Archive for August 2012

૧૧૫૦ ફીટ ઊંચી અને ૯ કિમી. લાંબી ખરબચડી ટેકરીઃ ઉલુરુ


ઓસ્ટ્રેલિયામાં આવેલી ઉલુરુ નામની ટેકરી તેના વિચિત્ર દેખાવ અને તેની ખરબચડી સપાટીના કારણે દુનિયાભરમાં જાણીતી છે. ઓસ્ટ્રેલિયાના જાણીતા શહેર એલિસ સ્પ્રિંગસથી ૩૩૭ કિલોમીટરની દૂરી પર આવેલી આ ટેકરીને 'એયર્સ રોક'ના નામે વધુ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ માટે આ સ્થળ વિશેષ ર્ધાિમક મહત્ત્વ ધરાવે છે. આ આદિવાસીઓ તેને પવિત્ર માનીને પૂજા પણ કરે છે. તેના દેખાવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં આ વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કરીને વિશેષ સવલત પૂરી પાડવામાં આવી છે. ઉલુરુ ટેકરીની ખાસિયત માત્ર તેની ખરબચડી સપાટી જ નથી, પરંતુ તેની ઊંચાઈ અને પહોળાઈ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમુદ્રના લેવલથી આ ટેકરી ૨૮૨૮ ફીટની ઊંચાઈએ આવેલી છે. જોકે ઓસ્ટ્રેલિયાની જમીન પરથી તેની ઊંચાઈ ૧૧૫૦ ફીટ નોંધાતી હોવાથી આ જ તેની ઊંચાઈ હોવાની સામાન્ય માન્યતા છે.

આ ઉપરાંત ઉલુુરુ ટેકરી ૯ કિલોમીટર લાંબી અને ૨ કિલોમીટર પહોળી છે. ૧૫ ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ પરંપરાગત નામ ઉલુરુ અને અંગ્રેજી નામ એયર્સ રોક બંનેને સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. હવે આ બંને નામોથી જ આખો વિસ્તાર ઓળખાય છે. વિલિયમ ગોસ નામના યુરોપિયને સૌ પ્રથમ વખત ૧૮૭૩માં આ ટેકરીને જોઈ હતી અને ત્યારે તેણે સાઉથ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન ચીફ સેક્રેટરી સર હેનરી એયર્સના નામ પરથી ટેકરીનું નામ એયર્સ રોક પાડયું હોવાનું કહેવાય છે.

એયર્સ રોકની મુલાકાતે પ્રતિવર્ષ ૫ લાખ જેટલા લોકો આવે છે. સ્થાનિક પ્રશાસને પણ પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ પ્રવાસન સ્થળની સુવિધાઓમાં વધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના દરેક મોટા શહેરમાંથી એયર્સ રોક જવા માટે ફ્લાઇટ મળી રહે છે. પરિણામે સમગ્ર વિશ્વના પર્યટકો આ અનોખી દેખાતી ખરબચડી ઉલુરુ ટેકરીની મુલાકાતે આવતા રહે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 25 August 2012
Posted by Harsh Meswania
Tag :

સેવા અને કરુણાની મૂર્તિ મધર ટેરેસા


જન્મે ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનારાં મધર ટેરેસાનો આવતી કાલે જન્મદિવસ છે. ત્યારે આપણે અહીં મધર ટેરેસાએ કઈ રીતે સેવાનો ભેખ ધારણ કર્યો એ વિશે અને તેમના જીવન વિશે થોડી વધુ જાણકારી મેળવીએ.
 મધર ટેરેસાનો જન્મ ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયામાં થયો હતો. તેમનું ખરું નામ એગ્નેસ ગોન્કસા બોજાક્સુ હતું. તેેમણે ૧૯૩૧માં ધાર્મિક શપથ લીધા પછી સંત થેરેસ દે લિસિઅક્સના નામ પરથી ટેરેસા નામ પસંદ કર્યું. પછીથી જીવનભર તેઓ આ જ નામથી સમગ્ર વિશ્વમાં જાણીતાં થયાં.
મધર ટેરેસા જ્યારે માત્ર ૮ વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યાર પછી તેમની માતાએ તેમને રોમન કેથલિક ધર્મમાં આગળ વધીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉછળકૂદ કરવાની ૧૨ વર્ષની ઉંમરે તો મધર ટેરેસાએ પોતાની સેવાકીય પ્રવૃત્તિ આરંભી દીધી હતી. ત્યારે જ તેમણે મનોમન સેવાનો ભેખ ધારણ કરવાનું નક્કી કરી લીધું હતું.
૧૮ વર્ષની ઉંમરે તેઓ મિસ્ટર ઓફ લોરેટો મિશનમાં જોડાઈ ગયાં હતાં અને સેવા કરવા માટે ઘરનો ત્યાગ કરી દીધો હતો. ૧૯૨૯માં પ્રથમ વખત તેઓ ભારત આવ્યાં હતાં અને દીક્ષાર્થી તરીકેનો પોતાનો પ્રથમ કાર્યકાળ હિમાલય પર્વતમાળા નજીક ર્દાિજલિંગમાં વીતાવ્યો હતો.
૧૯૪૬માં ભારતમાં ફાટી નીકળેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો વખતે મધર ટેરેસાએ ઈજાગ્રસ્તોની ખૂબ સેવા કરી હતી. ત્યારબાદ ૧૯૪૮માં તેમણે કોલકાતામાં જ ગરીબો માટેનું પોતાનું મિશનરી કાર્ય શરૃ કર્યું હતું જે પછીથી આખા વિશ્વમાં વિસ્તર્યું હતું.
મધર ટેરેસાએ ભારતમાં સેવાકીય કાર્ય શરૃ કર્યા પછી પોતાનો લોરેટોનો પરંપરાગત પોશાક ત્યાગીને ભૂરી કિનારીવાળી ખાદીની સાડી પહેરવાનું શરૃ કર્યું. આ સમયગાળામાં જ તેમણે ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
તેમની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ૧૯૭૯માં મધર ટેરેસાને શાંતિ માટેના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયાં ત્યારે તેમણે કહ્યું હતું કે 'ઈશ્વર ગરીબોમાં અને પીડિતોમાં વસે છે, આપણે આવા અસહાય લોકોની સેવા કરીને ઈશ્વર સુધી પહોંચવું જોઈએ.'
૧૯૮૦માં ભારત સરકારે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપીને તેમની સેવાની કદર કરી હતી. સતત કથળતા જતાં સ્વાસ્થ્ય પછી પાંચ સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ તેમનું નિધન થયું હતું. એક સમયે માત્ર ૧૩ સભ્યોથી શરૃ થયેલું તેમનું સેવાકીય કાર્ય આજે ૧૨૩ દેશોમાં પ્રસરી ગયું છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

પર્વત સમુદ્રથી કેટલો ઊંચો છે તે કેમ નક્કી થાય?

આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પેલો પર્વત કે પેલું સ્થળ સમુદ્રની સપાટીથી આટલા મીટર ઊંચું છે. સમુદ્રથી પર્વત કેટલો ઊંચો છે કે પછી ઊંચે ઊડતું વિમાન કેટલું ઊંચે છે તે કેમ નક્કી થતું હશે તે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થયા વિના ન રહે. આ ઊંચાઈ માપવા માટેનું એક સાધન એટલે ઓલ્ટિમીટર. ઓલ્ટિમીટર પહેલાં થિઓડોલાઇટ નામનું સાધન ઊંચાઈ માપવા માટે વપરાતું હતું. જોકે, તેમાં વિમાનની ચોક્કસ ઊંચાઈ માપી શકાતી ન હતી. એના બદલે ઓલ્ટિમીટર વધુ સગવડતાભર્યું છે.

ઓલ્ટિમીટર એક રીતે જોતાં તો સીધું સાદું બેરોમીટર જ છે. ઊંચાઈમાં જેમ વધારો થાય તેમ વાતાવરણનું દબાણ ક્રમશઃ ઘટે છે, એ સિદ્ધાંત તેમાં લાગુ પડે છે. ઓલ્ટિમીટરમાં હવાનું દબાણ માપતી સીલબંધ કેપ્સ્યુલમાં શૂન્યાવકાશ હોવાના કારણે દબાણ વધારે હોય ત્યારે કેપ્સ્યુલનું પતરું સહેજ દબાતાં ડાયલના કાંટા ઓછી ઊંચાઈનો આંકડો બતાવે છે.

હવાનું દબાણ ઘટે એટલે આ પતરું સહેજ ઊંચું જાય છે અને ડાયલના કાંટા તે પ્રમાણે ખસે છે. આ રીતે ઓલ્ટિમીટરમાં હવાનું દબાણ મપાય છે અને એના આધારે પર્વત હવાની સપાટીના આધારે કેટલો ઊંચો છે તે નક્કી કરી શકાય છે. ઊડતા વિમાનની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. જોકે, વિમાનને સતત બદલાતા હવામાનનો સામનો કરવો પડે છે એટલે તેમાં એવી ખાસ સવલત આપવામાં આવે છે કે હવાનું દબાણ એકસરખું ન હોવા છતાં વિમાનમાં રહેલા મશીનને એ રીતે સેટ કરવામાં આવે, જેથી ઊંચાઈ માપી શકવામાં સરળતા રહે છે.  
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 18 August 2012
Posted by Harsh Meswania

ઊંચા પહાડી પ્રદેશોનું ભારેખમ પ્રાણી : યાક

બળદ જેવો દેખાવ ધરાવતા યાકની સંખ્યા સતત ઘટી રહી હોવાનું નોંધાયું છે. યાકની સંખ્યા વધારવા માટે વિશ્વ પર્યાવરણ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આપણે અહીં યાક વિશે થોડી જાણકારી મેળવીએ.

* યાક કાળા રંગનું અને ખૂંધ ધરાવતું પ્રાણી છે. લાંબા વાળને કારણે પણ તે અલગ તરી જાય છે. યાક પહાડી પ્રદેશોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. તે લગભગ ૧૪થી ૨૦ હજાર ફીટ ઊંચે રહી શકે છે.

* આમ તો યાક જંગલી પ્રાણી છે, પણ દક્ષિણ અને મધ્ય એશિયાના લોકોએ તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાલતુ પ્રાણી બનાવ્યું છે. ભારતમાં હિમાચલ પ્રદેશમાં યાક જોવા મળે છે. આ સિવાય મોંગોલિયા અને રશિયામાં પણ આ પ્રાણીની ખાસ્સી વસ્તી છે.

* યાકની ઊંચાઈ ૫ ફીટથી લઈને ૭ ફીટ સુધીની હોય છે. ૩૫૦ કિલોગ્રામથી ૧૦૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતું હોવા છતાં યાક ઊંચા પહાડો પર આસાનીથી પહોંચી શકે છે. તેમાં તેને ભારેખમ શરીર અવરોધક બનતું નથી.

* જંગલમાં રહેતાં યાક મોટાભાગે બ્રાઉન કે બ્લેક રંગનાં જ હોય છે, પણ એશિયામાં મળી આવતાં યાકના રંગમાં ઘણો તફાવત જોવા મળ્યો છે.

* પાતળા ઓક્સિજનમાં પણ યાકના શરીરમાં ઝડપથી લોહી બને છે અને શરીરમાં તેનંુ પરિભ્રમણ પણ થાય છે. સામાન્ય રીતે મોટાભાગનાં પ્રાણીઓને પાતળા ઓક્સિજનમાં લોહીના પરિભ્રમણની સમસ્યા સતાવતી હોય છે.

* આ મહાકાય પ્રાણી ગાડરની જેમ માથું નીચું રાખીને ચાલે છે. આ એક તેની વિચિત્ર આદત છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

સોફ્ટવેર વગર સીડી રાઇટ કઈ રીતે કરશો?


સોફ્ટવેર વગર સીડી કે ડીવીડી રાઇટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય તે મોટાભાગે લોકોને જાણમાં હોતું નથી. કમ્પ્યુટરમાં સોફ્ટવેર હોય તો જ સીડી રાઇટ થઈ શકે તેવી એક માન્યતા છે, પણ વિન્ડોઝ એક્સપીમાં સીડી રાઇટ કરી શકાય તેવી સુવિધા ઈન બિલ્ટ જ હોય છે. કઈ રીતે આ કામ કરી શકાય તે વિશે વિગતે જાણીએ.

* સૌ પ્રથમ વિન્ડોઝ એક્સપીમાં CD-R ફિચર ચાલુ કરવાની જરૂર પડશે. My copmputer > CD Drive પર રાઇટ ક્લિક કર્યા બાદ Propertiesમાં જઈ છેલ્લું Recording ટેબ ક્લિક કરીએ એટલે તેમાં Enable CDRecording on this drive બોક્સ ખૂલશે જેના પર ક્લિક કરીને નીચેનું ડ્રોપ ડાઉનમાં Fastest સિલેક્ટ કરવાનું રહેશે.

* ત્યાર પછી ખાલી સીડી ડ્રાઇવમાં નાંખો અને હવે જે ફાઇલ કે ડેટા તમારે સીડીમાં લેવા છે તેને કોપી કરો.

* સીડીની જે ડ્રાઇવ હોય તે ઓપન કરો અને કોપી કરેલો ડેટા ત્યાં પેસ્ટ કરી દો. હવે જે ડેટા તમે સીડીમાં પેસ્ટ કરશો તેની કામચલાઉ ફાઇલ તેમાં દેખાશે.
* હવે ડાબી બાજુની બ્લૂ પેનલમાંથી Write thede files to CD સિલેક્ટ કરો.

* ત્યાર પછી CDwrite wizard નામનું બોક્સ આવશે ત્યાં તમે સીડીનું નામ બદલી નાખશો એટલે કામચલાઉ ફાઈલ હંમેશ માટે સેવ થઈ જશે.

* તમે નવી સીડી કે ડીવીડીને બદલે જૂની સીડીને ઉપયોગમાં લેતા હોય તો તમારે બ્લૂ પેનલમાં જતી વખતે Erase this CD-RWનો વિકલ્પ પસંદ કરીને જૂનો બધો જ ડેટા કાઢી ડિલિટ કરી નાખવો જરૂરી છે.

બસ, આટલી સરળ પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે સીડી રાઇટ કરવાનો એક પણ સોફ્ટવેર ન હોવા છતાં તમે આસાનીથી સીડીને રાઇટ કરી શકો છો. હવે જ્યારે અચાનક ખબર પડશે કે તમારી પાસે સીડી રાઈટ કરવાનો એક પણ સોફ્ટવેર નથી ત્યારે મુશ્કેલી નહીં થાય. કેમ ખરુંને?
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક ધરોહર : પંચમઢી

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં સાતપૂડાની પર્વતમાળામાં આવેલા હિલસ્ટેશન પંચમઢીની ખાસિયત એ છે કે તે ભારતભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે તો ઓળખાય જ છે, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ છે. પાંચ પાંડવો આ સ્થળે રહ્યા હોવાની માન્યતા હોવાથી લોકો ધાર્મિક આસ્થા સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવા આવે છે.

* સાતપૂડાની પર્વતમાળામાં સ્થિત આ સ્થળનું લાડકું નામ 'સાતપૂડાની રાણી' રાખવામાં આવ્યું છે. પંચમઢી સમુદ્રની સપાટીથી ૧૦૭૦ મીટરની ઊંચાઈ પર આવેલું સ્થળ છે.

* યુનિસેફે પંચમઢીના જંગલ પ્રદેશને ૨૦૦૯માં જીવરક્ષા આરક્ષણ વિસ્તાર જાહેર કર્યો છે. પંચમઢી સાતપૂડા રાષ્ટ્રીય પાર્કનો ભાગ હોવાના કારણે પણ પ્રવાસીઓને આકર્ષે છે.

* એક ધાર્મિક માન્યતા અનુસાર પંચમઢીનું નામ પાંચ પાંડવોની પાંચ ગુફાઓ પરથી પડયું છે. એમ મનાય છે કે પાંચ પાંડવોએ અજ્ઞાતવાસનો ઘણો સમય અહીં વિતાવ્યો હતો. હવે અહીંની પાંડવ ગુફાઓને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વિશેષ રક્ષણ આપવામાં આવે છે.

* પંચમઢીમાં આવેલું મહાદેવનું મંદિર એક ગુફામાં આવેલું છે અને આ ગુફા ૩૦ મીટર લાંબી છે. અહીં સુંદર ચિત્રો ધ્યાનાકર્ષક છે. આ ગુફાનું તાપમાન કાળઝાળ ગરમીમાં પણ ક્યારેય ૨૦ ડિગ્રીથી ઉપર જતું નથી.

* અંગ્રેજ શાસન દરમિયાન ૧૮૬૨માં કેપ્ટન જેમ્સ ર્ફોસિથે પ્રિયદર્શન પોઇન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળ્યો અને ત્યાર બાદ પંચમઢીથી પ્રભાવિત થયો હતો. ૧૮૭૦ આસપાસ અંગ્રેજોએ આ સ્થળનો વિકાસ એક હિલસ્ટેશન તરીકે કર્યો હતો.

* પંચમઢીમાં આવેલું પ્રિયદર્શન ત્રણ શિખરમાળાની વચ્ચે આવેલું નયનરમ્ય સ્થળ છે, અહીંથી સૂર્યાસ્તનાં દર્શન રમણીય હોય છે. પંચમઢીની મુલાકાત વખતે મોટાભાગના પ્રવાસીઓ અહીંના સૂર્યાસ્તનાં દર્શનનો લહાવો લે છે.

* ભોપાલથી પંચમઢી ૨૧૧ કિલોમીટરના અંતરે આવ્યું છે. સોહાગપુરના રેલવે સ્ટેશનથી પંચમઢી માત્ર ૧૭ કિલોમીટરની દૂરી પર આવેલું છે.

* પંચમઢીની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો જૂન-જુલાઈ મનાય છે. જોકે, ચોમાસામાં અહીંની હરિયાળી જોવા માટે પણ સહેલાણીઓ આવે છે.  
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania
Tag :

ડરપોક હોવા છતાં પણ સાહસથી કામ પાર પાડતો : કરેજ ડોગ


દરેક એપિસોડમાં મ્યુરિયલના ઘરમાં કંઈકને કંઈક બનતું રહે છે. બગ દંપતીને ઘણી વખત ખબર પણ હોતી નથી અને કરેજ કોઈ પણ રીતે તેના માલિક પર આવેલી મુશ્કેલી સામે લડે છે અને બંનેને બચાવે છે.

અમેરિકન કાર્ટૂન ટેલિવિઝન શ્રેણી કરેજ ધ કાવર્ડલી ડોગની રચના જ્હોન આર ડેલવોર્થે કાર્ટૂન નેટવર્ક માટે ૧૯૯૯માં કરી હતી. આ કાર્ટૂન શ્રેણી પછીથી સમગ્ર વિશ્વમાં પોપ્યુલર થઈ હતી. કરેજ ધ કાવર્ડલી ડોગ સિરીઝનું મુખ્ય કાર્ટૂન કેરેક્ટર છે કરેજ ડોગ. આ ડોગમાં તેના નામ પ્રમાણેના બંને ગુણો એકસાથે છે. તે થોડો હિંમતવાળો છે છતાં થોડો બીકણ પણ છે. તેના શરીરનો પિંક રંગ, એકદમ કાળી આંખો અને લાલ જીભ તેને અનોખો દેખાવ આપે છે.

તેની માલકિન મ્યુરિયલ બગનો વહાલો ડોગી હોવા છતાં તેને તેના ઘરમાં જ દુશ્મનનો પણ સામનો કરવાનો આવે છે. મ્યુરિયલ બગનો પતિ ઇસ્ટેસ બગને કરેજ ડોગ જરા પણ ગમતો નથી. એટલે તે સતત તેના માટે પરેશાની ઊભી કરતો રહે છે. કરેજની માલકિન મ્યુરિયલ બગને સતત ભૂતોનો ડર સતાવતો હોય છે. એટલે કરેજ તેનો ડર ઓછો કરાવવામાં મ્યુરિયલને મદદ કરતો રહે છે. વળી, આ શ્રેણીના દરેક એપિસોડમાં મ્યુરિયલના ઘરમાં કંઈકને કંઈક બનતું રહે છે.

બગ દંપતીને ઘણી વખત ખબર પણ હોતી નથી અને કરેજ કોઈ પણ રીતે તેના માલિક પર આવેલી મુશ્કેલી સામે લડે છે અને બંનેને બચાવે છે. જોકે, તેના આ બચાવવાના અભિયાનને પણ મ્યુરિયલનો પતિ ઇસ્ટેસ ઊંધી રીતે જ સમજે છે. એને વહેમ હોય છે કે ડોગ કરેજ કંઈકને કંઈક ઊલ્ટું જ કરતો હોય છે. આ સ્થિતિ સામે આવે ત્યારે કરેજ માટે મુશ્કેલી ઊભી થાય છે. સતત નવાં સાહસોથી અને કોમેડીથી ભરપૂર આ કરેજ ધ કાવર્ડલી ડોગની લોકપ્રિયતા આજેય અકબંધ છે. એમાં પણ કરેજ ડોગ થોડો ડરપોક હોવા છતાં સાહસ બતાવીને બધાંનાં દિલ જીતતો રહે છે.  
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

લોકમેળાઓમાં ધબકતી જન્માષ્ટમી


(૯-૮-૨૦૧૨, ‘સંદેશ’ની જન્માષ્ટમી વિશેષ પુર્તિ ‘શ્રદ્ધા’માં પ્રકાશિત લેખ



શ્રીકૃષ્ણ જન્મને આપણે વર્ષોથી એટલા ઉત્સાહ અને ઉલ્લાસથી ઊજવતા આવ્યા છીએ. કદાચ ઉજવણીની રીતભાત થોડી બદલાતી રહી હશે, પણ ઉત્સાહમાં તો આજેય કમી નથી આવી. કૃષ્ણજન્મ સાથે મટકી, શોભાયાત્રા અને મેળાઓ અભિન્ન અંગની જેમ જોડાઈ ગયાં છે. એમાં પણ શ્રીકૃષ્ણએ મિત્રતા માટે, શાસન માટે અને દેહત્યાગ માટે જે ભૂમિને પસંદ કરી હતી તે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની ઉજવણી આખા ગુજરાતમાં સૌથી અનેરી થાય છે. ઠેર ઠેર મેળાઓ ભરાય છે દ્વારકા, પોરબંદર, ડાકોર અને ભાલકાતીર્થ-સોમનાથ ઉપરાંત રાજકોટ, કચ્છ વગેરેમાં જન્માષ્ટમી નિમિત્તે થતા મેળાઓની કરીએ શાબ્દિક ઉજવણી.


દ્વારકા : લોકોનો મેળાવડો બની જાય છે મેળો

દ્વારકા એટલે શ્રીકૃષ્ણની નગરી. દ્વારકા એક જમાનામાં યદુવંશના શાસનના કારણે ભારત આખામાં કેન્દ્રસ્થાને હતું. આજેય દ્વારકા શ્રીકૃષ્ણ ભક્તો માટે ભારત આખામાં કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણજન્મોત્સવ હોય અને દ્વારકાનો ઉલ્લેખ ન હોય તો એ ઉજવણી અધૂરી રહે. ભલે દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે ખાસ લોકમેળાનું આયોજન નથી કરવામાં આવતું, પણ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શને સમગ્ર ભારતમાંથી એટલી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે કે મેળો ન હોવા છતાં મેળો જામે છે. શીતળા સાતમ, જન્માષ્ટમી અને પારણા નવમી એમ ત્રણ દિવસ સુધી ભગવાનની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવી જાય છે. દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરની આરતીમાં જન્માષ્ટમીના દિવસે ભાગ લેવાનું અનોખું માહાત્મ્ય હોવાથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ સવલતો અને પૂજનવિધિનું આયોજન કરવામાં આવે છે.


સુદામાપુરી : જન્માષ્ટમી એટલે પાંચ દિવસનો લોકમેળો

સુદામાપુરી પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે પાંચ દિવસનો લોકમેળો યોજાય છે. પોરબંદરનો આ લોકમેળો તેના સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે અન્ય તમામ મેળાઓથી અલગ તરી જાય છે. લોકડાયરો, લોકનૃત્યો અને મહેર સમાજનું પરંપરાગત નૃત્ય મેળાનું આકર્ષણ બની રહે છે. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના બાળસખા સુદામાના મંદિરે વિશેષ પૂજન કરવામાં આવે છે. પોરબંદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ એટલે પાંચ દિવસ ચાલતો લોકમેળો એવું કહી શકાય.


ડાકોર : ભગવાન અને ભક્તની યાદરૂપે મેળો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાય મંદિરમાં ભારે દબદબાભેર શ્રીકૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવે છે. રણછોડરાયના ધામ ડાકોરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ડાકોરમાં લાખો ભક્તો ઉમટતા હોવાને કારણે મેળો જામે છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ડાકોર મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવતું હોવાથી મંદિરનાં રાત્રિ દર્શન મનમોહક બને છે. જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલાં નાગપાંચમથી ભગવાનના મહેલ પરિસરમાં પાંચ દિવસના ઉત્સવો શરૂ થઈ જાય છે. આ દિવસો દરમિયાન ભગવાન પરંપરાગત વસ્ત્રો અલંકારોથી સજ્જ થઈ ભક્તોને દર્શન આપે છે. જન્માષ્ટમીના દિવસે સાંજે મંદિરમાં રાબેતા મુજબ દર્શન ચાલુ રહે છે. ત્યારબાદ ભગવાનનો જન્મ રાત્રે બાર વાગ્યે થતાં જ ભગવાનને તિલક કરી પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. સોનાના તાસમાં આરતી ઉતારીને ભોગ ધરાવી શ્રીજી ભગવાનને પારણે પધરાવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાપુરીથી ડાકોરમાં સંવત ૧ર૧રમાં ભક્તરાજ બોડાણાજી લાવ્યા હોવાની સુપ્રસિદ્ધ કથા છે. ભક્ત બોડાણાજી ભગવાનના વિમાનમાં સદેહે વૈકુંઠમાં ગયા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે. ત્યાર પછી આશરે ૪૦૦ વર્ષ અગાઉ તામ્વેકર કુટુંબના ગોપાલ નાયકે હાલનું રણછોડરાય મંદિર બનાવીને વિધિવત્ પૂજન કરાવ્યું હતું. છેલ્લાં ચારસો વર્ષથી અહીં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ભાવભેર કરવામાં આવે છે. ડાકોરનો કૃષ્ણજન્મનો મેળો ગુજરાત આખામાં અલગ શાન ધરાવે છે.

 ભાલકા - સોમનાથ : દેહોત્સર્ગ તીર્થનાં દર્શન, ભોળાનાથની ભક્તિ
દ્વારકાની જેમ અહીં પણ મેળાનું વિશેષ આયોજન કરવામાં નથી આવતું, પરંતુ શ્રીકૃષ્ણ અને શિવના મિલનસમા આ બંને તીર્થમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડતા હોવાથી આપમેળે જ મેળો બની જાય છે. ભાલકા તીર્થ, સોમનાથ ઉપરાંત ગીતા મંદિર અને ત્રિવેણી જેવાં ધર્મસ્થાનોમાં સાતમથી લઈને છેક પારણા નવમી સુધી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. એક મેળામાં જરૂરી બાબતો માનવ મહેરામણ, મનોરંજન અને મંદિરનો સંયોગ રચાતો હોવાથી મેળાવડો મેળામાં પરિર્વિતત થઈ જાય છે.


ગુણિયલ ગુજરાતીઓની જન્માષ્ટમી એટલે લોકમેળાઓ

આ તો થઈ જન્માષ્ટમીના તહેવારમાં આયોજિત કરાતા કે આયોજન વગર બની જતાં પ્રખ્યાત યાત્રાધામોના પ્રખ્યાત મેળાઓની વાત, પણ જન્માષ્ટમી દરમિયાન ગુજરાતમાં એવા તો ઘણા મેળાઓ ભરાય છે જે લોકપ્રિય હોય. ભુજમાં હમીરસર તળાવને કાંઠે સાતમ અને આઠમ એમ બે દિવસનો લોકમેળો યોજાય છે. રાજાશાહીના સમયથી આ મેળો અહીં પરંપરાગત રીતે યોજાતો આવે છે અને ભુજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાંથી બે દિવસમાં દોઢેક લાખ લોકો મેળાનો આનંદ ઉઠાવે છે. ભુજમાં મંદિરોને શણગારવામાં આવે છે અને મટકીફોડ, રાસોત્સવ જેવા કાર્યક્રમો ઉત્સાહભેર રજૂ થાય છે. માંડવીમાં પારણા નવમીના દિવસે ખારવા સમાજ દ્વારા શોભાયાત્રા નીકળે છે. ભુજ ઉપરાંત ગાંધીધામ, રાપર, માંડવી અને અંજારમાં પણ જન્માષ્ટમીમાં યોજાતા લોકમેળાઓ લોકજીવનનું અવિભાજ્ય અંગ બની ગયા છે.

જામનગરમાં વર્ષોથી વ્હોરાના હજીરા પાસે રંગમતી નદીના તટે લોકમેળો યોજાતો હતો. છેલ્લાં થોડાં વર્ષોથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજાય છે. છેલ્લાં અમુક વર્ષોથી લોકમેળો આખો શ્રાવણ માસ ચાલુ રહે છે. છેક શ્રાવણી અમાસે મેળાની પૂર્ણાહુતિ થાય છે. એ જ રીતે ભાવનગરના શિહોરમાં ગૌતમેશ્વર તળાવ અને ગૌતમી નદીના કાંઠે સ્વયંભૂ ભગવાન ગૌતમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં જન્માષ્ટમીનો મેળો થાય છે. પાંડવોના વનવાસ વખતે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જન્માષ્ટમીના દિવસે અહીં આવ્યા ત્યારથી આઠમના દિવસે મેળો ભરાતો હોવાની લોકોક્તિ છે.

આ મેળાની ખાસિયત મેળામાં મળતાં માટીનાં અને લાકડાંનાં રમકડાં છે. ભાવનગર પંથકમાં ભરાતા અનેક મેળામાં આ એક એવો મેળો છે જેમાં બાળકો માટે આપણી પરંપરાગત રીતે તૈયાર થતાં માટીનાં અને લાકડાંનાં રમકડાં મળે છે. આ સિવાય સુરતમાં પણ કૃષ્ણજન્મની ઉજવણીમાં લોકોનો ખાસ ઉત્સાહ જોવા મળે છે. સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ૪૦૦થી ૫૦૦ મટકીઓ ફોડવામાં આવે છે. અહીંની મટકીફોડ સ્પર્ધા

ગુજરાતભરમાં સુવિખ્યાત છે. ૩૦ ફૂટ ઊંચી મટુકીને ફોડવા માટે કાન-ગોપની અનેક ટુકડીઓ પ્રયાસ કરે છે. જે ટુકડી એ મટુકી સુધી પહોંચીને તેને ફોડી શકે છે તે ટુકડીને ઇનામ આપીને સન્માનિત કરાય છે. જે ટુકડી આ મટકી સુધી પહોંચે તેની ચોમેર પ્રશંસા થાય છે, કેમ કે ષટકોણ રચના કરીને જ મટુકી સુધી પહોંચી શકાય છે અને આ દૃશ્ય અવિસ્મરણીય હોય છે. ગુણિયલ ગુજરાતીઓ તહેવાર, મેળામાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનતા આવ્યા છે. આપણે અહીં મોટા અને કોઈક ને કોઈક ખાસિયતના કારણે અલગ તરી આવતા મેળાઓની વાત કરી, પણ ગુજરાતમાં તો ગામડે ગામડે જન્માષ્ટમીની અનેરી ઉજવણી થાય છે અને આ ઉજવણીમાં મેળાનું સ્થાન આજેય આગળ પડતું છે.           


રંગીલા રાજકોટની રંગીન જન્માષ્ટમી

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં થતા તમામ મેળાઓમાં રંગીલા રાજકોટવાસીઓનો મેળો સૌથી અલગ તરી જાય છે. રેસકોર્સના મેદાનમાં પાંચ દિવસ ભરાતા લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ઊમટી પડે છે. ઘણી વખત તો આ મેળો આઠ દિવસ સુધી લંબાવાયો હોવાના પણ દાખલા છે. પહેલાં શાસ્ત્રી મેદાનમાં આ લોકમેળો યોજાતો હતો ત્યારે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હતા. હવે છેલ્લાં વર્ષોમાં આ દિવસો દરમિયાન વરસાદને ધ્યાનમાં રાખીને રાત્રે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો નથી યોજવામાં આવતા, પણ મેળામાં મુલાકાતીઓની સંખ્યામાં તો સતત વધારો જ થતો રહ્યો છે. પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાંથી આશરે ૧૦ લાખ જેટલા લોકો મેળાનો આનંદ ઉઠાવે છે. બાળકોથી લઈ મોટેરાંઓ સુધી તમામ વર્ગને રાજકોટનો લોકમેળો આકર્ષે છે. મેળા ઉપરાંત જન્માષ્ટમીના દિવસે શહેરમાં નીકળતી શોભાયાત્રા પણ કદાચ સૌરાષ્ટ્રભરમાં નીકળતી સૌથી મોટી અને ધ્યાનાકર્ષક શોભાયાત્રા હશે. કેમ કે, આખા શહેરને શણગારવામાં આવે છે. શેરી-મહોલ્લાઓને અલગ અલગ સંસ્થાઓ શણગારે છે અને વળી આકર્ષક ફ્લોટ્સ તો ખરાં જ! શેરીએ શેરીએ પૌરાણિક પાત્રોથી બનતાં ફ્લોટ્સ પાછળ રાજકોટવાસીઓ ખાસ ઉત્સાહ દાખવે છે. આ ફ્લોટ્સને ક્રમાંક આપીને ઇનામ પણ આપવામાં આવે છે. સવારથી છેક સાંજ સુધી રથયાત્રા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ફરે છે. સર્વધર્મ સમભાવનું ઉમદા ઉદાહરણ આ રથયાત્રામાં જોવા મળે છે. અન્ય ધર્મો દ્વારા ઠેર ઠેર રથને વધાવવામાં આવે છે.     

Thursday 9 August 2012
Posted by Harsh Meswania
Tag :

બે અમેરિકન વિદ્યાર્થીઓ લઈ જાય છે, હોનારતની હકીકતમાં



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

એનઆરજી ઉત્પલ સાંડેસરા અને તેના અમેરિકન દોસ્ત ટોમ વૂટને હાર્વર્ડ યુનિર્વિસટની ફેલોશિપથી ૬ વર્ષ મહેનત કરી અસંખ્ય જીવ લેનાર મચ્છુ ડેમ હોનારત પર 'નો વન હેડ એ ટંગ ટુ સ્પીક' નામે એક પુસ્તક તૈયાર કર્યું છે. હોનારતની વરસી આવી રહી છે, ત્યારે એ બંનેના સંશોધન વિશે તેમની સાથે વાતચીત કરીએ..

સંશોધન માટે મોરબી હોનારત જ કેમ પસંદ કરી?
ઉત્પલઃ ૨૦૦૪માં આવેલા ત્સુનામીનાં દૃશ્યો ટીવી પર જોતી વખતે મારી મમ્મીની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા, પૂછયું તો કહ્યું કે "મેં પણ મોરબીમાં પાણીનું આવું જ ભયાનક દૃશ્ય જોયું છે અને હું માંડ આમાંથી બચી શકી હતી." મારા નાના મોરબીની આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર હતા એટલે ત્યાં રહેતા હતા અને રક્ષાબંધન આવતી હોવાથી મારાં મમ્મી તે દિવસે મોરબીમાં હતાં એટલે દુર્ઘટનાનાં તેઓ સાક્ષી બન્યાં હતાં. ત્યાર પછી તો મચ્છુ હોનારત વિશે ઘણી લોકવાયકાઓ સાંભળવા મળતી રહેતી. મને મોરબીની એ ઘટના વિશે જાણવાની ઉત્સુકતા રહેતી જે પછીથી મને સંશોધન કરવા તરફ દોરી ગઈ.

પરદેશી હોવા છતાં પણ આ સંશોધનમાં તમને કેમ રસ પડયો?
ટોમઃ અમે બંને સાથે અભ્યાસ કરતા હતા. ઉત્પલે મને મોરબી હોનારતની અને તેના પર સંશોધન કરવાની વાત કરી એટલે મેં તેમાં જોડાવાનું નક્કી કર્યું. હું આ પહેલાં હરીકેન કેટરીના હોનારત પછી પુનર્વસન પર કામ કરી ચૂક્યો હતો એટલે કુદરતિ આપત્તિના સંશોધનમાં મને વધુ રસ પડે છે.

હાર્વર્ડ યુનિ.એ તમારી પ્રપોઝલ કઈ રીતે મંજૂર કરી?
ટોમઃ વિશ્વમાં બનેલી કમનસીબ ઘટનાઓમાં મોરબી હોનારત પણ એક છે. વિશ્વમાં ભાગ્યે જ આવી કમનસીબ ઘટનાઓ બને છે જેમાં વર્ષો સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એ તો જાણી શકાતું જ નથી પણ દુર્ઘટનાનું સાચું કારણ પણ મળતું નથી. આ જ વાત અમે હાર્વર્ડની પ્રપોઝલમાં લખી હતી. જેના કારણે હાર્વર્ડને રસ પડયો અને સંશોધન કરવા માટે અમને દસ હજાર ડોલર (આશરે પાંચ લાખ રૂપિયા)નું અનુદાન મળ્યું.

સંશોધનના પ્રારંભે કેવા અનુભવો થયા?
ઉત્પલઃ અમે જૂન ૨૦૦૬માં ગુજરાત આવ્યા. સરકારી દસ્તાવેજોમાં હતું કે સમયસર ડેમના દરવાજાઓ ન ખોલવાથી પાણીનો ભરાવો થયો હતો અને ડેમ તૂટયો એટલે તારાજી સર્જાઈ હતી. સરકારી અધિકારીઓને મળવાનું શરૂ કર્યું, અમુક અધિકારીઓએ કહ્યું કે આટલાં વર્ષે શું ઉપાડયું છે! હવે તો બધું પૂરું થઈ ગયું છે. સંશોધન જ કરવું હોય તો કચ્છના ભૂકંપ પર કરો, તમને તરત વિગતો મળી જશે! મોરબીમાં ગયા ત્યારે જાણ્યું કે એમાંના ઘણા મૃત્યુ પામ્યા છે અને જેને યાદ છે તે આ દુર્ઘટના ભૂલી જવા માંગે છે.

અને મોરબીનો અનુભવ...?
ટોમઃ પ્રારંભમાં ઓરડો ભાડે રાખવામાં થોડી મુશ્કેલી પડી હતી. મોરબીમાં સીધી કોઈ ઓળખાણ ન હોવાથી કોઈ જલદી ઓરડો ભાડે ન આપે તે સ્વાભાવિક છે. વળી, અમારો આ સંશોધન પાછળનો હેતુ પણ લોકોને વારેવારે સમજાવવો પડતો હતો. જોકે, પછીથી મોરબીના લોકોએ ખૂબ સહકાર આપ્યો હતો.

સરકારમાંથી પૂરતી વિગતો સરળતાથી મળી?
ઉત્પલઃ ના, સિંચાઈ વિભાગે પ્રથમ તો ડોક્યુમેન્ટસ બતાવવાની જ આનાકાની કરી. મુખ્યમંત્રીને મળ્યા પછી અમુક દસ્તાવેજો જોવા મળ્યા.

સંશોધન પહેલાં શું ધારીને ગુજરાતમાં આવ્યા હતા અને સંશોધન પછી કેવાં તારણો મળ્યાં?
ઉત્પલઃ સંશોધન પહેલાં વિચાર્યું હતું કે આવડી મોટી દુર્ઘટનાની વિગતો પુસ્તકોમાંથી અને સરકારી દસ્તાવેજોમાંથી મળી જશે, પણ અમારા આશ્ચર્ય વચ્ચે એક પણ પુસ્તક અમને ન મળ્યું. સંશોધન આગળ વધતું ગયું તેમ તેમ જાણવા મળ્યું કે કર્મચારીઓની બેદરકારી ઉપરાંત પણ બીજાં ઘણાં પરિબળો આ દુર્ઘટના પાછળ જવાબદાર હતાં.

કયાં પરિબળો...?
ટોમઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોનારત પાછળનું મુખ્ય કારણ છે. સૌરાષ્ટ્ર સરકારે જૂની પદ્ધતિથી બંધની ડિઝાઈન તૈયાર કરી હતી. કેન્દ્ર સરકારે પછીથી જૂની પદ્ધતિને બદલે નવી પદ્ધતિથી બાંધકામ કરવાનુ સૂચવ્યું પણ કામ શરૂ થઈ ગયું હોવાથી રાજ્ય સરકારે એ સૂચનાની અવગણના કરી હતી. બંધમાં પાણીની મહત્તમ આવકની ગણતરીમાં પણ ખામી હતી. વળી, પાણીની સપાટી સતત વધી રહી હતી ત્યારે લોકોને ચેતવણી આપવામાં આવી ન હતી. સરકારના દસ્તાવેજોમાં મૃત્યુ આંક ૨,૨૦૦ બતાવવામાં આવ્યો છે પણ આ સંખ્યા દસ હજાર જેટલી હોવાની શક્યતા છે.

ઉત્પલઃ લીલાપર ગામ સિવાય એક પણ ગામને ચેતવણી આપવામાં આવી ન હતી. વળી સંપર્કનાં સાધનો પર્યાપ્ત હતાં નહી અને જે હતાં તે બંધ હાલતમાં હોવાથી ઉચ્ચ સ્તરે યોગ્ય જાણ કરી શકાઈ ન હતી. સરકારે લાપરવાહી રાખી હતી.

શું લાપરવાહી..?
ઉત્પલઃ કેશુભાઈ પટેલ ત્યારે કૃષિમંત્રી હતા અને સિંચાઈ વિભાગ તેનામાં આવતો હતો. તે દિવસે તેઓ
રાજકોટમાં હતા. વાંકાનેરમાં પાણી ભરાયું હોવાની વાત તેમણે સાંભળી એટલે તેઓએ વાંકાનેર જવાનું અધિકારીઓને કહ્યું. અધિકારીઓ તેઓને લઈને વાંકાનેર જવા નીકળ્યા પણ સનાળા પાસે પહોંચ્યા ત્યારે પાણી ખૂબ જ ભરાઈ ગયું હતું. વાહનો આગળ જઈ શકે તેમ ન હતાં. થોડી વાર રાહ જોયા પછી તેઓ આગળ ગયા ન હતા અને રાજકોટ પરત આવી ગયા. તેમણે મોરબીની સ્થિતિ અંગે ઉપરી અધિકારીઓને કોઈ જ પગલાં ભરવાની સૂચના રાત્રે ન આપી. સવારે તેઓ જાગ્યા ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું.

સંશોધન લોકોને કઈ રીતે ઉપયોગી થશે?
ટોમઃ એક સંતોષ છે કે આવી મોટી હોનારત પાછળ ચોક્કસ કામ થઈ શક્યું છે. અત્યાર સુધી આ દુર્ઘટનાને લગતી માહિતી માત્ર સરકારી કચેરીઓમાં છૂટક છૂટક હતી અને લોકોની વાતોમાં સચવાયેલી હતી જેને શબ્દોનું સ્વરૂપ આપી શકાયું છે. અમને બંનેને તો ઉપયોગી નિવડશે જ પણ અન્ય લોકોને પણ આ હોનારતની પૂરતી માહિતી આમાંથી મળશે એવી આશા છે.

દુર્ઘટના અમેરિકામાં થઈ હોત તો?
દુર્ઘટના અમેરિકામાં ઘટી હોત તો પણ રાહતકામ આપણે કરી શક્યા એવું તો ત્યાં પણ ન થઈ શક્યું હોત. ટોમે હરીકેન કેટરીના હોનારત પછી પુનર્વસન પર સંશોધન કર્યું હતું. જેમાં તેને જાણવા મળ્યું હતું કે રાહતકામો ગુજરાતમાં મોરબી હોનારત પછી થયાં એવાં નહોતાં થયાં. વળી, તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈએ ખુદ મોરબી આવીને રાહતકામોની તપાસ કરી હતી એવી તપાસ હરીકેન કેટરીના હોનારત વખતે જ્યોર્જ બુશે પણ કરી ન હતી. જોકે, અમેરિકા અને ભારત આવી હોનારતની બાબતમાં ક્યાં અલગ પડે છે એમ જ્યારે ટોમને પૂછયું ત્યારે તેણે કહ્યું હતું કે અહીં જેમ હોનારત પહેલાં બેદરકારી રાખવામાં આવી એવી બેદરકારી ત્યાં રાખવામાં આવી ન હોત. વળી, જે તે વખતે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે ત્વરિત પગલાં પણ લેવાયાં હોત.
Wednesday 8 August 2012
Posted by Harsh Meswania

બંગાળને વિભાજિત થતું અટકાવનારા સુરેન્દ્રનાથ બેનરજી

ભારતમાં આઝાદી પહેલાં રાજકીય સંગઠનોનો અભાવ હતો. આવા સમયે રાજકીય સંગઠન સ્થાપીને લોકજાગૃતિનું મહત્ત્વનું કામ બંગાળી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ઉપાડયું હતું. બે દિવસ પછી સુરેન્દ્રનાથ બેનરજીની પુણ્યતિથિ છે ત્યારે આપણે અહીં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના અને ગાંધીજીના ઉદય પહેલાંના સૌથી લોકપ્રિય નેતા સુરેન્દ્રનાથ બેનરજી વિશે થોડું જાણીએ.
* ૧૦ નવેમ્બર, ૧૮૪૮ના રોજ કોલકાતામાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજી પર તેમના પિતા ડો. દુર્ગાચરણ બેનરજીના વિચારોની ઊંડી અસર હતી.
* તેઓએ ઇંગ્લેન્ડમાં જઈને ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા ૧૮૬૮માં પસાર કરી હતી. એ પહેલાં ભારતમાંથી એકમાત્ર સત્યેન્દ્રનાથ ટાગોર ૧૮૬૭માં આઈ.સી.એસ. બન્યા હતા.
* અનિયમિતતાનું કારણ આગળ ધરીને બ્રિટિશ સરકારે ૧૮૭૪માં તેમને બરતરફ કર્યા હતા. આ ઘટના પછી તેમણે અંગ્રેજ સરકાર ભારતીયો સામે ભેદભાવ રાખતી હોવાનું અનુભવ્યું હતું. પછી તેમણે અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરી હતી.
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પછી તેમણે પોતાના સંગઠનને કોંગ્રેસમાં વિલિન કરી દીધું હતું. ત્યારે તેઓ કોંગ્રેસના મહત્ત્વના નેતા હતા. તેઓ બે વાર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા.
* અંગ્રેજ સરકારે અધિકારી તરીકે તેમને બરતરફ કર્યા પછી તેઓ મેટ્રોપોલિટન ઇન્ટિટયૂટમાં પ્રોફેસર બન્યા. તેમણે રિયન કોલેજની સ્થાપના પણ કરી હતી, જે હવે સુરેન્દ્રનાથ બેનરજી કોલેજ કહેવાય છે.
* બંગાળના વિભાજનનો તેમણે ખૂબ વિરોધ કર્યો હતો. પરિણામે ૧૯૧૧માં બંગાળનું વિભાજન રોકી દેવામાં આવ્યું હતું, જે સુરેન્દ્રનાથ બેનરજીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
* બંગાળમાં જ્યારે કોઈ મોટા નેતાઓનો ઉદય થયો ન હતો ત્યારે સુરેન્દ્રનાથ બેનરજી 'બંગાળી બાદશાહ' તરીકે લોકોમાં લોકપ્રિય હતા.
* છેલ્લાં વર્ષોમાં ગાંધીજીનો પ્રભાવ વધવા લાગ્યો હતો અને ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે છેડેલી અસહકારની ચળવળને તેમણે ટેકો આપ્યો ન હોવાથી તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા હતા.
* ૧૯૨૧માં અંગ્રેજ સરકારે સરની ઉપાધી આપી હતી. ૧૯૨૫ની ૬ઠ્ઠી ઓગસ્ટે બૈરખપુરમાં ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday 4 August 2012
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -