Posted by : Harsh Meswania Sunday 31 August 2014


- ઈતિહાસમાં બે વખત સર્વોચ્ચ યુદ્ધ સન્માન મેળવનારા લડવૈયાની દાસ્તાન

- યુદ્ધનું પરિણામ યૌદ્ધાઓના પરાક્રમ પર નિર્ભર હોય અને પરાક્રમનું પ્રમાણ પારિતોષિક હોય! બીજા વિશ્વયુદ્ધમાં અપ્રતિમ સાહસ બતાવીને બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત થયેલો આવો જ અનોખો લડવૈયો હતો- ચાર્લ્સ અપહેમ...

'રાજાના આદેશાનુસાર આ વિશેષ એવોર્ડ ન્યુઝિલેન્ડની સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ ચાર્લ્સ અપહેમને એનાયત કરવામાં આવે છે. ચાર્લ્સે દુશ્મન સૈન્ય પર ત્રાટકવાની સાથે સાથે સાથી સૈનિકોને નવજીવન આપવામાં પણ એટલી મહામૂલી ભૂમિકા ભજવી હતી. દુશ્મનોને ત્રણ કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં આગળ વધતા અટકાવવામાં તેણે એકલા હાથે સફળતા મેળવી હતી. પોતાના પરાક્રમના કારણે સાથી સૈનિકોમાં જોમ ભરવાનું કામ પણ તેમણે બખૂબી કર્યું હતું. ૧૩ મીટર સુધી જમીન પર ઘસડાઈને તેણે ચોકીઓની રખેવાળી કરી હતી. વળી, 'બેટલ ઓફ ક્રીટ'માં જીવલેણ હથિયારો ધરાવતા ૨૨ દુશ્મનોને અંતિમ શ્વાસ લેવડાવવામાં તેની ગનમાંથી છૂટેલી ગોળીઓ કારણભૂત બની હતી. તેની આ યુદ્ધ કૂનેેહના કારણે આખી સેનાને પ્રેરણા મળી હતી. દુશ્મનો સામે આક્રમકતાથી તૂટી પડવાનો તેનો મનસૂબો ખરેખર પ્રશંસાને પાત્ર છે. બ્રિટન તેના શૌર્યનું સન્માન કરતા ગૌરવ અનુભવે છે.'
લંડનની યુદ્ધ ઓફિસમાંથી વહેતો થયેલો આ સંદેશો બ્રિટિશ સરકારની સત્તાવાર પત્રિકા 'ધ લંડન ગેજેટ'માં ૧૪ ઓક્ટોબર, ૧૯૪૧ના દિવસે પ્રકાશિત થયો ત્યારે ચાર્લ્સે કલ્પના પણ નહીં કરી હોય કે તે ટૂંક સમયમાં બીજી વખત આવા જ શબ્દો સાંભળવા ભાગ્યશાળી બનશે અને ૧૫૦ વર્ષ પછી ય 'વિક્ટોરિયા ક્રોસ' પારિતોષિક બબ્બે વખત મેળવનારા એક માત્ર સૈનિક તરીકે અવિસ્મરણીય બની રહેશે.
                                                                     * * *
બીજા વિશ્વયુદ્ધની કારમી મરણચીસોના પડઘા આખા વિશ્વમાં ગુંજી રહ્યાં હતાં એ સમયે જર્મની-ઈટાલીની સંયુક્ત સેના વિરુદ્ધ બ્રિટનના નેજા હેઠળ ગ્રીસ-ન્યુુઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયાની  સેના ગ્રીસના ક્રીટ ટાપુ ઉપર જંગે ચડી હતી. ૧૯૪૧માં ૨૦મેથી ૧લી જૂન વચ્ચેના ૧૧ દિવસ ચાલેલા 'બેટલ ઓફ ક્રીટ' નામથી ઓળખાતા એ યુદ્ધમાં જર્મની-ઈટાલીની સેનાનો હાથ સતત ઉપર રહેતો હતો છતાં બ્રિટનના નેજા હેઠળ લડતા ન્યુઝિલેન્ડના ચાર્લ્સ અપહેમે દુશ્મનોના દાંત ખાટાં કરી નાખ્યાં હતાં. અમુક યુદ્ધની જીત મીઠી નથી લાગતી હોતી. 'બેટલ ઓફ ક્રીટ' પણ જર્મની માટે એવી જ એક કડવી જીત હતી. જેમાં વિજય મેળવ્યો હોવા છતાં જર્મની ચાર્લ્સના અનોખા પરાક્રમને કેમેય કરીને ભૂલી શકતું નહોતું. જર્મનીએ દિવસો અગાઉ કરેલી ગણતરીને નવા નવા સૈન્યમાં જોડાયેલા ૩૨ વર્ષના ચાર્લ્સે માત્ર ૮ દિવસમાં ઊંધી પાડી દીધી હતી. ક્રીટમાં વ્યૂહાત્મક રીતે પથરાયેલી મિત્ર રાષ્ટ્રોની ચોકીઓ કબ્જે કરવાની જર્મનીની મૂરાદ મનમાં જ રહી ગઈ હતી. આખી પલટનને નેસ્ત નાબૂદ કરવાની મનેચ્છા પણ અધૂરી રહી. આ એક જ સૈનિક બેખૌફીથી એવો તો ઝઝૂમ્યો હતો કે ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધની લડાઈઓમાં મિત્ર રાષ્ટ્રોના સૈનિકો તેના પરાક્રમના ઉદાહરણો આપતા હતા.
જોકે, ત્યારે જર્મનીએ પણ ક્યાં કલ્પના કરી હતી કે બીજા વિશ્વયુદ્ધના આ સૌથી પરાક્રમી સૈનિકનો બીજી વાર સામનો કરવાનો વખત બહુ જલ્દી આવવાનો છે!
                                                                     * * *
બીજી વખતનું તેનું પરાક્રમ માત્ર થોડી કલાકો માટેનું હતું, પણ એ એટલું સજ્જડ હતું કે ઈજિપ્તના 'બેટલ ઓફ અલ એલીમેઇન'માં મિત્ર રાષ્ટ્રોની જીત પાછળ ચાર્લ્સની યુદ્ધનીતિએ અતિ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  
'બેટલ ઓફ ક્રીટ'માં ચાર્લ્સ અપહેમે દાખવેલી યુદ્ધ કૂનેહ અને ચપળતા પછી છએક માસમાં તેને ન્યુઝિલેન્ડની એક પલટનનો કેપ્ટન બનાવાયો અને ઈજિપ્તમાં લડી રહેલી બ્રિટનની સેનાની મદદ માટે મોકલી દેવાયો. ચાર્લ્સની ખરી કસોટી હવે ઈજિપ્તમાં થવાની હતી. રણ પ્રદેશમાં ચાર્લ્સે પોતાની આખી ટીમને જુસ્સો આપીને આગળ વધારવાની હતી. ચાર્લ્સ એક સૈનિક તરીકે તો પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો હતો પરંતુ હવે તેને એક ટીમ લીડર તરીકે ય પોતાની યુુદ્ધ કુશળતા સાબિત કરવાની હતી. એમાં એ બરાબર કામિયાબ નિવડયો હતો.
૧૯૪૨માં ૧થી ૨૭ જુલાઈના દિવસો દરમિયાન ઈજિપ્તમાં બ્રિટન અને મિત્ર રાષ્ટ્રોની સામે જર્મની અને ઈટાલીએ મોરચો માંડયો હતો. એ યુદ્ધને વિશ્વયુદ્ધના ઈતિહાસમાં 'બેટલ ઓફ અલ એલીમેઇન' નામ આપવામાં આવ્યું હતું. એમાં બ્રિટનની સેનાને કવચ આપીને જર્મનીની શસ્ત્રોથી લદાયેલી એક આખી પલટનને રોકવાનું કામ ચાર્લ્સનું નેતૃત્વ ધરાવતી ન્યુઝિલેન્ડની એ સૈન્ય ટૂકડીએ કરવાનું હતું.
૧૪ અને ૧૫મી જુલાઈનો એ દિવસ કેપ્ટન ચાર્લ્સના નામે હંમેશા માટે નોંધાઈ ગયો. એ દિવસે તેણે ફરીથી જર્મનોને 'બેટલ ઓફ ક્રીટ'નું દુઃસ્વપ્ન યાદ કરાવ્યું હતું. રણમાં ધસમસતી આગળ વધી રહેલી જર્મનીની લશ્કરી છાવણીને ચાર્લ્સની સૈન્ય ટૂકડીએ અધવચ્ચે આંતરી. ચાર્લ્સે જર્મનીની કેટલીક ટેન્ક અને ગનથી ભરેલી જીપ પર હુમલો કરીને જર્મની પર બરાબર પ્રહાર કર્યો હતો. હાથમાં ગોળી ખાવા છતાં તેણે દુશ્મનોને પડકારવાનું ચાલું રાખ્યું. એ એટલી હદે ઘાયલ થયો હતો તો પણ તેણે દુશ્મન સેનાનો સામનો કર્યો. તેનાથી હવે ખસી શકાતું નહોતું છતાં એ ચાલી શક્યો ત્યાં સુધી તેણે જંગ જારી રાખ્યો. ગ્રીસની જેમ ઈજિપ્તમાં પણ તેણે જર્મન સેના વિરુદ્ધ છેક સુધી લડત આપી અને ઘણો યુદ્ધ સરંજામ એકલા હાથે નાબુદ કર્યો. તેના આ પરાક્રમ બદલ તેને બીજી વખત 'વિક્ટોરિયા ક્રોસ' આપવાનું નક્કી થયું. જે ઐતિહાસિક બાબત હતી. કેમ કે, ચાર્લ્સ અપહેમ પહેલા અને એ પછી આજ સુધી 'વિક્ટોરિયા ક્રોસ'ના દોઢસો વર્ષના ઈતિહાસમાં એ સન્માન કોઈ પણ સૈનિકને યુદ્ધમાં લડવા માટે બે વખત એનાયત નથી થયો! આ એવોર્ડે જ તેને બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યોદ્ધા સાબિત કર્યો હતો.
                                                                     * * *
૧૧ મે, ૧૯૪૫ના એ દિવસે સૈનિકોનો ભવ્ય સત્કાર સમારોહ બકિંગહામ પેલેસમાં યોજાયો હતો. સૈનિકાના શૌર્યનું સન્માન કરવા માટે ખૂદ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ હાજર હતા. કેટલાકને બ્રિટનનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો તો કોઈને અન્ય મેડલ્સ મળવાના હતાં. એ સમારોહમાં ચાર્લ્સ અપહેમને પણ 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો. આખા સમારોહમાં એ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એવું ય નહોતું કે સમારોહમાં વિશેષ સન્માન મેળવનારો એ એક માત્ર યોદ્ધા હાજર હતો. બીજા ઘણાં બધાં લડવૈયાઓ અને યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લોકો હતા કે જેને 'વિક્ટોરિયા ક્રોસ' મળવાનો હતો, પણ તેમ છતાં ચાર્લ્સ એટલા માટે ધ્યાનાકર્ષક બન્યો હતો. કેમ કે, એ એક માત્ર સૈનિક હતો જેણે જીવનના ૩૭મા વર્ષે બબ્બે 'વિક્ટોરિયા ક્રોસ' પર પોતાનું નામ અંકિત કર્યું હતું.
''કેપ્ટન ચાર્લ્સ ખરેખર બીજાં 'વિક્ટોરિયા ક્રોસ'ને મેળવવા પાત્ર છે ખરા?''
સમારોહમાં ચાર્લ્સને એવોર્ડ આપતી વખતે રાજા જ્યોર્જ પંચમે મેજર જનરલ હોવાર્ડ કિપનબર્ગરને ઉદેશીને પૂછ્યું હતું.
''સર હું ખૂબ આદરપૂર્વક કહીશ કે જો મારી પાસે 'વિક્ટોરિયા ક્રોસ' આપવાની સત્તા હોત તો બેશક એકથી વધુ વખત મેં એ ચાર્લ્સને આપ્યો હોત!'' મેજર જનરલે રાજાના સન્માનમાં મસ્તક નમાવીને તરત રાજાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ઉત્તર અપેક્ષિત હોય એમ એ સાંભળતાની સાથે જ રાજાએ ચાર્લ્સની પીઠ થાબડી હતી. એ દ્રશ્ય ચાર્લ્સની આંખો સામે ૮૬ વર્ષ સુધી સતત તરવરતું હતું અને જ્યારે જ્યારે એ યાદ આવતું ત્યારે તેની આંખોમાં એક અનોખી ખૂમારી આવી જતી હતી.
આમ તો એની યુદ્ધ કારકિર્દી એટલી બધી લાંબી પણ નહોતી. ૧૯૩૯ સુધી સરકારી નોકરી કર્યા પછી બીજાં વિશ્વયુદ્ધના પડઘમ વાગ્યા ત્યારે યુવાનો સૈન્યમાં જોડાતા હતા એમાં ચાર્લ્સે પણ ન્યુઝિલેન્ડની સેનામાં જોડાવાનું મન મનાવ્યું. યુદ્ધ પછી ઈજાના કારણે તેમણે સેનામાંથી નિવૃત્તિ લીધી. યુવા વયે ખેતી કરી હતી એ જ વ્યવસાય ફરીથી અપનાવ્યો. યૌદ્ધાને સરકાર તરફથી મળતી લોન લીધી, તેમાંથી ખેતર લીધું અને ત્યાર બાદ તો શાળા કોલેજોમાં સ્કોલરશીપ આપીને ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ૧૯૯૪માં ૮૬ વર્ષની વયે ચાર્લ્સે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ઘરમાં કે ખેતરમાં જર્મન બનાવટની એક પણ ચીજવસ્તુ ન હોય એનું ખાસ ધ્યાન રાખતા હતા. ન્યુઝિલેન્ડમાં આજેય ૧૦ નેશનલ હીરોની યાદી તૈયાર કરવાની હોય તો એમાં લોકો ખૂબ ગૌરવપૂર્વક ચાર્લ્સ અપહેમનું નામ શુમાર કરે છે!
-------------------------------------------
ચાર્લ્સ અગાઉ બે વ્યક્તિએ બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવ્યાં છે!
ડો. આર્થર માર્ટિન લીક
ચાર્લ્સ અપહેમ અગાઉ બે વ્યક્તિઓને યુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ કોમનવેલ્થનો આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળી ચૂક્યો છે. બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવનારી પ્રથમ વ્યક્તિ હતા ડો. આર્થર માર્ટિન લીક. ૧૯૦૨ની બોર વોરમાં દુશ્મનોથી માત્ર ૧૦૦ મીટરના અંતરે રહીને સૈનિકોની સારવાર કરી હતી. કેટલાય સૈનિકોનો જીવ બચાવવામાં ચાવીરૃપ ભૂમિકા ભજવવા બદલ આ તબીબને બ્રિટને વીરતાનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ માર્ટિને તેની આ બહાદુરી ફરી વખત બતાવી હતી. દુશ્મનોની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયેલા અસંખ્ય સૈનિકોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતાં. ગોળીઓના વરસાદ વચ્ચે તેમણે નિર્ભિક થઈને સારવારની કામગીરી કરી હતી જેના માટે સૈન્યના કમાન્ડરે તેમને 'વિક્ટોરિયા ક્રોસ' આપવા ભલામણ કરી હતી.

 ડો. નોએલ ચાવાસી
આવા જ બીજા તબીબ હતા નોએલ ચાવાસી. રોયલ આર્મી સાથે મેડિકલ ટીમમાં સમાવેશ પામનારા ડો નોએલે બ્રિટનના અસંખ્ય સૈનિકોને નવજીવન આપ્યું હતું. બેટલ ઓફ સોમ વખતે તેણે ૫૦૦ લોકોની સારવાર ગોળીબારી વચ્ચે કરી હતી. જેના માટે તેનું સન્માન 'વિક્ટોરિયા ક્રોસ'થી કરાયું હતું. ૧૯૧૭ના વર્ષમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં જ બેટલ ઓફ મુડ વખતે તેમણે ફરી વખત સતત બે દિવસ અને બે રાત ખડેપગે રહીને સૈનિકોની સારવાર કરી હતી. તેમણે ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગંભીર રીતે ઘવાયેલા લોકોની સારવાર કરી હતી એટલે તેમને ફરી વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત કરાયા હતા.
જોકે, આ બંને તબીબ હતા અને સૈનિકોની સારવાર માટે તેમને આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ચાર્લ્સ અપહેમે એક યોદ્ધા તરીકે આ સન્માન મેળવીને બબ્બે વખત ઈતિહાસ રચનારો વિશ્વનો પ્રથમ લડવૈયો બન્યો હતો.
 ---------------------------------------
સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' ક્યારથી અપાય છે? 
'વિક્ટોરિયા ક્રોસ'એ બ્રિટનના આધિપત્ય હેઠળનો સર્વોચ્ચ યુદ્ધ ચંદ્રક છે. કોમનવેલ્થ તરીકે ઓળખાતા ૫૩ દેશોના સૈનિકોને અને યુદ્ધમાં અન્ય મહત્ત્વની બહાદુરી બતાવવાના સન્માન રૃપે આ એવોર્ડ એનાયત થતો હતો અને હજુ પણ થાય છે.

૧૮૫૦ આસપાસ ઈંગ્લેન્ડનો સુરજ સોળે કળાએ ખીલતો હતો. એ સમયે આર્મી ઓફિસર્સને તેમણે યુદ્ધમાં દાખવેલા શૌર્ય માટે સન્માન કરવામાં આવતું હતું, પણ સૈનિકો માટે એવો કોઈ જ વિશેષ એવોર્ડ એનાયત નહોતો કરાતો. ત્યારે ૧૮૫૪માં એક વિશેષ સમિતિએ આવા એવોર્ડની ભલામણ રાણી વિક્ટોરિયાને કરી હતી. આર્મી અધિકારીઓએ એનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે આ એવોર્ડની તરફેણ કરી હતી. પરિણામે ૨૯ જાન્યુઆરી, ૧૮૫૬માં 'વિક્ટોરિયા ક્રોસ'ની સમિતિનું ગઠન થયું હતું. નામ અંગે ઘણી અવઢવના અંતે પ્રિન્સ આલ્બર્ટે 'વિક્ટોરિયા ક્રોસ' નામ પર મંજૂરી લગાવી હતી. એ નામને રાણીએ પણ વધાવી લીધું હતું. ત્યાર બાદ ૧૮૫૭થી એ એવોર્ડની શરૃઆત થઈ હતી.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -