Posted by : Harsh Meswania Sunday 19 October 2014


દીપાવલી-નૂતન વર્ષ એટલે મીઠાઈઓ-ફટાકડાં-દીવડાની સાથે સાથે રંગોળીનો પણ તહેવાર. ભારતીય તહેવારોમાં રંગોળીનું મૂલ્ય અનેરું અંકાતુ હતું, પણ સદીઓ જૂની આ ભારતીય પરંપરાની રંગત રંગવિહિન થવાના આરે પહોંચી છે, જેના માટે થોડાં વર્ષો પછી કહેવાશે- એક હતી રંગોળી!

નવી વહુના ગુણ જોવા હોય તો તેની રંગોળીની એક ઝલક મેળવવી પડે એવું ધારીને ગામડાં ગામમાં મહિલા વર્ગ ખાસ નવી પરણેલી વહુ જે ઘરમાં આવી હોય એ ઘરમાં 'નવા વર્ષના રામ રામ' કરવા આવે અને ગોળ ગોળ વાતો કરીને પૂછી જ લે કે આ રંગોળી નવી વહુએ બનાવી છે? રંગોળી જો સારી બની હોય તો મુલાકાતી એવું વિચારે કે નવોઢા છે તો ગુણિયલ! પણ જો રંગોળીમાં ભલીવાર ન હોય તો થોડા દિવસ 'એ સાંભળ્યું, પેલી તો કંઈ જ શીખીને નથી આવી' પ્રકારની ખોદણી પણ થાય. રંગોળી સારી બની હોય તો વડસાસુ-સાસુ-કાકી સાસુ વગેરે બહુ પોરસથી આગંતુકને બતાવે કે 'જૂઓ આ રંગોળી અમારી નવી વહુએ બનાવી છે હોં' અને એ પ્રશંસા સાંભળીને રસોડામાં એકલી એકલી કામ કરતી વહુ કામનો બોજ ભૂલીને મલકાઈ ઉઠે. એના કામનો ઉત્સાહ બમણો થઈ જાય! રંગોળી નવી વહુની ક્રિએટિવિટીનો ક્રાઇટેરિયા બની જતો. આમ પણ રંગોળી દ્વારા મહિલાઓની આવડતની પરીક્ષા અને જો એમાં સફળ થાય તો પ્રશંસા બંને થતી.
દિવાળીના તહેવારોમાં બહારથી બધુ લાવવાની જિમ્મેદારી પુરુષની રહેતી અને ઘરની સફાઈથી લઈને રંગોળી સુધીની જવાબદારી મહિલાઓ હોંશે હોંશે ઉપાડી લેતી. ફળિયામાં ગાયનું છાણ અને રાતી માટીનું ખૂબ કાળજીપૂર્વક લિંપણ કરીને તેના પર રંગોળી બનાવાતી હતી. આપણા લોકસંગીતની જેમ રંગોળી પણ એક પેઢીથી બીજી પેઢીને સહજ રીતે વારસામાં મળી જતી. જેના કારણે એ આખી પરંપરા સદીઓ સુધી જીવંત રહી શકી. દિવસો અગાઉનું આયોજન, કેવી રંગોળી બનાવવી એના વિચારો અને એ માટે રંગોની પસંદગી સહિતની બાબતોમાં ખૂબ જ ચિવટથી કામ લેવામાં આવતું. કોઈક કોઈ પ્રદેશમાં તો રંગોળીથી ઘરની સ્ત્રીઓ વીતેલા વર્ષનું સરવૈયુ આપતી, જેના આધારે મહેમાનો યજમાનની આર્થિક-માનસિક સ્થિતિનો કયાસ કાઢી લેતા.
સપરમાં દિવસે ઘરે આવનારા મહેમાનો રંગોળી જોઈને ખુશ થઈ જાય એવો ભાવ એ રંગોળીની મહેનત પાછળ રહેતો, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રંગોળી આજના વોટ્સએપ-ફેસબૂકના વાઇરલ જમાનામાં લુપ્ત થતી જતી કળા બની રહી છે. બહુ બહુ તો તૈયાર ડિઝાઈનના પતાકડાં બજારમાંથી ખરીદી લઈને એમાં રંગ પૂરીને રંગોળી બનાવ્યાનો સંતોષ મેળવી લેવાય છે. કોઈ વળી થોડો વધુ ઉત્સાહ દાખવીને રંગોળીની આખી ચોપડી જ ખરીદી લાવે છે. રંગોળીને લાગેલું ગ્રહણ એટલે ઓછી મહેનતે ફટાફટ રંગોળી બનાવી નાખવાનું આ વલણ. બજારમાં મળતા તૈયાર બીબાંમાં બિંદુ જોડીને રંગોળી બનાવી નાખવાની અને એ બૂકમાં લખેલા કલર્સ જ પૂરી દેવાનો જે  હાથવગો શોર્ટકટ છે એના કારણે ભારતની પરંપરાગત રંગોળી તરાહમાં તો મોટો તફાવત આવ્યો જ છે એ તો જાણે ઠીક, પરંતુ રંગોળી બનાવવાની કલાકોની મહેનત પછી એ જોઈને તહેવારમાં કશુંક કર્યાનો જે આનંદ આવતો એમાં તો જરૃર ઓટ આવી છે. જોકે, આ ઓટ પહેલા ભરતીનો સાગર પણ ઘૂઘવતો હતો.
                                                                                 * * *
દીપાવલી-બેસતા વર્ષની તહેવાર શ્રૃંખલાની ધાર્મિક માન્યતા રામના વનવાસ પછી અયોધ્યા આગમન સાથે જોડાયેલી છે અને રંગોળીનો ઈતિહાસ પણ એમાંથી બાકાત નથી. રામના આગમનથી હર્ષિત થયેલાં અયોધ્યાવાસીઓએ આતશબાજી કરીને આખા અયોધ્યાને શણગાર્યું હતું. ઘરના ચોગાનમાં વિભિન્ન રંગો બિછાવીને રંગોળી બનાવી હતી ત્યારથી દર વર્ષે રંગોળી બનાવવાની પ્રથા થઈ હોવાનું વ્યાપક પણે મનાય છે. રામાયણ-મહાભારત જેવા ભારતીય પૌરાણિક મહાકાવ્યોમાં રંગોળીના વર્ણનો મળે છે.
રંગોળી સાથે બ્રહ્માજીની કથા ય જાણીતી છે. ભારતના જૂનાં ચિત્રોને ટાંકીએ એક ઈતિહાસ એવો વર્ણવાયો છે કે પ્રાચીન કાળમાં એક રાજા અને તેના પ્રજાજનો રાજકુમારના અકાળ મૃત્યુુથી બહુ જ વ્યથિત હતા. બધાએ મળીને બ્રહ્માજીને આહ્વાહન કર્યું એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા. રાજાએ બ્રહ્માજી પાસે રાજકુમારના જીવનનું વરદાન માંગ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું કે રાજકુમારની પ્રતિકૃતિ સમાન ચિત્ર દોરી આપશો તો હું એમાં પ્રાણ પૂરી દઈશ. આજ્ઞાાનુસાર રાજદરબારના આંગણે જ રાજકુમારની પ્રતિકૃતિ દોરવામાં આવી, વચન પ્રમાણે બ્રહ્માજીએ પ્રાણ પૂર્યા એટલે રાજકુમાર સજીવન થયો. એ ઘટના હંમેશા માટે યાદ રાખવા માટે પછીથી એ રાજ્યમાં રંગોળી પૂરાવાની શરૃઆત થઈ અને એ રીતે રંગોળીનો ફેલાવો થયો.
                                                                                 * * *
ભારતમાં રંગોળીનો ફેલાવો એટલો બધો વ્યાપક છે કે નામ-રીત ભિન્ન હોવા છતાં તત્વતઃ રંગોળી બધે જ અલગ અલગ તહેવારોની શાન બની રહી છે.  ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રંગોળી નામ લોકજીભે ચડયું છે, પણ અન્ય રાજ્યોમાં રંગોળીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. બંગાળની રંગોળીઓમાં ચોખાનો ભરપૂર ઉપયોગ થાય છે, વળી દરિયાકાંઠેથી મળતા નાના નાના શંખ વગેરેનો ઉપયોગ થાય છે. આ રંગોળીને અલ્પના કહેવામાં આવે છે. કેરળમાં ફૂલોથી રંગોળી બને છે જેને પૂક્કલમ કહેવાય છે. રાજસ્થાનમાં માંડના તો ઉત્તરપ્રદેશમાં ચૌકા પૂરના કહેવાય છે. વળી, આધ્રપ્રદેશમાં મુગ્ગુલ, હિમાચલ પ્રદેશમાં અદૂપના, તમિલનાડુમાં કોમલ અને બિહારમાં એપન જેવા લોકબોલીના નામોથી આપણી આ રંગોળી ઓળખાય છે.
હવે તો બજારમાં કેટલા બધા પ્રકારના રંગ મળે છે, પણ જ્યારે આવી અનુકૂળતા નહોતી ત્યારે રંગોળી બનાવા ઘરેલું રંગનું સર્જન કરાતું. ચોખાનો લોટ અને ઘઊંના દાણાને અધકચરા કરીને તેનો રંગોળીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. એ પાછળનો રંગોળી બનાવવા ઉપરાંતનો હેતુ એવો હતો કે કીડીઓ-કબૂતર જેવા પક્ષીઓ સહિતના સજીવો એમાંથી તેનો ખોરાક મેળવે એટલે રંગોળીની રંગોળી થાય, સાથે સાથે આવા સજીવોનું પેટ ભરાય એટલે એ બહાને તહેવારમાં થોડું પૂણ્ય પણ મળે!
ભારતભરની રંગોળીમાં બીજી એક બાબતની સમાનતા શ્વેત રંગમાં જોવા મળે છે. અન્ય રંગોની તુલનાએ આપણી રંગોળીઓમાં શ્વેત રંગ છૂટથી વપરાય છે. દક્ષિણ ભારતમાં ફૂલોની રંગોળી બને છે એમાં ય સફેદ ફૂલોનો ઉપયોગ થાય છે. કારણ કે તહેવાર પ્રિય અને શાંતિ પ્રિય આપણે ભારતીયો શ્વેત રંગને શાંતિ-શુદ્ધતાનો રંગ ગણીએ છીએ એટલે તહેવારોમાં વધુ સમૃદ્ધિ ભળે એવો આશય પણ ખરો જ!
જીવનમાં રંગોળીનું સિમ્બોલિક મહત્વ છે. આટલા દિવસના તહેવાર દરમિયાન સતત નવી નવી રંગોળી બનાવવા પાછળ જીવનમાં સતત નવું સ્વીકારવાનો હિડન મેસેજ રહેલો છે. તહેવારોમાં આંખને ગમે એવી ડિઝાઇન અને કલર્સથી પોઝીટિવ વેવ્સ ફેલાય છે એટલે ઉમંગ બેવડાઈ જાય છે.
રંગોળી પરથી તેને દોરનારાના વ્યક્તિની ય ઝાંખી મેળવી શકાય. કેવા કલર્સ વપરાયા છે અને રંગોળીમાં દોરાયેલી આડી-અવળી રેખાઓના આધારે વ્યક્તિત્વના હિડન હકારાત્મક અને નકારાત્મક પાસાઓ પણ ઓળખાતા. ખાસ તો યુવાનીના ઉંબરે પગ મૂકતી કન્યાએ દોરેલી રંગોળી પરથી મહેમાનો તેના ગુણોને તારવી જાણતા એવું ય મનાતું હતું. રંગોળીથી ઘરમાં રહેતા લોકોની કલા તરફની રૃચિ દેખાતી, તહેવારનો ઉમંગ તેના હૈયાના કેટલો છે એનો તાગ રંગોળી જોઈને આવતો. પણ હવે તૈયાર બિંદુઓમાં રંગ પૂરીને રંગોળી જેવી ભાત પાડવાનો જે ચીલો પડયો છે એના કારણે કેટલાક વર્ષો પછી કથાનકોમાં કહેવાતું હશે- એક હતી રંગોળી...

રેકોર્ડ બૂકમાં રંગોળી

કર્ણાટકના બેેંલગાઁવમાં જ્યોતિ ચિંડક અને તેની ટીમે વેસ્ટ વસ્તુઓ એકઠી કરીને ૨૦૧૨ના મધર્સ ડે નિમિત્તે વિશ્વભરની મહિલાઓને સંદેશ આપવા ૧૯૫૮૨ સ્કવેર ફીટમાં વિશાળ રંગોળી બનાવી હતી. માત્ર આઠ જ કલાકમાં બનેલી એ રંગોળીને લાર્જેસ્ટ વેસ્ટ મટિરિયલ રંગોળી તરીકેનું સન્માન ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડે આપ્યું હતું. જોકે, આ રંગોળીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ન હતું.
ગિનિસ બૂકમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં બનેલી રંગોળીને સ્થાન મળ્યું છે. જિલ્લા એડમિનિસ્ટ્રેશનના સહકારથી ૧૫૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૫૦ હજાર કિલોગ્રામ કલરના ઉપયોગ દ્વારા માત્ર બે કલાકમાં ૨૨, ૮૬૨ સ્કવેર મીટરની રંગોળી બનાવી હતી. બેટી બચાવો આંદોલનના ભાગરૃપે બનેલી આ રંગોળીએ કેટલાક રેકોર્ડ પોતાના નામ કર્યા હતા. અગાઉનો વિક્રમ અમદાવાદમાં નોંધાયો હતો. પ્રજાપતિ બહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના પ્રયાસોથી ૨૦૧૧માં લગભગ ૨૫૦૦ સભ્યો-સ્ટૂડન્ટ્સે મળીને ૯,૦૨૮ સ્કવેર મીટર રંગોળી બનાવી હતી, જેને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

કેવા રંગોથી રંગોળી ખરા અર્થમાં રંગીન બને છે?

* લાકડાના વ્હેરને રંગીને, વિવિધ  રંગી દાળોનો ઉપયોગ કરીને, વિભિન્ન રંગી ફૂલોની પાંદડીઓ કે રંગેલા ચોખાની મદદ ઘરની સામગ્રીથી ભારતના ઘણા પ્રદેશોમાં રંગોળી બનાવાય છે. 
* ધામક સ્થાનોમાં પરંપરાનું પાલન કરીને ચોખા-ઘઉંનો લોટ, કંકુ-હળદરનું ચૂર્ણ વગેરેનો ઉપયોગ શુકનવંતી રંગોળી કરવામાં થાય છે.
* કાચા ચોખાને થોડો વખત પલાળીને પછી તેની પેસ્ટ બનાવવામાં આવે છે. કાપડના વીંટાને પેસ્ટમાં પલાળીને, તેને અનામિકા (ત્રીજી આંગળી) પર વીંટીને તેનાથી ડિઝાઈન પાડવામાં આવે છે. સૂકાયા બાદ આ સફેદ ડિઝાઈન ખૂબ સુંદર લાગે છે. રંગ ઉમેરવા માટે તેમાં કંકુ અને હળદરનો ઉપયોગ કરી થાય છે.
* ખાદ્ય રંગોને ચોખાના દાણાંમાં મેળવીને ઘેર બેઠા રંગ બનાવી શકાય છે. ખાદ્ય રંગને થોડાં પાણીમાં મેળવીને તેમાં ચોખા નાખવામાં આવે છે. ચોખાને એક સરખો રંગ લાગે ત્યાં સુધી હલાવ્યા પછી રંગેલા ચોખાને છાંયડામાં એક કાગળ પર પાથરીને સૂકાવવા મૂકી દેવાય છે. સૂકાયેલા ચોખાનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાવો.
* ગુલાબની પાંદડીઓ, ગલગોટાની પાંદડીઓ, કાગળ જેવા જાંબલી ફૂલોની પાંદડીઓ, કાપેલું ઘાસ કે પાંદડા વગેરેનો ઉપયોગ કરીને મોટાં કદની પ્રકૃતિમય રંગોળી પૂરવામાં આવે છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -