Archive for May 2012

આપણને ગીત કેમ જલદી યાદ રહી જાય છે?


આપણે સતત કંઈક ને કંઈકને સાંભળતા રહીએ છીએ પણ એ બધામાં ગીતો આપણને વધુ યાદ રહી જાય છે. એવું કેમ થતું હશે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે ત્યારે આપણે અહીં એ જાણીએ કે ખરેખર ગીતો કેમ આપણને ઝડપથી યાદ રહી જાય છે અને આપણે અચાનક જ ગીત ગણગણવા લાગીએ છીએ!

આપણા કાનમાં સૂર, લય અને તાલનો સમન્વય થયેલો હોય છે. આના કારણે આપણે સાંભળેલાં ગીતો કોઈ ખાસ પ્રયત્ન વિના જ યાદ રહી જાય છે અને વળી આપણે અચાનક જ કોઈ ગીત ગણગણવા લાગીએ છીએ.
 વૈજ્ઞાનિક ડૉ.વિલિયમ્સના જણાવ્યાનુસાર આને વિજ્ઞાનની પરિભાષામાં ઘણા નામે ઓળખવામાં આવે છે. સ્ટક સોંગ સિન્ડ્રોમ, સ્ટિકી મ્યુઝિક, કૉગ્નિટિવ ઈચ અને ઈયરવોર્મના કારણે આવું થાય છે. આને વધુ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આપણા મસ્તિષ્કમાં કાન સાથે એવા તંતુઓ જોડાયેલા હોય છે કે જેના લીધે જ્યારે સંગીતમય શબ્દો કાને પડે છે ત્યારે કાન તેને બહુ સારી રીતે ઝીલી લે છે અને એટલે ખાસ પ્રયત્ન વગર પણ યાદ રહી જાય છે.
વળી, આ સંગીતમય શબ્દો ગમે ત્યારે આપણે ગણગણવા લાગીએ છીએ. ખૂબ લોકપ્રિય થયેલું ગીત આપણી જીભે ચડી જાય છે અને પછી તો દિવસો સુધી આપણે એ ગીત ન સાંભળ્યું હોય તો પણ ક્યારેક અચાનક તેને ગણગણવા માંડીએ છીએ.વૈજ્ઞાનિકોના મતે કાનની સંગીતમય શ્રવણશક્તિ વધુ સતેજ હોવાથી જ વાંચેલી કે વાતચીતના સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી કરતાં ગીતના સંગીતમય સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી લાંબા સમય સુધી યાદ રહી જાય છે. 
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 26 May 2012
Posted by Harsh Meswania

ભારતના પ્રથમ વડાપ્રધાનઃ જવાહરલાલ નહેરુ


આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯માં થયો હતો. તેઓ સ્વતંત્રતાની લડાઈમાં અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં જન્મેલા જવાહરલાલ નહેરુનું બાળપણ ખૂબ જ એશોઆરામમાં વીત્યું હતું. 
શાળાનું શિક્ષણ તેઓએ ઘરમાં જ મેળવ્યું હતું. તેમના શિક્ષણ માટે અંગ્રેજ અધ્યાપકોને રોકવામાં આવ્યા હતા. તે સમયે ભારતભરમાં વિખ્યાત વકીલ તરીકે ગણનાપાત્ર મોતીલાલ નહેરુ પોતાના પુત્રના અભ્યાસને ખાસ ગંભીરતાથી લેતા હતા, માટે જ ૧૪ વર્ષની ઉંમરે તેઓને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરીને ભારત આવેલા જવાહરલાલ નહેરુએ વકીલાત શરૃ કરી. 
આ સમયગાળામાં જ ભારતનું સ્વતંત્રતા અભિયાન વેગ પકડતું હતું અને શિક્ષિત યુવાનો તેમાં જોડાઈ રહ્યા હતા. ચાચા નહેરુ પણ તેમાં જોડાયા. દરમિયાન દિલ્હીમાં વસેલા અને મૂળ કાશ્મીરી પરિવારનાં કમલા કૌલ સાથે ૧૯૧૬માં લગ્ન થયાં. ૧૯૧૭માં ઇન્દિરા પ્રિયર્દિશનીનો જન્મ થયો, જે પાછળથી ઇન્દિરા ગાંધી તરીકે ઓળખાયાં અને ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન પણ બન્યાં. 
ચાચા નહેરુ ગાંધીજીના વિશ્વાસપાત્ર બન્યા. યુવા કોંગ્રેસની આગેવાની તેઓએ સંભાળી. ત્યાર પછી તો ૧૯૨૯માં કોંગ્રેસના ઐતિહાસિક લાહોર અધિવેશનના પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી અને આ અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી. 
મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુએ મળીને ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનેલા ચાચા નહેરુની ગણના તે સમયે વિશ્વમાં એક શક્તિશાળી રાજનેતા તરીકે થતી હતી. બિનજોડાણવાદની નીતિના કારણે અને પંચશીલના સિદ્ધાંતોના કારણે પણ પંડિત જવાહરલાલ નહેરુને હંમેશાં યાદ કરવામાં આવે છે. હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ ૨૭ મે, ૧૯૬૪માં થયું હતું.
 (સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

વિશ્વનો સૌથી નાનકડો દેડકો


સામાન્ય રીતે આપણે ક્રિકેટ રમવાના ટેનિસના દડા જેવડા કે ક્યારેક એથીય મોટા કદના દેડકાઓ જોતા હોઈએ છીએ પણ નરી આંખે માંડ જોઈ શકાય એવા દેડકાઓ તમે જોયા છે? તાજેતરમાં એક સંશોધક ટીમને સીંગદાણાથી પણ નાનકડી સાઈઝના દેડકાની પ્રજાતિ મળી આવી છે. જેની લંબાઈ માંડ ૧૦ મિલીમીટરની છે!
વોશિંગ્ટનના ન્યૂ ગિનિયામાં દક્ષિણ-પૂર્વના વિસ્તારમાંથી અમેરિકાના શોધકર્તાઓએ પેડોફ્રાઈન વર્ગના દેડકાની લુપ્ત થઈ રહેલી પ્રજાતિ શોધી કાઢી છે. 
આ દેડકાઓની ચામડી આપણે અહીં દેખાતા દેડકાઓ કરતાં તદ્દન અલગ છે. કાચ જેવી ચામડી હોવાથી સૂર્યપ્રકાશમાં એનો ચળકાટ જોવા જેવો હોય છે. વળી, પાણીમાં હોય ત્યારે તો વધુ આકર્ષક લાગે છે. મજાની વાત એ છે કે આ પ્રજાતિના પુખ્ત દેડકાની લંબાઈ માંડ ૮થી ૧૦ મિલીમીટર હોય છે.
ફ્રેડ ક્રોસ અને તેની ટીમે હોનોલૂલૂ નામના સ્થળેથી આ દેડકાઓને મેળવ્યા છે. એમાં પણ બે અલગ અલગ પ્રજાતિઓ હોય તેવી શક્યતા હોવાથી બંનેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ દેડકાઓ પાંદડાંઓ પરના નાના કીટકોને ખોરાક બનાવે છે.
સંશોધકોના મતે આવા નાનકડા દેડકાઓ વર્ષો પહેલાં હતા અને હવે ફરીથી મળી આવ્યા છે પણ આ પ્રકારના દેડકાઓ અન્ય કોઈ દેશમાં છે કે નહીં તેની તપાસ પણ આ ટીમે આરંભી છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

બાળકોનાં અલાયદા ઈન્ટરનેટ બ્રાઉઝર્સ


વેકેશનમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધુ થતો જ હશે પણ ઈન્ટરનેટનો વપરાશ પણ વધી ગયો હશે, કેમ ખરુંને? ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બ્રાઉઝરનું હોવું અનિવાર્ય છે. 
સામાન્ય રીતે આપણે ઈન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, એપિક, ગૂગલ ક્રોમ કે ઓપેરાનો જ વધુ ઉપયોગ કરીએ છીએ પણ આવા તો ઘણા બ્રાઉઝર અવેલેબલ છે અને એમાં પણ બાળકો માટે વિશેષ સવલત આપતા બ્રાઉઝર્સ પણ તમે સાવ સરળ રીતે તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો છો.

બાળકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલું બ્રાઉઝર છે, કિડરોકેટ (Kidrocket). કિડરોકેટની વિશેષતા એ છે કે તેમાં બાળકોને જરૃરી ન હોય એવી અમુક વેબસાઈટ્સ ખૂલતી જ નથી. એટલે કે પુખ્તવયના લોકો માટેની વેબસાઈટ્સ આપોઆપ જ બંધ હોય છે. 
વળી, બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં કરતાં ક્યાંક બીજી રમતે ચડી જાય તો નેટ ચાલુ રહી જતું હોય છે માટે આ બ્રાઉઝર અમુક સમયે એની જાતે જ બંધ થઈ જાય છે. આવું જ એક બીજું બ્રાઉઝર છે માય કિડ્ઝ બ્રાઉઝર (My Kids Browser). આમાં પણ બાળકોના વપરાશની વસ્તુઓ સિવાયની સામગ્રી આપમેળે બંધ કરવામાં આવે છે. અન્ય એક કિડ્ઝુ (Kidsui) નામનું બ્રાઉઝર પણ બાળકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. 
જો તમારી પાસે આ બ્રાઉઝર ન હોય તો સાવ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. બાળકો માટે વપરાશમાં પણ સુગમતા રહે અને બિનજરૃરી સામગ્રીથી બાળકો અળગાં રહી શકે તે માટે આ બ્રાઉઝર ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

સ્પીડનો પર્યાય : સ્પીડી ગોન્ઝેલ્સ


'ધ લુની ટયૂન્સ'નું સ્પીડી ગોન્ઝેલ્સ એક આગવા અંદાજ સાથેનું કાર્ટૂન કેરેક્ટર છે. આ ઉંદરને મોટાભાગે સ્પીડીના નામે જ ઓળખવામાં આવે છે. તેની ખાસિયત ઝડપ છે. મેક્સિકોના ફાસ્ટેસ્ટ માઉસના કાર્ટૂનમાં તેની ગણના થાય છે. 
સ્પીડીનો પહેરવેશ પણ તેને અન્યથી અલગ પાડી દે છે. યેલ્લો કેપ, વ્હાઈટ શર્ટ અને રેડ હાથરૃમાલ સાથે જ હંમેશાં જોવા મળતા આ મેક્સિકન કાર્ટૂને વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી છે. કાર્ટૂન સિરિઝમાં સ્પીડી ઉંદરનું કામ પોતાના મિત્રો માટે ખોરાક મેળવી આપવાનું હોય છે. 
બિલાડીની નિગરાનીમાં રહેલો ખોરાક તે તેની કુશળતા વાપરીને લઈ આવે છે. મેક્સિકન ઉચ્ચારણોથી હાસ્યનું સર્જન કરવાની તેની કળા પણ રમૂજી છે. તેની કામ કરવાની સ્ટાઇલ ખરેખર તેને મૂર્ખ સાબિત કરતી રહે છે, પણ કામનું પરિણામ હકારાત્મક હોવાના કારણે તે સ્માર્ટ તરીકે ઊભરી આવે છે. 
આ કાર્ટૂનનો જન્મ આમ તો છેક ૧૯૫૩માં થયો હતો. 'કેટ ટેઈલ્સ ફોર ટુ' ના નામે રોબર્ટ મીકીમ્સનના દિગ્દર્શન તળે સૌપ્રથમ વખત સ્પીડી ગોન્ઝેલ્સ નામના કાર્ટૂન કેરેક્ટરનો જન્મ થયો હતો.  ત્યાર પછી તો દુનિયાભરમાં ટેલિવિઝન શ્રેણીઓમાં સ્પીડીને સ્થાન મળ્યું છે. અલગ અલગ ભાષાઓમાં તેને સ્પીડીના મુખ્ય ગુણોને ધ્યાનમાં રાખીને બાળકો માટેની સીરિઝ બની છે.
ત્યાર બાદ વોર્નર બ્રધર્સે લુની ટયૂન્સ કાર્ટૂન પરથી ૨૦૧૦માં ફિલ્મ બનાવી. હવે તો આ સિરિઝ અને તેના દરેક કાર્ટૂન કેરેક્ટર્સ પોતપોતાની આગવી ઓળખ સાથે લોકપ્રિય છે અને તેમાં સ્પીડીની સ્પીડ તો બધાંથી નિરાળી છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

ખંડાલાઃ મહારાષ્ટ્રનું એવરગ્રીન પર્યટન સ્થળ


ભારતનાં વિવિધ હિલ સ્ટેશનો પૈકી ખંડાલા એવું ફરવાલાયક સ્થળ છે જે વર્ષ દરમિયાન પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહે છે. મહારાષ્ટ્રમાં આવેલું ખંડાલા કુદરતી સૌંદર્યથી છલકાતું પ્રવાસન સ્થળ છે.
૬૨૫ મીટરની ઊંચાઈએ આવેલા ખંડાલામાં પ્રવેશતા જ હરિયાળા વાતાવરણનો અનુભવ થાય છે. નજર સામે રહેલું લીલુંછમ દૃશ્ય આંખને ઠંડક આપે છે.
સહ્યાદ્રી માઉન્ટેન રેન્જમાં આવેલા ખંડાલામાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ખંડાલા મુંબઈથી ૧૦૧ કિલોમીટરની દૂરી પર આવેલું છે જ્યારે પૂણેથી ૬૯ કિલોમીટરનું અંતર છે.
લોનાવાલા પણ લોકપ્રિય સ્થળ છે અને તે ખંડાલાથી માત્ર ૫ કિલોમીટર જ હોવાથી આ તરફ આવતા સહેલાણીઓ એક સાથે આ બંનેનો પ્રવાસ ખેડી લે છે.
ઉનાળાનો સમયગાળો ખંડાલા જવા માટે સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે જુલાઈ માસ સુધી અહીંનું વાતાવરણ એકદમ સામાન્ય હોય છે જ્યારે ચોમાસામાં ક્યારેક ભારે વરસાદ પડતો હોવાથી સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓની ભીડ ઓછી જોવા મળે છે.
ખંડાલાનો ઇતિહાસ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો હોવાનું મનાય છે. આ સ્થળ પર એક સમયે શિવાજીની આણ પ્રવર્તતી હતી. ઊંડી ખીણો, વિશાળ તળાવ, ઐતિહાસિક કિલ્લો અને સુંદર ધોધ ખંડાલા ભણી સહેલાણીઓને આકર્ષે છે.
આમિર ખાન-રાની મુખરજી અભિનિત ફિલ્મ ગુલામમાં આમિર ખાનના અવાજમાં 'આતી ક્યા ખંડાલા...' સોંગ ખૂબ જ લોકપ્રિય થયું હતું. જોકે, બોલિવૂડ અને ખંડાલાને ઘણો જૂનો નાતો છે. ઘણી ફિલ્મોના અમુક સોંગ્સ અને સીનનું ફિલ્માંકન ખંડાલામાં થયું છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania
Tag :

તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા : નેતાજી


નેતાજીના લાડકા નામથી જાણીતા સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટ્ટકમાં ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭માં થયો હતો. જાનકીનાથ બોઝ અને પ્રભાવતીદેવીના આ તેજસ્વી પુત્રએ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો હતો. પ્રથમ પ્રયત્ને ઇન્ડિયન સિવિલ ર્સિવસીસની અઘરી પરીક્ષા પણ પસાર કરી હતી. 
જોકે, અંગ્રેજોની નીતિઓનો વિરોધ કરવા માટે આ નોકરી સ્વીકારી ન હતી અને આઝાદીની લડતમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. આ માટે ગાંધીજીને મળીને માર્ગદર્શન મેળવ્યા પછી તેમણે બંગાળમાં સ્વતંત્રતાની ચળવળ ચલાવતા દેશબંધુ ચિત્તરંજનદાસ સાથે મળીને કામ શરૂ કર્યું. 
ત્યાર પછી તો સાઇમન કમિશનના વિરોધ વેળાએ બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું. આ પછી તેઓ અખિલ ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ બન્યા. 
તેમની આ સફર છેક ભારતીય નેશનલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનવા સુધી રહી. સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા નેતાજીને ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે પોતાની રીતે આઝાદીની ચળવળ આગળ ધપાવવાનું નક્કી કર્યું. 
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નબળા પડી રહેલા બ્રિટનની નબળાઈઓનો ફાયદો મેળવવા માટે તેમણે જર્મની, રશિયા અને જાપાનનો પ્રવાસ કર્યો. આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા'નું સૂત્ર આપ્યું. 
જોકે, તેઓ આ ચળવળમાં સફળ થાય એ પહેલાં ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે એક વિમાની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હોવાની જાહેરાત થઈ, પરંતુ તેમના મૃત્યુનું રહસ્ય આજેય અકબંધ છે. અલગ અલગ સમયે ભારતમાંથી ત્રણ-ત્રણ તપાસ પંચોની નિમણૂક થઈ છતાં નેતાજીના મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 19 May 2012
Posted by Harsh Meswania

ઓગીઃ કોક્રોચ સામે ક્યારેક હારતો અને ક્યારેક જીતતો બિલાડો



'ઓગી એન્ડ ધ કોક્રોચીસ' નામની ફ્રાન્સની એનિમલ કોમેડી શ્રેણીની ખૂબ જ લોકપ્રિય કોમેડી શોમાં ગણના થાય છે. મુખ્ય કેરેક્ટર ઓગી નામનો બિલાડો સામાન્ય રીતે ઘરમાં કામ કરતો રહે છે અને નવરાશના સમયમાં ટીવી જૂએ છે. તેને રસોઈનો પણ બહુ શોખ હોય છે. ધીરે ધીરે તેની કોક્રોચ સાથે મીઠી લડાઈ શરૃ થાય છે અને પછી તો ત્રણ કોક્રોચ તેના જીવનનો અભિન્ન અંગ જેવા બની જાય છે.
ત્રણેય કોક્રોચ ઓગીને સતત પરેશાન કરતા હોય છે. ઓગીના કેરેક્ટરને દરેક વખતે જીતતું જ બતાવાતું નથી. ક્યારેક પેલા ત્રણેય કોક્રોચ બાજી મારી જાય છે, તો કોઈક એપિસોડના અંતે ઓગી ત્રણેય પર પોતાની અવનવી કરતબોના કારણે ભારે પડે છે. 
થોડા આળસુ પ્રકારના ઓગીને જૂઈ, ડીડી અને માર્કી સાથે ખટપટ કરતો બતાવાયો છે. અન્ય કાર્ટૂન કેરેક્ટરથી ઓગી અલગ એ રીતે પડે છે કે તે સ્માર્ટ હોવા છતાં દરેક એપિસોડના અંતે અન્ય કાર્ટૂન શ્રેણીઓના મુખ્ય કેરેક્ટરની જેમ હેપી એન્ડ નથી આવતો. ક્યારેક ઓગી બાજી મારી જાય છે તો ક્યારેક પેલા ત્રણ કોક્રોચ ઓગી પર ભારે પડી જાય છે. 
જોકે, લડાઈ ઝઘડા છતાં ઓગીને આ કોક્રોચ ગમે છે. જ્યારે તે ઘરમાં એકલો હોય ત્યારે જો આ ત્રણેય હાજર ન હોય તો ઓગી પરેશાન થઈ જાય છે.  ત્રણેય કોક્રોચનો અવાજ સ્માર્ટ ઓગી રેકોર્ડ કરી લેતો હોય છે. ક્યારેક ત્રણેયની ગેરહાજરીમાં ઓગી રેકોર્ડ થયેલો કોક્રોચનો અવાજ સાંભળતો હોય છે. 
જ્યારે ઓગીને પરેશાન કરતા આ ત્રણેય હાજર હોતા નથી ત્યારે જ ઓગીને એવો અહેસાસ થાય છે કે કોક્રોચ વિના અધૂરું છે. ઓગીને એકલા રહેવા કરતા કોક્રોચ સાથે સતત ફાઇટ કરીને રહેવાનો વધુ આનંદ આવે છે. ઓગી સ્માર્ટ હોવા છતાં ભોળો છે અને આ જ તેની મુખ્ય ખાસિયત છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

નખ જેવડાં : કાચિંડા!






રં ગ બદલી શકનાર અનોખા સજીવ તરીકે કાચિંડાને આપણે ઓળખીએ છીએ. તાજેતરમાં કાચિંડાની એક નોખી ટચૂકડી પ્રજાતિ મળી આવી છે. અચરજ પમાડે એવી વાત તો એ છે કે આ કાચિંડા આપણી આંગળીના નખ જેટલા નાનકડા હોય છે.

માચિસની સળીના ઉપરના ભાગમાં સમાઈ જાય એટલા ટબૂકડા આ સજીવો માડાગાસ્કરમાંથી મળી આવ્યા છે. શોધકર્તાઓએ તેનું નામ બ્રુકેશિયા માઇક્રા પાડયું છે. તેની લંબાઈ માંડ ૨૯ મિલીમીટર જેટલી છે.

જર્મનીના વિજ્ઞાનિકોએ માડાગાસ્કરના ટાપુ પરથી આ નાનકડા કાચિંડાઓને ખોળી કાઢયા છે. એકાદ કિલોમીટરના વિસ્તારમાં વિચરતા આ સજીવો દિવસ દરમિયાન ભાગ્યે જ જોઈ શકાય છે.

દિવસે પાંદડાંઓની વચ્ચે ભરાઈ રહેલા માઇક્રો કાચિંડા રાત્રે ડાળીઓ પર નીકળે ત્યારે જ તેને જોઈ શકાય છે. સંશોધક ટીમના ડો. ફેંક ગ્લોએ તેના ટચૂકડા કદનું કારણ જણાવતાં કહ્યું હતું કે 'ટાપુઓ પર વર્ષોથી આ સજીવો વસવાટ કરતા હશે અને સમયાંતરે વિવિધ પ્રાકૃતિક અસરો થવાથી તેનો આવો આકાર થયો હશે.' કારણ તો જે હોય તે, પણ આ સજીવો છે બહુ મજાના!  

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

સુંવાળી ચામડી ધરાવતા કોઆલા


  • ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા કોઆલા તેની સુંવાળી ત્વચા માટે જાણીતા છે. આ પ્રાણી એક દિવસમાં ૨૪માંથી ૨૦ કલાકની ઊંઘ કરે છે. વૃક્ષો પર રહેતા આ સજીવોને ઓસ્ટ્રેલિયાના લોકો ખૂબ જ પસંદ કરે છે. 
  • ૧૭૮૮માં કોઆલાની સંખ્યા દસ લાખ જેટલી હોવાનું મનાતું હતું. જોકે, ૧૯૨૦ સુધીમાં આ સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઈ હતી. તેની સુંવાળી ચામડીના કારણે તેનો શિકાર થવા લાગ્યો હતો અને એટલે હવે કોઆલાની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે. એક સમયે લાખોની સંખ્યામાં જોવા મળતા આ પ્રાણીની સંખ્યા આજે માંડ ૪૫ હજાર હોવાનો અંદાજ છે.
  • તેની ચામડી કીમતી હોવાથી શિકારીઓના સકંજામાં તેની આખી પ્રજાતિ સપડાઈ ગઈ છે. કોઆલાના શિકાર સામે ઑસ્ટ્રેલિયાના લોકો આક્રોશ ઠાલવે છે. 
  • પોતાના માનીતા સજીવનો શિકાર અટકાવવા ખાસ પ્રયાસની ઑસ્ટ્રેલિયનોની માંગણી પછી કોઆલાને સુરક્ષા આપીને તેનો શિકાર થતો અટકાવાયો છે. જોકે, તેના અસ્તિત્વ પર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે. શિકારીઓ પર કાબૂ રાખવામાં આવ્યો હોવા છતાં કોઆલાને જંગલી શ્વાનથી ખતરો હંમેશાં રહ્યો છે. 
  • આ સિવાય અમુક અસાધ્ય બીમારીઓ લાગુ પડી જતી હોવાથી પણ ઉત્તરોતર આ સજીવની સંખ્યા ઘટતી જાય છે. સતત એ તરફના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે કે આ સુંદર અને નાજૂક દેખાતા સજીવોનું રક્ષણ કરી શકાય.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 12 May 2012
Posted by Harsh Meswania

વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીયઃ સી.વી. રામન


હંમેશાં માથે પાઘડી બાંધનાર ભારતીય વિજ્ઞાની સી.વી. રામનની વાત નીકળે એટલે વિજ્ઞાન રસિકો ગૌરવ અનુભવે છે. કારણ કે, વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મેળવનાર તે પહેલા ભારતીય અને પહેલા એશિયન વ્યકિત હતા. 
રામનનો જ્ન્મ મોસાળના ગામ તિરુવના ઇકકવલમાં થયેલો જે દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કાંઠે આવેલું છે. પિતા ચંદ્રશેખર આયંગર ભૌતિક વિજ્ઞાનના અધ્યાપક હતા, આથી રામનને વિજ્ઞાન તો વારસામાં મળેલું. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂર્ણ થયા બાદ વધુ અભ્યાસ માટે મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાં દાખલ થયા. 
રામન ૧૯૦૪માં યુનિવસિર્ટીમાં પ્રથમ આવીને ભૌતિક વિજ્ઞાનમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. વિજ્ઞાનના જાણીતા આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ભૌતિક વિજ્ઞાન વિષય પર કલમ ચલાવી. અનુસ્નાતક થયા બાદ વધુ અભ્યાસ માટે પરદેશ જવાની ઇચ્છા હતી, પરંતુ નબળા સ્વાસ્થ્યના લીધે તેમને પરવાનગી ન મળી. 
છેવટે તેમણે પરીક્ષા પાસ કરીને સરકારનાં નાણાં ખાતામાં ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલનો હોદ્દો ધરાવતી નોકરી સ્વીકારી લીધી. પછી તક મળતાં વિજ્ઞાનના રસના લીધે રામન નાણાં ખાતામાંથી રાજીનામું આપીને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર બની ગયા. 
૧૯૨૧માં કોલેજ તરફથી પરદેશ જવાનું થયું. તેમણે જહાજમાં બેસીને તર્ક કર્યો કે ભૂમધ્ય સમુદ્રનું પાણી વાદળી કેમ દેખાય છે. દરરોજ કલકત્તામાં બંગાળનો ઉપસાગર જોઉં છું તો આવો રંગ દેખાતો નથી. એ સમયે આ કોઇ સહેલો તર્ક ન હતો. 
રામને ૭ વર્ષની મહેનત કરીને સાબિત કરી દેખાડયું કે પ્રકાશ કોઇ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય છે. આ રંગ પરિવર્તનની શોધ રામન અસર એટલે કે રામન ઇફેકટ તરીકે જાણીતી બની. તેમની આ શોધ બદલ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો. ૧૯૬૮માં રામનને ૮૦ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેની ઉજવણી અમદાવાદમાં થયેલી.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 5 May 2012
Posted by Harsh Meswania

કુદરતી સૌંદર્યનો અખૂટ ભંડાર : નેપાળ


હિમાલયની ગોદમાં આવેલો નાનકડો દેશ નેપાળ આખી દુનિયામાં તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. તાજી હવા લેવા અને પ્રાકૃતિક સૌંદર્યની મજા લૂંટવા માટે વિશ્વભરમાંથી સહેલાણીઓ નેપાળ જાય છે. નેપાળનું સુંદર વાતાવરણ કોઈ પણને ત્યાં જકડી રાખે છે. અસંખ્ય પર્વતો, હરિયાળાં જંગલો અને નદીઓથી સમૃદ્ધ દેશ પર્યટકોને પરાણે ગમી જાય તેવો છે.

નેપાળનું કુદરતી સૌંદર્ય આંખોને ગમી જાય છે. વળી ત્યાં કોતરણીવાળાં મંદિરો, સ્તૂપો, પેંગોડા અને અન્ય આસ્થાનાં સ્થાનોની મુલાકાત પ્રતિવર્ષ અસંખ્ય સહેલાણીઓ લે છે. નેપાળમાં ઐતિહાસિક ઇમારતો હોવાની સાથે સાથે વિશ્વનું ૮૮૪૮ મીટર ઊંચું શિખર એવરેસ્ટ પણ છે, જે જોવાનો અનોખો અનુભવ થાય છે. વિશ્વના ૧૦ મોટા પર્વતો પૈકી ૮ પર્વતો તો એકલા નેપાળમાં જ છે. એવરેસ્ટ ઉપરાંત કાંચનજંઘા, લાહોત્સ, મકાલુ જેવા શિખરો પણ દુનિયાભરમાં વિખ્યાત છે. પશુપતિનાથ મંદિર કાઠમંડુમાં આવેલું છે જે બાગમતી નદીના તટ પર સ્થિત છે. આ મંદિરે હંમેશાં ભાવિકોની ભીડ રહે છે. વિશાળ જગ્યામાં પથરાયેલા ભગવાન શિવના મંદિર સિવાય પણ અહીં બીજાં જોવા જેવાં મંદિરો આવેલાં છે.

વળી, કાઠમંડુમાં જ ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા બે મુખ્ય સ્તૂપ છે. એટલું જ નહીં, ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની પણ નેપાળમાં જ આવેલું છે. આ જગ્યા ભારત અને નેપાળની સરહદ પાસે આવેલી છે. નેપાળના પોખરાને ઝરણાંઓનું શહેર કહેવામાં આવે છે. આ શહેરમાં કુલ આઠ ઝરણાં છે. ગંડકી નામની નદીમાં બોટિંગ કરી શકાતું હોવાથી બોટિંગનો આનંદ પણ ઉઠાવી શકાય. નેપાળમાં મનોકામના દેવીનું મંદિર છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં માનતા માનવામાં આવે તો તે જરૂર પૂરી થાય છે. નેપાળ પ્રકૃતિના ખોળામાં આવેલો ટચૂકડો પણ મનોરમ્ય દેશ છે. વળી ભારતીયો માટે નેપાળમાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી એટલે આપણે સરળતાથી નેપાળમાં ફરી શકીએ છીએ. નેપાળમાં પર્યટન ઉદ્યોગ જ આમ જોઈએ તો મુખ્ય આવક તરીકે છેલ્લા થોડાં વર્ષોમાં ઉભર્યો છે. 
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania
Tag :

ગ્રીન એનાકોન્ડા : પૃથ્વી પરનો સૌથી મોટો સાપ


  • એનાકોન્ડા અજગર હોવાની માન્યતા છે, પણ હકીકતમાં એ સાપ છે.

  • ગ્રીન એનાકોન્ડા જગતનો સૌથી મોટો સાપ છે.

  • આ સાપ લંબાઈમાં ૨૯ ફીટ સુધી પહોંચી શકે છે. એટલે કે આપણે ત્યાં જોવા મળતી એસ.ટી. બસ જેટલી તેની લંબાઈ હોઈ શકે છે.

  • તેનું વજન સવા બસો કિલોગ્રામ સુધીનું અને શરીરની ગોળાઈ એક ફીટ સુધીની હોય છે.

  • સામાન્ય રીતે સજીવોમાં નરનું કદ મોટું હોય છે, પણ ગ્રીન એનાકોન્ડામાં માદા નર કરતાં કદાવર હોય છે. દક્ષિણ અમેરિકા ખંડના મોટા ભાગના દેશોમાં ગ્રીન એનાકોન્ડા જોવા મળે છે.


  • સામાન્ય રીતે આ સજીવ એકદમ ગાઢવર્ષા જંગલોમાં રહે છે. પાણીવાળી જગ્યામાં પડયા પાથર્યા રહે અને બહુ ધીમી ચાલે ચાલતા હોય છે.

  • પાણીમાં તે ઝડપથી ચાલી શકતા હોવાથી મોટા ભાગનો સમય પાણીમાં જ પસાર કરે છે. એનાકોન્ડાનું ગ્રુપ બેડ અથવા નોટ તરીકે ઓળખાય છે.

  • ડુકર, કાચબા, હરણ, પક્ષીઓ, જેગુઆર નામના કાળા દીપડા અને ક્યારેક નાના કદની ગાય કે ભેંસ પણ એનાકોન્ડાનો શિકાર બનતાં હોય છે. તેનું આયુષ્ય લગભગ ૧૦ વર્ષ જેટલું હોય છે.

  • એનાકોન્ડાનાં બચ્ચાં જન્મે ત્યારે જ ૨ ફીટ લાંબાં હોય છે. જન્મતાંની સાથે જ એ શિકાર કરી શકે છે અને પાણીમાં દોટ મૂકી શકે છે.

  • તેના મોઢાની રચના એવી હોય છે, કે એ ખૂલે ત્યારે તેનું કદ મોટું થાય છે એટલે એ ભલભલાં પ્રાણીઓને સરળતાથી ગળી શકે છે.

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -