Posted by : Harsh Meswania Sunday 31 January 2016

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે જેમનું ઉમદા પ્રદાન છે એવા બુદ્ધિવંત કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્વિન મિન્સ્કીનું ગયા સપ્તાહે નિધન થયું. કમ્પ્યુટર સોફ્ટવેરથી લઈને છેક સ્માર્ટફોનની એપ સુધીની ક્રાંતિમાં જેમના સિદ્ધાંતોનો પ્રભાવ છે એવા માર્વિન મિન્સ્કી વિશે થોડું જાણી લઈએ.

મશીન પાસેથી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરાવીને કામ લેવું એટલે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ. કૃત્રિમ બુદ્ધિ. કમ્પ્યુટર અને કમ્પ્યુટર સોફ્ટવેર વિકસાવીને તેની પાસેથી માણસની બુદ્ધિક્ષમતાની લગોલગ અથવા કહો કે એથીય વધુ કુશળતાથી કામ લેવાની કળાના શાસ્ત્રને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ કહેવાય છે. બીજી રીતે કહીએ તો એવા રોબોટ કે જે માણસની જેમ કામ કરવા લાગે. ક્યારેક માણસ કરતા પણ ચિવટથી કામ કરે અને પછી માણસ પણ તેની સામે વામણો લાગે એવું કૃત્રિમ ચેતાતંત્ર વિકસાવવાનું હવે પૂરજોશમાં ચાલે છે.
માણસના ચેતાતંત્રની ખામીઓ મશીનના માધ્યમથી પૂરી કરી દેવાની માણસની ખ્વાહિશ આમ તો દશકાઓથી શરૃ થઈ છે. કોઈ નવા શાસ્ત્રનો વિકાસ થાય ત્યારે એ ચોક્કસ કયા સમયે થયો એવું કહી શકાતું નથી હોતું. શાસ્ત્રના સ્વરૃપે પહોંચે એ પહેલા પણ તેને ઘણી સફર ખેડવી પડે છે, પણ હા, કોઈ એક ચોક્કસ સમયે તેને શાસ્ત્ર સ્વરૃપે ઓળખ મળે ત્યારે ખોંખારીને કેટલાક સર્જકોના નામ બોલવા પડે છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની બાબતમાં એવું જ ખોંખારીને બોલી શકાય એ નામ માર્વિન મિન્સ્કીનું છે. મશીનમાં જીવ રેડવાની કળાને થીયરીકલ અને પ્રેક્ટિકલ કરવા માટેના પહેલાવહેલા મજબૂત વિચારો માર્વિન મિન્સ્કીએ આપ્યા હતા અને એના જ પરિણામે તેમના ખાતામાં જ્ઞાાનાત્મક વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, ગણિત, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને ફિલોસોફી ઓફ માઇન્ડ જેવા વિજ્ઞાનમાં ખેડાણ બોલે છે.
                                                                                ***
ન્યૂયોર્કમાં આંખના સર્જન પિતાને ત્યાં ૧૯૨૭માં માર્વિનનો જન્મ. પિતાની વિજ્ઞાનરૃચિ પુત્રને પણ પારણામાંથી જ આવી. વિજ્ઞાન તરફનો તેનો જૂકાવ જોઈને પિતાએ ન્યૂયોર્કની વિજ્ઞાન શાળામાં તેના અભ્યાસની વ્યવસ્થા કરાવી. અન્ય બાળકોની તુલનાએ અતિશય તેજસ્વી એવા માર્વિને સાયન્સના વિષયોમાં ઉજળો દેખાવ કર્યો એટલે પોરસાઈને પિતાએ તેને મેસેચ્યુસેટ્સના એન્ડોવરની વિખ્યાત ફિલિપ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. તેમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો એ સમયે જ અમેરિકાની નૌસેનામાં હોનહાર યુવાનોની ભરતી થતી હતી, માર્વિને પણ એમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો. નૌસેનાની પ્રતિષ્ઠિત નોકરી મળી ગયા પછી એ સમયે યુવાનો માટે ખાસ કશું રહેતું નહીં, તેની લાઇફ સેટ થયેલી ગણાતી. પરંતુ માર્વિનની નિયતીમાં આ સિવાય બીજું ઘણું લખાયું હતું.
નોકરી દરમિયાન તેણે ગણિતનો અભ્યાસ કરવા માટે હાર્વર્ડની પ્રવેશ પરીક્ષા આપી હતી. પ્રવેશ મળી ગયો એટલે તેણે નૌસેનાની નોકરી છોડીને હાર્વર્ડમાં ગણિતના કોયડા ઉકેલવા માંડયા. પછી તો ૧૯૫૪માં વિખ્યાત ગણિતજ્ઞા આલ્બર્ટ ટકરના માર્ગદર્શનમાં પીએચ.ડી થયા. તેજસ્વી કારકિર્દી જોઈને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ એન્ડ ટેકનોલોજિ (મિટ)માં તેમને નોકરી પણ મળી ગઈ. ગાણિતિક ક્ષમતા અને નવા નવા વિકસી રહેલા કમ્પ્યુટર સાયન્સમાં રસના કારણે તેમની દોસ્તી મિટમાં કામ કરતા હમઉમ્ર યુવાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જોન મેકાર્થી સાથે થઈ. બંનેએ સાથે મળીને ૧૯૫૯માં મીટમાં જ કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરી સ્થાપી અને એમ એક ગણિતશાસ્ત્રીની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સમાં સફળ સફર શરૃ થઈ.
'આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ'ના શાસ્ત્રને વિકસાવવામાં માર્વિનની ભૂમિકા અસાધારણ છે પણ એ શબ્દનો ઉપયોગ જોન મેકાર્થીએ કર્યો હતો. ઘણી વખત કોઈ વિજ્ઞાનની વ્યાખ્યાઓ વિધિવત્ શીખી ન હોવાના કારણે તેના વ્યાખ્યાયિત બંધારણથી મુક્ત રહી શકાતું હોય છે અને એ મુક્તિ જ નવી વ્યાખ્યાઓને જન્મ આપે છે. માર્વિન માટે એવી જ સ્વાયતતા આપનારુ શાસ્ત્ર કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ હતું અને તેમાં એણે કેટલાય નવા સમીકરણો રચી બતાવ્યાં.
૭૦ના દશકાની શરૃઆતે જ્યારે માણસે અવકાશભણી દોટ મૂકી હતી ત્યારે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એ વાત પામી ગયા હતા કે હવે કોઈ પણ કામને શક્તિશાળી ઢંગથી અજામ આપી શકે એવી મશીનરીની ટૂંક સમયમાં તાતી જરૃર વર્તાશે. મિટ જેવી લેબોરેટરીમાં મશીન કેમ માણસની જેમ કામ કરી શકે એ વિચારવાનું શરૃ પણ થઈ ચૂક્યું હતું. માર્વિને પોતાના કામને એ લેબોરેટરીની બહાર પણ વિકસાવવા માંડયું. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અંગે સંશોધનો ભલે થવા માંડયા હતા, પરંતુ તેને થિયરીમાં ઢાળવાનું કામ બાકી હતું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ સીમોર પાપેર્ટ સાથે મળીને માર્વિને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને થિયરીમાં ઢાળવાનું કામ ઝડપી લીધું. બંનેએ મળીને 'પર્સેપ્ટ્રોન' નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક કૃત્રિમ ચેતાતંત્રના નેટવર્કને સમજવા માટે ખુબ જ ઉપયોગી થઈ પડયું. એ સમયે કૃત્રિમ બુદ્ધિમત્તાને લગતા જેટલા પણ સંશોધનો થતાં તેમાં આ પુસ્તકનો સંદર્ભ અચૂક ટાંકવામાં આવતો. કૃત્રિમ ચેતાતંત્રનું વિશ્લેષણ એ પુસ્તકમાં એટલું ધારદાર રીતે વ્યાખ્યાયિત કરાયું હતું કે તેનો આધાર લીધા વગર કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં સંશોધન કરવું લગભગ અશક્ય ગણાવા લાગ્યું.
એ પુસ્તકના કારણે બીજા કેટલાક સંશોધકોએ વિરોધનો ગણગણાટ પણ કર્યો. ઘણાના મતે એ પુસ્તકના કારણે કૃત્રિમ ચેતાતંત્રના સંશોધનો એ પુસ્તક કેન્દ્રિત બની રહ્યાં અને તેના કારણે નવી દિશાઓ ન ખૂલી. મતમતાંતર વચ્ચે જાણે વિરોધીઓને જવાબ આપતા હોય એમ માર્વિને ૧૯૭૪માં 'અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજ' નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકથી પ્રોગ્રામિંગમાં નમૂનેદાર પરિવર્તન આવ્યું. પર્સેપ્ટ્રોન ખરું જોતા પ્રેક્ટિકલ વધુ હતું એટલે સમજવામાં અઘરું ય હતું, જ્યારે અ ફ્રેમવર્ક ફોર રીપ્રિસેન્ટિંગ નોલેજમાં સંપૂર્ણપણે થીયરી રજૂ થઈ હતી એટલે તેનો ઉપયોગ તો કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે ટેક્સ્ટ બૂક જેવો બની ગયો.
એ જ અરસામાં તેમણે 'ધ સોસાયટી ઓફ માઇન્ડ'માં કેટલીક થીયરી રજૂ કરી. માર્વિનના ખુદના કહેવા પ્રમાણે  રોબોટની બનાવટમાં, કમ્પ્યુટર સોફ્ટવેરના સર્જનમાં અને વીડિયો કેમેરામાં તેમના ધ સોસાયટી ઓફ માઇન્ડ પુસ્તકનો આધાર લેવામાં આવે છે. રોબોટિક થિયરી, વર્ચ્યુઅલ દુનિયા અને કમ્પ્યુટરના શક્તિશાળી સોફ્ટવેર બનાવવામાં માર્વિનના આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો પાયાનો વિચાર આજે ય આધાર બને છે.
                                                                             ***
તેમણે માત્ર સિદ્ધાંતો જ રજૂ નથી કર્યાં, ઘણી બાબતોમાં પ્રેક્ટિકલ સંશોધનો પણ કર્યા છે. હેડગ્રાફિક ડિસ્પ્લેની પેટન્ટ તેમના નામે નોંધાયેલી છે. હેડગ્રાફિક ડિસ્પ્લે એટલે માથામાં હેલમેટની જેમ ફિટ થઈ જાય એવું સાધન, જેમાં ફિટ કરાયેલા કાચમાં ડેટા જોઈ શકાય છે. આ પ્રોડક્ટ શરૃઆતમાં એવિએશનમાં ઉપકારક નીવડી હતી. કોન્ફોકલ માઇક્રોસ્કોપ, લેસર સ્કેનિંગ માઈક્રોસ્કોપ જેવા સાધનો તેમણે વિકસાવ્યા હતાં. ૫૦ જેટલા વિદ્યાર્થીઓને આ ક્ષેત્ર માટે તૈયાર કર્યા હતા અને પીએચ.ડી માટે તેમને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
સાયન્સ ફિક્શનના લેખકને પણ વિચારતા કરી દે એવી અદાથી માર્વિને પૃથ્વી ઉપરાંતની સંભવિત દુનિયા વિશે ય કલ્પનાઓ કરીને તક મળ્યે લખ્યું છે. એમ તો આ વિજ્ઞાાની એક ફિલ્મની સર્જનયાત્રા સાથે ય જોડાયેલા હતા. ૧૯૬૮માં બનેલી ફિલ્મ - '૨૦૦૧ : અ સ્પેસ ઓડિસી'ના તેઓ સલાહકાર હતા!
ક્યાંક રોબોટ ન્યૂઝ એન્કર બને કે ક્યાંક રોબોટ રસોઈ બનાવવામાં કુશળતા સાબિત કરે એ તમામની સિદ્ધિ પાછળ માર્વિન મિન્સ્કીની થિયરી નાની-મોટી ભૂમિકા ભજવે છે. દશકાઓ પહેલા તેમણે રજૂ કરેલા સિદ્ધાંતો જ તેેમને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે પાયોનિયર સાબિત કરી આપે છે એવા માર્વિનનું ૨૪મી જાન્યુઆરીએ બોસ્ટનમાં ૮૮ વર્ષની વયે નિધન થયું. તેઓ છેક સુધી આ ક્ષેત્રે પ્રવૃત્ત હતા. કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોથી તેઓ અપડેટ રહેતા અને એ અંગે છેવટના દિવસો સુધી વિવિધ સાયન્સ જર્નલ્સમાં લેખો લખીને પોતાનો મત વ્યક્ત કરતા રહેતા. તેઓ ખુબ સારા પિયાનોવાદક હતા. વિજ્ઞાનની સાથે સાથે ૧૯૮૧માં તેમણે સંગીત પર કનેક્શન બીટવિન મ્યુઝિક, સાયકોલોજી એન્ડ ધ માઇન્ડ નામના પુસ્તકમાં નામનું ખુબ જ ઉપયોગી પુસ્તક લખ્યું હતું. સંગીતજગતમાં એ પુસ્તક આવકાર પામ્યું હતું. અમેરિકાના દિગ્ગજ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના ઊંડા અભ્યાસી એવા પેટ્રિક વિન્સ્ટને માર્વિન સાથે થોડા વખત મીટમાં કામ કર્યું હતું. તેમના મતે માર્વિન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના જિનિયસ વિજ્ઞાાની હતા.
આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ વિશે આજના સંશોધકો માને છે કે એ ક્ષેત્ર કેટલું વિકસશે એ કહી શકાય નહીં. બની શકે કે કૃત્રિમ ચેતાતંત્ર નેટવર્ક એની મેળે નિર્માણ થતું રહેશે, એની જાતે જ પ્રતિકૃતિઓ બનતી રહેશે અને માનવમન કરતા હજારો-લાખો ગણું જટિલ તંત્ર પણ ખડું થઈ શકે. અમુક સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે લાગણીઓની બાબતમાં પણ કૃત્રિમ બુદ્ધિમત્તા માણસની લગોલગ પહોંચશે. જો ખરેખર એમ થશે તો કાલે ઉઠીને સાયન્સફિક્શન ફિલ્મોમાં બતાવે છે એ વાત સાચી ઠરશે અને મશીન પોતાની જાતે માણસ કરતા પણ વધુ તીવ્રતાથી વિચારી શકશે તો એનો યશ બેશક મશીનને વિચારતા કરવાનું વિચારનારા માર્વિન મિન્સ્કીને આપવો રહ્યો.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -