Archive for December 2017

સપ્તાહમાં એક દિવસ વધુ ઊંઘ કરવાથી થાક ઉતરી શકે?

રજાના દિવસે થોડા કલાકો વધારે ઊંઘ કરીને લોકો થાક ઉતારવાનો કીમિયો અજમાવતા હોય છે, પરંતુ ખરેખર એ કીમિયો કારગત નીવડી શકે ખરો?

૨૧મી સદીમાં કોઈને પાછળ રહેવું પોષાય તેમ નથી, એટલે દરેક ક્ષેત્રમાં શરૃ થઈ છે - આકરી સ્પર્ધા, સ્પર્ધાના કારણે કર્મચારીઓ ઉપર વધતું કામનું ભારણ, કામના ભારણના કારણે વધતો માનસિક તણાવ અને માનસિક તણાવને કારણે સતત મહેસૂસ થતો થાક. આ આજની ફાસ્ટ લાઈફનો ચિતાર છે. ઈન્ટરનેટ ફોર-જીની સ્પીડે ચાલે છે અને લાઈફ એનાથી ય વધુ ફાઈવ-જીની ઝડપે ભાગે છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે.  અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
                                                                                              (10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
Sunday 10 December 2017
Posted by Harsh Meswania

નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવા પાછળ સરકારની શું ગણતરી હોઈ શકે?

ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે

નોટબંધી ને જીએસટી એમ બે મોટા આર્થિક ફેરફાર કર્યા પછી વર્તમાન સરકાર વધુ એક આર્થિક બદલાવ લાવીને પરિવર્તનશીલ સરકારની છાપ ઉભી કરવા ધારે છે : વાર્ષિક સિસ્ટમ ચેન્જ કરવાથી નહીં, પણ આર્થિક સિસ્ટમ બદલવાથી અર્થશાસ્ત્રનું ભલું થશે તે વાત સમજવાની જરૂર છે

માણસ બીમાર હોય અને એક વખતના દવાના ડોઝથી સારું ન થાય તો ડોક્ટર દવા બદલે કે બેડશીટ? ઓફકોર્સ દવા જ બદલે! જો બેડશીટ કે બેડ બદલી નાખવાની દર્દીને સારું થવાનું હોત તો તો એ નુસખો પરિવારજનોએ પહેલા કર્યો હોત! અદ્લ આવી સ્થિતિ અત્યારે ભારતના આર્થિક ફેરફારોમાં લાગુ પડી રહી છે. અર્થશાસ્ત્રના ડોક્ટરો મંદ પડેલા અર્થતંત્ર રૃપી દર્દીની બીમારીની દવા યાને અર્થનીતિમાં ફેરફાર કરવાને બદલે બેડશીટ યાને આર્થિક સિસ્ટમ બદલી રહ્યા છે. કદાચ એટલે જ પરિણામ મળતું નથી! પરિણામ નથી મળતું એ જાણવા છતાં દર્દીની દવાને બદલે વધુ એક વખત બેડશીટ બદલવાની તૈયારીનો આરંભ થઈ ચૂક્યો છે.
કેન્દ્રની ભાજપ પ્રેરિત સરકારે બે વર્ષમાં નોટબંધી અને જીએસટી એમ બે આર્થિક ફેરફારો કર્યા છે. નોટબંધીની આડઅસરોમાંથી ભારતીય અર્થતંત્ર હજુ તો માંડ બેઠું થઈ રહ્યું કે તરત જીએસટી લાગુ કરીને ફરીથી અર્થતંત્રને મંદ કરી દેવામાં આવ્યું. આ બંને મોટા ફેરફારોમાં સમાનતા એ હતી કે બંનેનું અમલીકરણ ઉતાવળે થયું હતું. બંનેની આડઅસર એટલી ભયાનક નીવડી કે સરકારે એકથી વધુ વખત પીછેહઠ કરવી પડી. આ બે વખતની પીઠેહઠ પછી વધુ એક વખત સરકારે કમર કસી છે. આ વખતે મુદ્દો છે - નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવાનો.
અત્યારે દેશમાં ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચનું નાણાકીય વર્ષ ચાલે છે. એ નાણાકીય વર્ષ પ્રમાણે કરદાતાઓ કર ભરે છે અને સરકાર પણ નવી નીતિ આ સિસ્ટમ પ્રમાણેના નાણાકીય વર્ષમાં લાગુ પાડે છે. એ માટે બજેટ ફેબુ્રઆરીમાં રજૂૂ થઈ જાય છે અને તેના અમલીકરણ માટે બે માસનો સમય મળે છે. હવે સરકારે આ સિસ્ટમ કેલેન્ટર યર એટલે કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરી નાખવાનું આયોજન કર્યું છે. એનો અર્થ એ કે સરકાર નવેમ્બર માસમાં બજેટ રજૂ કરે અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. સરકારની એ પાછળની લાંબાગાળાની ગણતરીઓની વાત કરતા પહેલાં એ જાણી લઈએ કે કેલેન્ડર વર્ષ પ્રમાણે નાણાકીય વર્ષ લાગુ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ નહીં હોય.
વિશ્વના અડધો અડધ દેશોમાં નાણાકીય વર્ષ ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર છે. ચીન, ઓસ્ટ્રિયા, બેલારૃસ, બ્રાઝિલ, ડેન્માર્ક, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ જેવા કેટલાંય નોંધપાત્ર દેશોએ નાણાકીય વર્ષ 'કેલેન્ટર યર' યાને જાન્યુઆરીથી ડિસેમ્બર રાખ્યું છે. કેટલીય વૈશ્વિક કંપનીઓ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે. કારણ કે તેમના માટે એ સિસ્ટમ વધુ સરળ છે. નાણાકીય વર્ષ પણ વૈશ્વિક રીતે સ્વીકાર્ય એવા કેલેન્ડર યર જાન્યુઆરીથી ડિસેમ્બર હોય તો કંપનીઓને પ્રમોશનથી લઈને વર્ષાંતે મળતું ક્રિસ્મસનું વાર્ષિક વેકેશન સરળતાથી સેટ થઈ જાય છે. રજાઓમાંથી પરવારીને કર્મચારીઓ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં હાજર થાય એ સાથે જ તેને નવા વર્ષે નવા નાણાકીય વર્ષે કામ કરવાનું થાય છે. મનોવૈજ્ઞાાનિક રીતે ય ઘણાં દેશો માટે આ વધુ યોગ્ય વ્યવસ્થા છે અને એટલે જ એ દેશો તે વ્યવસ્થાને વર્ષોથી જાળવી રાખે છે.
બેક ટુ ધ ઈન્ડિયા. ભારતમાં આ નાણાકીય વર્ષની સિસ્ટમ અંગ્રેજ શાસનની દેન છે. ૧૮૬૭માં બ્રિટિશ સરકારે બ્રિટિશ રાજના નાણાકીય વર્ષ સાથે મેળ બેસાડવા માટે ભારતનું હિસાબી વર્ષ પણ એ મુજબ ગોઠવ્યું હતું. ભારતને આઝાદી મળી પછી તુરંત તમામ વહીવટોમાં ફેરફાર કરીને નવું નાણાકીય વર્ષ સેટ કરવું અઘરું હતું એટલે શરૃઆતમાં એ જ સિસ્ટમને જાળવી રાખવામાં આવી.
ભારતે નાણાકીય વર્ષ બદલવા માટે પહેલો વિચાર ૧૯૮૪માં કર્યો હતો. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમના આર્થિક સલાહકાર અને આરબીઆઈના પૂર્વ ગર્વનર લક્ષ્મીકાંત ઝાએ કેલેન્ડર યર પ્રમાણે નાણાકીય વર્ષ ગોઠવવાની ભલામણ કરી હતી. લક્ષ્મીકાંત ઝાની આગેવાનીમાં ૧૯૮૪માં એલકે ઝા કમિટી બનાવાઈ હતી. એ કમિટીએ સરકારને વિગતવાર અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે કરી દેવાથી કઈ કઈ બાબતો સરળ થશે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો.
પૂરતી તૈયારી વગર અમલીકરણ શક્ય ન હતું એટલે યોગ્ય આયોજન થાય ત્યાં સુધી સરકારે રાહ જોવાનું નક્કી કર્યું. પછી તો બે-ચાર વર્ષમાં સરકારની દિશા અન્ય ક્ષેત્રના નવીનીકરણ તરફ ફંટાઈ ગઈ. કોમ્યુનિકેશન અને ટેકનોલોજી તરફ ધ્યાન આપવાની બાબત રાજીવ ગાંધી સરકારની મુખ્ય પ્રાથમિકતા હતી અને એ પછી તો રાજકીય અરાજકતાનો સમયગાળો આવી પડયો એટલે વાત સદંતર વિસરાઈ ગઈ. આર્થિક ઉદાહરણ લાગુ કર્યા પછી તુરંત આવી નવી નાણાકીય વર્ષની સિસ્ટમનું જોખમ લઈ શકાય નહીં એ સમજતા તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે નાણાકીય વર્ષ બદલવા કરતા આર્થિક નીતિ બદલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અનેક દેશોના અર્થશાસ્ત્રથી સારી રીતે વાકેફ હતા અને તેમનો મત હતો કે નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે થાય કે ન થાય તેનાથી બહુ મોટો ફરક પડશે નથી. આમ વાત ત્યાં જ અટકી ગઈ. પણ વાતને અંતે પૂર્ણવિરામ મૂકાયું ન હતું એટલે નાણાકીય પરિવર્તનો તરફ વિશેષ ધ્યાન આપતી વર્તમાન સરકારે અટકી ગયેલી નાણાકીય વર્ષની વાતને આગળ વધારી છે!
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની નેમ છે કે ૨૦૧૯થી નાણાકીય વર્ષ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવામાં આવે. જો એવું થાય તો આવતા વર્ષે મહત્વની ચૂંટણીઓ પૂરી થશે પછી તેની જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. આવતા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણી પછી સરકાર એ દિશામાં જાહેરાતો કરે તો તૈયારી માટે કંપનીઓને અને કરદાતાઓને એટલિસ્ટ આખું વર્ષ મળશે. જો એવું થાય તો લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં નાણાકીય વર્ષ બદલી ગયું હશે. આવું કરવા પાછળ સરકારની મુખ્ય બે ગણતરીઓ છે.
પહેલું તો એ કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક ફેરફારો કરીને વર્તમાન સરકારે વૈશ્વિક મીડિયામાં પૂરતું માઈલેજ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૃણ જેટલીની જોડીને વિશ્વમાં આર્થિક પરિવર્તનો લાવનારા નેતાઓ તરીકે કવરેજ મળ્યું છે. અલબત્ત, એ મીડિયા કવરેજ માત્ર હકારાત્મક નથી; નકારાત્મક પણ છે જ. છતાં પાંચ વર્ષની ટર્મ દરમિયાન ત્રણ મોટા ફેરફારો કરે તો સરકાર લાંબાંગાળે ફાયદો થશે એવા નામે પરિવર્તનશીલ કામગીરી કરી હોવાની બડાઈ કરી શકે.
બીજી ગણતરી એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં આ નવું નાણાકીય વર્ષ લાગુ થાય તો સ્વાભાવિક છે કે તેનું બજેટ નવેમ્બર-૨૦૧૮માં રજૂ કરવાનું થાય. એટલે કે આવતા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. એ હિસાબે ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવે એ પહેલાં જ બજેટની જાહેરાતો સરકારે લાગુ પાડી દીધી હોય તો એ કાર્યોને ૨૦૧૯ની લોકસભામાં ચૂંટણી મુદ્દો પણ બનાવી શકાય! લોકસભાની ચૂંટણીમાં નવા નાણાકીય વર્ષનો મુદ્દો તેમ જ ત્રણ-ત્રણ આર્થિક ફેરફારો કર્યા છે અને તેનો ફાયદો લાંબાંગાળે થશે એવી સ્પષ્ટતાઓ કરીને સરકાર નોટબંધી અને જીએસટી પછી સર્જાયેલી નેગેટિવ અસરને થોડા ઘણાં અંશે ખાળી શકે.
અચ્છા, આ સિવાયના જે ફાયદા છે તે એટલા બધા પ્રભાવી નથી કે તેનાથી ઈકોનોમીમાં મોટો ફેરફાર થાય. જેમ કે, અત્યારે આ નાણાકીય વર્ષની સિસ્ટમ પ્રમાણે દર વખતે લોકસભાની ચૂંટણી પહેલાં એક બજેટ રજૂ થાય છે. એ પછી નવી સરકાર રચાય તે જુલાઈમાં બજેટ રજૂ કરે છે. તેનું અમલીકરણ માત્ર આઠેક મહિના જેટલું લાંબું હોય છે. એનો અર્થ એ કે પાંચ વર્ષે એક વખત બજેટ અને તેનું અમલીકરણ અધૂરું હોય છે. બીજા ફાયદાઓ એવા છે કે જે વિદેશી કંપનીઓ પોતાનું નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે રાખે છે તેને પોતાના વહીવટમાં વધુ સરળતા રહેશે. દેશમાં પણ એક વખત આ સિસ્ટમ લાગુ થાય તો એપ્રિલ-માર્ચને બદલે કેલેન્ડર યર પ્રમાણે નવા વર્ષે જ નવું અમલીકરણ અને ટેક્ષ પણ ડિસેમ્બરના અંતમાં ભરાઈ જાય તો નવા વર્ષે રાહત. ઈન શોર્ટ કેલેન્ડર યર જ બધી રીતે નવું વર્ષ બની રહે. આ વર્ષના મધ્યમાં જે આર્થિક દોડધામનો માહોલ હોય છે તે વર્ષના અંતે જ પૂરો થઈ જાય.
પણ આમ જૂઓ તો એનાથી ઈકોનોમીને એવો કોઈ ફરક પડે નહીં. જે હાડમારી એપ્રિલમાં હોય છે એ હાડમારી ડિસેમ્બરમાં હશે. ખરા અર્થમાં હાડમારી ઓછી તો જ થશે કે જો આર્થિકનીતિમાં કોઈ પ્રજાલક્ષી પરિવર્તન આવે. એ પરિવર્તન વગરના બદલાવ ઘરના બાહરી રંગરોગાન જેવા છે. ઘરમાં ઢગલો કચરો હોય અને ઠેર-ઠેર ઝાળા બાઝ્યા હોય ત્યારે બાહરની દિવાલોમાં ભડકિલા રંગો લગાડી દેવાથી કોઈ ખાસ ફરક આવતો નથી, અદ્લ એવું જ આ બાબતે પણ થશે!

                                                                                              (10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે

See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-magazine-gujarati-financial-year-system10-december-2017#sthash.aejVES5S.dpuf

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -