Archive for January 2016

મશીનને માણસની લગોલગ બનાવતા શાસ્ત્રના સર્જક માર્વિન મિન્સ્કી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે જેમનું ઉમદા પ્રદાન છે એવા બુદ્ધિવંત કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્વિન મિન્સ્કીનું ગયા સપ્તાહે નિધન થયું. કમ્પ્યુટર સોફ્ટવેરથી લઈને છેક સ્માર્ટફોનની એપ સુધીની ક્રાંતિમાં જેમના સિદ્ધાંતોનો પ્રભાવ છે એવા માર્વિન મિન્સ્કી વિશે થોડું જાણી લઈએ.

મશીન પાસેથી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરાવીને કામ લેવું એટલે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ. કૃત્રિમ બુદ્ધિ. કમ્પ્યુટર અને કમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવીને તેની પાસેથી માણસની બુદ્ધિક્ષમતાની લગોલગ અથવા કહો કે એથીય વધુ કુશળતાથી કામ લેવાની કળાના શાસ્ત્રને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ કહેવાય છે. બીજી રીતે કહીએ તો એવા રોબોટ કે જે માણસની જેમ કામ કરવા લાગે. ક્યારેક માણસ કરતા પણ ચિવટથી કામ કરે અને પછી માણસ પણ તેની સામે વામણો લાગે એવું કૃત્રિમ ચેતાતંત્ર વિકસાવવાનું હવે પૂરજોશમાં ચાલે છે.
માણસના ચેતાતંત્રની ખામીઓ મશીનના માધ્યમથી પૂરી કરી દેવાની માણસની ખ્વાહિશ આમ તો દશકાઓથી શરૃ થઈ છે. કોઈ નવા શાસ્ત્રનો વિકાસ થાય ત્યારે એ ચોક્કસ કયા સમયે થયો એવું કહી શકાતું નથી હોતું. શાસ્ત્રના સ્વરૃપે પહોંચે એ પહેલા પણ તેને ઘણી સફર ખેડવી પડે છે, પણ હા, કોઈ એક ચોક્કસ સમયે તેને શાસ્ત્ર સ્વરૃપે ઓળખ મળે ત્યારે ખોંખારીને કેટલાક સર્જકોના નામ બોલવા પડે છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની બાબતમાં એવું જ ખોંખારીને બોલી શકાય એ નામ માર્વિન મિન્સ્કીનું છે. મશીનમાં જીવ રેડવાની કળાને થીયરીકલ અને પ્રેક્ટિકલ કરવા માટેના પહેલાવહેલા મજબૂત વિચારો માર્વિન મિન્સ્કીએ આપ્યા હતા અને એના જ પરિણામે તેમના ખાતામાં જ્ઞાાનાત્મક વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, ગણિત, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને ફિલોસોફી ઓફ માઇન્ડ જેવા વિજ્ઞાનમાં ખેડાણ બોલે છે.
                                                                                ***
ન્યૂયોર્કમાં આંખના સર્જન પિતાને ત્યાં ૧૯૨૭માં માર્વિનનો જન્મ. પિતાની વિજ્ઞાનરૃચિ પુત્રને પણ પારણામાંથી જ આવી. વિજ્ઞાન તરફનો તેનો જૂકાવ જોઈને પિતાએ ન્યૂયોર્કની વિજ્ઞાન શાળામાં તેના અભ્યાસની વ્યવસ્થા કરાવી. અન્ય બાળકોની તુલનાએ અતિશય તેજસ્વી એવા માર્વિને સાયન્સના વિષયોમાં ઉજળો દેખાવ કર્યો એટલે પોરસાઈને પિતાએ તેને મેસેચ્યુસેટ્સના એન્ડોવરની વિખ્યાત ફિલિપ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. તેમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો એ સમયે જ અમેરિકાની નૌસેનામાં હોનહાર યુવાનોની ભરતી થતી હતી, માર્વિને પણ એમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો. નૌસેનાની પ્રતિષ્ઠિત નોકરી મળી ગયા પછી એ સમયે યુવાનો માટે ખાસ કશું રહેતું નહીં, તેની લાઇફ સેટ થયેલી ગણાતી. પરંતુ માર્વિનની નિયતીમાં આ સિવાય બીજું ઘણું લખાયું હતું.
નોકરી દરમિયાન તેણે ગણિતનો અભ્યાસ કરવા માટે હાર્વર્ડની પ્રવેશ પરીક્ષા આપી હતી. પ્રવેશ મળી ગયો એટલે તેણે નૌસેનાની નોકરી છોડીને હાર્વર્ડમાં ગણિતના કોયડા ઉકેલવા માંડયા. પછી તો ૧૯૫૪માં વિખ્યાત ગણિતજ્ઞા આલ્બર્ટ ટકરના માર્ગદર્શનમાં પીએચ.ડી થયા. તેજસ્વી કારકિર્દી જોઈને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ એન્ડ ટેકનોલોજિ (મિટ)માં તેમને નોકરી પણ મળી ગઈ. ગાણિતિક ક્ષમતા અને નવા નવા વિકસી રહેલા કમ્પ્યુટર સાયન્સમાં રસના કારણે તેમની દોસ્તી મિટમાં કામ કરતા હમઉમ્ર યુવાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જોન મેકાર્થી સાથે થઈ. બંનેએ સાથે મળીને ૧૯૫૯માં મીટમાં જ કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરી સ્થાપી અને એમ એક ગણિતશાસ્ત્રીની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સમાં સફળ સફર શરૃ થઈ.
'આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ'ના શાસ્ત્રને વિકસાવવામાં માર્વિનની ભૂમિકા અસાધારણ છે પણ એ શબ્દનો ઉપયોગ જોન મેકાર્થીએ કર્યો હતો. ઘણી વખત કોઈ વિજ્ઞાનની વ્યાખ્યાઓ વિધિવત્ શીખી ન હોવાના કારણે તેના વ્યાખ્યાયિત બંધારણથી મુક્ત રહી શકાતું હોય છે અને એ મુક્તિ જ નવી વ્યાખ્યાઓને જન્મ આપે છે. માર્વિન માટે એવી જ સ્વાયતતા આપનારુ શાસ્ત્ર કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ હતું અને તેમાં એણે કેટલાય નવા સમીકરણો રચી બતાવ્યાં.
૭૦ના દશકાની શરૃઆતે જ્યારે માણસે અવકાશભણી દોટ મૂકી હતી ત્યારે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એ વાત પામી ગયા હતા કે હવે કોઈ પણ કામને શક્તિશાળી ઢંગથી અજામ આપી શકે એવી મશીનરીની ટૂંક સમયમાં તાતી જરૃર વર્તાશે. મિટ જેવી લેબોરેટરીમાં મશીન કેમ માણસની જેમ કામ કરી શકે એ વિચારવાનું શરૃ પણ થઈ ચૂક્યું હતું. માર્વિને પોતાના કામને એ લેબોરેટરીની બહાર પણ વિકસાવવા માંડયું. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અંગે સંશોધનો ભલે થવા માંડયા હતા, પરંતુ તેને થિયરીમાં ઢાળવાનું કામ બાકી હતું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ સીમોર પાપેર્ટ સાથે મળીને માર્વિને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને થિયરીમાં ઢાળવાનું કામ ઝડપી લીધું. બંનેએ મળીને 'પર્સેપ્ટ્રોન' નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક કૃત્રિમ ચેતાતંત્રના નેટવર્કને સમજવા માટે ખુબ જ ઉપયોગી થઈ પડયું. એ સમયે કૃત્રિમ બુદ્ધિમત્તાને લગતા જેટલા પણ સંશોધનો થતાં તેમાં આ પુસ્તકનો સંદર્ભ અચૂક ટાંકવામાં આવતો. કૃત્રિમ ચેતાતંત્રનું વિશ્લેષણ એ પુસ્તકમાં એટલું ધારદાર રીતે વ્યાખ્યાયિત કરાયું હતું કે તેનો આધાર લીધા વગર કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં સંશોધન કરવું લગભગ અશક્ય ગણાવા લાગ્યું.
એ પુસ્તકના કારણે બીજા કેટલાક સંશોધકોએ વિરોધનો ગણગણાટ પણ કર્યો. ઘણાના મતે એ પુસ્તકના કારણે કૃત્રિમ ચેતાતંત્રના સંશોધનો એ પુસ્તક કેન્દ્રિત બની રહ્યાં અને તેના કારણે નવી દિશાઓ ન ખૂલી. મતમતાંતર વચ્ચે જાણે વિરોધીઓને જવાબ આપતા હોય એમ માર્વિને ૧૯૭૪માં 'અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજ' નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકથી પ્રોગ્રામિંગમાં નમૂનેદાર પરિવર્તન આવ્યું. પર્સેપ્ટ્રોન ખરું જોતા પ્રેક્ટિકલ વધુ હતું એટલે સમજવામાં અઘરું ય હતું, જ્યારે અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજમાં સંપૂર્ણપણે થીયરી રજૂ થઈ હતી એટલે તેનો ઉપયોગ તો કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે ટેક્સ્ટ બૂક જેવો બની ગયો.
એ જ અરસામાં તેમણે 'ધ સોસાયટી ઓફ માઇન્ડ'માં કેટલીક થીયરી રજૂ કરી. માર્વિનના ખુદના કહેવા પ્રમાણે  રોબોટની બનાવટમાં, કમ્પ્યુટર સોફ્ટવેરના સર્જનમાં અને વીડિયો કેમેરામાં તેમના ધ સોસાયટી ઓફ માઇન્ડ પુસ્તકનો આધાર લેવામાં આવે છે. રોબોટિક થિયરી, વર્ચ્યુઅલ દુનિયા અને કમ્પ્યુટરના શક્તિશાળી સોફ્ટવેર બનાવવામાં માર્વિનના આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો પાયાનો વિચાર આજે ય આધાર બને છે.
                                                                             ***
તેમણે માત્ર સિદ્ધાંતો જ રજૂ નથી કર્યાં, ઘણી બાબતોમાં પ્રેક્ટિકલ સંશોધનો પણ કર્યા છે. હેડગ્રાફિક ડિસ્પ્લેની પેટન્ટ તેમના નામે નોંધાયેલી છે. હેડગ્રાફિક ડિસ્પ્લે એટલે માથામાં હેલમેટની જેમ ફિટ થઈ જાય એવું સાધન, જેમાં ફિટ કરાયેલા કાચમાં ડેટા જોઈ શકાય છે. આ પ્રોડક્ટ શરૃઆતમાં એવિએશનમાં ઉપકારક નીવડી હતી. કોન્ફોકલ માઇક્રોસ્કોપ, લેસર સ્કેનિંગ માઈક્રોસ્કોપ જેવા સાધનો તેમણે વિકસાવ્યા હતાં. ૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ ક્ષેત્ર માટે તૈયાર કર્યા હતા અને પીએચ.ડી માટે તેમને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
સાયન્સ ફિક્શનના લેખકને પણ વિચારતા કરી દે એવી અદાથી માર્વિને પૃથ્વી ઉપરાંતની સંભવિત દુનિયા વિશે ય કલ્પનાઓ કરીને તક મળ્યે લખ્યું છે. એમ તો આ વિજ્ઞાાની એક ફિલ્મની સર્જનયાત્રા સાથે ય જોડાયેલા હતા. ૧૯૬૮માં બનેલી ફિલ્મ - '૨૦૦૧ : અ સ્પેસ ઓડિસી'ના તેઓ સલાહકાર હતા!
ક્યાંક રોબોટ ન્યૂઝ એન્કર બને કે ક્યાંક રોબોટ રસોઈ બનાવવામાં કુશળતા સાબિત કરે એ તમામની સિદ્ધિ પાછળ માર્વિન મિન્સ્કીની થિયરી નાની-મોટી ભૂમિકા ભજવે છે. દશકાઓ પહેલા તેમણે રજૂ કરેલા સિદ્ધાંતો જ તેેમને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે પાયોનિયર સાબિત કરી આપે છે એવા માર્વિનનું ૨૪મી જાન્યુઆરીએ બોસ્ટનમાં ૮૮ વર્ષની વયે નિધન થયું. તેઓ છેક સુધી આ ક્ષેત્રે પ્રવૃત્ત હતા. કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોથી તેઓ અપડેટ રહેતા અને એ અંગે છેવટના દિવસો સુધી વિવિધ સાયન્સ જર્નલ્સમાં લેખો લખીને પોતાનો મત વ્યક્ત કરતા રહેતા. તેઓ ખુબ સારા પિયાનોવાદક હતા. વિજ્ઞાનની સાથે સાથે ૧૯૮૧માં તેમણે સંગીત પર કનેક્શન બીટવિન મ્યુઝિક, સાયકોલોજી એન્ડ ધ માઇન્ડ નામના પુસ્તકમાં નામનું ખુબ જ ઉપયોગી પુસ્તક લખ્યું હતું. સંગીતજગતમાં એ પુસ્તક આવકાર પામ્યું હતું. અમેરિકાના દિગ્ગજ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના ઊંડા અભ્યાસી એવા પેટ્રિક વિન્સ્ટને માર્વિન સાથે થોડા વખત મીટમાં કામ કર્યું હતું. તેમના મતે માર્વિન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના જિનિયસ વિજ્ઞાાની હતા.
આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વિશે આજના સંશોધકો માને છે કે એ ક્ષેત્ર કેટલું વિકસશે એ કહી શકાય નહીં. બની શકે કે કૃત્રિમ ચેતાતંત્ર નેટવર્ક એની મેળે નિર્માણ થતું રહેશે, એની જાતે જ પ્રતિકૃતિઓ બનતી રહેશે અને માનવમન કરતા હજારો-લાખો ગણું જટિલ તંત્ર પણ ખડું થઈ શકે. અમુક સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે લાગણીઓની બાબતમાં પણ કૃત્રિમ બુદ્ધિમત્તા માણસની લગોલગ પહોંચશે. જો ખરેખર એમ થશે તો કાલે ઉઠીને સાયન્સફિક્શન ફિલ્મોમાં બતાવે છે એ વાત સાચી ઠરશે અને મશીન પોતાની જાતે માણસ કરતા પણ વધુ તીવ્રતાથી વિચારી શકશે તો એનો યશ બેશક મશીનને વિચારતા કરવાનું વિચારનારા માર્વિન મિન્સ્કીને આપવો રહ્યો.
Sunday 31 January 2016
Posted by Harsh Meswania
Tag :

યુવાધનથી છલકતા દેશની કમનસીબી : યુવાનોના આપઘાતમાં ભારત નંબર વન

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હૈદરાબાદ યુનિ.ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એ કિસ્સાથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજકારણ ભળ્યું એટલે દેશભરમાં દિવસો સુધી એ મુદ્દો ચર્ચાયો, નહીંતર દેશમાં દરરોજ ૨૦૦ યુવાનો જીવન ટૂંકાવી નાખે છે અને કોઈના પેટનું પાણી ય નથી હાલતું 

ડબલ્યુએચઓના અહેવાલમાં દાવો કરાયો હતો કે ભારત આપઘાતની બાબતે પહેલા નંબરે છે, યુવાનોની આત્મહત્યાના મુદ્દે ય કમનસીબે ભારત પહેલા નંબરે છે. ખુદ સરકારી આંકડા કહે છે કે દેશમાં વર્ષે ૯૮ હજાર યુવાનો આપઘાત કરે છે!

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી એ વાતે ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોએ જેવી અને જેટલી તક મળી એટલી ઝડપી લીધી છે. સામ સામા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં આખી ય ઘટનાને બરાબર રાજકીય રંગ લાગી ગયો છે, એટલે દિવસો સુધી તેની ચર્ચા ય પૂરજોશમાં ચાલી. જ્ઞાાતિ આધારિત રાજકારણ ખેલવામાં કુશળ આપણા રાજકારણીઓને આ ઘટનામાં ભાવતું મળી ગયું, બાકી જો ક્યારેક આ જ તકવાદી રાજકારણીઓએ આસપાસમાં નજર દોડાવી હોત તો કેટલાય રોહિતો હિજરાઈને મોતને નોતરે છે એ જાણી શકાયું હોત.
આત્મહત્યાનો આ મુદ્દો ચાલતો હશે ત્યાં સુધીના એક સપ્તાહમાં બીજાં ૧૪૦૦-૧૫૦૦ યુવાનોએ આપઘાત કરી લીધો હતો. ના, હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિતે આપઘાત કર્યો એ ઘટનાના વિરોધ કે સમર્થનમાં નહીં, પરંતુ ભારતમાં ચાલતી આપઘાતની રૃટિન ઘટનાના ભાગરૃપે! ડબલ્યુએચઓએ ગયા વર્ષે જાહેર કર્યું હતું એ પ્રમાણે ભારત આપઘાતની બાબતે તો પહેલા નંબરે છે જ છે,  યુવાનોની આત્મહત્યામાં પણ કમનસીબે યુવાધનથી છલકતા ભારતનો પહેલો ક્રમ છે.
ખુદ સરકારી આંકડા જ એ વાત સાબિત કરી આપે છે કે ભારતમાં આપઘાતની સમસ્યા ગંભીર હદે વકરી ચૂકી છે. એમાં પણ ભણેલા-ગણેલા યુવાનો આપઘાત કરીને જીવન ટૂંકાવતા જાય છે એ સંખ્યા ભયજનક રીતે સતત વધી ગઈ છે.
                                                                              ***   
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે વિશ્વમાં વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલા નંબરે છે. મતલબ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે એવું ડબલ્યુએચઓનું કહેવું છે. જોકે, સરકાર આટલો ઊંચો આંકડો હોવાનો ઈન્કાર કરે છે. નેશનલ ક્રાઇમ બ્યૂરો પ્રમાણે છેલ્લા એક દશકામાં એટલે કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૦૪ની તુલનાએ ૨૦૧૪ સુધીમાં આત્મહત્યાનો આંકડો ૧૬ ટકા જેટલો વધી ચૂક્યો છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ કેસ નોંધાયા હતા. સામે આપઘાત ખાળવાના સરકારી-ખાનગી આટ-આટલા પ્રયાસો છતાં ૨૦૧૪માં કેસની સંખ્યા વધીને ૧,૩૧,૬૬૬ સુધી પહોંચી હતી. ભારતના સરકારી આંકડા આપઘાતની દૈનિક એવરેજ ૩૭૫ હોવાનું કહે છે.
ગયા વર્ષે મહારાષ્ટ્રમાં આત્મહત્યાના ૧૬,૩૦૭ કેસ નોંધાયા હતા. આટલી માતબર સંખ્યા સાથે મહારાષ્ટ્રનો દેશમાં પહેલો ક્રમ હતો. આ આપઘાતમાં ખેડૂતોની સંખ્યા ઘણી મોટી હતી. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૬,૧૨૨ કેસ નોંધાયા હતા. ત્રીજા નંબરે ૧૪,૩૧૦ કિસ્સા સાથે પશ્વિમ બંગાળ છે. એ પછી કર્ણાટક અને તેલંગણાનો ક્રમ આવે છે. ભારતમાં સૌથી વધુ આત્મહત્યા આ પાંચ રાજ્યોમાં થાય છે. આ પાંચ રાજ્યો દેશના કુલ આત્મહત્યાના કિસ્સામાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. આ તમામ રાજ્યોમાં આત્મહત્યા સૌથી વધુ થઈ રહી છે અને એમાં છેલ્લા વર્ષોમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે એ આઘાતજનક બાબત છે. તેમાં ૫ ટકાના વાર્ષિક વધારા સાથે આંકડો સતત મોટો થતો જાય છે. મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળમાં જે આત્મહત્યા થાય છે તેમાં ખેડૂતો વધારે સંખ્યામાં છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં આત્મહત્યા કરવામાં વિદ્યાર્થીઓ મોખરે છે.
૨૦૧૪માં દેશના ૨,૪૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધુ હતું. અભ્યાસ પછી નોકરી મેળવવામાં વિલંબ થયો હોય અને કંટાળીને આપઘાત કર્યો હોય એવા દુર્ભાગી લોકો ગયા વર્ષે ૨,૨૦૭ હતાં. કુલ આપઘાતમાંથી બેરોજગારીના કારણે વર્ષે ૭.૫ ટકા યુવાનો આપઘાત કરે છે. બીજી એક આંખ ઉઘાડનારી બાબત એ છે કે ગ્રામ્ય ભારતની તુલનાએ શહેરી ભારતનો આપઘાતનો દર ઘણો ઊંચો છે. ૧૫ મોટા શહેરો મળીને આપઘાતનો અડધોઅડધ હિસ્સો ધરાવે છે. વિદ્યાર્થી ઉપરાંત નોકરીની તલાશમાં હોય એવા કુલ યુવાનો મળીને ગયા વર્ષે જ ૪,૬૧૦ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આ સંખ્યા જ વિદ્યાર્થીઓના આપઘાતની ગંભીરતા બયાઁ કરી આપે છે.
આત્મહત્યા કરનારાની માહિતી એકઠી કર્યા પછી તેના આધારે તારણ કાઢવામાં આવ્યું એ પ્રમાણે આત્મઘાત કરનારા લોકોનો શૈક્ષણિક રેટ દેશના સરેરાશ શિક્ષણ રેટ કરતા ઉજળો હતો. ગ્રેજ્યુએશન કે એનાથી વધુ અભ્યાસ કરનારા ૩ ટકા યુવાનો આત્મહત્યા કરી લે છે. ભણેલા-ગણેલા, જેને સમજાવી શકાય તેમ પણ છે અને એ પોતે સારી-ખરાબ સ્થિતિને બરાબર સમજે છે એ લોકો જ આવું નિરાશાજનક પગલું ભરે ત્યારે આપઘાતનું પ્રમાણ ઓછુ કરવાનું કામ ખૂબ કપરું છે.
આત્મહત્યાને ખાળી શકતા રાજ્યોમાં સૌથી સારો દેખાવ ઉત્તરપ્રદેશનો છે. ઉત્તરપ્રદેશમાં આપઘાતનો દર ૨.૭ ટકા છે. વસતિની દૃષ્ટિએ જોઈએ તો ઉત્તરપ્રદેશનો આ દેખાવ ખૂબ જ સારો કહેવો પડે. આપઘાતની એવરેજ સાધારણ રીતે એક લાખે કેટલી આત્મહત્યા થાય છે એના આધારે નક્કી કરવામાં આવે છે. એ એવરેજમાં વળી બિહારનો દેખાવ સૌથી ઉજળો છે. જે બિહારને વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાને જંગલરાજ કહ્યું હતું એ બિહાર એટલિસ્ટ આપઘાતની બાબતમાં તો જંગલરાજ પુરવાર નથી જ થયું! બિહારમાં ૨૦૧૪માં માત્ર ૭૧૯ આપઘાતના કેસ નોંધાયા હતા. બિહારમાં એક લાખે આપઘાતનું પ્રમાણ બહુ જ ઓછુ છે.
ગુજરાતની સ્થિતિ પેલા પાંચ રાજ્યોની તુલનાએ સારી છે, પણ એટલી સારી ય નથી કે ઉત્તરપ્રદેશ કે બિહારની જેમ સારા દેખાવનો યશ લઈ શકાય. ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. આ આંકડો ગુજરાતને ૮મો નંબર અપાવે છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતનો શેર ૫.૫ ટકા છે!
યુવાનોના આપઘાતની બાબતમાં ભારતની સ્થિતિ ખરેખર ગંભીર છે. ગયા વર્ષે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી લઈને સારી નોકરીના અભાવ સુધીના તમામ કારણો આવી જાય છે. જે ઉંમર વિકસવાની ઉંમર છે, પાંખો પ્રસરાવીને નવા આકાશને આંબવાની ઉંમર છે, નવા નવા ક્ષેત્રોને જાણવા-સમજવાની ઉંમર છે, સારા-ખરાબ માણસોને ચકાસવાની ઉંમર છે એ ઉંમરે ઘોર નિરાશામાં સપડાઈ જઈને આપઘાત કરતા યુવાનોનો આ આંકડો ખબર નહીં કેમ પણ આપણાં માટે હજુ ય આંખ ઉઘાડનારો નથી બન્યો.
જાપાનમાં જેમ વૃદ્ધો વધી રહ્યાં છે અને તેની ચિંતા સરકારને સતાવી રહી છે એવી ચિંતા આપણે ત્યાં અસંખ્ય યુવાનો સાવ નજીવા કારણે જીવન ટૂંકાવી નાખે છે એ મુદ્દે નથી થતી.
ચિંતામાં વધારો કરે એવો આંકડો તો હજુય ઘણો મોટો છે. ૧૮થી ૩૦ વર્ષની વય જૂથ ઉપરાંત થોડા વર્ષો આગળ અને થોડા વર્ષો પાછળ ઉમેરી દઈએ તો સવાલ એ થવો જોઈએ કે આટલો વિરાટ આંકડો દૂર બેઠા બેઠા ડબલ્યુએચઓને દેખાય છે અને આપણી સરકારોને કેમ નહીંં દેખાતો હોય? ૧૫થી ૪૫ વર્ષની વયજૂથના મળીને ૯૮,૨૦૦ લોકો આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી નાખે છે. બેરોજગારી, લગ્નજીવનમાં સમસ્યા, ગંભીર બીમારી, સાસરિયાનો ત્રાસ, પ્રેમમાં નિષ્ફળતા, બિઝનેસમાં નિષ્ફળતા, ગરીબી, આર્થિક સંકળામણ સહિતના બધા જ કારણોનો તેમાં સમાવેશ થઈ જાય છે, તો બીજી તરફ આપઘાત કરનારામાં દેશની આખી આશાસ્પદ જનરેશનનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે!
                                                                                  ***
જીવન સામે હારી જઈને આપઘાત નોતરી દેવાની સમસ્યા માત્ર ભારતમાં જ નથી. બધા દેશોમાં વર્ષે લાખો લોકો નિરાશાના કારણે આપઘાત કરે છે, પણ ભારત એ બધા દેશોમાં સૌથી આગળ છે એ ગંભીર બાબત ગણાવી જોઈએ! આપઘાત માટેનું નિરાશાજનક વાતાવરણ સર્જવા માટે નહીં તો ય એ વાતાવરણને ડામી ન શકવા માટે ય સમાજથી લઈ સરકાર સુધી બધા જ જવાબદાર કહેવાય. વિશ્વમાં આપણે યુવાધનથી ભરપૂર દેશની દુહાઈઓ આપીને વાહવાહી લૂંટીએ છીએ તેની આ કાળી બાજુ નથી તો બીજું શું છે?
આપઘાતનો આંકડો બીજી એક બાબતે પણ દિશાસૂચક છે: ભરજુવાનીમાં આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી લેવાનું પ્રમાણ બહુ જ વધુ છે એટલું જ આપઘાતનું પ્રમાણ ૬૦ વર્ષ પછીની વયજૂથમાં પણ સામે આવ્યું છે. ૪૫થી ૬૦ના વયજૂથમાં ગયા વર્ષે ૩૩ હજાર આપઘાતના બનાવો બન્યા હતાં. આપઘાતથી યુવાધનને ય દૂર નથી રાખી શકાતું અને બીજી તરફ આખી જીંદગીના પરિશ્રમ પછી નિરાંત માણવાની પળ ઝંખતા વડીલોને ય બચાવી નથી શકાતા.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં બનેલા આપઘાતના કિસ્સામાં બન્યું છે એમ આપણે ત્યાં બધે જ ઉકેલ લાવવાને બદલે રાજકીય રંગ ભેળવી દેવાય છે. રાજકારણ કરવામાંથી ફૂરસત મળે તો કદાચ દિવસમાં ચારસોએક જિંદગી બચાવી શકાય, પણ એવી નવરાશ છે કોને?
Sunday 24 January 2016
Posted by Harsh Meswania
Tag :

એક ૧૫ વર્ષના કિશોરે જગતને ઈયરમફની ભેટ આપી

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
૧૭મી જાન્યુઆરી એટલે 'કિડ ઈન્વેન્ટર ડે'. કેટલીય મહત્ત્વપૂર્ણ શોધોની જેમ કાતિલ ઠંડીમાં કાનને રક્ષણ આપતા ઈયરમફની શોધ પણ એક ૧૫ વર્ષના કિશોરે કરી હતી અને પછી પોતાના હોમટાઉનને વિશ્વમાં ઈયરમફના કેપિટલ તરીકે ઓળખાવ્યું હતું.
 

---
યંગસ્ટર્સના પસંદીદા હેડફોન પાછળ પણ ઈયરમફની મૂળ ડિઝાઇન જવાબદાર છે. ગ્રીનવૂડ ઉદ્યોગ સાહસિક તરીકે અમેરિકન ઉદ્યોગજગતમાં સન્માનનીય નામ ગણાય છે

ડિસેમ્બરની કાતિલ ઠંડીના દિવસોમાં અમેરિકાના ફાર્મિંગ્ટન નામના નાનકડા ટાઉનમાં તાપમાન માઇનસ ૧૦-૧૨ ડિગ્રીએ પહોંચી જતું. હાડ ગાળી નાખે એવા શિયાળાના દિવસોમાં ૧૮૫૮માં એક બાળકનો જન્મ થયો, નામ પડયું ચેસ્ટર. ચેસ્ટર ગ્રીનવૂડ, જેમણે કાતિલ શિયાળા માટે જાણીતા ફાર્મિંગ્ટન શહેરને ઠંડી સામે રક્ષણ આપતા સાધનની બનાવટ માટે વિશ્વ વિખ્યાત બનાવી દીધુ.
શરીરને બે-ત્રણ ગરમ કપડાંમાં વીંટળાયેલું રાખીને માંડ ઘરની બહાર નીકળી શકાય એવા શિયાળાના દિવસોમાં ફાર્મિંગ્ટનના સ્થાનિક લોકો કાન વાટે ઠંડી શરીરમાં પેસી ન જાય એ માટે જાત-ભાતના નુસખા કરતા રહેતા. કોઈ માથા ફરતે કપડું વીંટાળીને બહાર નીકળે તો કોઈ વળી રૃના પૂમડાથી રક્ષણ મેળવવાનો કીમિયો અજમાવતા. ઠંડીના કારણે સ્થાનિક લોકોને કાનની ઘણી બીમારીઓ શિયાળામાં થતી. વૃદ્ધો-બાળકોની કાનના દુખાવાની ફરિયાદ પણ ખૂબ વધી જતી.
આવા ઠંડા પ્રદેશમાં રહેતો બાળક ચેસ્ટર અન્ય બાળકોની જેમ આઈસ સ્કેટિંગનો શોખીન હતો. વારંવાર થતી બરફવર્ષાની વચ્ચે બરફમાં સ્કેટિંગ કરવું એ ફાર્મિંગ્ટનનાં બાળકોની મુખ્ય રમત હતી, પણ બરફવર્ષા વચ્ચે ખુલ્લા કાનમાં પેસી જતા ઠંડા પવનના કારણે બાળકોને ઘરમાંથી જ બહાર નીકળવાની રજા ન મળતી. કાન-માથાના ભાગે વજનદાર કપડાં લપેટીને જવાની છૂટ તો મળતી પણ માથા પરનો ભાર સ્કેટિંગની મજા મારી નાખે છે એવી બધાં જ બાળકોની એકસરખી ફરિયાદ રહેતી.
આવી કાતિલ ઠંડીમાં કાન વાટે શરીરમાં પેસી જતી ઠંડીને રોકી શકાય એવું કંઈક હળવું પણ રક્ષણ આપવામાં ઉપયોગી કશુંક મળી જાય તો સ્કેટિંગની મજા પડી જાય એમ બાળક ચેસ્ટર વિચારતો રહેતો. પણ કિશોરાવસ્થામાં પહોંચી ગયેલા ચેસ્ટરને બાળવયે શિયાળામાં કાનને રક્ષણ આપે એવી ટેકનિક વિકસાવવાની વાત વીસરાઈ ગઈ.
શિયાળાની એક સવારે કિશોર વયનો થયેલો ચેસ્ટર અશક્ત અને કાનની બીમારીથી પીડિત દાદી સાથે બહાર ગયો હતો ત્યારે તેને ફરીથી બાળવયે કાનને રક્ષણ આપવાની ટેકનિકનો વિકસાવવાનો વિચાર આવી ગયો. કાનમાં પેસી જતી ઠંડીથી દાદી બીમાર ન પડે એ માટે તેણે કાનના માપનાં બે કપડાંનો ઉપયોગ કરીને માથા ઉપર પટ્ટીથી ટેકો આપીને કશુંક નવું બનાવી શકાય તેમ છે એવો નવતર વિચાર તેના દિમાગમાં ઝબકી ગયો. ઘરે આવીને તેણે દાદીને પોતાનો પ્લાન દોરી બતાવ્યો અને કાપડને એ રીતે સીવી દેવાની દાદીને વિનંતી કરી. વાયરની મદદથી કાનના માપનું લંબગોળ સર્કલ બનાવીને તેની ફરતે તેણે ગરમ કપડું લપેટી દીધું. બંને લંબગોળ સર્કલને જોડતી એક પટ્ટી બનાવી, જે માથાના ઉપરના ભાગને આધાર બનાવીને બંને કાન ઉપર ચપોચપ ગોઠવાઈ જાય. નવતર સંશોધનનું એ પહેલું પગથિયું હતું અને દાયકાઓ સુધી એ નવી બનાવટ ફેશન ટ્રેન્ડ પણ બનવાની હતી.
                                                                                  ***
કાનને રક્ષણ આપનારા એ નવા સાધનને ૧૫ વર્ષના ચેસ્ટર ગ્રીનવૂડે ૧૮૭૩માં બનાવ્યું પછી સ્થાનિક સ્તરે તેની માંગણી ખૂબ વધી ગઈ એટલે આખા પરિવારે એ બનાવવાનું શરૃ કર્યું. ચેસ્ટરે એ એક જ બનાવટથી પોતાના માતા-પિતાની કમાણીની ચિંતા ઘટાડી દીધી. એટલું જ નહીં, આગામી ત્રણ પેઢી સુધી તેમણે કમાણીનો નવો રસ્તો બનાવી દીધો હતો. શરૃઆતમાં તેમણે બાળકોને ધ્યાનમાં રાખીને ઈયરમફ બનાવ્યાં. ધીમે ધીમે મોટી સાઇઝના ઈયરમફની ડિમાન્ડ પણ બહુ થવા લાગી.
વેંચાણ અંદાજ કરતાં અનેકગણું વધી ગયું. સારી કમાણી પણ થવા માંડી. ફાર્મિંગ્ટનમાં ઘણાં પરિવારો ગ્રીનવૂડે બનાવેલા ઇયરમફને આધારે એવા જ ઈયરમફ જાતે બનાવવા લાગ્યાં હતાં. ૧૮૭૭માં ઉંમરના ૧૮ વર્ષના પડાવે પહોંચેલા ગ્રીનવૂડે સમયસૂચકતા વાપરીને એ સાધનની 'ઈયરમફ' નામથી પેટન્ટ રજિસ્ટર કરાવી લીધી. કાનના ઉપરી હિસ્સા માટે કવચનું કામ કરતા આ ઈયરમફ પછી તો વિશ્વભરમાં સ્થાનિક સ્તરે કાન-પટ્ટાથી લઈને ઈયર પ્રોટેક્ટર સહિતના અઢળક નામે ઓળખાય છે. વજનમાં હળવા અને કાનમાં પેસી જતી હવા સામે ઉમદા કામ આપતા ઈયરમફ કોટનથી લઈને ઊન સુધીના કાપડમાં બનવા લાગ્યા, પણ તેની મૂળ બનાવટની તરાહ ગ્રીનવૂડની પેટન્ટ પર જ આધારિત રહી છે.
ડિમાન્ડ પારખીને ચેસ્ટર ગ્રીનવૂડે ૧૮૮૩માં ફેક્ટરી સ્થાપી. સ્થાનિક લોકોને કામે રાખ્યા અને વિભિન્ન સાઇઝ-ડિઝાઇનમાં ઉપલબ્ધ બનેલા ઈયરમફનું મોટા પાયે ઉત્પાદન શરૃ કર્યું. ગ્રીનવૂડની ફાર્મિંગ્ટન સ્થિત ફેક્ટરીમાં વર્ષે ૩૦ હજાર ઈયરમફનું ઉત્પાદન થવા માંડયું. ડિમાન્ડ વધી, ઉત્પાદન વધ્યું એમ નફો વધ્યો અને એમ ગ્રીનવૂડે વૈવિધ્ય પણ આપ્યું. અલગ અલગ મટિરિયલમાંથી તેમણે ઈયરમફ બનાવવાનું શરૃ કર્યું. પછી તો કેપ-સુતરાઉ કાનપટ્ટો અને મફલર ઉપરાંત સ્વેટર્સ સહિતની કેટલીય વસ્તુઓ એ ફેક્ટરીમાં બનવા માંડી. ફાર્મિગ્ટન સ્થિત ચેસ્ટરની એ ફેક્ટરી થોડાં વર્ષોમાં અમેરિકન ઉદ્યોગજગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ.
ગ્રીનવૂડ પાસે ઈયરમફની ધીકતી કમાણી હતી છતાં તેમણે એનાથી સંતોષ માની લેવાને બદલે જીવન જરૃરિયાતની બીજી પણ ઘણી બાબતો પર ઊંડું સંશોધન કરીને ૧૦૦ જેટલી પેટન્ટ પોતાના નામે નોંધાવી. કૃષિમાં કામ આવી શકે એવી કોદાળી અને ખંપાળી જેવાં સાધનોમાં તેમણે ફેરફાર કરીને ખેડૂતોને ઉપયોગમાં સરળ પડે એવી સાઇઝમાં તેની નવી ડિઝાઇન સર્જી, તો બાળપણના શોખ એવા આઈસ સ્કેટિંગને સરળ બનાવવા પણ તેમણે કેટલીક કરામતો કરી.
૧૦૦ જેટલી પેટન્ટ અને આવડા મોટા ઉદ્યોગ સાહસિક બન્યા પછી પણ તેમને મળેલા સન્માન પાછળ તો કિશોર વયે થયેલી શોધ ઈયરમફ જ જવાબદાર છે. બાળવયે ક્રાંતિકારક સંશોધનોની વાત થતી હોય ત્યારે ચેસ્ટર ગ્રીનવૂડનું નામ આગળ પડતું મુકાય છે. હવે આ ઈયરમફનો બિઝનેસ તેમના પ્રપૌત્રોના હાથમાં છે અને અમેરિકાના શક્તિશાળી બિઝનેસફેમિલીમાં તેમને શુમાર કરવામાં આવે છે.
૧૯૩૭માં ૭૯ વર્ષે ચેસ્ટરનું નિધન થયું ત્યાં સુધીમાં ફાર્મિંગ્ટનની તેમની ફેક્ટરીમાંથી લાખોની સંખ્યામાં ઈયરમફનું ઉત્પાદન થઈ ચૂક્યું હતું. આટલા માતબર ઉત્પાદનને કારણે જ ફાર્મિંગ્ટનને એ જમાનામાં ઈયરમફ કેપિટલ તરીકે ઓળખવામાં આવતું હતું. આજેય અમેરિકામાં ફાર્મિંગ્ટન નામ પડે એટલે બીજી જ પળે ઈયરમફનું નામ આવ્યા વગર નથી રહેતું!
ચેસ્ટરના નિધનની પોણી સદી પછી ય ફાર્મિંગ્સનમાં દર વર્ષે ૨૧મી ડિસેમ્બરે ચેસ્ટર ગ્રીનવૂડ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શહેરને વૈશ્વિક ઓળખ આપનારા ચેસ્ટરના સન્માનમાં ડિસેમ્બરના પહેલા શનિવારે પરેડ થાય છે અને વિશાળ ઈયરમફ બનાવીને તેનું પ્રદર્શન કરાય છે. જ્યાં તેમનો જન્મ થયો હતો એ ઘરને અમેરિકી સરકારે દેશની ઐતિહાસિક વિરાસતના લિસ્ટમાં સામેલ કર્યું છે.
સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂટ દ્વારા જાહેર થયેલા ૧૯મી સદીના ૧૫ ઉત્કૃષ્ટ શોધકોમાં તેમને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો હતો.
                                                                              ***
ઈયરમફની પેટન્ટ પછી તો ઠંડીથી કાનનું રક્ષણ કરતાં બીજાં ઘણાં સાધનો આવતાં ગયાં, પણ ૧૯મી સદીમાં શોધાયેલા ઈયરમફની ડિમાન્ડ ૨૧મી સદીમાં ઓર વધી ગઈ. ઈયરમફની ડિઝાઇન હવે બીજા સ્વરૃપે ફેશનટ્રેન્ડ ગણાય છે. ઠંડીની અસર ઓછી કરવા ઉપરાંત બીજું એક કામ જોડાયું છે - મ્યૂઝિકનું. સંગીતનો આનંદ માણવા માટે યંગસ્ટર્સની પસંદ બનેલા હેડફોનની બનાવટનો મૂળ આધાર ઈયરમફની ડિઝાઇન પર છે. ઈયરમફની પેટન્ટ પરથી જ હેડફોનનું નિર્માણ થયું છે.
ઈયરમફની શોધને દોઢ સદી જેટલો સમય વીત્યો છે. એ દોઢ સદીમાં કંઈ કેટલુંય બદલાયું છે. ઠંડી સામે રક્ષણ આપતાં કેટલાય ફેશનેબલ સાધનો ઉપલબ્ધ બન્યાં છે, પણ ૧૫ વર્ષની કિશોરાવસ્થામાં ગ્રીનવૂડે કરેલી ઈયરમફની મૂળ ડિઝાઇન થોડાઘણાં ફેરફારો સાથે આપણી સમક્ષ હાજર છે અને તેની હાજરી જ ચેસ્ટર ગ્રીનવૂડની યાદ પણ તાજી કરાવતી રહેશે.



Sunday 17 January 2016
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -