Posted by : Harsh Meswania Sunday 10 February 2019


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વેલેન્ટાઈન વીકમાં આજે 'ટેડી બીઅર ડે' છે. વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ્સમાં માનભેર સ્થાન મેળવનારાં ટેડી બીઅરની જર્ની રસપ્રદ છે. ચાલો, ટેડી બીઅરની દુનિયામાં સાઈન ઈન કરીએ!

૧૪ મી નવેમ્બર, ૧૯૦૨નો દિવસ હતો.
થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા એ વાતને બરાબર બે મહિના થઈ રહ્યા હતા એટલે મિસિસિપીના ગર્વનર એન્ડ્રુ લોંગીનોએ તેમને મહેમાનગતિ માણવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આમંત્રણને માન આપીને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચ્યા. ત્યાં તેમના માટે વિવિધ આયોજનો થયા હતાં, એમાંનું એક આયોજન હતું - શિકાર કરવા જવાનું.

એ વખતે અમેરિકામાં શિકાર કાયદેસરની પ્રવૃત્તિ હતી. એમાંય કાળા રીંછના શિકારે જવું એ પરાક્રમ લેખાતું! પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચીને રીંછના શિકારમાં ઉપડયા. આખા ગ્રુપમાં પ્રેસિડેન્ટ, ગર્વનર ઉપરાંત અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ય હતા. એમાંના ઘણાં રીંછનો શિકાર કરી શક્યા, પરંતુ ઘણી રઝળપાટ પછી ય પ્રમુખ રૂઝવેલ્ટની નજરમાં એકેય રીંછ ન ચડયું.

પ્રેસિડેન્ટના હાથે શિકાર થતો ન હતો એટલે સહાયકો મદદે આવ્યા. હોલ્ટ કોલિનર નામનો એક સહાયક અઠંગ રીંછ શિકારી ગણાતો. પ્રેસિડેન્ટ મિસિસિપી સુધી આવે અને રીંછનો શિકાર હાથ ન લાગે તો તો બદનામી થશે એવા વિચારે હોલ્ટે આખો મામલો હાથમાં લીધો. થોડીવારમાં તે એક રીંછને પકડી લાવ્યો. પ્રેસિડેન્ટ જ્યાં થાક ખાવા ઉભા હતા ત્યાં પહોંચીને હોલ્ટે એ રીંછને નજીકના ઝાડ સાથે બાંધી દીધું અને પ્રમુખને કહ્યું : 'સર! આ રહ્યો તમારો શિકાર, વીંધી નાખો!'

જો પ્રેસિડેન્ટ આ રીતે શિકાર કરી નાખે તો શિકારનો કાર્યક્રમ પૂરો જાહેર થાય અને બધા ખાવા ભેગા થાય, એમ વિચારીને બધાએ સહાયક હોલ્ટના આઈડિયાને સમર્થન આપ્યું. ગર્વનરે ય પ્રેસિડેન્ટને પાનો ચડાવ્યો. પરંતુ એ કોઈ શિખાઉ શિકારી નહોતા કે પકડેલા રીંછનો શિકાર કરે, એ થિયોડોર રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ બન્યા તે પહેલાં વિખ્યાત 'બીગ ગેમ હન્ટર્સ'માં તેમનું નામ હતું. દુનિયાભરમાં રઝળપાટ કરીને શિકાર કરનારા રૂઝવેલ્ટને આ રીતે શિકાર કરવો યોગ્ય ન લાગ્યો. તેમણે સહાયક હોલ્ટના આ આઈડિયાને નકારી દીધો અને એ દિવસનો શિકારનો કાર્યક્રમ ત્યાં જ અટકાવી દીધો.
પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને સર્જેલું પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ અને રીંછનું કાર્ટૂન
એ ઘટનાની નોંધ બીજા દિવસે અખબારોમાં લેવાઈ. અમેરિકાના અખબારોએ દિવસો સુધી પ્રેસિડેન્ટની એ ખેલદિલીની પ્રશંસા કરી. પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને આ ઘટનાથી પ્રેરાઈને વૉશિંગ્ટન પોસ્ટમાં એક કાર્ટૂન બનાવ્યું, જેમાં સહાયક હોલ્ટ રીંછને પકડીને ઝાડ સાથે બાંધવા જઈ રહ્યો છે અને રૂઝવેલ્ટ હાથના ઈશારાથી પાછળ ફરીને તેને એમ કરતા અટકાવે છે, તે દૃશ્ય ખડું થયું હતું. એ દૃશ્યમાંથી 'ટેડી બીયર'નો વિચાર જન્મ્યો.
                                                                          *** 
બ્રુકલીનમાં રમકડાં અને નોવેલ્ટી શોપ ધરાવતા મોરિસ મિક્ટોમ અને તેની પત્ની રોઝે આ ઘટનાના રમૂજી લેખ્યો વાંચ્યા હતા. એમાં ક્લિફોર્ડ બેરીમેનનું કાર્ટૂન આવ્યું એ ય મોરિસ અને રોઝના ધ્યાનમાં ચડયું. કાર્ટૂન જોયા પછી બંનેને એક રમકડું બનાવવાનો વિચાર આવ્યો.

રેશમી સુતરાઉ કાપડની મદદથી આ દંપતીએ રીંછના આકાર-દેખાવનું એક રમકડું બનાવ્યું. બાહ્મ દેખાવ રીંછ જેવો રાખીને એમાં તકિયામાં નાખવાની બધી સામગ્રી ભરી. ટેકનિકલી જેને આજે સ્ટફ્ડ એનિમલ ટોય કહેવાય છે એવું આ નરમ-મુલાયમ રમકડું મિક્ટોમ દંપતીએ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને મોકલ્યું અને સાથે એ રમકડાંને પ્રેસિડેન્ટનું નામ આપવાની પરવાનગી માગતો પત્ર ય જોડયો. 

રૂઝવેલ્ટના પૌત્ર કીમે મિક્ટોમ દંપતીએ બનાવેલા સૌપ્રથમ ટેડી બીઅરની જાળવણી કરી હતી.
2000માં કીમનું નિધન થયું તે પછી એ ટેડી સ્મિથસોનિયન મ્યુઝિયમમાં સચવાયું છે
પ્રેસિડેન્ટને એ રમકડું ખૂબ ગમ્યું. નવતર પ્રકારના આ રીંછના રમકડાંને પોતાનું નામ આપવાની પણ પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટે પરવાનગી આપી દીધી. પ્રેસિડેન્ટની પરવાનગી સાથેનો વળતો પત્ર મળ્યો પછી મિક્ટોમ દંપતીએ એ રમકડાંનું ઉત્પાદન શરૂ કરીને નોવેલ્ટી શોપમાં વેંચવા મૂક્યાં અને તેને પ્રેસિડેન્ટના નામ ઉપરથી નામ આપ્યું : Teddy's bear.

Teddy's bear એટલે કે પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું રીંછ! થિયોડોર રૂઝવેલ્ટનું નિકનેમ 'ટેડી' હતું. આમ તો પ્રમુખ રૂઝવેલ્ટને ટેડી એવું હુલામણુ નામ બહુ ગમતું નહીં, પરંતુ એ દિવસોમાં અખબારો ય રમૂજમાં ટેડી લખતા હતા અને શિકારની એ ઘટના પછી તો પ્રમુખને ટેડી નામથી સંબોધીને ઘણાં હળવા લેખો પ્રસિદ્ધ થયા હતા. રમૂજનો માહોલ સર્જાયો હતો એટલે એ હળવાશને ધ્યાનમાં રાખીને જ કદાચ પોતાને ન ગમતા હુલામણા નામ ઉપરથી રમકડાંનું નામ પાડવાનો પ્રસ્તાવ આવ્યો એ તેમણે સ્વીકારી લીધો.

મિક્ટોમ દંપતીએ નોવેલ્ટી સ્ટોરમાં વેંચવા મૂકેલા રમકડાં Teddy's bear એટલાં તો પોપ્યુલર થઈ ગયાં કે એ સ્ટાઈલથી અન્ય વેપારીઓ પણ એવા રમકડાં બનાવવા માંડયાં. પછી તો ડોગ-કેટ-હાથી વગેરે પ્રાણીઓના આકારના ય રમકડાં માર્કેટમાં મળતા થઈ ગયાં.

પાંચ વર્ષ પછી ૧૯૦૭માં મોરિસ અને રોઝે આઈડીયલ નોવેલ્ટી એન્ડ ટોય કંપની બનાવીને મોટાપાયે ટેડી બીઅરનું ઉત્પાદન શરૂ કર્યું. એને એટલી તો સફળતા મળી કે એક દશકામાં મોરિસ રમકડાંના મોટા બિઝનેસમેન બની ગયા. ૧૯૩૮માં ૬૮ વર્ષની વયે મોરિસ મિક્ટોમનું નિધન થયું ત્યારે તેની કંપની ટેડી બીઅર બનાવતી અમેરિકાની સૌથી મોટી કંપની હતી.

શરૂઆતમાં આવા રમકડાં Teddy's bear નામથી ઓળખાતા હતા, પણ પછી એનું નામ ગ્રાહકોએ એનું અનુકૂળતા પ્રમાણે માત્ર Teddy's bear કરી નાખ્યું.

મોરિસ અને રોઝને જે સમયગાળામાં ટેડી બીઅર બનાવવાનો વિચાર આવ્યો હતો એવો જ વિચાર લગભગ એ જ ગાળામાં આ બંનેથી જોજનો દૂર રહેતા બીજા ય એક ડીઝાઈનરે આવ્યો હતો.
                                                                          ***
જર્મનીમાં દર વર્ષે લીપઝીગ ટ્રેડ ફેર યોજાય છે. ૧૯૦૩માં યોજાયેલા એ ફેરમાં એક રમકડાંએ આકર્ષણ જમાવ્યું હતું. એ રમકડાંનું નામ હતું - સ્ટેઈફ બીઅર. જર્મન ટોય ડીઝાઈનર રીચાર્ડ સ્ટેઈફને ય રીંછ જેવું રમકડું બનાવવાનો વિચાર એ જ ગાળામાં આવ્યો હતો.

આમ તો રીચાર્ડ કિશોરાવસ્થાથી ફઈની ટોય મેકિંગ એન્ટરપ્રાઈઝમાં આવડે એવું કામ કરતો હતો. રીચાર્ડ કોલેજમાં હતો એ ગાળામાં વારંવાર ઝુની મુલાકાતે જતો. એ દરમિયાન આવું રમકડું બનાવવાનો વિચાર તેને આવ્યો. વિચાર પ્રમાણે ડ્રોઈંગ્સ કર્યા પછી એમાંથી તેણે બીઅરનું રમકડું બનાવ્યું હતું.


રીચાર્ડ સ્ટેઈફે બનાવેલા ટેડી બીઅરની પ્રતિકૃતિ જર્મનીના સંગ્રહાલયમાં સચવાઈ છે
 ટ્રેડ ફેરમાં રજૂ થયેલું તેનું આ બીઅર ખૂબ પ્રશંસા પામ્યું. તેણે એ જ અરસામાં સ્ટેઈફ ટોય્ઝ કંપની બનાવી. કંપનીને ધારી સફળતા મળી. બીજા વર્ષે તો તેણે એ મેળામાં હજારો સ્ટેઈફ બીઅર વેંચ્યાં અને સૌથી સફળ બિઝનેસમેન તરીકે ગોલ્ડ મેડલ ય મેળવ્યો.

જ્યારે રીચાર્ડે સ્ટેઈફે બીઅર બજારમાં મૂક્યું ત્યારે તેને ટેડી બીઅર વિશે કોઈ જ અંદાજ નહોતો. જેમ મોરિસ અને રોઝને કાર્ટૂન જોઈને વિચાર આવ્યો હતો, એમ રીચાર્ડને ઝૂમાં રીંછ જોઈને વિચાર આવ્યો હતો. પરંતુ મોરિસ અને રોઝની સ્ટોરી સાથે પ્રેસિડેન્ટનું નામ જોડાયેલું હતું એટલે કદાચ તેમને ટેડી બીઅરના સૌથી પહેલાં ઉત્પાદક તરીકેનું સન્માન મળે છે.

બીજી તરફ રીચાર્ડે ૧૯૦૩માં એટલે કે મોરિસ અને રોઝે વેંચાણ શરૂ કર્યું તેના એક વર્ષ પછી સૌપ્રથમ વખત જાહેરમાં એ ટોયને વેંચવા મૂક્યું હતું એટલે તેની શોધ મૌલિક હોવા છતાં પાછળ હતી. તે હિસાબે ય તેને ટેડી બીઅરના ઉત્પાદક કરતા ટેડી બીઅરને વધુ અસરકારક બનાવનારા ડીઝાઈનર તરીકેનું સન્માન મળે છે.

બંને ડીઝાઈનરોએ એક બીજાની ડીઝાઈન જોઈ હોય એવો રેકોર્ડ ક્યાંક નોંધાયો નથી એટલે બંનેએ પોત-પોતાની રીતે ટેડી બીઅર ટોય બનાવ્યું હતું, એમ ટોય્ઝ હિસ્ટ્રીનું સંશોધન કરનારા સંશોધકોએ સ્વીકાર્યું છે.

પરંતુ જગતભરમાં સ્ટેઈફ બીયર તરીકે આ રમકડું જાણીતું ન થયું, પ્રેસિડેન્ટના નિકનેમથી પ્રેરિત આ રમકડાના નસીબમાં ટેડી બીઅર નામથી પ્રસિદ્ધિ લખી હતી! દુનિયાભરમાં એક સદી પછી આ નામ સ્ટફ્ડ એનિમલ ટોયનો પર્યાય બની ગયું છે. બાળકોને અતિ પ્રિય એવા આ રમકડાંનો વ્યાપ હવે વધ્યો છે. ટેડી બીઅર આજે માત્ર બાળકોનું રમકડું નથી રહ્યું પરંતુ લવ સિમ્બોલ બની ગયું છે.
                                                                   ***
વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલી રહી છે અને આજે ટેડી બીઅર ડે ઉજવાઈ રહ્યો છે. વિભિન્ન રંગ-કદના ટેડી ખરીદીને ગર્લફ્રેન્ડ-વાઈફને આપવાનો આ દિવસ છે! એક સદી પહેલાં તે માત્ર બાળકોનું રમકડું હતું, પણ હવે અસંખ્ય વેરાયટીમાં અવેલેબલ ટેડી બીઅર દુનિયાભરના યંગસ્ટર્સમાં મોસ્ટ પોપ્યુલર ગિફ્ટ ગણાય છે.

વિશ્વમાં બનતા કુલ ટેડી બીઅરમાંથી ૬૦ ટકા બાળકો સુધી પહોંચે છે અને બાકીના ૪૦ ટકા ટેડી ૨૦ વર્ષથી ઉપરની વયના લોકો સુધી પહોંચે છે. કોઈને લવ-સિમ્પથી-શુભેચ્છા પાઠવવી હોય તો ટેડી ઉપર પસંદગી ઉતરે છે.

ટેડીને લગતા કેટલાય વિક્રમો બન્યા છે, કેટલાય તૂટયા છે. બસ્સો-પાંચસો રૂપિયાથી લઈને ટેડીની પ્રાઈઝ હજારો સુધી પહોંચે છે, અરે લાખોમાં ય તેની કિંમત બોલાય છે. હરાજીમાં ય ટેડીની એક અલગ દુનિયા છે. એમ તો ટેડીએ માણસની જેમ અવકાશની યાત્રા કરી લીધી છે. ડિસ્કવરી સ્પેસ શટલમાં એક ટેડી બીઅરને અવકાશની યાત્રા કરવાની તક પણ મળી હતી!

અચ્છા, બાળકોનું આ રમકડું કેવી રીતે લવગિફ્ટ બની ગયું? જવાબ તો કદાચ કોઈ પાસે નથી, પણ એના તાર વધુ એક વખત પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સુધી પહોંચે છે! ટેડી બીઅર પોપ્યુલર બન્યાના થોડાંક વર્ષો પછી એક લગ્ન સમારોહ યોજાયો હતો. એમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હાજર હતા અને લગ્નમંડપ ૩૦૦૦ ટેડી બીઅરથી શણગારવામાં આવ્યો હતો.

એ પછી વિવાહ વખતે ટેડીની હાજરી દર્જ થવા માંડી હતી, જે આજે વેલેન્ટાઈન્સ ડે સુધી પહોંચી છે. ટેડી બીઅરના સર્જનમાં રૂઝવેલ્ટનો આડકતરો ફાળો હતો, એમ લવબર્ડ્સ વચ્ચે ટેડીને સન્માનપૂર્વક બેસાડવામાં ય પ્રેસિડેન્ટ ટેડીનો આડકતરો ફાળો હોય તો કહેવાય નહીં! શું કહો છો?
વેલ, 'ડીઅર'ને ટેડી 'બીઅર' આપવાના દિવસની શુભેચ્છા!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -