણ-ચાર વર્ષ પહેલા તૂટી ગયેલો સંપર્કસેતુ ૨૦૧૨માં ફરી સધાયો.
મેડિકલમાં સમાન રુચિ હોવાથી થોડા સમયમાં બંને સારા મિત્રો ય બની ગયા. હોમ્સ અને લંડનની રૃટિન જિંદગી વિશે વાત કરતા, પોતાના જીવનમાં આવેલા સુખ-દુઃખ શેર કરતા, સતત એક બીજાની વાતો સાંભળતા, એક બીજાને વાતો કરતા. લાઈક-ડિસલાઇક્સથી પરિચિત થયા પછી ફરી વખત અહેમદે ડિસેમ્બર ૨૦૧૨માં દિલની વાત રઝાનને કરી જોઈ. અહેમદ રઝાનને લગ્ન કરવાનું કહેતો હતો, પરંતુ રઝાન એમ ઉતાવળ કરવાના પક્ષમાં નહોતી. રઝાને લગ્નની પ્રપોઝલ પેન્ડિંગ રહેવા દીધી અને અહેમદ સામે મળવાનો પ્રસ્તાવ મૂક્યો. ફેબુ્રઆરી-૨૦૧૩માં બંને લેબેનોનમાં મળ્યાં.
એ મુલાકાતમાં અહેમદ પ્રત્યે રઝાનને પણ લાગણી જન્મી. સીરિયાના વિગ્રહ વચ્ચે લોકોની ફિકર કરતો અહેમદ તેને દિલમાં ઉતરી ગયો. તેનો પ્રેમાળ સ્વભાવ અત્યાર સુધી માત્ર દૂરથી અનુભવ્યો હતો, મુલાકાત પછી તેનો સાક્ષાત્કાર પણ થયો. રઝાનને લાગ્યુ કે ઘરથી હજારો કિલોમીટર દુર પણ તેને કોઈ સમજે છે. રઝાનના સપના રઝાનના નહીં પણ અહેમદ-રઝાનના સહિયારા હોય એમ અહેમદે પોતાપણું દાખવ્યું હતું. રઝાન પીગળી ગઈ. બંનેએ એકબીજા માટેની લાગણીનો એકરાર કર્યો અને સગાઈના પ્રેમપાશથી બંધાવાનું નક્કી કર્યું.
અહેમદ સીરિયા પાછો ફર્યો અને રઝાન લંડન જતી રહી. રઝાને લંડન જઈને સગાઈ માટે પિંક ડ્રેસ ખરીદ્યો અને અહેમદ સગાઈની તારીખ અરેન્જ કરવામાં લાગ્યો. પણ બંનેના ભાગ્યની રેખામાં હજુ એક થવાનું લખ્યું ન હતું. હજુ ઘણી લાંબી દૂરી લખાયેલી હતી. બંનેએ એકબીજાના વિરહમાં ઝૂરવાનું બાકી હતું, એકબીજા માટે રાતોના ઉજાગરા કરવાના બાકી હતા, એકબીજા માટે રડી રડીને આંસુની ખારાશ પીવાની બાકી હતી. બંનેએ એક થતા પહેલા જુદાઈનું આખું પ્રકરણ આલેખવાનું હતું. બંનેએ પ્રેમની આકરી પરીક્ષા આપવાની બાકી હતી. બે પ્રેમીજનો વચ્ચે દુનિયા અવરોધ ઊભો ન કરે એવું તો બને જ શાનું? 
                                                                             ***
એ જ અરસામાં રઝાનના કાકા અને તેનો પિતરાઈ ભાઈ આંતકવાદી હુમલાનો ભોગ બન્યા. કાકા-કઝિનના મૃત્યુ પછી સગાઈની વાત થોડા સમય માટે પાછી ઠેલાઈ એ દરમિયાન ફરી એક નવો વળાંક આવ્યો. અહેમદ ગુપ્ત રીતે ચાલતી હોસ્પિટલમાં રાતપાળી કરતો અને દિવસે અધૂરો રહેલો અભ્યાસ કરતો. બે અલગ અલગ પ્રાંતમાં તેની આવજા રહેતી અને એ બંને પૈકી એક ઉપર સરકારી કબજો હતો, બીજા ઉપર આતંકવાદીઓનો. બંનેમાં પ્રવેશ માટે તેને બબ્બે ઓળખકાર્ડ રાખવા પડતા. ઘાયલોની સારવાર કરવા માટે તેણે આ બેવડી ભૂમિકા સ્વીકારી લીધેલી. અહેમદે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
અહેમદ મુશ્કેલીમાં મૂકાઈ જશે એવો અંદેશો રઝાનને આવી ગયો હતો એટલે એ દિવસ-રાત અહેમદની ફિકર કરતા મેસેજ-કોલ કરતી રહેતી. એક દિવસ એ અંદેશો સાચો પણ પડયો. નવેમ્બર ૨૦૧૩ના એક વીકએન્ડમાં રઝાન ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ હતી એ જ સમયગાળામાં અહેમદના ફોનકોલ્સ અને મેસેજ આવતા બંધ થઈ ગયા. રઝાન દિવસમાં અસંખ્ય વાર ફોન કરતી. સતત મેસેજ કરતી. છેક સવારે પાંચ પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રહીને મોબાઇલ સામે તાક્યા કરતી. દિવસે નોકરી કરતી અને આખી રાત રડી રડીને અહેમદની ચિંતામાં વીતાવતી.
બીજી તરફ અહેમદને સીરિયાની ગુપ્તચર સંસ્થાએ શકમંદ તરીકે પકડયો હતો. આતંકીઓના કબજા હેઠળના વિસ્તારમાં તેની આવજા પર સીરિયન સરકારની નજર હતી. આતંકવાદી જૂથનો સભ્ય ગણીને તેના ઉપર આકરો સિતમ ગુજારાયો. ૪-૫ મહિના સુધી તેના પર શારીરિક-માનસિક ત્રાસ અપાયો. છેક પાંચ મહિના પછી રઝાને અહેમદનો અવાજ સાંભળ્યો.
અહેમદ પર વિવિધ આરોપસર કેસ ચાલતા હતા તેમાં તો તે હેમખેમ પાર ઉતર્યો, પણ એ હવે હતાશામાં સરી પડયો હતો. નિસ્તેજ થઈ ચૂક્યો હતો અને જીવન જીવવાની હામ ખોઈ ચૂક્યો હતો. જે અહેમદને રઝાન ઓળખતી હતી, જે અહેમદને તેણે લાઈફ પાર્ટનર પસંદ કર્યો હતો, જે અહેમદની સેવાપ્રવૃત્તિ માટે તેના દિલમાં સન્માન હતું, એ અહેમદ ક્યાંક ખોવાઈ ગયો હતો. એક તબક્કે તો અહેમદને છોડી દેવા પરિવારજનોએ રઝાનને સમજાવી જોઈ. પણ રઝાન અહેમદને દુનિયા કરતા વધુ જાણતી હતી. તેને એ ખબર હતી કે આ અહેમદ એ નથી જેને એ ઓળખતી હતી, તો જેને ઓળખતી હતી એ અહેમદને તે પાછી લાવીને જ રહેશે. અતડા રહેવા લાગેલા અહેમદ સાથે તેણે ફરીથી બધુ પૂર્વવત્ કરવા માંડયું. તેને સીરિયા છોડીને લેબેનોન જવા મનાવી લીધો. લેબેનોનમાં તેણે શરણાર્થી તરીકે સમય વીતાવવા માંડયો. લગભગ વર્ષે-દોઢ વર્ષે અહેમદ ફરીથી ટ્રેક પર આવતો જણાયો. શારીરિક-માનસિક ત્રાસથી તદ્ન વિખેરાઈ ગયેલા માણસને પ્રેમ આપીને રઝાને ફરીથી જીવતો કર્યો હતો અને એ પણ હજારો કિલોમીટર દૂર રહીને!
સીરિયન નાગરિકને બ્રિટનનું નાગરિકત્વ અપાવવું એ અત્યારે કપરું કામ છે, પરંતુ રઝાને ચાન્સ લેવાનું નક્કી કર્યું. તેણે અહેમદ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અહેમદે સહમતિ આપી પણ આવનારી મુશ્કેલીથી બંને વાકેફ હતાં. લેબેનોનમાં ઈસ્લામિક રસમથી લગ્ન થયા પછી બ્રિટિશ નાગરિક હોવાના કારણે રઝાને અહેમદના વિઝા માટે અપ્લાય કરાવ્યું. લાંબી અને થકાવી નાખતી પ્રોસેસના અંતે એક દિવસ અહેમદને વિઝા મળી ગયા.
૨૦૧૬ના જાન્યુઆરીમાં જે દિવસે અહેમદ લેબોનોનથી લંડનની ફ્લાઇટમાં બેઠો એ આખી રાત રઝાન સૂઈ નહોતી શકી. તેને હજુ ય કંઈક અણધાર્યો વળાંક આવવાનો ડર હતો. અહેમદ લંડનના એરપોર્ટ પર ઉતરે એની કેટલીય કલાકો પહેલા રઝાન એરપોર્ટ ઉપર આવીને તેની રાહ જોતી બેસી ગઈ હતી. લંડનના એરપોર્ટ ઉપર કોઈ ડ્રામા ન થયો. સિક્યુરિટીની પ્રોસેસ પૂરી કરીને અહેમદ જેવો અંદર આવ્યો કે રઝાન તેને વળગી પડી. કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર તેને જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા. કેમ ન ભીંજાય? તીવ્ર વળાંક લેતી ડ્રામેટિક કહાનીનો હેપ્પી એન્ડ જો આવ્યો હતો!

Sunday 14 February 2016
Posted by Harsh Meswania
Tag :

સાયબર ક્રાઇમ સેલ : સશક્ત ચોર સામે કામ કરતું અશક્ત તંત્ર!

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ભારતમાં ઓનલાઇન ગુનાખોરીનું પ્રમાણ ભયનજક રીતે વધી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવાથી લઈને ઓનલાઇન છેતરપીંડી સુધી વધી રહેલા સાયબર ક્રાઇમ રોકવા કામ કરતું તંત્ર ભારતીય સાયબર ક્રાઇમ સેલ કેમ કારગત નથી નીવડતું?

સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય.

જોરશોરથી કોઈ પ્રોડક્ટની જાહેરાત શરૃ કરવામાં આવે, કોઈ સેલિબ્રિટીને એ પ્રોડક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે. તેનો બરાબર પ્રચાર થાય, શહેરના ખૂણે ખૂણે હોર્ડિંગ્સ લગાવવામાં આવે, ગ્રાહકોમાં એ પ્રોડક્ટનું નામ ગૂંજવા માંડે, ગ્રાહકો એ પ્રોડક્ટનો ઉમળકો પણ દાખવે અને પછી માર્કેટમાં એ પ્રોડક્ટ મળે નહીં તો શું થાય?
એ જ હાલત થાય જે નબળી સર્વિસ માટે થવી જોઈએ. થોડો સમય ગ્રાહકો એ પ્રોડક્ટની ડિમાન્ડ કરે, પછી વારેવારેની માંગણી છતાં પ્રોડક્ટ ન મળે એટલે ડિમાન્ડ કરવાનું જ મૂકી દે.
બસ, અદ્લ આવું જ ભારતમાં સાયબર ક્રાઇમ સંદર્ભે થયું છે. સાઇબર ક્રાઇમથી ચેતવાનો બરાબર પ્રસાર-પ્રચાર થયો. યુઝર્સને જાગૃત કરાયા, અથવા એમ કહો કે યુઝર્સ આપમેળે વાંચી-વિચારી-સમજી-સાંભળીને જાગૃત થયા. સાવચેતી રાખવા માંડયા અને છતાંય જો ભોગ બને તો જાગૃકતા દાખવીને ફરિયાદ નોંધાવવા સુધી ય પહોંચતા થયા.
પણ પછી રાબેતા મુજબ આપણું સુરક્ષાતંત્ર ફરિયાદનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડવા માંડયું. એવી સ્થિતિ આવતા વાર નહીં લાગે કે પેલી નવી પ્રોડક્ટની જાહેરાત કરાયા પછી પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોય અને લોકો એને ખરીદવાનો ઉમળકો દાખવતા બંધ થાય એમ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવાનું માંડી વાળશે.
ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સ્માર્ટફોન માર્કેટ છે. ફેસબૂક યુઝર્સની બાબતમાં ભારતનો ક્રમ બીજો. ૩ કરોડ ટ્વિટર યુઝર્સ છે. ૧૦ લાખ વોટ્સએપ યુઝર્સ. એક વર્ષ પછી મોબાઇલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૨ કરોડે પહોંચી જશે અને દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા ૫૦ કરોડને પાર થશે.
ઈન્ટરનેટ વપરાશકર્તા અને સોશ્યલ મીડિયા યુઝર્સનું આવડું વિશાળ નેટવર્ક ફેલાયું છે છતાં ભારતમાં સાયબર ક્રાઇમ સેલની સંખ્યા માત્ર ૨૩ છે! સરકારી સંસ્થા નેશનલ ક્રાઇમ બ્યૂરોના અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૧૪માં સાયબર ક્રાઇમના ૯,૬૦૦ કેસ નોંધાયા હતા. જોકે, આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે બિનસરકારી આંકડો લગભગ ૩ લાખથી ય વધારે છે. સામાન્ય કેસમાં તો પોલીસે સમજાવી-ધમકાવીને યુઝર્સને અરજી ન નોંધવા દીધી હોય એ શક્ય છે. ધારો કે, સરકારી અહેવાલને જ સચોટ માનીએ તો પણ ૧૦ હજાર કેસ એ કંઈ નાનો આંકડો પણ નથી. આટલા કેસની સામે માત્ર ૨૩ સાયબર ક્રાઇમ સેલ કાર્યરત હોય ત્યારે સંતુલન ન જ જળવાય. સંતુલન નથી જળવાતું એ પાછળ વળી એક કારણ સાયબર ક્રાઇમ વિભાગ પાસેથી અન્ય કામ કઢાવી લેવાની સરકારી નીતિ ય જવાબદાર ખરી!
સાયબર ક્રાઇમ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પાસે આવતી અરજીઓનો નિકાલ કરે તેની સાથે સાથે તેમને ગંભીર ગુનાખોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસને મદદ પણ કરવી પડે છે. ગુનેગારની ફોનકોલ્સ ડિટેઇલ્સથી માંડીને વોટ્સએમ મેસેજીસના આધારે ગુનો ઉકેલવા સાયબર ક્રાઇમ પાસેથી કામ કઢાવવાની (ખરેખર તો પોલીસતંત્ર માટે આવી કામગીરી કરી આપે એવો અલાયદો સ્ટાફ હોવો જોઈએ) સરકારી નીતિ રહી છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસની મદદમાં તૈનાત રહે એમાં સાયબર ક્રાઇમ સેલનો મૂળ હેતુ સિદ્ધ નથી થતો. ઓનલાઇન ગુનાખોરી નિવારવા માટે કામ કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ એને બદલે પોલીસની શાખા હોય એમ ગુનાનો ભેદ ઉકેલવાના કામમાં તેને રોકી રખાય છે.
સાયબર ક્રાઇમ સેલમાં એવરેજ ૫૦ (આ આંકડો મોટો છે, પણ આપણે મોટું મન રાખીને ગણતરી કરીએ)નો સ્ટાફ હોય તો દેેશના ૨૩ સાયબર સેલમાં કુલ ૧૦૦૦-૧૧૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ કાર્યરત હશે. બીજી તરફ યુઝર્સની સંખ્યા કરોડોની છે અને સાયબર ક્રાઈમ સેલની નિસ્ક્રિયતાના કારણે મોકળું મેદાન ભાળીને ઓનલાઇન પરેશાન કરતા ગુનેગારોની સંખ્યા લાખોમાં છે.
ભારતમાં ૧૦ હજાર કેસ નોંધાયા હતા એટલે એ સત્તાવાર આંકડાને વળગી રહીએ તો પણ દેશમાં ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ સાયબર ક્રાઇમ સેલની જરૃર છે. વળી, મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમ સેલની રચના કરી આપવાથી ય કશું વળી નથી જવાનું, તેમાં સજ્જ ટેકનોલોજી અને એ ટેકનોલોજીને અનુરૃપ ટેકનિકલ સ્ટાફ પણ જોઈશે. અત્યારે જે ૨૩ સાયબર ક્રાઇમ સેલ છે તેમાં મોટા ભાગનો સ્ટાફ પોલીસમાંથી તાલીમ પામેલા અધિકારીઓ અને સ્ટાફથી ભરાયો છે. એમાંથી ય અડધોઅડધ અધિકારીઓ-કર્મચારીઓ સાયબર ક્રાઇમ રોકવા માટે પ્રાથમિક સજ્જ પણ નથી. સરકારી સેમિનાર્સના આધારે સર્ટિફિકેટ મેળવીને બેસાડી દેવાયો હોય એવો સ્ટાફ વધુ છે. સાયબર ક્રાઇમ રોકવાનો ખરેખરો ખંત અને આવડત માંડ ૨૦ ટકા અધિકારીઓ-સ્ટાફમાં છે.
સરકારના આ તંત્રમાં પણ મોટુ દૂષણ ભ્રષ્ટાચારનું છે, જે સાયબર ક્રાઇમ સેલને પોલીસતંત્રમાંથી વારસામાં મળ્યું છે! સાયબર ક્રાઇમ પરત્વે લોકોની જાગૃતિ નથી એવા સમયે કોઈ અમીરજાદો હાથ લાગી ગયો તો દાખલો બેસે એવી રીતે તેના પર કેસ ચલાવવાને બદલે બંને પાર્ટીઓને સામ-સામે બેસાડીને 'સમજાવી' દેવામાં સાયબર ક્રાઇમ સેલ મધ્યસ્થી કરે છે. દેશભરમાં આવા કેટલાય કિસ્સા છેલ્લા બે-ત્રણ વર્ષમાં સામે આવ્યા છે.
જ્યાં મિનિટોમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થઈ શકે છે ત્યાં સાયબર ક્રાઇમ સેલ સરકારી તંત્રમાં સહજ હોય છે એવી સુસ્તીથી કામ કરે તો તો આખો જન્મારો નીકળી જાય તો ય ક્યાંથી કેસ ઉકેલાય! ક્વિક કામ થવું જોઈએ એના બદલે બેપરવાહીથી કામ થાય તો અમુક સંવેદનશીલ કિસ્સામાં જે નુકસાન થવાનું હોય એ થઈ ચૂક્યું હોય!
સ્ટાફનો અભાવ ઉપરાંત બીજી મુશ્કેલી છે ટેકનિકલ સજ્જતાની. ઓછી સજ્જતા ધરાવતું તંત્ર કે વ્યક્તિ તેનાથી સજ્જ ગુનેગાર સુધી કઈ રીતે પહોંચી શકે? ટાંચાં સરકારી સાધનો ઉપરાંત બીજી એક મુશ્કેલી વિદેશી તપાસ એજન્સીની પણ ખરી. સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ દેશેદેશે બદલી જાય છે. આપણી સાથે રાજદ્વારી સંબંધો હોય એવા દેશો ય ઘણી વખત સાયબર ક્રાઇમના કાયદાના અભાવે સહકાર આપી શકતા નથી. ઘણા કેસમાં વર્ષો પહેલા સર્વિસ પ્રોવાઇડર્સ સહિતની વિગતો માટે જે કેસમાં આપણી પોલીસે ઘણા દેશોને વિનંતી કરી હોય એનો જવાબ આજ સુધી નથી આવ્યો. ખેર, એવા કિસ્સા ય ગણ્યા-ગાંઠયા જ હોય. હાઇપ્રોફાઇલ કેસ વખતે જ આમ તો વિદેશની મદદ લેવી પડતી હોય છે. એ સિવાય સ્થાનિક કનડગતમાં તો જો સજ્જ તંત્ર હોય તો ગુનેગાર સુધી પહોંચવાનું કામ અઘરું નથી.
સાયબર ક્રાઇમ સેલ તુરંત અને સચોટ ગુનો ઉકેલી શકે એ માટે સજ્જ, કાર્યક્ષમ સ્ટાફની જરૃર તો છે જ છે, પરંતુ એ સિવાય ગુનેગારનું પગેરું એની જ સ્ટાઇલમાં શોધી કાઢતા એથિકલ હેકર્સની ય તાતી જરૃર છે. ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ જોતા એટલિસ્ટ ૫૦ હજાર એથિકલ હેકર્સ તૈનાત રાખવા પડે. સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય. પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે એ માટે પૂરતું ફંડ ઉપલબ્ધ નથી. કેટલાક એથિકલ હેકર્સ સોશ્યલ સર્વિસ માટે તૈયાર થાય છે ખરા, પણ પછી ક્યારેક અધિકારીઓના કડક વલણથી તો ક્યારેક મફતમાં પોલીસનો રૌફ ઝેલીને થાકી જાય છે. એથિકલ હેકર્સને બીજી સમસ્યા નડે છે હેકિંગની. સરકારી તંત્ર માટે કામ કરતા એથિકલ હેકર્સ પોતે જ હેકિંગનો ભોગ બન્યા હોવાની ફરિયાદો ઉઠે છે. અગાઉ કહ્યું એમ સરકારી તંત્રની સિસ્ટમ હેકર્સ કરતા પૂઅર હોય છે એટલે એથિકલ હેકર્સનું કામ છૂપું રહેતું નથી.
આ બધાના અભાવનું પરિણામ સાયબર ક્રાઇમ સેલના ઓવરઓલ દેખાવ પર પડે છે. ગયા વર્ષે ૯,૬૦૦ કેસમાંથી માત્ર ૭૨ કેસ ઉકેલી શકાયા. મતલબ કે સફળતા કરતા નિષ્ફળતાનું પલ્લું ભારે છે. પછી 'મધ્યસ્થી' કરીને 'સમજાવટ' કરાવી હોય એ અલગ, પણ એ તો પોલીસતંત્રનો વારસો મળ્યો છે એટલે એ દૂષણને કેમ નિવારી શકાય એનો તોડ હજુ સરકારને ય નથી મળ્યો!
સરકારી આંકડા કહે છે એમ ૨૦૧૩માં સાયબર ક્રાઇમ આચરનારાની વય ૧૮-૩૦ની વચ્ચે હોય એવા આરોપીની સંખ્યા સૌથી વધુ હતી. ૬૦-૭૦ ટકા ક્રાઇમ માત્ર કનડગતના ઈરાદાથી આચરાયો હતો. ડેટા ચોરી, છેતરપીંડી સહિતની ગુનાખોરી સતત વધતી ચાલી છે ત્યારે ભારતમાં સાયબર ક્રાઇમ રોકવા ત્વરિત પગલા ભરાય એ જરૃરી છે.
સોશ્યલ મીડિયા પણ બીજી ઘણી બધી બાબતોની જેમ પશ્વિમની દેન છે. સાયબર ક્રાઇમનેે ડામી દેવામાં તો અમેરિકા જેવા અમેરિકાને ય સફળતા નથી મળી, પરંતુ તેની કાળી બાજુ સામે આવી એટલે તરત સુરક્ષાને લગતા પગલા ભરાયા છે અને ઘણેખરે અંશે તેનું પરિણામ કારગત જણાયું છે. પરિણામનો પ્રશ્ન તો પછી આવશે, પહેલો સવાલ દાનતનો છે. વહેલી તકે પગલા કેમ ભરાય એ પણ આપણે સોશ્યલ મીડિયાને અપનાવ્યું એ જ રીતે પશ્વિમના મોડેલને અપનાવવા જેવું હતું, કમનસીબે એ તક આપણે ચૂકી ગયા.
Sunday 7 February 2016
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -