Posted by : Harsh Meswania Sunday 14 December 2014



એક એવો માણસ છે જેની પાસે બર્ડ ફ્લુ, એચ૧એન૧, ચિકનગુનિયા મળી શકે છે. વળી તેણે પોતાની પાસે ઈબોલા રહેલા ઈબોલાને વેચી નાખવાની તૈયારી પણ દાખવી છે. આ બધા રોગોથી દૂર રહેવાની ભલે
બધા પ્રાર્થના કરતા હોય, પણ આ માણસ તો નવા રોગની શોધમાં હોય છે. કેમ કે, એ રોગ વેંચીને
બિઝનેસ કરે છે

એ દરરોજ નવા નવા રોગોની શોધમાં રહે છે. વિશ્વના ગણનાપાત્ર અને મોંઘા સાયન્સ જર્નલ્સ આવે એની એ રાહ જૂએ છે. બહોળો વ્યાપ ધરાવતા અખબારોથી તેનું ઘર ઉભરાય જાય છે... અને અચૂક સમય કાઢીને એની લીટીએ લીટી તે વાંચી જાય છે. સાયન્સ જર્નલ્સ અને અખબારોનું આટલું વાંચન છતાં એ લેખક નથી, પત્રકાર નથી, સાયન્ટિસ્ટ પણ નથી અને રોગોની સારવાર માટે મથતો કોઈ તબીબ પણ નથી. એ અખબારો-સામયિકો અને વેબસાઇટ્સ ઉપર રોગના નામ શોધે છે. કોઈ નવા રોગના લક્ષણો સંશોધકોના ધ્યાનમાં આવે અને એનું નામકરણ થાય એની તે કાગડોળે રાહ જૂએ છે. રોગનું નામ મળી જાય એટલે એ તરત એના લક્ષણો ઉપરથી ભવિષ્યની શક્યતાઓ ચકાસવા માંડે. જો રોગ તરત સારો થઈ જાય એવા લક્ષણો જણાય તો એ થોડો નિરાશ થાય છે, પણ વિચિત્ર લક્ષણો હોય અને એનો તરત કોઈ ઉપાય જડે એમ ન હોય તો એ ઉત્સાહમાં આવીને તરત આગળનું કામ ચાલુ કરી દે છે. છેલ્લા ૧૦ વર્ષની મહેનતના કારણે હવે તે કરોડો રૃપિયા કમાયો છે અને મૂડી તરીકે હજુય તેની પાસે બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા અને ઈબોલા છે. ફૂકુશિમા ન્યુક્લિયર ડિઝાસ્ટર પણ તેની પાસેથી મળી શકે છે. જો સરખો ભાવ મળે તો આ તમામ રોગો વેંચી નાખવાની તેણે તૈયારી દાખવી છે. કેટલાક લોકોએ આ રોગો ખરીદવાની તૈયારી બતાવી છે, પરંતુ તેને આ રોગોની કિંમત બરાબર ખબર છે એટલે એમ સસ્તા ભાવે વેંચી નાખવાની એને કોઈ જ ઉતાવળ નથી. કેમ કે, એના માટે તો આ રોજિંદું છે. નવા નવા રોગ આવશે અને એને એની કિંમત મળતી રહેશે એ વાત એને બરાબર ખબર છે!
                                                                            * * *
રોગના નવા નામની શોધમાં રહેતા એ માણસનું નામ છે- જોન શુલ્ટ્સ. એણે રોગ વેંચીને બિઝનેસ કરવામાં મહારથ મેળવી લીધી છે. આ રોગોને તે કઈ રીતે વેંચે છે? કોઈ તેની પાસેથી રોગ શું કામ ખરીદે? રોગ વેંચીને કમાણી કેમ થાય? આ બધાનો જવાબ છે- વેબસાઇટ ડોમેન. જોન ડોમેનનો બિઝનેસ કરે છે. ખાસ તો રોગોના નામના ડોમેન સમય પારખીને રજિસ્ટર કરાવી નાખે છે અને પછી ઓનલાઇન હરાજીમાં તેની મોટી કિંમત લગાવે છે. અત્યારે ઈબોલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેણે ઈબોલા ડોટ કોમની કિંમત ૯૦ લાખ કરી છે. ૨૦૦૮માં તેણે ઈબોલાના નામે ડોમેન રજિસ્ટર કરાવી નાખ્યું હતું. એની ધારણા હતી કે ૨૦૧૦ સુધીમાં તેને બમણો ભાવ મળી જશે, પણ હવે પાંચ-છ વર્ષ પછી તેને ૧૦ ગણી કિંમત મળે એવી શક્યતા ઉજળી બની છે. એણે દાવો કર્યો છે એ પ્રમાણે ઈબોલાની વેબસાઇટ ઉપર અત્યારે દરરોજના પાંચ હજાર યુઝર્સ મુલાકાત લેતા થયા છે. જો હજુયે થોડો વખત ઈબોલાની આ સ્થિતિ રહી તો વેબસાઇટના વિઝિટર્સ વધશે અને ડોમેનના ભાવ પણ...
રોગના નામના ડોમેન રજિસ્ટર કરી રાખીને તે રોગમાં સપડાયેલા લાખો લોકોને પરેશાની ઉભી કરે છે. લોકો રોગ વિશે તરત જ ઓનલાઇન શોધવા મથતા હોય છે ત્યારે રોગના નામનું ડોટ કોમ કે ડોટ નેટ જેવું ડોમેન ઉપલબ્ધ ન હોવાના કારણે જે તે રોગની માહિતી તેમને મળતી નથી એટલે તેણે આ રોગોના ડોમેન બાબતે અક્કડ વલણ ન રાખવું જોઈએ એવી તેની ટીકા થાય છે. જેનો જવાબ આપતા જોનનું કહેવું છે કે જે તે રોગમાં લાખો-કરોડો લોકો સપડાય છે ત્યારે તબીબો શું તેની મફતમાં સારવાર કરે છે? દવા બનાવતી કંપનીઓ શું તેનો કરોડોનો બિઝનેસ જતો કરે છે? જો એ એમાંથી અબજો  રૃપિયાની કમાણી કરી શકે તો આજની જરૃરીયાત જેવા વેબસાઇટ ડોમેનમાંથી હું શું કામ કમાણી ન કરું? રહી વાત માહિતીની તો જોનના દાવા પ્રમાણે તે જરૃર પડયે પોતાની પાસે રહેલા ડોમેનમાંથી વેબસાઇટ ડિઝાઇન કરીને તેને લગતી વિગતો પણ એમાં સમાવે છે. તેને રોગમાં સપડાયેલા કમભાગી દર્દીઓ માટે ભારોભાર સહાનુભૂતિ હોવા છતાં તેનું માનવું છે કે આ તેનો બિઝનેસ છે અને એમાં તે બાંધછોડ નહીં કરી શકે.
અત્યારે પહેલી નજરે લાગે કે ઈબોલા ડોટ કોમના ભાવ વધુ ઉપજશે, પણ જોનના માનવા પ્રમાણે બર્ડ ફ્લુ તેના માટે સૌથી વધુ કમાણી રળનાર ડોમેન સાબિત થશે. તેનો રોગોનો અભ્યાસ કોઈ સંશોધક જેવો છે અને એના આધારે તે કહે છે કે 'ઈબોલા ધારીએ એવડી મહામારી સાબિત નહીં થાય. થોડાંક વર્ષોમાં તેની દવા શોધાઈ જશે'.
'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો જોન શરૃઆતમાં માત્ર નાના મોટા ડોમેન રજિસ્ટર કરીને ઓનલાઇન હરાજીમાં મૂકતો હતો, પણ હરાજીમાં રોગોના નામના ડોમેનની ડિમાન્ડ ખૂબ હતી. ખરીદનારા સામે વેંચનારા ખૂબ ઓછા હતા ત્યારથી તેણે રોગોના નામે સમયસર ડોમેન રજિસ્ટર કરાવીને કમાણી કરવાનો બિઝનેસ શરૃ કર્યો હતો. માત્ર રોગો જ નહીં, પરંતુ કોઈ દેશમાં આવી પડેલી કુદરતી હોનારતોના ડોમેન પણ તે અણસાર આવતા જ મેળવી લે છે. ઈબોલા, બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ જેવા રોગોને વેંચવા કાઢનારો આ માણસ અગાઉ ટેરર ડોટ કોમ અને આઈએસઆઈએસ ડોટ કોમ પણ વેંચી ચૂક્યો છે. વોટ યુ સે, એને સળગતી સમસ્યાઓ વેંચનારો સોદાગર ન કહી શકાય?
                                                                              * * *
જોન ભલે 'મર્ચન્ટ ઓફ ધ ડિસિસ ડોમેન' તરીકે ઓળખાતો હોય, પણ ડોમેનની બાબતમાં તેનાથી ચાર ચાસણી ચડે એવો માણસ છે. જે ડોમેન કિંગ તરીકે વિશ્વવિખ્યાત છે. નામ એનું માઇક મેન. એની પાસે અઢળક ડોમેન રજિસ્ટર થયેલા પડયાં છે. એપ્રિલ ૨૦૧૨માં તેણે એક જ દિવસમાં ૧૪,૯૬૨ ડોમેન રજિસ્ટર કરાવીને રેકોર્ડ બનાવ્યો ત્યારે તે સમાચાર માધ્યમોમાં ચમક્યો હતો. તે દરરોજના હજારેક ડોમેન રજિસ્ટર કરાવે છે અને એમાંથી ૩૦૦-૪૦૦ વેંચી પણ નાખે છે. તેની કંપની સોશ્યલ કેપિટલ એન્ટરપ્રાઇઝનો મહિનાનો બિઝનેસ ૨ કરોડને આંબી જાય છે. માત્ર ડોમેનની લે-વેંચના ટર્નઓવરનો આ આંકડો જ દર્શાવી દે છે કે તેનું કામ કેટલું મોટું હશે. નવા નવા નામના ડોમેન રજિસ્ટર કરાવવાની પોતાની શરૃઆત અંગે એક વખત તેણે કહ્યું હતું 'મારી પાસે વિભિન્ન નામના ડોમેન હોય તો મને એમ લાગે છે કે મારી પાસે આખું વિશ્વ છે, બસ આ વિચાર માત્રથી મને આ ડોમેનનો બિઝનેસ કરવામાં મજા પડે છે. આજે વિશ્વના કેટલાય મહત્ત્વના ડોમેન મારી માલિકીના છે અને એના કારણે હું કરોડો કમાઈ શકુ છું'.
માઇકે થોડા સમય પહેલા હેપ્પી બર્થ ડે ડોટ કોમ નામનું ડોમેન ૧૨ કરોડમાં વેંચવા મૂક્યું હતું. ડોમેન માર્કેટ ડોટ કોમ, ફોન ડોટ કોમ, વેબડેવલપ ડોટ કોમ, એસઈઓ ડોટ કોમ, ચેન્ડ ધ વર્લ્ડ ડોટ કોમ, ટેસ્ટી ડોટ કોમ.... જેવા કેટલાય ડોમેન તેણે વેંચવા કાઢ્યા છે. એમાંના ઘણા ખરાં તેના નામના કારણે (જેમ કે ફોન ડોટ કોમ) માઇકને કરોડો કમાવી આપશે. માઇકને ખબર કેમ પડે છે કે ક્યા નામનું ડોમેન ખરીદવું જોઈએ? જવાબ છે સતત ઉજાગરા! માઇક ૨૪ કલાકમાં માત્ર ૩-૪ કલાકોની ઉંઘ કરે છે. બાકીનો સમય એ ઓનલાઇન પસાર કરે છે. અખબારો કે ઓનલાઇન સર્ચ થઈ રહેલા શબ્દો પર તેની ચાંપતી નજર હોય છે. વિશ્વના વિભિન્ન શબ્દકોષોમાં ક્યા નવા શબ્દો સમાવાઈ રહ્યાં છે એ પણ તેના ધ્યાન બહાર રહેતું નથી હોતું. જેવું કશુંક નવું લાગે કે તરત જ ડોમેન રજિસ્ટર થઈ જાય છે. જો એ ડોમેન પહેલેથી જ કોઈકના નામે હોય તો માઇક એનો સંપર્ક શોધીને ખરીદી લે છે. જેમ કે, ૨૦૧૦માં તેણે એક હરાજીમાં સેક્સ ડોટ કોમ ડોમેન લગભગ ૬૮ કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ખરીદ્યું હતું. ત્યાર પછી મહિનાઓમાં એ જ ડોમેન તેણે ૮૦ કરોડમાં વેંચી પણ નાખ્યું હતું. આ બધી જ મહેનત પછી તેની પાસે ૪ લાખ ડોમેન નેઇમ્સ ભેગા થયા છે. મોટા ભાગના કંઈક ને કંઈક ખાસિયત ધરાવે છે. સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રોમાં એ બધા ડોમેન પોતાનું વિશેષ મૂલ્ય ધરાવે છે અને એટલે જ માઇક ડોમેન કિંગ કહેવાય છે. પોતે ડોમેન કિંગ છે છતાં એ પોતાની જાત માટે કહે છે કે હું તો માત્ર ડોમેન સટ્ટોડિયો છું, બજાર પારખતા નહીં આવડે ત્યારે કોઈ મારો ભાવ પણ નહીં પૂછે એ વાત હું બરાબર જાણું છું!
                                                                            * * *
મનગમતા ડોમેન મેળવવા એ હવે ખૂબ અઘરું બન્યું છે. એના પરિણામે જ હવે ડોટ કોમ, ડોટ નેટ અને ડોટ ઈન્ફોની જગ્યાએ વેબસાઇટના નામમાં નવા પૂંછડાં ઉમેરાતા જાય છે. ડોમેન્ડની ડિમાન્ડ પારખીને જેને બિઝનેસ કરતા આવડયો છે એના માટે તો આ કરોડોનો બિઝનેસ છે. ડોમેનની દુનિયા અંગે થોડું વધુ આવતા સપ્તાહે...

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -