Archive for September 2012

વિશ્વને લેપટોપની ભેટ આપનાર વિલિયમ મોગ્રીજ




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

જગતના સૌ પ્રથમ લેપટોપની ડિઝાઈન બનાવીને દુનિયાને બ્રિફકેસમાં સમાવી દેનારા ડિઝાઈનર વિલિયમ મોગ્રીજ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને ગત સપ્તાહે ૬૯ વર્ષની વયે તેમનું નિધન થયું. તેઓ દુનિયાના ગણનાપાત્ર પ્રોડક્ટ ડિઝાઈનર્સની પેનલમાં સ્થાન મેળવતા હતા. સૌ પ્રથમ લેપટોપ ડિઝાઈન કરવા સિવાય પણ ડિઝાઈનિંગ ક્ષેત્રે તેમનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે

સેલફોનની જેમ હવે લેપટોપ પણ આપણા માટે મહત્ત્વનો હિસ્સો બની ગયું છે, પણ ડેસ્કટોપમાંથી લેપટોપની જરૂરિયાત કઈ રીતે પડી હશે અને લેપટોપ બનાવવાનું કામ ડિઝાઈનરે કઈ રીતે પાર પાડયું હશે? એવું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. ૧૯૮૦ આસપાસના સમયગાળામાં વિશ્વ ટેક્નોસેવી બનવા લાગ્યું હતું. દરેક ક્ષેત્રોમાં સ્પર્ધાની શરૂઆત થઈ હતી. વળી, ટેકનોલોજીમાં નવીનતા લાવવા માટે હોડ જામવા લાગી હતી. આ સ્થિતિમાં કમ્પ્યુટર વગર કામ કરવું મુશ્કેલ હતું અને એમાંય એક જગ્યાએથી ખસેડી ન શકાય એવાં કમ્પ્યુટર ઉપકરણને બદલે સરળતાથી ખસેડી શકાતાં હોય એવાં અને પ્રવાસ દરમિયાન પણ કામ કરી શકવામાં મદદરૂપ બને એવાં કમ્પ્યુટર ઉપકરણની જરૂર પડવા લાગી હતી. આ માટે જરૂરી એવા ઈજનેરી અને ડિઝાઈનિંગને લગતા પ્રયાસો દુનિયાભરમાં શરૂ થયા હતા. આ પ્રયાસોના ભાગરૂપેનો જ એક પ્રયાસ બ્રિટનના ડિઝાઈનર વિલિયમ મોગ્રીજે અમેરિકામાં કર્યો અને પછીથી તેમની ડિઝાઈનને સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી. તેમની ડિઝાઈનની વાત કરતા પહેલાં થોડી વાત વિલિયમ મોગ્રીજની.

વિલિયમ મોગ્રીજ 'ઈન્ટરેક્શન' પ્રોડક્ટના ડિઝાઈનર
બિલના હુલામણા નામથી જગતભરમાં જાણીતા બનેલા વિલિયમ મોગ્રીજને ડિઝાઈનિંગની કળા વારસામાં મળી હતી એમ કહેવામાં કશું ખોટું નથી, કેમ કે બિલનાં માતાની ગણના તે સમયે લંડનનાં જાણીતાં આર્િટસ્ટમાં થતી હતી. ૧૯૪૩માં લંડનમાં જન્મેલા બિલ મોગ્રીજે ૧૯૬૫માં લંડનની સેન્ટ માર્ટિન કોલેજમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનનો અભ્યાસ કર્યો અને પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં વધુ તકો અમેરિકામાં હોવાથી તેમણે અમેરિકાની વાટ પકડી. ચારેક વર્ષ અમેરિકામાં આ કામનો અનુભવ મેળવ્યા પછી ૧૯૬૯માં લંડન આવીને ટાઈપોગ્રાફીનો અભ્યાસ કરવાની સાથે પોતાના ઘરના ઉપરના ભાગે જ 'મોગ્રીજ એસોસિએટ' નામની પ્રોડક્ટ ડિઝાઈન કંપની બનાવીને લંડનમાં કામ શરૂ કર્યું. તેમણે ૧૯૭૨માં કમ્પ્યુટર ટેકનોલોજી લિમિટેડ માટે એક મિની કમ્પ્યુટરનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડયો અને આ રીતે તેમણે કમ્પ્યુટરને ડિઝાઈન કરવાના કામનો પ્રારંભિક અનુભવ કર્યો. દસેક વર્ષ સુધી લંડનમાં કામ કર્યા પછી તેઓ ફરીથી અમેરિકા ગયા અને ૧૯૭૯માં 'આઈડી ટૂ' નામની કંપની બનાવી. એ જ વર્ષે તેને અમેરિકન કંપનીનો મિની કમ્પ્યુટર બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો. આ પ્રોજેક્ટથી તેઓ વિશ્વભરમાં જાણીતા થઈ ગયા. પછીથી લેપટોપનું ઉત્પાદન કરનારી દુનિયાભરની કંપનીઓએ મિની કમ્પ્યુટરની તેમની ડિઝાઈનનું આજ સુધી અનુકરણ કર્યું છે. આ મિની કમ્પ્યુટરને પછીથી લેપટોપ એવા નામે ઓળખાણ મળી.

મોગ્રીજને કોણે અને કઈ રીતે આપ્યો પ્રથમ લેપટોપનો પ્રોજેક્ટ?
કેલિફોર્નિયામાં બિલ મોગ્રીજનો ભેટો ગ્રીડ સિસ્ટમ્સ નામની કંપનીના માલિક જ્હોન એલેન્બી સાથે થયો. આ અંગે એક મુલાકાતમાં મોગ્રીજના જણાવવા પ્રમાણે જ્હોનની કંપની સરકારી અધિકારીઓને કમ્પ્યુટર પૂરાં પાડવાનું કામ કરતી હતી. વ્હાઈટ હાઉસના અધિકારીઓ હવે જ્હોન પાસે બ્રિફકેસમાં સમાઈ શકે એવી કમ્પ્યુટર સિસ્ટમ આપવાનો આગ્રહ રાખવા લાગ્યા હતા. આ માટે જ્હોન એક આવો પ્રોજેક્ટ પાર પાડી શકે એવા ડિઝાઈનરની તલાશમાં હતા અને એમાં એની મુલાકાત બિલ મોગ્રીજ સાથે થઈ. મોગ્રીજે આ કામ કરવાની તૈયારી બતાવી. જ્હોને મોગ્રીજને મિની કમ્પ્યુટર બનાવવા પ્રોત્સાહન પૂરું પાડયું અને પ્રોજેક્ટ આગળ વધ્યો. જ્હોનની પ્રથમ શરત એ હતી કે મિની કમ્પ્યુટર એક બ્રિફકેસમાં સમાઈ શકે એવડું હોવું જોઈએ. આ શરત સ્વીકારીને બાકીનું કામ બિલે ઉપાડી લીધું. પરિણામ સ્વરૂપ ૧૯૮૧માં દુનિયા સામે પ્રથમ લેપટોપ તૈયાર થઈ ગયું હતું.

કેવું હતું પ્રથમ લેપટોપ?
બિલે શરત પાળી બતાવી અને એક બ્રિફકેસમાં મૂકી શકાય એવડા આકારનું લેપટોપ બનાવી દીધું. આ લેપટોપની કિંમત ૮,૧૫૦ ડોલર એટલે કે આશરે સાડા ચાર લાખ રૂપિયા હતી. કમ્પ્યુટરનું નામ 'ગ્રીડ કંપાસ' રાખવામાં આવ્યું હતું. આ કમ્પ્યુટરની ખાસિયત એ હતી કે તેની ૬ ઈંચ લંબાઈ ધરાવતી સ્ક્રીન કી બોર્ડ સુધી વળી શકતી હતી અને બ્રિફકેસની જેમ જ આ લેપટોપને ખોલી-બંધ કરી શકાતું હતું. આ અગાઉ આવેલાં મિની કમ્પ્યુટર્સની સ્ક્રીન કરતાં આ લેપટોપની સ્ક્રીન વધારે ફ્લેટ હોવાથી કામ કરવામાં વધુ સરળતા રહેતી હતી. એ રીતે આ ગ્રીડ કંપાસને આજના લેપટોપ્સનું ઓલ્ડ વર્ઝન કહી શકાય. આ લેપટોપમાં ૩૮૪ કિલોબાઈટ જેટલો ડેટા સંગ્રહ કરી શકાતો હતો. ૧૯૮૩ સુધીમાં તો ઘણી બધી કમ્પ્યુટર ઉત્પાદન કરતી કંપનીઓ આ ડિઝાઈનને ધ્યાનમાં રાખીને લેપટોપ બનાવવા લાગી હતી. જોકે, વધારે પડતી વેચાણકિંમત હોવાથી ગ્રીડ કંપાસ મોડેલનાં લેપટોપ દરેક યુઝર્સને પરવડે તેમ ન હતાં.

લેપટોપની શરૂઆતી સફળતા
ગ્રીડ કમ્પ્યુટરની આ સફળતાને વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી માન્યતા મળી રહી હતી. શરૂઆતમાં અમેરિકાની સરકારી કચેરીઓ માટે ગ્રીડ કમ્પ્યુટરને આવાં લેપટોપ પૂરાં પાડવાનો ઓર્ડર મળ્યો હતો. ત્યાર પછી અમેરિકાના લશ્કરી અધિકારીઓમાં આ નવા લેપટોપે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. એ જ રીતે વૈજ્ઞાનિક સંશોધનો કરતી સંસ્થાઓએ પણ લેપટોપ વાપરવાનું શરૂ કર્યું હતું. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે સરળતાથી હેરવી ફેરવી શકાતા આ કમ્પ્યુટરનો ઓર્ડર કર્યો. ૧૯૮૫માં નાસાએ તેના 'ડિસ્કવરી' નામના અંતરિક્ષ યાનમાં આ મોડેલના લેપટોપનો ઉપયોગ કર્યો હતો.

જોકે, ૧૯૮૦ પછીના સમયગાળામાં બીજી ઘણી કંપનીઓએ લેપટોપ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. ગ્રીડ કમ્પ્યુટરની પ્રતિસ્પર્ધી ઓસ્ટ્રેલિયન કંપની ડલ્મોટ મેગ્નમે જ્હોન બૈર નામના ડિઝાઈનર પાસે લેપટોપની ડિઝાઈન તૈયાર કરાવી હતી. વેચાણ કિંમત અને થોડી અન્ય પ્રાથમિક સવલતોની દૃષ્ટિએ આ લેપટોપ ગ્રીડ કંપાસ કરતાં ચડિયાતું હતું. ત્યાર પછી ટેન્ડી મોડેલ, શાર્પ એન્ડ ગેલ્વિન, ક્યોટ્રોનિક, કોમોડોર, કેયપ્રો સહિતની મહત્ત્વની કંપનીઓએ એ સમયે લેપટોપનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. ત્યાર બાદ તો ટેક્નોલોજીમાં ધરખમ ફેરફારો આવતા ગયા તેમ તેમ વધુ ને વધુ સારી સવલતો આપવાની હોડ જામી. દરેક કંપની પોતાના પ્રોડક્શનમાં કંઈક નવું આપવા લાગી જેના પરિણામ સ્વરૂપે આજે અસંખ્ય જાતનાં લેપટોપ્સની શૃંખલામાંથી આપણે આપણી પસંદગીની ડિઝાઈન અને રેન્જ સરળતાથી મેળવી શકીએ છીએ. આજે હવે ડેસ્કટોપને ગણતરીમાં ન લઈએ તો પણ માત્ર લેપટોપનું ઉત્પાદન પણ વિશ્વમાં આગવો બિઝનેસ બનીને છેલ્લા બે દશકાઓમાં ઉભરી આવ્યો છે.

ડિઝાઈનિંગ ક્ષેત્રે આગવી ડિઝાઈન પાડતું મોગ્રીજનું ડિઝાઈનિંગ કામ

* વિલિયમ મોગ્રીજને બ્રિટને પ્રિન્સ ફિલિપ ડિઝાઈનર પ્રાઈઝ આપ્યું છે.

* વિલિયમ મોગ્રીજે ડિઝાઈનર માઈક નટ્ટાલી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોડક્ટ ડિઝાઈનર તરીકે સેવા આપતા ડેવિડ કેલી સાથે મળીને ૧૯૯૧માં 'આઈડીયો' નામની કંપની સ્થાપી હતી.

* ૨૦૧૦માં ન્યૂ યોર્કના કોપર હેવિટ નેશનલ ડિઝાઈન મ્યુઝિયમના ડિરેક્ટર તરીકે વિલિયમ મોગ્રીજની પસંદગી કરવામાં આવી હતી. મ્યુઝિયમ ડિઝાઈનિંગનો અનુભવ ન હોવા છતાં આ મ્યુઝિયમના ડિરેક્ટર બનનારા તેઓ પ્રથમ ડિઝાઈનર હતા.

* વિલિયમ મોગ્રીજનું પ્રોડક્ટ ડિઝાઈનિંગ ક્ષેત્રનું શિક્ષણ આપવામાં પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોડક્ટ ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટમાં વિઝિટર પ્રોફેસર હતા. આ સિવાય ડી સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા હતા. તેઓ લંડનની રોયલ કોલેજ ઓફ આર્ટ્સમાં વિઝિટર પ્રોફેસર હતા.

* ૨૦૦૯માં વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમમાં વિલિયમ મોગ્રીજનું ડિઝાઈનિંગનો અમેરિકાનો સર્વોચ્ચ પુરસ્કાર લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરીને તેમનું સન્માન કરાયું હતું.
Wednesday 26 September 2012
Posted by Harsh Meswania

વિશ્વમાં ૭૮ કરોડ લોકો અભણ છે!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

દર વર્ષે ૮મી સપ્ટેમ્બરે યુનેસ્કો દ્વારા વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન સાક્ષરતા દરમાં થયેલા ફેરફારનો રિપોર્ટ રજૂ થાય છે અને આગામી આયોજનો માટે જરૂરી રૂપરેખા તૈયાર થાય છે. ચાલુ વર્ષે પણ યુનેસ્કોએ સાક્ષરતા રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ નિરાશાજનક એટલા માટે છે કે એમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટવાને બદલે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) ૧૯૬૫થી વિશ્વમાં સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે ખાસ પ્રયાસો કરે છે. પાંચ દશકા પહેલાં વિશ્વમાં લગભગ ૪૦ ટકા જેટલા લોકો સાક્ષર ન હતા. ૧૯૬૦ આસપાસ વિશ્વની કુલ વસ્તી આજની તુલનાએ અડધા કરતાં થોડી ઓછી એટલે કે આશરે ૩૦૦ કરોડ હતી ત્યારે અસાક્ષર લોકોની સંખ્યા લગભગ ૧૨૦ કરોડ હતી. આ પ્રમાણ ઘટે તે માટે યુનેસ્કોએ પહેલ કરી અને ગરીબ દેશોમાં પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેનું આયોજન હાથ ધર્યું હતું તેમ છતાં આજે પાંચ દાયકા પછી પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું ખુદ યુનેસ્કોનો રિપોર્ટ કહે છે. વળી આટલા પ્રયાસો છતાં વિશ્વભરમાં ૨૦૧૦ની તુલનાએ નિરક્ષરતાનું પ્રમાણ વધ્યું છે અને ખરી ચિંતાજનક વાત પણ એ જ છે.
શું છે યુનેસ્કોના રિપોર્ટમાં?
વિશ્વના કુલ જીડીપીના ૪.૪ ટકા ફંડ શિક્ષણ પાછળ ખર્ચ થાય છે. વિવિધ દેશોની સરકારો દ્વારા શિક્ષણ પાછળ ૨,૪૬૦૦૦ ડોલર ઉપરાંતની રકમ વાપરવામાં આવે છે છતાં યુનેસ્કોના ૨૦૧૨ના રિપોર્ટ પ્રમાણે અત્યારે વિશ્વની કુલ વસ્તીના ૭૮ કરોડ લોકો એવા છે કે જેને વાંચતા કે લખતા નથી આવડતું એટલે કે સાવ જ અભણ છે. ૨૦૧૦ના યુનેસ્કોના રિપોર્ટ મુજબ બે વર્ષ પહેલાં આ આંકડો ૭૩ કરોડ હતો. એટલે કે માત્ર બે જ વર્ષમાં પાંચ કરોડ નવા અસાક્ષર લોકોનો ઉમેરો થયો છે. ૭૮ કરોડમાંથી ૧૨.૫ કરોડ કિશોર-કિશોરીઓ છે જે અસાક્ષર છે. કુલ અસાક્ષર લોકોમાં સૌથી મોટી સંખ્યા મહિલાઓની છે. કુલ અભણ લોકોમાં ૭૦ ટકા મહિલાઓ છે. માત્ર ૧૯ દેશ એવા છે જ્યાં મહિલાઓનો સાક્ષરતા દર પુરુષોથી ઊંચો છે. બાકીના લગભગ દેશોમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર પુરુષોની તુલનાએ નીચો રહ્યો છે. બાંગ્લાદેશ, નાઈઝિરિયા, ઈથોપિયા જેવા દેશોમાં અસાક્ષર લોકોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યાનું યુનેસ્કોના ધ્યાનમાં આવ્યું છે. બે વર્ષમાં નિરક્ષરોની સંખ્યા ઘટે નહીં તો કમસેકમ જે હોય એટલી રહે તો આગામી વર્ષોમાં આ આંકડો ઘટે એવી શક્યતા બાંધી શકાય, પણ અહીં તો ઊલટું થયું છે એટલે યુનેસ્કોએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને આ પાછળનું કારણ પણ આપ્યું છે.
નિરક્ષરતાનું પ્રમાણ વધવાનું કારણ
યુનેસ્કોના મતે અસાક્ષરતાને ગરીબી સાથે તો સંબંધ છે જ, પણ સાક્ષરતા આડે આવતું સૌથી મોટું પરિબળ વિશ્વભરમાં થતાં રહેતાં યુદ્ધો છે. વિશ્વમાં ક્યાંક ને ક્યાંક સતત યુદ્ધો થતાં રહે છે અને એ પાછળ ફંડ વપરાઈ જતું હોવાથી શિક્ષણના ભાગે ઓછું ફંડ આવે છે, પરિણામે નિરક્ષરતાનું પ્રમાણ ઘટવાને બદલે વધી જાય છે. ગરીબ દેશો એજ્યુકેશન પાછળ પૂરતાં નાણાં વાપરી શકતા નથી અને યુનેસ્કોની પોતાની મર્યાદાઓ પણ છે એટલે સતત પ્રયત્નો કરવા છતાં ધાર્યું પરિણામ મળી શકતું નથી.
ભારતની સ્થિતિઃ નોટ બેડ, નોટ ગૂડ!
આઝાદી વખતે ભારતની શૈક્ષણિક સ્થિતિ અતિ ગંભીર હતી. ૧૯૪૭માં કુલ વસ્તીના માત્ર ૧૨ ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા. આટલાં વર્ષોમાં આ આંકડો ૭૪ ટકાએ પહોંચ્યો છે. એટલે કે ૧૨૦ કરોડ આસપાસની વસ્તીમાંથી ૯૦ કરોડ લોકો વાંચી-લખી શકે છે. છતાં આજેય દેશમાં ૩૦ કરોડ ઉપરાંત લોકો એવા છે જે અક્ષરજ્ઞાન ધરાવતા નથી. આ આંકડો ખૂબ મોટો કહી શકાય, કેમ કે યુનેસ્કોના લિટરસી રેંકમાં આપણો ક્રમાંક છેક ૧૩૯મો છે. યુગાન્ડા, ઘાના, ટાન્ઝાનિયા જેવા દેશોની આસપાસ આપણો નંબર આવતો હોય એ એટલી સારી વાત તો ન જ કહેવાય. આપણા પડોશી દેશ ચીનનો ક્રમાંક ૬૯મો છે અને ત્યાં ૯૫ ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક સાથે આટલા બધા અસાક્ષર લોકો રહે છે. કુલ ૭૮ કરોડ નિરક્ષર લોકોમાંથી ૪૦ ટકા જેટલાં માથાં તો એકલા ભારતનાં જ છે! ૫૨,૦૫૭ કરોડ રૂપિયાનું માતબર બજેટ આપણો દેશ એજ્યુકેશન પાછળ વાપરે છે
છતાં એજ્યુકેશન ક્ષેત્રના નિષ્ણાતોના મતે ભારતમાં સાક્ષરતાનો ઉચ્ચ રેંક મેળવવા પાછળનો મુખ્ય અવરોધ પૂરતી શૈક્ષણિક સવલતોનો અભાવ છે. માળખાગત સુવિધાઓ અને શૈક્ષણિક સ્ટાફના અભાવના કારણે ભારત ધારેલો શૈક્ષણિક વિકાસ કરી શકવામાં નિષ્ફળ રહે છે. પબ્લિક રિપોર્ટ ઓન બેઝિક એજ્યુકેશન(પ્રોબ)ની ટીમના એક અભ્યાસ પ્રમાણે ભારતની ૪૪ ટકા શાળાઓમાં પીવાના પાણીની સુવિધા અવ્યવસ્થિત છે અને ૭૦ ટકા શાળાઓમાં ટોઇલેટ-બાથરૂમની સવલત જ નથી. વળી ભારતમાં અપૂરતા શૈક્ષણિક સ્ટાફમાંથી પણ ૨૫ ટકા શિક્ષકો તો પ્રતિદિન ગેરહાજર હોય છે. આ બધાં કારણસર ભારતનાં ૪૦ ટકા બાળકો માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવીને આગળનો અભ્યાસ અધૂરો મૂકી દે છે. યુવાનો અને બાળકોના શૈક્ષણિક રેટની વાત કરવાની હોય તો એશિયામાં ૯૯ ટકા સાથે ચીન સૌથી આગળ પડતું સ્થાન ધરાવે છે. ભારત ૮૪ ટકા સાથે શ્રીલંકા, ઈરાન અને મ્યાનમાર પછીના ક્રમે રહે છે. જો આ ગતિએ આપણા દેશનો સાક્ષરતા રેટ વધશે તો છેક ૨૦૬૦માં દેશ પૂરો સાક્ષર થયાનું માન મેળવી શકશે!
એજ્યુકેશન રેટમાં અગ્રેસર રહેલા પાંચ દેશો
દેશ
લિટરસી રેંક
ક્યૂબા
૯૯.૯
ઈસ્ટોનિયા
૯૯.૮
લાતવિયા
૯૯.૮
દક્ષિણ કોરિયા
૯૯.૮
બાર્બાડોસ
૯૯.૭
એજ્યુકેશન રેટમાં ડાઉન રહેલા પાંચ દેશો
દેશ
લિટરસી રેંક
રિપબ્લિક ઓફ માલી
૨૬.૨
દક્ષિણ સુદાન
૨૭
ઈથોપિયા
૨૮
નાઈઝિરિયા
૨૮.૭
ર્બિકના ફાસો
૨૮.૭
એક નજર ઇધર ભી...
* ભારતમાં ૧૦૦માંથી ૮૨ પુરુષો અક્ષરજ્ઞાન ધરાવે છે જ્યારે તેની તુલનાએ ૧૦૦માંથી ૬૫ મહિલાઓ જ વાંચી લખી શકે છે.
* આજે વિશ્વમાં ૨૩ કરોડ એવાં બાળકો છે જેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે અને આગળ અભ્યાસ કરવાનું છોડી દીધું છે.
* અભ્યાસ અધૂરો છોડનારાં પૈકી ૪૦ ટકા બાળકોનાં માતા-પિતા પાસે અથવા તો બાળકને ભણાવવા માટે પૂરતા પૈસા નથી હોતા અથવા તો બાળકોના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હોય છે કે પરિવારને આર્થિક મદદ કરવા માટે બાળક નાની વયે જ મજૂરી કરવા લાગે છે.
* ૬૦ ટકા છોકરીઓને એટલા માટે ઉચ્ચ અભ્યાસ અધૂરો મૂકવો પડે છે કે તેના પરિવાર પાસે બધાં જ બાળકોને આગળનો અભ્યાસ કરાવી શકવા જેટલું ફંડ નથી હોતું. ભાઈઓના અભ્યાસનો માર્ગ મોકળો કરવા બહેનો પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દે છે.
* મોટાભાગના વિકાસશીલ દેશોમાં પ્રાથમિક શિક્ષણ નિઃશુલ્ક ન હોવાથી પાઠયપુસ્તકોથી લઈને અભ્યાસનો તમામ ખર્ચ બાળકોના પરિવારના શિરે હોય છે.
* ૭૦ ટકા બાળકોના ઉચ્ચ અભ્યાસમાં શાળાની કે કોલેજની ફી મુખ્ય કારણભૂત પરિબળ હોય છે.

Wednesday 19 September 2012
Posted by Harsh Meswania

નામ એનો નાશ, નાશ હોય કે ન હોય નામ બદલાય તો છે જ!


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

ચીને પોતાના દેશના પાંચ વૈજ્ઞાનિકોનાં નામ પરથી નવા શોધાયેલા પાંચ ગ્રહોનાં નામ રાખવાની દરખાસ્ત કરી છે. તો વળી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે લખનૌની એક યુનિવર્સિટીનું નામ બદલવાનો નિર્ણય કર્યો એટલે વિવાદ પણ ઊભો થયો. આપણે અહીં ભારત ઉપરાંત વિશ્વભરમાં બદલાતા રહેતાં નામો અંગે તેમજ નવા શોધાતા ગ્રહોનું નામકરણ કઈ રીતે થાય છે તે જાણીએ.

આપણે ત્યાં અવારનવાર કોઈ સંસ્થાઓનાં કે શહેરોનાં નામો બદલવાની માંગણી થતી રહે છે. અમુક નામો સરકાર કે રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે બદલે છે તો અમુક લોકલાગણીને ધ્યાનમાં રાખીને બદલવામાં આવે છે. બોમ્બેનું નામ મુંબઈ કરવા માટે ખાસ્સા સમય સુધી સતત માંગણી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ તો આ મામલે ખૂબ જ બદનામ થયું છે. માયાવતીએ અલગ અલગ સંસ્થાઓનાં નામો તેમના કાર્યકાળ દરમિયાન બદલ્યાં હતાં. એ જ સિલસિલાને અખિલેશ યાદવ પણ આગળ ધપાવી રહ્યા છે. અખિલેશ યાદવે હમણાં લખનૌની ઉર્દુ-અરબી-ફારસી યુનિવર્સિટી કે જે બસપાના કાંશીરામના નામે હતી તેનું નામ બદલીને પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના નામે કરવાનો નિર્ણય લીધો છે. જોકે, એની શરૂઆત માયાવતીએ જ કરી હતી. માયાવતીએ ફૈઝાબાદનું વિભાજન કર્યું ત્યારે મોટાભાગના લોકોની માંગણી હતી કે તેનું નામ સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાના નામ પરથી લોહિયા નગર કરવામાં આવે પણ માયાવતીએ એ જિલ્લાનું નામ આંબેડકર નગર પાડયું હતું એટલે ત્યારે પણ વિવાદનો જન્મ થયો હતો.

નામ કેમ બદલવાં પડે છે?
વિશ્વમાં ઘણાં દેશોએ તેમના શહેરોનાં નામો બદલ્યાં છે. અમુક વખત તો શહેરનું નહીં પણ આખે આખા દેશનું નામ બદલી નાખવામાં આવ્યું છે. નામ બદલવા પાછળનો હેતુ સામાન્ય રીતે જે તે દેશની, શહેરની કે સંસ્થાની ઓળખ વધુ મજબૂત કરવાનો હોય છે. જેમ કે, ટાન્ગાનિકા અને ઝાંઝીબાર નામના બે દેશો મળીને એક દેશ થયો એટલે તેનું સંયુક્ત નામ ટાન્ઝાનિયા કરવામાં આવ્યું હતું. એ જ રીતે કોઈ જિલ્લામાં કે તાલુકામાં કોઈ જે તે પ્રાંતની મહાન વ્યક્તિનો જન્મ થયો હોય તો એની યાદમાં જે તે જગ્યાનું નામકરણ એ પ્રમાણે કરવામાં આવે છે. અથવા તો કોઈ મહાન ઘટના બની હોય તો એ ઘટનાની સ્મૃતિરૂપે નામકરણ કરવામાં આવે છે. ભારતમાં જ વારંવાર નામ બદલાય છે એવું નથી. દુનિયાભરમાં જુદા જુદા દેશોનાં અને સ્થળોનાં નામમાં ફેરફારો કરવામાં આવ્યા છે.

દુનિયાભરમાં થયા છે ફેરફારો
દુનિયાના ઘણાં દેશોએ નામમાં તબદીલી કરવાનું પસંદ કર્યું છે. જેમ કે, આફ્રિકન દેશ એબનિસિયાએ પોતાનું પ્રાચીન નામ બદલીને ઈથિયોપિયા રાખ્યું છે. એશિયન દેશ બર્માએ ૧૯૮૯માં મ્યાનમાર નામને સત્તાવાર કર્યું છે. એ પહેલાં સિલોને ૧૯૭૨માં શ્રીલંકા નામ પર પસંદગી ઉતારી હતી. રોમન સમ્રાટ કોન્સટેન્ટિનના નામ પરથી કોન્સટેનટિનોપલ નામ પડયા પછી તૂર્કોએ આ શહેર પર કબ્જો કર્યો એટલે તેનું નામ ઈસ્તંબૂલ પાડયું. જોકે, વર્ષો સુધી જગતમાં આ શહેરને કોન્સ્ટેનટિનોપલ તરીકે જ ઓળખવામાં આવતું હતું. છેક ૧૯૩૦માં તેને સત્તાવાર નામ ઈસ્તંબૂલ આપવામાં આવ્યું હતું. ચીને લોકલાગણીને ધ્યાનમાં રાખીને પેકિંગ શહેરને બીજિંગ નામ આપ્યું છે. એક સમયે ર્પિસયા રાજ્ય તરીકે વિશ્વભરમાં ઓળખાતા દેશને આજે હવે આપણે ઈરાન કહીએ છીએ. સમયાંતરે આ જ રીતે રહોડેશિયાનું ઝિમ્બાબ્વે, સિયામનું થાઈલેન્ડ અને અન્ગોરાનું અંકોરા નામ થયું છે.

ભારતમાં થયેલાં પુનઃનામકરણ!
ભારતનાં મહત્ત્વનાં શહેરોનાં નામ પણ નજીકના ભૂતકાળમાં બદલાયાં છે. ઇતિહાસકારોના મતે ભારતના પાટનગર દિલ્હીનું નામ તો છેક હસ્તિનાપુરથી લઈને નવી દિલ્હી સુધી લગભગ ૧૭ વખત બદલ્યું છે તો ભારતની આર્થિક રાજધાની મનાતું મુંબઈનું નામ પણ ૧૯૯૫માં ચેન્જ થયું હતું. ૧૯૯૫માં શિવસેનાએ બોમ્બે નામ સામે વિરોધ ઉઠાવ્યો ત્યાર પછી આ નિર્ણય લેવાયો હતો. અંગ્રેજો મુંબઈનો ઉચ્ચાર બોમ્બે કરતા હતા એટલે નામ બોમ્બે થઈ ગયું હતું પણ ખરેખર તો હિન્દુ દેવી મુંબા દેવીના નામ પરથી આ શહેરનું નામ મુંબઈ પડયું હતું એટલે ફરીથી એ જ નામ રાખવાની માંગ ઊઠી અને અંતે ૧૯૯૫માં માયાનગરી કહેવાતા બોમ્બેને મુંબઈ એવું નામ આપવામાં આવ્યું. અંગ્રેજોના સમયમાં પાટનગર રહેલું ભારતનું મહત્ત્વનું શહેર કલકત્તાને પણ આ જ રીતે લોકલાગણીને ધ્યાનમાં રાખીને ૨૦૦૧માં કોલકાત્તા કરી દેવામાં આવ્યું હતું. આમ તો આ શહેરનું પ્રાચીન નામ કાલિકાત્તા હતું જે પછીથી અપભ્રંશ થતા થતાં કલકત્તા બની ગયું હતું. પશ્વિમ બંગાળમાં લોકો ભાગ્યે જ આ શહેરને કલકત્તા કહેતા હતા. મોટાભાગે કોલકાત્તા તરીકે જ તેની ઓળખ હતી પછીથી જ્યારે આખા રાજ્યનું નામ બાંગ્લામાંથી પશ્વિમ બંગાળ કરવામાં આવ્યું ત્યારે જ કલકત્તાને પણ કોલકાતા કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય દક્ષિણ ભારતના મદ્રાસને ૧૯૯૬માં ચેન્નાઈ કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાતમાં ઉત્તર પ્રદેશની જેમ વારંવાર નામ બદલવાના બનાવો નથી બન્યા પણ અમુક ફેરફારો થયા છે જેમાં મહત્ત્વનું પરિવર્તન વડોદરાના નામનું ગણાવી શકાય. ૧૯૭૪માં બરોડાને સત્તાવાર રીતે વડોદરા નામ આપવામાં આવ્યું છે. જોકે, આજે પણ લોકો વડોદરાને બરોડાના નામથી જ ઓળખે છે!

શું હોય છે નામ બદલવાની પ્રોસેસ?
નામ બદલવાની વિધિ અંગે જાણીતા વકીલ એ. ડી. મેરના જણાવ્યા પ્રમાણે આવાં નામો બદલવા માટે દરેક રાજ્યમાં ગવર્નમેન્ટ પ્રેસ હોય છે. જેમાં નામ બદલવા માટેનું ફોર્મ ભરીને અને સોગંદનામું રજૂ કરીને કોઈ પણ વયસ્ક વ્યક્તિ પોતાના નામમાં કે અટકમાં ફેરફાર કરાવી શકે છે. ગેજેટમાં પ્રકાશિત થયેલું નામ પછીથી લગભગ બધે જ માન્ય ગણવામાં આવે છે. પણ જો કોઈ શહેરનું નામ ચેન્જ કરવાનું હોય તો સરકારની કમિટી એ કામ કરે છે. વળી, ધારો કે કોઈ મોટી સંસ્થાનું નામ બદલવું હોય અને તે સરકારી સંસ્થા હોય તો તે કામ પણ સરકાર જ કરે છે. બાકી ખાનગી ક્ષેત્રમાં પુનઃનામકરણ જે તે સંસ્થાના હોદ્દેદારો ગેજેટની ઉપરોક્ત પ્રક્રિયાની મદદથી કરી શકે છે.

નવા શોધાતા ગ્રહોનું નામકરણ આ રીતે થાય છે

નવા શોધાતા નાના કે મોટા ગ્રહોનું નામકરણ આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘની પરવાનગીથી થાય છે. આ સંઘમાં ખગોળીય સંશોધન કરતા લગભગ મોટા ભાગના દેશો સભ્યપદ ધરાવે છે. કોઈ પણ ગ્રહનું નામ પાડવાનો અધિકાર સંઘની નિયત કરેલી સમિતિને આપવામાં આવ્યો છે. ચીને ૧૯૯૭થી ૨૦૦૦ના વર્ષ દરમિયાન શોધેલા પાંચ નાનકડાં ગ્રહોનાં નામ ચીની વૈજ્ઞાનિકોના નામ પરથી રાખવાનો પ્રસ્તાવ આ સમિતિ પાસે રાખ્યો છે જેને મંજૂરી પણ આપવામાં આવી છે. જે પૈકી ૧,૪૮,૦૮૧ ગ્રહ સંખ્યા ધરાવતા ગ્રહને સન જિયાડોંગનું નામ આપવામાં આવ્યું છે. ૧,૭૫,૭૧૮ ગ્રહ સંખ્યા ધરાવતા ગ્રહનું નામ વૂ જેનગઈ નામના વિજ્ઞાની પરથી પાડવામાં આવ્યું છે. ૧,૮૮,૫૯૩ની ગ્રહ સંખ્યાવાળા ગ્રહના ભાગે વાંગ જોંગચેંગનું નામ આવ્યું છે તો ૨૮,૪૬૮ ગ્રહ સંખ્યા ધરાવતા ગ્રહને શી ચાંગક્સુના નામ સાથે જોડવામાં આવ્યો છે. ૪૩,૨૫૯ ગ્રહ સંખ્યાવાળા ગ્રહને વાંગ ઝેંયીનું નામ મળ્યું છે.

Wednesday 12 September 2012
Posted by Harsh Meswania

સિર્ફ બીસ મેસેજ ઇતને મેં હમારા ક્યા હોગા?



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

મોબાઈલ જનરેશન અત્યારે પરેશાન છે! આસામની હિંસાને પગલે સરકારે મોબાઈલ ફોનમાંથી થતાં બલ્ક એસએમએસની સેવા સ્થગિત કરી દીધી એટલે છેલ્લા દસ દિવસમાં નથી તો બહુ મેસેજ રિસીવ કરી શકાયા કે નથી તો મેસેજ મોકલી શકાયા! અને હજુ આ સ્થિતિ વધુ પાંચ દિવસ સહન કરવાની છે. ત્યારે આપણે અહીં દેશના કેટલા મોબાઈલ ધારકો પરેશાન છે તે જરા જાણી લઈએ.

ટ્રાય (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના અનુમાન મુજબ અત્યારે દેશમાં ૮૫ કરોડ મોબાઈલ ફોનધારકો છે. આ મોબાઈલ ધારકોમાંથી ૭૪ ટકા લોકો એસએમએસની સર્વિસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એટલે કે ૮૫ કરોડમાંથી ૬૩ કરોડ લોકો પોતાના સેલફોનમાંથી નિયમિત એસએમએસ સર્વિસનો ઉપયોગ કરે છે. થોડા સમય પહેલાં એક સીમકાર્ડમાંથી વધુમાં વધુ ૧૦૦ એસએમએસ થઈ શકતા હતા પણ ફરીથી ૨૦૦ એસએમએસ સુધીની મર્યાદા વધી જતા ભારતના એસએમએસ સર્વિસનો વપરાશ કરતા મોબાઈલ ધારકોની સંખ્યા વધી ગઈ હતી. હવે માત્ર રમૂજી કે થોટ ઓફ ધ ડે પ્રકારના મેસેજીસ જ નથી થતાં પણ આ સર્વિસનો ઉપયોગ માર્કેટિંગ વગેરેમાં પણ થવા લાગ્યો છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં અત્યારે ૩૩૦ કરોડ કરતાં વધારે મોબાઈલ ફોન ધારકો છે અને એમાંથી ૨૪૦ કરોડ લોકો એસએમએસ સર્વિસનો ઉપયોગ કરે છે. આજે મોબાઈલ ફોનના અવિભાજ્ય અંગ જેવી બની ગયેલી આ સેવાની શરૂઆત કઈ રીતે થઈ એ જાણવું પણ રસપ્રદ છે.

વિશ્વના પ્રથમ એસએમએસમાં શું લખેલું હતું?
રાઈના ફોર્ટીની નામની વ્યક્તિએ ૧૯૮૯માં સૌ પ્રથમ વખત મોબાઈલમાંથી એસએમએસ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું. '૦૭૭૩૪'. મોબાઈલના તે સમયના ફોનેટિક પ્રમાણે આ આંકડાઓનો અર્થ થતો હતો.  ! આ મેસેજ તેણે તેના મિત્રને ફ્લોરિડામાં કર્યો હતો.

ત્યારે મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ લખી શકાતો ન હતો. આ કારણે તેણે આ આંકડાઓની મદદથી પોતાના મિત્ર સુધી સંદેશો પહોંચાડયો હતો. ત્યારપછી અંગ્રેજી શબ્દો લખેલો સૌ પ્રથમ એસએમએસ ૩ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ નેઈલ પેપવોર્થ નામના ૨૨ વર્ષના ઈજનેરે 'Merry Christmas’ વોડાફોનના નેટવર્કમાંથી તેના મિત્ર રિચાર્ડ લેવીસના મોબાઈલ પર કર્યો હતો. ૧૯૯૫ આસપાસથી મોબાઈલ ફોન યુઝર્સ માટે પણ એસએમએસ સર્વિસનો પ્રારંભ થયો હતો.

શરૂઆત ખૂબ ધીમી હતી પણ સંગીન હતી!
૧૯૯૫ આસપાસથી મોટાભાગની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ પોતાના નવા સેલફોનમાં એસએમએસ સર્વિસ આપવાનું શરૂ કર્યું હતું, પણ પ્રારંભમાં મોબાઈલ ધારકો એસએમએસ સર્વિસ વાપરવાનો બહુ ઉમળકો દાખવતા ન હતા, કેમ કે આ સર્વિસ ખૂબ ધીમી હતી. શરૂઆતનાં વર્ષોમાં એક મહિનામાં સરેરાશ માત્ર ચાર એસએમએસ એક મોબાઈલમાંથી થતાં હતા. ખાસ કરીને પ્રીપેઈડ ધારકો માટે આ સર્વિસ ખૂબ જ ધીમી અને કંટાળાજનક હતી. એક એસએમએસ સેન્ડ થાય એમાં જ ખાસ્સો સમય લાગી જતો એટલે મેસેજ કરવા કરતાં તો ફોન કરીને વાત કરવાનું વધારે યોગ્ય રહેતું હતું. આ કારણે ૧૯૯૮ સુધી મેસેજ સર્વિસ એટલી બધી લોકપ્રિય થઈ ન હતી. ત્યાર પછી એસએમએસના દર સસ્તા થયા, એસએમએસ સેન્ડ કરવામાં ઝડપ આવી. ૨૦૦૦નું વર્ષ આવતાં આવતાં તો આ સર્વિસ મોટાભાગના દેશોમાં લોકપ્રિય બનવા લાગી હતી.

આજે મોટાભાગના દેશોમાં મોબાઈલ ધારકો એસએમએસ સર્વિસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આ બાબતે સૌથી અગ્રેસર છે ફિલિપાઈન્સ. આ દેશમાં દરેક મોબાઈલ ધારક દરરોજના સરેરાશ ૨૭ મેસેજ સેન્ડ કરે છે. ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનના ૮૫ ટકા લોકો મેસેજ મોકલવાનું પસંદ કરે છે. યુરોપિયન દેશોના ૮૦ ટકા મોબાઈલ ધારકોને એસએમએસ કરવાનું ગમે છે. ૬૦ ટકા અમેરિકનો આ સર્વિસથી એક બીજાના સંપર્કમાં રહે છે. ત્યાર પછી એશિયન દેશોનો નંબર આવે છે. એમાં પણ ચીન અને ભારતના લોકોને ફોન કરવા કરતાં મેસેજથી કામ ચલાવી લેવાનું વધુ યોગ્ય લાગે છે. દુનિયાના તમામ યુવા મોબાઈલ ધારકોમાં એશિયાના યુવાનો મેસેજની બાબતે મેદાન મારી જાય છે. એક અભ્યાસ મુજબ એશિયન યુવાનો પોતાના મોબાઈલ એપ્લિકેશન્સમાંથી વધારેમાં વધારે મેસેજના મેનુમાં સમય વિતાવતા છે. હવે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે દિવસ દરમિયાન મર્યાદિત જ મેસેજ કરવા પડે તો મુશ્કેલીમાં વધારો ન થાય તો જ નવાઈ!

ફેક્ટ એસએમએસ
* વિશ્વમાં એક મહિનામાં ૧૮ કરોડ લોકો વચ્ચે એસએમએસની આપ-લે થતી હોવાનો અંદાજ છે.

* વિશ્વના ૬૨ ટકા લોકો પોતાનાં સગાં-સંબંધીઓ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે ફોન કરવાને બદલે એસએમએસનો ઉપયોગ કરે છે.

* જો તમે માનતા હો કે એસએમએસમાં વાહિયાત વાતો જ થાય છે તો તમારી ભૂલ છે, કેમ કે ૫૫ ટકા લોકો પોતાના મિત્રોને અર્થપૂર્ણ એસએમએસ કરે છે.

* ૧૯ ટકા લોકો પોતાના સાથી કર્મચારીઓ સાથે એસએમએસ કરીને વાત કરવાનું પસંદ કરે છે.

* વિશ્વના મોટાભાગના મોબાઈલ ધારકોને ૨૪ કલાકમાંથી ૨૦ મિનિટ મેસેજ મળે છે જ્યારે આ મેસેજના જવાબો આપવામાં આ લોકો એક કલાકનો સમય વિતાવે છે.

* એસએમએસ સર્વિસ વાપરતા કુલ મોબાઈલ ધારકોમાં ૫૨ ટકા મહિલાઓ છે.

* ૭૭ ટકા લોકો ખતરો હોવા છતાં ડ્રાઈવિંગ કરતી વખતે એસએમએસ કરતા રહે છે, જ્યારે ૭૯ ટકા લોકોને બાથરૂમમાં પણ એસએમએસની આપ-લે કરવાનું ગમે છે.

મેસેજમાં લખાઈ છે આખી નવલકથા
ચીનના ક્વાઈન ફૂઝહેંગને સતત તેમના કામ માટે યુરોપિયન અને એશિયન દેશોની મુલાકાત કરવાનું થતું હતું. ટ્રાવેલિંગ દરમિયાન ફુરસદના સમયમાં આ મહાશયે ૨૦૦૪ના વર્ષમાં મોબાઈલમાં જ નોવેલ લખવા માંડી. થોડા દિવસોમાં મેરેજ લાઈફ પર તેમણે સૌ પ્રથમ એસએમએસ નોવેલ 'આઉટ ઓફ ધ ફોરટ્રીસ' લખી નાખી. ૭૦ શબ્દોના ૬૦ ચેપ્ટરમાં આ નોવેલ લખવામાં આવી હતી. એટલે કે આશરે ૪,૨૦૦ શબ્દોમાં નવલકથા લખાઈ છે. ત્યાર પછી ચીનમાં દસ હજાર લોકોએ 'આઉટ ઓફ ધ ફોરટ્રીસ' નોવેલને પોતાની મોબાઈલ સ્ક્રીન પર વાંચી લીધી હતી.
Wednesday 5 September 2012
Posted by Harsh Meswania

આ છે જગતનું પ્રથમ WIKIPEDIA શહેર!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

થોડા સમય પહેલાં બ્રિટનના વેલ્સ પ્રદેશમાં આવેલું મોન્મથ શહેર વિશ્વનું પ્રથમ વિકિપીડિયા શહેર બન્યું. આ વિકિપીડિયા શહેરના મુલાકાતીઓને ગાઇડને સાથે રાખવાની જરૂર નહીં પડે કેમ કે ટુરિસ્ટ ગાઈડનું કામ આપશે વિકિપીડિયા!

આપણે ક્યાંક અજાણ્યા સ્થળનો પ્રવાસ કરીએ ત્યારે તે સ્થળને માત્ર જોઈને જ પરત નથી આવી જતાં, પણ ત્યાંની અજાણી વિગતોથી વાકેફ થવાનું પણ પસંદ કરીએ છીએ. અજાણ્યા સ્થળની પૂરતી વિગતો તો સ્વાભાવિક રીતે જ આપણી પાસે ન હોય. આ સ્થિતિમાં આપણે કોઈ જાણકારની મદદ લઈએ છીએ. આપણે જે સ્થળની મુલાકાત લઈએ ત્યાં તેના જાણકાર મળે પણ ખરા અને કદાચ ન પણ મળે! આ સ્થિતિમાં જે તે પ્રખ્યાત ટૂરિસ્ટ પોઇન્ટ પર આપણી મદદે આવે છે ટૂરિસ્ટ ગાઇડ. ટૂરિસ્ટ ગાઇડ આપણને જે તે સ્થળનો ઇતિહાસ, ભૂગોળ, માન્યતા, શહેરની રહેણીકરણી વગેરેથી માહિતગાર કરે છે. ઘણાં સ્થળોએ ટૂરિસ્ટ ગાઇડ ઇઝી અવેલેબલ નથી હોતા, એટલે ઘણી વખત ગાઇડ મળે એની રાહ જોવી પડે છે અથવા ઘણા બધા પ્રવાસીઓને એક જ ગાઇડથી કામ ચલાવવું પડે છે. આવી સ્થિતિમાં થોડી પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. જોકે, તાજેતરમાં આ ટૂરિસ્ટ ગાઇડનો વિકલ્પ બની શકે એવી તરકીબ શોધી કાઢવામાં આવી છે.

શું છે ટૂરિસ્ટ ગાઇડનો વિકલ્પ?
બ્રિટનના પાટનગર લંડનથી ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલા ઐતિહાસિક શહેર મોન્મથમાં સંગ્રહાલયો અને પુરાતન જગ્યાએ ૧૦૦૦ બારકોડ સ્ટિકર લગાવાયાં છે. આ બારકોડનું કામ એ છે કે જ્યારે કોઈ ટૂરિસ્ટ આ ઐતિહાસિક શહેરની મુલાકાત લે ત્યારે પોતાનો સ્માર્ટ ફોન આ બારકોડમાં સ્પર્શ કરાવે એટલે કે તેની તસવીર મોબાઈલમાં લે તો જે તે સ્થળની તમામ વિગતો મોબાઇલમાં આવી જાય છે. જુદી જુદી ૨૬ ભાષાઓમાં એ સ્થળની માહિતી મળી જાય છે. આ કારણે જો ટૂરિસ્ટ પાસે ગાઇડ ન હોય તો પણ તેને જોઈતી બધી જ જાણકારી તેની પાસે ઉપલબ્ધ હોય છે. આ ૨૬ ભાષાઓમાં આપણી હિન્દી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે જો કોઈ ભારતીય મોન્મથ શહેરનો પ્રવાસ કરે અને ત્યાં તેને ગાઇડ ન મળે તો પોતાના સ્માર્ટ ફોનને બારકોડ સાથે ટચ કરાવે એટલે ઇન્ટરનેટમાં એક પણ શબ્દ ટાઇપ કર્યા વગર બધી જ જરૂરી જાણકારી હિન્દીમાં પણ મળી જશે. એ રીતે પ્રવાસીઓ માટે આ સેવા ખરેખર ઉપકારક નીવડી શકે છે.

મોન્મથ શહેર કેમ પસંદ કરાયું?
વિશ્વમાં એવાં તો અસંખ્ય પર્યટન સ્થળો છે જ્યાં દુનિયા આખીના પ્રવાસીઓ વર્ષભર આવતા રહે છે. તો પછી એવા કોઈ ખૂબ જાણીતા પર્યટન સ્થળ પર પસંદગીનો કળશ ઢોળવાને બદલે વિકિપીડિયાએ આ પ્રયોગ કરવા માટે થોડા ઓછા જાણીતા શહેર મોન્મથ પર જ કેમ પસંદગી ઉતારી? એવો પ્રશ્ન થઈ શકે છે. આ પસંદગી પાછળ પણ કારણો છે. એક તો એ કે આ વિચાર મોન્મથ શહેરના એક નાગરિક જ્હોન કમિન્ગ્સને આવ્યો હતો અને તેણે આ માટે વિકિપીડિયાના અધિકારીઓને મળીને પ્રયત્નો આદર્યા હતા. બીજું એક કારણ એ છે કે મોન્મથ શહેર રોમનકાળ વખતના ઐતિહાસિક કિલ્લાઓના કારણે જાણીતું શહેર છે. અહીં એક-એક જગ્યાએ અલાયદો ઇતિહાસ ધબકે છે. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું હોવાથી આ સ્થળ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. અન્ય એક કારણ ફંડ છે. વિકિપીડિયા શહેર બનાવવા માટેના પ્રયોગમાં જે ફંડની જરૂર પડવાની હતી તે ફંડ આપવાની જવાબદારી મોન્મથ શહેર કાઉન્ટી કાઉન્સિલે ઉપાડી લીધી હતી. પરિણામે આ કામ વધુ સરળ બની ગયું હતું.

 કઈ રીતે અને કોણે કર્યું આ કામ?
મોન્મથમાં રહેતા જ્હોન કમિન્ગ્સ ૨૦૧૧માં બ્રિસ્ટોલમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. કાર્યક્રમ ડર્બી મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીને બારકોડ સ્ટિકર લગાવીએ એટલે તેની માહિતી મોબાઇલ ફોનમાં મળી જાય એવા પ્રોજેક્ટનું નિર્માણ કરવાનો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી જ્હોનને આ રીતે પોતાના ઐતિહાસિક શહેરને આવા કોઈ પ્રોજેક્ટમાં આવરી લેવાનો વિચાર આવ્યો. તેમણે આ માટે ઓનલાઇન એનસાઇક્લોપીડિયા તરીકે ઓળખાતી વેબસાઇટ વિકિપીડિયાનો સંપર્ક કર્યો. વિકિપીડિયાએ આ કામ માટે તૈયારી પણ બતાવી. વિકિપીડિયાએ શહેરની ઐતિહાસિક ઇમારતો વિશે ઇતિહાસવિદો પાસેથી માહિતી મેળવવાનું કામ શરૂ કર્યું. ત્યાર પછી શહેરમાં ૧૦૦૦ જગ્યાઓએ ઠેર ઠેર નાનકડી સિરામિક પ્લેટ્સ ગોઠવીને તેના પર સ્ટિકર લગાવ્યાં હતાં. આ સ્ટિકર પર વ્હાઇટ-બ્લેક રંગના બારકોડ સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં છે. જે તે સ્થળની તમામ વિગતો આ બારકોડ સ્ટિકરમાં મોબાઇલ ફોન ટચ કરાવવામાત્રથી ઉપલબ્ધ થઈ શકે એવી સવલત પૂરી પાડવામાં આવી છે. આ યોજનાને મોન્મથપીડિયા નામ આપવામાં આવ્યું હતું, એટલે ઘણા લોકો મોન્મથ શહેરને મોન્મથપીડિયા શહેર પણ કહેવા લાગ્યા છે. ૧૦૦૦ બારકોડ સ્ટિકરની સુરક્ષા શું? એવો સવાલ કદાચ ઉદ્ભવી શકે! તો જાણી લઈએ કે આ માટે મોન્મથ શહેર કાઉન્ટી કાઉન્સિલે ખાસ સુરક્ષા ગોઠવી છે. આ બોરકોડ સ્ટિકરની સાથે જો કોઈ છેડછાડ થાય તો તેની જાણકારી તરત જ તેની વ્યવસ્થા સંભાળનારી એજન્સીને મળી જાય છે. એટલે પૂરતાં પગલાં લઈ શકે. વળી, મોન્મથના નાગરિકો બારકોડ સ્ટિકરની સુરક્ષા માટે જાગૃતિ બતાવે છે.

ટૂરિસ્ટ ગાઇડનો વિકલ્પ!
વિકિપીડિયાના સંસ્થાપક જિમી વેલ્સે આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે, 'જો આગામી સમયમાં વિશ્વનાં પ્રખ્યાત ઐતિહાસિક સ્થળોની દેખરેખ રાખતી સંસ્થાઓ આવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી બતાવશે તો અમે આ કામ કરી આપીશું. આ માટે જે તે સ્થળને લગતી ઐતિહાસિક અને વર્તમાન સમયની માહિતી, તસવીરો અને પૂરતું ફંડ ઉપલબ્ધ બનશે તો આ કામ કરવું અમને ગમશે.'

મોન્મથપીડિયા અંગે તથ્યોપીડિયા
* વિકિપીડિયા અને મોન્મથ શહેરની કાઉન્ટી કાઉન્સિલની છ મહિનાની જહેમત પછી મોન્મથ શહેર મોન્મથપીડિયા બની શક્યું છે.

* મોન્મથ શહેરની મુલાકાતે વર્ષે ચાર લાખ પ્રવાસીઓ આવે છે, એટલે તેમના માટે આ સુવિધા ઉપકારક નીવડી શકે છે.

* આ પ્રોજેક્ટની નોંધ મહત્ત્વના ૩૦ દેશોના ૨૫૦ જેટલાં અખબારોએ લીધી છે અને આ પ્રોજેક્ટને એક મહત્ત્વની સિદ્ધિ ગણાવી છે.

* આ પ્રોજેક્ટ દરમિયાન લોકોએ આ શહેર વિશે માહિતી આપવામાં ઉમળકો દાખવ્યો હતો. વિકિપીડિયાને મોન્મથ શહેર વિશે વિવિધ દેશોમાંથી ૨૯ ભાષાઓમાં ૫૫૦ આર્િટકલ્સ અને ૧૦૦૦ તસવીરો મળી હતી.

* ધારો કે હિન્દી ભાષામાં આપણને જે તે સ્થળની વિગતો જોઈતી હોય તો આપણા સ્માર્ટ ફોનમાં ભાષાના સેટિંગ્સમાં જઈને હિન્દી ભાષા પર પસંદગી ઉતાર્યા પછી જ મોબાઇલને બારકોડ સ્ટિકર સાથે ટચ કરાવવાનો રહેશે. નહિતર બધી વિગતો અંગ્રેજી ભાષામાં મળશે.

* નિષ્ણાતોના મતે ટૂરિસ્ટ ગાઇડ કરતાં આ સુવિધા કદાચ વધારે વિશ્વસનીય પણ બની શકે છે. કેમ કે, ઇતિહાસવિદો પાસેથી માહિતી મેળવાઈ હોવાથી જે તે જગ્યા વિશે વધારે સચોટ માહિતી ઉપલબ્ધ થઈ શકે છે.


Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -