Posted by : Harsh Meswania Sunday 8 December 2019


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેલ્મેટ સદીઓથી યોદ્ધાઓના માથે શોભતું હતું. ચારેક દશકાથી હેલ્મેટે બાઈકચાલકોના માથે જગ્યા લીધી, પણ આમ જુઓ તો બાઈક અને હેલ્મેટનું જોડાણ સાવ નવું ય નથી!

યુદ્ધોમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત ક્યારથી થઈ હશે, તેના વિશે અપાર મતમતાંતરો છે. ઈ.સ. પૂર્વ ૯૦૦ આસપાસના સમયગાળામાં સૈનિકો હેલ્મેટ પહેરીને જંગે ચડતા હોવાના પુરાવા સંશોધકોએ એકઠાં કર્યા છે. બાલ્ટિમોરમાં ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ગ્રીક સૈનિકો જે હેલ્મેટ પહેરતાં હતા, એ હેલ્મેટ પ્રદર્શનમાં પણ મૂકાયું છે. ઈ.સ. પૂર્વ ૧૫૦૦-૧૬૦૦ આસપાસ તો રાજાઓ અને સેનાપતિઓ હાથીદાંતમાંથી બનેલા હેલ્મેટ પહેરતા હોવાના દસ્તાવેજો પણ શોધી કાઢવામાં આવ્યાં છે.

ત્રણ, સાડા ત્રણ હજાર વર્ષથી સૈનિકો-સેનાપતિઓ-રાજાઓ પોતાની ક્ષમતા અને જરૂરિયાત પ્રમાણેના હેલ્મેટ પહેરતાં હોવાનો રેકોર્ડ નોંધાયો છે. ભીંતચિત્રો, ચિન્હોનો અભ્યાસ કરનારા સંશોધકોએ તો એનાથી ય અગાઉ છેક ઈ.સ. પૂર્વ ૨૨મી ૨૩મી સદીમાં પણ યુદ્ધ કે રાજદરબારના ખાસ અવસરો વખતે હેલ્મેટ પહેરાતા હોવાનો અંદાજ બાંધ્યો છે. લોખંડ-પિત્તળ ઉપરાંત ચામડાંમાંથી બનેલાં હેલ્મેટ સૈનિકો-સેનાપતિઓ પહેરતા હતા.
2600 વર્ષ જૂનું આ પિત્તળનું હેલ્મેટ ઈઝરાયેલની હાઈફાની ખાડીમાંથી 2007માં મળી આવ્યું હતું

દુનિયાભરના સૈનિકો આજેય જરૂરિયાત અને વાતાવરણને અનુરૂપ હેલ્મેટ પહેરે છે. યુદ્ધના હેલ્મેટની ડિઝાઈન-આકાર અલગ હોય છે. એને સામાન્ય રીતે કોમ્બેટ હેલ્મેટ કહેવામાં આવે છે. બાઈકચાલકના હેલ્મેટ કરતા એ ઘણાં અલગ હોય છે. સદીઓ સુધી હેલ્મેટ માત્ર સૈનિકોના ખપમાં જ આવતાં રહ્યાં.

૧૮મી સદીમાં શિકારીઓ હેલ્મેટ પહેરવા લાગ્યા હતા. કારખાનાઓમાં ય સલામતી માટે ટોપી જેવડાં આકારના અને વજનમાં હળવા હેલ્મેટ ૧૯મી સદીના છેલ્લાં દશકામાં મજૂરોને અપાતા. બરાબર એ જ અરસામાં મોટરસાઈકલની શોધ થઈ. ૧૮૭૦ આસપાસથી શરૂ થયેલાં મોટરસાઈકલ બનાવવાના છૂટાછવાયા પ્રયોગોને આખરે ૧૮૮૫ પછી ધારણા પ્રમાણેની સફળતા મળવા લાગી. ૧૯મી સદીના અંતમાં મોટરસાઈકલનું કમર્શિયલ મોડેલ ઉપલબ્ધ બન્યું, પણ ત્યારે હજુ મોટરસાઈકલ સવારના માથામાં હેલ્મેટનો વજન આવવાને થોડાંક દશકાની વાર હતી!
                                                                    ***
૧૯૦૭માં ઈંગ્લેન્ડમાં પહેલો મોટર રેસિંગ ટ્રેક બન્યો. બ્રુકલેન્ડ્સ નામના આ ટ્રેકમાં મોટરસાઈકલ સવારો વચ્ચે હોડ જામતી. એનું આકર્ષણ દુનિયાભરના બાઈકચાલકોને રહેતું. વર્લ્ડ રેકોર્ડ સર્જાતા હતા એટલે મીડિયામાં પણ આ સ્પર્ધાને સારી એવી પ્રસિદ્ધિ મળતી. જ્યોર્જ સ્ટેન્લી નામના બ્રિટિશ મોટરસાઈકલ ચાલકે એક કલાકમાં ૯૭ કિલોમીટરનું અંતર પૂરું કરીને ૧૯૧૨માં ઈતિહાસ સર્જ્યો. એના બીજા જ વર્ષે એક કલાકમાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપવાનો વિક્રમ પેર્સી લેમ્બર્ટ નામના સાહસિકે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ્સ પછી બ્રુકલેન્ડ્સની સ્પર્ધા જગવિખ્યાત થઈ ચૂકી હતી.

ક્યારેક ક્યારેક ટ્રેક ઉપર બાઈક ચાલકો વચ્ચે નાની-મોટી ટક્કર પણ થતી. માથામાં ગંભીર ઈજા થયાના બનાવો બહુ બનતા, પરંતુ એનો તત્કાલ ઉપાય કરવાનું કોઈએ વિચાર્યું નહી. ૧૯૧૪ની રેસ વખતે બાઈકચાલકો ટકરાયા. બે-ત્રણ ચાલકોને માથામાં ગંભીર ઈજા થઈ. સારવાર માટે ડૉક્ટરને હાજર રાખવામાં આવતા. એ વખતે મેડિકલ ઓફિસર તરીકે ડૉ. એરિક ગાર્ડનર ત્યાં હાજર હતા. અગાઉ પણ ડૉ. એરિકે આ રેસમાં મેડિકલ ઓફિસર તરીકે હાજરી આપી હતી અને ત્યારે ય સ્પર્ધકોની ટક્કરમાં મોટાભાગે માથામાં ઈજા થતી હોવાનું નોંધ્યું હતું.

ડૉ. એરિકે એનો કંઈક કાયમી ઉપાય કરવાનું વિચાર્યું. મોટરસાઈકલના હેલ્મેટની ડિઝાઈન અને હેલ્મેટ પહેરવાથી સ્પર્ધકોને થનારા ફાયદાની રૂપરેખા ડૉ. એરિકે બ્રિટનના ઓટો-સાઈકલ યુનિયન સમક્ષ રજૂ કરી. જેમ નવી બાબતમાં થાય એમ પહેલાં તો આ રૂપરેખાને નકારી દેવામાં આવી. હેલ્મેટની કોઈ જ જરૂરિયાત ન હોવાનું સભ્યોએ કહ્યું. અમુક સભ્યોએ તો ડૉ. એરિકને સલાહ આપી - 'જેટલું કામ સોંપવામાં આવે છે એટલું જ કામ કરો. વધારાના કામનું કોઈ જ વળતર આપવામાં આવશે નહીં, એટલે મહેનત ન કરો!'

પણ રહી રહીને સેફ્ટીનો મુદ્દો ધ્યાનમાં આવતા થોડાંક દિવસ પછી યુનિયને ફરીથી ડૉ. એરિકને મળવા બોલાવ્યાં. તેમની ડિઝાઈન પ્રમાણે હેલ્મેટ તૈયાર થયાં અને મોટરસાઈકલની ટૂરિસ્ટ ટ્રોફીની (ટીટી) સ્પર્ધામાં બધા જ સ્પર્ધકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દીધા. એ સાથે જ મોટરસાઈકલ ચાલકોના માથાનો ભાર વધી ગયો, પરંતુ આયોજકો માટે સ્પર્ધકોની સેફ્ટીનો ભાર હળવોફૂલ થઈ ગયો. યોદ્ધાના માથા ઉપરથી હેલ્મેટને બાઈકચાલકના માથામાં પહેરાવનારા ડો. એરિકનું બ્રિટિશ ઓટો સાઈકલ યુનિયને સન્માન કર્યું.

૧૯૦૭માં શરૂ થયેલા ટ્રેકમાં દર વર્ષે સ્પર્ધકોને ઈજા થતી. ઘણાં બાઈકચાલકોને માથામાં ગંભીર ઈજાઓ થતી અને પછી હંમેશા માટે મોટરસાઈકલ ટ્રેક છોડી દેવો પડતો. બે-ત્રણ બનાવો દર વર્ષે બનતા, પણ ૨૦૧૪ની ટૂરિસ્ટ ટ્રોફીમાં એકાદ સ્પર્ધકને માત્ર જરા સરખી ઈજા થઈ હતી. કોઈને ય ગંભીર ઈજા થઈ ન હતી અને એમાં ય માથામાં વાગ્યું હોય એવો એકેય સ્પર્ધક એ ટૂર્નામેન્ટમાં નોંધાયો ન હતો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણે મોટરસાઈકલ સ્પર્ધા તો ૧૯૨૦ સુધી બંધ રહી, પરંતુ મોટરસાઈકલ ચાલકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ થોડી થોડી આવવા માંડી હતી.
                                                                     ***
૧૯૩૫માં બ્રિટનમાં બનેલી એક ઘટનાએ જાણે હેલ્મેટ પહેરવાનું વાતાવરણ સર્જી દીધું. બ્રિટનના ખૂબ જાણીતા લશ્કરી અધિકારી, પુરાતત્વવિદ્, લશ્કરી વ્યૂહરચનાકાર, ડિપ્લોમેટ, લેખક જેવી અનેકાનેક ઓળખ ધરાવતા થોમસ લોરેન્સ મોટરસાઈકલ ચલાવીને જતા હતા. એ વખતે બે બાળકો વચ્ચે પડયા. બાળકોને બચાવવા જતાં લોરેન્સ બાઈક સાથે ખાડામાં જઈ પડયા.

તુરંત સારવાર તો મળી ગઈ, પણ માથામાં ગંભીર ઈજા થઈ. કોમામાં સરી પડયા પછી એકાદ સપ્તાહમાં મૃત્યુ પામ્યા. તેમણે હેલ્મેટ પહેર્યું હોત તો બચી ગયા હોત એવું ડોક્ટરનું નિવેદન રજૂ થયું પછી તો જાણે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવો માહોલ સર્જાયો. તેમની સારવાર કરનારા ડોક્ટર હ્યુ કેર્ન્સે આ ઘટના પછી હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા બાઈકચાલકો વિશે એ જ વર્ષે વિગતવાર સંશોધન હાથ ધર્યું.

મોટરસાઈકલ અને હેલ્મેટને લગતું એ દુનિયાનું પહેલું સંશોધન હતું. એમાં તેમણે ભારે મહેનત કરીને અકસ્માત દરમિયાન હેલ્મેટ પહેરવાના કારણે માથામાં ઓછી ઈજા થઈ હોવાથી જેમના જીવ બચી ગયા હતા, એવા લોકોનો આંકડો આપ્યો અને તેમનું નિરીક્ષણ પણ રજૂ કર્યું. આ ઘટના પછી બ્રિટિશ સરકારે સૈનિકો માટે તેમ જ નાગરિકો માટે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની ભલામણ કરી અને હળવાં નિયમો પણ ઘડ્યા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં પણ સૈનિકો અને નાગરિકોની સેફ્ટીને લગતાં સંશોધનો થયાં. મોટરસાઈકલનો વધતો વ્યાપ અને અકસ્માતોનું પ્રમાણ જોઈને અમેરિકાના ઘણાં રાજ્યોમાં હેલ્મેટ પહેરવાની ભલામણો કરવામાં આવી. એ વખતે આજની તુલનાએ કાર અને ટ્રકનું પ્રમાણ ઘણું ઓછું હતું એટલે બાઈકને ટક્કર લાગવાના બનાવો ઘણાં ઓછા હતા. પરંતુ ૧૯૬૦ પછી એકાએક બાઈકના અકસ્માતો વધી ગયા.

અમેરિકાના ઘણાં રાજ્યોમાં મોટરસાઈકલ ચાલકે હેલ્મેટ પહેરવાનો કાયદો બન્યો. હેલ્મેટ પહેરવાની ભલામણ કરનારા બ્રિટને તો છેક ૧૯૮૫માં ફરજિયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો. ૧૯૮૦ પછી યુરોપના ઘણાં દેશોમાં હેલ્મેટનો કાયદો અમલી બન્યો હતો. ૧૯૯૩માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ બાઈકચાલક માટે હેલ્મેટ ફરજિયાત કરાયું હતું.

પણ હકીકત એ છે કે ચીન, જાપાન, ફ્રાન્સ, રશિયા સહિતના મોટાભાગના દેશોમાં હેલ્મેટનો કાયદો ૨૧મી સદીની શરૂઆતમાં ઘડાયો હતો. 'સેફ્ટી માટે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ' એવી ભલામણની લગભગ એક સદી પછી દુનિયામાં માંડ હેલ્મેટનો કાયદો અમલી બન્યો છે. એમાંય અસરકારક રીતે કાયદાનું પાલન કરતા દેશો તો માંડ ૨૦ ટકા જ છે. સેફ્ટીના કાયદામાં છટકબારીઓ શોધતા નાગરિકો માત્ર ભારતમાં જ છે એવું નથી, જગતભરમાં છે; બહુમતીમાં છે!
                                                                     ***

માથાની ઈજા ૭૦ ટકા ઘટે છે

શરૂઆતમાં લેધર અને લાકડામાંથી બનેલું હેલ્મેટ બાઈકચાલકો પહેરતા હતા. એવું જ હેલ્મેટ સાઈકલની રેસમાં પણ ખેલાડીઓ પહેરતા હતા. ત્યારે આજના જેવા રોડ ન હતા એટલે વાહનની ટક્કરથી જ બચવાનો સવાલ હતો. આજે વાહનની ટક્કર ઉપરાંત મજબૂત રોડ સાથે ટકરાવ થવાથી પણ બચવાનું હોવાથી સ્ટ્રોંગ મટિરિયલની જરૂર પડે છે.

૭૦ના દશકા સુધી હેલ્મેટ સોફ્ટ લેધર મટિરિયલમાંથી જ બનતા હતા. મેટલનો ઉપયોગ તે પછી શરૂ થયો. ૧૯૮૦ પછી હેલ્મેટની ડિમાન્ડ વધી એટલે કંપનીઓ પણ વધી. આંતરિક સ્પર્ધાના કારણે ગ્રાહકોને સારું મટિરિયલ મળવા લાગ્યું હતું. દરેક દેશમાં હેલ્મેટ માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ બનાવાયા છે. આપણાં દેશમાં ચાલતા હોય એવા મટિરિયલમાંથી બનેલું હેલ્મેટ બીજા દેશમાં ન પણ ચાલે એવું ય શક્ય છે.

એકથી વધારે સંશોધનો કહે છે કે હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવાથી માથાની ઈજાનું જોખમ ૭૦ ટકા સુધી ઘટી જાય છે અને માર્ગ અકસ્માત પછી મોતનું જોખમ ૪૨ ટકા સુધી ઓછું થઈ જાય છે. અકસ્માતનો ભોગ બનનારા બાઈકચાલકોમાંથી ૩૩ ટકાના નાક હેલ્મેટના કારણે સલામત રહે છે.

                                                          ***

બાઈસિકલ હેલ્મેટ

સૈનિક અને બાઈકચાલકના હેલ્મેટ કરતા બાઈસિકલ હેલ્મેટ અલગ મટિરિયલમાંથી, જુદી રીતે બને છે. બાઈસિકલ શારીરિક એક્ટિવિટીના ભાગરૂપે થાય છે. પરિવહનના હેતુથી તેનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ થતો હોવાથી તેમાં બાઈકની તુલનાએ હાઈવે પર અકસ્માતનો ખતરો ઓછો છે.

સાઈકલ સવાર માટેના હેલ્મેટ માત્ર માથાનો ઉપરનો હિસ્સો ઢંકાય એવડાં જ હોય છે. ચહેરા અને કાનથી નીચેનો હિસ્સો ખુલ્લો રહે છે. અમેરિકામાં સાઈકલચાલકના હેલ્મેટ પોપ્યુલર થયા હતા. સાઈકલ રેસિંગની સ્પર્ધામાં સ્પર્ધકો હેલ્મેટ પહેરતા પણ ફિટનેસ એક્ટિવિટીના કારણે સાઈકલ ચલાવતા લોકો ખાસ હેલ્મેટ પહેરવાનો ઉમળકો બતાવતા ન હતા. આપણે ત્યાં તો હજુય એવો ઉમળકો જોવા મળતો નથી. અમેરિકન કંપની બેલ સ્પોર્ટ્સે ૧૯૯૧માં સાઈકલચાલકો માટેના હેલ્મેટની આખી રેન્જ ઉપલબ્ધ કરાવી હતી તે પછી વજનમાં હળવા બાઈસિકલ હેલ્મેટ વધારે લોકપ્રિય થયા હતા.

આ કંપનીએ જ પછી બાળકો માટેની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવી હતી. બાળકોની સેફ્ટી માટે ૧૯૯૫ પછી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ બાઈસિકલ હેલ્મેટની કેમ્પેઈન ચલાવી હતી, જેના કારણે સાઈકલના વેંચાણ સાથે હેલ્મેટ્સ પણ ફરજિયાત આવતાં થયાં હતા. અમેરિકા ઉપરાંત ઘણાં યુરોપિયન દેશોમાં પણ બાઈકચાલક માટે જેમ હેલ્મેટના નિયમો છે, એમ બાઈસિકલ ચાલકો માટે ય હેલ્મેટના નિયમો ઘડાયા છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -