Posted by : Harsh Meswania Sunday 10 November 2019



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

દુનિયાભરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા નિવારવા માટે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે, જે અકસ્માતો ઘટાડીને રસ્તાઓને વધારે સલામત બનાવશે.


'લોકશાહી પ્રક્રિયા અને ટ્રાફિક જામની સ્થિતિમાં ઘણું સામ્ય છે, દરેક વખતે લોકોને લાગે કે હવે વાંધો નહીં આવે અને ત્યાં ફરીથી એ જ સમસ્યા શરૂ થઈ જાય છે!'

સાઉથ આફ્રિકન લેખિકા લોરેન બ્યુક્સનું આ સ્માર્ટ ક્વોટ દુનિયાભરના ટ્રાફિક નિયમનને એક સરખી રીતે લાગું પડે છે. એક ટ્રાફિક જામમાં ફસાયા પછી માંડ એવી ધરપત બેસે કે હવે વાંધો નહીં આવે, ત્યાં વધુ એક ટ્રાફિક જામમાં ફસાઈ જઈએ છીએ. લોકશાહીમાં એક પક્ષથી કંટાળીને બીજા પક્ષને ખોબલે ખોબલે મત આપ્યાં પછી ય દુનિયાભરના નાગરિકોને લગભગ આવી જ ફીલિંગ આવે છે. બીજો પક્ષ પણ ફરીથી એની એ સમસ્યામાં સપડાવે છે.

ટ્રાફિકની સમસ્યા દુનિયાભરમાં સૌથી મોટો મુદ્દો બનતો જાય છે અને તેના ઉપાયો શોધવા માટે વર્ષે અબજો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સચોટ ઈલાજ મળતો નથી. વિજ્ઞાન-ટેકનોલોજીએ આપણી લાઈફસ્ટાઈલ સદંતર ચેન્જ કરી નાખી છે. એ જ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે એવી આશા દર વર્ષે ઉજળી બનતી જાય છે. થોડાંક વર્ષોથી થયેલાં સંશોધનોએ ફરીથી નવી આશા જન્માવી છે.
                                                                             ***

સ્માર્ટ સિગ્નલ : સમય બચાવતી સિસ્ટમ

અત્યારે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં રેડ-ગ્રીન સિગ્નલમાં ઓટોટાઈમર સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક તરફનું સિગ્નલ ૨૦થી ૩૦ સેકન્ટ માટે ઓપન થાય છે, પરંતુ હવે ઘણાં નાના શહેરોમાં સ્માર્ટ સિગ્નલના પ્રયોગો શરૂ થયા છે. એમાં એરિયા પ્રમાણે ટ્રાફિકનો ડેટા એકઠો કરીને થોડીક સેકન્ડમાં સિગ્નલનો સમયગાળો બદલવામાં આવે છે.
જે તરફથી વધારે વાહનો આવવા માંડે એ તરફના સિગ્નલનો સમયગાળો વધી જાય અને જે તરફથી ઓછા વાહનો આવતા હોય એ તરફના સિગ્નલનો સમયગાળો ઘટી જાય. એના કારણે આગળના રસ્તાઓમાં ટ્રાફિક વધતો નથી. એના માટે કેમેરાની એક આખી ચેનલ ગોઠવીને તેના ડેટાનું ઓટોએનાલિસિસ થતું રહે છે.

મોડી રાત્રે મોટાં શહેરોમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે એક તરફનું સિગ્નલ ચાલુ હોય તો ય વાહનો નથી હોતા અને એ જ વખતે બીજી તરફનું સિગ્નલ બંધ હોય એટલે કારણ વગર વાહનચાલકોને રોકાઈ રહેવું પડે છે. ઓટો સિસ્ટમ સેટ થયેલી હોવાથી તેમાં તુરંત ફેરફાર થતો નથી, પણ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના આધારે જો ડેટા એનાલિસિસ થાય તો વધારે ટ્રાફિક ધરાવતા ટ્રાફિક પોઈન્ટ ઉપર આપમેળે વાહનચાલકોને ગ્રીન સિગ્નલ મળી રહે છે. તેના કારણે સમયનો પણ બચાવ થાય છે અને ટ્રાફિક પણ નિયમત થાય છે.

વળી, ટ્રાફિક પોઈન્ટ ઉપર એવી ગ્રીન-રેડ નિશાની પણ દેખાશે કે જેના આધારે ઓછા ટ્રાફિકવાળો રૂટ પસંદ કરી શકાય. કઈ તરફ જવાય અને કઈ તરફ ન જવાય એ નિર્દેશ ટ્રાફિક પોઈન્ટ પરથી જ મળી રહેશે. તેનાથી કદાચ નિયત અંતરે પહોંચતા સરવાળે અડધો કિલોમીટર કે કિલોમીટરનો ફરક પડતો હશે, પરંતુ સરવાળે સમય પણ ઘણો બચી જશે.
                                                                              ***

રોડ-વે લાઈન: રોડ માર્કિંગની સ્માર્ટ ટેકનોલોજી

નેધરલેન્ડમાં ચાલતા સ્માર્ટહાઈવે નામના એક પ્રોજેક્ટમાં સંશોધકોએ સ્માર્ટ રોડલાઈન વિકસાવી છે. જ્યાં ડીવાઈડર નથી હોતું ત્યાં સફેદ-પીળાં ચળકતા પટ્ટા પાડીને માર્ગના બે ભાગ પાડવામાં આવે છે. બંને બાજુ જ્યાં રોડ પૂરો થતો હોય છે ત્યાં પણ એવા પટ્ટાથી રસ્તાની મર્યાદા પૂરી થતી હોવાનું સૂચન કરવામાં આવે છે. રોડ માર્કિંગની આ સિસ્ટમમાં સંશોધકોએ થોડીક સ્માર્ટનેસ ઉમેરી છે.
એવી સ્માર્ટ રોડ-વે લાઈન બનાવવામાં સંશોધકોને સફળતા મળી છે કે જે અત્યારની તુલનાએ બહુ ઝડપથી નજરે ચડશે અને વાહનનું પૈડું જેવું વચ્ચેની કે સાઈડની લાઈન ક્રોસ કરશે કે તુરંત સિગ્નલ આપશે. કારની સ્ક્રીનમાં સીટબેલ્ટનો એલાર્મ આવે છે એ જ રીતે લાઈન ક્રોસનો એલાર્મ બતાવશે. સંશોધકોને આશા છે કે લાઈન ક્રોસ કરીને રસ્તાની નીચે ઉતરી જવાના બનાવો આ સ્માર્ટ માર્કિંગથી અટકી જશે.
                                                                               ***

સ્માર્ટ લાઈટ્સ : વીજળીની અછત સામે લડતી ટેકનિક

આજેય અસંખ્ય શહેરોમાં વીજળી અછત હોવાથી હાઈવે લાઈટ્સ બંધ હોય છે. વાહન ચાલકોને રસ્તામાં લાઈટ્સ મળી રહે તે માટે નેધરલેન્ડમાં જ સફળ પ્રયોગો થયાં છે. લાઈટ્સના થાંભલા સાથે એવાં સેન્સર્સ ગોઠવવામાં આવ્યાં છે કે દૂરથી વાહન આવતું જણાય તો લાઈટ ચાલુ થઈ જાય છે. પછી વાહન આવતાં બંધ થાય તો લાઈટ પણ બંધ પડી જાય છે.

વળી, એ લાઈટ્સ થાંભલાની ચારે બાજુ લગાવેલાં પંખાથી ચાલે છે. હવાથી પંખા ફરે અને પંખાથી વીજળી ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. જ્યાંથી ઓછા વાહનો પસાર થતાં હોય એવા રસ્તાઓ ઉપર આ ઓટોમેટિક રોડ લાઈટ્સ ઉપયોગી થશે.
                                                                             ***

લીડાર ગન: સ્પીડનો સ્પીડથી અંદાજ મારતી સિસ્ટમ

સ્પીડ માપવા માટે કેમેરા બેઝ્ડ રડાર સિસ્ટમનો ઉપયોગ અત્યાર સુધી થતો આવે છે. હવે ઘણી ટ્રાફિક ફોર્સે લીડાર યાને લાઈટ ડિટેક્શન એન્ડ રેન્ગિંગ ગનનો ઉપયોગ શરૂ કર્યો છે. તેનાથી વાહનની સ્પીડનો અંદાજ કાચી સેકન્ડમાં આવી જાય છે અને વળી તેનો ઉપયોગ બહુ જ સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. લેસરનો શેરડો મારો કે તરત જ આવતા-જતા વાહનની સ્પીડનો આંકડો સ્ક્રીનમાં શો થવા માંડે છે.
ભારતમાં આ સ્પીડ ગનનો ઉપયોગ મર્યાદિત શહેરોમાં પ્રયોગ પૂરતો છૂટોછવાયો થયો છે. ડીઆરડીઓએ સ્વદેશી સિસ્ટમ બનાવવામાં સફળતા મેળવી છે એટલે થોડાંક સમયમાં દેશભરમાં તેનો ઉપયોગ થશે.

ગુજરાત ટ્રાફિક પોલીસને થોડા વખત પહેલાં જ પાંચ સ્પીડ ગન ટેસ્ટિંગ માટે આપવામાં આવી હતી. ટૂંક સમયમાં તેનો બહોળો ઉપયોગ થશે એવો સંકેત સરકારે આપ્યો હતો. આ સ્પીડ ગન સરળ અને અસરકારક હોવાથી સ્પીડ લિમિટના નિયમનું પાલન કરાવવામાં બહુ જ કારગત નીવડશે.

                                                                                ***

રોંગ વે ડિટેક્શન સિસ્ટમ

રોંગમાં વાહન ચલાવીને પોતે જોખમમાં પડવું અને બીજાને ય ખતરામાં નાખવા, એ આપણાં દેશની કોમન પ્રોબ્લમ છે. વિદેશમાં પણ ઉતાવળા વાહન ચાલકો આકરા દંડ-સજાની જોગવાઈ છતાં રોંગમાં વાહન ચલાવવાનું જોખમ લેતા હોય છે. એવા વાહન ચાલકોને ઝડપી લેવા માટે ફ્લોરિડાના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે રોંગ વે ડિટેક્શન સિસ્ટમ તૈયાર કરી છે. એને રોંગ વે એલર્ટ સિસ્ટમ પણ કહે છે.
આ ટેકનોલોજીના ઉપયોગથી અસંખ્ય અકસ્માતો અટકાવી શકાશે એવો દાવો થાય છે, પણ તેને ઉપયોગમાં લેવામાં હજુ ઘણી એરર્સ દૂર કરવી પડશે. આ ટેકનોલોજી એવી રીતે કામ કરે છે કે રોડ પર ગોઠવાયેલા સેન્સર એક તરફ જતાં વાહનની ગતિ નોંધે છે. જેવું કોઈ વાહન એ રોડ ઉપર અવળી દિશામાં ગતિ કરે કે તુરંત એલર્ટ આપે છે, પરંતુ વાહન રીવર્સમાં લેતી વખતે પણ આ ટેકનોલોજી એલર્ટ આપે છે.

રોંગ વે એલર્ટ માટે એવાં ય પ્રયોગો થઈ રહ્યાં છે કે ક્લાઉડની મદદથી વાહન રોંગમાં જાય છે તેનો અંદાજ લગાવીને વાહનચાલકના રજિસ્ટર નંબરમાં મેસેજ જાય છે, પરંતુ ભારતમાં આ સિસ્ટમ કાર સિવાયના વાહનોમાં લાગુ પાડવી અઘરી છે. ટ્રક-એટોરિક્ષા-બસ જેવા કેટલાય વાહનોમાં એવી સિસ્ટમ જ હોતી નથી કે તેને વોર્ન કરી શકાય.
                                                                          ***
દુનિયાભરના ટ્રાફિક કંટ્રોલ એક્સપર્ટ્સ એકી અવાજે કહે છે કે અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક કંટ્રોલ માટે સ્માર્ટ હાઈવે બનાવવાની ખાસ જરૂર છે. જે રસ્તાઓ અત્યારે કાર્યરત છે તેને નવી ટેકનોલોજીથી અપગ્રેડ કરી દેવામાં આવે તો દુનિયામાં ૫૦ ટકા અકસ્માતો ઘટી જાય તેમ છે. ટ્રાફિક જામની સમસ્યા ૬૦ ટકા સુધી ઘટી જાય તેમ છે.

વ્હિકલ ટુ વ્હિકલ કોમ્યુનિકેશન ટેકનોલોજી, વ્હિકલ ટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્માર્ટ કોરિડોર જેવા કેટલાક નવા વિચારોને ધ્યાનમાં રાખીને નવી નવી ફ્યુચર ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે. આ સંશોધનોએ આશા જગાવી છે કે એકાદ દશકામાં ટ્રાફિકની સમસ્યા ઘણી ખરી હળવી થઈ જશે.

જે દેશોમાં નવી ટ્રાફિક ટેકનોલોજી વિકસી રહી છે ત્યાં ૫-૧૦ વર્ષમાં એ ખપમાં પણ આવતી થઈ જશે. ભારત જેવાં દેશો પાસે ત્રણ વિકલ્પો બચશે. એક, જૂની-પૂરાણી સિસ્ટમ પ્રમાણે ચલાવવું અને ટ્રાફિકની સમસ્યાને જેમ છે તેમ રહેવા દેવી. બીજું, જે દેશોમાં સંશોધનો થયા છે તેની પાસેથી સિસ્ટમ ખરીદીને એનો અમલ કરાવવો. ત્રીજું, દેશમાં જ એવાં સંશોધનો થાય તે માટેના પ્રયાસો અત્યારથી જ હાથ ધરવા.

દેશમાં થતાં સંશોધનોના પરિણામો કદાચ તરત નહીં મળે પરંતુ એકાદ દશકામાં એવી કે એનાથી ય ચડિયાતી ટ્રાફિક ટેકનોલોજી દેશી સંશોધકો બનાવી આપશે. પહેલી નજરે હસી કાઢવા જેવું સંશોધન જણાય તો ય જો એને પૂરતું ફંડ ને યોગ્ય પ્રોત્સાહન મળે તો કદાચ એ જ તુક્કો તીર પણ બની શકે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -