Posted by : Harsh Meswania Sunday 21 February 2016


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

માતૃભાષા દિવસે વાત કરીએ સતત વિકસી રહેલી 'બાઈલિંગ્વલ' કલ્ચર યાને દ્વિભાષીયતાની. જુદી જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતાનાં સંતાનો માતા અને પિતા બંનેની ભાષા જાણતાં હોય છે,  પણ તેની સામે મુશ્કેલી એ ઊભી થાય છે કે માતૃભાષા કોને કહેવી? કોઈ એકને? બેમાંથી એકેયને નહીં? કે પછી બંનેને?

બીજા વિશ્વયુદ્ધ પછીનો કોઈ એક દિવસ. બે બાળકો પરીક્ષકો સામે મૌખિક પરીક્ષા આપવા બેઠા છે. પરીક્ષા શરૃ થવાની હોય એ પહેલાંનો ડર બંનેના ચહેરા ઉપર કળી શકાય છે. પરીક્ષકોની આખોમાં પણ ગૂંચવણ છૂપી રહેતી નથી. એ પરીક્ષા બંને બાળકોની માતૃભાષા નક્કી કરવા માટે લેવાઈ રહી હતી. ભાષાશાસ્ત્રીઓ પરીક્ષા પછી બાળકોની માતૃભાષા નક્કી કરવાના હતા.
પરીક્ષા શરૃ થઈ. ભાષાનિષ્ણાતોના આશ્વર્ય વચ્ચે પાંચ-સાત વર્ષનાં એ બંને બાળકો બબ્બે ભાષા એકસરખી રીતે જાણતાં હતાં. માતૃભાષામાં હોવી જોઈએ એટલી પક્કડ આ બંને બાળકોની બબ્બે ભાષા પર હતી. આ પહેલાં આવું બન્યું નહોતું એમ નહોતું, પરંતુ ઘણાખરા કિસ્સામાં માતા-પિતા કે પરિવારજનો બાળકની માતૃભાષા નક્કી કરી નાખતાં. બે ભાષા આવડતી હોય તો પણ કોઈ એકને પ્રાથમિકતા આપીને મામલો પૂરો થઈ જતો, પણ અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણતાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટના કિસ્સામાં બબ્બે ભાષા માતૃભાષા હોવાનો દાવો કરાયો હતો અને એ દાવાને માન્ય પણ રખાયો. એ બંનેએ બેય ભાષા ઉપર સંતુલિત ક્ષમતા સિદ્ધ કરી હતી. વિશ્વનો એ પહેલો કિસ્સો હતો અને જન્મથી બબ્બે ભાષા શીખતાં બાળકોના કિસ્સાની એ નવી શરૃઆત હતી.
૨૦ સદીના મધ્યાહ્ને બે અલગ અલગ દેશના જુદી જુદી ભાષા ધરાવતાં યુગલો વચ્ચે લવમેરેજનો નવો ટ્રેન્ડ શરૃ થયો હતો, પરિણામે ભવિષ્યમાં બાળકોની માતૃભાષા અંગે મૂંઝવણ પણ થવાની હતી: બાળક જેના પ્રથમ પરિચયમાં આવે છે; એ માતા શીખવે તે બાળકની માતૃભાષા કહેવાય કે પિતાની ભાષાને? કે બેમાંથી એકેય નહીં? કે પછી બંનેને?
                                                                               ***
ધારો કે, ભારતીય યુવક જાપાની યુવતીને પરણીને અમેરિકા સ્થાયી થાય તો ભારતીય યુવકની હિન્દી, જાપાની યુવતીની જાપાનીઝ અને અમેરિકા સ્થાયી થયા છે એટલે અંગ્રેજી એમ ત્રણ ભાષાનો બાળક પર પ્રભાવ પડે. અમેરિકા રહેવાનું હોય એટલે અંગ્રેજી તો જાણે જરૃરી છે, સ્થાનિક માહોલના કારણે બાળક એ સહેલાઈથી શીખી ય જશે, પણ પછી જો એ પિતાની માતૃભાષા હિન્દી પણ શીખે અને માતાની માતૃભાષા જાપાનીઝ પણ શીખે ત્યારે પ્રશ્ન ઊઠે કે બાળકની માતૃભાષા કોને કહેવી?
માતૃભાષા એટલે માતૃભૂમિની ભાષા. પિતાનું વતન ભારત હોય અને બાળકને સામાન્ય રીતે પિતાનો વારસો મળતો હોય છે એ જોતાં તેની માતૃભાષા હિન્દી થવી જોઈએ. તો માતાની ભાષાનું શું? આ સવાલો દુનિયાને તો થતા થશે, સમજણા થયા પછી બાળકને ખુદને આ સવાલો સતાવે છે. જુદી-જુદી માતૃભાષા ધરાવતા માતા-પિતાનાં સંતાનો ઘણી વખત માતૃભાષા અંગેની ગ્રંથિથી પીડાવા લાગે છે. આવા કિસ્સાઓમાં માતા-પિતા સમજૂતીથી બાળકને કોઈ એક ભાષા શીખવાડીને નિવેડો લઈ આવતાં હોય છે.
વિદેશમાં રહેતાં માતા-પિતા બંનેની ભાષા ન શીખવાડીને જે જરૃરી છે એ અંગ્રેજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ જ્યારે એક જ દેશમાં રાજ્યો પ્રમાણે ભાષાનું વૈવિધ્ય હોય અને તેમાં બે રાજ્યોના જુદી જુદી ભાષા ધરાવતા યુગલો લગ્ન કરે પછી બાળકની માતૃભાષા કઈ એ સવાલ ઊઠયા વગર રહેતો નથી. ગુજરાતી યુવક બંગાળી યુવતી સાથે લગ્ન કરે તો બંનેના પરિવારજનોનો આગ્રહ ઘણી વખત બાળકને બબ્બે ભાષા શીખવા તરફ દોરી જાય છે. યુવકનાં પરિવારજનો બાળકને ગુજરાતી શીખવવા આતુર હોય અને યુવતીને ય પોતાના સંતાનને બંગાળી શીખવવાની ઝંખના તો હોય જ. વળી, એમાં હિન્દી અને અંગ્રેજી ભળે એટલે બાળકને ચાર-ચાર ભાષા શીખવાની થાય!
વિદેશમાં વસીને ય પોતાની ભાષાને જીવંત રાખવા મથતાં માતૃભાષાપ્રેમી માતા-પિતાને પોતાને જ ઘણી વખત એ મંજૂર નથી હોતું કે સ્થાયી થયા છે એ દેશની ભાષા જ બાળક શીખી લે અને પોતાનો વારસો ભુલાવી દે! આ સ્થિતિમાં બબ્બે કે ત્રણ-ત્રણ ભાષા બાળકને શિખવાડાય છે. એકથી વધુ ભાષાના કલ્ચરને ભાષાશાસ્ત્રીઓ બાઈલિંગ્વલિઝમ કહે છે. ગુજરાતીમાં જેને દ્વિભાષીયતા કહેવાય. એટલે કે બબ્બે ભાષા ઉપર પેલાં બે બાળકો પર્લ અને લેમ્બર્ટની જેમ એકસરખી પક્કડ ધરાવવી.
બેથી વધુ ભાષા માટે મલ્ટિલિંગ્વલિઝમ પણ જાણીતો શબ્દ છે. માતા-પિતા પોત-પોતાની સંસ્કૃતિ માટે પોતાની ભાષા શીખવે છે અને પછી બાળક અંગ્રેજી જેવી અનિવાર્ય ભાષા તો શીખે જ શીખે. પરિણામે બે કે તેથી વધુ ભાષા સાથે બાળકને કામ પાર પાડવાનું થાય છે. કોઈ એકને ફર્સ્ટ લેંગ્વેજનો દરજ્જો મળે, બીજી ભાષાને સેકન્ડ લેંગ્વેજનો અને અમેરિકા-બ્રિટનમાં રહેતાં હોય તો ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અનિવાર્ય બની જાય. ઘણા દેશોમાં મધર ટંગ અને ફર્સ્ટ લેંગ્વેજને અલગ અલગ નામ આપીને માતા-પિતા બંનેની ભાષાને માતૃભાષાના ખાનામાં સમાવી લેવાતી હોય છે. એટલે કે જુદી-જુદી માતૃભાષા ધરાવતાં માતા-પિતા અને દુનિયાએ મળીને બાળકની માતૃભાષા કઈ? તેના ઉકેલરૃપે બાઈલિંગ્વલિઝમ કે મલ્ટિલિંગ્વલિઝમ શબ્દો શોધી કાઢ્યા છે.
પરંતુ શું બાળકને આટલી ભાષાનો બોજ આપવો જોઈએ?
                                                                                   ***
આજે વિશ્વમાં કુલ બાળકોમાંથી ૧૯ ટકા બાળકો બાઈલિંગ્વલ છે. બાળવયથી જ બબ્બે ભાષા બોલતાં બાળકોની સંખ્યા સતત વધવા માંડી છે. આંકડો હજુ ય મોટો થશે. નિષ્ણાતો પેરેન્ટ્સને શિખામણ આપે છે કે શક્ય હોય તો બાળકને બબ્બે ભાષા શિખવાડો. માત્ર બોલતાં જ નહીં, લખતાં અને વિચારો વ્યક્ત કરવા જેટલી સજ્જતા ધરાવે એટલી ઊંડાણથી બાળકને બબ્બે કે ત્રણ ભાષા શીખવવાની તરફેણ ભાષાશાસ્ત્રીઓ કરે છે. અભ્યાસોના અંતે તારણ નીકળ્યું છે કે બાળક ઉપર બબ્બે ભાષા શીખવાનો કોઈ જ બોજ નથી હોતો. ૧૦ વર્ષ સુધી બાળક એકથી વધુ ભાષા મુશ્કેલી વગર શીખી જશે અને એમાં પણ ૭ વર્ષ સુધી તો શ્રેષ્ઠ સમય છે. શબ્દો શરૃઆતમાં સેળભેળ થશે, પણ પછી બાળક જાતે જ તેને અલગ તારવશે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે બબ્બે ભાષા જાણતાં બાળકોનો બૌદ્ધિક વિકાસ એક ભાષા જાણતાં બાળકો કરતાં વધારે થાય છે.
એક જ ભાષા શીખવાની હોય ત્યારે અંગ્રેજીને પ્રાથમિકતા આપીને માતૃભાષાને સ્કિપ કરી દવાનો રવૈયો અપનાવાતો હોય છે, પણ તેનાથી ઊલટું વિશ્વમાં અત્યારે બાઈલિંગ્વલિઝમનો ટ્રેન્ડ છે. બાળક ઘરમાં દાદા-દાદી-નાના-નાની સાથે તેમની ભાષામાં અને શાળામાં શિક્ષકો સાથે શિક્ષકોની ભાષામાં કમ્યુનિકેશન કરે છે અને છતાં સહેજ પણ અસહજતા મહેસૂસ નથી કરતો. અલગ અલગ માતૃભાષા ન હોય એવાં કેટલાંય પેરેન્ટ્સ ગુજરાતમાં રહીને પણ માત્ર એ જ કારણે માતૃભાષા લખતાં નથી શિખવતા કે બાળક ઉપર નાહકનો બબ્બે ભાષાનો બોજ આવશે! જ્યાંથી આ સમસ્યાનો ઉદ્ભવ થયો હતો એણે જ તેનું સમાધાન પણ કર્યું છે કે કોરી પાટીમાં જે લખવું હોય એ લખો તેનાથી બાળકને ખાસ કંઈ બોજો નહીં આવે. બાળકની ક્ષમતા આપણા પૂર્વગ્રહ કરતાં ઘણી વધારે છે એ સંશોધનોથી સિદ્ધ થઈ ચૂક્યું છે!
એક સમયે એમ કહેવાતું કે બાળક માતૃભાષા સરખી રીતે શીખી નહીં શકે તો બીજી ભાષા કઈ રીતે શીખશે? ત્યારે બીજી ભાષા શીખવા માટે માતૃભાષા શીખવી જરૃરી હતી. ત્યારે ભારતમાં શિક્ષણનું પ્રમાણ અને સામાજિક રચના જોતા એ વાત એકદમ સાચી પણ હતી. ત્યારે બાળકના શિક્ષણનો બધો આધાર શાળાના શિક્ષકો પર જ રહેતો. હવે સમય બદલાયો છે. આજનાં પેરેન્ટ્સ પૂરતાં એજ્યુકેટેડ અને સજ્જ છે કે બાળકને ઘરે પણ ભણાવી શકે. માતા-પિતા બંનેની ભાષા અલગ હોય અને શાળા-કોલેજમાં અભ્યાસની ભાષા પણ અલગ હોય ત્યારે કોઈ એક ભાષા શીખીને બીજી ભાષા શીખવાની રાહ જોવાની જરૃર નથી. બંને ભાષા એક સાથે શું કામ ન શીખવી શકાય?
વેલ, વોટ યુ સે? માતા-પિતાની માતૃભાષા અલગ અલગ હોય ત્યારે બાળકની માતૃભાષા કઈ કહેવાય? બંનેમાંથી એકેય નહીં કે બંને? તમે જુદી જુદી માતૃભાષા ધરાવતાં પેરેન્ટ્સ હો તો પોતાના સંતાનના માતૃભાષાના ખાનામાં શું ભરવાનું પસંદ કરો?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -