Posted by : Harsh Meswania Sunday 13 April 2014


ક્યારેય ન કરેલા ગુના માટે આરોપીએ સજા ભોગવી લીધા પછી રિઓપન થયેલા કેસમાં કોર્ટે તેનો નિર્દોષ છૂટકારો કર્યો. આરોપીને આજીવન કારાવાસ થયો ત્યારે તેની ઉંમર ૩૪ વર્ષ હતી. થોડા દિવસ પહેલા નિર્દોષ છૂટયો ત્યારે તે જીવનના ઉતરાર્ધમાં પહોંચી ચૂક્યો હતો...

તેમાની નહોતો શકતો કે આજે તે ખરેખર મૂક્ત થઈ ગયો છે. હાઈ વે પરની એક રેસ્ટોરન્ટના પાર્કિગ ઝોનમાં તેની કાર આવીને ઊભી રહી. સાથે એક બે દોસ્તો ઉપરાંત તેનો વકીલ પણ હતો. આમ તો તેને ખૂલ્લી હવાની લહેરખીનો આનંદ માણવાની બહુ ઈચ્છા થતી હતી પણ અત્યારે તો સખત ભૂખ લાગી હોવાથી પહેલા કંઈક ખાવું છે એવું તેણે ત્યાંથી નીકળતી વખતે જ મિત્રોને કહી રાખ્યું હતું. કારમાંથી બાકીના બધા બહાર નીકળ્યા, પરંતુ તે ક્યાંય સુધી એમ જ બેસી રહ્યો. તેના બહાર નીકળવાની રાહ જોતા મિત્રોમાંથી એક જણે આવીને તેને ઢંઢોળ્યો ત્યારે તેને ભાન થયું કે તે મૂક્ત છે અને કોઈના ય હુકમ વગર પોતાની મેળે જીંદગી જીવી શકે છે. તેના કાન છેલ્લા ૩૦-૩૦ વર્ષથી સતત હુકમ સાંભળવા એવા તો ટેવાઈ ગયા હતા કે હવે તેને પોતાની મેળે કશું કરી શકાય એની કલ્પના પણ વધારે પડતી લાગતી હતી. તેનું શરીર આજ્ઞાા અને સૂચના મુજબ જ કામ કરી શકે છે એવું તેને લાગ્યું.
તે કારનો દરવાજો ખોલીને બહાર આવ્યો. જમવાનું આવ્યું ત્યાં સુધી બધાએ તેનું મન હળવું કરવા દેશ-દુનિયાની આડાઅવળી વાતો કરી. ડિસમાં મૂકાયેલા ફૂડમાંથી મેટલની ચમચી વડે તેણે પ્રથમ કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેને યાદ આવ્યું કે તેણે છેલ્લે મેટલની ચમચીથી લગભગ ૩૦ વર્ષ પહેલા ખાધું હતું. એ સાથે જ ફરીથી તેના માનસપટ પર ભૂતકાળ તાજો થઈ ગયો. અત્યારે તે હોટેલમાં બેઠો હોવા છતાં તેનું ૬૪ વર્ષનું શરીર કૂદકો લગાવીને જાણે ૫ નવેમ્બર, ૧૯૮૩ના એ દિવસમાં પહોંચી ગયું. તેને લાગ્યું કે તેની સાથે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકોનો અવાજ એકાએક ધીમો થઈ ગયો છે અને પેલા પોલીસ અધિકારીનો કરડાકીભર્યો અવાજ તેના કાનમાં મોટેથી ગૂંજવા લાગ્યો છે...'અમને તો શંકા છે કે તેં જ એમને.....'
                                                                      * * *
'...પણ એવું તો બની જ કેવી રીતે શકે?' તેણે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો હોય એમ ધીમેકથી બબડયો. ઉતાવળા ડગલા ભરતો આવીને તે સીધો જ પોલીસ સ્ટેશનમાં અંદર ધસી ગયો. 'એક્સક્યુઝ મી સર! એમની સાથે આવું શી રીતે બન્યું અને કોણે કર્યું? આ બાબતે મને શું કામ બોલાવાયો છે?' તેણે હાજર પોલીસ અધિકારી સામે આશાભરી નજરે પ્રશ્ન કર્યો
'તું આટલા દિવસથી ક્યાં હતો? અમે તને જ શોધતા હતા' હાજર પોલીસ અધિકારીએ તેના તરફ સંદેહભરી નજરે જોયું.
'હું...હું... કેટલાક દિવસથી દૂરના વિસ્તારમાં કામ કરું છું અને રહેવાનું પણ ત્યાં જ રાખ્યું છે' તેણે થોથવાતા અવાજમાં જવાબ વાળ્યો. તેના ચહેરા પરની રેખાઓ અકારણ તંગ બની ગયેલી પોલીસ અધિકારીએ અનુભવી.
'કેટલા દિવસથી બહાર કામ કરે છે? તને આ ઘટનાની જાણ કઈ રીતે થઈ? તું એમને કેવી રીતે ઓળખતો હતો?' પોલીસ અધિકારીએ એક સામટા સવાલો કરીને તેને ગૂંચવી નાખ્યો.
'હું તેમને ત્યાં ક્યારેક ક્યારેક કામ કરતો હતો. એમને કામદારની જરૃર હોય અને મારી પાસે કામ ન હોય તો હું ઘણા દિવસો સુધી એમને ત્યાં કામ કરતો હતો' તેને સમજાતું નહોતું કે પોલીસ અધિકારીના કયા સવાલનો જવાબ કેવી રીતે આપવો. જે યાદ આવ્યું એ ઉત્તર વાળી દીધો.
'તું છેલ્લે એમને ક્યારે મળ્યો હતો?' પોલીસ અધિકારીએ નવો સવાલ કર્યો.
'છેલ્લે મેં એમને જોયા એને તો ઘણા દિવસો થઈ ગયા. હું એમને ક્યારે મળ્યો હતો એ મને ચોક્કસ યાદ નથી આવતું' જવાબ આપતી વખતે ય તેના મનમાં વિચાર ચાલતા હતા કે આ આખા મામલામાં પોલીસે તેને અહીં શું કામ બોલાવ્યો હશે?
'તો તારે યાદ કરવું પડશે? યાદ નથી એમ કહીને તું છટકી નહીં શકે' પોલીસ અધિકારીનો અવાજ થોડો મોટો અને સત્તાવાહી થયો.
'સર મારો વિશ્વાસ કરો! મને ખરેખર એ યાદ નથી કે હું એમને કેટલા દિવસ પહેલા મળ્યો હતો.' તેણે નરમાશથી પોલીસ ઓફિસરને ભરોસો અપાવવાની કોશિશ કરી.
'અમને તો શંકા છે કે તેં જ એમને.....' પોલીસ અધિકારી વાક્યને અધૂરું મૂકીને તેના ચહેરાને તાકી રહ્યાં.
'સ....ર...હું....એમને..કેવી...રીતે...' એ ફાટી આંખે પોલીસ અધિકારી સામે જોઈને તૂટક તૂટક શબ્દોમાં માંડ આટલું બોલી શક્યો.
'આમને આપણા મહેમાન બનાવો અને સારી રીતે ખાતિરદારી કરો' પોલીસ અધિકારીનો હુકમ છૂટયો અને એ સાથે જ બે પોલીસમેન તેને બાવડેથી ઝાલીને અંદર લઈ ગયા.
                                                                        * * *
૧૯૮૩માં લ્યુસિયાનાના શ્રેવપોર્ટમાં ઈસાડોર રોઝમેન નામના એક જ્વેલરીની હત્યા થઈ હતી. મહિનાઓ પછી હત્યાના ત્રણ કહેવાતા સાક્ષીઓ જેક અને હેનરી રોબિન્સન નામના બે ભાઈઓ અને જેકની ગર્લફ્રેન્ડ માર્વેલા બ્રાઉનના બયાનના આધારે પોલીસે ગ્લેન ફોર્ડને પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન જારી કર્યું હતું. હત્યા સમયે ઘટના સ્થળેથી જોજનો દૂર કામ કરી રહેલો ગ્લેન ફોર્ડ પહેલા ઈસાડોરને ત્યાં કામ કરતો હતો. પોલીસનું તેડું આવ્યા પછી હાજર થયેલા ફોર્ડને પોલીસે એ જ સમયે અંદર કરી દીધો હતો. શંકા અને સાક્ષીઓના આધારે ૧૯૮૪માં લ્યુસિયાની કોર્ટે તેને મૃત્યુદંડની સજા આપી હતી. પછી ફોર્ડના વકીલની અરજી ગ્રાહ્ય રાખીને તેની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવી હતી. જોકે, આરોપી ફોર્ડે ક્યારેય પોતાનો ગુનો કબૂલ કર્યો નહોતો.
છેલ્લા કેટલાંક વર્ષોથી અમેરિકામાં આવા શંકાસ્પદ કેસને રિઓપન કરવાની ઝુંબેશ ચાલે છે એના ભાગરૃપે જ ફોર્ડની ફાઇલ પણ રિઓપન થઈ હતી. ૨૦૦૯માં ફરીથી આખા કેસનું બારિકાઈથી નિરિક્ષણ કરતા વકીલો પણ ચૌંકી ગયા હતા કે સાવ સ્પષ્ટ વાત હોવા છતાં ફોર્ડને સજા જ કેવી રીતે થઈ! સાક્ષીઓ પોતે જ શંકાના દાયરામાં હતા. એક પણ રીતે ફોર્ડે ગુનો કબૂલ નહોતો કર્યો. જે તે વખતે આ ઘટના માટે વપરાયેલા હથિયારો અને એ સમયે શંકાસ્પદ રીતે ઘટના સ્થળે કહેવાતી ફોર્ડની હાજરી વિશેના એક્સપર્ટના રિપોર્ટ્સ પણ એક તરફી હતા. પોલીસે ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ સુદ્ધાં આરોપનામામાં જોડયો નહોતો. રિઓપન થયેલા કેસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે શ્વેત ન્યાયધીશોએ અશ્વેત ફોર્ડને પૂર્વગ્રહ રાખીને તેમ જ રોબિન્સન બ્રધર્સ સાથે સાંઠગાંઠ કરીને અપૂરતા પૂરાવાઓ હોવા છતાં તે સમયે મૃત્યુદંડ આપ્યો હતો. આ વાત સાબિત થયા પછી સફાયા જાગેલા ન્યાયતંત્રએ ફોર્ટને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો.
ફોર્ડ છેલ્લા ૩૦ વર્ષથી અંગોલા જેલમાં હતો. એમાં ય સાતેક વર્ષથી તો તે એકાંતવાસમાં જ રહેતો હતો. તેને નાનકડી કોટડી ફાળવી દેવામાં આવી હતી. તે દિવસ અને રાત એમાં જ પડયો રહેતો. એકલા રહેવાની આદત કેળવી ચૂકેલા ફોર્ડને આશા નહોતી કે તેને આમ અચાનક મૂક્ત કરી દેવામાં આવશે અને એ પણ નિર્દોષ. ફોર્ડ શરૃઆતમાં નિર્દોષ હોવાનું રટણ કર્યા રાખ્યું હતું, પરંતુ ત્યારે તેને સાંભળનારું કોઈ નહોતું. આજે હવે તેને આઝાદીનો શ્વાસ પણ અકળાવે છે. અચાનક આવી પડેલી મૂક્તિથી તે ચિંતિત છે. કેમ કે, હવે તેનું પહેલું કામ નોકરી મેળવવાનું અને રહેવા માટે ઘર શોધવાનું છે. ઘર તો કદાચ મળી ય જશે. પણ તેને અકળાવી જતો વિચાર એ છે કે જ્યાં કામ કરતો હતો એ માલિકની હત્યાના ગુનામાં ૩૦ વર્ષ જેલમાં કાપ્યા હોય એ માણસને નોકરીએ રાખશે કોણ? ફોર્ડના વકીલે 'અકારણ સજા કાપી હોવાના વળતર' માટે અરજી કરી છે. અમેરિકાના કાયદા પ્રમાણે સામાન્ય રીતે આવા ઓરોપીઓને વાર્ષિક ૨૫,૦૦૦ ડોલર (૧૫ લાખ રૃપિયા જેટલી રકમ)મળતા હોય છે. એ મળશે તો ફોર્ડ ઉંમરના છેલ્લા પડાવે કરોડપતિ બની જશે, પણ તેણે જેલમાં ગાળેલા મૂલ્યવાન ૩૦ વર્ષનું વળતર એ પૈસાથી ચૂકવી શકાશે ખરું?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -