Archive for August 2014

કેપ્ટન ચાર્લ્સઃ બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યૌદ્ધો


- ઈતિહાસમાં બે વખત સર્વોચ્ચ યુદ્ધ સન્માન મેળવનારા લડવૈયાની દાસ્તાન

- યુદ્ધનું પરિણામ યૌદ્ધાઓના પરાક્રમ પર નિર્ભર હોય અને પરાક્રમનું પ્રમાણ પારિતોષિક હોય! બીજા વિશ્વયુદ્ધમાં અપ્રતિમ સાહસ બતાવીને બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત થયેલો આવો જ અનોખો લડવૈયો હતો- ચાર્લ્સ અપહેમ...

'રાજાના આદેશાનુસાર આ વિશેષ એવોર્ડ ન્યુઝિલેન્ડની સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ ચાર્લ્સ અપહેમને એનાયત કરવામાં આવે છે. ચાર્લ્સે દુશ્મન સૈન્ય પર ત્રાટકવાની સાથે સાથે સાથી સૈનિકોને નવજીવન આપવામાં પણ એટલી મહામૂલી ભૂમિકા ભજવી હતી. દુશ્મનોને ત્રણ કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં આગળ વધતા અટકાવવામાં તેણે એકલા હાથે સફળતા મેળવી હતી. પોતાના પરાક્રમના કારણે સાથી સૈનિકોમાં જોમ ભરવાનું કામ પણ તેમણે બખૂબી કર્યું હતું. ૧૩ મીટર સુધી જમીન પર ઘસડાઈને તેણે ચોકીઓની રખેવાળી કરી હતી. વળી, 'બેટલ ઓફ ક્રીટ'માં જીવલેણ હથિયારો ધરાવતા ૨૨ દુશ્મનોને અંતિમ શ્વાસ લેવડાવવામાં તેની ગનમાંથી છૂટેલી ગોળીઓ કારણભૂત બની હતી. તેની આ યુદ્ધ કૂનેેહના કારણે આખી સેનાને પ્રેરણા મળી હતી. દુશ્મનો સામે આક્રમકતાથી તૂટી પડવાનો તેનો મનસૂબો ખરેખર પ્રશંસાને પાત્ર છે. બ્રિટન તેના શૌર્યનું સન્માન કરતા ગૌરવ અનુભવે છે.'
લંડનની યુદ્ધ ઓફિસમાંથી વહેતો થયેલો આ સંદેશો બ્રિટિશ સરકારની સત્તાવાર પત્રિકા 'ધ લંડન ગેજેટ'માં ૧૪ ઓક્ટોબર, ૧૯૪૧ના દિવસે પ્રકાશિત થયો ત્યારે ચાર્લ્સે કલ્પના પણ નહીં કરી હોય કે તે ટૂંક સમયમાં બીજી વખત આવા જ શબ્દો સાંભળવા ભાગ્યશાળી બનશે અને ૧૫૦ વર્ષ પછી ય 'વિક્ટોરિયા ક્રોસ' પારિતોષિક બબ્બે વખત મેળવનારા એક માત્ર સૈનિક તરીકે અવિસ્મરણીય બની રહેશે.
                                                                     * * *
બીજા વિશ્વયુદ્ધની કારમી મરણચીસોના પડઘા આખા વિશ્વમાં ગુંજી રહ્યાં હતાં એ સમયે જર્મની-ઈટાલીની સંયુક્ત સેના વિરુદ્ધ બ્રિટનના નેજા હેઠળ ગ્રીસ-ન્યુુઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયાની  સેના ગ્રીસના ક્રીટ ટાપુ ઉપર જંગે ચડી હતી. ૧૯૪૧માં ૨૦મેથી ૧લી જૂન વચ્ચેના ૧૧ દિવસ ચાલેલા 'બેટલ ઓફ ક્રીટ' નામથી ઓળખાતા એ યુદ્ધમાં જર્મની-ઈટાલીની સેનાનો હાથ સતત ઉપર રહેતો હતો છતાં બ્રિટનના નેજા હેઠળ લડતા ન્યુઝિલેન્ડના ચાર્લ્સ અપહેમે દુશ્મનોના દાંત ખાટાં કરી નાખ્યાં હતાં. અમુક યુદ્ધની જીત મીઠી નથી લાગતી હોતી. 'બેટલ ઓફ ક્રીટ' પણ જર્મની માટે એવી જ એક કડવી જીત હતી. જેમાં વિજય મેળવ્યો હોવા છતાં જર્મની ચાર્લ્સના અનોખા પરાક્રમને કેમેય કરીને ભૂલી શકતું નહોતું. જર્મનીએ દિવસો અગાઉ કરેલી ગણતરીને નવા નવા સૈન્યમાં જોડાયેલા ૩૨ વર્ષના ચાર્લ્સે માત્ર ૮ દિવસમાં ઊંધી પાડી દીધી હતી. ક્રીટમાં વ્યૂહાત્મક રીતે પથરાયેલી મિત્ર રાષ્ટ્રોની ચોકીઓ કબ્જે કરવાની જર્મનીની મૂરાદ મનમાં જ રહી ગઈ હતી. આખી પલટનને નેસ્ત નાબૂદ કરવાની મનેચ્છા પણ અધૂરી રહી. આ એક જ સૈનિક બેખૌફીથી એવો તો ઝઝૂમ્યો હતો કે ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધની લડાઈઓમાં મિત્ર રાષ્ટ્રોના સૈનિકો તેના પરાક્રમના ઉદાહરણો આપતા હતા.
જોકે, ત્યારે જર્મનીએ પણ ક્યાં કલ્પના કરી હતી કે બીજા વિશ્વયુદ્ધના આ સૌથી પરાક્રમી સૈનિકનો બીજી વાર સામનો કરવાનો વખત બહુ જલ્દી આવવાનો છે!
                                                                     * * *
બીજી વખતનું તેનું પરાક્રમ માત્ર થોડી કલાકો માટેનું હતું, પણ એ એટલું સજ્જડ હતું કે ઈજિપ્તના 'બેટલ ઓફ અલ એલીમેઇન'માં મિત્ર રાષ્ટ્રોની જીત પાછળ ચાર્લ્સની યુદ્ધનીતિએ અતિ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  
'બેટલ ઓફ ક્રીટ'માં ચાર્લ્સ અપહેમે દાખવેલી યુદ્ધ કૂનેહ અને ચપળતા પછી છએક માસમાં તેને ન્યુઝિલેન્ડની એક પલટનનો કેપ્ટન બનાવાયો અને ઈજિપ્તમાં લડી રહેલી બ્રિટનની સેનાની મદદ માટે મોકલી દેવાયો. ચાર્લ્સની ખરી કસોટી હવે ઈજિપ્તમાં થવાની હતી. રણ પ્રદેશમાં ચાર્લ્સે પોતાની આખી ટીમને જુસ્સો આપીને આગળ વધારવાની હતી. ચાર્લ્સ એક સૈનિક તરીકે તો પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો હતો પરંતુ હવે તેને એક ટીમ લીડર તરીકે ય પોતાની યુુદ્ધ કુશળતા સાબિત કરવાની હતી. એમાં એ બરાબર કામિયાબ નિવડયો હતો.
૧૯૪૨માં ૧થી ૨૭ જુલાઈના દિવસો દરમિયાન ઈજિપ્તમાં બ્રિટન અને મિત્ર રાષ્ટ્રોની સામે જર્મની અને ઈટાલીએ મોરચો માંડયો હતો. એ યુદ્ધને વિશ્વયુદ્ધના ઈતિહાસમાં 'બેટલ ઓફ અલ એલીમેઇન' નામ આપવામાં આવ્યું હતું. એમાં બ્રિટનની સેનાને કવચ આપીને જર્મનીની શસ્ત્રોથી લદાયેલી એક આખી પલટનને રોકવાનું કામ ચાર્લ્સનું નેતૃત્વ ધરાવતી ન્યુઝિલેન્ડની એ સૈન્ય ટૂકડીએ કરવાનું હતું.
૧૪ અને ૧૫મી જુલાઈનો એ દિવસ કેપ્ટન ચાર્લ્સના નામે હંમેશા માટે નોંધાઈ ગયો. એ દિવસે તેણે ફરીથી જર્મનોને 'બેટલ ઓફ ક્રીટ'નું દુઃસ્વપ્ન યાદ કરાવ્યું હતું. રણમાં ધસમસતી આગળ વધી રહેલી જર્મનીની લશ્કરી છાવણીને ચાર્લ્સની સૈન્ય ટૂકડીએ અધવચ્ચે આંતરી. ચાર્લ્સે જર્મનીની કેટલીક ટેન્ક અને ગનથી ભરેલી જીપ પર હુમલો કરીને જર્મની પર બરાબર પ્રહાર કર્યો હતો. હાથમાં ગોળી ખાવા છતાં તેણે દુશ્મનોને પડકારવાનું ચાલું રાખ્યું. એ એટલી હદે ઘાયલ થયો હતો તો પણ તેણે દુશ્મન સેનાનો સામનો કર્યો. તેનાથી હવે ખસી શકાતું નહોતું છતાં એ ચાલી શક્યો ત્યાં સુધી તેણે જંગ જારી રાખ્યો. ગ્રીસની જેમ ઈજિપ્તમાં પણ તેણે જર્મન સેના વિરુદ્ધ છેક સુધી લડત આપી અને ઘણો યુદ્ધ સરંજામ એકલા હાથે નાબુદ કર્યો. તેના આ પરાક્રમ બદલ તેને બીજી વખત 'વિક્ટોરિયા ક્રોસ' આપવાનું નક્કી થયું. જે ઐતિહાસિક બાબત હતી. કેમ કે, ચાર્લ્સ અપહેમ પહેલા અને એ પછી આજ સુધી 'વિક્ટોરિયા ક્રોસ'ના દોઢસો વર્ષના ઈતિહાસમાં એ સન્માન કોઈ પણ સૈનિકને યુદ્ધમાં લડવા માટે બે વખત એનાયત નથી થયો! આ એવોર્ડે જ તેને બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યોદ્ધા સાબિત કર્યો હતો.
                                                                     * * *
૧૧ મે, ૧૯૪૫ના એ દિવસે સૈનિકોનો ભવ્ય સત્કાર સમારોહ બકિંગહામ પેલેસમાં યોજાયો હતો. સૈનિકાના શૌર્યનું સન્માન કરવા માટે ખૂદ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ હાજર હતા. કેટલાકને બ્રિટનનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો તો કોઈને અન્ય મેડલ્સ મળવાના હતાં. એ સમારોહમાં ચાર્લ્સ અપહેમને પણ 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો. આખા સમારોહમાં એ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એવું ય નહોતું કે સમારોહમાં વિશેષ સન્માન મેળવનારો એ એક માત્ર યોદ્ધા હાજર હતો. બીજા ઘણાં બધાં લડવૈયાઓ અને યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લોકો હતા કે જેને 'વિક્ટોરિયા ક્રોસ' મળવાનો હતો, પણ તેમ છતાં ચાર્લ્સ એટલા માટે ધ્યાનાકર્ષક બન્યો હતો. કેમ કે, એ એક માત્ર સૈનિક હતો જેણે જીવનના ૩૭મા વર્ષે બબ્બે 'વિક્ટોરિયા ક્રોસ' પર પોતાનું નામ અંકિત કર્યું હતું.
''કેપ્ટન ચાર્લ્સ ખરેખર બીજાં 'વિક્ટોરિયા ક્રોસ'ને મેળવવા પાત્ર છે ખરા?''
સમારોહમાં ચાર્લ્સને એવોર્ડ આપતી વખતે રાજા જ્યોર્જ પંચમે મેજર જનરલ હોવાર્ડ કિપનબર્ગરને ઉદેશીને પૂછ્યું હતું.
''સર હું ખૂબ આદરપૂર્વક કહીશ કે જો મારી પાસે 'વિક્ટોરિયા ક્રોસ' આપવાની સત્તા હોત તો બેશક એકથી વધુ વખત મેં એ ચાર્લ્સને આપ્યો હોત!'' મેજર જનરલે રાજાના સન્માનમાં મસ્તક નમાવીને તરત રાજાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ઉત્તર અપેક્ષિત હોય એમ એ સાંભળતાની સાથે જ રાજાએ ચાર્લ્સની પીઠ થાબડી હતી. એ દ્રશ્ય ચાર્લ્સની આંખો સામે ૮૬ વર્ષ સુધી સતત તરવરતું હતું અને જ્યારે જ્યારે એ યાદ આવતું ત્યારે તેની આંખોમાં એક અનોખી ખૂમારી આવી જતી હતી.
આમ તો એની યુદ્ધ કારકિર્દી એટલી બધી લાંબી પણ નહોતી. ૧૯૩૯ સુધી સરકારી નોકરી કર્યા પછી બીજાં વિશ્વયુદ્ધના પડઘમ વાગ્યા ત્યારે યુવાનો સૈન્યમાં જોડાતા હતા એમાં ચાર્લ્સે પણ ન્યુઝિલેન્ડની સેનામાં જોડાવાનું મન મનાવ્યું. યુદ્ધ પછી ઈજાના કારણે તેમણે સેનામાંથી નિવૃત્તિ લીધી. યુવા વયે ખેતી કરી હતી એ જ વ્યવસાય ફરીથી અપનાવ્યો. યૌદ્ધાને સરકાર તરફથી મળતી લોન લીધી, તેમાંથી ખેતર લીધું અને ત્યાર બાદ તો શાળા કોલેજોમાં સ્કોલરશીપ આપીને ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ૧૯૯૪માં ૮૬ વર્ષની વયે ચાર્લ્સે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ઘરમાં કે ખેતરમાં જર્મન બનાવટની એક પણ ચીજવસ્તુ ન હોય એનું ખાસ ધ્યાન રાખતા હતા. ન્યુઝિલેન્ડમાં આજેય ૧૦ નેશનલ હીરોની યાદી તૈયાર કરવાની હોય તો એમાં લોકો ખૂબ ગૌરવપૂર્વક ચાર્લ્સ અપહેમનું નામ શુમાર કરે છે!
-------------------------------------------
ચાર્લ્સ અગાઉ બે વ્યક્તિએ બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવ્યાં છે!
ડો. આર્થર માર્ટિન લીક
ચાર્લ્સ અપહેમ અગાઉ બે વ્યક્તિઓને યુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ કોમનવેલ્થનો આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળી ચૂક્યો છે. બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવનારી પ્રથમ વ્યક્તિ હતા ડો. આર્થર માર્ટિન લીક. ૧૯૦૨ની બોર વોરમાં દુશ્મનોથી માત્ર ૧૦૦ મીટરના અંતરે રહીને સૈનિકોની સારવાર કરી હતી. કેટલાય સૈનિકોનો જીવ બચાવવામાં ચાવીરૃપ ભૂમિકા ભજવવા બદલ આ તબીબને બ્રિટને વીરતાનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ માર્ટિને તેની આ બહાદુરી ફરી વખત બતાવી હતી. દુશ્મનોની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયેલા અસંખ્ય સૈનિકોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતાં. ગોળીઓના વરસાદ વચ્ચે તેમણે નિર્ભિક થઈને સારવારની કામગીરી કરી હતી જેના માટે સૈન્યના કમાન્ડરે તેમને 'વિક્ટોરિયા ક્રોસ' આપવા ભલામણ કરી હતી.

 ડો. નોએલ ચાવાસી
આવા જ બીજા તબીબ હતા નોએલ ચાવાસી. રોયલ આર્મી સાથે મેડિકલ ટીમમાં સમાવેશ પામનારા ડો નોએલે બ્રિટનના અસંખ્ય સૈનિકોને નવજીવન આપ્યું હતું. બેટલ ઓફ સોમ વખતે તેણે ૫૦૦ લોકોની સારવાર ગોળીબારી વચ્ચે કરી હતી. જેના માટે તેનું સન્માન 'વિક્ટોરિયા ક્રોસ'થી કરાયું હતું. ૧૯૧૭ના વર્ષમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં જ બેટલ ઓફ મુડ વખતે તેમણે ફરી વખત સતત બે દિવસ અને બે રાત ખડેપગે રહીને સૈનિકોની સારવાર કરી હતી. તેમણે ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગંભીર રીતે ઘવાયેલા લોકોની સારવાર કરી હતી એટલે તેમને ફરી વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત કરાયા હતા.
જોકે, આ બંને તબીબ હતા અને સૈનિકોની સારવાર માટે તેમને આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ચાર્લ્સ અપહેમે એક યોદ્ધા તરીકે આ સન્માન મેળવીને બબ્બે વખત ઈતિહાસ રચનારો વિશ્વનો પ્રથમ લડવૈયો બન્યો હતો.
 ---------------------------------------
સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' ક્યારથી અપાય છે? 
'વિક્ટોરિયા ક્રોસ'એ બ્રિટનના આધિપત્ય હેઠળનો સર્વોચ્ચ યુદ્ધ ચંદ્રક છે. કોમનવેલ્થ તરીકે ઓળખાતા ૫૩ દેશોના સૈનિકોને અને યુદ્ધમાં અન્ય મહત્ત્વની બહાદુરી બતાવવાના સન્માન રૃપે આ એવોર્ડ એનાયત થતો હતો અને હજુ પણ થાય છે.

૧૮૫૦ આસપાસ ઈંગ્લેન્ડનો સુરજ સોળે કળાએ ખીલતો હતો. એ સમયે આર્મી ઓફિસર્સને તેમણે યુદ્ધમાં દાખવેલા શૌર્ય માટે સન્માન કરવામાં આવતું હતું, પણ સૈનિકો માટે એવો કોઈ જ વિશેષ એવોર્ડ એનાયત નહોતો કરાતો. ત્યારે ૧૮૫૪માં એક વિશેષ સમિતિએ આવા એવોર્ડની ભલામણ રાણી વિક્ટોરિયાને કરી હતી. આર્મી અધિકારીઓએ એનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે આ એવોર્ડની તરફેણ કરી હતી. પરિણામે ૨૯ જાન્યુઆરી, ૧૮૫૬માં 'વિક્ટોરિયા ક્રોસ'ની સમિતિનું ગઠન થયું હતું. નામ અંગે ઘણી અવઢવના અંતે પ્રિન્સ આલ્બર્ટે 'વિક્ટોરિયા ક્રોસ' નામ પર મંજૂરી લગાવી હતી. એ નામને રાણીએ પણ વધાવી લીધું હતું. ત્યાર બાદ ૧૮૫૭થી એ એવોર્ડની શરૃઆત થઈ હતી.

Sunday 31 August 2014
Posted by Harsh Meswania
Tag :

ટેટુથી અંગને અનંગ જેવું ચીતરતા નંગ!


શરીર પર છૂંદણા કરાવીને નવો લૂક અપનાવવાનું વલણ વર્ષોથી ઈન ટ્રેન્ડ રહ્યું છે, પણ ઘણા ભેજાગેપ શોખીનો અકારણ શરીરને વીંધીને-ચીટરીને ડિફરન્ટ લૂકની લ્હાયમાં બળી મરે છે. એવા જ કેટલાક કિસ્સાઓ પર એક નજર...

રોલ્ફ બુછોલ્ઝ દુબઈના એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ એરપોર્ટ અધિકારીઓ તરફથી તેને પરત ફરવાનું ફરમાન છૂટયું. એની પાસે જરૃરી બધા જ ડોક્યુમેન્ટ્સ હતા. એ તમામ ડોક્યુમેન્ટ્સ બનાવટી પણ નહોતા કે ન એ પોતાના દેશમાંથી ભાગીને આવ્યો હતો. વળી, એ સેલિબ્રિટી પણ નહોતો કે તેની સિક્યુરિટીનું ધ્યાન રાખવું પડે! એ તો દુબઈમાં માત્ર થોડી કલાકો માટે એક કાર્યક્રમ આપવા આવ્યો હતો. એ ન જાય તો આખો કાર્યક્રમ રદ્ કરવો પડે અને પોતાને મળેલી રકમ પણ પાછી આપવી પડે. તેણે અધિકારીઓને સમજાવવા કોશિશ કરી જોઈ, પરંતુ અધિકારીઓ એકના બે ન થયા. અધિકારીઓએ રોલ્ફને કારણ આપતા જણાવ્યું જેની કલ્પના પણ રોલ્ફે ક્યારેય નહોતી કરી. હા, તેના દેખાવના કારણે તેણે ઘણી વખત હાસ્યાસ્પદ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો એ સાચુ, પરંતુ તેને આ રીતે કોઈ જગ્યાએથી પાછા જવાનું ફરમાન ક્યારેય નથી છૂટયું એ તેને બરાબર યાદ હતું. તેને પરત મોકલવાનું કારણ હતું તેનો વિચિત્ર દેખાવ! તેણે પોતાના ૫૩ વર્ષના આયખામાં શરીર પર એટલા બધા છૂંદણાં કરાવ્યાં હતાં કે હવે તેની ચામડીમાં છૂંદણા સિવાય કશું જ દેખાતું નહોતું. તેના શરીર પર ૪૫૩ છૂંદણાં હતા અને એ છૂંદણાએ જ તેને એરપોર્ટ પર રોક્યો હતો! ટેટુ તરફના શોખના કારણે તેનો મૂળ દેખાવ હવે રહ્યો જ નહોતો. જોકે, રોલ્ફ એકલી એવી વ્યક્તિ નથી જેને ટેટુની અનહદ ઘેલછા હોય. આવા તો કેટલાય કિસ્સા છે જેણે શરીરને ધારણા બહાર વીંધી-ચીતરી નાખ્યું છે. ચામડી પર ટેટુની શાહીનું પડ ચડી ગયું છે જે હવે કેમેય કરીને નીકળે એમ નથી!
                                                                        * * *
લુસી ડાઇમંડ રિચ ૧૦૦ ટકા ટેટુ મેન
આ સન્માન તેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે આપ્યું છે. લુસીએ ૨૦૦૬માં દાવો કર્યો હતો કે તેના શરીરમાં એક જગ્યા પણ એવી બચી નથી જ્યાં ટેટુ ન હોય! તેના દાવાની ખરાઈ કર્યા પછી તેને વિશ્વનો ૧૦૦ ટકા ટેટુ મેન જાહેર કરાયો હતો. શરીરની ચામડી પર તો લુસીએ ટેટુ કરાવ્યા જ છે, પરંતુ આખા શરીર પર ટેટુ થઈ ગયા પછી કાન, જીભ અને ગુપ્તાંગ પર પણ ટેટુ કરાવ્યાં છે. લુસી ન્યુઝિલેન્ડમાં રહે છે અને પોતાના ટેટુનું પ્રદર્શન કરીને રોજીરોટી મેળવે છે. લોકોની ડિમાન્ડ મુજબના કરતબો કરીને મનોરંજન પૂરું પાડનારા આ કલાકારને મન ટેટુ એક નશો છે. તેને સતત નવા નવા ટેટુ ક્રિએટ કરતા રહેવાની આદત પડી ગઈ છે, પણ હવે શરીર ઉપર એક જગ્યા પણ ટેટુ બનાવવા માટે બચી ન હોવાની વાતથી તે નિરાશ થાય છે.

ઈલેઇન ડેવિડસનઃ ૬૯૨૫ છૂંદણાં કરાવનારી મહિલા!
૨૦૧૧માં સ્કોટલેન્ડની એક મહિલાએ દાવો કર્યો કે તેણે સાતેક હજાર જેટલા છૂંદણાં કરાવ્યાં છે. તેને જોઈને કોઈ પણને તેના દાવામાં દમ લાગે એ સ્વાભાવિક હતું. વિવિધ રેકોર્ડ્સ બૂક્સે તેનું પરિક્ષણ કરાવ્યું અને અંતે ખરેખર જ તેના શરીર ઉપર સાતેક હજાર છૂંદણાં હતાં. ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે વિશેષજ્ઞાો પાસે તેના શરીરને ચેક કરાવ્યું ત્યાર પછીનો આંકડો હતો- ૬૯૨૫. બ્રાઝિલમાં જન્મેલી ઈલેઇને શરૃઆતમાં પરંપરાના ભાગરૃપે ટેટુ કરાવ્યું હતું અને પછી તેને એક પછી એક ટેટુ બનાવવામાં ખૂબ આનંદ મળતો હતો પરિણામે તેણે ટેટુ બનાવવાનું શરૃ રાખ્યું. અત્યારે તે તેના પતિ સાથે સ્કોટલેન્ડના એડિનબર્ગમાં રહે છે. ટેટુ પાછળ પાગલ આ મહિલાના પતિના શરીર પર એકય ટેટુ નથી!

જુલિયા ગ્નુસઃ રોગ ઢાંકવા બનાવ્યું ટેટુ અને...
જુલિયા ગ્નુસ નામની મહિલાને ચામડીનો કોઈક વિચિત્ર રોગ થયો હતો. ચામડીમાં પડેલા ચકામાનો કોઈ જ ઉપચાર નહોતો બચ્યો. અંતે તેને કોઈકે ઉપાય બતાવ્યો કે ટેટુ કરાવવાથી ચામડીના ચકામા ઢંકાઈ જશે. આ ઉપચાર તેને અક્સિર લાગ્યો. તેણે ચકામા પડયાં હતાં ભાગોમાં ટેટુઝ કરાવી નાખ્યાં. ધીમે ધીમે સ્થિતિ એ આવી કે શરીરના જે ભાગમાં પેલો ચામડીનો રોગ માથું ઊંચકે એ ભાગમાં જુલિયા તરત જ ટેટુ કરાવી નાખવા લાગી. થોડા વર્ષો આમ ચાલ્યું અને અંતે જુલિયાના શરીરમાં ટેટુની સંખ્યા ખૂબ વધી ગઈ. એ એટલે સુધી કે શરીર ઉપર સૌથી વધુ છૂંદણાં કરાવનારી વ્યક્તિઓની યાદી તૈયાર કરવાની થાય તો જુલિયાનો એમાં બેશક સમાવેશ કરવો જ પડે!

રિક જેનેસ્ટઃ ધ ઝોમ્બી બોય
૨૦૧૦માં એક તસવીરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. ઝોમ્બીને આખી દુનિયાએ ફિલ્મોમાં જોયા હોય, પરંતુ ખરેખર તેનું અસ્તિત્વ છે એ વાતથી બધાને આશ્વર્ય થયું હતું. વાત એમ હતી કે રિક જેનેસ્ટ નામના એક યુવાને પોતાની તસવીર ઈન્ટરનેટ પર ફરતી કરીને વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સમાં અચરજ પેદા કર્યું હતું. તેણે તેના શરીર પર એવી રીતે ટેટુ ક્રિએટ કરાવ્યાં હતાં કે તેને જોઈને પહેલી નજરે ફિલ્મોમાં જોયેલા ઝોમ્બીની યાદ તાજી થઈ જાય. તેને જગતમાં ઝોમ્બી બોય તરીકેની નવી ઓળખાણ મળી. આ ઝોમ્બી બોયને પોતાના શરીર પર ક્રિએટ કરાવેલા ટેટુનો ફાયદો ત્યારે થયો જ્યારે લેડી ગાગાએ પોતાના એક વીડિયોમાં કામ કરવા માટે તેનો સામેથી સંપર્ક કર્યો. રિકે ૨૦૧૧માં 'બોર્ન ધિસ વે' મ્યુઝિક વીડિયોમાં લેડી ગાગા સાથે કામ કર્યું છે. એ પછી તેના માટે મ્યુઝિકલ શો કરીને કમાણી રળવાની નવી દિશા ખૂલી ગઈ!

કાલા કવાઈઃ સેમ્પલ બતાવીને બન્યો અનોખો નમૂનો!
કાલા કવાઈ તરીકે પોતાને ઓળખાવતો એક લેટિન અમેરિકન ટેટુ આર્ટિસ્ટ વર્ષોથી પોતાના પાર્લરમાં ટેટુ બનાવી આપવાનું કામ કરે છે. ગ્રાહકોને કેવા ટેટુ બનાવવા જોઈએ એ બતાવવા માટે પોતાના શરીર પર જ પહેલા એ સેમ્પલ ટેટુ બનાવતો. એમ કરતા તેના શરીરના ૩૦ ટકા ભાગમાં ટેટુ બની ગયા. વળી અધૂરામાં પૂરું તેણે નવો લૂક ધારણ કરવા માટે શિંગડા પણ બનાવ્યાં. એ રીતે ય તેનો દેખાવ વિચિત્ર બન્યો છે. ગ્રાહકોને સેમ્પલ બતાવીને આકર્ષવાનો કીમિયો સફળ થાય કે ન થાય એની પરવા કર્યા વગર તેણે શરીર પર એટલા બધા છૂંદણાં બનાવ્યા કે હવે એ પોતે જ ટેટુ રસિયાઓ માટે નમૂનો બની ચૂક્યો છે!

પૌલ લોરેન્સઃ એક રહસ્યમય ઈન્સાન
પૌલ દુનિયાનું એવું કોઈ રહસ્ય સંઘરીને નથી બેઠો, પણ તેણે તેના શરીર ઉપર રહસ્ય જરૃર ક્રિએટ કર્યું છે! પૌલ લોરેન્સના શરીર પર અસંખ્ય ટેટુઝ છે. સામાન્ય રીતે ટેટુઝ ક્રિએટ કરવા પાછળનો હેતુ કોઈ કળાને શરીર પર દર્શાવવાનો હોય છે, પણ અહીં વાત થોડી અલગ છે. કેમ કે, પૌલના શરીર પરના બધા જ ટેટુઝ પઝલ સ્વરૃપે છે. એટલે કે તેણે તેના શરીર પર અલગ અલગ પ્રકારની પઝલ્સ બનાવી છે. લગભગ બે હજાર ટેટુ આર્ટિસ્ટને તેણે ટેટુ બનાવવાની તક આપી છે! આટલા આર્ટિસ્ટે તેના શરીર પર ટેટુ બનાવ્યા એ જ વિક્રમ છે. એ કોઈ પાસે જાય ત્યારે તેને જોનારી વ્યક્તિ પઝલ્સ ઉકેલવામાં પડી જાય છે. પૌલના શરીર પરની બધી જ પઝલ્સ ઉકેલવી અશક્ય જણાય છે. આ કારણે તેને દુનિયાનો સૌથી રહસ્યમય માણસ કહેવામાં આવે છે.

શરીર છે કે સાઇનબોર્ડ?
છેલ્લા કેટલાક વર્ષોથી એવા લોકો ય સામે આવ્યા છે જે પોતાના શરીર પર ટેટુ જાહેરાતના હેતુથી બનાવતા હોય. કોઈ કંપની કે વેબસાઇટનું નામ શરીર પર કોતરાવવાના વળતર સ્વરૃપે જે તે કંપની પાસેથી અમુક રકમ વસૂલતા હોય! યુવે ટ્રોશેલ નામના એક જર્મને પોતાના ચહેરા પર ટેટુ બનાવવા માટે કંપનીઓને ઓનલાઇન આમંત્રિત કરી હતી. કપાળ-ગાલ-હડપચી વગેરે પર નામ લખાવીને જે પૈસા મળે તેમાંથી તેને ડોગ મ્યુઝિયમ બનાવવું છે. બ્રાઝિલના એડસન એપેરેસિડો બોરિમે પોતાના શરીર પર ૪૯ જેટલી કંપનીઓની જાહેરાત ચીતરાવી છે. આઠેક વર્ષ પહેલા તેને શરીર પર કોઈક કંપનીનું ટેટુ બનાવીને પૈસા રળવાનો વિચાર આવ્યો હતો. બોરિમ પોતાના શરીર પર ટેટુ રાખવાના એક માસના ૧૫૦૦ રૃપિયાથી લઈને ૧૦ હજાર સુધીનો ચાર્જ વસૂલે છે. જે કંપની પૈસા ન આપે તેની જાહેરાત પર તે ચોકડી કરી નાખે છે! છેલ્લે ૫૦મી જાહેરાત કપાળ પર મૂકાવવા માટે બોરિમે ઓનલાઇન જાહેરાત મૂકી હતી. જેમાં તેને બહુ મોટી રકમ મળવાની આશા છે!
બિલિ ગિબ્બી નામના એક અમેરિકન યુવાને પણ આ ધંધામાં ઝંપલાવ્યું છે. બિલિએ પોતાના બાળકો અને પત્ની માટે આ પગલું ભર્યું છે. ઘર ખરીદવાના પૈસા એકઠાં કરવા તેણે પોતાના શરીર પર ટેટુ બનાવવા માટે કંપનીઓને ઓનલાઇન ઈન્વિટેશન પાઠવ્યું હતું. અત્યારે તેના શરીર ઉપર ૨૦ ટેટુ છે. જેમાં પોર્ન વેબ એડ્રેસનો પણ સમાવેશ થાય છે. શરીર ઉપરની આ એડવર્ટિઝમેન્ટ અત્યારે તેની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે.

દુનિયાના તવંગર ટેટુ આર્ટિસ્ટ
આજે વિશ્વમાં ધીકતી કમાણી રળનારો ટેટુ આર્ટિસ્ટ છે-સ્કોટ કેમ્બલ. તે પોતાના કસ્ટમર્સ પાસેથી એક કલાકના એક હજાર ડોલર એટલે કે ઓછામાં ઓછા સાંઠેક હજાર રૃપિયા વસૂલે છે. એક ટેટુ બનાવવામાં જો બે-ત્રણ કે ચાર કલાક લાગે તો તેને લાખો રૃપિયા ચૂકવવા પડે. હોલિવૂડના કલાકારો તેની પાસે ટેટુ કરાવે છે એટલે એ સેલિબ્રિટીનો આર્ટિસ્ટ ગણાય છે. આવું જ બીજું નામ એટલે એમી જેમ્સ. એમી જેમ્સ જોકે કેમ્બલ જેટલા પૈસા નથી વસૂલતો, પણ તેનાથી અડધી રકમ એટલે કે કલાકના ૩૦ હજાર રૃપિયા તો ગ્રાહકોને આપવા જ પડે છે. આ જ યાદીમાં ભારતીય મૂળના અનિલ ગુપ્તાનો સમાવેશ થાય છે. અનિલ ગુપ્તા ન્યુયોર્કમાં કામ કરે છે અને તેનો કલાકનો ચાર્જ ૪૫૦ ડોલર છે. વિશ્વના પાંચ ધનવાન ટેટુ આર્ટિસ્ટનું લિસ્ટ તૈયાર થાય તો તેમાં કલાકના ૩૦૦ ડોલર લેતા પૌલ બૂથ ઉપરાંત મિયામીની ખ્યાતનામ આર્ટિસ્ટ કેટ વોન ડીને પણ સામેલ કરવી રહી!
Sunday 24 August 2014
Posted by Harsh Meswania
Tag :

૨૭ હજાર કામદારોની કબર પર વહેતી પનામા કેનાલ


પનામા કેનાલ પર પ્રથમ જહાજે સફર ખેડી હતી એ ઘટનાને ૧૫મી ઓગસ્ટના દિવસે સો વર્ષ થયાં. માનવ સર્જિત બાંધકામોમાં પનામા કેનાલને સાત અજાયબીઓમાં શુમાર કરવામાં આવે છે.

ફર્ડિનાન્ડ  ડી લેસેપ્સની આંખોમાંથી અસફળતાનું પારાવાર દર્દ આંસુ બનીને ટપકતું હતું. એ હજુય માની નહોતો શકતો કે તેની મહાત્વાકાંક્ષી યોજના આ રીતે અકાળે બંધ કરવી પડશે. અસફળતાના કારમા ઘાએે તેને એવો તો શારીરિક-માનસિક ફટકો માર્યો હતો કે એ થોડા સમયમાં જ માંદગીને બિછાને પડી ગયો હતો. સુએઝ કેનાલ જેવું નોંધપાત્ર કામ તેના નામે બોલતું હોવા છતાં તેને આ એક જ બાબતનો અફસોસ રહી ગયો હતો કે દશકા પહેલા જેનું શમણું જોયું હતું એ કામ અધૂરું મૂકવું પડયું. આ નિષ્ફળતાનો ભાર તેને ગૂંગળાવી રહ્યો હતો.
એને ૧૫ વર્ષ પહેલાનો મે મહિનાનો ૧૮૭૯નો એ દિવસ યાદ આવી ગયો. પેરિસમાં પનામા કેનાલ કોંગ્રેસ સમિતિને સંબોધન કરતી વખતે ઉચ્ચારેલા પોતાના શબ્દો જ સતત તેના કાનમાં પડઘાતા હતા. 'આપણે એક એવા કામને આકાર આપવા જઈ રહ્યાં છીએ જેને સદીઓ સુધી લોકો યાદ રાખશે. અશક્ય લાગતું કામ આપણે શક્ય બનાવીશું. એ દિવસો દૂર નથી જ્યારે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચે અસંભવ લાગતી કેનાલ શક્ય બની જશે અને એનો યશ આગામી પેઢી સામે આપણે છાતી ફૂલાવીને લઈ શકીશું. આપણે મહાન કેનાલનું નિર્માણ કરવા આગળ વધી રહ્યાં છીએ. સદીઓથી જે કામ દુષ્કર લાગતું હતું એ કરવામાં આપણે બેશક નસીબદાર બનીશું અને એ મહાન કામનું નામ હશે- પનામા કેનાલ!'
આજે તેને એ શબ્દો નિરર્થક લાગતા હતા. જે કામ ત્યારે શક્ય લાગતું હતું એ હવે અસંભવ લાગવા માંડયું હતું. પીળા પડી ગયેલા મજૂરોના ચહેરા પરથી લાચાર આંખો પોતાને અનિમિષ તાકી રહીને કશીક આજીજી કરતી હોય એવું તેને લાગ્યા કરતું હતું. અચાનક તેના કાનમાં કોઈકના અટ્ટહાસ્યનો અવાજ પડઘાતો હોય એમ વાક્યો ગૂંજ્યાં- '૨૨,૦૦૦ કામદારોના મોત...' 'સુએઝની સફળતાના કેફમાં પનામાના આયોજનની ખામી..' 'કરોડો રૃપિયાનું દેવાળું...' 'નિષ્ફળતાનું કલંક...'
                                                                            * * *
૧૯મી સદીના ઉતાર્ધમાં એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર ઓળંગીને ઉત્તર અમેરિકા-દક્ષિણ અમેરિકા પાર કરવા માટે ૧૨,૦૦૦ કિલોમીટરનું અંતર જળમાર્ગે કાપવું પડતું હતું. સુએઝ કેનાલની સફળતા પછી પનામા કેનાલ બનાવવા વિશે પણ જોરશોરથી વિચારણા ચાલી રહી હતી. એટલાન્ટિક-પેસિફિક વચ્ચે સાંકળી પટ્ટી બંને મહાસાગરોને અને ઉત્તર-દક્ષિણ અમેરિકાને અલગ પાડતી હતી. એને કેનાલ વડે જોડી દેવામાં આવે તો બંને વચ્ચેનું અંતર ઓછું થાય જેના પરિણામે વ્યાપાર-વ્યવહારમાં મોટો ફરક પડી જાય તેમ હતો. આ કેનાલ બાંધવાનો વિચાર સાવ નવો પણ નહોતો.
વાસ્કો ન્યૂનેઝ ડી બોલ્બો નામના સ્પેનિશ સાહસિકે પ્રથમ વખત ૧૫૧૩માં પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર વચ્ચેના આ કેનાલના માર્ગે પ્રવાસ ખેડયો હતો. સૌપ્રથમ વખત ડી બોલ્બોએ કહ્યું હતું કે બંને મહાસાગરો વચ્ચે પાતળો માર્ગ છે જેમાંથી પ્રવાસ થઈ શકે છે અને બંનેને જોડી દેવામાં આવે તો નવો જળમાર્ગ બનાવી શકાય તેમ છે. સ્પેનના રાજાને એ માર્ગને જળમાર્ગ બનાવવો જોઈએ એવો વિચાર આવ્યો પણ હતો. જોકે, ૧૬મી સદીમાં એ કામ કલ્પના કરતા અનેકગણું દુષ્કર હતું.
સુએઝ નહેરના બાંધકામ પછી આ દિશામાં કામ હાથ ધરવાનું ગંભીરતાથી વિચારાયું. જે અંતર્ગત પનામા કેનાલ કોંગ્રેસ સમિતિ બનાવીને તેનું સુકાન સુએઝ બાંધીને નામ કમાનારા ૭૪ વર્ષિય ફર્ડિનાન્ડ ડી લેસેપ્સને સોંપવામાં આવ્યું. એ વિસ્તારનો અપૂરતો પરિચય છતાં વિઘ્નરૃપ બની શકે એવી શક્યતાઓ તપાસવાનું જ વિસારે પડી ગયું એ બાબત નિષ્ફળતા માટે સૌથી વધુ કારણભૂત હતી. માર્ગમાં આવતા ગટુન નામના વિશાળ સરોવરનું શું કરી શકાય એ બાબત અવગણવામાં આવી હતી. વળી, વચ્ચે આવતી નદીઓમાં પૂર આવે ત્યારે શું થાય એના વિશે પણ ઠોસ આયોજન ન હતું. ગાઢ જંગલમાં લેસેપ્સે કામ તો શરૃ કરાવી દીધું, પણ પછી અણધારી આફતો આવવા માંડી. જેમાં સૌથી મોટી આફત હતી-યેલો ફિવર.
મચ્છરો કરડવાથી મજૂરોને યેલો ફિવર નામની બીમારી થવા લાગી. એક પછી એક મજૂરો કાળનો કોળિયો થવા લાગ્યા. બીજી તરફ એ વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે દર વર્ષે પૂરપ્રપાત થાય અને ખોદેલી માટી પર પાણી ફરી વળતું હતું. તબીબો પાસે યેલો ફિવરની સારવાર નહોતી અને એમાંને એમાં મૃત્યુઆંક ખૂબ વધવા લાગ્યો. કામ સમયરેખા કરતા વધારે લંબાતું જતું હતું અને બીમારીનો કોઈ જ ઈલાજ મળતો ન હતો.
ફ્રાન્સના બાંધકામ દરમિયાન ખરેખર કેટલા કામદારો મોતને ભેટયા એ આંકડો કોઈ પાસે નોંધાયો નથી. ફ્રાન્સના સત્તાવાર આંકડામાં તો બહુ ઓછા કામદારો બતાવાયા છે, પણ પછી યેલો ફિવરની સારવાર શોધનારા ડો. ગોર્ગાસના એક અહેવાલ મુજબ લગભગ ૨૨, ૦૦૦ લોકો આ તાવથી અને અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હતા. ચોમેરથી ઘેરાયેલી કંપનીએ અંતે દેવાળું ફૂંક્યું. નાદાર થયેલી કંપની પાસે કામ બંધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નહોતો. એકાદ દશકા પછી ૧૮૮૯માં કામ બંધ થયું. પનામા કેનાલ ન બનાવી શકવાના સદમામાં પનામા કેનાલ કંપનીના પ્રમુખ અને કેનાલ માટે સવિશેષ આશાવાદી ફર્ડિનાન્ડનું નિધન થયું.
અંતિમ શ્વાસ લેતા પહેલાના તેના આખરી શબ્દો હતા- 'પનામા કેનાલ તો બનવી જ જોઈએ. આજે નહીં તો કાલે પણ એ બનાવ્યે જ છૂટકો છે!' એ સાથે જ પનામા કેનાલનો પ્રોજેક્ટ પણ ગર્તામાં ધકેલાઈ ગયો. ૧૫ વર્ષ પછી ફરીથી એ ફાઇલ અમેરિકાએ ઓપન કરી અને એ સાથે જ ખૂલ્યો વિશ્વ માટે નવો માર્ગ. જે જગતના કેટલાય દેશોના વ્યાપારી હિતો માટે ચાવીરૃપ ભૂમિકા ભજવવાનો હતો.
                                                                           * * *
અમેરિકાએ બાંધકામ શરૃ કર્યું ત્યારે મુખ્ય ઈજનેર તરીકે જ્હોન એફ વોલેસની પસંદગી કરવામાં આવી. વોલેસે ૧૯૦૫ સુધી જવાબદારી નિભાવી એ દરમિયાન તેણે આખી યોજનાને ચોક્કસ આકાર આપી દીધો હતો. ફ્રાન્સની ભૂલોમાંથી અમેરિકાએ બરાબર પાઠ ભણ્યો હતો. ફરીથી ઈતિહાસનું પૂનરાવર્તન ન થાય એ માટે કેનાલની સમાંતર સામાનની હેરફેર અને ખોદકામમાંથી નીકળતી માટીનો યોગ્ય નિકાલ કરવા રેલવે લાઇન નાખી દેવામાં આવી. ૧૫ વર્ષમાં અમેરિકાએ યંત્રોની બાબતમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી લીધી હતી એટલે મજૂરો ઉપરાંત યંત્રોની મદદ લેવાનું પણ ચાલુ રખાયું. ખોદેલી માટી ઉલેચવા માટે મોટા પાવડા, વરાળથી ચાલતી ક્રેઇન્સ, ખડકો ભાંગવાના મશીન્સ, સિમેન્ટ-રેતીના મિક્ષણ માટેના સાધનો વગેરેના કારણે કામ ઝડપી અને ચોકસાઈથી થવા માંડયું.
ફ્રાન્સ કરતા અમેરિકાની યોજનામાં પાયાનો ફરક નહેરના રૃટનો હતો. ફ્રાન્સે પશ્વિમથી પૂર્વ તરફનો સીધો માર્ગ પસંદ કર્યો હતો એના બદલે અમેરિકન પ્રોજેક્ટમાં રૃટ થોડો બદલાયો અને વાયવ્યથી અગ્નિ કરવામાં આવ્યો. અમેરિકાએ પૂરજોશમાં કામ શરૃ કર્યું. એટલાન્ટિક-પેસિફિક વચ્ચે આવતા ગટુન સરોવર નહેરનો ભાગ બની જાય એવું આયોજન થયું. લોક સિસ્ટમ પ્રમાણે જહાજ નહેરમાંથી પસાર થાય ત્યારે પાણીની સપાટી ઊંચી-નીંચી કરવાનો મજબૂત પ્લાન તૈયાર થયો. પૂર આવે તો વધારાનું પાણી ક્યાં નાખવું અને પાણી ઘટે તો સપાટી ઊંચી લાવવા પાણી ક્યાંથી લઈ આવવું એ બધું જ કાગળ પર અંકિત થયા પછી એ દૂર્ગમ વિસ્તારમાં આખો પ્લાન જમીન પર આકાર પામવા લાગ્યો. પરંતુ ફરી વખત એ છૂપા દૂશ્મન 'યેલો ફિવરે' માથું ઉચક્યું.
કેટલાક મજૂરોના મોત થયા, કેટલાક ગંભીર માંદગીમાં પટકાયા. ફ્રાન્સ જેવું ન થાય એ માટે અમેરિકા તૈયાર હતું. તાબડતોબ સારવારની વ્યવસ્થા થઈ. ડો. ગોર્ગાસના પ્રયાસોના કારણે દર્દીઓ માટે સારવાર-દવા બંને શક્ય બન્યા. સાથે સાથે મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ય ઝેરી દવાનો ઉપયોગ થયો અને એ નૂસખો કારગત નિવડયો. યેલો ફિવર પર અમેરિકાએ અંકુશ મેળવ્યો અને એ સાથે કેનાલના બાંધકામમાં સફળતા પણ...
જ્હોન એફ વોલેસની જગ્યાએ જ્હોન એફ સ્ટીવન્સ અને ત્યાર બાદ જ્યોર્જ ડબલ્યુ ગોથેલ્સે કેનાલ બાંધવામાં કોઈ જ કસર ન છોડી. ગોથેલ્સના કાર્યકાળ દરમિયાન કામની પૂર્ણાહૂતિ થઈ. ૧૫મી ઓગસ્ટ, ૧૯૧૪ના દિવસે 'એસએસ અન્કોન' નામની અમેરિકન કાર્ગો શિપે પનામા કેનાલનો સત્તાવાર પ્રવાસ કર્યો એ સાથે જ વિશ્વના દરિયાઈ માર્ગનો સુંદર અને મહત્ત્વનો એક માર્ગ ખૂલી ગયો હતો.
ત્રણ ઈજનેરો, ૫૬ હજાર કામદારો, ૨૩ અબજ ડોલરનો ખર્ચ અને ૨૩,૮૮,૪૫,૫૮૭ ઘન યાર્ડનું કુલ ખોદકામના પરિણામે નિર્માણ પામી એક એવી કેનાલ જેનો સમાવેશ માનવ સર્જિત અજાયબીઓમાં થવાનો હતો. એ મહાન સર્જનમાં દર એક કિલોમીટરે ૫૦૦ કામદારોના પીળા પડીને હંમેશા માટે કરમાઈ ગયેલા ચહેરાઓ ઉપસીને પાણીને જાણે રક્તવર્ણુ બનાવે છે, પણ કદાચ કેનાલની ભવ્યતામાં ૨૭ હજાર જેટલા કામદારોના મોત એક સૈકા પછી વિસરાઈ ગયા છે!

* અમેરિકાએ પનામા કેનાલનું કામ હાથમાં લીધુ પછી હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે અકસ્માતો અને રોગોના કારણે ૫૬૦૯ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં સૌથી વધુ ૪૫૦૦ કામદારો વેસ્ટ ઈન્ડિઝના હતા.
* પનામાના નિર્માણમાં ૨૩ અબજ ડોલરનો  ખર્ચ થયાનું કહેવાય છે. જેમાંથી ૮૫ ટાઇટેનિક બનાવી શકાય.
* પનામા કેનાલના ખોદકામમાંથી ત્રણ સુએજ નહેર બની જાય!
* નહેરના ખોદકામના વિસ્તારમાં એક પછી એક સમસ્યા આવતી રહેતી હતી. જેમાં યેલો ફિવર (પીળો તાવ)બન્ને બાંધકામ વખતે નડેલી સૌથી મોટી સમસ્યા હતી. જંગલોમાં મચ્છરોના કારણે મજૂરોમાં યેલો ફિવર ખૂબ જ ગંભીર રીતે પ્રસરી ગયો હતો. એ સિવાયની એક બાબત હતી વરસાદ. જંગલોની વચ્ચે નહેરનું કામ ચાલતું હતું અને એ જંગલોમાં વાર્ષિક ૧૦૦-૧૦૫ ઈંચ વરસાદ ખાબકતો હતો. વળી, નદી-નાળા છલકાઈને પૂર આવવું પણ સામાન્ય બાબત હતી. જેનું પરિણામ એ આવતું કે નહેર ખોદીને માટી કિનારે પડી હોય એ પાછી નહેરમાં ભળી ગઈ હોય એટલે એ કામ ફરીથી કરવું પડે!
* કેનાલના બાંધકામમાં સરેરરાશ એક માઇલ (આશરે ૧.૬ કિલોમીટર) દરમિયાન ૫૦૦ લોકોના મોત થયાનો એક અંદાજ છે.
* ૧૯૯૯થી કેનાલ યુએસને બદલે પનામાની માલિકી હેઠળ છે.
* નહેર શરૃ થઈ ત્યારે વર્ષે દહાડે એક હજાર જહાજો એમાંથી પસાર થતાં હતાં. આજે આ આંકડો ૧૭,૦૦૦ જહાજોએ પહોંચ્યો છે.
* સો વર્ષમાં ૯ લાખ જહાજોએ પનામા કેનાલની સફર ખેડી છે. એ રીતે વર્ષે સરેરાશ ૯ હજાર જહાજો પસાર થયા કહેવાય.
* ૮૩ કિલોમીટર નહેર ઓળંગવામાં જહાજને સામાન્ય રીતે ૮થી ૧૦ કલાકનો સમય લાગે છે.
* નહેરની પહોળાઈ ૯૧ મીટર અને ઊંડાઈ ૨૬ મીટર છે.
* લોક સિસ્ટમ પણ જાણવા જેવી છે. દરિયાઈ સપાટીની કેનાલમાંથી જહાજ જેવું ગટુન સરોવરમાં પ્રવેશવાનું થાય કે એ પહેલા એક લોક આવે. જહાજ એમાં પ્રવેશે એટલે પાણીની સપાટી ઊંચકવામાં આવે. ત્યાર બાદ નીચેના સ્તરે ફરીથી જહાજ લોકમાં પ્રવેશે એટલે પાણી ઘટાડીને જહાજને નીચે ઉતારાય છે. એ રીતે ક્રમશઃ ત્રણ સપાટીની ઊંચી-નીચી પાયરી પછી જહાજને ફરીથી દરિયાઈ સપાટીની કેનાલમાં પ્રવેશ આપવામાં આવે છે. રોડમાં જેમ ડિવાઇડર હોય એમ આવી બે જહાજો માટે સામ સામે વ્યવસ્થા કરાઈ છે. 
* ૧૯૨૮માં રિચાર્ડ હેલિબાર્ટન નામનો અમેરિકન સાહસિક આખી કેનાલ તરી ગયો હતો. જોકે, તેને પણ ૩૬ સેન્ટનો ટેક્સ ચૂકવવો પડયો હતો! તો વળી સૌથી વધુ ૩,૩૦,૦૦૦ ડોલરનો ટેક્સ ડિઝની ક્રુઝ નામના શિપે ચૂકવ્યો છે.
* પનામા નહેરમાંથી પસાર થવા માટે પેસેન્જર શિપ પાસેથી પેસેન્જર દીઠ ૧૧૫ ડોલરનો ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે માલવાહક જહાજના ભાગે ૫૦ હજાર ડોલર જેવો ટેક્સ આવે છે
Sunday 17 August 2014
Posted by Harsh Meswania
Tag :

સૌથી વધુ રક્ષાબંધન જોનારાં ભાઈ-બહેનો!


આજે રક્ષાબંધનના દિવસે બે એવા પરિવારની વાત કરીએ જે વિશ્વના સૌથી મોટી વયના ભાઈ-બહેનો હોવાનો વિક્રમ પોતાની પાસે સાચવીને બેઠાં છે. એક પરિવારના ૧૫ ભાઈ-બહેનોની કુલ ઉંમરનો સરવાળો ૧,૦૯૨ વર્ષ થવા જાય છે, તો બીજા એક પરિવારના ૯ ભાઈ-બહેનોની વય ૮૩૨ વર્ષનો આંકડો બતાવે છે.

'શનિવાર અમારા બધા માટે ખાસ રહેતો. એ દિવસે બધા વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મમાંથી મુક્તિ મળતી અને અમને અમારી યુનિટી બતાવવાની તક મળી જતી. અમે દર શનિવારે આખી શાળામાં અલગ પડી જતાં. મા અમને બધા ભાઈ-બહેનોને એક સરખો પોશાક પહેરાવીને-એક સરખી રીતે તૈયાર કરીને શાળાએ મૂકી જતી. બધા અમારી સામે જોઈ રહેતા. અમે ગૌરવથી એક-મેકનો હાથ પકડીને શાળાના પ્રાંગણમાં દાખલ થતાં. શાળામાં દાખલ થઈએ ત્યારે અમને બધા જોઈ રહેતા. કારણ કે, કોઈ રેલી કાઢી હોય એવો ઠસ્સો અમે બતાવતા. અમે ૧૫ ભાઈ-બહેન બધા જ વિદ્યાર્થીઓથી અલગ પડીએ છીએ એ જોઈને હું મનોમન બહુ મલકાતી. વળી, બધા ભાઈ બહેનોમાં મારો નંબર ૮મો હોવાના કારણે ક્રમ પ્રમાણે હું ૧૫ની એ હરોળમાં બરાબર મધ્યમાં આવતી. એના કારણે મને જાણે એવું લાગતું કે હું ક્વિન છું. અમને કોઈ પણ રમતો રમવા માટે પાડોશી હમ-ઉમ્ર મિત્રોની જરૃર ક્યારેય ન પડતી. અમે ઈચ્છીએ એ રમત એક સાથે રમી શકતાં હતાં. વળી, એ રમતોમાં પણ મને વિશેષ મહત્ત્વ મળતું. કેમ કે, સાત-સાત સભ્યોની ટીમ બને એમાં એક વધે! એટલે બધાએ મળીને વચ્ચેનો ઉકેલ શોધી લીધો હતો. ઉકેલ કંઈક એવો હતો કે મારો ૮મો નંબર હતો એટલે બંને ટીમ વતી મારે એક-એક વખત રમવાનું. જેના કારણે બધા જ ભાઈ-બહેનોમાં હું એકલી જ એવી રહેતી જેને સૌથી નાના અને સૌથી મોટા એમ બંને સાથે રમવા મળતું. હું ક્વિન છું એવું માનવાનું મારી પાસે આ વધુ એક મજબૂત કારણ હતું! જોકે, છેલ્લા ૧૫ વર્ષથી બધા એક સાથે મળ્યાં હોય એવો કોઈ સંયોગ બન્યો નથી. હવે ટીમ બનાવીને રમવાની અમારી ઉંમર પણ નથી, છતાં ટીમ બનાવીએ તોયે મને બંનેે તરફ રમવાનું સૌભાગ્ય મળે તેમ નથી. કારણ કે, અમારી ૧૫ની ટીમ તૂટીને ૧૪ થઈ ગઈ છે. સૌથી મોટા ભાઈ જેકનું ૧૪ વર્ષ પહેલા જ ૮૦ વર્ષે નિધન થયું હતું. હવે તો અમે ઉંમરના એ પડાવે પહોંચી ગયા છીએ કે કોણ-ક્યારે હંમેશા માટે સાથ છોડી દે એ કહેવાય નહીં'
સસ્મિત શરૃ થયેલા સંવાદના અંતે તેનાથી ડૂચકું ભરાઈ ગયું હતું. તેની આંખો સામેથી જાણે એક પછી એક દ્રશ્યો પસાર થતાં હોય એમ તેણે આટલા વાક્યો એકધારા બોલ્યા અને છેવટે વાત પૂરી કરી.
લાંબું આયુષ્ય ભોગવતા ૧૫ ક્લિવર પરિવારના ભાઈ-બહેનોને જ્યારે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ત્યારે વચલી બહેન પૌલિન કેવનરે આ ભાવવાહી શબ્દો કહ્યાં હતાં. વિશ્વમાં કદાચ અન્ય ક્યાંય પણ આવું લાંબું આયુષ્ય ભોગવતા ભાઈ-બહેનો હયાત હોઈ શકે, પરંતુ જગતભરમાં પૂરાવાઓને આધારે વિક્રમોની ગણના કરનારી વિખ્યાત ગિનીસ બૂકમાં આ ૧૫ સહોદરને માનભર્યું સ્થાન મળ્યું છે.
આ પરિવારમાં સૌથી નાના સભ્ય માઇકલનું માનવું છે કે 'શરૃઆતમાં ૧૫ ભાઈ-બહેનો હોવાની બાબત મને ક્યારેય મહત્ત્વની લાગતી નહોતી. કારણ કે, આસપાસમાં અને વિશ્વમાં આવા તો કેટલાય ભાઈ-બહેનો હશે. પણ હવે મને લાગે છે કે અમે ખરેખર જ બધાથી અલગ છીએ. ૧૨-૧૫ ભાઈ-બહેનોનો પરિવાર હોવો એ અસાધારણ નથી, પરંતુ આટલા વર્ષેય અમે એક સાથે છીએ એે જ ખરેખર અસાધારણ બાબત છે અને અમને બધાને એનું ખરેખર ગૌરવ હતું!'
બ્રિટનના લેઇસેસ્ટરમાં રહેતા રોવલેન્ડ ક્લિવર અને એમ્માના ૨૬ વર્ષના લગ્ન જીવન બાદ તેમને ૧૫ સંતાનો હતાં. ૫૦ વર્ષની વયે રોવલેન્ડનું અવસાન થયા પછી સંતાનોને ઉછેરવાની જવાબદારી મા એમ્માએ ઉપાડી લીધી. બધા સંતાનોને ભણાવીને મોટા કરવાની સાથે સાથે એમ્માએ તમામને એક તાંતણે બાંધી રાખ્યાં. છેક ૧૯૮૬ સુધી બધા સંતાનો તેમના પરિવાર સહિત એકબીજાને મળે એવું આયોજન પણ એમ્માના કારણે થતું. એમ્માના નિધન પછી એક સાથે બધા જ ભાઈ-બહેન હાજર હોય એવું ભાગ્યે જ બનતું. છેલ્લે ૨૦૦૦ના વર્ષમાં બધા મળ્યાં હતાં. ૧૫ પૈકી બે બહેનો ન્યુઝિલેન્ડમાં સ્થાઈ થઈ ગઈ છે. એ સિવાયના ૧૨ (સૌથી મોટો જેક પણ લેઇસેસ્ટરમાં જ રહેતો હતો) વતન લેઇસેસ્ટરમાં જ રહે છે એટલે વારે-તહેવારે મળતા રહે છે. ખાસ તો ક્રિસમસ વખતે સપરિવાર ઉજાણી થાય છે. આ ભાઈ-બહેનોનો પરિવાર ખૂબ વિશાળ છે. ૩૬ પુત્ર-પુત્રીઓ અને ૫૭ ગ્રાન્ડચિલ્ડ્રન્સ છે. જેક હયાત હોત તો તેની ઉંમર ૯૫ વર્ષ હોત. હવે બધા ભાઈ-બહેનોમાં ન્યુઝિલેન્ડમાં રહેતી માર્ગારેટની વય સૌથી વધુ ૯૦ વર્ષ છે અને સૌથી નાના માઇકલની ઉંમર ૬૯ વર્ષ છે. બધા ભાઈ-બહેનોની ઉંમરનો સરવાળો એક હજાર વર્ષ કરતા પણ વધુ થાય છે. હયાત ભાઈ-બહેનોની કુલ ઉંમરનો આંકડો છે-૧૦૯૨ વર્ષ.
૯ ભાઈ-બહેનોની સરેરાશ ઉંમર ૯૨ વર્ષ!ઈટાલીના સાર્દિનિયા નામના ટાપુના પરડાસડેફોગુ ગામના રહેવાસી ૯ ભાઈ-બહેનોના નામે થોડો અલગ વિક્રમ બોલે છે. એ બધાની ઉંમરનો સરવાળો ૮૩૨ વર્ષ છે. એટલે કે તેની સરેરાશ વય ૯૦ વર્ષ થાય છે. કોન્સોલાટા મેલિસે ૧૦૬મો જન્મદિન મનાવ્યો ત્યારે ૯ ભાઈ-બહેનોમાં સૌથી નાની બહેન માફોલ્ડાની ઉંમર ૭૮ વર્ષ હતી. ક્લાઉડિના-૧૦૦, મારિયા-૯૮, એન્ટોનિયો-૯૫, કોન્સેટ્ટા-૯૪, એડોલ્ફો-૯૧, વિટ્ટાલિઓ-૮૮ અને વિટ્ટાલિયા-૮૨ વર્ષની વયે સ્વસ્થ આયુષ્ય ભોગવે છે. લાંબાં આયુષ્યની સાથે સારા સ્વાસ્થ્યનું પણ ઈશ્વર પાસેથી વરદાન મળ્યું હોય એમ આ તમામ ભાઈ-બહેનો ઉંમરના શતકીય પડાવે પહોંચવા છતાં નિરોગી છે અને હજુય કાર્યરત છે. ક્લાઉડિના દરરોજ ચર્ચમાં જાય છે, તો એડોલ્ફો ફળિયામાં વાવેલા શાકભાજીની દેખરેખ જાતે રાખે છે. તેનો મોટાભાગનો સમય એ શાકભાજીની દેખરેખ પાછળ ખર્ચે છે.
પરિવારના બે સભ્યો એડોલ્ફો અને એન્ટોનિયો વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલી માટે લડત પણ આપી ચૂક્યા છે. એ બંનેને સૌથી મોટી વયે જીવિત ભાઈ-બહેનોનું સન્માન મળે એ પહેલા ઈટાલીની સરકાર તેમને યુદ્ધમાં સાથ નિભાવવા બદલ માનપત્રો આપી ચૂકી છે.
ભારતના આ ભાઈ-બહેનો પૂરાવા રજૂ કરી શક્યા હોત તો...
ભારત જેવા દેશમાં ૧૦-૧૫ ભાઈ-બહેનો હોવાની વાતની નવાઈ નહોતી. કુંટુંબ નિયોજનની કડક અમલવારી પહેલા દેશમાં એવા તો કેટલાય પરિવારો હતા કે જેમાં ભાઈ-બહેનોની સંખ્યા ૧૦-૧૫ તો સ્હેજેય હોય! અત્યારે પણ એવા કેટલાક પરિવાર ખૂબ જ આસાનીથી મળી રહે કે જેમાં ભાઈ-બહેનોની સંખ્યા ૧૨-૧૫ હોય અને એ તમામની ઉંમર પણ ૭૦થી ૧૦૦ વર્ષ હોય, વળી, એ તમામ હયાત હોય! જોકે, ભારતમાં જન્મ તારીખના પૂરાવાઓ બાબતે આજે જેવી સ્થિતિ છે એવી એક સૈકા પહેલા નહોતી એ સુવિદિત છે. એના કારણે જન્મના પ્રમાણપત્રો રજૂ કરવાનું કામ કપરું છે. ખાસ તો ગિનીસ બૂક ઓફ રેકોર્ડ્સ વગેરેમાં જેવી બાબતોની જરૃર પડે એવી આપણે ભાગ્યે જ પૂરવાર કરી શકીએ. પરિણામે સૌથી વયસ્ક....પ્રકારના વિક્રમો ભારતના નામે ન નોંધાય એ પણ એટલું જ સહજ છે. સૌથી વધુ રક્ષાબંધન જોઈ ચૂકેલા ભાઈ-બહેનોનો વિક્રમ ભારતના નામે હોત, પરંતુ ઉત્તરપ્રદેશનો ગુપ્તા પરિવાર પોતાનો દાવો સાચો સાબિત કરી શક્યો નહી. જન્મના પૂરતા પ્રમાણ પત્રો ન હોવાના કારણે એ દાવો માન્ય ન રખાયો. નહીંતર ૬ ભાઈઓ અને ૭ બહેનોના નામે વિક્રમ બોલતો હોત. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સંભવતઃ સુરહિયા ગામના ગુપ્તા પરિવારના સૌથી મોટા રામચરણની ઉંમર ૧૦૮ વર્ષ હોવાનો દાવો થયો હતો. સૌથી નાની બહેન ગુલાબની ઉંમર ૮૦ વર્ષ છે. એમની સરેરાશ ઉંમર ૮૪ વર્ષ હોવાનું કહેવાય છે. જોકે, ૧૩ પૈકી માંડ ૪ના જન્મના પૂરાવાઓ માન્ય રાખી શકાય તેમ છે. જો પ્રમાણપત્ર માન્ય રહ્યાં હોત તો સૌથી વધુ રક્ષાબંધન જોનારાં ભાઈ-બહેનોમાં 'સત્તાવાર' રીતે આ ભારતીયોનો પણ સમાવેશ કરી શકાયો હોત!

૨૦૮ દિવસના અંતરે જન્મેલા ભાઈ-બહેન!
ટ્વિન્સના જન્મ વચ્ચેનું અંતર સાવ નજીવું હોય છે, પણ એક વિચિત્ર રેકોર્ડ રોન્ની અને સિન્નાના નામે નોંધાયેલો છે. એ રેકોર્ડ કંઈક એવો છે કે તે બંનેના જન્મ વચ્ચેનું અંતર માત્ર ૨૦૮ દિવસનું છે. એટલે કે ભાઈના જન્મ પછી બહેનનો જન્મ માત્ર ૬ માસમાં થયો હતો. બ્રિટિશ કપલ બુડેન અને પૌલ ડેનિસના પ્રથમ સંતાન રોન્નીનો જન્મ તો નોર્મલ પ્રેગનેન્સી દરમિયાન થયો હતો, પણ પછી બૂડેન તરત જ બીજી વખત ગર્ભવતી થઈ અને રોન્ની ૬ માસનો તો માંડ થયો હતો ત્યાં તેની સાથે રમવા માટે બહેન સિન્નાનો જન્મ થઈ ગયો હતો! આ કિસ્સામાં આશ્વર્યજનક બાબત તો એ હતી કે રોન્નીની પરવરિશમાં પડેલી મમ્મી બૂડેનને પોતાની પ્રેગનન્સીની જાણ છેક ૩ માસ પછી પડી હતી. હજુ બીજા ત્રણ માસ ગયા ત્યાં તો તેના માટે વધુ એક અચરજ હાજર હતું! એ રીતે બે ડિલિવરી વચ્ચે સૌથી ઓછા અંતરે જન્મેલા આ ભાઈ-બહેનના નામે અજાણતા જ રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
Sunday 10 August 2014
Posted by Harsh Meswania
Tag :

કોર્ટ ડ્રેસ-કોડઃ આખરે વકીલોના કોડ પૂરા થયાં ખરા!


દુનિયાભરના વકીલો કોર્ટરૃમના ડ્રેસ કોડની બાબતમાં બહુધા એકસૂત્રતાના તાંતણે બંધાયેલા જોવા મળે છે. જ્યારથી વકીલાત વ્યવસાય બન્યો છે ત્યારથી જ આમ તો વકીલોએ તેમની ઓળખ સમાન આ કાળો લિબાસ ધારણ કર્યો છે. ભારતની નીચલી અદાલતોમાં જોકે હવે આ ભારેખમ ડ્રેસ પહેરવામાંથી મુક્તિ મળી છે. વિશ્વમાં વકીલોના ડ્રેસ કોડની ક્યાં કેવી સ્થિતિ છે અને એ ક્યારથી શરૃ થયું એની થોડી વાત...

રાજા રાણીને બહુ પ્રેમ કરતા હતા. એક વખત રાણી ખૂબ જ ગંભીર માંદગીમાં સપડાઈ ગયાં. રાજાએ પોતાના રાજ્યના દાક્તરોને બોલાવ્યા અને કોઈ પણ ભોગે જાનથી પણ પ્યારી રાણીને આ જીવલેણ માંદગીમાં બહાર લઈ આવવાનો હુકમ કર્યો. એ માટે જરૃરી બધા જ પગલા ભરવાની છૂટ આપી. જે કંઈ પણ જોઈતું હોય-જ્યાંથી પણ જોઈતું હોય એ હાજર કરવાની બાંહેધરી આપી. હાકેમોની દિન-રાતની મહેનત છતાં રાણીને સારું ન થયું તે ન જ થયું. આખરે રાણીએ થોડા દિવસોની માંદગી પછી અંતિમ શ્વાસ લીધો.
રાજા હૃદયભગ્ન અને શોકમગ્ન થઈ ગયા! રાણીને ખૂબ પ્રેમ કરતા હોવાના કારણે રાજાને બધે જ અંધકારમય લાગતું હતું. તેમણે તેમના રાજમહેલમાંથી રાણીની યાદમાં રંગીન ચીજવસ્તુઓનો અને પોશાકનો ત્યાગ કરી દીધો. રાજ્યમાં પડતર કેસોનો નિકાલ કરતા દરબારીઓ અને જજને રાણીના શોકમાં કાળો પોશાક પહેરવાની સૂચના આપી. રાજાના હુકમનેે તો કોણ અવગણી શકે! એ જ દિવસથી કોર્ટની કામગીરી કરતા સભ્યો કાળો કોટ અને જજ કાળો ગાઉન પહેરીને હાજર રહેવા લાગ્યા. કોર્ટની કામગીરી કરતા સભ્યો અને દરબારીઓએ વિચાર્યું કે રાજા ચાર-છ મહિનામાં શોકમાંથી બહાર નીકળશે એટલે ફરીથી બધુ રાબેતા મુજબ થશે, પણ રાજાએ ફરી વખત એવું કોઈ સૂચન ન કર્યું એટલે થોડા સમયમાં એ પોશાક જજ-વકીલો માટે રોજિંદો ડ્રેસ કોર્ડ બની ગયો. એ પહેરવેશ પછી વિશ્વભરની અદાલતોમાં સ્વીકારી લેવાયો હતો.
                                                                          ***
આ વાત છે ૧૬૯૪ની. ક્વિન મેરી દ્વિતીયના મૃત્યુ પછી રાજા વિલિયમ ત્રીજાએ શોકમગ્ન થઈને કોર્ટની કાર્યવાહી કરતા જજ અને વકીલ સહિતના પોતાના કર્મચારીઓને આ ફરમાન કર્યું ત્યારથી વકીલો અને જજ માટે કોર્ટમાં ડ્રેસ પહેરવો ફરજિયાત થયો હોવાની વ્યાપક માન્યતા છે. ઘણી બધી બાબતોમાં વિશ્વના અસંખ્ય દેશો આજેય બ્રિટિશ શાસન દરમિયાનની તરાહને અનુસરે છે. એ જ યાદીમાં અદાલતી કાર્યવાહી અને તેના એટિકેટનો પણ સમાવેશ બેશક કરી શકાય! ભારતમાં પણ  બ્રિટિશ શાસનની પ્રણાલી અનુસાર જ અદાલતોના કેટલાક નિયમો જાળવી રાખવામાં આવ્યાં છે. જેમાં ડ્રેસ-કોડનો પણ સમાવેશ થાય છે. આખરે આટલા વર્ષો પછી એ નિયમોમાં એક મહત્ત્વનો બદલાવ આવ્યો છે.
ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટને બાદ કરતા બધી જ અદાલતોમાં વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન કોટ પહેરવો કે ન પહેરવો તે વકીલો પર છોડી દીધું છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઘણા સમયની પડતર માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતમાં ઘણી બધી નીચલી અદાલતોમાં ઉનાળો સહન કરવો કપરો છે. એમાંયે ભારેખમ ગાઉન અને કોટ પહેરીને પરસેવે રેબઝેબ થઈને કોર્ટની કામગીરી કેમ કરવી એ મોટો સવાલ હતો. એ સ્થિતિ નિવારવા માટે નીચલી અદાલતોમાં મળેલી આ છૂટછાટ ખૂબ જ મહત્ત્વની બની રહેશે. ભારતે બ્રિટિશ શાસનની ઘરેડ પ્રમાણે અદાલતી માળખું સ્વીકાર્યું એની સાથે જ બ્રિટિશ એટિકેટ પણ કોર્ટમાં અપનાવ્યો હતો. ભારતીય વાતાવરણને ધ્યાનમાં રાખીને લેવાયેલો ડ્રેસ-કોર્ડનો નિર્ણય આવકાર્ય છે. ભારતમાં જોકે ઉચ્ચ ન્યાયાલયમાં એ એટિકેટ જાળવી રખાયો છે. વિશ્વના ઘણા બધા દેશોનું અદાલતી માળખું યુરોપિયન અસર હેઠળ આકાર પામ્યું હતું એટલે ડ્રેસ-કોર્ડમાં દેેશ-કાળ પ્રમાણે કેટલાક ફેરફાર સાથે મોટા ભાગના દેશોએ યુરોપિયન પદ્ધતિને એમાં પણ જાળવી રાખી છે!
કાળો કોટ અદાલતની અંદર કેમ પ્રવેશ્યો એની બીજી પણ ઘણી રસપ્રદ માન્યતાઓ પ્રવર્તે છે.
                                                                       * * *
કોર્ટનું મોર્ડન માળખું બનાવવાનો યશ ઘણા ખરાં લોકો ઈંગ્લેન્ડના રાજા હેનરી આઠમાને આપે છે. ૧૬મી સદીમાં ઈંગ્લેન્ડ ઘણી બધી બાબતોમાં પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે કિંગ હેનરીએ અદાલતની વ્યવસ્થા કરીને પોતાના વતી કેસને કોઈ બીજો માણસ સાંભળે અને તેના પરથી તટસ્થ તારણ આપે એવું માળખું બનાવ્યું હતું. જોકે, ત્યારે તેમણે અદાલતમાં અમુક પ્રકારના જ કપડા પહેરવા જોઈએ એવો કોઈ ખાસ નિયમ ઘડયો નહોતો. ત્યાર બાદ યુરોપિયન દેશોમાં પડતર કેસોનો નિકાલ કરવા માટે કાયદાના જાણકાર લોકોની નિમણૂંક થવા લાગી હતી. જજમેન્ટ આપનારા એ લોકોએ કોર્ટરૃમમાં પોતે અલગ પડી જાય અને શિસ્તબદ્ધ માહોલ રહે એ માટે ખાસ પ્રકારના વ્હાઇટ અને બ્લેક પોશાક પહેરવાનું શરૃ કર્યું હતું.
ઈટાલી-બ્રિટન જેવા દેશોમાં કેસોનો નિવેડો આપીને તટસ્થ રીતે કોઈ ચોક્કસ જજમેન્ટ પર પહોંચનારા લોકોની ફાધરની સમકક્ષ ગણના થતી હતી. આ કારણે જ ફાધરના પરંપરાગત ડ્રેસ-કોડને મળતો આવે એવો પહેરવેશ જજ ધારણ કરતા થયા અને ત્યાર પછી કેસ રજૂ કરનારા લોકો જેને આજે આપણે એડવોકેટ કહીએ છીએ, એમણે પણ નિહિત કરાયેલો પોશાક પહેરવાનું શરૃ કર્યું.  
એ સમયગાળામાં લાલ-મરૃન જેવા કલર્સના ગાઉન પહેરવાનો ટ્રેન્ડ ચાલતો હતો. આવા રંગોનો પહેરવેશ ધનવાન સૂબાઓ-જમીનદારો અને વેપારી લોકો માટે સામાન્ય હતો એટલે એનાથી થોડા અલગ પડવા માટે પણ બ્લેક-વ્હાઇટ કલરનો યુનિફોર્મ વકીલાતના વ્યવસાય સાથે અભિન્ન રીતે જોડાવા લાગ્યો હતો.
વકીલાતને ડિગ્રી સાથે સંબંધ નહોતો ત્યારે જે તે રાજ્યના કાયદાનો જાણકાર શાણો માણસ કોઈ બીજી વ્યક્તિની ગૂંચવાયેલી બાબતને જજ સામે રજૂ કરતો હતો. એ માટે તેની કંઈ નિયત ફીનું ધોરણ નહોતું. જેન્ટલમેનની જેમ સામેથી કોઈ જ માંગણી ન કરવા છતાં કોર્ટમાં પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી દેતા માણસને પોતાનું કામ પૂરું થયા પછી ક્લાયન્ટ તેના ગાઉનના વિશાળ પોકેટમાં પોતાની ક્ષમતા પ્રમાણેનું વળતર ચૂકવી દેતો હતો, કદાચ એટલે પણ ગાઉનમાં મોટા પોકેટ રાખવાની પ્રથા પડી હોય!
૧૭મી સદીમાં વિસ્તરતા જતાં ઈંગ્લેન્ડના વિવિધ દેશો માટે નિયત કરેલા સલાહકારો મહેલ ઉપર હાજર થાય ત્યારે તેના ખાસ પ્રકારના કાળા ગાઉનમાં જોવા મળતા હતા. એના પરથી પ્રેરિત થઈને કોર્ટની કામગીરીમાં પણ જજ અને વકીલો સરકાર માટે કામ કરી રહ્યા છે એ દર્શાવવા એવો જ ગાઉન પહેરવા લાગ્યા હોવાનું અમેરિકન કાયદા નિષ્ણાંત પ્રોફેસર એસ.જે. ક્વિનીએ નોંધ્યું છે.
માત્ર ગાઉન-કોટ જ નહીં, પણ પછીથી અન્ય બાબતો પણ નક્કી થઈ ગઈ હતી. જેમ કે, કોટની નીચે સફેદ શર્ટ જેના બધા જ બટન ગળા સુધી બંધ કરેલા હોવા જોઈએ. શર્ટ ફૂલ સ્લિવનો હોવો જોઈએ અને છેક આંગળીઓ સુધી પહેરીને બટન બંધ કરવા ફરજિયાત હોય! બ્લેક ટાઇ અને ગળાનો ભાગ ઢંકાઈ જાય એવો સ્કાર્ફ. ડાર્ક અથવા નેવી કલર્સના પેન્ટ માથે બ્લેક ટોપી. પગમાં જૂતા તો ખરા જ! મહિલાઓ માટે વિશિષ્ટ પહેરવેશ નક્કી કરવામાં આવ્યો નહોતો. મહિલા વકીલો પણ આ જ પોશાક ફરજિયાત પહેરતી હતી.
આવો પહેરવેશ પછીથી વિશ્વભરમાં યુરોપની અસરતળે કોર્ટની કામગીરી દરમિયાન પહેરવાનો શરૃ થઈ ચૂક્યો હતો. એ જ અરસામાં કાયદાઓ બનવા લાગ્યા હતા અને કાયદાનો અભ્યાસ પણ શરૃ થયો હતો. ત્યાર બાદ આ જ ડ્રેસ કોર્ડને સત્તાવાર રીતે વકીલોનો ડ્રેસ-કોર્ડ બનાવી દેવામાં આવ્યો.

પારકા પોશાકની પળોજણ!
* બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ડ્રેસ-કોર્ડમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો એ પહેલા થોડા વર્ષો પહેલા આવો જ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. આપણે ત્યાં પણ બ્રિટનની જેમ ન્યાયધીશને  કાર્યવાહી દરમિયાન 'માય લોર્ડ કે મિ. લોર્ડ' કહીને સંબોધન કરાતું હતું જેને બદલે જજને માત્ર સર કે એવા જ સમકક્ષ સંબોધનની બોલાવી શકાય એવો ફેરફાર કરાયો હતો.
* ભારતમાં મહિલા વકીલો કોર્ટની કાર્યવાહી દરમિયાન સાડી ઉપરાંત સલવાર-કૂર્તા, ચૂડિદાર કૂર્તા, ટ્રાઉઝર્સ-શર્ટ-કોટ પહેરી શકે છે.
* અફઘાનિસ્તાન અને ઈરાનમાં મુખ્ય ન્યાયધીશ શ્વેત ગાઉન પહેર્યા પછી માથે કાળો સાફો વિંટે છે. ઘણી નીચલી અદાલતોના ન્યાયમૂર્તિઓ અને વકીલો શ્વેત ગાઉનની સાથે એવો જ સાફો માથે બાંધતા હોય છે.
* ભાગલા પડયા પછી પાકિસ્તાને પણ ભારતની જેમ બ્રિટિશ અદાલતી માળખું સ્વીકારી લીધું હતું. જોકે, ૧૯૮૦માં પાકિસ્તાને ન્યાયધીશ અને વકીલોના ડ્રેસ-કોર્ડમાં ફેરફાર કરી નાખ્યો હતો. હવે પાકિસ્તાનમાં કાળો કોટ ઉપરાંત સફેદ શેરવાની અને ઉપર ઈસ્લામી સાફો પહેરી શકાય છે.
* અમેરિકાએ બ્રિટનની ઘરેડમાં ભાગ્યે જ કંઈ ફેરફાર કર્યો છે. યુરોપિયન દેશોની જેમ અમેરિકામાં પણ બ્લેક કોટ અથવા બ્લેક ગાઉન જાળવી રાખ્યું છે.
* ચીને કોઈનેય નકલ કરવા કરતા પોતાના દેશની ઓળખ છતી થાય એવો મિલિટરી લૂક વકીલોને પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને વિશેષ દરજ્જો અપાય છે એટલે તેના કોટના સૌથી ઉપર રિપબ્લિક ઓફ ચાઇનાની મુદ્દા ધરાવતું બટન લગાવવામાં આવે છે.
* શિકાગો બાર એસોસિએશને ૨૦૧૦માં એક ફેશન શોનું આયોજન કર્યું હતું. જેમાં યંગ-બ્યુટિફૂલ ફિમેલ એડવોકેટના હોટ પહેરવેશના કારણે વિવાદ થયો હતો. એ ફેશન શોમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન પહેરાતા કપડાના થોડા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેની અમેરિકામાં ખૂબ ટીકા થઈ હતી. જોકે, ફિમેલ વકીલોએ પોતાનો પક્ષ રજૂ કરીને કહ્યું હતું કે કોર્ટની બહાર શું પહેરવું એ વ્યક્તિગત નિર્ણય છે અને એમાં વકીલાતના નિયમોનો કોઈ જ ભંગ થતો નથી.
* વકીલો માટેના પોશાકની બાબતમાં ભારત અને ઈંગ્લેન્ડમાં એકથી વધારે વિકલ્પો આપવામાં આવ્યાં છે. એ સિવાય ભાગ્યે જ કોઈ દેશમાં કોર્ટના ડ્રેસ-કોડમાં આટલી બધી પળોજણ કરવામાં આવે છે!

...તો ૨૫૦ કરોડ ખીંટીએ લટકશે!
દિલ્હીના એડવોકેટ કુશ કલરાની આરટીઆઈના જવાબમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ૨૦૧૧ પ્રમાણે ભારતમાં ૧૩ લાખ વકીલો પ્રેક્ટિસ કરી રહ્યાં છે.  સૌથી વધુ વકીલો ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં ૨ લાખ ૮૮ હજાર વકીલો કોર્ટની કાર્યવાહીમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ત્યાર પછી બિહાર અને મહારાષ્ટ્રમાં એક લાખ ઉપરાંતના વકીલો નોંધાયેલા છે. ગુજરાતમાં ૨૦૧૧ મુજબ ૬૪,૨૬૧ વકીલો વિવિધ કોર્ટમાં દલીલો કરે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાત હજાર વકીલો ઉમેરાયા છે.  એ રીતે જોઈએ તો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વકીલોને કોર્ટની કાર્યવાહી દરમિયાન કોટ-ગાઉન પહેરવામાંથી મુક્તિ આપી છે એના કારણે ૨૫૦ કરોડ રૃપિયાના બિઝનેસ પર અસર થઈ છે. જો આ નવા નિયમના કારણે વકીલો ડ્રેસ બનાવવાનું બંધ કરી દે તો વાર્ષિક ૨૫૦ કરોડના વકીલોના કોટ બનાવતા બિઝનેસ પર તેની અસર પડશે. અત્યારે એક વકીલ પાસે સરેરાશ બે કોટ ગણી લઈએ અને એ કોટની કીંમત બે હજાર ધારીએ તો બધા વકીલોના મળીને ૨૫૦ કરોડ રૃપિયા ખીંટીએ લટકશે.
Sunday 3 August 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -